યોગેન્દ્ર વ્યાસ : ચાલો નિજ દેશ ભણી
“અત્યારે અમે પારિવારિક, સામાજિક, આર્થિક રીતે સુખ-સમૃદ્ધિના શિખરે છીએ. સંતાનો સદ્ગુણી, સંસ્કારી, સેવાપરાયણ છે છતાં લાંબા સમયથી ‘મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી (Visitor Visaની) અવધ આપણી થઈ પૂરી’ એમ expiry dateનો અનુભવ થાય છે. પૌષ્ટિક ખોરાક, સારી ઊંઘ, વિટામિનો-દવા, યોગાસનો, પ્રાણાયામ, નિયમિત ત્રણ કિલોમીટર ચાલવું તથા ફિટ રહેવા ફાંફાં મારીએ છીએ, છતાં પત્નીને બી.પી., મને આઈ.બી.એસ. પ્રોસ્ટેટ, દમ, બહેરાશ, આંખે ઝાંખપ, ફ્રૅક્ચર પછી પગમાં રાખેલી પ્લેટ દસકાઓથી પજવે છે – ઉત્તરોત્તર પજવણી અસહ્ય થતી જાય છે, હજુ ખેંચ્યા કરવાનું શું કારણ ! આ પૃથ્વીના તખ્તા ઉપર ભજવવાની બધી ભૂમિકાઓ દિલપૂર્વક યથા મતિશક્તિ ભજવી લીધી. હવે તખ્તા ઉપર નકામી ભીડ શાને કરવી ? વળી એ માટે હજુ પેન્શન લેવું એ દેશ પર બોજો. એટલે તો એંસી પૂરાં થતાં વીસ ટકા વધારાનો લાભ પણ ન લીધો. હજુ પરિવાર, સમાજને ગળે ટીંગાઈ રહેવું એમાં આપણી શી શોભા ? ‘છે એમાં આપણી શોભા, કે વેળાસર જતાં રહીએ.’ અને લીલી વાડી મૂકીને જ નહીં, ભોગવીને જઈએ છીએ. શું શું નથી પામ્યાં અહીં? સર્વના સદ્ભાવનું સદ્ભાગ્ય મળ્યું, નતમસ્તક આભાર. મારાં પુત્ર, પુત્રવધૂ, પૌત્રી કે કોઇની ય કશી પૂછપરછ કરી પજવણી કરવી નહીં. બેસણું, શોકસભા, ક્રિયાકાંડ કશાંની જરૂર નથી. દેહદાન નહીં તો ઇલેક્ટ્રિક ભઠ્ઠી. પાંડવો હિમાલય ગાળવા ગયેલા. શ્રીરામજીએ સરયૂ નદીના નીરમાં સ્વયંને અર્પણ કરેલ એમ અમે ય વસતિ નિયંત્રણ માટે જરૂરી અને શાસ્ત્રમાં સમર્થિત નર્મદામૈયાના નીરમાં જલસમાધિ લઈએ છીએ, એને આત્મહત્યા ગણી નિંદા-ટીકા કરી શકો. પણ મીડિયામાં વ્યાપક રીતે જાહેર ચર્ચા પણ જરૂર કરવી.”
———————————————————————————————
નિવૃત્ત પણ પ્રવૃત્ત યોગેન્દ્ર વ્યાસ ગયા અને સાર્થક જીવનની એક દિલી બહસ છેડતા ગયા. ભાષાવિજ્ઞાનના અચ્છા અભ્યાસી અને વિદ્યાર્થીવત્સલ અધ્યાપક તરીકે જ્યોંકી ત્યોં ધરી દીન ચદરિયાં એવી એમની આભા હતી ને રહેશે. કૉલેજમાં આચાર્યથી માંડી યુનિવર્સિટી ભાષાસાહિત્ય ભવનના ડિરેક્ટર લગીની પાયરીઓએ હોવું અને અભ્યાસનિરત રહેવું, એનું એક પ્રતિમાન એ અવશ્ય હતા.
તંત્રીનો એમની સાથે ઠીક કાર્યપરિચય રહ્યો. ‘દિવ્ય ભાસ્કર’ના શરૂઆતી ગાળામાં (૨૦૦૩-૦૪માં) સંપાદકીય સલાહકાર તરીકેની મારી કામગીરીની સાથોસાથ ભાષાશુદ્ધિના એમના દાયિત્વની અમારી જુગલબંદી ‘ઊંધે ઘડે પાણી’ છતાં ઠીક ચાલી એમ આ લખતાં સાંભરે છે. (ભાસ્કર જૂથના ત્યારના એમ.ડી. સુધીર અગ્રવાલની એક ઉક્તિ મને યાદ રહી ગઈ છે : તમારા બે વચ્ચેની આપલે મને ગમે છે, કેમ કે કશુંક ચાવતાં મોંમાં દાંત વચ્ચે કાંકરો આવી જાય તેમ અશુદ્ધ જોડણી અને ભળતા શબ્દપ્રયોગો વાંચનારને ન વાગે એવું હું ઈચ્છું છું.) છેલ્લાં વર્ષોમાં વળી અમે ગુજરાતી લેક્ઝિકોનના ‘વર્ડ ઑફ ધ યર’ની ચયન સમિતિ પર ભેગા થઈ ઓર વાર્તાવિનોદ માણેલો તે પણ આ લખતાં સહજ યાદ આવે છે. સપત્નીક મૃત્યુ વહોરતાં એમણે મૂકેલી નોંધ આ સાથે ઉતારી છે તે સ્વયંસ્પષ્ટ છે. યોગમૃત્યુ અગર સંથારો કે પ્રાયોપવેશન એ ન હોય તો પણ સંકલ્પમૃત્યુ એ નિઃશંક છે. લાંબી ચર્ચામાં નહીં જતાં વિદાયવંદના સાથે એટલું જ કહીશું કે સાર્થકજીવને સુધ્ધાં ક્યાંક ક્યારેક કોઈક રીતે વિરમવું રહે છે, એ નિઃશંક.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 02