Opinion Magazine
Number of visits: 9456391
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઋણાનુબંધ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|24 April 2025

પરેશભાઈ અને જ્યોતિબહેનના લગ્નને પાંચ વર્ષ જેવો સમય વીતી ગયો હતો, પણ હજી તેમને ત્યાં પારણું બંધાયું નહોતું. પ્રાર્થના, માનતા, બાધા, આખડી રાખવામાં કોઈ કમી રાખી નહોતી. જ્યોતિબહેન ઘણી વખત પરેશભાઈને કહેતાં કે ‘મારી કુખે સંતાન યોગ નથી. તમે બીજા લગ્ન કરી લો.’ પરેશભાઈ સદંતર ના કહેતા કે એ વાત નહીં બને. આ બધા દીકરા, દીકરીઓ આપણા સંતાન છે. આપણે બીજું શું જોઈએ.

પરેશભાઈ, જ્યોતિબહેનને તો સમજાવી શક્યા પણ ઘરેથી મમ્મી-પપ્પા અને બીજાં કુટુંબીઓનું દબાણ આવવા માંડ્યું કે સંતાન વગર ખોટું. આ બધું કરીએ છીએ તો કોના માટે. અંતે પરેશભાઈએ કહ્યું, “હું, બીજા લગ્ન તો નહીં જ કરું. તમે લોકો સહમત થતા હો તો અનાથ આશ્રમમાંથી હું દીકરો કે દીકરી, જે નસીબમાં હોય તેને દત્તક લેવા માગું છું.”

બધાંએ સહમતી આપી એટલે પરેશભાઈએ બાળકને દત્તક લેવાનું નક્કી કર્યું.

“જ્યોતિ, આપણે બાળકને દત્તક લેવા જઈએ છીએ, કોને દત્તક લઈશું? દીકરો કે દીકરી? તારો શું વિચાર છે?”

“તમારો વિચાર એ મારો વિચાર. તમે શું વિચાર્યું છે?”

`મેં કંઈ વિચારી રાખ્યું નથી. આપણે એમ કરીએ, આપણે અનાથ આશ્રમમાં દાખલ થઈએ ત્યારે સામે જે મળે, દીકરો મળે તો દીકરાને અને દીકરી મળે તો દીકરીને દત્તક લઈશું.”

“તમારી વાત બરોબર છે. આપણા નસીબમાં જે હશે એ પહેલાં સામે મળશે.”

પરેશભાઈ અને જ્યોતિબહેન અનાથ આશ્રમમાં દાખલ થયાં. આશરે બે વર્ષની બાળકી સામે મળી.

“બેટા, તારું નામ શું છે?”

બાળકીએ કાલીઘેલી ભાષામાં કહ્યું, “રેખા.”

“વાહ, બહુ સરસ નામ છે.”

“આપણે આ બાળકીને દત્તક લઈએ.”

પરેશભાઈ અને જ્યોતિબહેનને બે વર્ષની બાળકી પસંદ પડી ગઈ હતી.

પરેશભાઈએ કહ્યું, “જોતાં જ ગમી જાય એવી છે. આપણે આ બાળકીને દત્તક લઈએ.”

“મને પણ ગમી ગઈ છે. કેવું મધુર મધુર હાસ્ય કરે છે. તેનું નામ રેખા જ રાખીશું.”

અનાથઆશ્રમની બધી વિધિ પતાવી, રેખાને ઘરે લઈ આવ્યાં. રેખાના આગમનના અનુસંધાને ઘરમાં એક ભવ્ય સમારંભનું આયોજન પણ કર્યું હતું.

પરેશભાઈ અને જ્યોતિબહેન રેખામય બની ગયાં હતાં. તેમનો દિવસ ક્યાં પસાર થઈ જતો એ ખબર નહોતી પડતી. માનો કે સુખના સાગર ઉમટ્યા હતા. રેખા, ત્રણ વર્ષની થઈ એટલે સારી સ્કૂલમાં એડમિશન લઈ સ્કૂલમાં દાખલ કરી દીધી. જ્યોતિબહેનની તબિયત થોડા સમયથી જરા ઠીક રહેતી નહોતી.

“ચાલ આપણે, આપણા પરિચિત લેડી ડૉક્ટરને બતાવી દઈએ.”

“ના, ના કંઈ થયું નથી. મારી તબિયત સારી છે”

“ના, એમ નહીં, આજે તો ડૉક્ટર પાસે જવું જ છે.”

“સારુ, સાંજે રેખાને લઈને ડૉક્ટર પાસે જઈશું.”

“જ્યોતિબહેન, પરેશભાઈ, અભિનંદન, તમારે ત્યાં નવા મહેમાનનું આગમન થવાનું છે. જ્યોતિબહેન તમે મમ્મી બનવાનાં છો.”

“ડૉક્ટર સાહેબ તમારી ભૂલ થતી લાગે છે. આટલાં વરસ તમે દવા કરીને, કંઈ ન થયું, તો હવે શું થાય.”

“જ્યોતિબહેન, ઘણી વખત એવું બને છે. બાળકને દત્તક લેતાં, બાળકની દેખભાળથી માતૃત્વ જાગૃત થાય છે અને પછી ઘણી માતાએ બાળકને જન્મ આપ્યાના દાખલા મારી પાસે છે.”

“હવે શું કરશું?”

“કંઈ નહીં, રેખાને બહેનની કે ભાઈની ભેટ મળશે.”

“જ્યોતિબહેન, પરેશભાઈની વાત સાચી છે. બીજું ચિંતાનું કોઈ કારણ નથી. હું છું ને.”

રેખાને ભાઈની ભેટ મળી ગઈ. તેનું નામ ભાગ્ય રાખ્યું. રેખા અને ભાગ્ય મોટાં થવા લાગ્યાં. રેખા અભ્યાસમાં હોશિયાર હતી એટલે એમ.બી.એ.. ફાઇનાન્સ કર્યું પણ ભાગ્ય અભ્યાસમાં નબળો હતો. માંડ, માંડ બી.એ. સુધી પહોંચ્યો. તે વિચારતો હતો. ‘મારે ખૂબ ભણીને શું કામ છે. આખરે પપ્પાનો બિઝનેસ તો સાંભળવાનો છે.’

રેખાએ સારી કંપનીમાં જોબ લઈ લીધી. ભાગ્યએ બિઝનેસ સંભાળી લીધો. રેખાના લગ્ન સારા ઘરના ડૉક્ટર દીકરા સાથે કરી દીધા. રેખાએ જોબ ચાલુ રાખી હતી. રેખાનું સાસરું સુખી અને સંપન્ન કુટુંબ હતું. એટલે પરેશભાઈને કોઈ ચિંતા નહોતી. સરસ જીવન સંસાર ચાલતો હતો.

એક દિવસ ભાગ્યે પરેશભાઈને કહ્યું, “રેખા મારી સગી બહેન નથી. તમારી મિલકતમાં તેનો કોઈ ભાગ નથી એટલે બધી મિલકત મારા નામે કરી દો.”

પરેશભાઈએ ભાગ્યને એક થપ્પડ મારી દીધી અને કહ્યું, “હવે પછી આવી વાત કરીશ તો ઘરમાંથી કાઢી મૂકીશ.”

પરેશભાઈને આજે સમજાયું કે ભાગ્યના મનમાં તેની બહેન રેખા વિશે શું ભાવના હતી. દીકરી સુખી હતી એટલે તેના વિશે કદી વિચાર્યું નહોતું. તેનું આ પરિણામ હતું. પરેશભાઈ અને જ્યોતિબહેને ભાગ્યને ખૂબ સમજાવ્યો. પણ બધું વ્યર્થ હતું.

ભાગ્યનો મિલકતને લઈને દિવસે દિવસે ઉપદ્રવ વધતો ગયો. તેની બાજુમાં ઇર્ષ્યાળુ સગાં-સંબંધીઓ ચડી ગયાં હતાં. ‘પરેશભાઈને ચિંતા હતી કે રેખાને કે તેના સાસરિયાંને રેખા તેની દત્તક પુત્રી છે એ વાતની ખબર જ નથી. કારણ કે રેખાને ક્યારે ય એમ લાગવા કે ખબર પાડવા નહોતી દીધી કે તે દત્તક પુત્રી છે અને અનાથ આશ્રમમાંથી દત્તક લીધી છે.’

પતિ-પત્ની ચિંતામાં હતાં કે ‘જો આ વાતની રેખાના સાસરે ખબર પડે, તો દીકરીનો ઘરસંસાર બગડે.’ જ્યારે બીજી બાજુ ભાગ્યની વાત પણ ગેરવ્યાજબી હતી એટલે પરેશભાઈએ ભાગ્યને નમતું ન જોખ્યું. ભાગ્યએ હિતશત્રુના ચડાવે. તેની પત્ની અને સાસરિયાના દબાણથી કોર્ટમાં મિલકત માટેનો કેસ દાખલ કરવાની ધમકી પરેશભાઈને આપી. પરેશભાઈ અને જ્યોતિબહેન દુઃખી થઈ ગયાં.

રેખાને વાતની ખબર પડી એટલે પિયર આવી. પરેશભાઈ અને જ્યોતિબહેન પાસે બેસીને આશ્વાસન આપ્યું. રેખાએ કહ્યું,

“પપ્પા, તમે જરા પણ ચિંતા ન કરતા. મને તમારા જમાઈ અને મારા સાસરામાં બધાંને તમે મને દત્તક લીધી છે, એ ખબર છે. મને તો તમારી ઉપર ગર્વ છે જ પણ મારા સાસરામાં પણ તમારા વખાણ થાય છે કે બાળકને દત્તક લેવું અને ઉચ્ચ સંસ્કાર આપવા એ હિંમતભર્યું અને ઉમદા કામ છે. પપ્પા, મને તમારી મિલકતમાં ભાગ નથી જોઈતો પણ ભાગ્યની માગવાની રીત ખોટી છે. મને તેની સામે વાંધો છે. આપણે કોર્ટમાં લડી લઈશું.”

“રેખાબહેન, તમારી મને ખબર પડી ગઈ છે. તમારો પપ્પાની મિલકતમાં કોઈ હક નથી.”

“તારી વાત ખોટી છે. મારો કાયદેસરનો હક છે. એ હું મેળવીને રહીશ.”

“તો તમારે મમ્મી-પપ્પાને કાયમ તમારી સાથે રાખવાં પડશે. હું મમ્મી-પપ્પાને સાથે રાખવા તૈયાર નથી.”

“તો એમ વાત છે. હું આખી જિંદગી મારી સાથે મમ્મી-પપ્પાને રાખવા તૈયાર છું.”

પરેશભાઈ અને જ્યોતિબહેન, ભાગ્યની વાત સાંભળી દુઃખી દુઃખી થઈ ગયાં.

“આજે આપણે જેની સાથે લોહીની સગાઈ છે. મારી કૂખેથી જન્મ આપ્યો છે. એ દીકરો આપણને રાખવા તૈયાર નથી અને જે આપણી સાથે ઋણાનુબંધથી જોડાઈ છે એ દીકરી કોઈપણ જાતની અપેક્ષા વગર આપણને જિંદગીભર રાખવા તૈયાર છે.”

“ભાગ્ય, તું આ શું બોલે છે? તું અમને સાથે રાખવા તૈયાર નથી?”

“ના, હું, તમને સાથે રાખવા માટે તૈયાર નથી અને રેખાબહેનને મિલ્કતમાં ભાગ આપવા પણ તૈયાર નથી. ભાગ જોઈતો હોય તો મારી સામે કોર્ટમાં દાવો કરી લડીને લઈ લે. મને વાંધો નથી.”

“ભાગ્ય, મારા માટે મમ્મી-પપ્પા એ જ સૌથી મોટી મિલકત છે. તું બધી જ મિલકત સુવાંગ રાખ મારે કંઈ જોઈતું નથી. પપ્પાની આબરૂ ખાતર દાવો ન કરતો અને અત્યારે જ હું મમ્મી-પપ્પાને મારી સાથે લઈ જાઉં છું. તને સદ્દબુદ્ધિ આવે તો તું મળવા આવી શકે છે.”

પરેશભાઈએ જ્યોતિબહેન સામે જોયું, જાણે કહેતા હોય કે ‘ભાગ્ય ભૂંસાઈ ગયું છે પણ હજી ઋણાનુબંધની રેખા અકબંધ છે, જે કદી નહીં ભૂંસાય.’

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

એક સ્ત્રીને કેટલું વીતે તો એ દુષ્કર્મનો ગુનો બને?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 April 2025

રવીન્દ્ર પારેખ

અહીં સ્ત્રી કે પુરુષ, કોઇની તરફેણની વાત નથી કે નથી વાત કોઈના વિરોધની, પણ સ્ત્રીઓ તરફે થતા ગુનાઓ જોઈએ છે તો તેને ન્યાય નથી મળતો, એટલું જ નહીં, ન્યાય કરનારાઓ તરફથી પણ તેની  કસોટી થાય છે. છેલ્લા થોડા વખતમાં હાઈકોર્ટના જે ચુકાદાઓ આવ્યા છે, તેણે જે તે સગીરા કે સ્ત્રીને તો સંતોષ નથી જ આપ્યો, પણ આમ પ્રજા પણ તેનાથી ખાસી નિરાશ થઈ છે. આમ તો ન્યાય માટે સાધારણ લોકોનો કોર્ટ પર ભરોસો હોય છે, તે સાથે જ ઘણાં પાત્રતા હોવા છતાં ને આર્થિક અગવડને કારણે કોર્ટ સુધી પહોંચી પણ શકતા નથી. એ સંજોગોમાં જે થોડા, કોર્ટ સુધી પહોંચે છે તેમને ન્યાયની  અપેક્ષા હોય જ છે. તેને બદલે કોર્ટ જ સંવેદનાથી ન વિચારે તો આઘાત લાગે. થોડા સમય પર હાઈકોર્ટના જે ચુકાદાઓ આવ્યા છે, તે અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. કમ સે કમ હાઇકોર્ટ પાસેથી આવા ચુકાદાઓની અપેક્ષા નથી. એ સાચું કે કોર્ટે તટસ્થ રહેવાનું છે, પણ સંવેદનશૂન્ય રહેવાનું નથી. કમ સે કમ સ્ત્રીઓ સંદર્ભના ન્યાયમાં છેલ્લા થોડા ચુકાદાઓ હાઇકોર્ટની સંવેદનાઓનો અનુભવ નથી કરાવતા. 

2021માં બોમ્બે હાઇકોર્ટનો એક ચુકાદો એવો આવેલો કે ‘સ્કિનથી સ્કિન’ વગરનો ગુપ્તાંગોને કોઈ સ્પર્શ કરે તો તે જાતીય હુમલો ગણાય નહીં. આમ તો આ મુદ્દો અગાઉ આ કોલમમાં ચર્ચાઇ ગયો છે, પણ કોર્ટની સંવેદન શૂન્યતા સંદર્ભે અહીં એનો ઉલ્લેખ કરવાનું જરૂરી છે. કોઈ પુરુષ ફક્ત કપડાંને સ્પર્શ કરે અને એ વખતે જે તે અંગનો સીધો સ્પર્શ ન થતો હોય તો તે પોકસો એક્ટ હેઠળની જાતીય સતામણી ગણી શકાય નહીં. દાખલા તરીકે કોઈ આરોપીએ સગીરાનાં કપડાં કાઢ્યાં ન હોય કે કપડાંમાં હાથ નાખ્યો ન હોય તો છાતીને સ્પર્શવાનું કૃત્ય પોકસો હેઠળ જાતીય હુમલો ગણી શકાય નહીં. અહીં છાતીને સ્પર્શ્યા વગર કપડાં પરથી છાતીને સ્પર્શવાનો આરોપીનો હેતુ ધ્યાનમાં ન લેવાય અને સીધો છાતીને સ્પર્શ થયો નથી એટલે જાતીય હુમલો ન ગણાય એવું બોમ્બે હાઇકોર્ટનું અર્થઘટન, અનર્થઘટનની જ ગરજ સારે છે.

આથી વધુ ચર્ચાસ્પદ ચુકાદો અલ્હાબાદ હાઇકોર્ટે 2025ની 21 માર્ચે આપ્યો છે. બન્યું એવું કે ઉત્તર પ્રદેશની એક 11 વર્ષની બાળકીની છાતીને બે પુરુષોએ સ્પર્શ કર્યો, એટલું જ નહીં, તેના પાયજામાનું નાડું પણ ખેંચ્યું, તે ઉપરાંત બાળકીને નાળાની નીચે ખેંચવાની કોશિશ પણ કરી જોઈ. એ તો સારું થયું કે બાળકીની બૂમાબૂમથી, ત્યાંથી પસાર થતાં લોકો એ દરમિયાનગીરી કરી ને હુમલાખોરો ભાગી છૂટ્યા. બાળકીની છાતીને આરોપીઓ સ્પર્શ્યા, તેનું નાડું ખેંચ્યું ને તેને નાળાની નીચે ખેંચવાની કોશિશ કરી જોઈ, પણ અલ્હાબાદ હાઇકોર્ટને આરોપીઓનો હેતુ બળાત્કાર કરવાનો લાગતો નથી. લોકો આવી ચડ્યા ન હોત તો આરોપીઓ શું કરવા માંગતા હતા તે વગર બોલ્યે પણ સમજાય એવું છે, પણ કોર્ટને તે ધ્યાનમાં આવતું નથી. સોંસરું પૂછવાનું એ થાય કે છાતીનો સ્પર્શ કે નાડું ખેંચવાનો ઇરાદો સગીરાની પૂજા કરવાનો કે આરતી ઉતારવાનો હતો એમ માનવાનું છે? એ વાત સુપ્રીમને સમજાઈ ને હાઈકોર્ટના ચુકાદામાં રહેલી ક્ષતિ સંદર્ભે અલ્હાબાદ હાઇકોર્ટની ટીકા કરતાં સ્પષ્ટ કર્યું કે આવો ચુકાદો આપનારમાં સંવેદનશીલતાનો અભાવ છે. સુપ્રીમે સુઓમોટો લઈને ચુકાદા પર સ્ટે મૂક્યો. હાઈકોર્ટના ચુકાદાથી સુપ્રીમનો મત જુદો હોવાની નવાઈ નથી, પણ સ્ત્રીઓ સંદર્ભના ગુના બાબતે સુપ્રીમની ટકોર હાઇકોર્ટોને સંવેદનશીલ બનવાનો સંકેત આપે છે તે જરૂર નવાઈ પમાડનારું છે. જો કે, અલ્હાબાદ હાઇકોર્ટને તેની કૈં અસર થઈ હોય એવું લાગતું નથી, કારણ 10 એપ્રિલ, 2025ને રોજ એ જ અલ્હાબાદ હાઇકોર્ટનો એક ચુકાદો એવો આવ્યો કે દુષ્કર્મના કેસમાં દુષ્કર્મ માટે આરોપી નહીં, પણ મહિલા પોતે જ જવાબદાર છે.

ઘટના 21 સપ્ટેમ્બર, 2024ની છે. નોઇડા સ્થિત એક યુનિવર્સિટીની વિદ્યાર્થિની તેની મિત્રો સાથે દિલ્હીના એક હોજ ખાસ વિસ્તારના બારમાં ગઈ. અહીં તે કેટલાક પુરુષોને મળી. તેમાં આરોપી પણ હતો. મહિલાએ ફરિયાદમાં એ વિગતો આપી છે કે દારૂ પીવાને કારણે પોતે થાકી ગયાનું લાગતાં આરોપી મોડી રાત્રે પોતાને ઘરે લઈ જવાનો આગ્રહ કર્યા કરતો હતો. વારંવારના આગ્રહને કારણે મહિલા તેની સાથે જવા તૈયાર થઈ. ફરિયાદમાં મહિલાએ એવો આરોપ મૂક્યો કે આરોપીને ઘરે જતાં પહેલાં રસ્તામાં આરોપીએ અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો ને ઘરે લઈ જવાને બદલે ગુડગાઉંના એક સંબંધીના ફ્લેટમાં લઈ ગયો ને ત્યાં મહિલા સાથે દુષ્કર્મ કર્યું. આ મામલે 11 ડિસેમ્બર, 2024ને રોજ આરોપીની ધરપકડ થઈ.

આરોપીનું કહેવું એમ હતું કે એ દુષ્કર્મ ન હતું, પણ પરસ્પરની સંમતિથી થયેલું કૃત્ય હતું. એ સંદર્ભે કોર્ટનું કહેવું હતું કે પીડિતાએ પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું અને જે કૈં થયું તેને માટે તે પોતે જ જવાબદાર હતી. પીડિતા જે થઈ રહ્યું છે તે જાણવા-સમજવા જેટલી શિક્ષિત અને સક્ષમ હતી, એમ માનીને કોર્ટે આરોપીને જામીન પણ આપ્યા. તબીબી તપાસમાં એટલું બહાર આવ્યું કે હાઇમન ફાટ્યું હતું, પણ બળાત્કાર થવા અંગે ડોકટરોએ સ્પષ્ટ મત આપ્યો ન હતો. મહિલાએ બીજે જ દિવસે બળાત્કાર થયાની પોલીસ ફરિયાદ આરોપી સામે નોંધાવી, પણ ધરપકડ ત્રણેક મહિને થઈ. તે એટલે કે પોલીસ આરોપીની એ વાત માનતી રહી કે એ બળાત્કાર ન હતો, પણ સંમતિથી થયેલ કૃત્ય હતું. મહિલા પોતાની વાત સમજાવવા વારંવાર પોલીસ સ્ટેશને ધક્કા ખાતી રહી. પોલીસને એમ પણ હતું કે ધક્કા ખાઈને યુવતી એની મેળે જ થાકશે ને આવતી બંધ થશે, પણ યુવતી થાકી નહીં, એટલે પોલીસે આરોપીની ધરપકડ કરી. નીચલી કોર્ટમાં આરોપીએ જામીન માટે અરજી કરી, પણ ન મળતાં જામીન માટે અરજી હાઇકોર્ટમાં થઈ. હાઇકોર્ટે આરોપીની એ વાત સ્વીકારી કે સંબંધ પરસ્પરની સંમતિથી થયો છે ને આરોપીને જામીન આપી દીધા. સંમતિથી સંબંધ થયો હોવાનું માનવા માટે હાઇકોર્ટ પાસે મુદ્દો એ હતો કે હાઇમન તૂટ્યું હતું એ ખરું, પણ રિપોર્ટમાં બળજબરી થયાનું કે જાતીય ઇજાઓ થયાનું નોંધાયું નથી, એટલે કોર્ટે એમ માન્યું કે આ દુષ્કર્મ નથી.

મહિલાને ધાકધમકીથી કે નશામાં નાખીને કે બેહોશ કરીને બળાત્કાર થાય તો બળજબરી કે ઇજાની વાત ન રહે એ સમજાય તેવું છે. કોર્ટને આ ન દેખાય એનું આશ્ચર્ય છે ને વધારે આઘાત તો હાઇકોર્ટની એ ટિપ્પણીથી લાગે છે કે યુવતી જોડે જે થયું તેને માટે તે જ જવાબદાર હતી, એનું કારણ શું, તો કે તે બારમાં હતી ને તેણે દારૂ પીધો હતો. તેનો અર્થ એવો થાય કે મહિલાએ બારમાં કે મોડી રાત્રે પાર્ટીમાં ન જવું. જાવ તો આવું થાય, એમ જ ને ! માની લઈએ કે રાતની પાર્ટીનું જોખમ સ્ત્રીઓએ ન લેવું, પણ નશામાં હોય એટલે કોઈને પણ જે તે યુવતી પર બળાત્કાર કરવાનું લાઇસન્સ મળી જાય? સ્ત્રી ગમે એટલી શિથિલ ચારિત્ર્યની જ કેમ ન હોય, કોઈ પણ પુરુષને તેને સ્પર્શવાનો અધિકાર નથી. પ્રસ્તુત કેસમાં યુવતીએ જાણીબૂઝીને નશો કર્યો હોય તો પણ, તેને સ્પર્શવાનો આરોપીને અધિકાર નથી. નશામાં હોવું એ દુષ્કર્મ માટેની સંમતિ નથી. એ વિચારવાને બદલે કોર્ટે મહિલા વિષે જાહેર ટિપ્પણી કરીને ભદ્રતાનો-શાલીનતાનો નમૂનો પૂરો પાડ્યો.

અલ્હાબાદ હાઇકોર્ટે મહિલાઓ સંબંધી જે છેલ્લા ચુકાદાઓ આપ્યા છે તે અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. જો કે અગાઉના ચુકાદા સંદર્ભે સુપ્રીમે જે ટિપ્પણીઓ કરી તેવી જ ટિપ્પણી આ ચુકાદા સંદર્ભે પણ કરી છે. એક તરફ અગાઉના નાડું ખેંચવાના કેસની સુનાવણી ચાલે જ છે, ત્યાં એ જ અલ્હાબાદ હાઈકોર્ટના દુષ્કર્મ અંગે મહિલા જ જવાબદાર હોવાની ટિપ્પણી આવતાં સુપ્રીમે સ્પષ્ટ કર્યું કે આરોપીના જામીન મંજૂર કરવા હોય તો કરો, પણ રેપ પીડિતા અંગે ટિપ્પણી કરતી વખતે કોર્ટે વધુ સતર્ક રહેવું જોઈએ. અગાઉના કેસમાં કોર્ટની અસંવેદનાની નોંધ તો લીધી જ હતી ને આ વખતે રેપ પીડિત મહિલા સંદર્ભે હાઇકોર્ટને વધુ સતર્ક રહેવાની સુપ્રીમે ટકોર કરી છે.

એમ લાગે છે કે અલ્હાબાદ હાઇકોર્ટ ઉત્તરોત્તર વધારે સંવેદનશૂન્ય બનીને જ પ્રગટ થઈ રહી છે ને ન્યાયને મામલે એ અપેક્ષિત નથી. એ તો નથી જ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 20 ઍપ્રિલ  2025

Loading

World Book Day અવસરે ફક્ત FB પર શરૂ થતી પુસ્તક પરિચયની અનિયતકાલિક લેખ શ્રેણી

દીપક મહેતા|Opinion - Opinion|23 April 2025

ગ્રંથયાત્રા : ૧ 

પુસ્તકોને દેશવટો દેનાર દેશની દાસ્તાન

બંબાવાળાનું કામ શું? તમે કહેશો: ‘એ તે કંઈ પૂછવા જેવો સવાલ છે? બંબાવાળાનું કામ આગ બુઝાવવાનું હોય, બીજું શું?’ પણ ધારો કે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું હોય કે એવાં શહેરો અને ગામો બન્યાં હોય કે જ્યાં ક્યારે ય અકસ્માતને કારણે આગ લાગી શકે જ નહિ તો? તો ય બંબાવાળાની જરૂર તો પડે. પણ શા માટે? આગ લગાડવા માટે! ચોવીસમી સદીની વાત કરતી નવલકથા ‘ફેરનહાઈટ ૪૫૧’નો કથાનાયક ગાય મોન્ટાગ બંબાવાળાની નોકરી કરે છે અને કામ કરે છે ગામનાં અમુક અમુક ચોક્કસ ઘરોને આગ લગાડવાનું! જે શહેરમાં રહેતો હતો મોન્ટાગ, એ શહેરના લોકો એકદમ સુખશાંતિમાં રહેતા હતા. કોઈ પણ બાબત અંગે લોકોમાં ક્યારે ય મતભેદ થતો જ નહિ, અને એટલે ઝગડો, હુલ્લડ, હડતાલ વગેરે પણ ક્યારે ય થતાં જ નહિ. પણ એવું બને કઈ રીતે? કારણ મત ધરાવવાનું કે વિચારવાનું કામ લોકોનું હતું જ નહિ. મત હતો માત્ર સરકારનો અને વિચારવાનું કામ કરતા હતા માત્ર રાજ્યકર્તા. જ્યાં ભિન્ન મત જ ન હોય ત્યાં મતભેદ થાય જ કઈ રીતે? મતભેદ, ઝગડા, હુલ્લડ, હડતાલ વગેરેથી લોકોને બચાવવા માટે સરકારે મતબંદી અને વિચારબંદી લાદી હતી અને લોકો ભૂલેચૂકે ય વિચારતા ન થાય, મત ધરાવતા ન થાય એટલા ખાતર શહેરમાં, પુસ્તકો, છાપાં, સામયિકો વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો.

પણ ગમે તેવા સુખચેનમાં રાખો તો ય કેટલાક લોકો હોય છે અદકપાંસળિયા. દુ:ખ અને અશાંતિ વગર એમને ચેન ન પડે. એમની વિચારવાની કુટેવ જાય જ નહિ. કારણ પોતાના ઘરમાં છુપાવીને તેઓ પુસ્તકો, છાપાં, સામયિકો રાખે અને રાતે બધાં બારીબારણાં બંધ કરીને ટમટમતા દીવાના અજવાળામાં એ વાંચે ય ખરા. પણ સરકાર માબાપની ચકોર આંખ ચારે બાજુ ફરતી જ હોય. તેના જાસૂસોને પુસ્તકોવાળા ઘરની વાસ કોઈ ને કોઈ રીતે આવી જ જાય. એવી વાસ આવે કે તરત એ જાસૂસ ફોન જોડે બંબાખાને. બંબાખાનામાં ઘંટડી રણકી ઊઠે. મોન્ટાગ હાથમાં લેઝર મશાલો લઈ ઝડપથી બંબામાં ચડી જાય ને જોતજોતામાં પુસ્તાકોવાળા ઘર પાસે પહોંચી જાય. મોન્ટાગ લેઝર મશાલથી માત્ર પુસ્તકોને જ નહિ, આખા ઘરને ઘડીના છઠ્ઠા ભાગમાં ભસ્મીભૂત કરી નાખે. ન રહે ઘર, ન રહે પુસ્તકો. બંબાની સાઈરન બંધ થઈ જાય. ફરી બધે સુખશાંતિ પથરાઈ જાય. પણ ઘરમાં પુસ્તકો રાખવાની આવી જિદ્દી ભૂલ તો થોડાક લોકો જ કરે. બાકી મોટા ભાગના લોકો તો એ ય ને ટેસડા કરે, ટેસડા. વિચારવાની લપછપ તો કરવાની નહોતી. એટલે કેટલાક દારૂ કે કેફી દવાઓના નશામાં ચકચૂર રહે. કેટલાક દિવસ રાત સરકારી ટેલીવિઝનને જળોની જેમ વળગ્યા રહે. ટૂંકમાં કહીએ તો ‘ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે,’ એ આ લોકોનું જીવન.

મોન્ટાગ પણ સુખી હતો. નોકરી ગમતી. ઘર બાળવામાં મજા ય આવતી. એના બંબાને આવતો જોઈ લોકો કેવા નાસભાગ કરતા! પણ એક કુટેવ હતી મોન્ટાગને. કોઈ પણ ઘરને પલીતો ચાંપે એ પહેલાં ચોરીછૂપીથી એક-બે પુસ્તકને ઘરમાંથી ઉપાડી લેતો, પોતાને ઘરે લઈ જતો. જો કે વાંચતો ક્યારે ય નહિ, પણ સંઘરી રાખતો. મિલી નામની એક સ્ત્રીને પરણ્યો હતો, પણ લગ્નજીવન સુખી નહોતું. કારણ મિલી આખો દિવસ કેફી દવાઓના ઘેનમાં જ પડી રહેતી. મોન્ટાગની પડોશમાં એક ષોડશી કન્યા રહે. નામ હતું ક્લેરિસ. બધા પ્રત્યે દયામાયા રાખતી. બચાડા મોન્ટાગ માટે પણ એના મનમાં દયા હતી. પણ એ દયા ક્યારે મનની માયામાં પલટાઈ ગઈ એની ખબર ન તો એ છોકરીને પડી, કે ન પડી મોન્ટાગને. કન્યા હતી તો સોનાની થાળી જેવી. પણ તેનામાં એક લોઢાની મેખ પણ હતી. આમ ખાસ બીજું કાંઈ તો નહિ, પણ એને બહુ પૂછવાની ટેવ. એ છોકરી વિચારતી એટલે પૂછતી, કે પૂછતી એટલે વિચારતી એ તો રામ જાણે. પણ થોડા દિવસમાં ક્લેરિસ માટેના પ્રેમરોગની સાથોસાથ મોન્ટાગને વિચારવાના રોગનો ચેપ પણ લાગ્યો. ‘મારી પત્નીથી હું સુખી છું? મારી નોકરીથી હું સુખીછું? ક્લેરિસને જોઉં ત્યારે સુખી હોઉં છું?’ – આવા આવા સવાલો માળો પોતાની જાતને પૂછવા લાગ્યો. અને પછી એક ભયંકર સવાલ તેના મનમાં ઊઠ્યો : ‘આ પુસ્તકોમાં એવું તે શું હોય છે કે જેથી જ્યાં દેખાય ત્યાં સરકાર પુસ્તકોને બાળી નખાવે છે?’ આવું આવું વિચારતો હતો ત્યાં જ બંબાખાનાના ફોનની ઘંટડી રણકી ઊઠી. તરત લેઝર મશાલ લઈને દોડ્યો મોન્ટાગ. એક ડોસીના ઘરમાંથી ચોપડીઓ મળી આવી હતી. તેનું ઘર બાળી નાખવાનું હતું. બીજાં ઘરો બાળવા જતો મોન્ટાગ, ત્યારે તો તેમાં રહેનારાં બધાં તરત રફુ ચક્કર થઈ જતાં. પણ આ ડોસી તો ઊંધી ખોપરીની નીકળી. કહે કે હું પણ મારી ચોપડીઓ સાથે જ બળી મરીશ. અને મોન્ટાગ આગ ચાંપે તે પહેલાં તો ડોસીએ પોતે જ પોતાના ઘરને આગ લગાડી અને ચોપડીઓ સાથે બળી મરી!

આજે પહેલી વાર દુ:ખી હૃદયે મોન્ટાગ ઘરે પાછો આવ્યો. લોકોનાં ઘરો બાળતાં પહેલાં તેમાંથી ચોરીને જે પુસ્તકો ઘરમાં છુપાવેલાં તેમાંથી એક પુસ્તક કાઢી વાંચવા બેઠો. તેને લાગ્યું કે પોતે જે સુખ જિંદગીમાં નથી મેળવી શક્યો તે મેળવવાની ચાવી આ પુસ્તકમાં છે. બરાબર એ જ વખતે મોન્ટાગનો બોસ તેને ઘરે આવી ચડ્યો. કહે: ‘મને ખબર છે કે તું ચોપડીઓ સંઘરવાના કુસંગે ચડ્યો છે, પણ આપણા સુખી અને સુવ્યવસ્થિત સમાજમાં પુસ્તકોને સ્થાન નથી. જ્યારે માણસોએ પૂરતી પ્રગતિ નહોતી કરી ત્યારે તેમને પુસ્તકો જેવાં સાધનોની જરૂર પડતી. હવે આપણે એટલી પ્રગતિ કરી છે કે પુસ્તકો નકામાં બની ગયાં છે. તું આ કુટેવ છોડી દે. નહિતર કોક દિ તારું ઘર પણ …’ ગભરાયેલો મોન્ટાગ દોડ્યો એક જૂના મિત્ર પ્રોફેસર ફેબરને મળવા. પણ એમને મળીને તો મોન્ટાગ પુસ્તકો પાછળ ઘેલો બની ગયો. પ્રોફેસરે તેને કાનમાં પહેરી શકાય એટલો નાનકડો ટુ-વે રેડિયો આપ્યો જેથી બંને સતત એકબીજાના સંપર્કમાં રહી શકે. પછી કેટલીક સલાહ પણ આપી. પણ મોન્ટાગે સલાહ માની નહિ અને ઘરે ગયા પછી એક પુસ્તકમાંથી થોડો ભાગ પત્નીને વાંચી સંભળાવ્યો. અને પછી ગયો નોકરીએ. થોડી વારમાં જ બંબાખાનાના ફોનની ઘંટડી રણકી ઊઠી. મોન્ટાગ ફરી એક વાર ઘર બાળવા નીકળ્યો. પણ ફરક એ હતો કે આ વખતે તેણે પોતાનું જ ઘર બાળવાનું હતું! ફરજ એટલે ફરજ. મોન્ટાગ પોતાનું ઘર બાળે છે તો ખરો, પણ પછી પોતાના બોસ સાથે બાથંબાથી પર આવી જાય છે. તેના કાનમાં ખોસેલો ટુ-વે રેડિયો પડી જાય છે, અને જે લેઝર ટોર્ચથી તે ઘરો બાળતો એ જ ટોર્ચથી તે બોસને બાળીને ભડથું કરી નાખે છે. પછી ભાગે છે. તેને પકડવા યાંત્રિક શિકારી કૂતરો તેની પાછળ પડે છે. પોતાની પાસેનાં પુસ્તકો લઈને મોન્ટાગ સંતાય છે પ્રોફેસર ફેબરના ઘરમાં. ફેબર તેને નદીને સામે કાંઠે વસેલા હોબો કેમ્પમાં મોકલે છે. દેશનિકાલ કરાયેલા કવિઓ, લેખકો, પત્રકારો, બુદ્ધિજીવીઓ વગેરેને એ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. તેમાંના એકની મદદથી મોન્ટાગ પોતાના શરીરનું પી.એચ. ફેક્ટર બદલી નાખે છે જેથી યાંત્રિક કૂતરો તેને ઓળખી ન શકે. 

પણ એક-બે દિવસ પછી સરકારી ટી.વી. પર સમાચાર આવે છે કે સરકારના વફાદાર યાંત્રિક શિકારી કૂતરાએ દેશદ્રોહી મોન્ટાગને શોધીને ખતમ કરી નાખ્યો છે. હકીકતમાં, પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સરકારે કોઈ ભળતા જ માણસને મરાવી નાખ્યો છે! પછી હોબો કેમ્પના રહેવાસીઓને પૂછે છે કે અહીં ક્યાં ય પુસ્તકો કેમ દેખાતાં નથી? જવાબ મળે છે કે અમે બધાં પુસ્તકો કંઠસ્થ કરી નાખ્યાં છે જેથી ભવિષ્યમાં ક્યારેક પુસ્તકો પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાય ત્યારે તે બધાં ફરીથી છાપી શકાય. ત્યાં જ યુદ્ધ ફાટી નીકળે છે. બોમ્બમારામાં આખું શહેર નાશ પામે છે. હોબો કેમ્પના રહેવાસીઓ નવા સમાજની સ્થાપના કરે છે : જ્યાં પુસ્તકોનો, વિચારોનો, ભિન્ન મતનો આદર થતો હોય એવો એક નવો સમાજ. 

આ પુસ્તકના લેખક રે બ્રેડબરીનો જન્મ ૧૯૨૦ના ઓગસ્ટની ૨૨મી તારીખે અમેરિકાના ઈલીનોય રાજ્યમાં. તેણે જીવનમાં ૫૦૦ કરતાં વધુ પુસ્તકો લખ્યાં! બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકન સરકારમાં અસહિષ્ણુતા વધી ગઈ હતી. સામ્યવાદને ખાળવાના બહાના નીચે ભિન્ન મતને દબાવી દેવાના પ્રયત્નો જનરલ મેકાર્થીની વિચારસરણી પ્રમાણે થઈ રહ્યા હતા. એવે વખતે, ૧૯૫૩માં આ નવલકથા પ્રગટ થતાંવેંત અમેરિકન વાચકોના મનમાં વસી ગઈ. ત્યારથી આજ સુધી આ નવલકથા અમેરિકામાં સતત વેચાતી અને વંચાતી રહી છે. ૨૦૧૨ના જૂનની પાંચમી તારીખે રે બ્રેડબરીનું અવસાન થયું. 

ખાસ નોંધ: આ કથાને આજના ભારત કે અમેરિકા દેશની સ્થિતિ સાથે કશો સંબંધ છે એમ માની લેવું નહિ. 

XXX   XXX   XXX

23 April 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...175176177178...190200210...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved