Opinion Magazine
Number of visits: 9963000
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હૃદ્‌ગત હસમુખ શાહ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 December 2021

ત્રીજી ડિસેમ્બરે એ ગયા વળતી સવારે કોઈ છાપાએ હસમુખભાઈને પૂર્વનોકરશાહ (એક્સ-બ્યુરોકેટ) તરીકે તો કોઈ છાપાએ એમને આઈ.પી.સી.એલ. કહેતાં ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડના પૂર્વઅધ્યક્ષ તરીકે ઓળખાવ્યા : હસમુખ શાહ જે તે પાયરીએ નહોતા એવું તો નહીં કહી શકીએ. માત્ર, એમને સફળ નોકરશાહો કે જાહેર સાહસના એવા જ યશસ્વી વહીવટકારોથી મૂલ્યાત્મકપણે જુદા તારવી આપતી બાબત એમની સંસ્કારપર્યેષણામાં હતી જે સમાજવિદ્યાઆએમાં – ખાસી કરીને ઇતિહાસમાં તો બીજી બાજુ પર્યાવરણવિજ્ઞાન જેવા એક કાળે મુકાબલે નવા લેખાયેલાં ક્ષેત્રોમાં સાધિકાર પ્રવેશી (અને પ્રવર્તી પણ) શકતી.

હું મને સદ્‌ભાગી સમજું છું કે દર્શક સાથેના સ્નેહસંબંધ અને કિંચિત્‌ કર્મબાંધવીને કારણે હસમુખ શાહ, બી.કે. પારેખ, અનિલ શાહ પ્રકારના રૂડા સંપર્કમાં મુકાવાનું બન્યું. (હસમુખભાઈના સંપર્કમાં તો ભારતીબહેન અને રમેશભાઈને કારણે એક વધુ તાંતણો પણ ખરો.)

હમણાં મેં સંસ્કારપર્યેષણાની જિકર કરી. આ સહૃદયતા એમને એક વહીવટકાર તરીકે કેવી રીતે ફળી એનું સરસ દૃષ્ટાંત એમણે આઈ.પી.સી.એલ.ની કામગીરી માટે ૨,૦૦૦ એકર જેટલી જમીન જે ધોરણે સંપાદન કરી એમાં જોવા મળે છે. વિપુલભાઈ (લંડન) અને હીરજીભાઈ (નાઈરોબી) એમણે દર્શકના વિદેશવાસી ચાહકો પાસેથી નિધિ એકત્ર કરી જે વ્યાખ્યાનમાળાનો આરંભ કર્યો એનું પ્રથમ વ્યાખ્યાન અમદાવાદમાં ઑક્ટોબર ૨૦૧૬માં ભીખુ પારેખે આપ્યું હતું. અમારા સૌની ઉત્કટ ઇચ્છા હતી કે ઓપિનિયન પ્રેરિત ને લોકભારતી સંચાલિત આ વ્યાખ્યાનમાળાના પહેલા મણકા સાથે અધ્યક્ષ તરીકે હસમુખ શાહ સંકળાય. આમ પણ દર્શક ઇતિહાસ નિધિ તો એમનું જ સર્જન હતું. સ્વાસ્થ્યવશ એ પહોંચી શક્યા નહીં. એમની પ્રસંગનોંધ જરૂર મળી હતી. પછી એકવાર કંઈક વાત નીકળતાં મેં કહ્યું કે વ્યાખ્યાનની સવારે જ સાહિત્યનું નોબેલ બૉબ ડિલનને મળેલું એટલે વિપુલભાઈના સૂચનથી અમે ડિલનની જ રચના સાથે આરંભ કરેલો. નર્મદ જેને કડખેદ કહે તે ડિલનના ઉલ્લેખે હસમુખભાઈ જરી ઉત્તેજિત થઈ ઊઠ્યા – કહે કે તમે વુડી ગથરી (Woody Guthrie)નું ‘ધીસ લૅન્ડ ઇઝ યૉર લૅન્ડ’ સાંભળ્યું છે? ડિલને ગથરીનો પ્રભાવ સ્વીકાર્યો છે એ જાણતા હશો. પછી એમણે જમીનસંપાદનની કથા ઉકેલી. જી.આઈ.ડી.સી.એ જે જમીનનો ભાવ એકરે પંદર હજાર રૂપિયાનો મૂક્યો હતો તે આઈ.પી.સી.એલે. છપ્પન હજારના ભાવે લીધી, કેમ કે ખેડૂત કે બીજા જમીનમાલિકોને ન્યાય મળવો જોઈએ. એમણે ‘બિઝનેસ સ્ટૅન્ડર્ડ’માં આ વિશે લેખ કર્યો હતો એની ઝેરોક્સ મોકલી આપી ત્યારે ખયાલ આવ્યો કે પોતાની પૂર્વે થયેલ જમીનસંપાદનના અસરગ્રસ્તો છતે વળતરે રસ્તા પર પણ હોઈ શકે છે એનુંયે કંઈક કરવું જોઈએ. એમના પુનર્વસન માટે આઈ.પી.સી.એલે. કરેલા પ્રયાસની તપસીલ એક સહૃદય વહીવટકારનું ચિત્ર ઉપસાવે છે. (યુ.કે.ની એક નોંધપાત્ર સંસ્થાએ આઈ.પી.સી.એલ.ની વિશ્વસ્તરે શ્રેષ્ઠરૂપે આંકણી કરેલી તે સાંભરે છે.)

‘દીઠું મેં’ અને ‘નિરુધેશે’માંથી પસાર થઈએ ત્યારે પણ સંસ્કારિતામંડિત વિશિષ્ટ દૃષ્ટિનો પરિચય થતો રહે છે. રાજકીય ગલિયારીઓમાંના પ્રત્યક્ષ દર્શનનીયે ઝલક મળી રહે છે. જવાહરલાલ ગયા અને કુલદીપ નાયરે જે રીતે મોરારજીભાઈને બદલે શાસ્ત્રીજીનું નામ આગળ આણ્યું એ તો બિલકુલ અંતરંગ માહિતી છે. પરિચય કે સીધી વગ વગર વિદ્યાર્થીને ભણવામાં નિરપેક્ષ સહાયરૂપ થતા મોરારજી દેસાઈનું ચિત્ર પણ હૃદ્ય છે. મોરારજી અને ચરણસિંહ ગયા છે, ઈન્દિરાજી પાછાં વડા પ્રધાન થયાં છે. પૂર્વ વડા પ્રધાન મોરારજી એક અંતરાલ પછી દિલ્હી આવ્યા છે. એમનો ને હસમુખ શાહનો સંબંધ જાણતાં ઈંદિરાજી કહે છે કે તમે મારી સાથે દફતરમાં છો એથી સંકોચ ન કરશો અને એમને જરૂર મળવા જશો. આ પ્રસંગ ઇંદિરાજીને જુદી રીતે ઓળખાવનારો છે.

તાજેતરનાં વર્ષોમાં એમનું બહાર નીકળવાનું ઘટતું ગયું. એકવાર, ઇતિહાસ નિધિની બેઠક માટે વડોદરા જવાનું મારે પક્ષે શક્ય ન બન્યું એટલે રૂબરૂ મળવાની તક ન રહી. પ્રસંગોપાત ફોનથી વાત થઈ એ સિલકમાં ! પરિષદ પ્રમુખ પદે હું ચુંટાઈ આવ્યો ત્યારે એમણે અભિનંદનના ફોન સાથે કોઈક યોજના પરિષદ સંદર્ભે વિચારતા હોવાનો સંકેત આપ્યો હતો. વડોદરા મળીશું એમ વિચારેલું, પણ કોરાનાકાળમાં એ માટે અવકાશ જ ન મળ્યો.

પ્રસંગે ‘ધીસ લૅન્ડ ઇઝ યૉર લૅન્ડ’ સંભારી શકે અને ટાઈનામેન સ્ક્‌વેરમાંયે પ્રત્યક્ષદર્શી હોઈ શકે એવી શખ્સિયત અલબત્ત દેવદુર્લભ!

E-mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 03

Loading

મારા વિવેચનની તળભૂમિ અને પ્રવાસભૂમિ

ધીરેન્દ્ર મહેતા|Opinion - Literature|17 December 2021

આ કાર્યક્રમ મારી દૃષ્ટિએ અનેક રીતે વિશિષ્ટ છે. પહેલી વાત એ કે આપણે માટે પ્રમાણમાં નવીન કહી શકાય એવું માધ્યમ યોજીને એણે એક માયાલોક ઊભો કર્યો છે. માયાલોક એ રીતે કે એમાં જે છે એ નથી અને નથી તે છે; એવી જ રીતે જે નજીક છે, તે દૂર છે અને દૂર છે, તે નજીક છે; એવો આ અજાયબ ખેલ છે. કલાના જગતમાં જેને ‘મેઈક બિલિવ’ કહે છે એવું કંઈક.

બીજું, જે શહેર સુરતથી આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન થઈ રહ્યું છે, એ સુરત શહેર સાથે મારે જે સંબંધ રહ્યો છે, તે મારી સ્મૃતિને આ ક્ષણે આકર્ષે છે. કેટકેટલા અને કેવાકેવા સારસ્વત વડીલો અને મિત્રોએ મને એની સાથે એક યા બીજી રીતે જોડી રાખ્યો છે : નંદશંકર અમારા કચ્છરાજ્યના દીવાન હતા. જ્યોતીન્દ્ર દવે માંડવી કૉલેજમાં આચાર્ય હતા ત્યારે અવારનવાર એમનું સાંનિધ્ય મને સાંપડ્યું હતું. મારા વિદ્યાગુરુ અને વિવેચન ક્ષેત્રે મારું ઘડતર કરનાર યશવન્ત શુક્લનું ઘડતર અહીં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની નિશ્રામાં થયું હતું. એ હકીકત ધ્યાનમાં લઉં છું કે તરત એ પ્રસંગ પણ યાદ આવે છે કે ‘મૈત્રી’ નિવાસના આંગણે ‘દ્રુમપર્ણ’ની ભેટ રૂપે હું એમના શુભાશિષ પામ્યો હતો. એ અવસરે ભગવતીકુમાર શર્મા મારી સાથે હતા, એનું મધુર સ્મરણ પણ થાય છે. ડૉ. રમેશ શુક્લ, હતા તો મારા અધ્યાપક, પરંતુ એ મુરબ્બી હંમેશાં મિત્રભાવને જ આગળ કરતા રહ્યા. એમનું વિદ્યાકાર્ય મોટે ભાગે કચ્છ-સૌરાષ્ટ્રમાં થયું. પરંતુ એમની ભોંય સુરતની જ રહી.

આ ચંદ્રક મને નર્મદ સાહિત્ય સભા આપે છે, એનો મહિમા પણ મારે મન ઓછો નથી. મિત્રો, મને મનમાં-મનમાં એમ થાય છે કે આ ચંદ્રક જાણે મને એ નર્મદ આપી રહ્યો છે, એ નર્મદ જે પોતાના ‘સરસ્વતીમંદિર’ના ‘અડ્ડા’માં, એણે યોજેલો આ શબ્દ આગળ ચલાવીને કહું તો, ‘તકરાર કરવા, વાદવિવાદ અને ચર્ચાવિચારણા’ કરવા સારસ્વત-યોદ્ધાઓને નોતરતો રહેતો હતો અને સુરતના જ નવલરામે આપણને આપેલા વિવેચન-ઓજારની ધાર કાઢતો હતો.

આવા આ ‘ક્યારેક્ટર’ નર્મદના નામની સાથે સાહિત્યના એક બીજા ગંભીર ઉપાસકનું નામ પણ આ ચંદ્રક પર અંકિત થયેલું છે એ છે મોહનલાલ પાર્વતીશંકર દવે. ગઈ સદીના આ પીઢ વિદ્વાને ઈ.સ. ૧૯૦પમાં સંસ્કૃત વિષયમાં એમ.એ. અને ૧૯૦૭માં એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરીને સુરત અને મુંબઈની કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમની પાસેથી આપણને નિબંધ, વિવેચન, સંપાદન, અનુવાદ અને જીવનચરિત્રનાં પુસ્તકો પ્રાપ્ત થયાં છે. મને જ્યારે એ વાતની જાણ થઈ કે આ ચંદ્રક એમની સ્મૃતિમાં અપાય છે, ત્યારે મારી સમક્ષ અચાનક અતીતનું એક પૃષ્ઠ ઊઘડી ગયું અને ઝબકાર થયો કે મોહનલાલ દવે ‘જીવનપ્રકાશ’ નામનું સામયિક ચલાવતા હતા, એમાં મારાં કાવ્યો પ્રગટ થયાં હતાં. અતીત સાથે વર્તમાનની ક્ષણ ક્યારે કેવી રીતે જોડાઈ જાય છે અને એ અનુભવ કેવો રોમહર્ષક હોય છે!

એક અન્ય કારણસર પણ આ પ્રસંગ મારે માટે અનોખો છે : સર્જનાત્મક સાહિત્યકૃતિઓ માટે અત્યાર સુધી મને નાનાંમોટાં અનેક પારિતોષિક પ્રાપ્ત થયેલાં છે, પરંતુ વિવેચન માટે મને આ પહેલી વાર પોંખવામાં આવી રહ્યો છે અને એ વિજયવાવટો શાસ્ત્રીજીએ ફરકાવ્યો છે, એનો ય સંતોષ હોય. હવે આ નિમિત્તને લઈને થોડી વાત કરું. જો કે, એ સ્પષ્ટતા કરી લઉં કે મારે માટે આ પ્રસંગ મુખ્યત્વે કેફિયતનો નહિ, પ્રતિભાવનો છે, એટલે એ ઢબે જ મેં મારી વાત માંડી છે, તે તમે સૌ જોઈ શક્યા હશો.

વિવેચન માટેના આ ચંદ્રક માટે મારી પસંદગી, અહીં કહેવાયું તેમ, ખાસ કરીને મારા વિવેચનગ્રંથ, ‘કથા, તું બહુરૂપિણી!’–ને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. પણ એ તો એક વ્યવસ્થા રૂપે, એમ હું સમજું છું, એટલે હું એ રીતે જ વાત કરું અને વિચારું કે મારે માટે વિવેચન એ શી ચીજ છે.

મારી સમજ પ્રમાણે વિવેચનની આખી પ્રક્રિયા એ સાહિત્યપદાર્થને પામવાની પ્રક્રિયા છે અને વિવેચન એ પ્રક્રિયા દરમિયાનના અનુભવની વાત કરે છે, આ અંગે કશો મતભેદ જોવામાં આવતો નથી, આપણે ત્યાં ‘પ્રતિભાવ’ સંજ્ઞા એ સંદર્ભમાં જ રૂઢ થયેલી છે. સાવ સાદી રીતે આ વાત સમજવી હોય તો કોઈ સામયિકને પોતાની રચના મોકલતી વખતે પણ તેનો રચયિતા સામયિકના તંત્રી-સંપાદકને જણાવતો હોય છે કે ‘પ્રતિભાવ આપશો.’

આપણા પ્રાચીન મીમાંસકો પણ કૃતિને પામવાની પ્રક્રિયા વર્ણવતી વખતે ‘પ્રતિભાવન’ની ચર્ચા કરે છે. મતલબ કે જેને આપણે વિવેચક કહીએ છીએ કે અસલમાં ભાવક છે. આ ભાવકનો એટલો તો મહિમા છે કે સર્જનની પરિણતિ ભાવકના ચિત્તમાં થાય છે, એવી આપણી પ્રતીતિ છે અને આપણે ‘કારયિત્રી પ્રતિભા’ની તોલે ‘ભાવયિત્રી પ્રતિભા’ને મૂકી છે. આ પ્રક્રિયાનું આપણને ભાન નથી હોતું, ત્યારે પણ એ પ્રવર્તમાન તો હોય જ છે. ક્યારથી? મારો અંગત અનુભવ એમ કહે છે કે માને કંઠે હાલરડાં સાંભળ્યાં, ત્યારથી, નહિતર અમુક હાલરડું સાંભળતી વખતે હું એને એમ કેમ કહેત કે આ નહિ પેલું હાલરડું મા. આ ભાવનવ્યાપાર જ તો.’ રુચિ, અરુચિ કે ભિન્ન રુચિ, જેમાં વિવેચને પછીથી પ્રેરેલા કેટલા ય ખ્યાલો, અભિપ્રાયો, વિવાદો, મતભેદોના છેવટના કે છૂટકાના ખુલાસા પડેલા છે. વિવેચકમાં અપેક્ષિત ‘સહૃદયતા’ એના રુચિવિશેષ પર આધારિત છે. કૃતિની સ્વરૂપભિન્નતા પ્રમાણે એને તપાસવાનાં ઓજાર જુદાં હોય, પરંતુ ચાલકબળ તો આ જ.

મારી વિવેચનપ્રવૃત્તિની ચાલનાને તપાસું છું, તો એમાં શિક્ષણે બળ પૂર્યું જણાય છે. કોઈ કવિની છંદની હથોટી જોઉં કે એનો પ્રભાવ પડે, કોઈની અલંકારયોજના ચમત્કૃત કરે, કોઈની પદાવલિ … ઔપચારિક શિક્ષણમાં પ્રસ્તુત ન હોય એવા મુદ્દા ચિત્તમાં ઉપસ્થિત થાય, છેક નાનપણમાં પણ … અને મન પસંદગી-નાપસંદગીમાં પડે. એમ કલાદૃષ્ટિ કેળવાતી ગઈ એ તો ખરું, પરંતુ એક જુદી વાત પણ બની. દૃષ્ટાન્તોની મદદથી હું એ રજૂ કરું ? નાનાલાલ અને મેઘાણી, મારા પિતાજીના પ્રિય કવિ. પિતાજી મોજમાં હોય, ત્યારે એમનાં કાવ્યો લલકારે. એ સાંભળું ત્યારે ‘કોઈનો લાડકવાયો’ ગમે, ‘વીરની વિદાય’ ન ગમે; ‘તલવારનો વારસદાર’ સાંભળું તો પ્રશ્નો થાય. આમ કેમ થતું હતું એનો કોઈ ઉત્તર એ વખતે મારી પાસે નહોતો કે નહોતું એવું કોઈ આસપાસમાં, જેની પાસેથી એનો ઉત્તર મને મળી શકે. આજે વિચારું છું, તો એમ લાગે છે કે મૂલ્યોની અજ્ઞાત સ્વીકૃતિ-અસ્વીકૃતિમાં એનો ઉત્તર પડેલો હોવો જોઈએ. એમ લાગે છે, એ સ્વાધ્યાય અને શિક્ષણનો પ્રતાપ. મારા સાહિત્યવિવેચન અભિગમમાં મૂલ્યદૃષ્ટિએ જગા કરી લીધી, એનાં મૂળ કદાચ ત્યાં સુધી ફેલાયેલાં હોવાં જોઈએ. વિવિધ વાદનો પરિચય થયા પછી અને આધુનિક સાહિત્યના સંપર્કમાં મુકાયા પછી પણ આ મૂળિયાં ઊખડ્યાં નહિ. પીએચ.ડી. માટેના મારા શોધનિબંધનો મુદ્દો ગુજરાતી નવલકથામાં નિરૂપાયેલા નિયમો અને સમકાલીન પરિબળોના સંબંધને લગતો હતો, અને એ પછી ય મેં ગુજરાતી નવલકથામાં જણાયેલા મૂલ્યસંદર્ભોની તપાસ કરતા સ્વાધ્યાયલેખોનો સંચય ‘નિસબત’ નામથી કર્યો-તે બધું જોતાં હું આમ કહેવા પ્રેરાઉં છું.

આપણી વિવેચનપરંપરા સમૃદ્ધ અને સમુજ્જવલ છે, તે ઝાઝે ભાગે તો તપોનિષ્ઠ અધ્યાપકોને લઈને. એમના વારસા રૂપે, અધ્યાપનકાર્ય કરતાં-કરતાં વિવેચન માટે આવશ્યક પરંપરાપરિચય, શાસ્ત્રજ્ઞાન અને શિસ્તજન્ય સજ્જતાની ગડ બેસતી ગઈ.

એક સંયોગની વાત પણ કરું. બી.એ. અને એમ.એ., બન્ને કક્ષાએ મારે નવલકથાસ્વરૂપનો વિશેષ અભ્યાસ કરવાનો આવ્યો હતો – વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓના નમૂના સાથે. પછી સહજક્રમે પીએચ.ડી. માટે એ જ સ્વરૂપની સોબતમાં મુકાવાનું થયું. દરમિયાન હું વાર્તા-નવલકથા-લઘુકથા લખતો થયો હતો. કથાવાચનલેખન વખતની મારી મનોદશા વિશે કહું તો કથા વાંચતી વખતે જરૂરી વ્યાવહારિક તાટસ્થ્ય જાળવીને પણ હું એમાં સંડોવાતો હોઉં છું. લેખકની ગતિ કઈ દિશા પકડે છે, કઈ દિશામાં વળે છે, ક્યાં અટકે છે અને ક્યાં પહોંચે છે, એ જોતો-જોતો હું ય કૃતિમાં ગતિ કરતો હોઉં છું અને એમ કરતાં-કરતાં ક્યારેક વિસ્મયનો, ક્યારેક વિક્ષોભનો અનુભવ કરું છું. એ અનુભવપ્રેરિત આ ઉદ્‌ગાર છે – ‘કથા, તું બહુરૂપિણી!’ બહુરૂપિણી તે ફક્ત બાહ્ય સ્વરૂપે-ભેદે કરીને જ નહિ, કથા આંતરિક રીતે પણ આપણી સમક્ષ કેવાં-કેવાં રૂપ પ્રગટ કરતી હોય છે, તેનો સંકેત મેં ગુજરાતી નવલકથાના આરંભકાળથી માંડીને અત્યાર સુધીની કૃતિઓને લઈને આ પુસ્તકમાં સમાવિષ્ટ અભ્યાસ-લેખોમાં કરેલો છે. મારા આ અનુભાવનની વાતને જ વિજયભાઈ અને તમે સૌ વિવેચન કહો છે.                                       

E-mail:dhirendramehta29@gmail.com

[નર્મદ સાહિત્ય સભા, સુરત તરફથી અપાયેલા ‘મોહનલાલ પાર્વતીશંકર દવે ચંદ્રક’(વિવેચન માટે)ના સ્વીકાર પ્રસંગે.]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 05 તેમ જ 03

Loading

મનરેગા – ભૂષણ કે દૂષણ?

લાભુભાઈ ગ. પટેલ|Opinion - Opinion|16 December 2021

ભારતનાં અન્ય રાજ્યોની સ્થિતિ વિષેની તો મને ખબર નથી, પરંતુ ગુજરાતમાં અને તેમાંયે સૌરાષ્ટ્રમાં તો મજૂરોને અભાવે પૂરું ખેતઉત્પાદન લઈ શકાતું નથી. એક ખેડૂત તરીકે મેં આ અનુભવ્યું છે.

અહીંનાં ગામડાંઓના ખેડૂતોનો મોટો ભાગ ૩થી ૭ એકર જમીન ધરાવનારાઓનો હોય છે. જળ અને જમીન મધ્યમ પ્રકારનાં હોવા છતાં સૌથી વધુ શરીરશ્રમ જોડીને ભારતભરમાં સૌથી મહત્તમ ઉત્પાદન સૌરાષ્ટ્રનો ખેડૂત મેળવે છે. આર્થિક હાલત સામાન્ય ખેતમજૂરની સમકક્ષ છતાં ખેતીકામમાં તેમને ય મજૂરોની જરૂર પડતી હોય છે. સરકારી મનરેગા અને બી.પી.એલ.વાળાને મફત અનાજ પૂરું પાડવાનો વ્યાપ આટલો બધો નહોતો, ત્યારે ખેડૂતોને મજૂરો મળ્યા કરતા હતા. ખેતસુધારણાનાં કામો ગણીએ તો મજૂરોની જરૂર આખું વરસ રહેતી હોય છે. તે મળ્યા કરે, તો ખેડૂતો શક્ય તેટલું વધુ ઉત્પાદન લેવા પ્રોત્સાહિત રહે.

ખેતીમાં પાક તૈયાર થાય તે અવસ્થા કટોકટીભરી ગણાય છે. કપાસ બરાબરનો તરડ્યો હોય, વીણ્યા વિના બગડી જતો હોય ત્યારે મજૂરીના દરો ચૂકવવામાં ખેડૂત પાછું વાળીને જોતો નથી. ૨૦ કિલો (૧ મણ) કપાસની વિણાઈના રૂપિયા ૨૦૦થી ઉપર, સહેજે ત્રણ મણ વિણાઈ શકાતા કપાસની રોજમદારી રૂ. ૬૦૦ની ઉપર ચુકવાય છે, કે જેનું વળતર ખેડૂતને પોતાને પણ મળતું હોતું નથી. પણ પાક બગડવો પોસાતો નથી. આનાથી તેણે મંડળી-બૅંકોની લોનો ચૂકવવી પડતી હોય છે. સામાજિક પ્રસંગો પાર પાડવાના હોય છે.

ઘઉંનો પાક તૈયાર થયો હોય ત્યારે તેને વાઢવાની અને થ્રેશરની ખળું લેવાની અવસ્થા કટોકટીભરી હોય છે. આ વખતે મજૂરીના દૈનિક સારા ઘઉં ૧ મણ ભરી આપવા હોય છે, પણ મજૂરો આવતા નથી. કારણ કે તેમણે મનરેગામાં નામ નોંધાવ્યાં છે જેથી વગર મહેનતે પૈસાનાં ચુકવણાં થાય છે. ઉપરાંત સરકાર મફત અનાજ આપે છે જે ખાઈને હાડકાં હરામનાં બનાવી દીધાં છે. કંઈ જ કામ ન કરીએ તોયે સરકાર નિભાવશે જ તેવી તેમને ખાતરી છે. અરે, ફ્રીઝ, પંખા, ટી.વી., મોટરસાઈકલો રાખવી એ તેમને પોસાય છે. કારણ કે મનરેગાવાળાને તેમનો હિસ્સો આપી દેવાય તો ખોટાં નામો ય ચાલી જાય છે.

ઘઉંનું ખળું થ્રેશર વડે લેવાય તો પરાળનો બનતો ઝીણો ભુક્કો ‘કુંવળ’ સેન્દ્રિય ખાતર તરીકે અણમોલ છે, પણ થ્રેશરમાં મજૂરોની જરૂર પડે છે. હવે તે ન મળતાં ખેડૂતોએ પોતાનાં થ્રેશર ભંગારમાં કાઢી નાંખ્યાં છે. અને ૫-૧૦-૨૦ એકરના ઘઉં હોય તોયે પંજાબથી આવતાં હાર્વેસ્ટરો થોડા કલાકોમાં કામ પૂરું કરી આપે છે. થ્રેશરની તુલનાએ તે ખૂબ મોંઘાં પડે છે, ઘઉંની ડૂંડીઓ ખેતરમાં વેરાઈ જતી હોય છે. મહામૂલું કુંવળ બનતું નથી અને ખેતરોને ચોખ્ખાં કરવા ઊભા પરાળમાં અનિચ્છાએ દીવાસળી ચાંપવી પડે છે. આ રીતે મનરેગાએ અને મફત અનાજના વિતરણે સૌરાષ્ટ્રની ખેતીને અને મજૂરોનાં માનસને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. બેકારીનો બહુ મોટો ઉકેલ લાવનારી ખેતીમાંના નાના ખેડૂતો નષ્ટ થઈ રહ્યા છે અને મોટા ખેડૂતો, નાછૂટકે પ્રદૂષક યાંત્રિક ખેતી તરફ વળી ગયા છે.

ખેડૂતો ભલે ગરજના માર્યા, પણ મજૂરો સાથે શેઠાઈ નથી કરતા. ભાઈ-બાપા કહીને, પગે લાગીને, વીનવીને કામ આપે છે. તેમની અજુગતી શરતોયે સ્વીકારે છે અને તેમનાથી દોઢી મહેનત કરતા હોય છે, પરંતુ સરકારને એટલે કે તેને ચલાવનાર નોકરિયાતી જગતને મજૂરોનો શરીરશ્રમ અનાવશ્યક જુલમ જણાય છે. કારણ કે તેમની પોતાની રહેણીકરણ બેઠાડુ છતાં બહુ ઊંચા પગારોવાળી ગોઠવાઈ છે. આવક અને પરિશ્રમ તેમને માટે વિરોધાભાસી શબ્દો છે. તેથી જ નવા નાગરિકોને તૈયાર કરતું શિક્ષણ શરીરશ્રમ પ્રત્યે તિરસ્કાર શીખવે છે. હરકોઈ સમાજની સમૃદ્ધિ માટે શરીરશ્રમ બીજો વિકલ્પ નથી. એ તેને ક્યારે સમજાશે ? ખેતીમજૂરીમાં સ્વમાનભર્યું જીવન છે, કશુંયે મફત મેળવવવામાં નહીં.

મુ. પો. માલપરા, ઢસા, જિ. બોટાદ – ૩૬૪ ૭૩૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 07

Loading

...102030...1,7801,7811,7821,783...1,7901,8001,810...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved