Opinion Magazine
Number of visits: 9663923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત અને બ્રિટન વચ્ચે સસલા કાચબાની વાર્તા જેવો ઘાટઃ  જે ગુલામ દેશ હતો તે હવે દિશા નક્કી કરે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 July 2025

બ્રિટન કૂટનીતિના દેખાડામાં ફસાવાને બદલે નક્કર વિકાસ પર ધ્યાન આપશે તો તેને ફાયદો થશે, બાકી બ્રેક્ઝિટ પછીના વ્યાપારી સંબંધોમાં બ્રિટન પાછળ રહી જાય તેવી પૂરી શક્યતાઓ છે. આ કરાર યુનાઇટેડ કિંગ્ડમ માટે આર્થિક જરૂરિયાત છે અને ભારત માટે વૈશ્વિક પ્રતિષ્ઠાને મજબૂત કરવાનું પગલું છે

ચિરંતના ભટ્ટ

24મી જુલાઇ 2025ના રોજ બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) એટલે કે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 2022માં શરૂ થયેલા મુક્ત વેપાર કરારને લાંબી બેઠકો અને ત્રણ વર્ષની રાહ જોયા પછી આખરી ઓપ અપાયો. ભારત યુનાઇટેડ કિંગ્ડમ FTA – ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એ બ્રેક્ઝિટ પછી યુ.કે.નો સૌથી અગત્યનો વ્યાપારી કરાર ગણવામાં આવે છે અને ભારત માટે તે એશિયા બહારનો મોટો પહેલો મુક્ત વ્યાપાર કરાર છે.

અંગ્રેજો ભારત પર 200 વર્ષ રાજ કર્યું, ત્યારથી ભારત અને અંગ્રેજો વચ્ચેના વ્યાપારી સંબંધોનો પાયો નખાયો હતો. જો કે ત્યારે આપણે અંગ્રેજી શોષણનો જ ભોગ બનતા આવ્યા. જો કે સામ્રાજ્યવાદ હેઠળ દમનનો ભોગ બનેલા ભારત અને આજના ભારતની વાસ્તવિકતાઓ વચ્ચે આસમાન જમીનનો ફેર છે. 18મી અને 19મી સદીમાં વૈશ્વિક ઔદ્યોગિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 25 ટકા જેટલો હતો, જે 1900 સુધીમાં ઘટીને સાવ 2 ટકા જેટલો થઇ ગયો હતો અને ઔદ્યોગિક ક્રાંતિમાં બ્રિટને આગે કૂચ કરી. સામ્રાજ્યાવાદી નીતિઓને પગલે ભારતનું બિનઔદ્યોગિકીકરણ તો થયું જ – ભારત પોતાની તાકાતનો ઉપયોગ પોતાને માટે ન કરી શક્યો બલકે રાજ કરનારા અંગ્રેજોને કારણે અંગ્રેજ ઉત્પાદકોને જ વિશેષાધિકારો મળ્યો, તેમણે આપણી હસ્તકલા અને કાપડના ઉદ્યોગોને દબાવી દીધા. આપણને સ્વતંત્રતા મળી અને આ વ્યાપારી સંબધોની સમીકરણો બદલાયા. અંગ્રેજ યુગની ટેરિફ નીતિઓ હેઠળ ભારત બ્રિટિશ માલ માટે કેપ્ટિવ માર્કેટ બન્યો પણ અહીં કાચબા – સસલાની વાર્તા જેવી સ્થિતિ ઊભી થઇ અને સમયાંતરે વૈશ્વિક અર્થતંત્રની રેસમાં ભારતે યુ.કે.ને પાછળ છોડીને ત્રીજા ક્રમે પહોંચવાની તૈયારીમાં છે. ઐતિહાસિક શક્તિ સંતુલનના ત્રાજવામાં વજનનો ખેલ સાવ પલટાઇ ગયો છે. એક સમયે અંગ્રેજોના સામ્રાજ્યવાદી શાસન હેઠળનો ભારત દેશ આજે એક નિર્ણાયક માર્કેટ બની ચૂક્યો છે અને હવે આ વૈશ્વિક બજારમાં પ્રવેશ મેળવવા માટે એક સમયના દમની અંગ્રેજો – એટલે કે યુ.કે. રસ્તો શોધી રહ્યા છે. ઐતિહાસિક સંજોગોથી સાવ વિપરીત એવી આ સ્થિતિ નવા સમયની શરૂઆતનો સંકેત છે. 

તાજેતરમાં જ થયેલા કરારના પ્રસ્તાવને સમજવાનો પ્રયાસ કરીએ તો યુ.કે.માં થતી 99 ટકા ભારતીય નિકાસને ડ્યુટી-ફ્રી કરાશે. વર્ષે અંદાજે 23 બિલિયન ડૉલર્સની નિકાસ થાય છે જેમાં કાપડ, વસ્ત્રો, ખેતીને લગતાં ઉત્પાદનો, લેધર, હીરા-ઝવેરાત, એન્જિનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મમા અને મસાલાનો સમાવેશ થાય છે. યુ.કે.ની નિકાસ જેમાં વ્હીસ્કી, જિન, ઑટો, ઇલેક્ટ્રોનિક્સ, કોસ્મેટિક્સ વગેરે પરની ડ્યુટી ઘટશે. ભારતીય આયાતો પરની જકાત 15 ટકાથી ઘટીને 3 ત્રણ ટકા થઇ જશે. બ્રિટિશ કાર્સ માટે ક્વોટા આધારિત ટેરિફ લાગુ કરાશે. ટૂંકમાં ભારતીય વ્યાપારો માટેનું બજાર બહોળું થશે અને યુ.કે.ના ઉત્પાદકો ભારતના વચગાળાના ગ્રાહકો સુધી સરળતાથી પહોંચી શકશે. આ ઉપરાંત ભારતના કામચલાઉ કામદારોને યુ.કે. નેશનલ ઇન્સ્યોરન્સમાંથી ત્રણ વર્ષની મુક્તિ અપાશે અને વિઝાની કામગીરી પણ સરળ કરાશે – જો કે યુ.કે.ના વિશ્લેષકોને એ વાતની ચિંતા છે કે આમ કરવાથી બ્રિટિશ કામદારોનાં વેતન અને રોજગારી પર દબાણ વધશે અને નેશનલ ઇન્સ્યોરન્સ અને પેન્શન ફંડમાં આવકનો ઘટાડો થઇ શકે છે. યુ.કે.ની સરકારનું માનવું છે કે આ નીતિઓને પગલે યુ.કે.ની અર્થવ્યવસ્થામાં ભારતીય ટેલેન્ટને ફાયદો થશે અને નેશનલ ઇન્સ્યોરન્સમાં જે ઘટાડો આવશે તેની ભરપાઇ અન્ય કરવેરા દ્વારા કરી શકાશે. આ કરારને પગલે યુ.કે.ની કંપનીઓને ભારત સરકારના ટેન્ડર્સ અને કોન્ટ્રાક્ટ્સમાં પ્રવેશવાનો માર્ગ મોકળો બનશે. આ ઉપરાંત બન્ને દેશોએ AI, એરોસ્પેસ, ડેરી અને અન્ય ક્ષેત્રોમાં અંદાજે 6 અબજ પાઉન્ડના નિવેશ પર પણ સંમતિ જાહેર કરી છે. યુ.કે. સરકારનો અંદાજ છે કે 2040 સુધીમાં યુ.કે.ની જી.ડી.પી.માં 4.8 અબજ પાઉન્ડનો વધારો થઇ શકે છે જે વર્ષે 0.13 ટકા જેટલો વધારો છે. 204૦ સુધીમાં ભારત અને યુ.કે. વચ્ચે વર્ષે 25-34 અબજ પાઉન્ડ જેટલો વ્યાપાર થઇ શકે છે. આ કરારને પગલે બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધો બદલાશે.

ભારતને થનારા ફાયદાની વાત કરીએ તો ખેતી લક્ષી બાબતો અને ઉત્પાદનની નિકાસ કરનારાઓને માટે ઝીરો ડ્યુટીની મોકળાશને પગલે આગામી ત્રણ વર્ષમાં ખેતી લક્ષી નિકાસમાં 20 ટકા વધારો થઇ શકે તેમ છે.  ભારતીય આઇ.ટી., કાનૂની અને પ્રોફેશનલ સર્વિસીઝ યુ.કે.માં પ્રવેશી શકશે અને ત્યાં વસનારા ભારતીયોને પણ આ સેવાઓનો મજબૂત ટેકો મળશે. યુ.કે.ના ઉત્પાદનો ભારતમાં વધુ સ્પર્ધાત્મક ભાવે મળી શકશે, આ ઉત્પાદનોમાં ખાસ કરીને વ્હિસ્કી, કોમ્સેટિક્સ અને લગ્ઝરી ગુડ્ઝનો સમાવેશ થાય છે. બ્રેક્ઝિટ પછી યુ.કે. ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં પોતાના વ્યાપારનું વિસ્તરણ કરવા ધારે છે તે આ પરથી સિદ્ધ થાય છે. 

આખી પરિસ્થિતિને રાજકીય દૃષ્ટિકોણથી નાણીએ તો સ્પષ્ટ થાય છે કે ભારતને હવે હળવાશથી લેવામાં નથી આવી રહ્યો. વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં ભારત એક ગ્રોથ એન્જિન છે તો બ્રિટનનું પ્રભુત્વ ઘટ્યું છે. FTAને આખરી અંજામ આપતા પણ ત્રણ વર્ષ થયાં, જેને પગલે બ્રિટનની ભૂમિકા સક્રિય ભાગીદારી કરતાં પ્રતિસાદ આપનારી હોય એવી છબી ખડી થાય છે.  યુ.કે.ના વિશ્લેષકોને લાગે છે કે સ્ટાર્મર સરકારે ભારતની વિકાસલક્ષી પ્રાથમિકતાઓને વધુ મહત્ત્વ આપ્યું. યુરોપ સાથે ભારતના વ્યાપારી સંબંધો યુ.કે. સાથેના સંબંધો કરતાં ઘણાં વધારે છે અને માટે જ જો યુ.કે. અને યુરોપ એકબીજા સાથે સંબંધો નહીં સુધારે તો આ વ્યાપારી કૂટનીતિ માત્ર અખાબરી મથાળાં પૂરતી જ રહેશે અને તેનો કોઈ નક્કર લાભ યુ.કે.ને નહીં થાય.

એક સમયે ભારત અને યુ.કે. વચ્ચેના સંબંધો શાસક અને ગુલામના હતા અને આજે એક સાવચેતી ભર્યું જોડાણ બન્યા છે. ભારત મજબૂત ભાગીદાર બની રહ્યો છે અને બ્રિટનને સામે નવા વ્યૂહાત્મક સંબંધો મળે છે. જે બ્રિટને ભારતને એક સમયે દમન કરીને ભારતને બેફામ લૂંટ્યો છે, એ જ બ્રિટન હવે ભારત પાસેથી આર્થિક લાભ મળે અને તેમનું અર્થતંત્ર સચવાય એવા કરારો કરી રહ્યો છે. આ નવું એગ્રીમેન્ટ સાબિત કરે છે કે બ્રિટનની વ્યાપારી સ્પર્ધાત્મકતા ઘટી છે, બ્રિટનનાં પગલાં અનિશ્ચિત છે, અતિશય આત્મવિશ્વાસ નથી અને તે ભૂલ ન કરી બેસે એ રીતે પગલાં ભરે છે. ઑટો, ફાર્મા અને કાર્બન પૉલિસી જેવા ક્ષેત્રોમાં ભવિષ્યને મામલે બ્રિટન પાસે કોઈ નક્કર જવાબ નથી, અહીં બ્રિટને વહેણ સાથે વહેવાર બદલવાનો આવશે. 

બાય ધી વેઃ 

ભારત માટે આ કરાર વૈશ્વિક પ્રતિષ્ઠા અને આર્થિક ગતિનો સંકેત છે અને બ્રિટન માટે આ ઇતિહાસનું ચક્ર ફરવાની સાબિતી છે. 2026ના મધ્યમાં આ FTAનો અમલ થશે ત્યારે ભારત અને બ્રિટનના આર્થિક સંબંધોના આગામી દસકાને તે આકાર આપશે. બ્રિટન કૂટનીતિના દેખાડામાં ફસાવાને બદલે નક્કર વિકાસ પર ધ્યાન આપશે તો તેને ફાયદો થશે, બાકી બ્રેક્ઝિટ પછીના વ્યાપારી સંબંધોમાં બ્રિટન પાછળ રહી જાય તેવી પૂરી શક્યતાઓ છે. આ કરાર યુ.કે. માટે આર્થિક જરૂરિયાત છે અને ભારત માટે વૈશ્વિક પ્રતિષ્ઠાને મજબૂત કરવાનું પગલું છે. ભારત સહિતના દેશો સામે ટ્રમ્પે છેડેલા ટેરિફ વૉરનો આ એક જવાબ છે એ ખરું પણ આપણે માટે મજાની વાત એ છે કે આ કરારમાં આપણો હાથ ઉપર છે અને આપણા થકી બ્રિટનની આર્થિક વ્યવસ્થાને વેગ મળે તેમ છે. અંગ્રેજો જે ચા મૂકીને ગયા હતા, એ ચા સાથે આપણા વડા પ્રધાનને શું સંબંધ છે તે આપણને ખબર છે. છેલ્લા અપડેટ અનુસાર વડા પ્રધાન કીર સ્ટાર્મર અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુ.કે.માં ચાના પ્યાલે ચીયર્સ કર્યું છે. આ એક એવું પરિવર્તન છે જેની કલ્પના બ્રિટને ક્યારે ય નહીં કરી હોય, એક સમયે જ્યાં સૂર્ય ક્યારે ય આથમતો નથી એવા દાવા કરતા હતા એ બ્રિટનને હવે સમજાઇ ગયું હશે કે સૂર્ય તો પૂર્વમાં જ ઊગે છે, પશ્ચિમમાં આથમે છે. આજે એક સમયે બ્રિટન જેવું શોષણ કરતો હતો તે પૂર્વના દેશ સાથેના કરારથી પોતાના અર્થતંત્રને પ્રકાશમાન રાખવા પ્રયત્નશીલ છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 જુલાઈ 2025

Loading

આયોજન અકસ્માત રોકે / હેરાનગતિ રોકે / ખર્ચ રોકે !

રમેશ સવાણી|Diaspora - Features|27 July 2025

25 જુલાઈ 2025ના રોજ સવારે 7 વાગ્યે અમે આગળના પ્રવાસે રવાના થયા. હવે અમારું ડેસ્ટિનેશન Denver છે; જે Colorado રાજ્યની રાજધાની છે. 

James William Denver (1817-1892) અમેરિકન રાજકારણી, સૈનિક અને વકીલ હતા. તેમણે કેલિફોર્નિયા રાજ્ય સરકારમાં, બે યુદ્ધોમાં યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીમાં અધિકારી તરીકે અને કેલિફોર્નિયાથી યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ડેમોક્રેટિક સભ્ય તરીકે સેવા આપી હતી. તેમના નામ પરથી આ શહેરનું નામ ‘ડેનવર’ પડ્યું છે.

વ્યોમિંગમાં, ઇન્ટરસ્ટેટ હાઇવે-80ની બાજુમાં કિલોમીટર સુધી લાકડાની બેરિયર જોઈ – સ્વાભાવિક પ્રશ્ન થયો કે આવી છૂટક છૂટક બેરિયર કરવાની જરૂર કેમ પડી હશે? 

આ વાડને ‘snow fences’ પણ કહે છે. આ વાડનો હેતુ ઇન્ટરસ્ટેટ હાઈવે 80 પર સ્નો ન આવે તે માટે ઊભી કરેલ છે. શિયાળાના હવામાન દરમિયાન રસ્તાઓને સુરક્ષિત અને પસાર થવા યોગ્ય રાખવા આ છૂટક છૂટક વાડ ઊભી કરી છે. આ વાડ પવનને રીડાયરેક્ટ કરવા અને રસ્તાથી દૂર બરફના પ્રવાહો બનાવવા માટે વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવે છે. આ વાડ બરફના પ્રવાહને ઘટાડવા, દૃશ્યતા સુધારવા અને બરફની રચનાને રોકવા માટે રસ્તાને ગરમ રાખવામાં અસરકારક રહી છે. વાડના સ્લેટ્સ પવનને પસાર થતાં ધીમો પાડે છે. અને પછી પવન તેના વહન કરતા સ્નોનો થોડો ભાગ નીચે ફેંકી દે છે.

કિલોમીટર અને કિલોમીટર સુધી આવી વાડ ઊભી કરવાનો ખર્ચ કઈ રીતે પોસાય? આવો પ્રશ્ન થાય. પરંતુ શિયાળામાં હાઈવે પર સ્નો વધુ જામે તો તેને દૂર કરવાનો ખર્ચ વધારે થાય છે. વળી રોડ પર સ્નો જામી જાય તેથી અકસ્માતો થાય તે ખર્ચ યાય. અકસ્માત ઓછા થાય તો ખર્ચ બચે. શિયાળામાં આ fences હાઈવેને સાફ રાખવામાં મદદ કરે છે. 

આયોજન અકસ્માત રોકે / હેરાનગતિ રોકે / ખર્ચ રોકે. આયોજનનો અભાવ સમસ્યાઓ સર્જે. આપણે ત્યાં આયોજનનો અભાવ તો છે જ, ઉપરાંત ભ્રષ્ટાચારના કારણે સમસ્યાઓ ઓછી થતી નથી ! આપણે ત્યાં વરસાદ શરૂ થાય ત્યાં જ રોડમાં ખાડા પડી જાય છે ! નદીનું પાણી દેખી પુલ ભડકી જાય છે ! રોડ પર ગાયો / આખલાઓના કારણે અકસ્માતો થાય છે. ફરિયાદ કરો તો પોલીસ ફરિયાદીને જ આરોપી બનાવી દે છે ! આવું યુનાઇટેડ સ્ટેટ્સમાં થતું નથી. કદાચ આ કારણે જ અમેરિકાના વિઝા મેળવવા આપણે ત્યાં લાઈન લાગે છે !

26 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસ આજે (૩૦) 

સુમન શાહ|Opinion - Opinion|27 July 2025

સુમન શાહ

કોઈ મને પૂછે કે – તમે કઈ સંસ્કૃતિમાં જીવો છો, તો હું શું કહું એને? આમ તો તરત કહી દેવાય કે ભારતીય કે અમેરિકન, અથવા ભારતીય-અમેરિકન. પણ એ બીજો પ્રશ્ન પૂછે કે ભારતીય એટલે શું, અમેરિકન એટલે શું, તો એના શા ઉત્તરો આપવા? 

પણ એ ભાઈને એક પ્રશ્ન હું પૂછું કે સંસ્કૃતિ એટલે શું, તો એ મને શો ઉત્તર આપશે? 

અને જો ઉત્તર આપશે તો સૌ પહેલાં ધર્મને કેન્દ્રમાં મૂકશે. પણ હું એને પૂછું કે ધર્મ કોને કહેવાય, તો માથું ખંજવાળીને કહેશે, વેદો પુરાણો. કંઈક વધારે જાણતો હશે તો ઉમેરશે, ઉપનિષદો. 

ગઈ કાલે એ ભાઈ ફરીથી મળ્યો. મને કહે, પ્રાથમિકથી માંડીને કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ધર્મનું શિક્ષણ આપવાથી સંસ્કૃતિનો વિકાસ થાય. કેળવણીથી ધર્મસંસ્કાર મજબૂત થાય, ખીલે. સંસ્કારોનો વિકાસ એટલે સંસ્કૃતિ. હવે એના ચિત્તમાં ધર્મ + કેળવણી + સંસ્કારોની ખીચડી રંધાતી હતી. મેં એને પૂછ્યું : તમે કઈ યુનિવર્સિટીમાં ભણેલા? : ના રે, હું તો મૅટ્રિક પાસ છું. પણ એક આર્ટિકલ વાંચ્યો, એમાં આવુંબધું લખેલું છે : મેં કહ્યું, ભલે, આવજો, મળતા રહીશું. 

સંસ્કૃતિ વિશેની લોકમાન્યતામાં ‘આવુંબધું’ છે. સંખ્યાબંધ લોકો ધર્મના શિક્ષણનો આગ્રહ કરવા લાગ્યા છે, એ કાજે ગીતા બાઇબલ અને કુરાનને ધરી રહ્યા છે. થોડું વધુ જાણનારા લોકો ઋષિના આશ્રમોને ગુરુકુળ પ્રથાને બૉમ્બે બરોડા પૂણે જેવાં કીર્તિવન્ત વિદ્યાધામોને યાદ કરે છે. 

સંસ્કૃતિરક્ષા અને જ્ઞાનસંવર્ધન માટે આજકાલ એક શબ્દ રણકતો થયો છે, knowledge systems. મિનિસ્ટ્રી ઑફ ઍજ્યુકેશને ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ્સ IKSની સ્થાપના કરી છે. સદીઓ દરમ્યાન વિકસેલા ભારતીય જ્ઞાનવારસાના પુન:પ્રસરણ અને દૃઢીકરણ માટેની એ વ્યવસ્થાનું સ્વાગત થવું જોઈએ. 

અસ્તિત્વ, ચેતના અને તર્કબુદ્ધિના વિષયમાં શોધન-સંશોધન શીખવતાં વેદાન્ત, ન્યાય, સાંખ્ય; આર્યભટ્ટ અને ભાસ્કરની યાદ આપતી વૈદિક ગણિતવિદ્યા; ગ્રહો-ઉપગ્રહોની ગતિવિધિ સાથે સંકળાયેલી જ્યોતિષવિદ્યા; સ્થાપત્યકલાનો પરામર્શ આપતું વાસ્તુશાસ્ત્ર; સમગ્ર આયુર્વેદ; કૃષિશાસ્ત્ર; અર્થશાસ્ત્ર; રાજનીતિશાસ્ત્ર; ભાષાના વૈજ્ઞાનિક પદ્ધતિના નિદર્શનોમાં પ્રાચીનતમ એવું પાણિનીનું વ્યાકરણ કે ભરત મુનિથી માંડીને અભિનવગુપ્ત આનન્દવર્ધન કુન્તક જગન્નાથ કે વિશ્વનાથ વડે વિકસેલું સ્વયંસમ્પૂર્ણ કાવ્યશાસ્ત્ર — આ સઘળા બહુમૂલ્ય વારસામાં મને કે કોઈપણ બુધી જનને રસ પડે જ પડે. એટલે IKS માટે ભારતવાસી વિદ્વાનો અને અધ્યેતાઓએ અથાગ પરિશ્રમ કરવો પડે એ હકીકત છે, અને એ વિશે બહુ કહેવું મને જરૂરી નથી લાગતું. 

અન્યથા, એ માત્ર વારસો છે, માત્ર સ્મૃતિ છે, માત્ર ભૂતકાળ છે, માત્ર ઇતિહાસ છે. એ હકીકત વિશે પણ વધુ કહેવું બિનજરૂરી છે. 

સવાલ ઊભો રહે છે કે સંસ્કૃતિ એટલે શું? ધર્મ અને અન્ય વિષયના જ્ઞાની હોવું તે? ના! હું જો ધર્માનુસારી આચરણ નથી કરતો, હું જો જ્ઞાનાનુસારી જીવન નથી જીવતો, તો હું શી રીતે સંસ્કારી? કઈ સંસ્કૃતિનો અનુયાયી? લોકો મન્દિરો મસ્જિદો ને દેવળોમાં સંસ્કૃતિ ભાળે છે. પણ એ તો મકાનો છે. ઘરના ખૂણે પૂજાપાઠ સ્તુતિ કે પ્રાર્થના કરતો એક સામાન્ય જન મન્દિરે નથી જતો, તો એને શેમાં ગણીશું?

સંસ્કૃતિની વ્યાખ્યામાં રાજાઓ અને રાજશાસન પણ આવે. અશોક અને અકબરે યુદ્ધો કરીને સૅંકડોને હણ્યા પણ રાજ સાચવ્યું ને પ્રજાને સુરક્ષિત રાખી. બન્ને ગ્રેટ ગણાયા. એ ગ્રેટનેસનું કઈ સંસ્કૃતિ સાથે જોડાણ છે? ભલે, લોકશાહીમાં શું? ધોરી માર્ગો? સુરક્ષિત વાહનવ્યવસ્થા? ઓછા દરના કરવેરા? એ છે સંસ્કૃતિવિકાસ? એના વાહક રાજકારણીઓ મતપ્રાપ્તિ પછી જાતે એવું શું કરે તો સંસ્કૃતિરક્ષક કહેવાય? 

અમેરિકામાં પાર્કમાં મળી જતી ગર્ભવતી ભારતીય મહિલાને હું પ્રણામ ન કરી શકું કે અમેરિકન પડોશીની સેરેબ્રલ પાલ્સી ધરાવતી બાળકી માટે પ્રાર્થના ન કરી શકું, તો હું શી રીતે ભારતીય સંસ્કૃતિજન? અમદાવાદનો એક મજૂર સવારથી સાંજ સુધી પૂરી પ્રામાણિકતાથી શરીરશ્રમ કરે છે, એ સંસ્કારી નથી તો શું છે? વડોદરાનો એક સાહિત્ચચિન્તક સવારથી સાંજ સુધી પશ્ચિમની દુનિયાની જ્ઞાનસરિતાઓએ સરજેલા જ્ઞાનસાગરમાં નિમજ્જિત રહે છે, એ સંસ્કારી નથી? 

વાત એમ પણ છે કે મનુષ્ય આજે ઇતિહાસનું માત્ર ગૌરવજ્ઞાન નથી કરી શકતો. હું વર્તમાનને અને દૈનંદિનીય વાસ્તવિકતાને તાબે થઈને જ જીવી શકું છું. 

‘ટેસ્લા’ કારમાં ‘હનુમાનચાલીસા’ સાંભળું તે સાથે ‘વોલ્માર્ટ’ પ્હૉંચી જઉં એ દરમ્યાન વડોદરામાં મિત્ર જોડે વ્હૉટ્સૅપિન્ગ પણ કરી લઉં. AI – આધારિત વિજ્ઞાન અને ટૅક્નોલૉજિએ આજે માણસના ભાણામાં અનેક વસ્તુઓ પીરસી દીધી છે. 

એનું એક પરિણામ છે ભૂતકાળ સાથે સતત વિકસતો વિચ્છેદ – discontinuity with the past. બીજું પરિણામ છે સમજદારી અને કાર્ય વચ્ચે વિચ્છેદ – a split between understanding and action. મને હવે ખબર છે કે ગીતામાં કર્મફળનો સિદ્ધાન્ત છે – કર્મ કરવું પણ એના પરિણામને વિશે ઉદાસીન રહેવું. આ વાત મારી સમજદારીમાં બરાબર બેસી ગયેલી છે, એ માટે મારે ગીતાપારાયણ કરવાની, એટલે કે એ actionમાં ઊતરવાની હવે જરૂર નથી. વાત એ રીતે વિકસે છે કે ક્રમે ક્રમે હું કર્મફળના સિદ્ધાન્ત વિશે જ ઉદાસીન થઈ જઉં છું! મને એ માત્ર એક philosphical narrative લાગે છે, અને એ પછી ક્રમે ક્રમે હું કર્મફળના સિદ્ધાન્તનો પ્રતિસિદ્ધાન્ત anti-thesis શોધવા માંડું છું! 

અમેરિકામાં માણસ ઘરની બહાર પગ મૂકે એટલે એનું નાગરિકજીવન શરૂ થાય છે. એ કયો ધર્મ કઇ જાતિ કે વંશસૂચક કઇ અટક ધરાવે છે એ વીગતો ગૌણ બની જાય છે. આ નગરસભ્યતાથી ઊભી થતી સંસ્કૃતિમાં એકે ય ધર્મ નથી. ધર્મનો અર્થ કર્તવ્ય duty કરીએ, તો પેટમાં શું દુખે? ધર્મ એટલે, ફરજ, જવાબદારીનું પાલન. હું ચાલવા નીકળું છું તો ચીની દમ્પતી મને પૂછે કે આટલા દિવસથી કેમ દેખાતા ન્હૉતા, દક્ષિણ ભારતની કે તળ અમેરિકાની વ્યક્તિ કશા જ વિશિષ્ટ ઓળખાણ વિના પૂછે કે કેમ દેખાતા નથી, તો એ સંસ્કારી નથી? મને એ દમ્પતીનાં કે એ વ્યક્તિઓનાં નામોની ય ખબર નથી, એમને પણ મારા નામની ખબર નથી. 

આને માનવસંસ્કૃતિ કહેવાનો રિવાજ હતો. પણ ત્યારે માનવસંસ્કૃતિનું રસાયણ સરેરાશ માનવ્ય હતું. નગરસભ્યતાથી ઊભી થયેલી સંસ્કૃતિમાં તો વૈયક્તિક માનવ્ય શિરમોર સત્ય છે.  

હું સંસ્કૃતિની ચીલાચાલુ વ્યાખ્યામાં બેસે એવું નથી જીવતો એટલે કહી દઉં કે મારે કોઈ સંસ્કૃતિ નથી, તો ચાલે? હું પેલા ભાઈને પૂછીશ, જો મળશે તો.

= = =

(260725USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...196197198199...210220230...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved