Opinion Magazine
Number of visits: 9674820
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આર્થિક જવાબદારી સંતાનોની ઉપેક્ષાનું મુખ્ય કારણ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 September 2021

સામાન્ય માણસ અર્થશાસ્ત્રી હોવો જ જોઈએ એવું જરૂરી નથી. ઘણાંને અર્થશાસ્ત્ર કે અનર્થશાસ્ત્રની સમજ નથી પણ પડતી. એને તો એટલું જ સમજાય છે કે ઘર ચલાવવા પૈસા જોઈએ છે ને એ પૈસા કમાવા એ મહેનત-મજૂરી, નોકરી-ધંધો કરે છે. એક સમય હતો જ્યારે ઓછા પૈસામાં ઘર ચાલતું હતું. તે એટલે કે ત્યારે આજના જેટલું બધું મોંઘું ન હતું. જો કે કોઈ કાળે સોંઘવારી તો હતી જ નહીં. સમય જતો ગયો તેમ તેમ ભૂતકાળ બધાંને સસ્તો લાગતો હતો. 300 રૂપિયા પગાર હતો ત્યારે પણ બધું મોંઘું જ હતું ને 30,000 પેન્શન છે તો પણ બધું મોંઘું જ છે ને 3,00,000 લાખ પેન્શન હશે ત્યારે પણ બધું મોંઘું જ હશે.  જો કે, વર્તમાનકાળ તો દરેક સમયમાં બધાંને મોંઘો જ લાગ્યો  છે. 

આજના સમયમાં કરોડપતિને પણ બધું મોંઘું લાગે છે ને ચીજવસ્તુઓ ખરીદવા બધાંએ જ કમાવું પડે એ સ્થિતિ છે. ઉદ્યોગપતિ પણ કમાય છે ને મજૂર પણ કમાય છે. નોકરી કરનારાઓમાંથી કેટલાકને પગારમાં વધારો ને મોંઘવારી ભથ્થું મળે છે. મોંઘવારી ભથ્થું વધે છે તેથી મોંઘવારી વધે છે કે મોંઘવારી વધે છે તેથી ભથ્થું વધે છે તે સાધારણ નોકરિયાતને સમજાતું નથી, પણ મોંઘવારી વધે છે તેટલા પ્રમાણમાં ભથ્થાં વધતાં નથી તે હકીકત છે. મોંઘવારીનો હપ્તો છૂટે છે તો પગાર વધતાં આપણે હરખાઈએ છીએ, પણ હાથમાં ઓછું જ આવે છે, કારણ કે ભથ્થાં પર પણ ટેક્સ તો લાગે જ છે. ઘણાંને મોંઘવારી ભથ્થું મળતું નથી ને મોંઘવારી તો તેમને ય લાગે જ છે ને એ ઉપરાંત અનેક છૂપા ટેક્સ પણ તેમનું ખીસું કતરતાં જ રહે છે. એક તરફ બધું મોંઘું થતું રહે છે ને તેને પહોંચી વળવા આપણે કમાણીના ખરા ખોટા રસ્તા શોધતા રહીએ છીએ ને જેમ કમાઈએ છીએ તેમ તેમ બધું મોંઘું થતું જાય છે ને જેમ જેમ મોંઘું થાય છે તેમ તેમ વધુ કમાવાની ફરજ પડે છે ને એમ એક વિસિયસ સર્કલ ચાલ્યા કરે છે. એને સારી ભાષામાં વિકાસ પણ કહેવાય છે. આપણો વિકાસ એટલો થઈ રહ્યો છે કે પગાર વધે તે પહેલાં મોંઘવારી વધી ચૂકી હોય છે. આ બધું અટકે એવું લાગતું નથી, હા, બધું જ વધતું રહે એટલો વિકાસ તો થશે જ તે નક્કી છે.

… પણ, આમાં કુટુંબ વ્યવસ્થા ખોરવાઈ રહી હોય એવું લાગે છે. એક સમય હતો જ્યારે કુટુંબ મોટું હતું. અનેક સમસ્યાઓ વચ્ચે પણ બાળક, કુટુંબના જુદા જુદા સભ્યો વચ્ચે મોટું થઈ જતું હતું. હવે કુટુંબો નાનાં થયાં છે. એમાં ક્યારેક મા-બાપનો સમાવેશ પણ મુશ્કેલ લાગે છે. સંતાનો વધુ પરવડે એમ નથી. એક કે બે, તેથી વધુ નહીં જ ! દીકરો કે દીકરી પરણીને નોકરી અર્થે બીજે ઘર વસાવે છે, એમાં માબાપ ત્યાં સુધી પહોંચતાં નથી કે ઘણા કિસ્સાઓમાં તેઓ ઇચ્છનીય પણ નથી. માબાપ પોતાનું કૂટે છે ને સંતાનો પોતાનું. હવે માબાપ એવું કહેતાં નથી કે તેમણે દીકરા દીકરી માટે જિંદગી ખર્ચી કાઢી કે દેવું કરીને સંતાનોને ભણાવ્યા, ગણાવ્યા. એવું કહે તો તે બધાં સંતાનોને ન સંભળાય એમ બને. આ સમય પોતાનું સંભાળીને બેસી રહેવાનો છે એવું ઘણાંને લાગે છે. એમાં બીજા કોઈને અવકાશ નથી. આજનાં કુટુંબમાં પતિ, પત્ની કે એકાદ દીકરો કે દીકરી – એથી વધુનો સમાવેશ નથી. એમાં ઘણાં સામાજિક સંબંધો નાબૂદ થવા માંડ્યા છે. ભાઈ, બહેન વગર કે બહેન, ભાઈ વગર ઊછરી જાય છે ને અગાઉ સ્થપાયેલા સંબંધોમાંથી ઘણા હવે કદી ન દેખાય એમ પણ બને. ઘણા એવો બચાવ કરે છે કે વધતી વસતિ જોતાં કુટુંબ નાનું હોય એ ઇચ્છનીય છે. એ સાચું પણ છે, પણ કૌટુંબિક સંબંધો પરનો કાપ પણ કેટલો ઇચ્છનીય તે વિચારવાનું રહે.

એ જે હોય તે, પણ આજે તો નાનું કુટુંબ સ્વીકારાઈ ચૂક્યું છે. ઓછી આવકમાં એક સમયે બહોળું કુટુંબ પોષાતું હતું, આજે આવક વધી છે, પણ એક વધારાની વ્યક્તિ ન પરવડે એ વાસ્તવિક્તા છે. આવક વધી તેનાં કરતાં મોંઘવારી વધી છે એટલે નાનું કુટુંબ ચલાવવા પણ મોટી આવકની જરૂર પડે છે. આજે ભાગ્યે જ એવું કુટુંબ હશે, જેમાં પતિ-પત્ની, બંને, કમાતાં ન હોય અને કમાવું જ પડે એ અનિવાર્યતા હોય તો દિવસનો ઘણો સમય પતિ-પત્નીનો ઘરની બહાર વીતે છે. એ સ્થિતિમાં બાળકના ઉછેરનો પ્રશ્ન વધુ વિકટ બન્યો છે. એક દીકરો કે એક દીકરી પણ માબાપ ઉછેરી શકે એટલી મોકળાશ બચતી નથી. કુટુંબ મોટું હતું ત્યારે દાદાદાદી કે કાકાકાકીને હાથે બાળક મોટું થઈ જતું હતું, એ હવે મુશ્કેલ છે. બાળકને ઘરમાં એકલું મૂકી શકાય એ પણ શક્ય ન હોય ને નોકરી માબાપ માટે અનિવાર્ય જ હોય ત્યારે બાળકને બીજે મૂકવું પડે. ઘોડિયાંઘરમાં કે બીજે ક્યાંક બાળકની વ્યવસ્થા કરવી પડે. અહીં બે શક્યતાઓ છે. બાળક પર ઓછું ધ્યાન અપાય ને તેની ઉપેક્ષા થાય અથવા તો તે એટલો પ્રેમ પામે કે બાળકને માબાપ અજાણ્યા કે પારકાં લાગવા માંડે. સંતાન માબાપ પાસે રહેવા ન કરે એમ પણ બને. આજનું ઘોડિયાંઘર આવતીકાલનું ઘરડાં ઘર છે તે સમજી લેવાનું રહે. જે માબાપ સંતાનોની કાળજી ન લઈ શકતાં હોય એની કાળજી ભવિષ્યમાં બાળકો લે એવું ઓછું જ બનવાનું. જે માબાપને સંતાન માટે સમય નથી, એમને માટે સંતાનોને પછી સમય ન રહે એ સ્વીકારી લેવાનું રહે. એ પછી માબાપને ઘરડાંઘરમાં મૂકે તો તેનો આઘાત ન લાગવો જોઈએ. એવું પણ બને છે કે માબાપે સંતાનો માટે પૂરતો સમય કાઢ્યો હોય ને છતાં સંતાન એમની કાળજી, બીજી વ્યસ્તતાઓને લીધે કે સ્વાર્થને કારણે ન લે ને એમને ઘરડાંઘર બતાવે. 

વારુ, જે ઘરમાં માતાને નોકરીની જરૂર નથી તે દીકરા-દીકરીને સહેલાઇથી ઉછેરી શકશે. દીકરા-દીકરી વચ્ચે ઉંમરનો તફાવત વધારે હશે તો બંને બાળકો પ્રમાણમાં સરળતાથી મોટાં થઈ જશે, પણ બંને વચ્ચે તફાવત ઓછો હશે તો બંને પર ધ્યાન આપવામાં માતાએ વધારે મહેનત કરવી પડશે. એ ઉપરાંત ઘરની બીજી કામગીરી પણ તેનો ઘણો સમય ખાઈ જશે ને તે થાકીહારી જશે, કંટાળી જશે, ગુસ્સે થઈ જશે ને એનો ભોગ બાળકો જ બનશે. પરિણામે, બાળકો મમ્મીથી ડરશે ને એનાથી દૂર રહેશે. મમ્મી એમને ઓછી ગમશે. એમાં થશે એવું કે વધારે સમય સાથે રહેતી મમ્મી કરતાં ઓછો સમય સાથે રહેતા પપ્પા વધારે વહાલા લાગવા માંડશે, કારણ તે ધમકાવતા કે મારતા નથી, જ્યારે હકીકત એ છે કે પપ્પા પાસે મારવા-ધમકાવવાનો જ સમય નથી. બીજું, મમ્મી તો ઘરમાં જ રહે છે, જ્યારે પપ્પા તો બહારથી આવે છે ને સંતાનો માટે કૈં ને કૈં લાવતા રહે છે. એ ખાવાનું લાવે છે, કપડાં-રમકડાં લાવે છે ને બાળકોને તો એટલું મળે એટલે આનંદ આનંદ થઈ જાય છે. એમને પપ્પા વધારે વહાલા લાગે છે ને મમ્મી ઓછી ગમે છે. આ વાતે ગેરસમજ ન વધે એ માટે પપ્પાએ એ સ્પષ્ટતા કરવી જોઈએ કે મમ્મી અનેક કામોની વચ્ચે તેમની કાળજી રાખે છે અને તે કામનાં ભારણમાં ખીજવાય કે ધમકાવે તો તેનું ખોટું ન લગાડવું ને પોતે સમય આપી શકતા નથી એટલે ગુસ્સો કરવાનું પણ બનતું નથી, બાકી ગુસ્સો તો એમને ય આવે છે ને તોફાન વધે તો એ પણ હાથ ઉપાડી શકે છે. ઘણા પપ્પા, બાળકો, મમ્મીને ધિક્કારે છે તો તેનો લાભ ઉઠાવી બાળકોને પોતાની તરફ ખેંચી રાખે છે. એ બરાબર નથી. આમાં દોષી કોઈ હોય તો પપ્પા છે, કારણ નોકરી નિમિત્તે એ બહાર વધુ રહે છે ને લાલચ આપીને બાળકોને પોતાનાં કરી રાખવા મથે છે. પિતાએ બાળકોને એ સમજાવવું જોઈએ કે તેમને કૈં થાય છે તો સૌથી પહેલી તેમને મમ્મી જુએ છે ને ડોક્ટર પાસે લઈ જવાની વાત આવે તો પહેલાં મમ્મી દોડે છે. એ વખતે તો પપ્પા દૂર હોય છે ને ઘણીવાર તો એમને આખી વાતની ખબર પણ પડતી નથી.

સાચી વાત તો એ છે કે આર્થિક જવાબદારીનો બોજ જ એટલો હોય છે કે મમ્મી–પપ્પા ઇચ્છે તો પણ, સંતાનોની લેવી જોઈતી કાળજી લઈ શકતાં નથી. એમાં જો મમ્મી કેવળ ગૃહિણી હોય તો સંતાનો થોડાંકેય સચવાય છે, જ્યાં પતિ-પત્ની બંને, સંતાનોને સમય આપી શકતાં નથી, એમના ઉછેરના અનેક પ્રશ્નો આખા કુટુંબને જવાબદાર ઠેરવે છે ને એ સંતાનો આગળ જતાં અનેક સમસ્યાઓનો શિકાર પણ થતાં રહે છે. બાળકોની અસલામતી, આખા વિશ્વની અસલામતી છે એ જેટલું વહેલું સમજાય એટલો સમાજ તંદુરસ્ત રહેશે એ કહેવાની જરૂર ખરી?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (9)

સુમન શાહ|Opinion - Literature|21 September 2021

સલાહ રૂપે કહેવાયું છે કે ટૂંકીવાર્તામાં ‘ઍપિક ટેનર’ હોવી જોઇએ.

આજે, એ અંગેનું મારું મન્તવ્ય રજૂ કરું :

આ સલાહ થોડીક ગૂંચ ઊભી કરે છે. આપણે સૌ જાણીએ છીએ એમ ઍપિક એટલે નાયકનાં વીરોચિત પરાક્રમોનું દીર્ઘ કથાકાવ્ય – પ્રબન્ધ, પણ ટેનર?

પુખ્ત વયના પુરુષના કંઠને, સ્વરને, સંગીતમાં ટેનર કહે છે. સંગીતમાં કાઉન્ટરટેનર, આલ્ટો, બારિટોન એમ જુદા જુદા સ્વરોની વાત આવે છે.

અલંકારશાસ્ત્રમાં જેને આપણે ઉપમેય અથવા પ્રસ્તુત કહીએ છીએ તેને ટેનર કહેવાય છે, જેમ કે, શકુન્તલાનું મુખ; જેને ઉપમાન કહીએ છીએ તેને વ્હીકલ કહેવાય છે, જેમ કે, ચન્દ્ર જેવું.

ટૂંકમાં, સંગીત કે અલંકારશાસ્ત્રમાં જે ટેનર છે તેની અહીં વાત નથી.

આ ટેનર, ઍપિક ટેનર બને અને એને ટૂંકીવાર્તા સાથે જોડીએ તો શું થાય? જુઓ, ઍપિકનો નાભિનાળ સમ્બન્ધ મૌખિક પરમ્પરા સાથે હતો. એનો મતલબ એ કે ટૂંકીવાર્તા પણ મૌખિક પરમ્પરામાં આવે છે તેથી એમાં પણ ટેનર ક્હૅતાં, સ્વરનું મહત્ત્વ છે.

આપણે અનુભવીએ છીએ કે ટૂંકીવાર્તામાં કથકનો સ્વર, એનો વૉઈસ, એનો અવાજ, એનો કણ્ઠ, ખૂબ જ મહત્ત્વની ચીજ છે. પણ ક્યારે? જ્યારે એ કથા કથતો હોય ત્યારે. આજકાલ વાર્તા કથનારા તો છે જ ક્યાં? વિરલ છે. હવે તો ટૂંકીવાર્તા લખાયેલી કે છપાયેલી મળે છે. છતાં, સલાહ એમ છે કે વાર્તામાં લેખકે કથકનો એક સ્વર ઊભો કરવો જોઈશે. એ સ્વરનું વહન કથક કરતો હશે. પરિણામે આપણાથી કથનસૂર અનુભવાશે. એથી આપણને કથકનો વૉઇસ સંભળાશે, અને વૉઇસ સંભળાશે એટલે કથકનું મન્તવ્ય પકડાશે. છેલ્લે એ મન્તવ્ય પરોક્ષપણે વાર્તાકારનો પૉઇન્ટ ઑફ વ્યૂ હશે.

હું વાર્તાકારમિત્રોને હમેશાં કહેતો હોઉં છું – લખો ભલે પણ કહેતા હોવ એમ લખો. લખો ભલે પણ લખેલું સંભળાય એવું કરો કેમ કે વાર્તા સાંભળવા માટે છે. વાચકે પણ વાંચતાં વાંચતાં વાર્તાને સાંભળવાની હોય છે.

હોમર-પ્રણિત ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ કે વર્જિલ-રચિત ‘ઇનીડ’ મૌખિક પરમ્પરાનાં કથાકાવ્યો છે. આપણાં મહાકાવ્યો અને તેમાં સમાવેશ પામેલાં ઉપાખ્યાનો મૂળે તો મૌખિક રૂપે જ રજૂ થતાં હતાં. પરન્તુ સમયાન્તરે નવલકથાને પણ ઍપિકનો દરજ્જો અપાવા લાગ્યો. તૉલ્સતોયની નવલ ‘વૉર ઍન્ડ પીસ’-ની કે સર્ગેઇ આઇન્સ્ટાઇનના ‘ઇવાન ધ ટૅરિબલ’ નામના મોશન પિક્ચરની પણ ઍપિકમાં ગણના થવા લાગી. ફરતી ફરતી વાત ટૂંકીવાર્તા વિશે પણ સ્થિર થઈ.

પણ હું અંગતપણે આ સલાહને અતિ મહત્ત્વાકાંક્ષી ગણું છું. ટૂંકીવાર્તા પ્રબન્ધ કે મહાકાવ્યની રસમ પ્રમાણે શ્રવણગુણ ધરાવે ત્યાં લગી બરાબર છે. કોઈ ટૂંકીવાર્તામાં ટેનર વ્યંજના બનીને વિસ્તરી શકે ત્યાં લગી પણ બરાબર છે. બાકી, 'ઍપિક ટેનર' કહેવાથી ખાસ કશું કહેવાતું નથી.

હા, પૂરી થયા પછી વાર્તા સામા માણસના ચિત્તમાં આગળ ચાલે એવી હોય તો સારું, એમ કહીએ છીએ એનો અર્થ જ એ કે રચનાથી સરવાળે કશુંક વ્યંજિત થવું જોઇએ. કેમ કે ખાલી વારતા કહી જવાનું તો માત્ર દાદીમાને પરવડે ! કેમ કે એમાં વ્યંજના નહીં પણ ઊંઘ લક્ષ્ય હોય છે – કાં તો દાદી પહેલી ઊંઘી જાય, કાં પોતરી કે પોતરો.

મારી સર્જકતાને આ વ્યંજકતાનો અનહદ આગ્રહ હોય છે, કેમ કે તીર-તુક્કા જેવું કશું પણ નિર્માલ્ય લખી પાડવાનો કશો અર્થ નથી. એ માટે હું મારા સમગ્ર સારસ્વત શીલને ખડે પગે હાજર રાખું છું.

એક વાર વિદ્યાનગરમાં મેં ‘પાક્ષિકી-પર્વ’ના ઉપક્રમે ‘દત્ત અને અર્જિત વચ્ચેની લડાઇ’ શીર્ષકથી વ્યાખ્યાન આપેલું. વ્યાખ્યાનમાં મેં મારી વાર્તાકૃતિ ‘એ અને ટૅરિટોરિયલ બર્ડ્ઝ’ના અનુલક્ષમાં કૅફિયત રૂપે કેટલીક વાતો કરેલી. એમાં એ વાર્તાની વ્યંજના વિશે બે વાત કરેલી, એ ટૂંકમાં આ પ્રમાણે હતી :

“ટૅરિટોરિયલ પ્રશ્નો પહેલેથી છે. ભૂમિભાગને માટે યુદ્ધો અને નિર્દોષોની હત્યા જેવો અમાનુષી રંજાડ પરાપૂર્વથી છે. પ્રવર્તમાન આતંકવાદનાં મૂળિયાં વિચારકને બે વિશ્વયુદ્ધો લગી દોરી જાય. એટલે, મનીષ શાહને જે રોષ થયો એ ભાવભાવના અસ્વાભાવિક નથી. તેમ છતાં, વાર્તાકાર તરીકે મને સંતોષ નહીં થયો હોય. કદાચ એમ લાગ્યું હશે કે એટલીક વ્યંજના તો સર્વસાધારણ ગણાય — મેં શી ધાડ મારી?

“એટલે, એ દરમ્યાન મારા ચિત્તમાં એક જુદું જ સત્ય પ્રગટ્યું હશે કે એવી ભાવભાવનાને માણસના મનના અણજાણ ખૂણેથી સાવ જ તાકીને જોનારું કોઇ તટસ્થ સાક્ષીજન હમેશાં બેઠું હોય છે. એ તટસ્થ સાક્ષીજન તે પેલું બદામી સસલું.

Picture courtesy : NicePNG

“એથી મને સમજાયું હશે કે વાર્તાના સમગ્ર સંકેતને અવળી દિશાનો આમળો જે ચડ્યો – એમ કે સસલું મનીષને એમ સૂચવતું છે કે દુષ્ટ દુનિયા નથી બદલાવાની, કશું વળશે નહીં, રોષને ધોઇ નાખ. એટલે કે, એની પેલી ભાવભાવનાનો ઇનકાર. એ કદાચ એને એમ લલચાવતું છે કે તું અને બેના અમારી ભેગાં સંતાઇ જાવ ને કુદરતના ખૉળે કોતેડામાં ! એટલે કે, ડહાપણભર્યું સમાધાન. અથવા લાચારીભર્યું પલાયન. આવો આમળો મને ગમ્યો હશે.

“દેખીતું છે કે વ્યંજનાના દ્રવ્ય વિના લેખન, માત્રલખવું કહેવાય, કલા નહીં …”

= = =

(September 20, 2021: USA)

Loading

ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર …

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|20 September 2021

 

courtesy : "The Indian Express"

માનનીય મુખ્ય મંત્રીશ્રી પટેલ સાહેબ,

નમસ્કાર.

સૌ પ્રથમ તો તમને અણધારી રીતે મુખ્ય મંત્રી બનવા બદલ હૃદયપૂર્વક અભિનંદનો અને શુભેચ્છાઓ. મુખ્ય મંત્રીપદ તમારે માટે અણધાર્યું હતું એટલું જ ગુજરાતની પ્રજા માટે પણ આંચકો આપનારું હતું. એથી વધારે આંચકો તો આખું મંત્રીમંડળ ધરમૂળથી બદલાયું ત્યારે લાગ્યો. અસંતોષ ઊકળે એવું લાગતું હતું, પણ ઘીનાં ઠામમાં ઘી પડી રહ્યું તેનો આનંદ છે. આ પરિવર્તનને અનુકૂળ થવાનું તમારે આવ્યું છે, પણ તમે પહોંચી વળો તો નવાઈ નહીં લાગે. સાધારણ રીતે ગુજરાતનાં મુખ્ય મંત્રી ઉપરથી આવતા આદેશોનું પાલન કરવા ટેવાયેલા હોય છે. ટેવાયેલા તો એવા હોય છે કે એમને પોતાની વિચારસરણી પણ હોય એ વાત જ ભુલાઈ જાય છે અથવા તો ભુલાવી દેવાય છે. આમ તો રાજ્યના માઇબાપ મુખ્ય મંત્રી ગણાય, પણ એમના માઇબાપ પણ દિલ્હીથી દોરી સંચાર કરતાં રહે છે એટલે પ્રજાને માથે દાદાની દાદાગીરી પણ લખાયેલી જ હોય છે. દાદાનું બીજા રાજ્યમાં ચાલે તે કરતાં ગુજરાતમાં વધારે ચાલે છે, કારણ ગુજરાત મોડેલના જનક, દાદા જ છે એટલે એમનું અહીં ઉપજે એમાં નવાઈ નથી.

એ જે હોય તે, પણ તમે પટેલોના મત માટે મૂકાયા છો, તે એટલે પણ કે તમે પાટીદારોની સંસ્થાના મુખિયા તરીકે અગાઉથી જ નામ કમાઈ ચૂક્યા છો. તમે પાટીદારો પાસે પાટી ભરાવશો એમ લાગે છે, પણ સાહેબ, ગુજરાતમાં પાટીદારો છે એમ બીજા ‘માટી’દારો પણ છે, એમના મત પણ 150+નો ટાર્ગેટ પૂરો કરવા જોઈશે જ તે ભૂલવા જેવું નથી. જો કે, નવું મંત્રીમંડળ રચાયું છે તેમાં જ્ઞાતિ-જાતિનો ખ્યાલ રખાયો જ છે એટલે જ્ઞાતિ જાતિનાં ઢોલનગારાં 2022ની ચૂંટણીમાં વાગશે જ એમાં શંકા નથી. એટલું છે કે સમાન જાતિ-જ્ઞાતિની બંધારણીય વાતનાં મૂળ સમીકરણો જ બદલાઈ ગયાં છે એટલે જે રસ્તે જીત મળતી હોય એ જ સત્ય છે ને તે સિવાયનું જગત મિથ્યા છે એ હવે બધાં સમજે છે.

મને ખબર નથી કે દિલ્હી દાદાએ કહ્યું છે કે એ તમારો અંગત વિચાર છે, પણ તમે ગુજરાતીમાં જ ચેનલો જોડે બોલવાનો આગ્રહ રાખ્યો તે ગમ્યું. ચેનલે એનું હિન્દી કરવું હોય તો ભલે કરે, પણ તમે તો ગુજરાતીમાં જ બોલશો એ વાત બીજાઓ કરતાં અલગ પડી. આમ તો ગુજરાતનાં મંત્રીઓ ગુજરાતીમાં જ બોલતા હોય છે, પણ ગુજરાતીમાં બોલવાની હઠ પકડતા નથી, તમે એ પકડી છે. હવે પકડી જ છે તો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી થવા જઈ રહી છે એ તરફ પણ નજર નાખવા વિનંતી છે. અત્યાર સુધી આપણે શિક્ષણમાં અન્ય રાજ્યોને આગળ જવા દીધાં છે, પણ આગળ મોકલવા કોઈ પાછળ રહે તે પણ જોવું પડશે ને ! સાચું તો એ છે કે ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થતી જાય છે અને અંગ્રેજી માધ્યમની સ્કૂલો ઊઘડતી જ જાય છે. આ એટલે બન્યું છે, કારણ ખુદ મંત્રીઓ ઇચ્છે છે કે ગુજરાતી, માતૃભાષા તરીકે ઉપેક્ષિત રહે. તમે અને શિક્ષણ મંત્રીશ્રી આ બાબતે ગંભીરતાથી વિચારો તે અપેક્ષિત છે.

ત્રણેક મંત્રીઓ અગાઉની સરકારમાં સક્રિય હતા, એટલું બાદ કરતાં તમારી આખી ટીમ નવી છે. એક રીતે એ સારું પણ છે કે આગલા અક્ષરો ભૂંસવા નહીં પડે. નવા અક્ષર પાડવાનું સહેલું થશે, સાથે એ પણ જોવાનું રહેશે કે પાટી કોરી ન રહી જાય. નવા મંત્રીઓ માટે એ પણ સંકોચની બાબત બને કે આજ સુધી એ ધારાસભ્ય તરીકે પીઢ મંત્રીઓને પ્રશ્નો પૂછતા હતા, હવે પૂર્વ મંત્રીઓ પ્રશ્નો પૂછે ને એનો સામનો નવા મંત્રીઓએ કરવાનો આવે. એમાં એમની કસોટી છે.

જો કે, તમે ને દિલ્હી દાદાએ પણ સૌને કામે લાગી જવાનું કહ્યું છે એ સારી વાત છે. એ પણ સારું થયું કે મંત્રીઓનો ક્લાસ લેવાની વ્યવસ્થા થઈ છે ને મંત્રીઓને ગાંધીનગર ન છોડવાનું કહેવાયું છે. એમ થશે તો કમ સે કમ હારતોરા ને સન્માનો અટકશે. આ તો મંત્રી થયા નથી કે રેલી, રેલાઓ નીકળવા માંડે છે ને કામ, કામને ઠેકાણે રહે છે. ફોટાબોટા ભલે છપાય, પણ સાથે નાનાંમોટાં કામ પણ થાય તો ફોટા, ખોટા ન લાગે. શું છે કે પ્રજા બેવકૂફ છે ને તે તો જે પણ ગાદીએ આવે છે તેની પાસેથી આશા રાખે જ છે. એવી જ આશા તમારી ને તમારી ટીમ પાસેથી પણ છે જ, જોઈએ પ્રજા શું પામે છે તે !

દિલ્હી દરબારેથી મંત્રીઓ પર થોડાં ફરમાનો પણ છૂટયાં છે. જેમ કે, સાચાં કામો અટકાવશો નહીં ને ખોટું થવા ન દેશો. આમ તો ઘણુંખરું થાય છે આનાથી ઊલટું, પણ કશુંક સારું થવાની આશા બધાં પાસેથી રખાય, એમ જ તમારી પાસેથી એટલે રહે છે, કારણ અગાઉ ન બનેલી એવી એક વાત એ બની છે કે જે તે વિભાગમાં ખાઈબદેલા અધિકારીઓને બદલવાનો ઉપક્રમ પણ તમારા સમયમાં જ શરૂ થયો છે. બદલીઓ અગાઉ થઈ નથી એવું નથી, પણ બધાંની બદલીની વાત બદલાયેલાં મંત્રીમંડળની સાથે જ આવી છે એ વાત નવી છે. એવું બન્યું છે કે મંત્રીઓનો અંગત સ્ટાફ ભ્રષ્ટ હોય ને જવાબદારી મંત્રીની થઈ હોય. એ સંદર્ભે જો મંત્રીઓ બદલી શકાતા હોય તો અધિકારીઓ શું કામ ન બદલાય? એમ પણ બન્યું છે કે આવા અધિકારીઓએ સાંસદો કે ધારાસભ્યોને અપમાનિત કર્યા હોય કે મંત્રી સુધી પહોંચવા જ ન દીધા હોય. કૉન્ગ્રેસમાંથી આવેલા ભા.જ.પી. મંત્રીઓની બાબતમાં અધિકારીઓનું વલણ એવું રહ્યું છે કે મહત્ત્વ કૉન્ગ્રેસને વધારે અપાયું હોય અને ભા.જ.પ.ની ઉપેક્ષા થઈ હોય. એવું જ વર્તન ભા.જ.પ.ના બની બેઠેલા મંત્રીઓનું પણ રહ્યું હોય એમ બને. એ બધાની બાદબાકી થાય એમાં કશું ખોટું નથી. એવું  બન્યું છે કે વાત મંત્રી સુધી પહોંચે જ નહીં ને વચેટ અધિકારી જ એની ભૂમિકા ભજવી કાઢે ને કામ ન થતાં બદનામ, મંત્રી બને. આવે તબક્કે મંત્રીઓએ પણ સંબંધિત અધિકારીના સંપર્કમાં રહીને શક્ય તે પ્રયત્નો સમસ્યાઓ ઉકેલવા કરવા ઘટે. હવેની કેબિનેટના મંત્રીઓ અધિકારીઓ સાથે બેઠક કરે ને કામગીરી જાણે ને અધિકારીઓ પણ મંત્રીઓને યોગ્ય તે સાચી માહિતી આપી તેમને મદદરૂપ થાય તે જરૂરી છે. મંત્રીઓને સાફ કહેવાયું છે કે સરકારી કામો સિવાય પ્રવાસો ટાળવા ને અગાઉની સરકારના બજેટના પેન્ડિંગ કામો પૂરાં કરવાં તથા સરકાર અને સંગઠન વચ્ચે સેતુ બની રહેવું. આ જવાબદારીઓ દેખાય છે એટલી સહેલી નથી, તમારી ટીમે પ્રમાણિકતાથી કામગીરી બજાવવાની આવે એ નિર્વિવાદ છે.

સાહેબ, એક બાબતે ધ્યાન દોરવાનું ઉચિત લાગે છે ને તે એ કે ગઈ કેબિનેટમાં બધાં જ મંત્રીઓ ભ્રષ્ટ ન હતા. જો કે, એમ કહેવાયું છે ખરું કે ગઈ કેબિનેટમાં બધાં મંત્રીઓ ભ્રષ્ટ હતા એટલે બદલી કાઢ્યા છે એવું નથી, એવું ન હોય તો સારું, પણ અધિકારીઓ બદલવા સંદર્ભે એ વાત આગળ કરાઇ છે કે તેઓ ભ્રષ્ટ હતા ને આમ પણ અધિકારીઓ નાછૂટકે જ રિપીટ કરવા એવી તાકીદ કરવામાં આવી છે. જો અધિકારીઓ સંદર્ભે આ વાત સાચી હોય તો મંત્રીઓ સંદર્ભે ન જ હોય એવું કઈ રીતે માનવું? મુદ્દો એ છે કે સારું, નબળું દરેક સમયમાં હોય છે, યુધિષ્ઠિર અને દુર્યોધનના કાળ જુદા નથી, રામના સમયમાં જ રાવણ પણ હતો જ ! એટલે જૂનામાં બધું ખરાબ ને નવામાં બધું સારું, એવા જુદા જુદા સમયખંડો નથી. ઉત્તમ સ્થિતિ તો એ હોય કે દરેક સમયનું સારું આગળ લઈ આવવું ને નબળું નકારવું.

ગુજરાતનો ખ્યાલ કરીએ તો 2022ની ચૂંટણી વહેલી આવે તો હાલના મંત્રીઓને પૂરતો સમય મળી રહે એવું ઓછું જ બનવાનું. એમાં ઇચ્છા છતાં કોઈ મંત્રી સમય ઓછો મળવાને કારણે પોતાને પુરવાર નહીં કરી શકે કે ઇવન, ખુદ મુખ્ય મંત્રી માટે પણ એ જ જો સાચું ઠરે તો મંત્રીઓ વગોવાશે અને પ્રજા તેમને મત નહીં આપે તો સરવાળે નુકસાન કોને જશે એ કહેવાની જરૂર નથી. એવું બને કે પૂરતી તાલીમ અને નિષ્ઠા છતાં કોઈ મંત્રી ઓછો સફળ રહે, પણ પ્રજા એ નહીં જુએ. એ તો એમ જ માનશે કે મંત્રી નિષ્ફળ છે. એ રીતે નો રિપીટ થિયરી જોખમી પુરવાર થઈ શકે ને એ તો ખરું ને કે પૂરી ટર્મ જેટલો સમય આ 14 મહિનાનો તો નથી જ ! મંત્રીને પૂરતો સમય ન અપાય ને એ નિષ્ફળ જાય તો તેનો ઉપાય દિલ્હી દરબારે સૂચવવાનો રહે. આ જ મોવડીઓ એને બદલી કાઢશે ને એ વાત પણ જવા દઈએ, પ્રજા જ તેને જાકારો દે એમ પણ બને.

આદરણીય સાહેબ, અદના આદમી તરીકે અહીં થોડી પેટછૂટી વાત કરી છે. બધી ન ગમે એ સમજી શકાય એવું છે, છતાં કોઈ વાત ન ગમે તો દરગુજર કરવા વિનંતી છે. મૂળ હેતુ તો પ્રજાનું કશુંક સારું થાય તે ઇચ્છવાનો છે.

કુશળ રહો તેવી પ્રાર્થના સાથે વીરમું. આભાર સહ –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,7811,7821,7831,784...1,7901,8001,810...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved