Opinion Magazine
Number of visits: 9572881
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પળ અકળ

દેવિકા રાહુલ ધ્રુવ|Opinion - Opinion|4 February 2021

જન્મની પળ કંઈ એવી અકળ અહીં,
પહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં. 
ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.
કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય ..
રોજ રોજ પાના તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી ..
પણ પહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં .…. ….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
 
અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.
શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર ..
સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,
તો ય પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં .……….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં ..
 
ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાં ય રાખી, ના કોઈને કીધી.
લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.
છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી ..
આખરી પળ પણ એવી અકળ અહીં ………………… પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.

e.mail : ddhruva1948@yahoo.com

Loading

દલિતજીવનનો અધિકૃત દસ્તાવેજ : ‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’

નટુભાઈ પરમાર|Opinion - Opinion|2 February 2021

‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’ લેખક – કર્મશીલ – અનુવાદક અને આજીવન શિક્ષક એવા નડિયાદનિવાસી કાન્તિભાઈ મકવાણાની જીવનસફર વર્ણવતું પુસ્તક છે.

કાન્તિભાઈ કહે છે કે તેમની આ જીવનસફરના આલેખનનો ઉદ્દેશ તેમના સમયનો, ત્યારના સામાજિક જીવન – રીતરિવાજોનો વર્તમાન અને ભવિષ્યની પેઢીને એક સંદર્ભ સંપડાવવાનો અને તેની સરખામણીએ વર્તમાન પેઢી ક્યાં ઊભી છે અને તેનું ભવિષ્ય કેવું હશે, તેનો એક અંદાજ પૂરો પાડવાનો છે. તો તે સાથે જ આ જીવનસફરનું સંકલન-સંપાદન કરનાર જાણીતા પત્રકાર-લેખક બીરેન કોઠારીનો મત છે કે, લેખક કાન્તિભાઈની જીવનસફરનો માર્ગ ઊબડખાબડ અનેક ચડાવઊતારથી – કાંટાઓ સાથેનાં ફૂલોથી સભર છે અને તે જ તેમણે આલેખ્યું છે.

લેખક અને સંપાદક બે ય તેમનાં આ નિવેદનોમાં સાવ સાચા છે, તેની પ્રતીતિ, ‘જ્યોં કી ત્યોં ઘર દીની ચદરિયા’માંથી પસાર થનાર હર કોઈને થશે.

ત્રણ વિભાગો હેઠળ બાવીસ પ્રકરણોમાં પથરાયેલ, ચિત્રો-પ્રશસ્તિપત્રો સાથેના બસ્સો જેટલાં પૃષ્ઠોમાં સમાયેલ આ જીવનગાથા, ખેડા જિલ્લાના ચરોતર પ્રદેશના દલિતજીવન અને વિશેષ કરીને લેખક જે સમાજમાંથી આવે છે, તે વણકરોનાં દોહ્યલાં જીવનનો પણ પરિચય કરાવે છે.

જીવનસફર લખનાર ખુદ દલિત હોય ત્યારે જાતિવાદી પીડાની લોહીઝાણ વેદનાઓ જે એણે વેંઢારી છે, તેનો ને તેમાંથી તેને મુક્તિ અપાવનારા મુક્તિદાતા ડૉ. ભીમરાવ આંબેડકરનો ઉલ્લેખ એના લેખનમાં સહજપણે વણાતો જતો હોય છે.

માતા-પિતાએ વેઠેલી જાતિગત વેદનાનો વારસો કાન્તિભાઈ સુધી પણ પહોંચેલો છે. લેખક ટુંડેલની પ્રાથમિક શાળામાં હતા, ત્યારે કેવી હતી એ સમયની સામાજિક પરિસ્થિતિ ? લેખક લખે છે : ‘ગામમાં આભડછેટનું રાજ હતું. કોઈ પણ દલિતને ગામમાંથી પસાર થતી વખતે ફરજિયાત ટોપી પહેરવી પડતી. ગામ વચ્ચેથી સાઇકલ પર બેસી દલિત નીકળી શકતો નહીં. સાઇકલ દોરીને જ જવું પડતું. ગામનાં મંદિરોમાં દૂર ઊભા રહીને જ દલિતોએ દર્શન કરવા પડતા. દુકાને દૂર ઊભા રહીને જ ખરીદી કરવી પડતી. ભૂલેચૂકે કોઈ (દલિત) આગળ સહેજ વધી જાય, તો ગાળો સાંભળવી પડતી …. અમારા ગામના ભાથીજી મંદિરના તળાવના આરા પર દલિતોને કપડાં કે વાસણ ધોવાની છૂટ ન હતી ….. હું શિયાળામાં સ્કૂલે જવા ગામમાંથી પસાર થતો, ત્યારે ગામના ઉજળિયાતો જો સામે મળી જતા તો એવી હાડ થીજવી દેતી ઠંડીમાં ય મને જોતાંવેંત તેઓ તેમની જાતને મારાથી દૂર કરી દેતા.’

૪-૪-૧૯૪૪ના રોજ ટુંડેલ(તાલુકા નડિયાદ, જિલ્લા ખેડા)માં જન્મેલા કાન્તિભાઈને જીવનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહામાનવનો પ્રથમ પરિચય થયો, જ્યારે તેઓ બાર વર્ષના હતા. એ દિવસ હતો ૬ ડિસેમ્બર, ૧૯૫૬ – ડૉ. બાબાસાહેબ નિર્વાણદિન. કાન્તિભાઈ લખે છેઃ ‘પિતાજી સાંજે મિલમાંથી ઘેર આવ્યા ને મહોલ્લાના સૌને તેમણે ભેગા કર્યા ને કહ્યું કે આપણા પછાત વર્ગના મહાન નેતા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અવસાન થયું છે અને તે નિમિત્તે મિલમાં આજે કામ બંધ છે. બસ આ વાત મેં પહેલી વાર સાંભળી ને મને બહુ જિજ્ઞાસા થઈ આવી કે કોણ હશે આ ડૉ. બાબાસાહેબ આંબેડકર ?’

બાર વર્ષની સાવ કિશોર વયે ઘર કરી ગયેલી એ જિજ્ઞાસા લેખક જ્યારે આજે ઉંમરના ૭૭માં વર્ષના પડાવે ઊભા છે, ત્યારે કેવો રંગ લાવી છે ? લેખકને એણે કઈ હદે પ્રેરિત કર્યા છે ? તેનો એક સુરેખ આલેખ આપણને કાન્તિભાઈની જીવનકથામાંથી મળે છે.

૧૯૬૬માં ૨૧ વર્ષની યુવાન વયે અમદાવાદના સરકારી પ્રેસમાં ક્લાર્કની નોકરી મળી ને એ નિમિત્તે અમદાવાદની આંબેડકરમય ચાલીઓમાં રહેવાનું થયું અને અહીં યોજાતા મેળાવડાઓમાં ડૉ. આંબેડકર અને આંબેડકરીય – દલિતસાહિત્યનો કાન્તિભાઈને વિશેષ પરિચય મળ્યો. લેખક એ હદે આંબેડકરીય વિચારધારાને અનુસરતા ગયા કે બાબાસાહેબના દળદાર પુસ્તકનો ‘જીવનસંઘર્ષ’ હેઠળ ગુજરાતી અનુવાદ, ધ્યાનસંદેશ ભાલેકરના પુસ્તકનો વધુ એક અનુવાદ ‘આંબેડકર : ઓશોની આંખે’, જ્યોતિબા ફુલે પરના પુસ્તકનો અનુવાદ, બુદ્ધ વિચાશરણીને વ્યક્ત કરતું સ્વતંત્ર પુસ્તક ‘મંગલપથ’ સુધી એમની આ શબ્દયાત્રા પહોંચી. લેખનથી જ નહિ અટકીને એક સાચા દલિત કર્મવીર-કર્મશીલ બની ચૂકેલા કાન્તિભાઈએ, ૧૪ એપ્રિલ, ૧૯૭૩ – ડૉ. બાબાસાહેબના જન્મદિને એમના નાના એવા ગામ ટુંડેલમાં, ખુદ બાબાસાહેબના જ્યેષ્ઠ પુત્ર એવા ભૈયાસાહેબ – યશવંતરાવને નોતર્યા ને તેઓ આવ્યા પણ !

આંબેડકરી આદર્શોને વરેલા છોટુભાઈ બુદ્ધિસ્ટ નામના ગામના સજ્જનનું પણ લેખકના વિચારોના ઘડતરમાં બહુમૂલ્ય યોગદાન છે.

ક્લાર્કની નોકરી છોડી શિક્ષક બનેલા ને તે પછી આજીવન શિક્ષક જ રહેલા કાન્તિભાઈએ, સ્વજનોની વિદાય, પારિવારિક આફતો, આર્થિક બેહાલીના એ દિવસોમાં પણ સમાજ માટે કંઈ કરી છૂટવાના ધ્યેય સાથે, પરિવાર કે સમાજસેવા એવા બે વિકલ્પો વચ્ચે માર્ગ કાઢતા રહી, સમાજ પ્રત્યેના પોતાના દાયિત્વને જે કુનેહ અને જુસ્સા સાથે નિભાવ્યું છે, ખરેખર તો તેની આ કથા છે, જે નવી દલિત પેઢીને પ્રેરણાદાયી છે.

વતનના ગામે ભાદરવા સુદ ચૌદશે, ગામની પરિક્રમા અને મહાયજ્ઞનો રિવાજ. એ માટેનાં લાકડાં એકઠાં કરવાનું કામ પરંપરાથી ગામના વણકરોએ કરવાનું રહેતું. આવા જ એક દિવસે ૧૯૬૫માં ૨૧ વર્ષની ધગધગતી યુવાન વયે આગેવાની લઈને આ કામનો ઇન્કાર કર્યો. પરિણામ, વણકરો તમામનો બહિષ્કાર, તીક્ષ્ણ હથિયારોથી હુમલો ને ભર્યાભાદર્યાં ઘર, ખેતર, ખોરડાં છોડીને રાતોરાત વણકરોની ટુંડેલથી નડિયાદ હિજરત. પોલીસ-ફરિયાદ, વિધાનસભા સુધી આ બનાવનો પડઘો અને જીવસટોસટના સંઘર્ષ પછી-સરકારી ખાતરી પછી વતનના ઘરે સૌની વાપસી.

આ સનસનીખેજ ઘટના આ યુવાન એના આવનાર જીવનમાં શું કરવાનો છે યા શું કરી શકે તેમ છે ? તેનો જ અણસાર આપતી હતી.

ત્યારે એ દિવસો હતા જ્યારે સામાજિક રીતે નિઃસ્વાર્થભાવે સક્રિય રહેનારાઓની શાસકો, અધિકારીઓ ને રાજકારણીઓ પણ નોંધ લેતા. કાન્તિભાઈની સક્રિયતાને કારણે ‘ખેડા જિલ્લા શિક્ષણ સમિતિ’માં તેઓ કોઑપ્ટ સભ્ય નિમાયા અને આ સંસ્થાના મુખપત્ર ‘શિક્ષણ સુવાસ’ના સંપાદક પણ નિમાયા. એમની આ સક્રિયતાની કૉંગ્રેસી આગેવાનોએ વિશેષ નોંધ લઈ એમને કૉંગ્રેસ પક્ષમાં જોડ્યા, રાજ્ય સ્તરના પ્રાથમિક શિક્ષણ બોર્ડના બિનહરીફ સભ્ય બનાવ્યા અને ૧૯૮૧માં ગુજરાત રાજ્યમાં જ્યારે સૌપ્રથમ વાર ‘ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ’ની રચના થઈ, ત્યારે ત્યાં પણ તેમની બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં નિયુક્તિ થઈ. જ્યાં કાન્તિભાઈએ ૧૯૮૧થી ૧૯૯૦નો પૂરો દાયકો નિષ્ઠાભરી સમાજસેવા બજાવી.

પોતાના ભાઈઓ એવા વણકરો માટે વતનના ગામે ગાલીચા વણાટકેન્દ્રને ભારે આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે ચલાવ્યું ને તેની જમીન હજી હમણાં ૨૦૧૯માં સરકારશ્રીને અનુદાનમાં આપી દઈને તેમણે સમગ્ર દલિતસમાજના છાત્રો માટેના છાત્રાલયનો માર્ગ મોકળો કરી આપ્યો છે.

જીવનકથા લખવાને પૂરતા એવા અનુભવો સાથે એક પક્વ ઉંમરે તેને લખી રહેલા લેખક, સમાજબંધુઓની સેવા કરવાને ઊભી થતી સંસ્થામાં પત્ની શારદાબહેને પોતાના ઘરેણાં ગીરવે મૂક્યાં, નોકરી નહિ મળતા આ ગાલીચાકેન્દ્રને તૂટતું નહિ બચાવી શકેલા દીકરા નિરંજનની અણધારી વિદાય, પોલિયોગ્રસ્ત પુત્રને કારણે પૂરા પરિવારની વ્યથા, ઑસ્ટ્રેલિયા જઈ વસેલા ને ‘કલર્સ ઑફ ડાર્કનેસ’ (રંગભેદ / જાતિવાદને juxtapose કરતી) ફિલ્મ દ્વારા આંતરરાષ્ટ્રીય સન્માન પામેલા ગિરીશ મકવાણાના એ ઓચ્છવમાં સપરિવાર હાજરી, છેક લંડન જઈ ત્યાંના દલિત સમુદાયની રેલીમાં ઉપસ્થિતિ, નાટક-ટી.વી. વાર્તાલાપો-કવિતા ને અનેક પુસ્તકો દ્વારા અવિરત રહેલી સર્જનયાત્રા, મળેલ સન્માનો – પુરસ્કારો, ‘હિન્દછોડો ચળવળ’ના એક લડવૈયા એવા પિતા, ઘરના ખૂણે ઘંટી પર અનાજ દળતી વાત્સલ્યમૂર્તિ મા, ભાઈઓ-બહેનો, દાદા-દાદી સાથે લેખકનાં સંસ્મરણો તેમ જ સ્વતંત્રતા પછી તરત ૩૦ મે, ૧૯૪૭ના રોજ રચાયેલા ‘ચરોતર વણકર સમાજ’ના બંધારણ, તેની જોગવાઈઓ અને તેની આજની પરિસ્થિતિ વિશેનાં અવલોકનો પણ અહીં વાચનક્ષમ અને ધ્યાનાકર્ષક બની રહ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુરા ગામે ૧૯૭૪ની ૨૨ જૂને બનેલા જઘન્ય દલિત-અત્યાચારના સ્થળની કેતન મહેતા (‘ભવની ભવાઈ’ ફેમ), મનીષી જાની, રૂપા મહેતા અને પત્ની શારદા સાથે મુલાકાત લઈ, ત્યારે નવા-નવા શરૂ થયેલા દૂરદર્શન કેન્દ્ર (પીજ-નડિયાદ) દ્વારા તેની વ્યાપક પ્રસિદ્ધિ અને દલિતજાગૃતિ ક્ષેત્રે કાન્તિભાઈએ જે યોગદાન આપ્યું છે, તે ચિરસ્મરણીય છે. કાન્તિભાઈ દારૂબંધી અને કુરિવાજો સામે પણ લડનારા આજીવન યોદ્ધા છે.

જોસેફ મેકવાન, રમણ માધવ, અનિલ વાઘેલા, રમણ મેકવાન, શૈલેષ ક્રિસ્ટી, રમણ નડિયાદી, હરીશ મકવાણા, હસમુખ વાઘેલા જેવા અનેક સર્જકોએ ખેડા જિલ્લો અને ખાસ કરીને ચરોતરી પ્રદેશને તેમના સર્જનમાં રજૂ કર્યો છે. કાન્તિભાઈ મકવાણા તે માંહેના જ એક છે. આ લખનાર પોતે પણ ખેડા જિલ્લાનો મૂળ વતની હોઈ, કાન્તિભાઈની આ કથા વાંચવાનો અને તેના વિશે કંઈક લખવા તેનો ઇરાદો બન્યો !

હમાર મારવી, પંજેઠી, કરકુંવાસીઓ, ફડચિયું, વળગણી, નેયો જેવા ચરોતરી લોકબોલીના અનેક શબ્દો આ જીવનકથામાં સહજ પ્રયોજાયા છે.

જીવનકથાના લેખક આંબેડકરીય આદર્શોને વરેલા છે અને બૌદ્ધધર્મ પર એમણે ‘મંગલપંથ’ પુસ્તક લખ્યું હોવા છતાં, પોતે બૌદ્ધધર્મ સ્વીકારવાના નથી, તેવી હિંમતભરી સ્પષ્ટતા પણ કરે છે ! લેખકના પૂરા જીવનમાં નડિયાદ સ્થિત સંતરામ – મંદિર અને તેના સંતોનો ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે, જે આજ પર્યંત જળવાઈ રહ્યો છે. દીકરી મનીષાનાં લગ્ન પણ આ મંદિરમાં જ લેવાયાં હતાં. વારતહેવારે એમના ઘરે સંતોની ઉપસ્થિતિ થતી રહે છે.

દલિતોમાંથી અને વિશેષ કરીને વણકરોમાંથી મોટા પાયે ખ્રિસ્તીધર્મમાં ધર્માંતર થયું એમાં ખેડા જિલ્લો મોખરે રહ્યો છે. એનાથી લગ્નો વખતે ઊભી થતી સામાજિક સમસ્યાને પણ વર્ણવવાનું લેખક ચૂક્યા નથી. તેઓ લખે છે : ‘અમારી દીકરી મનીષાના સંબંધ માટે અમે તપાસ શરૂ કરી હતી, પણ ચરોતરનાં મોટા ભાગનાં વણકર કુટુંબોએ ખ્રિસ્તી ધર્મ અપનાવેલો હતો, તેથી હિન્દુ વણકર એક રીતે લઘુમતીમાં હતો.’ આગળ લખે છે : ‘વણકરસમાજ પર ખ્રિસ્તી-ધર્મનો દબદબો વધતો ચાલ્યો. વણકરસમાજ તૂટતો ગયો. વણકર આગેવાનોની સમાજ પરની પકડ ઢીલી થતી ગઈ’. લેખક એમ પણ લખે છે કે, ‘મારા ગામમાં ખ્રિસ્તી ધર્મ ખાસ પ્રવેશી શક્યો નહિ. અહીં લોકોમાં હિન્દુ ધર્મની ભાવનાને ટકાવી રાખવાનું પુણ્ય અહીંના નેકદિલ અને સાચા ભક્તિભાવને વરેલા પ્રવાસી સાધુ-સંતોને જાય છે.’

સંતરામ મંદિરના સંતો અને દલિત-સમુદાયની વિટંબણાઓ પરના લેખકના પુસ્તક ‘સમરસતાનું સરનામું : શ્રી સંતરામ મંદિર’ને આજે પણ વ્યાપક આવકાર મળેલો છે. આ સંતોએ દલિત-સમુદાયને સમયે-સમયે જે હામ પૂરી પાડેલી તેની વિગતો પણ આ પુસ્તકમાં છે.

આભડછેટના કારણે ગામની શાળામાં દલિત બાળકોને પ્રવેશ નહોતો મળતો ત્યારે ય, મિશનની શાળામાં પ્રવેશ આપવા આવેલા શિક્ષકને ‘માસ્તર, હું ખ્રિસ્તી નથી’, એવું બાળવયે પણ લેખક કહી શકેલા ! (પૃષ્ઠ-૨૬) ને તે સાંભળી હિન્દુપરંપરાને વરેલા પરિવારના મોભી એવા પિતાએ પણ એ શિક્ષકને, દીકરાને વધુ આગ્રહ ન કરવા જણાવી દીધેલું.

હિન્દુ ધર્મના પ્રબળ પ્રભાવ હેઠળના જીવનસાથે ય, લેખક ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા હિન્દુ ધર્મના કઠોર આલોચકના જીવન-આદર્શો સાથે જે સુમેળ સાધી શક્યા, તે ચુસ્ત આંબેડકરવાદીઓ – બુદ્ધિસ્ટો માટે મોટા અચરજની વાત હોઈ શકે !

કાન્તિભાઈ લખે છે કે, મારી જીવનકથાને મેં ચાદર સાથે સરખાવી છે. તેના તાણાવાણા જાળવીને ઝીણવટપૂર્વક તેને વણીને મેં જેમની તેમ વાચકો સમક્ષ રજૂ કરી છે, ત્યારે એ કેવી છે, એ વાચકોએ નક્કી કરવાનું છે.

કાન્તિભાઈને જીવન જે રીતે જીવવા મળ્યું, જે સારા-ખરાબ અનુભવો થયા, તેનાં સંભારણાં- સંસ્મરણો માત્ર છે આ કથા.

પોતાને એક પ્રતિબદ્ધ દલિત સર્જક પુરવાર કરવાનો કે એમની આ જીવનકથાને નીવડેલી દલિત આત્મકથાઓની પંગતમાં બેસાડવાનો ન તો કાન્તિભાઈનો પ્રયાસ છે, ન આશય. તેથી જ તેઓ એને ‘આત્મકથા’ નહિ ને ‘જીવનકથા’ કહે છે.

કાન્તિભાઈની આ જીવનકથા એમના સમયના દલિતજીવનનો એક અધિકૃત દસ્તાવેજ છે. પોતાની વાત કહેતાં એમણે ક્યાં ય દંભ, છળ, ચતુરાઈ, બનાવટ કે અતિશયોક્તિનો આશરો લીધો નથી. કેટલુંક સત્ય ટાળીને એટલું જ અસત્ય ઉમેરવાની ચાલાકી તેમણે કરી નથી. એવો કસબ એમને સાધ્ય પણ નથી. એમણે માત્ર એમના સત્યને પૂરી પ્રામાણિકતાથી વાચકો સમક્ષ મૂક્યુ છે. લેખનમાં પ્રામાણિકતા આગવું મહત્ત્વ ધરાવે છે, ત્યારે એમની આ પ્રામાણિકતાનો મહિમા કરીએ. 

‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા’ (જીવનકથા); લેખકઃ કાન્તિભાઈ મકવાણા – સંપાદક : બીરેન કોઠારી; પ્રકાશકઃ રતનમંગળ પ્રકાશન; પ્રાપ્તિસ્થાનઃ ધૈવત મકવાણા, ૧૮, સિદ્ધાર્થનગર સોસાયટી, રેલવે-સ્ટેશન પાછળ, નડિયાદ : ૩૮૭ ૦૦૨, જિલ્લા ખેડા; મૂલ્ય : રૂ. ૪૪૦/-; સંપર્ક : કાન્તિભાઈ મકવાણા, મો. ૭૩૮૩૯૮૭૦૫૮.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 22-23 તેમ જ 19

Loading

‘બિહાર પછી દિલ્હી’

દક્ષા વ્યાસ|Gandhiana|2 February 2021

યુદ્ધની કથા રમ્ય ગણાઈ છે, તો ગાંધીકથા ભવ્ય છે. મહાત્મા ગાંધીજીએ જીવનભર જાતની સામે, નૈતિક અધઃપતનની સામે, જગતના કલ્યાણ માટે, માનવતાને ઉજાગર કરવા માટે જંગ ખેલ્યો. આ એકલપંથ પ્રવાસીની દિનચર્યા, એમનાં વિચારો-કાર્યો, એમનું તપ-સાધના … આ બધાં વિશે વાંચીએ, ત્યારે અભિભૂત થઈ વ્યાપકપણે, આટલી દૂરંદેશિતાથી કોઈ પણ વિષય પર વિચારી શકે ? અખંડ આચરણ કરી શકે? ‘બિહાર પછી દિલ્હી’ ૪૪૦ પાનાંનો દળદાર ગ્રંથ છે; ૨૫-૫-૧૯૪૭થી ૩૧-૭ ૧૯૪૭ સુધીનો-બરાબર બે મહિના અને આઠ દિવસનો ગાંધીજીનો જીવનક્રમ એમાં વણાયો છે! ગાંધીજી જેના ખભાનો ટેકો લઈ ચાલતા તે, માત્ર સત્તર વર્ષની મનુએ આ પુસ્તકના ગાંધીજીના રોજબરોજના નિત્યક્રમની, મુલાકાતીઓ સાથેની વાતચીતની અક્ષરશઃ નોંધ લીધી છે. આઝાદીની પૂર્વસંધ્યાનો આ સમય છે, જ્યારે સીધાં પગલાંની ઝીણાની જાહેરાત પછી હિંદુ-મુસ્લિમ કોમી કત્લેઆમથી દેશ ભડકે બળતો હતો અને આ એકલવીર નોઆખલી અને બિહારમાં ભાઈચારાનો સંદેશ ફેલાવીને પંજાબ જતાં દિલ્હીની આગ હોલવવા રોકાઈ ગયા હતા. રાજકીય આંટીઘૂંટીઓ, ભાગલાના બાબતે નેતાગીરી મૂંઝાયેલી હતી. દેશવાસીઓ ગેરસમજના ઘેરામાં અને નેતાગીરી મહત્ત્વાકાંક્ષાના ગઢમાં ઘેરાયેલાં હતાં. સૌનો સહિયારો કેવળ ગાંધી હતા – એવા ગાંધી, જેમની અવજ્ઞા કરીને ભાગલાનો નિર્ણય લઈ લેવાયો હતો!

બિરલા હાઉસને બદલે ભંગી કૉલોનીમાં ઊતરેલા ગાંધીજીને ઊંડી વેદનાએ ઘેરી લીધા હતા. કોમી દાવાનળે એમને પોતે જેને શુદ્ધ-વીરની અહિંસા માની હતી, તે ખોખલી-નિર્બળની અહિંસા નીકળી હતી, તેનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. નેતાગીરીની સ્વાર્થી મનોવૃત્તિ અને મહત્ત્વાકાંક્ષાએ એમને દેશના ભાવિ વિશે ચિંતિત કર્યા હતા. હિંદુ-મુસ્લિમ એકતાની એમની મથામણને અંતે દેશના ભાગલા પોતાની ઇચ્છા વિરુદ્ધ થઈ રહ્યા હતા, છતાં હિંમત હાર્યા વિના આવી પડેલી પરિસ્થિતિ સામે ઊંડી અંતરવ્યથા સાથે તેઓ વૃદ્ધવયે, નાદુરસ્ત તબિયતે, માન-અપમાનનો ખ્યાલ રાખ્યા વિના જે રીતે ઉકેલ દર્શાવે છે; ને જે પ્રયાસો અણથક રીતે કર્યે જાય છે, તેનો આપણા હૃદયને હચમચાવી મૂકે એવો દસ્તાવેજ આ પુસ્તકમાં અંકિત છે.

દેશસ્થિતિએ એમને જે દુઃસહા પીડા આપી હતી તેના ઉદ્‌ગારો હૃદયને સારી નાખે એવા છે : “મારી ચારેય તરફ અગ્નિની જ્વાળાઓ અહીં ઊઠી છે. એ જ્વાળાઓ મને ભરખી નથી જતી તેમાં શું ઈશ્વરની કરુણા છે કે તે મારી હાંસી કરે છે?” (પૃ. ૧૫) “તો તે હું હમણાં-હમણાં અનુભવી રહ્યો છું.” (પૃ. ૨૨) ભાગલાનાં ગંભીર પરિણામ તેઓ સ્પષ્ટ જોઈ શકતા હતા. તેમણે કહેલું, “દેશના ભાગલા થાય એ કલ્પના જ ધ્રુજાવનારી છે … ભાગલા પડે તે પણ કદાચ પોષાય, પણ આ ભાગલા બ્રિટિશરો પાડે એ જ મને વસમું લાગે છે.” (પૃ. ૧૬) … “ભાગલા પડ્યા તેનું મને દુઃખ છે તેના કરતાં જે રીતે ભાગલા પડ્યા એ રીત મને ગમી નથી.” “આપણે આપણા દેશભાઈઓ સાથે સહકારથી, આનંદથી વર્તવાને બદલે પરદેશીઓ સાથે સહકારથી વર્તવા પ્રયત્ન કરીએ છીએ. અને એનો તો તાદૃશ દાખલો પરમ દહાડે વાઇસરૉયને વચ્ચે નાખીને ભાગલા પડ્યા તેનો જ છે.” (૫-૬-૪૭)

આપણે બે બિલાડી અને વાંદરાની વાર્તા બાળપણથી સાંભળીએ છીએ, પણ આજે ય સમજ્યા નથી! ભાગલાને અંતે સર્જનાર ગંભીર પરિસ્થિતિને તેઓ જોઈ શકતા હતા, તેથી માન મૂકીને વારંવાર ઝીણાને મનાવતા-સમજાવતા રહ્યા. એમણે કહ્યું, “તમે ભાગલાની, વસ્તીબદલીની વગેરે વાતો કરો છો, તેમાં કરોડો નિર્દોષો તો માર્યા જવાના, પણ દેશની સંસ્કૃતિ બરબાદ થશે અને અંગ્રેજો તેમ જ દુનિયાની પ્રજા આપણી પર થૂંકશે. એ ન કરવાની વિનવણીની ભિક્ષા માંગવી છે.” (પૃ. ૧૪૩)

નિર્મમ કત્લેઆમ સંદર્ભે પોતાનું દર્શન સ્પષ્ટ કરતાં તેઓ કહે છે : “આ અશાંતિ કેવળ સહિષ્ણુતાના અભાવને લીધે જ છે. સહિષ્ણુતા દોષો જોતી વેળા ખૂબ કોમળ બની જાય છે, નાની-નાની બાબતોને મોટું સ્વરૂપ આપીને શાંતિ નહીં, પણ અશાંતિ ઊભી કરીએ છીએ. અમારા દેશમાં હમણાં હમણાં જે અશાંતિ ઊભી થઈ છે – તે કેવળ ધર્મને નામે ‘દાઢી’ અને ‘ચોટલી’ના ભેદભાવને ખાતર જ આવી અમાનુષી કત્લેઆમ ચાલી રહી છે.” (પૃ. ૬૪) આ અસહિષ્ણુતાની સાથે એમને ચિંતા હતી નૈતિક અધઃપતનની. ચારિત્ર્યની શુદ્ધિનો એમનો આગ્રહ સ્પષ્ટ હતો. તેમણે કહ્યું, “આપણું નૈતિક ધોરણ એ ગુલામીના જમાનામાં કેટલું ઊંચું હતું! તેનાથી વધારેમાં વધારે પતનની દશા ‘મહામૂલી આઝાદી’ના નામે જેને સહુ સંબોધે છે, તે આવી રહી છે ત્યારે છે.” (પૃ. ૨૮૪) દેશના સળગતા પ્રશ્નો સામે આંખ આડા કાન કરીને સત્તાના લાલચુઓ ઠેઠ ગાંધીજીની  પણ વગ લેવા દોડી જતા હતા. આવા ભ્રષ્ટ નેતૃત્વ સામે એમણે જાહેર ચેતવણી આપી હતી કે “થોડાક સ્વાર્થ ખાતર આખા સમાજને નૈતિક અધઃપતનમાં મૂક્યાનું પાપ દેશના કહેવાતા કાર્યકરો જ કરશે? આમ થયા કરશે તો કૉંગ્રેસ જેવી બળવાન સંસ્થા હલી ઊઠશે … એથી દેશમાં ન કલ્પેલું કૌભાંડ જાગશે.” (પૃ. ૨૪૯)

આ બધાંમાંથી પસાર થવા છતાં તેઓ સતત હિંદની એકતા માટે મથતા રહ્યા. એ કરુણામૂર્તિ હતા. પોતાની અવહેલના – માનહાનિને ગણકાર્યા વગર એમણે કહ્યું કે “મા પોતાના બાળકને પ્રેમથી ધવડાવે છે, અને દૂધ પિવડાવતી વખતે તેનું પોતાનું બાળક પોતાના દૂધ વડે તંદુરસ્ત હૃષ્ટપુષ્ટ બને એ જ મનોકામના સેવે છે. આપણે આજના આવી પડેલા કાર્યને એ રીતે વિચારવાનું રહે છે. તેઓ અંગ્રેજોની કપટનીતિને સ્પષ્ટ સમજ્યા હતા,” ‘અહીંથી જતાં પહેલાં એક કોમને બીજી કોમની સામસામે મૂકી આપવાની નીતિ પર તે પોતાની મંજૂરીની મહોર લગાવતા જાય છે (પૃ. ૨૯૧) …” હમણાં-હમણાં દેખાતાં આ લક્ષણો એવાં અપશુકનિયાળ છે કે અંગ્રેજોની દાનતને વિશે સહેજેય વહેમ પડે. પણ સાચેસાચ મડદું થઈને પડીએ તે પહેલાં જ મરી જવાની કલ્પનાની વાત મને મંજૂર નથી” (પૃ. ૨૯૨)

જીવન પ્રત્યેનો આ વિધાયક અભિગમ અને અહિંસામાં અવિચળ શ્રદ્ધા એમનામાં છેવટ લગી અકબંધ રહ્યાં. તેઓ કહે છે,” હિંદીઓ નબળા છે, અથવા હિંદીઓને શસ્ત્રોની તાલીમ નથી મળી, માટે મેં અહિંસા નથી શોધી કાઢી. પણ જગતની પ્રજાનો ઇતિહાસ તપાસતાં જણાય છે કે, વેરની સામે વેર વાળવાથી ‘વેરની ન્યાત’ વધતી ચાલી છે અને માનવીની શાંતિ જોખમાઈ છે. અને જો વેરઝેરને નાબૂદ કરવાં હોય તો પ્રેમ અને અહિંસા સિવાય કોઈ કીમિયો નથી.” (પૃ. ૧૨૦) “એ સમય આવવાનો જ છે કે જગને અહિંસ-સત્યને જ માર્ગે જવાનું રહેશે.” (પૃ. ૨૦૩).

પુસ્તકમાં એવા અનેક પ્રસંગો મળે જે ટાંકવાનું પણ થાય; પણ ગાંધીજીના સૌજન્ય, સંસ્કારિતા, વિનમ્રતાને પ્રગટ કરતો એક પ્રસંગ માણી લઈએ. સમયપાલનના તેઓ આગ્રહી હતા હિંદુ મહાસભાના આગેવાન રામધરની મુલાકાત ગોઠવાઈ હતી; પરંતુ તે વેળા તેમની તબિયત નરમ હતી. ઝાડા થવાને કારણે નબળાઈ લાગતી હતી ને ઘડી પર આંખ મીંચાઈ ગઈ. બે-પાંચ મિનિટમાં જ આંખ ખૂલતાં તેમણે રામધર વિશે પૂછપરછ કરી. મનુએ કહ્યું, “બાપુ, તમારી તબિયત સારી નથી, એટલે તેમને બહાર બેસાડ્યા છે.” બાપુ કહે, આ તો બેવડો ગુનો થયો. માણસ દૂરથી મળવા આવે ને તેને મુલાકાત ન આપવી અને આપણે સમય આપેલો છતાં ચૂક થઈ. રામધરને એમણે કહ્યું, “માફ કરના આપકો બહુત દેર તક બૈઠે રહના પડા. ઉસ બેચારી છોટી લડકી કો મેરે પર દયા આ ગઈ. લડકી કો લગા કી આપકી સજ્જનતા કા લાભ લે … ઈશ્વર કી મેરે પર કિતની કૃપા હૈ કિ આપ યહીં હૈ. મગર આપ ચલે ગયે હોતે તો મુઝે બહુત હી દુઃખ હોતા, લેકિન ઈશ્વરને મેરી લાજ રાખી. રામધર કહે, “મહાત્માજી! મૈં માનતા થા કિ ધર્મ ઔર ઈશ્વર કે લિયે ભલે હી આપ વ્યાખ્યાન તો બહુત દેતે હૈં મગર વહ સબ કહને કે લિયે હોગા, મગર મુજે આજ અબ કુછ ભી ચર્ચા નહીં કરની હૈ, ક્યોંકિ આજ મૈંને તો આપકા ઔર હી સ્વરૂપ મેં દર્શન પાયા. ઔર આપકે પાસ ધર્મ કી જો વિશાલ દૃષ્ટિ હૈ ઉસસે બઢકર ઈશ્વરભક્ત આજ કે સંસાર મેં શાયદ હી કોઈ હો સકતા.” જતાં-જતાં મનુને કહે, અરે બેટી, તુમને તો સચમુચ આજ મેરી સેવા હી કી હૈ. મૈંને આજ તક ઇસ મહાપુરુષ કો સમજને મેં બડી ભારી ગલતી કી થી. (પૃ. ૨૧૪) આજે પણ ગાંધીજીને વાંચ્યા વિના-સમજ્યા વિના આપણે એમને વિષે ગેરસમજ કરતા જ રહીએ છીએ! પૃ. ૯૭ પર કસ્તૂરબાનું એમણે કરેલું પુણ્યસ્મરણ અને એમને આપેલુ શ્રેય તો અપૂર્વ છે.

ગાંધી શાથી મહાત્મા હતા, તેનો અહીં ડગલે ને પગલે પરિચય મળે છે. ૭૮ વર્ષની વયે, જ્યારે સેવા લેવાનો સમય છે, ત્યારે તેઓ કેવા સેવારત હતા, તે જોઈ વિસ્મય થાય. ત્રણ-સાડા ત્રણે દિવસ શરૂ થાય તે રાત્રે ૧૦, ૧૧ વાગ્યે પૂરો થાય.

નિત્ય ૧૮થી ૨૦ કલાક કામ, કામ ને કામ. નિયમિતતા એવી કે આંખે ઊડીને વળગે. પળેપળની કિંમત, પોતાની જ નહીં, સામી વ્યક્તિની પણ. સ્નાન કરતા હોય ને પંડિતજી આવે તો તેમનું આસન બાથરૂમ પાસે મુકાવે, જેથી એમનો સમય ના બગડે ને જરૂરી ચર્ચા થઈ શકે. નિયમિત પ્રાર્થના, ચાલવા જવાનું, કાંતવાનું તે સતત અસંખ્ય મુલાકાતો સાથે. આ બધાં વચ્ચે મનુની તબિયતની માતૃવત્‌ કાળજી. અસંખ્ય પત્રોનો જવાબ આપવાનો વિચાર-વાણી-વર્તનમાં ક્યાં ય કટુતા, સંદિગ્ધતા નહીં-નહીં પારદર્શકતા; અખંડિતતા; એકરૂપતા … જેટલા બહિર્મુખ દેખાય તેટલા જ અંતર્મુખ-આત્મશોધક-જન જન સાથે એકાત્મતા-આત્મીયતા … એમને મૂલવવા શબ્દો વામણા પડે … ગાંધીજી ખરેખર જીવનકલાધર હતા.

[અહીં દર્શાવેલ પૃષ્ઠ ક્રમાંક ‘બિહાર પછી દિલ્હી’ એ નવજીવન પ્રકાશનના ૨૦૧૮ના સંસ્કરણ મુજબ છે.]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 18-19

Loading

...102030...2,0072,0082,0092,010...2,0202,0302,040...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved