Opinion Magazine
Number of visits: 9571193
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ જ જો ધર્મ હોય તો અધર્મ આપણે કોને કહીએ છીએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 August 2021

‘નર્મગદ્ય’-ખંડ-2નાં, ‘આપણી દેશજનતા’ નામના નિબંધમાં, નર્મદે 38માં પાનાં પર નોંધ્યું છે :

“મુસલમાનોએ આપણા દેશનું નામ હિન્દ પાડ્યું ને આપણને હિન્દુ કહ્યા. એઓએ ધર્મ-દ્રવ્ય સ્ત્રીહરણ કરવાને માટે આપણા ઉપર સુમાર વિનાનો જુલમ ગુજાર્યો. પોતાના એકસંપી શૌર્ય વડે આપણા કુસંપી શૌર્યને ચાંપી નાખ્યું, આપણે ખૂણે ભરાતા ગયા ને બ્રાહ્મણોનાં કહ્યાં માની વહેમી થયા અને પોતપોતાની નાતથી કામ જેટલી વિદ્યાથી ને સાધારણ રોજીથી રાજી રહ્યા. મરેઠાઓ મુસલમાનને તથા પરદેશીઓને કાઢવાને બહુ મથ્યા પણ તેઓનું ફાવ્યું નહિ. એટલે સર્વ પ્રજા ઉપર રૂડી અસર થઈ નહિ; પણ ઊલટી તેઓની ધાંધલથી પ્રજા વધારે દુ:ખી થઈ … મૂર્તિપૂજા એ આપણો સહુનો ધર્મ છે, રીતભાત આપણ સહુની ઘણું કરીને એક સરખી છે, આપણ સહુને સમદુ:ખીપણું છે અને સંસ્કૃત વિદ્યા તો આપણી જ હતી તથા રામ કૃષ્ણ તે આપણા હિન્દુના દેવ છે એવાં એવાં અભિમાન છે – એટલું પણ છે તેથી આપણી હિન્દુની દેશજનતા હજી મરણ પામી નથી.”

આ ફકરો અહીં ઉતારવાનું એક કારણ એ છે કે આવતી કાલે નર્મદને 188 વર્ષ પૂરાં થાય છે. નર્મદ જેવો સુધારક અને સર્જક ગુજરાતીમાં બીજો થયો નથી. નર્મદ પહેલાં ગદ્ય ખાસ હતું નહીં, પ્રવચનો પદ્યમાં થતાં. એવા સમયમાં દેશાભિમાન, સ્ત્રી કેળવણી, વિધવા પુનર્લગ્ન, ધર્મ, શબ્દકોશનો વિચાર કરવો પણ શક્ય ન હતો, તેની વિધિવત શરૂઆત નર્મદે કરી. એ સુરતનો હતો. સુરતી હતો. એણે અહીં મૂકેલા ફકરામાં જે કહ્યું છે તે ફરી એક વખત ધ્યાનથી જોઈશું તો સમજાશે કે આ દેશને હિન્દ તરીકે ઓળખવાનું અને પ્રજાને હિન્દુ તરીકે ઓળખાવવાનું મુસલમાનોએ કર્યું છે. હિન્દુ હોવાનું આપણને ગર્વ હોવું જ જોઈએ, પણ નર્મદના મતે એ ગૌરવ આપણને મુસ્લિમોએ આપ્યું છે તે ભૂલવા જેવું નથી. એ સાથે જ મુસલમાનોએ આપણા પર જુલમો ગુજાર્યા છે એની નોંધ લેવાનું પણ એ ચૂક્યો નથી. મુસ્લિમોને તથા પરદેશીઓને કાઢવાના બહુ પ્રયત્નો થયા, પણ તેમાં સફળતા મળી નહીં. નર્મદના કહેવા મુજબ આપણે સમદુખી, મૂર્તિપૂજક અને સંસ્કૃત વિદ્યાના ઉપાસક હોવાને કારણે એક હતા અને એટલે જ આટલાં આક્રમણો પછી પણ ટકી ગયાં છીએ. આપણે ટક્યાં તે રામ, કૃષ્ણને કારણે.

નર્મદે ધર્મમાં ચાલતાં પાખંડો સામે, વિષયી ધર્મગુરુઓ સામે માથું ફેરવીને કામ લીધું છે. તે “યા હોમ કરીને −” પડ્યો છે ને યાહોમ કરનારો નર્મદ હોમ કરવા સુધી પણ પહોંચ્યો છે. તેણે સુધારા કર્યા તેમાં પણ તેની પ્રતીતિ હતી ને તે ફરી હોમ કરવા સુધી આવ્યો તેમાં પણ તેનો ભરોસો હતો. તેણે જે પણ કર્યું, પ્રતીતિ સાથે. એ પ્રતીતિ હવે જણાતી નથી. મંદિરમાં ભૂલ બદલ માફી માંગતા નર્મદે ગાલે તમાચા પણ માર્યા, પછી વહેમ, અંધશ્રદ્ધાની સામે “સુધારાદિત્ય” થઈને ઝળહળ્યો. ભૂતપ્રેતમાં માનતી પ્રજાને તેણે સાફ કહ્યું છે કે ભૂત જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં. હોળીના તહેવારમાં ઘણે ઠેકાણે ગાળો બોલાતી, ધૂળ, કાદવ, પાણીએ તોફાન કરાતાં. નર્મદે તેનો વિરોધ કર્યો છે. તેણે ગાળાગાળી વિરુદ્ધ લખ્યું છે ને આ સ્થિતિ એટલી ખરાબ હતી કે 1856માં ચાલતા દુર્વ્યવહાર સામે સરકારે કાયદો કરવો પડેલો. એટલે તહેવારોની બીજી બાજુ છે જ. એ નર્મદના વખતમાં હતી તેવી આજે પણ છે.

દશામાનો તહેવાર નવો તહેવાર છે. છેલ્લાં થોડાં વર્ષોથી તે ઉજવાય છે. ઘરમાં મૂર્તિનું સ્થાપન થાય છે. આ રીતે દશેક હજારથી વધુ મૂર્તિઓની સ્થાપના થતી આવી છે ને પછી મૂર્તિઓનું નદીમાં વિસર્જન પણ થતું આવ્યું છે. એમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું પ્રમાણ વધતું આવ્યું અને નદી એમાં ને એમાં પુરાતી ગઈ. આ મૂર્તિઓમાં ગણેશની, કૃષ્ણની, અંબાની એમ જુદી જુદી મૂર્તિઓ રહેતી. એમાં સૌથી વધુ પ્રતિમાઓ ગણેશની હતી. એક અંદાજ મુજબ મુંબઈ, પુના કરતાં પણ સુરતમાં વધુ મૂર્તિઓ, સિત્તેર હજારની આસપાસ સુરતમાં સ્થપાતી. એ પ્રમાણ કોરોનાને કારણે થોડું ઘટ્યું હશે, પણ આ વર્ષે ચાર ફૂટની ગણેશની પ્રતિમાઓ સ્થાપવાની સરકારે છૂટ આપી છે, સાથે એવો આગ્રહ પણ રાખ્યો છે કે મૂર્તિઓનું વિસર્જન ઘરઆંગણે જ થાય. એની કાળજી આપણી પ્રજા નથી રાખવાની તેની સરકારને પણ ખાતરી છે, પણ રાજકીય હેતુઓ પાર પડતાં લાગે છે તો સરકાર ઢીલ મૂકતી રહે છે. નવરાત્રિમાં ગરબાનું આયોજન, આયોજકોએ સ્વેચ્છાએ પડતું મૂક્યું છે, પણ સરકારને માતાજીની કૃપા થાય તો એ દાંડિયા હાથમાં લે પણ ખરી ! 

કોરોનાની ત્રીજી લહેરનું આયોજન થઈ રહ્યું છે એમ કહેવાય છે ત્યારે સવાલ થાય છે કે આયોજન ત્રીજી લહેરને રોકવા થાય છે કે તેડવા તે સમજાતું નથી. એ જે હોય તે, આપણે તો પ્રાર્થના જ કરવાની રહે કે આફત ટળે !

ધાર્મિક ઉત્સવો આનંદ અને આસ્થા માટે થાય છે, પણ એ હેતુ ખરેખર જળવાય છે ખરો? દશામાની મૂર્તિઓની સ્થાપના થઈ ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનરે એવો આગ્રહ રાખ્યો કે મૂર્તિઓનું વિસર્જન ઘરમાં જ થાય. એવું થયું હોત તો આનંદ જ થયો હોત, પણ એવું થયું નહીં. હજારો મૂર્તિઓ કેનાલમાં અને જુદે જુદે ઓવારે ખંડિત અને રઝળતી દશામાં જોવા મળી. જે મૂર્તિનું દિવસો સુધી લાલન પાલન થતું હોય, તેની પૂજા અર્ચના થતી હોય, આરતી-પ્રસાદ થતાં હોય તે માને આમ રઝળતી મૂકી દેતાં ભક્તોને કૈં થતું નથી? માતાજી, ગરજ પતે એટલે એવો કચરો કેવી રીતે થઈ જાય કે તેને નદી કિનારે નાખી આવવો પડે? આ ધર્મ ને ભક્તિ છે? જો આ ધર્મ છે તો અધર્મ આપણે કોને કહીએ છીએ? કોઈ મા કે બાપા આપણને ચોખા મૂકવા આવે છે કે અમારી સ્થાપના કરો? જો નહીં, તો દશામા, આટલી દુર્દશામાં કેવી રીતે વિદાય લે છે? બીજા કોઈ ધર્મમાં ભગવાનની આટલી દુર્દશા જોઈ છે? ને આપણે લવારા કરીએ છીએ કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ ! આવા ગર્વિષ્ઠ હિન્દુ છીએ આપણે જે દેવી દેવતાનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન પણ નથી કરી શકતા? આ શરમજનક છે.

આમાં કોર્પોરેશનની હઠ પણ જવાબદાર છે.  મ્યુનિસિપલ કમિશનરે મૂર્તિઓનું વિસર્જન ઘરમાં જ થાય એવો આગ્રહ રાખ્યો, પણ તેમને એ ખબર હતી કે પૂરેપૂરું એવું થવાનું નથી. મૂર્તિઓ બહાર પણ વિસર્જિત થવા આવશે જ. સ્થાપના વખતે કૃત્રિમ તળાવોનું આયોજન વિચારણા હેઠળ છે એવું કમિશનરે કહ્યું ને પછી તળાવની વાત આગળ ચાલી નહીં. તળાવ થયાં હોત તો શું વાંધો આવતે એ નથી સમજાતું. તળાવ થયાં હોત તો પણ મૂર્તિઓ થોડી તો રઝળી જ હોત, પણ પ્રમાણ ઘટ્યું હોત. એ સગવડ ન મળી ને લોકોને મૂર્તિઓ રખડતી મૂકવાનું બહાનું મળી ગયું. આ જ સ્થિતિ ગણેશ વિસર્જન વખતે પણ થઈ શકે છે. બધી મૂર્તિઓનું વિસર્જન ઘરઆંગણે થવાનું નથી જ. એવે વખતે કૃત્રિમ તળાવોનું આયોજન કોર્પોરેશને કરવાનું રહે જ છે, એટલું જ નહીં, એની આગોતરી જાહેરાત પણ કરવી જ જોઈએ, જેથી લોકો ગમે ત્યાં મૂર્તિ રખડતી ન મૂકે. 

કોરોનાનું તો બહાનું છે, અગાઉ પણ ગણેશની પ્રતિમાઓ ખંડિત અને રઝળતી હાલતમાં જોવા મળી જ છે. પછી કોર્પોરેશને એ મૂર્તિઓને એકત્રિત કરીને દરિયામાં પધરાવવી પડે છે. આ વખતે દશામાની મૂર્તિઓ એમ જ એકઠી કરવી પડી અને દરિયામાં વિસર્જિત કરવી પડી. એક સૂચન કરવાનું થાય છે. જો મૂર્તિઓ છેલ્લે ભેગી કરીને વિસર્જિત કરવી જ પડતી હોય તો કોર્પોરેશન વિધિવત એવી જાહેરાત કરી શકે કે મૂર્તિઓ અમુક જગ્યાએ ભક્તો જમા કરાવે જેથી તેનું વિધિવત વિસર્જન થઈ શકે. 

પણ, પ્રજા તરીકે આપણે દંભી પ્રજા છીએ. હિન્દુ, હિન્દુનું કીર્તન કરતાં સજજનોને મૂર્તિઓ રઝળે એનો વાંધો નથી લાગતો, નહિતર બીજી બાબતોમાં આગ્રહ રાખતા ધાર્મિકો મૂર્તિઓનાં રઝળપાટ અંગે ચૂપ કેવી રીતે રહે? સાચી વાત એ છે કે આપણે ધર્મને દેખાડા પૂરતો જ અપનાવ્યો છે. એ પણ કોઈ વિધિના પ્રારંભમાં હોય એટલો જ ! નહિતર વિસર્જન અંગે આટલી બેદરકારી ચાલે કેવી રીતે? બને તો ધર્મને અંગત રાખીએ. ઘરમાં રાખીએ. વિધિવિધાનો કરવાં જ હોય તો ઘર પૂરતાં સીમિત રાખીએ. કોઈ ઈશ્વર કશાનો આગ્રહ રાખતો નથી, એ નથી સ્થાપના ઇચ્છતો કે નથી ઇચ્છતો વિસર્જન ! હવે આપણને રસ હોય તો એટલું કરીએ કે એને માનથી આવકારીએ અને માનપૂર્વક વિદાય આપીએ. કમસેકમ જેને માનીએ છીએ એ ઈશ્વરને અપમાનિત ન કરીએ. ધર્મ આપણું રક્ષણ કરે છે ને આપણે એને રઝળતો કરીએ એ શોભતું નથી. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઑગસ્ટ 2021

Loading

શબ્દો – કા – મેલાની મોજ

રૂપાલી બર્ક|Opinion - Opinion|23 August 2021

પ્રથમ વાર વર્ષ ૨૦૦૦માં મનાવવામાં આવેલો આંતર-રાષ્ટ્રિય યુવા દિન દર વર્ષે ૧૨ ઑગસ્ટે ઊજવવામાં આવે છે. હેતુ છે યુવાઓ સંદર્ભે જાગૃતિ ફેલાવવાનો અને વિશ્વભરના યુવાઓના પ્રશ્નો તરફ ધ્યાન દોરવાનો.

૨૦૨૧ના આંતર-રાષ્ટ્રીય દિનનું થીમ છે, “ખાદ્ય વ્યવસ્થાઓનું પરિવર્તન : માનવ અને ગ્રહ સંબંધિત આરોગ્ય માટે યુવા નવપ્રયોગ”. આ કક્ષાની વૈશ્વિક પહેલની સફળતા યુવાઓની અર્થપૂર્ણ સહભાગિતા વગર સંભવ નથી, એ બાબત પર ભાર મૂકવાનો આ પાછળનો હેતુ છે. એ વાતનો સ્વીકાર થયેલો છે કે ખાદ્ય વ્યવસ્થાઓના પરિવર્તનમાં જૈવિક વૈવિધ્યના સમાવેશ સાથે આપણા ગ્રહની પુન:સ્થાપના માટે અને જીવ સૃષ્ટિના રક્ષણ માટે યુવાઓ વ્યક્તિગત અને સામૂહિક ધોરણે પ્રયત્નોને વધારી શકે એ માટે સમાવેશક પદ્ધતિઓની જરૂરને સમર્થન મળેલું છે. આગામી ૩૦ વર્ષોમાં વિશ્વની વસ્તીમાં ૨૦૦ કરોડ લોકો ઉમેરાશે. વિવિધ હિસ્સેદારો મુજબ આરોગ્યપ્રદ ખાદ્યનું વધુ મોટી માત્રામાં ટકાઉ ધોરણે ઉત્પાદન કરવું માનવ અને ગ્રહની સુખાકારી માટે પૂરતું નથી. ગરીબીમાં ઘટાડો, સામાજિક સમાવેશક્તા, આરોગ્ય સેવાઓ, જૈવિક વૈવિધ્યનું જતન અને હવામાન પરિવર્તન નિવારણ સહિત ૨૦૩૦ના સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઍજૅન્ડામાં સમાવિષ્ટ આંતર-જોડાણો જેવા અન્ય અગત્યના પડકારોને પણ લક્ષમાં લેવા પડશે.

આંતર-રાષ્ટ્રિય યુવા દિન ૨૦૨૧ નિમિત્તે સ્થાપક-ડાયરેક્ટર મહેશભાઈ પંડયાની આગેવાની હેઠળ એટલાં જ સમર્પિત અન્ય કર્મશીલો દ્વારા પર્યાવરણ સંબંધી પ્રશંસનીય કામગીરી કરતી અમદાવાદ સ્થિત સ્વયંસેવી સંસ્થા ‘પર્યાવરણ મિત્ર’ અને ‘ગ્રીન કૅટૅલિસ્ટ’ના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પર્યાવરણ મિત્ર દ્વારા પર્યાવરણ માટે યુવાઓની માવજત કરી એમને સશક્ત બનાવવા ‘ગ્રીન કૅટૅલિસ્ટ’ નામનો કાર્યક્રમ  ચલાવવામાં આવે છે.  ૧૧મી ઑગસ્ટે પર્યાવરણ વિષયક, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ટૂંકા પઠન માટેની (સમય મર્યાદા અઢી મિનિટ) પદ્ય અને ગદ્યની ઑનલાઈન સ્પર્ધાનું આયોજન ખૂબ સરસ રીતે ફાલ્ગુનીબહેન જોશીના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. ભાગ લેનારા યુવાઓ ભારતભરમાંથી ઍન્વાયરનમૅન્ટલ ઍન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ હતા જેઓ ‘પર્યાવરણ મિત્ર’ માં ઈન્ટર્નશિપ કરી રહ્યાં છે. ભાષા, વિષય/સંવેદન અને રજૂઆત એમ ત્રણ દૃષ્ટિએ ગુણ આપવાનું નક્કી કર્યું. નીચે ટાંકેલાં નમૂના જોતાં ખ્યાલ આવશે કે ભવિષ્યના આ પર્યાવરણકર્મીઓની પર્યાવરણ પ્રત્યેની સંવેદના અને સમર્પણની અભિવ્યક્તિ કેટલી હૃદયસ્પર્શી છે : 

(૧) પદ્ય :

… Thank you for the land, shared by humans and animals;
And sorry for creating the mess of chemicals.
Thank you for the nurture and nature;
And sorry for the rising temperature.
Thank you, Mother Earth for all that
Endless spins around the sun;
And sorry for your tolerance of the sins of your son…

(‘Thank you and Sorry’, Jay Parihar, Nirma University, Ahmedabad, Gujarat.)

ગુજરાતી અનુવાદ :

… પાડ તારો જીવધારીઓની સહિયારી આ ભૂમિ માટે;
ને ક્ષમા યાચું રસાયણની ગડબડ બદલ.
પાડ તારો જતન ને કુદરત માટે;
ને ક્ષમા યાચું વધતા તાપમાન બદલ.
પાડ તારો સૂર્ય ફરતે તારા અનંત ફેરા માટે;
ને ક્ષમા યાચું તારા દીકરાના પાપો સહન કરવા બદલ ….

(२) पद्य

मौसम आज बिमार है
आज उसको ज़ूकाम है
…….….….…
मौसम को ले जाना अस्पताल है
करना एक काम है
उसका करवाना इलाज है
….….………..
मौसम आज फिर बिमार है
आज उसको बुख़ार है
ग़ुस्सा उसका आसमान के पार है
सामने देख भी नहीं सकते उतना बेहाल है ….

(‘मौसम आज बिमार है…’, राजवी देसाई, आर्किटेक्चर की छात्रा, अनंत यूनिवर्सिटी, अहमदाबाद, गुजरात)

ગુજરાતી અનુવાદ :

હવામાન આજે બિમાર છે
આજે એને શરદી થઈ છે
……………
હવામાનને હોસ્પિટલ લઈ જવાનું છે
કરવાનું એક કામ છે
એનો ઈલાજ કરાવવાનો છે
……..
હવામાન આજે ફરીથી બિમાર છે
આજે એને તાવ છે
મિજાજ એનો આસમાને છે
સામે જોઈ પણ ના શકીએ એટલું બિસ્માર છે ….

(3) Fiction

A couple of years back I was out on a retreat in the wild. In the afternoon, we were given some free time and I decided to take a walk in the woods. It was a sunny day in the middle of January. The landscape was covered in a thick sheet of snow. I did not have snow boots on me but I decided to go anyway. I walked and walked and walked deep into the woods. Soon I realized that I had come so far deep that I had lost of our campsite. I had a rough idea of the path I had taken but I wasn’t entirely sure. We weren’t allowed access to our phones as the retreat so I didn’t have that either. So  here I was, by myself, with soaking wet feet, away from civilization and in the middle of the woods with no way to contact the human world.

At this time you would expect me to feel a little vulnerable, maybe even scared. Surprisingly, I did not feel any of that. I looked around me. The frozen lake, the chirping birds, the rotting wood, the gentle breeze, the clear blue sky, the fungus on trees, the rabbits running, the wolves howling. It felt sacred. I felt close to God. Closer than any place of worship ever made me feel. It was unlike anything I had ever experienced. Everything was in perfect harmony. An ecosystem in balance. The complex interconnectedness of all life.

I couldn’t help but stand in awe of the natural world and the 4.3 billion years of our planet’s history. Life which started with a few simple organic molecules and evolved into all the different forms of life that we see today in our oceans, our forests, our mountains, our rivers, our deserts. We are all descendants of those first molecules. They are our true ancestors. How magical! How fascinating! They say our universe and its secrets are far more fascinating and magical than anything in our world of imagination. They were right and I felt it that day in the woods.

(‘My Experience with Environment’, Megh Soni)

ગુજરાતી અનુવાદ :

થોડાંક વર્ષો પૂર્વે જંગલમાં એકાંતવાસ દરમ્યાન અમને ફરવા જવાની છૂટ મળી. મેં જંગલમાં વિહરવાનું વિચાર્યું. જાન્યુઆરીનો હૂંફાળો દિવસ હતો. ચારેતરફ બરફ પથરાયેલો હતો. મેં પગમાં બરફના ખાસ બૂટ પહેરેલા નહોતા. ચાલતાં ચાલતાં ખૂબ દૂર નીકળી ગયો. મને ભાન થયું કે હું એટલે ઊંડે પહોંચી ગયો છું કે કૅમ્પ સાઈટ દેખાતી બંધ થઈ ગઈ હતી. માર્ગનો કાચોપાકો ખ્યાલ હતો પણ ચોક્કસપણે નહીં. વધુમાં ફોન સાથે રાખવાની મનાઈ હતી. પલળેલા પગે હું માનવ સંસ્કૃતિથી છેટો જંગલની મધ્યે હતો. માનવોની દુનિયા સાથે સંપર્ક કરવાના કોઈ પણ માધ્યમ વિના.

આવે વખતે એવું સ્વાભાવિકપણે લાગે કે હું જોખમી સંજોગોમાં હોઉં, ભયભીત પણ. આશ્ચર્ચ વચ્ચે મને એવું કંઈ જ ના અનુભવાયું. થીજેલું તળાવ, કિલકિલાટ કરતાં પંખીઓ, કોહવાતા લાકડા, મંદ પવન, સ્વચ્છ નીલ આકાશ, વૃક્ષો પર ફૂગ, દોડતાં સસલાં, રૂદન કરતા વરૂઓ. વાતાવરણ પવિત્ર લાગતું હતું. ઈશ્વરની સમીપ હોઉં એવી અનુભૂતિ થઈ. કોઈ પણ દેવાલયમાં આવી અનુભૂતિ મને ક્યારે ય નહોતી થઈ. બધું જ સંપૂર્ણ સુમેળવાળું હતું. ઈકોસિસ્ટમ બરાબર સંતુલનમાં હતી. તમામ જીવોનું સંકુલ આંતર-જોડાણ.

પ્રાકૃતિક દુનિયાનો રોબ જોતો રહી ગયો. આપણાં ગ્રહનો ૪૩૦ કરોડ વર્ષોનો ઇતિહાસ. જીવસૃષ્ટિનો ઉદ્ગમ થયો અમુક સરળ, સેંન્દ્રીય પરમાણુઓમાંથી. એમાંથી ઉત્ક્રાંતિ થઈ અને બન્યાં આજે જોઈએ છીએ એ આપણા મહાસાગરો, આપણાં જંગલો, આપણા પર્વતો, આપણી નદીઓ અને આપણા રણ પ્રદેશો. એ પ્રથમ પરમાણુઓના આપણે વંશજ છીએ. આપણા ખરા પૂર્વજો એ છે. કેટલું જાદુઈ! કેટલું મોહક! કહેવાય છે કે બ્રહ્માંડ અને એના રહસ્યો આપણી કલ્પનામાંની કોઈ પણ બાબત કરતાં અનેકગણું મોહક અને જાદુઈ હોય છે. સાચું જ કહેવાયું છે. એ દિવસે મને જંગલ મધ્યે એની અનુભૂતિ થઈને રહી.

(4) Poetry

…With dying trees and animals. It’s in sorrow;
Make green today and green of  tomorrow.
With melting snow, one day it will sink;
How can we save it, just think
……………………
Grow more trees, make mother earth green;
Reduce pollution, make her a queen.

(‘Save our Mother Earth’, Payal Patel, Environmental Engineering)

ગુજરાતી અનુવાદ :

… મરતાં વૃક્ષો અને પ્રાણીઓ જોઈ એ શોકમાં છે;
આજને હરિયાળી બનાવો ને હરિયાળી બનાવો આવતીકાલને.
પીગળતા બરફ વચ્ચે ડૂબી જવાની એક દિવસ એ;
કેમ કરી બચાવીશું, વિચારો ઝટ એ
………………
વધુ વૃક્ષો વાવો, મા ધરતીને હરિયાળી બનાવો;
પ્રદૂષણ ઘટાડો ને એને રાણી બનાવો.

(५) पद्य

वातावरण को दूषित करके
तुम स्वस्थ नहीं रहे पाओगे
जो स्वस्थ हवा ना ले पाए तो
घुट घुट के मर जाओगे
……………..
पर्यावरण हे हम सब की जान
इसीलिए करो उसका सम्मान
प्रकृति का मत करो शोषण
सब मिलकर बचाओ पर्यावरण
………………
आओ मिलकर हम सब क़सम खायें
प्रदूषण को हम दूर भगायें।

(श्रेया मिस्त्री, एनवाईरनमेंटल एनजीनयरिंग, अंकलेश्वर, गुजरात)

ગુજરાતી અનુવાદ :

વાતાવરણને દૂષિત કરીને
તમે સ્વસ્થ નહીં રહી શકો
જો સ્વસ્થ હવા નહીં શ્વસી શકો
તો ઘૂંટાઈને મરી જશો
…………….
પર્યાવરણ છે આપણો પ્રાણ
માટે છે એનું સન્માન
પ્રકૃતિનું ના કરો શોષણ
મળી સાથે સૌ બચાવો પર્યાવરણ
………………
આવો મળીને સોગંદ લઈએ
પ્રદૂષણને દૂર ભગાડીએ.

(६) पद्य

जब तुम अंतिम जगा को भी साफ कर लो

जब तुम्हें लगे के अब कुछ नहीं रहा प्रदूषित करने को
तब तुम सर ऊँचा उठा सकोगे
और तुम्हें लगेगा की अब कुछ नहीं रहा जितने को।

(आरिफ़ हूसेन, बी कोम, एल.एल.बी., मध्य प्रदेश यूनिवर्सिटी)

ગુજરાતી અનુવાદ :

જ્યારે અંતિમ જગાને પણ સ્વચ્છ કરી લો
જ્યારે થાય કે રહ્યું નથી હવે કંઈ પ્રદૂષિત કરવા જેવું
ત્યારે માથું ઊંચું રાખી શકશો
ને થશે તમને કે નથી બાકી કંઈ જીતવા જેવું.

યુવાઓની આ સુંદર અભિવ્યક્તિ આપણને આશા બાંધી આપે છે. આવી સભાનતાનો પ્રસાર-પ્રચાર થાય એ ખૂબ જરૂરી છે. આ સ્પર્ધકો પર્યાવરણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાના એટલે વિચારને કર્મમાં ફેરવી શકે એવી પ્રાર્થના કરીએ. પર્યાવરણીય પ્રશ્નો જટિલ બનતા ચાલ્યાં છે અને લાગે છે એટલું અમલમાં મૂકવું સહેલું નથી એ આપણે જાણીએ છીએ.

ઉપરના સંદર્ભે આંતર-રાષ્ટ્રિય યુવા દિન ૨૦૨૧ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સૅક્રૅટરી-જૅનરલ ઍન્ટોનિયો ગુટરેઝે આપેલો વીડિયો સંદેશ ખૂબ પ્રસ્તુત છે :

સર્વ માટે સારું ભવિષ્ય બનાવવામાં યુવાઓ સંઘર્ષમાં અગ્ર ભૂમિકા ભજવી રહ્યાં છે. યુવાઓ જે પ્રકારનો પરિવર્તનશીલ બદલાવ ઈચ્છે છે, એની તાતી જરૂર કોવિડ-૧૯ મહામારીએ સમજાવી આપ્યું છે. આથી, આ પ્રયાસમાં યુવાઓની સંપૂર્ણ સહભાગિતા હોવી અત્યંત આવશ્યક છે.

આ વર્ષે આંતર-રાષ્ટ્રિય યુવા દિન પ્રસંગે આપણી ખાદ્ય વ્યવસ્થાઓ સામેના પડકારોનો સામનો કરવા યુવા નવપ્રવર્તકો દ્વારા વિકસાવેલા માર્ગો પર ભાર મૂકવાનું નક્કી કરાયું છે. ખાદ્ય સુરક્ષા સંબંધી અસમાનતાઓ, જૈવીક વૈવિધ્યનું ધોવાણ, પર્યાવરણ સામેના જોખમો અને એવા ઘણા બધાં પ્રશ્નો સામે આ યુવાઓ મથામણ કરી રહ્યાં છે. અનેક ક્ષેત્રોમાં પણ આવી જ ઝુંબેશ, સર્જનાત્મક્તા અને પ્રતિબદ્ધતા જોવા મળી રહી છે — જાતિ-લિંગ સંબંધી સમાનતાથી માંડીને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવી બાબતો.

પરંતુ યુવાઓ માટે આપમેળે આ બધું કરી શકવું શક્ય નથી. એમને કાર્યરત કરી શકે, સમાવિષ્ટ કરી શકે અને સમજી શકે એવી સાથી સંસ્થાઓની જરૂર પડશે. યુવા ૨૦૩૦ વ્યૂહરચનાની માર્ગદર્શિકા મુજબ વૈશ્વિક કક્ષાએ યુવાઓ માટે અને યુવાઓ સાથે સંયુક્ત રાષ્ટ્ર એના કાર્યને મજબૂત બનાવી રહ્યું છે.

સૌ માટે સમાવેશક, ન્યાયી અને ટકાઉ વિકાસ પર આધારિત વિશ્વ બનાવવાના આપણાં પ્રયાસો દરમ્યાન મેજ પર યુવાઓને બેઠક સાંપડે એની ખાતરી કરવાની દરેકને હું અરજ કરું છું.

આભાર.

દરમિયાન, તારીખ ૨૨ ઑગસ્ટના ‘ગુજરાત સમાચાર’નું મથાળું વાંચીને આપણી આંખો ખૂલી જવી જોઈએ :

‘ભારત સહિત ૩૩ દેશના ૧૦૦ કરોડ બાળકો પર ક્લાઈમેટ ચેન્જનો ખતરો’

(યુનિસેફના ક્લાઈમેટ હાઈ રિસ્ક ઈન્ડેક્સ મુજબ)

e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

કોઈ પ્રજા સંગઠિત થઈ અને રહી શકે ખરી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|22 August 2021

ભારત ઉપર વિદેશીઓએ કે વિધર્મીઓઓએ કરેલાં આક્રમણ વખતે પ્રત્યેક વેળા ભારતનો પરાજય એટલા માટે થયો છે કે હિંદુઓ સંગઠિત નહોતા. આ કોઈ હું નવી વાત નથી કહેતો.  તમે અનેક લોકોને આમ કહેતા સાંભળ્યા હશે, અને આ રીતની દલીલ કરનારા લેખો વાંચ્યા પણ હશે. આ વાત ખોટી પણ નથી, એટલે તેને પડકારવાની જરૂર પણ નથી.

અહી આટલા સવાલ ઉપસ્થિત થાય છે :

૧. જો હિંદુઓ સંગઠિત નથી કે નહોતા તો જગતની કઈ પ્રજા આપણે ઈચ્છીએ છીએ એ રીતે કે એવા સ્વરૂપમાં સંગઠિત છે? 

૨. સંગઠિત થવા માત્રથી યુદ્ધો જીતી શકાય છે કે પછી એને માટે કોઈ બીજી આવડત પણ હોવી જરૂરી છે? જગતમાં અને ભારતમાં થયેલાં યુદ્ધો ઉપર એક નજર નાખશો તો શું જોવા મળશે? જે લોકો યુદ્ધ જીત્યાં છે એ માત્ર સંગઠિત હતા એટલે જીત્યાં છે? 

૩. સંગઠિત થવાથી માત્ર ફાયદો જ ફાયદો છે કે એમાં કોઈ નુકસાન પણ છે? શું ખબર સંગઠિત થવાથી કોઈકને નુકસાન પણ થતું હોય! જો સાફ હ્રદયે વિચાર કરવા બેસશો તો આની પણ  તપાસ તો કરવી પડશે. અને 

૪. હિંદુઓ જો જગતમાં સૌથી વધુ અસંગઠિત છે તો એવું શા માટે છે? વિભાજક તત્ત્વો આપણાં પોતાનાં હોવાં જોઈએ, અર્થાત્ હિંદુ માનસ અને હિંદુ સમાજ-શરીરમાં તે અવિભાજ્ય રૂપે બેઠેલાં હોવાં જોઈએ. અને એ એટલી હદે ઘર કરી ગયાં છે કે તેને આપણે દૂર કરી શક્યા નથી, અથવા કેટલાક લોકો તેને દૂર કરવા દેતા નથી. અહીં થોડું આત્મપરિક્ષણ પણ કરવું પડશે. 

તો પહેલો સવાલ પહેલા હાથ ધરીએ. 

જગતની કઈ પ્રજા સાચા અર્થમાં સંગઠિત છે? જવાબ છે એક પણ નહીં. જગતની છેક દરેક પ્રજાને એમ લાગે છે કે આપણને છોડીને બીજી પ્રજા સંગઠિત છે, પણ એ એક આભાસ છે. માત્ર હિંદુઓ માટે આખા જગતનો એક મત છે કે તે સંગઠિત નથી અને ક્યારે ય એ સંગઠિત થઈ શકશે નહીં. આવો અભિપ્રાય બનવાનું કારણ દેખીતું છે. હિંદુ સમાજનાં વિભાજક તત્ત્વો નજરે પડે એવાં છે. તો વાત એમ છે કે જગતની દરેક પ્રજાને એમ લાગે છે કે આપણે સંગઠિત થવું જોઈએ અને તેમને આવું લાગવાનું કારણ એ છે કે તેઓ સંગઠિત હોતા નથી. તેઓ ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય તો મારું ધ્યાન નથી એટલે ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય તો મારું ધ્યાન થવા માગે છે. 

શું જગતના ખ્રિસ્તીઓ સંગઠિત છે? જો એમ હોત તો ખ્રિસ્તીઓ યુરોપમાં આટલા બધા દેશોમાં વહેંચાયેલા ન હોત. તેઓ એક જ ધર્મના અનુયાયીઓ છે. યુરોપની ભાષાઓ પણ એક જ કુળની અર્થાત્ એક જ પરિવારની છે. યુરોપિયન ખ્રિસ્તીઓમાં હિંદુઓ જેટલી વંશ-બહુલતા નથી. યુરોપ નામનો એક દેશ રચીને યુરોપ રાષ્ટ્રમાં એક સાથે જીવવા માટે આપણા કરતાં ઘણી વધારે અનુકૂળતા ખ્રિસ્તીઓ ધરાવે છે અને છતાં તેઓ એકબીજાથી અલગ છે. ભારત નામના એક દેશમાં ઘણાં ધર્મોની પ્રજા વસતી હોવા છતાં આપણે ત્યાં ભાષાવાર પ્રાંતો છે, જ્યારે યુરોપમાં એક જ ધર્મની અને ગણીને બે-ચાર વંશની પ્રજા હોવા છતાં ભાષાવાર દેશો છે. આપણે ત્યાં પ્રાંતો છે, ત્યાં દેશો છે. તો વધારે સંગઠિત કોણ? વિશ્વયુદ્ધ તરીકે ઓળખાતાં જગતના ઇતિહાસમાં સૌથી રાક્ષસી યુદ્ધો યુરોપમાં ખ્રિસ્તીઓએ લડ્યાં છે. ખ્રિસ્તી ખ્રિસ્તી સામે લડતો હતો. મુસલમાનોમાં જે રીતે શિયા અને સુન્નીઓ વચ્ચે હિંસક હુલ્લડો થાય છે એ રીતે એક જમાનામાં ખ્રિસ્તીઓમાં કેથલિક અને પ્રોટેસ્ટન્ટો વચ્ચે થતાં હતાં. આ સિવાય બીજા ફિરકાઓ વચ્ચે અવિશ્વાસ અને ઘૃણાના સંબંધો હતા. શ્વેત ખ્રિસ્તીઓનો અશ્વેત ખ્રિસ્તીઓ સાથેનો વહેવાર અમાનવીય હતો અને હજુ આજે પણ છે એ ઉઘાડું સત્ય છે. અત્યારે હવે ઉઘાડી અથડામણો નથી થતી કારણ કે ખ્રિસ્તીઓએ અને તેમના ધર્મગુરુઓએ ખ્રિસ્તી વિભાજનને એક વાસ્તવિકતા તરીકે સ્વીકારી લીધું છે. યાદ રહે, ખાસ્સા રક્તપાતને અંતે તેમને આવી અક્કલ આવી છે. 

મુસલમાનો સંગઠિત છે? દરેક હિન્દુને એમ લાગે છે કે મુસલમાનો સંગઠિત છે અને  મુસલમાનોને પણ એમ લાગે છે કે તેઓ સંગઠિત છે. ચુસ્ત મુસલમાન પોતાને ભારતીય મુસલમાન તરીકે નહીં ઓળખાવે પણ મુસ્લિમ ભારતીય તરીકે ઓળખાવશે. પાકિસ્તાની મુસલમાન તરીકે નહીં ઓળખાવે પણ મુસ્લિમ પાકિસ્તાની તરીકે ઓળખાવશે. તેઓ એમ કહેવા માગે છે કે તેઓ પહેલા મુસલમાન છે અને જે તે દેશના વતની છે. ક્યાંનો વતની છે એ એક અકસ્માત છે, મુસલમાન છે એ તેનું સૌભાગ્ય છે. અલ્લાહની તેના પર વિશેષ મહેરબાની છે. ‘સારે જહાંસે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ગીત લખનારા એક સમયના ભારતીય રાષ્ટ્રવાદી કવિ ઇકબાલ મુસ્લિમ કોમવાદી બન્યા એ પછી તેમણે ૩૦મી ઓક્ટોબર ૧૯૩૦ના રોજ અલ્હાબાદમાં ભાષણ આપતા હિંદુઓને ઉદ્દેશીમેં કહ્યું હતું કે મુસલમાન સંગઠિત પ્રજા છે, કારણ કે તે મુસલમાન છે. જો એમ હોય તો પાકિસ્તાન બન્યા પછી ગણતરીનાં વરસોમાં પાકીસ્તાનનું વિભાજન કેમ થયું? અસંગઠિત હિંદુઓની બહુમતીવાળું ભારત અખંડ રહે અને સંગઠિત મુસલમાનોના પાકિસ્તાનના માત્ર પચીસ વરસમાં ટુકડા થાય? કોણ વધારે સંગઠિત? અને આજે પણ ક્યાં બાકીના પાકિસ્તાનની એકતા આકાર પામી છે. મુસલમાનો સંગઠિત છે એમ માનનારા હિંદુઓને અને એવો દાવો કરનારા મુસલમાનોને પૂછવું જોઈએ કે વિભાજન પહેલાના અખંડ ભારતના સંગઠિત મુસલમાનો વિભાજન વખતે ભારતમાં પાછળ રહેલા મુસલમાનોને હિંદુઓને ભરોસે મૂકીને કેમ પાકિસ્તાન જતા રહ્યા? ક્યાં ગઈ હતી એકતા? મુસ્લિમ એકતાનો દાવો કરનારાઓને પૂછવું જોઈએ કે કરબલાના યુદ્ધમાં ખુદ પેગંબરના વંશજોની હત્યા કરનારા કોણ હતા? ગેર મુસલમાન હતા કે મુસલમાન? કેટલાક મુસ્લિમ દેશોમાં જે ઘમાસાણ ચાલી રહ્યું છે એ કોની વચ્ચે ચાલી રહ્યું છે? મુસલમાનો એકબીજાનાં ગળાં કાપી રહ્યા છે. 

હકીકતમાં મુસ્લિમ પ્રજા એટલી જ વિભાજીત છે જેટલી અન્ય ધર્મીય પ્રજા છે અને એમાં ભારતીય મુસલમાનો તો એટલા જ અસંગઠિત છે જેટલા ભારતીય હિંદુઓ છે. તેમની અંદર જ્ઞાતિપ્રથા પણ છે અને આપસમાં લગ્ન-વ્યવહાર વર્જ્ય છે.

શું બૌદ્ધો સંગઠિત છે? અહિંસામાં માનતા હોવા છતાં તેમનો ઇતિહાસ તપાસશો તો એમાંથી પણ એ જ હાથ લાગશે જે અન્ય ધર્મીય પ્રજાની બાબતમાં જોવા મળે છે. મારી આપને ભલામણ છે કે તમે જગતની દરેક પ્રજાસમૂહના ઇતિહાસને જોઈ જાઓ અને શોધી કાઢો કે જગતની કઈ પ્રજા સંગઠિત છે. ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય તો મારું ધ્યાન દોરજો.

અને હા, હજુ એક વાત. ધર્મ, ભાષા અને વંશ એ ત્રણ પરિબળો એવાં પ્રબળ છે જે ઓળખ આધારિત પ્રજાસમૂહો રચે છે. આ ત્રણમાં ધર્મ સૌથી વધુ તકલાદી પરિબળ છે, કારણ કે એમાં કોઈ ધારે ત્યારે ફણગા ફોડી શકે છે. ધર્મગ્રંથોનું અલગ અર્થઘટન, અલગ પૂજા-અર્ચના શૈલી, અલગ મઠ, અલગ વેશપરિધાન એટલું વિકસાવો એટલે જે તે ધર્મના છોડમાં નવો ફણગો ફૂટી શકે. આવું વંશ અને ભાષાની બાબતમાં બનતું નથી. વંશ સ્થાપી શકાતો નથી જે રીતે ધર્મ કે સંપ્રદાય સ્થાપી શકાય છે. એવું જ ભાષાની બાબતમાં. કોઈ મસીહા નવી ભાષા રચી શકતો નથી, ભાષાનો નોખો ચોકો સ્થાપી શકાતો નથી અને કોઈને પોતાની ભાષા બોલતો કે ભાષામાં પ્રવેશતો રોકી શકાતો નથી. બીજી બાજુ ધર્મ એક એવી સંસ્થા છે જેમાં નોખા ચોકા કરી શકાય છે અને કરવામાં આવી રહ્યા છે. જે સંસ્થા પોતે જ તકલાદી હોય અને જેમાં લોકો ધારે ત્યારે છીંડાં પડતા હોય એને આધારે કોઈ પ્રજા સંગઠિત થઈ અને રહી શકે ખરી? અને છીંડાં કોણ પાડે છે? અંદરના જ લોકો.

છેલ્લે, હમણાં કહ્યું એમ ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય એવું જો તમારા ધ્યાનમાં આવે તો મારું ધ્યાન દોરવાનું નહીં ભૂલતા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑગસ્ટ 2021

Loading

...102030...1,7771,7781,7791,780...1,7901,8001,810...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved