Opinion Magazine
Number of visits: 9572892
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રણજિતરામના સિપાહી હોવું એટલે

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|1 January 2021

તે સાંજે હું ગોમાત્રિ ખંડના ઉંબરે પહોંચ્યો ન પહોંચ્યો ત્યાં તો સન્માન્ય ચૂંટણી અધિકારીની એ વિધિવત જાહેરાત આવી પડી હતી કે પ્રમુખપદે હું ચુંટાઉં છું. ઉંબર ઓળંગી અધિકારી સમક્ષ હાજર થયો અને જોઉં છું તો મીડિયા પણ હાજરાહજૂર, પ્રસંગસહજ પ્રતિભાવ માટે. ચૂંટણી અધિકારીએ મીડિયા જોડે મોઢામોઢ થવાની અનુજ્ઞા આપી ત્યારે મારો સહજોદ્‌ગાર હતો કે નર્મદકીધો કડખેદ હોઉં કે ન હોઉં પણ રણજિતરામનો સિપાહી ખસૂસ છું.

મનોવિજ્ઞાની માસ્લો જેને આત્મઆવિષ્કાર(સેલ્ફ એક્ચ્યુઅલાઈઝેશન)ની પ્રક્રિયા કહે છે તે દિશામાં સાધનાપથ પર ચાલતી વ્યક્તિ અક્ષરજીવન અને જાહેરજીવનના સંગમતીર્થે કેમ વિહરે અને વિલસે, રણજિતરામ એના સલામી સીમાપુરુષ જેવા હતા. એથી સ્તો કહું કહું થાય છે કે એમનો સિપાહી છઉં.

સહજોદ્‌ગારની એ ક્ષણોએ જોગાનુજોગ હતું તો ગોરજટાણું. એક એવો સંક્રાન્તિકાળ જ્યારે ‘લિ. હું આવું છું’ એ ઐતિહાસિક પત્રની સાખે કહું તો ‘વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી .. આ ગોધૂલિને સમયે અંધકાર ને પ્રકાશની મારામારી વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે.’

ટોકરી અને ઝાલરની દિલી આપલે થકી ઉભરવા કરતો અને હૃદયમાં ઉતરવા કરતો એ કર્ણમધુર સાદ શો હશે વારુ. એના સગડ કાઢવા મથું છું તો એમનો મરણોત્તર સંચય ‘રણજિતકૃતિ સંગ્રહ’ સાંભરે છે. સંગ્રહના ઉપોદ્‌ઘાતમાં ક.મા. મુનશીએ સંભાર્યું છે કે ‘રણજિતરામ મુંબઈમાં આવી મારી પડોશમાં રહ્યા ત્યારથી એમની મૈત્રીનો લાભ મેળવવા હું ભાગ્યશાળી થયો. તે વખતે રા. ઇન્દુલાલ યાજ્ઞિક પણ અમારી પાસે જ રહેતા. અને નવરા પડતાં અમે ત્રણે જણ ભેગા મળી અનેક વાતની ચર્ચા કરતા, એક એકના લેખોનું પારાયણ કરી રસ લેતા ને જે કાંઈ નવું દૃષ્ટિબિંદુ કોઈને સૂઝ્‌યું હોય તે બધા આગળ મૂકતા. આ અરસાનું માનસિક સાહચર્ય હું વિસરી શકું એમ નથી.’

આ જ સાહચર્યમાંથી ઉપસવા કરતી જે રણજિત-છબી, એમાંથી પેલો સાદ પ્રગટવા કરે છે. એને વ્યાખ્યાયિત કરવા હું ફરીને મુનશીની મદદ લઉં તો ૧૯૧૭માં રણજિતરામ ગયા ત્યારે ‘વીસમી સદી’માં મુનશીએ લખ્યું હતું : ‘રણજિતરામ માણસ નહોતા – એક ભાવના હતા. ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(સેલ્ફ – કૉન્શ્યનેસ)ના એ અવતાર હતા. તેને માટે જ જીવતા … તેના હૃદયમાં એક વિચાર હતો … આપણું સાહિત્ય ક્યારે સમૃદ્ધિવાન થાય – આપણી કળા ક્યારે વ્યક્તિત્વ પામે – આપણો ઇતિહાસ ક્યારે સજીવન થાય – આપણી રાષ્ટ્રીય અને સામાજિક અનુકૂળતા ક્યારે સંધાય – અને આ બધાંને પરિણામે નવીન ગુજરાત ક્યારે અવતરે.’

આ જે નવું ગુજરાત, ખાતેપીતે બેસતે ઉઠતે લડતે ઝઘડતે પણ અસ્મિતે વિલસતું ગુજરાત, કેમ કીધે ભાંગે એની ભાવઠ ? અઢાર સો સત્તાવનનો સંગ્રામ અને મુંબઈ યુનિવર્સિટી બંને એક સાથે આવ્યાં છે. એક જાણે સંકેલાતા જમાનાનું શહૂર કંઈક આક્રમકપણે પ્રગટ કરતી ઘટના છે તો બીજી જાણે આવતા જમાનાનું ઇંગિત છે. મુનશીએ રણજિતરામની જે ભાવ-છબી ઝીલી છે એવું જ હુલસતું હૈયું ઇન્દુલાલનું યે છે. ૧૯૧૫ના જુલાઈમાં એ ‘નવજીવન અને સત્ય’ માસિક લઈને આવે છે, અને એના અગ્રલેખમાં પાયાનો પ્રશ્ન ઉઠાવે છે : ‘ગુજરાતનું ખરું હૃદય હાલનાં પત્રોમાં પ્રતિબિંબિત થાય છે ? અને પોતે જ આ નવા માસિકની ભૂમિકા સ્ફુટ કરતો ઉત્તર આપે છે : ‘ઘણા બુદ્ધિશાળી અને સુશિક્ષિત લોકોને તે (હાલનાં પત્રો) નીરસ લાગે છે અને થોડા ઉત્સાહી દેશભક્તોને તેમાં ઉપયોગી વસ્તુની ભયાનક ન્યૂનતા જણાય છે. ગુજરાતના હૃદયકમલની જે પાંખડીઓ નવીન પ્રકાશથી ઊઘડવા માંડી છે તેનું સૌરભ આ પત્રમાં ઝીલવું અને પ્રોત્સાહક વિચારોથી તે પાંખડીઓને વધારે ને વધારે વિકસાવવી એ અમારો એક પવિત્ર અભિલાષ છે.’

આ ‘પવિત્ર અભિલાષ’ અંગે કોઈ નુક્તેચીની કે દાખલાદલીલમાં જઉં તે આગમચ એક હકીકતનાં દુખણાં લઉં જરી ? આ મુંબઈગરા જુવાનિયા ‘નવજીવન’ એ શબ્દ ક્યાંથી લઈ આવ્યા એની ઇન્દુલાલદીધી માહિતી એકદમ એકદમ ઝક્કાસ છે. પેઢીકૂદકે ઝક્કાસ જેવો પ્રયોગ કીધો; જેમ કે ‘નવજીવન’ એ પ્રયોગનું પગેરું ક્યાં પહોંચે છે એ જિજ્ઞાસાનો ઉત્તર મને ખરે જ સાક્ષાત્કારક અનુભવાય છે. શંકરલાલ  બૅન્કર દાન્તે(ડેન્ટી)ના ‘નોવા વિવા’ (નવું જીવન) એ સૂત્રશબ્દ પર મોહિત હતા. “આ શબ્દ ગુજરાતીમાં ઊતારતા ‘નવજીવન’ શબ્દ અમે સહેલાઈથી ઘડી કાઢ્યો.”

હમણાં આ માસિકના જુલાઈ ૧૯૧૫માં પ્રકાશિત થયેલા પ્રથમ અંકની જિકર કરી. ઑગસ્ટ ૧૯૧૫ના બીજા અંકમાં ઇન્દુલાલ ઓર બુલંદીથી પેશ આવતા જણાય છે : “… જે મહાન કાર્ય ગુજરાતના પાછલા લેખકોએ કર્યું નથી તે ગુજરાતનું નવું લેખકમંડળ હાથ ધરશે. નવા સૈકાનું પ્રભાત થતાં નવું જીવન દેશમાં સ્ફુર્યું છે અને ગુજરાત તે જીવન આતુરપણે ઝીલે છે. રાષ્ટ્રીય આવેશથી પ્રેરાયેલા ગુજરાતીઓ ગુજરાતની કમજોર છતાં બુદ્ધિશાળી અને વહેમી છતાં વહેવારિક પ્રજાને પોતાની ગણી ચાહશે, અને ગુજરાતી સાહિત્યકૃતિઓને ચોમેર જામેલા અંધકારમાં પ્રકાશના થોડા દીવા’ ગણી તેને માટે મગરૂર થશે. ગુજરાત તથા હિંદના ઇતિહાસનાં ઉજ્જવળ પાનાં ઉઘાડી પ્રજાને ફરીથી મહત્ત્વાકાંક્ષી અને મહાન તેઓ બનાવશે – લાગણીભર્યા વિચારોથી અને પ્રોત્સાહક કલ્પનાથી હિંદના ઉદયનો દિવસ સમીપ લાવશે !” (હકીકતમાં આ લેખ ૧૯૧૫ના જૂન માસમાં સુરત ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વંચાયો હતો.)

‘નવજીવન અને સત્ય’ના સ્વરૂપ અને સામગ્રીની ચર્ચામાં રણજિતરામ બેલાશક સહભાગી હતા, અને ઇન્દુલાલ જ્યારે અખબારી પ્રતિનિધિ તરીકે ઈરાક ગયા ત્યારે તો તંત્રીની જવાબદારી પણ એમણે જ નભાવી હતી. ગુજરાતની સર્વાંગી જાગૃતિ એ એમનો સર્વાગ્ર હૃદયભાવ હતો. ગોમાત્રિની અધ્યક્ષતામાં પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું એમનું આયોજન એ દિશામાંની કોશિશ હતી, માસ્તર નંદનપ્રસાદ જેવાના લાભાર્થે.

યુનિવર્સિટીનાં પગરણ સાથે આપણે ત્યાં જે બધા આરંભકાળના નવસ્નાતકો આવ્યા, એમાંના એક હિસ્સાની મૂંઝવણ ને મનોદશા રણજિતરામે ‘માસ્તર નંદનપ્રસાદ’ નામે શિક્ષકના પાત્ર દ્વારા પરંપરાગત વાર્તા દેખીતી ઓછી અને વાગ્મિતા વધુ એ પેરે કહી છે. એક રવિવારે કોટની રાંગે રાંગે ચાલ્યા જતા નંદનપ્રસાદને ચેન નથી:

“…. અમારી ગણતરી નહીં, અમને સુખ નહીં, વૈભવ નહીં, વિલાસ નહીં, પ્રતિષ્ઠા નહીં, કીર્તિ નહીં, માન નહીં, અકરામ નહીં, જિંદગીમાં મીઠાશ નહીં, હોંસ નહીં, ઊલટ નહીં, આગ્રહ નહીં, શ્રદ્ધા નહીં, પરોણો નહીં, અંકુશ નહીં, ઉત્તેજન નહીં, ઉલ્લાસ નહીં, હતાશા, કડવાશ, મૂંઝવણ, યંત્રણા, સ્તબ્ધતા, પ્રવંચના, સભ્ય દોગાંઈ રેંસી નાખે છે. જીવતાં અમને શબ જેવા ફેરવે છે.

“આમાં મારો તો પત્તો જ નથી ખાતો. Ennui ખાઈ જાય છે. Lotuseatersના દ્વીપમાં જઈ વસવાની ઉમેદ, શેખચલ્લીઓની ઉમેદ જેવી જન્મે એવી જ નાશ પામે છે ….”

આજથી પાંચછ દાયકા પાછળ જઈએ તો આન્વી(એન્યુઈ)ની અનુગુંજ આપણી એ સમયની બૌદ્ધિક ચર્ચાઓમાં અને સર્જક વર્તુળોમાં સંભળાતી જણાશે. પણ લગભગ સ્વગતોક્તિ/મનોગતોક્તિએ માસ્તર નંદનપ્રસાદની વાર્તામાં આ પ્રયોગ સૈકાથી પણ વધુ વર્ષો પર આપણે ત્યાં થયેલો છે. એનાં મૂળ અલબત્ત રણજિતરામના કિંચિત વિશ્વસાહિત્યસંપર્કમાં તો સ-ભાન વિચારણામાં હશે. પણ આન્વીની વિશેષ ચર્ચા આપણે ઘડીક રહીને કરીશું.

મનોગતના છેક છેલ્લા જેવા અંશમાં આન્વીની સાથે લોટસ ઇટર્સનોયે ઉલ્લેખ આવે છે. આમ તો છેક ગ્રીક પુરાકલ્પન લગી પહોંચતો આ ઉલ્લેખ છે. જો કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આપણા નવશિક્ષિતોને એનો પરિચય ટેનિસનની રચનાને આભારી હશે એમ માનવામાં હરકત નથી. લોટસની ચોક્કસ ઓળખનો અભાવ છતાં લગરીક છૂટ લઈને આપણે લોટસ ઇટર્સને ‘કમલજીવી’ પ્રજા કહીશું. કમલભોગી માત્રને મળેલું વરદાન સ્વપ્નવિલાસની સુખનીંદરનું હોય છે. કશી લપ્પનછપ્પન વગર દરકાર વગરની મનઃસ્થિતિમાં દાયિત્વ કહો, ઉત્તરદાયિત્વ કહો એ તો બચાડું માર્યું ફરે. વિલાસી ને વૈભવી જીવનને અને કશી નિસબતને શો સંબંધ વળી.                                                         

માસ્તર નંદનપ્રસાદ એની સઘળી મર્યાદાઓ વચ્ચે અને છતાં સુખની નીંદરના સહેલા રસ્તે આન્વીનું વારણ નથી શોધતો એ સૂચક છે. પણ તે વિશે વધુ કહું તે પહેલાં મારે આન્વી વિશે થોડું દિલખુલાસ કહેવું જોઈએ. આન્વી સંદર્ભે ખિન્નતા કે અન્યમનસ્કતા જેવા શબ્દાર્થને અવશ્ય અવકાશ છે. પણ આપણે જે ધોરણે ચર્ચા છેડી છે એમાં હું એને વિ-મનતા કહેવું વધુ પસંદ કરીશ. દિલોદિમાગની કંઈક ઉખડે ઉખડે તાસીરની રીતે હું એને ઘટાવું છું. તમે મૂળ જુઓ એનું – ક્યારે સવિશેષ ચલણી બન્યો એ ! યુરોપના યુવજનોમાં ઓગણીસમી સદી અધવચ તે ચર્ચામાં આવ્યો. ફ્રેન્ચ ક્રાન્તિએ જગવેલી આશાઅપેક્ષા તેમ જ નવાં મૂલ્યોની પ્રતિષ્ઠા બાબતે જે ભોંઠામણ બલકે પછાડ અનુભવાઈ, જે પ્રભાતમાં જીવવું આપણા કવિને મન પરમાનંદની અનુભૂતિ શું હતું – અને એમાં ય યુવાન હોવું એ તો સ્વર્ગ સાક્ષાત્‌. (ખુશાલી એ બડી કે આ જમાને જીવવું / સ્વર્ગમાં બાકી કશી યારો જો નવજવાં.) પણ એ વિપરીત પરિણામી જણાઈ ત્યારે યુવજન ખિન્ન, ઉદાસીન અને વિમન બની ગયા .. અને આન્વી એને વાચા આપતો સહજ શબ્દપ્રયોગ ! માસ્તર નંદનપ્રસાદ ઉખડે ઉખડે અને બિગડે દિલ હોતે છતે કમલભોગના ખેંચાણમાંથી તત્કાળ બહાર આવતા માલૂમ પડે છે તે એમના પાત્રનો વિશેષ છે, અને અલબત્ત રણજિતરામનો પણ.

મને લાગે છે, આ તબક્કે ‘આન્વી’ અને ‘લોટસ ઇટર્સ’ એ બેની સાથે એક ત્રીજું વાનું પણ જોડવું જોઈએ – એલિયેનેશન, વિસંબંધન. નરદમ નિજી સંદર્ભમાં તમે એને અલગાવ પણ કહી શકો. પણ સમાજને સ્તરે એ પ્રક્રિયા વિસંબંધનની છે, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાન્તિ સાથે પલટાતા સંદર્ભમાં : ખેતરેથી કારખાને અને ગામડેથી શહેરે એમ જે બદલાવ આવ્યો એણે મનુષ્યને એક અલગાવની, કહો કે સંદર્ભવછોયાની, પરિસ્થિતિ અને મનઃસ્થિતિમાં મૂકી આપ્યો. આ વિધાન પરત્વે ભાષ્ય કે વાર્તિકમાં નહીં સરતાં સંક્ષેપમાં એટલું જ કહેવું બસ થશે કે, દાખલા તરીકે, ઇશ્વરથી મનુષ્ય છૂટો પડી ગયાની માન્યતામાં જે અલગાવ હોઈ શકે એના કરતાં ગુણાત્મક રીતે ઘણું આગળ જતું આ વિસંબંધન છે.

ગમે તેમ પણ ઉત્તર માર્ક્‌સની છાયામાં તેમ માર્ક્‌સવાદ-લેનિનવાદની સોવિયેત પ્રાણપ્રતિષ્ઠામાં આપણી સમક્ષ જે એક જડબેસલાક અને ચુસ્તંચુસ્ત દર્શન આવ્યું અને એકંદરે સ્થિતપ્રતિષ્ઠ થઈ ગયું એને વિશે પુનર્વિચાર અને અંશતઃ પણ નવસંસ્કરણની એક સર્જનાત્મક સંભાવના વીસમી સદીના ચોથા દાયકામાં તરુણ માર્કસની ૧૮૪૪ની જે ટિપ્પણ અને ટાંચણ તરેહની હસ્તપ્રતો મળી તે સાથે ઊઘડી છે. માર્ક્‌સવાદપૂર્વ માર્ક્‌સ, માર્ક્‌સ બીફોર માર્કિસઝમ, લગીર છૂટ લઈને કહીએ તો માર્ક્‌સીય માનવવાદ, એવી કાંક આ સંભાવના છે.

જાતથી જુદાગરો અને માંહ્યલાનો અસાંગરો એવું કેમ એ પ્રશ્નનો ઉત્તર પૂર્વમાર્ક્‌સ એ મતલબનો આપશે કે નવા યંત્રઔદ્યોગિક સમાજમાં તમે સ્વાયત્ત શ્રમજીવી મટી જઈ એક પુરજો બની જાઓ છો. તમારું આપોપું અળપાઈ જાય છે અને તમે નરદમ નરી ક્રયવસ્તુ કેવળ બની રહો છો. (સાંભરે છે, એરિસ્ટોટલે ગુલામોને ટેબલ-ખુરસી પેઠે સાધન ગણાવેલા, માણસ નહીં. યંત્ર ઔદ્યોગિક સમાજમાં શ્રમિકમાત્રની નિયતિ ‘અ થિંગ’ બની રહે છે.)

૧૮૪૪ની, માર્ક્‌સવાદપૂર્વ માર્ક્‌સના આ ટાંચણ ટિપ્પણની લીલાભૂમિ અર્થાત્‌ યુરોપની સાથોસાથ અને સમાંતરે જરી ભારતમાં, ખાસ તો આપણે ત્યાં ગુજરાતમાં ડોકિયું કરીએ તો એ જ દસકામાં દુર્ગારામ મહેતાજી માનવધર્મ સભા લઈને આવ્યા છે. (હિંદમાં રેનેસાંના નકશા પર કોલકાતા પછીના કાલક્રમે સુરત છે તે ઇતિહાસવસ્તુનાં ઓસાણ આપણા પૈકી કેટલાને હશે, ન જાને.) મોટી વાત તો દલપતરામનું અને ફાર્બસનું મળવું છે. ગુજરાતી શીખવા ઈચ્છતા ફાર્બસ વાસ્તે ભોળાનાથ સારાભાઈના તેડાવ્યા દલપતરામ વઢવાણથી અમદાવાદ માટે પગપાળા નીકળ્યા ત્યારે એમણે કાપેલું અંતર ગાઉઓમાં નહીં એટલું સૈકાઓમાં છે … અને એમાંથી સ્તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આવી છે. (હજુ જો કે થંભેલાં મનજળ ઝટ ડહોળવાની હાકલ કરતા કડખેદ નર્મદનો ઉદય બાકી છે.)

રણજિતરામ અને નંદનપ્રસાદને રેઢા મૂક્યાનો વહેમ વહોરીને પણ હું કહું કે યુરોપમાં આ દસકો માર્ક્‌સ-એન્ગલ્સની પહેલી પહેલી મુલાકાત અને જામતી આવતી કર્મબાંધવીનો છે. તરુણ માર્ક્‌સે વિસંબંધનની થિયરીની રીતે કામ કર્યું છે તો એંગલ્સે કામદારોના વાસ્તવજીવનનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યો છે. વિસંબંધન શી અનવસ્થામાં ઉત્તરોત્તર મુકાતાં જીવતર તે શું એનો એન્ગલ્સને અભ્યાસઅહેસાસ છે – જેમ કે, લંડન સ્લમ્સના એના અભ્યાસમાં ‘અનફીલિંગ આઈસોલેશન’, લાગણીશૂન્ય એકાકીપણા જેવું આબાદ આકલન છે. દલપત-ફાર્બસ અને માર્ક્‌સ-એન્ગલ્સ બંને જોડીઓની અહીં સમાંતરે પણ એક સાથે જિકર કરી, પણ બેઉની કામગીરીનાં ક્ષેત્રો સ્વાભાવિક જ જુદાં છે, પણ એક સાથે એમને સંભારવાનો સંદર્ભ એ છે કે બેઉ છેડે અભાન કે સભાન ધોરણે આન્વી અને વિસંબંધન સાથે કામ પાડવાનું ચાલે છે.

રણજિતરામે નંદનપ્રસાદના પાત્ર દ્વારા આન્વીનો સવાલ ઉઠાવી કમલજીવી નહીં થતાં કશોક ઉગાર ઉપાય શોધવા મથી શકતી નવશિક્ષિત પેઢી તરફે ઇશારો કર્યો છે. પૂર્વસૂરિ દલપતરામે શરૂ કરેલી અને નર્મદ આદિએ દૃઢાવેલી બઢાવેલી વિચારમથામણ રણજિતરામ આવતે આવતે અસ્મિતાની વિભાવના અને એને અનુલક્ષતી પ્રવૃત્તિઓની ફરતે ગઠિત થવા કરે છે. એક રીતે એ વિસંબંધનનું વારણ છે. અલબત્ત, એ વિચારક્ષેત્રે ચાલતી ચહલપહલ છે જેને માર્ક્‌સીય પરિભાષામાં જાડી રીતે આપણે સુપર સ્ટ્રક્ચર કહી શકીએ તે સ્તરની કામગીરી છે.

યંત્રઔદ્યોગિક ક્ષેત્રે સપાટાબંધ ધસમસી રહેલા યુરોપમાં તરુણ માર્ક્‌સ એલિયેનેશનથી પરિચાલિત છે અને વાસ્તવજીવન સાથેની સંડોવણી સોતો એંગલ્સ એને આવી મળે છે. આ  સંડોવણી, આ યુક્તતા કદાચ એ સંસ્કૃત નાયિકા શી છે જેના પાદ પ્રહારે થિયરી પુષ્પિત થઈ ઊઠે છે. યુરોપના બૌદ્ધિકોમાં જ્યારે વિસંબંધન કહેતાં એલિયેનેશનનો ભાવ પ્રબળપણે જાગ્યો ત્યારે એ માત્ર સ્થિતિદર્શને નહીં અટકતાં, આવી અનવસ્થા ન હોય તે રીતની નવી ને ન્યાયી વ્યવસ્થા માટે વિચારતા ને મથતા માલૂમ પડે છે.

નંદનપ્રસાદની આન્વી ક્ષણો અને વિસંબંધન શી અનુભૂતિનો સમય સ્વાભાવિક જ ઔદ્યોગિક ક્રાંતિના યુરોપીય કાળથી કંઈક મોડો છે. આર્થિક-સામાજિક સંબંધોની અનવસ્થા, આપણે ત્યાં માર્ક્‌સ-એન્જલ્સના યુરોપથી વિપરીત એવી એક શોષણશૂરી સંસ્થાનશાહીનો સંદર્ભ ધરાવે છે. નવભણેલ જેવો લગરીક શહેરી પાસનો જે નવો વર્ગ અને પરંપરાગત ગ્રામજીવન એ બે વચ્ચેનું અંતર નિદર્શિત કરતા વિસંબંધનનો જ એક નમૂનો અંબાલાલ સાકરલાલ દેસાઈએ વીસમી સદી બેસતે આપ્યો, ‘શાન્તિદાસ.’

ઇતિહાસદર્જ લેખાતી રહેલી પ્રથમ નવલિકા મલયાનિલકૃત ‘ગોવાલણી’ હશે. પણ એનાથી એક દસકા કરતાં પહેલાં ‘શાન્તિદાસ’ સાથે નવી ભોં ભાંગે છે તે એ અર્થમાં કે સાંસ્થાનિક શાસન તળે ગ્રામજીવનમાં કેવી અનવસ્થા આર્થિક સંબંધોમાં ને અન્યથા પણ ઊભી થઈ છે. ગામડેથી પહેલી જ વાર એકમાત્ર જુવાનિયો મુંબઈ ભણવા ગયો છે. રજાઓમાં એ ચમચમતા બુટ સાથે ગામમાં આવે છે. ગામના જુવાનિયા માટે પરંપરાગત મોજડી જેવાં જૂતાંની સામે બુટની ચમકદમક એ નવા જમાનાના પ્રભાવક પ્રતીકરૂપે આવે છે, અને રજાએ રજાએ મુંબઈની ખેપ સાથે આપણો એકનો એક ભણતો જણ ચમચમતી બુટ-જોડી જથ્થાબંધને ધોરણે તે સૌને સારુ ખરીદતો આવે છે. પરિણામે ગામના મોચીનો ધંધો ભાંગે છે. એ જેમનાથી પોસાતા અને જેમને પોસતા તે સૌના કામધંધાને હાણ પહોંચે છે અને ગ્રામસમાજના આંતરસંબંધ અને અર્થકારણનું આખું માળખું તળેઉપર થવા લાગે છે. નવભારતમાં આર્થિક રાષ્ટ્રવાદના ઉદયની અભ્યાસકથા કોઈ આલેખવા ચાહે તો એના એક વૈતાલિકની ગરજ સારી શકે એવી વાર્તા આ તો છે.

નંદનપ્રસાદની આન્વીને બૂજવા સારુ આપણા સાહિત્યમાં જરી આગળ જઈને નજર નાખીએ તો મુકુંદરાયનો મેળાપ થશે. શાન્તિદાસની દાસ્તાંમાં ગ્રામસમાજ સમસ્તનો સમાવેશ છે તો રા.વિ. પાઠકના મુકુંદરાયમાં નવી કેળવણીથી વતનગામમાં ભાંગતા કુટુંબજીવનની ને બાપ દીકરાને ગુમાવે બલકે પોતે નિઃસંતાન હોય તો કેવું સારું એમ નિસાસો નાખે એની છે. પણ નંદનપ્રસાદને મળેલું રણજિત વરદાન એ છે કે એ નથી તો ચમચમતા બુટનો બંદીવાન કે નથી કુટુંબવિચ્છેદનો કાયલ.

રણજિતરામે અસ્મિતાની આબોહવા જગવી આન્વીના શમન અને શોધનની એક ભૂમિકા લીધી અને એનાં આર્થિક, સામાજિક પાસા સંબંધે અંબાલાલ સાકરલાલે શાન્તિદાસનું ઓઠું લઈ વાત મૂકી. એમના પૂર્વે દલપતરામ-ફાર્બસ-દુર્ગારામ-નર્મદ આદિએ સંસાર સુધારા ઉપરાંત રેનેસાંશાઈ સુપર સ્ટ્રક્ચરની આરંભિક કોશિશ કીધી.

જે એક વાનું આ બધાંથી પકડાય છે તે એ છે કે લેખન, કેમ કે તમે વાચકની અપેક્ષાએ લખો છો એટલા સીમિત અર્થમાં જ સામાજિક પ્રવૃત્તિ નથી. આ સંદર્ભમાં તમે ગોવર્ધનરામના સાક્ષરજીવનના આદર્શને પણ સંભારી શકો. આમ તો, સાક્ષરજીવન કહેતા સામાન્યપણે તરત જાગી શકતો પ્રતિભાવ જનસમાજથી અલગ અને અળગા, કંઇક અસ્પૃષ્ટ તાટસ્થ્યમંડિત સાક્ષીજીવનોયે હોઈ શકે. પણ જોવાનું એ છે કે ગોવર્ધનરામે પ્રવૃતિ પરાયણ સાક્ષરજીવનનો વિકલ્પ બાદ નથી કર્યો, બલકે, રાજકીય, સાંસારિક અને અન્ય વ્યવહાર કાર્યોમાં ગુંથાયેલ પ્રવૃત્તિ પરાયણ જીવનમાં ‘સરસ્વતીની પ્રતિષ્ઠા’ જોવા મળે એવો વિકલ્પ એમણે ખુલ્લો રાખ્યો છે એટલું જ નહીં પણ આવા સાક્ષરજીવનને એ સરસ્વતીના વાહન મયૂરની ઉપમા આપી બિરદાવે છે. દાયકાઓ પર, ૧૯૪૪માં એટલે કે તેત્રીસ વરસની વયે ઉમાશંકર જોશીએ ઓગણત્રીસ વરસના દર્શકમાં ગોવર્ધનરામના સાક્ષરજીવનનો નાયક જોયો હતો તેમાં ગોમાત્રિએ ખુલ્લા રાખેલા વિકલ્પનો ધક્કો હશે, એમ પાછળ નજર કરતાં સમજાય છે.

સરસ્વતીની ઉપાસના અને ‘જાહેર સંડોવણી’ એ બે પરસ્પર વિરોધી લાગતાં હોય તો પણ પરસ્પર ઉપકારક હોઇ શકે છે. બલકે, તમે જેને સારસ્વત જીવન કહો, સાક્ષરજીવન કહો એમાં આપણા સમયના ‘બૌદ્ધિક’ની વ્યાખ્યામાં તો એ કદાચ અપરિહાર્ય જણાય છે. કડખેદ બોબ ડિલનને અપાયેલ નોબેલ લક્ષમાં લો કે નોબેલ પારિતોષિક સ્વીકારતાં હેરોલ્ડ પિન્ટરે આપેલું વક્તવ્ય જુઓ, આ વાત એકદમ સામે આવી ઊભી રહે છે.

પાંચછ દાયકા પર, તે કાળના ઘણા મિત્રોની જેમ ઘડતરકાળના અમારા વીરનાયક કહો કે વિનાયક, સાર્ત્ર ને કામુને પણ મારતી કલમે (દોડતી જીભે) સંભારી લઉં જરા ? સાર્ત્ર નિઃશક સાર્ત્રોપમ ઢબે કહે છે કે તમે અને હું ‘કન્ડેમ્ડ ટુ ચુઝ’ – ગુજરાતીમાં શું કહીશું, પસંદગી કરવા સારુ અભિશપ્ત – છીએ. પણ તે સાથે એમની નવલસૃષ્ટિમાંથી પસાર થાઓ તો તરત સમજાય છે કે દુનિયા દુઃખોથી ને અનિષ્ટોથી ભરેલી છે એ સાચું; પણ આપણે આપણી જવાબદારી સમજી જીવનસંઘર્ષમાં પડવું જોઈએ એ પણ સાચું. ફ્રેન્ચ બૌદ્ધિકો એંગેજમેન્ટના ખયાલે હંમેશ વર્તતા પ્રવર્તતા રહ્યા છે. ‘મિથ ઑફ સિસિફસ’ કે ‘રિબેલ’ના લેખક કામૂ હાર નક્કી હોય તો પણ પ્રતિકાર તો કરવો જ જોઈએ એમ માનતા માલૂમ પડે છે. એમની પ્રથિતયશ નવલ ‘આઉટસાઈડર’ અને હમણાં કોરોનારણ્યે સતત સંભળાતી રહેલ ‘પ્લેગ’ બેને સાથે મૂકીને જોઈએ તો ‘આઉટસાઈડર’માં લાગણીઓથી અસ્પૃષ્ટ જેવો રહેતો હૃદયશૂન્ય નાયક છે. ઊલટ પક્ષે, ‘પ્લેગ’માં રોગચાળાનો પ્રતિકાર કરવા કટિબદ્ધ એેવા સમર્પિત ડૉક્ટરની વાત છે. દુનિયા દૂષિત છે એ જો સાચું છે તો દૂષિતતા દૂર કરવા મથવું, મથતા રહેવું તે ધર્મ્ય છે.

સાર્ત્ર – કામૂ વિશે અતિસરલીકરણની રીતે ને ક્વચિત સપાટ લાગે એવા શબ્દોથી વાત કરી મારે ‘આઉટસાઈડર’ને મિશે એક મુદ્દો કરવો છે. કામૂની નહીં પણ હાવર્ડ ફાસ્ટની ‘આઉટસાઈડર.’ ફાસ્ટ કૉમ્યુનિઝમની કંઠી બાંધી સોવિયેત સાક્ષાત્કારવશ મુક્ત થયેલા સંઘર્ષ – અને – સ્વાધ્યાય-શીલ અક્ષરકર્મીઓ પૈકી છે. એમણે એક રબીની જીવનકથા આલેખી છે. જીવન અને જાહેરજીવનના એક અલગ અલગ સંઘર્ષ મુકામે પ્રવૃત્ત થઈ એ પોતે જીવનનું એક સમાધાન પામે છે. કામૂની સર્જક પ્રતિભા ફાસ્ટ કને નથી, પણ ‘આઉટસાઈડર’ એક બળબળતો સર્વવિછોયો જણ મટી પોતાના આલોચનાત્મક દૃષ્ટિબિંદુ સાથે અને છતાં કેવી રીતે સૌની સાથે જોડાયેલો બની રહે છે એ ફાસ્ટે અચ્છુ નિરૂપ્યું છે.

મને લાગે છે, ઉતાવળે અધકચરે પણ હવે મારે વાતનો બંધ તો વાળવો જ જોઈએ. માસ્તર નંદનપ્રસાદની ‘આન્વી’ની ભાળ લેતે લેતે આપણે ક્યાં ય આગળ ચાલી ગયા નહીં ? પણ રણજિતરામના સિપાહીને સારુ એ કદાચ વિધિનિર્મિત ભવાટવી હશે. સાર્ત્ર ભલે ‘કન્ડેમ્ડ ટુ ચુઝ’ની ભાષા બોલે રણજિતરામનો સિપાહી તો કહેશે કે આઈ એમ કન્ડેમ્ડ ટુ ક્રિયેટ !

[ગુજરાતી સાહિત્ય પરિષદના પચાસમા અધિવેશનનું પ્રમુખીય વક્તવ્ય (27 ડિસેમ્બર 2020)]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 01-02 તેમ જ 14-15

Loading

લોકોને લોકતંત્ર જોઈએ છે, મજબૂત રાજકીય વિકલ્પ જોઈએ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|31 December 2020

એક સ્વજને સવાલ કર્યો કે દેશ ફાસીવાદ તરફ આગળ વધી રહ્યો છે અને લોકતંત્રનો અસ્ત થઈ રહ્યો છે, ત્યારે કરવું શું? જેને બીજી જાગીર કહેવાય એ લોકપ્રતિનિધિગૃહોના કામકાજના સમયમાં કાપ મુકવામાં આવી રહ્યો છે કે જેથી શાસકોને ગૃહમાં જવાબ ન આપવો પડે. જેને ત્રીજી જાગીર કહેવાય છે એ ન્યાયતંત્ર સર્વોચ્ચ અદાલતના સ્તરે સુધ્ધાં પાણીમાં બેસી ગયું છે અને જેને ચોથી જાગીર તરીકે ઓળખવામાં આવે છે એ મીડિયા મહદ્ અંશે વેચાઈ ગયા છે. ચૂંટણીપંચ સહિતની લોકશાહી સંસ્થાઓ તેનો પ્રભાવ ગુમાવી ચૂકી છે. અત્યારે દેશમાં જયપ્રકાશ નારાયણ જેવા કોઈ શ્રદ્ધેય વ્યક્તિ રહ્યા નથી, ત્યારે કરવું શું?

‘ત્યારે કરવું શું?’ એ ટૉલ્સટૉયી સવાલ છે. માત્ર ભારતને આ સવાલ નથી કવરાવતો, જગતના ઘણા દેશોને આ સવાલ કવરાવે છે; ત્યારે કરવું શું? મેં એ મિત્રને પૂછ્યું કે તમારી નજરમાં કોઈ વિકલ્પ છે ખરો, ત્યારે તેમણે જવાબ આપ્યો કે વિકલ્પ માત્ર રાજકીય જ હોઈ શકે એટલે દેશને અત્યારે રાજકીય વિકલ્પની જરૂર છે. રાજકીય વિકલ્પ એમ તમે જ્યારે કહો છો ત્યારે તેનું સ્વરૂપ શું હોઈ શકે એવા મારા સવાલના જવાબમાં તેમણે કહ્યું, મજબૂત વિરોધ પક્ષ. એ પછી તેમણે કૉંગ્રેસની અત્યારની અવસ્થા વિષે ચિંતા વ્યક્ત કરી અને પૂછ્યું કે કૉંગ્રેસ પાછી બેઠી થઈ શકે એવી કોઈ શક્યતા ખરી? કૉંગ્રેસ બેઠી ન થાય તો શું? બીજો કોઈ પક્ષ નજરે પડે છે? કોણ ફાસીવાદી શાસનથી આ દેશને બચાવશે?

મેં તેમને કહ્યું કે તમે ભારતના ભવિષ્ય વિષે જેવી ચિંતા ધરાવો છો એવી ચિંતા ધરાવનારા આ દેશમાં ઘણા છે. ઘણા છે એટલે થોડાઘણા નથી, એટલા બધા છે કે તેઓ બહુમતી ધરાવે છે. એ લોકોને સહિયારું ભારત જોઈએ છે. એ લોકોને બંધારણીય શાસન જોઈએ છે. એ લોકોને કાયદાનું રાજ જોઈએ છે. એ લોકોને અંગ્રેજોએ લખેલા ઇતિહાસના આધારે વેર વાળવાની જગ્યાએ ભૌતિક અને માનવીય વિકાસમાં રસ છે. એ લોકોને લોકતંત્ર જોઈએ છે. એ લોકોને નાગરિક સ્વાતંત્ર્ય જોઈએ છે. એ લોકોને પ્રત્યેક સ્ત્રી પુરુષની સમકક્ષ નહીં, પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના પૂર્ણ માનવ તરીકે જીવી શકે એમાં રસ છે. એ લોકોને ન્યાયી સમાજ-રચનામાં રસ છે. એ લોકોને છેવાડાના માણસનો હાથ પકડવામાં આવે અને હૂંફ આપવામાં આવે એમાં રસ છે. એ લોકોને આ દેશમાં કોઈને પણ ઓળખના આધારે સતાવવામાં ન આવે એવું ભારત જોઈએ છે. એ લોકોને ભારતનો પ્રત્યેક નાગરિક નિર્ભયતાથી જીવે, નિર્ભયતાથી બોલે અને હક માટે નિર્ભયતાથી લડે એવું ભારત જોઈએ છે. જો કોઈને પોતાનો વિચાર પકડી રાખીને વિરોધી વિચારવાળા સાથે લડવું હોય તો લડવા મળે એવું ભારત એ લોકોને જોઈએ છે. આનું બોલકું ઉદાહરણ તો એ છે કે હિન્દુત્વવાદીઓને હિંદુ ભારત માટે પ્રચાર કરવાની અને લડવાની સ્વતંત્રતા એ લોકોની કલ્પનાના ભારતે આપી હતી.

એ લોકોને ધર્મની મર્યાદા જાળવવામાં આવે એમાં રસ છે. ધર્મની મર્યાદા જાળવવી એટલે દરેક અર્થમાં જાળવવી. આપણે બીજાના ધર્મની મર્યાદા જાળવીએ, આમન્યા રાખીએ. બીજો આપણા ધર્મની મર્યાદા જાળવે. આપણે ધાર્મિકશ્રદ્ધાને અંગત માનીને ધર્મને ઘરની અંદર મર્યાદિત રાખીએ અને ધર્મનો રાજકીય દુરુપયોગ કરવા જેટલી મર્યાદા ન ઓળંગીએ. આવી મર્યાદાનું નામ જ સેકયુલરિઝમ. તો આ દેશમાં બહુમતી ભારતીયો ધર્મની બાબતે આવી મર્યાદા જાળવવી જોઈએ, એમ માને છે.

અહીં ઉપરના બે ફકરામાં જેવા ભારતની કલ્પના કરવામાં આવી છે એને અંગ્રેજીમાં ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે. સહિયારું ભારત અને ન્યાયી ભારત. વેદોથી લઈને વિનોબા સુધીના મનીષીઓએ આવા ભારતની કલ્પના વિકસાવી છે અને એવા ભારતનો પદાર્થ વિકસાવ્યો છે. સાધારણપણે ઉપલબ્ધ પદાર્થના આધારે સભ્યતાઓ અને સંસ્કૃતિઓ વિકસતી હોય છે, ભારત જગતનો એક માત્ર એવો અનોખો દેશ છે જેમાં મંગલ કલ્પનાઓએ પદાર્થ વિકસાવ્યો છે. ભારત નામનો મસાલો ભારત નામની કલ્પનાનું પરિણામ છે. ભારતીય સમાજ માનવીય સમાજનો વિરોધી નથી.

તો વાત એમ છે કે આજે પણ ભારતની બહુમતી પ્રજા આવા વિવેકી, સહિયારા અને ન્યાયી ભારતને વરેલી છે જેને હમણાં કહ્યું એમ ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ કહેવામાં આવે છે. સામે જે લોકો હિંદુ ભારતની કલ્પનાને વરેલા છે એ લોકો લઘુમતીમાં છે. લઘુમતીમાં એટલે ભારતની કુલ લોકસંખ્યામાં વીસ ટકા પણ નહીં હોય. એ લોકોની ખૂબી એ છે કે એ રાજકીય રીતે સંગઠિત છે. બુદ્ધિદરિદ્રતા અને તામસિકતા એટલી તીવ્ર છે કે તેઓ નથી વિચારી શકતા કે નથી વિવેક કરી શકતા. દલીલ કરશો તો સભ્ય હશે તો ચૂપ રહેશે અને જો તામસિકતા તીવ્ર હશે તો ગાળો દેશે અથવા દેશદ્રોહી કે કાઁગ્રેસતરફી જેવાં લેબલ ચોડશે. આનાથી આગળ તેઓ બે વાક્યમાં દલીલ ભલે નહીં કરી શકે, પણ પોતાની જગ્યા તો નહીં જ છોડે. માટે જેને હિંદુ ભારત જોઈએ છે તેમની સાથે દલીલમાં ઊતરવાનો કોઈ અર્થ નથી, એ દીવાલ સામે માથું અફળાવવા જેવું છે. જો મુસલમાનનું બુરું થતું હોય તો પોતાનું ભલે ધનોતપનોત નીકળી જાય એવું વલણ તેઓ ધરાવે છે.

તો વાતનો સાર એ કે આ દેશમાં ૮૦ ટકા નહીં તો કમસેકમ ૬૦ ટકા નાગરિકો એવા છે જેઓ ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ને વરેલા છે અને માત્ર ૨૦ ટકા નાગરિકો આઈડિયા ઑફ હિંદુ ઇન્ડિયાને વરેલા છે. તેઓ સંગઠિત છે અને તેમની પાસે તેમનો મજબૂત રાજકીય પક્ષ છે. તેમને શંકા કરતા અને પ્રશ્ન પૂછતા આવડતું નથી, અને એમ નહીં કરવાની તેમને તાલીમ આપવામાં આવી છે. શંકા કરવી અને પ્રશ્ન કરવો એને તેઓ હિંદુદ્રોહ અર્થાત્ દેશદ્રોહ સમજે છે. ભારતીય જનતા પક્ષનું એ પીઠબળ ત્યાં સુધી તૂટવાનું નથી જ્યાં સુધી ફાસીવાદના વિનાશક સ્વરૂપનો તેમને અનુભવ નહીં થાય. સામે પક્ષે મારા મિત્રની પીડા એ વાતની છે કે ‘આઈડિયા ઑફ ઇન્ડિયા’ને વરેલા ૬૦ ટકા ભારતીય નાગરિકો પાસે કોઈ મજબૂત રાજકીય વિકલ્પ નથી.

ત્યારે કરવું શું?

આની ચર્ચા આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 31 ડિસેમ્બર 2020

Loading

ગાંધીના ‘હિંદ સ્વરાજ’માં ગ્રામચેતના

અશ્વિનકુમાર|Gandhiana|31 December 2020


ઈ.સ. ૧૯૦૯માં મો.ક. ગાંધીએ માતૃભાષા ગુજરાતીમાં 'હિંદ સ્વરાજ' લખ્યું. તેમણે તેનો અંગ્રેજી અનુવાદ 'ઇન્ડિયન હોમ રુલ' નામે કર્યો. ઈ.સ. ૧૯૧૨માં ગોપાલકૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમણે આ અનુવાદ જોયો. ગોખલેને ગાંધીનું આ લખાણ અણઘડ લાગ્યું. તેમને ગાંધીના આ વિચારો ઉતાવળે બાંધેલા લાગ્યા. ગોખલેએ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે, હિંદમાં એક વરસ રહ્યા પછી ગાંધી જાતે જ આ પુસ્તકનો નાશ કરી દેશે. આજે ગોખલે હોત તો તેઓ કબૂલ કરત કે, તેમણે વર્ષો પહેલાં જે પુસ્તકનું ભવિષ્ય ભાખ્યું હતું તે તો ભવિષ્યનું પુસ્તક હતું! એક કાળે 'હિંદ સ્વરાજ' વિશે ગોખલેનો મત હતો કે, "આ મૂરખ માણસની કૃતિ છે." આજના કાળે ગોપાલકૃષ્ણ હોત તો મોહનદાસના 'હિંદ સ્વરાજ' વિશે આપણને કહેત : "મૂરખ, આ માણસની કૃતિ છે!" લોર્ડ લોધિયન સેવાગ્રામ આવ્યા ત્યારે તેમણે મહાદેવ દેસાઈ પાસે 'હિંદ સ્વરાજ'ની નકલ માગી હતી. લોર્ડ લોધિયને કહ્યું હતું : "ગાંધીજી અત્યારે જે કંઈ ઉપદેશી રહ્યા છે તે આ નાનકડી ચોપડીમાં બીજરૂપે પડેલું છે, અને ગાંધીજીને બરાબર સમજવા માટે એ ચોપડી ફરી ફરી વાંચવી ઘટે છે." ગાંધીવિચાર અને ગ્રામચેતનાને મૂળથી સમજવા માટે 'હિંદ સ્વરાજ'ને વધુ અને વધુ વખત વાંચવી-પચાવવી પડે એમ છે.


ગ્રામસમાજને માતૃભાષા સાથે એક જ સંબંધ હોય છે : સીધો! 'હિંદ સ્વરાજ'માં ગાંધી સ્વરાજ અંગે માંગણી કરે અને સ્વભાષા અંગે લાગણી વ્યક્ત ન કરે એ કેમ બને? તેઓ લખે છે : "આપણે સ્વરાજની વાત પરભાષામાં કરીએ છીએ એ કેવી કંગાલિયત!" (પૃ. ૬૫) હિંદુસ્તાન સેંકડો, હજારો નહીં, પણ લાખો ગામડાંનો બનેલો મુલક છે. આથી, ગાંધી સઘળી પ્રાદેશિક ભાષાઓની ચિંતા કરતાં કહે છે : "મને તો લાગે છે કે આપણે આપણી બધી ભાષાને ઉજ્જવળ કરવી ઘટે છે.” (પૃ. ૬૬) મો.ક. ગાંધીએ 'હિંદ સ્વરાજ' લખ્યું ત્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં લગભગ સોળ વરસનો સંગ અને સાન મેળવી ચૂક્યા હતા. આટલો લાંબો વખત વતનથી દૂર રહેવા છતાં તેમની માતૃભાષામાં ગ્રામીણ સંદર્ભ સચવાયેલો માલૂમ પડે છે. 'હિંદ સ્વરાજ'નાં લખાણમાં વપરાયેલાં કેટલાંક દાખલા-દલીલો, કહેવતો-રૂઢિપ્રયોગોમાં ગ્રામવાસ્તવનું ઠાલું ગૌરવ નહીં, પણ ઠોસ રવ સંભળાય છે. તેની સાબિતી આ રહી : "તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઈએ છે તે જ મળશે. 'ઉતાવળે આંબા ન પાકે', એ કહેવત યાદ રાખજો.” (પૃ. ૦૨); "હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન ઉપર જોવામાં આવે છે.” (પૃ. ૦૬); "મારે દરિયો ઓળંગવાનું સાધન વહાણ જ હોઈ શકે. જો ગાડું પાણીમાં ઝંપલાવું તો ગાડું અને હું બંને તળિયે જઈએ.” (પૃ. ૪૮)

ગાંધી ખેતીના કામને ખાવાના ખેલ નથી માનતા! તેમનું એ મતલબનું માનવું છે કે, નિર્ભયતાનું પ્રમાણ આપવું એટલે ખેતરમાં પથારી કરવી! ગાંધી દૃઢપણે કહે છે : "જાણજો કે જે દેશમાં પહાડી લોકો વસે છે, જેમાં વાઘવરુ વસે છે, તે દેશમાં રહેનારા માણસો જો ખરેખરા બીકણ હોય તો તેઓનો નાશ જ થાય. તમે કોઈ દિવસ ખેતરોમાં ગયા છો? તમને હું ખાતરીપૂર્વક કહું છું કે, ખેતરોમાં આપણા ખેડૂતો નિર્ભય થઈને આજ પણ સૂએ છે; ત્યારે ત્યાં અંગ્રેજ અને તમે સૂવાની આનાકાની કરશો. બળ તે નિર્ભયતામાં રહ્યું છે; શરીરમાં માંસના લોચા બહુ હોવામાં બળ નથી, એ તમે થોડો જ ખ્યાલ કરશો તો જાણી લેશો.” (પૃ. ૨૩) ગાંધીના મતે હિંદુસ્તાનની ઓળખ એટલે ખેતીનો મુલક. ગાંધી હિંદુસ્તાનની ખેતીની વાત કરે અને ગાયનો મહિમા ન ગાય એ કેમ બની શકે? તેઓ કહે છે : "હું પોતે ગાયને પૂજું છું, એટલે કે માન આપું છું. ગાય એ હિંદુસ્તાનની રક્ષા કરનારી છે, કેમ કે તેની પ્રજા ઉપર હિંદુસ્તાન, જે ખેતીનો મુલક છે, તેનો આધાર છે. સેંકડો રીતે ગાય એ ઉપયોગી પ્રાણી છે.” (પૃ. ૨૯) જો કે, ગાંધી કૃષિ અને ગોપાલનની ચર્ચામાં છેવટે તો એકતા અને અહિંસાને જ વધારે ગુણ આપે છે.

પૂર્વજોએ બાંધેલી હદનો ઉલ્લેખ કરતાં, ગાંધી ગામની વાત આ રીતે કહે છે : "તેઓએ વિચાર્યું કે મોટાં

શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો.” (પૃ. ૩૯) 'ગામ'ની સાથે-સાથે 'આમ'ની વાત કરતાં તેઓ કહે છે : “આમ (સામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ધણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું." (પૃ. ૪૦) 'શું હિંદુસ્તાનમાં તોપબળ નથી ચાલ્યું?' એવો સવાલ પૂછનાર વાચકને અધિપતિ જવાબ આપે છે : "તમારે મન હિંદુસ્તાન એટલે ખોબા જેટલા રાજાઓ છે. મારે મન તો હિંદુસ્તાન તે કરોડો ખેડૂતો છે કે જેના આધારે રાજા તથા આપણે બધા વસીએ છીએ.” (પૃ. ૫૮) આવું કહીને ગાંધી દેશનાં લાખો ગામડાંમાં વસતા કરોડો ખેડૂતોને દેશનું ચાલકબળ ગણાવીને ગ્રામચેતના પ્રગટાવે છે. આના અનુસંધાનમાં એક ગામનું ઉદાહરણ આપીને તેઓ સત્યાગ્રહ અને સ્વરાજને સાંકળતાં કહે છે : "મને ખ્યાલ છે કે એક રાજસ્થાનમાં રૈયતને અમુક હુકમ પસંદ નહીં પડ્યો તેથી રૈયતે ગામ ખાલી કરવાનું શરૂ કર્યું. રાજા ગભરાયા ને રૈયતની માફી માંગી ને હુકમ પાછો ખેંચ્યો. આવા દાખલા તો ઘણા મળી શકે છે. પણ તે મુખ્યત્વે કરીને ભરતભૂમિનો જ પાક હોય. આવી જ્યાં રૈયત છે, ત્યાં સ્વરાજ છે. તે વિનાનું સ્વરાજ તે કુરાજ છે.” (પૃ. ૫૮-૫૯)


મો.ક. ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રસ્કિનના 'અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકના વાચન-ચિંતન-મનનના પગલે પ્રગટાવેલા 'સર્વોદય'ના સિદ્ધાંતોને, 'હિંદ સ્વરાજ'ની ગ્રામ-ચેતનાના પૂર્વ સંદર્ભે ખાસ યાદ કરવા જેવા છે. તેઓ 'સત્યના પ્રયોગો'માં લખે છે : " 'સર્વોદય'ના સિદ્ધાંતો હું આમ સમજ્યો : (૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. (૨) વકીલ તેમ જ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે. (૩) સાદું મજૂરીનું ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.” (ગાંધી, ૨૦૦૯, પૃ. ૨૭૫-૨૭૬) 'હિંદ સ્વરાજ'ના જન્મ આસપાસનાં વર્ષોમાં ગાંધીએ ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉય વાડી થકી ગ્રામજીવન શૈલીનો ડિલથી અને દિલથી સ્વીકાર કરી લીધો છે. આથી, ગાંધીના 'હિંદ સ્વરાજ'ની મૂલવણી કરતાં એક વ્યાખ્યાનમાં, સમાજ-રાજનીતિશાસ્ત્રી આદિત્ય નિગમ કહે છે : "It is worth bearing in mind that when he wrote Hind Swaraj, Gandhi, far removed for the world of politics in India, had already set the stage for this life-long drama. Reading John Ruskin's Unto This Last on an overnight train journey, his imagination had been so fired that he had decided to "change my life in accordance with the ideals of that book". The Phoenix Settlement that emerged as a result, in 1904, was an agricultural settlement, which was to be followed in 1910 by the Tolstoy Farm on a much larger area of land. These farms or settlements were meant to instantiate and preserve a way of life that Gandhi, like his soul-mates Ruskin and Tolstoy, saw to be under threat from modern civilization.” (Nigam, 2010, p. 18-19)

ગાંધીજી બળદગાડાનાં પૈડાં અને ચરખાનાં ચક્રોને ગતિમાં રાખવાનું કહે એટલે દુનિયાનો વિકાસ અટકી પડે? આધુનિક સુધારાની ટીકાઓની સમીક્ષા કરતાં, અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રમેશ બી. શાહ નોંધે છે : "આધુનિક ઉદ્યોગો અને યંત્રો અંગેના ગાંધીના વિચારો વિશે મોટા પ્રમાણમાં ગેરસમજ થઈ છે. ગાંધીજી શું બળદગાડાં અને ચરખાની પ્રાચીન ટેક્નોલોજીને વળગી રહેવા માગતા હતા? તેમને શું દેશના ઉદ્યોગીકરણનો વિરોધ હતો? આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે ઉદ્યોગીકરણ અંગેની ગાંધીજીની દૃષ્ટિને સમજવી જરૂરી છે. ડેનિયલ હેમિલ્ટન પરના પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું કે, "ઉદ્યોગીકરણના આધુનિક અર્થમાં ભારતને ઉદ્યોગીકરણની જરૂર નથી." પશ્ચિમમાં જે ઉદ્યોગીકરણ થયું તેમાં મૂડીપતિઓ અને મજૂરો એવા બે વિભાગોમાં સમાજ વહેંચાઈ ગયો હતો, કારણ કે યંત્રો વગેરે ઉત્પાદનનાં ભૌતિક સાધનો એટલાં મોટાં અને કીમતી બની ગયાં કે જેથી કામદારો તેના માલિક બનીને સ્વતંત્ર રીતે ઉત્પાદન ન કરી શકે. આ યંત્રોની માલિકી મૂડીપતિઓના નાના વર્ગ પાસે આવી ગઈ અને કામદારો રોજગારી માટે લાચારીની સ્થિતિમાં આવી ગયા." (શાહ, ૨૦૦૮, પૃ. ૨૮) આધુનિક સુધારની એક લાક્ષણિકતા ઉત્પાદન પદ્ધતિમાં આવેલ પરિવર્તન છે એવું કહીને ત્રિદીપ સુહૃદ નોંધે છે : ".. કૃષિ ઉદ્યોગ બને છે, તેમાં શરીર શ્રમનું યોગદાન ઘટે છે અને યંત્રો દ્વારા ઉત્પાદન થાય છે. સાથે જ ઉત્પાદનમાં વૃદ્ધિથી મૂડીનો સંચય થાય છે. મૂડી સંચય વિના કૃષિથી કારખાનાંની મજલ કાપી શકાય નહીં. આધુનિક સુધારમાં શ્રમ અને મૂડી વચ્ચેનાં સમીકરણ બદલાય છે; મૂડીનો પ્રકાર બદલાય છે. જમીન અને શ્રમશક્તિ કરતાં મૂડી સંચયને પ્રાધાન્ય મળે છે અને મૂડીપતિ જે ઉત્પાદનનાં સાધનો અને શ્રમ ખરીદી શકે છે તેને અન્યના શ્રમનો લાભ મળે છે. સાથે, ઉત્પાદનના સ્થળમાં પણ ફેરબદલ આવે છે. શ્રમ કારખાનાંઓમાં એકત્રિત થાય છે અને ત્યાં શ્રમ વિક્રય થાય છે. .." (સુહૃદ, ૨૦૦૮, પૃ. ૭૯)


પ્રાચીન હિંદ અને ગ્રામીણ સંસ્કૃતિ સારુ ગાંધીજીએ 'હિંદ સ્વરાજ'માં રજૂ કરેલા વિચારો અંગે રમણ મોદી કહે છે : "પ્રાચીન હિંદના ઋષિમુનિઓએ તિતિક્ષાપૂર્વક ખીલવેલી પરાવિદ્યાને અને નિપજાવેલી હિંદની સંસ્કૃતિને લક્ષમાં લઈ ગાંધીજીએ કહ્યું : "રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરિયા(ઇજિપ્ત)ની બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું. ચીનનું કંઈ કહેવાય નહીં. પણ પડ્યું આખડ્યું તો પણ હિન્દુસ્તાન હજુ તળિયે મજબૂત છે." અહીં એમની પ્રબળ દેશભક્તિ દૃષ્ટિએ પડે છે, અને હૃદયમાંથી આવતી વાણીનું બળ અહીં દેખાય છે. શહેરી સભ્યતા અને સુધારા કરતાં વધારે ચિરંજીવી એવી ગ્રામસંસ્કૃતિની ભવ્યતા સમજાવતું ઋષિઓનું આર્ષદર્શન રજૂ કરતાં કહ્યું : "આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે. તેમાં જ તંદુરસ્તી છે.”" (મોદી, ૨૦૦૭, પૃ. ૭૯) અહિંસક સમાજરચનાની દિશામાં ગ્રામસ્વરાજ અંગેનું બીજ રૂપ ચિંતન આપણને 'હિંદ સ્વરાજ'માં મળે છે, એવું સ્પષ્ટપણે માનનાર કાંતિ શાહનો મત આ મુજબ છે : "આજે અહિંસક સમાજ-રચનાની આછી-પાતળી રૂપરેખા આપણી સામે આવી છે. ગાંધીએ બહુ પહેલાં એ વાત સમજી લીધી હતી કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે સત્તા અને સંપત્તિના કેન્દ્રીકરણનો રસ્તો ખૂલી જશે તથા કેન્દ્રિત સત્તા ને કેન્દ્રિત સંપત્તિ આખી માનવજાતને પોતાની ગુલામ બનાવી લેશે. એટલા માટે જ એમણે ગ્રામસ્વરાજનો અને વિકેન્દ્રીકરણનો વિચાર મૂક્યો. એમણે કહ્યું કે ભારતે જો પોતાનો વિકાસ અહિંસાની અર્થાત અ-શોષણની અને ન્યાયની દિશામાં કરવો હશે, તો તેણે ઘણીખરી ચીજોનું વિકેન્દ્રીકરણ કરવું પડશે. તેને બદલે જો કેન્દ્રીકરણ કરવામાં આવશે, તો તેને કાયમ રાખવા માટે અને તેની રક્ષા કરવા માટે હિંસાનો આશરો લેવો અનિવાર્ય બની જશે. અહિંસક સમાજરચના સ્વાવલંબી અને સ્વાશ્રયી ગામોના આધાર પર જ ઊભી કરી શકાય.” (શાહ, ૨૦૦૮, પૃ. ૨૦૭) કાંતિ શાહ 'હિંદ સ્વરાજ'ને 'સર્વોદયનું ઘોષણાપત્ર' કહે છે, એ કેટલું સચોટ અને સૂચક છે!


સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ, 'ચેતના' એટલે (૧) ચૈતન્ય; જીવનશક્તિ અને (૨) સમજશક્તિ. આ અર્થમાં આંખો ઝીણી કરીને ભાળીએ તો, 'હિંદ સ્વરાજ'માં ગાંધી જગ-જડતા સામે ગ્રામચેતના પ્રગટાવે છે. શરીરશ્રમ ભલે શહેરની શરમ હોય પણ ગામનો ધરમ હોય છે. ગાંધીના મતે પરસેવાનું એક જ કરમ હોઈ શકે : વહેતા રહેવાનું! આથી, તેઓ ભારપૂર્વક કહે છે : "હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે.” (પૃ. ૩૯) ગાંધીની ચિંતા 'આધુનિક સુધારા' સામે છે. તેમના મતે આ 'સુધારો' નહીં પણ 'કુધારો' છે. જે મુખ્યત્વે ગ્રામજગતનું ધનોત-પનોત કાઢી નાખવા પૂરતો સક્ષમ છે. ગાંધીનો વિરોધ યંત્રો સામે નહીં પણ યંત્રોની ઘેલછા સામે છે. ગામનું છત્ર, સત્ર અને તંત્ર વેરણ-છેરણ કરી નાખવું એ યંત્રની ટોળકીનો એક જ મંત્ર હોઈ શકે. ગામજનો હાથ-પગ હલાવતાં બંધ થાય એટલે છેવટે એમના હાથ-પગ તોડી શકાય! ગાંધીના 'હિંદ સ્વરાજ'ની ગ્રામચેતનામાં સંસ્કૃતિ અને સમભાવ, સ્વદેશી અને સ્વરાજ, સત્યાગ્રહ અને સર્વોદય સમાયેલાં છે. 'આર્યન પાથ' નામના અંગ્રેજી માસિકના સપ્ટેમ્બર, ૧૯૩૮માં પ્રગટ થયેલા 'હિંદ સ્વરાજ અંક' માટે મોકલેલા સંદેશામાં ગાંધીજી લખે છે: "વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં જે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો હતો." આજે ભારતનાં મોટાં ભાગનાં ગામડાં ગૂમડાં બની રહ્યાં છે ત્યારે, ગાંધીએ 'હિંદ સ્વરાજ' થકી પ્રગટાવેલી ગ્રામચેતનાથી સાચું ગ્રામ સ્વરાજ આવશે. અને એ રસ્તે આગળ ચાલવાથી ખરેખર હિંદ સ્વરાજ થશે.


ભારત ગામડાંમાં વસે છે, શ્વસે છે. જો કે, સમાચારપત્રો, સામયિકો, પુસ્તકો જેવાં મુદ્રિત; રેડિયો, ટેલીવિઝન, સિનેમા જેવાં દૃશ્ય-શ્રાવ્ય; ઇન્ટરનેટ અને સોશ્યલ નેટવર્કિંગ જેવાં નૂતન માધ્યમોની ભરમાર છતાં ગ્રામીણ સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ જોઈએ તેવું ઝિલાતું નથી. કૃષિ અને પશુપાલન સામે ઉદ્યોગોનું દબાણ, ખેતીલાયક જમીન અને ગોચરમાં ઘટાડો, મોસમમાં આવતાં અકલ્પનીય પરિવર્તનો, રાસાયણિક ખાતરોનું ભયજનક પ્રમાણ, બિયારણમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની ઇજારાશાહી, સિંચાઈ જળની અગવડ, ખેતપેદાશોના વેચાણ માટે પ્રતિકૂળ બજાર-વ્યવસ્થા, ખેડૂતોની વધતી જતી આત્મહત્યા, સંકોચાતી ગ્રામીણ બોલીઓ-ભાષાઓ, ગ્રામીણ સંસ્કૃતિ ઉપર શહેરીકરણનું આક્રમણ, જેવા અનેક સવાલો મોઢું ફાડીને ઊભા છે. આથી, આપણાં સાહિત્ય અને પત્રકારત્વમાં ગ્રામીણ ધબકાર સંભળાય એ અપેક્ષિત છે. આ સંજોગોમાં ગ્રામચેતના સંદર્ભે ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ સદાકાળ સાંપ્રત અને પ્રસ્તુત જણાય છે.

……………………………………………………………………………………………………………..

સંદર્ભ-સૂચિ



ગાંધી, મોહનદાસ કરમચંદ (૨૦૦૮). હિંદ સ્વરાજ (પહેલી આવૃત્તિ, ૧૯૨૨; પુનર્મુદ્રણ, ૨૦૦૮). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.


ગાંધી, મોહનદાસ કરમચંદ (૨૦૦૯). સત્યના પ્રયોગો અથવા આત્મકથા (પહેલી આવૃત્તિ, ૧૯૨૭; પુનર્મુદ્રણ, ૨૦૦૯). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.


મોદી, રમણ (૨૦૦૭). ગાંધીજીનું સાહિત્ય (પહેલી આવૃત્તિ, ૧૯૭૧; પુનર્મુદ્રણ, ૨૦૦૭). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.


શાહ, કાંતિ (૨૦૦૮). 'હિંદ સ્વરાજ’: એક અધ્યયન (પ્રથમ આવૃત્તિ, ૨૦૦૭; બીજી આવૃત્તિ, ૨૦૦૮). વડોદરા : યજ્ઞ પ્રકાશન સમિતિ.


શાહ, રમેશ બી. (૨૦૦૮). હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ. અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ.

સુહૃદ, ત્રિદીપ (૨૦૦૮). હિંદ સ્વરાજ્ય વિશે. વડોદરા : પૂર્વ પ્રકાશ.

Nigam, Aditya (2010). Gandhi – the 'Angel of History’: Reading Hind Swaraj Today. Ahmedabad: Gujarat Vidyapeeth.

……………………………………………………………………………………………………………..


સૌજન્ય : 'સમાજકારણ' (ISSN 2319-3522) (ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર) વર્ષ : ૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦

e.mail : ashwinkumar.phd@gmail.com

Loading

...102030...2,0412,0422,0432,044...2,0502,0602,070...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved