Opinion Magazine
Number of visits: 9573141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

– રહી જાય છે

રવીન્દ્ર પારેખ|Poetry|15 January 2021

આમ તો કાગળ 
કોઈકે કમાન કરી 
તો ઊડવાનું મન થયું
પણ
એકલો કાગળ તો ઊડે નહીં 
કે ન તો એકલી દોરી ચગે
કાગળને કમાન હોય
ને એને દોરી બંધાય તો કદાચ …
શું છે કે કેટલાય કાગળને 
કમાન મળે 
તો દોરી નથી મળતી
દોરી મળે તો બંધાતી નથી
બંધાય તો કોઈ
ઉઠાવતું નથી
ઉઠાવે તો હવા નથી હોતી
હોય તો એટલી
કે ફસ્કાવાનું જ થાય
ને એ બધું હોય 
ને આકાશ જ ન હોય તો …?
કેટલાય કાગળો એટલે 
ફડફડીને ઘરમાં જ –

0

e.mail : ravindra21111946@gmail.com

Loading

વણમાગી સલાહ ‘ઓકવા’નો રોગ

વીનેશ અંતાણી|Opinion - Opinion|15 January 2021

મને ડાયાબીટીસ છે એવી પહેલી વાર ખબર પડી, પછી થોડા દિવસે એક મિત્રની પુત્રીનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. તેના ઉદ્ઘાટન પછી આઈસક્રીમ આપવામાં આવતો હતો. મેં ‘ના’ પાડી. બાજુમાં બેઠેલા કવિ લાભશંકર ઠાકર બોલી ઊઠ્યા : ‘આઈસક્રીમની ના પાડો છો?’ મેં કારણ જણાવ્યું. એક વડીલ તરત જ મારે ડાયાબીટીસમાં શું કરવું અને શું ન કરવું એની ઢગલાબંધ સલાહ આપવા લાગ્યા. લાભશંકરભાઈ ગુસ્સે થઈ ગયા. પૂછ્યું: ‘તમને ડાયાબીટીસ છે?’ વડીલે ના પાડી. લાભશંકરે કહ્યું : ‘તો પછી શા માટે વણમાગી સલાહ આપવા બેઠા છો? એણે તમારી સલાહ માગી?’

વણમાગી સલાહ આપવાની મનોવૃત્તિ ધરાવતા લોકોને એમાં કશું અયોગ્ય લાગતું નથી. તેઓ સામેની વ્યક્તિના અંગત ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે, એવો વિચાર પણ એમને આવતો નથી. તેઓ માને છે કે એમની સલાહ પ્રમાણે ચાલવાથી આ સંસાર સુનિયોજિત ઢબે ચાલશે. આવા લોકો સામેની વ્યક્તિની નિર્ણયશક્તિ અને ડહાપણનો અસ્વીકાર કરે છે. તેઓ બીજી વ્યક્તિના વિચારો, લાગણી, સંજોગો કે એની સમજણને સ્વીકારવા તૈયાર હોતા નથી. એમને ‘સલાહો’ ઓકવાનો રોગ હોય છે.

ઘણા લોકો માટે વણમાગી સલાહ આપવાની પ્રવૃત્તિ ‘ટાઈમ પાસ’ હોય છે. તેઓ આ જગતમાં ઊભી થનારી બધી પરિસ્થિતિઓનો હલ જાણતા હોય છે. ટ્રેનમાં, બસમાં કે લોકો ભેગા થયા હોય ત્યાં; કોઈ પણ ઓળખાણ વિના આ નિષ્ણાતો સલાહ આપવા લાગે છે. એક બાળક ટ્રેનમાં તોફાન કરતું હતું; ત્યારે સલાહ આપવાના આજન્મ ભેખધારી એક ‘મહાત્મા’ બાળકની માતાને, કોઈ પૂર્વ ઓળખાણ વગર, બાળઉછેર વિશે જાતજાતની સલાહનો વરસાદ વરસાવવા લાગ્યા. એક ભાઈ બીમાર મિત્રને મળવા હૉસ્પિટલમાં ગયા. ડૉક્ટરના ‘પ્રિસ્ક્રીપ્શન’થી જૂદી સલાહ આપવા લાગ્યા. ડૉક્ટર આવ્યા. પેલા ભાઈએ ડૉક્ટરને યોગ્ય ટ્રીટમેન્ટ માટે સલાહ આપવાનું શરૂ કર્યું. સાસુ-વહુના સમ્બન્ધમાં સલાહ આપનાર બહેનોનું ટોળું બહુ મોટું હોય છે.

બાળકો મોટાં થાય ત્યાં સુધી સલાહો સાંભળીને થાકી જાય છે. ફિલોસોર રૂસોએ વ્યક્તિ અને સમાજના સંબંધના સંદર્ભમાં કહ્યું છે: ‘દરેક વ્યક્તિ જન્મે ત્યારે સ્વતંત્ર વ્યક્તિ હોય છે; પરંતુ પછી એ અનેક સલાહની સાંકળોથી બંધાતી જાય છે.’ દરેક વ્યક્તિ પુખ્ત થયા પછી આ સાંકળના બંધનમાંથી મુક્ત થવા માગે છે; પરંતુ વણમાગી સલાહ આપનારા લોકો એમને છૂટવા દેતા નથી. સલાહકારોની પડીકી તૈયાર જ હોય છે – બાળકો માટે આ, ગૃહસ્થ જીવન માટે આ, વૃદ્ધાવસ્થા માટે આ પડીકી.

મેં ગ્રેજ્યુએશન માટે મુખ્ય વિષય તરીકે ‘ગુજરાતી સાહિત્ય’ મુખ્ય વિષય રાખ્યો. મારા માતૃપક્ષના દૂરના સગા, અર્થશાસ્ત્રના પ્રૉફેસર હતા. એમણે કહ્યું: ‘તું ગુજરાતી લઈને શું ઉકાળશે? વધારેમાં વધારે પંતુજી થઈશ.’ મારા પિતાજી આજન્મ શિક્ષક હતા. એ ગમ ખાઈ ગયા; પરંતુ મારી બાએ કહ્યું: ‘વીનુએ બહુ વિચારીને નિર્ણય લીધો હશે. અમે ય એમાં માથું મારતાં નથી.’ એ મુરબ્બીએ મારા પિતાજીની લાગણીનો વિચાર કર્યો નહોતો. એવા લોકો ક્યારેક અજાણતાં જ અન્ય વ્યક્તિનું અપમાન કરી બેસે છે.

સાદોસીધો વણલખ્યો નિયમ છે : ‘સલાહ માગવામાં આવી હોય અને અનિવાર્ય હોય તો જ આપવી જોઈએ.’ વણમાગી સલાહ આપનાર વ્યક્તિ નિકટની સંબંધી હોય તો એની સલાહનો અમલ કરવામાં આવતો નથી, તે જોઈને એ હર્ટ થાય છે. અંગત પરિવારમાં, મિત્રોમાં, સંબંધોના બૃહદ્દ વર્તુળમાં આવા પ્રકારની લાગણીથી સંબંધ વણસે છે. એક બહેને કહ્યું છે: ‘આવા વખતે હું સ્મિત કરતી રહું છું, દાંત દબાવી, માથું હલાવ્યા કરું છું અને મનોમન ભગવાનને પ્રાર્થના કરું છું કે આ વ્યક્તિ હવે બોલતી બંધ થાય તો સારું.’

કોઈએ વણમાગી સલાહ આપતા લોકોને જણાવ્યું છે: ‘મારી જિંદગીનું ચાલકબળ હું છું, તમે તો આગંતુક નિરીક્ષક છો. તમે મારા વિશે કશું જાણતા નથી, અધૂરી માહિતીના આધારે અનુમાનો કરો છો, તમે મારી ચિંતા છોડી દો; તમારી ચિંતા કરો.’ વણમાગી સલાહકારોથી કંટાળેલા એક જણે કહ્યું: ‘તમે મને સલાહ આપવા ઉત્સુક હો તો હાથ ઊંચો કરો અને પછી એ હાથથી તમારું મોઢું બંધ કરો.’

જો કે ‘વણમાગી સલાહ ‘ન’ આપવાની ‘સલાહ’ આપવી એ પણ; ‘એક જાતની ‘વણમાગી સલાહ’ જ છે ને?!!’

••••

વીનેશભાઈ પરિચયના મોહતાજ નથી. ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની રવિવારીય પૂર્તિ ‘રસરંગ’માં એમની કૉલમ ‘ડૂબકી’ શીર્ષકથી પ્રકાશિત થાય છે. આ લેખ તા. 02-12-2018ની ‘રસરંગ’ પૂર્તિના પાન બે પરથી લેખકશ્રીની પરવાનગીથી અને ‘દિવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર …. 

@@@

લેખકસમ્પ ર્ક : (vinesh_antani@hotmail.com)

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’- વર્ષ : સોળમું – અંક : 470- January 17, 2021

Loading

સમકાલીન શા માટે ? એક મેગ્ના કાર્ટા

હસમુખ ગાંધી, હસમુખ ગાંધી|Opinion - Opinion|15 January 2021

પત્રકાર મહર્ષિ હસમુખ ગાંધીના માનસસંતાન અને ઇતિહાસસર્જક આધુનિક ગુજરાતી અખબાર 'સમકાલીન'ની આજે [14 જાન્યુઆરી 2021] 38મી વર્ષગાંઠ. એ નિમિત્તે 'સમકાલીન'નો પ્રથમ તંત્રીલેખ સાદર:

•

ભણકારા વાગતા હતા. હવે પડો વજડાવીએ છીએ. સાદ સાંભળજો. નરીમાન પૉઇન્ટ પર ઍક્સપ્રેસ ટાવર્સમાંથી ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ જૂથનું ગુજરાતી દૈનિક આજથી, 14મી જાન્યૂઆરી, 1984થી પ્રસિદ્ધ થઈ રહ્યું છે. દૈનિકનું નામ છે ‘સમકાલીન’.

એક વધુ ગુજરાતી અખબારની, ‘સમકાલીન’ની, શી જરૂર? ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં તેમ જ પરદેશોમાં (જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત) ફેલાયેલા સાત કરોડ ગુજરાતીઓ માટે ગુજરાતી દૈનિકોની માત્ર દસ લાખ નકલ છપાય છે. અંગ્રેજી દૈનિકના પૂરક (કૉમ્પ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી) દૈનિક તરીકે નહીં પણ વિકલ્પ તરીકે અથવા સમાંતર દૈનિક તરીકે ઊભા રહેવાના ‘સમકાલીન’ને કોડ છે.

છાપાળવી ભાષા, પ્રાદેશિક બોલી, ચીલાચાલુ પ્રયોગો, વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલ્સનો ભંગ કરતાં લખાણો, ન સમજાય તેવાં વાક્યો, જોડણીને કૂટી મારતા શબ્દો : આ બધાંને ચાતરી જવાની ‘સમકાલીન’ની નેમ છે. કોઈ એક જિલ્લાનું મુખપત્ર બની રહેવાને બદલે બૃહદ્દ ગુજરાતને ‘સમકાલીન’ ધ્યાનમાં રાખશે. ઉમાશંકરની ‘ગુજરાત મોરી મોરી’ને, નર્મદની ‘ગરવી ગુજરાત ’ને અને ગુજરાતનો નાથ આલેખનાર કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતની અસ્મિતા’ને ‘સમકાલીન’ સલામ કરે છે. દોહ્યલી ગુજરાતવાળા મહાત્મા ગાંધી, લોખંડી વલ્લભભાઈ પટેલ અને શહીદ બળવંતરાય મહેતાએ ગુજરાતને બક્ષેલા ગૌરવનું ‘સમકાલીન’, પક્ષાપક્ષીથી દૂર રહીને, જતન કરશે.

ગુજરાતીઓએ દેશભરમાં અને જગતભરમાં દરેક ક્ષેત્રમાં નામના કાઢી છે. વિજ્ઞાનથી માંડીને હોટેલ-મોટેલ સુધીનાં તમામ ક્ષેત્રે ગુજરાતીઓ અગ્રેસર રહ્યા છે. હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ જેવાં નામો ભારતીય વિજ્ઞાનની પ્રગતિનાં સીમાચિહ્નો છે. ગુજરાતની સહકારી મંડળીઓ અને પંચાયત દેશમાં નમૂનેદાર ગણાય છે. ગોપાલક કૃષ્ણની વિહારભૂમિ ગુજરાતે સમગ્ર ભારતને ડેરીઉદ્યોગની તાલીમ આપી છે. દેશનાં ઉદ્યોગપ્રધાન રાજ્યોની હરોળમાં પહેલે નંબરે બેસવા માટે ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે.

‘સમકાલીન’ ગુજરાતી વાચકોની આકાંક્ષાઓ અને તેમનાં જીવનમૂલ્યોનું દર્પણ બની રહેશે. વાચકોની શ્રદ્ધેયતા અને વિશ્વસનીયતા ટકાવી રાખવા ‘સમકાલીન’ આકાશપાતાળ એક કરશે.

‘સમકાલીન’ આ દેશના સૌથી મોટા અખબારી પરિવારનું સભ્ય છે. 50 વર્ષ પહેલાં ગાંધીજીની પ્રેરણાથી ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’નું મદ્રાસ ખાતેથી પ્રકાશન શરૂ થયું હતું. એ વખતે બધાં અંગ્રેજી અખબારો અંગ્રેજી સલ્તનતની આરતી ઉતારતાં હતાં. ‘ઇન્ડિયન ઍક્સપ્રેસે’ હમેશાં સ્વતંત્રતાનો ઝંડો ઉપાડ્યો છે અને દુ:શાસન સામે બગાવત કરી છે. અબ્દુલ રહેમાન અંતુલેના પ્રતિષ્ઠાન અને સિમેન્ટની તેમણે કરેલી લહાણી વચ્ચેની કડી (નેક્સસ) ઍક્સપ્રેસે પ્રસ્થાપિત કરી હતી. જૂન, 1975થી માર્ચ, 1977 સુધી નાગરિકો અને અખબારો પર વીંઝાયેલા કટોકટીના કોરડા સામે 'ઇન્ડિયન ઍક્સપ્રેસ’ અડીખમ ઊભું હતું. ‘સમકાલીન’ આ ટિમ્બરનું બનેલું છે. ભાંગી જશે પણ વળશે કે ઝૂકશે નહીં, ચંડીગઢથી મદુરાઈ સુધી વિસ્તરેલા ઍક્સપ્રેસ વારસા બદલ ‘સમકાલીન’ મગરૂર છે. તમિળ, તેલુગુ, કન્નડ, મરાઠી અને ગુજરાતીમાં ઍક્સપ્રેસનાં આઠ દૈનિક નીકળે છે. ઍક્સપ્રેસના ભાષાકીય દરબારમાં ‘સમકાલીન’ નવમું રત્ન છે.

વાચકો કે પાઠકો જ અખબારના અડીખમ રખેવાળો છે. અખબાર આડુંતેડું, વાંકુંચૂંકું ચાલવા લાગે ત્યારે ગાડીતની જેમ એને પરોણી મારવી એ જાગરૂક વાચકોનો ધર્મ છે. પ્રિય વાચક, સુજ્ઞ પાઠક, ‘સમકાલીન’ને સીધે રસ્તે ચલાવવાની ફરજ આપની છે. પ્રિય ‘સમકાલીન’ને જરૂર પડ્યે ટપારવું, એને ઝોંકો વાગે તો તે ઉતારવો, એને નજર લાગે તો મરચાંનો વઘાર કરવો એ જવાબદારી, પ્રિય વાચક, આપની છે. આ વર્જિન પત્ર આપની અનામત છે.

‘સમકાલીન’ નવા જમાનાનું મૉડ દૈનિક છે. ‘સમકાલીન’ સમય સાથે કદમ મિલાવશે. સમકાલીનનો અર્થ થાય છે કૉન્ટેમ્પરરી. ‘સમકાલીન ખરેખર કૉન્ટેમ્પરરી હશે.

ગુજરાતી અખબારોમાં ‘સમકાલીન’ અનોખી ભાત પાડશે. ‘સમકાલીન’ ગુજરાતીઓનું, ગુજરાતીઓ માટેનું અખબાર છે. મુંબઈ એનું વડું મથક છે, એટલે મુંબઈગરાની સમસ્યાઓને એ પડઘાવશે.

‘સમકાલીન’ વેપારી વર્ગને ખાસ લક્ષમાં રાખશે. શૅરબજાર, કૉમોડિટીઝ, સોનું-ચાંદી, કસ્ટમ્સ, આયાત-નિકાસ, યુનિટ ટ્રસ્ટ, કાપડથી માંડીને લોખંડબજાર, દૂધથી શરૂ કરીને ઘાસના અને પસ્તીના તેમ જ સિંગતેલથી માંડીને ખાંડ સુધીની પ્રત્યેક જણસના ભાવ, ભાવની ચઢઊતર, બજારોના પ્રવાહોનું બારીકીભર્યું અવલોકન અને કૉમર્સ બિઝનેસ ફાઇનાન્સ કે ઇન્ડસ્ટ્રીઝનાં તમામ ક્ષેત્રોને ‘સમકાલીન’ વામનનાં ત્રણ વિરાટ પગલાંની જેમ આવરી લેશે. અર્થકારણના નિષ્ણાતો ‘સમકાલીન’માં વેપાર, મૂડીરોકાણ, કરવેરા અને બજારોનાં વહેણ વિશે નુક્તેચીની કરશે. ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ જૂથના માતબર આર્થિક દૈનિક ફાઇનાન્શિયલ ઍક્સપ્રેસનું ‘સમકાલીન’ને મોટું પીઠબળ રહેશે.

ગુજરાતભરનાં કેન્દ્રોમાંથી ‘સમકાલીન’ ગુજરાતના સમાચાર મેળવશે. ઍક્સપ્રેસ જૂથનાં જનસત્તા (અમદાવાદ, રાજકોટ) અને લોકસત્તા (વડોદરા) દૈનિકોનાં તમામ સાજ-અસબાબ ‘સમકાલીન’ને સમૃદ્ધ બનાવશે. ઍક્સપ્રેસની અમદાવાદ આવૃત્તિની પણ તેના તમામ સંવાદદાતાઓ સાથે ‘સમકાલીન’ને મોટી ઓથ રહેશે.

દેશભરમાં અને વિદેશોમાં ફેલાયેલા ઍક્સપ્રેસ ન્યૂઝ એજન્સીના વિશાળ નેટવર્કનો ‘સમકાલીન’ને લાભ મળશે.

‘સમકાલીન’નું કમ્પોઝિંગ આધુનિક ફોટોકમ્પોઝિંગ (કમ્પ્યૂટરો) દ્વારા થશે અને તેનું મુદ્રણ છેક અત્યાધુનિક ઑફ-સેટ પદ્ધતિથી થશે. તસવીરો (કેટલીક તો અનેકરંગી) અને કળાત્મક લે-આઉટ ‘સમકાલીન’ને સમયની સાથે રાખશે.

ગુજરાતના ચુનંદા લેખકો, પત્રકારો અને કટારલેખકોની ફોજ ‘સમકાલીન’ના વાચકોને બની રહેલી ઘટનાઓની પાર્શ્વભૂમિકા તથા સમીક્ષા પૂરી પાડશે. ઊંડાણ અને પૅલેટેબિલિટી (ભાવે તેવું, શીરાની જેમ ઝટ ગળે ઊતરી જાય તેવું) એ ‘સમકાલીન’ કૉમેન્ટનો મુદ્રાલેખ છે. ‘સમકાલીન’ ન્યૂઝ અને વ્યૂઝના સમતોલ, સોનેરી-રૂપેરી તાણાવાણાથી, કાર્ટૂન અને કૉમિક્સથી વાચકોને મંત્રમુગ્ધ કરશે. પ્રથમ નજરે પ્રેમ કરવા માટે ‘સમકાલીન’ ગુજરાતી વાચકો ભણી હાથ લંબાવે છે.

(પ્રકાશન તારીખ : 14-1-1984)

Loading

...102030...2,0242,0252,0262,027...2,0302,0402,050...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved