Opinion Magazine
Number of visits: 9680474
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે ક્યારે ય દિલી સંબંધ નહોતો.

રમેશ ઓઝા|Opinion - Opinion|24 January 2021

કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતા ચૌધરી રહેમત અલી નામના વિદ્યાર્થીએ ૨૮મી જાન્યુઆરી ૧૯૩૪ના રોજ ‘Now or Never : Are we to live or perish forever?’ એવા શીર્ષકવાળું અંગ્રેજીમાં એક ચોપાનિયું બહાર પાડ્યું હતું, જેમાં પહેલી વાર ‘પાકિસ્તાન’ એવું નામ જોવા મળ્યું હતું. પાકિસ્તાનનું નામકરણ રેહમત અલીએ P = પંજાબ, A = અફઘાન (એટલે કે વાયવ્ય સરહદ પ્રાંત), K = કાશ્મીર, S = સિંધ અને બલુચિસ્તાનમાંથી STAN લઈને કર્યું હતું જેમાં બંગાળનો B જોવા મળતો નથી. આનું એક કારણ તો કોઈ એક દેશ ત્રણ હજાર કિલોમીટરના અંતરે બે ભાગમાં હોઈ શકે એવી તેણે કલ્પના નહીં કરી હોય, અને બીજું એનાથી મોટું કારણ એ હતું કે પૂર્વ બંગાળના મુસલમાનો સાથે ભારતના પશ્ચિમ પ્રાંતોમાં વસતા મુસલમાનોનો ભાવનાત્મક સંબંધ નહોતો. તેમને પૂર્વ બંગાળના મુસલમાનો પાકિસ્તાન માટે ખાસ ખપના નહોતા લાગ્યા. એમાં પણ રહેમત અલી પંજાબી હતો અને પંજાબીઓ પોતાને પાકિસ્તાનના આર્કિટેક્ટ સમજતા હતા અને આજે પણ સમજે છે.

પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે દરેકનાં પોતપોતાની કલ્પનાનાં પાકિસ્તાન હતાં અને દરેક પોતપોતાની કલ્પનાનાં પાકિસ્તાનને સાકર કરવાના કામે લાગી ગયા. મહમદઅલી ઝીણાની કલ્પનાનું પાકિસ્તાન ખાસ મુસલમાનો માટેનું પણ સેક્યુલર લોકતાંત્રિક હતું. દેવબંદ સ્કૂલના મૌલાનાઓ માટે પાકિસ્તાન સુન્ની ઇસ્લામિક હતું. પાકિસ્તાનના આંદોલનમાં જેમણે સક્રિય હિસ્સો લીધો હતો અને જેઓ આંદોલનમાં પહેલી હરોળમાં હતા એવા ઉત્તર ભારતના હિંદુ બહુમતી પ્રાંતોના મુસલમાનો માટે પાકિસ્તાન તેમનું રચેલું પહેલા ખોળાનું ખાસ હતું અને પાકિસ્તાન ઉપર પહેલો હક તેમનો હોવો જોઈએ એવો તેમનો દાવો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને બીજી યુનિવર્સિટીઓમાં ભણેલા ઉચ્ચ શિક્ષિત યુવાનો વિભાજન પછી ખાસ પાકિસ્તાન ગયા હતા, કારણ કે તેમને એમ લાગતું હતું કે પાકિસ્તાનનું સુકાન તેમને જ સંભાળવા મળશે કારણ કે જ્યાં પાકિસ્તાન બન્યું છે ત્યાંની પ્રજા તો ઝાહીલ છે. પાકિસ્તાનના લશ્કરમાં પંજાબીઓ મોટી સંખ્યામાં હોવાને કારણે અને તાજા જન્મેલા પાકિસ્તાનને ભારત નામના દુશ્મનથી બચાવવું જરૂરી હોવાને કારણે પંજાબીઓને એમ લાગતું હતું કે પાકિસ્તાન ઉપર પહેલો હક તેમનો છે. આમ દરેકની પાકિસ્તાન વિશેની પોતપોતાની કલ્પના હતી અને દરેક પાકિસ્તાનનું સુકાન સંભાળી લઈને પાકિસ્તાનનો ચહેરો કંડારવા આતુર હતા.

આમાં રહેમત અલી પણ પાછળ નહોતો. તે પોતાને પાકિસ્તાની રાષ્ટ્રવાદનો પિતા સમજતો હતો અને મહમદઅલી ઝીણાની સમકક્ષ નહીં તો બીજા ક્રમે પોતાને માનતો હતો. તેની પણ પાકિસ્તાન વિશેની પોતાની કલ્પના હતી અને તે પણ તેને સાકર કરવા પાકિસ્તાન ગયો હતો. તેને એવો વહેમ હતો કે પાકિસ્તાનમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ઝીણા પછી પાકિસ્તાનના મહાનાયક તરીકેનું સ્થાન પામશે. ૧૯૪૮ના એપ્રિલ મહિનામાં પાકિસ્તાન જઇને તેણે તેની કલ્પનાના પાકિસ્તાનને સાકાર કરવા માટે પાકિસ્તાનના શાસકોનું માથું ખાવાનું શરૂ કર્યું. ગમે એવા દુરાગ્રહો કરે અને અખબારો સમક્ષ ગમે તે બોલે. એક સમયે તેને જેલમાં પુરવો પડ્યો અને ઝીણાના અવસાન પછી લિયાકતઅલી ખાને તેને માનસિક રીતે અસ્વસ્થ જાહેર કરીને પાકિસ્તાનમાંથી દેશવટો આપીને લંડન રવાના કરી દીધો. ૧૯૫૧માં તેનું હતાશાની અવસ્થામાં મૃત્યુ થયું હતું. તેનો મૃતદેહ આઠ દિવસ સુધી રેઢો પડ્યો રહ્યો હતો. તેને દફનાવવા પણ કોઈ આગળ નહોતું આવ્યું, એટલે તેના ખ્રિસ્તી પ્રાધ્યાપકે તેની દફનવિધિ કરી હતી. પાકિસ્તાન સરકારે બે વરસે અને એ પણ પુષ્કળ પત્રવ્યવહાર કર્યા પછી એ પ્રાધ્યાપકને ખરચો પરત કર્યો હતો.

પાકિસ્તાન નામનો પદાર્થ રાંધવા પુષ્કળ રસોઈયાઓ હતા અને દરેકની પોતપોતાની રેસિપી હતી. કોઈ કોઈને ગણકારતું નહોતું અને પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસલમાનોને તો કોઈ પૂછતું પણ નહોતું કે તેમને શું જોઈએ છે? તેમને થોડા વખતમાં જ સમજાઈ ગયું કે પાકિસ્તાન એટલે માત્ર અને માત્ર પશ્ચિમ પાકિસ્તાન અને એમાં પણ પંજાબી મુસલમાનો અને બાકીનાં બધા પંજાબનાં સંસ્થાનો છે અને એમાં પણ પૂર્વ પાકિસ્તાન તો સાવ ઉપેક્ષિત અને શોષિત સંસ્થાન. પશ્ચિમ પાકિસ્તાનમાં પણ જેઓ પોતાને પાકિસ્તાનના જનક સમજતા હતા અને પાકિસ્તાનનું ઘડતર કરવા ભારત છોડીને કે રેહમત અલી જેવાઓ વિદેશમાં પ્રાધ્યાપકની નોકરી છોડીને ખાસ પાકિસ્તાન ગયા હતા, તેમને બે-ત્રણ વરસમાં જ સમજાઈ ગયું કે ત્યાં તેમનો કોઈ ભાવ પૂછતું નહોતું. ‘એ ખરું કે પાકિસ્તાનની કલ્પના તમારી પણ પાકિસ્તાન જ્યાં બન્યું છે એ જમીન તો અમારી ને!’ ધીરે ધીરે બન્યું એવું કે અલ્લાહના ઠેકેદાર મૌલાનાઓએ મુસ્લિમ સમાજ ઉપર પકડ જમાવવા માંડી, અને અમેરિકા અને આર્મીના ઠેકેદારોએ શાસન ઉપર પકડ જમાવવા માંડી. ગયા અઠવાડિયે કહ્યું હતું એમ પાકિસ્તાનના તારણહાર ત્રણ હતા : અલ્લાહ, આર્મી અને અમેરિકા.

મૌલાનાઓ, શાસકો અને પંજાબી જનરલો જેમ જેમ આક્રમક થતા ગયા એમ એમ પ્રજામાં અસંતોષ વધતો ગયો અથવા પ્રજામાં જેમ જેમ અસંતોષ વધતો ગયો એમ એમ મૌલાનાઓ, શાસકો અને જનરલો આક્રમક થતા ગયા. મુસ્લિમ બહુમતી રાષ્ટ્ર પાકિસ્તાન બન્યા પછી પણ ઇસ્લામ તો ખતરામાં જ રહ્યો અને હિંદુઓનો ડર પણ કાયમ રહ્યો. આપણે ત્યાં પણ તમે અનુભવ કરતા હશો કે હિંદુ બહુમતી રાષ્ટ્રવાદ તેની ચરમસીમાએ હોવા છતાં અને શક્તિશાળી હિંદુ શાસકો રાજ કરતા હોવા છતાં, બાપડો હિંદુ તેના ધર્મ સહિત ખતરામાં છે અને મુસલમાનોથી ભયભીત છે. જો ડર કાયમ રહેવાનો હોય અને તેનો કોઈ ઉપાય જ ન હોય તો અલગ થવાનો અર્થ શું છે? એના કરતાં તો એ મજિયારા દિવસો સારા હતા જ્યારે કોઈ ડર નહોતો અને ડર હતો તો પણ કોઈ ડરાવનારું નહોતું. અહીં તો ડરાવનારાઓની એક મોટી જમાત પેદા થઈ છે જે ચોવીસે કલાક બહુમતી ધરાવતી પ્રજાના દેશમાં બહુમતી પ્રજાને ડરાવે છે! પાકિસ્તાનને ટકાવી રાખવાના નામે પોતાની વગ ટકાવી રાખવા માગતા મૌલાનાઓએ, શાસકોએ અને લશ્કરી જવાનોએ આમ પાકિસ્તાની મુસલમાનને ડરાવવાની એક યંત્રણા વિકસાવી હતી. આવી યંત્રણા આજે ભારતમાં પણ વિકસતી જોવા મળી રહી છે.

આમાં પૂર્વ પાકિસ્તાનનો બંગાળી મુસલમાન તો સાવ છેવાડે હતો. સંયુક્ત પાકિસ્તાનમાં બહુમતીમાં હોવા છતાં ઉપેક્ષિતોમાં પણ ઉપેક્ષિત. ડરાવનારાઓને એ ભાન ન રહ્યું કે બંગાળી અસ્મિતા પાકિસ્તાનની બીજી કોઈ પણ પ્રજાકીય અસ્મિતા કરતાં અનેક ગણી પ્રબળ છે. બે દાયકા સુધી ઇસ્લામ અને હિંદુને નામે ડરાવી ડરાવીને સિતમ ગુજાર્યા પછી એક દિવસ એ પ્રબળ અસ્મિતા જાગૃત થઈ!

પાકિસ્તાનના કમનસીબે એ સમયે ઇન્દિરા ગાંધી ભારતનાં વડાં પ્રધાન હતાં.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 જાન્યુઆરી 2021

Loading

સાંસદો અને સબસિડીઃ પગાર, ભ્રષ્ટાચાર, નિઃશુલ્કની નિરાંતનું પેચીદું અર્થતંત્ર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 January 2021

તમે જાણો છો કે કયા રાષ્ટ્રના સાંસદોને સૌથી વધુ પગાર મળે છે?

દિલ્હીના સંસદ ભવનની કેન્ટિનમાં સાંસદોને મળતી સબસિડી બંધ કરી દેવાઇ છે અને સાંસદોએ મોંઘી થાળી જમવાની આવશે. પહેલાં તો નજીવી કિંમતે થાળી ભરીને જમણ મળતું પણ હવે એ સબસિડી બંધ કરીને ઇન્ડિયન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે આઇ.ટી.ડી.સી. દ્વારા સંસદની કેન્ટિન મેનેજ કરશે. આ સબસિડીઝ કેન્સલ થવાથી લોકસભા સચિવાલયને વર્ષે આઠ કરોડની બચત થશે. આ પહેલાં પણ સાંસદોનાં ખાણાંએ ઘણાં વિવાદો નોતર્યા છે. ટીકાકારોએ સાંસદોને મળતી સસ્તાં ભાણાંની જ્યાફત અયોગ્ય હોવાનું ઘણી વાર કહ્યું છે, અને આ લાભનો બચાવ કરનારાઓએ એવી દલીલ કરી છે કે અહીંની કેન્ટિનમાં જે ખાવાનું મળતું હોય છે, તે સંસદભવનનો બીજો સ્ટાફ અને સિક્યુરિટી કર્મચારીઓ પણ જમતા હોય છે. ૨૦૧૯માં બધા સાંસદોએ આ સબસિડી બંધ કરવાના વિચારને ટેકો આપ્યો હતો.

આ સબસિડી કેન્સલ થઇ તે પહેલાં ઉત્તર રેલવે સંસદ ભવનની કેન્ટિનનું હેન્ડલિંગ કરતી અને એક અહેવાલ અનુસાર સંસદ ભવનના કેટરિંગથી અંદાજે ૧૫થી ૧૮ કરોડની રેવન્યુ મળતી હતી, અને આ ખર્ચો નાણામંત્રાલય દ્વારા, સંસદભવન વાયા ઉપાડવામાં આવતો. સંસદની કેન્ટિન સિવાય મંત્રીઓને ઘણી સબસિડીઝ મળતી હોય છે પણ કેન્ટિનનો મુદ્દો ૨૦૧૫માં કરાયેલી એક આર.ટી.આઇ. પછી સતત ચર્ચામાં રહ્યો હતો. આ આર.ટી.આઇ.ને કારણે સંસદભવનની કેન્ટિનમાં ૨૫ રૂપિયામાં મળતી ફિશ વિથ ફ્રાઇડ ચિપ્સ, ૧૮ રૂપિયાની મટન કટલેટ્સ, ૬ રૂપિયાનો મસાલા ઢોસો, વગેરે ‘આઇટમ્સ’ના ભાવ લોકોને ખબર પડી અને પછી ભારે હોબાળો થયો. કોઇને કોઇ રીતે આ મુદ્દાને ચર્ચામાં લાવવામાં આવ્યો. આ આર.ટી.આઇ.ને પગલે જાણવા મળ્યું કે ૧૧-૧૨ કરોડ જેટલા તો કેન્ટિન સાચવનારા સ્ટાફના પગારમાં જ જાય છે. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે આવન-જાવનને કારણે કેન્ટિનમાં અંદાજે બે લાખ આઠ હજાર જેટલું વેચાણ થતું અને સંસદ બંધ હોય ત્યારે પણ આ વેચાણનો આંકડો આ રકમની આસપાસ જ રહેતો. વિવાદને પગલે ૨૦૧૬માં કેન્ટિનમાં ચીજોના ભાવ બદલવામાં આવ્યા અને અઢાર રૂપિયામાં મળતી ચિકન બિરિયાની ૬૫ રૂપિયામાં મળવા માંડી, વેજ થાળી ૧૮ રૂપિયાને બદલે ૪૦ રૂપિયામાં મળવા માંડી. સબસિડી કેન્સલ થયા પછીના ભાવ હજી જાહેર નથી થયા. સંસદની કેન્ટિનમાં અત્યારે લગભગ ૪૮ જેટલી આઇટમ્સ લંચ અને સાંજના નાસ્તા માટે મળે છે. નવા બદલાવને પગલે અમુક ચીજો કેન્ટિનમાં મળતી બંધ થઇ જવાની શક્યતાઓ પણ છે. સૂત્રો અનુસાર કેન્ટિનમાં સંસદોના ખાતે ૨૪ લાખનો ખર્ચો લખાય છે પણ બાકી કમાણી મુલાકાતીઓ અને અન્ય સ્ટાફ વગેરેને કારણે થતી હોય છે.

આ તો થઇ કેન્ટિનની વાત પણ એ સિવાય સાંસદો પર થતા સરકારી ખર્ચા પર નજર કરીએ તો ૨૦૧૬ના એક રિપોર્ટ અનુસાર સાંસદોને મહિને ૧ લાખનો પગાર મેળવનારા સાંસદોને ૪૫ હજાર કન્સ્ટિટ્યુઅન્સી અલાઉન્સ તરીકે મળે છે, ૧૫ હજાર ઑફિસના ખર્ચા તરીકે અને ૩૦ હજાર સેક્રેટરિયલ આસિસ્ટન્ટનો ખર્ચો મળે છે. સંસદનું સત્ર ચાલે ત્યારે સાંસદોને ૨૦૦૦ રૂપિયા રોજના ખિસ્સા ખર્ચ તરીકે મળે અને આખા વર્ષ દરમિયાન થતી કામને લગતી મુસાફરીમાં ૩૪ ફ્લાઇટ ટ્રિપ્સ મફત મળે તથા અમર્યાદિત રેલ – રોડ ટ્રાવેલ મફત મળે. આ ઉપરાંત રહેઠાણ, પાણી, વીજળી, ટેલિફોન અને મેડિકલ ટ્રિટમેન્ટની સવલતો સાંસદોને સાવ નિઃશુલ્ક મળે છે. આ બધા ખર્ચા લોકસભાના માસિક બિલમાં દેખાડાવા સુદ્ધાં નથી. ભૂતકાળમાં વર્ષે એક કરોડનો ખર્ચ દેખાડનારા સંસદો પણ પાક્યા છે. સાંસદોની ઑફિસીઝમાં કામે રખાતા રિસર્ચ સ્ટાફનો પગાર પણ આ બધા ખર્ચાનો હિસ્સો હોય છે. અન્ય સબસિડીની વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને ગેસ સબસિડી જતી કરવા અરજ કરી હતી, જેથી વંચિતોને માટે સવલતો ખડી કરી શકાય, પણ નાગરિકોએ જતું કરવું પડે તે કરતાં તો આ સાંસદોને જતું કરવા કહેવાય એ વધુ યોગ્ય છે.

આ તો ભારતની વાત થઇ પણ વિશ્વના બીજા રાષ્ટ્રોની વાત કરીએ તો ચીનના વડા પ્રધાનને એક સમયે ૬૨ ટકા પગાર વધારો મળ્યો હતો અને તે વર્ષે ૨૨ હજાર ડૉલર્સ કમાતા હતા તો હંગેરિયન રાજકારણીઓ વર્ષે ૨૮,૦૦૦ ડૉલર્સ કમાય છે જે દેશના સરેરાશ વાર્ષિક પગારથી વધારે મોટો આંકડો છે. યુનાઇટેડ કિંગ્ડમમાં સાંસદોનો મૂળ વગાર ૧,૦૨,૩૬૪ ડૉલર્સ હોય છે અને ૨૦૧૯ પછી આ આંકડામાં અંદાજે બીજા ૨,૬૦૦ ડૉલર્સ ઉમેરાયા હોવાની વાત છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ૪,૦૦,૦૦૦ ડૉલર્સનો તેમનો પગાર ડોનેટ કર્યો હોવાની વાતથી બધા વાકેફ છે, જો કે ત્યાં કોંગ્રેસ મેમ્બર્સેને વર્ષે પ્રેસિડન્ટ કરતાં ઓછો પગાર મળે છે અને તે અંદાજે ૧,૭૪,૦૦૦ ડૉલર્સની વચ્ચે હોય છે. ૨૦૧૦ બાદ અમેરિકી કોંગ્રેસના સભ્યોએ પગાર વધારો નકાર્યો હતો અને ત્યારથી છેલ્લા દસ વર્ષમાં તેમના ભથ્થામાં કોઇ વધારો નથી થયો.

જાપાનમાં સાંસદો લગભગ ૨,૭૪,૦૦૦ ડૉલર્સ જેટલું કમાતા હોય છે અને તેમની દરેક હિલચાલ-ખર્ચા અને કામગીરા પર ચાંપતી નજર રખાય છે. જાપાનમાં સાંસદોને તેઓ જે નાગરિકોનું પ્રતિનિધિત્વ કરે છે તેમની સરેરાશ વાર્ષિક આવક કરતાં છ ગણો વધારે પગાર મળે છે. તમે માનશો વિશ્વમાં કયા દેશમાં સાંસદોને સૌથી વધુ પગાર મળે છે? આનો જવાબ છે સિંગાપોર. સિંગાપોરમાં સાંસદોને વર્ષે ૮,૮૮,૪૨૮ ડૉલર્સ મળે છે અને રાજકારણીઓને મળતો આ અધધધ પગાર હંમેશાંથી ચર્ચા, ટીકા અને વિરોધનો વિષય રહ્યો છે, છતાં પણ સિંગાપોરની સરકારે એક બાબત સ્પષ્ટ રાખી છે કે અત્યંત કાબેલ રાજકારણીઓ સરકાર ચલાવે તે જરૂરી છે અને માટે જ શ્રેષ્ઠ રાજકારણીઓને ધૂરા સંભાળવા આપવાની હોય ત્યારે પગારને મામલે તેઓ કોઇ બાંધછોડ કરવા નથી માગતા હોતા. સિંગાપોર પછી નાઇજિરિયાના રાજકારણીઓનો નંબર આવે છે કારણ કે તેઓ વર્ષે ૪,૮૦,૦૦૦ ડૉલર્સ જેટલું રળે છે અને મજાની વાત એ છે કે તેમને મહિને પગાર તો ૨,૦૦૦ ડૉલર્સનો જ મળતો હોય છે પણ સાથે ખર્ચા પેટે ૩૫,૭૦૦ ડૉલર્સ જેટલી રકમ મળતી હોય છે. નાઇજિરિયામાં આમ આદમી પ્રતિ દિન ૨ ડૉલરના ખર્ચે પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. ઑસ્ટ્રેલિયાના રાજકારણીઓને પણ તગડો પગાર મળે છે અને તેઓ વર્ષે અંદાજે ૨,૦૦,૦૦૦ ડૉલર્સ  કમાય છે વળી ૨૦૧૬થી દર વર્ષે તેમને બે ટકા પગાર વધારો મળ્યો છે છતાં ય ત્યાંના રાજકારણીઓએ આ મોટી રકમને બહુ મોટી ન માનવી તેવો અનુરોધ પણ કર્યો છે. ભારતની સરખામણી અન્ય દેશો સાથે કરીએ તો વિશ્વમાં સૌથી ઓછું ભથ્થું મેળવનારા રાજકારણીઓમાં આપણા સાંસદોની ગણતરી થાય. જો કે બીજા રાષ્ટ્રોની સરખામણીએ ભારતીય નાણાંનું મૂલ્ય ઘણું નીચે છે, પણ છતાં ય સાંસદોને મળેલો પગાર વધારો ભારતીય કોર્પોરેટ્સમાં થતા પગાર વધારા કરતાં ઘણો વધારે ગણાય એ પણ એક હકીકત છે.

બાય ધી વેઃ

આપણા સાંસદો માટે કોસ્ટ ઑફ લિવિંગ મેનેજ કરવી પણ સરળ છે કારણ કે તેમને અઢળક લાભ પણ મળતા રહે છે.  રખે માનતા કે જ દેશોમાં રાજકારણીઓને અધધધ પગાર મળે છે ત્યાં ભ્રષ્ટાચાર નહીં હોય. ત્યાં પણ ભ્રષ્ટ રાજકારણીઓ છે કારણ કે આપણને ગમે કે ન ગમે કાગડા બધે જ કાળા રહેવાના. વળી ભ્રષ્ટાચારને નામે ભારત, આ રાજકારણીઓને તગડો પગાર આપનારા રાષ્ટ્રો કરતાં ઘણો આગળ છે એ પણ કબૂલવું રહ્યું. કેન્ટિનની સબસિડી ઉપરાંત સાંસદોની બીજી કઇ સબસિડીઝ બંધ કરવી જોઇએ? તમને શું લાગે છે? બાકી સિંગાપોરના રાજકારણીઓ જેવો પગાર જોઇતો હોય તો એક બે શહેરને નહીં આખા દેશને સિંગાપોર બનાવવાની ક્ષમતા અને ધગશ બન્ને ગુણ સાંસદોમાં હોવા જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  24 જાન્યુઆરી 2021 

Loading

એ સ્વરાજની કલ્પના બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજની હતી

રમેશ ઓઝા|Opinion - Opinion|24 January 2021

૧૮૫૭ના વિદ્રોહને પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવવામાં આવે છે, એ અસત્ય કથન છે. એ સમયે સ્વતંત્રતાની માગણી કોઈએ કરી નહોતી અને એવી કોઈ કલ્પના પણ નહોતી. જો એમ હોત તો બળવાખોર ભારતીય સિપાઈઓ દિલ્હી જવાની જગ્યાએ કલકત્તા ગયા હોત, જ્યાં કંપની સરકારની રાજધાની હતી. સિપાઈઓને તો એ વાતની પણ જાણ નહોતી કે જેને તેઓ શેહેનશાહ એ હિન્દ તરીકે માનતા હતા અને જેની મદદ લેવા દિલ્હી ગયા હતા એ છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર કંપની સરકારના પેન્શન ઉપર જીવતો હતો અને બિચારો કંપની બહાદુરને અરજ કરતો હતો કે ખર્ચા નીકળતા નથી માટે પેન્શનની રકમ વધારી આપવામાં આવે. રાજા રામમોહન રોય બહાદુર શાહ ઝફરની અરજી લઈને લંડન ગયા હતા. સિપાઈઓની લડત તેમના પોતાના પ્રશ્ને હતી અને તેને ભારતની આઝાદી સાથે કોઈ નિસ્બત નહોતી. એ લડત પણ લશ્કરી છાવણીઓ પૂરતી ઉત્તર ભારતમાં સીમિત હતી.

દરેક પ્રજા પોતાને માફક આવે એ રીતે ઇતિહાસ લખતી હોય છે અને એ રીતે આ ખાસ રીતે લખવામાં આવેલો ઇતિહાસ (કન્સ્ટ્રક્ટેડ હિસ્ટરી) છે. હકીકત તો એ છે કે આખી ૧૯મી સદીમાં કોઈએ ભારતની આઝાદીની માગણી કરી નહોતી. એવી આઝાદી જેવી આજે આપણે ભોગવીએ છીએ અને કલ્પના કરીએ છીએ. કૉન્ગ્રેસે નહોતી કરી, કૉન્ગ્રેસના કોઈ નેતાએ નહોતી કરી, મુસલમાનો, શીખો કે કોઈ બીજાએ નહોતી કરી. કૉન્ગ્રેસમાંના જહાલ નેતાઓએ નહોતી કરી અને હકીકત તો એ છે કે કોઈ ક્રાંતિકારીએ પણ નહોતી કરી. લોકમાન્ય તિલકે જ્યારે કહ્યું કે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’, ત્યારે સ્વરાજનો અર્થ આપણે જે આઝાદી ભોગવીએ છીએ અને સમજીએ છીએ એવો નહોતો થતો.

૧૮૫૭ના વિદ્રોહને પરિણામે ભારત કંપની સરકારના તાબામાંથી સીધું અંગ્રેજ સરકારના તાબામાં ગયું અને એ પછી ભારતમાં જાહેરજીવનનો પ્રારંભ થયો ત્યારથી લઈને ૧૯૨૯માં કૉન્ગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ કર્યો, ત્યાં સુધી આપણે જે આઝાદી ભોગવીએ છીએ એવી આઝાદીની માગણી નહોતી કરવામાં આવી. જે માગણી કરવામાં આવતી હતી એ ડોમિનિય સ્ટેટસની માગણી કરવામાં આવતી હતી. બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજ. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ૧૯૨૯માં કૉન્ગ્રેસે પૂર્ણ સ્વરાજની માગણીનો ઠરાવ કર્યો હોવા છતાં બીજી ગોળમેજ પરિષદમાં કૉન્ગ્રેસના પ્રતિનિધિ ગાંધીજીએ આઝાદીની માગણી નહોતી કરી. હા, ગાંધીજી બ્રિટિશ સરકારને વખતોવખત યાદ અપાવતા હતા કે તેમનું લક્ષ પૂર્ણ સ્વરાજ છે. બીજી ગોળમેજ પરિષદમાં આખી ચર્ચા એ વાતની આસપાસ ચાલી હતી કે બ્રિટિશ સરકાર ભારતની પ્રજાને કેટલા અધિકારો આપવાની છે, કેટલી સત્તા આપવાની છે અને ભારતની પ્રજા આપસમાં એને કઈ રીતે એ વહેંચવાની અને ભોગવવાની છે. આખી ચર્ચા કેટલો ભાગ મળવાનો છે અને ભોગવટાની વહેંચણીની આસપાસ ચાલી હતી. ગાંધીજી સહિત કોઈ કહેતા કોઈએ તેમાં આઝાદીની માગણી નહોતી કરી.

શા માટે? તેઓ ડરતા હતા? તેઓ ઓછા દેશપ્રેમી હતા? બુદ્ધુ હતા? ઓછા રાષ્ટ્રવાદી હતા? શા માટે ભારતના લગભગ તમામ નેતાઓ ડોમિનિયન સ્ટેટસની માગણી કરતા હતા અને ચોખ્ખી આઝાદીની માગણી નહોતા કરતા?

આનું કારણ હતું ભારતની જટિલ વાસ્તવિકતા છે. આવડો મોટો દેશ અને પચરંગી પ્રજા. આટલી વિવિધતા જગતનો કયો દેશ ધરાવે છે! વિવિધ પ્રજા વચ્ચે એકતા પણ હતી અને અંતર પણ હતું. ક્વચિત દુશ્મની પણ હતી અને અશ્રદ્ધા પણ હતી. એમાં પાછી પ્રજા ગરીબ અને અશિક્ષિત. મધ્યકાલીન સામંતશાહી યુગમાંથી સીધી ગુલામ બની હતી. પશ્ચિમની આધુનિકતાની, પ્રજાની સત્તાકીય ભાગીદારીની, આધુનિક વહીવટીતંત્રની સમજ તો ભારતની પ્રજાને ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં આધુનિક શિક્ષણ પામેલી પેઢી અસ્તિત્વમાં આવી એ પછી થઈ હતી અને એ સમજ સાર્વત્રિક થવાને હજુ વાર હતી. આ પ્રજા આજે આપણે જેવી આઝાદી ભોગવીએ છીએ એ ભોગવવાની સ્થિતિમાં નહોતી. માટે ઉત્તરોત્તર સત્તા મળતી જાય, પ્રજા સતામાં ભાગીદારી માટે સજ્જ થતી જાય, ભારતની વિવિધ પ્રજા આપસમાં ભોગવટાની સમજૂતી કરતી જાય એ ઉત્તમ માર્ગ હતો. આ સિવાય ગરીબ, શોષિત અને આપસમાં વહેંચાયેલી પ્રજા લડીને આઝાદી મેળવી શકે એમ પણ નહોતી.

૧૯૨૯નો પૂર્ણ સ્વરાજનો ઠરાવ હોવા છતાં ૧૯૩૧માં ગોળમેજ પરિષદમાં આઝાદીની જગ્યાએ ડોમિનિયન સ્ટેટસ કે એની નજીકની સત્તાની માગણી કરવામાં આવી એનું કારણ જરૂરી પ્રજાકીય તૈયારી હતું. ભારતના લોકોને આધુનિક રાજ્ય અને વહીવટીતંત્રનો અનુભવ મળવો જોઈએ. એ પછી ૧૯૩૫માં એક કાયદો બન્યો જેના દ્વારા ૧૯૩૭માં ભારતના તમામ અંગ્રેજ પ્રાંતોમાં ચૂંટણી યોજાઈ અને સરકારો રચાઈ. સરકાર રચવા સામે કૉન્ગ્રેસમાં સમાજવાદીઓનો વિરોધ હોવા છતાં ગાંધીજીએ સરકાર રચવાની દરખાસ્તનું સ્વાગત કર્યું હતું, એનું કારણ કમશઃ સત્તામાં ભાગીદારી વધારતા જઈને સજ્જ થવાનું હતું. ૧૯૩૭-૧૯૩૯ના શાસનના અનુભવે ધ્યાનમાં આવ્યું કે ભારતની પ્રજા પુખ્ત મતદાનવાળા સાર્વત્રિક લોકતંત્ર સાથે શાસન કરી શકે એમ છે. એવું શાસન જે કેન્દ્રીય પણ હોય અને સમવાય પણ હોય.

હવે કલ્પના કરો કે ૧૮૫૭નો વિદ્રોહ ખરેખર આઝાદી માટેનો હોત, આસેતુહિમાલય એવો સાર્વત્રિક હોત અને પરાજીત અંગ્રેજોએ ભારતમાંથી ઉચાળા ભરવા પડ્યા હોત તો ભારત આજ જેવો આઝાદ દેશ હોત ખરો? પહેલી વાત તો એ કે એવું બન્યું નહોતું અને બનવાનું નહોતું એનું કારણ પ્રજાકીય ભાગીદારીવાળા આજના જેવા ભારતીય રાષ્ટ્રની કલ્પના જ ત્યારે વિકસી નહોતી એટલે વિદ્રોહ નિષ્ફળ નીવડ્યો હતો. બીજી વાત એ કે એ છતાં પણ જો ભારતને ત્યારે આઝાદી મળી હોત તો એ પ્રજાકીય ભાગીદારીવાળા આજના જેવા ભારતીય રાષ્ટ્રની કલ્પનાના અભાવમાં ટકી શકી ન હોત.

ભારતના લગભગ તમામ જવાબદાર નેતાઓ ભારતની આ વાસ્તવિકતા જાણતા હતા. માટે લોકમાન્ય તિલક જેવા જહાલોમાં જહાલ નેતાએ પણ સંપૂર્ણ આઝાદીની માગણી નહોતી કરી અને તેમણે સશસ્ત્ર ક્રાંતિને પણ પ્રોત્સાહિત નહોતી કરી. તેમને બન્ને વાતની જાણ હતી કે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ વ્યવહારુ નથી અને ભારતની પ્રજા હજુ સંપૂર્ણ સ્વરાજને લાયક નથી. જહાલો જહાલ હતા પણ મર્યાદિત અર્થમાં. તેઓ સત્તામાં ભાગીદારી મેળવવા માટે ઉતાવળા હતા અને અંગ્રેજોનું નાક દબાવવામાં માનતા હતા. 

પણ કેટલાક યુવાનો સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં જોતાં હતાં જે અવ્યવહારુ હતાં. તેમનો ત્યાગ ઘણો મોટો હતો પણ દુર્ભાગ્યે ભારતને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન નિર્ણાયક સાબિત ન થઈ શક્યું અને તેમની મૂલ્યવાન જિંદગી એળે ગઈ.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 જાન્યુઆરી 2021

Loading

...102030...2,0542,0552,0562,057...2,0602,0702,080...

Search by

Opinion

  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved