Opinion Magazine
Number of visits: 9963692
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દુનિયામાં કોલાહલ છે : આપણે આશાના દૂત છીએ

એમ. કે. જ્યૉર્જ [અનુવાદ : રૂપાલી બર્ક], એમ. કે. જ્યૉર્જ [અનુવાદ : રૂપાલી બર્ક]|Opinion - Opinion|3 August 2021

ખલનાયક કૉરૉના વાઈરસ છે, કોવિડ-૧૯, ઔપચારિક ધોરણે SARS-CoV-2 કહેવાતો. ડૅલ્ટા વૅરિયન્ટે બધાંને નાકે દમ લાવી દીધો છે. પરંતુ ખરો દોષી વાઈરસ છે કે પછી વર્તમાન સમયમાં વિશ્વ જે કટોકટીનો સામનો કરી રહ્યું છે એની પાછળના ઊંડા કારણો સંકળાયેલા છે?

ચાલો જોઈએ વિશ્વ કયા પ્રશ્નોના બોજ તળે દબાયેલું છે? સૌથી ધનાઢ્ય દેશોથી શરૂઆત કરીએ, જી-૭ દેશો: કૅનૅડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, યુ.કે. અને યુ.એસ.એ.

અહેવાલો મુજબ કૅનૅડા ઘણો શાંતિપૂર્ણ દેશ છે પરંતુ ૨૦૨૧ના એક વૈશ્વિક અહેવાલ મુજબ, ‘કૅનૅડા … પરદેશમાં કૅનૅડાની ખનન કંપનીઓ દ્વારા થતા માનવ હક સંબંધી ગંભીર પ્રશ્નોનો અને સંઘર્ષમાં સંડોવાયેલા પક્ષોને હથિયારો અને સૈન્યબળ પૂરા નહીં પાડવાના સંયુક્ત રાષ્ટ્રસંઘના અનેક સૂચનો બાદ પણ યમનમાં સાઉદી અરબની આગેવાની હેઠળ રચાયેલા સંયુક્ત મોરચાને હથિયારનું વેચાણ બંધ કરવાની સરકારની નાકામિયાબીનો સામનો કરવો પડી રહ્યો છે.’

ફ્રાન્સ સામે જટીલ સમસ્યાઓ છે જેવી કે આતંકવાદનો મુકાબલો, વધતી આર્થિક કટોકટી, ૨૦૨૨માં થનાર ચૂંટણી સંદર્ભે અનિશ્ચિતતા અને દેશમાં ઉગ્ર થતા જમણેરી પરિબળો.

જર્મનીમાં મોટા પ્રશ્નો સર્જાયા છે વાઈરસને લીધે ઊભા થયેલા આર્થિક સંકટ, તાજેતરના ફ્લૅશ ફ્લડ (એકાએક આવતાં પૂર), અને જાનમાલને થયેલા પારાવાર નુકસાનને કારણે. આ કટોકટીની તીવ્રતાથી વૈજ્ઞાનિકો આઘાત પામ્યા છે.

બેલ્જિયમમાં પણ નુકસાન પારાવાર અને આઘાતજનક છે.

ઈટાલીમાં રાજકીય અસમંજસ ઉપરાંત થીગડાં મારેલા સંયુક્ત મોરચાનું શાસન છે. વળી આર્થિક અને આરોગ્ય સંબંધી કટોકટીઓને પહોંચી વળવું મુશ્કેલ છે.

જાપાન સામે ના કેવળ ગંભીર હવામાન પરિવર્તનના પ્રશ્નો છે, પરંતુ વસ્તીશાસ્ત્ર સંબંધી અસંતુલિત પરિસ્થિતિ છે. દર ચાર વ્યક્તિએ એક ૬૫ વર્ષ ઉપરની છે. ૨૦૩૫માં દર ત્રણે એક હશે. ૨૦૬૦ સુદીમાં દર પાંચે બે ૬૫ ઉપરના હશે.

બ્રેક્સીટ બાદ, યુ.કે.ની નેતાગીરીને નકારાત્મક રીતે મૂલવવામાં આવી રહી છે. અમુક નિરિક્ષકો મુજબ યુ.કે. ભગ્ન સમાજ બની રહ્યો છે. “કેફી પદાર્થોનું દૂષણ, હિંસક ગુનાખોરી, તરુણોમાં ગુનાવૃત્તિ, તૂટતા પરિવારો, સરકારી સહાય સંબંધી પરાવલંબન, દારુણ શહેરી વાતાવરણ, તરુણીઓની સગર્ભાવસ્થા, નિષ્ક્રિય કુટુંબો, દારૂનું અમાપ સેવન, હત્યા કરતાં બાળકો : ભગ્ન સમાજ છીએ, એ પુરવાર કરવા આ બધાં કારણો દર્શાવવામાં આવ્યાં છે.”

ટ્રમ્પ યુગ બાદ જો બાઈડન યુ.એસ.નું રસીકરણ કરવા મથી રહ્યાં છે. સ્થળાંતર, અસંતુલિત આરોગ્ય સેવા તંત્ર, વધતી જતી બંદૂક સંસ્કૃતિ, અને વૈશ્વિક નેતાગીરીના નુકસાન જેવા અનેક પ્રશ્નોનો સામનો આ દેશ કરી રહ્યો છે.

એશિયાની વાત કરીએ તો, ગરીબી અને સંતાપ ચારેકોર વધી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનમાં માનવ હકોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે. અફઘાનિસ્તાન ગમે ત્યારે ફાટી શકે એવો જ્વાળામુખી છે. મ્યાનમાર માનવ હકોનું કતલખાનું છે. ચીન વૃદ્ધિ પામતા અર્થતંત્ર હોવાનો ઉત્સવ મનાવી રહ્યું છે પરંતુ દમનકારી જોહાકીની વાપસી થઈ રહી છે અને માનવ હકોના ઉલ્લંઘન વણનોંધાયેલા રહે છે. ફિલીપાઈનની શાસન વ્યવસ્થાનું ચિત્ર કંગાળ છે. કોઈ પણ મુદ્દે ઈન્ડોનેશિયાની સ્થિતિ  પણ દયનીય જ છે. ટૂંકમાં, કોઈ પણ એશિયાઈ દેશમાં આશા રાખવા જેવું કંઈ ખાસ નથી.

આફ્રિકા નરકનું ચિત્ર પ્રસ્તુત કરે છે — ગરીબી, આંતર-વિગ્રહો અને પ્રકૃતિનું નિકંદન. દક્ષિણ આફ્રિકાના તાજેતરના હુલ્લડો યાદ કરો. હવામાન પરિવર્તનની અવળી અસરો, વધતું જતું જળ સંકટ, જૈવિક વૈવિધ્ય અને પર્યાવરણીય ધોવાણ, રણ વિસ્તરણ, કુદરતી આફતો સામે ઓછું ટકાઉપણું, આતંકવાદ અને રાજકીય નેતાગીરીની કારમી અસફળતા આફ્રિકાનાં લક્ષણો છે. નાઈજિરિયા, મોસાંબિક, માલી, માદગાસ્કર, બર્કિના ફાસો, ઝામ્બિયા, આલજિરિયા, ઈથોપિયા અને માલાવી સૌથી ખરાબ શાસન તંત્ર ધરાવતા દેશો છે.

લૅટિન અમૅરિકન દેશો માનવ ઇતિહાસમાં સૌથી બૂરી પર્યાવરણીય અને નેતાગીરીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ દેશો સામે વિસ્તૃત ભ્રષ્ટાચાર, આર્થિક વૃદ્ધિનો અભાવ, રાજકીય અસ્થિરતા, અસુરક્ષા, ગુનાખોરી, કેફી પદાર્થોનો ગેર-કાનૂની વેપાર, પર્યાવરણીય વિનાશ અને શિક્ષણના અભાવ જેવા મોટા પ્રશ્નો તાકી રહ્યા છે. બ્રાઝીલ, વેનેઝ્યુએલા, સૂરીનામ, બોલિવિયા અને ગાયેના સૌથી ત્રસ્ત દેશો છે. સૌથી અગત્યનું કે લોકશાહીની ઝડપથી કથળતી જતી ગુણવત્તા લેટિન અમૅરિકા માટે સારા એંધાણ નથી.

મધ્યપૂર્વના અમુક દેશોએ બધાની ઊંઘ હરામ કરી દીધી છે. લેબનન, સિરિયા, ઈરાક, પૅલૅસ્ટાઈનના પ્રદેશો જેવાનો વિચાર કરતા જ નિર્દયી હેવાનિયતનો અણસાર મળશે. આંતર-વિસ્થાપિતો (વિશ્વભરમાં ૮૦ મનલિયન), માનવીય સહાયની જરૂરિયાતવાળાં અને સ્ત્રીઓ અને બાળકો આ દેશોમાં જોવા મળે છે. ISIS અને બીજા કટ્ટરપંથી જૂથોનું સર્વત્ર જોખમ તો ખરું જ.

હવે મૂળ પ્રશ્ન પર પાછા આવીએ. શું વાઈરસ જ ખરો ખલનાયક છે? હા પાડતા સંકોચ થાય છે. ખરો ખલનાયક માનવતા અને કરુણાનો અભાવ નથી શું? કરુણામય નેતાગીરીનો અભાવ નથી શું? વિકાસના ખોટા નમૂનાને આપણે અપનાવ્યો છે એ નથી શું? માનવ જીવનમાં પરમ તત્ત્વની અવગણના નથી શું? 

દુનિયાનું આ કરુણ વાંચન છે. ક્યાં ય આશા નજર નથી આવતી. પરંતુ શું આશા ત્યજી દેવી જોઈએ? આખા વિશ્વની ભયાનક પરિસ્થિતિ વચ્ચે આશા ઝળકાવતી વ્યક્તિઓ અને ચળવળો પણ છે. એમાંનાં અમુક મુખ્ય જોઈએ. રૅડ ક્રોસ, ઑક્સફામ, ડૉક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ, કૅથોલિક રિલીફ સર્વિસીસ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, યુ.એન. એજન્સીઓ, જેસ્યુઈટ રેફ્યુજી સર્વિસ જેવા માનવીય અને સેવાભાવી સંગઠનો, ખાસ કરીને યુદ્ધથી ગ્રસિત પ્રદેશોમાં કાર્ય કરતી સંસ્થાઓ પ્રકાશની દીવાદાંડીઓ છે.

પોપ ફ્રાન્સિસ, દલાઈ લામા, ન્યુઝીલૅન્ડનાં પ્રધાન મંત્રી ઍડર્ન જેવાં કરુણામય આગેવાનો અને ગ્રૅટા થુનબર્ગ અને મલાલા યુસફઝાઈ જેવાં તરુણ/યુવાનો આપણને આશા પૂરી પાડે છે. પરંતુ બધાં આશા ઉપજાવનારા તત્ત્વોમાંથી સૌથી મહત્ત્વનો છે કરુણા ભરેલો વ્યક્તિગત મનુષ્ય. તમે અને હું જે દુનિયાને કરુણાથી જોવાની તસ્દી લઈએ છીએ અને સેવાભાવી સંસ્થાઓને દાન આપીએ છીએ અથવા સેવા પૂરી પાડીએ છીએ. ખરી આશા આપણે છીએ. આપણામાંના જેમણે આપણી આજુબાજુના પ્રવાસી મજૂરોને, શેરીના નાકે ઘર વિહોણા માનવીઓને સહાય કરી, આપણે આશાના દીવડા છીએ.

આપણા હૃદયોમાં આશા ધારણ કરીએ. કરુણાની વાત કરીએ. શાંતિ અને ન્યાય માટે અવાજ ઉઠાવીએ. યાદ રાખીએ, ‘પર્વત પરની હજાર બૂમો હિમપ્રપાત સર્જી શકે છે.’

~

સ્રોત : https://mattersindia.com/2021/08/world-is-in-turmoil-we-are-messengers-of-hope/  

e.mail: rupaleeburke@yahoo.co.in

 
 

Loading

વસંત-રજબ બેલડી

પીયૂષ મુકુન્દ પારાશર્ય|Opinion - Opinion|2 August 2021

દર વર્ષે જગન્નાથજીની યાત્રા સમયે વસંત હેગિપ્ટે અને રજબઅલી લાખાણીનું તીવ્ર સ્મરણ થઈ આવે. આજના સમયમાં આવા રાષ્ટ્રભક્તોનું હોવું એ જ વિચારી શકાતું નથી. આ બંનેના સ્મરણાર્થે આપણે ત્યાં ગુજરાત કે દેશમાં શું થઈ રહ્યું છે?

આ બંને કોઈ પક્ષના કે ધર્મના ન હતા. માનવધર્મ તેમનો ધર્મ હતો અને અન્યને નહીં, પણ પોતાની જાતને વફાદાર હતા અને આત્માના અવાજને જ અનુસરતા હતા. પોતે અન્યને અંતરાયરૂપ બને છે કે તેવું જરા પણ વાતાવરણમાંથી જણાય તો પોતાનું કાર્યક્ષેત્ર બદલાવી નાખતા. રજબઅલી તો ૧૯૩૦ના સમયમાં કરાંચીથી કાઠિયાવાડના લીંબડી ગામે આવ્યા અને કૉલેજના અભ્યાસ માટે ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા. સ્વાતંત્ર્યની પ્રવૃત્તિઓ માટે ભાવનગર રાજ્યના તત્કાલીન દીવાન અનંતરાય પટ્ટણીનો પૂરો સાથ હતો. ઉંમરના પ્રમાણમાં તેમની દેહ્યદ્રષ્ટિ ખૂબ જ સરસ હતી. ભાવનગરના સુપ્રસિદ્ધ બોરતળાવમાં સાથે બોટિંગ કરતાં અનંતરાયે આશ્ચર્ય વ્યક્ત કરતાં રજબઅલી માત્ર ૧૬ વર્ષના છે, તે માનવા તૈયાર નહતા, પણ કમનસીબે તે વખતના ભાવનગરના કેટલાક રાજકારણીઓ રજબઅલીના વધતા જતા પ્રભાવથી ખિન્ન હતા. તેથી રજબઅલીએ તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર ભાવનગરથી અમદાવાદ કરી નાખ્યું. ભાવનગરમાં હતા, ત્યારે રજબઅલી અને તેમના મિત્રોની પ્રવૃત્તિઓનું સ્થળ ભાવનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર હાલમાં આવેલા કલાક્ષેત્રના મકાનમાં રહેલું, જેમાં ઝવેરચંદ મેઘાણીના જમાઈ અનિલભાઈ શાહ અને ચિત્તરંજન પાઠક, પ્રેમશંકરભાઈ ન. ભટ્ટ અને મહેન્દ્રભાઈ મેઘાણી સાથે જોડાયેલા રહેતા. આ બધા જ સ્વાતંત્ર્યસેનાનીઓ હતા, પણ દેશ સ્વતંત્ર થયા પછી આવા સેનાનીઓને અપાતું માસિક પેન્શન કોઈ લેતા હતા, તેવું યાદ નથી. મહેન્દ્રભાઈ મેઘાણીની વય ૯૬ વર્ષની છે. પ્રેમશંકરભાઈએ શાન્તિનિકેતનમાં ભાવનગર રાજ્યની સ્કૉલરશિપથી અભ્યાસ કર્યાનું જાણમાં છે.

રજબઅલી ભાવનગર હતા, ત્યારે તેમના અનુયાયીઓની સંખ્યા ખૂબ જ મોટી રહેતી અને તેમને કોઈ સામે મળે તો તે વ્યક્તિ તેમને પ્રણામ કરતી. તેમના મોટાભાઈએ (આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં) ગાંધીજીના આદેશને માથે ચડાવીને પોસ્ટ ઑફિસની સરકારી નોકરીનો ત્યાગ કરેલો. પણ ભાવનગરમાં આજે તેમનું કોઈ સ્મારક હોય, તો ધ્યાનમાં નથી, સિવાય કે શહેરની શામળદાસ કૉલેજમાં યોગ્ય જગ્યાએ ગાંધીજી, (ગાંધીજી શામળદાસના છ મહિના માટે વિદ્યાર્થી હતા.) બળવંતરાય મહેતા અને રજબઅલીનું સ્મારક છે. કૉલેજકાળના અભ્યાસ દરમિયાન કૉલેજના પ્રિન્સિપાલ માનનીય ટી.કે. શહાણી પણ રજબઅલીના રંગે રંગાયેલા અને રજબઅલીની જેમ ખાદીનાં અને રો-સિલ્કનાં વસ્ત્રો પહેરતા. નિવૃત્તિના સમય પછી લાંબા સમય સુધી તેઓ ભાવનગર રહેલા અને મેં તેમને આ વસ્ત્રોમાં જોયા છે.

મજાની વાત એ છે કે જૂન ૧૯૪૬માં વસંતરજબની ઘાતકી રીતે હત્યા થયા પછી માત્ર એક જ વર્ષમાં ૧૯૪૭માં તેમના અંગેનો સ્મૃતિગ્રંથ ઝવેરચંદ મેઘાણીના સંપાદનમાં પ્રકાશિત થયો અને આજથી પાંચેક વર્ષ પહેલાં ઇતિહાસવિદ્‌ ડૉ. રિઝવાન કાદરીના પ્રયત્નોથી તે ગ્રંથનું પુનઃપ્રકાશન થયું. આ પુસ્તક હાલમાં અમદાવાદના પોલીસ વિભાગ દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાનું જાણમાં છે. અમદાવાદના રાયખડ વિભાગમાં એનું નાનુંશું મ્યૂઝિયમ પણ મુકાયું છે. અમદાવાદ, ગુજરાતમાં આવતા સહેલાણીઓને જેમ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના દર્શન કરાવવાનો આગ્રહ થાય છે, તેમ આ સ્થળના દર્શનનો યોગ થાય તેવું પણ કરવું જરૂરી છે. ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાનું આ તીર્થસ્થળ છે. દરેક ભારતીયના ડી.એન.એ. ટેસ્ટમાં બધા જ સરખા છે, તેવા મોહન ભાગવતના વિધાનને અનુરૂપ આ એક ઘટના બની હતી. મોહન ભાગવત પોતે મહારાષ્ટી્રયન છે, તેવું જાણમાં છે. પણ વસંત હેગિષ્ટે પણ એક મહારાષ્ટી્રયન હતા, તે અંગે મોહન ભાગવત કે ચંદ્રકાન્ત પાટીલને કેટલી માહિતી છે? ચંદ્રકાન્ત પાટીલે રજબઅલીની કબર ઉપર કે રાયખડમાં આવેલા મ્યૂઝિયમમાં માથું ટેકવ્યું છે? કે વસંતનાં પરિવારજનો (ત્રીજી પેઢીના)ના સંપર્કમાં છે? અમદાવાદના મહારાષ્ટ્ર સમાજનું પણ દિશાસૂચન કરું છું. બરાબરને સંજય શ્રીપાદ ભાવે?

માહિતીનો અભાવ કે પ્રજાની નિસ્તેજતા, જે કહો તે પણ દર વર્ષે આ પ્રસંગે બિરાદરી કે તેવી ઘટના કે આદર્શો સાથે નિસબત ધરાવતા સેવાદળ, સેક્યુલર, લોકશાહી આંદોલન અને પ્રકાશભાઈ જેવા થોડા માણસોથી વધારે લોકો પાવન દિવસને યાદ નથી કરતા, સરકારશ્રીએ અને સમાજવાદ તરફ ઝોક ધરાવતી સંસ્થાઓ કે મહાનુભાવોએ દર વર્ષે એક મંચ પર ભેગા થઈને આ ઘટનાનું પવિત્ર સ્મરણ કરવું જોઈએ. સાચો ઇતિહાસ લખવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે આ સાચી ઘટનાના મજબૂત પુરાવાઓ (ઇતિ હાસ = ઇતિહાસ = આમ હતું, તો આ સત્ય ઘટના જ છે.)

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 11

Loading

જવાબદારી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જાળવવાની

ડંકેશ ઓઝા|Opinion - Opinion|2 August 2021

ગુજરાતના ઘણા મોટા એવા નાટ્યકર્મી ભરત દવે તાજેતરમાં અવસાન પામ્યા, તે નિમિત્તે જે અંજલિ-લેખો લખાયા તેમાં ભાગ્યે જ કોઈએ તેમના ‘અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય’ (2017) પુસ્તક વિશે ઉલ્લેખ કર્યો. આપણે વ્યક્તિને અમુક ક્ષેત્રમાં જાણેઅજાણે સીમિત કે કેદ કરી દેતા હોઈએ છીએ. ભરત દવે એમ માત્ર નાટ્યક્ષેત્રમાં બદ્ધ કરી શકાય તેવા ન હતા! ગુજરાતમાં દેશી રંગભૂમિની ઘણી બોલબાલા હતી. તે પછી દિલ્હી ખાતે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાની સ્થાપના થઈ અને તેમાં ગુજરાતના જે તેજસ્વી તારલાઓએ તાલીમ મેળવીને કામ કર્યું, તેમાંના એક તે ભરત દવે.

આજની સામાજિક–રાજકીય સ્થિતિ હરકોઈ વિચારશીલ અને સંવેદનશીલ નાગરિકને અકળાવનારી છે. પ્રત્યેકના મનમાં તેમ જ જાહેર ક્ષેત્રે કામ કરનારાં સંગઠનોમાં આ વિશે લગાતાર વિચારમંથન ચાલી રહ્યું છે. ભરત દવેએ આવા સામૂહિક ચિંતનને આગળ ધપાવવાના એક વિનમ્ર પ્રયાસરૂપે આ પુસ્તક લખ્યું. આજે જે કોઈ પોતાને વ્યક્ત કરવા ઇચ્છે છે, તેની સામે કેવા પ્રશ્નો પુછાય છે, તે ભરત દવેએ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધ્યા છેઃ “શું તમે વિકાસના વિરોધી છો ? તમે હિન્દુઓના વિરોધી છો? સ્વચ્છતાના વિરોધી છો ? રાષ્ટ્રગીત ગાવાના વિરોધી છો ? તમે ભ્રષ્ટાચારને ટેકો આપો છો ? આતંકવાદને ટેકો આપો છો ? દેશદ્રોહીઓને ટેકો આપો છો ? તમે માઓવાદીઓના સમર્થક છો ? ‘કાશ્મીર માંગે આઝાદી’ જેવા નારાને તમે મંજૂર કરો છો? તમે ગૌમાંસ ખાવા દેવાના સમર્થક છો? બોલો, મોઢેથી જવાબ આપો.” ભરત દવે નમ્રતાથી જણાવે છે કે આના જવાબો આપવા માટે તમારામાં રવીન્દ્રનાથ ટાગોર જેવી કક્ષા જોઈએ જેમણે એમ કહેવાની હિંમત દેખાડેલી કે “હું તમારા પ્રશ્નોને જ સરાસર નકારી કાઢું છું, કારણ કે મૂળભૂત રીતે આ પ્રશ્નો જ ખોટા છે અને હું તમારા વિરોધમાં ઊભો છું અથવા તમારો વિરોધ કરું છું, એનો અર્થ એ નહિ કે દેશને હાનિ પહોંચાડી રહેલાં તમામ અપરાધિક તત્ત્વોના સમર્થનમાં હું ઊભો છું!” (‘ઘરેબાહિરે’)

લોકશાહીનું હાર્દ એમાં છે કે દેશમાં પ્રવર્તતાં દૂષણો નાબૂદ કરવા બાબતે સૌ કોઈ સંમત હોય. પરંતુ તેને નેસ્તનાબૂદ કરવાની સરકારી નીતિ-રીતિઓ બાબતે પ્રામાણિક મતભેદ હોઈ શકે. આ ક્ષેત્રના મોટા વિચારક જ્હૉન સ્ટુઅર્ટ મિલે કહેલું કે વાણીની સ્વતંત્રતા માત્ર મનગમતી વાતો કહેવા કે સાંભળવા પૂરતી નથી હોતી. તમને ન ગમતી વાતોને, તમે ધિક્કારતા હો એવી વાતોને, પણ તમે એટલી જ સ્વસ્થતા અને ઉદારતાપૂર્વક સાંભળો એ જ તમારી ખરી કસોટી છે. હાલના અમેરિકી વિચારક ચૉમ્સ્કી પણ કહે છે કે ઇતિહાસમાં સ્તાલિન અને હિટલર જેવા સરમુખત્યારોએ પણ તેમની પ્રજાઓને વાણીની સ્વતંત્રતાનો અધિકાર આપેલો. પણ માત્ર એવી જ વાણીનો, જે તેમને મંજૂર હોય! ભરતભાઈએ ગંભીર ચર્ચાસ્પદ વિષય પર વૈશ્વિક સંદર્ભો સાથે સાંપ્રત સંદર્ભોને જોડીને ભારતમાં આ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની શી દશા છે, તેના વિશે ચિંતનાત્મક પુસ્તક લખ્યું છે. જે 368 પાનાંમાં ફેલાયેલું દળદાર પુસ્તક છે.

પુસ્તકમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઇતિહાસ પહેલાં બે પ્રકરણોમાં આલખાયેલો  છે. તે પછી પશ્ચિમી દેશોમાં કલાસ્વરૂપો ઉપરની સેન્સરશિપના કિસ્સાઓ અને તેની વિગતવાર ચર્ચા છે. તે પછી ભારતમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બુનિયાદ અને બંધારણીય જોગવાઈઓ સહિત કેટલીક સાંપ્રત ઘટનાઓની ચર્ચા છે. ભારતમાં સાહિત્ય, નાટક, કલા, ફિલ્મ, વ્યંગવિનોદ, ઇન્ટરનેટ અને મુદ્રિત તથા વિજાણુ માધ્યમોની સ્વતંત્રતા અને તેના પરની સેન્સરશિપ વિશે ચર્ચા છે. દેશદ્રોહનો કાનૂન અને ધાર્મિક અસહિષ્ણુતા આપણા દેશમાં કેવી છે, તે વિગતે વર્ણવાયું છે. આજની વૈશ્વિક કસોટીના પાયામાં વિશ્વભરમાં જમણેરી પરિબળોનો જે રીતે ઉદય થયો છે, તેની અભ્યાસપૂર્ણ ચર્ચા પછી ભારતીય રાજકારણ અને જમણેરી પરિબળો હેઠળ વાણીસ્વાતંત્ર્ય અને અસહિષ્ણુતા સંદર્ભે કેવી સ્વતંત્રતા અને અરાજકતા પ્રવર્તે છે, તેની ચર્ચા કરતાં લેખકે પ્રાચીન ભારતમાં વૈચારિક સ્વતંત્રતા કેવી હતી, તેની પણ વિગતો આપી છે.

અંતમાં તેમના સમાપનના શબ્દો છે : “આજના અસહિષ્ણુ જગતમાં આપણને માત્ર હા-જી-હા કરનારાઓનો ખપ નથી, અંતરાત્માના ધીમા પણ મક્કમ અવાજને વિશાળ માનવજાતના આંતરવિવેક સુધી પહોંચાડી શકનારા ‘બળવાખોરો’ જ માનવજાતને વર્તમાન સમસ્યામાંથી ઉગારનારો કોઈ નવો વિકલ્પ ચીંધી બતાવશે.”

પુસ્તકના અંતે જે સંદર્ભસૂચિ આપવામાં આવી છે, તેમાં આ વિષયના મહત્ત્વનાં પુસ્તકો અને કેટલાક લેખોનો સંદર્ભ જોઈ શકાય છે.

આજે સર્વોચ્ચ અદાલત વાજબી રીતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર પર વારંવાર ભાર મૂકે છે, ત્યારે વહીવટીતંત્ર, સરકાર અને તેમનાં ટેકેદાર વર્તુળો જે રીતે અભિવ્યક્ત થનાર વ્યક્તિ કે વિચારક પર કાયદાકીય અને અન્ય ધોંસ બોલાવે છે, ત્યારે માહોલ ચિંતાજનક સ્થિતિમાં પરિણમે છે. દેશભક્તિ એ કોઈ પ્રદર્શનની ચીજ નથી કે એનું કોઈ વળતર કે લાભ મેળવવાનો નથી. બંધારણ, તેની ભાવના, તે સંદર્ભે ઘડાયેલા કાયદાઓ અને વ્યાપક સમાજના સંદર્ભે કાયદાના શાસનની સ્થાપના અને તે પ્રત્યેની નિસબતમાં પણ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ શકે છે.

આ તબક્કે એ બરાબર સમજવાનું છે કે દરેકને પોતાની આઝાદી ગમે છે અને બીજો તે જ પ્રકારની આઝાદી ભોગવે તે સામે અતિશય વાંધાવિરોધ હોય છે. લોકશાહી કે બંધારણ કોઈ એક વર્ગસમૂહની આઝાદી કે તેના જતન માટે નથી. તે તો વ્યક્તિ માત્રની આઝાદીનું જતન કરવા માટે છે. અભિવ્યક્તિની સાથે વિચારસ્વાતંત્ર્ય આવી જ જાય છે. પ્રામાણિક મતભેદ અને વિરોધી વિચાર પ્રત્યે સહિષ્ણુતા એ સાચી આઝાદીનો મર્મ છે. ભરતભાઈએ તેમના જીવનમાં છેલ્લાં વર્ષો આવા ચિંતનને સમર્પિત કર્યાં છે. જે દર્શાવે છે કે એક કલાકાર તરીકે અને એક નાગરિક તરીકે તેમને આ મુદ્દો કેટલો પીડતો હશે કે કેટલો નજીકનો લાગતો હશે.

રાજકીય સરકારોને એવું માનવું સદાય ગમતું રહ્યું છે કે જે કોઈ આપણી સાથે નથી તે બધાં આપણી સામે જ છે. આવી ખતરનાક વિચારસરણી ઉપર બંધારણ છે, ન્યાયતંત્ર છે અને કાયદાનું રાજ સ્થાપવાની મસમોટી જવાબદારી છે. સાચા નાગરિકો જ્યારે ટીકાટિપ્પણી કરે છે, ત્યારે તેમને આખા સમાજનું હિત અભિપ્રેત હોય છે તેમને માત્ર ને માત્ર રાજકીય વિરોધીઓમાં ખતવી દેવા એ પાગલપન છે. સત્તા કદી કાયમી હોતી નથી. સત્તા એ તો પ્રજાકલ્યાણનું સાધન માત્ર છે. જે નસીબદારોને જ પ્રાપ્ત થાય છે. તે સમયગાળામાં પોતાનો નાગરિક કોઇ પણ પ્રકારનું દુઃખ ન અનુભવે તે જવાબદારી ચૂંટાયેલી સરકારની હોય છે. તે સાથે એ પણ સમજવાનું છે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર વાજબી નિયંત્રણો સાવ સ્વાભાવિક છે. કારણ કે કોઈ પણ પ્રકારની કોઈની પણ આઝાદી અમર્યાદ ન હોઈ શકે!

(અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, લેખક – ભરત દવે, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ – 380 015, પ્રથમ આવૃત્તિ 2017, પાનાં 276, કિ. રૂા.400)

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 09

Loading

...102030...1,9121,9131,9141,915...1,9201,9301,940...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved