Opinion Magazine
Number of visits: 9573168
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિહારનું ચૂંટણી-પરિણામ : એક વિશ્લેષણ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 December 2020

એકીકૃત બિહારની સત્તરમી અને વિભાજિતની પાંચમી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી એન.ડી.એ. ગઠબંધને ૧૫ બેઠકોની બહુમતીથી સત્તા જાળવી રાખી છે. ૧૧ કરોડની વસ્તી અને ૭.૭૯ કરોડ મતદાર ધરાવતા બિહારમાં દેશની કોરોનાકાળમાં યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં રાજ્યની આરોગ્યની સ્થિતિ, સરકાર વિરોધી ભાવના, સ્થળાંતરિત મજૂરોનો સવાલ, બેરોજગારી, ગરીબી, શિક્ષણ, પૂર, વિકાસ, રાજ્યની આર્થિક હાલત અને જાતિવાદ જેવા સ્થાનિકથી લઈને સરહદે ચીન સાથે અશાંતિ, અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, નાગરિકતા-સંશોધન કાનૂન, ત્રિપલ તલાક પર પ્રતિબંધ, રામમંદિર, શ્રમ અને કૃષિકાયદા જેવા રાષ્ટ્રીય ચૂંટણી-મુદ્દાઓ પર જનમત વ્યક્ત થાય તેવી આશા હતી.

બિહારમાં ચૂંટણીપૂર્વે જ પાંચ ગઠબંધનો (એન.ડી.એ., મહાગઠબંધન, ગ્રાન્ડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રન્ટ, પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયન્સ અને યુનાઇટેડ ડેમોક્રેટિક અલાયન્સ) અસ્તિત્વમાં આવ્યા હતા. પરંતુ મુખ્ય મુકાબલો એન.ડી.એ. (જનતાદળ (યુ.), બી.જે.પી., હમ અને વી.આઈ.પી.) અને મહાગઠબંધન (આર.જે.ડી., કૉંગ્રેસ અને ત્રણ ડાબેરી પક્ષો) વચ્ચે હતો. ચૂંટણીપૂર્વેનાં અનુમાનોમાં આ ચૂંટણીને  એકતરફી માનવામાં આવતી હતી અને સઘળા ઓપિનિયન પોલ એન.ડી.એ.ની જીત પાકી માનતા હતા. પરંતુ લગભગ બધા જ એક્‌ઝિટ પોલ મહાગઠબંધનના વિજયનું અનુમાન કરતા હતા! એટલે ચૂંટણી-પરિણામો રોમાંચક બની રહ્યાં અને અંતે પરિણામ જનતાદળ(યુ.) -બી.જે.પી.ની તરફેણમાં આવ્યું છે.

વોટશેર અને બેઠકોઃ લાલુ પ્રસાદ યાદવના પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય જનતાદળે સૌથી વધુ ૭૫ બેઠકો મેળવી છે. કેન્દ્રમાં મજબૂત રાજવટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર મુસ્તાક ભારતીય જનતાપક્ષને તે પછીના ક્રમે ૭૪ બેઠકો મળી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના જનતા- દળ (યુ.)ને ૪૩ બેઠકો, કૉંગ્રેસને ૧૯, સી.પી.આઈ. (એમ.એલ.)(એલ.) એટલે કે ‘માલે’ને ૧૨, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એ.આઈ.એમ.આઈ.એમ.ને ૫, હમ અને વી.આઈ.પી.ને ૪-૪, સી.પી.આઈ. અને સી.પી.આઈ.(એમ.)ને ૨-૨, તથા એલ.જે.પી., બી.એસ.પી. અને અપક્ષને ૧-૧ બેઠકો મળી છે.

આપણી ચૂંટણીની જે એક વિચિત્રતા છે કે રાજકીય પક્ષોને જે વોટ – શેર મળે છે તેના પ્રમાણમાં બેઠકો મળતી નથી. તે આ ચૂંટણીમાં વધુ એક વાર જોવા મળ્યું. એન.ડી.એ.ને ૩૭.૩ ટકા  અને મહાગઠબંધનને ૩૭.૨ ટકા મત મળ્યા છે. એટલે કે વોટશેરનો તફાવત માત્ર ૦.૧ ટકા કે ૧૨,૭૭૦ વોટનો જ છે. પરંતુ આટલા નજીવા વોટશેર કે મતનો ઘટાડો ૧૫ બેઠકોના વધારાઘટાડામાં પરિણમ્યો છે.

૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીના વોટશેર સાથે ૨૦૨૦ના વોટશેરને સરખાવતાં જણાય છે કે ૨૦૧૫માં બી.જે.પી.નો વોટશેર ૨૪.૧ ટકા હતો, ૨૦૨૦માં તેમાં ૪.૬૪ ટકાનો ઘટાડો થતાં તે ૧૯.૪૬ થયો છે, પરંતુ ૨૦૧૫માં વિધાનસભામાં બી.જે.પી.ની બેઠકો ૫૩ હતી તે ૨૧ વધીને ૭૪ થઈ છે! ૨૦૧૫માં જે.ડી.યુ.નો વોટશેર ૧૪.૪ અને બેઠકો ૭૧ હતી. ૨૦૨૦માં તેનો વોટશેર ૧૫.૩૯ છે, એટલે વોટશેર નજીવો.(૦.૯૯ %) વધવા છતાં આ વખતે તેને ૪૩ જ બેઠકો મળતાં બેઠકોમાં ૨૮ જેટલો મોટો ઘટાડો થયો છે.

આર.જે.ડી.ને ૨૦૧૫માં ૨૧.૫ % વોટ અને ૮૦ બેઠકો મળી હતી. આ વખતે વોટ ૨૩.૧૧ % એટલે કે ગઈ વિધાનસભા કરતાં ૨.૦૬ % વધુ મળ્યા છે, પરંતુ વોટશેરનો વધારો બેઠકોનો  વધારો કરી આપવાને બદલે ૫ બેઠકોનો ઘટાડો કરી આપે છે! કૉંગ્રેસનો વોટશેર ગઈ વિધાનસભા ચૂંટણીમાં ૬.૦ અને બેઠકો ૨૭ હતી. હાલનો ૯.૫%નો  વોટશેર,  બીજા બધા પક્ષો કરતાં મોટો વધારો (૩.૪૮ %) થયો છતાં બેઠકો ઘટીને ૨૭થી ૧૯ થઈ છે !

ઓવૈસીના પક્ષને મત માત્ર ૧.૨૪ % જ મળ્યા, પણ બેઠકો ૫ મળી. એલ.જે.પી.નો વોટશેર ૫.૬૬ % છે, પણ બેઠક એક જ મળી. ‘માલે’નો વોટશેર ૩.૨ % છે અને બેઠકો ૧૨ મળી ! સી.પી.આઈ. (એમ.) અને સી.પી.આઈ.નો વોટ શેર ૧ % કરતાં પણ ઓછો (અનુક્રમે ૦.૮ અને ૦.૭%) જ છે, છતાં બંનેને બે-બે બેઠકો મળી છે. બ.સ.પા.નો વોટશેર ૧.૪૯ % અને બેઠક એક જ મળી છે, તો આર.એલ.એસ.પી.નો વોટશેર ૧.૭૭ % હોવા છતાં એકેય બેઠક મળી નથી.

જે રાજકીય પક્ષો વધુ બેઠકો પર ઉમેદવારી કરે છે, તેનો વોટશેર વધુ હોય છે, પરંતુ વોટશેર બેઠકોમાં પરિવર્તિત થઈ શકતો નથી. જ્યારે ઓછી બેઠકો પર ઉમેદવારી કરીને, ફોકસ રહીને, કેટલાક રાજકીય પક્ષો (જેમ કે ડાબેરી) ઓછા વોટશેરથી વધુ બેઠકો મેળવી શક્યા છે.

સ્ટ્રાઇક-રેટમાં બી.જે.પી. પ્રથમ અને ‘માલે’ બીજા ક્રમે રાજકીય પક્ષોએ કેટલી બેઠકો પર ઉમેદવારી કરી હતી અને તેમાંથી કેટલી બેઠકો મેળવી તેનો વિજયઆંક કે સ્ટ્રાઇક-રેટ જોતાં જણાય છે કે બી.જે.પી. મોખરે છે. બી.જે.પી.ના ૧૧૦ ઉમેદવારોમાંથી ૭૪ જીતતાં તેનો વિજયઆંક ૬૭.૩ ટકા છે. તે પછીના ક્રમે ‘માલે’ કહેતાં સી.પી.આઈ. (એમ.એલ.) (એલ.)ના ૧૯માંથી ૧૨ ઉમેદવારો વિજયી બનતાં તેનો વિજયઆંક ૬૩.૧ ટકા છે. આર.જે.ડી.એ ૧૪૪માંથી ૭૫ બેઠકો મેળવતાં ૫૯.૧ %, ત્રણેય ડાબેરીપક્ષોએ સંયુક્ત રીતે ૨૯માંથી ૧૬ બેઠકો જીતીને ૫૫.૧ %, જીતનરામ માંઝીની ‘હમ’(હિંદુસ્તાની અવામી મોરચા)એ ૭માંથી ૪ બેઠકો જીતી ૫૭.૧ % અને સી.પી.આઈ. (એમ.)એ ૪માંથી ૨ બેઠકો જીતી ૫૦.૦% સ્ટ્રાઇક-રેટ મેળવ્યો છે, જે બે પક્ષોનો વિજયઆંક સૌથી તળિયે છે, તેમાં મુખ્યપ્રધાન પદે આસીન નીતિશ કુમારના જનતાદળ(યુ.)એ ૧૧૫ બેઠકો પર ઉમેદવારી, કરી ૪૩ બેઠકો મેળવતાં ૩૭.૩ % અને કૉંગ્રેસે ૭૦ બેઠકોમાંથી ૧૯ જીતીને ૨૭ %નો સ્ટ્રાઇક-રેટ હાંસલ કર્યો છે. ચિરાગ પાસવાનની એલ.જે.પી.ના ૧૪૭માંથી એક જ ઉમેદવાર જીતતાં તેનો વિજયઆંક ૦.૬ ટકા જ છે.

મોદીની લોકપ્રિયતા અને બી.જે.પી.ની મજબૂતીની કસોટી આ વિધાનસભાની સિંગલ લાર્જેસ્ટ પાર્ટી આર.જે.ડી.થી એક જ બેઠક ઓછી મેળવનાર ભારતીય જનતાપક્ષ બિહારમાં વધુ મજબૂત થયો છે અને વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા બરકરાર છે, તેવી દલીલને વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સાથે સરખાવવા જેવી છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી બિહારમાં આ ચોથી ચૂંટણી હતી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં બી.જે.પી.ને ૨૯.૪૦ % વોટ અને ૨૨ બેઠકો મળ્યાં હતાં. પાંચ વરસના કેન્દ્રના મોદીશાસન પછી તેમાં ૫.૮૨ %નો ઘટાડો થયો અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૩.૫૮ % વોટ અને ૧૭ બેઠકો મળ્યાં. મોદીના વડાપ્રધાન થયા બાદ ૨૦૧૫માં થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૨૪.૧ % મત મળ્યા હતા, જે ૨૦૨૦માં ઘટીને ૧૯.૪૬ % થઈ ગયા છે. એટલે છ વરસમાં બિહારમાં ભા.જ.પ.ના મત ૧૦ ટકા જેટલા ઘટ્યા છે. ૨૦૨૦માં લોકસભા અને વિધાનસભામાં પક્ષની બેઠકો વધી છે તેને બી.જે.પી.ની મજબૂતી અને મોદીની લોકપ્રિયતા ગણાવતાં સમીક્ષકો વોટશેરનો આ ઘટાડો નજરઅંદાજ કરે છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પરિણામ મુજબ એન.ડી.એ.(બી.જે.પી., જે.ડી.યુ. અને એલ.જે.પી.)ને ૨૨૩ વિધાનસભા બેઠકો પર લીડ મળી હતી. એકલી બી.જે.પી.ની લીડ ૯૬ વિધાનસભા બેઠકો પર હતી, પરંતુ એક જ વરસ પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં  એન.ડી.એ.ને ૧૨૫ બેઠકો મળતાં ૯૮ અને બી.જે.પી.ને ૭૪ બેઠકો મળતાં ૨૨ બેઠકો ઓછી મળી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં એન.ડી.એ.ને ૫૩.૨૫ % અને યુ.પી.એ.ને ૩૦.૭૬% મત મળ્યા હતા, ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.ના વોટમાં ૧૫.૯૫%નો ઘટાડો થયો છે અને ૩૭.૩ % મત મળ્યા છે. જ્યારે યુ.પી.એ. ગઠબંધનના વોટ ૬.૪૪ વધીને ૩૭.૨% થયા છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મતદારો અલગ અલગ રીતે મતદાન કરે છે, એ દલીલ સ્વીકારીએ તો પણ વડા પ્રધાન જ  ચૂંટણીના સ્ટારપ્રચારક હોય અને પક્ષ અને ગઠબંધન તેમને જ વિજયનું શ્રેય આપતો હોય છે, ત્યારે તેમની લોકપ્રિયતા લોકસભા ચૂંટણીમાં અને વિધાનસભા ચૂંટણીમાં કેમ અલગ-અલગ હોય છે, તેનો જવાબ મળતો નથી.

બિહારના નેતા નીતિશ કે તેજસ્વી ? :  ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી નીતિશ અને લાલુની પાર્ટી સાથે મળીને લડ્યા હતા. આર.જે.ડી. કરતાં જે.ડી.યુ.ને મળેલી બેઠકો ઓછી હોવા છતાં નીતિશ કુમારને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા અને લાલુપુત્ર તેજસ્વી યાદવ તેમના ડેપ્યુટી બન્યા હતા. તેજસ્વી સામેના ભ્રષ્ટાચારના આરોપો પછી નીતિશે આર.જે.ડી.-જે.ડી.યુ.નું ગઠબંધન તોડી બી.જે.પી.નો સાથ મેળવી સત્તા જાળવી રાખી. ‘સુશાસન બાબુ’ તરીકેની નીતિશની સાખ અને કુર્મીવોટ પરના પ્રભુત્વને કારણે ૨૦૧૯ની ચૂંટણીમાં બી.જે.પી.એ ગઠબંધનમાં તેમનું નેતૃત્વ સ્વીકારી મુખ્ય મંત્રીપદનું વચન આપ્યું હતું. સામે પક્ષે તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધન ચૂંટણીમેદાનમાં હતું. કૉંગ્રેસ અને ત્રણ ડાબેરી પક્ષોએ તેજસ્વીનું નેતૃત્વ સ્વીકાર્યું હતું.

એન.ડી.એ. ગઠબંધનને મહાગઠબંધન કરતાં ૧૫ સીટો વધુ મળતાં સરકાર તેમની રચાઈ, નીતિશ કુમાર ફરી મુખ્ય મંત્રીપદ પામ્યા. પરંતુ આ ચૂંટણીના ખરા વિજેતા અને બિહારના નેતા ખરેખર કોણ એવો સવાલ થાય, તો ૩૧ વરસના તેજસ્વી યાદવનું નામ અચૂક લેવું પડે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આર.જે.ડી.ને એક પણ બેઠક મળી નહોતી. તેને માત્ર ૧૫.૩૬ ટકા વોટ સાથે ૯ જ વિધાનસભા બેઠકો પર લીડ મળી હતી. લોકસભા ચૂંટણીમાં મળેલી આ હાર પછી મહિનાઓ સુધી તેજસ્વી યાદવ ગુમ રહ્યા હતા. ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણી તેજસ્વીએ પિતા લાલુ પ્રસાદ યાદવની પ્રત્યક્ષ ઉપસ્થિતિ વિના સમગ્ર મહાગઠબંધનનો ભાર પોતાના શિરે ઉઠાવીને લડી હતી. સત્તા મેળવવા જેટલી બહુમતી ન મળી, પરંતુ તેમણે જે રાજકીય પુખ્તતા અને જવાબદારી સાથે શાલીનતાથી ચૂંટણી પ્રચાર કર્યો, તેણે બિહારના નેતા થવા માટેની તેમની ક્ષમતા દર્શાવી આપી. ૨૦ લાખ સરકારી નોકરીઓનાં વચન સાથે તેમણે વિરોધીઓને પોતાના ચૂંટણી એજેન્ડા પર બોલવા મજબૂર કર્યા અને સમગ્ર ચૂંટણીવિમર્શને પોતાના તરફ કરી મૂક્યો. ત્રણ તબક્કાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મહાગઠબંધનની બઢત પછી વડા પ્રધાને બિહારના ઉચ્ચવર્ણના લોકોને લાલુના જંગલરાજનો ડારો દીધો અને તેજસ્વીને ‘જંગલરાજના યુવરાજ’ ગણાવી ટાર્ગેટ કર્યા. બી.જે.પી.ના શહેરી અને ઉજળિયાત મતદારોનું ધ્રુવીકરણ કરી તેને તેજસ્વી અને મહાગઠબંધનથી વિમુખ કર્યા.

નીતિશ કુમારને બી.જે.પી.એ મુખ્ય મંત્રી તરીકે સ્થાપિત કર્યા છે અને મહારાષ્ટ્રમાં શિવસેના સાથેના વર્તનથી સત્તા ગુમાવવાની ભૂલ કરી નથી. પરંતુ નીતિશ કુમાર માટે પોતાના પક્ષની માંડ ૪૩  બેઠકો સાથે  ૧૧૦ બેઠકો ધરાવતા મજબૂત વિપક્ષનો સામનો કરીને સત્તાસંતુલન જાળવવું મુશ્કેલ બનવાનું છે.

હાલની એન.ડી.એ. સરકાર સમગ્ર બિહારનું ભૌગોલિક પ્રતિનિધિત્વ ધરાવે છે કે કેમ તેવા સવાલનો જવાબ પણ નકારમાં મળે છે. ગંગાનદીના કારણે ઉત્તર બિહાર અને દક્ષિણ બિહાર એમ બે ભૌગોલિક-સામાજિક ભાગમાં બિહાર વિભાજિત છે  દક્ષિણ બિહારના ભોજપુર-મગધ ઇલાકામાં મહાગઠબંધનનું તો ઉત્તર બિહારમાં એન.ડી.એ.નું પ્રભુત્વ જોવા મળ્યું છે. દક્ષિણ બિહાર એકંદરે સમૃદ્ધ મનાય છે, જ્યારે ઉત્તર બિહાર પછાત અને ઉપેક્ષિત મનાય છે. ગંગાના સામા કાંઠે વિકાસ પહોંચ્યો ન હોવા છતાં સીમાંચલ, ચંપારણ, મિથિલા અને કોસી વિસ્તારમાં બી.જે.પી. અને એન.ડી.એ.ને કેમ વધુ બેઠકો મળી છે, તે સમજવું અઘરું છે. 

સીમાંચલ જિલ્લાઓમાં બી.જે.પી.ની જીત થઈ છે, પણ જે.ડી.યુ.ની થઈ નથી. એન.ડી.એ.ને ચંપારણ વિસ્તારમાં વધુ બેઠકો મળી છે. એન.ડી.એ.ને જે જિલ્લાઓમાં વધુ બેઠકો મળી, તેમાં પશ્ચિમ ચંપારણની ૯માંથી ૮, પૂર્વ ચંપારણની ૧૨માંથી ૯, સીતામઢીની ૮માંથી ૬, મધુબનીની ૧૦માંથી ૮, દરભંગાની ૧૦માંથી ૯, સુપૌલની ૫માંથી ૫, જમુઈની ૪માંથી ૩ છે, પરંતુ શેઓહર, કિસનગંજ, બકસર, કૈમુર, રોહતાસ, અરવલ, જેહાનાબાદ, ઔરંગાબાદ એ આઠ  જિલ્લાની ૩૧ બેઠકો પર એન.ડી.એ.નું ખાતું જ ખૂલ્યું નથી. બીજી તરફ મહાગઠબંધનને જે જિલ્લાઓમાં વધુ બેઠકો મળી, તેમાં સિવાનની ૮માંથી ૬, સારણની ૧૦માંથી ૭, બેગુસરાઈની ૭માંથી ૪, પટણાની ૧૪માંથી ૯, ભોજપુરની ૭માંથી ૫, બકસરની ૪માંથી ૪, શેઓહરની ૧માંથી ૧, કૈમુરની ૪માંથી ૩, રોહતાસની ૭માંથી ૭, અરવલની ૨માંથી ૨, જેહાનાબાદની ૩માંથી ૩, ઔરંગાબાદની ૬માંથી ૬ અને નવાદાની ૫માંથી ૪ છે. જમુઈ અને સુપૌલ એ બે જિલ્લાની અનુક્રમે ૪ અને ૫ એમ કુલ ૯ બેઠકોમાંથી એક પણ મહાગઠબંધનને મળી નથી. બિહારના ૩૮ જિલ્લાઓમાંથી મહાગઠબંધનને  બે  જિલ્લામાં અને એન.ડી.એ.ને આઠ જિલ્લામાં એક પણ બેઠક મળી નથી. નીતિશ અને એન.ડી.એ.નું નેતૃત્વ અને પ્રભાવ  બિહારવ્યાપી નથી અને મહાગઠબંધન અને તેજસ્વીનો જનાધાર સમગ્ર રાજ્યમાં છે, તે આ વિગતો પરથી સ્પષ્ટ થાય છે.

રાજ્યમાં પચાસ હજાર કે તેથી વધુ મતોની પ્રથમ ચાર સૌથી મોટી જીતમાં મહાગઠબંધનના ૪ (બે માલે બે આર.જે.ડી.) ઉમેદવારો છે,  બી.જે.પી.નો ક્રમ પાંચમો છે અને તેના ઉમેદવાર ૪૭,૮૬૬ મતથી જીત્યા છે. એ જ રીતે સૌથી ઓછા અર્થાત્ ‌પાંચસો કરતાં ઓછા મતોથી હારેલા પાંચ ઉમેદવારોમાં મહાગઠબંધનના ૩ ઉમેદવારો છે. બીજા બેમાં એક જે.ડી.યુ. અને એક બી.એસ.પી.ના છે. ૫૦૦ કરતાં ઓછી બહુમતીથી જીતનાર પાંચ ઉમેદવારોમાં ૩ જે.ડી.યુ.ના, ૧ લો.જ.પા.નો અને ૧ રા.જ.દ.નો છે. અર્થાત્‌ મહાગઠબંધનના ઉમેદવારો નજીવી લીડથી જીત્યા નથી, પણ નજીવા માર્જિનથી હાર્યા જરૂર છે. ૧૪૪ બેઠકો પર ચૂંટણી લડનાર તેજસ્વીના પક્ષને ૭૫ બેઠકો મળી છે અને ૬૫ બેઠકો પર તેમના ઉમેદવારો બીજા નંબરે આવ્યા છે. એટલે નીતિશ કુમારની ૧૫ બેઠકોની સરસાઈ કેટલી મામૂલી છે અને તેજસ્વીની હારની ઇનિંગ  પણ  ‘મેન ઑફ ધ મૅચ’ની છે તે આ  આંકડાઓના ઉજાસમાં જાણી શકાય છે.

બિહાર હવે કૉંગ્રેસમુક્ત થઈ ગયું છે ? : મોટા ભાગના રાજકીય સમીક્ષકો તેજસ્વીને મુખ્ય મંત્રીની ખુરશીથી વેંત છેટું રહી ગયું તેના માટે કૉંગ્રેસને જવાબદાર માને છે અને હવે કૉંગ્રેસ બિહારમાંથી સાવ ભૂંસાઈ જશે એવી આગાહીઓ કરે છે. મહાગઠબંધનના વડા ભાગિયા તરીકે કૉંગ્રેસે ૭૦ બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેને ૨૦૧૫ની ૨૭ કરતાં આ વખતે ૮ બેઠકો ઓછી (૧૯) મળી છે, તે હકીકતને આગળ ધરે છે, પરંતુ કૉંગ્રેસનો લોકોમાં જનાધાર વિસ્તરી રહ્યો છે, તે હકીકત ગુપચાવી દે છે.

૨૦૧૪ની લોકસભામાં બિહારમાં કૉંગ્રેસને ૮.૪૦% મત અને ૨ બેઠકો મળી હતી. રાજકીય પક્ષોના વોટશેરમાં તે પાંચમા નંબરે (એલ.જે.પી. પછી) હતી. ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં તેણે ૬ ટકા વોટ અને ૨૭ બેઠકો મેળવી હતી. તેને મળેલા મતોની ટકાવારી ઘટી હતી. પણ વોટશેરમાં તે બિહારમાં પાંચમાથી ચોથા નંબરે આવી ગઈ હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ૦.૭ ટકા ઓછા વોટ મેળવ્યા અને તેની લોકસભા બેઠક પણ બેથી ઘટીને એક થઈ ગઈ હતી, પરંતુ ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં તેણે ૯.૪૮ ટકા વોટશેર મેળવ્યા છે. કૉંગ્રેસે વધુ બેઠકો પર ચૂંટણી લડીને તેનો જનાધાર વિસ્તાર્યો છે, તે તેને મળેલા વોટશેર પરથી પુરવાર થાય છે. એક જ વરસમાં કૉંગ્રેસના વોટશેરમાં ૩.૪૮ ટકાનો વધારો થયો છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ તમામ હરીફ પક્ષોમાં વોટશેરના વધારામાં પ્રથમ છે. કૉંગ્રેસે રાજ્યમાં બે પ્રાદેશિક પક્ષો અને બી.જે.પી. પછીનું તેનું ચોથું સ્થાન બેઠકો અને મતોની ટકાવારીમાં જાળવી રાખ્યું છે. ૨૦૨૦ની ચૂંટણીમાં કૉંગ્રેસે ૭૦માંથી જે ૫૧ બેઠકો પર પરાજય મેળવ્યો છે, તે પૈકીની ૪૨ બેઠકો પર બીજું સ્થાન મેળવ્યું છે. એ રીતે પણ તેનો ચૂંટણીદેખાવ કૉગ્રેસમુક્ત બિહારનો કે દસાડા દફતરે નોંધી દેવાય તેવા પક્ષનો નથી.

ડાબેરી ઉભાર : સંસદીય રાજનીતિમાં ડાબેરીઓનાં વળતાં પાણીના માહોલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમનો વિજય તેઓ હજુ લુપ્ત થઈ ગયા ન હોવાની ગવાહીરૂપ છે. બિહાર વિધાનસભાની ૨૦૨૦ની ચૂંટણીમાં ત્રણ મુખ્ય સામ્યવાદી પક્ષોએ આર.જે.ડી. અને કૉંગ્રેસના મહાગઠબંધનમાં સામેલ થઈ સોળ બેઠકો જીતી છે.

૨૦૧૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બે સામ્યવાદી પક્ષો, સી.પી.આઈ. અને સી.પી.આઈ.(એમ.)ને એક પણ બેઠક મળી નહોતી. જ્યારે ‘માલે’ તરીકે જાણીતા ઉગ્ર ડાબેરી પક્ષ સી.પી.આઈ. (એમ.એલ.)(એલ.)ને ૩ બેઠકો મળી હતી. ૨૦૨૦માં આ ત્રણેય સામ્યવાદી પક્ષો ચૂંટણીજોડાણ કરીને ૨૪૩ બેઠકોના ગ્રૃહમાં ૨૯ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. માલેએ ૧૯, સી.પી.આઈ.એ ૬ અને સી.પી.આઈ.એમે. ૪ બેઠકો પર મહાગઠબંધનના ભાગ રૂપે ઉમેદવારી કરી હતી. માલેનો ૧૨ અને બાકીના બે સામ્યવાદી પક્ષોનો બે-બે બેઠકો પર વિજય થયો છે. ૭ બેઠકો પર ‘માલે’ના, ૩ પર સી.પી.આઈ.ના અને ૧ પર સી.પી.આઈ.(એમ.)ના ઉમેદવાર બીજા નંબરે છે. બે જૂના સામ્યવાદી પક્ષો માટે આ વિજય સંજીવની કે પુનરુત્થાન જેવો છે તો ‘માલે’ માટે તે મોટી છલાંગ કે નવઉભાર છે.

‘ન શિક્ષા-રોજગાર, ન ભૂમિસુધાર, બદલો સરકાર, બદલો બિહાર’ના નારા સાથે ચૂંટણી લડેલા ડાબેરીઓ ભલે સરકાર બદલી નથી શક્યા, પણ એન.ડી.એ. ગઠબંધનને સત્તા સુધી પહોંચવું અઘરું જરૂર બનાવી દીધું હતું. માલેએ આ ચૂંટણીમાં બી.જે.પી. પછીના ક્રમનો વિજયઆંક ૬૩.૧% મેળવ્યો, તે સફળતા નોંધપાત્ર છે. સૌથી વધુ મતે જીતેલા પાંચ ઉમેદવારોમાં માલેના બે છે, તો ૧૦૦૦ કરતાં ઓછા મતે હારનારા ૧૦ ઉમેદવારોમાં પણ બે ડાબેરી પક્ષોના છે. એ રીતે પણ ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરીઓનો દેખાવ શાનદાર રહ્યો છે

ચોક્કસ રાજકીય વિચારધારાને વરેલા ડાબેરી પક્ષોના બિહારમાં ચૂંટણીજોડાણો તકવાદ તો નથીને એવો સવાલ થવો સહજ છે. બિહારના બંને પ્રાદેશિક પક્ષો અને કૉંગ્રેસ સાથે ડાબેરીઓ અગાઉ ચૂંટણી-સમજૂતીઓ કરી ચૂક્યા છે. ડાબેરીઓની મુખ્ય ઓળખ તો તેમની આર્થિક-રાજકીય વિચારધારા છે, ત્યારે તેમના કરતાં સાવ સામા છેડાની વિચારધારાના પક્ષો સાથેના તેમના ચૂંટણીજોડાણને સમજવું અઘરું છે. શું ડાબેરીઓ બદલાઈ રહ્યા છે કે તેમણે બદલાવું જોઈએ ? તેવો પણ સવાલ કરી શકાય. અપારદર્શી અને સિદ્ધાંતહીન ગઠબંધનો કદાચ થોડી વધુ બેઠકો મેળવી આપે પણ જે વિચારધારાને તેઓ વરેલા છે તેનું શું ? જે.એન.યુ. સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ-પ્રમુખ સંદીપ સૌરભ ‘માલે’ના ઉમેદવાર તરીકે આર.જે.ડી.ના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનના ઉમેદવાર તરીકે આ વખતે ચૂંટાયા છે, ત્યારે આર.જે.ડી.ના નેતા શહાબુદ્દીન જે.એન.યુ. સ્ટુડન્ટ યુનિયનના પૂર્વપ્રમુખ અને માલે નેતા ચન્દ્રશેખર ઉર્ફે ચંદુની હત્યાના આરોપી છે તે ભૂલી શકાશે ? બિહારમાં ડાબેરીઓનો ઉભાર માત્ર બેઠક વધારો ન બની રહેતાં નવું નેતૃત્વ અને નવા લોકતાંત્રિક સમાજવાદી કાર્યક્રમોનું ટાણું પણ બનવો જોઈએ. ડાબેરી નેતાઓએ આ ચૂંટણીને જનાંદોલન બનાવ્યું હતું. હવે તેને ગંભીર વૈચારિક આયામ આપી આમ આદમીના સવાલોને વાચા આપતા સામાજિક-રાજકીય આંદોલનમાં બદલવાની  જરૂર છે.

અનામત બેઠકો પર હારજીત : ૨૪૩ બેઠકોની બિહાર વિધાનસભામાં અનુસૂચિત જાતિ(દલિત)ની ૩૬ અને અનુસૂચિત જનજાતિ(આદિવાસી)ની ૨ એમ કુલ ૩૮ બેઠકો અનામત છે. મુખ્ય રાજકીય પક્ષો પૈકી બી.જે.પી. અને આર.જે.ડી.એ એક-એક આદિવાસી અનામત બેઠક પર વિજય મેળવ્યો છે. દલિત અનામત બેઠકોમાંથી સૌથી વધુ ૯ બેઠકો પર બી.જે.પી.ના ઉમેદવારો વિજયી થયા છે. જે.ડી.યુ.ને ૮, આર.જે.ડી.ને ૭, કૉંગ્રેસને ૪,.માલે અને હમને ૩-૩ તથા વી.આઈ.પી. અને સી.પી.આઈ.ને ૧-૧ બેઠકો મળી છે. ૩૮ અનામત બેઠકોમાંથી એન.ડી.એ.ને કુલ ૨૨  અને મહાગઠબંધનને ૧૬ બેઠકો મળી છે. દલિતોની બે અન્ય પાર્ટી પાસવાનની લો.જ.પા. અને માયાવતીની બ.સ.પા.ને એક પણ બેઠક મળી નથી. ચન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી અને બહુજનમુક્તિ પાર્ટીને બહુ નગણ્ય વોટ મળ્યા છે.

બિહારની કુલ વસ્તીમાં દલિતોનું પ્રમાણ ૧૮.૫ % છે. પહેલાં કૉંગ્રેસ અને પછી લાલુની તે વોટબેંક મનાતા હતા. નીતિશ કુમારે મહાદલિતકાર્ડ ખેલી બિહારની ૨૨ પેટા જાતિમાંથી પાસવાનોને બાકાત રાખી બાકીની દલિત પેટાજાતિઓને પોતાના તરફ આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા. મહાદલિત મુસહર જ્ઞાતિના જીતનરામ માંઝીને મુખ્ય પ્રધાનની ગાદીએ પણ થોડો સમય બેસાડ્યા હતા. જો કે દલિત અનામત બેઠકો પર એન ડી એ ની બહુમતી મહાદલિત મતને કારણે છે કે અન્ય જ્ઞાતિઓના કારણે તે તપાસવું રહ્યું.

મુસ્લિમ મત અને ઓવૈસી : બિહારની આ વખતની ચૂંટણીનું નોંધપાત્ર પાસું રાજ્યની ૧૮ ટકા જેટલી વસ્તી અને ૪૭ બેઠકો પર પ્રભુત્વ ધરાવતા મુસ્લિમોનું વલણ છે. સત્તાધારી ગઠબંધનના ચાર પક્ષોમાંથી માત્ર નીતિશ કુમારની પાર્ટીએ જ ૧૧ મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા. તે તમામ હારી જતાં બિહારના મંત્રીમંડળમાં મંત્રી અને સત્તાધારી ગઠબંધનમાં એક પણ ધારાસભ્ય મુસ્લિમ નથી!

૨૦૧૫ની બિહાર વિધાનસભામાં ૨૪ મુસ્લિમ ધારાસભ્યો હતા, જેમાં આર.જે.ડી.ના ૧૧ અને જે.ડી.યુ.ના ૫ હતા. વર્તમાન વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૨૪થી ઘટીને ૧૯ થઈ છે. તેમાં સૌથી વધુ આર.જે.ડી.ના ૮, ઓવૈસીના પક્ષના ૫, કૉંગ્રેસના ૪ અને માલે અને બ.સ.પા.ના એક-એક છે. મહાગઠબંધનમાં ૧૩ મુસ્લિમ ધારાસભ્યો છે અને સત્તાપક્ષ પાસે એકેય નથી. હૈદરાબાદની મુસ્લિમ પાર્ટી ગણાતી એ.આઈ.એમ.આઈ.એમે. કિસનગંજ અને પૂર્ણિયા જિલ્લાની બે-બે અને અરરિયાની એક બેઠક જીતી છે. જો કે તેણે જીતેલી પાંચ બેઠકોમાંથી એક જ બેઠક પર મહાગઠબંધનના ઉમેદવાર હાર્યા છે, જ્યારે અન્ય ચારમાં બે જે.ડી.યુ.ના, એક બી.જે.પી.ના અને એક વી.આઈ.પી.ના ઉમેદવાર છે. હારેલા પાંચમાં ૩ મુસ્લિમ અને ૨ હિંદુ ઉમેદવારો છે. ઓવૈસીના પક્ષના બાકીની બેઠકો પરના મુસ્લિમ ઉમેદવારોને સરેરાશ નવેક હજાર જ મત મળ્યા છે, એટલે મહાગઠબંધનના પરાજયમાં ઓવૈસીની પાર્ટીનો બિહારઉદય કારણભૂત નથી.

કૉંગ્રેસ અને રા.જ.દ.નું મુસ્લિમો પ્રત્યેનું વલણ બદલાઈને પોતાના નેતા અને પોતાના પક્ષ તરીકે ઓવૈસી તરફ ઢળી રહ્યું છે, એમ માનનારે એ હકીકત પણ નોંધવી રહી કે ૭૬ % મુસ્લિમોએ મહાગઠબંધનને અને ૧૧% એ જ ઓવૈસીને મત આપ્યા છે. નીતિશ કુમારનું બી.જે.પી. સાથે જોડાણ અને નાગરિકતાકાનૂન અને  મુસ્લિમોને અસરકર્તા અન્ય મુદ્દાઓ વિષે મૌન કે બી.જે.પી.નું સમર્થન પણ મુસ્લિમોની તેમના પ્રત્યેની નારાજગીનું કારણ છે. નીતિશ કુમારે ન્યૂ કાસ્ટ એલાઇનમેન્ટમાં મહાદલિત અને મહાપછાતની જેમ પસમાંદા કહેતાં દલિત મુસલમાનોનું  રાજકારણ પણ  બિહારમાં ખેલ્યું છે. બિહારની મુસ્લિમ આબાદીમાં ૮૫% દલિત મુસલમાનો છે, પણ તેમની રાજકીય ભાગીદારી ન હોય તે પણ નારાજગીનું કારણ હોઈ શકે છે.

સ્ત્રીમતદારોનું વલણ : વડા પ્રધાને બિહારની જીતનું શ્રેય મહિલામતદારોને આપ્યું છે. નીતિશ કુમારે દારૂબંધી લાદી એ પણ સ્ત્રીમતદારોના એન.ડી.એ. તરફી વલણનું કારણ હોઈ શકે છે. બિહારમાં પુરુષને મતદાનની ટકાવારી ૫૪.૬૮%ના મુકાબલે મહિલા-મતદાન આશરે પાંચેક ટકા વધુ ૫૯.૫૮ % હતું, પરંતુ કુલ ઉમેદવારોમાં મહિલાઉમેદવારો માત્ર ૧૧% જ હતાં. ગત વિધાનસભામાં ૨૮ મહિલા ધારાસભ્યો હતાં. પણ હાલમાં ૨૬ જ જીત્યાં છે.એટલે મહિલામતદાનની ટકાવારીનો વધારો ઉમેદવારોના વધારામાં કે મહિલા ધારાસભ્યોના વધારામાં પરિણમતો નથી. સી એસ ડી એસ -લોકનીતિનું પોસ્ટપોલ સર્વેક્ષણ કેટલીક અતિ પછાત અને મહાદલિત મહિલાઓએ નીતિશનું સમર્થન કર્યાનું જણાવે છે. તો ૮૨% યાદવ અને ૭૪ % મુસ્લિમ મહિલાઓએ મહાગઠબંધનનું સમર્થન કર્યાનું તારણ છે, તે દર્શાવે છે કે મહિલાઓ પણ ધર્મ, જ્ઞાતિ, કોમથી ઉપર ઊઠીને મતદાન કરતી નથી.

બિહારની ચૂંટણીમાં જ્ઞાતિનું તત્ત્વ : દેશનાં અન્ય રાજ્યોની જેમ બિહારની ચૂંટણીમાં પણ જ્ઞાતિનું પ્રભુત્વ રહે છે. કર્પુરી ઠાકુરના જમાનાથી શરૂ થયેલા બિહારની રાજનીતિમાં પછાતવર્ગના પ્રભુત્વને લાલુ પ્રસાદે યાદવીકરણ સુધી પહોંચાડ્યું છે. બિહારના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા કથિત ઉચ્ચ વર્ણો રાજ્યમાં ભા.જ.પ. મજબૂત થતાં પુનઃ સત્તાના કેન્દ્રમાં આવી રહ્યાના સંકેતો આ વખતનાં ચૂંટણી-પરિણામોથી મળે છે. ગઈ વિધાનસભામાં કથિત ઉચ્ચ વર્ણના ધારાસભ્યો ૫૨ હતા, જે આ વખતે વધીને ૬૪ થયા છે, જેમાં સૌથી વધુ એન.ડી.એ.ના ૪૭ અને વિપક્ષના ૧૭ છે. ભા.જ.પ.ના ૭૪ ધારાસભ્યોમાં ૩૫, જ.દ.યૂ.ના ૪૩માં ૯, વી.આઈ.પી.ના ૪માં ૨, ‘હમ’ના ૪માં ૧ ઉચ્ચ વર્ણના છે. વિપક્ષ મહાગઠબંધનના ૧૭ ઉચ્ચ વર્ણના ધારાસભ્યોમાં આર.જે.ડી.ના ૭૫માં ૮, કૉંગ્રેસના ૧૯માં ૮ અને સી.પી.આઈ.ના ૨માં ૧ છે. ‘માલે’એ એક પણ ઉચ્ચ વર્ણની વ્યક્તિને ઉમેદવારી કરાવી નહોતી.

હાલની બિહાર વિધાનસભામાં યાદવો ૫૫, વૈશ્ય ૨૨, રાજપૂત ૧૮, ભૂમિહાર ૧૭, બ્રાહ્મણ ૧૨, કુર્મી ૧૦ અને કાયસ્થ ૩ છે. નીતિશ કુમારના પ્રધાનમંડળમાં ૪ ઉચ્ચ વર્ણ, ૪ પછાત, ૩ અતિ પછાત, ૨ મહાદલિત અને ૧  દલિત છે. ૮૦% કુર્મી મતદારોએ નીતિશ કુમારનું સમર્થન કર્યું છે. એ જ રીતે યાદવ મતદારોએ તેજસ્વીનું સમર્થન કર્યું છે, તો બી.જે.પી.ના સમર્થનમાં મુખ્યત્વે  બ્રાહ્મણ, રાજપૂત, ભૂમિહાર, કાયસ્થ અને વાણિયા રહ્યા છે.નીતિશ મંત્રીમંડળમાં બી.જે.પી. ક્વૉટાના ૭ મંત્રીઓમાં ૪ ઉચ્ચ વર્ણના (બ્રાહ્મણ, ભૂમિહાર, વૈશ્ય અને રાજપૂત) હોવા તેનું પ્રમાણ છે. દલિતો-આદિવાસીઓને તેમની અનામત બેઠકો સિવાયની કોઈ બેઠકો પર પ્રતિનિધિત્વ નથી. આમ, બિહારની ચૂંટણીમાં દેશની જ્ઞાતિવ્યવસ્થાનું બરાબર પ્રતિબિંબ જોવા મળે છે.

અંતે – ‘ચૂંટણીઆસક્ત’ યોગેન્દ્ર યાદવને બિહારનાં ચૂંટણી-પરિણામોમાં સમગ્ર ભારતના મતદારોનો અવાજ જોવા મળતો નથી, તે સાચું જ છે.  વર્તમાન કોરોનાકાળની સમસ્યાઓનું કોઈ પ્રતિબિંબ પણ બિહારના જનાદેશમાં જોવા ન મળ્યાનું સ્વીકારીને બિહારનો જનાદેશ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હવે એટલી પ્રચંડ રહી નથી, નીતિશ કુમારની સત્તાવાપસી ફિક્કી છે અને તેજસ્વીના નેતૃત્વમાં મહાગઠબંધનની હાર પણ દમદાર છે, એટલા માટે પણ યાદ રહેશે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 04-07

Loading

એક અમર પ્રેમકથા

હિમાંશી શેલત|Opinion - Opinion|16 December 2020

તિર્યકી

અમે અમને ખૂબ ચાહીએ છીએ. મહામારીના સમયમાં અમારી ખુદ માટેની ચાહના બેહદ વધી ગઈ છે. ધીરેધીરે પ્યાર કો બઢાના હૈ … હદ સે ગુઝર જાના હૈ … આ ગીત અમે રોજ સવારે ગાઈએ છીએ. દિવસરાત એક જ ધૂન છે, શું કરીએ તો અમે અમારા માટેનો પ્રેમ પ્રગટ કરી શકીએ. લાંબા વિચારને અંતે અમે વિચારતી વખતે માસ્ક પહેરવાનું માંડી વાળ્યું છે. એમાં વૈચારિક અવરોધ ઊભો થાય છે, શ્વાસને મોકળાશ ન મળતી હોવાથી વિચારો પર પાબંધી આવી જાય છે. આથી અમે વિચારવાનું ન હોય ત્યારે જ માસ્ક પહેરીએ છીએ.

જાત માટેનો પ્રેમ દર્શાવવાનો ઉત્તમ માર્ગ વર્ષગાંઠ ઊજવવાનો છે; અને એ સમજાતાં અમે એ અપનાવ્યો છે. એમાં કયો અપરાધ થયો? હા, જાહેરમાર્ગ પર કેક કાપવી અને લોકોને એ ખવડાવવી (એમણે પહેરેલાં માસ્ક ખસેડીને) એ કદાચ યોગ્ય નહીં હોય, અને કેટલાક ડાહ્યાઓએ અમારી ટીકા સુધ્ધાં કરી પણ અમે કંઈ એવું બધું માની લઈએ એવા કાચા નથી. દેશમાં લોકશાહી છે, પ્રજા સ્વતંત્ર છે, (કોઈ શક?) તો વર્ષગાંઠનો ઉત્સવ મનાવ્યો, જરા નાચગાન થયાં, ભેટંભેટી થઈ, તો શો વાંધો પડી ગયો? બધાં માંદા પડીને મરી પરવાર્યાં? અમને અમે ખૂબ પસંદ છીએ, તો એ અમારાથી બતાવી ન શકાય? એટલી સ્વતંત્રતા પણ અમારી નહીં?

– તો સારે પ્રસંગે અમે અમારા પ્રશંસકોને જરાક બોલાવ્યા, અમને કોઈ મોટો હોદ્દો મળ્યો હોય ત્યારે લોકો શું હારતોરાયે ન પહેરાવે? હવે હાર કંઈ વેગળેથી ફેંકાય? દો ગજ દૂરીમાં માનો કે હાર ફેંક્યો, અને અમારી ગરદનને બદલે કોઈ અન્યની ગરદનમાં પડ્યો તો? અને મીઠાઈ તો નજીક આવીને જ ખવડાવાયને ? કંઈ એમ થોડું કહેવાય, કે ‘ચલો, આ … કરો જોઉં’ અને એમ બોલીને કાજુકતરી નિશાન તાકી ફેંકાય? અમારી ટીકા થાય છે, કે સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા. તે સોશિયલ થયા, નામ થયું, હોદ્દા મળ્યા, સેવામેવાની તક મળી, પછી વળી ડિસ્ટન્સ કેવું? આ સઘળું અમે નામદાર કોર્ટને સમજાવી નથી શક્યા એ અમારી ખામી ગણાય. હકીકતમાં અમારી રજૂઆત એટલી અસરકારક હોવી જોઈતી હતી કે કોઈને કશું કહેવાપણું ન રહે.

– અને અમે અમને ખૂબ ગમીએ, એટલે અમે અમને સુંદર કપડાં પહેરાવ્યાં, પ્રસંગને અનુરૂપ. ખેસબેસ પણ સરસ નવા નક્કોર ઠઠાડ્યાં, અને શાનદાર ઢબે બહાર પડ્યા. કેટલું તેજ અમારી આસપાસ દેખાતું હશે, ત્યાર વિના કંઈ ટોળાં અમારા અભિવાદન માટે, ભેટવા માટે, હાર પહેરાવવા માટે દોડ્યાં હશે? તમે જ કહો, એ ક્ષણે અમે મોં સંતાડીએ તો અમારા જેવા નપાવટ કોણ? અમે હિંમતભેર ઊભા રહ્યા, અચલ, મનોહર સ્મિત સાથે, માસ્ક એટલે જ નીચે સરકાવ્યો, જેથી અમારું હાસ્ય સહુને પ્રસાદ રૂપે મળે. પ્રજાના સેવક છીએ, પ્રજાનું મન રાખવું એ અમારો ધર્મ છે. અમે પ્રજા માટે જ નાચ્યા, એમને માટે જ મોટી-મોટી કેક બનાવડાવી, એમને માટે જ તો ગળું રૂંધાઈ જાય એવડા વજનદાર હાર પહેરી લીધા અને તમે અમારો જ વાંક કાઢો? અન્યાય! ઘોર અન્યાય!

– તોયે અમે અમને બહુ વહાલા, ઘણા પસંદ, અમે અમારા મોટા ચાહક, પ્રશંસક, પ્રેમી, હિતરક્ષક, શુભેચ્છક, સર્વસ્વ. તમે જ કહો, અમે જે કર્યું એનાથી અલગ અમે કશું કરી શકીએ એમ લાગે છે તમને? દિલ ફાડીને અમે અમારી જાતને ચાહી છે, ચાહીએ છીએ અને ચાહીશું. બોલો, હવે? કોરોના-બોરોના આવે એટલે અમે બદલાઈ જઈએ ? હોતું હશે એવું ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 16

Loading

નિષ્ક્રિયતાના નેરેટિવનાં થોડાં ગાબડાં વિશે

ભરત મહેતા|Opinion - Opinion|16 December 2020

‘નિરીક્ષક’ના છેલ્લા બે અંકમાં હવે ગુજરાતી સાહિત્ય પરિષદે શું કરવું જોઈએ, આ ચૂંટણી તો પાંખી બહુમતીથી જીતી છે, તો આવડો શો શોરબકોર, હર્ષદ ત્રિવેદી પણ સ્વાયત્તતાના પક્ષે જ હતા. એમની પહેલી પ્રચારપત્રિકામાં તો સ્વાયત્તતાના મામલે જ રાજીનામું આપેલું એમ પણ કહેવાયું હતું. પરિષદ નરી નિષ્ક્રિય થઈ ચૂકી છે, એવી ફરિયાદો આદરણીય શેખસાહેબ, પલાણસાહેબ અને સોનીસાહેબે વ્યક્ત કરી છે.

ત્રણેય મહાનુભાવો મારા માટે અત્યંત આદરણીય છે. છતાં એક મંત્રી તરીકે, વ્યક્તિ તરીકે મારે કંઈક કહેવું છે. પ્રકાશભાઈ, જીત્યાનો હરખ શેખસાહેબને થવો જોઈતો હતો. બીજું, એમણે જેમને સમર્થન આપ્યું હતું, એ હર્ષદ ત્રિવેદીએ બેઉ સંસ્થામાંથી આક્ષેપો થતાં રાજીનામું આપ્યું હતું. લડાઈ અધૂરી છોડી, રણ છોડી પલાયન કરેલું. ‘આક્ષેપો’ કરનારાઓનો સબળ મુકાબલો ન કર્યો જ્યારે પ્રકાશભાઈ પરિષદની અંદર અને બહાર હરહંમેશાં રણમોઝાર જ રહ્યા છે એ બધા જાણીએ છીએ. સામા પક્ષે હું પ્રવીણ પંડ્યાની એ વાતમાં સંમત નથી કે હર્ષદ ત્રિવેદી ‘રાજસત્તાના પીઠબળથી ઊભેલા’ ઉમેદવાર હતા. છતાં એટલું ઉમેરું શેખસાહેબ કે પ્રકાશભાઇ અને હર્ષદભાઈમાં તમારો ઝુકાવ હર્ષદભાઈ તરફી હોય એ મારા ગળે ક્યારે ય ઊતરી શકશે નહીં. જરાક સ્ટુડિયોની બહાર આવીને જુઓ, તો તમને સમજાશે કે આપણને પ્રકાશભાઈની આજે કેટકેટલી જરૂર છે! ભોગીલાલ ગાંધીની એ જીવંત પરંપરા છે. ‘હૂ હૂ’ નવલકથા લખ્યા પછી પણ પલાણસાહેબ તો સમયાંતરે ‘નિરીક્ષક’ને લાભાન્વિત કરતા રહે છે, તેથી એ પ્રકાશભાઈ તરફી ન હોય એ તો દીવા જેવું સ્પષ્ટ છે.

શેખસાહેબે પ્રેરિત બે વ્યાખ્યાનમાળાની ફરિયાદ બિલકુલ સરમાથા પર તેમ છતાં આખેઆખી પરિષદને એટલા માત્રથી નિષ્ક્રિય ન ગણાય તેમ જ પ્રકાશભાઈ પરથી પસંદગી બીજે ઢોળી ન દેવાય. ગયા તબક્કામાં પ્રકાશભાઈ કેવળ ને કેવળ મધ્યસ્થ સમિતિના સભ્ય હતા. ત્રણ દાયકાની સેવાનો બદલો ટપલીદાવથી લેવાનો? સોશિયલ મીડિયામાં તો ‘નિરંજન ડોહાની લાશ પરિષદમાંથી નીકળી હતી, હવે પ્રકાશ ડોહાની નીકળશે’, એવું લખવામાં આવ્યું! કેમ મહામંત્રી, ઉપપ્રમુખો, કારોબારી સભ્યો અને મધ્યસ્થ સમિતિને કોઈ પૂછતું નથી? હજુ તો પ્રમુખ અને મધ્યસ્થનાં પરિણામો જાહેર થયાં, ત્યાં તો આપણા સાલસ કવિમિત્ર અને સરસ નવલકથાકાર અશોકપુરી ગોસ્વામીએ લખ્યું -‘પરિષદમાં નકારાત્મક જૂથ ચૂંટાઈ આવ્યું છે.’ અભિપ્રાયમાં આવી ઉતાવળ? કોણ નકારાત્મક છે જણાવોને ! મહામંત્રીએ તો જાહેરમાં થતાં આક્ષેપો સામે મૌનવ્રત ધારણ કર્યું છે, એટલે એ પ્રફુલ્લ જ રહેશે.

મારે થોડી પેટછૂટી વાત કરવી છે, જાંઘદર્શન કરાવવું છે. પરિષદ જેટલી રઘુવીર ચૌધરીના મંત્રીકાળમાં, પ્રકાશ ન.શાહના મંત્રીકાળમાં સક્રિય હતી, એટલી ક્યારે ય ન હતી. તેમ છતાં ચંદ્રકાન્ત ટોપીવાળાના ગાળામાં જે સંમેલન/જ્ઞાનસત્રો અને સિતાંશુભાઈના ગાળામાં જે સંમેલનો/ જ્ઞાનસત્રો થયાં એનું સ્તર કેટલું ઉન્નત હતું, એ આ મહાનુભાવોને કહેવાનું ન હોય. આ ગાળામાં ડર. પારુલ દેસાઈએ તૈયાર કરેલાં ઇતિહાસગ્રંથો, સ્વાધ્યાયપીઠ દ્વારા સંપાદિત થયેલી ચાર રચનાઓ, પરીક્ષિત જોશીએ કરેલી અઢળક ગ્રંથાલય-પ્રવૃત્તિ-આ કામ નથી? ‘પરબ’ રાબેતા-મુજબ જ નીકળતું રહે છે. સોનીસાહેબને જણાવવાનું કે એમાં ‘શબ્દસૃષ્ટિ’ના લેખકો પણ લખે છે. હું કોરોનાપૂર્વે થોડીક વ્યાખ્યાનમાળાઓ યોજી શક્યો.

શેખસાહેબ પ્રેરિત બેઉ વ્યાખ્યાનમાળાઓ એમની સહાયથી સરસ જ ચાલતી હતી. એ વ્યાખ્યાનમાળામાં લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓ જ આવતી હોય છે. આ વખતે ઈ-મેઇલ પર ઈ-મેઇલ કરવા છતાં જવાબ ન આવ્યા. ત્યાર પછી મેં અશોક ભૌમિકનું નામ સૂચવ્યું એમણે સ્વીકાર્યું. બે વ્યાખ્યાનો માળાના ત્રણ વક્તા સર્વશ્રી  સુનિલ કોઠારી, શિરીષ પંચાલ અને અશોક ભૌમિક છે. ભૌમિકજી ઑનલાઇન વ્યાખ્યાન આપવા તૈયાર જ નથી, સુનિલ કોઠારીએ વ્યાખ્યાનની પ્રત આપી છે, પણ વ્યાખ્યાન કોરોનાનું પતવા દો પછી એમ કહે છે. શિરીષભાઈ સાથે મેં વાત કરી રાખી છે. ઑનલાઇનમાં ગરિમા જળવાતી જ નથી. હું અને પીયૂષ ઠક્કર મળીને બેઉ વ્યાખ્યાનમાળાઓ ગરિમાપૂર્ણ રીતે કરીશું, એની ખાતરી આપું છું.

ગયા વખતની ચૂંટણીમાં સિતાંશુભાઈ અને બળવંતભાઈ સામસામે હતા. ત્યારે બેઉ સામે મારો એક જ સવાલ હતો કે તમને આ ઉંમરે પરિષદ એકાએક કેમ સાંભરી? આ વખતે બળવંત જાની, શેખસાહેબ અને શિરીષ પંચાલ સમર્થિત હર્ષદ ત્રિવેદી સાથે હતા! ગયા વખતે હર્ષદ ત્રિવેદી સિતાંશુભાઈના સમર્થનમાં હતા! એ વખતે મારું સમર્થન બેમાંથી એકેય ઉમેદવારને ન હતું. પરિષદ સાથેના લગાવને લઈને મને પ્રશ્નો હતા. સિતાંશુભાઈ માટે પત્રિકાથી માંડી સમર્થન લગી. રમણ સોની, જયદેવભાઈ, શિરીષ પંચાલ બધા જ હતા. સિતાંશુભાઇ પ્રમુખ બન્યા પછી હું લગભગ ખડેપગે એમની સાથે રહ્યો છું. જરૂર પડી છે, ત્યારે એમને પ્રશ્નો પૂછ્યા જ છે. આજે પણ દિલથી કહું છું કે જે પણ જીત્યા હોત, એમની સાથે એટલી જ સારી રીતે કામ કરત. પરિષદ આપણી અગ્રિમતા હોવી જોઈએ, અંગત રાગદ્વેષ નહીં.

મૂળ વાત મારી એ છે કે પરિષદનું કે પ્રકાશભાઈનું ચુસ્ત અમ્પાયરિંગ કરતાં મિત્રો અકાદમીની વાત આવે, ત્યારે વિકેટકીપિંગ કરતાં હોય છે! પલાણસાહેબ સ્વાયત્તતામાં માને જ છે. તેમ છતાં અકાદમીના કાર્યક્રમોમાં ઘણી વાર શોભામાં અભિવૃદ્ધિ કરતાં રહ્યા. મને આશ્ચર્ય એ થતું હતું કે પલાણસાહેબ, મધુ રાય, આશા ગોહિલ જો અકાદમીના કાર્યક્રમોમાં જતાં હોય, તો એ એમનો અધિકાર છે પણ જ્યાં લગી ‘નારાયણ દેસાઈ ઠરાવ’, સામાન્યસભામાં પસાર કરાયેલ ઊભો હતો, ત્યાં લગી એ પરિષદના કાર્યક્રમોમાં શા માટે ? એ સવાલ મેં સિતાંશુભાઈને પૂછ્યો જ છે. બીજી તરફ મેં અજય રાવલનું નામ વડાલી કૉૅલેજમાં એક વ્યાખ્યાન સંદર્ભે મૂક્યું અને નિમંત્રણ છપાયાં પછી મહામંત્રીએ ન થવા દીધું! મોટાને સહુ માફ જેવું આ ગણાય. પરિષદના ઠરાવની આમન્યા ન જાળવીને ચૂંટાયેલા મધ્યસ્થ સમિતિના સભ્યો અકાદમીના કાર્યક્રમોમાં જવા માંડ્યા કે પુરસ્કાર સ્વીકારવા માંડ્યા. સ્વાયત્તતાના સંમેલનમાં મંત્રીઓ પણ ઉપસ્થિત ન હોય, બૅનર ન હોય, પ્રેસનોટ ન હોય, તો આ ચૂક ન ગણાય?

વધુ વિગતમાં જેમને રસ હોય એમને નિષ્ક્રિયતાનું નેરેટિવ કેવી રીતે ઊભું થયું એ જણાવીશ. એક વર્ષ પહેલાં સોંપાયેલાં સંપાદનોની વિગત આજ લગી સંપાદકોને મળી નથી! આમાં પ્રમુખનો જ માત્ર વાંક? મારી પ્રતીતિ એ રહી છે કે વિદેશ હતા ત્યારે પણ સિતાંશુભાઈ સતત સક્રિય હતા. વસ્તુતઃ પ્રમુખ મોટે ભાગે નીતિનિર્દેશક હોય. ખરું કામ બે ઉપપ્રમુખો, કારોબારી સભ્યો, મધ્યસ્થ સમિતિ અને મંત્રીઓએ કરવાનું હોય. નિષ્ક્રિયતાનો સવાલ પૂછવો હોય, તો આ સહુને પૂછવો પડે. મને યાદ નથી કે કોઈના ય કામમાં પ્રમુખ તરીકે સિતાંશુભાઈએ દખલ કરી હોય. એનાથી ઊલટું એમણે આનંદની ઉજાણી કે ‘ઇ’ મૅગેઝિન શરૂ કર્યું હોંશથી, તો એ હોંશ જોવાના બદલે ઘણા મિત્રોએ કહ્યું કે કારોબારીની સંમતિ લેવી જોઈએ! સિતાંશુભાઈ સિવાયના મેં ઘણા પ્રમુખો જોયા છે એ શું અતિ સક્રિય હતા ?

મારી સહુ મિત્રોને વિનંતી છે કે પરિષદમાં સહુ સક્રિય બનો. બહારથી, ‘પ્રેક્ષાગાર’માંથી કિકિયારીઓ ન પાડો. શરીફાબહેન, નરેશભાઈ, પલાણસાહેબ સહુ આવો. પોતે સહુ સ્વાયત્તતામાં માને છે, તો પોતાની સંસ્થામાંથી ગુજરાત સરકારને સ્વાયત્તતા અંગે આવેદનપત્ર મોકલો.

કનુભાઈ સૂચકે બરાબર સૂચવ્યું કે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો ઠેકો કેવળ પ્રકાશભાઈ જ શા માટે ઉપાડે ? અન્ય મિત્રો ઉપાડે. હર્ષદભાઈ પ્રમાણમાં યુવાન છે, આ આંદોલન સક્રિય બનાવી ભાવિ પ્રમુખ બની જ શકે. પલાણસાહેબની આગેવાનીમાં પણ હું લડવૈયા તરીકે જોડાવા તૈયાર છું.

‘૮૩માં બારમું ધોરણ પાસ કરી મેં પરિષદમાં પગ મૂકેલો, આજે હું જે કાંઈ છું, એ પરિષદને આભારી છે. મેં મારી પહેલી ચોપડી જ પરિષદના ગ્રંથપાલ સ્વ. પ્રકાશ વેગડને અર્પણ કરેલી. ‘ગ્રંથાલયધારાના પ્રચંડ હિમાયતી સૂચિપુરુષને ….’ માતૃસંસ્થાની ચિંતામાં બે શબ્દો વધુ લખાઈ ગયા હોય, તો મિત્રો માઠું ન લગાડે એવી હૃદયથી વિનંતી છે. મુનશી, ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, સિતાંશુભાઈની પરંપરા આપણે આગળ વધારીએ એવી આશા સાથે.

ડિસેમ્બર ૫, ૨૦૨૦.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 15

Loading

...102030...2,0532,0542,0552,056...2,0602,0702,080...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved