Opinion Magazine
Number of visits: 9680408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનુષ્ય કરતાં કુદરત હંમેશાં આગળ રહી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 January 2021

કુદરતનો એક અર્થ ઇશ્વરીશક્તિ એવો પણ છે, જે ઈશ્વર હોવાનો સંકેત કરે છે. ઈશ્વર કહીએ તો કયો ઈશ્વર અને કોનો ઈશ્વર એ પ્રશ્ન આવે. એ આવે એટલે ધર્મ આવે. ધર્મ અનેક છે ને એના સ્થાપકો પણ અનેક છે. વળી ધર્મ પહેલાં પણ મનુષ્ય હતો અને એના પહેલાં પણ કુદરત, પ્રકૃતિ ને સૃષ્ટિ હતી એ પણ એટલું જ સાચું છે. એટલે એ બધાંમાં પડવા કરતાં એટલું સ્વીકારીએ કે મનુષ્ય પહેલાં આ બ્રહ્માંડ હતું ને કોઈ વિરાટ શક્તિ એવી હતી અને છે જે એનું સંચાલન કરે છે. એને ઈશ્વર કહો કે કુદરત, બંને સ્વીકાર્ય છે. વળી ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી એમ કહીએ તો પ્રશ્ન એ આવે કે ઈશ્વરની રચના કોણે કરી ને એનો જવાબ વળી પ્રશ્નો જન્માવે એમ બને. એટલે કોઈક રીતે આ વિશ્વ હતું એટલું સ્વીકારીએ તો પૂરતું ગણાય. એ ખરું કે મનુષ્ય પહેલાં પણ પશુપંખી, હવાપાણી હતાં, આ વિશ્વ હતું, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો હતા, પણ એની કોઈ ઓળખ ન હતી. આ સૂર્ય છે કે આ તારા છે એવી ઓળખ મનુષ્યે આપી. મનુષ્ય પહેલાં ધર્મ ન હતો. મનુષ્ય આવ્યો તે પહેલાં ઈશ્વર પણ ન હતો. હોય તો એની ઓળખ ન હતી. એ બધું શક્ય બન્યું જ્ઞાનને કારણે. એમાં વિજ્ઞાન ઉમેરાયું ને સમય જતાં એણે મનુષ્યમાં અહંભાવ ઉમેર્યો. એ પ્રગટ્યો માલિકીભાવને કારણે. એણે સત્તા ને સંપત્તિનો લોભ જન્માવ્યો ને એ પછી અનેક દૂષણો ને પ્રદૂષણોએ આજે તો આ સૃષ્ટિનું સંતુલન જોખમમાં મૂક્યું છે.

મનુષ્યને કારણે આ ધરતી, આકાશને એક અર્થ મળ્યો, અનેક શોધખોળોને કારણે બ્રહ્માંડના અનેક રહસ્યો ખૂલ્યાં ને તેની ચેતનાનો એટલો વિસ્તાર થયો કે જ્ઞાન–વિજ્ઞાનની અનેક શાખાઓ ખૂલી. એવી અનેક ચીજ વસ્તુઓનો આવિષ્કાર થયો જેને લીધે મનુષ્ય અનેક ભૌગોલિક અંતરો ઓળંગીને વિશ્વને મુઠ્ઠીમાં કરી શક્યો. તે ચંદ્રની ભૂમિ ખૂંદી વળ્યો તો મંગળનું વાતાવરણ મનુષ્યને લાયક છે કે કેમ તેની ચિંતા કરી શક્યો. પછી તો અનેક રસાયણો ને દવાઓની મદદથી આરોગ્ય અને ખેતીને લગતા અનેક આવિષ્કારો થયા ને જીવન વધુ સ્વસ્થ અને સુરક્ષિત બન્યું હોય એવું લાગ્યું. આ બધું મનુષ્યને કારણે શક્ય બન્યું, પણ એ જ મનુષ્યને કારણે જીવન ઝેર પણ થયું. સત્તા ને સંપત્તિનો એવો લોભ મનુષ્યને વળગ્યો કે તેણે સર્વનું નહીં, પણ સ્વનું જ કલ્યાણ ઈચ્છ્યું. તેણે સત્તા મેળવવા અનેક યુદ્ધો ખેલ્યાં. આ પૃથ્વીનો અનેક વખત નાશ થાય એવાં શસ્ત્રો તેણે વિકસાવ્યાં. રસાયણોનો એવો વિકાસ થયો કે તેણે હવા, પાણી, વાયુનાં પ્રદૂષણો ફેલાવ્યાં ને આ પૃથ્વી જીવસૃષ્ટિને રહેવા લાયક ન રહે એવી સ્થિતિ આવી.

ચંદ્ર પર વસવા માંગતા મનુષ્યે ધરતી પરના વસવાટની ચિંતા ન કરી. અનેક જીવો માટે તેણે અનેક જોખમો ઊભાં કર્યાં. કેટલીક શોધો મનુષ્ય માટે કલ્યાણકારી નીવડી, જ્યારે કેટલીક મનુષ્ય જીવન માટે જોખમી પુરવાર થઈ. અણુનું વિભાજન મનુષ્યનાં અણુએ અણુ માટે કેવી રીતે ઘાતક બની શકે તે પણ જગતે જોયું. રાસાયણિક ખાતરે પાકની ઉપજ વધારી, પણ તેનાં વધુ પડતાં ઉપયોગને કારણે મનુષ્યમાં રોગોનું પ્રમાણ પણ વધાર્યું. આ ધરતી ઉત્તરોત્તર રસકસ વગરની થતી ગઈ. આનાં દુષ્પરિણામો જોતાં મનુષ્ય ફરી એકવાર ઓર્ગેનિક ખેતી ને ખોરાક તરફ વળ્યો છે. એને એમ લાગવા માંડયું છે કે અગાઉ થતી ખેતીમાં રસકસ સચવાતા હતા ને એને એ પણ સમજાઈ ગયું છે કે કુદરતની ઉપરવટ જવામાં તો જોખમો જ વધે છે.

કોરોનાએ 2019માં હાજરી પુરાવીને જગતને બેફામ દોડતું અટકાવ્યું છે. તમામ વૈશ્વિક વ્યવહારો પર તેણે બ્રેક મારી ને પ્રકૃતિ અંગે વિચારવા ફરજ પાડી છે. આ વાયરસે વિશ્વના લાખો માણસોનો ભોગ લીધો છે એ સાચું, પણ તેણે હવાપાણી સુધાર્યાં ને વાતાવરણનું તેજ વધાર્યું છે તેની ના પાડી શકાશે નહીં. કોરોના માનવ સર્જિત દુર્ઘટના છે ને તેની કોઈ રીતે ઈચ્છા ન જ કરાય, પણ તેણે કુદરત વિષે માનવજાતને ગંભીરતાથી વિચારવાની ફરજ પાડી છે તે પણ એટલું જ સાચું છે.

મનુષ્ય પોતાની સિદ્ધિઓ વિષે જરૂર ગર્વ લઈ શકે, પણ તે કુદરતને અતિક્રમવા જાય છે તો પછડાટ ખાધા વગર રહેતો નથી. એ કદી ભૂલવા જેવું નથી કે આ પૃથ્વીને જમીન 25 ટકા જ છે ને પાણી 75 ટકા છે. હવે આ ટકાવારી બદલાઈ હોય તો નવાઈ નહીં, પાણી વિફરે તો શું થાય તે કહેવાની જરૂર નથી. આપણે વખતો વખત વરસાદ, વાવાઝોડાં, સુનામી ને રેલના અનુભવોમાંથી પસાર થયાં જ છીએ. મનુષ્ય પુલ બાંધી શકે, પણ દરિયો બાંધવાનું તેનું ગજું નથી. તે દીવો કરી શકે, સૂર્ય નહીં. તે સંપત્તિનો ડુંગર ખડકી શકે, પણ હિમાલય ખડો કરવાની તેની તાકાત નથી. મનુષ્યે એ સમજી લેવાની જરૂર છે કે તે ગમે એટલો વિરાટ હોય તો પણ તે કુદરતની શક્તિ સામે લાચાર છે. અહંકાર તેને ન પાલવે, તેણે તો નમ્ર જ થવું ઘટે.

કુદરતે ઘણું એવું અગાઉથી સર્જી દીધેલું છે, જ્યાં પહોંચતાં મનુષ્યને વર્ષો લાગ્યાં છે ને હજી ઘણા યુગો લાગે એમ છે. જેમ કે પૃથ્વી ગોળ છે કે સપાટ છે કે તે સ્થિર છે કે ફરે છે એટલું જાણવામાં મનુષ્યને યુગો લાગ્યા છે. આઘાત ને પ્રત્યાઘાત સરખા છે એ જાણવા આપણે ન્યૂટનની રાહ જોવી પડી, પણ કુદરતમાં તો એ નિયમ પહેલેથી હતો જ. આપણને એની જાણ મોડી થઈ એટલું જ. ગુરુત્વાકર્ષણ શોધાયું તે પહેલાંથી ગુરુત્વાકર્ષણ પણ હતું જ ! માત્ર આપણે મોડું જાણ્યું. દૂરબીન આવ્યું તો વિગતે જાણવાનું થયું, બાકી તારાઓ તો યુગો યુગોથી ટમટમે જ છેને ! દૂર શું કામ જવું? હૃદય ધબકે છે એની જાણ આપણને મોડી થઈ, પણ તે પહેલાંથી હૃદય તો ધબકતું જ હતું. કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી 1492માં, પણ તે ભૂખંડ તો તે પહેલાં પણ હતો જ. ને આ બધાં પછી પણ મૃત્યુનું રહસ્ય તો હજી વણઉકલ્યું જ છે એવું નહીં?

કહેવાનું તાત્પર્ય એ છે કે અનેક શોધખોળોનું શ્રેય મનુષ્યને આપ્યા પછી પણ એ સ્વીકારવાનું રહે કે કુદરત મનુષ્ય પહેલાં જ મનુષ્ય માટે સજ્જ હતી. પૃથ્વી પર પહેલા માણસે આંખો ખોલી તે પહેલાંથી આ ધરતી હતી ને તેણે મનુષ્ય ટકી શકે એવું વાતાવરણ પહેલેથી તૈયાર રાખ્યું હતું. માણસ ઘણાં રહસ્યો તરત તો ના જાણી શક્યો, પણ એ જાણીને મનુષ્ય રાજી થયો કે વનસ્પતિમાં જીવ છે ને તેને પણ સંવેદનો છે ને હકીકત એ છે કે એ જાણકારી પહેલાંથી જ વનસ્પતિમાં જીવ તો હતો જ. માણસને ખબર મોડી પડી એટલું જ. સાચી વાત એ છે કે કુદરતને જાણવાનું શરૂ થયું તે પહેલાં જ એ તો બધાં રહસ્યો પોતાની અંદર સંતાડીને બેઠી હતી. પોતાને કોઈ જાણે, સમજે એ માટે તેણે જીવ સૃષ્ટિની રાહ જોઈ, પણ પશુપંખીમાં એ શક્ય ન બન્યું, કારણ એની પાસે વાણી ન હતી, અભિવ્યક્તિનું વૈવિધ્ય ન હતું. એ અભિવ્યક્તિ મનુષ્યને મળી ને એણે જ્ઞાન, વિજ્ઞાનની મદદથી એ શક્ય બનાવ્યું કે કુદરત ચૂપ રહેવા ટેવાયેલી છે ને મનુષ્યે એનાં મૌનને ઉકેલીને જગતને એ બતાવવાનું છે કે કુદરત કેવી તો  રહસ્યમય છે !

બ્રહ્માંડના એવાં ઘણાં રહસ્યો છે જે ઉકેલાવાના હજી બાકી છે ને એનો તાગ મનુષ્યે જ મેળવવાનો છે. એ મનુષ્ય જ મેળવી શકે એમ છે. એ ખરું કે કુદરત અનેક રીતે શ્રેષ્ઠ ને સમૃદ્ધ છે, પણ મનુષ્ય ન હતો ત્યાં સુધી કોઈ એનો ભાવ પૂછતું ન હતું. મનુષ્યને કારણે એનો ભાવ પૂછાયો, બાકી યુગો સુધી પૃથ્વી હતી જ ને ફરતી પણ હતી, પણ કોઈ એની સામે જોતું ન હતું, મનુષ્યે એ જાણ્યું ને બતાવ્યું કે એ પૃથ્વી છે ને તે શ્રેષ્ઠ અને સમૃદ્ધ છે. એટલે કુદરતને પણ કહેવાનું થાય કે મનુષ્ય પર એટલો ત્રાસ ન કર કે મનુષ્ય જ ન રહે. ગમે તેવો છે મનુષ્ય, પણ તે છે તો જ કુદરત ને પણ તેનું એક પ્રકારનું સાર્થક્ય છે.

ધરતી છે તો મનુષ્યને ઊભા રહેવાની જગ્યા છે, તો બીજી તરફ મનુષ્ય છે તો પૃથ્વીને પણ એક અર્થ છે. એ જ ન હોય તો તે ફરે કે સ્થિર રહે, શો ફેર પડે છે?

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જાન્યુઆરી 2021

Loading

આ મુશ્કેલ સમયમાં (49)

સુમન શાહ|Opinion - Opinion|7 January 2021

આ કોરોનાકાળમાં કેટલાક બોધ અને ઉપદેશની વાતો કે કથાઓ આપોઆપ સરજાય છે. એક બોધકથા મને આ મળી છે — રમૂજી છે ને રમૂજના હેતુથી કોઈને પણ કહી શકાય એવી છે :

એક માણસે લગભગ ૮ માસ લગી રોજ્જે લગભગ દરેકના FB પર જઈને like કર્યું. કોઈએ એને પૂછ્યું : તેં ભલા, like કરવા કોઈ જણને ભાડે રાખ્યો છે? : તો વ્યંગને ખડખડાટ હસીને એણે દબાવી દીધો, પણ ‘હા' કહ્યું. તે FB પરનાં likes-નો, એટલે કે, લોકમતનો, ચમત્કાર થયો.

ચમત્કાર એ કે એ માણસ માણસમાંથી કશેક પ્રમુખ બની ગયો !

Picture Courtesy: Logopond

હવે, જુદું એ બનવા માડ્યું છે કે ટ્રમ્પના તેમ જ ટ્રમ્પે કરેલા લોકશાહીના હાલ-બેહાલ જોઈને કેટલાક પ્રમુખ સ્વપત્નીની સલાહથી ચૂંટણી વગેરેની જંજાળમાંથી છૂટીને, ઘરભેગા થવા લાગ્યા છે.

પણ કોઈ કોઈ હજી યે પેલાની જેમ FB પર જઈને સૌ કોઈના મિત્ર થવા નીકળ્યા છે. પણ એ જ તર્ક અનુસાર શાસ્ત્રકારોને સમજાઈ રહ્યું છે કે એ કોઈ કોઈના મે'લ કરવત મોચીના મોચી જેવા બહુ બૂરા હાલ થવાના …

ભલે. પણ આમ, માણસ અને પ્રમુખ – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, સિલેક્શન ઍન્ડ ઇલેક્શન – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, સ્વમત, પર મત – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, માય વૉઇસ, માય વોટ – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, ડૅમેગોગી ઍન્ડ ડૅમોક્રસી – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, હું-શાહી અને લોકશાહી – એ ચક્ર ચાલ્યા કરે છે.

અને, આમ, નિત્શેનું eternal recurring-માં માનવું સાચું ને સાચું પડ્યા કરે છે.

આમાંથી બોધ તે શું વળી? દરેકે પોતાના ગજા પ્રમાણે કે જીવનની જરૂરતે કરીને જેટલો સારવી લેવો હોય એટલો સારવી લેવો. કેમ કે કોરોના-કોવિડને કોઈની પડી નથી, કેમ કે એ પણ કશાક અણજાણ પણ eternal recurring-નો જ આવિષ્કાર છે …

= = =

(January 6, 2021: USA)

Loading

મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|7 January 2021

હૈયાને દરબાર

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે,
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.

પથ્યાપથ્ય નથી સમજાતું, દુ:ખ સદૈવ રહે ઊભરાતું,
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે.

અનાદિ આપ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા,
દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે.

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો ?
મહા મૂંઝારો મારો નટવર, ટાળજો રે.

કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે.

•   કવિ : કેશવલાલ ભટ્ટ    •   ગાયિકા : પૌરવી દેસાઈ

https://www.pendujatt.net/gujarati-songs/song/mari-naal-tamare-haath-pauravi-desai-purushottam-upadhyay-gaurav-dhruv-ayiki.html

૩૧મી ડિસેમ્બરે એક મિત્રનો ફોન આવ્યો. "થર્ટીફર્સ્ટનો શું પ્લાન છે? મનમાં થયું, આખા વરસના બધાં પ્લાન તો કચરા-પોતાં, રાંધવું, વાસણ ઊટકવાં અને કપડાં ધોવામાં જ ધોવાઈ ગયા. હવે ૩૧મીએ વળી શું કરવાનું!! છતાં તાત્કાલિક જવાબ એક જ સૂઝ્યો, "દુનિયા પરનું સંકટ ટળે એ માટે યજ્ઞ-હવન અને સત્ય નારાયણની પૂજા જ કરવાની હવે બાકી છે. ૩૧મીએ એ જ કરી દઈએ.

જવાબ, અલબત્ત, હળવાશપૂર્ણ જ હતો, પરંતુ ખરેખર વિચારીએ તો ઉજવણી શેની કરવાની? હતાશા, નિરાશા, ચિંતા, ઉદ્વેગ, વ્યગ્રતા અને વિડંબનાઓમાં જ ૨૦૨૦ની સાલ વીતી ગઈ. રોજ સવાર પડતાં ધ્રાસ્કો પડતો અને સહુની સલામતીની પ્રાર્થના આપોઆપ થઈ જતી હતી.

બાકી, જવાની જાનેમન, હસીન દિલરૂબા … જેવાં તરબતર ગીતો સાથેની નશીલી, મદહોશ થર્ટીફર્સ્ટ નાઈટનો કેવો ઈન્તજાર રહેતો! મિત્રો, પ્રિયજનો-સ્વજનો સાથે મળીને આનંદ-પ્રમોદ સાથે નવા વર્ષનું સ્વાગત થતું. ૩૧મી ડિસેમ્બરે કરનારાઓએ તો ઉજવણાં કર્યાં, ૨૦૨૦ના વિકટ વર્ષને વિદાય કર્યું, પરંતુ દરેકના જીવને અંદરથી ચચરાટ તો હતો જ, ૨૦૨૧ કેવું જશે!

એટલે જ નાનપણમાં સાંભળેલી એક સુંદર પ્રાર્થના સાથે ૨૦૨૧ને આવકારવું છે ; મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે …! જેમના કુટુંબમાં સંગીતનો પ્રભાવ હશે એમણે પોતાની માતા, નાની કે દાદી પાસે આ પ્રાર્થના સાંભળી જ હશે. મારી માને કંઠે મેં કેટલી ય વાર આ પ્રાર્થના નાનપણમાં સાંભળેલી, પરંતુ સાસુમાં ઉષાબહેન પણ હલકદાર કંઠે આજે ૮૬ વર્ષની ઉંમરે ય સરસ ગાઈ શકે છે. રાગ દેશ પર આધારિત આ સુંદર પ્રાર્થના એમણે વીડિયો રેકોર્ડ કરીને તાજેતરમાં જ મોકલી ત્યારે આનંદ-આશ્ચર્ય બંને થયાં હતાં.

કવિ કેશવલાલ ભટ્ટે ઈશ્વરને વૈદ્ય બનાવીને એમના હાથમાં નાડ સોંપવાની વાત કરી છે. મનુષ્ય જાત અત્યારે ભયના ઓથાર નીચે જીવી રહી છે.

આ ભયરોગની દવા કોની પાસે છે? ઈશ્વર સિવાય આ દર્દ કોઈ દૂર ન કરી શકે. નિર્મળ મનથી ઈશ્વર પર શ્રદ્ધા રાખો તો પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, ભયાવહ મન:સ્થિતિ તો બદલાય જ છે. કવિ તેથી જ કહે છે કે તમે દયાના સાગર છો, કૃપાનિધાન છો, ભક્તોના ભય હરો છો, અમારો મૂંઝારો તમે જ સમજો છો એટલે જ મારી નાડ તમને સોંપું છું. તમારા ઉપાય સચોટ છે, તમે જ જીવવાની અને જીતવાની શક્તિ પ્રદાન કરી શકો છો એમ કહીને છેવટે કવિ ભગવાનને જ ચેલેન્જ આપે છે કે તમે અમને ભયમુક્ત, રોગમુક્ત નહીં કરો તો તમારી જ લાજ જાશે. આમ, પ્રાર્થનાની શક્તિ દ્વારા કવિ ઈશ્વરને કહે છે કે, તું મને પોતાનો સમજીને મારો ઈલાજ કર.

આવી પ્રાર્થનાની શક્તિની આવશ્યકતા આજે પણ છે જ. વેક્સિન ભલે આવી ગઈ છે છતાં આંતરિક શક્તિ કેળવવી આજના સમયમાં અનિવાર્ય છે.

આ પ્રાર્થનાના કવિ તરીકે ક્યાંક ‘કેશવ’ અથવા ‘કેશવરામ’ એવો નામોલ્લેખ જોવા મળતો હતો, પરંતુ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જ્યાં ગૂગલ બાબા ન પહોંચે ત્યાં આપણા લેખક-વિવેચક દીપક મહેતા પહોંચી શકે. એમની પાસેથી કવિ કેશવલાલ હરિરામ ભટ્ટ (૧૮૫૧-૧૮૯૬) વિશેની યોગ્ય માહિતી તથા ફોટોગ્રાફ મળ્યાં એટલે દીપકભાઈનો ખાસ આભાર.

કવિ કેશવલાલ ભટ્ટ ૧૯મી સદીની સુધારા વિરોધી અને વૈદિક પરંપરાનો પુરસ્કાર કરતી સંસ્થા ‘વેદધર્મ સભા’ના વર્ષો સુધી મંત્રી તથા તેના મુખપત્ર ‘આર્યધર્મ પ્રકાશ’ના તંત્રી રહી ચૂક્યા હતા. એ સામયિક માટે તેમણે ઘણા લેખો લખ્યા, અનુવાદો કર્યા, પણ તેમાંનું ભાગ્યે જ કશું ગ્રંથસ્થ થયું છે. તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘કેશવકૃતિ’ ૧૮૯૯માં પ્રગટ થયો હતો. તેમાંની મોટા ભાગની કૃતિઓ ઈશ્વરસ્તુતિ, અધ્યાત્મ, નીતિબોધ, વૈરાગ્ય, પ્રકૃતિ વર્ણન, વગેરેને લગતી અને મધ્યકાલીન કવિતાની પરંપરાને અનુસરતી છે. એક જમાનામાં તેમનાં કેટલાંક ભક્તિકાવ્યો સારાં એવાં લોકપ્રિય થયાં હતાં. તેમનાં ચાર ભજનોને ગાંધી આશ્રમમાં ગવાતાં પ્રાર્થના, ભજનો, ગીતોના સંગ્રહ આશ્રમ ભજનાવલિમાં સ્થાન મળ્યું છે તેથી એ ભજનો વધુ પ્રચલિત થયાં. મારી નાડ તમારે હાથ … નો સમાવેશ પણ આશ્રમ ભજનાવલિમાં થયો છે.

દુનિયાના દરેક માણસે ભૌતિક સુખો પાછળ એવી તે દોટ મૂકી છે કે ખબર નહીં એ ક્યાં જઈને ઊભો રહેશે. જો કે, કોવિડ કાળમાં માણસજાતે પર્યાવરણ સાથે કરેલાં ચેડાંની ભૂલ ધીમે ધીમે એને સમજાઈ રહી છે. સંઘરાખોરી, પૈસાનો દુર્વ્યય, અતિ ભૌતિકવાદની કિંમત આજે કોડીની છે. પહેલું સુખ તે જાતે નર્યા … કહેવતનું મૂલ્ય આજે સમજાય છે. વૈશ્વિક મહામારીના આ કપરા કાળમાં મનુષ્યે આત્મોન્નતિ માટે પ્રાર્થનાના મહત્ત્વને સમજવું એટલું જ જરૂરી છે. મનની શાંતિ અને શુદ્ધતા માટે જરૂરી છે પ્રાર્થના. જે રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાકની જરૂર પડે છે તેમ આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે શુદ્ધ મનથી પ્રાર્થના કરવી પડે છે. પ્રાર્થનાથી જ આપણું મન પવિત્ર અને પ્રસન્ન બને છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ, કારણ કે પ્રાર્થનાથી મનમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે, પ્રાર્થનાથી આપણા દોષો જોઈ શકીએ છીએ, એને દૂર કરી શકીએ છીએ. એટલે જ સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે, ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’

મારી નાડ તમારે હાથ … પ્રાર્થના ઘણા કલાકારોએ ગાઈ છે, પરંતુ આજે વાત કરવી છે વરિષ્ઠ ગાયિકા આદરણીય પૌરવી દેસાઈની. એમના કંઠે આ પ્રાર્થના નિખરી ઊઠી છે. પૌરવીબહેને ઘણી ભક્તિ રચનાઓ, સુગમ સંગીત તેમ જ રંગભૂમિનાં ગીતો-ગરબા ગાયાં છે. શાસ્ત્રીય સંગીતમાં ‘સંગીત અલંકાર’ થયેલાં પૌરવીબહેન કહે છે, "નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ, જે લગ્ન પછી વધારે સમૃદ્ધ થયું. દર શુક્રવારે પાંચ ભજન ગાવાનો અમારો નિયમ હતો. એ રીતે ભક્તિ ગીતો નાનપણથી જ કંઠસ્થ હતાં. મારી નાડ … ખૂબ ભાવસભર પ્રાર્થના છે. રાજકોટમાં પુષ્પા છાયા નામે રેડિયો સિંગર હતાં એમની પાસે પહેલી વાર હું આ ભક્તિગીત શીખી હતી. ગ્રેજ્યુએશન મેં જૂનાગઢમાં કર્યું અને માસ્ટર્સ ડિગ્રી મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી મેળવી. ૨૨ વર્ષની વયથી જ રેડિયો પર ગાવાનું શરૂ કરી દીધું હતું, જે ૭૫ વર્ષની વય સુધી ગાયું.

પૌરવી દેસાઈ આજે ૮૩ વર્ષની ઉંમરે પણ કાર્યરત છે. લોકડાઉનને લીધે એમના સુગમસંગીતના વર્ગો હમણાં બંધ છે, પરંતુ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. પચાસેક શિષ્યોને એ તાલીમ આપી રહ્યાં છે. સાવ લો પ્રોફાઈલ રહીને સાઠ વર્ષથી તેઓ સંગીતનો યજ્ઞ અખંડપણે પ્રજવલિત કરી રહ્યાં છે. પૌરવીબહેનનું સૌથી લોકપ્રિય ગીત, વ્હાલમનું નામ એ તો મધમીઠું નામ … છે. કવિ ડૉ. સુધીર દેસાઈનાં આ ગીતને મુંબઈના સ્વરકાર રાસબિહારી દેસાઈએ સ્વરબદ્ધ કર્યું હતું. ગત નવરાત્રિ માટે ફાલ્ગુની પાઠકે વીડિયો દ્વારા ખાસ તૈયાર કરેલું ગીત ‘વ્હાલમનું નામ’ વળી પાછું લોકપ્રિય થયું અને એક અઠવાડિયામાં લાખો લોકોએ જોયું. ૪૫ વર્ષ પહેલાં રચાયેલું આ ગીત એ સમયે ‘વ્હાલમનું નામ …’ તરીકે જ પૌરવી દેસાઈએ પ્રચલિત કર્યું હતું અને એ જ નામે કેસેટ બહાર પાડી હતી.

પૌરવીબહેન કહે છે, "અમારી ’દેસાઈ’ ત્રિપુટી હતી. સુધીર દેસાઈ, રાસબિહારી દેસાઈ અને પૌરવી દેસાઈ. સુધીર દેસાઈ ગીત લખે, રાસભાઈ કમ્પોઝ કરે અને હું ગાઉં. એમ અમે ઘણાં ગીતો તૈયાર કર્યાં હતાં. રાસબિહારીભાઈ સંગીતના મર્મજ્ઞ. સમર્થ કલાકાર પાસે ગવડાવવાનું પસંદ કરે. એ રીતે આશિત દેસાઈ અને મને એમણે ઘણાં ગીત શીખવાડ્યાં હતાં. નિનુ મઝુમદારે મારી પાસે પહેલવહેલું મારું મનડું મૂંઝાણું, પંડિત વિનાયક વોરાએ યમુનાને આરે ગીત ગવડાવ્યાં હતાં. આ ઉપરાંત દિલીપ ધોળકિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, નવીન શાહ સહિત અનેક સ્વરકારોનાં ગીતો મેં ગાયાં છે.

પૌરવી દેસાઈએ ‘મનગમતાં ગીતો’ પુસ્તકનું સંપાદન કર્યું છે. થોડાં વર્ષો પહેલાં ‘મહાવીર દર્શન’ નામે ઓલ ઇન્ડિયા રેડિયો પર નવીન શાહની રાહબરીમાં એક કલાકનું રેડિયોરૂપક રજૂ થયું હતું, જેમાં પૌરવી દેસાઈ અને જગજિત સિંહ લીડ સિંગર્સ હતાં. પૌરવીબહેન શાસ્ત્રીય સંગીતનાં પરીક્ષક પણ રહી ચૂક્યાં છે. એમની ‘વ્હાલમનું નામ’ કેસેટમાં જુદા જુદા સંગીતકારોનાં ગીતોનું સંકલન છે, જેની અરેન્જમેન્ટ આશિત દેસાઈએ કરી છે. જૂની રંગભૂમિના સુરેશ કુમારે પૌરવી દેસાઈનાં ગીતો રેકોર્ડ કર્યાં છે.

વીજલ પટેલ, મનીષા ડૉક્ટર જેવાં સજ્જ શિષ્યો તૈયાર કરનાર પૌરવીબહેન પાસે ખેવના દેસાઈ જેવી યુવા પ્રતિભાઓ પણ તાલીમ લઈ રહી છે. આવાં પૌરવી દેસાઈને કંઠે એમનાં જ ગીતો સાંભળવા હોય તો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જ. બાકી, આજે તો પૌરવી દેસાઈના આ ભક્તિ ગીત દ્વારા ઈશ્વરને હ્રદયપૂર્વક પ્રાર્થના કરીએ કે; મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે ..! આ લખાઈ રહ્યું છે ત્યારે મારાં સ્કૂલ ટીચર જયશ્રીબહેન મહેતાએ ઓડિયો ક્લિપ દ્વારા એક સરસ પ્રાર્થના ગાઈને મોકલી છે; દીનાનાથ દયાળુ નટવર હાથ મારો મૂકશો મા! બન્ને પ્રાર્થનાનું હાર્દ એક જ છે એ સુભગ યોગાનુયોગ! નવા વર્ષની, સ્વસ્થ જીવનની સૌને શુભકામનાઓ! વેલકમ ૨૦૨૧!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”; 07 જાન્યુઆરી 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=672665

Loading

...102030...2,0702,0712,0722,073...2,0802,0902,100...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved