Opinion Magazine
Number of visits: 9572889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાલની રાજનીતિમાં નીતિ સિવાય બધું જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 December 2020

રાજનીતિમાં નીતિ શબ્દ પડેલો છે, પણ તે થોડાં વર્ષોથી, ખાસ તો સ્વતંત્રતા પછી, આઉટડેટેડ જણાય છે. સ્વતંત્રતા મળી ત્યારે પણ નીતિનું ધોવાણ થયેલું. ગાંધીજીને આવી સ્વતંત્રતા અપેક્ષિત ન હતી. ગાંધીજી પોતે નહેરુથી પ્રભાવિત હતા અને સરદાર વિદેશમાં પ્રભાવ નહીં પાડી શકે એવું લાગતાં તેમણે નહેરુને વડા પ્રધાન કરેલા. સરદાર વડા પ્રધાન થયા હોત તો ઇતિહાસ જુદો જ હોત, પણ હવે ઢોળાયેલાં દૂધ પર અફસોસ કરવાનો અર્થ નથી. ગાંધીજીએ તો કૉન્ગ્રેસને વિખેરી નાખવાની વાત પણ કરેલી, પણ એય થયું નહીં ને કૉન્ગ્રેસ આ દેશને કરમે દાયકાઓ સુધી લખાઈ. નહેરુ કુટુંબ વર્ષો સુધી દેશમાં સત્તા પર  રહ્યું. આજે પણન હેરુ કુટુંબને જ આગળ કરવાનું વલણ કૉન્ગ્રેસનું છે ને સોનિયા, રાહુલ કે પ્રિયંકાથી આગળનું કૉન્ગ્રેસને બીજું કશું દેખાતું નથી તે હકીકત છે. કૉન્ગ્રેસમાં આ ત્રણ જ વ્યક્તિ બચી હોય એ રીતનું કૉન્ગ્રેસનું વલણ ઘાતક છે ને એનું પરિણામ એ આવ્યું છે કે કેન્દ્ર મજબૂત વિરોધપક્ષના અભાવનો અત્યારે લાભ ઉઠાવે છે.

2014થી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવી ને ગુજરાતમાં સફળતાપૂર્વક મુખ્ય મંત્રીપદું ખેડી ચૂકેલા નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા. 2019માં એ જ ફરી વડા પ્રધાન બન્યા અને એમના સખત પ્રયત્નોનું જ એ પરિણામ રહ્યું કે કૉન્ગ્રેસનું ભારે ધોવાણ 2019ની ચૂંટણીમાં પણ થયું ને કેન્દ્રમાં પ્રભાવ વગરના વિપક્ષને બેસવાનું આવ્યું. ફરી સત્તા મળવાને કારણે ભા.જ.પ. વધુ વિવેકી પક્ષ બનીને સામે આવવો જોઈતો હતો, પણ સત્તાનો છાક તેને પણ વર્તાય છે ને તે સારું લક્ષણ નથી. સિકંદર દુનિયા જીતવા નીકળેલો ને તેનું શું થયેલું તે દુનિયા જાણે છે. એનો અર્થ એવો નથી કે મોદી સરકારે કૈં કર્યું નથી. નોટબંધી, 370ની નાબૂદી, સર્જિકલ સ્ટ્રાઈક, રામમંદિર નિર્માણ, વિદેશી રોકાણને નિમંત્રણ, કોરોના કાળની પ્રવૃત્તિઓ, નવી શિક્ષા નીતિ, કૃષિ કાનૂન જેવાં ઘણાં કામો સરકારને પક્ષે નોંધાયેલાં છે. એ જુદી વાત છે કે કેટલાંક કામો અંગે પ્રજામાં અસંતોષ છે, પણ સરકારે સાહસો કર્યાં જ નથી એમ કહી શકાશે નહીં.

એક વાત સ્પષ્ટ છે કે નિરપેક્ષ બહુમતને જોરે સરકાર મનમાની કરતી હોય છે, પછી એ કૉન્ગ્રેસની હોય કે ભા.જ.પ.ની, બહુ ફરક પડતો નથી. અત્યારે ભા.જ.પે. અશ્વમેધ યજ્ઞનો અશ્વ છૂટો મૂક્યો છે. જ્યાં જ્યાં ચૂંટણી થવાની હોય ત્યાં અમિત શાહ ને તેમની ટીમ પહોંચે છે ને ભા.જ.પ.ની સરકાર બને તેની તનતોડ મહેનતમાં લાગે છે. એ હૈદરાબાદની કે બિહારની વિધાનસભાની ચૂંટણી હોય, અશ્વમેધ યજ્ઞનો ઘોડો ફરે છે ને સત્તાનાં વિસ્તારની કોશિશ થતી રહે છે. હવે ભા.જ.પ.નું એક માત્ર લક્ષ્ય છે, તમામ પ્રદેશોમાં બહુમત મેળવવો ને સત્તામાં આવવું. અગાઉ યુતિ સરકારનો અનુભવ પણ ભા.જ.પે. લઈ જોયો, પણ એમાં મહારાષ્ટ્રમાં ને અન્યત્ર છેતરાવાનું થયું એટલે દેખીતું છે કે પૂર્ણ બહુમત સાથે જ સત્તામાં આવવું એ ભા.જ.પ.નું છેવટનું લક્ષ્ય હોય.

આવનારાં નવાં વર્ષમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છે એટલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં બે દિવસ રોકાયા, તો સી.બી.આઇ.ને પ્રવેશબંધી ફરમાવી બેઠેલાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને આ “અમિત પ્રવાસ" ખૂંચે તે સમજી શકાય એમ છે. મમતા બેનરજી “બંગાળની વાઘણ” તરીકે જાણીતાં છે ને કૉન્ગ્રેસથી છૂટાં પડ્યાં પછી અત્યારે તો તૃણમૂલ કૉન્ગ્રેસનાં અધ્યક્ષા છે. તેમના પક્ષમાં કેટલાક નેતાઓને સંતોષ નથી ને આવનારી ચૂંટણીમાં પોતાની સાથે ન્યાય નહીં થાય એવું લાગતાં કેટલાક નેતાઓએ ભા.જ.પ.નું શરણું શોધ્યું છે. ભા.જ.પ. આ તક જતી ન કરે તે સ્વાભાવિક છે. આમે ય આવી તકનો લાભ લેવાનું અમિત શાહ ભાગ્યે જ ચૂકે છે. આ અગાઉ પણ બીજા પક્ષમાંથી સભ્યોને ને હોદ્દેદારોને પોતાના પક્ષમાં ખેંચી લાવવાનું ભા.જ.પ.ને અનુકૂળ આવ્યું જ છે. એ ખેલ પશ્ચિમ બંગાળમાં પણ ચાલ્યો છે. મમતા દસ વર્ષ સત્તામાં રહ્યાં એ ગાળામાં સગાંવાદનો વાયરસ તેમને પણ વળગ્યો હોવાનું કહેવાય છે. આ વાત તેમની નજીકના નેતાઓને ન જ ગમે તે દેખીતું છે. તેમણે તૃણમૂલ સાથેનો છેડો ફાડયો છે કે ફાડવાની ફિરાકમાં છે. બહુ ઊંડાણમાં ન જઈએ તો પણ તૃણમૂલ સાથેનો છેડો ફાડીને ભા.જ.પ.ના ખોળામાં બેસવાનું જેમણે સ્વીકાર્યું છે, એ લોકો ભા.જ.પ.માં સેવા માટે પધાર્યા નથી તે સ્પષ્ટ છે. તેમને લાલચ છે જ ને તેમને લાલચ અપાઈ હોય એમ પણ બને.

આમ થવાને કારણે જેમણે પશ્ચિમ બંગાળમાં જીવ રેડીને ભા.જ.પ. માટે કામ કર્યું છે, એમને અન્યાય થવાનો પૂરો સંભવ છે. આમ થાય તો ભા.જ.પ.માં અસંતોષ વધે એ શક્ય છે. આવામાં ભા.જ.પ.ના નેતાઓ કેવું સ્ટેન્ડ લે ને સંતુલન જાળવવા કેવાં પગલાં લે છે તે જોવાનું રહે.

તૃણમૂલમાંથી વિદાય થયેલ કેટલાક કલંકિત નેતાઓ સંદર્ભે મમતાએ એ આશ્વાસન લીધું છે કે એવો કચરો ઓછો થવાથી તૃણમૂલને કોઈ ફરક પડ્યો નથી. એ સાચું હોય તો ભા.જ.પે. એ ચિંતા કરવાની રહે કે તેનામાં કચરો વધ્યો છે. જો કે મમતાએ ઘણા પડકારો વચ્ચે કામ કરવાનું છે. બાકી હતું તેમાં ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડા પર થોડા દિવસ પહેલાં હુમલો થયો. એ સાથે જ મુકુલ રોય અને શુભેન્દુ અધિકારી જેવા દશેક મોટાં માથાં તૃણમૂલ છોડીને ભા.જ.પ.માં જોડાયા. મમતા ભલે કહે કે આવા પક્ષ બદલુ નેતાઓથી કોઈ ફેર પડતો નથી, પણ મમતા માટે મુશ્કેલીઓ વધી છે તે નક્કી છે. તેનો ઉપાય પણ ખોળી કઢાયો છે. તેમણે ને તેમના પક્ષે લોકોની વચ્ચે જવાનું સ્વીકાર્યું છે. તેમને લાગે છે કે વિશ્વાસઘાત કરીને જેમણે પક્ષ બદલ્યો છે એનો ન્યાય જનતા કરશે.

બીજી તરફ કૉન્ગ્રેસ અને ભા.જ.પ.ને એમ લાગે છે કે મમતાને હવે તેમના કરેલાં કામોનો જ બદલો મળી રહ્યો છે. મમતાએ અગાઉ કૉન્ગ્રેસનો છેડો ફાડયો હતો તે જગજાહેર છે. આ ઉપરાંત ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપીને કેટલાક ધારાસભ્યોને અને નેતાઓને તૃણમૂલ કૉન્ગ્રેસમાં આવવા મમતા દ્વારા મજબૂર કરાયા હતા તે વાત પણ જાણીતી છે જ ! એટલે હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ મમતાનો હોઈ શકે છે. આવું જે પણ પક્ષ સત્તામાં હોય તેની સાથે થઈ શકે છે ને મોટે ભાગે આવો ખેલ જે તે પ્રદેશમાં વિપક્ષના નેતાઓ કરતા હોય છે. પક્ષની તાકાત વધે ને બહુમતીના જોરે સત્તામાં અવાય તે માટે આવું થતું હોય છે.

આ બધું અગાઉ પાતળી બહુમતીથી સત્તામાં આવેલી સરકાર જોડે પણ થયું છે. સત્તામાં રહેલા પક્ષના થોડા લાલચુ સભ્યોને ફોડીને સરકાર ઉથલાવવામાં આવી હોય ને બહુમત પોતાની પાસે છે એવો દાવો કરીને જે તે પક્ષ કે તેના સાથી પક્ષો સત્તામાં આવ્યા હોય એવું બન્યું છે. આમાં ક્યારેક આકસ્મિક ચૂંટણીઓ પણ આવી પડે છે ને ફરી એ આખો ખર્ચાળ વ્યાયામ ચાલે છે ને અબજો રૂપિયાનો ખર્ચ દેશની જનતાને માથે આવી પડે છે.

સામેના પક્ષમાંથી લાલચુઓને ફોડવામાં આવે છે ત્યારે એમને કેટલીક વખત તો કરોડો રૂપિયા ને પદ ધરવામાં આવે છે. ઘણીવાર તો આવી લાલચને કારણે જ આવા લોકો પોતાના પક્ષ સાથે બેવફાઈ કરતા હોય છે. મોટે ભાગે પૈસા અને પદની લાલચ આપીને આવાં કામ કરાવાતાં હોય છે. એમાં કોઈ એક પક્ષનું નામ દેવાનો અર્થ નથી. બધા જ પક્ષો આવું કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. જે નથી કરી શકતા એમનો પનો ટૂંકો પડતો હોય છે અથવા તો એમનું આર્થિક ગજું એટલું નથી એમ જ માનવાનું રહે.

આ બધાંમાં સિદ્ધાન્ત કે આદર્શને દૂર દૂર સુધી કોઈ સંબંધ હોતો નથી. કેવળ ને કેવળ સત્તા મેળવવા આવું થતું હોય છે. પક્ષોએ સત્તા કેમ મેળવવી હોય છે? કારણ સત્તા મેળવવાથી પદ, પ્રતિષ્ઠા ને સંપત્તિ આપોઆપ વધી જતાં હોય છે. સાધારણ કોર્પોરેટર બનવાથી ઠાઠ બદલાઈ જતો હોય કે સાંસદ થવા માત્રથી કરોડોનો આંકડો આંખ સામે રમતો થઈ જતો હોય તો સત્તાની ઈચ્છા કોણ ન કરે? પણ આ બધું સસ્તું નથી. અબજો રૂપિયાનો ખેલ છે આ. કોઈ પણ પક્ષના સભ્યોને ફોડવાની પ્રવૃત્તિ કોઈ પણ રીતે પ્રજાહિતનું કાર્ય નથી જ ને એમાં પણ ચાલી રહેલી સરકારને લઘુમતિમાં લાવીને ઉથલાવવાનો જે કારસો થાય છે તે તો કેવળને કેવળ અક્ષમ્ય છે. આ શુદ્ધ બુદ્ધિથી થતું પાપ છે ને એને લીધે દેશને કરોડોના ખર્ચમાં ઉતારવાનું બને છે.

– ને વિધિની વક્રતા જુઓ કે આ બધું લોકશાહીને અને લોકોને નામે થાય છે, જ્યારે ગમ્મત એ છે કે આખા વેપલામાં લોકો તો છેક છેલ્લે મતદાન પૂરતા જ આવે છે.

આમ તો પક્ષાંતર કરવા અંગે 1985માં રાજીવ ગાંધીના સમયમાં કાયદો થયેલો છે પણ તેનો રાજકીય પક્ષોને કોઈ ભય નથી. કાયદાનો કોઈ પ્રભાવ જ ન રહે એવી સ્થિતિ છે. એટલે કશું પણ કહેવું નિરર્થક છે, છતાં આ દેશની પ્રજાના હિતમાં છેલ્લે એટલું તાર સ્વરે કહેવાનું પ્રાપ્ત થાય છે કે કોઈ પણ સંજોગોમાં લાલચથી કરાતું કે કરાવાતું રાજકીય પક્ષાંતર ગુનાહિત કૃત્ય ગણાવું જોઈએ ને તેની સામે કાનૂની રાહે સખત રીતે કામ ચલાવવું જોઈએ.

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 21 ડિસેમ્બર 2020

Loading

જો પત્રકાર સંતુલિત રહે તો ગોદી મીડિયા આપોઆપ સંકેલાઈ જાય

રમેશ ઓઝા|Opinion - Opinion|20 December 2020

બુધવારે દિલ્હીમાં ખેડૂતો જ્યાં આંદોલન કરી રહ્યા છે ત્યાં ટી.વી. ચેનલોના પત્રકારોની અને સર્વોચ્ચ અદાલતમાં જજોની જે હાલત હતી, એ જોઇને હસવું કે રડવું એવો પ્રશ્ન જરૂર થાય. આમ તો એકંદરે જુઓ તો એ ઘટના હસવા કરતાં રડવા જેવી વધુ હતી અને તેને માટે પત્રકારો અને જજો પોતે જવાબદાર હતા. આજે અહીં પત્રકારો સાથે શું બન્યું એ જોઈએ. જજોની હવે પછી.

આજે જેને ગોદીમીડિયા તરીકે ઓળખાવવામાં આવે છે એ બીકાઉ ચેનલોના સ્ટુડિયોમાં તારસ્વરે કેવો પ્રચાર કરવામાં આવે છે એ તમે જાણો છો. લાજશરમ નેવે મૂકીને હાસ્યાસ્પદ સ્તરે નીચે ઊતરીને તેઓ સરકારનો બચાવ કરે છે. મંદ બુદ્ધિનો શ્રોતા પણ સમજી શકે કે આ પત્રકારની ભાષા નથી, ભાંડની ભાષા છે. પણ ઘટના જ્યારે મોટી હોય અને લાખોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતર્યા હોય ત્યારે સાવ સ્ટુડિયોમાં બેસીને શાસકોની આરતી ઊતારી શકાતી નથી, ઘટનાસ્થળે પણ જવું પડતું હોય છે. આ રીતે ગોદી મીડિયાના પત્રકારો દિલ્હીમાં ખેડૂતો જ્યાં આંદોલન કરી રહ્યા છે, ત્યાં કેમેરા લઈને ગયા હતા અને ત્યાં તેમની હાલત જોવા જેવી થઈ હતી. ગોદી ચેનલોના પત્રકાર ઘટનાસ્થેળેથી સ્ટુડિયોમાં એન્કરને ખબર આપી રહ્યા હતા ત્યારે આંદોલનકારીઓ તેમને ઘેરી વળીને તેઓ શું ખબર આપી રહ્યા છે, તેના ઉપર બરાબર નજર રાખતા હતા, અને તે જો એક પણ પ્રતિકૂળ વાક્ય બોલે તો તેને અટકાવતા હતા.

આ ઘટના એક રીતે રસ્તા ઉપરની ટોળાંની સેન્સરશિપ કહેવાય અને એ લોકતંત્ર માટે કોઈ પણ રીતે વાજબી ન ગણાય. માટે જ એ ઘટના રડવું આવે એવી છે, પણ સાથે હસવું એટલા માટે આવે છે કે એવી સ્થિતિ પત્રકારોએ પોતે પેદા કરી છે. આંદોલનકારી ખેડૂતો દેશદ્રોહી છે, પૈસા સાટે આવ્યા છે, પિત્ઝા ખાય છે, સ્વીગી અને ઝોમેટોનાં ફૂડ પાર્સલ આવી રહ્યાં છે, પાકિસ્તાન જિંદાબાદના નારા બોલાઈ રહ્યા છે, વગેરે પ્રકારનો હાસ્યાસ્પદ પ્રચાર સ્ટુડિયોમાં કરવામાં આવતો હતો. ખેડૂતોએ એવી ચેનલોના પત્રકારોને કહ્યું હતું કે જે સ્ટુડિયોમાં કહેવામાં આવે છે એ અહીં શોધી કાઢ અને કહી બતાવ અને કાં એ કહે જે સત્ય છે. સ્થિતિ એવી બની કે ગોદી ચેનલોના પત્રકારોએ ઘટના સ્થળેથી એ જ બોલવું પડતું હતું જે ખેડૂતોને અનુકૂળ હતું. જે ચેનલો ગોદી ચેનલોની કુખ્યાતિ નથી ધરાવતી, તેના પત્રકારો ખેડૂતોની સામે સ્વતંત્ર રીતે રીપોર્ટીંગ કરી શકતા હતા, અને તેમાં તેઓ આંદોલનની મર્યાદા પણ બતાવતા હતા. 

હમણાં કહ્યું એમ આ સ્થિતિ પત્રકારોએ પોતે પેદા કરી છે. પત્રકાર જો પોતાનો ધર્મ ચૂકે અને વેચાઈ જાય તો આવું બને. સ્ટુડિયોમાં શાસકો અને માલિકો પત્રકારની છાતી ઉપર ચડીને તેમની પાસે એ જ બોલાવે છે જે તેમને માફક આવે છે. જે પ્રામાણિક પત્રકાર વેચાવાની ના પાડે છે તેને તગેડી મુકવામાં આવે છે. જો એક સ્થાપિત વર્ગ છાતી ઉપર ચડીને તેમને માફક આવે એવું બોલવાની ફરજ પાડે અને પૈસાની કે પ્રતિષ્ઠાની લાલચમાં તમે એવું કરો તો બીજો વર્ગ તેને મોકો મળે ત્યારે એવું ન કરે એવું બને? દિલ્હીમાં અંદોલનકારી ખેડૂતોએ ગોદી મીડિયાના પત્રકારોની એક રીતે છાતી ઉપર ચડીને કહ્યું હતું કે કહી બતાવ જે સ્ટુડિયોમાં કહેવામાં આવે છે અથવા એ કહે જે અહીં નજરે પડી રહ્યું છે. બતાવ પિત્ઝા. બતાવ સ્વીગી અને ઝોમેટોના ડિલીવરી બોયઝ. બતાવ પાકિસ્તાન ઝીન્દાબાદના નારા.

આ ભારતીય પત્રકારત્વની શોકાંતિકા છે. પત્રકારોએ પત્રકારત્વને પરાજીત કર્યું છે. પત્રકારોએ લોકતંત્રને પરાજીત કર્યું છે. એ પત્રકારોએ જે વેચાઈ ગયા છે. જે નથી વેચાયા એ નથી જ વેચાયા. જે નથી ડરતા એ નથી જ ડરતા. જે પ્રામાણિક વસ્તુનિષ્ઠ પત્રકારત્વ કરે છે એ આજે પણ કરે જ છે. હા આવા મૂલ્યનિષ્ઠ પત્રકારોને બાજુએ ધકેલી દેવામાં આવ્યા છે, એ જુદી વાત છે. આજે ૯૦ ટકા ઇલેક્ટ્રોનિક મીડિયા કોર્પોરેટ કંપનીઓની માલિકીના છે અને તેની સરકાર સાથે પરસ્પર હિતોની ભાગીદારી છે. જો પત્રકાર પત્રકારના ધર્મને વફાદાર રહીને કોર્પોરેટ અને શાસકો વચ્ચેની ભાગીદારીમાં ભાગીદાર બનવાની ના પાડે તો ગોદી મીડિયા આપોઆપ સંકેલાઈ જાય. સાચી વાત તો એ છે કે પત્રકાર પણ રેકેટમાં ભાગીદાર છે અને એટલે આવી શરમજનક સ્થિતિમાં મુકાઈ જાય છે અને મુકાતો રહેવાનો છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ડિસેમ્બર 2020

Loading

ફિલાનથ્રોપીઃ જ્યારે અર્થતંત્ર, સ્વાસ્થ્ય અને રાજકારણનો અંકુશ દાનવીર ધનિકોના હાથમાં રહે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 December 2020

આ ધનિકો દાન આપીને ટેક્સમાંથી છટકી શકે છે. પણ જે રાષ્ટ્રીય દેવું માથે છે તે ઘટાડવામાં હવે આ ધનિકોના ટેક્સના પૈસા કામ નહીં લાગે

છેલ્લા કેટલાક દિવસોમાં મૅકકેન્ઝી સ્કોટનું નામ વિશ્વનાં ટોચના દાનવીરોની યાદીમાં ચર્ચાતું રહ્યું છે. એમેઝોનવાળા જેફ બેઝોસની પૂર્વ પત્ની મિસ સ્કોટે આ એક જ વર્ષમાં ૬ બિલિયન ડૉલર્સનું દાન કર્યું છે. આમાંથી ચાર બિલિયન ડૉલર્સ તો છેલ્લા ચાર મહિનામાં જ દાન કર્યા છે. દાનેશ્વરી કર્ણને પાછળ પાડી દેવાની હોડમાં હોય એ રીતે મેકકેન્ઝી સ્કોટે પોતાની મિલકતની વહેંચણી અંગે કહ્યું કે આ રોગચાળાએ સંઘર્ષમય અમેરિકાની કમર તોડી નાખી, આર્થિક અને સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો આકરા બન્યા અને આ મહિલાઓ માટે, જુદાં વર્ણનાં લોકો માટે અને ગરીબાઇમાં જીવનારા માટે બહુ કપરો સમય રહ્યો છે, એવા અર્થની પોસ્ટ પોતાના બ્લોગમાં લખનાર મૅકકેન્ઝીએ એમ પણ ટાંક્યું છે કે અબજોપતિઓના ધનમાં તો વધારો જ થયો છે. મૅકકેન્ઝી સ્કોટના દાનથી લાભ મેળવનારાઓની યાદી બહુ લાંબી છે, ૩૮૪ જૂથની પસંદગી આ દાન મેળવવા માટે થઇ હતી. આ યાદીમાં ફૂડ બૅંક્સથી માંડીને, એલ.જી.બી.ટી. કોમ્યુનિટી માટે કામ કરતી સંસ્થાઓ, મહિલાઓ માટે કામ કરતી સંસ્થાઓ વગેરેને સમાવેશ થાય છે. મૅકકેન્ઝી સ્કોટનું નામ વિશ્વના ધનિકોમાં ૧૮માં સ્થાને છે અને તે બને એટલી ઝડપથી પોતાનું ધન દાન કરવા માગે છે. ૫૦ વર્ષની મૅકકેન્ઝી સ્કોટે ૨૦૧૯માં ગિવીંગ પ્લેજ પર હસ્તાક્ષર કર્યા હતાં અને તે અંતર્ગત તેણ વચન આપ્યું કે પોતાની મોટા ભાગની મિલકત દાનમાં આપી દેશે.

દાન કરવું અથવા તો જેને માટે અંગ્રેજીમાં ફિલાન્થ્રોપી શબ્દ છે, દાનવીર અને ફિલાનથ્રોપિસ્ટ – જ્યારે બિલ અને મેલિંડા ગેટ્સે વેક્સિનનાં સંશોધન માટે બિલિયન્સનું દાન કરવાની જાહેરાત કરી, ત્યારે તે ફિલાન્થ્રોપી કહેવાય. આપણા દેશના અંબાણી, અઝીમ પ્રેમજી અને તાતા જેવા ઉદ્યોગકારો સહિત અનેક ફિલ્મી સિતારાઓએ ડોનેશન કર્યાની વાતો ૨૦૨૦ના રોગચાળામાં સતત કાને પડી.

જે ‘ગિવીંગ પ્લેજ’ની સતત ચર્ચા છે તે અંગે નેશનલ કમિટી ઑફ રિસ્પોન્સિવ ફિલાન્થ્રોપીના એરોન ડોર્ફમેનનું કહેવું છે કે આ ‘ગિવીંગ પ્લેજ’ એટલે કે દાનની પ્રતિજ્ઞા જે બિલ ગેટ્સ અને વોરન બફેટે શરૂ કરી છે, અને તેની સતત હિમાયત થઇ રહી છે. આ પ્રતિજ્ઞા અનુસાર અબજોપતિઓને પોતાની અડધાથી વધુ સંપત્તિ દાન કરવી અને આ આખા ય આઇડિયાની મોટી ચિંતા છે કે શેના માટે આ સંપત્તિ આપવી એની કોઇ સ્પષ્ટતા આ ‘ગિવીંગ પ્લેજ’માં થઇ નથી. ડોર્ફમેનના મતે, “આ ધનાઢ્ય મહાનુભાવો એવું જ આપે છે જેનાથી તેમને ફાયદો થાય અને તેમનું સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય. તેઓ કોઇ અંતરિયાળ સંસ્થાઓ કે જમીન સાથે જોડાઇને કામ કરનારાઓને ટેકો નથી આપતા, તેમનો પોતાનો જ સ્ટાફ એટલો નાનો હોય છે કે નાના લોકોને પહોંચવા કરતાં તેઓ જે હાથવગું અને આસાન હોય તેને જ બધું આપે છે.”

‘ધી ગાર્ડિયન’માં આવેલા એક અહેવાલમાં તો સ્પષ્ટ એમ જ કહ્યું છે કે આ દાનવીરોની જે રકમ આપણને અધધધ લાગે છે, તે તેમને માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી રકમ હોય છે. જેફ બેઝોસે જે ૧૦૦ મિલિયનનું દાન કર્યુ તે તેની અગિયાર દિવસની આવક છે. જે જૈફ બેઝોસને દાનવીરોની યાદીમાં આગળ કરાયા તે હજી પણ એમેઝોનના કર્મચારીઓને સિક લીવ નથી આપતા, તેમને કોવિડ-૧૯ પૉઝિટીવ હોય તો જ રજા મળે છે. દાનવીરોના ઘણા કિસ્સામાં હાથીના દાંત જેવી સ્થિતિ હોય છે, દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. એમેઝોનના વેરહાઉસિઝના કર્મચારીઓની સલામતીની પૂરતી તકેદારી નથી રખાતી. વોલમાર્ટની વાત કરીએ તો સેલ્સ વધવાને કારણે ૧ લાખ જેટલા કર્મચારીઓને નોકરીએ રખાયા પણ તેમના સોશ્યલ ડિસ્ટન્સિંગને મામલે સરખું અમીકરણ ન થયું અને ઘણાંએ વાઇરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો.

વળી જે તે રાષ્ટ્રની સરકારોએ પોતાની રીતે રોગચાળા સામે લડવા તગડો ખર્ચો કર્યો છે. આ ધનિકો દાન આપીને ટેક્સમાંથી છટકી શકે છે. પણ જે રાષ્ટ્રીય દેવું માથે છે તે ઘટાડવામાં હવે આ ધનિકોના ટેક્સના પૈસા કામ નહીં લાગે કારણ કે તેમણે તગડું દાન કર્યું છે. આ ધનિકોનું દાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ અસર કરનારું સાબિત થાય છે.

ફિલાન્થ્રોફીથી દાનવીરોને જે ફાયદા થાય છે તેની પર નજર કરવી પણ જરૂરી છે. સૌથી પહેલાં તો તેનાથી બ્રાન્ડ અને રિલેશનશીપ બિલ્ડીંગ પર તેનો ઊંડો પ્રભાવ પડે છે. કોઇ પણ ક્રિએટીવ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન કરતાં વધુ અસર કોઇ પણ કોર્પોરેટની ફિલાન્થ્રોપિક એક્ટિવિટીથી પડતી હોય છે. લોકો તરત ‘દાનવીર’ ગણાતી કંપનીઝ સાથે કનેક્ટ થવા લાગે છે. ઉપભોક્તવાદ પર પણ આ બ્રાન્ડિંગની અસર થાય છે.

ગેટ્સ ફાઉન્ડેશનની કામગીરી પર એકથી વધુ વખત સવાલ ઊઠ્યા છે. જે પ્રમાણે મોટી રકમ દાનમાં અપાતી હોય છે તે જોતાં તેમાં બધું જ પારદર્શક હોય છે તેમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ. ફિલાન્થ્રોપી પાછળ ઇમેજ બિલ્ડિંગનો ઇરાદો બહુ મોટું કામ કરે છે અને એક સમયે કઠોર અને ગુસ્સાવાળા ગણાતા બિલ ગેટ્સનું રિબ્રાન્ડિંગ એક ભલા અને માયાળુ માણસ તરીકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સફળતાપૂર્વક થઇ ચૂક્યું છે. વિવિધ રાષ્ટ્રોની હેલ્થ કૅર સિસ્ટમને ધારે તો રાતોરાત બહેતર બનાવી શકે, એટલું ધન હોવા છતાં ય દાનને નામે આ રોકડા કલદારના સાગરમાંથી અમી છાંટણાં જ થતાં હોય છે. કમનસીબે ગરીબોનું સ્વાસ્થ્ય ગણતરીના ધનિકોના હાથમાં છે. લેખક ઓસ્કાર વાઇલ્ડે વિક્ટોરિયન યુગના ફિલાન્થ્રોપિસ્ટ માટે જે લખ્યું હતું તે આજે પણ એટલું જ સાચું છે કે, ‘આ ધનિકો ખરેખર એમ માને છે કે તેઓ ગરીબોની બૂરી હાલતનો ઉકેલ શોધી આપશે પણ તેમની પાસે જ પણ ઉકેલ છે તે તો બસ એ બિમારીને જરા લંબાવે છે, તે કશું ય કાયમ માટે સાજું નથી કરી આપતા.’ સાચો માર્ગ એ છે કે સમાજને સમાનતાના એક એવા સ્તરે લાવવાનો પ્રયાસ કરવો કે ગરીબી, વંચિતતા, સ્વાસ્થ્યના પ્રશ્નો વગેરે હોય જ નહીં.

બાય ધી વેઃ

વૈશ્વિક સ્તરે કાળા ભોરિંગ નાગની જેમ ભરડો લઇને બેઠેલા સ્વાસ્થ્યના પ્રશ્નોનો ઉકેલ ધનિકોના કરોડો, અબજો અને ખરબોના દાનમાં નથી. દુનિયાને એવા તંત્રની જરૂર છે જે આટલા બધા બિલ્યોનર્સ ન ખડા કરે, જેમાં સંપત્તિ ગણતરીના લોકોના હાથમાં જ હોય એવું ન બને, ફિલાન્થ્રોપી કોઇને ગેરમાર્ગે દોરનારી, બીજે ધ્યાન દોરનારી કે નુકસાનકારક ન હોય પણ સમાજ ઘડનારી, ઉકેલ આપનારી અને રાજકીય અર્થતંત્રમાં હકારાત્મક બદલાવ લાવનારી હોય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ડિસેમ્બર 2020

Loading

...102030...2,0502,0512,0522,053...2,0602,0702,080...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved