Opinion Magazine
Number of visits: 9571874
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્ય સ્વયં કોઈ અસ્તિત્વ ધરાવતું નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|21 March 2021

અમેરિકન પ્રમુખ જૉ બાયડને વ્હાઈટ હાઉસમાંની તેમની ઓવલ ઑફિસમાંથી બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને વિજય અપાવનારા બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું બાવલું હટાવી દીધું છે. એ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પ્રવક્તાએ કહ્યું છે કે અમેરિકન પ્રમુખને તેમની ઑફિસ કેવી રીતે ડેકોરેટ કરવી એ તેમનો અખત્યાર છે. આ પહેલાં બરાક ઓબામાએ ચર્ચિલનું બાવલું હટાવી દીધું હતું ત્યારે અત્યારના બ્રિટિશ વડા પ્રધાન જ્હોન્સન લંડનના મેયર હતા અને તેમણે ઓબામાની ટીકા કરી હતી. તેમણે ‘ધ સન’ નામના અખબારમાં લખ્યું હતું કે ઓબામા કેનિયન મૂળ ધરાવે છે એટલે તેમના મનમાં બ્રિટિશ સામ્રાજ્ય માટેનો અણગમો હોવો જોઈએ. બોરિસ જ્હોન્સન એક સમયે પત્રકાર હતા અને તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ચર્ચિલ ફેક્ટર’ નામનાં ચર્ચિલનાં જીવનચરિત્રનો પણ સમાવેશ થાય છે. જ્હોન્સન ચર્ચિલના ફેન છે અને પોતાના વિષે કહે છે કે તેઓ પોલિટીકલ કૉન્ઝર્વેટીવ છે પણ સોશ્યલી લિબરલ છે. સામાજિક બાબતે તેઓ ઉદારમતવાદી છે.

લંડનથી પ્રકાશિત થતાં ‘ધ ગાર્ડિયન’ નામના અખબારમાં બુધાવરે પ્રિયંવદા ગોયલનો ‘વ્હાઈ કાન્ટ બ્રિટન હેન્ડલ ધ ટ્રુથ અબાઉટ વિન્સ્ટન ચર્ચિલ?’ [https://www.theguardian.com/commentisfree/2021/mar/17/why-cant-britain-handle-the-truth-about-winston-churchill] નામનો લેખ પ્રકાશિત થયો છે. લેખ લખવાનું કારણ વ્હાઈટ હાઉસની ઘટના નથી, પણ કૅમ્બ્રિજની ચર્ચિલ કૉલેજનો સેમિનાર છે. ચર્ચિલ કૉલેજે ‘ચર્ચિલ, ઍમ્પાયર એન્ડ રેસ’ એ વિષય ઉપર ત્રણ દિવસના સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં બીજા દિવસના મોડરેટર પ્રિયંવદા ગોયલ હતાં જે એ કૉલેજમાં જ ભણાવે છે. સેમિનારમાં વિન્સ્ટન ચર્ચિલની ટીકા કરવામાં આવી એ બ્રિટનના રાષ્ટ્રવાદી દેશપ્રેમી રૂઢિચુસ્તોને ગમ્યું નહોતું અને તેમણે હોબાળો મચાવ્યો હતો. ચર્ચિલના પૌત્રએ કૉલેજના સંચાલકોને લખ્યું હતું કે ચર્ચિલનું નામ જે કૉલેજ સાથે જોડાયેલું છે એ કૉલેજમાં હવે પછી ચર્ચિલની બદનામી ન થવી જોઈએ.

એ બદનામી હતી કે મૂલ્યાંકન? ચર્ચિલ શ્વેત પ્રજાની સર્વોપરિતામાં માનતા હતા. ચર્ચિલ શ્વેત પ્રજાના અશ્વેત પ્રજા ઉપર શાસન કરવાના દૈવી અધિકારમાં માનતા હતા. ચર્ચિલ હિટલરની માફક આર્યવંશના લોહીની સર્વોપરિતા(સૂપ્રીમસી ઑફ આર્યન સ્ટોક)માં માનતા હતા. ચર્ચિલ સંસ્થાનવાદી હતા અને ભારત જેવા દેશોની પ્રજાની આઝાદીની માગણીનો વિરોધ કરતા હતા. તેમણે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર અને વિચારધારાનો વેશ પરિધાન કરનારા અસભ્ય માણસ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે આંતરવંશીય બૉક્સિંગ મેચ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો કે જેથી કોઈ શ્વેત ખેલાડી અશ્વેતના મુક્કા ખાતો નજરે ન પડે અને પરાજિત ન થવો જોઈએ. જો બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને ઇટલી સામે લડવાનું ન હોત, તો વિચારધારાને લાગેવળગે છે ત્યાં સુધી તેઓ હિટલર અને મુસોલિનીના સમર્થક હતા. બીજું વિશ્વયુદ્ધ ખુલ્લા સમાજ અને બંધિયાર સમાજ વચ્ચેનું યુદ્ધ છે એ દાવો ચર્ચિલને લાગેવળગે છે ત્યાં સુધી ખોટો છે.

ચર્ચિલ વિષે કૉલેજના સેમિનારમાં જે કહેવાયું હતું એમાં એક શબ્દ ખોટો નહોતો, પણ કેટલાક અંગ્રેજો સત્ય સાંભળવા તૈયાર નથી ત્યાં સ્વીકારવાની વાત તો દૂર રહી. આજકાલ આ જે નવી રમત રમાઈ રહી છે એને અંગ્રેજીમાં ‘કેન્સલ કલ્ચર’ તરીકે ઓળખાવવામાં આવે છે. ઇતિહાસ, ઐતિહાસિક મહાનુભાવો અને વર્તમાનમાં બની રહેલી ઘટનાઓમાંથી જે માફક ન આવે તેને ભૂંસી નાખો, ભૂલવાડી દો, રદ્દ કરો. તેના તરફ જોવાનું જ નહીં.

ફેસબુકની શરૂઆત ૨૦૦૪માં થઈ. અત્યારે જગતની ૧૧૧ ભાષાઓમાં તેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા બે અબજ ૮૦ કરોડ લોકોની છે. વ્હૉટ્સૅપની શરૂઆત ૨૦૦૯માં થઈ અને અત્યારે તેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા બે અબજ લોકોની છે અને આજની તારીખે રોજ સો અબજ મેસેજીસની લોકો આપ-લે કરે છે. બે અબજ લોકો સો અબજ સંદેશાઓની આપ-લે કરે છે. દેખીતી રીતે આનો રાજકીય ખપ છે.

વીતેલા દાયકામાં આ માધ્યમોનો રાજકીય ઉપયોગ કરવાની શરૂઆત થઈ ઇસ્લામોફૉબિયાથી. પ્રજાને એક દુ:શ્મન આપો અને એ દુ:શ્મનનો ડર દેખાડો. ડર ભલે કાલ્પનિક હોય પણ એટલો ડર દેખાડો કે પ્રજા દરેક સમસ્યા માટે ઈસ્લામને અને મુસલમાનોને જવાબદાર ઠેરવતી થઈ જાય. ગયા વરસે ભારતમાં કોવિડની શરૂઆત દિલ્હીમાં ભેગા થયેલા મુસલમાનોને કારણે થઈ હતી એ વાયકા યાદ હશે. આવી ભાતભાતની ડરાવનારી વાયકાઓ રચવાની. ડરેલી પ્રજાની પહેલી અને સ્વાભાવિક પ્રતિક્રિયા કોઈની આંગળી પકડી લેવાની હોય છે. ઘરમાં ડરેલા બાળકને આંગળી પકડતાં જોયું હશે.

ઇસ્લામોફૉબિયા પછી શરૂ થયું પોસ્ટ-ટ્રુથ. સત્ય પછીનું સત્ય. સત્ય તો પોતાની જગ્યાએ છે જ પણ એ નજરે ન પડે એ માટે તેના પર અસત્યના અને અર્ધ-સત્યના લેપ કરવાના, પણ એ એવી રીતે કરવાના કે કોઈને અસત્ય ન લાગે. લોકોને એમ લાગવું જોઈએ કે અત્યાર સુધી અસત્યને સત્ય કહીને આપણને બેવકૂફ બનાવવામાં આવતા હતા, પણ હવે ભગવાનનો પાડ કે આપણું રાજ્ય આવ્યું અને ‘સાચું’ સત્ય જાણવા મળ્યું. ભગવાને આંખ ઉઘાડી એવું લોકોને લાગવું જોઈએ. એક તો અસત્યને હજમ કરે અને ઉપરથી ઓશિંગણ થઈને ગદગદ રહે. માટે પોસ્ટ-ટ્રુથ. સત્ય પછીનું સત્ય. ખાસ પેદા કરવામાં આવેલું અને તમારા સુધી પહોંચાડવામાં આવેલું ‘સત્ય.’

પોસ્ટ-ટ્રુથ પછી શરૂ થયું ‘કેન્સલ કલ્ચર’. ઇતિહાસ હોય કે વર્તમાન, ઐતિહાસિક વ્યક્તિ હોય કે સમકાલીન, જે માફક ન આવે એને રદ્દ કરી નાખવાનું એટલે કે ભૂંસી નાખવાનું, ભૂલવાડી દેવાનું. વિન્સ્ટન ચર્ચિલ આવા એટલે આવા. બીજી બાજુ જોઈએ જ નહીં પછી ગમે એટલી સાચી હોય. હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપનો વિજય થયો હતો એટલે થયો હતો. રાણા પ્રતાપના પરાજયની વાત જ નહીં કરવાની. અમને માફક આવે એ સત્ય, સત્ય સ્વયં કોઈ અસ્તિત્વ ધરાવતું નથી. માફક આવે એવા સત્યને સત્ય તરીકે સ્થાપિત કરવા માટે ટકોરાબંધ સત્યને ભૂંસી નાખવાનું, ભૂલવાડી દેવાનું. ટકોરાબંધ સત્યની વાત જ નહીં કરવાની.

એક ઉદાહરણ આપું. જો હું મારી કૉલમમાં ચીનના ભારતની ભૂમિ ઉપરના કબજા વિષે લખું તો અનેક વાચકોને એમ લાગશે કે આ ભાઈ તો સાહેબની પાછળ પડી ગયા છે, ચીનનો એવો કોઈ પ્રશ્ન જ નથી અને છતાં આ ભાઈ પાછળ પડી ગયા છે, જો હોત તો બીજા લોકો બોલતા ન હોત! હકીકત ઊલટી છે. સાંપ્રત ભારતમાં ચીનનો પ્રશ્ન સૌથી વધુ ગંભીર છે, પણ તે કેન્સલ કલ્ચરનો શિકાર બની ગયો છે. તેને લોકમાનસમાંથી ભૂંસી નાખવામાં આવ્યો છે, ભૂલવાડી દેવામાં આવ્યો છે. સત્ય જાણવું હોય તો જગતનાં અખબારો, સામયિકો, પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સની વેબસાઈટો અને જર્નલો તેમ જ ભારતમાં સ્વતંત્ર ન્યુઝ પોર્ટલો અને બે-ચાર અખબારો જોઈ જાઓ.

અને ચોથી રમત છે, ન્યુ નોર્મલ. જે બની રહ્યું છે તેને સ્વાભાવિક, રાબેતા મુજબ અને વાસ્તવિક તરીકે સ્વીકારી લો. હવે પછીથી સમાજ-જીવનનું આ જે નવું સત્ય છે તેને જ કાયમી સત્ય તરીકે  સ્વીકારી લો. રાણા પ્રતાપ જીત્યા હતા એટલે જીત્યા હતા, જાવ થાય એ કરી લો. ભારતમાં રહેવું હશે તો રાણા પ્રતાપની જીત સ્વીકારવી પડશે. આજથી અમારો આ નવો ઇતિહાસ છે.

તો આ ચાર પાયાના ખાટલા ઉપર ભક્તો સૂતા છે અને અર્ણવ ગોસ્વામીઓ હાલરડાં ગાય છે અને ચામર ઢોળે છે. આવા સુખના દિવસો સહેજે થોડા મળે અને એ પણ આખા જગતમાં એક સાથે! 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 માર્ચ 2021

Loading

વાઇરસનો ભરડો ફરી મજબૂત બની રહ્યો છે ત્યારે મતદાતાઓની ચિંતા કરવી કે ચૂંટણી થવા દેવી?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 March 2021

રોગચાળામાં લોકશાહી જોખમમાં મુકવી જોઇએ? ચૂંટણી અગત્યની કે મતદાતાનું હિત?

ભારતમાં વાઇરસ ફરી વકર્યો છે, સ્ટેડિયમ અને સબર્બન ટ્રેન્સ અને બીજું ઘણું ય છે જ્યાં આપણે લોકોનાં ટોળે ટોળાં જોઇએ છીએ. હવે ફરી કેસિઝ વધશે તો શું કરશું, નાઇટ કર્ફ્યુ, ૧૪૪ની કલમ લાગુ કરવાની કવાયતો અને બીજું ઘણું બધું પણ આપણે સતત સાંભળીએ છીએ. હવે ફરી લૉકડાઉન લાગુ પડશે તો શું કરીશુંની ચિંતાની કરચલીઓ ભલભલાના ચહેરા પર દિવસમાં એકાદવાર ડોકાઇ આવે છે.

આ બધાની વચ્ચે એક બીજી બાબત એની ગતિએ ચાલી રહી છે. આ બીજી બાબત છે વિધાનસભાની ચૂંટણીઓ. દેશમાં આસામ, કેરળ, પોંડીચેરી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માથે આવીને ઊભી છે. આ રોગચાળાને કાબૂમાં નથી લેવાઇ રહ્યો, હજી વેક્સિનેશનની પ્રક્રિયાઓ તો માંડ શરૂ થઇ છે એવામાં આ ચૂંટણીઓ યોજવી કેટલી યોગ્ય છે? રાજકારણીઓ પોતાના સ્વાર્થને અગ્રિમતા આપે છે તે ચલાવી લેવું જોઇએ? રોગચાળામાં જાહેર કરાયેલી ચૂંટણીમાં આમ જનતા એટલે કે મતદાતાઓનો કેટલો વિચાર કરવામાં આવ્યો હશે તેવો સવાલ ચોક્કસ થાય. ચૂંટણી જ્યાં થઇ ત્યાં પણ વાઇરસના સંક્રમણના કેસિઝ વધ્યા છે. આપણે એમ નથી કહી રહ્યા કે ચૂંટણીને કારણે કેસિઝ વધ્યા પણ ચૂંટણી એક રીતે એક પ્રકારનું સામાજિક સંમિલન – સોશ્યલ ગેધરિંગ તો થયું જ વળી. આ બાબતને તો નકારી શકાય તેમ છે જ નહીં. એક તરફ સરકાર લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન વગેરેની સલાહ તો આપ્યા જ કરે છે, વળી નાઇટ કર્ફ્યુ પણ લાગુ કરી દેવાય છે. મુંબઇમાં પણ કોવિડ-૧૯ને લઇને નવી ગાઇડલાઇન્સ જાહેર કરાઇ છે, એ વાત જૂદી છે કે જે પ્રાઇવેટ ઑફિસિઝ કર્મચારીઓને ઑફિસ આવવાની ફરજ પાડે છે તેમનો કાંઠલો કોઇ નથી ઝાલતું. આ બધામાં સરકાર જ જ્યારે ચૂંટણીનું પ્લાનિંગ યથાવત્ રાખે ત્યારે વાડ જ ચીભડાં ગળાવશે એવી લાગણી થાય.

રોગચાળાની સ્થિતિમાં ચૂંટણી યોજવી એ બહુ મોટું જોખમ છે એ સ્વીકારનાર કોઇ હશે ખરું? આ તરફ વડા પ્રધાના જ્યારે રાજ્યોના વડાને એટલે કે મુખ્ય મંત્રીઓને સંબોધે છે ત્યારે એમ કહે છે કે આપણે રોગચાળાની બીજી લહેરને પ્રસરતા રોકવી જ પડશે કારણ કે તે સારા વહીવટની કસોટી કરનાર સંજોગો ખડા કરે તેમ છે ત્યારે પણ ચૂંટણીને આ સમીકરણમાં મુકવામાં નથી આવતી. વહીવટી તંત્રોએ પ્રો-એક્ટિવ થવું તેવી વાત તો થાય છે પણ મતદારોના સ્વાસ્થ્યની કેટલી પરવા કરાય છે? બ્રાઝીલ અને યુનાટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા પછી સૌથી વધે ઇન્ફેક્શનનીનો આંકડો ભારતમાં છે અને ગયા અઠવાડિયે મંગળવાર એવો છઠ્ઠો દિવસ હતો જ્યારે ૨૦ હજારથી વધુ લોકોને ચેપ લાગ્યા હોવાનું નોંધાયું હતું.

ભારત જેવી મોટીમસ લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીનું મહત્ત્વ હોય જ અને હોવું જ જોઇએ પણ અત્યારના સંજોગો ચૂંટણીની પ્રક્રિયાને છે તેના કરતાં કંઇકગણી વધારે પડકારરૂપ બનાવે છે. ચૂંટણીમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં જ જળવાય એવું નથી પણ એ કહેવામાં જેટલું સરળ લાગે છે તેટલું સરળ છે નહીં. સ્વાભાવિક છે કે ચૂંટણી એ માનવીય સંવાદો અને કોઇ પણ પ્રકારના વ્યક્તિગત આદાન-પ્રદાનના આધારે જ ચાલતી વ્યવસ્થા છે. આવા સંજોગોમાં આપણને જરૂર છે કે વૈકલ્પિક વ્યવસ્થાની, તે પ્રચાર માટે હોય કે કોઇ બીજી સવલત માટે પણ જે છે તેનાથી ચલાવી લેવામાં જોખમ પણ ઘણાં છે.

વળી લૉકડાઉન, સેમી-લૉકડાઉન, વર્ક ફ્રોમ હોમ વગેરે ચાલતું હોય ત્યારે લોકો સતત ઇન્ટરનેટનો ઉપયોગ તો કરતા જ હોય, માહિતીઓ લોકો પાસે ડિજીટલી જ પહોંચતી હોય છે અને ફેક ન્યૂઝ, ખોટી માહિતીઓ, બોગસ માહિતીઓથી ડિજીટલ સ્પેસ ઉભરાય છે ત્યારે સ્પષ્ટ વિચારવાને મામલે લોકો થાપ ખાઇ જાય તે પણ સ્વાભાવિક છે. મતદારો પૂરતી માહિતી મેળવે અને પછી પોતાની પસંદગી કરે અને મત આપે તે લોકશાહીનો મૂળભૂત ગુણધર્મ – લાક્ષણિકતા હોવી જોઇએ. પરંતુ અત્યારના સંજોગોમાં માહિતીનો ઓવરડોઝ સાચી માહિતીને ખોટી માહિતીથી અલગ તારવવામાં અવરોધરૂપ બને છે. આવી સ્થિતિ હોય ત્યારે ચૂંટણીનું આયોજન કરવું, પારદર્શી મતદાન મેળવવું કંઇ સરળ નથી.

એ સાવ સાચું છે કે કોઇ પણ સમસ્યાઓ વિના, ખલેલ વિના અને સરળતાથી ચૂંટણીનું આયોજન રોગચાળા દરમિયાન થઇ શકે તેવું હોવું જોઇએ, તો જ લોકશાહી સદ્ધર થઇ શકે છે, મજબૂત થઇ શકે છે તેવી આશા બંધાય. ચૂંટણી કેન્સલ થાય કે સસ્પેન્ડ થાય તો એકચક્રી શાસન કે પછી સરમુખત્યારશાહીની પકડ મજબૂત થવાનું જોખમ પણ રહે છે. સાચા મતદારો ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ થાય તે માટે સરકારે તેમને આત્મવિશ્વાસ આપવાનો રહે કે રોગચાળાનું જોખમ તેમને નડશે નહીં. અત્યારે જે સંજોગો છે તે જોતાં એવી કોઇ પણ ખાતરી આપવી કોઇને ય માટે શક્ય નથી, કારણ કે કેસિઝ સતત વધી રહ્યા છે. જો કે હકીકત એ પણ છે કે બિહારમાં જ્યારે ચૂંટણી થઇ, ગયા વર્ષના અંતે, ત્યારે તે અનેક મુશ્કેલીઓ હોવા છતાં પણ સારી રીતે પાર પડી, પરંતુ શું બધે જ એ દ્રષ્ટાંત અનુસરાઇ શક્યું છે અથવા તો અનુસરાઇ શકાશે? એ અંગે કોઇ ગેરંટી નથી.

બાય ધી વેઃ

ચૂંટણી પ્રચારની રેલીઓ પણ થાય છે અને જે વિવાદો વિખવાદો થવા જોઇએ એ પણ થાય છે. નેધરલેન્ડ્ઝમાં પણ ચૂંટણી પાર પડાઇ છે અને અહીં પણ સરકાર મતદાતાઓને મથકો સુધી લાવવા તત્પર છે. છતાં ય મુદ્દો એ બને જ છે કે શું થોડો સમય ખમ્મા કરાય તેમ નથી? સમાજ કલ્યાણના વાયદા કરનારા રાજકારણીઓ મતની લાલચમાં મતદાતઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપશે તો કંઇ કાચું નહીં કપાય. હા સત્તાધીશોએ યાદ રાખવું પડે કે ચૂંટણી પાછી ઠેલાય તેનો અર્થ એમ નથી કે બસ હવે લોકશાહીને ધીરે ધીરે ધક્કો મારી અભેરાઇએ ચઢાવી શકાશે.

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  21 માર્ચ 2021 

Loading

તે સમયે ભારતમાં શાસન અને શાસનવ્યવસ્થા હતાં જ નહીં

રમેશ ઓઝા|Opinion - Opinion|21 March 2021

ભારતનાં બંધારણનું ઘડતર પ્રમાણમાં આસાનીથી થઈ શક્યું એનાં કારણો બતાવતાં આગળના લેખમાં આપણે બે કારણોની વાત કરી હતી. એક તો એ કે ભારતમાં ક્યારે ય અખિલ ભારતીય શાસનવ્યવસ્થા જ નહોતી એટલે અંગ્રેજોને જૂનું હટાવીને નવું દાખલ કરવાપણું હતું નહીં. આને કારણે પ્રજાના વિરોધનો પણ સામનો નહોતો કરવો પડ્યો. બીજું કારણ એ કે ભારતની પ્રજા મહદ્દ અંશે રાજકીય કરતાં સામાજિક ધારાધોરણો દ્વારા શાસિત હતી. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં રાજ્યતંત્ર કરતાં સમાજતંત્ર વધારે પ્રભાવી હતું અને એનું જ શાસન હતું. પ્રજાને રાજાનો ડર ઓછો લાગતો હતો, જ્ઞાતિની પંચાયતોનો ડર વધુ લાગતો હતો. આમાં ગ્રામીણ ભારત તો લગભગ રાજ્યશાસનથી મુક્ત હતું.

અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા ત્યારે તરત તેમને આ વાત સમજાઈ ગઈ હતી. પહેલાં તો તેમને લાગ્યું હતું કે ભારતમાં કોઈ એક ચક્રવર્તી રાજા હશે, એની આખા દેશ ઉપર આણ હશે, એક જ સ્થાનેથી આખા દેશ ઉપર શાસન ચાલતું હશે, ઉપરથી નીચે સુધીનો વહીવટીતંત્રનો પીરામીડ હશે, એક સરખા કાયદા હશે, એક સરખી ન્યાયવ્યવસ્થા હશે, વેપાર-ધંધાના ધારાધોરણ હશે, રાજ્ય વેપારીઓને ચોર લૂંટારા અને ચાંચિયાઓ સામે સુરક્ષા પૂરી પાડતું હશે અને સામે વેરા લેતું હશે, વગેરે વગેરે. પણ પછી થોડા સમયમાં જ તેમને સમજાઈ ગયું હતું કે આ દેશમાં શાસન અને શાસનવ્યવસ્થા છે જ નહીં અને જે છે એ વ્યક્તિસાપેક્ષ અને સમાજસાપેક્ષ છે.

પેલી બાજુ ઇંગ્લેંડમાં કાયદાનું રાજ જરા વધારે પડતું આગ્રહી હતું. અંગ્રેજો બે પ્રકારની લાક્ષણીકતા ધરાવતી પ્રજા છે. એક કાયદા માટેનું વળગણ. તેઓ જે કાંઈ કરે એ કાયદેસર કરે પછી શોષણ અને લૂંટ કેમ ન હોય! બીજી લાક્ષણિકતા રેકોર્ડ રાખવાની ચીવટ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કે તેના અમલદારોએ ભારતમાં જેટલાં કુકર્મો કર્યાં છે એમાંના મોટાભાગના નોંધાયેલા છે. કાયદાના રાજ માટેના આગ્રહના કારણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ધંધો કરવાનો બ્રિટિશ સરકાર પાસેથી પરવાનો લેવો પડ્યો હતો, એ પરવાનો બાંધેલી મુદ્દતનો હતો. મુદ્દત પૂરી થયે નવો પરવાનો લેવો પડતો હતો. કંપની ઉપર સરકાર નજર રાખતી હતી અને પરવાનાની મુદ્દત વધારતી વખતે કંપનીના કામકાજનું અને વ્યવહારનું મૂલ્યાંકન થતું હતું અને તે ત્યાં સુધી કે આમ અને ઉમરાવની સભામાં ચર્ચા થતી હતી.

આ સ્થિતિમાં કંપનીને જવાબદાર વહીવટીતંત્ર વિના ચાલે એમ નહોતું. આમ પણ છ હજાર માઈલ્સ દૂરથી ધંધો કરવા આવ્યા હોય, મોટું રોકાણ હોય, બહોળો ધંધો હોય, જોઈન્ટ સ્ટોક કંપની હોય, કંપનીનું સંચાલન બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કરતા હોય શેરહોલ્ડરોને જવાબ આપવો પડતો હોય, બીજા દેશોની વેપારી કંપનીઓ સાથે ગળાકાપ હરીફાઈ ચાલતી હોય અને ધંધો કર્મચારીઓ હસ્તક હોય ત્યારે બેખબર રહેવું પોસાય નહીં. કોઈક પ્રકારની વ્યવસ્થા તો જોઈએ જ. ખાસ કરીને કંપનીના માલ-સામાનની તેમ જ તેના માણસો(દેશી અને વિદેશી બન્ને)ની સુરક્ષાની વ્યવસ્થા પાકી હોવી જોઈએ અને જો માણસો ખોટું કામ કરે તો તેને દંડવાની પણ વ્યવસ્થા હોવી જોઈએ. અહીં ભારતમાં આમાનું કાંઈ જ નહોતું.

ભારતમાં અંગ્રેજ વહીવટીતંત્રના શ્રીગણેશ મુંબઈથી થયા હતા. ઈ.સ. ૧૬૬૮ની સાલમાં ઇંગ્લેન્ડના રાજાએ પોર્ટુગીઝની રાણીએ દહેજમાં આપેલો મુંબઈનો ટાપુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને લીઝ ઉપર આપી દીધો હતો. બ્રિટિશ સરકારે કંપનીને અધિકાર આપ્યો હતો કે તે સુચારુ શાસન માટે મુંબઈના બંદર, મુંબઈના ટાપુઓ અને ત્યાંની પ્રજા પરના શાસન માટે કાયદાઓ ઘડી શકે છે અને જરૂર પડ્યે વટહુકમ પણ કાઢી શકે છે. મુંબઈના ગવર્નરને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો અને આગળ જતા બ્રિટિશ ઢબની અદાલતો સ્થાપવાની પણ પરવાનગી આપવામાં આવી હતી. સૌથી મોટી ચિંતા કંપનીના જાન-માલની પણ હતી તો તે માટે લશ્કરભરતી કરવાની અને શાસ્ત્રો પૂરાં પાડવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.  ૧૬૬૮ પછી નવ વરસે ૧૬૭૭માં કંપનીને તેનું પોતાનું ચલણ છાપવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.

હવે શું બાકી રહ્યું? મુંબઈમાં વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, સુરક્ષાતંત્ર અને નાણાતંત્ર એમ ચારે ય બાબતે બ્રિટિશ શાસકીય મોડેલ લાગુ કરવામાં આવ્યું અને એ સફળ નીવડ્યું. એમ કહી શકાય કે મુંબઈ એક પ્રયોગશાળા હતું. વિદેશી ભૂમિ ઉપર કબજો કરવો એ એક વાત છે અને વિદેશની ભૂમિ ઉપર પ્રજાને સાવ અજાણ્યું હોય એવું વિદેશી ઢબનું શાસન તેના ચારે ય અંગ સાથે લાદવું એ જુદી વાત છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈમાં એવો પ્રયોગ કર્યો જેનો મુઘલ સમ્રાટ, બીજા દેશી રાજવીઓ કે પ્રજાએ વિરોધ નહોતો કર્યો. નવ વરસમાં મુંબઈમાં અંગ્રેજ વહીવટીતંત્રનું વર્તુળ પૂરું થયું એટલે કંપનીએ બીજા વરસે ૧૬૭૮માં મદ્રાસમાં બ્રિટિશ ઢબનું કંપનીનું વહીવટીતંત્ર લાગુ કરવા માંડ્યું. ૧૬૮૩ની સાલમાં બ્રિટિશ સરકારે એક ચાર્ટર બહાર પાડીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને બીજાં રાજ્યો સાથે સંધી કરવાની અને જરૂર પડ્યે લડાઈ કરવાની પરવાનગી આપી.

અહીં આપેલી સાલવારી ઉપર એક નજર ફરી વાર કરો. કેટલી ઝડપથી ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ભારતની પ્રજાને અજાણ્યું હતું એવું તંત્ર દાખલ કરતી ગઈ અને સાથે પગપેસારો કરતી ગઈ. કારણ ઉપર કહ્યું એમ આપણે ત્યાં શાસનવ્યવસ્થાનો તેમ જ શાસકીય સમગ્રતાનો અભાવ હતો એટલે શૂન્યાવકાશ ભરવામાં અંગ્રેજોને મુશ્કેલી નહોતી પડી. હકીકત એ છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત ઉપર કબજો કરવામાં તેની શાસકીય વ્યવસ્થાએ અને શાસકીય સમગ્રતાએ મદદ કરી હતી. કંપનીએ ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી બંગાળ  ઉપર કબજો કર્યો અને એ સાથે તેની શાસનવ્યવસ્થા દાખલ કરી એવું નથી. એની શરૂઆત તો એના લગભગ સો વરસ પહેલાં મુંબઈનાં ખોબા જેવડા ટાપુઓમાં થઈ હતી. બંગાળ કબજે કર્યા પછી તેનું સ્વરૂપ વ્યાપક બન્યું એટલું જ. બીજી હકીકત એ છે કે ભારતની પ્રજાને પણ અવ્યવસ્થા અને અરાજકતાની વચ્ચે વ્યવસ્થા ગમવા લાગી હતી. ધારાધોરણ તેને ગમવા લાગ્યા હતા. એવું પણ હોય કે આ વ્યવસ્થા, ધારાધોરણ, સાતત્ય અને એક રીતની શાસકીય સમગ્રતાને કારણે ભારતની પ્રજાએ અંગ્રેજોની ગુલામી સ્વીકારી લીધી હશે. ભારતની પ્રજાને ગુલામી મીઠી લાગવા માંડી હતી એવું કહેનારા ઘણાં પ્રમાણ ઉપલબ્ધ છે.

તો વાતનો સાર એટલો કે ભારતીય શાસનવ્યવસ્થાના અભાવમાં અંગ્રેજ શાસનવ્યવસ્થા માટે ભારતમાં અનુકૂળતા હતી અને બીજું, અંગ્રેજી શાસનમાં જોવા મળેલી શાસકીય સમગ્રતાને કારણે ભારતની પ્રજાએ તેનો વિરોધ તો નહોતો કર્યો, પણ ઊલટો આવકાર આપ્યો હતો. આઝાદી માટેનાં આંદોલન વખતે કેટલાક ભારતીય નેતાઓ કહેવા પણ લાગ્યા હતા કે આઝાદીનો અર્થ અંગ્રેજોના શાસનનો અંત હશે, અંગ્રેજી ઢબના શાસનનો અંત નહીં હોય. આમ કહેવાની એટલા માટે જરૂર પડી હતી કે ભારતની પ્રજાનો એક મોટો વર્ગ અંગ્રેજી ઢબના શાસનનો હિમાયતી બની ગયો હતો.

પણ આનો અર્થ એવો નથી કે આપણે પૂરેપૂરું અંગ્રેજ ઢબનું શાસન અપનાવ્યું છે અને એવું પણ નથી કે બંધારણ ઘડતી વખતે અને એ પહેલાં કોઈ મતભેદ નહોતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 માર્ચ 2021

Loading

...102030...1,9591,9601,9611,962...1,9701,9801,990...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved