આપણે બેઉં
આ જ ધરતીનાં છોરું
એ રીતે જોઈએ તો
આપણે માડીજાયા
પણ બંને વચ્ચે
આભ-જમીનનું અંતર
તમે ઊજળા-ઉજમાળા
અમે મડિયલ-મેલાયેલા
તમારા નસીબ આડેનું પાંદડું ખસેડવા
તમે અમારાં
હાડ-ચામને પીલી નાંખ્યાં
ને બદલામાં શું આપ્યું?
ગંદી-ગંધાતી ઝૂંપડપટ્ટી
પેટનો ખાડો ય ન પુરાય
એટલું મહેનતાણું
અમારા ભાગ્યને દોષ દેતાં
તે ય અમે મજબૂર મજૂરે સ્વીકાર્યું
પણ તમે તો
અમારા પરસેવાથી તરબતર
કરેલી તિજોરીમાંથી –
અમારા હક્કનો
દસ હજારમો હિસ્સો ય
આપવામાં અખાડા કરો છો
ને સરકાર માઈ-બાપ
તમને થાબડભાણાં
અને અમને –
હથેળીમાં ચાંદ દેખાડ્યા કરે છે
આ બધું જોઈને
અમને પ્રશ્ન તો થાય જ ને
કે એક જ ધરતીનાં છોરું
છતાં ય અમારી સાથે
આવો હળહળતો અન્યાય
આવા ભેદભાવ
ક્યાં સુધી ?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 16
![]()


નાનો હતો ત્યારથી મને ચેસ રમવાનું બહુ ગમે છે. મને જીતવાનું ગમે છે. ચેસમાં આપણી પાસે રાજા, વજીર વગેરે સાથે આખું લશ્કર હોય. કહીએ એમ કૂચ કરે, દુશ્મનને હરાવે. લગભગ ઈશ્વરની લગોલગ ફીલિંગ્સ આવે. ક્યારેક દુશ્મન પણ આપણને હરાવી શકે. પણ આપણને પહેલેથી જ સામે એવા અનાડી ખેલાડી મળી ગયા કે તે જ હારે. અનાડીની ઉપર બે વાલ હોઈએ એટલે બસ! આને કહેવાય રાજયોગ!