Opinion Magazine
Number of visits: 9572511
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહીનું કાસળ કાઢવાની રમત ?!

રમેશ ઓઝા|Opinion - Opinion|13 June 2021

ઉત્તર પ્રદેશમાં એ જ રમત શરૂ થઈ છે જે વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજાં રાજ્યોમાં રમવામાં આવી હતી. વિરોધ પક્ષોના નેતાઓને અને વિધાનસભ્યોને તોડવાના. કાં ખરીદીને અને કાં ડરાવીને. ગયા માર્ચ મહિનામાં આ જ રીત પશ્ચિમ બંગાળમાં અને પોંડીચેરીમાં નેતાઓને અને વિધાનસભ્યોને તોડવામાં આવ્યા હતા. પોંડીચેરીની સરકારને ચૂંટણી પહેલા તોડી નાખવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની સરકારને તોડવી મુશ્કેલ હતી, પરંતુ માહોલ એવો પેદા કરવામાં આવ્યો હતો કે બસ, ચૂંટણી યોજાય એટલી વાર છે, પશ્ચિમ બંગાળ ભા.જ.પ.ની ઝોળીમાં આવી પડવાનું છે.

ઉદ્દેશ છે આ કોલમમાં કેટલીકવાર કહ્યું છે એમ વિરોધ પક્ષોની પોલિટિકલ સ્પેસ આંચકી લેવાની. ધોરણસરનું શાસન કરીને નહીં અને ધોરણસરનું રાજકારણ કરીને પણ નહીં; પરંતુ અનૈતિક તાકાતનો ઉપયોગ કરીને. જે લોકો નરેન્દ્ર મોદીની સરકારનો વિરોધ કરે છે, પ્રશ્નો કરે છે, વિકલ્પનો વિચાર કરે છે તેની પાસે કોઈ વિકલ્પ જ ન બચવો જોઈએ. પૈસાનો તો કોઈ તોટો નથી. ચૂંટણીપંચે હમણાં બે દિવસ પહેલાં બહાર પાડેલા આંકડા મુજબ ૨૦૧૯-૨૦૨૦ના નાણાંકીય વરસમાં બી.જે.પી.ને ૭૮૫ કરોડનું ચૂંટણીભંડોળ મળ્યું હતું. કૉન્ગ્રેસને બી.જે.પી.થી પાંચમાં ભાગનું ૧૩૯ કરોડ રૂપિયાનું ચૂંટણીભંડોળ મળ્યું હતું. બાકીના રાજકીય પક્ષો એક કરોડથી લઈને ૨૦ કરોડ રૂપિયાની વચ્ચે છે.

રમત એવી છે કે જો વિરોધ પક્ષો ખતમ થઈ જાય તો બી.જે.પી.નો વિરોધ કરનારા નાગરિકો પાસે કોઈ રાજકીય વિકલ્પ ન બચે અને પરાજીત પક્ષોને કોઈ પૈસા ન આપે. પશ્ચિમ બંગાળમાં કોર્પોરેટ કંપનીઓ ત્યાં સુધી રાજકીય પક્ષોને પૈસા આપે જ્યાં સુધી તે જે તે રાજ્યમાં શાસન કરતો હોય. જ્યારે કોઈ રાજકીય પક્ષ પાસે સત્તા જ ન હોય તો એ મૂડીપતિઓને શું મદદ કરી શકવાનો હતો અને કોઈ પૈસા આપે શું કામ? પૈસાના અભાવમાં કાર્યકર્તાઓને ટકાવી રાખવા મુશ્કેલ પડે અને ધીરેધીરે પક્ષ સંકેલાઈ જાય. એક દિવસ એવું બને કે દેશમાં એક જ રાજકીય પક્ષ બચે. છેવટે લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહીનું કાસળ કાઢી નાખવાનું. દેશમાં અત્યારે આ બની રહ્યું છે. આની વચ્ચે કાળાં વાદળને રૂપેરી કોર જેવી ઘટના એ છે કે પશ્ચિમ બંગાળમાં બી.જે.પી.નું નાક કાપનાર તૃણમૂલ કૉન્ગ્રેસને માત્ર આઠ કરોડનું ભંડોળ મળ્યું હતું અને છતાં વિજય મેળવ્યો હતો. જો તાકાત હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો ટાંચા સાધને પણ ચૂંટણી જીતી શકાય છે એનું ઉદાહરણ મમતા બેનર્જીએ બતાવી આપ્યું છે. ભારતના રાજકીય પક્ષોમાં મમતામિજાજની જરૂર છે.

હમણાં કહ્યું એમ પૈસા તો અઢળક છે અને ઉપરથી હાથમાં સત્તા પણ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં મુશ્કેલી એ છે કે ત્યાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું સાગમટે નાક કપાયું છે. વળી ચૂંટણી નજીક આવી રહી છે. ધોરણસરનું શાસન તો કર્યું જ નથી અને એની કોઈ આવડત કે ઈરાદો પણ નથી. ઊલટું શાસનના અભાવનો લોકોને અનુભવ થયો છે. જેમ પશ્ચિમ બંગાળમાં પૈસો અને ખરીદી કામ ન આવી એમ ઉત્તર પ્રદેશમાં ન આવે તો? પશ્ચિમ બંગાળમાં તો પક્ષ સત્તામાં નહોતો એટલે નિષ્ફળતાઓ માટે કોઈ તેને જવાબદાર ઠેરવવાનું નહોતું, પણ ઉત્તર પ્રદેશમાં શું કરવું? આ ઉત્તર પ્રદેશની ભૂમિમાં તો દેશનું આખા જગતમાં નાક કપાયું છે.

courtesy : Satish Acharya

પહેલા તો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બલીનો બકરો બનાવવાનું વિચારવામાં આવ્યું હતું. ઘણા પ્રયાસ કરી જોયા હતા. પક્ષના નેતાઓ દ્વારા તેમની નિંદા કરતાં નિવેદનો કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના નેતાઓને ઉત્તર પ્રદેશમાં મતદાતાઓના મૂડનો ક્યાસ કાઢવા અને યોગીને સમજાવવા લખનૌ મોકલ્યા હતા. એમ કહેવાય છે કે યોગી ટસના મસ નહોતા થયા. વાચકોને કદાચ જાણ હશે કે તેઓ સંઘમાંથી નથી આવતા અને ભૂતકાળમાં ભા.જ.પ.વિરોધી પ્રવૃત્તિ પણ કરી છે. યોગીએ ખુલ્લો બળવો કરવાની ધમકી આપી હતી. દેખીતી રીતે યોગી બળવો કરે એ બી.જે.પી.ને અત્યારની સ્થિતિમાં બિલકુલ ન પોસાય. બધી જ પ્રાકારની તાકાત હોવા છતાં કોરોનાસંકટને હાથ ધરવામાં જે નિષ્ફળતા મળી છે એ જોતા ચૂંટણીપરિણામો વિષે પક્ષ ડરેલો છે.

યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પક્ષના પ્રમુખ જે.પી. નડ્ડાની મુલકાત લીધી હતી. મુલાકાતને અંતે પક્ષના પ્રમુખ નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યું હતું; ‘ઉત્તર પ્રદેશ કે યશસ્વી મુખ્ય મંત્રીજી સે મુલાકાત કી.’ યોગી આદિત્યનાથને યશસ્વી તરીકે ઓળખાવવા પડ્યા છે. આનું શું તાત્પર્ય? જો નાગાઈ કરવામાં કોઈ સવાયો હોય તો તેને પડકારવો મુશ્કેલ બને છે.

આમ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ નામનો બી.જે.પી.નો બોજો કાયમ રહેશે એમ લાગે છે. જો અખિલેશ યાદવ મમતા બેનર્જીની માફક કમર કસી શકશે, થાક્યા વિના લડત આપશે અને જરૂરી રાજકીય સમજૂતી થશે તો દેશનું રાજકારણ નવો વળાંક લઈ શકે એમ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 જૂન 2021

Loading

ચીનઃ હિંદ મહાસાગરમાં પોતાની પકડ નાંગરવા ગણતરીપૂર્વક આગળ વધતો મહત્ત્વાકાંક્ષી દેશ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 June 2021

પોતાના હિત સચવાય તે માટે હિંદ મહાસાગરમાં પોતાના નૌકા દળને ગોઠવવાની હલચલ ચીનમાં ચાલતી જ રહે છે, જો કે આ સપનું પાર પાડવામાં ભારત સાથે કેવી રીતે રાજકીય વાટાઘાટ કરવી તે ચીન માટે મોટો પ્રશ્ન છે

થોડા વખત પહેલાં સુએઝ કેનાલ બ્લોક થઇ ગઇ હતી અને આખી દુનિયામાં દરિયાઇ માર્ગે થતા વ્યાપારની ચર્ચા થઇ. દરિયાઇ માર્ગોની મહત્તાની વાત કરવી હોય તો આપણે યાદ કરવું રહ્યું કે વાસ્કો-ડી-ગામા પણ દરિયાઇ માર્ગે જ ભારત પહોંચ્યો હતો. ઇતિહાસ સાક્ષી છે કે દરિયા પરની સત્તા ભલભલા સામ્રાજ્યોના ઉદય અને અસ્તનું કારણ રહી છે. વિશ્વ આખાના વ્યાપાર અને વાણિજ્યમાં દરિયાઇ માર્ગો પર કોની ઇજારાશાહી છે તે બાબતનો હંમેશાં ઊંડો પ્રભાવ રહ્યો છે. 

એક સમયે બ્રિટિશ સામ્રાજ્ય હિંદ મહાસાગરની લહેરોને કબ્જામાં રાખીને પોતાના ભંડાર ભરતું હતું. હિંદ મહાસાગર એટલે કે ઇન્ડિયન ઓશ્યન એક મહત્ત્વની જિયો પૉલિટિકલ – રાજકીય-ભૌગોલિક અસક્યામત રહી છે. ઇસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા અને ભારતમાં અંગ્રેજોની કોલોની હતી તે તમામ દ્વારા હિંદ મહાસાગર પર અંગ્રેજો પોતાની પકડ જમાવી રાખતા. આ કોલોનીઝ બ્રિટિશરો પોતાના નૌકા દળની શક્તિ અને સુરક્ષાને મજબૂત કરવાના આશયથી નિયત કરતા. હિંદ મહાસાગર એક એવો સમુદ્ર છે કે જેની હાથમાં તેનો કાબૂ હોય તેને માટે સુપર-પાવર બનવું સરળ થઇ જાય. બીજા વિશ્વ યુદ્ધ પછી યુ.એસ. નેવી અને ભારતીય નેવીએ હિંદ મહાસાગર પર કબ્જો જમાવીને બેઠેલ અંગ્રેજ સત્તાને હટાવી દીધી અને દરિયાઇ વ્યાપાર માટેની સલામતી પૂરી પાડવામાં આ રાષ્ટ્રો સૌથી અગત્યનાં રહ્યા. સુએઝ કેનાલ, હિંદ મહાસાગર, અંગ્રેજોનો સામ્રાજ્યવાદ આ બધું સમજવું કે તેને જરા વાગોળી લેવું જરૂરી છે કારણ કે ચીન જે રીત દરિયાઇ સત્તા પ્રત્યે અભિગમ રાખે છે તે નાણી શકાય.

પૃથ્વી પર જેટલા સમુદ્ર છે તેનો પાંચમો ભાગ એટલે હિંદ મહાસાગર અને આ લહેરો પર જ વૈશ્વિક સત્તાની સ્પર્ધાના પરિણામો નક્કી થતાં આવ્યાં છે. ચીનને પોતાની પહોંચ વધારવી છે, પકડ વધારવી છે અને એ માટે હિંદ મહાસાગરમાંથી યુ.એસ.એ.નું આધિપત્ય દૂર કરવું તે જ તેમનો એક માત્ર ધ્યેય છે.  જો તેમ કરવામાં ચીનને પૂરેપૂરી સફળતા મળે તો વૈશ્વિક વ્યાપાર માટે સૌથી અગત્યનાં દરિયાઇ માર્કેટિંગ ચોક પોઇન્ટ્સ ગણાતા સ્ટ્રેટ ઑફ બાબ-એલ-માનદેબ, સ્ટ્રેટ ઑફ હોરમુઝ અને સ્ટ્રેટ ઑપ મલક્કા પર તેમનો સીધો કાબૂ આવી જાય. 

ચીનની નૌકાદળી વ્યૂહરચના અને મેરીટાઇમ સિલ્ક રોડ ઇનિશ્યેટિવ એક ગણતરીપૂર્વકની વ્યૂહ રચના છે. ઇસ્ટર્ન આફ્રિકાના કિનારે પહોંચવા માટે ચીનને પોતાના નૌકા દળનો બેઝ ત્યાંના ઝિબૂટીમાં બનાવ્યો જેથી બાબ-એલ-માનદેબથી ચીનની હાજરી થોડા અંતરે જ વર્તાય.

આ તરફ યુ.એસ.એ. પોતાના પેસિફિક કમાન્ડને ઇન્ડો પેસિફિક કમાન્ડ નામ આપ્યું જેથી હિંદ મહાસાગર સુધી પહોંચવાની શક્યતાઓ જરા વધે પણ એક થાપ તેમણે એ ખાધી કે હિંદ મહાસાગર અને પેસિફક મહાસાગર બન્નેને કારણે ખડી થતી તક અને પડકારો જુદાં પ્રકારના હોય છે અને તે માટે અલગ અભિગમ જરૂરી છે. યુ.એસ.એ.એ મોટે ભાગે હિંદ મહાસાગરને મામલે ચીન જે કરે તેની પ્રતિક્રિયા આપવાનો અભિગમ રાખ્યો છે જેથી ચીનની શક્તિના વિસ્તાર કરવાની હલચલ પર નજર રખાય. જો કે ચીનનો અભિગમ સાવ અલગ છે. ચીન હિંદ મહાસગર નજીકના, તેના વિસ્તારમાં આવેલા નાના ટાપુઓ અને દરિયાઇ રાજ્યો સાથે ડિપ્લોમેટિક અને રાજકીય સાંઠગાંઠ સારી રીતે બંધાય તેની પેરવીમાં જ હોય છે. ચીનનો અભિગમ પ્રો-એક્ટિવ છે જેથી તેને હિંદ મહાસાગરનાં અને તેની નજીકના ટાપુઓ અને રાજ્યોનાં સમીકરણો બરાબર સમજાય અને તેઓ તે રીતે જ આગળ પગલાં લે. આ પ્રદેશના ઘણાં દેશોના નૌકાદળ ખૂબ નાના છે અને વિદેશી રાષ્ટ્રો તેમના દરિયાકાંઠાઓને જે સુરક્ષા પૂરી પાડે છે તેની પર આધાર પણ રાખે છે.

વિશ્વની બધી જ મહાસત્તાઓને હિંદ મહાસાગરમાં રસ છે પણ માત્ર ચીન એક એવું રાષ્ટ્ર છે જેણે આ વિસ્તારના છ ટાપુઓ સાથે રાજદ્વારી સંબંધો વિકસાવ્યા છે, જેમાં શ્રીલંકા, માલદિવ્ઝ, મોરેશિયસ, સેશેલ્સ, માડાગાસ્કર અને કોમરોસનો સમાવેશ થાય છે. ચીનના આ આંકડા સામે યુ.એસ.એ.ના રાજદ્વારી સંબંધોની વાત કરીએ યુ.એસ. દૂતાવાસ માત્ર શ્રીલંકા, મોરેશિયસ અને માડાગાસ્કરમાં જ છે.

ચીનનો શક્તિ અને સત્તાનો મોહ એટલો છે કે તેમણે વાઇરસને નાથવા પણ દક્ષિણ એશિયાના એ તમામ દેશોને મદદ કરવાની ખાતરી આપી છે જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવના ફ્રેમવર્કમાં સહકાર આપવાની સંમતિ આપી. શ્રીલંકાને મદદની ઑફર કરીને ચીને કોલંબો પોર્ટ સિટી અને હંબનતોટા પોર્ટ જેવા પ્રોજેક્ટ તથા બી.આર.આઇ.ના સહકારની માંગ પણ કરી લીધી. કોલંબો સિટી પ્રોજેક્ટ ચીનના બી.આર.આઇ.નો ભાગ બને તેવી પૂરી શક્યતા છે. હંબનતોટા પણ વિશ્વના સૌથી વ્યસ્ત પૂર્વ-પશ્ચિમ શિપીંગ રોટની નજીક છે. આ તરફ એ સવાલ પણ થાય કે શ્રીલંકા પાસે કોલંબો પોર્ટ સિટી પ્રોજેક્ટ માટે જરૂરી લોન વાળવાની ક્ષમતા છે ખરી? આ બન્ને પ્રોજેક્ટ ચીન માટે દરિયાઇ વ્યૂહરચના મજબૂત કરવા માટે બહુ જ અગત્યનાં છે. નેપાળના પ્રમુખ પાસેથી બી.આર.આઇ.ને સપોર્ટ અને હિમાલયની આરપાર મલ્ટીડાયમેન્શનલ કનેક્ટિવીટી નેટવર્કને આગળ વધારવાની માંગ કરી. પાકિસ્તાનમાં ચાઇનિઝ વેક્સિન સાથે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ભાગ રૂપે રશ્કાઇ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનનું ઉદ્ઘાટન પણ કરાયું.

ચીન વિશ્વમાં સૌથી વધુ તેલની આયાત કરતો દેશ છે અને આ ઓઇલ ટ્રાન્ઝિટ હિંદ મહાસાગર અને મલાક્કા સ્ટ્રેઇટમાંથી જ થાય છે. દરિયા અને મહાસાગર પરના વાણિજ્યના અધિકારો મેળવવા માટે ચીન સતત કવાયત કરતો રહ્યો છે. એક્સપર્ટ્સનું એમ પણ કહેવું છે કે લાંબા ગાળે કોલંબો અને હંબનતોટા પ્રોજેક્ટ્સ યુ.એસ.એ.ના ઇન્ડો-પેસિફિક સિક્યોરિટી માળખાનો જવાબ બની શકે છે જેમાં યુ.એસ., ભારત, જાપાન અને ઑસ્ટ્રિલિયા સમાવિષ્ટ છે. છેલ્લા બે દાયકાથી હિંદ મહાસાગરમાં ચીનનો રસ વધતો આવ્યો છે અને પિપલ્સ લિબરેશન આર્મી નેવી – પ્લાન વિશ્વનું સૌથી મોટું નૌકાદળ છે. તેઓ પોતાના નૌકાદળની હાજરી હિંદ મહાસાગરમાં હોય તેવું ચોક્કસ ચાહે છે

બાય ધી વેઃ

ઘણાંનું માનવું છે કે હિંદ મહાસાગરમાં ચીનના પ્રભાવને જેટલો માનવામાં આવે છે તેટલો તે છે નહીં. કેટલાક એક્સપર્ટ્સે બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવને અસ્પષ્ટ યોજના ગણાવી છે. એક બાબત સ્પષ્ટ છે કે ચીનની દરિયાઇ મહત્ત્વાકાંક્ષાઓમાં કાયમી ભરતી આવેલી જ છે, સૌથી શક્તિશાળી દેશ બનવાની તેની સફરમાં ચીનને બરાબર ખબર છે કે તેણે હિંદ મહાસાગરમાં થઇને જ રસ્તો શોધવાનો છે. પોતાના હિત સચવાય તે માટે હિંદ મહાસાગરમાં પોતાના નૌકા દળને ગોઠવવાની હલચલ ચીનમાં ચાલતી જ રહે છે. જો કે આ સપનું પાર પાડવામાં ભારત સાથે કેવી રીતે રાજકીય વાટાઘાટ કરવી તે ચીન માટે મોટો પ્રશ્ન છે કારણ કે ભારત યુ.એસ.એ. સાથે મળીને ચીનની હિલચાલ પ્રમાણે સુરક્ષા સંબધો વધારતો રહે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  13 જૂન 2021

Loading

પેલવા નાયક

આરાધના ભટ્ટ|Opinion - Interview|13 June 2021

અમદાવાદમાં પ્રતિષ્ઠિત કલાકાર પરિવારમાં ૧૯૮૬માં જન્મેલાં પેલવા નાયક (જાણીતા ફિલ્મ નિર્દેશક-નિર્માતા પરેશ નાયક એમના પિતા અને નૃત્યાંગના વિભા નાયક એમનાં માતા છે) ખૂબ નાની વયથી સહજપણે શાસ્ત્રીય સંગીત તરફ વળ્યાં. તેઓ ડાગરબાની ધ્રુપદગાયન દ્વારા પોતાની ખોજમાં રત છે. પોતાની ગાયકીમાં ઘરાનાની શુદ્ધ રજૂઆતનાં આગ્રહી પેલવાએ ધ્રુપદ ગાયનના મોભ સમા ઉસ્તાદ ફરીદુદ્દીન ડાગર સાહેબ પાસે તાલીમ લીધી અને ઉસ્તાદની ચિરવિદાય પછી મુંબઈ ખાતે સંગીતસાધનામાં મગ્ન જીવન જીવે છે, અને બેંગ્લોર તેમ જ અમદાવાદ ખાતે સંગીતની તાલીમ આપે છે. છેલ્લાં પંદરેક વર્ષમાં પેરીસ, લંડન, મોરોક્કો, સહિત વિદેશોમાં અને ભારતમાં અનેક કાર્યક્રમો રજૂ કરી ચૂકેલાં પેલવાએ ધ્રુપદ ગુરુકુળમાં સંગીતની તાલીમ પરંપરાગત ગુરુશિષ્ય પદ્ધતિથી મેળવી હતી. આલાપચારી, મિંડ, અને શ્રુતિ-ભેદ અને રાગની શુદ્ધિ એમના ભાવપૂર્ણ ગાયનની વિશેષતા છે. એમની સાથેનો આ સંવાદ પ્રસિદ્ધિ અને ધંધાદારી વૃત્તિથી દૂર, કલાસાધના દ્વારા સ્વ સુધી પહોંચવાની યાત્રા કરી રહેલા એક સંવેદનશીલ, નિષ્ઠાવાન માનવતાવાદી વિશ્વનાગરિકનો પરિચય કરાવશે. 

પ્રશ્ન : પેલવા, પહેલાં તમારી કલાપ્રીતિનાં મૂળની વાત કરીએ. તમારો જન્મ કલાકારોના પરિવારમાં તો ખરો, પણ તમે માતા-પિતાની કલાઓ ન અપનાવતાં સંગીત અપનાવ્યું. તમે એક વખત કહેલું કે તમે સંગીતને અપનાવ્યું એના કરતાં વધુ સંગીતે તમને અપનાવ્યાં અથવા એના પાશમાં લઇ લીધાં.

ઉત્તર : હા, મને લાગે છે કે દરેક વ્યક્તિ જીવનના કોઈક તબક્કે એના મૂળ સ્વભાવને સભાનપણે કે સહજપણે અનુસરે છે. નાનપણમાં આપણી આસપાસનું વાતાવરણ આપણા ઘડતરમાં મોટો ભાગ ભજવે છે, પણ સંગીત અને ખાસ કરીને ગાવામાં મને પહેલેથી ઊંડો રસ હતો. બીજું કે ઘરમાં વાતાવરણ એવું હતું કે મેં મારાં માતા-પિતાને કલાના પ્રકારો વચ્ચે કોઈ લીટીઓ દોરતાં જોયાં નહોતાં. ચિત્રકલા અને નૃત્ય બે અલગ છે, કે માટીકામ અને ફોટોગ્રાફી એ બે અલગ છે એવું મેં ક્યારે ય અનુભવ્યું નહોતું. સામાન્ય રીતે બાળકો પાસે એવો આગ્રહ રાખવામાં આવે છે કે આમાંથી કોઈક કલા પસંદ કરો. તો મેં જ્યારે ધ્રુપદ ગાયન શરૂ કર્યું ત્યારે કલાઓના એ વિશાળ દેહના એક અંગ તરીકે સમજીને મેં એ શરૂ કર્યું. એટલે વાહન સંગીત છે, પણ માર્ગ કલાનો રહે છે અને મારા માટે બધી જ કલાઓનું ધ્યેય એક છે. ગાવાની ક્રિયા મને બહુ સહજ લાગે છે. તો ધ્રુપદ એ મારે માટે જાતને પામવાનો માર્ગ છે, એ કોઈ પસંદગી નથી.

પ્રશ્ન : કલાકાર બનવા માટે કયું પરિબળ અથવા કયાં પરિબળો આવશ્યક છે? મહેનત, નસીબ, વાતાવરણ ….?

ઉત્તર : તમે કહ્યું એમ ઘણાં પરિબળો કામ કરે છે. વાતાવરણ જરૂર મોટો ભાગ ભજવે છે. અને મેં અગાઉ કહ્યું તેમ દરેક વ્યક્તિ જાણે-અજાણે પોતાની એક આગવી યાત્રાએ નીકળવાની, પોતાની જાતને પામવાની મથામણમાં હોય છે. મને લાગે છે કે કલાકારના બંધારણમાં સૌથી મોટું તત્ત્વ સંવેદનશીલતા છે. મહેનત, લગન, ખંત એ બધું પછી સહજતાથી ઉમેરાય જ, જો વ્યક્તિને કલાઓના વિષયે ઊંડાણથી પ્રેમ હોય, જોડાણ હોય. પણ મારા મતે સંવેદનશીલ કલાકાર એ જ એક સ્વસ્થ અને સાચો કલાકાર, કહી શકાય. નસીબની તમે વાત કરી, તો હા, સારા અને સાચા ગુરુ પ્રાપ્ત થવા એ ચોક્કસ નસીબ છે. એ ઉપરાંત કામની તકો મળવી એમાં પણ નસીબ અમુક અંશે ચોક્કસ ભાગ ભજવે છે. પણ આખરે તો આત્મબળ, કળા પ્રત્યે શુદ્ધ પ્રેમ અને સંતોષની ભાવના-  નસિબની સરખામણીમાં આ બધાં પરિબળોની જરૂર વધુ હોય એમ હું સમજુ છું. અને રહી વાત વાતાવરણની, તો કૌટુંબિક વાતાવરણ વ્યક્તિના ઘડતરમાં જરૂર પાયારૂપ બને છે. જેમ મૂડી વારસામાં મળે તેમ વિદ્યા વારસામાં મળે તો ખરી, પણ એ કલાને પાત્ર બનવાની જે પ્રક્રિયા છે એ તો એ વ્યક્તિએ પોતે કરવાની છે. જમીન તો વારસામાં મળે, પણ પછી ખેતર ખેડવું, વાવવું, લણવું એ તો જાતે જ કરવું રહ્યું.

પ્રશ્ન : તમે કલા પ્રત્યેના જે શુદ્ધ પ્રેમ અને સમર્પણની વાત કરી એ તત્ત્વો આજની, એટલે કે તમારી પેઢીમાં ભાગ્યે જ જોવા મળે છે, અથવા તો બહુ વિરલ છે અથવા ઓછી માત્રામાં જોવા મળે છે. મારા આ વિધાન સાથે તમે સહમત છો? અને જો સહમત હો તો આવી સ્થિતિ કેમ છે એ વિશે તમે વિચાર્યું છે?

ઉત્તર : હા, ચોક્કસ સાચું છે. એક યુવા કલાકાર તરીકે અને એક વિશ્વ નાગરિક તરીકે મને આવું લાગે છે કે અત્યારે એક સમાજ તરીકે આપણે ઘણી ઊથલપાથલમાંથી પસાર થઇ રહ્યાં છીએ. તો આવી ઊથલપાથલની અસર આપણને સૌથી વધારે યુવાનો ઉપર દેખાય. પોતાની ઓળખના પ્રશ્નો, સમાજ સાથે પોતાની જાતના સંબંધોના પ્રશ્નો, પોતાની જાતને સમજવાની મથામણ … આ બધું કદાચ પાછળની પેઢીઓએ આટલું તીવ્રતાથી નથી અનુભવ્યું. એટલે એ રીતે મને યુવાનો માટે સહાનુભૂતિ થાય છે કે કદાચ એ કારણે આ પેઢી એટલી ચોખ્ખાઈથી કલાના માર્ગે ના ઊતરી શકે. અને બીજી તરફ એવા યુવાનો પણ છે જે કલાઓમાં ભારે રસ દાખવે છે, એમને સમર્પિત પણ થવું છે. આજે ઘણી બધી શક્યતાઓ ખૂલી પણ છે અને ઘણી બધી નિરાશાઓ પણ છે.

પ્રશ્ન : તમે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનની શાળામાં ભણ્યાં. એ શાળાના સમય દરમ્યાન તમારા અનુભવ વિશે કંઇક કહેશો? તમે ત્યાથી એવું શું પામ્યાં જે તમારા જીવનનું ઘડતર કરવામાં અને કલા સાધક તરીકેના તમારા ઘડતરમાં તમારી સાથે રહ્યું છે?

ઉત્તર : અમદાવાદમાં મારો જન્મ અને ઉછેર, અને ત્યાં શરૂઆતના પાયાનાં વર્ષોની મારી નિશાળ શારદામંદિર, ત્યાર પછી હાઇ સ્કૂલ માટે હું બેંગ્લોરની વેલી સ્કૂલ, જે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, એમાં ગઈ. ત્યાં મેં ફાઈન આર્ટસ અને હ્યુમેનિટીઝનો અભ્યાસ કર્યો. ઘરનાં વાતાવરણ ઉપરાંત બાળપણમાં ગીત-સંગીત માટેનો પ્રેમ, માતૃભાષા માટેનો પ્રેમ, એ બધાનાં મૂળિયાં શારદા મંદિરમાંથી જ નંખાયાં. અને ૯-૧૦ વર્ષની ઉંમરથી જ મેં શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી. એટલે અમદાવાદ છોડીને દક્ષિણમાં વેલી સ્કૂલમાં જવાનું થયું ત્યાં સુધીમાં કલાઓમાં મારો રસ પાકો થયો હતો અને હ્યુમેનિટીઝ ભણવાનો મારો પાયો નખાઇ ચૂક્યો હતો. પણ વેલી સ્કૂલમાં વિતાવેલો સમય એ મારે માટે મોટા અને મહત્ત્વનાં પરિવર્તનનો સમય હતો. ત્યાં જંગલ, જમીન, પ્રાણીઓ અને પ્રકૃતિની વચ્ચે રહીને શીખવાથી અને ખાસ તો નિશાળની શિક્ષણ પદ્ધતિથી અને એ કલ્ચરે મારું જીવન વિશેનું અને શિક્ષણ વિશેનું દૃષ્ટિબિંદુ બદલી નાખ્યું. શિક્ષણ પ્રત્યેની જીદ્દુ કૃષ્ણમૂર્તિની વિભાવનાથી હું તે વખતે અને પાછળથી મારી અંગત જીવનયાત્રા દરમ્યાન પણ, ખૂબ પ્રભાવિત રહી છું. ત્યાં બહુ જ સુંદર લેન્ડસ્કેપ છે, પ્રકૃતિનું શિક્ષણમાં કેટલું બધું મહત્ત્વ છે એ સભાનતા સાથે બનેલી આ સંસ્થા છે. ત્યાનો પરિસર જ એક બાળક માટે કે એક યુવાન માટે સૌથી મોટો શિક્ષક હતો. ત્યાની પદ્ધતિ સ્લેફ-સ્ટડીના પાયા પર રચાયેલી હતી. સાથે સાથે શાંત રહેવું, મૌન સાધવું, કલાઓનું મહાત્મ્ય, જાત વિશે સજાગતા અને જાત-તપાસ કરતાં રહેવું, જાત સાથેનો રોજબરોજનો જે સંબંધ છે એ વિકસવાનો અવકાશ …. આવું ઘણું બધું મને અહીંથી મળ્યું. એટલે હું બહુ જ ભાગ્યશાળી રહી.

પ્રશ્ન : હવે વાત કરીએ તમારી સંગીતની તાલીમની. ધ્રુપદ ગુરુકુળમાં તમે તાલીમ લીધી. ઉસ્તાદ પાસે શીખવાના સંસ્મરણો, ગુરુકુળનું વાતાવરણ – એ બધા વિશે કંઇક કહો.

ઉત્તર : ગુરુકુળની વાત કરું તો બહુ જ સાત્ત્વિક વાતાવરણ હતું અને બહુ જ સાહજિક હતું, કોઈ નિયંત્રણ કોઈ રોક-ટોક જેવું નહોતું, ત્યાં વિદ્યા અને કલા એ પ્રમુખ બળો હતાં. ત્યાંનું આખું જીવન એ વિદ્યાને કેન્દ્રમાં રાખીને જીવાતું. અને ગુરુના ઘરે રહેવાનું એટલે વિદ્યા સિવાયના પણ પરિબળો – વાતચીત, ભાષા, સંસ્કૃતિ, બીજાં શિષ્યો સાથેનો અને ગુરુ સાથેનો તમારો જે સંબંધ વિકસે છે એ પણ ત્યાંથી મળતું એક શિક્ષણ છે. ગુરુના ઘરે રહીને શીખવાની પદ્ધતિ એ શિક્ષણની બહુ સહજ-સ્વાભાવિક પદ્ધતિ છે. ગુરુકુળમાં રોજિંદા જીવનની ઘટનાઓમાંથી ઘણું બધું શીખવા મળે. ગુરુકુળમાં વિદ્યા મેળવવાની સાથેસાથે વિદ્યા મેળવાવા માટેની પાત્રતા ઘડવી એ પણ એટલું જ મહત્ત્વનું હતું, એ પાત્રતા ઘડવા માટેની પદ્ધતિ એ ગુરુકળમાં હતી. ત્યાં ખૂબ મોકળાશ હતી, બધું જ એકરસ હતું – રસોઈ છે કે બાગકામ છે કે પ્રવાસો, જે અમે સાથે કરતાં, એમાંથી પણ બહુ શીખવાનું મળતું, એમાંથી જે સંબંધોના તાણાવાણા બંધાતા … સાથેસાથે ગુરુની વિચારધારા, ધ્રુપદની જે વિધા છે એની વિચારધારા, એ બધું આપોઆપ શીખવા મળ્યું. ઉસ્તાદ સાથેની તો ઘણી સ્મૃતિઓ છે, સ્વભાવે એ બહુ જ સંપન્ન-સભર અને ઉદાર વ્યક્તિ હતા અને એમણે મને જે આપ્યું છે તે એટલું ગહન અને વિશાળ છે કે એના પર આખું જીવન કામ થઇ શકે. ગુરુકુળમાં ધ્રુપદ એ જાણે કે નભમંડળનો સૂર્ય હતો, ધ્રુપદ કેન્દ્રમાં હતું અને એની એક ઉર્જા સતત અનુભવાતી.

પ્રશ્ન : આપણાં સંગીતને અધ્યાત્મ સાથે ગાઢ સંબંધ છે. સાધના દરમ્યાન તમારી અંગત અનુભૂતિઓની થોડીક વાત કરી શકશો?

ઉત્તર : શાસ્ત્રીય સંગીતનો અધ્યાત્મ સાથે એક ગાઢ સંબંધ જરૂર છે, પણ હું તો એમ વિચારું કે મોચીકામ, કે વણાટકામ એ પણ અધ્યાત્મિક કેમ ન કહેવાય? એ પ્રશ્ન મને હંમેશાં થાય છે. કારણ કે આપણે કહીએ કે શાસ્ત્રીય કલાઓ એ કેટલી બધી આધ્યાત્મિક છે. પણ મારા મતે કોઈ પણ વિધાનો અધ્યાત્મ સાથે સંબંધ એ વિધાના જે સાધક, જે વ્યક્તિ એની પ્રેક્ટિસ કરે છે એના ઈરાદા કે સંકલ્પ પર વધારે આધાર રાખે છે; એ વ્યક્તિના ભાવપક્ષમાં એ અધ્યાત્મનો ભાવ છતો થાય છે. બાકી અમુક પ્રકારનાં સંગીતને અધ્યાત્મના ઢાંચામાં બાંધી દઈને એ રીતે પ્રચાર કરાય છે, અમુક સંગીતને ‘ધાર્મિક’ વિચારધારા સાથે જોડીને એની ઓળખ કરવાની કોશિશ થતી જોવા મળે છે. તો હું એવું કહેવું ટાળું છું કે શાસ્ત્રીય સંગીત કે ધ્રુપદ સંગીત એ અધ્યાત્મિક સંગીત છે. પણ એવું કહેવું વધારે યોગ્ય છે કે શાસ્ત્રીય સંગીતમાં એવા કેટલાક નિહિત ગુણો છે જે થકી આત્મ – અધ્યાત્મ જેને કહીએ, એની પ્રતીતિ કરવાનું એક પાત્ર તૈયાર થઇ શકે.

પ્રશ્ન : ધ્રુપદ એ આપણી સંગીતપદ્ધતિનો થોડો ઓછો લોકભોગ્ય ગાયનપ્રકાર છે, એ પ્રાચીનતમ ગાયન પ્રકાર છે. એની લોક્ભોગ્યતા ઓછી હોવાને કારણે એની સાધના કરવા માટે વધુ મક્કમ મનોબળ જરૂરી છે. તમારી સાધનાનું ચાલકબળ શું છે?

ઉત્તર : આ પ્રશ્ન થોડો અટપટો છે, પણ મને ગમે છે. હું એટલું જ કહી શકું કે સંગીત પોતે જ મારું ચાલકબળ છે. સંગીત એ ચાલકબળ કરતાં વધુ મારે માટે મારા ઘર જેવું છે. ‘આઈ એમ એટ હોમ’ એવી અનુભૂતિ સંગીત મને આપે છે. આ શૈલીમાં અભિવ્યક્તિ માટેનો જે અવકાશ મને મળે છે, ધ્રુપદના વ્યાકરણમાં કે એના આલાપના તરીકામાં જે શિસ્ત છે એ શિસ્તમાં મને ગજબની આઝાદીનો અનુભવ થાય છે. મારે માટે આ સ્વતંત્રતા બહુ જ અમૂલ્ય છે. સંગીત એ મારે માટે પાણી જેવો એક સ્રોત છે જેમાં ઝંપલાવતાં એનાં ઊંડાણની કોઈ સીમા ન હોય. સંગીત એ એક અનંત ખોજ છે અને એ જ મારું ચાલકબળ છે. બીજું એ કે આ શૈલીમાં રાગ સ્વરૂપના કોઈક એક વિચાર કે એક વિષયવસ્તુને લઈને તમે સતત એનું સંસ્કરણ કરી શકો, તમારા ભાવોને બધી દિશાથી જોઈ, વર્ણવી અને વિકસાવી શકો અને છેવટે એને સરળ સ્વરૂપે રજૂ કરો. અને અંતના એ સરળ સ્વરૂપમાં જે વૈભવ અને વિપુલતા છે એ અદ્દભુત છે. આ બધાં પરિબળો છે જે મને ધ્રુપદની સાધનામાં ચાલતી રાખે છે. મારી યાત્રા માટેનો માર્ગ મને ધ્રુપદમાં મળ્યો, મને લાગ્યું કે આ માર્ગ ઉપર હું ચાલીને લાંબુ અંતર કાપી શકીશ. આપણે જેમ બોલવા કે લખવા માટે એક ભાષા પસંદ કરીએ તેમ ધ્રુપદ એ મારે માટે મારી અભિવ્યક્તિનું એક વાહન છે.

પ્રશ્ન : ધ્રુપદના ઘરાના અને એની વિશેષતાઓ વિશે વાત કરીએ. તમે ડાગર ઘરાનામાં તાલીમ પામ્યા છો.

ઉત્તર : ધ્રુપદના ઘરાના તો ઘણા છે, પણ એના ઉદ્દભવની વાત જો હું ટૂંકાણમાં કરું તો આપણો જે દક્ષિણ-પશ્ચિમ એશિયાનો ભાગ છે, જેમાં હિન્દુસ્તાન પણ છે, એ ભાગમાં સંગીતની પાંચ પ્રધાન ગીતિ વ્યાપક હતી. આ પાંચ ગીતિ એટલે શુદ્ધા, ભિન્ના, ગોવરહારી, વેગસ્વરા, અને સાધારણી. આમાં જે સાધારણી ગીતિ છે એ બાકીની ચાર ગીતીઓનાં સંયોજનથી બનેલી ગીતિ કહેવાય. અને ધ્રુપદના ડાગર ઘરાનાનાં મૂળ આ સાધારણી ગીતિમાં મળે. તો આ ગીતિઓમાંથી ઘણા બધા ઘરાના બન્યા. બિહારનું દરભંગા ઘરાના બન્યું, પાકિસ્તાનમાં તાલવંડી ઘરાના વિકસ્યું, બંગાળમાં વિષ્ણુપુર ઘરાનાની શૈલી વિકસી. હું ડાગર ઘરાનાને લઈને વાત કરું તો આ ગીતિઓમાં સાધારણી ગીતિના સંયોજનમાંથી ડાગર ઘરાનાની વિચારધારા આવી. એ પછી જુદીજુદી સંસ્કૃતિઓનું ભારતમાં આવાગમન થયું, સંસ્કૃતિઓ એકમેકમાં ભળી, સામાજિક-રાજકીય પરિવર્તનો આવ્યાં, એ બધા વચ્ચે ધ્રુપદ શૈલી પણ મોટાં પરિવર્તનોમાંથી પસાર થઇ. એનાં વ્યકારણમાં, વિચારોમાં, ગાવાની પદ્ધતિમાં, પદોની ભાષામાં પણ વિવિધતા આવી. એમાં સંસ્કૃત, સિંધી, ફારસી, વ્રજભાષા. આ બધું વૈવિધ્ય એમાં ઉમેરાયું. વૈદિક કાળથી મોગલયુગ, ભક્તિ પરંપરાની અસર અને રાજપૂત કાળની છાપ પણ ડાગર ઘરાનાની ગાયકીમાં જોવા મળે છે. પણ ભારતની આઝાદી પહેલાંના અને પછીના એક-બે દાયકાનો સમય એ ડાગર ઘરાનાનો એક ભારે પરિવર્તનનો સમય, મારા મતે કહી શકાય. ઉસ્તાદ ઝિયા મોહિઉદ્દીન ડાગર અને એમના ભાઈ અને મારા ઉસ્તાદ – ઉસ્તાદ ઝિયા ફરીદુદ્દીન ડાગર આ બંને મહાન ગાયકો, આ પરિવર્તનના મૂળમાં હતા. ડાગર ઘરાનાની મુખ્ય લાક્ષણિકતા જોઈએ તો રાગની શુદ્ધતા પર ખૂબ ધ્યાન આપવું, શ્રુતિઓના બારિક ભેદ દર્શાવવા અને આલાપ એ આ ઘરાનાનું હોલમાર્ક – એની ઓળખ ગણાય. આલાપમાં દરેક રાગના સૌથી અધિકૃત દૃશ્ય સ્વરૂપનું દર્શન કરવું એ પણ એનું એક મહત્ત્વનું લક્ષણ છે. અને આલાપનો એક વર્ણનાત્મક અભિગમ એ પણ એની વિશિષ્ટતા છે. ધ્રુપદની વિવિધ ક્રિયાઓ, જેમ કે ગમક, મીંડ, આંદોલન – આ બધી તો ઘણી જાણીતી છે પણ મારી તાલીમના અનુભવે કહું તો આ બધી ક્રિયાઓથી પણ સર્વોપરી છે ભાવપક્ષ, અને એના પર આ ઘરાનામાં મૂકાય છે.

પ્રશ્ન : તમારી નિત્ય રિયાજ પદ્ધતિ વિશે જાણવું છે. સૂરસાધના ઉપરાંત શ્રુતિસાધનાની પણ વાત કરો. તમારી ગાયકીમાં તમારી શ્રુતિસાધના સાંભળી શકાય છે.

ઉત્તર : આ તો એક અનંત સાગર જેવું છે, અને હું તો કોશિશ કરું છું. આપણા ઉસ્તાદોએ કહ્યું છે કે શ્રુતિ એક સાગર છે અને એમાં એક બિંદુ તરીકે ઝંપલાવીને આપણે તો માત્ર અન્વેષણ કરી રહ્યાં છીએ. મારી રિયાજ પદ્ધતિ તો સતત બદલાતી-વિકસતી રહે છે.  રિયાજની મારી રીત બહુ મોકળાશભરી છે. મારે માટે સવારનો રિયાજ તો ઉત્તમ છે જ, એ ઉપરાંત સ્વાસ્થ્ય અને આરોગ્ય પણ ગાયન માટે, મને લાગે છે કે, ખૂબ જરૂરી છે, એટલે એ તરફ પણ ધ્યાન રહે એ જોઉં છું. હું અંગતપણે યાંત્રિક પ્રકારના અથવા માત્ર પરફોર્મન્સ માટેના રિયાજના પક્ષમાં નથી. પણ હું શિસ્તમાં, અને પોતાની ક્ષિતિજો વિસ્તારવામાં જરૂર માનું છું. પોતાની શક્તિઓને સતત એરણે ચડાવવી, પડકારવી, એ રિયાજમાં ખૂબ જ જરૂરી છે. રિયાજ ક્યારે ય મજા માટે કરવાનો નથી હોતો, એમાં એક જાતની નિરાંત અને નવરાશની અનુભૂતિ પણ એટલી જ મહત્ત્વની છે. રિયાજ પછીનું જે ચિંતન છે એ સહજ રીતે થાય એ મને ખૂબ મહત્ત્વનું લાગે છે. તો દિવસમાં ત્રણેક કલાકનો રિયાજ ઘણો છે અને એ પછી એના વિસ્તાર સ્વરૂપે દિવસની અન્ય પ્રવૃત્તિઓમાં એ રિયાજ જારી રહે છે. અને શ્રુતિઓની વાત જે મેં આગળ કરી એમાં એ માત્ર રિયાજ સ્વરૂપે નહીં, પણ જે બીજાં ઘણાં બધાં તત્ત્વો છે – સંગીતને સાંભળવાના, સંગીતને જોવાના, એ પણ કરવાના છે. ડાગર ઘરાનાની અમારી પદ્ધતિમાં મૂર્છના પદ્ધતિનો રિયાજ છે. સ્વરને તમે ભરો, એને સાધો, એને વારેવારે જુવો, એને નિયંત્રિત કર્યા વિના, એને પ્રાકૃતિક સ્વરૂપે ચાલવા દો – જેમ એક પૈંડું ચાલતું હોય એમ એ મૂર્છના ચાલ્યા કરે અને તમે ફરીફરીને એ સ્વર પર પાછા આવો એ બહુ મહત્ત્વનું છે. હું એ પદ્ધતિને અનુસરું છું.

પ્રશ્ન : તમે સંગીતની તાલીમ આપો પણ છો. તાલીમ આપતાં પણ ઘણું શીખવાનું હોય છે. તાલીમ આપવાના તમારા અનુભવો કેવા છે?

ઉત્તર : અત્યારે મારાં ચાર વિદ્યાર્થીઓ છે, ચાર યુવતીઓને હું શીખવું છું. એ લોકો વિદેશમાં છે. તો જેમ સભામાં ગાવું એ રિયાજનું જ વિસ્તરણ છે, તેવી રીતે, તમે કહ્યું એમ, તાલીમ આપવી એ પણ રિયાજનું જ એક અંગ છે. અને જેમ રિયાજ વગર કે એના મનોમંથન વગર વિદ્યા નિષ્ક્રિય લાગે તેમ એને શીખવાડ્યા વગર, મને નથી લાગતું કે, એ વિકસી શકે. તો તાલીમ આપવી એ મારા માટે એક રિયાજ છે, એક નવસર્જનની પ્રક્રિયા છે. અને વિદ્યાર્થીઓ સાથેના સંબંધોમાં એક જુદા જ પ્રકારની મૈત્રીનો અનુભવ થાય. શીખવા-શીખવવાની પ્રક્રિયા એ માનવ સંબંધોમાંની કદાચ સૌથી વધુ અંગત પ્રક્રિયા છે. એટલે મારાં વિદ્યાર્થીઓ એ મારાં જીવનનો અને મારા ંસંગીતનો એક મહત્ત્વનો અંશ છે.

પ્રશ્ન : રુદ્રવીણા એ ધ્રુપદગાયનનું એક વિશિષ્ટ વાદ્ય છે. રુદ્રવીણા અને પખાવજ એ બંને વાદ્યો વિશે થોડી વાત કરીએ, આ બંને સાજની સંગત એ ધ્રુપદ ગાયકીનું અંગ છે.

ઉત્તર : મારી જેટલી સમજ છે એ પ્રમાણે હું કહીશ. ટૂંકમાં કહું તો રુદ્રવીણાને એક વાદ્ય કરતાં એક યંત્ર કહેવું વધુ યોગ્ય છે. એને એક કમ્પાસ, અથવા માપનું એક યંત્ર કહીએ. આ વાદ્ય એક બહુ જ વિકસિત રચનાવાળું વાદ્ય છે. શ્રુતિના સૌથી સૂક્ષ્મ ભેદ દર્શાવવાની ક્ષમતા આ વાદ્યમાં અદ્દભુત છે. પહેલાં રુદ્રવીણા ‘બિન’ તરીકે ઓળખાતી હતી. સંતો, પીર, ફકીર એને ધ્યાન-સાધનાના સાધન તરીકે લેતાં. અત્યારનું રુદ્રવીણાનું જે સ્વરૂપ જોઈએ છીએ તે ઉસ્તાદ ઝિયા મોહિઉદ્દીન ડાગર સાહેબના સંશોધનથી બનાવેલ છે. એનું વજન ઘણું છે. એના નામ વિશે જો હું કંઇક કહું તો ઘણા લોકો ‘રૌદ્ર’ શબ્દ વાપરતા હોય છે અને એને ભગવાન શિવ સાથે સાંકળે છે. પણ ખરેખર રૌદ્ર શબ્દને જોડીને આ નામ નથી બન્યું. વાસ્તવમાં એ નામ રુદ્રવીણા છે. રુદ્રનો જે મૂળ સંસ્કૃત અર્થ છે એ છે ચૈતન્યની ઉચ્ચતમ સ્થિતિ. એટલે આ રુદ્રવીણા એ ચૈતન્યની ઉચ્ચ સ્થિતિને પામવાનું માધ્યમ છે. અને રુદ્રવીણાને ગાયન સાથે ગૂઢ સંબંધ છે, ગાયનની નજીક જવા માટે આ વાદ્યની રચના થઇ એવું માનવામાં આવે છે. પખાવજ એ એક પ્રાચીન વાદ્ય છે, ધ્રુપદ ગાયનમાં સાથ આપતું વાદ્ય છે. એ વાદ્યનો અનુનાદ ખૂબ લાંબો અને વિસ્તીર્ણ હોય છે. એની થાપ, તાલનું વજન અને વ્યાકરણ, એ ધ્રુપદ શૈલીના ગાયન અને વાદનનાં તત્ત્વોને અનુરૂપ છે. એટલે પ્રાચીન સમયથી આ બંનેની સંગત આટલી બધી નિકટની છે. ધ્રુપદના ગાયન દરમ્યાન જો પખાવજ ન વાગતું હોય તો પણ તમારા મનમાં એની આસ ચાલતી હોય છે.

પ્રશ્ન : આપણે આ વિશે થોડીક ચર્ચા થઈ ગઈ, છતાં થોડીક વધુ વિસ્તારથી વાત કરીએ – કલા તમારે માટે શું છે? અને તમે તમારી જાતને કઈ રીતે જુવો છો – એક કલાકાર, એક સાધક કે એક પ્રોફેશનલ?

ઉત્તર : કલા અંગે મારી જે સમજ, અભ્યાસ કે જે થોડો-ઘણો અનુભવ છે તે પરથી હું એમ સમજી છું કે કલા એક માર્ગ, એક માધ્યમ, એક વાહન છે જેના થકી અસ્તિત્વ વિશેની સમજ ઘડવાનો એક દૃષ્ટિકોણ કેળવાય. પણ કલાની વ્યાખ્યા કહીને કરવી મને અઘરી લાગે છે. એ વિચારી શકાય, વર્તી શકાય, અનુભવી શકાય, તો એ વધુ સમજી શકાય. પણ એટલું ખરું કે કલાનાં કોઇપણ માધ્યમ પાસે એક વ્યવસ્થા ઊભી કરવાની શક્તિ રહેલી છે. વ્યક્તિને વ્યવસ્થા તરફ લઇ જવાની ક્ષમતા કલામાં છે – એક એવી વ્યવસ્થા જે આપણે પ્રકૃતિમાં, પ્રાણીઓમાં, કે બ્રહ્માંડની ગતિવિધિઓમાં જોઈએ છીએ.

અને બીજી તમે વાત કરી ઓળખની. હું મારી ઓળખ કઈ રીતે આપી શકું? મને લાગે છે કે જ્યારે આપણે કોઇ પણ પ્રકારની પોતાની ઓળખ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એક મર્યાદા બંધાય છે. જેમ કોઈ ખેડૂત પોતાની ઓળખ ખેતી કરતાં કરે કે એક વણકર પોતાની ઓળખ કાપડ વણતાં કરે એનાથી કંઈ વિશેષ મારી કલાકાર તરીકેની ઓળખમાં મને નથી લાગતું. સાધના એક નોન-આઇડેન્ટિફીકેશનની અર્થાત્‌ ઓળખથી બિન-ઓળખ તરફ જવાની પ્રક્રિયા છે, એટલે પોતાની ઓળખ સાધક તરીકે કરવી એ તો એક મોટી મજાક થઇ કહેવાય. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો સાધના એટલે કોઈક પ્રકારનું સંશોધન, કોઈક ચીજને નજીકથી, ઊંડાણથી જોવી અને એ ક્રિયા જ વ્યક્તિના જીવનનું કેન્દ્રબિંદુ હોય, જ્યાં પોતાના આંતરિક ભાવ કે પોતાના બાહ્ય અનુભવો એ કેન્દ્રબિંદુમાં સતત ભાગીદાર થતા રહેતા હોય. એ સાધનાની એક પ્રક્રિયા છે. એક રીતે જોવા જઈએ તો સાધના એક ઘટના છે, એક દૃશ્ય વસ્તુ છે, એ એક સભાન અને સમર્પિત સંશોધનની ક્રિયા છે. એ ઉપરછલ્લી આવડત કેળવવા પર આધારિત નથી. સાધના એ કોઈ પણ વસ્તુનાં તત્ત્વ સુધી પહોંચવાની ક્રિયા છે. બીજું એ કે એક સમાજ તરીકે આપણે સાધના શબ્દ વ્યવહારની બોલીમાં ધાર્મિક ક્રિયાકાંડના સંદર્ભમાં વાપરી કાઢેલો શબ્દ છે. તેથી સાધનાને કોઈક અગમ્ય અથવા એક ન પહોંચી શકાય એવા શિખર જેવું સ્થાન અપાયું છે. એ મને બહુ બરાબર નથી લાગતું, એટલે મેં વિજ્ઞાનનું ઉદાહરણ આપ્યું. બીજું તમે વ્યવસાયિક ઓળખની વાત કરી. એમાં પોતાની કામની કુશળતા, કામની સ્પષ્ટતા વ્યક્ત કરતી ઓળખ હોય, જેમાં એ સાબિતી પણ અપાય કે આ માધ્યમ એ મારો વ્યવસાય છે, મારો એક પ્રકારનો આશ્રય છે. તો મને લાગે છે કે હું આ પૈકી કોઇ પણ ઓળખ ન સ્વીકારું. હું પોતાની જાતને એક એવી વ્યક્તિ તરીકે ઓળખાવવાનું પસંદ કરું જે પોતાની શોધમાં છે, જે વિદ્યા પ્રત્યેના પ્રેમની યાત્રામાં છે, અને જે કલા અને સંગીત દ્વારા જીવન જીવે છે.

પ્રશ્ન : તમે પંદરેક વર્ષથી કાર્યક્રમો કરો છો. ‘કાર્યક્રમ સરસ ગયો’ – એવો સંતોષ તમને ક્યારે થાય?

ઉત્તર : ક્યારે ય નહીં, અત્યાર સુધી તો ક્યારે ય નથી થયો.

પ્રશ્ન : અને મંચ પરથી કળા પ્રસ્તુત કરતાં હો ત્યારે તમારી ભાવદશા વર્ણવી શકશો?

ઉત્તર : બહુ જ અઘરું છે એનું વર્ણન કરવું, જેમ આલાપનું વર્ણન કરવું અઘરું છે કે રાગનું વર્ણન કરવું  અઘરું  છે. પણ એ ભાવ મારા માટે અદ્દભુત છે. આપણું જે આટલું બધું અંગત છે તે મંચ ઉપરથી એક મોટા સમૂહ સમક્ષ રજૂ કરવું એ એક અદ્દભુત અનુભવ છે, કોઈ જાતના અહંને એમાં દાખલ કર્યા વિના સહજતાથી, કલાના મૂળભૂત સ્વરૂપને, અને એ ભાવને રજૂ કરવા એ એક અદ્દભુત અનુભવ છે. મને તો એ એક પરાક્રમ જેવું લાગે છે, જાણે આપણે પાણીમાં ઝંપલાવવું હોય એવું છે, એ એક અનેરો અનુભવ છે, અને હું એની રાહ જોતી હોઉં છું. પણ ‘અરે વાહ, આજે કાર્યક્રમ બહુ સરસ થયો’, એવું તો મને કદી થતું જ નથી. કારણ કે એમાં એક મર્યાદા આવી જાય છે. કાર્યક્રમમાં પરફોર્મ કરવું એ મારે માટે રિયાજનું વિસ્તરણ છે, એટલે હું એને એક યાત્રા કે પ્રવાસ તરીકે જોઉં છું કે એક પ્રક્રિયા તરીકે જોઉં છું. પણ એ દરમ્યાન શ્રોતાઓ અને કલાકાર વચ્ચેની જે ગતિવિધિઓ થતી હોય છે એમાં મને બહુ રસ પડે છે. કલાની એ જે આપ-લે છે, એ કેન્દ્રમાં છે અને એ આપનાર કલાકાર અને લેનાર શ્રોતાઓ એકરસ છે, એક સાથે છે. અને છતાં એ બધા પોતપોતાની જુદીજુદી બારીઓમાંથી, કેન્દ્રમાં જે વસ્તુ છે એને, જોઈ રહ્યા છે.

પ્રશ્ન : તમે દેશ-વિદેશમાં કાર્યક્રમો કરવા જાવ છો, કોઈ યાદગાર અનુભવ હશે?

ઉત્તર : પ્રવાસ એ જ એક અદ્દભુત અનુભવ છે અને અત્યાર સુધીમાં વિદેશમાં કાર્યક્રમો કરવાના જે અનુભવો છે એ મારે માટે ખૂબ તાજગીપૂર્ણ રહ્યા છે અને એમાંથી હું ઘણું શીખી છું. ધ્વનિના માધ્યમમાં, સંગીતમાં જુદીજુદી સંસ્કૃતિમાંથી આવતા, જુદીજુદી ભાષા બોલતા લોકોને સંગઠિત કરવાની અદ્દભુત ક્ષમતા છે, એ વાતનો સાક્ષાત્કાર મને વિદેશના કાર્યક્રમોમાં થયો. કેટલા બધા વિવિધ સંસ્કૃતિક પરિવેશમાંથી આવતી, અલગ અલગ ભાષા બોલતી વ્યક્તિઓ પણ સંગીતનાં માધ્યમથી સંવાદ કરી શકે અને એકરસ બની શકે એ મને જોવા મળ્યું. કલાઓ કેવી રીતે વ્યક્તિઓને જોડે છે એ જોવું અદ્દભુત છે. આપણે બધા અત્યારે કેટલા ખંડિત સમયમાં જીવી રહ્યાં છીએ. એવા સમયમાં તમારી કલાની રજૂઆત દ્વારા તમે કલાનાં માધ્યમથી થતા સંવાદમાં, સંગીતથી થતા સંવાદમાં, તદ્દન અજાણી વ્યક્તિઓ સાથે સંકળાઈ શકો અને એમાં જાણે કોઈક જૂના મિત્ર સાથેની હૂંફ અનુભવાય, એ અનુભવ મને વિદેશમાં થયો. ખરેખર કોઈ વ્યક્તિથી પરિચિત હોવું જરૂરી નથી, જોડનાર માધ્યમ કલાનું હોય ત્યારે કોઈક અજાણી વ્યક્તિ પણ જૂની મિત્ર બની જાય છે.

પ્રશ્ન : ધ્રુપદને અને શાસ્ત્રીય સંગીતને લોકો સુધી લઇ જવા માટે શું કરવું જોઈએ?

ઉત્તર : મારા મતે ધ્રુપદ અને શાસ્ત્રીય સંગીત જેવી કલાઓ એ હસ્તિઓ છે, એક રીતે જોઈએ તો એ એક સંસ્થા છે, જેનો એક દાયરો છે – જેમ કોઈ જંગલ હોય, કે નદી હોય કે દેવળ હોય. જો વ્યક્તિઓ એને જાણવા, શીખવા, સમજવાની ઈચ્છા રાખે તે એના તરફ આકર્ષાતા રહ્યા છે. એ શ્રોતાના સ્વરૂપમાં હોય, કાર્યક્રમ ગોઠવતી સંસ્થા હોય કે વિદ્યાર્થી હોય. તો આ વિધાના એક વિદ્યાર્થી કે શિક્ષક તરીકે મને એમ લાગે છે કે એને લોકપ્રિયતાની જરૂર તો નથી જ. પણ એક ગાયક તરીકે જો કંઇક કરી શકાય તો એ કે આ કલાની ઓળખાણ એનાં મૂળ સ્વરૂપને વફાદાર રહીને કરાવાય, એ મને બહુ મહત્ત્વનું લાગે છે. જેમ કે ધ્રુપદનું જે મૂળ સ્વરૂપ છે એને હું સાચાં સ્વરૂપે કઈ રીતે રજૂ કરું, નહીં કે એને પ્રખ્યાત કરવા અથવા નામ કમાવા કે મૂડી કમાવા માટે થઇ શકે. આ વાત કદાચ ઉપદેશાત્મક લાગે પણ મને મારા માટે આ બહુ જરૂરી લાગે છે. અને બીજું ઈન્ટરનેટ આ કલાઓને લોકો સુધી લઇ જવા માટે મોટું ક્રાંતિકારી પરિબળ રહ્યું છે. તો જો આપણે ઉત્તમ પ્રકારના ઓડિયો-વિઝ્યુઅલ તૈયાર કરવાની આપણે અપેક્ષા રાખીએ એ જરૂરી છે. ક્યારેક સોશિયલ મીડિયામાં કલાનાં મૂળ તત્ત્વનું સમાધાન કરતું મટિરિયલ મૂકવામાં આવે છે એનાથી સમજદાર રસિકોએ દૂર રહેવું જોઈએ. ત્રીજું શાસ્ત્રીય સંગીત કે ધ્રુપદ એ હળવા મનોરંજન માટે નથી. કોઈ ગાયકને કે સંગીતકારને લોકસમૂહને મનોરંજન આપવા માટે કલા પ્રસ્તુત કરવી ન ખપે. સંગીત અથવા ધ્રુપદ આપણને સાચવી રહ્યાં છે એમ હું માનું છું, આપણે એમને નથી સાચવી રહ્યાં. વળી આ કલાઓનાં મૂળભૂત સ્વરૂપમાં ઉત્ક્રાંતિની ક્ષમતા છે, એટલે કે પરિવર્તિત થઈને જીવંત રહેવાની અદ્દભુત શક્તિ એનામાં રહેલી છે. આપણે કલાકાર તરીકે એના પાત્ર રૂપે છીએ અને આપણા પછી પણ કલા પૃથ્વી પર કાયમ રહેવાની છે. આપણે આપણી જાતને જો વધારે સંભાળીએ તો આપણે વધારે સારી રીતે એને પાત્ર બની શકીએ, એવું હું સમજુ છું.

પ્રશ્ન : તમને સંગીત સિવાય પણ કેટલાક રસ-રુચિના વિષયો છે. રસોઈની પ્રવૃત્તિ તમને ખૂબ ગમે છે. સૂરસાધના અને રસોઈ એ બંને તમારે માટે સર્જનાત્મકતાના બે આયામો છે?

ઉત્તર : હા, ખૂબ જ. રસોડું એ મારા માટે બહુ મહત્ત્વનું છે. રસોઈ કામ એ બધું મને બહુ જ ગમે છે. રસોઈની પ્રક્રિયા ઘણી રીતે કલાસર્જનની પ્રક્રિયા જેવી છે. જેટલું ધ્યાન મારું સંગીતમાં છે એટલું જ ધ્યાન આ બધી પ્રવૃત્તિઓમાં છે. એટલે મારે માટે આ બધું જ જીવન જીવવાની પ્રક્રિયા છે. હું શાકાહારી છું એટલે દેશ-વિદેશની શાકાહારી વાનગીઓ બનાવું છું. હું ઘણાં સલાડ બનાવું છું. એ સિવાય મેં એક શિક્ષણ પદ્ધતિ વિકસાવી છે. બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને મેં એ બનાવી છે. એમાં પાંચ વિભાગો છે. એમાં કલાઓ અને સંસ્કૃતિ, ઇતિહાસ, ધર્મ, તત્ત્વજ્ઞાન વગેરે સમાજવિદ્યાઓનું એકીકરણ કરીને એમને જોવાં, અને કલા વિશેના અત્યારે દૃઢ થયેલા છે એની સામે પ્રશ્નો કરવાની નવી રીત, એ પ્રકારનાં શિક્ષણના એકમો મેં તૈયાર કર્યા છે. એટલે હું એમાં પણ કામ કરું છું. એ સિવાય બાગકામ, ખેતીકામ શીખું છું. સ્કેચ બનાવવા, ચિત્રો બનાવવામાં પણ મને પહેલેથી રસ છે. વાંચન-લેખન …. એ બધી મારા દિવસની મુખ્ય પ્રવૃત્તિઓ છે.

પ્રશ્ન : હું તમારી અંદર એક ચળવળકાર પણ જોઉં છું. સમાજમાં જે ચાલી રહ્યું છે, સમાજમાં જે બદલવાની જરૂર છે – અસમાનતા હોય, શોષણ કે ધાર્મિક કટ્ટરતા હોય, આવા પ્રશ્નો માટેની તમારી નિસ્બત હું જોઉં છું. આ ચળવળની ભાવનાનાં મૂળ ક્યાં છે? અને સાથે બીજો પ્રશ્ન એ કે એક કલાકાર સમાજ સાથે કઈ રીતે સંકળાય છે? કલા કોઈ રીતે સમાજમાં પરિવર્તન લાવી શકે?

ઉત્તર : સાચા અર્થમાં જે ચળવળકાર છે એમને તો હું ફક્ત સલામ કરી શકું. એમને તો ફક્ત મારો નૈતિક ટેકો છે અથવા એમને હું મારા કામ દ્વારા સહયોગ આપી શકું. આજે સમાજમાં કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ હોય – યુવાન કે બુઝુર્ગ, એ કેટલાક પાયાના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. પછી એ અસમાનતા હોય, કે વિરોધ વ્યક્ત કરવાની સ્વતંત્રતાના સંદર્ભમાં હોય, કે માનવ અધિકારોના સંદર્ભમાં હોય, કે પછી જીવનની અનિશ્ચિતતા બાબતે હોય, કે સંકુલ માનવ સંબંધો વિશે મૂંઝવતા પ્રશ્નો હોય … આપણે સામુદાયિક રીતે એક એવા મુકામ પર છીએ જ્યારે આ ગતિવિધિઓ પ્રત્યે એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે આંખ આડા કાન કરવા શક્ય નથી. તો હું મારી જાતને એ સમૂહમાં મૂકું છું જે આ સમસ્યાઓ અને પ્રશ્નો માટે ચિંતિત છે, હેરાન છે. હું એમ માનું છું કે આ વાસ્તવિકતાઓ પ્રત્યે લક્ષ્ય આપવું એ જ સમાજના સામૂહિક સમારકામ તરફનો એક રસ્તો છે. એક કલાકાર તરીકે આવા પહાડ જેવા અભેદ્ય પ્રશ્નોને કેવી રીતે ખાળી શકાય એ, સાચું કહું તો, મને ખબર નથી. પણ કલાકાર ફક્ત એક સંવેદનશીલ વ્યક્તિ બનીને આમાં ઝંપલાવે તો, મને લાગે છે કે, મહત્ત્વનો ભાગ ભજવી શકે. હા, કલાના શિક્ષણથી અને કલા સાથેના વ્યક્તિગત સંબંધથી અને પોતાની કલાના માધ્યમથી વિચારોને પ્રસ્તુત કરીને કલાકાર આ કામ કરી શકે. કલા સમાજમાં સંવેદનશીલ વ્યક્તિઓ ચોક્કસ ઊભા કરી શકે.

પ્રશ્ન : કલાસાધના કરી રહેલા યુવા કલાકારોને તમે શું કહેશો?

ઉત્તર : જે માર્ગ ઉપર ચાલવાનું દિલથી નક્કી કર્યું હોય એમાં રત રહેવું અને એમાં મુસીબતો આવે તો પણ સતત જાત તપાસની ભાવનાથી ચાલતા રહેવું, અને મનોબળને વારંવાર એ રીતે સજીવ કરતા રહેવું, એ આજના સમયમાં યુવાનો માટે બહુ જરૂરી છે. કારણ કે સામાજિક પ્રશ્નો કે સુરક્ષિતતાના પ્રશ્નોથી આજના ઘણા યુવાનો માનોમંથન કરતાં રહેતાં હોય છે. તો જે પણ કરીએ એમાં આપણા હૃદયને અનુસરીએ અને જો મનોબળ, ખંત અને લગન હશે, અને જે માર્ગ નક્કી કર્યો છે એને માટે જો પ્રેમ હશે, તો એ મનોબળને સતત જીવંત રાખવાનું શક્ય બનશે. બીજું એક યુવાન તરીકે હું બીજાં મારા જેવાં યુવાનોને એમ કહીશ કે પ્રવાસો કરતાં રહો, અલગ અલગ સંસ્કૃતિઓને નજીકથી નિહાળો, તમારા પોતાના દેશને નજીકથી નિહાળો. પ્રવાસો એટલે આરામદાયક સુખસગવડવાળા પ્રવાસો નહીં, પણ કરકસરયુક્ત પ્રવાસો – ટ્રેનમાં મુસાફરી કરો, ગામડાંઓમાં ફરો, વિવિધ ભાષાઓ-બોલીઓ શીખો, વિવિધ ધર્મો અને તાત્ત્વિક વિચારધારાઓને નજીકથી નિહાળો, તો જ તમે સત્યની મોઢામોઢ ઊભા રહી શકશો.

e.mail : aradhanabhatt@yahoo.com.au

પ્રગટ : “નવનીત સમર્પણ”, નવેમ્બર 2020; પૃ. 18-24 તેમ જ 217-223

Loading

...102030...1,8531,8541,8551,856...1,8601,8701,880...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved