Opinion Magazine
Number of visits: 9964723
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરીબડી ગાયનું કામધેનુકરણ કોના લાભ માટે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 March 2021

ગવર્નર વજુભાઈ વાળાએ “કર્ણાટક પશુવધ અટકાવ અને સંરક્ષણ વિધેયક,૨૦૨૦”ને મંજૂરી આપતાં ગોહત્યા પ્રતિબંધનો કાયદો ઘડનારાં રાજ્યોમાં એક વધુનો ઉમેરો થયો છે. કર્ણાટક હવે દેશના ગો અને ગોવંશ હત્યા પર પૂર્ણ કે અંશતઃ પ્રતિબંધના કાયદા ઘડનારાં રાજ્યોમાં સામેલ થઈ ગયું છે. કેરળ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરનાં થોડાં રાજ્યોમાં હજુ ગોહત્યા પ્રતિબંધિત નથી. ૨૦૧૯માં રચાયેલા “રાષ્ટ્રીય કામધેનુ આયોગ”નું મુખ્ય કાર્ય તો “ગાયોના સંરક્ષણ અને સંવર્ધન”નું છે. પરંતુ તેણે કામધેનુ ગૌવિજ્ઞાન પ્રચાર પ્રસાર માટે ઑનલાઈન પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ માટે દેશભરમાંથી આશરે પાંચ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આયોગે પરીક્ષા માટે  જાહેર કરેલ મટીરિયલ ગાય અંગે અવૈજ્ઞાનિક માહિતી અને અંધવિશ્વાસ ફેલાવનારું હોવાના જાહેર ઊહાપોહ પછી હવે તે પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ગરીબડી ગણાતી ગાયના કામધેનુકરણ અને સંકીર્ણ રાજકીય ઉપયોગના આ તાજેતરનાં ઉદાહરણો છે.

ભારતીય બંધારણના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાન્તો અંતર્ગત અનુચ્છેદ ૪૮માં, “કૃષિ અને પશુપાલન સંગઠન”સંબંધી જોગવાઈઓ છે. ૧૯૭૬માં બેતાળીસમા બંધારણ સુધારા મારફત તેમાં અનુચ્છેદ-૪૮-એ જોડી, “પર્યાવરણનું સંરક્ષણ તથા સંવર્ધન અને વન તથા વન્ય જીવોનું રક્ષણ”ની જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયાઓએ ભારતીય સમાજની, ખાસ તો હિંદુ સવર્ણ સમાજની, ગાયને પવિત્ર અને પૂજ્ય માનવાની લાગણી તથા કૃષિઅર્થતંત્રમાં ગાયની ઉપયોગિતા પ્રમાણીને ગાયો અને ગોવંશની કતલ પર પ્રતિબંધ ફરમાવતી જોગવાઈ કરી હતી. કેટલાંક રાજ્યોએ તે જોગવાઈઓને અનુલક્ષીને કાયદાઓ ઘડ્યા છે. ૨૦૦૫માં સર્વોચ્ચ અદાલતે ગોહત્યા સંબંધી કાયદાઓને બંધારણીય ઠેરવ્યા હતા.

પરંતુ ગોવંશહત્યા પ્રતિબંધ અંગેની બંધારણીય જોગવાઈઓનો આપણી કેન્દ્ર કે રાજ્યોની તમામ પક્ષોની સરકારો, સીમિત અને સંકુચિત ઉપયોગ કરે છે. સંવિધાનના અનુચ્છેદ ૪૮માં, “રાજ્ય કૃષિ અને પશુપાલનને આધુનિક અને વૈજ્ઞાનિક પધ્ધતિઓથી એકત્ર કરશે“ અને “ગાય-વાછરડાં તથા દૂધાળાં અને પાલક પ્રાણીઓની જાતિમાં સુધારા માટે પ્રયાસ કરશે” તે જોગવાઈનો છેદ ઉડાડી સરકારો અનુચ્છેદના અંતિમ શબ્દો, “હત્યા પર પ્રતિબંધ”ને જ મહત્ત્વ આપી તેવા કાયદા ઘડી રહી છે. ગોવંશહત્યા પર પ્રતિબંધ અને તેની સુધારણા તરફના આંખમિચામણાંથી જે અસંતુલન ઊભું થશે તે અંગે ઝાઝું વિચારાતું નથી.

આઝાદી સમયે દેશની ૩૫ કરોડની વસ્તી સામે ૨૧ કરોડ ગોવંશ હતો. ૨૦૧૬માં ૧૨૪ કરોડની જનસંખ્યા સામે ગોવંશ ઘટીને ૧૦ કરોડ થઈ ગયો હતો. ગોવંશહત્યા પ્રતિબંધના કાયદા પૂર્વે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ગૌવંશના પ્રાણીઓ હતા જે હવે રહ્યા નથી. જ્યાં ગોવંશ હત્યા પ્રતિબંધનો કાયદો નથી અને મર્યાદિત અને જરૂરિયાત મુજબ ગોવંશની કતલ થાય છે તેવા પશ્ચિમ બંગાળમાં, ગોવંશનાં પ્રાણીઓ સૌથી વધુ છે. આમ થવાનું કારણ એ છે કે ગાયો લાંબો સમય દૂધ આપતી ન હોઈ પશુપાલકને તે કાયમ પરવડતી નથી. એને પાળી પણ ન શકાય અને મારી પણ ન શકાય એ સ્થિતિમાં લોકો ગાયો ઓછી પાળે છે કે બિનઉપયોગી બનતાં રઝળતી કરી દે છે. તેથી દેશમાં આવારા ગાયોની સંખ્યા વધી રહી હોવાના અને તે જાહેર રસ્તે રઝળતી હોવાના, કચરો કે પ્લાસ્ટિક ખાઈને મરવાના વાંકે જીવતી હોવાના, પણ દાખલા જોવા મળે છે.

યુ.પી.ના બુંદેલખંડ વિસ્તારના ચિત્રકુટમાં ૨૦૦૭માં ૨૮,૩૪૩ આવારા ગોવંશ હતું, તે ૨૦૧૨માં વધીને ૭૪,૭૧૩ અને ૨૦૧૭માં ૨,૧૩, ૬૫૮ થયું છે. બિનઉપયોગી અને ૧૩ વરસથી વધુ વયના ગોવંશની કતલની છૂટ ન હોય તે રાજ્યોમાં કેવું અસંતુલન ઊભું થઈ શકે છે તેની ઝલક આ આંકડાઓ દર્શાવે છે. પરંતુ ગાયનું રાજકારણ એવું હાવી છે કે તે વાસ્તવિકતાનો સામનો કરવા તૈયાર નથી. બંધારણમાં ગોવંશકતલ પ્રતિબંધની જોગવાઈ ખેતીમાં તેની ઉપયોગિતાને અનુલક્ષીને કરવામાં આવી છે. આજે ખેતીમાં ટ્રેકટર અને અન્ય યંત્રોનો ઉપયોગ વધતાં બળદની અલ્પ ઉપયોગિતા છે, પરંતુ ધાર્મિક લાગણીના જોરે મૂળ બંધારણીય ભાવનાને કોરાણે મૂકવામાં આવે છે. આવા કાયદા પર્યાવરણ અને આરોગ્યને નુકસાનકર્તા ન બની રહે તે વિષે પણ પૂરતી તકેદારી લેવાતી નથી.

મધ્ય પ્રદેશની બી.જે.પી. સરકારે રાજ્યના પશુપાલન, વન, પંચાયત, મહેસૂલ, ગ્રામીણ વિકાસ, ગૃહ અને કિસાન કલ્યાણ વિભાગોના મંત્રીની બનેલી ગો કેબિનેટ બોલાવી હતી અને આ તમામ વિભાગોને સાંકળીને અલગ ગો-મંત્રાલય બનાવ્યું છે. “પહેલો રોટલો ગાયને”ની ધાર્મિક માન્યતાની રોકડી કરીને મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રીએ લોકોને ગોગ્રાસ રૂપે ગોકલ્યાણ કર માટે તૈયાર કરી દીધા છે. ગોઅભયારણ્ય પણ ખુલ્લું મૂક્યું છે. આ બધું કરતાં રાજકારણીઓ રાજ્યમાં અને દેશમાં ગોચર જમીનો કેમ ઘટી ગઈ તેવા સવાલના જવાબમાં મૌન ધરે છે. યુ.પી. સરકારે અગિયાર કુપોષિત પરિવારોને ગાયનું દાન કરી કુપોષણ નાબૂદીમાં ગાયનું મહત્ત્વ દર્શાવવા પ્રયત્ન કર્યો છે. તેઓ પણ કુપોષણ નાબૂદીનું સાધન એવી ગાયો જ સૌથી વધુ કુપોષિત છે તે વાત ગુપચાવી દે છે. ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે પરંતુ પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધતામાં આપણે બહુ પાછળ છીએ તે હકીકત સ્વીકારવી પડશે.

ભારતમાં ગોસંવર્ધનની જવાબદારી રાષ્ટ્રીય કામધેનુ આયોગ જેવી સરકારી સંસ્થાની છે. ભારતની ગાય રોજનું સરેરાશ આઠથી દસ લીટર દૂધ આપે છે તેના કરતાં દુનિયાની સરેરાશ  દસ ગણી વધારે છે. પરંતુ તે દિશામાં પ્રયત્નો કરવાને બદલે દેશી ગાય સંકર ગાય કરતાં વધુ સ્વચ્છ, પવિત્ર અને ઉત્તમ હોવાના ગાણાં ગવાય છે. દેશી ગાયના દૂધમાં સોનાના કણો હોવાની, ગાયનું દૂધ માનવીને પરમાણુ વિકિરણથી બચાવતું હોવાની અને ગાયના છાણથી લીંપેલા ઘરોને ભોપાલ ગેસ કાંડની અસર થઈ નહોતી તેવી વૈજ્ઞાનિક તથ્યોનો છેદ ઉડાડનારી વાતો ફેલાવાય છે.

ગૌવંશહત્યા પ્રતિબંધના કેન્દ્રીય કાનૂનની ગેરહાજરીમાં રાજ્યો તેમના રાજકીય લાભાલાભને ધ્યાનમાં રાખીને વિવિધ સજાની કાયદાકીય જોગવાઈઓ કરે છે. આખા દેશના કોઈ રાજ્યે ન કરી હોય તેવી આજીવન કારાવાસની સજા ગુજરાતના કાયદામાં છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કાયદાઓમાં દોષિતોને  ૭ વરસની, ઝારખંડમાં ૧થી ૧૦ વરસની, હરિયાણામાં ૩થી ૫ વરસની, ગોવા-પંજાબમાં બે-બે વરસની, તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં એક-એક વરસની ગોવંશની ગેરકાયદે હેરફેર, હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાની સજા ઠરાવી છે. તાજેતરના કર્ણાટકના કાયદામાં ૧૩ વરસથી વધુના ગોવંશની કતલની છૂટ અને આરોપીઓને સજા માટે વિશેષ અદાલતોની રચનાની જોગવાઈ છે. આ બધાં જ રાજ્યો ગાય અને ગોવંશની ઉચિત દેખભાળ, સંવર્ધન, અને સરકારી ગોશાળાઓની રચના કે ખાનગી ગોશાળાઓને પૂરતા અનુદાનની જોગવાઈ કરતા કાયદા કરવાને બદલે રાજકીય લાભને ધ્યાનમાં રાખીને ગોવંશહત્યા પ્રતિબંધના કાયદા જ વધુ કરે છે.

પ્રાચીનકાળમાં ગોમાંસ બ્રાહ્મણો સહિતની હિંદુસ્તાની પ્રજાનો સામાન્ય આહાર હતો. વેદો અને શાસ્ત્રોના અઠંગ અભ્યાસી વિવેકાનંદના ભાષણો અને પત્રોના પુસ્તકોમાંથી પણ આ બાબત જાણી શકાય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના ગ્રંથ “ધ અનટચેબલ્સઃ હુ વેર ધે એન્ડ વ્હાય ધે બીકેમ અનટચેબલ્સ”માં હિંદુ ધર્મ શાસ્ત્રોના આધારે સ્પષ્ટ જણાવાયું છે કે ગોમાંસ ખાવા ન ખાવા સાથે વર્ણવ્યવસ્થાજનિત આભડછેટ અને પવિત્રતાનો ખ્યાલ ઉમેરાતાં ગોમાંસ ખાતી પ્રજા શૂદ્ર કે અવર્ણ ગણાતી થઈ હતી. આજે પણ ભારતની બહુમતી વસ્તી માંસાહારી છે જેમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ઉપરાંત હિંદુ દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાતોનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ દેશનો દર તેરમો નાગરિક બીફ કહેતાં ગાય-ભેંસનું માંસ ખાય છે. તો બીજી તરફ માંસાહારીને હલકા, નીચા અને ઊતરતા દરજ્જાના ગણવાની વ્યાપક માનસિકતા પ્રવર્તે છે.

ભારતના રાજકારણમાં ગાયનું રાજકીયકરણ કે કામધેનુકરણ કેટલાક રાજકીય પક્ષોને બરાબર ફળ્યું છે. ગાય અને ગોમાંસને હિંદુ વિરુદ્ધ મુસ્લિમનો મુદ્દો બનાવવામાં આવ્યો છે. ગાયના મુદ્દે દેશમાં હિંસાના બનાવો પણ બન્યા છે. ૨૦૧૦થી ૨૦૧૮ સુધીમાં ગાયના મુદ્દે હિંસાના ૮૫ મોટા બનાવો નોંધાયા છે. ૨૦૧૨ અને ૨૦૧૩માં એક-એક બનાવ બન્યો હતો. પરંતુ કેન્દ્રમાં બી.જે.પી. સત્તાનશીન થયા પછી તેમાં મોટો ઉછાળો આવ્યો છે. ૨૦૧૪ પછી ગાયના નામે હિંસાના બનાવો અગાઉના વરસોની તુલનામાં ૯૮ ટકા વધ્યા છે. ગાયના નામે આચરાયેલી ભીડ હિંસાનો ભોગ બનનારાઓમાં મુસ્લિમોનું પ્રમાણ ૫૬ ટકા અને મરનારમાં ૮૮ ટકા છે. જો કે ગાયની હત્યા હવે માત્ર મુસ્લિમોની હત્યા કે કોમી હુલ્લડોનું કારણ રહી નથી. ઉના, ઝજ્જર અને ગોહાનાના બનાવોથી તેમાં દલિત ઉત્પીડનનું તત્ત્વ પણ ઉમેરાયું છે.

“પિંક રેવોલ્યુશન”ની વાતો કરીને મતોની ફસલ લણ્યા પછી સત્તા મળતાં બજેટમાં માંસ નિકાસ પરની સબસિડી ન માત્ર ચાલુ રાખવામાં આવે છે, વધારવામાં પણ આવે છે. આજે ભારત દુનિયામાં માંસની નિકાસમાં અવ્વલ સ્થાને છે. ગાયના નામે રાજકારણ રમવું એ એકલા ભારતીય જનતા પક્ષનો ઈજારો રહ્યો નથી. ગુજરાતના ૧૯૯૪ના ગોવંશ પ્રતિબંધ કાયદાને ૨૦૦૫માં સર્વોચ્ચ અદાલતે બંધારણીય ઠેરવ્યો ત્યારે બી.જે.પી. તેને પોતાનો હિંદુ વિજ્ય ગણાવી યશ ખાટી રહી હતી. તો કોંગ્રેસ પણ “આ કાયદો તો અમે ઘડ્યો છે ”, તેમ કહેવામાં અગ્રેસર હતી.

ગોરક્ષાને હિંદુ ધર્મનું સર્વોત્તમ અંગ માનતા મહાત્મા ગાંધી “ગો’નો અર્થ કેવળ ગાય જ ન કરતાં  નિરાધાર, દલિત અને ગરીબ સુધી વિસ્તારે છે. ગાંધીજી માણસનો જીવ બચાવવા ગાયની હિંસાને ધિક્કારે છે, તો ગાય માટે મનુષ્યહિંસા પણ નકારે છે. ઈ.સ. ૧૯૨૫માં ગાંધીજીએ કહ્યું હતું, “હિંદુમાત્ર ગોરક્ષાનું અર્થશાસ્ત્ર સમજી લે તો ગોહત્યા બંધ થઈ જાય.” ગાંધીજીની આ વાતને હવે સદી થવા આવશે.

ભારતના રાજકીય પક્ષો ગોરક્ષાના અર્થશાસ્ત્રની તમા રાખ્યા વિના તેનું રાજકારણ બરાબર રમે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 09-10

Loading

સાગર સરહદી

નિલય ભાવસાર|Opinion - Opinion|30 March 2021

બોલિવૂડના પ્રખ્યાત લેખક સાગર સરહદીનું તારીખ ૨૨ માર્ચ ૨૦૨૧એ મુંબઈમાં નિધન થયું. તેઓ ૮૮ વર્ષના હતા. સાગર સરહદીને હાર્ટ પ્રોબ્લેમના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચનની હિટ રોમેન્ટિક ફિલ્મ ‘કભી કભી’ અને ‘સિલસિલા’, શાહરૂખ ખાનની ‘દીવાના’, ઋષિ કપૂરની ‘ચાંદની’ અને રિતિક રોશનની સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ ‘કહો ના … પ્યાર હે’ના લેખક સાગર સરહદીને કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. ફિલ્મમેકર યશ ચોપરાની મહત્ત્વની રોમેન્ટિક ફિલ્મો ‘કભી કભી’, ‘સિલસિલા’ અને ‘ચાંદની’, સાગર સરહદી લખી ચૂક્યા છે. આ સિવાય તેમણે ફિલ્મમેકર રાકેશ રોશનની કેટલીક ફિલ્મોના સંવાદ પણ લખ્યા છે. સાગર સરહદીએ બોલિવૂડમાં ઓછું પણ યાદગાર લેખનકાર્ય કર્યું છે, તેમણે નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટિલને લઈને ‘બાઝાર’ (૧૯૮૨) નામની ફિલ્મ બનાવી હતી કે જે હિટ રહી હતી અને વિવેચકોએ પણ તેની પ્રશંસા કરી હતી.

વર્ષ ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ પાકિસ્તાનના એક નાનકડા ગામમાંથી દિલ્હીમાં આવીને રેફ્યુજી (શરણાર્થી) તરીકે વસેલા લેખક સાગર સરહદીને આજે પણ તે વાત સતાવે છે કે ‘એવી કઈ તાકાત છે જે તમને તમારું ગામ છોડવા માટે મજબૂર કરે છે અને માનવીમાંથી રેફ્યુજી બનાવે છે, હું આજ સુધી તે ભૂલ્યો નથી’. પાકિસ્તાનના જે ગામમાં સાગર સરહદીનું બાળપણ પસાર થયું હતું તેનાથી પ્રેરાઈને તેમણે ફારૂક શેખ સ્ટારર ‘નૂરી’ નામની રોમેન્ટિક ફિલ્મ લખી હતી કે જેનું બેકગ્રાઉન્ડ કાશ્મીર રાખવામાં આવ્યું હતું.

ગંગા સાગર તલવારના નામે તારીખ ૧૧ મે, ૧૯૩૩ના રોજ પાકિસ્તાનના એબોટાબાદના એક નાનકડા ગામમાં સાગર સરહદીનો જન્મ થયો, ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ તેમનો સંપૂર્ણ પરિવાર દિલ્હી આવી ગયો અને રેફ્યુજી (શરણાર્થી) કેમ્પમાં આશરો લીધો. સાગર સરહદીએ દિલ્હીમાં મેટ્રિકનો અભ્યાસ શરૂ કર્યો કે જ્યાં તેમની મુલાકાત ગુલઝાર સાથે થઈ. દિલ્હીની ખાલસા કોલેજમાં ગુલઝાર, સાગર સરહદીના સિનિયર હતા અને તેમણે જોયું કે ગુલઝારનું ઉર્દૂ ભાષા પર ભારે પ્રભુત્વ છે અને મિર્ઝા ગાલિબ સહિતના મહાન ઉર્દૂ કવિઓની રચના તેઓ ફટાફટ બોલી જાય છે. ગુલઝારના સાહિત્યિક જ્ઞાનથી સાગર સરહદી ભારે પ્રભાવિત થયા અને કોલેજમાં તેમણે ઉર્દૂ સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું. સાગર સરહદી અંત સુધી તેમનું લેખનકાર્ય ઉર્દૂ ભાષામાં જ કરતા હતા. ઉર્દૂ સિવાય અંગ્રેજી ભાષા પર પણ સાગર સરહદીએ પ્રભુત્વ મેળવ્યું કે જેથી તેઓ વધુને વધુ વિશ્વ સાહિત્ય વાંચી શકે. કોલેજકાળમાં જ તેમણે નાટકો અને ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેઓ દિવસના ૧૪થી ૧૬ કલાક વાંચન કરતા હતા કે જેથી તેમનું લેખનકાર્ય વધારે સારું થઈ શકે. ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા અને કમાણી માટે સાગર સરહદી મુંબઈ આવ્યા. અહીં તેમણે અભ્યાસની સાથે-સાથે પાર્ટ ટાઈમ ભણાવવાનું શરૂ કર્યું કે જેથી આર્થિક ટેકો રહે.

સાગર સરહદીના જીવનમાં વળાંક ત્યારે આવ્યો કે જ્યારે તેઓ મુંબઈ સ્થિત ‘પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિએશન’(Progressive Writers’ Association)માં જોડાયા, અહીં તેમની મુલાકાત સિનેમા અને સાહિત્યની દુનિયા સાથે જોડાયેલા કૈફી આઝમી, ઈસ્મત ચુગતાઈ, રાજિન્દર સિંઘ બેદી, ખ્વાજા અહમદ અબ્બાસ અને સરદાર જાફરી વગેરે સાથે થઈ. અહીંથી તેઓ ડાબેરી વિચારધારા તરફ પ્રેરિત થયા અને તેમના લેખનકાર્યમાં સામાજિક પ્રશ્નોને સ્થાન મળ્યું. લેખનકાર્યમાં કુશળતા પ્રાપ્ત કરી એટલે સાગર સરહદીને એક બ્રિટિશ એડવર્ટાઈઝિંગ કંપનીમાં અનુવાદક તરીકેની નોકરી મળી ગઈ, અહીં તેઓ અંગ્રેજી જાહેરખબરોનો ઉર્દૂ ભાષામાં અનુવાદ કરતા હતા. બે વર્ષમાં તેમણે આ નોકરી છોડી દીધી કારણ કે નોકરીની સાથે-સાથે સાગર સરહદીને લખવા-વાંચવાનો પૂરતો સમય મળતો નહોતો. એક લેખક તરીકેનો તેમનો સંઘર્ષ ચાલુ જ હતો ત્યાં બાસુ ભટ્ટાચાર્યની સંજીવ કુમાર સ્ટારર ફિલ્મ ‘અનુભવ’(૧૯૭૧)ના સંવાદ લખવાનું કામ મળ્યું. સાગર સરહદીનું નસીબ ત્યારે પલટાયું કે જ્યારે બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર યશ ચોપરા તેમનું ‘મિર્ઝા સાહેબાં’ નામનું નાટક જોવા આવ્યા. આ નાટકથી અભિભૂત થઈને યશ યોપરાએ સાગર સરહદીને ફિલ્મ લખવાની ઓફર કરી, સાગર સરહદીએ વર્ષ ૧૯૭૬માં આવેલી સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ ‘કભી કભી’ લખી. ‘કભી કભી’ની સફળતા બાદ સાગર સરહદી પાસે ફિલ્મ લખવા માટેની અનેક ઓફર આવી પણ તેમણે તે નકારતા કહ્યું કે મારે માત્ર પૈસા માટે ફિલ્મો નથી લખવી, હું લેખન અને વાંચન માટે વધુ સમય આપવા માગું છું. સારી રીતે જીવનનિર્વાહ થાય તેટલા પૈસા મારા માટે પૂરતા છે. યશ ચોપરાની અન્ય રોમેન્ટિક ફિલ્મો ‘નૂરી’ (૧૯૭૯), ‘સિલસિલા’ (૧૯૮૧), ‘ચાંદની’ (૧૯૮૯) પણ સાગર સરહદીએ લખી. યશ ચોપરા સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતા સાગર સરહદી એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે તેમણે આજ સુધી મારા લખેલા સ્ક્રીનપ્લે અને સંવાદોમાં કોઈ ફેરફાર કર્યા નથી અને લેખનકાર્યમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.

સાગર સરહદીએ તેમના કરિયરમાં એકમાત્ર ‘બાઝાર’ નામની ફિલ્મ ડિરેક્ટ કરી કે જેની વાર્તા તેઓને ન્યૂઝપેપરની સ્ટોરીમાંથી મળી આવી હતી. હૈદરાબાદમાં પૈસા માટે દીકરીઓના લગ્ન અરબના દેશોમાં કરવામાં આવે છે તે વાર્તા આધારિત ફિલ્મ ‘બાઝાર’ બોક્સ ઓફિસ પર હિટ રહી અને વિવેચકોએ પણ તેની પ્રશંસા કરી. ‘બાઝાર’ ફિલ્મમાં ગરીબ પરિવારની યુવતીના લગ્નની વાર્તા છે, કારણ કે સાગર સરહદી ડાબેરી વિચારોથી પ્રેરિત હતા માટે તેમણે આ પ્રકારે સામાજિક મુદ્દો રજૂ કરતો વિષય પસંદ કર્યો. ‘બાઝાર’ ફિલ્મ ભારત સહિત પાકિસ્તાનમાં પણ હિટ રહી હતી. ફારૂક શેખ, સ્મિતા પાટીલ અને નસીરુદ્દીન શાહ સ્ટારર આ ફિલ્મનું સંગીત ખય્યામે આપ્યું હતું. ‘બાઝાર’ની સફળતા બાદ સાગર સરહદીએ તેમના ભત્રીજા વિજય તલવારની ફિલ્મ ‘લોરી’ પ્રોડ્યુસ કરી. ફારુક શેખ અને શબાના આઝમી સ્ટારર ‘લોરી’ ફિલ્મના સહ-લેખક સાગર સરહદી હતી, પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ દેખાડી શકી નહીં. એક એવો સમય આવ્યો કે જ્યારે સાગર સરહદીને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે તેમણે શાહરૂખ ખાન સ્ટારર ‘દીવાના’ (૧૯૯૨) લખી, આ ફિલ્મ સુપરહિટ રહી. આ ફિલ્મથી શાહરૂખ ખાનને પણ બોલિવૂડમાં મોટો બ્રેક મળ્યો હતો. રિતિક રોશનની પહેલી ફિલ્મ ‘કહો ના … પ્યાર હે’ના સંવાદ પણ સાગર સરહદીએ લખ્યા હતા. વર્ષ ૨૦૦૪માં નવાઝુદ્દીન સિદ્દિકીને લઈને સાગર સરહદીએ ‘ચૌસર’ નામની ફિલ્મ બનાવી હતી પણ આજ સુધી આ ફિલ્મને કોઈ ડિસ્ટ્રિબ્યુટર નહીં મળવાના કારણે તે રિલીઝ થઈ શકી નથી.

આ ઉંમરે પણ સાગર સરહદી દિવસના ઓછામાં ઓછા ૫ કલાક વાંચન કરતા હતા, તેમના ઘરમાં સામાન કરતાં પુસ્તકોની સંખ્યા વધારે હતી. મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના વિષયમાં ઊંડો રસ ધરાવતા સાગર સરહદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લેખનકાર્યમાં પાત્રોની ગૂંથણી માટે મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનમાં રસ હોવો જરૂરી છે. હું દેશ-વિદેશનું ક્લાસિક સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં વાંચું છું. પણ, હું આજકાલ જોઉં છું કે આજની પેઢી વધારે વાંચતી નથી અને મોબાઈલમાં વધારે વ્યસ્ત રહે છે. ખાસ કરીને લેખનકાર્યમાં અને જીવનને જાણવા-સમજવા માટે વાંચન ખૂબ જરૂરી છે. સાગર સરહદી અપરિણીત હતા અને તે પાછળનું કારણ જણાવતા કહે છે કે ‘હું જ્યારે યુવાન હતો ત્યારે મારી પાસે પૂરતા પૈસા નહોતા, જવાબદારી સ્વીકારવાની મારી તૈયારી નહોતી. જ્યારે લગ્ન એ એક મોટી જવાબદારી છે માટે મેં આજ સુધી લગ્ન કર્યા નથી. મારા જીવનમાં ઘણી સ્ત્રીઓ આવી અને મેં ભરપૂર રોમાન્સ પણ કર્યો, આ કારણે જ હું સફળ રોમેન્ટિક ફિલ્મો લખી શક્યો છું. આજે હું એકલો છું અને મારો મોટા ભાગનો સમય વાંચનમાં અને મિત્રોને મળવામાં પસાર થાય છે.’

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 14-15

Loading

ચલ ઉડ જા રે પંછી ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 March 2021

સુપ્રતિષ્ઠ અને સુકીર્તિત, એક રીતે જોતાં લગભગ અદ્વિતીય જેવી અશોક યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન અને જાહેર બૌદ્ધિક પ્રતાપભાનુ મહેતાએ રાજીનામું આપવાપણું જોયું એ ઘટનાને કેવી રીતે જોશું, વારુ? આમ તો, એક અર્થમાં, આ પ્રશ્નનો ઉત્તર રળ સોંસરો હોવો જોઈએ; કેમ કે પ્રતાપ ભાનુએ પોતાના રાજીનામા સબબ જાહેરમાં જણાવ્યું છે કે મારું જોડાણ યુનિવર્સિટી માટે ‘પોલિટિકલ લાયેબિલિટી’ (રાજકીય બોજ ને જવાબદારી) બની શકે છે. એમણે કેટલાક ટ્રસ્ટીઓ સાથેની ચર્ચાને પગલે આ વિધાન કર્યું છે એટલે એની ગંભીરતા સ્વયંસ્પષ્ટ છે. દેશપરદેશનાં વિદ્યાધામો સાથે સંકળાયેલા અને આપણે ત્યાં પણ ઉચ્ચ સ્તરે નીતિનિર્ધારણ વિમર્શમાં કાર્યરત રહેતા આવેલા પ્રતાપ ભાનુ હોદ્દા નિરપેક્ષપણે પ્રકાશે એવી પ્રતિભા છે. એકવાર રવીન્દ્રનાથે જે કહેલું તે જેમને બરાબર લાગુ પડી શકે એવી શખ્સિયતો પૈકી એ એક છેઃ મને વિદ્વાનો આપો, રવીન્દ્રનાથે કહ્યું હતું અને ઉમેર્યું હતું, એ આવશે અને એમની ફરતે યુનિવર્સિટીઓ રચાતી આવશે.

એવા તો વિદ્યાવ્યાસંગી જણ છે આ પ્રતાપભાનુ કે એમણે અશોક યુનિવર્સિટીના કુલપતિપદેથી બેંક વરસમાં જ રાજીનામું ધરી દીધેલું; કેમ કે ‘વહીવટી કામો મારા વિદ્યાજીવનનો સમય ખાઈ જાય છે.’ મૂળે રાજ્યશાસ્ત્રી પણ સઘળી માનવવિદ્યાઓમાં રમેલા અને તત્ત્વજિજ્ઞાસાના કાન્તારમાં અકુતોભય વિહરી શકતા પ્રતાપ ભાનુનો વિશેષ એ છે કે એમના વ્યાપક અને યથાસંભવ સમ્યક્‌ જ્ઞાન અને નીતરી સમજને ધોરણે એ જાહેર પ્રવાહોને જોતા ને મૂલવતા રહે છે. એમની આ વિદ્યાકીય એટલી પ્રજાકીય સંડોવણી સત્તા-પ્રતિષ્ઠાનનાં ટીકાસ્થાનો બાબત એમને બેબાક બોલતા એટલે કે લખતા રાખે છે. તાજેતરનાં વરસોમાં એમના આ અહોરાત્ર અનુષ્ઠાનવત્‌ ટીકાસત્રનું મુખ્ય ભાજન સ્વાભાવિક જ કેન્દ્રીય નેતૃત્વ રહેલ છે. અશોક યુનિવર્સિટીના પ્રતિષ્ઠાપુરુષ એવા પ્રતાપભાનુ ‘પોલિટિકલ લાયેબેલિટી’ છે તે આ અર્થમાં; કેમ કે એમને અંગે ‘પ્લાયેબિલિટી’ની અપેક્ષા સેવી સેવાય એવી નથી.

પણ એમના રાજીનામા સાથે કે પછી એમણે અને અરવિંદ સુબ્રમણ્યને ટ્રસ્ટીઓની સાથે રહીને જે નિવેદન કર્યું કે યુનિવર્સિટી પોતાના ધ્યેયપથ વિશે સભાન છે અને યથાસંભવ દોષદુરસ્તી વિશે જાગ્રત છે તેટલા માત્ર સાથે આ ચર્ચા પૂરી થતી નથી. રહો, મારે અહીં અરવિંદ સુબ્રમણ્યન સંદર્ભે પણ બે શબ્દો કહેવા જોઈએ. સુબ્રમણ્યને, મારે આરંભે જ કહેવું જોઈતું હતું, પ્રતાપભાનુને પગલે રાજીનામું ધરી દીધું છે. મોદી શાસનમાં એમણે ટોચના આર્થિક સલાહકાર તરીકે કામગીરી બજાવેલી છે, અને પછીનાં વર્ષોમાં આવી એક આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટી સાથે સંકળાવામાં એમણે જીવનનો આનંદ અને કર્તવ્યબોધ જોયાં હશે. એમણે પણ ખસવું પસંદ કર્યું એનો અર્થ એ કે વિદ્યાકીય કામગીરીમાં કોઈક સ્તરે કશાક અસુખની એમનીયે લાગણી છે. અશોક યુનિવર્સિટી પાછળની આદર્શવાદી ચાલના અને હોંશધખના બેઉના ચાહક પ્રતાપભાનુ અને અરવિંદ પદ છોડતે છતે ટ્રસ્ટીઓની સાથે રહીને સંયુક્ત નિવેદન કરવાપણું જુએ છે એમાં એક સહિયારી મજલના ખયાલવશ આત્મીય સંધાન ખસૂસ છે.

મુશ્કેલી એ છે કે અશોક યુનિવર્સિટીના ભાવનાશીલ સંસ્થાપકો અને આવી ખાનગી (બિનસરકારી) યુનિવર્સિટી શક્ય બનાવનાર સખી દાતાર શા થેલીશાહો છતાં અહીં જોડાનાર સ્વયંપ્રકાશિત અધ્યાપકની નિયતિ ‘પોલિટિકલ લાયેબિલિટી’ રૂપે ધરાર છેટા રહેવાની ને છૂટા થવાની હોઈ શકે છે. યોગેન્દ્ર યાદવે એ વાતે ધોખો કીધો છે કે થોડા અવાજો નીકળ્યા, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓએ વિરોધસૂર કાઢ્યા, ટૂંકી હડતાળ પાડી, દેશ બહારના વિદ્વાન બૌદ્ધિકોએ વિરોધનિવેદન કર્યું, બધું બરાબર ચાલ્યું પણ ‘રાઈટ નોઈઝીઝ’ પછી બધું ઠરી ગયેલું કેમ લાગે છે … કેમ જાણે, ઘીના ઠામમાં ઘી પડી ગયું ન હોય. યાદવે એક પેરેલલ પણ સંભાર્યો છે : પ્રશાન્ત ભૂષણના પ્રશ્નમાં, અદાલતની અવમાનના મુદ્દે, ભૂષણે તેજતર્રાર ટટ્ટાર ભૂમિકા લીધી ત્યારે દેશવ્યાપી એવો જે વ્યાપક ઊહાપોહ એક સળંગ દોરની પેઠે ચાલ્યો એવું પ્રતાપભાનુના કિસ્સામાં કેમ અનુભવાતું નથી.

આ પ્રશ્નનો ઉત્તર આપવાની કોશિશ કરીએ ત્યારે જડી રહેતો એક સીધો સાદો જવાબ અલબત્ત એ હોઈ શકે કે પ્રતાપ ભાનુ સીધી જાહેર પ્રવૃત્તિઓ સાથે એ રીતે સંકળાયેલા નથી જે રીતે પ્રશાન્ત ભૂષણની સક્રિય સંડોવણી સતત અનુભવાય છે. પ્રતાપ ભાનુ વિશ્વવિશ્રુત પંકાતાઓ પૈકી હશે, પણ કર્મ અને કલમની જુગલબંદીની કસોટીએ લોકમાં રોપાયેલ જણ નથી. એટલે આટલી મોટી ઘટના – એ સામાન્ય ઘટના નથી જ નથી – આંદોલનકંપ જગવ્યા વિના આછરી જતી વરતાય છે. પણ આ સમજૂત સાચી હોય તો પણ એનાથી સમાધાન નથી મળતું – અહીં કોમ્પ્રોમાઈઝની વાત નથી, ચિત્તને કરાર વળવાની વાત છે. જેની પાસે કહેવા સમજવા જોગ વાત છે તે જાણતેસમજતે છતે કહી ન શકે ત્યારે એ વ્યવસ્થામાં કંઈક તો ખામી હશે ને. થોડાં વરસ પર (અલબત્ત, મે ૨૦૧૪ પૂર્વે) ગુજરાતમાં, નમૂના દાખલ, લોકઆયુક્તની નિયુક્તિને મામલે શું થયું હતું? ગુજરાત હાઈકોર્ટે ત્યારના મુખ્ય મંત્રીના નિર્દેશ તળેની કારવાઈ વિશે એ મતલબની ટિપ્પણી કરી હતી કે ‘મિની કૉન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ’ સરજવામાં આવી છે. જે હવામાન બન્યું એમાં વખતે અસરકારક લોકઆયુક્ત પુરવાર થઈ શક્યા હોત એવા ન્યાયમૂર્તિ આર.એ. મહેતાને પદભાર સ્વીકારવા જેવું જ ન લાગ્યું. (તે વખતે અખબારી કૉલમમાં આ લખનારે એક ફિલ્મગીતનો સહારો લીધો હતો – ચલ ઉડ જા રે પંછી કિ યહ દેસ હુઆ બેગાના.) પ્રતાપ ભાનુ મહેતા પોતે રખે ને સંસ્થા માટે ‘પોલિટિકલ લાયેબિલિટી’ બની રહે એવી ધર્મભીરુ ભૂમિકાએ ખસવા કરે ત્યારે દેશના નેતૃત્વની તરાહ ને તાસીર વિશે બલકે નિયત વિશે સવાલ ઉઠે જ ઉઠે. આવો જ પ્રશ્ન, એમ જુઓ તો, કિસાન આંદોલન વિશે પણ ક્યાં નથી ઊઠતો કે કેમ એની નિયતિ એક-વ્યક્તિ-ખડક જોડે અથડાઈને પાછા પડવાની જણાઈ રહી છે. યોગેન્દ્ર યાદવે અશોક પ્રકરણમાં તેમ પી. સાઈનાથે કિસાન પ્રકરણમાં આ મતલબનો પ્રશ્ન ઉઠાવ્યો પણ છે.

આ પ્રશ્ન અને એના ઉત્તરથી હટવાની રીતે નહીં, પ્રતાપ ભાનુની સાથે નહીં રહેવાની રીતે નહીં પણ એકંદર વિદ્યાકારણ સંદર્ભે, સવિશેષ તો વિદ્યાસંસ્થા સંદર્ભે વ્યાપક સહવિચારની જરૂર છે તે આપણે સમજવું જોઈશે. અનુદાનપ્રાપ્ત અને એથી યુ.જી.સી.બદ્ધ બલકે સરકારગ્રસ્ત યુનિવર્સિટીઓ દેખીતી પબ્લિક યુનિવર્સિટી છતાં નાકામિયાબ નહીં તો પણ નામકર જેવી પેશ આવી રહી છે. તે પૈકી સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી યુનિવર્સિટીઓ – જેમ કે જે.એન.યુ. અગર જામિયા મિલિયા – વર્તમાન શાસનને મન કોઈ ફતેહ કરવા લાયક કિલ્લો છે. દેશમાં વિપક્ષ લોકસભામાં બે આંકડામાં સમાઈ ગયો એનાથી એમને ધરવ નથી, કેમ કે જ્યાં સુધી આઝાદ અવાજઠેકાણાં હોય ત્યાં સુધી સઘળી ચેનલોને સરકારી નીરણ પર જીવતી કરી મેલ્યા પછી પણ આસન સ્થિર અનુભવાતું નથી.

બીજી પાસ, જે.એન.યુ. અગર જામિયા મિલિયાથી ઉફરાટે અશોકના હાલ જુઓ. એણે ગ્રાન્ટજીવિની નહીં બનવાનું નક્કી કર્યું. જો કે આપણે પૈસે અનુદાન આપતી સરકાર કોઈ ઉપકાર નથી કરતી અને તે ઉત્તર આપવા બંધાયેલી છે, પણ એ જુદી વાત થઈ. ખાનગી સ્રોત પર ઊભા થઈ વિશ્વસ્તરના લિબરલ આટ્‌ર્સ ઍન્ડ સાયન્સ કેન્દ્રરૂપે અશોક યુનિવર્સિટીએ એક પ્રતિમાન કાયમ કીધું. છતાં વિશ્વસ્તરની ફેકલ્ટી વાસ્તે લાયેબિલિટી અને પ્લાયેબિલિટીને ધોરણે તંગ દોર પરની નટચાલ અનિવાર્ય બની રહે છે.

બીજી પણ એક વાત છે. પ્રતિમાનરૂપ બની રહેલ અને હજી સુધી એ વિત્તસંવિત જાળવી રહેલ જે.એન.યુ.માં આજથી થોડાં વરસ પર તમે કન્હૈયાકુમાર જેવી તૃણમૂલ પ્રતિભા કદાચ ન કલ્પી શક્યા હોત. જયશંકર પ્રસાદ, નિર્મલા સીતારામન જેવાં હાલના કેન્દ્રીય પ્રધાનમંડળનાં સભ્યો કે મુચકુંદ દુબે જેવા ટોચના અધિકારીઓ અગર સીતારામ યેચુરી ને આનંદકુમાર જેવા સી.પી.એમ. / જેપી લોહિયા છાત્ર નેતાઓ બહુધા એલિટ કેરેક્ટરની નીપજ હતા. ક્રમશઃ એનું વર્ગીય સ્વરૂપ આમ અનુસંધાનપૂર્વક બદલાઈ રહ્યું છે. અશોક યુનિવર્સિટી તો ગળથૂથીગત સર્વથા એલિટ પ્રકૃતિની છે. અડધોઅડધ છાત્રો માટે ફ્રીશિપનો એનો આગ્રહ અલબત્ત કાબિલે દાદ છે. પણ એમાં વિકસતી જીવનશૈલી અક્ષરશઃ એલિટ તરેહની છે, અને એલિટ હોવું ને પરોપજીવી ન હોવું તે દોહ્યલી વાત છે. કૃષ્ણ સુદામા ગુરુકૂળનું જીવન જીવતા, સાથે લાકડાં ફાડવા જતા એવું સહજીવન અને છાત્રજીવન જે ગાંધીની બુનિયાદી ચાલના પૂંઠે હતું તેની અપીલ તો પેલા અડધોઅડધ ફ્રીશિપ સમુદાયને પણ ડિગ્રીએ લાંગરતા લગીમાં જાગવાની નથી. આશ્રમશાળાઓમાં રહી હાંસિયે લટકી નકો નકો જિંદગી બસર કરનારો જે અધમુવો સમુદાય એની ઇતિહાસસનિયતિ તો એની એ જ હોવાની છે. અશોક અને જે.એન.યુ. પણ આ સંદર્ભમાં પૂરા કદના વિકલ્પ નથી તે નથી.

આ ચર્ચા પ્રતાપ ભાનુ અને અશોકની સામે નથી. એમને સારુ સ્વતંત્ર અસ્તિત્વ દોહ્યલું બનાવી રહેલ બળો સાથે આપણે નથી તે નથી. પણ ચંદનમહેલ અને ટાપુલોકનો જે અભિગમ, એની મર્યાદાઓ નહીં સમજી શકતા ધીમન્તો સાથે પણ આપણે નથી. વર્ગાનુક્રમ, વર્ણાનુક્રમ, વંશાનુક્રમ, કશું ના ખપે અને એના લાભોજી અને લાળકારણનું રાજકારણ પણ ન ખપે … માત્ર, આ ક્ષણે તાત્ત્વિક ચર્ચામાં વાસ્તવ ચૂકી પ્રતાપ ભાનુની તરફે ન ઊભા રહેવું પણ ન ખપે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 01-02

Loading

...102030...2,0662,0672,0682,069...2,0802,0902,100...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved