Opinion Magazine
Number of visits: 9572151
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સદ્‌ગત ધીરુ પરીખ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 May 2021

૧૯૩૩થી ૨૦૨૧ : પૂરાં ૮૭-૮૮ વરસનું પૂર્ણાયુષ ભોગવી આપણા અપ્તરંગી વિદ્યાવ્યાસંગી ધીરુ પરીખ ગયા. ચમકદમક અને તડક-ભડક વગર અધ્યાપન-લેખન-સંપાદન, નંદાદીપની ધૃતિપૂર્વક એમણે આજીવન કર્યાં.

તુલનાત્મક સાહિત્યમાં એમની ગતિ, વિશ્વસાહિત્યમાં એમનો પ્રવેશ. આમ તો, કવિ તરીકે સુપ્રતિષ્ઠ, કુમાર ચંદ્રકે પુરસ્કૃત અને ‘કવિલોક’નું દાયિત્વ વહન કરનાર. પરંપરિત માત્રામેળ રચનાઓથી જાણીતા થવા લાગેલા એ સાચું, પણ એમનો પ્રવેશ વાર્તાસંગ્રહથી થયેલો એ તો હવે ઇતિહાસવસ્તુ છે. ‘રાસયુગમાં પ્રકૃતિનિરુપણ’ પર ડૉક્ટરેટ કરનાર ધીરુભાઈ તમને નિષ્કુળાનંદથી માંડી એલિયટની સૃષ્ટિ સુધી આંગળી ઝાલી ફેરવી શકે. ઠાવકા અલબત્ત, પણ અખાની ઢબે અકેકું અંગ લઈ છપ્પે ચડે ત્યારે તમને એમની સર્જકતા અને મિજાજનો એક જુદો જ પરિચય થઈ આવે.

‘પરમેશ્વરને મારી પછી પથ્થર સ્થાપ્યો’ જેવી, શું કહીશું-જ્વલંત? – પંક્તિ આપનાર ધીરુભાઈએ એમના સેવ્ય વિષયોને અનુષંગે પોતીકી તરેહની કર્મશીલતા પણ સતત દાખવી. ૧૯૯૦થી એમણે ‘કુમાર’ના પુનર્જીવનનું કાર્ય ઉપાડ્યું (લગભગ એ જ અરસામાં આ લખનારને શિરે ‘અખંડ આનંદ’ના દ્વિજ અવતારનું દાયિત્વ આવ્યું.) અને હા, ખાસ વાત. બચુભાઈ રાવતના અવતારકાર્ય સમી જે બુધસભા, એ સાહિત્ય પરિષદને સોંપાઈ તેનું દાયિત્વ એમણે પ્રતિબદ્ધપણે આજીવન સંભાળ્યું.

સચ્ચિદાનંદ સન્માન, રણજિતરામ સુવર્ણચંદ્રક બધું ખરું પણ આ ક્ષણે, મને લાગે છે, એમની છેલ્લી ઈનિંગ્ઝનો – એક અર્થમાં ‘સેકન્ડ કમિંગ’નો મારે વિશેષોલ્લેખ કરવો જોઈએ. ૨૦૦૭માં નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય પરિષદે ગાંધીનગર અધિવેશનમાં સ્વાયત્તતાનો પ્રસ્તાવ પારિત કર્યો ત્યારે હજુ આશાનું એક અંજીરપાંદ તો હતું; કેમ કે અકાદમી આગળ ચાલતાં ચુંટાયેલા પ્રમુખ હસ્તક કાર્યરત થશે એવી અપેક્ષા ઊભી હતી. પણ ૨૦૧૫ના એપ્રિલમાં સરકારે પેરેશુટ પ્રમુખનો રાહ લીધો અને બંધારણીય પ્રક્રિયાને સરેઆમ રૂખસદ આપી ત્યારે લગભગ કોઠે પડી ગયેલી એવી એક અનવસ્થા ગુજરાતના સાહિત્યપ્રતિષ્ઠાનમાં હતી. એની વચ્ચે, સ્વતંત્રપણે જો કે સ્વાયત્તતા માટેનો અવાજ નહોતો એમ નથી. પણ આ અવાજનું ૨૦૧૫ના એ નિર્ણાયક ગાળામાં પરિષદના અધ્યક્ષ તરીકે ધીરુભાઈએ પ્રગટ સમર્થન કર્યું એમાં એમનું જે વિત્ત પ્રગટ થયું તે લાંબો સમય યાદ રહેશે. આ વાનું જેમ ઇતિહાસદર્જ છે તેમ એમાં સાથેનાઓ અને પછીનાઓ માટે દાયિત્વબોધ પણ રહેલો છે.

અલવિદા ધીરુભાઈ ! 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 16

Loading

ભાલો ખેલા હોલો

મેહુલ દેવકલા|Opinion - Opinion|14 May 2021

બીજી મેની ધોમધખતી બપોરે દોઢ વાગ્યાની આસપાસ કોલકાતાથી અંતરા-દેવસેનનો મૅસેજ આવે છે કે, ‘ભાલો ખેલા હોલો’. દેશદુનિયાની જેના પર નજર હતી એ બંગાળ વિધાનસભાનાં પરિણામો આવવા માંડ્યાં હતાં. મમતા બેનરજી સતત ત્રીજી વાર અને પહેલાં કરતાં વધારે બહુમતીથી બંગાળમાં સરકાર બનાવવા જઈ રહ્યાં હતાં. બંગાળમાં ‘ખેલા હોબે’નો નારો લોકજીભે હતો અને હરકોઈ ખેલા જોવા આતુર હતું. આ પરિણામો દેશની દશા-દિશા પર ઘેરી અસર કરવાનાં હતાં એ સૌ કોઈ જાણતું હતું.

કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષે બંગાળમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવું જોર લગાડ્યું હતું. યોગ્ય ઉમેદવારો ન મળતાં સાંસદોને, સાંસદપદું ત્યાગીને પરાણે ધારાસભ્ય બનવાની હોડમાં ઉતારવામાં આવ્યા. બહુચર્ચિત નંદીગ્રામ વિધાનસભા ક્ષેત્રમાંથી તૃણમૂલના જ સાંસદને દીદી સામે હરીફ બનાવવામાં આવ્યા. એકંદરે મામલો ‘અભી નહીં તો કભી નહીં’-નો હતો.

ત્રીજો મોરચો વામદળોનો પણ હતો જેમના માટે દીદી જોડે જૂના હિસાબો ચૂકતે કરવા એ જ એક માત્ર ધ્યેય હતું. કદાચ પહેલી વાર બન્યું કે કોઈ વડા પ્રધાને ભારત બહાર જઈને ભારતના કોઈ એક રાજ્યની ચૂંટણી માટે પ્રચાર કર્યો હોય. બાંગ્લાદેશના મટુઆ જાતિના લોકો કે જેમની સારી એવી વસ્તી પશ્ચિમ બંગાળમાં પણ છે, એમને આકર્ષવાનો આ પ્રયાસ હતો.

આ ચૂંટણીમાં ચૂંટણી પંચના નિર્ણયો ખાસ્સા વિવાદમાં રહ્યા. એમ પણ કહેવામાં આવ્યું કે કેન્દ્રીય સત્તાધીશો બંગાળની વણખેડી ધરતીના ખૂણેખાંચરે જઈને પ્રચાર કરી શકે એટલે આઠ ચરણોમાં ચૂંટણી વહેંચવામાં આવી છે જે કોરોનાનાં કપરા કાળમાં ટાળી શકાયું હોત. દીદી પર ચોવીસ કલાકનો પ્રચાર માટે બેન લગાવવામાં આવ્યો, જે એકંદરે સહાનુભૂતિમાં પરિણમ્યો. ટૂંકમાં ખેલા બરાબર જામ્યો હતો.

બીજી પણ ઘણી રાજનૈતિક વાતો થઈ શકે એમ છે. પરંતુ વાત મારે સાંસ્કૃતિક પરિબળોની કરવી છે. બંગાળને અને ત્યાંનાં લોકોને હું જેટલો નજીકથી જાણી શક્યો છું એના ઉપર આ અભિપ્રાયો આપી રહ્યો છું. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નેજા હેઠળ ચૂંટણીમાં ઊતરતો પક્ષ બંગાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોનાં કારણે ભોંય ભેગો થયો છે એ જાણવું રસપ્રદ રહેશે.

પ્રારંભથી વાત માંડીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રીએ શાંતિનિકેતનની મુલાકાતથી ચૂંટણીપ્રચારની શરૂઆત કરી. પોસ્ટર્સમાં ટાગોરથી મોટા ફોટા નેતાઓના મૂકવામાં આવ્યા. ટાગોર બંગાળનાં લોકો માટે એક પ્રતીક માત્ર નથી. પરંતુ એમના જીવનનો એક ભાગ છે. વિવાદ થતાં પોસ્ટર્સ હટાવવામાં આવ્યાં, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા ઘાટ થયો. વડા પ્રધાનને બંગાળ માટે ટાગોરનું શું મહત્ત્વ છે, એનો સુપેરે ખ્યાલ હતો, એથી એમણે ચૂંટણીપ્રચારના ભાગ રૂપે ટાગોરનો વેષ પણ ધારણ કર્યો. એ વાત પણ બંગાળના લોકોને ટાગોરના અપમાન જેવી જ લાગી. ગુજરાતથી ઊલટું બંગાળના કલાકારો અને લેખકો પોતાનો રાજનૈતિક લગાવ-અલગાવ જાહેરમાં વ્યક્ત કરે છે. બંગાળના લોકોના માનસ પર એની અસર પણ જણાતી હોય છે. ચૂંટણીપ્રચાર દરમિયાન નામી લેખકો અને કલાકારોના બહુ મોટા જૂથે કેન્દ્રના શાસકો વિરુદ્ધ પોતાની લાગણી જોરશોરથી મૂકી હતી. કોલકાતામાં અડ્ડા કલ્ચર બહુ જાણીતું છે. અહીં વિવિધ વિચારધારાના સમર્થક બૌદ્ધિકો, વિદ્યાર્થીઓ, કલાકારો ચર્ચા-વાદવિવાદ કરતાં હોય છે. કૉલેજ સ્ટ્રીટના કૉફીહાઉસ અડ્ડા પર પહેલી વાર પોસ્ટર્સ ફાડવાની અને ઉગ્ર નારાબાજી થવાની ઘટના બની જેની વિદ્યાર્થીઓના બહુ મોટા વર્ગ પર અસર પડી. બંગાળ પહેલાથી જ વિચારોના ખુલ્લાપણાની ભૂમિ રહી છે. કહેવાય છે કે બંગાળ જે આજે કરે છે એ દેશ આવતી કાલે કરે છે.

કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષની હારનું એક બહુ મોટું કારણ જો કોઈ ઘટના બની હોય તો વડા પ્રધાન દ્વારા જાહેર સભાઓમાં બંગાળનાં મહિલા મુખ્ય મંત્રીને ‘દીદી ઓ દીદી’ તરીકે કટાક્ષના લહેજામાં મશ્કરી રૂપે સંબોધવું – દુર્ગાના દેશમાં મહિલાઓનો બહુ મોટો વર્ગ કે જે અગાઉથી દીદીનો સમર્થક રહ્યો છે તે આ કૅટ-કૉલ(છેડતીરૂપ ઉદ્‌બોધન)થી ભારે નારાજ હતો. ભાષાનું અજ્ઞાન અહીં ભારે પડ્યું.

સતત ચાર દાયકા સુધી વામદળોએ બંગાળમાં શાસન કર્યું હતું, પરંતુ આ ચૂંટણીઓમાં બંગાળે એમના પર સંપૂર્ણપણે ચોકડી મૂકી દીધી. મારી મિત્ર શાયરાના પતિ ફાઉદ હાલીમ (બંગાળ વિધાનસભામાં સૌથી લાંબો સમય સ્પીકર રહી ચૂકેલા હાશીમ હલીમના પુત્ર) જેઓ ખૂબ જાણીતા તબીબ પણ છે, તેઓ બેલીગંજ વિધાનસભા ક્ષેત્રથી વામદળ અને ત્રીજા મોરચાના સંયુક્ત ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. તેઓ તૃણમૂલના ઉમેદવાર સામે પરાજિત થયા.

જાન્યુઆરી ૨૦૨૦માં ‘ધ બંગાલ’ અને કોલકાતા પોલીસના સંયુક્ત ઉપક્રમે આયોજિત સન્માન-સમારંભમાં જવાનું બન્યું હતું. જાણીતા ચિત્રકાર જોગેન ચૌધરી અને આશિષ નંદી ત્યાં ઉપસ્થિત હતા. મારું બહુમાન જેમનાં હાથે થયું હતું તે જાણીતા ફૅશન ડિઝાઇનર અગનમિત્રા પોલ સાથે સમારંભના અંતે રાત્રિભોજ પર બંગાળની સંસ્કૃતિ વિશે ઘણી વાતો થઈ હતી. અગનમિત્રા આ ચૂંટણીઓમાં આસનસોલ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાઈ આવ્યાં છે.

અંતે વાત આ સમગ્ર ખેલામાં સૌથી અનોખા ઉમેદવાર મનોરંજન બ્યાપારી વિશે. એમની જીવનયાત્રા એક ચમત્કારથી ઓછી નથી. મનોરંજન બ્યાપારીનું બાળપણ અત્યંત ગરીબીમાં ફૂટપાથ અને ચાની લારી પર વાસણ ધોતાં પસાર થયું છે. શાળામાં જવાનું તો સ્વપ્નમાં પણ શક્ય નહોતું. યુવાનીમાં આંદોલનકારી તરીકે જેલવટો ભોગવવાનો આવ્યો. કાળા અક્ષરો જોડે પહેલી વાર પનારો પડ્યો. જેલમાં જ જાતે શિક્ષિત થયા. વાંચવાનું-લખવાનું શરૂ કર્યું. જેલમાંથી છૂટ્યા બાદ દાયકાઓ સુધી કોલકાતાની સડકો પર પેદલ રીક્ષા ખેંચવાનું કામ કર્યું. એક દિવસે એમની પેદલ રીક્ષામાં જે સવારી આવી એણે મનોરંજન બ્યાપારીનું જીવન જડમૂડળથી બદલી નાંખ્યું. તે સવારી એટલે જ્ઞાનપીઠ પુરસ્કૃત જગવિખ્યાત લેખિકા મહાશ્વેતાદેવી. તેઓ હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ફરિસ્તા સમાન હતાં. એમણે મનોરંજનની વાતો સાંભળીને લખવા માટે પ્રેરિત કર્યા. મહાશ્વેતાદેવીએ એમની વાર્તાઓ અને લેખો છાપવા માંડ્યાં. જોતજોતાંમાં બંગાળભરમાં સાહિત્યકાર તરીકે એમની ખ્યાતિ વધવા માંડી. એમનાં ઘણાં પુસ્તકો અંગ્રેજીમાં અનુવાદિત થયાં, ચર્ચિત બન્યાં અને મનોરંજન બ્યાપારીની ખ્યાતિ બંગાળના સીમાડાઓ ઓળંગી ગઈ. એમની આત્મકથાના અંગ્રેજી અનુવાદ ‘ઈન્ટરોગેટિંગ માય ચાંડાલ લાઇફ’ને ૨૦૧૯નું બહુ પ્રતિષ્ઠિત ‘ધ હિન્દુ લિટરરી’ સન્માન મળ્યું. મમતા બેનરજીએ સૌ પ્રથમ વાર બંગાળ દલિતસાહિત્ય અકાદમીનું ગઠન કર્યું ત્યારે મનોરંજન બ્યાપારીને એના પ્રથમ અધ્યક્ષ બનાવ્યા. આ ચૂંટણીમાં એમનો રાજકારણમાં પ્રવેશ થયો. તૃણમૂલના ઉમેદવાર તરીકે બાલાગઢ વિધાનસભા ક્ષેત્રથી ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા. મનોરંજન બ્યાપારી જેવા ‘માટીર માનુષ’ ઉમેદવારનું ચૂંટાવું ભારતીય લોકશાહીમાં આપણી આસ્થાને મજબૂત કરે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 07

Loading

ભાજપી તરાહ બનામ બાંગલા રાહ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 May 2021

મમતા બેનરજીની ઝળહળતી ફતેહનો સીધો સંદર્ભ અલબત્ત કોલકાતાની રાજવટ છે, પણ એનાં મનોવૈજ્ઞાનિક આંદોલનો બેલાશક દેશવ્યાપી છે. ભા.જ.પ.ના અશ્વમેધ અભિલાષને દિલ્હીમાં આપ અને અરવિંદ કેજરીવાલે ક્યારેક ભોંઠામણનો જે અનુભવ કરાવ્યો હશે, પશ્ચિમ બંગાળમાં એવી જ આકરી ભોંઠામણ એને મમતા બેનરજીએ કરાવી છે : વ્હિલચૅરમાં અહીંતહીં સઘળે ફરી વળતાં મમતા અને બસો જેટલાં ચાર્ટર વિમાન ને હેલિકૉપ્ટરો વાટે ગરુડે ચડી ગિરધારી પેઠે દિલ્હીથી ઊતરી આવતી ન.મો.-અમિત મંડળી : આ બે સામસામાં ચિત્રો વચ્ચે મતદારને મમતા સ્વાભાવિક જ પોતાનાં પૈકી ને પોતાનાં લાગ્યાં.

જેવો છે તેવો, બંગાળનો પોતીકી તરેહનો એક પ્રબુદ્ધ મત છે. જેવી છે તેવી, બંગાળની એક પોતાની પરંપરા છે. દિલ્હીથી કિલર ઇન્સ્ટિંક્ટ સાથે બે સેનાનીઓ ને લાવલશ્કર જે રીતે ઊતરી પડ્યાં એમની આખી શૈલી, એમણે જાહેર પ્રચાર અને વિમર્શમાં વાપરેલી ભાષા, બધું જ બાંગલા ઓળખ અને અસ્મિતા સાથે ટકરામણ સરજતું હતું અને આમ માનસમાં આક્રોશ નહીં, ત્યારે પણ અકળામણ તો જગવતું જ હતું. ઓ…મા, ઓ-બા-માની તરજ ને તરાહ પરનો ‘દીદી ઓ દીદી’ એ જીભદાવ એક સન્માન્ય મહિલા સાથે બંગમતને નકરી છેડખાની જેવો સંભળાયો અને એણે જગવેલ પ્રત્યાઘાત ભા.જ.પ.ને ઠીકઠીક ભરખીને રહ્યો.

વ્હિલચૅર વિ. વિમાન કે દીદી ઓ દીદી સરીખો જીભદાવ, એ તો જો કે તરત કૌતુક જગવતા ને લાગલું ધ્યાન ખેંચતા દાખલા થયા. પણ એમને ઓછાં આંકીને નહીં, એમનાથી કંઈક હટીને જરી વ્યાપક ફલક પર જોવા કરીએ તો સમજાતી વાત એ છે કે ભા.જ.પે. રાષ્ટ્રવાદની જે ખાસ બ્રાન્ડ વિકસાવી છે, તે બંગમતને અપીલ કરવામાં ઓછી અને પાછી પડી છે. ભા.જ.પી. રાષ્ટ્રવાદનો સ્વરાજ-ચળવળ વખતનો વિભાજક વારસો હિંદુ-હિંદી-હિન્દુસ્તાન એ તરજ પરની ત્રિસૂત્રીનો છે. હિંદીભાષી હિન્દુસ્તાન તરીકેની રાષ્ટ્રીય ઓળખમાં નજીકનાં પાછોતરાં વરસોમાં જેની ફરતે વળ ને આમળા ચઢ્યા હોય, એવો નારો (લગભગ યુદ્ધનાદ) ‘જય શ્રીરામ’ છે. બાંગલા જનજીવનમાં, ઊલટ પક્ષે, દુર્ગાનું જે સ્થાન અને ભૂમિકા છે, એનો કોઈ વિકલ્પ નથી. દુર્ગા વાટે પ્રગટ થવા કરતો સહજ હિંદુભાવ અને ‘જયશ્રી રામ’નો હિંદુત્વ યુદ્ધનાદ, બે વચ્ચે મેળ તો નહીં જ પણ લગભગ છત્રીસનો સંબંધ વરતાયો એ હકીકત છે. સહજ હિંદુભાવ સામે હિંદુત્વ બુલડોઝર વલણ વિપરીતપરિણામી પુરવાર થયું.

ગમે તેમ પણ, દૃષ્ટાંતો અને નિમિત્તોમાં ઝાઝું ખોવાયા વગર અહીં જે મુદ્દો ઘૂંટવો રહે છે તે એ છે કે આપણા જેવા ભાતીગળ દેશમાં એકતાનો રસ્તો બીબાઢાળ જડબેસલાક તરેહનો નહીં, પણ સૌને અવકાશ-મોકળાશ આપતો સમવાયી તરેહનો જ હોઈ શકે. ભા.જ.પ.નો રાષ્ટ્રવાદ વચ્ચે-વચ્ચે જરી સભાનપણે સ્થાનિક વાનાંનું સહવરણ કરવાનો વિવેક દાખવતો હોય તો પણ  એકંદરે એની તાસીર ને તરાહ એકલઠ્ઠ અભિગમની છે, જે સરવાળે બીજાને પાછા પાડે, વેગળાપણું અનુભવાવે. કોણ સમજાવે, ઝંડાબરદારોને કે કુલકન્યા વિનય-અનુનયથી જ પ્રાપ્ત થઈ શકે, બલાત્‌ કબજો જમાવી શકો પણ આત્મીયતા મારી ફરે.

લાંબા ડાબેરી કાળ પછી બંગાળ બીજે છેડે જતું માલૂમ પડે છે – અને એ બીજા છેડાની રીતે ભા.જ.પ. આ કિસ્સામાં કોઈ આપોઆપ વિકલ્પ નથી. બલકે, દૃઢમૂલ ડાબેરીવાદ બાજુએ મૂક્યા પછી પણ ભાવજગત અને ભાવાવરણ જેવું કાંક કશુંક તો રહે છે જેને નરદમ ભા.જ.પી. માહોલ રાસ નથી આવતો તે નથી આવતો. લેફ્‌ટ-લિબરલ એવી ભદ્રલોક ધારા પશ્ચિમ બંગાળની રાજવટનાં માર્ક્સવાદી વર્ષોમાં સત્તાની નજીક, કંઈક અંગભૂત જેવી પણ હશે. પણ બધો વખત, ક્વચિત્‌ માનો કે નહીંવત્‌ પણ એને પક્ષે એક આલોચનાત્મક અંતર રહેતું આવ્યું છે. હમણાં જુદા નિમિત્તસર જે બહુ ચમક્યું તે નંદીગ્રામનો થોડાં વરસ પરનો ઘટનાક્રમ એનું ઉત્તમ ઉદાહરણ છે. સ્વતંત્ર બૌદ્ધિક વલણોવાળી લેફ્‌ટ લિબરલ ધારા પશ્ચિમ બંગાળના સી.પી.એમ. શાસનથી હટી અને સામે ગઈ તે નંદીગ્રામ ઘટનાનો એક વિશેષ હતો. આ લેફ્‌ટ-લિબરલ (પણ સ્થાપિત પક્ષોથી સ્વતંત્ર) ધારાએ ડાબેરી અતિવાદ સામે એક ભૂમિકા લીધી, જેણે પશ્ચિમ બંગાળમાં બિનડાબેરી સંભાવનાનો પથ પ્રશસ્ત કીધો. પણ આ જે વિકલ્પ ખૂલ્યો એમાં ભા.જ.પ.નો પ્રવેશ સ્વતંત્ર લેફ્‌ટ-લિબરલ ધારાના મતે ઇષ્ટ નહોતો ને નથી. ડાબેરી-કૉંગ્રેસ જોડાણ છતાં પરંપરાગત ડાબેરી મતો સરવાળે તૃણમૂલ તરફે ગયા એનું રહસ્ય આ વિગતમાં છે.

જેમ ડાબેરી હોઈ શકતા મતોએ ભા.જ.પ.વિરોધની ભૂમિકાએ વિજયની શક્યતા ધરાવનાર તૃણમૂલ તરફે ઢળવું પસંદ કર્યું, મુસ્લિમ મતોએ પણ કૉંગ્રેસ તરફે મતદાનના પ્રણાલિકાગત રવૈયાને બદલે તૃણમૂલ જોડે જવું પસંદ કર્યું. ભા.જ.પી. રાષ્ટ્રવાદની હંમેશની કોશિશ હિંદુ અને મુસ્લિમને ધોરણે ધુ્રવીકરણની હોય છે. પણ મુસ્લિમ મતોએ ધ્રુવીકૃત થતી વખતે તૃણમૂલ સાથે રહેવાનો જે વ્યૂહ લીધો, એણે કોમી વિભાજન મારફતે ભા.જ.પ.ને અપેક્ષિત બહુમતીવાદ (મૅજોરિટેરિયનિઝમ)ની બાજી બનવા ન દીધી. હિંદુ મતે ભા.જ.પ. જોડે એક જથ્થે જવાપણું ન જોયું એ સૂચક છે. ભા.જ.પ. ને તૃણમૂલ બેઉમાં એ લગભગ સરખા વહેંચાયા-મતલબ, ધ્રુવીકરણનો મોદી-અમિત રાબેતો બર ન આવ્યો. મુસ્લિમ મતોનો બે તૃતીયાંશ હિસ્સો તૃણમૂલ જોડે રહ્યો, અને સહેજે અર્ધોઅર્ધ હિંદુ મતો પણ. લેફ્‌ટ-લિબરલ ધારાનોયે ઝુકાવ તૃણમૂલ જોડે રહ્યો. અને હા, આ ચર્ચામાં રખે ચૂકીએ કે મહિલા મતદાન તૃણમૂલને સૂંડલામોંઢે ફળ્યું. ‘દીદી ઓ દીદી’ જેવી ફિલમઉતારુ પેરવી સામે મહિલાગૌરવે કચકચાવીને મતદાન કર્યું તેમ સમજાય છે. ઉપરાંત ‘સરકાર તમારે દ્વારે’ જેવા ઉપક્રમોની પણ ખાસી કુમક રહી.

શાસનશૈલીમાં મનમુરાદ વલણો સહિતના પ્રશ્નો મમતા બેનરજીના પક્ષે નથી એમ નથી. બલકે પૂરતા છે. બે મુદ્દત પછી ઍન્ટિ-ઇન્કમ્બન્સીનોયે સવાલ સ્વાભાવિક જ હોય. પણ જે સમજાય છે તે એ કે વ્હિલચૅર વિ. વિમાને મમતાને સહાનુભૂતિ મતનું ખાસું સુવાણ કરી આપ્યું. દૃઢમતિ મમતાનું નેતૃત્વ અને પ્રશાન્ત કિશોરની વ્યૂહકારી ભા.જ.પ.ની આક્રમક મુદ્રા તેમ જ ચૂંટણીપંચ, સી.બી.આઈ., એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ, એક લાખ ત્રીસ હજાર જેટલા આર્મ્ડફોર્સ સામે કામિયાબ રહ્યાં એ હકીકત છે.

બેશક, બે – ખરું જોતાં ત્રણ-મુદ્દા સ્પષ્ટ કરવા જોઈએ. મમતાની લાગટ ત્રીજી ફતેહ, નવી ટર્મમાં પ્રત્યક્ષ કાર્યદેખાવ વિના ફળી શકશે નહીં. ભા.જ.પ.ની ધોબીપછાડ એણે જે હુંફાદ અને દાવેદારી દાખવી તેને કારણે નાટ્યાત્મકપણે, તુલનાત્મકપણે ખાસી આકરી લાગે છે. પણ ૨૦૧૬ની બંગાળ વિધાનસભાને મુકાબલે એ ૨૦૨૧ની વિધાનસભામાં ધોરણસરના વિપક્ષ રૂપે પ્રવેશેલ છે. અલબત્ત, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં એણે ૧૨૧ જેટલાં વિધાનસભા ક્ષેત્રોમાં સરસાઈ દાખવી હતી, એની સરખામણીમાં ૨૦૨૧માં મળેલી બેઠકો ઓછી છે, પણ એ વિપક્ષ તરીકે સ્થાનબદ્ધ થઈ શકેલ છે, તે ભૂલવા જેવું નથી.

છેલ્લો અને ત્રીજો મુદ્દો, પ્રશાન્ત કિશોરની વ્યૂહકારી. એમણે સર્વોચ્ચ વિજયની ક્ષણે હવે ચૂંટણીવ્યૂહમોરચે નિવૃત્તિ જાહેર કરી છે. યશની ટોચ પર નિવૃત્તિ લેવી એ એક સારી વાત છે, પણ પિસ્તાળીસમે વરસે એ યથાર્થમાં નિવૃત્ત ભાગ્યે જ થઈ શકે. જોઈએ, શું કરે છે, દરમિયાન એમની ખિદમતમાં તેમ એમના પ્રશંસકોનીયે ખિદમતમાં બાઅદબ એક સવાલ અધોરેખિતપણે કરવો રહે છે. નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર કે મમતા બેનરજી, તમે એના કંત્રાટી કૌશલનવીસ તરીકે મતદારોમાં માલ ખપાવી આપો, એનું વાસ્તવિક મૂલ્ય શું. તમે માત્ર કૌશલથી ઓળખાવું પસંદ કરશો કે વિચારનિષ્ઠાથી. કૌશલકારી પોતાને ઠેકાણે ઠીક હશે, બલકે છે. પણ વિચારનું કોઈ મૂલ્ય જ નહીં ? વેચાઉ માલનું રાજકારણ કેવી રીતે સ્વીકાર્ય હોય? મમતા બેનરજીના વિજયના આનંદ ઉત્સાહમાં આ એક પાયાનો સવાલ વણસંભળાયો રહેશે તો તે આપણી કમનસીબી હશે.

હતું કે પ્રશાન્તકિશોર નિમિત્તે ઘોળાતી પ્રશ્નકારીનો અને કૌશલનવીસી બનામ વિચારનિષ્ઠાનો મુદ્દો છેલ્લો હશે. પણ ત્રીજી મેએ આ નોંધ લખાઈ રહી છે, ત્યારે રાજ્યમાં વ્યાપક હિંસાના હેવાલો ચિંતિત કરનારા છે. આઠ તબક્કામાં વહેંચાયેલી ચૂંટણી દરમિયાન કેન્દ્રની જે ભીંસ સતત રહી, એના પ્રત્યાઘાતના અંશો એમાં હોઈ શકે છે – અને જાહેર પ્રત્યાયનની રીતે તૃણમૂલ તેમ ભા.જ.પ. બેઉને પક્ષે પ્રત્યક્ષ ‘હિંસા’નો છોછ નથી, એ કોઈ ખાનગી વાત નથી. સી.પી.એમ.નીયે એ જ પ્રણાલી રહી છે. પણ, આ બધો હવાલો આપ્યા પછી અને છતાં કહેવાનું તો એ જ રહે છે કે દિલ્હીના હિંસા-સંચાર સામે ચાણાક્ષપણે પેશ આવવા સાથે મમતા બેનરજીએ પોતાના વળના સમુદાયને વારવો અનિવાર્ય છે. અન્યથા, કર્યું કારવ્યું ને મેળવ્યું નકોનકો બની રહેશે. અને એથી સરવાળે જે ભોગ લાગશે તે તૃણમૂલ અગર ભા.જ.પ.ના તો ઠીક પણ આપણા તો હશે જ હશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 05-06

Loading

...102030...1,8961,8971,8981,899...1,9101,9201,930...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved