પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની ઓપિનિયન પોલ અને એકઝિટ પોલ સાથે તુલના કરતાં અનેક સવાલો ઊઠે છે .. પાંચેય રાજ્યોના એકઝિટ પોલ આમ તો કંઈક અંશે જ ખોટા પડ્યા છે. છતાં જે રીતનાં પરિણામો આવ્યાં છે તેનું કોઈ જ અનુમાન એકઝિટ પોલમાં જોવા મળ્યું નથી. પશ્ચિમ બંગાળનાં પરિણામને રસાકસીભર્યું કે કાંટે કી ટક્કરનું ગણાવવામાં આવ્યું હતું. પણ એકેય એકઝિટ પોલમાં મમતા બેનરજી બસો કરતાં વધુ બેઠકો મેળવશે કે બી.જે.પી.ની બેઠકો ડબલ ડિજિટથી આગળ નહીં વધે એમ કહેવામાં આવ્યું નહોતું. બંગાળમાં કૉન્ગ્રેસ અને ડાબેરીઓનું ખાતું નહીં ખૂલે અને તમિલનાડુમાં સ્ટાલિનનો વિજ્ય ભવ્ય નહીં હોય એમ પણ ખોંખારીને કોઈ એકઝિટ પોલમાં કહેવાયું નહોતું. જ્યાં સુધી પરિણામોની દિશાનો સવાલ છે, એકઝિટ પોલ સાચાં છે પણ બેઠકોનાં અનુમાન સંપૂર્ણ ખોટાં છે.
ચૂંટણી પરિણામોનાં પૂર્વાનુમાનોનો આરંભ દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત સંસ્થા ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ (સી.એસ.ડી.એસ.) દ્વારા ૧૯૫૭માં થયો હતો. નવમા દાયકામાં એન.ડી.ટી.વી.ના પ્રણવ રોય અને યોગેન્દ્ર યાદવે તેને વ્યાપક, મજબૂત અને લોકપ્રિય બનાવ્યાં. આ ચૂંટણી પૂર્વાનુમાનો, ખાસ કરીને ઓપિનિયન પોલ, કાળક્રમે વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત મોજણી મટી રાજકીય રંગે રંગાવા લાગ્યાં. તેથી તેની વિશ્વસનીયતા અને પારદર્શિતા પર શંકા-કુશંકા વ્યક્ત થતી રહી છે. ભા.જ.પા.તરફી મનાતી ન્યૂઝ ચેનલોએ હાલના એકઝિટ પોલમાં બંગાળમાં ભા.જ.પા.ની જીત દર્શાવીને આ શંકાને બળ આપ્યું છે.
૨૦૦૪ની લોકસભા ચૂંટણી ભારતીય જનતા પક્ષ અટલ બિહારી વાજપાઈના વડા પ્રધાનપદે ‘ઈન્ડિયા શાઈનિંગ’ના નારા સાથે લડ્યો હતો. આ ચૂંટણીમાં ભા.જ.પ.ની હારનું અનુમાન કોઈ પણ એજન્સીએ કર્યું નહોતું. તમામ ૬૧ ઓપિનિયન પોલ અને ૩૮ એકઝિટ પોલ ૨૦૦૪માં ખોટા પડ્યા હતા અને કેન્દ્રમાં એન.ડી.એ.ના બદલે કૉન્ગ્રેસના નેતૃત્વમાં યુ.પી.એ.ની સરકાર બની હતી. ૨૦૧૫ની બિહાર અને દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં તમામ પૂર્વાનુમાનો ખોટાં પડ્યાં હતાં. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એક એકઝિટ પોલમાં એન.ડી.એ.ને ૨૪૨ તો અન્યએ ૩૫૨ બેઠકો જીતશે તેવું અનુમાન લગાવ્યું હતું. એટલે બે વચ્ચે ૪૫ ટકા કે ૧૧૦ બેઠકોનો તફાવત હતો. ૨૦૨૦ની બિહાર વિધાનસભાનાં પરિણામ અને ચૂંટણી પૂર્વાનુમાનો વચ્ચે ૩૨થી ૩૭ ટકાની ત્રુટિ હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાં બી.જે.પી.ને ૪થી ૨૨ બેઠકો મળવાનું અનુમાન એકઝિટ પોલમાં હતું. એટલે બે વચ્ચે પાંચ ગણો તફાવત હતો. એ જ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ને ૭૩ બેઠકો મળશે એવું કોઈ એકઝિટ પોલમાં જણાવવામાં આવ્યું નહોતું.
પ્રણવ રોય અને દોરાબ સોપારીવાલા લિખિત ‘ધ વર્ડિક્ટ’ કિતાબમાં ૨૦૧૯ સુધીમાં ૩૯૩માંથી ૩૨૩ એકઝિટ પોલ સાચા પડ્યા હોવાનો દાવો કરાયો છે. કૉન્ગ્રેસ સાંસદ શશી થરુર પાંચેક વરસોમાં ૫૬ એકઝિટ પોલ ખોટા પડ્યાનું લખે છે. ૨૦૧૫ની બિહાર વિધાનસભાના ઓપિનિયન પોલ અને એકઝિટ પોલનાં અનુમાનો જુદાં જુદાં હતાં. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસને અનુક્રમે ૪૪ અને ૫૨ બેઠકો જ મળી હતી. પરંતુ કૉન્ગ્રેસની આવી કારમી હારનું અનુમાન ભાગ્યે જ કોઈ ઓપિનિયન પોલ અને એકઝિટ પોલમાં જોવા મળ્યું હતું.
ચૂંટણી પૂર્વાનુમાનો સાચાં ન ઠરવાનાં અનેક કારણોમાંનું એક કારણ તેની સેમ્પલ સાઈઝ છે. કરોડો મતદારોમાંથી લગભગ બધી જ કંપનીઓ ઓપિનિયન પોલ માટે ત્રણથી પાંચ હજાર અને એકઝિટ પોલ માટે સાતથી આઠ લાખ લોકોનો સંપર્ક કરે છે. લોકસભા કે વિધાનસભાના તમામ મતવિસ્તારોને તેઓ આવરી લેતા નથી. જ્યારે હારજીતના ફેંસલા માટે એકોએક મત મહત્ત્વનો હોય અને જીતનું માર્જિન નાનું હોય ત્યારે આટલા ઓછા લોકોના સર્વેનાં તારણો વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં ખોટાં પડવાની શક્યતાઓ વધારે છે.
એકઝિટ પોલમાં મતદાન કરીને બહાર આવતા મતદારને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે, તેની અંગત વિગતો સહિતના પ્રશ્નોનું ફોર્મ ભરવામાં આવે છે, કેટલીક એજન્સી રીતસર બેલેટ પેપર આપી મતદાન કરાવે છે. હવે નવી ટેકનિકના દિવસોમાં મોબાઈલ કે ટેબલેટ પર સોફ્ટવેર દ્વારા જવાબો નોંધાય છે. આટલું કર્યા પછી પણ મતદાર સાચું બોલે છે કે કેમ તે સવાલ તો ઊભો જ રહે છે. ભા.જ.પ.ના શહેરી અને બોલકા મતદારો ઈન્વેસ્ટિગેટર સાથે વધુ વાત કરે અને અન્ય પક્ષોના ગ્રામીણ અને અભણ મતદારો શરમ અને ડરને લીધે આવા સર્વેક્ષણથી દૂર રહે કે સાચા જવાબ ના આપે તેવી પણ સંભાવના હોય છે.
ભારતની સંસદીય ચૂંટણીઓનું એક વિચિત્ર પાસુ, રાજકીય પક્ષોને મળેલા મતોની ટકાવારી બેઠકોમાં પરિવર્તિત થઈ શકતી નથી, તે છે. તાજેતરની ચૂંટણીઓમાં કેરળમાં સી.પી.આઈ(એમ.)ને ૨૫.૩૮ ટકા મત સાથે ૬૨ બેઠકો મળી. તેના કરતાં કૉન્ગ્રેસને ૦.૧૬ જ ઓછા એટલે કે.૨૫.૧૨ ટકા મત મળ્યા છે, પરંતુ બેઠકો ત્રણ ગણી ઓછી ૨૧ જ મળી છે .તમિળનાડુમાં ડી.એમ.કે.ને ૩૭.૭૦ ટકા વોટ સાથે ૧૩૩ બેઠકો મળી છે. પરંતુ એ.આઈ.ડી.એમ.કે.ને તેના કરતાં માત્ર ૪.૪૧ ટકા ઓછા વોટ (૩૩.૨૯ ટકા) મળ્યા છતાં બેઠકો અડધી જ એટલે ૬૬ જ મળી છે. આ સ્થિતિમાં સર્વેક્ષણ કરતી કંપનીઓ વોટશેરના આધારે બેઠકોનું અનુમાન લગાવે છે. તે કેટલું સાચું ઠરે તે પણ સવાલ છે.
પ્રિ-પોલ, પોસ્ટપોલ, ઓપિનિયન પોલ અને એકઝિટ પોલ જેવાં ચૂંટણી સર્વેક્ષણો અને અનુમાનો દુનિયાભરમાં થાય છે. વગર ચૂંટણીએ મતદારોનો મૂડ અને મિજાજ જાણવા પ્રિ-પોલ, તો ચૂંટણી પરિણામો પછીના વિષ્લેષણ માટે પોસ્ટ પોલ થાય છે. એકઝિટ પોલ મતદાનની સાથે જ જ્યારે ઓપિનિયન પોલ ચૂંટણી પ્રક્રિયા આરંભાય તેની સાથે કે તે પૂર્વેના મહિને થાય છે એટલે ઓપિનિયન પોલનાં તારણો મતદારોને પ્રભાવિત કે ભ્રમિત કરી શકે છે. કંપનીઓ પોતાના આર્થિક ફાયદાને ધ્યાનમાં રાખીને, રાજકીય નફા-નુકસાનને વરેલા ઓપિનિયન પોલ કરીને ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે અને પેઈડ ન્યૂઝને પણ ઉત્તેજન મળે તેમ બની શકે છે.
ભારતમાં ચૂંટણી પૂર્વાનુમાનોનો આરંભ તો આઝાદી પછીના પહેલા દાયકાથી જ થયો હતો પણ તેની મતદારો પરની અસરના સંદર્ભે કાયદાકીય લગામ તો છેક ૨૦૧૦માં લાગી છે. ૧૯૯૭માં ઈલેકશન કમિશને કેટલાક નિયંત્રણો મુકવા નિયમો બનાવવા શરૂ કર્યા. સુપ્રીમ કોર્ટનો તે અંગેની પી.આઈ.એલ.નો ચુકાદો અને તમામ રાજકીય પક્ષોની સર્વસંમતિ પછી ૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ કાયદામાં, મતદાનના તમામ તબક્કા પૂર્ણ થયા પહેલા એકઝિટ પોલ જાહેર ન કરવાની જોગવાઈ ઉમેરવામાં આવી છે. એટલે હવે એકઝિટ પોલ સમગ્ર મતદાન સમાપ્ત થાય તે પછી જ જાહેર કરી શકાય છે. જો કે ઓપિનિયન પોલને આવું બંધન નથી. આટલી કાયદાકીય જોગવાઈ છતાં ૧૯૬૧ના કાયદાની મતદાનની ગુપ્તતા સંબંધી જોગવાઈ અને એકઝિટ પોલના ડેટાની ગુપ્તતા અને સુરક્ષાનો પ્રશ્ન તો રહે જ છે.
ચૂંટણીનાં પૂર્વાનુમાનોનો કરોડો રૂપિયાનો કારોબાર છે અને તે ચૂંટણી પ્રક્રિયાને સીધી અસર કરે છે. એટલે આ કામ સાથે સંકળાયેલી કંપનીઓની નોંધણી, તેના રાજકીય પક્ષો કે નેતાઓ સાથેના સંબંધો, કંપનીના માલિકોનું વિવરણ, પૂર્વાનુમાનોને પ્રાયોજિત કરનારની માહિતી, સેમ્પલ સાઈઝ અને વોટશેરને બેઠકોમાં તબદિલ કરવાની પ્રક્રિયાની જાહેરાત, સર્વેક્ષણ સાથે સંકળાયેલા લોકોના પ્રશિક્ષિણની વિગતો, ડેટા પ્રોટેકશન અને પ્રાઈવસીની વ્યવસ્થા, મતદારો અને વિસ્તારોની પસંદગીની પ્રક્રિયા અને તેમના સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય પૃષ્ઠભૂની જાહેરાત જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો ચૂંટણી પૂર્વાનુમાનોને વિશ્વસનીય અને પારદર્શી બનાવી શકાશે અન્યથા તેની સામે પોલના નામે પોલંપોલની ફરિયાદો ઊભી જ રહેશે.
e.mail : maheriyachandu@gmail.com
![]()


ગઈ કાલના સમાચાર છે. ચાર કોલેજિયનો, રાત્રે આઠ પહેલાં ડુમસના દરિયા કિનારે ગયા ને રાત્રે દોઢેક વાગે પાછા આવતા હતા, ત્યારે પેટ્રોલિંગ કરતી પોલીસે કાર ઊભી રખાવી. કરફ્યુના સમયે બહાર કેમ છો?- તે અંગે પૂછપરછ કરતાં યુવાનોએ કહ્યું કે ગૂગલ પર, ભારતનાં મોસ્ટ હોન્ટેડ પ્લેસ- ડુમસ બીચ પર ભૂતો જોવાં મળે છે, તે મળે તો તેનો વીડિયો ઉતારવા બીચ પર ગયા હતા. ભૂતનો વીડિયો ઉતાર્યો કે કેમ એ અંગે તો માહિતી નથી, પણ ભૂતને શોધવા નીકળેલા આ યુવાનોને પોલીસે શોધી કાઢ્યા અને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી. યુવાનોને કદાચ ખબર નહીં હોય કે ભૂત તો દેખાય કે ન દેખાય, પણ પોલીસ તો દેખાય જ ! રાતનો સમય ભૂતને અનુકૂળ હશે કદાચ, પણ તે પોલીસને પણ અનુકૂળ હતો ને એનો લાભ યુવાનોને મળ્યો.