Opinion Magazine
Number of visits: 9676173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વેચ્છા મૃત્યુ : એક વિચાર

મનસુખ સલ્લા|Opinion - Opinion|28 September 2021

યોગેન્દ્ર ભાઇ વ્યાસ અને અંજનાબહેનના મૃત્યુનો આંચકો આખા ગુજરાતને લાગ્યો. યોગેન્દ્રભાઈ મોટા વિદ્વાન હતા એમ જ ઉમદા માણસ હતા. તેમના પરિચયમાં આવેલા કોઈ પણ તેમને ભૂલી ન શકે. ભાષાવિજ્ઞાન કે વ્યાકરણ સાથે  જોડાયેલા ન હોય તેમને પણ આઘાત લાગ્યો છે. યોગેન્દ્રભાઈ અંજનાબહેનના મૃત્યુએ ફરી એક વાર આપણને મૃત્યુની પસંદગી અંગે વિચાર કરતાં કરી દીધાં છે. આઘાત તો સૌને લાગ્યો છે, પરંતુ એક વાર શાંતિથી, નિરાંતે વિચારવા જેવું છે કે વ્યક્તિનો સ્વેચ્છા મૃત્યુનો હક ખરો કે નહીં? આ અંગે ચારેક દાયકા પહેલાં ઈશ્વર પેટલીકર, યશવંતભાઈ શુક્લ અને બીજાઓએ જાહેર વિચારણા કરી હતી.

વ્યક્તિ અસાધ્ય રોગથી ઘેરાયેલી હોય ત્યારે એકથી વધુ પાસાં તેની સામે ઊઘડતા હોય છે. (૧) પરિવારજનોની સેવા – સારવાર કઈ હદ સુધી લેવી? (૨) જેમાંથી સાજા થવાની શક્યતા નથી તો પરિવારને સારવારનો આર્થિક ઘસારો શા માટે આપવો? (૩) જો પતિ-પત્ની બંને રોગથી જીર્ણ થઈ ગયાં હોય, ઉંમર ૮૦ આસપાસની હોય, દીર્ઘ સહજીવન ભોગવ્યું હોય તો અસહાય અવસ્થામાં પડી રહેવા કરતાં સ્વેચ્છાએ સાથે જ જીવન પૂરું કરી દેવું યોગ્ય ગણાય કે નહીં? (૪) આવા સંજોગોમાં જિંદગીનો અંત લાવવાનો વ્યક્તિનો હક ખરો કે નહીં?

સ્વેચ્છા મૃત્યુ અને કંઈક અણગમતું થવાથી આત્મહત્યા કરવી એ બંને એક સ્થિતિ નથી. કાયદાકીય સ્વરૂપ અને અર્થઘટન જે હોય તે. પરંતુ આ મુદ્દાને કેવળ આપણી નજરે નહીં, પણ વિદાય લેનારની નજરે પણ વિચારવી જોઈએ. મૃત્યુ લાવવું એ જીવનનો ગૂનો છે એ તમામ સ્થિતિમાં સાચું નહીં ગણાય. જૈન મુનિઓ સંથારો કરે છે. સાધુઓ જીવતા સમાધિ લે છે. તેમાં ધીમું પણ પસંદગીનું મૃત્યુ જ હોય છે. કેટલાક ગૃહસ્થ અંતિમ દિવસોમાં ખાવાનું છોડી દે છે. કુટુંબ સ્વીકારી લે છે. એમાં ગતિ ધીમી હોય છે એટલો જ ફરક છે.

તો ઉંમર મોટી હોય, રોગ અસાધ્ય હોય, પતિ-પત્નીને સાથે જ મૃત્યુ સ્વીકાર્ય હોય એવા સંજોગોમાં વિદાય લેનારની પસંદગીનું મૃત્યુ ઈષ્ટ ગણવું જોઈએ. તો યોગેન્દ્રભાઈ અને અંજનાબહેનને ફાંસો ખાઈને મૃત્યુ મેળવવું ન પડત. (યોગેન્દ્રભાઈ સાબરમતીમાં પડીને મૃત્યુ ઇચ્છતા હતા એમ પણ જાણવા મળ્યું છે) કુટુંબને તેમનું મૃત્યુ અસહ્ય ન બનત.

ઇચ્છા મૃત્યુ માટે ભલે શરતો હોય, એના સંજોગો અને વ્યક્તિની ઇચ્છાને સ્વસ્થતાથી તપાસવા માટે ન્યાયાલય દ્વારા માન્ય એવી સમિતિ હોય. સમિતિમાં ન્યાય ક્ષેત્રની વ્યક્તિ, ડૉક્ટર, માનસશાસ્ત્રી અને સામાજિક ક્ષેત્રની પીઢ વ્યક્તિ હોવી જોઈએ. આવી સમિતિ સામે વ્યક્તિ અરજી કરીને ઇચ્છા જણાવી શકે. સમિતિ બધાં પાસાં તપાસે. વ્યક્તિ સાથે નિરાંતે વાત કરે અને પછી વ્યક્તિ મક્કમ હોય તો સમિતિ એને સંમતિ આપે. બધું જ નોંધાયેલું હોય. ક્યાં ય કોઈ પ્રકારે દબાણ ન હોય.

જો આવું શક્ય હોય તો વ્યક્તિએ ઘર બંધ કરીને ખાનગીમાં ગળાફાંસો ખાવો ન પડે. એને બદલે ઇન્જેક્શનથી મૃત્યુ પામી શકે. તો વ્યક્તિ મૃત્યુ પહેલાં સ્નેહીજનોને મળી શકે, ઇચ્છા મુજબની વ્યવસ્થાઓ કે કાર્યક્રમો કરી શકે. પરિવારજનોને આ ન ગમે, પણ સંજોગોને સ્વીકારને સંમતિ આપી શકે. તો મૃત્યુ આઘાતજનક ન બને. સંથારાની જેમ મંગલ બને.

આ મુદ્દાની આ રીતે પણ વિચારણા કરી શકાય એ મને લાગ્યું એટલે ‘વિચારણા નોંધ' તરીકે અહીં મૂકું છું. કાયદાના જાણકારો, સમાજ વિજ્ઞાનીઓ, પોલીસતંત્ર હજુ આમાં મુદ્દાઓ ઉમેરી શકે. એને પણ વિચારણામાં લઈ શકાય. યોગેન્દ્રભાઈ – અંજનાબહેન પુત્ર અને પરિવારને સૂતા મૂકીને, પોતાને ઘેર આવીને, ખાનગી રીતે, ઘર બંધ કરીને મૃત્યુ પામે એ કરતાં પરિવાર – સગાઓ – સ્નેહીજનોની ખુશીવિદાય લઈને ગયાં હોત તો (નિકટજનોને સ્વીકારવું ભલે અઘરું લાગે પરંતુ) વિદાય લેનાર સહજપણે વિદાય લઈ શક્યાં હોત. પરિવાર અને એમને ઓળખનારાઓને આવો આધાત ન લાગત.

આ પ્રશ્ન વ્યાપક છે, બહુ પરિમાણી છે. પરંતુ આપણે એની વિચારણા સ્વસ્થ ચિત્તે કરીએ એ પણ જરૂરી છે.

e.mail : mansukhsalla@gmail.com

Loading

હોસ્પિટલોનું પોસ્ટમોર્ટમ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 September 2021

કે.બી.સી.ના શુક્રવારના ખાસ એપિસોડમાં જેકી શ્રોફ અને સુનિલ શેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા ને જીતેલી રકમનો ઉપયોગ શેમાં થવાનો છે એવા અમિતાભ બચ્ચનના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે એ રકમ થેલિસેમિયાની તથા આંખ, કાન વગેરેના બાળ દરદીઓની સંસ્થામાં ઈલાજ તરીકે વપરાશે. અમિતાભ બચ્ચન દરદીઓના ઈલાજ માટે ક્યારેક મદદ કરે છે ને પાન મસાલાની જાહેરાત કરીને કમાણી પણ કરે છે. અજય દેવગણ અને શાહરુખ ખાન પણ પડીકીની જાહેરાતો કરીને ચેરિટી પણ કરતા હશે. આ બધા સજજનો પાન મસાલા ખવડાવીને લોકોને હોસ્પિટલે મોકલે છે ને પછી લોકોને આર્થિક સહાય કરીને જીવદયાનાં કામો પણ કરે છે, તે પણ કમાલ જ છે ને !

કેટલીક હોસ્પિટલો ખરેખર દરદીઓની મફત સારવાર કરે છે ને દરદી સક્ષમ હોય કે ન હોય, પૂરી મદદ કરે છે. એવી ઘણી સંસ્થાઓ ને ટ્રસ્ટો આ દેશમાં છે જે શક્ય તે તમામ સહાય દરદીઓને કરે છે, છતાં દેશમાં માંદગીઓથી પીડાતા એટલા બધા દરદીઓ છે કે ગમે એટલી સહાય પૂરી ન જ પડે. દૂર શું કામ જવું, ખાંસી, શરદીનો ઈલાજ સાધારણ ડોક્ટર પાસે પણ સેંકડોથી ઓછામાં થતો નથી. સાધારણ માણસ દવાખાને જાય તો વધારે માંદો પડે એવી સ્થિતિ છે, કારણ ઈલાજ કરવાના પૈસા એકઠા કરવામાં જ તેની માંદગી વધે એમ બને.

એક સમય હતો જ્યારે ડોક્ટર નાડી પકડીને ઈલાજ કરતો ને તે કારગત પણ નીવડતો. આજે તબીબી વિજ્ઞાન એટલું વિકસ્યું છે કે અનેક પ્રકારના ટેસ્ટ્સ કરી આપનારી લેબોરેટરીઓ કામ કરતી થઈ છે એટલે નિદાન વધુ ચોક્કસ થયું છે. એને લીધે ઈલાજ પણ વધુ ચોક્કસ થયો છે. આ જ્યાં પારદર્શી રીતે થાય છે ત્યાં પરિણામો અસરકારક મળે જ છે, પણ સવાલ એ છે કે પારદર્શીપણું રહ્યું છે ખરું? જ્યાં રહ્યું છે ત્યાં સલામ ભરવાની રહે, પણ જ્યાં નથી ત્યાં વધારે કમાવા અનેક પ્રકારની ભ્રષ્ટતાઓ આચરાય છે તે હકીકત છે. ડોક્ટરો હંમેશ ભગવાન પછીને સ્થાને છે અને રહેશે, પણ કેટલાક ડોક્ટરો ભગવાનનું સ્થાન ચૂકીને ભગવાનને ત્યાં દરદીઓને મોકલવામાં પણ સફળ થાય છે. એમાં જેન્યુઇન મિસટેક્સ માફ, પણ બેદરકારી ને બેવકૂફી માફ ન થાય. બીજા, સાચી હકીકત કદી જાણી શકે એમ નથી, પણ ડોક્ટરો તે જાણે છે. જો કમાણીની લાલચમાં આત્મા મરી ન ગયો હોય તો એને ખબર હોય છે કે દરદીને ક્યાંથી, કેટલો વેતરાયો છે? ડોક્ટરને ખબર હોય છે કે કેટલી દવાઓ કમિશન આધારિત છે ને કેટલાં ટેસ્ટ મિશન આધારિત છે?

એ સાચું છે કે તબીબી શિક્ષણ મોંઘું છે. આજે તો સાધારણ શિક્ષણને પણ સાધારણ માણસો પહોંચી નથી શકતા. લોન વગર ભણી જ ન શકાય એ સ્થિતિ છે. તેમાં તબીબી કે ઈજનેરી શિક્ષણ લાખોમાં પહોંચે છે ને એ શિક્ષણ લેવું હોય તો વાલીઓ ને વિદ્યાર્થીઓ એટલા વેતરાય છે કે લોન જ નહીં, જિંદગી પણ હપ્તાઓમાં વહેંચાતી રહે છે. વાત એટલેથી પૂરી થતી નથી, દવાખાનું કે હોસ્પિટલ ખોલવાનાં આવે છે તો લાખો કરોડોનું આંધણ થાય છે. આ બધું છેવટે પડે તો છે દરદીને માથે જ ! કેટલાક ડોક્ટરો શક્ય તેટલી ઓછી ફી રાખીને દરદીને ખરેખર સાજો કરવા મથે છે. કોરોના મહામારીમાં કેટલા ય ડોકટરોએ દરદીને બચાવવા જીવ ખોયો છે, તો ડોક્ટરોની બીજી બાજુ એવી પણ છે કે ડોક્ટરે પોતે બચવા દરદીનો જીવ લીધો પણ છે.

એ ખરું કે ડોક્ટરે પણ લોન ભરવાની છે, હોસ્પિટલ નિભાવવાની છે, સ્ટાફના ખર્ચા કાઢવાના છે, ઓપરેશનનાં સાધનો, મશીનો વસાવ્યાં છે તે ખર્ચો પણ કાઢવાનો છે. આ સ્થિતિ હોય ત્યાં ડોક્ટર ઈચ્છે તો પણ સારવાર સસ્તી કરી શકતો નથી ને ફી વધારવા લાચાર બને છે. જ્યાં વસૂલવી જ પડે એમ છે ત્યાં ભલે ડોક્ટરો ફી લે, પણ જ્યાં રાહત થઈ શકે એમ છે ત્યાં તે અપાવી જોઈએ એટલું જ ઉમેરવાનું છે. આ રાહત તબીબી શિક્ષણ સસ્તું થાય તો પણ આપી શકાય. સંસ્થાઓએ અને સરકારે કમ સે કમ તબીબી શિક્ષણ સસ્તું થાય એ દિશામાં વિચારવું જોઈએ. આપણે હવે, વિકાસ, મોંઘવારી વધતી જાય તેને ગણીએ છીએ. એ વિચારી લેવું જોઈએ કે ક્યાં સુધી મોંઘું થાય તો, પરવડે તેમ છે કે અનંત મોંઘવારી થાય તો ચાલે એમ છે? પ્રગતિ અટકવી ન જોઈએ, પણ મોંઘવારી, એ જ પ્રગતિ હોય તો એ કેટલી હદે યોગ્ય છે તે વિચારવાનું રહે. જો દૂધ 25નું લિટર કરી શકાતું હોય તો 30નું લિટર કરવાથી કયો હેતુ સિદ્ધ થાય છે? અહીં એવી દલીલ થઈ શકે કે ભાવ ઓછો કરીએ તો ઉત્પાદકને ઓછું મળે ને બીજી વસ્તુ મોંઘી હોય તો એ ઓછી રકમ તેને ન જ પરવડે, પણ સમાંતરે બીજા ભાવ ઘટે તો ઉત્પાદકને બૂમ પાડવાનું કારણ ન રહે તે ખરું કે કેમ? અહીં તબીબી સેવાઓ સસ્તી થવી જોઈએ એટલું જ સૂચવવું છે. ઘણી હોસ્પિટલો ફાઇવ સ્ટાર ફેસિલિટીઝ ધરાવે છે ને એવી જાહેરાતો પણ કરે છે કે તે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ ધરાવે છે કે તેનું ઓપરેશન થિયેટર કે તેનાં મશીનો વર્લ્ડ ક્લાસ છે. એવી વ્યવસ્થાનો આનંદ જ હોય, પણ સાથે જ સવાલ પણ થાય કે એ વ્યવસ્થા સાધારણ માણસ માટે છે ખરી? એ જો અમીરો માટે જ હોય તો પેલો સાધારણ માણસ તો એનાથી દૂર જ રહેવાનોને? ને કેન્સર કે હાર્ટ ટ્રબલ તો એને પણ થાય જ છે, એટલે એણે તો આ બધી વ્યવસ્થાઓ હોવા છતાં મરવાની તૈયારી જ રાખવાનીને ! આ યોગ્ય છે?

અહીં એવી દલીલ થઈ શકે કે એવા જરૂરતમંદોએ બીજી આર્થિક મદદ કરતી સંસ્થાઓ કે ટ્રસ્ટોની મદદ લેવી જોઈએ. ઘણી સંસ્થાઓ સામેથી એવી મદદની જાહેરાત કરે પણ છે, પણ આ બધાં દ્વારા સાધારણ વ્યક્તિએ તો ઓશિયાળા બનવાનું જ આવે છે. સાધારણને સ્વમાનનો અધિકાર ન હોય ને એણે જિંદગી બચાવવા કોઇની મદદ આભારવશ થઈને લેવી પડે તો ભલે તેમ, પણ હોસ્પિટલો ખરેખર એ જ ફી લે છે જે અનિવાર્ય છે, એમ પૂછીએ તો જવાબ નિરાશ કરનારો મળે એમ બને. કેટલીક હોસ્પિટલો ખરેખર દરદીને સાજો કરવા ઓછામાં ઓછી ફી લેતી હશે, પણ એવી ઓછી જ હોવાની.

એવું નથી થતું કે સ્ટેન્ટની જરૂર જ ન હોય ને તે મૂકાયાં હોય? એવી કેટલી સર્જરીઓ છે જે ન થઈ હોત તો ચાલ્યું હોત? એવા કેટલા ટેસ્ટ્સ છે જેની જરૂર જ ન હતી ને તે થયા હોય? આ બાબત ડોક્ટરો કરતાં કોણ વધારે સારી રીતે કહી શકે? દરદી તો ડોક્ટરને તેની જાત સોંપી દે છે. તે નથી જાણતો ઓપરેશન થિયેટરમાં તેની સાથે શું થાય છે તે ! તેનાં શરીરમાં કૈં મુકાય છે કે કાઢી લેવાય છે, તેનાથી તે અજાણ છે. તે તો એ ભરોસે જ છે કે તેની સાથે સારું જ થયું છે ને ફી ચૂકવીને તે ઘરે જાય છે. આ ફી તેણે માંગી ભીખીને કાઢી હોય એમ બને. બને કે તેને કોઇની મહેરબાનીથી તે મળી હોય. હવે ડોક્ટરે રમત કરી હોય તો એ રમત દરદી સાથે તો થાય જ છે, તેને મદદ કરનારી વ્યક્તિ કે સંસ્થા સાથે પણ થાય છે. અહીં સવાલ એ થાય કે એ પૈસા ડોક્ટરની કે હોસ્પિટલની હોજરી ભરવા માટે જ છે?

એવું ઘણી વાર લાગે છે કે કેટલીક હોસ્પિટલો દરદીને લૂંટવાને ઇરાદે જ મોટું બિલ કરતી હોય છે. આમાંનું ઘણું ટાળી શકાય એમ હોય છે, પણ એવું થતું નથી. કોરોનામાં કેટલાય દરદીઓ એ રીતે લાખોમાં લૂંટાયા છે ને પૂરતી ટ્રીટમેન્ટ વગર મર્યાં પણ છે, તે ત્યાં સુધી કે બિલ ન ચૂકવાયું હોય તો લાશ સોંપવાના અખાડા પણ થયા છે. આ માનવતાની વિરુદ્ધ છે. આવે વખતે કહેવાનું એ છે કે બીજા કોઈ પણ ધંધામાં ભ્રષ્ટાચાર થાય તો તેથી આર્થિક હાનિ પહોંચે છે, પણ તબીબી વ્યવસાયમાં આર્થિક હાનિ ઉપરાંત દરદીની જિંદગી પણ જોખમમાં મુકાય છે ને એટલે એ અપરાધ વધારે ક્રૂર અને અમાનવીય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તબીબી સેવાઓ સસ્તી હોવી જોઈએ. એક બાળકને અપાતું એક ઈંજેકશન 16 કરોડનું હોય તો એ અમીર માબાપને પણ ન પોષાય ને સાધારણ માણસ તો આખો વેચાઈ જાય તો પણ બાળકને ન બચાવી શકે. એનો અર્થ એ થયો કે ઈલાજ હોય તો પણ તેનો અર્થ રહેતો નથી. એવી જ રીતે મોંઘાં મશીનો, મોંઘી હોસ્પિટલ હોય કે ન હોય, કોઈ ફેર પડતો નથી ને મેડિકલ સાયન્સ ઢગલો શોધખોળનું ગૌરવ લેતું હોય તો તેથી રાજી થઈને ય શું, જ્યાં એ મોટા માનવ સમુદાયની કોઈ પીડા દૂર ન કરી શકતું હોય? જે તબીબી વ્યવસ્થા વ્યાપક જનસમુદાયને લાભ ન કરી શકતી હોય તો તેથી માનવ સેવા થાય છે એમ માનવું ભૂલ ભરેલું છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 સપ્ટેમ્બર 2021

Loading

એ

"પ્રણય" જામનગરી|Poetry|27 September 2021

એ હળાહળ અસત્ય બોલે છે,
સાંભળી લોક સહુએ ડોલે છે !

એ અભિનયનો બાદશાહ હો એમ,    
ઝૂમી ઝૂમીને ઝૂઠ બોલે છે !  

સત્ય જેવું પછી રહે ક્યાંથી ?
ત્રાજવે એને ખુદના તોલે છે !  

અસ્ત સહુમાં થઈ રહ્યો સૂરજ,
આગ ઓલાઇ होले-होले છે ! 

હિમશિલા થઇ ગઇ બધી વસ્તી ,
ફક્ત એ એકલો જ શોલે છે ! 

માણસોની વિવશ ઉદાસીઓ ,
મારા મનને બહુ કરકોલે છે ! 

સૂની સૂની બજાર જોઉં છું,
ક્યાં ગરીબો વધારે મોલે છે ! 

ગીધ-સમળી ને બાજ જલસામાં;
હાથમાં આવે એને ઠોલે છે ! 

દાદ-ફરિયાદ જેવું કૈં જ નથી,
ફક્ત દાદાગીરી જ બોલે છે ! 

પંખીઓ ભસ્મીભૂત થઇ જાતા,
આંખ એની એ જ્યારે ખોલે છે !     

ના ત્વચા જેવું કૈં રહ્યું તન પર,
રુંવે રુંવેથી રોજ છોલે છે !  

મોંઘવારી નડે છે બહુ સહુને,
ક્યાં "પ્રણય", કોઇ કશું બોલે છે !

તા. ૨૬/૦૯/૨૦૨૧

□  

Loading

...102030...1,7761,7771,7781,779...1,7901,8001,810...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved