Opinion Magazine
Number of visits: 9571512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભરત દવે

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|1 June 2021

જેપી આંદોલન હજુ ગોરંભાતું હશે અને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર(હીમાવન)માં રાજુ (રાજેન્દ્ર દવે) મારફતે ભરતભાઈનો પરિચય થયો. બંને પિતરાઈ ભાઈ. રાજુના પિતા ભાનુભાઈ દાંડીયાત્રી અને ભરતના પિતા બાલુભાઈ (બાલકૃષ્ણ વૈદ્ય) પણ ગાંધીનિંભાડાના સ્વરાજસૈનિક. ઢેબરભાઈ ને વિમલાતાઈ જેમની સાથે વિમર્શ કરવા ઈચ્છે એવી શખ્સિયત એ હતી. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા – એન.એસ.ડી. વર્ષોએ ભરતભાઈને વૈશ્વિક વિચારપ્રવાહોના સંપર્કમાં મૂકી આપ્યા. અનેરા રંગકર્મી ઉપરાંત મનનશીલ અક્ષરકર્મી તરીકેનો એમનો એક નવ્ય પરિચય તાજેતરમાં વરસોમાં ગુજરાતને થયો. ૧૯૭૮-૭૯માં હું ‘નૂતન ગુજરાત’ જોતો ત્યારે મેં એમને નાટક વિશે લખવા નિમંત્ર્યા એનું ભરતભાઈને ક્યાં ય સુધી આશ્ચર્ય હતું. પણ પછી તો સૌએ એમનું પ્રફુલ્લન જોયુંનોંધ્યું. પાછલાં વરસોમાં અમારે વાતચીત ઓછી થતી, પણ સરસ થતી, ખાસ કરીને વૈચારિક સંદર્ભોમાં. ‘નિરીક્ષક’માં એમણે થોડાં વરસ પર ગો.પુ. દેશપાંડે વિશે લખ્યું ત્યારે કોઈકે જાહેરમાં અચરજ વ્યક્ત કરેલું કે ઈ.પી.ડબ્લ્યુ.થી યે વહેલાં (કે જોડાજોડ) ગુજરાતીમાં આવી નોંધ ! ભરતભાઈ હોસ્પિટલમાં દાખલ થયા એના અઠવાડિયા પર અમારે વાત થયેલી. એમના પુસ્તકના પ્રકાશનપૂર્વે પ્રત જોવા મોકલેલી, તે સંદર્ભે. ‘અંધા યુગ’ વ્યાખ્યાનથી એ પ્રસન્ન હતા. અણચિંતવ્યું પણ એમનું એ હંસગાન જ બની રહ્યું.

— પ્ર.ન.શા., તંત્રી, “નિરીક્ષક”

સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ સ્વીકારતાં ભરતભાઈએ તેમના પ્રવચનમાં ઝોર્બા નાટકના મુખ્ય અભિનેતા એન્થની ક્વીન પોતાના પુત્રના મૃત્યુની વાત બોલી નથી શકતા તે વાત કહેલી. કાંઈક એવી જ લાગણી આજે હું અનુભવી રહ્યો છું. હજુ તો એપ્રિલના અંત સુધી તો મને રોજના ચાર-પાંચ સંદેશા મોકલતા હતા. એપ્રિલના મધ્યમાં તો વીડિયો કૉલ પર લાંબી વાત થયેલી. ત્યારે ખબર નહોતી કે આ છેલ્લી વારની વાત હશે.

ભરતભાઈ મારા પિતરાઈ ભાઈ. મારાથી છ વર્ષે મોટાં. સંગીત, ચિત્રકામ ને નાટકમાં પહેલેથી રસ. તેમની પીંછીનું કામ મેં જોયું છે. કુદરતનાં દૃશ્યોને દોરવામાં રસ. ફુલબ્રાઈટ સ્કૉલર તરીકે સિરેક્યૂસ આવ્યા ત્યારે અપસ્ટેટ ન્યૂયૉર્કની પાનખર જોઈને કહેતા કે આ રંગોને દોરવાનું બહુ મન થાય છે. એન.એસ.ડી.માં હતા, ત્યારે અલકાઝી તેમનાં ચિત્રોથી પ્રસન્ન થયેલા અને તેમને રંગો અને પીંછીઓ ભેટ આપેલી. સંગીતનાં બંને ક્ષેત્રોમાં રસ. સિતાર વગાડે અને ગાય પણ ખરા. દિલ્હી હતા ત્યારે ગાંધર્વ મહાવિદ્યાલયમાં જતા ને તેમના કાર્યક્રમોમાં ભાગ લેતા. હું લગભગ છેલ્લાં ચાલીસેક વર્ષથી બહાર છું, એટલે તેમણે દિગ્દર્શિત કરેલાં બહુ નાટકો નથી જોયાં. એક વાર દિલ્હીમાં પુરાના કિલ્લામાં અલકાઝી દિગ્દર્શિત અને તે કલાકાર હતા તે નાટક ‘તુઘલક’ જોવા લઈ ગયેલા. આજના વ્યવસાયી કલાજગતની ભાષામાં કહું તો તે ‘કમ્પલિટ પૅકેજ’ હતા.

ઇચ્છ્યું હોત તો ભરતભાઈ અન્ય ઘણા કલાકારોની જેમ એન.એસ.ડી.માંથી સીધા મુંબઈ જઈ શક્યા હોત, પણ તેમણે એવું નહિ કરતાં અમદાવાદને અને ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. આ અંકમાં સુભાષ બ્રહ્મભટ્ટે તેમના નાટ્યક્ષેત્રના પ્રદાન વિશે વિગતે લખ્યું છે, એટલે તેની વાત બાજુએ રાખી ભરતભાઈના અન્ય એક પ્રદાનની વાત કરીશ, જેના પર બહુ ઓછું ધ્યાન અપાયું છે – ભરતભાઈનાં લખાણોમાં, નાટકોમાં અને ભાષણોમાં જે સામાજિક ને રાજકીય નિસબત હતી, તેની.

ગાંધીવિચારના વાતાવરણમાં અમારું કુટુંબ ઊછર્યું. અમારા વડીલો સ્વાતંત્ર્યસૈનિકો. કુટુંબનાં બધાં ખાદી પહેરીએ. નાટ્યક્ષેત્રમાં મેં ભરતભાઈ સિવાય અન્ય કોઈ કમિટેડ ખાદીધારી નથી જોયા. ભરતભાઈએ નાટકો વાંચવાનાં શરૂ કર્યાં તે પહેલાં ગાંધી, વિનોબા, મશરુવાળા ને દાદા ધર્માધિકારી વાંચેલા. આ સૌનો તેમના પર ભારે પ્રભાવ. આ બધાથી તેમનું પોત બંધાયેલું. દર્શક સાથે કેવળ કૌટુંબિક સંબંધ હતો, માટે જ નહિ, પરંતુ મૂલ્યો માટે જે પ્રતિબદ્ધતા હતી તેને કારણે તેમણે સૉક્રેટિસનું નાટ્યરૂપાંતર કર્યું ને તેમના લખેલાં અન્ય નાટકો પણ ભજવ્યાં. તેમણે ભજવેલાં અન્ય કેટલાં ય નાટકોમાં મૂલ્યપ્રતિબદ્ધતા દેખાય છે. સવ્યસાચી ઍવૉર્ડ સ્વીકારતી વખતે આપેલા વક્તવ્યમાં તેમણે કહેલું કે નાટક કેવળ સમાજનું પ્રતિબિંબ નથી, તે સમાજપરિવર્તનનું સાધન પણ છે.

હજુ હમણે જ વિશ્વરંગભૂમિ દિવસ નિમિત્તે વિશ્વકોશનાં એમણે ‘અંધાયુગ, ગાંધીયુગ ને આજ’ વિષય પર જે વ્યાખ્યાન આપ્યું તે એમના ગયા પછી મારા સાથેની વાતચીતમાં પ્રકાશભાઈએ કહ્યું તેમ કદાચ એમનું હંસગાન હતું. ધર્મવીર ભારતીની નાટ્યકૃતિ ‘અંધાયુગ’ને કેન્દ્રમાં રાખીને તેમણે ભારતીની જ શૈલીમાં આજની ભારતની સ્થિતિને સરસ રીતે સાંકળેલી. અંધાયુગમાં મહાભારતની ને સ્વતંત્રતા પછીના તરતના ભારતની સરખામણી છે ને તેમણે કહ્યું કે આજનું ભારત પણ આ અંધાપો નથી અનુભવી રહ્યું? ધર્મ-અધર્મને પૃષ્ઠભૂ બનાવીને તેમણે સમજાવેલું કે આજે ધર્મના નામે કેટલો અધર્મ આચરાઈ રહ્યો છે!

છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં જે કાંઈ બન્યું તેનાથી તે ભારે વ્યથિત હતા. સોશિયલ મીડિયા પર તેમણે ‘વ્યૂ-વિધિન” શ્રેણી શરૂ કરેલી. તેમણે વાતની માંડણી કરતાં કહેલું કે તે અભિક્રમ આજની પરિસ્થિતિની માહિતી આપવાનો પણ સૌ કોઈને પોતાની ભીતરમાં નજર નાંખી વર્તમાન પ્રશ્નો પર વિચારતા કરવાનો છે. આ કાર્યક્રમમાં તે તેમની આસપાસ બનતી સામાજિક ને રાજકીય ઘટનાઓની ચર્ચા કરતા. એ આમ અણધાર્યા ના ગયા હોત, તો આ ચર્ચા લાંબી ચાલી હોત.

મેં ‘નિરીક્ષક’માં એક અંતરાલ પછી લખવા માંડ્યું તે પછી અવારનવાર સંદેશા ને ફોનવ્યવહાર ચાલતો. સૂચનો કરતા ને ક્યારેક વધુ માહિતી મેળવવા લખતા. મેં ટૉલ્સ્ટૉયના જીવનનાં અંતિમ વર્ષો પર આધારિત ને સ્ટોફર પ્લમર અને હેલન મિરેલ અભિનીત ફિલ્મ ‘ધ લાસ્ટ સ્ટેશન’નો રિવ્યૂ લખ્યો ત્યારે સૂચવ્યું કે તેં દર્શકના નાટક ‘ગૃહારણ્ય’ને સાંકળીને લખ્યું હોત તો સારું થાત. અમેરિકાના રાજકારણ પરનાં લખાણોમાં તેમને બહુ રસ પડતો. ટ્રમ્પે અમેરિકાનાં રાજકીય માળખાંઓ અને પ્રક્રિયાઓને કંઈ રીતે અને કેટલી હદે ભ્રષ્ટ બનાવ્યાં તે પર ફોન કરીને કહેલું કે કઈ રીતે ભારતમાં પણ સંસ્થાઓ અને પ્રક્રિયાઓ બગડી છે.

છેલ્લાં વર્ષોમાં ભરતભાઈ સ્વાસ્થ્યને કારણે ઘરે જ રહેતા. ભરતભાઈને સાથ રહે એટલે અમારાં ભાભી અમીબહેને પણ વહેલી નિવૃત્તિ લીધેલી. ભરતભાઈનાં અનેકવિધ કામોમાં તેમનો સિંહફાળો. પુત્રી દેવકી તેમને ગળે. પેન્ડેમિકને કારણે તેને મળી ના શકાય તેનો વસવસો કરે. હૉસ્પિટલમાં છેલ્લા દિવસોમાં દેવકી ઠેઠ સુધી હિંમતભેર સાથે ને સાથે રહી. ભરતભાઈને સાદર શ્રદ્ધાંજલિ.

ફ્લોરિડા, યુ.એસ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 07

Loading

કર્મઠ રંગકર્મી ભરત દવે

સુભાષ બ્રહ્મભટ્ટ, સુભાષ બ્રહ્મભટ્ટ|Opinion - Opinion|1 June 2021

ગુજરાતી રંગભૂમિનાં દોઢસો વર્ષની સંધ્યાએ રંગભૂમિનો એક પ્રજ્વલિત પ્રકાશ કોરોનાની મહામારીમાં બુઝાઈ ગયો. તા. ૧૫મી મે, ૨૦૨૦ની સવારે દસ વાગ્યાની આસપાસ સમાચાર વહેતા થયા કે કોરોના સામેની લડાઈમાં વૅન્ટિલેટર, ઑક્સિજન રેમડેસિવિર ઇંજેક્શન તથા અનેક દવાઓના શસ્ત્રસંરજામ સાથે ડૉક્ટરોની નિગરાનીમાં ભરતભાઈ હારી ગયા.

અનેક નાટ્યકર્મીઓ અને ભરતભાઈનાં સ્વજનોની પ્રાર્થનાઓ પણ કારગત ન નીવડી. વૉટ્સઅપ મૅસેજિસની વણઝાર વચ્ચે ૫૦ વર્ષની ભરતભાઈની કારકિર્દી વીજળીવેગે અગ્નિસંસ્કાર સમયે પ્રજ્વલિત થઈ ઊઠી.

આજે સવાલ એ ઊઠે છે આ ભરત દવે એટલે કોણ? નાટ્યનિર્માતા ? નાટ્યદિગ્દર્શક? નાટ્યવિવેચક? નાટ્યલેખક? રૂપાંતરકાર? અભિનેતા કે નાટ્યયાત્રાના રંગકર્મી? સિતારવાદક ભરત દવે કહું કે ચિત્રકાર કહું? કે પછી નાટ્યલેખકોના આંતરમનના પ્રવાસી ભરત દવે? અથવા ઇસરોના-ડેકુના ટી.વી. પ્રોડક્શનના પ્રખર પ્રોડ્યુસર ભરત દવે? બહુઆયામી છે આ ભરત દવે. દરેક વિશેષણ સાથે ભરત દવે સાંગોપાંગ સમર્પિત રહ્યા હતા. માટે જ, એમને કર્મઠ રંગકર્મી તરીકે જ ઓળખીએ. ઉપર્યુક્ત કોઈ પણ એક વિશેષણથી તો ભરત દવેની ઓળખ અધૂરી જ રહેવાની.

ભરતભાઈને ઓળખવા એક આખો ગ્રંથ તૈયાર કરવો પડે. એમનાં નાટકોની ભજવણી વિશે તો પીએચ.ડી.નો થીસિસ તૈયાર થઈ શકે. છેલ્લાં દસ વર્ષમાં એમણે લખેલાં પુસ્તકો પર અલાયદો અભ્યાસ કરવો પડે. જો કે એમના કેટલાક ગ્રંથો તો પ્રકાશિત થવાની રાહ જુએ છે.

આજે અહીં માત્ર ભરત દવે નિર્મિત કેટલાંક નાટકોની જ વાત કરીશું. ભરતભાઈએ દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં એક ઉત્તમ નાટ્યકર્મી અલકાઝીસાહેબ પાસે નાટ્યવિદ્યાની તાલીમ લીધી. અહીં તેઓ ખૂબ પલોટાયા. વિશ્વ રંગભૂમિ અને વિશ્વસ્તરના રંગકર્મીઓ વિશે ખૂબ અભ્યાસ કર્યો. મહાન નાટ્યલેખકોની નાટ્યકૃતિઓનો વિશદ અભ્યાસ કર્યો. રંગભૂમિની અવનવી પ્રગોગાત્મક નાટ્યશૈલીમાં અભૂતપૂર્વ નાટકો ભજવ્યાં. ઍક્ટર તરીકે નાના-મોટા રોલ પણ કર્યાં. સેટ ડિઝાઇન કર્યાં, ચિત્રો દોર્યાં, સંગીત શીખ્યા અને નાટકોનું સહદિગ્દર્શન પણ કર્યું. દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં રંગભૂમિનાં અનેક પાસાંનો ઊંડો અભ્યાસ કરી મુંબઈ જવાને બદલે અમદાવાદમાં આવ્યા. અહીં દર્પણ એકૅડેમીમાં મૃણાલિની સારાભાઈ સાથે જોડાયા. દર્પણમાં નાટ્યકર્મી કૈલાસ પંડ્યા અને દામિનીબહેન મહેતાનો સહયોગ પ્રાપ્ત થયો.

અમદાવાદને આંગણે ડૉ. વિક્રમ સારાભાઈ ફૅસ્ટિવલમાં ભરતભાઈએ ફ્રૅન્ચ નાટ્યકાર મોલિયેરનું ‘ધ સ્કૅપીન’ પર આધારિત કૉમેડિયા-દલા-આર્ટશૈલીમાં ‘વાહ વાહ રે મેં’ જીવંત સંગીતમઢ્યું નાટક ટાગોર હૉલમાં ભજવ્યું. પ્રયોગાત્મક નાટ્યશૈલી અને રંગસભર કૉશ્ચ્યુમ અને માસ્ક સાથે કલાકારોના મોટા કાફલા સમેત હાસ્યરસથી સભર આ નાટક દિવસો સુધી પ્રેક્ષકોના મનોજગતમાં રમતું રહ્યું. તત્કાલીન નાટ્યવિવેચક શશિકાંત નાણાવટીએ ‘ગુજરાત સમાચાર’માં દાયકાના શ્રેષ્ઠ નાટક તરીકે ‘રંગમ્’ કૉલમમાં નવાજ્યું હતું. કલાકારો પાસે એક નવી જ શૈલીમાં જે અભિનય કરાવ્યો તે અને મંચસજ્જા અભૂતપૂર્વ હતાં. નાટકનું જીવંત પાશ્ચાત્ય સંગીત બહુ મોટું જમાપાસું હતું. દિગ્દર્શનની આગવી સૂઝ અને કૃતિની પસંદગીમાં ભરતભાઈનો જોટો જડે. આ નાટકની રજૂઆત થકી અમદાવાદમાં પહેલા નાટકથી જ એમની એક આગવી ઓળખ ઊભી થઈ.

આ દરમિયાન રઘુવીર ચૌધરીએ એક સર્જનશીલ નાટ્યપ્રેમી અધ્યાપક તરીકે ભરતભાઈને શ્રી એચ.કે. આટ્ર્સ કૉલેજમાં નિમંત્રણ આપી, શરદબાબુની ‘દત્તા’ નવલ પર આધારિત ‘વિજ્યા’ નામે નાટક તૈયાર કરાવ્યું. કૉલેજના નવોદિત કલાકારો પાસે એક અઘરી નાટ્યકૃતિ તૈયાર કરવી એ બહુ મોટી ચૅલેન્જ હતી પણ ભરતભાઈની ધીરજને દાદ આપવી ઘટે. આ નાટક ભાવનગર સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ ભજવાયું.

એ દિવસોમાં, ૮૦ના દાયકામાં ભરતભાઈએ ગ્રીક નાટક ‘મીડિયા’ આધારિત ચં.ચી. મહેતા લિખિત ‘મદિરા’ નાટક ભજવ્યું. આ નાટકના વાચન દરમિયાન અનેક ગ્રીક ટ્રૅજેડીના કલાકારોનો અભ્યાસ કરાવ્યો. પ્રો. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને પ્રો.નલિન રાવળને ગ્રીક સંસ્કૃતિ ઉપર બોલવા નિમંત્રણ આપી ગ્રીસની રંગભૂમિ વિશે કલાકારોને અવગત કરાવ્યાં. સાથે-સાથે એમણે ગ્રીક નાટ્યશૈલીનો સાંગોપાંગ અભ્યાસ પણ કરાવ્યો. ગ્રીક રંગભૂમિ વિશે નવું નવું વંચાવે અને ગ્રીક નાટકો આધારિત ફિલ્મ પણ બતાવે. કેટલાંક પુસ્તકોમાંથી ગ્રીક નાટકોના ફોટોગ્રાફ્સ પણ બતાવે. એમ કહો કે, ગ્રીક નાટકો પર દરેક સાંજે વર્કશૉપ યોજાય. પૂરા હોમવર્ક અને સમયની પાબંધી સાથે રિહર્સલમાં ઉપસ્થિત રહે. ચં.ચી. મહેતાએ જે અપદ્યા-ગદ્યશૈલીમાં નાટક લખ્યું હતું, એ જ શૈલીમાં ભજવવું ખૂબ અઘરું હતું. દિવસો સુધી માત્ર વાચિક અભિનય પર કામ થતું. અધકચરા કલાકારોને ખૂબ ધીરજ સાથે સલુકાઈથી અભિનય શીખવે અને પ્રેક્ષકોની દાદ મેળવવા સુધી તૈયાર કરે. આ ‘મદિરા’ નાટક પહેલીવાર ટાગોર હૉલમાં ભજવાયું, ત્યારે પ્રેક્ષકો દંગ રહી ગયા હતા. સુખાન્ત નાટકો જોવા ટેવાયેલો અમદાવાદનો પ્રેક્ષકવર્ગ આ દુઃખાન્ત નાટક જોઈને હતપ્રભ રહી ગયો.

ગ્રીક નાટ્યશૈલીનો પરિવેશ, એ જ શૈલીનું સંગીત અપદ્ય-ગદ્યશૈલીમાં બોલાતા સંવાદો વચ્ચે અભિનયની તીવ્રતા સાથે ભજવાયેલું ‘મદિરા’ નાટક મુક્તકંઠે પ્રશંસા પામ્યું. જાણીતા કલાકાર રાજુ બારોટ અને અદિતિ દવેનો અભિનય ખૂબ વખણાયો. એમાં ભરતભાઈની રાત-દિવસની મહેનત ઝળકી ઊઠી.

ભરતભાઈ જ્યારે નાટકને પસંદ કરે, ત્યારે સમાજ સાથેનો અનુબંધ જોડે. સમાજમાં બનતી વિધવિધ ઘટનાઓને લક્ષમાં લે અને માનવીય સંવેદનાઓનો સળવળાટ ચકાસે એ પછી જ નાટકને હાથમાં લે.

સામાજિક અવસ્થાની અનુકૃતિ રૂપે નાટક ભજવે છતાં ય એમનાં નાટકો શેરીનાટકો ન હતાં. એમને નાટકની ઝાકમઝોળ તો ગમે જ ગમે. સંગીત, સંનિવેશ, આહાર્ય, રૂપસજ્જા અને અભિનયની કાબેલિયત, આ બધું જ અનિવાર્ય ગણાવે. એથી જ એમનાં નાટકો એક પરફેક્ટ પ્રોડક્શન તરીકે પંકાતાં.

ભરત દવેએ એક જ ઢાંચામાં નાટકો નથી કર્યાં. અનેક પ્રયોગો હાથ ધર્યા. નાટકો ભજવવાની એમની રેન્જ ઘણી મોટી હતી. નાટકો ભજવવાનાં એમનાં સ્થળોમાં પણ ઘણું મોટું વૈવિધ્ય હતું. ‘લવ ધાય નેબર’ જેવું નાટક ઉન્નતિ વિદ્યાલયની અગાશીમાં ભજવ્યું. તો ‘લડાઈ’ જેવું નાટક ક્યાંક શૉપિંગ મૉલમાં પ્રેક્ષકોને ચોતરફ બેસાડીને ભજવ્યું. તો વળી ક્યારેક ગુજરાતી સાહિત્ય પરિષદના ઘેઘૂર લીમડા નીચે પણ ‘બરી ધ ડેડ’ જેવું યુદ્ધવિરોધી નાટક પણ ભજવે. આ નાટકની અસરકારકતા દર્શાવવા આર્મી પાસેથી જીપ ભાડે લઈ આવ્યા. આ નાટકમાં કલાકારો પાસે કબરો ખોદાવી. હૂબહૂ દૃશ્યો ઊભાં કરવાની એમની આવડત બેનમૂન હતી. તો, સાહિત્ય પરિષદના પટાંગણમાં પન્નાલાલ પટેલના માંડલી ગામનો આબેહૂબ સેટ ઊભો કરી ‘માનવીની ભવાઈ’ જેવી દીર્ઘ નવલકથા પર આધારિત નાટક બાર દિવસ સુધી ભજવ્યું. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ તેમ જ રઘુવીર ચૌધરી જેવા સાહિત્યકારો પલાંઠી વાળીને બેસીને નાટક જુએ. નિરંજન ભગત તો સુરેશ રાજડા અને ‘ગુજરાત સમાચાર’ના માલિક શ્રેયાંશ શાહને પણ લઈ આવ્યા. ભગતસાહેબ બાળસહજ ઉત્સુકતા સાથે આ નાટક જોઈને ભારે અચરજ પામ્યા હતા. તો વળી ‘હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર’ની ઢોળાવવાળી લૉનમાં સર્વેશ્વર દયાલનું ભ્રષ્ટાચારવિરોધી ‘લડાઈ’ નાટક કરાવે, તો ક્યારેક હાસ્યરસથી ભરપૂર સંગીતમઢ્યું ‘ગિલોટીનનો ગોટો’ જેવાં નાટકો ભજવે. આ નાટક લિયો ટૉલ્સ્ટૉયની વાર્તા ‘ટુ ડીઅર’ પર આધારિત હતું, જેનું નાટ્યરૂપાંતર ખુદ ભરતભાઈએ કર્યું હતું. ગંડુરાજા જેવા આજના રાજકારણીઓના વર્તન પર આધારિત આ નાટક હિન્દીમાં પણ અનુવાદિત થયું અને દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાની રેપરટરીમાં પણ ભજવ્યું. અમદાવાદના ખૂબ જાણીતા કલાકાર પી. ખરસાણી પાસે અદ્ભુત કામ લીધું હતું. ખુદ પી. ખરસાણીએ ભરતભાઈની દિગ્દર્શનક્ષમતાનાં મોંફાટ વખાણ કર્યાં હતાં અને પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ રોલ ભજવ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પુરસ્કૃત ‘માનવીની ભવાઈ’ નવલકથાનું નાટ્યરૂપાંતર રઘુવીર ચૌધરી પાસે કરાવ્યું અને ભજવતા પહેલાં કલાકારોની આખી ટીમને લઈને માંડલી ગામનો પ્રવાસ પણ કરાવ્યો. નવલકથામાં આવતા પ્રસંગો સાથે જોડાયેલાં સ્થળોનું નિદર્શન કર્યું, ગ્રામ પરિવેશ નિહાળ્યો અને સેટિંગ્ઝમાં જરૂરી હતી તેવી જૂનીપુરાણી ચીજવસ્તુઓ તથા ગાડાનાં તૂટેલાં પૈડાં સાથે લઈ આવ્યાં. ગોવર્ધન પંચાલ જેવાં વયોવૃદ્ધ સેટ ડિઝાઇનર પાસે આબેહૂબ માંડલી ગામનો સેટ સાહિત્ય પરિષદના પટાંગણમાં ઊભો કરાવ્યો. આટલું ઓછું હોય તેમ પાત્રોના સંવાદની સચોટતા ઊભી કરવા માટે રઘુવીરભાઈનાં પત્ની પારુબહેનને બોલાવી રાજુ બારોટ અને દીપ્તિ જોશીને એ તળપદી ભાષા અને બોલીનો લહેકો શીખવ્યો. ૧૨ નવેમ્બરથી ૧૮ નવેમ્બર ૧૯૮૭ દરમિયાન કલાપ્રેમી પ્રત્યેક પ્રેક્ષક સાહિત્ય પરિષદને આંગણે ભજવાતા આ નાટકને જોઈને અચંબો પામતા. કવિવર ઉમાશંકર જોશી તો આ નાટક નિહાળી એટલા પ્રભાવિત થયા હતા કે ઝભ્ભાનાં બંને ખિસ્સાંમાં જેટલા રૂપિયા હતા, તે બધા જ ખર્ચ પેટે ભરતભાઈના હાથમાં મૂકી દીધા. આ ઘટના મેં નજરે નિહાળી હતી.

એક આખી નવલકથાનો નિચોડ માત્ર બે જ કલાકમાં અસરકારક રીતે રજૂ કરવો ખૂબ કઠિન કામ હતું. નવલકથામાં આવતું ખલનાયિકા માલી ડોશીનું પાત્ર જાણીતાં કલાકાર અન્નપૂર્ણા શુક્લ પાસે એવું તો આબેહૂબ કરાવ્યું કે અન્નાબહેનને લોકો કરડાકી નજરે જોતાં. મુખ્ય પાત્રો રાજુ અને કાળુના પાત્રમાં દીપ્તિ જોશી અને રાજુ બારોટને ગ્રામપરિવેશમાં ભરતભાઈએ આબેહૂબ તૈયાર કર્યાં હતા. નવલકથાનાં અન્ય પાત્રોનું આલેખન પ્રત્યેક દૃશ્યની માવજત અને નવલકથાનું મુખ્ય હાર્દ લાઇટિંગ અને ગીતસભર સંગીતની માવજત સાથે જે રીતે રજૂ થયું એ જોઈને કેટલાક ગરવા ગુજરાતીઓેએ નવલકથાની પ્રત બજારમાંથી ખરીદી લીધી હતી. કેટલાક મિત્રો તો નવલકથા વાંચીને નાટક જોવા આવતા. લેખક પ્રત્યેની નિષ્ઠા અને સમાજ સાથેની નિસબત સાથે છપ્પનિયા કાળનો દુષ્કાળ ઉપસાવવાની ભરતભાઈની કાબેલિયત એમના નાટ્યદિગ્દર્શનનો નિચોડ હતો.

ભરત દવેએ વિદેશી નાટ્યકારોનાં અનેક નાટકો ગુજરાતીમાં ભજવ્યાં છે. એની ચર્ચા ક્યારેક કરીશું. નાટકની પસંદગી વેળાએ લેખકના આંતરમનમાં જે દ્વન્દ્વ ચાલતું એને પકડતા અને કૃતિમાં રહેલી માનવીય સંવેદનાઓને નાટકની તપોભૂમિ પર તપાવતા. આ સાથે કલાકારની આંતરચેતનાને એની સાથે જોડી આપતા. આ કપરું કામ મુખ્ય પાત્રો પાસે કરાવતા. કલાકારનું પાત્ર સાથે સો ટકા ઇન્વૉલમેન્ટ ઊભું થાય એ માટે તેઓ મથ્યા રહેતા. એનું પરિણામ એ આવતું કે કલાકારનું આંતરતેજ પ્રગટી ઊઠતું અને અભિનય દીપી ઊઠતો.

ભરતભાઈ નાટકના આંતરિક પ્રવાહને પ્રગટાવતા. પાત્રોનાં મનોમંથન સંયમિત રીતે બહાર કઢાવતા અને સંવાદની સચોટતા સાથે લેખકની આભાને મંચ ઉપર પ્રગટાવતા.

ભરત દવે અતિસંવેદનશીલ દિગ્દર્શક હતા. બીજા વિશ્વયુદ્ધપૂર્વે જર્મન સરમુખત્યાર હિટલરે યહૂદી પ્રજા ઉપર જે કાળો કેર વર્તાવ્યો હતો અને ગેસ ચેમ્બર્સમાં લાખો યહૂદીઓને હોમી દીધા હતા, એ ઘટનાથી તેઓ ખૂબ દુઃખી થયા હતા. દર્શકે આ ઘટનાઓને લઈને તથા હિટલરના જીવન પર આધારિત ત્રણ ઉત્તમ નાટકો લખ્યાં હતાંઃ ‘સોદો’, ‘હેલન’ અને ‘અંતિમ અધ્યાય’. ભરતભાઈએ ત્રણે નાટકો તૈયાર કરાવવામાં ભારે જહેમત ઉઠાવી. હિટલરને સ્ટેજ ઉપર જીવંત કરવા અરવિંદ વૈદ્ય જેવા દિગ્ગજ કલાકારને પસંદ કર્યા. હિટલરની પ્રતિભા ઉપસાવવા માટે ત્રણ દિવસ સુધી મેકપનાં રિહર્સલ થયાં હતાં. અંતે અરવિંદ વૈદ્યના મેકપ સહિતના ચહેરાના ફોટોગ્રાફ્સ પડાવ્યા અને એને હિટલરની જુદી-જુદી મુખમુદ્રાઓવાળી તસવીરો સાથે સરખાવી. આમ મેકપમાં પણ ભરત દવે ખૂબ ચીકાશ કરે … ‘પરફેક્શન’ના એ અતિ આગ્રહી. હિટલરના સમયનાં વસ્ત્રો શોધવા અમદાવાદમાં છેક ત્રણ દરવાજાથી પાંચકૂવા સુધીની અનેક જૂનાં વસ્ત્રોની દુકાનો અમે સાથે ખૂંદી વળ્યા હતા.

દર્શકનાં આ ત્રણે નાટકોમાં એક તરફ ક્રૂરતા અને બીજી તરફ માનવસહજ સંવેદનાઓની મથામણને દર્શાવવા એ કલાકારોની પાછળ મથ્યા રહેતા. અગત્યનાં પાત્રોવાળા કલાકારોને અલગ બોલાવી એક જ પાત્ર સાથે કલાકો સુધી રિહર્સલ કરાવે. હિટલરનાં અમાનવીય કરતૂતો, બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓ અને યુદ્ધ દરમિયાન થતા સોદાઓને દર્શાવતાં દૃશ્યોની એ ભારે માવજત લેતા. હિટલરનાં પરાક્રમો અને એના વ્યક્તિત્વ પર જે-જે પુસ્તકો લખાયાં હતાં એ બધાં જ એમણે ફંફોસી નાંખ્યાં હતાં. બીજા વિશ્વયુદ્ધના કેટલા બધા ફોટોગ્રાફ્સ એમણે એકઠા કર્યા હતા! સંબંધિત ફિલ્મો એ પોતે તો જુએ જ અને સૌ કલાકારોને પણ દર્શાવે. આ નાટકોની ભજવણીમાં અતિશયોક્તિ પણ નહીં અને સત્યથી કશું ઓછું પણ નહીં. જૂના ફોટોગ્રાફસ આધારિત સેટ ડિઝાઇન કરે. વેશભૂષા પણ એ જ સમયની. એટલું જ નહીં. પરંતુ પ્રો. યોગેન ભટ્ટ પાસે બીજા વિશ્વયુદ્ધના સમયમાં ઉપયોગમાં લેવાતાં વાજિંત્રો આધારિત સંગીત તૈયાર કરાવ્યું હતું.

દર્શકની ઉપસ્થિતિમાં આ નાટકો સણોસરામાં ભજવ્યાં. મનુભાઈએ પૂરો સંતોષ વ્યક્ત કર્યો, એ પછી ઠેર ઠેર એના શો કર્યા. નાટક પ્રત્યેનો લગાવ, લેખક પ્રત્યેની વફાદારી, કલાની રજૂઆતનું નાવીન્ય અને પ્રેક્ષકોમાં રસરુચિ કેળવવાની આવી આંતરસૂઝ ભરત દવેમાં અખૂટ હતી. આ નાટકો થકી પ્રેક્ષકોને તત્કાલીન કાલપ્રવાહમાં રસતરબોળ કરવા અને એમની રસરુચિને એક ઊંચા સ્તર સુધી લઈ જઈ શિક્ષિત કરવાનો ઉદ્દેશ રહેલો હતો.

દરેક નાટકની ભજવણી પહેલાં ભરતભાઈ પ્રસૂતિ જેટલી જ પીડા અનુભવતા. એક દિગ્દર્શક તરીકે એમને સંતોષ ન થાય ત્યાં સુધી નાટક મંચસ્થ ન થતું.

નાટક પ્રત્યેનો આ કર્મઠ ભાવ અને દિગ્દર્શક તરીકેની કોઠાસૂઝ શોધવા હવે ક્યાં જઈશું? ભરતભાઈ નખશિખ એક કલાકાર હતા. તેમનું દિગ્દર્શન અને લેખન જોતાં કહી શકાય કે તેઓ મુંબઈગરા ગુજરાતી નાટકોથી અલગ ચીલો ચાતરી અવેતન રંગભૂમિના કર્ણધાર રંગકર્મી હતા.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 08-09

Loading

દેખ મેરે ભારતકી હાલત … ક્યા હો ગઈ ભગવાન … કિતના બદલ ગયા ઇન્સાન …

આશા બૂચ|Opinion - Opinion|1 June 2021

સિંધુ ખીણની સભ્યતા અને હિન્દુ ધર્મનો પ્રાદુર્ભાવ હજારો વર્ષ પુરાણાં. બીજી સભ્યતાઓ ઉદ્ભવી, વિકસી અને લુપ્ત થઇ, પણ ભારતીય સભ્યતા રેતીમાં પણ પગલાં મૂકતી આવી અને હજુ કોઈને કોઈ સ્વરૂપમાં ટકી રહી છે. કારણ? તેનું સર્વસમાવેશીપણું. તેની બદલાતાં વહેણ સાથે વહેવાની ક્ષમતા. જંબુદ્વિપ તરીકે ઓળખાતા ટાપુ અને ત્યાર બાદ હિન્દુસ્તાનની ઓળખ પામનાર વિશાળ ભૂ ખંડમાં સમય સમયે પૃથ્વીના ચારે ખૂણેથી અનેક જાતિઓ આવીને વસી, જે પોતાની ભાષા, પોશાક, ખોરાક અને પોતપોતાની અલગ અલગ ધાર્મિક ભાવનાઓ લઈને આવ્યા. આર્ય જાતિથી માંડીને સદીઓ પર્યંત આવેલ વિદેશીઓ શરૂમાં રાજ્ય વિસ્તાર કરવાના હેતુસર લડાઈ કરતા, પરંતુ પરાભવ પામીને સ્વદેશ પરત થતા હોય તો પણ મૂળ વતનીઓ પાસેથી તેમનું જ્ઞાન, વ્યાપારી કુશળતા અને અન્ય અનેક સાંસ્કૃતિક ખૂબીઓ શીખીને જતા. વિજયી બનતી પ્રજા અને તેના રાજાઓ આક્રમણનો તબક્કો પૂરો થતાં આ ધરતીના અમી ધરાઈને પી લઈને તેના જ સંતાનો બની જતાં. બે સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને ધર્મોના મિલનથી એક અનોખી એવી સદા પરિવર્તનશીલ હિન્દુ સંસ્કૃતિ નિર્માણ થતી આવી છે. આ છે આપણો સમન્વયકારી વારસો. એટલે ભારતની સભ્યતા દીર્ઘાયુ બની. પરંતુ છેલ્લા ત્રણેક દાયકાઓથી જાણે ભારતની શિકલ ધીરે ધીરે પણ ચોક્કસ પણે માનવતાથી અવળી દિશામાં ગતિ કરી રહી છે.

આમ તો છેલ્લા કેટલાક દાયકાઓથી લગભગ વિશ્વ આખામાં દેશની સીમા અંગે, ધર્મ અને પંથના વાડાઓ વચ્ચેના ભેદને કારણે, દેશભક્તિ અને રાષ્ટ્રવાદના ઓઠા હેઠળ, વર્ણ, જાતિ (race), જ્ઞાતિ અને વર્ગ વચ્ચેના ભેદભાવના પરિણામે બે દેશો વચ્ચે અને એક દેશમાં અંદરોઅંદર સતત અશાંતિ પ્રસરી રહી છે. જાણે ધરતીની ધરી જમણેરી વિચારધારા તરફ ઝૂકી ગઈ છે.

લાગે છે, માનવ જાત દેશ, ધર્મ-પંથ, દેશભક્તિ-રાષ્ટ્રપ્રેમ, વર્ણ, જાતિ, જ્ઞાતિ અને વર્ગની વ્યાખ્યા સમજી નથી અથવા તેનો અનર્થ કરી બેઠી છે અને તેનું આ પરિણામ છે. ભલે આવા કલહો વિશ્વવ્યાપી હોય, અહીં ભારતની દશા (કે અવદશા?) વિષે ઉલ્લેખ કરવા ધારું છું. સ્વતંત્રતા સમયે ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે ઉચ્ચ મસ્તકે ઊભો થયેલ દેશ આજે ઓળખાય તેવો નથી રહ્યો. જે ‘દુશ્મન દેશ’ અને ‘વિધર્મીઓ’ની પેટ ભરીને ટીકા કરીએ છીએ અને તેમના અસ્તિત્વને મિટાવવા ભરચક પ્રયાસ કરીએ છીએ તેમના જેવા જ આપણે બનતા જઈએ છીએ એ જોઈને જીવને ઉચાટ થાય.

ધર્મને આધારે અખંડ ભારતનું વિભાજન થયું. પાકિસ્તાન ઇસ્લામિક દેશ જાહેર થયો, પણ ભારતે સર્વ ધર્મ અને પંથના લોકોને સમાન નાગરિક અધિકારો આપીને દેશને ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે જાહેર કરીને દુનિયામાં માનભર્યું સ્થાન મેળવેલું. આજે આપણે હવે ભારતને એક ‘હિન્દુ રાષ્ટ્ર’ બનાવવા મથી રહ્યા છીએ! મધ્ય-પૂર્વ અને એશિયાના કેટલાક દેશોની ઓળખ તેમના ધર્મ પર આધારિત છે અને કટ્ટર પંથી વિચારધારાથી રાજ્ય વહીવટ ચલાવે છે તેવી હાલત ભારતની થવાની. એ દેશોમાં મહિલાઓ, લઘુમતી કોમના સભ્યો અને ધર્મના ચુસ્ત નિયમો વિરુદ્ધ મત દર્શાવનારાઓના માનવ અધિકારો છીનવાઈ જાય છે, તેવી ટીકા કરનાર ભારતમાં આજે તમામ પ્રકારના લઘુમતી સમૂહોના જાહેર અને અંગત જીવન પર તરાપ મરાઈ છે. હિન્દુ ધર્મના સંકુચિત આચારો ન પાળનારાઓ પર હિંસા આચરવામાં આવે છે.

આજકાલ ‘દેશભક્તિ’, ‘રાષ્ટ્રપ્રેમ’ અને ‘રાષ્ટ્રીયતા’ના નામે દમન કરવાનો શિરસ્તો ચાલુ થયો છે. દેશ પ્રત્યેની વફાદારી દર્શાવવા ‘વંદે માતરમ્‌’ બોલવું ફરજિયાત, નહીં તો ‘દેશભક્તો’નું ટોળું ‘દેશદ્રોહી’નો જાન લઇ લે. એવી સત્તા એ ટોળાંને કોણે આપી હશે? ભગવાન જાણે. એક વખત જવાહરલાલજીની મુલાકાત દરમ્યાન જનતા ‘ભારત માતા કી જય!’-ના પોકારો  કરી રહી હતી. નહેરુજીએ એમની પાસે જઈને પૂછ્યું, “તમે કોને ભારત માતા કહો છો? એ કોઈ એક મૂર્તિ છે? કોની માતા છે? આ ધરતીના તમામ નાગરિકો તેના સંતાન સમાં છે, માટે એ ભૂમિને તમે નમન કરો.” જો આ વાત આપણે સમજ્યા હોત તો આજે ભારત માતાની છબીને નમન ન કરનારના સ્વમાનને ધક્કો ન પહોંચાડતા હોત. એક વફાદાર નાગરિક તરીકે દેશના લોકો અને તેની સીમાઓની રક્ષા કરવા તત્પર રહે અને જરૂર પડ્યે દુશ્મનોને દૂર કરે તે વ્યક્તિ દેશભક્ત ગણાય તે વિસરી ગયા. આવી સ્થિતિ બે એક દાયકા પહેલાં હતી શું?

ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના પ્રારંભથી લોકશાહીનાં પગરણ થયાં અને ત્યારથી Nation States એટલે કે રાષ્ટ્રીય અસ્મિતા ધરાવતા દેશો અસ્તિત્વમાં આવ્યા. તેને પગલે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ જન્મ્યા. તેનું એક જમા પાસું એ છે કે રાષ્ટ્રપ્રેમ ઉજાગર થવાને પરિણામે ગુલામ થયેલા દેશોને સ્વતંત્ર થવાની પ્રેરણા મળી. પરંતુ હાલમાં રાષ્ટ્રવાદ સંકુચિત થતો જાય છે. મારા દેશ પ્રત્યે ગૌરવ હોય અને તેના હિતની રક્ષા કરવાનું વલણ ઉત્તમ, પણ સમીકરણની સામી બાજુએ બીજા દેશ પ્રત્યે દ્વેષ ભાવ સેવવો અને રાજકીય કાવાદાવા કરી તેના પતનમાં ભાગીદાર થવું એવો અર્થ વર્તમાન સમયના રાષ્ટ્રવાદનો થઇ રહ્યો છે. તેમાં ય પાડોશી દેશો સાથે દુશ્મનાવટ હોવી એ તો જાણે આપણી વીરતાનું લક્ષણ થઇ ગયું છે.

1990ના દાયકાની શરૂઆતથી સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે બનતી ઘટનાઓ જોતાં સવાલ થાય; ભારતીય પ્રજાનું માનસ આટલું બધું વિપરીત દિશામાં કેવી રીતે વળી ગયું? ઉદાહરણ તરીકે જોઈએ, આ ‘મોગલ સામ્રાજ્યની નિશાનીઓ હટાવવાની ઝુંબેશ’. વાડે ચીભડાં ગળવાનું શરૂ કર્યું. બંધારણીય રાહે મળેલા મૂળભૂત અધિકારોનું ગળું રૂંધ્યું, કાશ્મીરની 370મી કલમ હટાવી, મુસ્લિમ પ્રજાને પોતાની જ ધરતી પર પરાયા બનાવ્યા. સિટિઝનશીપ કાયદો પસાર કરીને ભારતની બહુસંખ્યક બહુમતીને હાંસિયામાં ધકેલી. હવે જો સરકાર ખુલ્લે આમ અન્યાયી પગલાં ભરે, તો નાના મોટા સંગઠનો કેમ પાછળ રહે? મુસ્લિમોને તેમના રહેઠાણ વિસ્તારમાં એટલો ત્રાસ આપવો કે તેઓ નાસી જઈને પોતાનો જુદો વિસ્તાર ઊભો કરે એવી નીતિ અપનાવી, કેમ કે તેમનો મઝહબ જ તેમને શંકાસ્પદ બનાવે છે. આમ થવાથી તેમનો એક વાડો રચાય જેના પર જુલ્મ કરવાનું અને તેની સામૂહિક હિંસા કરવાનું સરળ બને. આ યુક્તિ નાઝી સરકાર, ચીનની સરકાર અને સર્બિયન સરકાર પાસેથી શીખ્યા જેઓએ લાખોની સંખ્યામાં યહૂદીઓ અને મુસ્લિમોને મોતને ઘાટ ઉતાર્યા. અને હજુ આજે પણ એની જ પેરવીમાં છે.

ધર્મના ઓઠા નીચે થતી હિંસા જોઈને વિચાર આવે, ધર્મોની 21મી સદીમાં જરૂર છે ખરી? કયા ધર્મના અનુયાયીઓ પોતાના ધર્મને સાચા અર્થમાં સમજે અને અનુસરે છે? એક જ ખ્રિસ્તી ધર્મના ફાંટા રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ ધર્મના અનુયાયીઓ આયર્લેન્ડમાં લડે, ઇસ્લામિક દેશોમાં શિયા અને સુન્ની સામસામા ગળા કાપે. લાખોની હત્યા ધર્મને નામે થાય. ધર્મ આખર કોનો, જીવાડે તેનો કે મારે તેનો? આથી જ તો હવે ધર્મને બદલે અધ્યાત્મ અને માનવ સભ્યતાની વિભાવનાનો પ્રસાર કરવો લાભદાયી થશે.

બાયો મેડિકલ એન્જીનિયર અને માનવ અધિકાર માટેના જબરા કર્મશીલ રામ પુન્યાની નોંધે છે તેમ ઇતિહાસનાં પાનાં ઉથલાવતાં જોવા મળશે કે હિંદુ રાજાઓના શાસન દરમ્યાન મુસ્લિમ કોમ અને મુસિલ શહેનશાહોના રાજ્ય દરમ્યાન હિન્દુ પ્રજા અમન ચેનથી રહેતી અને વિકાસ પામતી. જ્યારે ત્રીજી બાહરી સત્તાના નિહિત સ્વાર્થથી તેમનામાં ફુટ પડી, રાજકારણે વાંદરાનો ન્યાય તોળવા માંડ્યો ત્યારથી એ ગંગા- જમની તહઝીબમાં પાણીમાં પણ તિરાડ પડી. સદીઓથી ભારતની સીમામાં વસતા મુસ્લિમો ગો માંસ ખાતા આવ્યા છે, તેમનું કાસળ કાઢવા હિંદુઓ આટલી મોટી સંખ્યામાં ઊમટેલા? આ જેવા સાથે તેવા થવાનું પાગલપન તો જુઓ! અફઘાનિસ્તાનમાં બામિયાન પર્વતની ગુફાઓમાં ભગવાન તથાગતની મહાકાય પ્રતિમાઓ તોડી પાડીને ઇતિહાસ અને શિલ્પ સ્થાપત્યના બેનમૂન વારસાનો નાશ કરવામાં આવ્યો. વર્ષો પહેલાં બાબરે અયોધ્યાના મંદિરનો ધ્વંસ કર્યો, તો આજે મસ્જિદ તોડીને આપણે કાં એના જેવા અધર્મી થઈએ?

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીને હિન્દુ સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળ અને વારસાને પુનર્જીવિત કરવાની પ્રેરણા થઇ છે. જો એમને સનાતન ધર્મના યુગની ભારતીય સંસ્કૃતિ વિષે જ્ઞાન હોત તો અન્ય પ્રજાને આલિંગન આપીને પોતાનામાં સમાવી લેવાની ઉદારતા દાખવવાની તાલીમ મળી હોત; અને તો આપણા તમામ શહેરો, રેલવે સ્ટેશનો અને જોવાલાયક સ્થળોનાં નામ અને તેની પાછળ જોડાયેલ ઇતિહાસને ગૌરવ પૂર્વક સાચવીને દુનિયા સામે ધરતા હોત. એક સમય એવો હતો જ્યારે ભારતે પંચશીલનો સિદ્ધાંત કોમન્વેલ્થના દેશો અને બિનલોકશાહી શાસન ધરાવતા દેશો સમક્ષ ધરીને હિન્દુસ્તાનની ગરિમા વધારી હતી. ત્યારે આપણે દુનિયાને છાતી ઠોકીને કહી શકતા હતા કે અમારા દેશમાં દર છ નાગરિકમાં એક મુસ્લિમ બંદો રહે છે, જે સહુથી મોટી લઘુમતી કોમ છે, તે ઉપરાંત, ખ્રિસ્તી, પારસી, જૈન, યહૂદી એમ દરેક ધર્મના લોક અહીં વસે છે. જે ભારતમાં નથી તે દુનિયામાં ન જોવા મળે તેવો સપ્તરંગી અમારો દેશ, અને એ દેશનું ગૌરવ લઇ શકાય તેમ છે. આજે હવે કપાળ ફૂટીને કહેવા વારો આવ્યો છે કે અમારી કેન્દ્રીય અને રાજ્ય સરકારો ધર્મ, પંથ, જાતિ અને જ્ઞાતિ આધારે પ્રજાનું વિભાજન કરીને દુનિયામાં નાલેશી કરે છે. ભારતમાં ગુંજતા ‘સાલે મુસલમાનો કો મારો’ના સૂત્રો દુનિયાના ઘણા દેશોમાં સંભળાય છે. ન્યાયી કાયદાઓની માંગણી કરતા શીખ કિસાનોને ખાલીસ્તાની અને આતંકવાદી ઠરાવીને સત્તાધારીઓ પોતાનો ડર છતો કરે છે, એ હકીકત સહુ જાણે છે.  

આજે ‘મોગલ સામ્રાજ્યની નિશાની હટાઓ’ની ઝુંબેશને વેગ મળે છે. ઇતિહાસને મારી મચડીને ફરી વખત લખવો એ કોઈ પણ દેશના ભૂતકાળને ભૂંસી નાખવાનો પદ્ધતિસરનો પ્રયાસ છે એ નથી જાણતા શું? હકીકતને છુપાવવી એ પોતાના દુષ્કર્મોને ઢાંકવા બરાબર છે એ કોણ નથી જાણતું? બ્રિટિશ સામ્રાજ્યને એ કામ કરવાની ફરજ પડી કેમ કે તેમને પારકી ધરતી પર, પારકા લોકો પર રાજ્ય ટકાવવું હતું. આ તો હવે ‘આપણા લોકોનું રાજ્ય છે’. ભાવિ ઇતિહાસ નોંધશે કે બી.જે.પી. સરકારે ભારતીય પ્રજાની અસ્મિતાને કાલી લગાવી. 1992-1995 દરમ્યાન સ્રેબ્રેનીત્સામાં થયેલ સામૂહિક હત્યાનો સર્બિયન પ્રજા ઇન્કાર કરે છે એટલું જ નહીં માનવ અધિકારની કોર્ટે જેને સજા કરી છે તેવા રેડોવાન કારાદિચ અને સ્લોબોદાન મિલોસોવીચને પોતાના હીરો ગણી તેની પૂજા કરે છે. એવી જ રીતે ભારતમાં નથુરામ ગોડસેના પૂતળાં મુકાય, તેને હારતોરા થાય એ લોકોની ઘાતકી મનોવૃત્તિનું પ્રદર્શન કરે છે. રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ નામ બદલી, પેટ્રોગ્રાડ નામ આપ્યું, લેનિનની સ્મૃતિમાં લેનિનગ્રાડ બન્યું (કે જે લગભગ 2,00,000 નિર્ધોષ પ્રજાની હત્યાનું નિમિત્ત બનેલ), આપણે અમદાવાદના મોટેરા સ્ટેડિયમને હવે મોદી સ્ટેડિયમ તરીકે ઓળખવાની ફરજ પડી છે.

કેટલાક આતંકીઓ ઇસ્લામને નામે હિંસા કરે ત્યારે ‘ઇસ્લામ ખતરેમેં હૈ’ એવો બચાવ કરે છે, હવે હિન્દુત્વનો ઝંડો ફરકાવનારાઓ ‘હિન્દુ ધર્મ ખતરેમેં હૈ’ના નારા લગાવે છે. કોનો ભય સતાવે છે? વિધર્મીઓનો? ખરા હિન્દુ ધર્મને પહેચાનનારાઓને આ કહેવાતા હિન્દુત્વવાદીઓથી પોતાનો માનવતા આધારિત ધર્મ જોખમમાં હોય તેવું લાગે છે. આપણી પ્રાંતીય ભાષાઓ અને સાહિત્યમાંથી ઉર્દૂ શબ્દો, કેટલાક પાત્રો હઠાવવા પ્રયત્ન થાય છે. શા માટે? ઇંગ્લિશ શબ્દો કાઢી શકશો? ગુજરાતીમાં તો ફારસી ભાષાના શબ્દો કાઢી નાખો તો ગુર્જરી ગિરા ઊભી ન રહી શકે, તેમ કરવાને બદલે તેને વધુ શણગારીને સમૃદ્ધ કાં ન બનાવીએ?

એવો પ્રચાર ચાલે છે કે મોગલ શાસન સંસ્થાનવાદી હતું. એ સંસ્થાનવાદ વિષે ખોટી સમજ આપે છે માટે માત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ અસત્ય છે એટલું જ નહીં, પરંતુ આ પ્રચાર પોતાના જ દેશની પ્રજાને વિભાજીત કરવા થઇ રહ્યો છે. રામ પુનિયાની અને ઈરફાન અહમદ કહે છે તેમ બ્રિટિશ રાજ્યકર્તાઓ ભારતની ધન સંપત્તિ ઘસડીને પોતાના દેશમાં લઇ ગયા, ભારતમાં રહ્યા નહોતા, જ્યારે મોગલો ભારતમાં આવ્યા, ત્યાંના વતની થઈને તેની સંસ્કૃતિનો હિસ્સો થઈને રહ્યા એટલું જ નહીં, ભારતના અર્થકારણ, ભાષા, શિલ્પ-સ્થાપત્ય અને કલા એમ તમામ ક્ષેત્રે અદ્વિતીય પ્રદાન કર્યું. મુસ્લિમ પ્રજા મૂળ ભારતની છે, બહારથી આવેલી નથી એ જાણ્યા બાદ હવે તો તેમની સાથે સમતાભર્યો વ્યવહાર કરવો જ ઉચિત છે. મુસ્લિમ કોમ પર અવિશ્વાસ મુકાઈ રહ્યો છે, તેમને મૂળ આવાસો અને ગામમાંથી ખસેડીને અન્ય સ્થળે ધકેલવામાં આવી રહ્યા છે, રોજ ‘તમારા વતનમાં જતા રહો’ કહીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે, છતાં એ લોકો શા માટે વિદ્રોહ નથી કરતા? શું 2002માં થયેલ રમખાણો સમયે હિન્દુ લોકોએ કેટલાકની હત્યા કરીને તેમને ‘પાઠ ભણાવ્યો’ છે માટે? જો ભારતીય મુસ્લિમો ધારે તો પાડોશી દેશ તેમ જ બીજા આતંકી સંગઠનોની મદદ લઈને આખા દેશમાં હિંસાની હોળી સળગાવી શકે. કદાચ એ લોકો આપણને સહિષ્ણુતા અને અહિંસાનો પાઠ ભણાવે છે જેને આપણે ત્રણ ગોળીઓ મારીને શાંત કરવા પ્રયાસ કરેલો.

ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને ધર્મ હજારો વર્ષ સુધી ટક્યા, વિકસ્યા અને દુનિયામાં માનભર્યું સ્થાન મેળવ્યું કેમ કે એ સર્વસમાવેશી છે. શું આપણે એક ઉદાર ધર્મ તરીકે ખુદક્શી કરવા માંગીએ છીએ? અન્ય સાંકડા વિચારો ધરાવતા ધર્મ જેવા થવા માંગીએ છીએ? ભારતનો ઇન્સાન આટલો સંકુચિત વિચારવાળો કેમ બનતો જાય છે? આપણા અદ્વૈતના સિદ્ધાંતો કયા સમુદ્રમાં ડૂબ્યા? વસુધૈવ કુટુંબક્મ્‌ની ભાવના કોને વેંચી મારી? વિશ્વ એક નીડમ્‌નો ઘોષ કેમ શાંત થયો?

હાલના ભારતની હાલત બદલાયેલા ઈન્સાનથી થઇ છે, તેને જો ભગવાન મદદ ન કરી શકે તો હવે ગોડ કે અલ્લાહ પાસે ધા નાખીએ.

e.mai :  71abuch@gmail.com

Loading

...102030...1,8681,8691,8701,871...1,8801,8901,900...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved