Opinion Magazine
Number of visits: 9663878
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીડિતાને દોષિત ઠેરવતી પિતૃસત્તાત્મક માનસિકતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 August 2025

ચંદુ મહેરિયા

સુરતના કોંચિંગ ક્લાસમાં અધ્યાપન કાર્ય કરતી પાટીદાર યુવતી પર નીલ દેસાઈ નામનો સગીર તેની સાથે સંબંધ રાખવા બળજબરી કરતો હતો. તેની સતત હેરાનગતિ અને ધાકધમકીથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી. આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાના આરોપસર સગીરની અટકાયત પછી, ‘સંદેશ’ના ખબરપત્રીના અહેવાલ પ્રમાણે કથિત આરોપી સગીરના કુટુંબીજનો અને જ્ઞાતિજનોએ યુવતીના મેસેજિસ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી તેને દોષિત ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાના બનાવને હજુ તો વરસ પણ થયું નથી અને કોલકાતાની કાયદાની કોલેજમાં ચોવીસ વર્ષિય કોલેજ છાત્રા પર કોલેજ પરિસરમાં જ સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. બળાત્કારીઓ  પૈકીનો એક રાજ્યના સત્તાપક્ષ તૃણમૂલ કાઁગ્રેસનો સક્રિય કાર્યકર છે. ઘટનાના રાજકીય પ્રત્યાઘાત પડ્યા તો તૃણમૂલ વિધાયક મદન મિત્રાએ કહ્યું કે જો યુવતી ઘટનાસ્થળે ગઈ જ ના હોત, જતાં પહેલાં કોઈને વાત કરી હોત કે  કોઈ બહેનપણીને સાથે લઈ ગઈ હોત તો બળાત્કારની ઘટના જ ન બની હોત. પક્ષના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનરજીએ એથી પણ આગળ વધીને એમ કહ્યું કે શું દરેક સ્થળે પોલીસ પહેરો હોઈ શકે? બળાત્કારનો ભોગ બનેલી યુવતી પર દોષનો ટોપલો ઢોળી દેવાનું આ તે કેવું વલણ?

ઓડિશાના બાલાસોરની ફકીર મોહન અધ્યાપન કોલેજની બી. એડની વિદ્યાર્થિની સાથે કોલેજના પ્રોફેસર સમીર રંજન સાહુ જાતીય સતામણી કરતા હતા. છાત્રાએ તેની ફરિયાદ કોલેજના આચાર્યને કરી પણ તેની ફરિયાદ તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું. ઉત્પીડનના આરોપી અધ્યાપક સામે પગલાં લેવા છાત્રાએ  ધરણાંનો માર્ગ અખત્યાર કર્યો. એ વેળા પ્રોફેસરને નિર્દોષ દર્શાવી ફરિયાદી છાત્રાને કોલેજમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી તેના ૭૧ સહછાત્રોએ કરી. લાંબા સંઘર્ષ છતાં  ન્યાયની કોઈ આશા ન જણાતાં યુવતીએ કોલેજમાં જ આત્મદાહ કર્યો અને સારવાર પછી તેનું અવસાન થયું. આ ઘટનામાં પણ કોલેજ અને સહપાઠીઓનું વલણ પીડિતાનો જ દોષ  જોવાનું રહ્યું હતું. 

ગરીબ, આદિવાસી, દલિત, કાળા અને મહિલા જેવા પીડિતોને દોષી ગણવાનું વલણ જાણે કે સહજ અને સાર્વત્રિક છે. જો તમે ગરીબ છો તો તમને કામચોર, આળસુ, વ્યસની ગણીને તમારી આર્થિક હાલતનું કારણ સંસાધનોની અસમાન વહેંચણી છે તે ભૂલવી દઈને તમને જ જવાબદાર ગણવામાં આવે છે. રંગભેદ, જ્ઞાતિભેદ , લિંગભેદ જેવા અનેક ભેદભાવનો શિકાર બનેલા લોકોને સામાજિક પૂર્વગ્રહો તથા સાંસ્કૃતિક માપદંડોના આધારે બ્લેઈમ કરી તેમણે કંઈક એવું કર્યું છે કે જે તેમણે ભોગવવું પડે છે એવું ઠસાવવામાં આવે છે. કાળાઓ પ્રત્યેના ધોળિયાઓના અન્યાય અને રંગભેદ છતાં તેમને જ દોષિત ગણવા સંદર્ભે  અમેરિકી મનોવૈજ્ઞાનિક અને માનવ અધિકાર કર્મશીલ વિલિયમ રયાને (જન્મ-૧૯૨૩, અવસાન-૨૦૦૨) ૧૯૭૧માં લખેલ પુસ્તક ” BLAMING THE  VICTIM’ માં આ પ્રકારના કૃત્યને કોઈ માનસિકતા કે વલણને બદલે વિચારધારા ગણાવી છે. પીડિતોને  દોષિત ઠેરવવા તે ફાસીવાદી ચરિત્રનું સૌથી ભયાવહ સ્વરૂપ છે. 

આ સૌમાં મહિલા પીડિતને દોષિત ગણી લેવાનો ચાલ તો રોજેરોજનો છે. યૌન અને ઘરેલુ હિંસા, શારીરિક છેડછાડથી બળાત્કાર જેવી હિંસાનો ભોગ બનેલી પીડિતાઓને તેમની સાથે થયેલા ખરાબ વર્તન કે બળાત્કાર માટે એ પોતે જ દોષિત હોય તેવું વર્તન અને વ્યવહાર કરવામાં આવે છે. મહિલાઓ સાથે હિંસા આચરતા પુરુષો તો જાણે દેવના દીકરા હોય તેમ ‘લડકે હૈ કભી કભી ભૂલ હો જાતી હૈ’  કહીને તેમને છાવરવામાં આવે છે કે તેમનો બચાવ કરવામાં આવે છે. જ્યારે મહિલાઓને માથે એ તો છે જ એવી, આવા અડધા ઉઘાડાં દેખાવાય એવાં કપડાં તે પહેરાતા હશે ? પણ એ અડધી રાતે ગઈ જ શું કામ ? એવા સવાલો, આરોપ, દોષથી માંડીને એ જ લાગની છે સુધીના જજમેન્ટ અપાય છે. પીડિતાને દોષિત ઠેરવવી તે આપણી જડબેસલાક પિતૃસત્તાત્મક માનસિકતાને કારણે છે. જે કુટુંબ, સમાજ, રાજકારણ,મીડિયા અને અદાલતો એમ  ઠેરઠેર જોવા મળે છે.

વિનયભંગની પીડિતાને અવિશ્વસનીય ગણવી, તેના પર આચરાયેલ જુલમને હળવાશથી લેવો  એ તો ખરું જ પણ આવા બનાવ પછી પોલીસ સ્ટેશન, હોસ્પિટલ અને કોર્ટામાં ટ્રાયલ દરમિયાન તેને બળાત્કાર કે જાતીય સતામણી કરતાં ય  વધુ મોટો આઘાત સહેવો પડે છે. બળાત્કારની તપાસ માટે પ્રતિબંધિત ટુ ફિંગર પરીક્ષણ, પોલીસ ફરિયાદમાં વિલંબ કે નહીં નોંધવાનું વલણ અને ટ્રાયલ દરમિયાન વકીલોના આક્ષેપો અને અંગત સવાલોથી જાણે કે તેના પર બીજો બળાત્કાર થાય છે. 

જ્યાં ન્યાયની આશા લઈને પીડિતા જાય છે ત્યાં પણ તેને ઘણીવાર અન્યાય થાય છે. ૨૦૨૦માં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ દીક્ષિતે બળાત્કારના આરોપીને મુક્ત કરતાં બળાત્કાર પછી સર્વાઈવર સૂઈ ગઈ હતી તે બાબતને ગંભીર ગણી હતી અને તેને પરંપરાગત ભારતીય મહિલાના વલણ કરતાં જૂદું ગણાવી ફરિયાદને ખોટી માની હતી. તહેલકાના તરુણ તેજપાલ સામેની ફરિયાદ અંગે ગોવા હાઈકોર્ટે ઘટનાના આગલા દિવસની તસવીરોમાં પીડિતાના ચહેરા પર કોઈ પરેશાની જણાતી નથી અને તે ખુશ જણાય છે, તે બનાવ પછી ગોવામાં રોકાઈ હતી અને આખા કાર્યક્રમમાં હાજર રહી હતી તે બાબતને પણ ધ્યાનમાં રાખી ફરિયાદને અવિશ્વસનીય ગણાવી તેજપાલને આરોપ મુક્ત કર્યા હતા. ૧૯૯૫માં રાજસ્થાનના ભંવરી દેવી બળાત્કાર કાંડના ચુકાદામાં પણ અદાલતે કથિત નિમ્ન જ્ઞાતિની મહિલા પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો કે કાકા-ભત્રીજા સાથે કે વિવિધ વયજૂથના પુરુષો એક સાથે બળાત્કાર કરે તેને અસ્વીકાર્ય બાબત ગણી હતી. આ ઉદાહરણો દર્શાવે છે કે પીડિતાઓ પ્રત્યેનું અદાલતોનું વલણ ક્યારેક ખાપ પંચાયતો જેવું હોય છે. 

મહિલાઓને વસ્તુ નહીં પણ વ્યક્તિ માનવાની માનસિકતા હજુ કેળવાઈ નથી. મધ્ય પ્રદેશના એક બળાત્કાર કેસમાં જ્યારે સર્વોચ્ચ અદાલતે સ્ત્રીના શરીરને મંદિર જેવું ગણાવ્યું ત્યારે પણ તેમની માનસિકતા મહિલાને દેવી ગણાવાની, તેના શરીરને પવિત્ર ગણવાની હતી. જાતીય શોષણનો ભોગ બનેલી મહિલાને કલંકિત ગણી તેનો ત્યાગ કરવો, અલગ પાડી દેવી, હડધૂત કરવી જેવી બાબતો સમાજમાં સહજ છે તેના મૂળમાં સ્ત્રીના શરીરને મંદિર કે પવિત્ર માનવાનું વલણ છે. 

શારીરિક અત્યાચારોનો ભોગ બનેલી સ્ત્રીએ થાકીને સૂઈ જવાનું નથી પણ રડવાનું છે, ગભરાવાનું છે, બૂમો પાડવાની છે, ન્યાયની ભીખ માંગવાની છે – જેવા માપદંડો સમાજે તેના પર થોપ્યા છે. જ્યારે મહિલા તેના કરતાં જૂદું વલણ અપનાવે છે ત્યારે તેને દોષિત ગણવામાં આવે છે. હવે આ વલણ બદલવાનું છે. મહિલાનું શરીર મંદિર કે પવિત્ર નથી. બળાત્કારથી તે કલંકિત થઈ જતી નથી. તેણે જાતીય અત્યાચાર પછી દુ:ખી, બાપડી, બિચારી થવાનું નથી. પરંતુ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક પૂર્વગ્રહોનો સામનો કરવાનો છે. તો જ પીડિતાને દોષી માનતી માનસિકતામાં પરિવર્તન આવશે.  

e.mail : maheriyachandu@gmail.com

Loading

વક્ત કા હસીન સિતમ – ગુરુદત્તથી ગુરુદત્ત સુધી

સોનલ પરીખ|Opinion - Opinion|5 August 2025

ગુરુ દત્ત કહેતા, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ … દેખો ના, મુઝે ડિરેક્ટર બનના થા, બન ગયા. એકટર બનના થા, બન ગયા. અચ્છી ફિલ્મેં બનાની થી, બના લી … આજ પૈસા હૈ, સબકુછ હૈ પર કુછ ભી નહીં રહા.’ કદાચ દેવ આનંદ સાચું કહેતા હતા, ‘તે યુવાન હતો, તેણે હતાશાજનક ચિત્રો નહોતાં બનાવવા જોઈતાં.’  

ગુરુ દત્ત

દાદી પ્રાર્થના કરતાં હોય અને એ કિશોર દીવાના પ્રકાશમાં આંગળીઓ હલાવી ભીંત પર આકારો રચે. ત્યારે તેને કે કોઈને ખબર ન હતી કે સમયની દીવાલ પર એની છબી કાયમ માટે અંકિત થઈ જશે. 

મૂળ નામ વસંત. બાળપણમાં અકસ્માત થયો, એક સાધુના સૂચનથી નામ બદલી ગુરુદત્ત રાખ્યું – ગુરુદત્ત પદુકોણ. આ નામ સમયાંતરે ગુરુ નામ અને દત્ત અટક હોય એ રીતે ફિલ્મ-ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયું. ગુરુ દત્તની અગ્નિશિખા જેવી સર્જકતા, ચકિત કરી મૂકનારાં સર્જનો, બેચેન વ્યક્તિત્વ અને કરુણ અંતનો કલ્પનાની કે વાસ્તવની દુનિયામાં કોઈ જોટો નથી. 9 જુલાઈ 2025ના દિવસે તેમનો સોમો જન્મદિન છે. 

જન્મ બેંગલોરમાં, શિક્ષણ કોલકાતામાં. બંગાળી સંસ્કૃતિ જીવનમાં વણાઈ ગઈ. શ્યામ બેનેગલના કાકા અને ગુરુ દત્તના મામા બાલકૃષ્ણ બેનેગલના એક ચિત્ર પરથી કિશોર ગુરુએ ‘સપેરા’ નૃત્ય બનાવ્યું અને ઈનામ પણ મેળવ્યું. પિતા ખૂબ વાંચતાં. ગુરુ અઠંગ વાચક બન્યા. આર્થિક સ્થિતિને લીધે કોલેજ ન જઈ શક્યા, સોળ વર્ષની ઉંમરે 20 રૂપિયાના પગારથી કોલકાતાની લીવર બ્રધર્સની ફેક્ટરીમાં ટેલિફોન ઓપરેટર બન્યા. 

મોકો મળતાં ગુરુ દત્તે અલમોડા જઈ ઉદય શંકરની નૃત્ય એકેડમીમાં તાલીમ લીધી. પાંચ વર્ષ માટે સ્કોલરશીપ પણ મળી. વિશ્વયુદ્ધને લીધે એકેડમી બંધ થતાં ગુરુ દત્ત મુંબઈ આવ્યા અને ત્રણ વર્ષ માટે પૂણેના પ્રભાત સ્ટુડિયોમાં કોરિયોગ્રાફર તરીકે નોકરી લીધી. પછીથી કંપનીમાં અભિનેતા અને સહાયક દિગ્દર્શક પણ બન્યા. થોડો વખત ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’ માટે ટૂંકી વાર્તાઓ લખી.

પ્રભાતમાં દેવ આનંદ અને રહેમાન સાથે દોસ્તી થઈ જે જીવનભર ટકી. ત્યારે દેવ આનંદ સાથે થયેલા કરાર પ્રમાણે તેણે દેવ આનંદની પ્રોડક્શન કંપની નવકેતન હેઠળ ‘બાઝી'(1951)નું દિગ્દર્શન કર્યું. બીજે વર્ષે ‘જાલ’ આવી. આ બંને અને ત્યાર પછીની કેટલીક ફિલ્મો 40-50ના દાયકાની ‘ફિલ્મ નોઈર’ શૈલીથી પ્રેરિત હતી. નૈતિક રીતે અસ્પષ્ટ એવો નાયક, અપરાધ, સાયરન અને છાયા-પ્રકાશની યોજના એ આ શૈલીની વિશેષતાઓ છે. હિન્દી ફિલ્મોમાં નોઈર શૈલીની ફિલ્મો લાવનાર ગુરુદત્ત પહેલા હતા.  

દર્શકોની નાડ પારખતાં તેને આવડતું. ‘બાઝી’, ‘જાલ’, ‘મિ. એન્ડ મિસીસ 55’ અને ‘સી.આઇ.ડી.’ની સફળતા પછી ગુરુ દત્તે પોતાનામાં રહેલા કલાકારને બહાર કાઢ્યો અને સાહસિક-જોખમી વિષયોને મેદાન આપ્યું. સંતોષ ન થાય તો પ્રોજેક્ટને અભેરાઈ પર ચડાવતા તેને વાર લાગતી નહીં. ગુરુ દત્તે કુલ 8 હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, જેમાંથી 1957ની ‘પ્યાસા’, 1959ની ‘કાગઝ કે ફૂલ’ અને 1962ની ‘સાહબ, બીબી ઔર ગુલામ’ની આંતરરાષ્ટ્રીય ઓળખ છે. 

શ્યામ બેનેગલે કહ્યું છે, ‘ગુરુ દત્તની ફિલ્મો અર્થપૂર્ણ રહેતી. સેટ પર પૂરી તૈયારી સાથે જાય. કેમેરાનો એંગલ, એક એક મુવમેન્ટ પરફેક્ટ જોઈએ. સંતોષ ન થાય ત્યાં સુધી ઓકે ન કહે. “પ્યાસા” માટે પોતે પણ સો કરતાં વધારે  રિટેક આપ્યા હતા. ગીતને વાર્તા સાથે જોડી દેવા અને ખાસ રીતે ફિલ્માંકિત કરવામાં ગુરુ દત્ત અજોડ હતા.’ અદ્દભુત લાઇટ એન્ડ શેડો ઇફેક્ટ માટે જાણીતા ‘વક્તને કિયા ક્યા હસીં સિતમ’ ગીતના સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્તિ કહે છે, ‘ગુરુદત્તને હું “ઓબ્સેસિવ ડિરેક્ટર” કહું. અત્યંત ઊર્જાભર્યા, તીક્ષ્ણ બુદ્ધિ અને કામમાં ઓતપ્રોત. “કાગઝ કે ફૂલ”ના ગીત “વક્ત ને કિયા”ને હું “ક્લાસિક મોમેન્ટ ઑફ સેલ્યુલોઈડ હિસ્ટરી” ગણું છું. આ ગીત નટરાજ સ્ટુડિયોમાં ફિલ્માવ્યું હતું. એક વેન્ટિલેશનમાંથી પ્રકાશ આવતો હતો તેને એક અરીસામાં ઝીલી અમે પ્રકાશકિરણ રચ્યું અને નાટ્યાત્મક અસર આપવા થોડો ધુમાડો ઉમેર્યો.’ 

ગુરુ દત્તનાં બહેન લલિતા લાજમી કહે છે, ‘મારા પિતા ક્રિએટિવ રાઇટર બનવા માગતા હતા, ન બની શકયા. એ કારણે એમનામાં કટુતા આવી ગઈ. ગુરુમાં મારા પિતાની સર્જનાત્મકતા અને બેચેની બંને હતાં. ‘પ્યાસા’માં તેણે એક કવિના સંઘર્ષનું આલેખન કર્યું છે એ મારા પિતાના જીવન પર આધારિત છે.’ 

વિદેશી સિનેમાસ્કોપ ફિલ્મોને જોઈને ગુરુદત્તને પોતાની ફિલ્મોમાં આ નવી ચીજ લાવવી હતી. ‘ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોકસ’ની ભારત-ઓફિસના મેનેજર મિ. પ્રભુ પાસેથી સાધનો અને લેન્સિઝ મેળવી ગુરુદત્તે સિનેમાસ્કોપમાં બનેલી પહેલી ભારતીય ફિલ્મ બનાવી, ‘કાગઝ કે ફૂલ’. એ ફ્લોપ થઈ. કરોડો રૂપિયાનું નુકસાન થયું. પોતાની સર્જનાત્મક આકાંક્ષાઓના અસ્વીકારનું દુ:ખ એનાથી પણ મોટું હતું. રાજ કપૂરે કહ્યું હતું તેમ ‘કાગઝ કે ફૂલ’ સમય કરતાં ઘણી વહેલી બની હતી. ‘ચૌદહવીં કા ચાંદ’થી આર્થિક ખુવારી સરભર થઈ, પણ એ પછી ગુરુ દત્તે ફિલ્મોનું દિગ્દર્શન ન કર્યું. ‘ચૌદહવીં કા ચાંદ’ના દિગ્દર્શક હતા એમ. સિદ્દિકી અને ‘સાહબ બીબી ઔર ગુલામ’ના અબ્રાર અલવી. ‘ટેન યર્સ વિથ ગુરુ દત્ત’માં અબ્રાર અલવી કહે છે કે આ બંને ફિલ્મોનાં ગીતો ગુરુદત્તે કર્યાં હતાં અને નામ ગમે તેનું હોય એ ફિલ્મો પર ગુરુદત્તનો સઘન સ્પર્શ હતો.’ આ ફિલ્મના રમતિયાળ ગીત ‘ભંવરા બડા નાદાન’ના રેકોર્ડિંગને યાદ કરતાં ગાયિકા આશા ભોંસલે કહે છે, ‘મુઝે યાદ હૈ, દત્ત સાહબ મેરે સામને ખડે હો ગયે ઔર હર એક લફ્ઝકો કૈસે ગાના હૈ વહ મુંહ બના બના કે દિખાને લગે – કિતની કલેરિટી, કિતના પરફેક્શન!’ આ જ ફિલ્મનાં ગીત દત્તે ગયેલાં ગીતોમાં વિરહ, પીડા અને કસક ટોચ પર પહોંચ્યાં હતાં.

ગીતા દત્ત

ગીતા દત્ત આત્મવિશ્વાસભરી એ સફળ સુંદર ગાયિકા અને આ સંઘર્ષરત પ્રતિભાશાળી ફિલ્મમેકર વચ્ચે પ્રેમ તો થવાનો જ હતો. પણ લગ્ન – ત્રણ વર્ષના સંવનન પછી ગીતાના પરિવારના વિરોધ વચ્ચે 1953માં બંને પરણ્યાં. શરૂઆતનાં વર્ષો સુંદર-મધુર હતાં. ત્રણ સંતાનોમાં અરુણનો જન્મદિવસ ગુરુની જેમ 9 જુલાઈએ અને તરુણનો 10 જુલાઈએ આવતો. ગીતા ઊમળકાથી ત્રણેનો જન્મદિન સાથે ઊજવતી. પછી બધું બગડતું ચાલ્યું. છૂટાં પડ્યાં ત્યારે ગુરુદત્ત સફ્ળતાનાં શિખરે હતા, ગીતા દિશાહીન, નિર્ભ્રાંત. 

શું ખૂટ્યું હશે આ સુંદર યુગલના જીવનમાં? લગ્ન પછી માત્ર ગુરુદત્તની ફિલ્મોમાં ગાવાનું બંધન ગીતા દત્તને ન ફાવ્યું? પોતે આ બંધન, ત્રણ સંતાનો અને સંસારમાં બદ્ધ હતી અને પતિ નવી પ્રેરણામૂર્તિ વહીદા રહેમાન સાથે પ્રસિદ્ધિનાં સોપાનો ચડતો હતો – આ સ્થિતિ સંભાળી ન શકાઈ? ગુરુ દત્ત ફિલ્મસર્જનમાં જેટલો ઓતપ્રોત હતો, એટલો જ અંગત જીવનમાં અનુશાસનહીન હતો એમ કહેવાય છે તે સાચું હતું? ગમેતેમ, બંને છેક સુધી એકબીજાને ચાહતાં. આત્મહત્યાના બીજા નિષ્ફળ પ્રયત્ન પછી ભાનમાં આવેલા ગુરુદત્તે સૌથી પહેલા ગીતાને યાદ કરી હતી. નસરીન મુન્ની કબીરે ગુરુ દત્તના પત્રોનું પુસ્તક કર્યું છે, ‘યોર્સ, ગુરુ દત્ત.’ આમાંના મોટા ભાગના પત્રો ગીતા પર લખાયેલા છે અને ગુરુ દત્તના મૂડ સ્વિંગ્સ, પ્રેમ, ગુસ્સો, મુંઝવણ અને હતાશાને આલેખે છે. ગીતા અને વહીદા બંનેને ગુમાવ્યા પછી શરાબ, ડિપ્રેશન, એંક્ઝાયટી, સર્જનાત્મક બેચેની અને મેલાન્કોલિક ટેન્ડનસી(ખિન્ન પ્રકૃતિ)એ ભરડો લીધો અને 39 વર્ષના જીવનનો, 18 વર્ષની ફિલ્મકારકિર્દીનો અકાળે અંત આવ્યો. 

આ ગાળામાં ગુરુ દત્ત કહેતા, ‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ … દેખો ના, મુઝે ડિરેક્ટર બનના થા, બન ગયા. એકટર બનના થા, બન ગયા. અચ્છી ફિલ્મેં બનાની થી, બના લી … આજ પૈસા હૈ, સબકુછ હૈ પર કુછ ભી નહીં રહા.’ ગુરુ દત્ત ઘણું કરી શક્યા હોત, પણ તેઓ ખૂબ વહેલા ચાલ્યા ગયા. કદાચ દેવ આનંદ સાચું કહેતા હતા, ‘તે યુવાન હતો, તેણે હતાશાજનક ચિત્રો નહોતા બનાવવા જોઈતા.’

‘કાગઝ કે ફૂલ’નો સુરેશ સિંહા કહે છે, ‘એક હાથ સે દેતી હૈ દુનિયા, સૌ હાથોં સે લેતી હૈ, યે ખેલ હૈ કબ સે જારી, બિછડે સભી બારી બારી’ પ્યાસાનો વિજય કહે છે, ‘હમ ગમજદા હૈં લાયેંગે કહાં સે ખુશી કે ગીત, દેંગે વહી જો પાયેંગે ઇસ ઝિંદગી સે હમ’ ‘સાહબ બીબી ઔર ગુલામ’ની છોટી બહુનો ચિત્કાર ‘હાં, હાં, મૈં અલાયદા હૂં’ ગુરુ દત્તનો પોતાનો પણ નથી શું? દુનિયાથી અલગ હોવાની એક કિંમત હોય છે અને એ ચૂકવવી પડે છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 જુલાઈ  2025

Loading

મહાનતાના દાવા કરવાથી મહાન નથી બનાતું !

રમેશ સવાણી|Opinion - Opinion|5 August 2025

રમેશ સવાણી

લોકશાહી દેશોમાં બેવકૂફ અને અસંસ્કારી આદમીને સર્વોચ્ચ સ્થાને બેસાડો તો દેશની શું હાલત થાય, એનો અનુભવ આજકાલ જગતના લોકશાહી દેશોને થઈ રહ્યો છે અને એમાં અમેરિકા અગ્ર સ્થાને છે. જગતના સર્વોચ્ચ શક્તિશાળી દેશને સર્વોચ્ચ બેવકૂફ શાસક મળ્યો છે. યથા પ્રજા તથા રાજા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 31 જુલાઈ  2025ના રોજ જાહેરાત કરી કે પહેલી ઓગસ્ટથી અમલમાં આવે એ રીતે ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. શા માટે? તો કહે, “ભારત અમેરિકન માલની આયાત પર એટલી બધી કસ્ટમ ડ્યુટી લગાડે છે કે અમેરિકનો ભારતમાં નિકાસ કરી શકતા નથી. ભારત-અમેરિકા વેપાર એકપક્ષીય છે જેમાં અમેરિકાને નુકસાન થાય છે. જો ભારત હેવી ટેરિફ લાદીને અમેરિકન આયાતને રોકતું હોય તો અમેરિકા શા માટે ન કરે?”

અમેરિકાને આવો અધિકાર નથી. વિશ્વ વાણિજ્ય સંગઠન(વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ની બહુરાષ્ટ્રીય સમજૂતી મુજબ કોઈ દેશ બારોબાર ટેરિફ કે વાણિજ્યની અન્ય શરતો બદલી શકે નહીં. 1991થી ‘95નાં વર્ષોમાં અમેરિકા વિશ્વ વાણિજ્ય સમજૂતી પર બધા દેશો સહી કરે એ માટે આતુર હતું અને વિકાસશીલ દેશો પર દબાણ કરતું હતું. સોવિયેત રશિયાનું પતન થયું હતું, જગતભરમાં સામ્યવાદનો લગભગ અસ્ત થયો હતો, ચીન હજુ પહોંચી વળી શકાય એવી અવસ્થામાં હતું અને શીતયુદ્ધનો અંત આવ્યો હતો. અમેરિકાને અને જગતના સમૃદ્ધ મૂડીવાદી દેશોને એમ લાગતું હતું કે સમાજવાદી અંકુશો રહિત મુક્ત વ્યાપારના યુગમાં ગરીબ અને વિકાસશીલ દેશોના માર્કેટ પર અને તેનાં સંસાધનો પર કબજો કરવાનો અવસર આવ્યો છે અને વિશ્વ વ્યાપાર સમજૂતી તે માટેનું માધ્યમ હતું. 

ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે આ સમજૂતી સમજૂતી કરાવનારાઓને જ મોંઘી પડી શકે છે. એમાં અમેરિકા તો ક્લીન ડેવલપમેન્ટમાં માનનારો દેશ એટલે પોતાની ભૂમિ અને પર્યાવરણ બગાડે એવા ઉદ્યોગોમાં તેને રસ નહોતો. ડોલરનો સોના સાથેના આર્થિક સંતુલનનો સંબંધ તોડી નાખ્યો હતો એટલે જરૂર પડ્યે ડોલર છાપી લેવાના અને વર્ચસ જાળવી રાખવાનું. ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે સમય હંમેશાં સાથ આપવાનો છે અને એમાં તેઓ તુમાખી પર ઉતરી આવે છે. અમેરિકન તુમાખી વિશ્વપ્રસિદ્ધ છે. ડાહ્યા માણસોને જ્યારે વરવી વાસ્તવિકતા સમજાય ત્યારે તેઓ તુમાખી અને દાદાગીરી છોડીને હવામાં ઉડવાની જગ્યાએ જમીન પર ચાલવાનું શરૂ કરે છે. અમેરિકાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું બરાક ઓબામાં. સામ્યવાદી રશિયાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું મિખાઈલ ગોર્બાચેવ. સામ્યવાદી ચીનને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું દેંગ ઝિયાઓપીંગ. ભારતને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું પી.વી. નરસિંહરાવ. આવા માણસો સમય વરતીને દિશાપરિવર્તન કરવાનું કામ કરતા હોય છે. આમાં નવી દિશાને પડકી રાખવામાં અને હજુ વધુ આગળ જવામાં એક માત્ર ચીન સફળ નીવડ્યું, બાકીના દેશો એ ન કરી શક્યા કારણ કે અનુવર્તી શાસકોમાં કેટલાકની સમજ ઓછી હતી, કેટલાક સડેલી વ્યવસ્થાના શિકાર હતા (જેમ કે ડૉ મનમોહન સિંહ), કેટલાક માટે રાષ્ટ્રીય કરતાં પક્ષીય એજન્ડા સર્વોપરી હતા, કેટલાકને ઇતિહાસના હિસાબ-કિતાબમાં રસ હતો અને છે અને કેટલાક સ્વકેન્દ્રીય બેવકૂફ હતા કે છે. ચીનનો આજે જગતમાં દબદબો છે એનું કારણ એણે 1979થી કૃતસંકલ્પ સાથે પકડી રાખેલી દિશા છે. ભારત તક ગુમાવી દીધેલો કમનસીબ દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન આનું પ્રમાણ છે. ચીનને છેડ્યા પછી ચીને એવો કચકચાવીને તમાચો માર્યો કે હવે ટ્રમ્પ સીધી ચીનના નેતા સાથે વાતચીત કરી રહ્યા છે અને ભારતને અને ભારતના મહાન પ્રતાપી વડા પ્રધાનને સતાવી રહ્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ બારોબાર વૈશ્વિક સંધિ તોડી શકે નહીં, પણ આ તો ટ્રમ્પ છે જેની પાસે રહીસહી તાકાત વાપરીને દાદાગીરી કરવા સિવાય બીજી કોઈ આવડત નથી. તેમણે સંધિ તોડીને ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કર્યો. પણ સવાલ એ છે કે અત્યારે કેમ જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વાણિજ્ય સમજૂતી અંગે વાટાઘાટો ચાલી રહી છે? આ રહસ્ય છે. પણ વધારે મોટું રહસ્ય એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવાના ગુના માટે ભારત પર પેનલ્ટી લગાડી છે. કોણે અધિકાર આપ્યો ટ્રમ્પને ભારત વિષે નિર્ણય લેવાનો? ભારત ગમે તેની સાથે ધંધો કરે તો એ તેનો અધિકાર છે. રશિયા સાથે બીજા દેશો પણ ધંધો કરે છે, ઉર્જાના ક્ષેત્રમાં પણ ધંધો કરે છે પણ એમાંના કોઈને નહીં ને ભારતને જ કેમ દંડે છે? શું ભારત અમેરિકાની જાગીર છે?

ભારત તરફથી તીવ્ર પ્રતિક્રિયા કેમ અપાતી નથી? શેનો ડર છે? અને આવું પહેલીવાર નથી બન્યું. એકધારું બની રહ્યું છે. અમેરિકામાં ગેરકાયદે વસેલા નાગરિકોને હાથકડી જ નહીં, પગમાં બેડી પહેરાવીને વીડિયો લેવામાં આવે અને રિલીઝ કરવામાં આવે. મેક્સિકો અને બ્રાઝિલના નાગરિકો સાથે આવો વર્તાવ કરવામાં નહોતો આવ્યો. મેક્સિકોએ તો સંભળાવી દીધું હતું કે અમારા નાગરિકોને લઈને તમારું વિમાન અમારી ધરતી પર નહીં ઉતરે અમારું વિમાન આવીને અમારા નાગરિકોને સ્વમાનભેર લઈ જશે. બીજી બાજુ આપણા વિદેશ પ્રધાને અમેરિકાનો બચાવ કરતા કહ્યું હતું કે “ગુનો કરે એને હાથકડી પહેરાવવામાં આવે એમાં ખોટું શું છે?” એલા ભાઈ, માત્ર હાથકડી નહોતી, પગમાં બેડી પણ હતી  જે ગંભીર ગુનાઓમાં પહેરાવવામાં આવે છે ! જયશંકર ભારતના વિદેશ પ્રધાન છે કે અમેરિકાના? ઓપરેશન સિંદુર વખતે યુદ્ધવિરામની જાહેરાત ટ્રમ્પે કરી હતી. ‘મેં યુદ્ધ રોકાવ્યું’ એવું તેમણે એક વાર નહીં અંદાજે વીસ વાર કહ્યું છે. ‘મેં બન્ને દેશોને કહ્યું હતું જો તેઓ યુદ્ધ બંધ નહીં કરે તો અમેરિકા બન્ને દેશોને વાણિજ્યકીય રીતે દંડશે અને જો યુદ્ધ બંધ કરશે તો અમેરિકા વાણિજ્યકીય મદદ કરશે.’ આ અમેરિકામાં નહીં બીજા દેશમાં સાઉદી અરેબિયામાં કહ્યું હતું. 25 ટકા ટેરિફ અને દંડ એ મદદ છે? ટ્રમ્પે કહ્યું છે કે “પાકિસ્તાને ભારતનાં પાંચ વિમાનો તોડી નાખ્યાં હતાં.” ટ્રમ્પે પ્રોટોકોલ બાજુએ મૂકીને પાકિસ્તાનના લશ્કરી વડાને વ્હાઈટ હાઉસમાં ભોજન પર બોલાવ્યા હતા અને તેના બેમોઢે વખાણ કર્યા હતા ! દેશના વડાને નહીં, લશ્કરી વડાને ! પણ આપણા પ્રતાપી વડા પ્રધાન અને તેમની સરકાર ચૂપ છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તો લોકસભામાં પડકાર ફેંક્યો હતો કે ‘ટ્રમ્પનું નામ લઈને કહેવામાં આવે કે ટ્રમ્પનો દાવો ખોટો છે.’ વડા પ્રધાન બોલતા નથી. 

ટ્રમ્પે રશિયા સાથે ઉર્જા વેપાર કરવા માટે માત્ર પેનલ્ટી નથી જાહેર કરી, ભારતના અર્થતંત્રને ‘મરેલાં અર્થતંત્ર’ તરીકે ઓળખાવ્યું છે. “ભાડમાં જાય ભારતનું મૃતપ્રાય અર્થતંત્ર. તે હજુ વધુ મરે તો મને કોઈ ફરક નથી પડતો.” આ ટ્રમ્પના શબ્દો છે. ટ્રમ્પે કહ્યું છે કે “પાકિસ્તાનના ખનીજ તેલના જથ્થાને રિફાઇન્ડ કરવાની સમજૂતી થઈ ગઈ છે અને એક વખત એવો આવશે કે ભારત પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે.” જેનાં ઓવારણાં લેતા નરેન્દ્ર મોદી થાકતા નહોતા એ ટ્રમ્પ આવી ભાષા વાપરે છે અને વહેવાર કરે છે અને એ પણ વારંવાર ! હદ તો ત્યારે થઈ કે ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા આપણા સાહેબે સીધો પ્રચાર કર્યો. જગતના ઇતિહાસમાં આવું આ પહેલાં ક્યારે ય બન્યું નથી. 

શા માટે? લાખ રૂપિયાનો સવાલ આ છે. શા માટે  ટ્રમ્પ નરેન્દ્ર મોદીને વારંવાર નીચા દેખાડે છે? કદાચ કશુક અંગત છે. કદાચ નરેન્દ્ર મોદીનો ઈગો ટ્રમ્પના ઈગોને મેનેજ કરી શકતો નથી. જાગતિક સંબંધોમાં સોડમાં ઘૂસવામાં જોખમ હોય છે એમ મુત્સદીઓ કહેતા ગયા છે. 

ખેર, આપણે ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી ટટ્ટાર ઊભા રહે. અમેરિકા સામે, ચીન સામે, ન્યુક્લિયર પાકિસ્તાન સામે, તુર્કી સામે. દેશના ગરીબ મુસલમાનો સામે નહીં ! વિપક્ષો સામે નહીં !

તાકાત નબળાને રંજાડવામાં નથી બળિયાને પડકારવામાં છે, પણ ક્યારે? તાકાત રળીને. અને તાકાત રળવા માટે રાષ્ટ્રીય એકતા જોઈએ, જમીન પર પગ જોઈએ, સાચો નક્કર દેશપ્રેમ જોઈએ, સાચી નિસ્બત જોઈએ, ટેલેન્ટની કદર કરતા આવડવું જોઈએ વગેરે. યાદી લાંબી છે અને તમે એ જાણો છો. મહાનતાના દાવા કરવાથી મહાન નથી બનાતું ! 

[સૌજન્ય : રમેશ ઓઝા, 3 ઓગસ્ટ 2025. 

કાર્ટૂન સૌજન્ય સંદર્ભ : તમિલ મેગેઝિન, ‘Vikatan-વિકાટન’માં 10 ફેબ્રુઆરી 2025ના રોજ આ કાર્ટૂન પ્રકાશિત થયેલું. 

અમેરિકાએ, ભારતના ‘ગેરકાયદેસર’ નાગરિકો સાથે અમાનવીય વર્તન કરેલું અને મોદીજી ચૂપ રહેલા તેથી તેમને સાંકળમાં બાંધેલી સ્થિતિમાં દર્શાવવેલા. તેથી મોદીજીને માઠું લાગી ગયું હતું. 15 ફેબ્રુઆરીના રોજ, કેન્દ્ર સરકારે વિકાટનની વેબસાઇટ બ્લોક કરી દીધી હતી !]

04 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...187188189190...200210220...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved