Opinion Magazine
Number of visits: 9663714
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહીને જીવતી રાખવી હોય તો ગાળો ભા.જ.પ.ને આપો, કાઁગ્રેસને નહીં

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|12 August 2025

હેમંતકુમાર શાહ

(૧) જેનું શાસન હોય એની ટીકા કરો. ભૂતકાળમાંથી કશું શીખવાનું કે નહીં? ભૂતકાળમાં કોઈ પણ પક્ષના શાસનમાં લોકશાહી ખરાબ હોય તો તે અત્યારે સુધરવી જોઈએ કે બગડવી જોઈએ? જો લોકશાહી સુધરવી જોઈએ એમ માનતા હોઈએ તો હાલના શાસકો જે કંઈ ખરાબ કરતા હોય તેની ટીકા કરવી જ પડે. એ આપદ ધર્મ કહેવાય! મહાભારતમાં કૃષ્ણે અર્જુનને શીખવેલો તે આપદ ધર્મ! 

(૨) કમાલનો તર્ક છે આ કે કાઁગ્રેસે ખરાબ કૃત્યો કરેલાં એટલે ભા.જ.પ. અને મોદી કરે તો ચાલે! કાઁગ્રેસે કટોકટી લાદેલી કે નહીં, તેણે સાંસદોને જેલમાં પૂરેલા કે નહિ? તો નરેન્દ્ર મોદી સાંસદોને રેલી ન કાઢવા દે તો ચાલે! 

(૪) કાઁગ્રેસનાં ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫-૭૭માં ૧૯ મહિના કટોકટી લાદેલી. તેઓ સરમુખત્યાર થઈ ગયેલાં. તેમ છતાં તેમણે ૧૯૭૭માં ચૂંટણી આપી. ચૂંટણીમાં હાર્યાં તો ગાદી છોડી દીધી. ચૂંટણી સમયે બંધારણીય રીતે જાહેર થયેલી કટોકટી ચાલુ હતી. ઇન્દિરા ધારે તે કરી શકે તેમ હતાં. પણ સત્તા છોડી. વોટ ચોરી મોટા પાયે કરવી હોત તો તેઓ કરી શકત કે નહીં? કરી? અરે, ચૂંટણી જ ન આપી હોત તો? તેઓ તાનાશાહ તરીકે સત્તા પર ચાલુ જ રહ્યાં હોત! 

(૫) સલમાન ખાન કાળિયારના શિકારમાં જેલમાં ના ગયો. કારણ ગમે તે હોય. માટે હવે તમે પણ કાળિયારનો શિકાર કરો, જાવ! કોઈ ગુનો કરે એટલે બીજાને ગુનો કરવાનો પરવાનો મળે છે? 

કાઁગ્રેસે આમ કરેલું અને કાઁગ્રેસે તેમ કરેલું, નેહરુ અને ઇન્દિરાએ આમ કરેલું ને તેમ કરેલું. એમ કહીને ભા.જ.પ., નરેન્દ્ર મોદી અને તેમના મળતિયાઓ અને તેમના અંધ ભક્તો પોતાને ગમે તે કરવાનો પરવાનો મળે છે એમ અબુધ નાગરિકોના મનમાં ઠસાવવા માગે છે. એમાં તર્કશીલ અને ભણેલાગણેલા લોકો પણ ફસાઈ જાય છે. આ ભારતની લોકશાહીને ખતમ કરવાની ભા.જ.પ.ની એક ખતરનાક ચાલબાજી છે, કાવતરું છે એ સમજવાની જરૂર છે. 

નેહરુ અને ઇન્દિરા પણ માણસ હતાં, કંઈ ભગવાન નહોતા. એમની હજારો ભૂલો થઈ જ હોય. તેઓ પણ રાજકીય માણસો હતાં. તેમને પણ પોતાને સત્તા જોઈતી હતી અને મળેલી સત્તા ટકાવવી હતી. પણ એ બેમાંથી કોઈએ પોતાને ભગવાન તરીકે ચીતરીને લોકોને છેતર્યા નહોતા. તેમણે એવું કહેલું કે તેઓ નોન-બાયોલોજીકલ છે?

આટલો તફાવત છે નેહરુ-ઇન્દિરા તથા નરેન્દ્ર મોદીમાં. અને જેને લોકશાહી એટલે શું એની ખબર હોય તેને માટે આ ફરક બહુ જ, અતિશય મોટો છે.

નાગરિકો માટે લોકશાહી મહત્ત્વની છે, કાઁગ્રેસ અને ભા.જ.પ. કરતાં વધારે લોકશાહીનું મહત્ત્વ છે. એની આડે જે કોઈ આવે, લોકશાહી ઘસાય એવું જે કંઈ થાય, એની ટીકા કરવી એ નાગરિકોનો ધર્મ છે.

એટલે અત્યારે કેન્દ્રમાં સરકાર મોદીની અને ભા.જ.પ.ની છે. એ સરકાર કે સરકારી સંસ્થાઓ કે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓ લોકશાહીને ધક્કો પહોંચતું કંઈ પણ કરે તો તેની ટીકા કરવાના અધિકારનો ઉપયોગ નાગરિકોએ કરવો જોઈએ. મહાન સંસ્કૃતિ ધરાવતા આ દેશમાં તમારે શું જોઈએ છે, ધર્મોક્રસી જોઈએ છે કે ડેમોક્રસી? 

ભારત લોકશાહીની ભયાનક કટોકટીની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને રાજાશાહી કે તાનાશાહી કહેવાય તેવી સ્થિતિમાં સરકી રહ્યો છે. બુદ્ધિ હોય તો, સમજો જરા. 

કોઈ પણ સત્તાને પડકારો, પછી એ રાજકીય હોય કે ધાર્મિક કે સામાજિક કે આર્થિક. બધી જ સત્તા મનુષ્યને ગુલામ બનાવવા અને રાખવા માગે છે. આઝાદ મનુષ્ય રહેવું હોય તો, અને બુદ્ધિનો ઉપયોગ કરતાં આવડતું હોય તો એ સત્તાને પડકારો. બુદ્ધિ હોય તો વાપરો, સત્તાને પડકારવામાં. 

તા.૧૨-૦૮-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ કાયમી સુલેહ થશે?

આશા બૂચ|Opinion - Opinion|12 August 2025

આશા બૂચ

પેલેસ્ટાઇન-ઇઝરાયેલ અને યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ તનતોડ મહેનત કરી રહ્યા છે. રાતના ઉજાગરા કરવા પડે અને પોતે અસંબદ્ધ નિવેદન આપી રહ્યા છે, તેની પણ પરવા કર્યા વિના તેઓ જગતમાં શાંતિ સ્થાપવા કટિબદ્ધ છે, કેમ કે તેમની નજર સામે નોબેલ પારિતોષિક પર ડોનલ્ડ ટ્રમ્પ કોતરેલું દેખાઈ રહ્યું છે. સવાલ એ છે કે માનો કે પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ થાય, તો એ બે દેશો અને તેના પાડોશી દેશો વચ્ચે કાયમી સુલેહ અને શાંતિ રહેશે તેની ખાતરી શી?

આ બે દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થવો એ કંઈ નવી બીના નથી. તાજેતરમાં છેડાયેલ યુદ્ધ માટે હમાસે કિબુત્ઝ પર આક્રમણ કરીને ઇઝરાયેલીઓનું અપહરણ કર્યું તે ઘટનાને કારણભૂત જરૂર માની શકાય. પરંતુ એ બે દેશો વચ્ચે દુશ્મનાવટ ભર્યા સંબંધો પાછળ હજારો વર્ષ જૂનો ઇતિહાસ જવાબદાર છે.

પેલેસ્ટાઈનને યહૂદીઓનો મુલક બનાવવાની યોજનાના સમર્થકો એવી માન્યતા ધરાવે છે કે જુઇશ પ્રજાનો એ ભૂમિ પર અધિકાર હતો તેમ ઐતિહાસિક પુરાવા સાબિત કરે છે, માટે ત્યાંના રહીશ આરબ પ્રજાને રહેવાનો અધિકાર નથી અને ભૂમધ્ય પ્રદેશ તેમ જ યુરોપમાં લઘુમતી કોમ તરીકે સહેલા અન્યાયોનો અંત લાવવા જુઇશ રાજ્ય – ઇઝરાયેલ સ્થાપવું એ તેમનો અધિકાર છે.

જો સદીઓ જૂની પરિસ્થિતિને સંભારીને હાલની ભૌગોલિક-રાજકીય વ્યવસ્થાને ડહોળી નાખવી હોય, તો થોડાં હજાર વર્ષ પહેલાંના નકશા પર નજર કેમ ન નાખવી? એ આખા પ્રદેશ પર તો ઇજિપ્શિયન, અસીરિયન, બેબીલોનિયન, પર્શિયન, મેસેડોનિયન, રોમન અને આરબ સામ્રાજ્યો સમાયંતરે શાસન કરતા રહ્યા હતા; તો શું આજે એ બધા દેશો તેના પર દાવો માંડી શકે ખરા?

પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચે છેલ્લા થોડા દાયકાઓમાં બનેલી ઘટનાઓ તપાસતાં સવાલ થાય કે શું જગતમાં ક્યારે ય જુઇશ અને મુસ્લિમ પ્રજા એક જગ્યાએ હળીમળીને શાંતિથી રહી જ નહીં હોય? ઇતિહાસકારોની નોંધ દર્શાવે છે કે એ બંને પ્રજા દુનિયાના અલગ અલગ ભાગમાં હળીમળીને રહેતી હતી. ઉદાહરણ તરીકે સ્પેઇનમાં અંડાલુસ (Al-Andalus), કે જે મુખ્યત્વે ઇસ્લામિક પ્રભુત્વ ધરાવતો પ્રદેશ હતો ત્યાં, ઓટોમન સામ્રાજ્ય હેઠળના દેશોમાં, મોગલ કાળ દરમિયાન ભારતમાં, મોરોક્કોમાં અને દુનિયાના અન્ય મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં એ બંને પ્રજા સુલેહથી રહેતી હતી તેમ જાણવા મળે છે. એટલું જ નહીં, જુઇશ પ્રજા મોટે ભાગે જે તે સમાજમાં તેના અભિન્ન અંગ થઈને રહેતી અને મહત્ત્વના ગણાવી શકાય તેવા સરકારી, શૈક્ષણિક અને વ્યાપારી ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાન ધરાવતા. તો, એવું તે શું બન્યું કે હવે જુઇશ-મુસ્લિમ પ્રજા શાંતિથી ન જીવે કે ન જીવવા દે?

શાણો માણસ એને કહેવાય, જે પોતાના વર્તમાનમાં લીધેલાં નિર્ણયો ભવિષ્યમાં પોતાને માટે, અન્ય સંબંધિત લોકો માટે, કે સમાજ અથવા સમગ્ર દેશ-દુનિયા માટે કેવા પરિણામો લાવશે, તેનો પૂરો વિચાર કર્યા બાદ તેને અમલમાં મૂકે. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો, ત્યારે 400 વર્ષના ઓટોમન સામ્રાજ્યનો પણ અંત આવ્યો. હાલના ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને જોર્ડનનો સંયુક્ત વિસ્તાર – પેલેસ્ટાઇનનો કબજો 1917ના બાલ્ફોર ડેક્લેરેશન દ્વારા બ્રિટને લીધો તેને લીગ ઓફ નેશન્સે 1922માં માન્યતા આપી, ત્યારે વિચાર નહીં આવ્યો હોય કે સો વર્ષ પછી પણ ત્યાંની પ્રજા લડાઈ કરતી રહેશે? બ્રિટનની મુખત્યારીના સમય દરમિયાન એ આખો પ્રદેશ પેલેસ્ટાઇન તરીકે જ ઓળખાતો હતો, તો તેમાં તડ ક્યારે અને શાથી પડી?

નોંધનીય હકીકત તો એ છે કે સ્થળાન્તર કરીને આવેલા અને સ્થાયી થયેલા જુઇશ લોકોએ ઊભી કરેલી રોજગારની તકોથી આકર્ષાઈને ઈ.સ. 1897થી 1948 દરમિયાન ઇજિપ્ત, સીરિયા અને લેબેનોન જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં આરબ લોકો પેલેસ્ટાઇન આવીને વસ્યા હતા. એટલું જ નહીં, 1948માં ઇઝરાયેલ સ્ટેટની સ્થાપના થઇ તે પહેલાં જુઇશ પ્રજા ભૂમધ્ય પ્રદેશના દેશો, યુરોપ અને આફ્રિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં વસતા હતા. તો એમનાં મૂળ એ દેશોમાંથી ઉખેડીને જે ભૂમિ પર હજારો વર્ષ પહેલાં જુઇશ પ્રજા રહેતી હતી ત્યાં તેમને વસાવવા પાછળ કયો ઉમદા હેતુ હતો?

ઇઝરાયેલ તરીકે ઓળખાતી ભૂમિ પર હજારો વર્ષ પહેલાં અબ્રાહમ આવ્યા અને ઇઝરાયેલનું રાજ્ય સ્થાપ્યું ત્યારના જુઇશ લોકો એ ધરતી પર વસતા હતા અને આરબ પ્રજા ત્યાં આવીને વસી અને એ પ્રદેશને પેલેસ્ટાઇનની ઓળખ મળી એ થોડી સદીઓ બાદની ઘટના છે એ ખરું. પણ ત્યાર બાદ એ આખો પ્રદેશ આરબનું વતન બની ગયો હતો. તેઓ પોતાની ભાષા, ધર્મ અને સંસ્કૃતિનાં મૂળ નાખીને રહ્યા હતા. 1948માં જ્યારે ઇઝરાયેલનું રાજ્ય સ્થાપવાનો પ્રસ્તાવ મુકાયો ત્યારે આરબોએ વિરોધ કરેલો. તેની અવજ્ઞા બ્રિટનની તત્કાલીન સરકાર અને લીગ ઓફ નેશન્સે કરી ત્યારે સ્વપ્નમાં ય ખ્યાલ નહીં હોય કે એકવીસમી સદીમાં જુઇશ લોકો એ જમીન પર હક જમાવવા હિંસા આચરશે. કોઈ દિવસ પોતાના વડવાઓનું ઘર વેંચાઈ ગયા બાદ એની માલિકી બીજાની હોય, તો એના ઘરમાં અનધિકાર પ્રવેશ કરાય?

જ્યારે 14 મે 1948ને દિવસે જુઇશ એજન્સીના વડા ડેવિડ બેન-ગુરિઓને ઇઝરાયેલ રાજ્યની સ્થાપનાની ઘોષણા કરી, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેને તેને તે જ દિવસે માન્યતા આપી. અને આજની ઘડી સુધી અમેરિકાએ જુઇશ લોબીના પ્રભાવમાં આવીને ઈઝરાયેલને શસ્ત્રો આપીને પાડોશી ઇસ્લામિક દેશો સામે લડવા માટે પૂરેપૂરું સજ્જ બનાવ્યું છે. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ શાંતિ સ્થાપવા કેમ કટિબદ્ધ થયા હશે, ભલા?

ઘડીભર સ્વીકારી લઈએ કે યુ.એન. અને યુરોપના દેશો હમાસ અને ઇઝરાયેલની સરકારની વેરભાવનાને ટાઢી પાડવા સફળ થશે. છતાં આસપાસ ચોપાસ ઘેરાયેલા ઇસ્લામિક દેશોનો દુનિયાના એક માત્ર જુઇશ સ્ટેટ સાથે સંબંધ કેવો રહેશે? જે જુઇશ પ્રજા હજારો વર્ષ પહેલાં પોતાના વડવાઓની ભૂમિ પર અધિકાર કરવા ગેરકાયદેસર વસાહત ઊભી કરે, ભયાનક હિંસા આચરે, એ શું રાતોરાત મુસ્લિમ પ્રજા સાથે દોસ્તી કરશે?

અહીં ગાંધીજીનું વચન યાદ આવે.

ગાંધીજીને જુઇશ પ્રજા પર વીતેલા દમન માટે તેમના માટે ભરપૂર સહાનુભૂતિ હતી, પરંતુ આરબ લોકોની સહમતી વિના ઇઝરાયેલનું રાજ્ય સ્થાપવું તેમને મન અન્યાય ભરેલું હતું. એનો શાંતિમય ઉપાય એક જ હતો, જુઇશ પ્રજા પેલેસ્ટાઇનમાં વસતા લોકોની પરવાનગીથી તેમની સાથે રહેવા લાગે અને સમય જતાં બંને વચ્ચે સુમેળ ભર્યા સંબંધો વિકસે અને બંનેનો વિકાસ થાય. જેમ દુનિયામાં ઘણા દેશોમાં અન્ય દેશોમાંથી આવેલી પ્રજા હળીમળીને રહે છે, પ્રગતિ કરે છે, પોતે સમૃદ્ધ થાય અને પોતાના દત્તક લીધેલા દેશને પણ લીલોછમ બનાવે છે એનો ઇતિહાસ સાક્ષી છે.

આંતરરાષ્ટ્રીય સંગઠન અને લવાદી કરનારા દેશો પોતાનાં સૂચનો, નિર્ણયો અને પગલાંઓની દૂરગામી અસરો વિષે પૂરેપૂરો વિચાર કરે તે માટે ગોડ, અલ્લાહ એમને શક્તિ આપે એવી દુવા.

e.mail : 71abuch@gmail.com

Loading

પરમ પદની લ્હાયમાં પતન પામતો દેવદૂત – લુસિફર  

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|11 August 2025

અરવિંદ વાઘેલા

સ્વતંત્રતા ઈશ્વરીય ભેટ છે. પરમેશ્વરે દરેકને સ્વતંત્ર ઇચ્છાશક્તિ આપી છે. સર્વશક્તિમાન પ્રભુ યહોવાહે જ્યારે દૂતોનું સર્જન કર્યું, ત્યારે તેમને પણ સ્વતંત્ર ઇચ્છાશક્તિ આપી. ઇચ્છાશક્તિ વ્યક્તિને પોતાના નિર્ણયો લેવાની છૂટ આપે છે. જેને કારણે તે પોતાને પસંદ એવો નૈતિક કે અનૈતિક માર્ગ પસંદ કરી શકે છે. જો વ્યક્તિ ખોટાં નિર્ણયો લે, જેમ કે લોભ, લાલચ, દ્વેષ કે અહંકારથી પ્રેરિત નિર્ણયો લે તો તેનું પતન થઈ શકે છે. સ્વતંત્રતાનો દુરુપયોગ પાપ કે નૈતિક અધ:પતન તરફ દોરી જાય છે. સ્વતંત્ર ઇચ્છાશક્તિ પોતે પતનનું કારણ નથી. તેનો કઈ રીતે ઉપયોગ થાય છે એના પર નિર્ભર છે. ઝ્યાં પોલ સાર્ત્ર જેવા લેખક અને ચિંતક સ્વતંત્ર ઇચ્છાશક્તિને માણસની જવાબદારી સાથે જોડે છે. અર્થાત સ્વતંત્રતા ભોગવો તો સાથે જવાબદારી પણ નિભાવો. જો માણસ જવાબદારી ન સ્વીકારે તો તે ખોટાં માર્ગે જઈ શકે છે. સ્વતંત્રતાનો  નૈતિકતા અને જવાબદારી સાથે વિવેકપૂર્ણ ઉપયોગ કરો તો ઉત્થાન અને સ્વાર્થ, અહંકાર અને અજ્ઞાન સાથે ઉપયોગ કરો તો પતન ! દરેક વ્યક્તિ પોતાના આત્માની નૈતિક સ્થિતિ માટે જવાબદાર છે.

પવિત્ર જગ્યામાં પાપ ન થાય એની કોઈ ખાતરી નથી. સ્વર્ગ જેવી પવિત્ર જગ્યામાં પણ નૈતિક અધ:પતન થઈ શકે છે. પવિત્રતાની વચ્ચે પણ પતિતતા પાંગરે એનું સચોટ ઉદાહરણ સ્વર્ગદૂત લુસિફર છે. દૂતોનું સર્જન હેતુલક્ષી છે. સ્વર્ગમાં દેવના રાજ્યાસનની અહર્નિશ સ્તુતિ આરાધના માટે દેવે સ્વર્ગ દૂતોનું સર્જન કર્યું. તેમની પ્રથમ જવાબદારી રાજ્યાસનના મહિમાના ગૌરવગાનની છે. યહોવાહ દેવે દૂતોનું સર્જન ક્યારે કર્યું ? એના વિષે બાઈબલ કે ઉત્પત્તિ : ૧માં કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ વચનમાં કહેવાયા પ્રમાણે – ‘ …. તેનાથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે. જે દૃશ્ય તથા અદૃશ્ય છે. રાજ્યાસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયાં’. અર્થાત દેવે સઘળાંનું સર્જન કર્યું.  કેટલાક ધર્મશાસ્ત્રીઓ અને અભ્યાસીઓ એવું અનુમાન કરે છે, કે દેવે સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કર્યું તે દરમ્યાન કે તે પહેલાં દેવદૂતોનું સર્જન કર્યું. યહોવાહ દેવે પોતાની દૈવી યોજનાઓની પરિપૂર્તિ માટે જુદા જુદા પ્રકારના દૂતોનું સર્જન કર્યું. કેટલાક Non Biblical – Apocrypha અને The Book of Enoch જેવા ગ્રંથો દૂતોને Rank, Role અને Authorityને આધારે સ્વર્ગીય અધિશ્રેણીમાં વહેંચે છે. જેમાં અનુક્રમે સરાફિમ જેઓ (દેવની સમક્ષ રહી ‘પવિત્ર પવિત્ર પવિત્ર છે, સૈન્યોના દેવ યહોવાહ, આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે,’ એવા અખંડનાદથી રાજ્યાસનનો મહિમા અને ધન્યવાદ કરનારા ઉચ્ચ શ્રેણીના દૂતો છે.) કરુબિમ (દેવસેવા અને રક્ષણ તથા માર્ગદર્શન કરનાર દૂતો છે.) પ્રમુખ દૂતો (Archangels – રક્ષણ અને સંચારના દૂતો) દેવદૂતો (Angels – સેવા, સંદેશાવહન અને માર્ગદર્શક દૂતો) છે. આ સઘળા દૂતોમાં લુસિફરનું સર્જન વિશિષ્ટ છે.  

લુસિફર (Lucifar) લુસિફર શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તો મૂળ હિબ્રુ શબ્દ Helel ben Shahar જેનો અનુવાદ Shining One (તેજસ્વી) થયો. હિબ્રુ શબ્દ Helelનો લેટિનમાં અનુવાદ Lucifar થયો. લેટિનમાં જેનો અર્થ પ્રકાશ લાવનાર (Light Bearer) કે સવારનો તારો (Morning Star) થાય છે. બાઈબલમાં લુસિફરની ઓળખ તેજસ્વી તારા (Morning Star ) તરીકે થઈ છે. જુઓ યશાયાહ 14:12

લુસિફર, પ્રભુ યહોવાહે સર્જેલો અત્યંત સુંદર જીવ / દેવદૂત હતો. તે રૂપસૌંદર્ય, જ્ઞાન-બુદ્ધિચાતુર્ય તથા શક્તિ, સામર્થ્ય અને નેતાગીરીમાં સંપૂર્ણ હતો. પ્રભાવક વક્તા લુસિફરને દેવે પ્રકાશ કે અગ્નિથી બનાવ્યો હતો. તેનું વ્યક્તિત્વ આંજી નાખે તેવું પ્રભાવક હતું. દૂતોની સ્વર્ગીય અધિશ્રેણીમાં લુસિફરને આર્ક એન્જલ અને કરુબ તરીકે ઓળખવામાં આવ્યો છે અર્થાત તે સર્વોચ્ચ દેવદૂત હતો.

ભૂમિકા – 

તેની મુખ્ય ભૂમિકા કે પ્રમુખ કાર્ય પ્રભુ યહોવાહ સમક્ષ સ્તુતિ આરાધના કરવાનું હતું. યહોવાહ દેવના રાજ્યાસનના મહિમા અને ગૌરવનું ગાન કરનાર દેવદૂતોના જૂથનો તે અગ્રણી નેતા હતો. પૂર્ણ નિષ્ઠા અને સમર્પિતભાવે તે દેવની આરાધના કરતો. હઝ્કીએલ ૨૮:૧૪ તેને – ‘આચ્છાદન કરનાર અભિષિક્ત કરુબ’ કહે છે. લુસિફર પરમેશ્વરને પ્રિય દેવદૂત હતો.

અહમનો જન્મ – 

અસાધારણ સૌંદર્ય અને અત્યંત તીવ્રબુદ્ધિ કે જ્ઞાનને કારણે વ્યક્તિને સતત પ્રશંસા કે ધ્યાન આકર્ષિત કરવાની અપેક્ષા રહેતી હોય છે અને તે ન મળે ત્યારે શ્રેષ્ઠતાની ભાવના (Superiority Complex) અહંકારને જન્મ આપે છે. દેવે આપેલી સ્વતંત્ર ઇચ્છાશક્તિને કારણે લુસિફરને સૌંદર્યનું, જ્ઞાનનું, શક્તિનું, અભિમાન થયું. તેને સ્વના પ્રેમમાં પાડનાર Narcissist નાર્સીસ્ટ ગ્રંથિએ તેનામાં અહંકારને જન્મ આપ્યો. આ Superiority Complex શ્રેષ્ઠતાની ભાવનાએ તેનામાં પરમેશ્વરની સમકક્ષ કહો કે પરાત્પર કરતાંયે ઉચ્ચ થવાના ગર્વિષ્ઠ વિચારને જન્મ આપ્યો. આમ તો કોઈ પણ વિચારના સ્વતંત્ર અસ્તિત્વનું કોઈ મૂલ્ય હોતું નથી, પણ જ્યારે એ વિચાર અમલમાં મુકાય પછી જ એનું મૂલ્ય નક્કી થાય છે. લુસિફરે પોતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિના બળે એ વિચાર પર અમલ કરવાનું નક્કી કર્યું. પોતાના સર્જનહારની સામે વિદ્રોહ કર્યો. પરાત્પરની સામે પોતાની જાતને ઊંચી કરવાનો પ્રયાસ લુસિફરે કર્યો. જુઓ યશાયાહ ૧૪: ૧૩,૧૪ તે કહે છે, કે – ‘હું દેવના તારાઓ કરતાં મારું રાજ્યાસન ઊંચું રાખીશ;.. … હું મેઘો પર આરોહણ કરીશ, હું પોતાને પરાત્પર સમાન કરીશ.’ લુસિફરે પોતાના સ્વાર્થ અને અહંકારને કારણે સ્વર્ગમાં બંડ પોકાર્યું, પરાત્પરની સમક્ષ રહેતો હોવા છતાં પાપનો પક્ષ પસંદ કર્યો. પ્રભુ યહોવાહે તો દરેક દેવદૂતોને સારા બનાવ્યા હતા, લુસિફરને માટે પણ હઝકીયેલ ૨૮:૧૫માં કહેવામાં આવ્યું છે, કે – ‘તારી ઉત્પત્તિના દિવસથી, તારામાં દૂરાચાર માલૂમ પડ્યો ત્યાં સુધી તારાં આચરણ સંપૂર્ણ હતા.’ પરંતુ તે પોતાની પસંદગીથી, પોતાની ઈચ્છાથી ભ્રષ્ટ થયો, નહિ કે દેવના સર્જનની કોઈ ખામીને કારણે. 

વિદ્રોહની શરૂઆત – 

પ્રભુ યહોવાહની પૂર્ણ રચના દેવદૂત લુસિફર, પોતાના જ સર્જનહારની સામે વિદ્રોહ કરી પ્રતિપક્ષી બની ગયો. સુંદરતા અને શક્તિના ગુમાને તેનામાં સ્વશ્રેષ્ઠતાની ભાવના તો જન્માવી જ, ઉપરાંત પરમેશ્વરનો વિશેષ પ્રેમ અને અન્ય દૂતોની પ્રશંસાથી એનામાં પરમ થવાની ભાવના બળવત્તર બની. હઝકીયેલ ૨૮:૧૭ ને જુઓ – ‘તારા સૌંદર્યને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું, તારા વૈભવને લીધે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે,’ પ્રભુ યહોવાહની ભવ્યતા અને ગૌરવ જોઈ એ તુલના કરતો થયો કે, પોતે આટલો સર્વાંગ સંપૂર્ણ છે, તો શા માટે હું પરમેશ્વર જેવો ના થાઉં ? ધીરે ધીરે પરમેશ્વર પિતા તરફની એની આસ્થામાં ઓટ આવી, રાજ્યાસન પ્રત્યેની એની શ્રદ્ધા ડગી એટલે એની આરાધનામાં ઓટ આવી. પ્રભુના મહિમાના ગાન હવે તે અધૂરા મનથી ગાતો. પરમેશ્વરને એના બદલાયેલા વર્તનનો ખ્યાલ આવ્યો. દેવે એને પ્રેમથી સમજાવ્યો, તેને સમય આપ્યો, તક આપી પણ તે પાછો ન ફર્યો, ઊલટાનું પોતાને વધુનો હકદાર સમજવા લાગ્યો! લુસિફરને દેવને વફાદાર રહેવાની ઇચ્છા તો હતી, પણ એની મહત્ત્વાકાંક્ષા વધુ બળવાન સાબિત થઈ. તેના મનના અંધારા ખૂણામાં ઘમંડનું બીજ પાંગર્યું. પોતાના ભાવિ માટે તેણે યોજના બનાવી લીધી. એક રીતે આદમ-હવાની જેમ જ લુસિફરની પણ આ પરીક્ષા હતી. એડનવાડી ધરતીનું સ્વર્ગ હતી, પરંતુ ભલા ભૂંડાના વૃક્ષે તેમને આઝાદીની યાદ અપાવી. હવાને પણ પરમેશ્વર જેવા થવાની લાલસા થઈ, એવું જ લુસિફરનું થયું. એણે પણ સર્જનકર્તા પ્રત્યે વફાદાર અને આજ્ઞાપાલક રહેવાને બદલે સ્વતંત્રતા પસંદ કરી. મિથ્યા ઘમંડે વિદ્રોહના બીજને પોષણ પૂરું પાડ્યું.

પરમેશ્વરની યોજનાનો વિરોધ  –

સ્વર્ગમાં જન્મેલા આ પાપની સાંકળ શેતાન મજબૂત બનાવે અને પૃથ્વી પર એનો વિસ્તાર કરે તો? સ્વર્ગના અધિષ્ઠાતા પ્રભુ યહોવાહે તમામ દૂતોને એકત્રિત કરી પોતાની ભાવિ યોજના સ્પષ્ટ કરી. પૃથ્વી પરથી પાપની સાંકળ તોડવા પ્રકાશનો પરમેશ્વર પોતે પુરુષરૂપે, માનવદેહે ધરતી પર જન્મ લેશે, અર્થાત પોતાના પુત્રને પૃથ્વી પર મોકલશે ત્યારે સઘળા દેવદૂતોને તેની સેવા કરવાનું ફરમાન કર્યું. હિબ્રુ ૧:૬ પ્રમાણે – ‘જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે ત્યારે તે કહે છે, કે ઈશ્વરના સર્વદૂતો તેનું ભજન કરો.’ દેવે દૂતોનું સર્જન સેવાને અર્થે જ કર્યું છે. હિબ્રુ ૧:૧૪માં કહેવાયું છે,કે  – ‘… શું તેઓ સર્વ સેવા કરનાર આત્મા નથી.’ 

પરમેશ્વરની આ યોજના લુસિફરને પસંદ ન આવી. પોતે પરમેશ્વરનો પ્રિય, સર્વાંગ સંપૂર્ણ હોવા છતાં દેવે એને નાપસંદ કરી સ્વયં પોતે જ માનવ શરીર ધારણ કરી ધરતી પર આવવાનું પસંદ કર્યું. દેવદૂતો પ્રકાશ કે અગ્નિથી બનેલા હોય, લુસિફર પોતાને પ્રકાશનું સંતાન ગણી અહમ અને ધૃણા સાથે માણસની સેવા કરવાની ના પાડે છે. એની વિચારધારાના સાથી દૂતોને એણે પ્રભાવક રીતે સમજાવ્યું, કે આ ખોટું છે અને આપણે એ ન માનવું જોઈએ. આપણે પ્રકાશથી બનેલા છે, આપણું સ્થાન ઉચ્ચ હોવું જોઈએ, ના કે નિમ્ન, આપણે શા માટે માટીના બનેલા કમજોર માણસની આગળ ઝૂકવું જોઈએ? લુસિફરની વાતોથી પ્રભાવિત થયેલા કેટલાંક દૂતોએ Son of man(માનવપુત્ર પ્રભુ ઈસુ)ની સેવા કરવાનો, એમની સમક્ષ ઝૂકવાનો ઇનકાર કર્યો. તેના જૂથે સ્વર્ગમાં વિદ્રોહનું વાતાવરણ ઊભું કર્યું.

સ્વર્ગીય યુદ્ધ અને શેતાનનો પરાજય  – 

સ્વર્ગીય વાતાવરણમાં ઊભી થયેલી આ વિદ્રોહની હવામાં લુસિફરનું ઘમંડ સાતમા આસમાન પર હતું. તે પોતાના રેન્ક, રોલ અને ઓથોરીટીનું ગુમાન કરતાં કહે છે, કે હું પરમેશ્વરની ભક્તિમાં સૌથી આગળ છું, તે શું હું એક માનવીની સેવા કરું ? પ્રકાશથી બનેલો હું માટીના માણસની સેવા કરું? તેની વિચારધારાના દેવદૂતોને તેની વાત સાચી લાગી. લુસિફર તેમને સ્વર્ગના બંધનોથી આઝાદ કરવાનું વચન આપે છે. જ્યાં કોઈની સામે ઝૂકવું ન પડે તેવું વાતાવરણ ઊભું કરી પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપવાની લાલચ આપી. આથી બંડખોર દૂતોએ પોતાના નેતા તરીકે લુસિફરને પસંદ કર્યો. આઝાદ થવાની ભાવનાવાળા મહત્ત્વાકાંક્ષી અને ઘમંડી લુસિફરે બંડખોરોની સેના તૈયાર કરી સ્વર્ગમાં દેવ સામે આધિપત્યની લડાઈ છેડી. દેવના પક્ષે પ્રમુખ દેવદૂત મિખાઈલે મોરચો સંભાળ્યો. તેણે પ્રથમ તો લુસિફરને સમજાવ્યો, તેને વાસ્તવિકતાનું ભાન કરાવતાં કહ્યું કે, તું ઘમંડી છે એટલે તું પોતાને પરમેશ્વરથી ઉપર ગણે છે. પ્રમુખ દેવદૂત મિખાઈલે સ્વર્ગના દેવદૂતો સમક્ષ મોટી જાહેરાત કરતાં કહ્યું કે, Who is like God – દેવના જેવો કોણ છે ? મિખાઈલની વાત સાચી હોવા છતાં લુસિફરને પસંદ નથી, કેમકે મિખાઈલને તે તેનાથી નીચી કક્ષાનો દેવદૂત ગણે છે. લુસિફરે ધર્મને બદલે અધર્મ, પ્રકાશને બદલે અંધકાર અને  સદને બદલે અસદ પસંદ કર્યું. તેની જીદને કારણે સ્વર્ગમાં ભયંકર યુદ્ધ ખેલાયું. દેવના પક્ષે, દેવ પર અગાધ વિશ્વાસ અને અનન્ય પ્રેમ ધરાવનાર આર્ક એન્જલ મિખાઈલ સેનાપતિ હતો. પ્રભુ યહોવાહની શક્તિ અને સહાયથી મિખાઈલે, લુસિફર અને તેના સૈન્યને પરાજિત કર્યું અને તેમને પૃથ્વી પર ફેંક્યા. પ્રકટીકરણ ૧૨:૭ પ્રમાણે – ‘… પછી આકાશમાં લડાઈ જાગી, મિખાઈલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા તો પણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ, તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે જગતને ભમાવે છે. તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.’ લુસિફર સ્વર્ગના ત્રીજા ભાગના અપદૂતો સાથે પૃથ્વી પર પડ્યો. (અંગ્રેજ મહાકવિ જોન મિલ્ટન ‘પેરેડાઇઝ લોસ્ટ’ મહાકાવ્યમાં પરાજય પછી લુસિફર અને તેના સાથીઓને નર્કમાં ફેંકવામાં આવ્યાં હોવાની કલ્પના કરે છે. સ્વર્ગના આ શુદ્ધિકરણ પછી દેવે દુનિયાનું સર્જન કરી તેની કમાન આદમ-હવાને આપી. દેવે નવી બનાવેલી પૃથ્વી અને તેની પ્રિય રચના માનવને ભ્રષ્ટ કરવા શેતાન એડનમાં પ્રવેશ કરે છે. સર્પ વેશે હવાને ભરમાવી તે વિજયી રીતે નરકમાં પાછો ફરે છે અને સાથીઓને માણસના પતનની વાત કરે છે.)

સ્વર્ગથી નિષ્કાસન અને  અધ:પતન –

લુસિફર દેવથી દૂર થયો, પ્રકાશથી દૂર થયો પણ ઘમંડ કે નફરત ઓછી ન થઈ, તે દેવનો ઘોર વિરોધી બની ગયો. દેવની બનાવેલી દુનિયાને, દુનિયાની વ્યવસ્થાને અને માનવતાને બરબાદ કરવાનું પ્રણ લઈ બેઠો. સ્વર્ગના પ્રકાશથી અંધકારમાં ધકેલાયેલો લુસિફર નફરત અને ધૃણામાં અંધ થઈ ગયો અને અધ:પતન પામી શેતાન બન્યો. એની નફરત અને ગુસ્સાનું નિશાન માણસો બન્યા. પ્રક. ૧૨:૧૨નું વચન આ સંદર્ભે કહે છે,કે – ‘… પૃથ્વી તથા સમુદ્રને અફસોસ ! કેમ કે શેતાન તમારી પાસે ઉતરી આવ્યો છે, ને ઘણો કોપાયમાન થયો છે’. અંત સમયે પૃથ્વી પર શેતાન જાનની બાજી લગાવી દેશે, વિશ્વાસીઓના મનમાં શંકા પેદા કરી ધર્મના માર્ગથી ભટકાવવાના વિવિધ હથકંડા અજમાવશે. પૃથ્વી પર પોતાનું આધિપત્ય જમાવવા તેમ જ  પોતાને દેવ તરીકે પ્રસ્થાપિત કરવા તથા લોકો તેની પૂજા કરે માટે પૃથ્વીના લોકોને વિવિધ પ્રકારની લાલચ અને વિદ્યા આપી, લુસિફર અને એના સાથીઓ પરમેશ્વર જેવો મહિમા મેળવવાના પ્રયત્નોમાં લાગી ગયા. 

શેતાનની માયાજાળ –

સ્વર્ગથી નિષ્કાસિત લુસિફર સાથે ૨૦૦ જેટલા (Watchers) ચોકીદાર દૂતો માઉન્ટ હર્મોન પર ઉતર્યા (1 Enoch 5 ,6 ) જેમાં 20 જેટલા તેમના નેતાઓ હતા. જેમણે પૃથ્વીના લોકોને વિવિધ વિદ્યા શીખવાડી જેમાં મુખ્ય છે –

1. Samyaza – (વોચર્સનો નેતા સામયાઝા) જેણે આ અપદૂતોને માણસની દીકરીઓ સાથે સંબંધ બનાવવાની, લગ્ન કરવાની સલાહ આપી.

2. Araquiel – (અરાકિએલ), જેણે પૃથ્વી સંબંધી , ભૂસ્તરશાસ્ત્રની વિદ્યા આપી.

3. Ramael – (રમાએલ) – સ્વાદ વિશેનું જ્ઞાન ( કડવો – મીઠો વગેરે )

4. Kokabiel – (કોકાબિએલ) – એસ્ટ્રોલોજી –  જ્યોતિષવિદ્યા શીખવી.

5. Tamaiel – (તમાયિએલ) – એસ્ટ્રોનોમી – ખગોળવિદ્યા 

6. Azael – (અઝાએલ) – મેટલ વર્ક – ધાતુકામ – 

જેવી વિદ્યાઓ ઉપરાંત દુન્યવી જ્ઞાન, મંત્ર તંત્ર, જાદુટોણા વગેરે માનવને શીખવી પૃથ્વીના લોકોનો વિશ્વાસ સંપાદન કરવાની કોશિશ કરી અને સફળ પણ થયા. શેતાન અને તેના દૂતોનું મુખ્ય ધ્યેય તો જે ભાવોને કારણે તેમનું પતન થયું તે અહંકાર, ઈર્ષ્યા અને  સ્વાર્થ જેવા ભાવો માણસોમાં પેદા કરી દુનિયાની સુચારુ વ્યવસ્થાને ખોરવી નાખવાનું હતું. 

શેતાન ઇચ્છે છે, કે દુનિયાના લોકો પરમેશ્વરની જેમ તેની પૂજા કરે, આ માટે તેણે  શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી. તેનું મુખ્ય નિશાન વિશ્વાસીઓ છે. દેવ બાપથી જે દૂર જાય, અંધકારને માર્ગે ભટકે તેને તે નિશાન બનાવે છે. જુઓ વચન આપણને સાવધ કરતાં કહે છે કે, – ‘ સાવધ થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેણે ગળી જવાને શોધતો ફરે છે.’ 1 પીટર 5-8 શેતાનના નિશાને સમગ્ર માનવજાત અને માનવતા છે. શેતાન દુનિયામાં વિરોધી વ્યવસ્થા ઊભી કરી પોતાના તરફ લોકોને ખેંચી રહ્યો છે. લોકો ભૌતિકતાના નશામાં દેવથી દૂર થઈ રહ્યા છે. વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિકસ ઉપકરણો લોકોને આધ્યાત્મિકતા અને વચનથી દૂર કરી રહ્યા છે. વ્યભિચાર અને અશ્લીલતા લોકોને સહજ લાગી રહ્યા છે. ઓનલાઈન જુગારની જાહેરાત સામાન્ય બની ગઈ છે. અશ્લીલ ફિલ્મ અને વેબ સીરીઝની  બીભત્સ ભાષા લોકોને શેતાની સામ્રાજ્યના ગુલામ બનાવે છે. Eat, Drink and Be merry ખાઓ, પીઓ, અને મજા કરોમાં લોકો મસ્ત છે. શેતાનની માયાજાળ દુનિયાના લોકોને માનવીય મૂલ્યોથી દૂર કરી રહી છે.મૂલ્યહ્રાસના આ સમયમાં શેતાનવાદીઓ દેવના રાજ્યને પડકારી રહ્યા છે. તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેણે ગળી જવાને શોધતો ફરે છે.’ નિર્બળ અને શંકાથી ભરેલા (The Vulnerable) જે લોકો આધ્યાત્મિક રીતે નબળા છે, મનમાં શંકા કુશંકાઓ ભરીને બેઠા છે. માનસિક રીતે નબળા અને નૈતિક હિંમત વગરના, દુન્યવી ડરનો ભોગ બનેલા લોકોને શેતાન પોતાના નિશાને લે છે. માટે અંધારાના કાર્યોના સોબતી ન બનો અને એફેસી 4:27 કહે છે તેમ તમારા જીવનમાં ‘શેતાનને સ્થાન ન આપો’. પણ પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો.

e.mail : arvindvaghela1967@gmail.com

Loading

...102030...178179180181...190200210...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved