
ઝાકિયા જાફરી
મધ્ય પ્રદેશના બુરહાનપુરથી દુલ્હન બનીને સાઠના દાયકામાં ગુજરાતમાં અમદાવાદ આવીને વસેલાં ઝકિયા જાફરીએ ૮૬ વર્ષની ઉંમરે, પહેલી ફેબ્રુઆરીના રોજ, આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ઝકિયા જાફરી અહેસાન જાફરીનાં પત્ની હતાં, જેઓ અમદાવાદના ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના પ્રમુખ અને સંસદસભ્ય તરીકે સેવાઓ બજાવી ચૂક્યા હતા. અહેસાન જાફરી એક ધારાશાસ્ત્રી, ચિંતક અને કવિ હતા. ઝકિયા તેમનાં પત્ની, એક ગૃહિણી અને તેમનાં ત્રણ બાળકોનાં પ્રેમાળ માતા હતાં.
૨૦૦૨ની ૨૮મી ફેબ્રુઆરીના ગોઝારા દિવસે ઝકિયાનું જીવન બદલાઈ ગયું. ત્યારે તેઓ ૬૩ વર્ષનાં હતાં. તે દિવસે સવારે ૧૧ વાગ્યે ચમનપુરા(અમદાવાદ)માં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં ઘૂસી આવેલા ટોળાએ ૬૯થી વધુ લોકોની નિર્મમ હત્યા કરી હતી, જેમાં અહેસાન સાહેબ પોતે પણ હતા. અહેસાન સાહેબે મદદ માટે અનેક ફોનો કર્યા છતાં સાંજે છ વાગ્યા સુધી તેમને કોઈ મદદ મળી ન હતી. ઝકિયાઆપાએ ૨૮મી ફેબ્રુઆરીની રાત શાહીબાગ પોલીસ સ્ટેશનમાં વીતાવી અને બે દિવસ પછી એક સંબંધીને ત્યાં એમણે આશરો લીધો હતો જ્યાં દીકરા તનવીર સાથે તેમની મુલાકાત થઈ શકી.
ઝકિયાઆપા પોતાના પતિની ક્રૂર હત્યા બાદ ૨૨ વર્ષ સુધી ઊંડા અંગત દુ:ખમાં રહ્યાં. અપરાધભાવ સાથે ઝઝૂમતાં રહ્યાં – જીવિત રહેવાનો અપરાધભાવ. અહેસાન સાહેબે અન્ય ડઝનબંધ લોકો સાથે ઝકિયાને પણ સલામત સ્થળે મોકલી દીધાં અને પોતે છેલ્લી પ્રાર્થના પછી ટોળાને આત્મસમર્પિત થયા. અહેસાન સાહેબની સાથે આ કપરા સમયે ઊભા રહેલ લોકોએ પણ અન્ય જિંદગીને બચાવીને કુરબાની વ્હોરી હતી.
ઝકિયાની રાતની ઊંઘ જરૂર વેરાન થઈ પણ તેઓ હાર્યાં ન હતાં. અત્યંત વિપરીત અને કઠણ પરિસ્થિતિઓ વચ્ચે તેમણે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ અંગે સી.જે.પી. (સિટીઝન્સ ફોર જસ્ટીસ એન્ડ પીસ) સાથે મળીને ન્યાય માટે દાદ માંગી. આ કેસની સુનાવણી માટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પેન્ડીંગ છે. ૧૭ જૂન, ૨૦૧૬ના રોજ ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશે ૧૧ વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારી હતી, જ્યારે અન્ય ૧૩ આરોપીઓને દસ વર્ષ સુધીની સજા અપાઈ હતી. કાવતરાના તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા, સાથે જ ત્રણ પોલીસ સાક્ષીઓ, ફાયર બ્રિગેડના રેકોર્ડસ અને પોલીસ કંટ્રોલરૂમના પુરાવાઓ પણ નકારી કાઢવામાં આવ્યા હતા. તનવીર જાફરી (ઝકિયાના દીકરા) કહે છે, “અદાલતોમાં જીત એ માત્ર અડધી કહાની છે. લોકોનાં સ્મરણ અને ઇતિહાસનાં પાનાઓમાં અમે લડત લડી અને અહેસાન સાહેબ તેમ જ ઝકિયાઆપા લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. આપણી સામૂહિક લડાઈએ બીજાઓને લડવાનો આત્મવિશ્વાસ આપ્યો છે. અમે અને સી.જે.પી.એ આધાર-પુરાવાઓની આ બધી સાધન-સામગ્રી રેકોર્ડ પર લાવી શક્યા એ જ આપણી જીત છે.”
ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના આ કેસમાં ઘણા ઘણા મિત્રો, વકીલોનો અપ્રતીમ ટેકો રહ્યો છે. કેટકેટલા વકીલોએ પાછળ રહીને માગદર્શન પૂરું પાડ્યું છે. ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં એટલા બધા વકીલોનો સહકાર રહ્યો છે જેનો અહીં ઉલ્લેખ કરી શકાય તેમ નથી, પરંતુ તેમના પ્રયત્નો ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યા છે. સી.જે.પી.માં અમારા માટે, અમારી ટીમો દ્વારા પૂરી પાડવામાં આવતી ઉત્કૃષ્ટ કાનૂની સહાય, કલમ ૩૯-એ હેઠળ બંધારણીય અધિકારનું પ્રતીક છે. અને આ કઠણ લડત લડ્યા અને તેમાં અમારા ટ્રસ્ટીઓ પણ દૃઢપણે સમર્થનમાં ઊભા રહ્યા. પરંતુ ખાસ કરીને ઝકિયા જાફરી કેસમાં તેમનો ત્યાગ, પ્રતિબદ્ધતા અને સેવાઓ અમૂલ્ય હતાં. ૨૦૦૬થી ૨૦૧૧ સુધી જ્યારે આ કેસ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેમનું યોગદાન ખૂબ મોટું રહ્યું.
અને અંતમાં ઝકિયાઆપાને અંજલિ આપતાં મેં કહ્યું હતું તે અહીં ટાંકું છું : “તમે અદાલતો, અમારાં ઘરો અને દિલોની શોભા વધારી છે. તમે અતૂટ ધૈર્ય સાથે તે કર્યું. નુકસાન તો એમને થયું છે જેઓ નુકસાનના પ્રમાણ અને તીવ્રતાને ઓળખી શક્યા નહીં.”
સમૂહ માધ્યમો, જે ખાસ કરીને આજે ભયભીત છે અને કવરેજમાં સિલેક્ટીવ અને ઘણી વાર ઇતિહાસને ભૂંસી નાંખવા માટે જવાબદાર પણ છે. પરંતુ, ઝકિયા જાફરી અને અહેસાન સાહેબનાં વિશુદ્ધ નૈતિક મૂલ્યો અને તેમની લડતની દૃઢતાને અવગણવું એટલું સહેલું નથી. તેમના (ઝકિયાના) અવસાનને મળેલ વિશાળ કવરેજ આ બાબતનો પુરાવો છે.
[The Wireનો લેખ ટૂંકાવીને]
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2025; પૃ. 19