રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ સરકારની નિષ્ફળતાનું, વ્યવસ્થાની ખામીનું અને પ્રજાની બેદરકારીનું પરિણામ છે. મોહન ભાગવતે બોલવું પડ્યું છે કારણ કે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે અત્યારે સંકટની ઘડીએ સંઘ ક્યાં છે? જ્યારે પૂરી તાકાત સાથે હિન્દુત્વવાદીઓને દેશમાં રાજ કરવાનો મોકો મળ્યો ત્યારે આવા ફૂહડ કેમ સાબિત થયા? માત્ર કોરોના નહીં, દરેક મોરચે હિન્દુત્વવાદી શાસકો ફૂહડ સાબિત થયા છે અને કોરોનાએ તો કાળો કેર કર્યો છે ત્યારે સંઘના નેતાઓ કેમ મોઢું ખોલતા નથી?
ખેર, મોહન ભાગવતે અત્યારના કોરોનાસંકટ માટે જે ત્રણ કારણો બતાવ્યાં છે તેમાંથી પહેલા બે કારણો સાચા છે અને ત્રીજું કારણ ખોટું છે. એમ તો બીજું કારણ પણ સંપૂર્ણપણે સાચું નથી. સંપૂર્ણપણે માત્ર અને માત્ર પહેલું કારણ સાચું છે. એ કઈ રીતે એ જોઈએ.
જગતનો અનુભવ એમ કહે છે કે ફાસીવાદી શાસકો ધોરણસરના શાસનમાં બહુ રસ લેતા નથી. પ્રજાકલ્યાણલક્ષી શાસન તેમની પ્રાથમિકતા હોતી નથી એટલે આવડત કેળવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેમની પ્રાથમિકતા તેમને મળેલા સમયમાં બને એટલી ઝડપથી નાગરિકોના ચિત્તનો અને રાજકીય પ્રતિપક્ષીઓની રાજકીય જગ્યાનો કબજો લેવાનો હોય છે. અંગ્રેજીમાં આને અનુક્રમે માઈન્ડ-સ્પેસ અને પોલિટીકલ સ્પેસ કહેવામાં આવે છે અને આ લેખમાં હવે પછી સુગમતા ખાતર અંગ્રેજી શબ્દપ્રયોગ પણ કરવામાં આવશે.
હિંદુ ધર્મના નામે રડાવીને અને ડરાવીને અને મુસલમાનો માટે નફરત પેદા કરીને અંદાજે પ્રત્યેક ચોથા હિંદુના ચિત્તનો કબજો તેમણે લઈ લીધો છે. એ કબજો છૂટવો ન જોઈએ. જો આગલી સરકારો કરતી હતી એવું ધોરણસરનું રાજ કરે તો વિવાદ પેદા થાય, કોઈ નિર્ણય કે પગલું લોકોના હિતમાં છે કે નહીં તેની ચર્ચા થાય, વિદેશી અખબારો અને વિદ્વાનો તેની ચર્ચા કરે, જે તે થીંક ટેંક તેમાં રસ લે, સંસદમાં ચર્ચા થાય અને સરકારે ખુલાસા કરવા પડે, કોઈ અદાલતમાં જાય અને અદાલત જવાબ માગે વગેરે વગેરે કેટલું થાય. આમાં સૌથી મોટું નુકસાન એ કે જેના ચિત્તનો કબજો લીધો હોય એ પણ યોગ્ય-અયોગ્યનો વિચાર કરતો થાય અને હાથમાંથી છટકી જાય. ગુલામો આઝાદ ન થવા જોઈએ. ગુલામોને ગુલામીના ગૌરવનો અનુભવ થવો જોઈએ. આને માટે ભર કોરોના કાળમાં રામમંદિર માટે ફાળાના જુલૂસ કાઢવામાં આવ્યા હતા અને ભર કોરોના કાળમાં કોઈ પણ પ્રકારના નિયમનો – પ્રતિબંધો વિના કુંભમેળો યોજવામાં આવ્યો હતો. તો પહેલી વાત એ કે ફાસીવાદી શાસકો ધોરણસરનું શાસન કરવાની ભાંજગડમાં પડતા નથી. જગત આખાનો આવો અનુભવ છે.
બીજી પ્રાથમિકતા તેમની રાજકીય પ્રતિસ્પર્ધીઓની રાજકીય જગ્યા આંચકી લેવાની હોય છે. કોઈ પાસે પોલિટીકલ સ્પેસ બચવી ન જોઈએ એટલે જેમના માઈન્ડ-સ્પેસ ઉપર કબજો કરવો મુશ્કેલ બને છે અને જેઓ ગુલામ થવા માગતા નથી, એવા જાગૃત નાગરિકો પાસે કોઈ રાજકીય વિકલ્પ જ ન બચે. અત્યારની સરકારનો વિરોધ કરનારાઓને તમે કહેતા સાંભળ્યા હશે કે ‘હા, વાત તો સાચી, પણ વિકલ્પ ક્યાં છે?’ પ્રત્યેક રાજકીય પ્રતિસ્પર્ધીની પોલિટીકલ સ્પેસ આંચકી લેવાની એટલે વિકલ્પ શોધનારાઓ જાય ક્યાં? માટે ભર કોરોના કાળમાં મધ્ય પ્રદેશની સરકાર તોડવામાં આવી હતી. ભર કોરોના કાળમાં રાજસ્થાનની સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભર કોરોના કાળમાં પોંડીચેરીની સરકારને તોડવામાં આવી હતી. ભર કોરોના કાળમાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. સરકારની મુદ્દત પૂરી થયે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરીને ચૂંટણીઓ ટાળી શકાતી હતી, પરંતુ તેમાં વિરોધ પક્ષોને રાજકીય જગ્યા મળી જવાનો ડર હતો. ચૂંટણીપંચને દબાવીને ચૂંટણી યોજવામાં આવી હતી અને વિશાળ રેલીઓ યોજીને પ્રચાર કરવામાં આવ્યો હતો. રાજકીય પ્રતિસ્પર્ધીને ગમે તે ભોગે ખતમ કરી નાખવાનો એટલે વિકલ્પ શોધનારાઓને વિકલ્પ જ ન જડે.
ટૂંકમાં વર્તમાન શાસકોએ ધોરણસરનું શાસન કરવાની જગ્યાએ ચાર કામ કર્યા હતા. એક, કોરોનાની મહામારીની ઉપેક્ષા કરી હતી. બે, તાળી-થાળીના ખેલ કરીને સંકટને હોય એના કરતાં હળવું અને નાનું બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ, ગુલામોના માઈન્ડ-સ્પેસ પરનો કબજો જાળવી રાખવાના બેત રચ્યા હતા અને ચાર, વિચારી શકે એવા નાગરિકો પાસે કોઈ રાજકીય વિકલ્પ જ ન બચે એ માટે વિરોધ પક્ષોની પોલિટીકલ સ્પેસ આંચકી લેવાની. આમાં ભારતની પ્રજા છેતરાઈ હતી અને તેને છેતરવામાં આવી હતી. આમ આજની સ્થિતિ માટે દેશની પ્રજાની બેદરકારી જવાબદાર છે એવી મોહન ભાગવતની દલીલ ખોટી છે.
રહી વાત સિસ્ટમની તો ભારતમાં ગવર્નીંગ સિસ્ટમ ખામીયુક્ત અને લગભગ જીર્ણ અવસ્થામાં છે એ કોણ નથી જાણતું? આખી દુનિયા આ જાણે છે. ૨૦૧૦ અને ૨૦૧૧માં સિસ્ટમને બદલવા માટે દેશભક્તોએ આંદોલન કર્યાં હતાં. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સિસ્ટમ બદલવા માટે આકાશમાં સૂર્યની માફક પ્રગટ થયા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ નવોદિત સૂર્ય ભારતને અમેરિકા અને પશ્ચિમ યુરોપના વિકસિત દેશોની કક્ષામાં મૂકી આપશે. આ સૂર્ય ચીનને ભૂ પિવડાવવાનો છે. આ સૂર્ય ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. આ સૂર્ય ભારતની પ્રત્યેક ઇંચ ભૂમિને પ્રકાશમય બનાવવાનો છે. હવે સવાલ એ છે કે આ બધું સિસ્ટમ બદલ્યા વિના થવાનું હતું? અને સિસ્ટમ બદલવી એ પણ ગવર્નન્સનો એટલે કે શાસનનો વિષય છે અને એમાં ઉપર કહ્યું એમ ફાસીવાદી શાસકોને રસ હોતો જ નથી. અહીં માઈન્ડ-સ્પેસ પરનો કબજો કેવો હોય છે એનો જવાબ અહીં મળી જશે. નરેન્દ્ર મોદી જ્યારે ભારતને વિકસિત દેશોની બરાબરીમાં લઈ જવાની વાતો કરતા હતા ત્યારે ગુલામો કિકિયારીઓ પાડતા હતા અને અત્યારે ભારતની હાલત અફઘાનિસ્તાન જેવી થઈ છે અને વિશ્વદેશો ઓક્સીજન જેવી મામૂલી ચીજની મદદ કરી રહ્યા છે ત્યારે પણ તેઓ કિકિયારીઓ પાડી રહ્યા છે.
સારા શાસકો સમસ્યાનો સ્વીકાર કરે. સારા શાસકો પડકારનું આકલન કરે. સારા શાસકો પડકારને સામી છાતીએ ઝીલે. સારા શાસકો પ્રજાને ગેરમાર્ગે ન દોરે, પણ વિશ્વાસમાં લે. સારા શાસકો અંગત સ્વાર્થના રાજકારણને બાજુએ રાખીને શાસનધર્મ બજાવે. સારા શાસકો પડકારને પહોંચી વળી શકે એવા લોકોની મદદ લે. સારા શાસકો જોખી-તોળીને બોલે અને જે બોલે એને પાળે. આ સારા શાસકોના ગુણ છે. કેમે કરીને જવાહરલાલ નેહરુના સગડ ભૂંસી નથી શકાતા એનો જવાબ હવે મળી ગયો હશે. મોદીના ભારતને આજે નેહરુના ભારતનો સહારો લેવો પડે છે. આને કવિન્યાય ન કહેવાય?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 મે 2021
![]()


આજકાલનાં ટાબરિયાં તો મોબાઇલ ફોનની કાર્ટૂન ગેમ્સમાંથી જ મનોરંજન મેળવે છે. પોતાની આ નવી દુનિયામાં બાળકો એવી રીતે મસ્ત હોય છે કે ખાવા-પીવાની કે ભણવાની પણ દરકાર હોતી નથી. ખાસ કરીને ચાર દીવાલોમાં પુરાયેલા આજના શહેરી બાળારાજાઓનો કુદરત સાથેનો સંપર્ક – નાતો છૂટી રહ્યો છે એવા વાતાવરણમાં જામનગરના કવિ-ગઝલકાર કિરીટ ગોસ્વામી બાળગીતો ક્ષેત્રે અદ્ભુત કામ કરી રહ્યા છે. વ્યવસાયે શિક્ષક એવા કિરીટ ગોસ્વામીએ ગુજરાતની શાળાઓમાં આશરે ૧૨૦ જેટલા બાળસાહિત્યના કાર્યક્રમ કર્યા છે. ‘ક્યાં માને છે પપ્પા?’ ગીત સંગ્રહને ૨૦૧૪માં સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તથા ‘ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું!’ને ૨૦૧૬માં અંજુ નરશી પ્રથમ પારિતોષિક મળી ચૂક્યું છે. ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (૨૦૨૧) રાજ્યપાલશ્રીના હસ્તે એમણે મેળવ્યો છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા એમનું સન્માન થયું છે તથા મોરારિબાપુના અસ્મિતાપર્વમાં પણ એમણે બાળગીતો પ્રસ્તુત કર્યાં છે.
હાથીભાઈ તો ડાન્સ કરે ને સસલો પાડે ફોટા … જેવાં કેટલાંક ગીતો અમદાવાદનાં નમ્રતા શોધને સરસ કમ્પોઝ કરીને ગાયાં છે. એ ગીતોમાં જાત જાતની મજેદાર કલ્પનાઓ છે. કોઈના પર રખાય નહીં ખાર … તથા એકલા ખવાય? … જેવાં કેટલાંક ગીતો બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન આપે છે. કિરીટ ગોસ્વામી ગઝલ પણ સરસ લખે છે તેમ જ ‘માતૃભાષા અભિયાન’ના સહયોગમાં બાળસભાનું આયોજન કરે છે. બાળકો એમાં જોડાઈને પોતાની કૃતિ પણ રજૂ કરી શકે છે. કિરીટભાઈએ કેન્સરગ્રસ્ત તથા અંતરિયાળ ગામડાંઓમાં જઇને બાળસભાઓ યોજી છે. એમની કવિતા ધોરણ ચાર અને પાંચમાં બાલભારતી ગુજરાતીમાં પણ લેવાઈ છે. કિરીટ ગોસ્વામી પહેલાં બાળક છે પછી સર્જક. બાળગીતો લઈને ખૂબ રખડે છે અને ભાષાનું ભણતર અને બાળકોનું ઘડતર કરે છે. એમની કવિતાઓમાં નાની નાની પંક્તિઓ હોવાથી બાળકોને આસાનીથી યાદ રહી જાય છે. વધુ કંઈ ન કહેતાં એમની સરસ મજાની કવિતાઓમાં જ લટાર મારીએ તો વધારે મજા આવશે. તમારા ઘરમાં બાળકો હોય તો જરૂર આ બધાં ગીતો સંભળાવજો, કારણ કે માતૃભાષા દ્વારા જ વિશ્વભાષા અને બાહ્ય જગતની બારી ખૂલે છે. અહીં કેટલાંક મજેદાર બાળગીતો મૂક્યાં છે એની મજા માણો. આમાંનાં અમુક ગીતો નેટ પર કદાચ સાંભળવા મળી શકે. આ બધાં ગીતો કિરીટ ગોસ્વામીએ લખ્યાં છે અને જુદી જુદી રીતે સ્વરબદ્ધ થયાં છે.
