Opinion Magazine
Number of visits: 9570890
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ પણ સમયમાં શિક્ષણ આટલું અપ્રસ્તુત થયું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 September 2021

તાલિબાનની સરકાર રચાઈ ગઈ છે ને અમેરિકા, ચીન, રશિયા, ભારત, પાકિસ્તાનની જાણમાં છડેચોક રચાઈ છે. એ કોઈને માન્ય હોય કે ન હોય, પણ અત્યારે તો તે રચાઇ છે તે હકીકત છે. અફઘાની પ્રજાને આ સરકાર કેટલી માફક આવશે તે તો તે જ કહી શકે, પણ ત્યાંની સ્ત્રીઓને તે માફક નથી જ આવવાની તે નક્કી છે. શરૂમાં મહિલાઓને અધિકારો આપવાનાં વચન અપાયાં, પણ તાલિબાન સરકારમાં એક પણ હોદ્દા પર કોઈ મહિલા નથી તે સૂચક છે. એ પરથી પણ ખ્યાલ આવશે કે સરકારની ગતિ કઈ દિશાની છે? તે ઉપરાંત વીસ વર્ષોમાં જે હકો મહિલાઓને મળ્યા હતા તે છીનવાઈ ન જાય તે માટે ત્યાંની મહિલાઓ સંઘર્ષ કરી રહી છે. આ સ્થિતિ પણ મહિલાઓનું ભાવિ કેવું હશે તેનો સંકેત કરે છે.

સાચું તો એ છે કે તાલિબાનોએ થૂંકીને ચાટવા જેવું કર્યું છે. તાલિબાનોએ કાબુલ કબજે કરતી વખતે ઘણી સુફિયાણી વાતો કરી છે. તેણે કહ્યું કે તાલિબાનથી કોઈ દેશને ખતરો નહીં થાય. ભારત સાથે સ્પષ્ટ વાત કરતાં તેણે એકથી વધુ વખત કહ્યું છે કે તે કાશ્મીરને મુદ્દે કોઈ દખલ નહીં કરે ને હવે વાત બદલતાં કહે છે કે કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો તેને અધિકાર છે. એ પણ છે કે તાલિબાની સરકારમાં આતંકીઓને સરકાર બનાવવાનું લાઇસન્સ મળ્યું છે. તેના પાંચ મંત્રીઓ યુનોની યાદીમાં ત્રાસવાદી તરીકે જાહેર થયેલા છે. તાલિબાની સરકારના વડા પ્રધાન મુલ્લા હસન યુનોની આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. એક મંત્રી એવા છે જેને માથે કરોડોનું ઈનામ છે. આ મંત્રીઓમાંના થોડા તો ચીન અને પાકિસ્તાનની રહેમ નજરથી સરકારમાં ઘૂસેલા છે, એટલે જ તો મંત્રી બન્યા પછી પહેલું કામ મંત્રી, ચીની દૂતાવાસની ડેલીએ માથું ટેકવવાનું કરે છે. તાલિબાન સરકારમાં ગૃહ મંત્રી બનનાર સિરાઝ હક્કાની આઈ.એસ.આઈ. આતંકી સંગઠનનો વડો છે ને એ દ્વારા પાકિસ્તાને તાલિબાની સરકારની રચનામાં મોટું યોગદાન આપ્યાનું જણાય છે. જે વોન્ટેડ છે એવા ગુનેગારો સરકારમાં છે ત્યારે અમેરિકા શું કરે છે તે જોવાનું રહે છે. આ સ્થિતિ ભારત માટે એટલે જોખમી છે, કારણ ભારતનાં શત્રુ રાષ્ટ્રો, ચીન અને પાકિસ્તાનની તાલિબાની સરકારમાં કોઈક ને કોઈક નકારાત્મક ભૂમિકા છે.

તાલિબાનીઓને તાલીમ વગર પણ શસ્ત્રો ચલાવતાં આવડે છે. તેની પાસે અત્યાધુનિક શસ્ત્રો છે ને તે આડેધડ ચલાવવાનાં જ હોય તો લક્ષ્ય તો નજીકથી ઠાર કરવાનું જ હોય એટલે, ઓછી તાલીમે પણ તેઓ હેતુ તો પાર પાડે જ છે. આમ પણ તાલિબાનને શિક્ષણની ગરજ ખાસ નથી. એટલે જ તે શિક્ષિત થાય કે ન થાય, પણ મહિલાઓ બુરખો પહેરે એવું ફરમાન બહાર પાડી શકે છે ને અમેરિકાને એ મામલે દખલ ન કરવાની તાકીદ પણ કરી શકે છે. આવું ન થાય તો જ આશ્ચર્ય થાય, તે એટલે કે તેને શિક્ષણ અનિવાર્ય લાગતું નથી. સ્ત્રીઓ અશિક્ષિત રહે તેનો તેને બહુ વાંધો નથી, તે જાણે છે કે સ્ત્રીઓ જાગૃત થઈ તો તે માથે છાણાં થાપે એવી પૂરી શક્યતાઓ છે ને તાલિબાનીઓમાં એટલી અક્કલ તો છે જ કે તે સામે ચાલીને પોતાનું ખૂન કરવા છરી ન આપે. તાલિબાનો પોતે પણ શિક્ષિત થવા બહુ ઉત્સુક નથી. તેને તો શસ્ત્ર મળે ને સર્વનાશ કરી શકાય એટલું પૂરતું છે. તાલિબાનોનું શાસન લાંબું ન ચાલે એ ઇચ્છવા જેવું છે, કારણ તે પોતાને તો અંધકાર યુગમાં ધકેલશે જ, પણ દુનિયા માટે પણ ઉપદ્રવી જ સાબિત થશે.

કોઈ શાસક અભણ અને પછાત હોય તે સમજી શકાય, પણ એવા શાસકને ઊંડે ઊંડે લઘુતા પીડતી હોય છે ને તેનો તેને સંકોચ પણ થતો હોય છે. આવું હોય ત્યારે તે ક્ષમ્ય છે, પણ શાસક પોતાની નબળાઈને વખાણવા લાગે તો તે શરમજનક છે. એવી શરમજનક વાત તાલિબાનના શિક્ષણ મંત્રીએ કરી છે. શિક્ષણ મંત્રાલયનો હવાલો શેખ મોલવી નુરૂલ્લા મુનીરને સોંપવામાં આવ્યો છે. હવાલો લેતા જ મુનીરે કહ્યું છે કે પીએચ.ડી. અને માસ્ટર ડિગ્રીની કોઈ કિંમત નથી. તે એટલે કે તેની પાસે તે નથી. તે માને છે કે મુલ્લાઓ પાસે કોઈ ડિગ્રી નથી ને છતાં તેઓ મહાન છે. તે કઈ રીતે મહાન છે તે તેણે કહ્યું નથી. એટલે કહ્યું નથી કે એવું કહેવા વિચારવું પડે ને મુશ્કેલી જ વિચારવાની છે. મુનીરે શિક્ષણ મંત્રી તરીકે એમ પણ કહ્યું છે કે ડિગ્રીનો કોઈ ભાવ પૂછતું નથી ને એ પોતે પણ ડિગ્રી વગર જ અહીં સુધી પહોંચ્યો છે. તેણે મુલ્લાઓ અને તાલિબાની  નેતાઓ સંદર્ભે એમ પણ કહ્યું કે આ બધા પાસે પણ કોઈ ડિગ્રીઓ નથી, તે તો ઠીક, કોઈ હાઈસ્કૂલ પણ પૂરી કરી શક્યું નથી, છતાં એ સૌ બળવાન છે. તે માને છે કે આજે તો ડિગ્રી કરતાં તાકાત વધારે મહત્ત્વની છે. કોઈ પણ જાડી બુદ્ધિનો નેતા કરે તેવો આ બકવાસ છે. એવા બકવાસનું કોઈ મહત્ત્વ ના હોય, પણ એ જો કોઈ મંત્રી ને તે પણ શિક્ષણ મંત્રી કરે તો વિચારવાનું રહે.

જેને પોતાને હૈયે જ શિક્ષણનું કોઈ મહત્ત્વ નથી, તે શિક્ષણ મંત્રી તરીકે કેવીક કામગીરી કરશે તે સમજી શકાય એવું છે. તેને શાસ્ત્ર કરતાં શસ્ત્ર વધુ મહત્ત્વનાં લાગે છે. મુનીરે ખુલ્લે આમ કહ્યું છે કે મુલ્લાઓ અને તાલિબાની નેતાઓ પાસે ડિગ્રી નથી ને છતાં તે મહાન છે. અભણ કે અશિક્ષિત હોવું એ પીએચ.ડી. કરતાં પણ વિશેષ લાયકાત હોય એવું એક શિક્ષણ મંત્રીને લાગે ત્યારે આઘાત લાગે. આવાં વિધાનોથી કેવો મેસેજ જાય તે કહેવાની જરૂર નથી. શિક્ષિતો કરતાં અભણ લોકો વધુ સક્ષમ અને સફળ છે એવું સૂચવીને મુનીરે જગતના તમામ શિક્ષિતોની મશ્કરી કરી છે. મુનીરને કહી શકાય કે અભણ રહીને પણ શિક્ષિતો સાથે સ્પર્ધા કરી શકાતી હોય તો સ્કૂલો, કોલેજો કે યુનિવર્સિટીઓ ખોલવાની જરૂર શી છે? આપણને તો એ.કે. 47 ચલાવતાં આવડે તો પૂરતું છે ! નકામી શિક્ષણ સંસ્થાઓ ચલાવવી અને વિદ્યાર્થીઓનાં એ શિક્ષણમાં ઢગલો વર્ષો બગાડવાં કે શિક્ષકોને કલાકો નોકરીમાં જોતરવા ને તેમને પગાર આપવો એ બધી ઝંઝટ શું કામ? એના કરતાં એટલા પૈસાના શસ્ત્રો વસાવાય તો લોહી લોહી રમવાની મઝા તો પડે ! અને તો તો શિક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રીની જરૂર જ કેટલી રહે? એ જ ન હોય તો પ્રજા ઘણો બકવાસ સાંભળવામાંથી બચી જાય, એવું નહીં?

તાલિબાનમાં શિક્ષણ ઓછું છે એટલે શિક્ષણની કોઈ કિંમત નથી, ભારતમાં એના કરતાં શિક્ષણ વધારે છે એટલે પણ કોઈ કિંમત નથી. તાલિબાનમાં અશિક્ષિત હોવાને લઈને મંત્રીપદ મળે છે, ભારતમાં શિક્ષિત હોય તો મંત્રીપદ મળે જ એની કોઈ ખાતરી નથી. તાલિબાનમાં અયોગ્યને ને યોગ્ય સ્થાન મળ્યું છે, ભારતમાં યોગ્ય સ્થાને અયોગ્ય વ્યક્તિઓ પણ ગોઠવાઈ છે. શિક્ષણ અહીં પાત્રતા વગર પણ મળે છે ને એ જ રીતે પાત્રતા ન હોય તો ભ્રષ્ટતાને કારણે ચોક્કસ સ્થાનો પર વ્યક્તિઓ ગોઠવાઈ પણ જાય છે. શિક્ષણમાં સારું પણ થયું જ છે ને એવું પણ થયું છે કે અયોગ્ય વ્યક્તિઓ શિક્ષણ આપતી થઈ છે. એવું થવાથી શિક્ષણ અયોગ્ય રીતે પણ અપાયું છે કે અયોગ્ય વ્યક્તિ શિક્ષિત પણ થઈ છે. પીએચ.ડી.ના થિસિસ વિદ્યાર્થીઓએ લખ્યા જ ન હોય ને ડિગ્રી મળી હોય એવું નથી જ થયું એવું ક્યાં છે? આપણે ત્યાં ડિગ્રીની કિંમત એ રીતે ઘટી છે. એ જ રીતે રાજકીય મંત્રી થવા માટે કોઈ લાયકાત નક્કી નથી થઈ. એ જુદી વાત છે કે એ મંત્રીના મંત્રાલયમાં કામ કરનારા અધિકારીઓ અભણ નથી. મંત્રી અભણ હોય તો ચાલે, એના હાથ નીચે કામ કરતાં કોઈ પણ હોદ્દા પર દરેકની પાત્રતા નક્કી થયેલી છે.

બધાંને સમાન તક મળે એ બંધારણીય અધિકાર ભલે હોય, પણ નોકરીમાં એ અધિકાર માન્ય કરાતો નથી. અભણને સમાન અધિકારને નામે મંત્રી થવાની તક હોય તો મંત્રાલયમાં અધિકારને નામે પટાવાળો અભણ રખાતો નથી. આવું કેમ? મંત્રી અભણ ચાલી જતો હોય તો પટાવાળો કેમ ન ચાલે? આપણે પણ સરસ્વતીને અવગણી જ છે ને ! ક્યાંક, કૈંક તો ગરબડ છે. અધિકારને નામે શિક્ષણનું મહત્વ જ ન રહે એ સ્થિતિ ઇચ્છવા જેવી ખરી? પછી તાલિબાની શિક્ષણ મંત્રી ગમ્મત કરે કે પીએચ.ડી. કરતાં અમારા અભણ મુલ્લાઓ વધારે મહાન છે તો તેનો શો વાંક કાઢવો? શિક્ષણનું કોઈ જ મહત્ત્વ ન રહે એ રીતે આખું રાજકીય તંત્ર ગોઠવતું હોય તો ને એ રીતે ચાલી જતું હોય તો, કોઈ પીએચ.ડી થવા કે ગ્રેજ્યુએટ થવા શું કામ લાખો રૂપિયા ખર્ચીને કોલેજ કે યુનિવર્સિટીના ધક્કા ખાશે? નથી લાગતું કે કદી ન હતું એટલું, શિક્ષણ, આજના સમયમાં અપ્રસ્તુત થયું છે ને તે આપણે જાણી બૂઝીને થવા દીધું છે?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 સપ્ટેમ્બર 2021

Loading

કાશ્મીરને થાળે પાડો નહીંતર તાલિબાનો ભારે પડશે

રમેશ ઓઝા|Opinion - Opinion|9 September 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકાર રચાઈ ગઈ છે; જેમાં એક પણ મહિલા નથી, જેમાં માત્ર ત્રણ પ્રધાનો ગેરપુશ્તુ છે એટલે કે ઉત્તર અફઘાનિસ્તાનના પ્રાંતોના છે અને લગભગ બધા જ પ્રધાનોને સંયુક્ત રાષ્ટ્રસંસ્થાએ ત્રાસવાદી તરીકે જાહેર કરેલા છે. કેટલાકનાં માથા સાટે અમેરિકન સરકારે ઇનામો જાહેર કરેલાં છે. પ્રધાનમંડળમાં સિરાજુદ્દીન હક્કાનીનો પણ સમાવેશ થાય છે જેના માથા સાટે અમેરિકાએ પચાસ લાખ ડોલર્સનું ઇનામ જાહેર કરેલું છે અને તે ખતરનાક હક્કાની નેટવર્કના સ્થાપકોમાંથી છે. અમેરિકાએ હજુ તેની ગુપ્તચર સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનને અપડેટ કરી નથી કે તેમાં સુધારા કર્યા નથી એટલે મોસ્ટ વોન્ટેડની યાદીમાં આ બધા નબીરાઓનાં નામ, હુલામણાં નામ, અન્ય નામ, તેમનાં ફોટા, સ્કેચ, કારનામાં અને ઇનામની વિગતો જોવા મળશે.

૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આશ્રય તેમ જ નેટવર્ક ધરાવતા ત્રાસવાદીઓએ અમેરિકાના ન્યુ યોર્ક શહેરના ટ્વીન ટાવર્સ ઉપર હુમલો કર્યો ત્યારે અમેરિકાએ અને તેના મિત્ર દેશોએ સંકલ્પ કર્યો હતો કે તે નઠારા દેશો(rogue states)થી તેમ જ નઠારા દેશોની ભૂમિનો ઉપયોગ કરીને દુષ્ટોની જે ધરી (axis of evils) રચાયેલી છે તેનાથી જગતને બચાવીને રહેશે. કોઈ શંકા ન કરે એવો પવિત્ર સંકલ્પ હતો એ વખતના અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશનો અને તેમાં તેમને એ સમયના બ્રિટનના થનગનભૂષણ વડા પ્રધાન ટોની બ્લેરનો ટેકો હતો. એ સમયે ભારતમાં અટલબિહારી વાજપેયીની સરકાર હતી જેમાં લાલકૃષ્ણ આડવાણી ગૃહ પ્રધાન હતા. પશ્ચિમનો સંકલ્પ જોઇને તેઓ એટલા રાજી થઈ ગયા હતા કે તેમણે ગેલમાં આવીને અભિનેતા રાજકુમારની જેમ પાકિસ્તાનને લલકાર્યું હતું કે બોલ ક્યારે લડવું છે. સમય ભી તેરા, સ્થાન ભી તેરા. આ મજાક નથી, તેઓ ખરેખર આમ બોલ્યા હતા, અલબત્ત, રાજકુમારની સ્ટાઇલમાં નહીં. એ પછી બે-ત્રણ દિવસમાં વોશિંગ્ટનથી બીજું નિવેદન આવ્યું જેમાં અમેરિકન પ્રમુખે જગતને દુષ્ટોથી મુક્ત કરવાની લડાઈમાં પાકિસ્તાનને પહેલી હરોળનું મિત્ર રાષ્ટ્ર જાહેર કર્યું. જ્યાં દુષ્ટોની ધરી રચાઈ એ રાષ્ટ્ર મિત્ર રાષ્ટ્ર અને એ પણ પહેલી હરોળનું. પાકિસ્તાનને પાંખમાં રાખવું એ ત્યારે અમેરિકાની મજબૂરી હતી અને તે જ તેના પરાજયનું કારણ પણ છે. ભારતે પણ આ વાસ્તવિકતા સમજી લેવાની જરૂર હતી. 

આજે બરાબર વીસ વરસ પછી જેનાં માથાં સામે અમેરિકાએ ઇનામ જાહેર કર્યાં હતાં એ જ લોકો સાથે અમેરિકાએ કતારમાં દોહા શહેરમાં વાટાઘાટોના ટેબલ ઉપર બેસવું પડ્યું અને ઘરે પાછા જવાની સમજૂતી કરવી પડી. એ સમયે પાકિસ્તાનને લલકારનારા એલ.કે. અડવાણીના રાજકીય વંશજોને પણ કતારમાં તાલિબાનો સાથે ગુપ્ત વાટાઘાટો કરવી પડી અને હવે સત્તાવારપણે વાટાઘાટો ચાલી રહી છે. જે પાકિસ્તાનને લલકાર્યું હતું એ પાકિસ્તાન હવે પછી અફઘાનિસ્તાન ઉપર તાલિબાનો દ્વારા પ્રોક્સી શાસન કરવાનું છે. ભારત વિરોધી જે કોઈ ગોરખધંધા થશે એ તાલિબાનો દ્વારા અફઘાન ભૂમિમાંથી થશે, પણ તેનું આર્કિટેક્ટ પાકિસ્તાન હશે.

આમ કેમ બન્યું? આની થોડી ચર્ચા ગયા વખતના લેખમાં કરી હતી. શક્તિના પ્રસ્થાપિત માપદંડો મુજબ  જગતના સૌથી આધુનિક અને શક્તિશાળી દેશોને કેમ હાર કબૂલીને ઉચાળા ભરવા પડ્યા? એ પણ એકવાર નહીં, અનેકવાર. ૧૯૭૪માં વિએટનામમાંથી નાક કપાવીને પાછા આવવું પડ્યું એ પછી આવી એક ડઝન ઘટનાઓ બની છે. લાખોની સંખ્યામાં આધુનિક શસ્ત્રો, હજારો ટન દારૂગોળો, ત્રાસવાદીઓની ભરતી, લશ્કરી તાલીમ વગેરેની વ્યવસ્થા દુનિયા ન જુએ એમ રાતના અંધારામાં શક્ય નથી. ઊઘાડે છોગ આ બધું થઈ રહ્યું છે અને કહેવાતું સભ્ય જગત તેને રોકી શક્યું નથી. જેને નઠારા જાહેર કર્યા હતા તેની સાથે જ રોટી તોડવી પડી. જાગતિક વ્યવસ્થામાં એવી કોઈક તો ખામી છે અને એવાં કોઈક સ્થાપિત હિતો છે જેની સામે સભ્યતા પરાજિત થઈ રહી છે. શું છે એ?

જવાબ બહુ સરળ છે. નઠારાપણું માત્ર એકે-૪૭માંથી નથી આવતું. નઠારાપણાના અનેક સ્વરૂપો છે અને નઠારાઓએ રાજ્યનો કબજો કર્યો છે. શસ્ત્ર સોદાગરો, ધર્મના સોદાગરો, ખનીજ તેલના સોદાગરો, જે તે દેશોના અન્ય કુદરતી સંસાધનો ઉપર નજર રાખીને બેઠેલા સોદાગરો, પ્રજાના ચિત્ત ઉપર એક્સ વાય ઝેડ વિચારના શાસકોને માફક આવે એ રીતે કબજો કરી આપનારા સોદાગરો, જાસૂસી કરી આપનારા સોદાગરો, પોતાના વળના શાસકોને પૈસા આપીને ચૂંટણી જીતાડી આપનારા સોદાગરો એમ અનેક પ્રકારના સોદાગરો છે જે બધાં જ નઠારાં છે અને તેમણે રાજ્ય ઉપર કબજો જમાવ્યો છે. તેમનાં અનેક પ્રકારનાં અને પરસ્પર સહયોગી સ્થાપિત હિતો છે અને તેઓ રાજ્ય ઉપર કબજો જમાવીને માનવતા માટેની લડાઈને નિષ્ફળ બનાવી રહ્યા છે. ટૂંકમાં જગતના આધુનિક લોકશાહી દેશો શક્તિશાળી છે એ ભ્રમ છે. તેના શાસકો સ્થાપિત હિતોના કબજામાં છે. 

જે સ્થિતિ બની છે એ ભારત માટે અમંગળ છે. વીતેલા બે દાયકા કરતાં પણ વધારે મોટું જોખમ છે. આનું કારણ એ છે કે દુષ્ટોમાં શિરમોર કહેવાય એવા ચીનની અફઘાનિસ્તાનમાં હાજરી છે. તાલિબાની ત્રાસવાદીઓએ ગયા મહીને પાકિસ્તાનનાં ગ્વાડર બંદર પરના ચીની મથક ઉપર હુમલો કર્યો હોવા છતાં ચીને તેની નિંદા કરી નથી. વિશ્વના મોટા ભાગના દેશોએ જ્યારે કાબુલમાંની પોતાની એલચી કચેરીઓ બંધ કરી દીધી છે, ત્યારે ચીન અને રશિયાએ પોતાની એલચી કચેરી ધરાર બંધ કરી નથી. તેઓ કદાચ અફઘાનિસ્તાનની સરકારને માન્યતા પણ આપશે એટલું જ નહીં, ચીન અફઘાનિસ્તાનની તાલિબાની સરકારને સ્થિરતા આપવાનું કામ પણ કરશે કે જેથી અફઘાનિસ્તાનની ધરતીમાં રહેલી ખનીજ સંપદાનો ઉપયોગ કરી શકાય. આ સિવાય વન બેલ્ટ યોજના તો છે જ. આમ પાકિસ્તાન તો મુઠ્ઠીમાં છે અને હવે અફઘાનિસ્તાન મુઠ્ઠીમાં આવી ગયું છે. દુષ્ટતાની આ જે ધરી રચાઈ રહી છે એ ભારત માટે જોખમરૂપ છે. એક તો ભારત પડોશમાં છે અને બીજું ચીન અને પાકિસ્તાનને ભારત સામે દુશ્મની છે. દુષ્ટોની આ નવી, વધારે ઊઘાડી અને અમેરિકાની હાજરી વિનાની ધરી ભારતવિરોધી હશે એમાં કોઈ શંકા નથી.

આ સ્થિતિમાં ભારતે શું કરવું જોઈએ? જવાબ દેખીતો છે, કાશ્મીરની સ્થિતિ થાળે પાડવી જોઈએ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 સપ્ટેમ્બર 2021

Loading

વિચારું છું :

મૂકેશ પરીખ|Poetry|9 September 2021

વિચારીને હસું છું, અને હસીને ય વિચારું છું,
કદીક ગમતું તો કદીક અણગમતું વિચારું છું.

વિચારો ઉપર અંકુશ રાખી શકાતો જ નથી,
તેથી જ તો હું આમ આડું અવળું વિચારું છું.

કોણે શું શું કહ્યું અને કોણે શું શું કહેવાનું છે?
એની જ ગડમથલમાં જાણે શું ને શું વિચારું છું.

બોલેલું સંભળાતું નથી, સાંભળેલું સમજાતું નથી,
થોડું સમજીને તો ઘણું સમજ્યા વિના વિચારું છું.

શ્રદ્ધા-અંધશ્રદ્ધાનો ફરક સમજાતો નથી ‘મૂકેશ’,
માથું ક્યાં કોની આગળ નમાવવું તે વિચારું છું.

ન્યુ જર્સી, યુ.એસ.એ.

e.mail : mparikh@usa.com

Loading

...102030...1,7591,7601,7611,762...1,7701,7801,790...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved