Opinion Magazine
Number of visits: 9680460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રસીને રસ્તે મતભેદ, મૂંઝવણ કે મોકાણ

ડૉ. દુર્ગેશ મોદી|Opinion - Opinion|12 January 2021

રસીને રસ્તે મતભેદ, મૂંઝવણ કે મોકાણ

નવવર્ષના પ્રથમ દિવસે મળેલી CDSCO(કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનની)ની વિષય નિષ્ણાત સમિતિની બેઠકમાં ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા ડૉ. વી.જી. સોમાણીના નેતૃત્વ હેઠળ ભારતમાં કોરોના વાઇરસ વિરુદ્ધની પ્રથમ રસીને મંજૂરી આપવામાં આવી. નામે કોવિશીલ્ડ (વૈજ્ઞાનિક નામ : Chdox 1 n Cov 19). (ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા સંયુક્તપણે વિક્સાવેલ આ રસીનું ભારતમાં ઉત્પાદન કરવાના હક અને જવાબદારી સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસે છે.) મંજૂરી પૂરેપૂરી નથી, મર્યાદિત અને શરતી છે. ૧૮ વર્ષથી ઉપરનાં વ્યક્તિઓને બે ઈન્જેક્શન ૪થી ૬ અઠવાડિયાના અંતરે આપી શકાશે. દરેક ડોઝ 0.5 ml.નો હશે. 5 x 1010ની માત્રામાં વિષાણુઓ હશે. વાઈરલ વેક્ટર પ્રકારની આ રસીનાં પ્રાયોગિક પરીક્ષણોના ત્રીજા તબક્કાના વચગાળાનાં પરિણામો સલામતી અને અસરકારકતાની દૃષ્ટિએ સંતોષજનક હતા જેનાં ચાલુ પરીક્ષણોમાંથી મળતી રહેતી માહિતી દેશમાં આંકડા નિયત સમયે CDSCOને આપતા રહેવાની શરતે પ્રથમ વખત આ પ્રકારની તકનિક ધરાવતી રસીને ભારત કે વિશ્વમાં મંજૂરી મળી છે.

પરંતુ આ રસી પાછળના વિજ્ઞાનને છેલ્લાં ૧૦ વર્ષથી મઠારવામાં આવી રહ્યું છે. ૨૦૧૧-૧૨માં કોરોનાના પિતરાઈ એવા MERS વિષાણુનો રોગચાળો મધ્યપૂર્વના દેશોમાં ફેલાયો હતો ત્યારેથી ઓક્સફર્ડની જેનર સંસ્થામાં આ જાતની રસીને વિકસાવવાના પ્રયત્નો ચાલુ થયા હતા જેનાં ફળ હવે ૨૦૨૦-૨૧માં પાક્યાં છે. એપ્રિલ મહિનાથી ચાલુ થયેલ પરીક્ષણના પહેલા બે તબક્કામાં ૧,૦૦૦થી વધુ અને ત્રીજા તબક્કામાં ૨૩,૦૦૦થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. અને સાત-આઠ મહિનાની સઘન તપાસ બાદ આ રસી સલામત અને ૭૦% અસરકારક માલૂમ પડી છે. આ પરિણામો પણ હજી મધ્યાહ્‌ન વિરામ સમયનાં છે અને પૂર્ણ પરિણામો એક વર્ષના અંતે મળશે. અમેરિકી કંપનીઓ ફાઈઝર અને મોડર્નાની mRNA આધારિત રસીઓની ૯૫% અસરકારક્તા સામે આ રસી પહેલી નજરે જરી નબળી જણાય. પરંતુ પરીક્ષણો દરમિયાન ટેસ્ટ કરવામાં ફેરને કારણે બંને વચ્ચે સીધી સરખામણી યોગ્ય નથી. પરીક્ષણો દરમિયાન રસી લીધેલ એક પણ વ્યક્તિને તીવ્ર કોવિડ થયો નહોતો. નિયત કરેલા ધોરણ મુજબ ૫૦%થી વધુ અસરકારકતા ધરાવતી આ રસીને મળેલી મંજૂરી ભારત જ નહીં સમગ્ર વિશ્વ માટે શુભંકર સમાચાર છે. રસીની કિંમત અને સંગ્રહમાં પ્રમાણમાં સરળતાને કારણે વિશ્વમાં સૌથી વધુ લોકો કદાચ આ જ રસી લેશે ત્યારે ભારતીય કંપનીએ રોગચાળાની શરૂઆતમાં ઉઠાવેલ જોખમના મીઠાં ફળ ભારતીય જનતાને હવે મળશે તે સરાહનીય છે.

હવે વાત બીજી રસીની કરીએ. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોવાક્સિન (વૈજ્ઞાનિક નામ – BBV152). ICMR હેઠળની અગ્રતમ લેબોરેટરી NIV નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી-પૂણે સાથેની ભાગીદારીમાં વિકસાવેલ આ રસી નિષ્ક્રિય કરેલ પૂર્ણ વિષાણુ (Inactivated whole virion) પ્રકારની છે. આ તકનિક લગભગ ૧૫૦ વર્ષ જૂની છે પરંતુ આ પ્રકારની રસીઓ ઘણા રોગો સામે સમયની એરણ પર ખરી ઊતરી છે. ૧-૧-૨૧ના રોજ CDSCOએ ભારત બાયોટેકને ઉદ્‌બોધતાં નોંધ્યું છે આ રસીએ પહેલા અને બીજા તબક્કાનાં પરીક્ષણોમાં તથા પ્રાણીજન્ય પરીક્ષણોમાં સારી સલામતી અને રોગપ્રતિકારકજન્યતા (immunogenicity) બતાવી છે. પરંતુ ત્રીજા તબક્કાનાં પરીક્ષણો હજી બાકી છે. કંપનીએ ત્રીજા તબક્કા માટે બાકી સ્વયંસેવકોની ભરતી તરત કરી વહેલી તકે વચગાળાનાં પરિણામોની સમીક્ષા કરવી જોઈએ. અહીં નોંધનીય છે કે આ રસી માટે ત્રીજા તબક્કાનાં પરીક્ષણો નવેમ્બર મહિનામાં જ શરૂ થયા હતાં. (પ્રથમ બે તબક્કામાં આશરે ૧,૨૫૦ વ્યક્તિઓ પર થયેલ પરીક્ષણો બાદ રસીની સલામતી સંતોષકારક માલૂમ પડી હતી). બીજા દિવસે આ રસી માટે CDSCOએ પુનઃ બેઠક બોલાવી હતી અને અગમ્ય ઢબે DGCIની આગેવાની હેઠળ નિષ્ણાત સમિતિએ આ રસીને પણ મર્યાદિત અને શરતી મંજૂરી આપી, અસરકારકતાના આંકડાની ગેરહાજરી છતાં. શરતી મંજૂરી આપતાં નોંધ કરવામાં આવી છે : આ કટોકટીકાળની મંજૂરી પુષ્કળ સાવચેતી રાખીને, ક્લિનિકલ ટ્રાયલની રીતે અને વધુ વિકલ્પો મળી રહે એ હેતુથી આપવામાં આવી છે. આ પ્રકારની મંજૂરી કોઈ દવા કે રસી માટે આ પહેલાં ભારતમાં આપવામાં આવી નથી. મંજૂરી બાદ AIIMSના નિયામક ડૉ. રણદીપ ગુલેરિયા, ICMRના નિયામક ડૉ. બલરામ ભાર્ગવ તથા દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા રસીના બચાવમાં નિવેદનો આવ્યાં. તો બીજી તરફ CMC વેલ્લોરના પ્રોફેસર અને ચેપી રોગોના નિષ્ણાત ડૉ. ગગનદીપ કાંગ દ્વારા CDSCOના આ પગલાંની ભારે ટીકા કરવામાં આવી.

NIV અને ભારત બાયોટેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે. તેમના દ્વારા બનાવેલ અનેક રસી વિશ્વસ્તરે માન્યતા ધરાવે છે. જે વિજ્ઞાનનો આધાર લઈને તેમણે રસી વિકસાવી છે તે તકનિક તેની કાર્યદક્ષતા પુરવાર કરી ચૂકી છે. તેમ છતાં, ત્રીજા તબક્કાનાં પરીક્ષણોની ગેરહાજરીમાં રસીને મંજૂરી આપવી અનુચિત જ નહીં, આઘાતજનક પણ છે. રસીની તરફેણ કરતાં ડૉ. હર્ષવર્ધને નિવેદન કર્યું કે UKની નવી પ્રજાતિ વિરુદ્ધ આ રસી સારું કામ આપી શકશે એવી સંભાવના છે. અલ્યા ભાઈ, જ્યારે મૂળ વાઇરસ સામે જ રોગપ્રતિકારકતા કેટલી છે. એ ખબર નથી તો આવાં તારણો કેમનાં કાઢી શકાય. તબીબી વિજ્ઞાન માત્ર સૂચિત સિદ્ધાંત કે તર્કના આધારે ન ચાલે. કારણ કે આ કોઈ પૂર્ણ શાસ્ત્ર નથી, વિકસતું વિજ્ઞાન છે. અભૂતપૂર્વ પ્રગતિ છતાં આ જ્ઞાન અપૂર્ણ છે, ઘણાં તથ્યો/હકીકતો હજી અસાધ્ય છે. આથી જ જ્યારે કોઈ નવી દવા કે રસીને મંજૂરી આપવામાં આવે ત્યારે આવી અપૂરતી માહિતીને આધારે લગાવેલ કેવળ તર્કથી આગળ વધીને પ્રયોગમૂલક આંકડા એક્ઠા કરવાં તબક્કાવાર તબીબી પરીક્ષણો કરવામાં આવે છે, અને તો જ આ શાસ્ત્રના પાયાગત ખ્યાલ. “Primium Non Nocere (first do no harm) મુજબ સૌથી મહત્ત્વનું એ છે કે કોઈને હાનિ ન થાય”નું પાલન થઈ શકે. એક ભારતીય તરીકે અને વિજ્ઞાનના સાધક તરીકે એવી આશા જરૂર હોય કે આ સ્વદેશી રસી વિશ્વની શ્રેષ્ઠ રસીઓને ટક્કર આપે. પરંતુ જ્યાં સુધી આ વાત પરીક્ષણો દ્વારા સાબિત ન કરી શકાય ત્યાં સુધી આ રસીને મંજૂરી આપવી અનુચિત જ નહીં, અનૈતિક પણ કહી શકાય – તે પણ એવા સંજોગોમાં જ્યારે વૈકલ્પિક રસી કે જેની અસરકારકતા અને સલામતી સાબિત થયેલ છે તે ઉપલબ્ધ છે.

રસી-બનાવટ એ તબીબી વિજ્ઞાન માટે નવપ્રયોગ, સંશોધન અને વિકાસ(innovation, research & development)નો વિષય છે; પરંતુ રસીકરણ એ લોકસ્વાસ્થ્યની બાબત છે જેનો પાયો રસીની સલામતી અને અસરકારકતામાં જનવિશ્વાસ ઊભો કરવામાં રહેલો છે. રાષ્ટ્રવાદની લાય કે આત્મનિર્ભરતાની ઉતાવળ જો આ જનવિશ્વાસને હાનિ પહોંચાડતાં હોય તો મને એ બેમાંથી એક પણ સ્વીકાર્ય નથી.

જાન્યુઆરી ૧૦, ૨૦૨૧, નવી દિલ્હી

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 01-02

Loading

રાજા બની ગયો છું

'સાજ' મેવાડા|Opinion - Opinion|11 January 2021

રાજા બની ગયો છું, સૌને હવે સતાવું,
સાક્ષી વિના બધાને શૂળી ઉપર ચઢાવું.

હિંમત નથી તમારી, અમથા મરી જવાના,
સામે પડો વિચારી, જેલો ભરી ડરાવું.

મિત્રો બધા ય મારા આવી સલામ કરશે,
આપી ઘણા ખિતાબો ઈર્ષા થકી લડાવું.

જે આંધળા હશે ને, લુચ્ચી શિયાળ જેવા,
એવા પ્રધાન મારા, શોધી અને બનાવું.

માનો નહીં હકૂમત, મારા સ્વરાજની તો,
આવો નજીક લોકો, ઘા 'સાજ'ના બતાવું.

Loading

શ્રેષ્ઠતાની એક આખી સાંકળ હોય છે, જે તમને વર્લ્ડ-ક્લાસ બનાવે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 January 2021

તમને 'ચેલેન્જર' અવકાશ યાનની દુર્ઘટના યાદ છે? ૨૮ જાન્યુઆરી, ૧૯૮૬ના રોજ અમેરિકાના ફલોરિડા રાજ્યમાં, એટલાન્ટીક મહાસાગર પાસેની સાઈટ પરથી, 'ચેલેન્જર'ને છોડવામાં આવ્યું હતું, અને ૭૨ સેકંડમાં તે નજીકના એટલાન્ટીક મહાસાગરમાં તૂટી પડ્યું. તેમાં ૭ અવકાશ યાત્રીઓ માર્યા ગયા. ૧૯૮૩માં, અવકાશમાં જનારું 'ચેલેન્જર' બીજું યાન હતું અને તે પછી તે નવ વખત સફળ રીતે અવકાશમાં જઈ આવ્યું હતું. આ એની દસમી યાત્રા હતી. તેના મિશનમાં ક્રીસ્ટા નામની એક હાઈ સ્કૂલ શિક્ષિકા પણ હતી, જે પહેલીવાર અવકાશમાં ક્લાસ લેવાની હતી. અવકાશમાં ક્લાસ લેવાની નવીનતાના કારણે, 'ચેલેન્જર'ની આ દસમી યાત્રામાં લોકોનું બહુ ઉત્સુકતા હતી. તેને છોડવામાં આવ્યું, ત્યારે તેનું જીવંત પ્રસરણ થઇ રહ્યું હતું, અને લાખો અમેરિકનોએ 'ચેલેન્જર'ને વિખરાઈને સમુદ્રમાં તૂટી પડતું જોયું હતું.

શું થયું હતું? નાસાએ પાછળથી જે તપાસ બેસાડી હતી, તેમાં ખબર પડી કે ઉડ્ડયન સમયે 'ચેલેન્જર'ના રાઈટ સોલીડ બૂસ્ટરના એક જોઈન્ટમાં ચૂક ઊભી થઇ હતી. આ ચૂક ઊભી થવાનું કારણ તે જોઈન્ટમાં એક નાનકડી ગોળાકાર રિંગ હતી, જેને ઓ-રિંગ કહે છે, તે ચોંટી ગઈ હતી. ઓ-રિંગને તમે ગાસ્કેટ પણ કહી શકો, જે એકબીજા સાથે ઘસાતા પાર્ટ્સ વચ્ચેની જગ્યામાં પેકિંગનું કામ કરે છે. ઓ-રિંગ છેલ્લાં ૧૫૦ વર્ષથી નાના-મોટાં મશીનો અને એન્જીનોમાં વપરાય છે. 'ચેલેન્જર'ના ઉડ્ડયન વખતે ત્યાનું તાપમાન અત્યંત ઠંડું હતું, એમાં રબરની આ ઓ-રિંગ ચોંટી ગઈ, અને એમાંથી ઇંધણ લીક થયું, જેથી ૧૪. ૫ કિલોમીટર પર બૂસ્ટરમાં આગ લાગી અને અબજો રૂપિયાનું મિશન સ્વાહા થઇ ગયું. ૩૨ મહિના સુધી નાસાનો અવકાશ યાન પ્રોગ્રામ ઠપ્પ થઇ ગયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦મી ડિસેમ્બરે દિલ્હીમાં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરતી વખતે કહ્યું હતું કે, “જૂના સંસદ ભવને આઝાદ ભારતને દિશા આપી હતી, તો નવું ભવન આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે.” મોદી જે આત્મનિર્ભર ભારતને બનાવવા માંગે છે, તેની ચાવી આ 'ચેલેન્જર' દુર્ઘટના અને ઓ-રિંગમાં છે. દેશ આત્મનિર્ભર ત્યારે બને જ્યારે તેની અર્થવ્યવસ્થા ઉત્પાદન અને નિકાસ કેન્દ્રિત હોય. ૨૧મી સદીમાં સુખ અને સુવિધાથી જીવવા માટેની જરૂરી તમામ ચીજવસ્તુઓ અને સેવાઓ ભારતમાં જ બને અને આપણા ઉપભોગ પછી ફાજલ હોય, તો બીજા દેશોમાં તેની નિકાસ થાય.

આત્મનિર્ભરતાની આ સાદી સમજ છે. એને ઓ-રિંગ સાથે શું સંબંધ?

૨૦૧૯માં, ભારતના અર્થશાસ્ત્રી અભિજિત ભટ્ટાચાર્યની સાથે જેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું, તે અમેરિકન ડેવલપમેન્ટ અર્થશાસ્ત્રી માઈકલ ક્રેમરે, 'ચેલેન્જર'ની આ દુર્ઘટના પરથી 'ઓ-રિંગ ડેવલોપમેન્ટ થિયરી' વિકસાવી હતી. ક્રેમરે આ દુર્ઘટના પરથી તારણ કાઢ્યું કે ઉત્પાદનની દરેક પ્રક્રિયામાં અનેક સાંકળો હોય છે, જે તમામ સફળ રીતે કામ કરે, ત્યારે ઉત્તમ ચીજવસ્તુ તૈયાર થઈને બહાર પડે.

એમાં કોઈ પણ એક કડીમાં જો ચૂક રહી જાય, તો ફાઈનલ ચીજવસ્તુની ગુણવતા કે મૂલ્યમાં ઘટાડો થાય. મોટા ભાગની નોકરીઓ ઓ-રિંગ હોય છે; દરેક નોકરિયાત તેમને ભાગે આવેલું કામ શ્રેષ્ઠ રીતે કરે, એટલે શ્રેષ્ઠતાની એક આખી સાંકળ બને, જે અંતિમ ચીજ કે સેવાની ઉત્કૃષ્ટતામાં પરિણામે. આ જે અંતિમ વસ્તુ કે સેવાની જે ગુણવત્તા છે, તે તમને વર્લ્ડ-ક્લાસ બનાવે છે.

હું જે એપલ કોમ્પ્યુટર કે આઈ-ફોન પર ‘સંદેશ’ માટે આ લેખ ટાઈપ કરું છું, તેની વર્લ્ડ-ક્લાસ ગુણવત્તાનું મૂળ ઓ-રિંગ થિયરીમાં છે. આઈ-ફોન આવ્યા પછી તેણે તમામ મોબાઈલ ફોનની ડિઝાઇન અને બનાવટ બદલી નાખી. બીજા ફોન સસ્તા છે, એટલા માટે વધુ વેચાય છે એમ નહીં, પણ લોકોને બીજા ફોન વાપરીને આઈ-ફોન વાપરતા હોય, તેવો અનુભવ મળે છે, એટલા માટે વધુ વેચાય છે. ચાઇનીઝ માલ સસ્તો છે, માત્ર એટલા માટે નહીં (એ તો છે જ), પણ એ માલની ગુણવત્તા પણ એટલી જ સંતોષજનક છે. પતંગો એ ભારતનો, અથવા ગુજરાતનો, તહેવાર છે, પણ એમાં ય ચાઇનીઝ પતંગો અને દોરાઓ કેમ લોકપ્રિય છે? કારણ કે એમાં પતંગ-રસિયાઓને વધારે મઝા આવે છે. કોઈ ચીજ-વસ્તુ વાપરવાની મઝા તેને લોકપ્રિય બનાવે છે.

ભારતની આત્મનિર્ભરતા એવા ઉત્પાદનમાં છે, જેની ગુણવત્તા એટલી સારી હોય કે લોકો બહારની ચીજો છોડીને સ્વદેશી વાપરવા લાગે. આપણે વિદેશી ચીજો એટલા માટે નથી વાપરતા કે આપણે બધા ‘દેશદ્રોહી’ છીએ, પણ એટલા માટે કે બીજા દેશોની ચીજવસ્તુઓની ગુણવત્તામાં આપણને વિશ્વાસ છે. ભારતનું પ્રોડક્શન જ્યાં સુધી વૈશ્વિક સ્તરની ગુણવતા સિદ્ધ ના કરે, ત્યાં સુધી એ ખતરો રહેવાનો કે આપણે ‘આપણી’ નબળી ચીજ છોડીને ‘પારકા’ની સબળી ચીજને ખરીદીશું, અને આ ગુણવત્તા સિદ્ધ કરવાનું ત્યારે શક્ય છે, જયારે એમાં ઓ-રિંગ થિયરીનો અમલ થાય.

ઓ-રિંગના રચિયતા માઈકલ ક્રેમરના કહ્યા મુજબ, ગરીબ દેશોની સરખામણીમાં સમૃદ્ધ દેશોમાં અટપટી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધુ થાય છે, ત્યાં વિશાળ કંપનીઓ હોય છે અને કામદારોની ઉત્પાદન ક્ષમતા વધુ હોય છે, કારણ કે ઊંચી ક્ષમતાની સામે ઊંચું વળતર મળે છે. ગરીબ દેશમાં મૂડી ઓછી છે એટલે તે સસ્તા અને અકુશળ કામદાર રાખે છે, જેથી પ્રોડક્ટની ગુણવતા જોખમાય છે. કોઈ પણ દેશના પ્રોડક્શન અથવા મેન્યુફેક્ચરિંગની સફળતા (કે નિષ્ફળતા) ત્રણ બાબતો પર આધાર રાખે છે : કુશળતા, ઉત્પાદકતા અને વેતન. કામદારોની કુશળતામાં નાનો સરખો ફેરફાર હોય (ઓ-રિંગ), તો ઉત્પાદકતા અને વેતનમાં તેની મોટી અસર પડશે. મોટી કંપનીઓ કે સમૃદ્ધ દેશો અત્યંત સ્પર્ધાત્મક ઉત્પાદનો બહાર પાડે છે, કારણ કે તેઓ કુશળતા, ઉત્પાદકતા અને વેતનની ત્રણ ઓ-રિંગને બરાબર કામ કરતી રાખે છે.

જેમ બે ખરાબ લેખકો ભેગા થઈને એક બહેતર નવલકથા લખી ના શકે, તેવી રીતે વિશાળ સંખ્યામાં ઓછા કુશળ કામદારો ભેગા થઈને વર્લ્ડ-ક્લાસ પ્રોડકટ બનાવી ના શકે. બલકે, તમે જેટલી અટપટી વસ્તુ બનાવવા માંગતા હોય, તેની કડીઓમાં એટલા જ ગુણવત્તાવાળા માણસો જોઈએ અને ગુણવત્તા માટે વેતન ચુકવવું પડે. ગૂગલ કંપનીની દુનિયાભરમાં પથરાયેલી ઓફિસોમાં નાનામાં નાનો કર્મચારી પણ અત્યંત કુશળ અને તગડું વેતન મેળવતો હોય છે, તેની પાછળ આ ઓ-રિંગ થિયરી કામ કરે છે. ભારતમાં લઘુ અને માધ્યમ કક્ષાના ઉધોગો સ્થાનિક બજારોની માંગને સંતોષવાનું કામ તો કરે છે, પરંતુ તે વૈશ્વિક બજારોમાં સ્પર્ધા કરી શકે તેમ છે?

ભારતે ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો, તે પછી ચીનના સરકારી વાજિંત્ર સમા સમાચારપત્ર ‘ગ્લોબલ ટાઈમ્સ’ના એડિટરે શ્લેષ કર્યો હતો કે, “ઠીક છે, પણ ચાઇનીઝ લોકોને ય જો ભારતીય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો હોય, તો એ ચાઇનીઝ બજારમાં હોવી તો જોઈએ ને.”

ભારત આત્મનિર્ભર કેવી રીતે બની શકે છે, તેનો જવાબ આ શ્લેષમાં છુપાયેલો છે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 10 જાન્યુઆરી 2021

Loading

...102030...2,0672,0682,0692,070...2,0802,0902,100...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved