Opinion Magazine
Number of visits: 9663923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂરખ બનીને પણ પ્રજા મૂરખ બનાવી શકે છે ….

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 July 2025

રવીન્દ્ર પારેખ

રાજકીય પક્ષોનું લક્ષ્ય હવે ચૂંટણી જીતીને સત્તા મેળવવાનું અને સત્તામાં ટકી રહેવાનું હોય છે ને એને માટે જે  કરવું પડે તે સંકોચ વગર કરતા હોય છે. કારણ કે પ્રજાના મતો પક્ષોને સત્તામાં લાવે છે અથવા સત્તામાંથી દૂર કરે છે, એટલે પ્રજા ચૂંટણી વખતે યાદ આવતી હોય છે ને પછી પ્રજા યાદ કરે છે અથવા તો યાદ અપાવે છે. એ ઉપરાંત પક્ષોની અંદરોઅંદર સ્પર્ધા ચાલતી રહે છે ને અમુકને પછાડીને આગળ કેવી રીતે અવાય કે વિપક્ષો સાથે પરસ્પર વિરોધી વિધાનો દ્વારા સર્વોપરિતા કેવી રીતે સિદ્ધ થઇ શકે, એમાં જ સમય જતો હોય છે ને વચ્ચે વચ્ચે પ્રજાનું સ્મરણ થાય કે મરણ થાય તો થોડાં કામો વિકાસને નામે થતાં હોય છે.

પ્રજા પણ ચૂંટણી આવે ત્યારે હરખાતી કે હડકાતી રહે છે ને કયો પક્ષ કેવી કેવી લહાણીઓ કરે છે, તે  લાળ ટપકાવતી જોઈ રહે છે. પક્ષો પણ જાણે છે કે પ્રજાને ટુકડા ફેંકીશું તો જ એ મત ઢીલા કરશે. આ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી છે એટલે લાલુપ્રસાદ, શરદ યાદવ અને નીતીશકુમાર ચૂંટણી મામલે જે પાણીએ મગ ચડે તે ચડાવવામાં વ્યસ્ત છે. તેમાં નીતીશકુમારે સત્તામાં ટકી રહેવા અને ફરી મુખ્ય મંત્રી બનવા કમર કસી છે. ચૂંટણીમાં વીજળી મફત-નો કીમિયો કામ કરી જાય છે, તેવું નીતીશકુમારે અન્ય રાજ્યોની ચૂંટણીમાં જોયું છે, એટલે તેમણે 125 યુનિટ વીજળી મફત આપવાનું એલાન કર્યું છે. નીતીશકુમારનું એવું છે કે એ વાયદામાં નહીં, પણ તરત દાન મહાપુણ્યમાં માને છે, એટલે 1 ઓગસ્ટ, 2025થી જ 125 યુનિટ મફત વીજળીની લહાણી તેમણે કરી છે.

આ નુસખો દિલ્હીની ચૂંટણી જીતવામાં આપ પાર્ટીના સર્વેસર્વાં અરવિંદ કેજરીવાલને કામ લાગ્યો, તે પછી ઘણાં રાજ્યોમાં મફત વીજળીનો નુસખો સફળ રહ્યો છે. પાવર આપીને પાવર હાંસલ કરવામાં કેજરીવાલને દિલ્હીની ગાદી 2015 અને 2020માં મળી. વીજળીના એ જ ટુકડા આમ આદમી પાર્ટીએ ઉત્તરાખંડ, ગોવા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં પણ ફેંક્યા. પંજાબમાં તો એ જ વીજળીએ આપને સત્તાનું મોઢું દેખાડ્યું છે. એ જ વેપલો કાઁગ્રેસે કર્ણાટકમાં કર્યો ને સત્તા મેળવી. ગમ્મતની વાત એ છે કે એક તરફ વીજળીની તીવ્ર અછત છે ને બીજી તરફ રાજ્યોને મફત વીજળીની લહાણી કરવાનું પરવડે છે. મફત વીજળીએ અનેક પ્રશ્નો સર્જ્યા છે, પણ કોઈ પક્ષ મફત વીજળી સિવાયનું વિચારવા બહુ તૈયાર નથી. તે એટલે કે સત્તા મેળવી આપવામાં તે મદદરૂપ થાય છે.

દેખીતું છે કે નીતીશકુમાર એનો લાભ લેવાનું ન ચૂકે. એમણે પહેલી વખત બધી શ્રેણીના ઘરેલું વીજ ઉપભોક્તાઓ માટે મફત વીજળી આપવાનો નિર્ણય લીધો છે. આનો લાભ 1.67 કરોડ પરિવારોને મળશે. એમની સંમતિથી એમની છતો પર કે સાર્વજનિક સ્થળો પર સૌર ઊર્જા તંત્ર ઊભું કરી તેનો લાભ આપવાની વાત પણ છે. આ વ્યવસ્થાનો ખર્ચ નિર્ધન પરિવારો માટે સરકાર ઉઠાવશે, એટલું જ નહીં, અન્ય વર્ગોને પણ સરકાર સહાય કરવાની કોશિશ કરશે. એ પણ છે કે એક તરફ મફત વીજળી આપવાની યોજના આવી છે, તો બીજી તરફ બિહારમાં સબસીડીનો ખર્ચ વધી રહ્યો છે. વિત્તીય વર્ષ 2025-‘26નો સબસીડીનો ખર્ચ 32,718.31 કરોડથી વધીને 35,819.11 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.  કમાલ એ છે કે આજ નીતીશકુમારે મફત વીજળી આપવાનો ભરસક વિરોધ કરેલો ને એમણે જ એ યોજના લાગુ કરી છે. આમે ય જીભને હાડકું હોતું નથી એટલે લવારા કરવાની યોજના કોઈ પણ લાગુ કરી શકે છે. આ જ 10 જુલાઈએ બિહારી મુખ્ય મંત્રીએ સામાજિક સુરક્ષા પેન્શન વધારવાની વાત પણ કરી છે. કેવળ રાજ્યની મહિલાઓને જ સરકારી નોકરીમાં અનામત આપવાના નિર્ણયની અસર પણ વોટ બેંક પર પડશે એવું લાગે છે.

બિહાર સરકારે નક્કી કર્યું છે કે 2025થી 2030 સુધીમાં એક કરોડ નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. એમ થતાં રાજ્યના યુવાનોને આર્થિક સદ્ધરતા મળશે, ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને રાજ્યમાં રોકાણની તકો વધશે. ચૂંટણી વર્ષમાં બિહાર સરકાર 8 હજારથી વધુ પંચાયતોમાં લગ્ન મંડપ બનાવશે. એને માટે સરકારે 40 અબજથી વધુ રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત બિહારના યુવાનો માટે 686 કરોડ ખર્ચવાની વાત પણ છે. 18થી 28 વર્ષના લાખેક યુવાનોને ઇન્ટર્નશિપ માટે 4થી 6 હજાર આપવાનું બિહાર સરકારનું કમિટમેન્ટ છે. વળી ‘દીદી કી રસોઈ’ યોજનામાં થાળી 40ને બદલે હવે 20 રૂપિયામાં આપવાની વાત છે. નવી એ.સી. બસ ખરીદવા સરકાર ૨૦ લાખ આપવાની વાત કરે છે ને તેને માટે સરકારે 150 બસો ખરીદવા માટે 30.60 કરોડ જુદા ફાળવ્યા છે. નીતીશ કેબિનેટે લોકકલાઓને બચાવવા ગુરુને માસિક 15,000, સંગીતકારને 7.500 અને શિષ્યને 3.000 આપવાનું ઠરાવ્યું છે. દિવ્યાંગો માટે સિવિલ સર્વિસ પ્રોત્સાહન યોજના નામની નવી યોજના શરૂ કરાઈ છે, જેમાં BPSC અથવા UPSCની મુખ્ય પરીક્ષાની તૈયારી માટે 50 હજાર અને ઈન્ટરવ્યૂની તૈયારી માટે 1 લાખ આપવાનું ઠરાવાયું છે.

લગભગ 15 વર્ષ સુધી મુખ્ય મંત્રી રહી ચૂકેલા નીતીશકુમાર જીતવા માટે કોઈ પણ ખેલ ખેલવામાં ઉસ્તાદ છે, તે સાથે જ પ્રજાની નાડ પારખવામાં પણ માહેર છે. એ ગઠબંધન કરી શકે તો ઠગબંધન કરવામાં પણ સંકોચ ન રાખે. રંગ બદલવાનું કાચિંડો એમની પાસેથી શીખતો હોય તો નવાઈ નહીં ! નીતીશકુમારે મહિલા મતોનો મહિમા એવે વખતે કર્યો છે, જયારે મહિલાઓના મતનું ઝાઝું મૂલ્ય ન હતું. તેમાં ઉમેરો એ થયો છે કે બિહારની મૂળ મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત લાગુ કરાઈ છે. આમ તો બિહારમાં મહિલાઓ માટે અનામત છે જ, પણ જે નોકરી મહિલાને અપાતી તે બિહારની જ હોય એ નક્કી ન હતું, એટલે વધારાની બીજી 35 ટકા અનામત માત્ર બિહારની જ મહિલાઓને નોકરી મળે એ માટે લાગુ કરાઈ છે. દેખીતું છે કે બિહારની મહિલા મતદાતાઓ આવો લાભ આપનારને મત આપવાનું વિચારે જ ! આ જોઇને રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવે કહ્યું કે પોતે સત્તા પર આવશે તો 100 ટકા ડોમિસાઈલ લાગુ કરશે. કોઈ 200 ટકા જાહેર કરે તો પણ આશ્ચર્ય ન થવું જોઈએ. આ રાજકારણ છે ને પાછું ચૂંટણીનું છે, એટલે એમાં કંઇ પણ થઇ શકે.

મહિલાઓને સરકારી નોકરી બિહારમાં જ આપવાની વાત ભલે થાય, પણ એવું બીજા રાજ્યો પણ ઠરાવે તો બિહારીઓને કામ ન મળે એમ બને. એ અંગે નીતીશકુમારે કે તેજસ્વી યાદવે કોઈ યોજના બનાવી છે કે આ ખાલી ચૂંટણી જીતવાનો સ્ટંટ માત્ર છે? નીતીશકુમાર પોતે વાતે વાતે U-TURN લેવા માટે પંકાયેલા છે. તેમણે જ વિજ્ઞાનના યોગ્ય શિક્ષકો ન મળતા અગાઉ ડોમિસાઈલ સ્કિમ રદ પણ કરી હતી.

સાચું તો એ છે કે બંધારણ ડોમિસાઈલ પોલિસીનું સમર્થન નથી કરતું. બંધારણ દરેકને જાતિ, લિંગભેદ, ધર્મ, સંપ્રદાય વગર ભારતમાં ગમે ત્યાં રોજગાર મેળવવાનો અધિકાર આપતું હોય, તો ડોમિસાઈલ પોલિસી એ અધિકારને સીમિત કરે છે, એવું નહીં? ડોમિસાઈલ એક મર્યાદા સુધી ઠીક છે, પણ તે આડેધડ કોઈ રાજ્ય લાગુ કરે ને તેવું બધાં રાજ્યો કરવા માંડે તો કોઈ નાગરિક અન્ય રાજ્યમાં બંધારણીય અધિકાર ગુમાવે એમ બને, તો એ ઈચ્છવા જેવું ખરું? ભવિષ્યમાં આસામમાં આસામી, મહારાષ્ટ્રમાં મરાઠી, ગુજરાતમાં ગુજરાતી, બંગાળમાં બંગાળી જ નોકરી કરે એ સ્થિતિ દેશહિતમાં હોય એવું લાગે છે?

વારુ, આ બધું ખરેખર અમલમાં આવે તો રાજ્યનું ને દેશનું કલ્યાણ થઇ જાય, પણ એવું કલ્યાણ આજ સુધી તો થયું નથી. ચૂંટણીમાં નીતીશકુમાર હારી જાય તો કંઇ નહાવા નીચોવવાનું ન રહે, પણ જીતી જાય, જેના ચાન્સ વધારે છે, તો મતદારો આ બધી યોજનાઓના અમલ અંગે ક્યારે ય પૂછશે ખરા? આમાંની ઘણી યોજના રદ્દ થાય કે નામ પૂરતી અમલમાં આવે તો નીતીશકુમારને પડકારવાનું ભાગ્યે જ બને. અગાઉ મહિલાઓને દર મહિને સ્પર્ધામાં 1,000થી 2,500 ફાળવવાની જાહેરાતો રાજ્ય સરકારોએ ચૂંટણી પહેલાં કરેલી, પણ ચૂંટણી જીત્યા પછી દિલ્હી, મહારાષ્ટ્ર સરકારે લાચારી વ્યક્ત કરતાં સહાયની રકમમાં કાપ મૂકેલો. એવું નીતીશ સરકાર ચૂંટણી જીતે તો ન જ કરે એમ માનવાને કોઈ કારણ નથી.

વધારે આઘાતજનક તો એ છે કે પ્રજાને સ્વમાન કે ગૌરવ જેવું ન હોય તેમ તે સહાયની ભીખ લઈને મતદાન કરે છે. કમ સે કમ રાજકીય પક્ષો તો એમ જ માને છે કે થોડા ટુકડા ફેંકો તો પ્રજા પૂંછડી પટપટાવતી મત પોતાની તરફેણમાં નાખી જશે. એવું ન હોય તો આ રાજકીય પક્ષો ચૂંટણી વખતે જ લહાણી કરવા કેમ નીકળે છે? એ તો નીકળે, પણ પ્રજા તેમના ઈરાદાઓ ન પારખવા જેવી મૂરખ ન થઇ શકે. આ એ જ પ્રજા છે, જેણે દાયકાઓનાં શાસનો બદલ્યાં છે. તે મૂરખ બનતી હોય એવું લાગે તો પણ તે સત્તાને મૂરખ બનાવી શકે છે, એ કોઈ પણ રાજકીય પક્ષોએ ભૂલવા જેવું નથી –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જુલાઈ 2025

Loading

‘ઓલ્ડ ફેથફુલ ગીઝર’ વિસ્ફોટ થાય ત્યારે પ્રવાસીઓ રોમાંચિત થઈ ઊઠે છે !

રમેશ સવાણી|Diaspora - Features|20 July 2025

19 જુલાઈ 2025ના રોજ સવારે 7 વાગ્યે ફરી યલોસ્ટોન નેશનલ પાર્કમાં ‘Old Faithful Geyser’ને નિહાળવા રવાના થયા. 

અમે 8.25 વાગ્યે ‘Old Faithful Geyser’  પહોંચ્યા ત્યારે તે સાવ સુષુપ્ત હતો. લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ એક પ્રખ્યાત ગીઝર એટલા માટે છે કે તે નિયમિત વિસ્ફોટો માટે જાણીતો છે, સામાન્ય રીતે દર 90 મિનિટે થાય છે. આ વિસ્ફોટો હવામાં 100 ફૂટથી વધુ ઊંચાઈએ પાણી અને વરાળ ઉડાડે છે અને ઘણી મિનિટો સુધી ટકી શકે છે.

8.30 કલાકે આ સુષુપ્ત ગીઝરમાંથી વરાળ નિકળવાની શરૂઆત થઈ. જોતજોતામાં પ્રચંડ ગતિએ વરાળ અને પાણી સુસવાટા સાથે બહાર નીકળવા લાગ્યું. એક મિનિટથી વધુ સમય સુધી વિસ્ફોટનું અદ્દભુત દૃશ્ય જોવા મળ્યું. 

આ વિસ્ફોટ દરમિયાન 14,000થી 32,000 લિટર ઉકળતાં પાણીને 106થી 185 ફૂટની   ઊંચાઈ સુધી ફેંકી શકે છે. જે અડધી મિનિટથી 5 મિનિટ સુધી ચાલે છે. બે વિસ્ફોટ વચ્ચેનો સમયગાળો 34 થી 125 મિનિટનું રહ્યો છે, જે 1939માં સરેરાશ 66½ મિનિટનું અંતર હતું. 2000 થી ધીમે ધીમે વધીને સરેરાશ 90 મિનિટનું અંતર ધરાવે છે, જે ભૂગર્ભ જળ સ્તરને અસર કરતા ભૂકંપનું પરિણામ હોઈ શકે છે. ઓલ્ડ ફેથફુલ ગીઝર હજારો વર્ષ જૂનો છે.

‘ઓલ્ડ ફેથફુલ ગીઝર’ – આવું જુદા જ પ્રકારનું નામ કેમ આપવામાં આવ્યું હશે? આ પ્રશ્ન થયો. 

1870માં Washburn expedition – વોશબર્ન એક્સપિડિશન દ્વારા ‘ઓલ્ડ ફેથફુલ ગીઝર’ નામ આપવામાં આવ્યું હતું. કેમ કે તે સતત અને અનુમાનિત વિસ્ફોટો કરતું હતું. આ expedition – અભિયાનના સભ્યોએ નોંધ્યું હતું કે તેમાં અન્ય ઘણા ગીઝરથી વિપરીત નિયમિત અંતરાલે વિસ્ફોટ થતાં હતાં. તેના કારણે US નેશનલ પાર્ક સર્વિસ દ્વારા તેને ‘ઓલ્ડ ફેથફુલ’ નામ આપ્યું હતું. આ નિયમિતતા, જેના કારણે તેના વિસ્ફોટોમાં કેટલીક આગાહી થઈ શકતી હતી, તે એક મુખ્ય લાક્ષણિકતા હતી જે તેને અન્ય ગીઝરથી અલગ પાડે છે.

‘ઓલ્ડ ફેથફુલ ગીઝર’ વિસ્ફોટ થાય ત્યારે પ્રવાસીઓ રોમાંચિત થઈ ઊઠે છે ! દર વરસે લગભગ 45 લાખ લોકો કુદરતની આ કમાલ નિહાળે છે !

20 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યુરોપના બેવડાં ધોરણો સામે ભારતનો મક્કમ અભિગમઃ NATOની ધમકીઓ સામે ઝુકેગા નહીં!

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 July 2025

ભારત સ્પષ્ટતા અપનાવી રહ્યો છે – આપણે વ્યવહારિતા, સાર્વભૌમત્વ અને સ્વાવલંબનને મહત્ત્વ આપીએ છીએ. આપણે રાજદ્વારી વાટાઘાટો અને સુધારા માટે તૈયાર છીએ પણ સમાધાન કરીને નહીં

ચિરંતના ભટ્ટ

યુરોપે હંમેશાં એમ દેખાડ્યું છે કે ભૌગોલિક રાજનીતિની વાત આવે, ત્યારે પોતે સંતુલન જાળવ્યું છે અને નૈતિકતાને મામલે આ આખી ચોપાટમાં પોતે અગ્રેસર છે, ધ્વજ વાહક છે. જો કે યુરોપનો દંભ હવે ઉઘાડો પડી રહ્યો છે. યુરોપના નેતાઓ ભારત, ચીન અને બ્રાઝીલને દમદાટી આપી રહ્યા છે. તેઓ ચાહે છે કે આ દેશોએ રશિયા સાથે વ્યાપાર બંધ કરી દેવો જોઇએ. તેમની ધમકીનો સૂર કંઇક આવો છે, “રશિયા સાથે વેપાર બંધ કરો – નહીંતર અમારા તરફથી પ્રતિબંધોનો સામનો કરો.” NATOના મહાસચિવ માર્ક રટે આ ધમકીનો પડઘો પાડ્યો અને ઉમેર્યું કે જે પણ રાષ્ટ્ર મોસ્કો સાથે તેના આર્થિક સંબંધોને ગાઢ બનાવશે તેની પર સેકન્ડરી પેનલ્ટીઝ – સેકન્ડરી સેન્કશન્સ એટલે કે ગૌણ દંડ લાગી શકે છે. યુરોપના આ નૈતિક તણાવનો બીજો ચહેરો એ છે કે યુરોપીય ખંડ હજી પણ રશિયન શાસકો સાથે આર્થિક રીતે નજીકથી જોડાયેલો છે. પોતે સંબંધ બગાડવા નથી પણ અન્ય રાષ્ટ્રોને અલગ પાડવાની વાત કરે છે.

આપણે ક્રુડ ઓઇલના વેપારની જ વાત કરીએ તો યુરોપ આમ તો અશ્મિગત ઈંધણ વગરના ભવિષ્યની વાતો જોરશોરથી કરે છે પણ રશિયન ઊર્જાની આયાત પરોક્ષ રીતે ચાલુ રાખે છે. એક અહેવાલ પ્રમાણે ભારત દ્વારા આયાત કરાયેલા રશિયન ક્રુડ ઓઇલનું નિસ્યંદન કે શુદ્ધિકરણ જામનગરમાં કે મુંબઈમાં થાય છે અને બાદમાં ડીઝલ અને જેટ ઈંધણ તરીકે તેની અમેરિકામાં નિકાસ કરાય છે. નેધરેલેન્ડ્ઝ તેના પુનઃનિકાસ કેન્દ્ર તરીકે કામ કરે છે જે જર્મની, ફ્રાન્સ અને બેલ્જિયમ જેવા દેશોમાં તેનો પુરવઠો પહોંચાડે છે. યુરોપના નેતાઓ જેને નૈતિક દબાણનું નામ આપીને અન્ય દેશોને ઠોંસો મારે છે તે ખરેખર તો તેમની પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટેની આર્થિક પાઇપલાઇન જ છે. 

વાત માત્ર ક્રુડ ઓઇલની નથી પણ શેડો ફ્લીટ એટલે કે જૂના ટેંકરોનું એવું વૈશ્વિક નેટવર્ક જે ઓછા નિયમન વાળા ટૅગ હેઠળ રશિયન ક્રૂડ ઓઇલને એશિયા અને આફ્રિકામાં પહોંચાડે છે. અહીં પશ્ચિમી દેશોની દેખરેખ ઓછી છે. યુરોપે જ્યારે મૂલ્ય મર્યાદાની વાત કરી એટલે કે પ્રાઇસ કૅપની વાત કરી ત્યારે તેમનો હેતુ તો બહુ સારો હતો પણ તેનાથી થયું શું? મૂલ્ય મર્યાદાને પગલે રશિયાએ પોતાના મોટા ભાગના ક્રુડ ઓઈલનો પુરવઠો ભારત, ચીન, તુર્કી સહિતના એવા દેશો તરફ મોકલવાનો શરૂ કર્યો જે દેશો ચૂકવણી કરવા તૈયાર હતા અને મંજૂરીના તર્કને લઇને બહુ માથાકૂટ નહોતા કરતા. 

યુરોપના વિચાર અને વહેવારમાં સમાનતા નથી. તેની નૈતિક વાણી અને તેનો વહેવાર આ માળખાકીય વાસ્તવિકતાને અવગણે છે. યુરોપ માટે આપણી કેન્દ્ર સરકાર સામે આંગળી ચિંધી તેમનો વાંક જોવો સહેલો છે પણ બ્રસેલ્સના સ્વાર્થી વહેવાર સામે તેઓ આંખ આડા કાન કરે છે. યુરોપના નેતાઓ ભૂલી જાય છે કે રિફાઇન થયેલા ઉત્પાદનોનો લાભ તેઓ પોતે પણ લઇ રહ્યા છે. આમાં નૈતિકતા નહીં પણ રાજકીય આડોડાઇની વાત છે. NATOના નેતાઓ ભારત જેવા લોકશાહી દેશને ઉપદેશ આપે છે ત્યારે ભૂલી જાય છે કે તેમનો દંભી અભિગમ તેમની જ વિશ્વસનીયતા ખોરવી નાખનારો સાબિત થશે.

આ વ્યાપારી અભિગમની વાત છે પણ NATO આંતરિક રીતે તૂટી રહ્યું છે અને યુરોપમાં રાજકીય ભૂમિકા બદલાઇ રહી છે. જૂન 2025ના સમિટમાં સાથી દેશોને 2035 સુધીમાં સંરક્ષણ બજેટ 2 ટકા જી.ડી.પી.થી વધારીને સામૂહિક 5 ટકા કરવાની વિનંતી કરાઇ. રાજકીય વાસ્તવિકતા સાવ અલગ અને આકરી છે – સ્પેને તો 3.5 ટકા જેટલો સામાન્ય વધારો કરવાની પણ ના ફરમાવી દીધી અને માત્ર 2 ટકાથી વધારે કરી શકશે તેવો પ્રસ્તાવ મૂક્યો. પૂર્વ યુરોપમાં ખાસ કરીને પોલેન્ડ અને બાલ્ટિક રાષ્ટ્રોને તાત્કાલિક પગલાં લેવાય તેમાં રસ છે. પશ્ચિમી યુરોપના દેશો સામાજિક ખર્ચમાં કટોકટી કરવાનો ઇનકાર કરે છે, ફ્રાન્સ અને બ્રિટનને ડર છે કે તેમના વેલફેર – કલ્યાણ માટેની સુવિધાઓ ઘટી જશે. પૂર્વ યુરોપને રશિયા ફરી બળૂકો થઇને બેઠો થશે તો શું?ની ચિંતા છે એટલે NATO પાસેથી આકરી કાર્યવાહીની માગ કરે છે. પશ્ચિમ યુરોપને રશિયાથી ઓછું જોખમ અનુભવાય છે એટલે તે મોસ્કો સાથેના આર્થિક સંબંધોના ટૂંકા ગાળાના લાભને જુએ છે. પૂર્વ અને પશ્ચિમ યુરોપના દેશોની દૃષ્ટિ ખંડીત છે, એક દિશામાં નથી તે અહીં સાબિત થઇ જાય છે. આ બધા ખેલમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું ટ્રમ્પેટ પણ ચાલુ છે. તેમણે NATOના સભ્યોને ચેતવણી આપી છે કે જો તેઓ રક્ષા ખર્ચની ચૂકવમી નહીં કરે તો અમેરિકા પણ રક્ષણ નહીં આપે. ટ્રમ્પના આ વિધાને યુરોપમાં ડરનો માહોલ ખડો કર્યો છે. 

આપણે એક રાષ્ટ્ર તરીકે વિરોધાભાસી સ્થિતિમાં છીએઃ NATO રશિયન આક્રમકતા વિશે નૈતિક દલીલો તો કરે છે પણ NATOની પોતાની જ વિશ્વસનીયતા ડગુમગુ થઇ રહી છે. યુરોપ ઇચ્છે છે કે ભારત કોઈ એક પક્ષ લે – પણ યુરોપના વિવિધ દેશોમાં બજેટ, વ્યૂહરચના અને અમેરિકા પ્રત્યેની નિષ્ઠા જેવા મુદ્દાઓ પર ઝગડા વધી રહ્યા છે. કાગળ પર જે બાબતો મજબૂત લાગે છે તે અંગે થતું રાજકીય ઘર્ષણ એ વાતનો પુરાવો છે કે યુરોપીય દેશોમાં સંપ નથી અને તેઓ અસંગતતાના જોખમનો સામનો કરી રહ્યા છે. 

17 જુલાઈના રોજ ભારતે NATOના “ડબલ સ્ટાન્ડર્ડ્સ”ને સાવ સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધા. નૈતિક દબાણનો જવાબ આપતા ભારતે જણાવ્યું કે રાષ્ટ્રીય ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવી એ તેનો હક છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ પણ જણાવ્યું કે જો રશિયન આયાતમાં અવરોધ આવે, અને જરૂર પડે તો ભારત અન્ય સપ્લાયર્સ તરફ વળી શકે છે – પણ પોતાની ઊર્જા વ્યૂહરચના ભારત પોતે જ નક્ક કરશે. ટૂંકમાં ભારત હવે યુરોપીય દંભ સામે શાંત મગજથી, પણ દૃઢતાથી જવાબ આપી રહ્યો છે – “અમે જે જરૂરી લાગે તે કરીશું.” ભારતની કૂટનીતિ એ છે કે એક રાષ્ટ્ર તરીકે તે સંવાદ માટે તૈયાર છે પણ તે કોઈ પણ પ્રકારના દબાણને નકારે છે. 

જો યુરોપે નૈતિકતાને મામલે કૉલર ઊંચા રાખવા હશે તો પહેલાં પોતાના વિચાર-વહેવારના વિરોધાભાસ દૂર કરવા પડશે. યુરોપે શેડો ફ્લીટ બંધ કરવી પડશે. EU અને G7ને પુનઃનિકાસના છીંડા પૂરવા પડશે. ફ્રન્ટ કંપની ટેંકર્સ પર પ્રતિબંધો લાદીને રશિયન ક્રુડનું શુદ્ધિકરણ બંધ કરવું પડશે. સ્વચ્છ ઊર્જાની વાત નહીં પણ રોકાણ અને અમલીકરણ પણ થાય તે જરૂરી છે. યુરોપે બે ય લાડવા ખાવાની દાનત બદલવી પડશે. NATOની દિશા સ્પષ્ટ થાય તે જરૂરી છે. સંરક્ષણના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યોને જો રાજકીય સર્વસંમતિ ન મળતી હોય તે સાવ ઠાલાં છે. NATOના સભ્ય દેશોએ જોખમની દૃષ્ટિએ પણ સંપ રાખવો જોઇએ, અમેરિકાના દબાણમાં આવી જઇને અસંદિગ્ધ સંકેતો આપવાનું ટાળવું જોઇએ. યુરોપે ભારત અને બ્રાઝિલ જેવા દેશોના સમીકરણોને સમજવા પડશે. ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા વૈકલ્પિક ન હોય. ભારત કે બ્રાઝિલની નિંદા કરવામાં યુરોપનું નેતૃત્વ નથી ઝળકતું બલકે નવા પ્રકારનો સામ્રાજ્યવાદી અભિગમ સપાટી પર આવે છે જેને ઉદારતાનું મહોરું પહેરાવેલું છે. 

રશિયા પ્રત્યેનો યુરોપનો અભગિમ અસ્થિર બની રહ્યો છે – બોલવામાં શૂરા યુરોપનું તેજ જ્યારે પગલાં લેવાનો વારો આવે ત્યારે ઝાંખું પડી જાય છે. બ્રસેલ્સનો ભંડાર રશિયન ઊર્જા ભરશે અને બીજાઓને ઉપદેશ આપશે તો વૈશ્વિક નેતૃત્વની યુરોપની નિશ્વસનિયતા ફસકી જવાની એ ચોક્કસ. 

NATO મહત્ત્વાકાંક્ષા અને વિરોધી વિચારધારાનો ચક્રવ્યૂહમાં ફસાયું છે. NATOના સભ્ય દેશોમાં સંપ નહીં હોય તો ભારતને તેની કોઈપણ ધમકીઓ ખોખલી જ લાગશે. આ સંજોગોથી સાવ વિપરીત રીતે ભારત સ્પષ્ટતા અપનાવી રહ્યો છે – આપણે વ્યવહારિતા, સાર્વભૌમત્વ અને સ્વાવલંબનને મહત્ત્વ આપીએ છીએ. આપણે રાજદ્વારી વાટાઘાટો અને સુધારા માટે તૈયાર છીએ પણ સમાધાન કરીને નહીં. ટૂંકમાં જ્યાં સુધી યુરોપ પોતાના ઊર્જા વ્યાપાર, સંરક્ષણના અભિગમ અને નૈતિક જવાબદારી પર નિયંત્રણ નહીં લાવે ત્યાં સુધી તેની ધમકીઓ નિર્લજ્જ સદ્ભાવનાના દેખાડામાં ખપશે અને તેને નકારી દેવાશે. 

બાય ધી વેઃ  

યુરોપનું મોરલ પોલીસીંગ ઠાલું લાગી રહ્યું છે કારણ કે તેના બેવડાં ધોરણો છતાં થઇ રહ્યાં છે. યુરોપની હાલત એ દારુડિયા જેવી છે જે પોતાની લત નથી છોડતો અને પાડોશીને ભાંડ છે; ટૂંકમાં ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શીખામણ આપે. આખા વિશ્વમાં ખેલાઈ રહેલા રાજકીય કાવદાવાને ગુકેશ પણ હરાવી ન શકે એટલો પેચીદો માહોલ બની રહ્યો છે. વડા પ્રધાન માટે આ સહેલું નથી કારણ કે દોસ્તીના દાવા કરનારા અમેરિકાની વાતો, યુરોપનું નૈતિકતાનું નગારું અને ગ્લોબલ સાઉથમાં શક્તિપ્રદર્શન આ બધા વચ્ચે આપણે તો એક રાષ્ટ્ર તરીકે નક્કરતા અને મક્કમતા દેખાડવાની છે. ભૌગોલિક રાજકારણ એવું મેદાન બની રહ્યું છે જ્યાં જાણે સુરંગો બિછાવી હોય એટલે સાવચેતી અને ગણતરીપૂર્વકનાં પગલાં માત્ર જ એક રાષ્ટ્ર તરીકેની આપણી ગરિમા જાળવવામાં મદદરૂપ થઇ શકે છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 જુલાઈ 2025

Loading

...102030...206207208209...220230240...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved