Opinion Magazine
Number of visits: 9747030
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમસ્યા એ છે કે દેશમાં શાસકો ઓછા અને રાજકારણી વધુ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 June 2021

દેશનું દુર્ભાગ્ય જ કહેવું જોઈએ કે દેશ એક સાથે અનેક વિકરાળ સમસ્યાઓથી ઘેરાયેલો છે ત્યારે દેશના શાસકો, શાસકો ઓછા છે અને રાજકારણીઓ વધુ છે. તેમની નજર માત્ર અને માત્ર ચૂંટણીઓ જીતીને સત્તા પર કબજો કરવા ઉપર છે અને શાસનના મોરચે જરા પણ નથી. વિદેશનીતિના મોરચે, અર્થનીતિના મોરચે, કોરોનાસંકટના મોરચે, કાયદો અને વ્યવસ્થાના મોરચે કે બીજા કોઈ પણ મોરચે સરકાર સમ ખાવા પૂરતો પણ સફળતાનો દાવો કરી શકે એમ નથી. શાસન તેમની પ્રાથમિકતા નથી. તેમની પ્રાથમિકતા છે; સત્તા અને એ દ્વારા હિંદુઓની કહેવાતી રાજકીય-સામાજિક સરસાઈ, જેને તેઓ હિંદુરાષ્ટ્ર કહે છે. નિર્બળને ધોલ મારવાની ચેષ્ટા જો હિંદુરાષ્ટ્રમાં હિંદુઓની શક્તિ ગણાતી હોય તો એ હિંદુરાષ્ટ્રની દયા જ ખાવી જોઈએ. ઇતિહાસ એમ કહે છે કે માથાભારેપણાની કિંમત માથાભારેપણું કરનારા લોકો જ સૌથી વધુ ચૂકવતા હોય છે. જે લોકો સાથે માથાભારેપણાનો વહેવાર થતો હોય એ લોકો ચેતીને જીવતા શીખી જાય છે અને ચેતતો નર સદા સુખી એવી કહેવત તો તમે સાંભળી જ હશે.

ખેર, આ દેશમાં એવા કેટલાક લોકો છે જેમને લઘુમતી કોમ સામે બહુમતી કોમની કોમી સરસાઈમાં જ રસ છે પછી દેશ ભલે ખાડે જાય. તેમને ખબર છે કે આ માટે સત્તા જરૂરી છે અને માટે તેઓ કોઈ પણ સંજોગોમાં વર્તમાન શાસકોને ટેકો આપવાના છે. પરંતુ આ દેશમાં એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેમને ધોરણસરનું શાસન કરનારા શાસકો જોઈએ છે. એવા શાસકો જેઓ લોકોની ઈચ્છા અને એષણાનો આદર કરે. એવા શાસકો જેઓ લોકોની ફરિયાદને કાન આપે. એવા શાસકો જેઓ લોકતંત્રની મર્યાદાઓનું પાલન કરે અને લોકતાંત્રિક સંસ્થાઓના અધિકારોનો આદર કરે. એવા શાસકો જે સમસ્યાઓ અને પ્રશ્નોથી ભાગે નહીં પણ તેનો સામનો કરે. એવા શાસકો જેઓ પોતાથી ચડિયાતા તેજસ્વી માણસોની સલાહ અને સેવાનો લાભ લે. એવા શાસકો જેઓ લઘુતાગ્રંથિથી ન પીડાતા હોય. એવા શાસકો જેઓ અન્ય રાજકીય પક્ષોની રાજકીય હાજરીનો આદર કરતા હોય. એવા શાસકો જેઓ રાજ્યોના બંધારણીય અધિકારો(ફેડરલિઝમ)નો આદર કરતા હોય.

હકીકત એ છે કે જેને આપણે ભક્તો તરીકે ઓળખાવીએ છીએ એવા આંધળા ટેકેદારોની સામે ધોરણસરનું શાસન અને મર્યાદાનું પાલન કરનારા ધોરણસરના શાસકોની ઈચ્છા ધરાવનારા ભારતીય નાગરિકોની સંખ્યા ચાર ગણી છે. તેઓ વિકલ્પની તલાશમાં છે અને તે વિષે સતત ચર્ચા ચાલી રહી છે. માત્ર ભારતમાં નહીં, વિદેશોમાં પણ ભારતનાં લોકતંત્રના ભવિષ્ય વિષે ચર્ચા ચાલી રહી છે.

આમ જુઓ તો અહીં જે વિવેચન કરવામાં આવ્યું છે અને જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યા છે એમાં જ વિકલ્પ રહેલો છે. જો માથાભારે રાજકારણ વર્તમાન સત્તાધારીઓનો માર્ગ હોય તો તેનો વિકલ્પ ધોરણસરનું શાસન જ હોઈ શકે. કયો રાજકીય પક્ષ કે રાજકીય પક્ષોનો મોરચો બી.જે.પી.નો વિકલ્પ બની શકે એ વિષે વિચારવાની જગ્યાએ સૌથી પહેલા તો અત્યારે જે જે રાજ્યોમાં ગેરબી.જે.પી. રાજકીય પક્ષોની સરકારો છે તેણે પોતાનાં રાજ્યમાં ધોરણસરનું જવાબદાર શાસન આપવું જોઈએ. શાસકીય અભિગમ સભ્યતા અને મર્યાદાવાળો હોવો જોઈએ અને શાસનના કેન્દ્રમાં ભેદભાવ વિના પ્રજાની સુખાકારી અર્થાત્ વિકાસ હોવો જોઈએ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને જે સફળતા મળી છે એ આનું પરિણામ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પણ મરાઠી અસ્મિતા અને મરાઠી માણસને ન્યાયનું રાજકારણ કરવાની જગ્યાએ સભ્યતા અને મર્યાદાવાળું ધોરણસરનું વિકાસલક્ષી શાસન કરી રહ્યા છે તેને કારણે એક શાસક તરીકેની તેમની પ્રતિષ્ઠામાં ખૂબ મોટો વધારો થયો છે. આવો જ પ્રયાસ છતીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પણ કરી રહ્યા છે. ઓડીશામાં નવીન પટનાયક પણ ધોરણસરનું શાસન આપી રહ્યા છે.

તામિલનાડુમાં તાજાતાજા અને પહેલીવાર મુખ્ય પ્રધાન બનેલા એમ.કે. સ્તાલીને પણ કમાલ કરી બતાવી છે. તેમણે આર્થિક સલાહકાર સમિતિની રચના કરી છે અને એમાં જે વ્યક્તિઓની તેમણે પસંદગી કરી છે તેમનાં નામ સાંભળશો તો આભા થઈ જશો. રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન, ગયા વરસે નોબેલ ઇનામ મેળવનારાં એસ્થર ડફલો, કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણ્યમ્‌, વિશ્વભરમાં વિકાસના અર્થશાસ્ત્રમાં નામના ધરાવનારા અને સ્વેચ્છાએ ગરીબની જિંદગી જીવનારા ગરીબ તરફી અર્થશાસ્ત્રી જૉં દ્રેઝ અને કેન્દ્ર સરકારનાં નાણા સચિવ રહી ચૂકેલા એસ. નારાયણ તામિલનાડુ સરકારની આર્થિક સલાહકાર સમિતિના સભ્યો છે. પાળવા તો વાઘ પાળવા બાકી ગલુડિયાં પાળીને શો લાભ! એવા માણસો કોઈ ખપના નથી જે કોણ છે એ શોધવા માટે ગૂગલનો આશરો લેવો પડે.

તો વાતનો સાર એ છે કે તમામ રાજ્યોમાં ગેરબી.જે.પી. સરકારના શાસકોએ લોકતાંત્રિક મર્યાદા, માનવીય સભ્યતા અને ભેદભાવરહિત વિકાસકેન્દ્રી શાસન કરવું જોઈએ. આ ત્રણ ચીજ એવી છે જેનો બી.જે.પી.ના રાજમાં સાર્વત્રિક અભાવ છે અને ઉપર કહ્યું એમ ભારતના સોમાંથી ૭૫ નાગરિક એને માટે ઝંખે છે.

અહીં એક વાત જણાવી દેવી જોઈએ કે ભારતનો સમવાય ઢાંચો હિન્દીભાષિક રાજ્યોને છોડીને મૂળભૂત રીતે અસ્મિતાજન્ય છે. હિન્દીભાષિક રાજ્યો પણ થોડેઘણે અંશે પોતાની અસ્મિતા ધરાવે છે. હિંદુ રાષ્ટ્રવાદી અસ્મિતા જેટલી આક્રમક બનશે અને પ્રાદેશિક અસ્મિતાઓને હાંસિયામાં ધકેલશે એટલી પ્રાદેશિક અસ્મિતાઓ પ્રતિકાર કરનારી જવાબી બનશે. આ સ્થિતિમાં પ્રાદેશિક પક્ષોએ પ્રાદેશિક અસ્મિતાઓનું રાજકારણ કરવાની જરૂર નથી. તેઓ જો સત્તામાં આવે તો તેમણે ભેદભાવરહિત વિકાસલક્ષી શાસન કરવું જોઈએ. હિંદુ અસ્મિતાના આક્રમણનો ભોગ બની રહેલી પ્રાદેશિક અસ્મિતાઓ એની મેળે પ્રતિકારક બનશે. જે રાજકીય પક્ષો અત્યાર સુધી અસ્મિતાઓનું રાજકારણ કરી રહ્યા છે તેમણે પણ શાસક તરીકે અસ્મિતાઓ ઘૂઘરો ફગાવી દેવો જોઈએ, જે રીતે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ ફગાવી દીધો છે. રાજ્યોના મતદાતાઓને એની મેળે જ જાણ થશે કે કહેવાતું હિંદુ રાષ્ટ્ર હિંદુ ધાર્મિક અસ્મિતાનું માથાભારે રાજ છે જેમાં અમારી પ્રાદેશિક અસ્મિતાને પાછળ ધકેલવામાં આવે છે. હિંદુ રાજ અન્યાયી તો છે જ અને ઉપરથી એમાં વિકાસની તો કોઈ વાત જ કરવામાં નથી આવતી. એક દિવસ કદાચ એવો પણ આવશે કે સમવાય ભારત (એટલે કે રાજ્યો) કેન્દ્ર સામે મોરચો માંડશે.

અને છેલ્લી જરૂરિયાત છે કપરાં સંજોગોમાં પણ હાર કબૂલ નહીં કરવાનો આત્મવિશ્વાસ અને થાક્યા વિનાની અખૂટ મહેનત. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ આનો પરિચય કરાવ્યો હતો. એ સિવાય મહારાષ્ટ્રમાં શરદ પવારે, આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીએ, બિહારમાં તેજસ્વી યાદવે, છતીસગઢમાં ભૂપેશ બઘેલે અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે આત્મવિશ્વાસ સાથે હામ હાર્યા વિના જે મહેનત કરી હતી તેનું પરિણામ આપણી સામે છે. બિહારમાં તેજસ્વી યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળને સૌથી વધુ બેઠકો મળી હતી. બિહારમાં વિજેતા તેજસ્વી યાદવ છે.

રહી વાત પરંપરાગત ગઠબંધનો અને કોના કેટલા વોટના સમીકરણોની તો મને એમ લાગે છે કે એ પ્રકારનું રાજકારણ હવે અપ્રાસંગિક બની રહ્યું છે. મર્યાદા, માણસાઈ, ભેદભાવરહિત વિકાસ, આત્મવિશ્વાસ અને મહેનત આ પાંચ ચીજો જ્યાં હશે ત્યાં બી.જે.પી.ને પરાસ્ત કરી શકાય છે. છેલ્લાં કેટલાંક વરસોનો અનુભવ આમ કહે છે. બી.જે.પી. પાસે છેલ્લી બે ચીજ છે, પહેલી ત્રણનો અભાવ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 જૂન 2021

Loading

આજ ખરું અવતરવાનું ટાણું, હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|24 June 2021

હૈયાને દરબાર

‘હૈયાને દરબાર’ પંદરમી માર્ચ, ૨૦૧૮થી ‘મુંબઈ સમાચાર’માં શરૂ કરી, ત્યારે મારા પ્રિય અને સુજ્ઞ વાચકો વિશે મને શ્રદ્ધા હતી જ કે મારી અન્ય કોલમોની જેમ આ સંગીતમય કોલમને કલાપ્રેમી વાચકો બિરદાવશે જ. બીજું, ‘મુંબઈ સમાચાર’ હંમેશાં માતૃભૂમિ, માતૃભાષા, આપણી સંસ્કૃતિ વિશે સજાગ રહ્યું હોવાથી તંત્રી નીલેશ દવેનો સહયોગ પણ મળ્યો. ગુજરાતી ગીતોનો અઢળક ખજાનો આપણી પાસે છે છતાં, માત્ર પાંચ-પચીસ ગીતો જ લોકોને ખબર હોવાથી મને હંમેશાં એમ થતું લોકોને આપણી ભાષાનાં અદ્ભુત ગીતો વિશે માહિતગાર કરીશું તો જ એમને આપણા આ અમૂલ્ય વારસાની ખબર પડશે. આપણે આપણાં ભાષા-સંગીત-સંસ્કૃતિ આપણા પછીની પેઢીને આપીશું નહીં તો એ ખતમ થઈ જશે. આ વાત મેં તંત્રી નીલેશભાઈ સાથે કરી અને એમણે ઉમળકાપૂર્વક કોલમ શરૂ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. પહેલી જ કોલમથી વાચકોનો ઉત્તમ પ્રતિસાદ મળવા લાગ્યો. ગુરુવાર એટલે મારે માટે વાચકોના પ્રેમનો વાર. કોલમ વાંચીને સવારમાં થોડાક ફોન તો આવી જ જાય. આ પ્રેમ મારી ઊર્જા વધારતો હોવાથી એક-બે વાર કોલમ બંધ કરવાનો વિચાર આવ્યો હોવા છતાં એ અટકી નહીં, પરંતુ ગુજરાતી ગીતોનો મહાસાગર એવો અનંત છે કે એનો સામેનો છેડો દેખાય જ નહીં. એટલે તરાય એટલું તરીને આપણે જ પાછા વળવું પડે. મને લાગે છે કે પાછા વળવાનો સમય આવી ગયો છે.

હવે તો ગુજરાતી મનોરંજન ઉદ્યોગનું જબરજસ્ત મેકઓવર થઈ ગયું છે. સુગમ સંગીતનું સ્થાન અર્બન ગુજરાતી સંગીતે લીધું છે, જેમાં અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. લોકસંગીત આધુનિક સ્વરૂપે પુનર્જન્મ લઈ રહ્યું છે. ઈન્ડો-વેસ્ટર્ન સ્પર્શ આપીને ગુજરાતી ગીતો થોડાં બોલીવૂડિયા-હોલીવૂડિયા બની રહ્યાં છે. અનેક પડકારો છતાં ગુજરાતી અર્બન મ્યુઝિક માટે અઢળક એવન્યુ ખૂલી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મોનું કલેવર બદલાતાં સંગીત પણ આપોઆપ બદલાયું છે. સંગીતકારોને વધુ સારા કલાકારો, ટેક્નિશિયનો અને અનુકૂળ બજેટ સાથે કામ કરવાની શક્યતાઓ ઊભી થઈ છે. ‘બેટર હાફ’, ‘કેવી રીતે જઈશ’ જેવી અર્બન ફિલ્મો પછી ગુજરાતી સંગીતનો સિનારિયો સદંતર બદલાયો છે. તેમ છતાં, કર્ણપ્રિય ગુજરાતી સુગમ સંગીત અથવા કાવ્યસંગીતનાં મૂળ તત્ત્વ-સત્ત્વ ટકી રહે એ જોવું જરૂરી છે. મેલડીના ભોગે કે શબ્દોની તડજોડ દ્વારા સર્જાયેલાં ગીતોનું આયુષ્ય ઓછું હોય છે. આપણી ભાષાનું માધુર્ય, કાવ્યત્વ અને શબ્દભંડોળ જળવાઈ રહે એ પ્રકારે સંગીત સર્જાય અને બાળકોને નાનપણથી જ માતૃભાષા તેમ જ ગુજરાતી ગીતો પ્રત્યે સજાગ કરવામાં આવે, એમને સંભળાવવામાં આવે તો ગુજરાતી ગીતો કર્ણોપકર્ણ પેઢી દર પેઢી સુધી સચવાઈ શકે. અમેરિકામાં વસતાં જાણીતાં ગુજરાતી ગાયિકા ફાલુ શાહ અમેરિકન સોંગ્સ ગાય છે પણ ઘરમાં શુદ્ધ ગુજરાતીમાં જ બોલવાનો નિયમ. એમનો દસ વર્ષનો દીકરો ગુજરાતી ભાષા તો બોલે જ છે, પરંતુ ‘પંખીઓએ કલશોર કર્યો’ જેવાં ગુજરાતી ગીતો પણ આસાનીથી ગાય છે. ભાષા-સંસ્કૃતિને ટકાવવા મા-બાપે આટલું કરવું અનિવાર્ય છે.

હવે, ‘હૈયાને દરબાર’ કોલમ ગીતોની પ્રસ્તુતિ છે એટલે ગીતની વાત તો કરવી જ પડે. કેટલાં ય સરસ ગીતો સ્મૃતિપટ ઉપર આવી રહ્યાં છે, પરંતુ છેવટે એક પ્રાર્થના સાથે જ સમાપન કરવાની ઈચ્છા થાય છે. કોવિડ નામનો કાળમુખો નાગ આખા વિશ્વને ભરડો લેશે એવું કોઈએ સ્વપ્ને ય વિચાર્યું નહોતું. આ સંજોગોમાં પ્રાર્થના જીવન જીવવાનું બળ આપે છે.

ચારેકોર પીડા પ્રસરી રહી હોય ત્યારે સકારાત્મક રહેવું ઘણું કઠિન છે. છતાં, હિંમત હાર્યા વિના સૌએ સજાગ રહેવાનું છે. દુનિયા આખી સંકટ કાળમાંથી પસાર થઇ રહી છે ત્યારે ઈશ્વરને ફક્ત એમ જ કહેવાનું મન થાય છે કે,

આજ ખરું અવતરવાનું ટાણું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
બધુંએ જિતાય, પણ એક તું ના જિતાય
તો ગીતાનો ગાનારો સાચો માનું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું …!

અવિનાશ વ્યાસે લખેલું, સ્વરબદ્ધ કરેલું આ ગીત સ્વયં સ્પષ્ટ છે. બસ, શ્રદ્ધાનો દીવો જલતો રાખવાનો છે. ગાયક મુકેશે ગાયેલાં ગુજરાતી ગીતોમાં આ ગીત પણ ખાસ્સું પ્રખ્યાત છે. શ્રદ્ધાની વાત છે તો એક સરસ પ્રેરક પ્રસંગ યાદ આવે છે.

એક ગામમાં ઘણા દિવસથી વરસાદની વાટ જોવાતી હતી. લોકો વરસાદ વિના ત્રાસી ગયા હતા. ગામના લોકોએ ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું?

ધર્મગુરુએ સલાહ આપી : ચાલો, આપણે સહુ પ્રાર્થના કરીએ. આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાનાં-મોટાં સ્ત્રીપુરુષ એકઠાં થયાં. તેમાં એક નાની બાળકી પણ આવી. તેના હાથમાં છત્રી જોઈને કેટલાક લોકોએ તેની મશ્કરી કરી. ‘વરસાદનું ઠેકાણું નથી ને જુઓ આ છોકરી તો છત્રી લઈને આવી!’

ધર્મગુરુએ પણ આશ્ચર્ય પામી તેને પૂછ્યું : ‘બેટા, છત્રી કેમ લાવી છે?’ સાવ સરળતાથી નિર્દોષભાવે પેલી બાળા બોલી : ‘તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ અહીં ભેગાં થયાં છીએ એટલે વરસાદ તો આવશે જને? તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું.’

પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા? એટલે જ શ્રદ્ધા હશે અને સજાગતા હશે તો આ કપરા કાળમાંથી ઝડપથી બહાર આવીશું.

કુંદનિકા કાપડિયાની એક સરસ પ્રાર્થના સાથે લેખ પૂરો કરીએ :

મને શીખવ હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં
તે મને શીખવ.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી
તે મને શીખવ.
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું
તે મને શીખવ.

૧૨૫થી વધુ ગીતોની સર્જન પ્રક્રિયા, એ ગીતોના કવિ, સ્વરકાર અને ગાયક સાથે એ ગીત વિશેની વાતચીત, એમના અનુભવો, ગીતનાં હાર્દ અને લોકપ્રિયતા વિશે વિસ્તૃત વિગતો આ કૉલમમાં આપી. ત્રણ વર્ષ પહેલાં ભરાયેલો 'હૈયાનો દરબાર' હવે બરખાસ્ત થાય છે, વિરામ લે છે. દરેક આરંભનો અંત નિશ્ચિત છે છતાં, આરંભ ઉત્તમ હોય તો લોકોની સ્મૃતિમાં એ જ રહે છે.‌ ધારું છે કે ગુજરાતી સુગમ સંગીતના દસ્તાવેજ તરીકે આ ગીતોની કથા ભવિષ્યમાં સુગમ સંગીતના ચાહકોને ઉપયોગી થશે.‌ કુંદનિકા બહેનની ઉપરોક્ત સકારાત્મક પ્રાર્થના સાથે 'હૈયાને દરબાર'ની વાચકોને અલવિદા. પરંતુ, આપણી ગુજરાતી ભાષાના સુંદર ગીતોને માણતાં રહેજો અને નવી પેઢી સુધી પહોંચાડતાં રહેજો. કહેવાયું છે ને કે,  साहित्यसंगीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः સાહિત્ય સંગીત અને કલાવિહીન મનુષ્ય પૂંછડી વિનાના પશુ સમાન ગણાય છે. સંગીત તો કલાઓમાં સર્વ શ્રેષ્ઠ છે. એની સાથેનો નાતો જાળવવાથી તન-મનની તંદુરસ્તી સુધરે છે.‌

બાકી, પહેલી જુલાઇએ બસ્સોમાં વર્ષમાં પ્રવેશનાર એશિયાના સૌપ્રથમ, હજુ સુધી કાર્યરત અખબાર 'મુંબઈ સમાચાર' સાથેની પચીસ વર્ષની સફર બેશક સુહાની રહી એનો આનંદ છે.‌ મળીશું ક્યારેક, ક્યાંક, કોઈક નવાં સ્વરૂપે! 

—————–

આજ ખરું અવતરવાનું ટાણું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
કંસની સામે તમે કૃષ્ણ થયા
અને રાવણની સામે રામ
પણ આજે તો કંસનો પાર નથી જગમાં
ને રાવણ તો સોમાં નવ્વાણું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
કૈંકને માર્યા તમે કૈંકને તાર્યા
ને ધર્યા તમે વિધ વિધ અવતાર
પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે
અવતરતાં લાગે કેમ વાર?
શ્રદ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા
હવે કોણ તાણે તારું ઉપરાણું?
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
આ ચંદ્રમા તો હવે હાથવેંતમાં
અને સૂરજની ઘડિયું ગણાય
આકાશ વીંધીને અવકાશે આદમ
દોડ્યો આવે ને દોડ્યો જાય
બધુંએ જિતાય, પણ એક તું ના જિતાય
તો ગીતાનો ગાનારો સાચો માનું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું

•   ગીત-સંગીત : અવિનાશ વ્યાસ    •   ગાયક : મુકેશ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 જૂન 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=693369

Loading

શાંતિના નિર્માતા – ગાંધી

આશા બૂચ|Opinion - Opinion|24 June 2021

હ્યુસ્ટન-ટેક્સાસમાં એક સંસ્થા, નામે ‘ડાયલોગ ઇન્સ્ટિટ્યૂટ’ કાર્યરત છે, કે જે તુર્કસ્તાનના ફતેહઉલ્લાહ ઘુલનના અનુયાયીઓએ શરૂ કરેલી. એ સંસ્થાના સભ્યો દેશવટો ભોગવતા તુર્કી લોકોની હેઝમત મૂવમેન્ટમાં સંલગ્ન છે. તેમના દ્વારા થોડા સમય પહેલાં ‘Peace Builders’ વિષય ઉપર ગાંધી વિષે વાર્તાલાપ આપવા તુષાર ગાંધીને નિમંત્રેલા. તેમની Ann Graham સાથે થયેલ વાતચીતનો સારાંશ અહીં પ્રસ્તુત કરું છું.

− આશા બૂચ

તુષારભાઈ ગાંધીએ એ વાર્તાલાપનો પ્રારંભ કરતાં કહ્યું કે ગાંધીએ કહેલું, અહિંસાની વિભાવના એ એમની શોધ નથી, એ તો ભારતીય સભ્યતાના પાયાના ચણતરમાં જ હતી. સત્ય, શાંતિ, એકતા, પ્રેમ અને સમાનતા એ આપણી સંસ્કૃતિના ઉદ્ભવ સાથે જોડાયેલાં છે. ગાંધીના અહિંસક સમાજની ઈંટ આ મૂલ્યોના પાયા પર મુકાઈ, જેનાથી શાંતિમય સમાજની રચના થાય. જો કે તેમણે આ બધા ખ્યાલોને જુદા જુદા વિભાગોમાં ન વહેંચતા પોતાના આખા જીવનમાં એ દરેક તત્ત્વોને વણી લીધા. 

ગાંધીજીના જીવનમાં અંગત કે જાહેર જીવન જીવવાના સિદ્ધાંતોમાં કશો ફર્ક નહોતો. શાંતિપ્રિય, છતાં કેટલીક બાબતોનું પાલન ન કરવું એ તેમની જીવન પદ્ધતિ હતી. તેઓ દમન કરનારને સાથ ન આપતા, પણ તેનો વિરોધ શાંતિપૂર્વક કરતા. તેમનું આ લક્ષણ જ અદ્વિતીય હતું. દક્ષિણ આફ્રિકામાં આ નીતિનું સર્વ પ્રથમ દર્શન થયું. બ્રિટિશ સામ્રાજ્યના વફાદાર આશ્રિત હોવાને નાતે ઝુલુ અને બોઅર સામેની લડાઈમાં બ્રિટિશ સરકારને પોતાની સેવાઓ આપી, પરંતુ ભારતીયોના હક માટે દક્ષિણ આફ્રિકામાં એ જ સરકાર સામે લડ્યા અને ત્યાર બાદ ભારતમાં સત્યાગ્રહો કરીને એ જ સામ્રાજ્યને તડીપાર કરીને દેશવાસીઓને મુક્તિ અપાવી.

ગાંધી દમનના વિરોધી હતા અને તેમાંથી છુટકારો મેળવવા જરૂર લડાઈ કરતા, પણ તેનું ચાલક બળ સત્ય અને ન્યાય હતું. દાંડીકૂચ શરૂ કરતાં પહેલાં ખબરપત્રીઓએ દુનિયાને સંદેશો આપવા કર્હ્યું ત્યારે ગાંધી માત્ર એટલું બોલ્યા ; “I want world sympathy in this fight of right against might.” અહીં કોઈ બે પ્રજા સમૂહો કે લશ્કરો વચ્ચેની લડાઈનો ઉલ્લેખ નથી, બે વિચારધારાઓની ટકરાહટની વાત છે. કરુણતા એ છે કે આજે પણ સત્તા સામે સત્યની લડાઈ ચાલુ જ છે. હકીકત એ છે કે માનવતાએ હંમેશાં સત્યને સાથ આપ્યો છે. સત્તા મોટે ભાગે જીતતી ભાસે, પણ લોકોને સત્યનું ભાન થાય ત્યારે સત્તાધીશ એકલો પડે, નબળો પડે અને છેવટ સત્ય સામે ઝુકે. ગાંધીએ તેમના કાર્યકાળ દરમ્યાન આ પદ્ધતિ ઘણી ચતુરાઈથી અમલમાં મુકેલી.

જીવનના કોઈ પણ આયામમાં સિદ્ધાંતો અને આદર્શો પ્રમાણે જીવવું મુશ્કેલ હોય છે અને તેનાં પરિણામો કસોટી કરનારા હોય છે, પણ ગાંધી એ જોખમ ઉઠાવતા. જ્યારે પણ પોતાની કાર્ય કરવાની કે ચળવળની રીતમાં ખામી જણાય ત્યારે પ્રથમ આત્મ પરીક્ષણ કરતા. કોઈ પણ કામની નિષ્ફ્ળતા માટે કે પ્રજાની ભૂલો માટે પોતાનાં ચારિત્ર્ય અને વ્યક્તિત્વની નબળાઈને જવાબદાર ગણતા અને સફળતા બીજાને શિરે ઓઢાડતા. સામાન્ય માણસથી તદ્દન ઊલટું. આ જ તો તેમની વિશેષતા હતી. બીજાના નૈતિક પતન માટે પોતે પ્રાયશ્ચિત કરતા, એથી જ તો જેને તેઓ નેતૃત્વ પૂરું પડતા એને સાચો માર્ગ મળતો. ભૂલ કરનારને પોતાની ગલતી સમજાતી છતાં ગાંધી સામી વ્યક્તિને ક્યારે ય જુઠ્ઠા સાબિત ન કરતા. કઇં પણ ખોટું થાય તો બીજાને દોષ દેવો સહેલો છે, પણ પોતાની સાથે પ્રામાણિક રહેવું અઘરું છે. બીજામાં જે અણગમતું દેખાય તે પોતાનામાં પણ અનિચ્છનીય લાગે તેમ બને. ગાંધી પોતાના દોષ જોતા. આત્માના ધીમા છતાં મક્કમ અવાજને સાંભળીને તેને જ અનુસરતા. વળી પોતે એમ પણ માનતા કે બધાને પોતાનો આત્માનો અવાજ સંભળાય અને તેને અનુસરવાનું પણ શક્ય છે. એમણે આખી જિંદગી એ પ્રમાણે જ પોતાનાં કામને દિશા આપી. આત્માના આવજે તેમને માર્ગદર્શન આપ્યું, તેમનું ઘડતર કર્યું અને તેમનો એ સલાહકાર બની રહ્યો. એ આત્માના અવાજને પારખીને સત્ય – પછી ભલે તે ગમે તેવું કઠોર હોય – પણ તેને જોવાની શક્તિ ગાંધીમાં હતી. અને એવા લોકો જ બીજાના ભલા માટે પરિસ્થિતિઓમાં પરિવર્તન લાવી શકે. 

પરમાત્માની કે અન્યની કૃપાદ્રષ્ટિ, કરુણા અને શાંતિ પોતાને મળે તેવું સહુ કોઈ ઈચ્છે, પરંતુ બીજાને આપણા તરફથી એ સર્વ મળે તેવું નથી કરી શકતા. ‘સ્વ’, ‘અહમ્‌’ એટલું મહત્ત્વનું લાગે કે બીજા આપણા તાબામાં રહે તેમ જ ઇચ્છીએ. બીજાને ધિક્કારવાથી આપણે પોતાનામાં રહેલી ધિક્કારની લાગણીનો પણ ગુણાકાર કરીએ છીએ એ ખ્યાલ નથી રાખતા. ધિક્કારને દૂર કરવા દયાભાવ, પ્રેમ અને સમજણની જરૂર રહે છે. જેથી કરીને સામા પક્ષને પોતે આપણા માટે સેવેલી નફરત માટે શરમ ઉપજે. આપણે એટલી જ અથવા એથી ય વધુ નફરતથી વર્તતા હોઈએ છીએ. આ વાત જ ગાંધીને આપણાથી અલગ તારવે છે, નહીં તો એ આપણામાંના એક સામાન્ય માનવી જ હતા. એ કોઈ દૈવી શક્તિ ધરાવનાર કે ભગવાન નહોતા. એમણે ધિક્કારને ધિક્કાર કર્યા વિના નકાર્યો. તેમના દિલમાં ધિક્કારનો અભાવ ખરો, પણ અન્યાયી કૃત્યો માટે ગુસ્સો ન હોય તેવું નહોતું. પણ ગાંધીએ એ ગુસ્સાને અનિચ્છનીય પરિસ્થિતિને બદલવા માટેની શક્તિમાં રૂપાંતર કરી બતાવ્યું.

અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગની આગેવાની હેઠળ સિવિલ રાઈટ્સ મુવમેન્ટ થઇ. લોકોએ ટેલિવિઝન પર સત્યાગ્રહીઓને માર ઝીલતા અને જાહેરમાં અપમાનિત થતા જોયા ત્યારે બહુ દુઃખી થયેલા. એ ચળવળ થઇ તે પહેલા ઘણા બ્લેક અમેરિકન નેતાઓએ ગાંધી પાસેથી પ્રેરણા મેળવેલી. તેમાંના કેટલાકે સાબરમતી આશ્રમમાં રહીને અહિંસાના સિદ્ધાંતો અને તેના અમલ વિષે અભ્યાસ કરેલો. તાલીમાર્થી સત્યાગ્રહીઓ ઉપર અત્યાચારો પણ કરવામાં આવેલા, પણ તેનાથી ઉશ્કેરાયા વિના અહિંસક સામનો કરવામાં સફળ થયા ત્યાર બાદ જ તેમને રંગભેદી નીતિ સામે લડવા મોકલ્યા હતા. પહેલાં દમન સામે માથું ઉંચકનારાઓને શસ્ત્રો અને દારૂગોળા પર વિશ્વાસ હતો. પરંતુ માર્ટિન લ્યુથર કિંગ અને તેમના અનુગામીઓને અહિંસા અને નૈતિકતા પર વિશ્વાસ બેઠો. બંદૂકમાં ગોળી હોય એટલી જ છોડી શકાય, પછી લડાઈ પૂરી થઇ જાય; જ્યારે આત્મબળ અખૂટ હોવાને કારણે અન્યાય વિરુદ્ધની લડાઈ ધ્યેય પ્રાપ્ત થયે જ પૂરી થાય એ પ્રતીતિ થઇ. એટલે જ રંગભેદી નીતિ લાદનારાઓ અને અત્યાચાર આચરનારાઓ હાર્યા. 

કાયદા બધાને સમાન રક્ષણ બક્ષવા માટે ઘડાય. તેના અભાવમાં વંશીય ભેદભાવ અને અસમાનતા આચરવામાં આવે અને તેને પગલે દમન થાય. પણ કેટલાક કાયદાઓ જ દમનકારી હોય છે. સવાલ એ છે કે અહિંસક ચળવળ આવા અન્યાયી કાયદાઓ કેવી રીતે બદલી શકે? બીજા બેરિસ્ટર્સ અને વકીલોને કોર્ટમાં અસીલ વતી કેઈસ જીતવામાં રસ હોય, જ્યારે ગાંધીને પોતાના અસીલ માટે તેમની સમસ્યાનો ઉકેલ આવે તે હેતુ. આથી જ તો મોટા ભાગના કેઈસીસ કોર્ટની બહાર પતાવીને સમાધાન કરાવનાર બેરિસ્ટર તરીકે ગાંધીએ ખ્યાતિ મેળવેલી. તેમની આ પદ્ધતિથી બંને પક્ષને ન્યાય મળ્યાનો સંતોષ થતો. તેઓ પોતાના કેઈસીસ કાયદાના શબ્દોના બળ પર નહીં, કાયદાના ખરા અર્થ પર લડતા. આમ જુઓ તો કાયદાના અર્થ અને તેના હેતુ જુદા હોય છે. કાયદા ઘડવાનો અને અમલ કરવાનો હેતુ વ્યાય અપાવવાનો હોય છે, પણ તેની વ્યાખ્યા હોશિયાર વકીલ પોતાના અસીલને ફાયદો કરાવે તેવી કરવામાં આવે છે. 

અન્યાયી કાયદાઓ સામેની લડત બે વ્યક્તિઓ, પેઢીઓ કે શાસન વ્યવસ્થા વચ્ચે હોય, ગાંધીની આ સમાધાનકારી વૃત્તિ જ હંમેશ કાયમ રહી. ખુદ બ્રિટિશ રાજને વિદાય કર્યું તો પણ તેમને હરાવવામાં નથી આવ્યા તેવું માનવા માટે સમય આપવામાં આવ્યો. બ્રિટિશ રાજ્યકર્તાઓને ભારતની જનતાની લાગણીને ધ્યાનમાં લઈને ભારત છોડીને જાય છે એવો અહેસાસ કરાવ્યો. પોતે બ્રિટિશ સત્તાધારીઓ પાસે ચાલાકીથી કામ નહોતા કઢાવતા એનું ભાન કરાવ્યું. સામા પક્ષની ગરિમા જળવાય તેવો તેમનો પ્રયાસ હંમેશ રહ્યો. ગાંધીને દુશમન કે વિરોધી ગણનારની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચાડે, તેમને નીચા ન ઉતારી પડે તેની તેઓ તકેદારી રાખતા. આથી જ તો છેવટ અંગ્રેજો માનવ લાગ્યા કે આ માણસ આપણી સામે લડાઈ કરે છે, પણ આપણને હરાવતો નથી.

આજે તો આખી દુનિયામાં વિવિધ મુદ્દાઓનો આધાર લઈને વિભાજન વધતું જાય છે. મારું-તારું, અમે-તમે, હું સાચો-તું ખોટો એવા વિચારોથી પ્રેરાઈને સંઘર્ષ અને હિંસા આચરવાના બનાવોનો તોટો નથી. ગાંધી માનતા કે દરેક માણસમાં સારી અને નબળી બાજુઓ હોવાની. જે બાજુ પ્રગટ થાય, છતી થાય તે મુજબ માણસ ભલો કે બૂરો લાગે. એટલે કોઈ તદ્દન ખોટો કે ખરાબ હોય કે સંપૂર્ણપણે સારો કે સાચો હોય તેમ તેઓ ન માનતા. એટલે બધામાં રહેલ સતને અને સુન્દરને ઢંઢોળવાનું કર્તવ્ય આપણું છે એમ તેઓ માનતા. માનવ માત્રમાં રહેલ સુંદરતા-શિવમને ઉજાગર કરવાનું તેમનું ધ્યેય રહ્યું. બીજાની અંધારી-કાળી બાજુને પડકારવા કરતાં એ સારું તેમ તેઓ માનતા. 

શાંતિના સ્થપતિ તરીકે ગાંધીનો સ્વભાવ અલગ અલગ ધર્મો વચ્ચે સમભાવ જોવાનો રહ્યો. તેઓ માનતા કે બધા માણસો ઈશ્વરને અલગ અલગ રૂપમાં જુએ છે એ ખરું, પણ તેના જે વિશિષ્ટ ગુણધર્મો ગણાવે છે તે સમાન હોય છે. ધર્મના નામ જુદા, પણ તેનું હાર્દ એક – અમન. કેમ કે શાંતિમાં જ ધર્મ ટકે. કોઈ પણ માનવ સમૂહ પોતાની ધાર્મિક માન્યતાઓનો અમલ શાંતિમય વાતારવરણમાં જ કરી શકે. એટલે જ દરેક માનવની ફરજ છે કે એ બીજાના ધર્મોનો મૈત્રીપૂર્ણ અભ્યાસ કરે, નહીં કે ટીકાત્મક. ટીકાત્મક વલણ બીજાની ખામી જોવા પ્રેરે, જયારે મૈત્રીપૂર્ણ દ્રષ્ટિ અભ્યાસ કરવા અને સમાન ભૂમિકા શોધવા પ્રેરે. આ દ્રષ્ટિકોણ ધરાવતા લોકો બીજા ધર્મના લોકો સાથે એક જૂટ બને, વિઘટિત થઈને અલગ ન પડી જાય. એક વખત બીજા ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું હાર્દ સમજાય તો બાહ્યાચારો અર્થ વિનાના લાગશે. દરેક ધર્મમાં રહેલ સનાતન સત્ય જાણવું જરૂરી છે, માત્ર લેબલ નહીં. ધર્મો વચ્ચે સંવાદ થાય તે જરૂરી છે, વિવાદોની નહીં. મંતવ્યોની મુક્ત પણે આપ-લે સમાદર સાથે થાય તે જરૂરી. બીજા સાથે આપણે સહમત ન થઈએ, પણ તેને સાંભળીને તેઓની માન્યતાનો આદર કરી શકીએ તો ઘણા સંઘર્ષો ટળે.

આજે એક રાષ્ટ્રીય ઓળખ ધરાવતા દેશમાં ધર્મના અનુયાયીઓમાં વિવિધતા રહેવાની જ છે, તો એને છાવરી ન દેવાય. તો બે વિભિન્ન અસ્મિતાઓ વચ્ચે સમત્વ કેવી રીતે સાધવું એ વિચારવાનું રહે. બીજા ધર્મ અને તેના અનુયાયીઓના આચારોને કેવી રીતે સમજવા? અન્યને સમજવાથી જ તેમને સહી શકાય તે હકીકત છે. આપણે બધાં એકબીજાથી વિભિન્ન હોવાનાં. એ અનિચ્છનીય નથી. વિભિન્ન હોવું તે સાચું-ખોટું કે સારું-ખરાબ નથી એ સમજવું રહ્યું. જુદું=ખોટું એ સમીકરણ સાચું નથી. જો કે બે જુદા સમૂહો વચ્ચે સમાધાનથી જ સંબંધો બંધાય અને ટકે તેમ માનીએ તો તેની પણ એક સીમા હોય છે. પરસ્પર વિશેની જાણકારી, સમજ અને આદર પર બંધાયેલા સંબંધો જ ટકાઉ હોય. વિભિન્ન હોવા છતાં સહઅસ્તિત્વ શક્ય છે. આજે આપણે અલગ હોવાપણાને સ્ફોટક બનાવીને તેને એક વિભાજક પરિબળ બનાવીએ છીએ. માણસ માણસને જોડી રાખનાર તત્ત્વો નથી જોતાં.

ધાર્મિક માન્યતાઓ અને રાજકીય સ્વાર્થપટુતા ઉપરાંત દેશની સીમા સુરક્ષાની સમસ્યાઓ હિંસાનું મોટું પ્રેરક બળ બની બેઠું છે. દરેક દેશની સીમા અલગ હોવાની. બે દેશો વચ્ચે સુલેહ ભરી શાંતિ કેવી રીતે જાળવવી? રાષ્ટ્રવાદ અને દેશદાઝ, એ બે ખ્યાલોએ હિંસાને હદ બહાર ભડકાવી છે. દેશની ભૌગોલિક સીમા અને ધ્વજમાં જાણે આપણી રાષ્ટ્રીયતા સીમિત થઇ ગઈ. ‘મારા લોકો’નું વર્તુળ નાનું થતું ગયું, ‘બીજા’ને બહાર રાખવા લાગ્યા. જાતિ, વર્ગ અને નાગરિકતાના સંકુચિત વાડાઓ છોડીને એકત્વને ઓળખતાં અને સાધતાં શીખવું જોઈએ. ગાંધીએ કહેલું, “હું તો કહીશ, મારે માત્ર માનવ-માનવ વચ્ચે જ નહીં, જીવનનાં બધાં સ્વરૂપો સાથે શાંતિભર્યું સહઅસ્તિત્વ સ્થાપવું છે.” આ ગાંધીનો આદર્શ હતો.

આપણને વિરોધીઓ અને દુશ્મનોની વ્યાખ્યાની જાણ છે, પણ પોતાનાથી અલગ મત, અભિપ્રાય, ધર્મ કે જીવનરીતિ ધરાવનાર સામે મૈત્રીપૂર્ણ હાથ લંબાવનારને શું કહીશું એ જાણીએ છીએ? વિકાસની જાળમાંથી નીચે પડી ગયેલાને નીચેથી ધક્કો મારો, ઉપરથી ખેંચશો નહીં. બીજાને બહારથી ખેંચો ત્યારે તમે ઉપર છો એવી ભાવના સેવશો, નીચેથી ધક્કો મારો ત્યારે કહો છો, આપણે બંને આ કળણમાં ખૂંપ્યા છીએ, હું તને બહાર કાઢું, તું મને મદદ કરજે. ગાંધી જેવા નેતાઓની આ ખૂબી હતી. નમ્રતા. બીજાને પોતે ગાંધીના અનુયાયીઓ છે એમ લાગવા જ ન દે. એ બધા તો તેમના સહ પ્રવાસીઓ હતા. કદી કોઈના ઉપકારક કે વડીલ હોવાનો દાવો સુધ્ધાં ન કર્યો.

આખા વાર્તાલાપનું સમાપન કરતાં તુષારભાઈએ એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ભારત ગયા. ભારત સરકારે આમંત્ર્યા હતા એટલે એના મહેમાન તરીકે ફર્યા. મુંબઈમાં ગાંધી રહેતા એ ઘેર જવા તેમણે ઇચ્છ્યું. હવાઈમથકથી સીધા ત્યાં જ ગયા. એ મ્યુઝિયમમાં એક કમરો જેમનો તેમ રખાયો છે. કાચમાં બંધ કરીને ગાંધીની તમામ વસ્તુઓ સચવાઈ છે. એમ.એલ.કે.એ  મ્યુઝિયમના ડાયરેક્ટરને એ કમરામાં જવા દેવા વિનંતી કરી. ગાંધીના આસન પાસે જમીન પર પોતે બેઠા, અને પોતાને ત્યાં એકલા છોડી દેવા અનુરોધ કર્યો. મ્યુઝિયમ બંધ થવાનો સમય થયો, તેમને એ સ્થળ છોડવા વિનંતી કરવામાં આવી. એમ.એલ.કે.એ ત્યાં રાત રહેવા પરવાનગી માગી. મુંબઈના ત્રણ દિવસના રોકાણ દરમ્યાન આલીશાન હોટેલમાં રહેવાનું છોડીને આ સ્થળે રહેવાના સમાચારથી બધે ખળભળાટ થયો. કિંગે પોતાની બધી ફરજો પૂરી કરી, પણ સાંજ પડ્યે ફરી ત્યાં જ ધ્યાન લગાવીને બેસતા. મ્યુઝિયમ છોડતાં મુલાકાતીઓની પોથીમાં લખ્યું, “I have been in communion with Gandhi. I have felt his presence. I feel invigorated and go back and fight for my people’s rights. Gandhi has changed me.” 

ગાંધીને પૂજવાથી નહીં, તેમના કાર્યને સમજવાથી પ્રેરણા મળે છે એ આ પ્રસંગથી સમજાય.

તુષાર ગાંધીના વક્તવ્યનો સારાંશ 

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...1,9041,9051,9061,907...1,9101,9201,930...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved