Opinion Magazine
Number of visits: 9663811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંચ વર્ષનો સૌથી નીચા ફુગાવા સાથે આવતો આનંદ અને ચિંતા 

નેહા શાહ|Opinion - Opinion|26 July 2025

નેહા શાહ

સામાન્ય માણસ માટે ફુગાવો રાક્ષસ બનીને આવતો હોય છે અને આર.બી.આઈ. માટે માથાનો દુખાવો. જ્યારે ફુગાવાનો દર ૨.૧ ટકા જેટલો નીચો ગયાના સમાચાર આવે છે, ત્યારે એક મોટી રાહતના સમાચાર લાગે છે. ભાવ ઘટ્યા નથી, એનો વૃદ્ધિ દર ઓછો થયો છે. જે ભાવ બે વર્ષ પહેલા છ ટકાથી પણ વધુ દરે વધતા હતા તે હાલમાં ૨.૧ ટકાના દરે વધે છે. સરકારી આંકડા પ્રમાણે છૂટક વસ્તુઓ અને ગ્રાહક વપરાશની વસ્તુઓ – ખાસ કરીને ખાદ્ય વસ્તુઓની કિંમતમાં નિયંત્રણ આવતા ફુગાવાનો દર ઘટેલો દેખાય છે જેને કારણે અર્થતંત્રને થોડી રાહત થઇ છે. 

૨૦૧૯ પછી પહેલી વાર કિંમતોનો વૃદ્ધિ દર આ સ્તરે આવ્યો છે, એટલે આર્થિક નિર્ણયો લેનારા સૌને રાહત થઇ છે. છેલ્લાં પાંચ વર્ષથી આર.બી.આઈ. ફુગાવાને કાબૂમાં લાવવા મથામણ કરી રહી છે. આ સમય દરમ્યાન એક પછી એક આવેલી આપત્તિઓને કારણે દુનિયાભરમાં ભાવમાં એટલો વધારો થયો કે સામાન્ય માણસ માટે જીવવું દુષ્કર બની ગયું. પહેલા કોવીડ લોકડાઉનનાં એ સમયમાં ન ઉત્પાદન શક્ય હતું કે ન વપરાશ. ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધે વિશ્વના પેટ્રોલનાં પુરવઠા પર અસર કરી ભાવને હલાવી દીધા. ત્યાર બાદ ગાઝા યુદ્ધ – જેને કારણે રાતા સમુદ્ર અને સુએઝ કેનાલના રસ્તે આવતો માલસામાન અટવાતા આયાતી વસ્તુઓની કિમતોને કારણે ફુગાવાનું દબાણ વધ્યું હતું. પાછલાં એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવ નિયંત્રણમાં રહ્યા છે અને ઘર આંગણે ખાદ્ય પદાર્થોનું ખેત ઉત્પાદન સારું રહ્યું છે. આ પુરવઠાનું પ્રમાણ વધતા ફુગાવો કાબૂમાં આવ્યો છે. દેશમાં બદલાતી કિંમતો પર નજર રાખવા માટે તૈયાર થતી છાબડીમાં ખાદ્ય પદાર્થોનું પ્રમાણ લગભગ અડધો અડધ છે. એટલે જ્યારે ખાદ્ય ચીજ વસ્તુઓની કિંમત ઘટે તો એની સીધી અસર ફુગાવાના દર પર દેખાય છે.  

ફુગાવાનો પ્રશ્ન પેચીદો છે. બહુ વધારે પણ નહિ સારો અને બહુ ઓછો પણ. ફુગાવાનો દર નીચો રહે એ ગ્રાહકોને સારું લાગે કારણ કે, ચીજ વસ્તુઓના ભાવ પોસાય તેવા રહે તો જીવન ધોરણ જળવાઈ જાય. આ સાથે એ પણ હકીકત છે કે નીચા ભાવનો મતલબ થાય ઓછી માંગ.  જ્યારે પુરવઠા કરતાં માંગ ઓછી હોય ત્યારે ઉત્પાદકો કોના માટે ઉત્પાદન કરે? જો ઉત્પાદન ઓછું હોય તો નવો રોજગાર પણ કેમનો ઊભો થાય? રોજગારના અભાવે આવક ન ઊભી થાય પરિણામે માંગમાં વધુ ઘટાડો થાય. ગ્રાહકની માંગ અપેક્ષિત સ્તરે વધી નહિ રહી એટલે જ એના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા નથી મળી રહી. આ ચિંતાનું કારણ છે. મંદી તરફ જતી સાયકલના પૈંડા ફરવાની શરૂઆત થવાની શક્યતા તરફ ઈશારો કરે છે. એટલે જ દુનિયાના કોઈ પણ દેશની કેન્દ્રીય બેંકનું લક્ષ્ય શૂન્ય ફુગાવો નહિ હોય પણ માફકસરનો ભાવ વધારો હશે – જે  ગ્રાહકની વધતી માંગની નિશાની છે. માપસરનો ભાવ વધારો ગ્રાહકને એ બોજારૂપ ન લાગે અને સાથે વ્યાવસાયિક પ્રવૃત્તિને પણ વેગ મળતો રહે. આર્થિક પ્રવૃત્તિમાં વધારો રોકાણને ખેંચી લાવે અને જેની સાથે રોજગારમાં પણ વૃદ્ધિ થાય. ભારતમાં આર.બી.આઈ. ચાર ટકા જેટલા ફુગાવાના દરનું લક્ષ્ય રાખે છે, જેમાં ઉપર નીચે બે ટકા જેટલી વધઘટ ચાલે. આજનો દર ૨.૧ ટકા હોય તો એ સ્વીકાર્ય તળેટીના સ્તરથી ખૂબ નજીક છે. એટલે એ જેટલાં રાહતના સમાચાર છે એટલા જ સાવચેત રહેવાનું એલાર્મ બેલ પણ છે. કારણ કે મંદીમાં સરી પડવાની શક્યતાની નજીક છીએ. 

ફુગાવાના દરનો ઘટાડાનું કારણ ખાદ્ય સામગ્રીના ઘટેલા ભાવ કહેવાય છે, જે સામાન્ય ગ્રાહક ને ફાયદો કરાવશે. પણ શું એનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે પણ આ ઘટના એટલી જ સારી છે? અર્થતંત્રમાં આ વિરોધાભાસ હંમેશાં હોય છે. જ્યારે ખાદ્ય પદાર્થોના ભાવ ઘટે છે ત્યારે કૃષિ અને ખેડૂત પર એની માઠી અસર દેખાય છે. ઉત્પાદનનો ખર્ચ ઘટતો નથી પણ, વળતર ઘટી રહ્યું હોય એવા સંજોગોમાં ખેડૂતને ઓછા પૈસા મળે તો એની ખરીદ શક્તિ પર અસર પડે. ગ્રામીણ ક્ષેત્રની ખરીદ શક્તિ આમ પણ નાજુક જ રહી છે. કૃષિમાં થોડો ધક્કો વાગે અને એ તાણમાં આવી જાય. રસ્તા પર આવીને ટામેટા વેરી દેતા ખેડૂતો આપણે જોતા આવ્યા છીએ. હાલમાં આર્થિક વૃદ્ધિ દર વધારવા માટે ગ્રામીણ વિસ્તારમાં માંગની વૃદ્ધિ જરૂરી છે. 

ફુગાવો કાબૂમાં આવતા આર.બી.આઈ.એ નાણાં નીતિ હળવી કરી છે, જેથી રોકાણ પણ વધે અને માંગ પણ વધે. પણ દેશનું અર્થતંત્ર જ્યારે અનેક અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે ત્યારે માત્ર નાણાં નીતિ કેટલો ફરક  લાવી શકશે?

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બે ગઝલ

દિશિતા ભટ્ટ જોષી|Poetry|26 July 2025
[1]

શાહી પૂરી થઈ

કશું જ વિચારવું નથી શબ્દો કે તેના અર્થો વિશે,
કલમ કહે તો હું કરું વાત એક કોરા કાગળ વિશે.

ગણતરી કરીને હિસાબ લખવો હતો જિંદગી વિશે,
અંતે મને સમજાયું નહીં માણસની બાદબાકી વિશે.

સતત આવતા હતા મનમાં ઉલ્લેખો હકીકત વિશે,
અને વાત કરવી હતી મારે તો થોડાં સ્વપ્નો વિશે.

વાંચે કોણ જિંદગીના અમુક અટપટા વાક્યો વિશે,
મારે તો કહેવું હતું ધીરજની આ સીધી રેખા વિશે.

અનુભવ લખવો હતો ફક્ત ચાર જ અક્ષરો વિશે,
પણ શાહી પૂરી થઈ ગઈ લખવામાં જિંદગી વિશે.

[2]

ક્યારેક તો પૂછ તું!!

જીવનના આ સંગ્રામમાં સાથ વિશે ના પૂછ તું,
પરંતુ સમયાંતરે છૂટેલા હાથ વિશે તો પૂછ તું!

ક્યારેક સામે મળે તો મારા હાલ વિશે ના પૂછ તું,
પરંતુ પાછળથી લાગેલા ઘા વિશે તો પૂછ તું!

સાવ સીધા-સરળ દેખાતા રસ્તા વિશે ના પૂછ તું
પરંતુ વળાંકો વાળા અકસ્માતો વિશે તો પૂછ તું!

જિંદગી જીવવી હોય તો રાહત વિશે ના પૂછ તું,
પરંતુ આહત આ મનના સ્તરો વિશે તો પૂછ તું!

ઠીક છે, ચાલ, ભલે જિંદગી વિશે ના પૂછ તું,
પરંતુ ક્યારેક તો ખુદના હાલ વિશે તો પૂછ તું!

e.mail : parthdhjoshi@rediffmail.com

Loading

વિશ્વની સૌથી મોટી ખાણ !

રમેશ સવાણી|Diaspora - Features|25 July 2025

રમેશ સવાણી

23 જુલાઈ 2025ના રોજ ‘ગ્રેટ સોલ્ટ લેક’ નિહાળ્યા બાદ ‘સોલ્ટ લેક સિટી’થી 25 માઇલ દૂર, રોકી પર્વતોમાં, ‘Bingham Canyon Mine – બિંઘમ કેન્યોન ખાણ’ની વિઝિટ  કરી. 

આ ખાણને ‘Kennecott Copper Mine’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1848માં, આ ખાણની શોધ બિંઘમ કેન્યોનમાં બે ભાઈઓ, સેનફોર્ડ બિંઘમ અને થોમસ બિંઘમ દ્વારા થઈ હતી. આ ખાણ બ્રિટિશ-ઓસ્ટ્રેલિયન બહુરાષ્ટ્રીય કોર્પોરેશન, રિયો ટિન્ટો ગ્રુપની માલિકીની છે. આ કંપની એક કોન્સન્ટ્રેટર પ્લાન્ટ, એક સ્મેલ્ટર અને એક રિફાઇનરીનું સંચાલન કરે છે. આ ખાણ દર વર્ષે આશરે 2,75,000 ટન તાંબાનું ઉત્પાદન કરે છે. તાંબા ઉપરાંત, તે નોંધપાત્ર પ્રમાણમાં સોનું, ચાંદી, Molybdenum – મોલિબ્ડેનમ અને સલ્ફ્યુરિક એસિડનું પણ ઉત્પાદન કરે છે. આ ખાણમાં 2,000 કરતાં વધુ શ્રમિકોને રોજગારી મળે છે. 

આ ખાણમાં જવા માટે બસની વ્યવસ્થા છે. વ્યક્તિ દીઠ 6 ડોલરની ફી છે. બસમાં આ ખાણના ઇતિહાસ / ખોદકામ / વહન / પ્રોસેસ / ઉત્પાદન / કંપનીની સામાજિક જવાબદારી વિશે ડોક્યુમેન્ટ્રી બતાવવામાં આવે છે. બસ દ્વારા પર્વત પર લઈ જવામાં આવે છે. ત્યાંથી ખાણનું દૃ શ્ય જોઈએ ત્યારે જ ઓપન-પીટ / ખૂલી ખાણ કેવી હોય છે તેનો અનુભવ થાય છે. 

આ ખાણ તેના વિશાળ કદ માટે જાણીતી છે. આ ખાણ માનવસર્જિત સૌથી મોટું ખોદકામ છે, અને વિશ્વની સૌથી ઊંડી ખુલ્લી ખાણ છે. 0.75 માઇલ(1,210 મીટર)થી વધુ ઊંડો, 2.5 માઇલ (4 કિલોમીટર) પહોળો અને 1,800 એકર (3.0 ચોરસ માઇલ) વિસ્તાર ધરાવતો ખાડો ! 4 કિલોમીટર લાંબો અને 1.2 કિલોમીટર ઊંડો ખાડો જોઈને જ આશ્ચર્ય થાય ! Ore (કાચી ધાતુવાળા પથ્થર) ખાણમાંથી કોપરટન કોન્સેન્ટ્રેટર સુધી કન્વેયર બેલ્ટ દ્વારા પરિવહન કરવામાં આવે છે. આ conveyor beltની લંબાઈ જ 5 માઈલની છે !

આ ખાણકામના કારણે પર્યાવરણીય પ્રશ્નો ઊભા થયા છે. તાંબાની પ્રક્રિયા માટે ખૂબ ઊંચા તાપમાનની જરૂર પડે છે. તાંબામાં 4,644 °F(2,562°C)નો ખૂબ જ ઊંચો ઉત્કલન બિંદુ હોય છે અને તેને અન્ય ધાતુઓ અને અશુદ્ધિઓથી અલગ કરવા માટે અન્ય રસાયણોનો ઉપયોગ કરવાની પણ જરૂર પડે છે. તે માટે એસ્બેસ્ટોસનો ઉપયોગ થાય છે, તેમાં સૂક્ષ્મ કણો હોય છે જે વાતાવરણમાં ફેલાય છે અને ખાણોની નજીક રહેતા કામદારો અને વ્યક્તિઓનાં સ્વાસ્થ્યને અસર કરે છે. ખાણકામ ભૂગર્ભજળનું પ્રદૂષણ કરે છે. ખાણમાંથી નિકાલ થતાં ગટરનાં પાણીમાં મોટા પ્રમાણમાં આર્સેનિક અને સેલેનિયમ હોય છે જે પક્ષીઓ, માછલીઓ અને ઉભયજીવી પ્રાણીઓ માટે ઝેરી છે. લોકજાગૃતિનાં કારણે ઉટાહ રાજ્યે પ્રદૂષણ નિયંત્રણનાં પગલાં લીધાં છે. 

Copper વિના ચાલે તેમ નથી. તાંબાની ઉત્તમ વિદ્યુત અને થર્મલ વાહકતા, કાટ પ્રતિકાર અને malleability – ઢાળી શકવાને કારણે કેબલ ઇલેક્ટ્રિકલ વાયરિંગ / મોટર્સ, જનરેટર અને ટ્રાન્સફોર્મર્સ / પ્લમ્બિંગ / સર્કિટ બોર્ડ / સ્માર્ટફોન-કમ્પ્યુટર / પાણી પુરવઠા, ગેસ લાઇન અને હીટિંગ સિસ્ટમ / ઔદ્યોગિક મશીનરી વગેરેમાં કોપરનો ઉપયોગ થાય છે. 

ખાણમાંથી પ્રોસેસિંગ સુવિધાઓ સુધી મોટા જથ્થામાં ‘ઓર’ પરિવહન માટે હેવી-ડ્યુટી ટ્રક વપરાય છે, જેના ટાયર 12 ફૂટ જેટલા વ્યાસવાળા હોય છે. આવું એક ટાયર અહીં મૂકવામાં આવ્યું છે, તેની પર લખ્યું છે : ‘Bingham Canyon Mine-Pioneering Human Progress Since 1903-બિંઘમ કેન્યોન ખાણ-1903થી માનવ પ્રગતિની પ્રણેતા’ કોઈ પણ ઉદ્યોગગૃહ માનવ પ્રગતિ સાથે પોતાને જોડી દે છે ! ઔદ્યોગિક ઉત્પાદનો વિના ચાલવાનું પણ નથી. આ સ્થિતિમાં કુદરતી સંપત્તિનો ઉપયોગ વિવેકપૂર્ણ થાય, ઓછામાં ઓછું પ્રદૂષણ થાય એ સાવચેતી પર જ માનવ પ્રગતિ ટકી શકે !

24 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...198199200201...210220230...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved