Opinion Magazine
Number of visits: 9962987
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ

ડૉ. અશ્વિનકુમાર|Gandhiana|9 January 2022

ત્રીસ જાન્યુઆરી, ઓગણીસો અડતાળીસે દેહથી ગયા તે ‘મહાત્મા’ હતા. પણ નવ જાન્યુઆરી, ઓગણીસો પંદરે દેશમાં આવ્યા તે ‘મોહનદાસ ગાંધી’ હતા. જો કે, ગાંધીભાઈએ જીવનનાં એકવીસ વરસ દક્ષિણ આફ્રિકાની ભૂગોળને અને દુનિયાના ઇતિહાસને આપ્યા. તેઓ ગિરમીટિયાઓને દેશી ભાષાઓમાં સમજતા તો ગોરાઓને અંગ્રેજી ભાષામાં સમજાવતા. મો.ક. ગાંધી અધિપતિની હેસિયતથી ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ગુજરાતી, હિંદી, તામિલ, અને અંગ્રેજી એમ ચાર ભાષામાં લખાણો છાપતા. ‘સત્યાગ્રહ’નું શસ્ત્ર નહીં પણ શાસ્ત્ર સમજી-સમજાવીને તેઓ હિંદના દરિયાકિનારે ભરતી બનીને આવ્યા. ૦૯-૦૧-૧૯૧૫ના રોજ, ગાંધી મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે એક પારસી ખબરપત્રી તેમની મુલાકાત લેવા સારુ છેક બંદર ઉપર પહોંચી જઈને તેમને મળ્યો. તેને પહેલાં પહોંચી જઈને ગાંધીને મળી લેવાની હોંશ હતી. ‘સૌથી પ્રથમ, તેજ કદમ’નું સ્પર્ધાસૂત્ર એ જમાનાના પત્રકારત્વનું લક્ષણ હોય પણ ખરું. પેલા પત્રકારે તો મળતાંની સાથે જ ગાંધી ઉપર અંગ્રેજીમાં સવાલ છાંટ્યો. પછી શું થયું? … ગાંધીનું નહીં, પેલા પત્રકારનું?! … આ અંગે આપણા સૌના ‘કા.કા.’ને પૂછવું પડે.

કાકાસાહેબ કાલેલકર ‘બાપુની ઝાંખી’(નવજીવન પ્રકાશન મંદિર, પહેલી આવૃત્તિ: ૧૯૪૯, બીજી આવૃત્તિ : ૧૯૫૫, પુનર્મુદ્રણ : ૧૯૬૯, પૃ.૧૨)માં નોંધે છે : “તેમણે પૂછેલા સવાલનો જવાબ આપતાં પહેલાં બાપુએ કહ્યું – ‘ભાઈ, તમે હિંદી છો, હું પણ હિંદી છું. તમારી માતૃભાષા ગુજરાતી છે, મારી પણ ગુજરાતી છે. તો પછી તમે મને અંગ્રેજીમાં કેમ સવાલ પૂછો છો? તમે શું એમ માનો છો કે દક્ષિણ આફ્રિકામાં રહી આવ્યો એટલે મારી જન્મભાષા ભૂલી ગયો? અથવા એવું તો માનતા નથીને કે મારા જેવા બેરિસ્ટર સાથે અંગ્રેજીમાં વાત કરવી જ શોભે?’ ” આ ઘટના અંગે કાકાસાહેબ વધુમાં લખે છે કે, “ખબરપત્રી શરમાયો કે નહીં એ હું જાણતો નથી, પણ એને નવાઈ થઈ ખરી. પોતાની મુલાકાતના હેવાલમાં બાપુના આ જવાબને જ તેણે અગ્રસ્થાન આપ્યું હતું.” લેખને સમેટતાં કાલેલકર કહે છે : “તેણે બીજા સવાલો શા પૂછ્યા અને બાપુએ જવાબો શા આપ્યા એ હું ભૂલી ગયો છું. પણ આપણા દેશના નેતાઓમાં એક નેતા એવા છે જે માતૃભાષામાં બોલવાની સ્વાભાવિકતાનું મહત્ત્વ સમજે છે એ જાણીને સૌને સંતોષ થયો.” આ જે બન્યું તેને સમાચારની ભાષામાં ઘટના પણ વિચારની ભાષામાં ઘડતર કહેવાય. જેમાંથી એક પત્રકારે નહીં, આખી પ્રજાએ બોધપાઠ લેવો રહ્યો.

ગાંધીના માનમાં ઉત્તમલાલ ત્રિવેદીએ મુંબઈમાં ગુજરાતીઓનો મેળાવડો ગોઠવ્યો હતો. ‘ગાંધીજીની દિનવારી’(માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૦૨)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલની નોંધ મુજબ, ‘આ મેળાવડો ગુર્જર સભા તરફથી ૧૪-૦૧-૧૯૧૫ની સાંજે મુંબઈસ્થિત મંગળદાસની વાડીમાં યોજાયો હતો.’ ગુજરાતી હોવાના નાતે મહમદઅલી ઝીણા પણ એમાં હાજર રહ્યા હતા. આ મેળાવડાના પ્રમુખ કે મુખ્ય વક્તા તરીકે ઝીણાએ ટૂંકું અને મીઠું પણ અંગ્રેજીમાં ભાષણ કર્યું. બીજાં ભાષણો પણ મોટા ભાગે અંગ્રેજીમાં જ થયાં હતાં. હવે ગાંધીનો વારો આવ્યો! આ બનાવનું બયાન કરતાં મો.ક. ગાંધી ‘સત્યના પ્રયોગો’(નવજીવન પ્રકાશન મંદિર, પ્રથમ આવૃત્તિ : ૧૯૨૭, પુનર્મુદ્રણ : ૨૦૦૯, પૃ. ૩૪૫)માં કહે છે : “જ્યારે મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં ઉત્તર ગુજરાતીમાં જ વાળ્યો, ને ગુજરાતીનો તથા હિંદુસ્તાનીનો મારો પક્ષપાત મેં થોડા જ શબ્દોમાં જાહેર કરી, ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામેનો મારો નમ્ર વિરોધ નોંધાવ્યો. મારા મનમાં આમ કરવા વિશે સંકોચ તો હતો જ. લાંબી મુદ્દતની ગેરહાજરી પછી પરદેશથી વળેલો બિનઅનુભવી માણસ ચાલતા પ્રવાહની સામે જાય એમાં અવિવેક તો નહીં હોય એવું મને લાગ્યા કરતું હતું. પણ ગુજરાતીમાં ઉત્તર વાળવાની મેં હિંમત કરી તેનો કોઈએ અનર્થ ન કર્યો ને સૌએ મારો વિરોધ સાંખી લીધો એ જોઈ હું રાજી થયો, ને મારા નવા લાગતા બીજા વિચારો પ્રજા આગળ મૂકવામાં મને અડચણ નહીં આવે એવો સાર પણ મેં આ સભામાંથી ખેંચ્યો.”

દાનત હોય તો, આ દૃષ્ટાંતો ઉપરથી આપણે ધડો લઈ શકીએ છીએ. સવાલો પૂછનાર પત્રકારની માતૃભાષા ગુજરાતી છે એવું જાણી લીધા પછી ગુજરાતીમાં સંવાદ કરવો એ ગૌરવનો વિષય છે, શરમનો નહીં. એનાથી ગેરસમજ ઘટશે, ઠેરસમજ વધશે. ગુજરાતી વ્યવસ્થા-વાતાવરણ-વ્યવહારમાં ગુજરાતી ભાષામાં વાત વહેતી કરવા માટે હિંમત સિવાય કશું જરૂરી નથી. પછી ભલેને સામે ઝીણા હોય કે મોટા! અંતે એટલું સ્વીકારીએ કે, જાહેરમાં એક વાર માતૃભાષામાં અભિવ્યક્ત થયા પછી કોઈ નવી વાત રજૂ કરવામાં અગવડ નહીં પડે એવો સાર જો મો.ક. ગાંધી ખેંચી શકતા હોય તો આપણે તેમના તરફ ખેંચાવું જ રહ્યું.

પ્રાધ્યાપક, પત્રકારત્વ વિભાગ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, મહાત્મા ગાંધી આશ્રમ માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪

વીજાણુ-ઠેકાણું (ઈ-મેઇલ) : ashwinkumar.phd@gmail.com

અક્ષર-આકાશિકા (બ્લોગ) : https://ashwinningstroke.blogspot.com

Loading

મુકામ નાગરિકતા

કેતન રુપેરા|Diaspora - Features|8 January 2022

‘ઓપિનિયન’માં પ્રકાશિત થયેલા, દાઉદભાઈ ઘાંચીના લેખોમાંથી પસાર થતા થતા એક મુદ્દો સ્પષ્ટ તરી આવે છે : ભાષા પરનો એમનો બેમિસાલ કાબૂ, અને વળી કેટકેટલા અંગ્રેજી શબ્દોને ગુજરાતી સંસ્કરણ આપવું. દાઉદભાઈને ગુજરાતીમાં સરળતાએ વહેતા અનુભવ્યા છે તેમ અંગ્રેજીમાં ય વાચનક્ષમ, વિચારક્ષમ રહ્યા છે. એમનું વાચન વિશાળ છે અને સંસ્કૃત સમેતની એમની જાણકારી સતત અનુભવાયા કરી છે. કેળવણીના આ પ્રકાંડ માણસે શિક્ષણ, કેળવણીનાં વિવિધ પાસાંઓ ખોલી સમજાવ્યા છે, તેમ એમનાં લખાણોમાં અંગ્રેજી શબ્દાવલિઓની છૂટેદોર બિછાત જોવા મળે છે. આટલું ઓછું હોય તેમ આ અંગ્રેજી શબ્દોને, વળી, ગુજરાતીમાં શબ્દો રચી અવતાર્યા છે. પરિણામે, આપણા ગુજરાતીના વિધવિધ કોશો સમૃદ્ધ બનતા ગયા છે.

અદમ ટંકારવીના શબ્દોમાં, ‘વિદ્યાર્થી, શિક્ષક, વ્યાખ્યાતા, પ્રાધ્યાપક, આચાર્ય, ઉપકુલપતિ – આમ આખો જન્મારો શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા. શિક્ષણ એ જ એમનું જીવનકાર્ય. આ કાર્ય એમણે તપોનુષ્ઠાનના તાદાત્મ્યથી કર્યું તેથી એ તપસ્યા થઈ ગયું. દાઉદભાઈ નિષ્ઠા અને નિસબતનો પર્યાય. પોતાના શિષ્યો પ્રત્યેની નિસબત એવી કે એમના વિદ્યાર્થીઓને મન તો દાઉદસાહેબ ઋષિતુલ્ય.’

‘અમે તો પંખી પારાવરનાં’ – પુસ્તકનું ભરપેટ સ્વાગત જ હોય. … આ પુસ્તકના બાવીસ લેખોની ઊંચાઈ તેમ જ તેનું ઊંડાણ આ પંખીની પેઠે પારાવાર એક સરખું જોવા મળે છે. મૂળ તો આપણા એક વરિષ્ઠ કવિ, બાલમુકુન્દ દવેની ભારે મજબૂત કવિતાનું જ આ ચરણ. કવિ લખે છે :

આપણે તે દેશ કેવા?

આપણે વિદેશ કેવા?

આપણે પ્રવાસી પારાવારના હે… જી.

આ દરેક લેખ પોકારી પોકારીને કહે જ છે : ‘આપણે તે દેશ કેવા? આપણે વિદેશ કેવા? આપણે પ્રવાસી પારાવારના હે… જી.’

ગુજરાતને ઘડનારાઓની યાદીમાં દાઉદભાઈ જેમ સોહે છે તેમ, કેતન રુપેરા-સંપાદિત તેમનું આ રૂમઝુમતું પુસ્તક પણ સોહશે તેની ખાતરી.

— વિપુલ કલ્યાણી 

°°°

ડો. દાઉદભાઈ એ. ઘાંચીના વિદ્યાર્થીઓ, ત્યારનો અને અત્યારનો શિક્ષકગણ, વાચકો, વડીલો અને મિત્રો,

આપ સૌને વિવિધ સમયે દાઉદભાઈનાં વિધવિધ પાસાંનો પરિચય થયો હશે. વિષય શિક્ષણ હોય કે સાહિત્ય, વાત ચૂંટણી ને લોકશાહીની હોય કે ભાષા અને સંસ્કૃતિની, મુદ્દો સ્ત્રી-પુરુષ સમાનતાનો હોય કે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો, અભિવ્યક્તિ સંશોધનલેખ તરાહની હોય કે કટારલેખનની, ક્ષેત્ર વિદ્યાનું હોય કે વહીવટ-વ્યવસ્થાપનનું અને હા, આ સર્વે માટેનો મંચ વર્ગખંડ હોય, વ્યાખ્યાન ખંડ, સભાગૃહ કે પછી કાર્યાલય …  કહો જોઈએ, દાઉદભાઈના વ્યક્તિત્વ અને અભિવ્યક્તિમાંથી કયું તત્ત્વ અવિરત ફોરતું લાગે?

’ઓપિનિયન’ અને ‘નિરીક્ષક’માં પ્રકાશિત એમના લેખો(૧૯૯૫-૨૦૧૦)માંથી વારંવાર પસાર થતાં આ વાચકને જે પકડાયું-અનુભવાયું તે આમ હતું : દાઉદભાઈની અભિવ્યક્તિનો આડછેદ લઈને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેના બાહ્યાવરણ (epidermis), મધ્યાવરણ (mesoderm) અને અંતઃઆવરણ(endodermis)માં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્ય દેખાય તથા તેનો ગર (pith) હર્યોભર્યો હોય નાગરિકતાથી. જાણ્યે-અજાણ્યે, અભ્યાસે-અનુભવે, વિચાર્યે-સ્ફુર્યે દાઉદભાઈના લેખોમાંથી પ્રકટતો મધ્યવર્તી સૂર જ જાણે નાગરિકતા બની રહે છે. આમ પણ, શિક્ષણનો છેવટનો ઉદ્દેશ સારા નાગરિક બનાવવાનો જ ને! દાઉદભાઈ જેવા આજીવન વિદ્યાર્થી અને શિક્ષક એવા એ જીવ-ને નાગરિકતાથી ઓછું કશું ખપે?

ગુજરાતી ભાષામાં ’નાગરિક’ શબ્દ જેના પરથી ઊતરી આવ્યો એ ’નગર’ અંગેની જ એમની અભિવ્યક્તિ જુઓ ને : “નગર એ ફક્ત ભૂગોળ નથી હોતું. એ જીવતો, જાગતો, રચાતો ઇતિહાસ પણ હોય છે. નગર એ ધરતીનો માત્ર એક ભૂસ્તરશાસ્ત્રીય નિર્જીવ ટુકડો જ નથી હોતું, એ હોય છે એક સદા ધબકતી જીવશાસ્ત્રીય ચેતના! નગરને હોય છે એનું આગવું નૃવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર. એને હોય છે એની આગવી સંસ્કૃતિ, એનું ચારિત્ર્ય અને એનું વ્યક્તિત્વ!” વર્ષ ૨૦૦૫માં લંડન પર માનવબોમ્બ થકી હુમલો થયો ત્યારે આ લેખકનું હૈયું કકળી ઉઠ્યું. બાળપણથી પોતાને જે લંડનપ્રીતિ થઈ હતી; એમના શબ્દોમાં કહીએ તો લંડન જે રીતે “ભાવવિશ્વમાં પ્રવેશ્યું” ને “દિલનો નાતો બંધાયો” એને વાગોળતાં, એ નગર લંડનને દીર્ઘ પત્ર લખે છે. ’ખમ્મા, લંડન! તને, તારી વિલાયતને’ શીર્ષક તળેના આ પત્રમાં લેખકની કલમેથી લંડનનાં ખમીર અને ખુમારી જેટલાં વ્યક્તપણે પ્રગટે છે, અવ્યક્તપણે લેખકના દિલની અમીરાઈ પણ પ્રગટે છે. લંડનની આન-બાન-શાન પર થયેલા કહેવાતા આ હુમલાની વાત કરતાં બેશક જ, “બ્રિટિશ સામ્રાજ્યના માંધાતાઓએ” એમના ને આપણા સૌના દેશ પ્રત્યે દાયકાઓ સુધી કરેલા “અડવા વ્યવહાર”નો એમને ખ્યાલ છે જ, પણ અત્યારની વસમી પળોમાં એ વીતકને બાજુ પર રાખીને, લંડનને ‘ખમ્મા’ કહેવામાં જ એમણે આપદ્‌ ધર્મ જોયો છે. આવા સમયે વ્યક્તિએ વ્યક્તિ સાથે, સમાજે સમાજ સાથે ને રાષ્ટ્રે રાષ્ટ્ર સાથે ઊભા રહેવું એમાં જ શિક્ષણની સાર્થકતા, ને એ જ ખરી નાગરિકતા ને!

આ પુસ્તકના લેખો ‘નાગરિક’, ‘નાગરિકતા’, ‘સભ્ય સમાજ’ કે ‘civil society’ શબ્દના ઉલ્લેખ સાથે કે ઉલ્લેખ વગર પણ નાગરિકતાના પાઠ બની રહે છે. ‘સર્જકનો ધર્મ’ નિબંધ આ અનુભૂતિને એક અલગ જ ઊંચાઈ બક્ષે છે. લેખક કહે છે, “સર્જક એક અતિ સંવેદનશીલ વ્યક્તિ છે. … સંવેદનશીલ અને દિલદાર સર્જક તો સમાજના આત્માનો, એની સ્વતંત્રતા અને પવિત્રતાનો રખેવાળ છે. એનું સર્જનકર્મ માનવીના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે, પુરસ્કાર કરે એ અનિવાર્ય છે. આર્થિક, સામાજિક, રાજકીય કે લશ્કરી દબાણો કે ત્રાસથી દુનિયામાં ક્યાં ય અને ક્યારે ય પણ સર્જક ઝૂક્યો નથી.” પછી આગળ ઉમેરે છે, “આમ સમાજને તેથી જ સર્જકમાં એની આશાઓ અને એના ભાવિનો આખરી વિસામો જોવા મળ્યો છે. સાચો સર્જક હંમેશાં ઉદ્‌ઘોષતો રહ્યો છે.” ક્યારેક નાગરિકો મૂક થઈ જાય છે, સમાજ લથડિયાં ખાતો થઈ જાય છે, ત્યારે તેમને જગાડવાની, અવાજ ઉઠાવવા માટે પ્રેરવાની જવાબદારી સર્જકની બની રહે છે એમ પણ લેખક સોય ઝાટકીને કહે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સર્જકોએ સેવેલું મૌન લેખકને અકળાવતું રહ્યું છે, એ અંગે લેખકની અકળામણ આ લેખમાં પડઘા પડી પડીને અથડાઈ છે.

‘સામાજિક નિષ્કાસન : વ્યાધિ, વેદના અને વૈદું’ લેખ આ મુદ્દાની પોતાની ગંભીરતા અને લેખકની તેને ચર્ચવાની વ્યાપકતામાં વધે કોણ એ વિચારતા કરી મૂકે એવી છે. સામાજિક ડાર્વિનવાદ, સમાજવાદ, મૂડીવાદ, સામ્યવાદ, માનવાધિકાર, વિશ્વ બૅંકનો અહેવાલ … અનેક સંદર્ભો આપીને, કહો કે ફુલ ‘બૉડી ચેકઅપ’ કરીને, બ્રિટનથી શરૂ કરેલી ચર્ચા વાયા યુરોપીય સંઘના દેશો ભારત સુધી પહોંચે છે ત્યારે ભારતમાં વ્યાપ્ત સામાજિક નિષ્કાસન(Social Exclusion)નો રિપોર્ટ પણ આપે છે. તે આ શબ્દોમાં : “ભારત જેવા પુરાણા સમાજ માટે આઝાદીનાં પચાસ વર્ષ[૧૯૪૭-૧૯૯૮]ની મજલ તો સાગરમાં બિંદુ સમાન છે. હજારો વર્ષોના વારસાએ એ સમાજને અટપટો બનાવેલ છે. જેટલા જટિલ પ્રશ્નો છે, એટલા મુશ્કેલ એના ઉપાયો છે. કમનસીબે આઝાદીનાં પચાસ વર્ષો દરમિયાન ગાંધીની ભાવના, એની સચ્ચાઈ, એની છેવાડાના માણસ માટેની કરુણા વિસરાઈ ગઈ. પરિણામે, એણે જેનું સ્વપ્ન સેવેલું એવો આવકારતો સમાજ – ઇન્ક્લુઝિવ સોસાયટી – નિર્માણ થવાને બદલે, જાકારો દેતો સમાજ – એક્સક્લુઝિવ સોસાયટી – નિર્માઈ ગયો. એમાંથી નીકળવું અતિકઠિન યોગ માંગી લેશે.”

નાગરિકતા કે સભ્ય સમાજ માટે ચેતન-અર્ધચેતન મનમાં રહેલી લેખકની વાંછના જ કહીશું કે જે યુ.એસ.એ.ની જાણીતી સંશોધન સંસ્થા ‘વર્લ્ડ વૉચ ઇન્સ્ટિટ્યૂટ’ના વિશ્વભરની ભાષાઓ પરત્વેના સંશોધિત અહેવાલમાં પણ પ્રગટે છે. આ અહેવાલમાં હાલ બોલાતી ૯૦ ટકા ભાષાઓ નામશેષ થઈ જવાની સંભાવના વ્યક્ત કરી છે. આ અંગે લેખકની દૃષ્ટિ પહોંચે છે ગુજરાતી સમૂહ માધ્યમોમાં ભાગ્યે જ, અને ભારતીય મીડિયામાં ય કવચિત્‌ ચર્ચાતા એવા દેશ મેસેડોનિયા સુધી. તે આ રીતે, “મેસેડોનિયામાં હાલ [૨૦૦૧] ચાલી રહેલા ગૃહયુદ્ધનું એક કારણ ત્યાંની ૩૦ ટકા જેટલી આલ્બેનિયન વસ્તીની ભાષાનાં રક્ષણ અને પ્રોત્સાહન માટેની ઉત્કટ લાગણી છે. આ લાગણી યુદ્ધ થકી ખેલાય એ ઇતિહાસની એક વાસ્તવિકતા રહેલી છે. … પરંતુ નાગરિક સમાજ – civil society – યુદ્ધ સિવાયના માર્ગો વિશે વિચારે એ સભ્યતા અને સંસ્કૃતિના જતન માટે આવશ્યક છે.”

ભાષાની વાત નીકળી જ છે, તો ગુજરાતી ભાષાની ય કેમ નહીં અને સાથે ‘દાઉદભાઈની ગુજરાતી ભાષા’ની પણ કેમ નહીં? વિપુલભાઈએ પ્રસ્તાવનામાં એમની ભાષાની તારીફ કરતા, “ગુજરાતીના વિધવિધ કોશ સમૃદ્ધ” બન્યાની વાત કરી છે, એની પાછળ આ વાચકે ‘I agree’ સિવાય કશું કહેવાપણું ન હોય; કેમ કે એ અંગે વિવરણ કરવા જવામાં તો કદ નાનું પડતું જ લાગે! તો, દાઉદભાઈના ‘માતૃભાષાનું શિક્ષણ અને શિક્ષણ થકી માતૃભાષા’ તથા ‘ગુજરાતી ભાષાની આજ અને આવતી કાલ’ એ બંને લેખો, શીર્ષકમાં સૂચવાયું છે તેમ એ મુદ્દે અથથી ઇતિ સુધીની યાત્રા, એનાં અવરોધકો અને ઉન્મૂલનો સાથે કરાવી જાય છે. ‘ગુજરાતી ભાષાની આજ અને આવતી કાલ’ લેખમાં ટાંકવામાં આવેલી બાલમુકુન્દ દવેની કવિતાની પંક્તિઓ “આપણે તે દેશ કેવા / આપણે વિદેશ કેવા / આપણે પ્રવાસી પારાવારના હો જી. …” પુસ્તકના શીર્ષક માટે પ્રેરણા બની રહી, એ આ લેખનું ઓર એક જમા પાસું.

ડાયસ્પોરા ગુજરાતીઓની ભાષાસાધના અને ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યને લેખકે દિલથી વધાવી લીધાં છે, જેને માટે એ સાહિત્ય અને એના સર્જકો હકદાર છે એમનો પક્ષ મૂકતા લેખક અટક્યા નથી : “ગુજરાતી ડાયસ્પોરા પુખ્ત બની ચૂક્યો છે (It has come of age). અન્ય ક્ષેત્રોની જેમ ગુજરાતી સાહિત્ય નિર્માણના ક્ષેત્રે પણ, એણે એની પુખ્તતા સાબિત કરેલી છે. એના વૈવિધ્યપૂર્ણ અને વધુ ગહન ખેડાણમાં એ એની રીતે આગળ વધે એ યુગનો તકાજો છે. તળ ગુજરાતના ગુજરાતી સાહિત્યજગતે ડાયસ્પોરાની આ સિદ્ધિને બિરદાવવી રહી. એટલું જ નહીં, પણ એને એનાં આયોજનોમાં અપનાવવી રહી. એ આયોજનો ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નાં હોય કે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નાં હોય, ગુજરાતની યુનિવર્સિટીઓનાં હોય કે ગુજરાતના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સિક્ષણ ક્ષેત્રનાં હોય, એ બધાં સમાનતા અને સન્માનના ધોરણે ગુજરાતી ડાયસ્પોરાના વિકસી રહેલાં સાહિત્યને – સ્વપ્નાંને સ્વીકારે અને એના અંગે સહયાત્રા ખેડે એ આજના યુગની માંગ છે.”

‘બ્રિટનની સંસદીય લોકશાહી : પરિવર્તન ચક્ર ૨૦૧૦’ અને ‘એકવીસમી સદીના બ્રિટનની પહેલી વસ્તીગણતરીનો ફલિતાર્થ’ જેવા લેખો અંગ્રેજીમાં લખાયા હોય તો ત્યાંની મૂળ બ્રિટિશ શ્વેત પ્રજાને પણ વાંચવા ગમે ને વિચારવા પ્રેરે એવા તર્કની એરણે ટિપાઈને ઊતર્યા છે. ‘ઓપિનિયન’માં વર્ષ ૧૯૯૫થી ૨૦૧૦માં મુદ્રિત અને ડિજિટલ, એમ બંને મળીને પ્રકાશિત થયેલા આવા કુલ ૨૪ લેખોમાંથી ૨૨ લેખો આ પુસ્તક માટે પસંદ કરવામાં આવ્યા છે.

પ્રકૃતિથી જ કે પછી કેળવાઈને, કોઈ પણ વિષયના ઊંડાણમાં જઈને અને એનાં શક્ય એટલાં તમામ પાસાં વિચારીને અભિવ્યક્તિ-આલેખન કરનાર દાઉદભાઈ ઘાંચીના મોટા ભાગના લેખો જાણે એક રિસર્ચ પેપર હોય એવી વાંચનાનુભૂતિ કરાવે છે. આ લેખો જ્યારે કોઈ પણ સામયિક(આ કિસ્સામાં ‘ઓપિનિયન’)માં પ્રકાશિત થાય ત્યારે જે તે સાંપ્રત ઘટનાના તરંગો વાચકોના મનમાં તાજા હોઈ સંબંધિત લેખોમાં તેમનો સીધો પ્રવેશ સહજ બની રહે, પણ એ લેખો જ્યારે દસથી લઈને પચીસ વર્ષે પુસ્તકના કલેવરમાં અને પુનઃપ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે પણ વાચકોનો વિષયપ્રવેશ સરળ અને સહજ કરી આપવો એ સંપાદકની ફરજ બની રહે છે. આ માટે લેખના પ્રારંભે પૃષ્ઠભૂ આપતી ટૂંકી સંપાદકીય નોંધ મૂકવામાં આવી છે.

આ બધા લેખોને કાળાનુક્રમ પ્રમાણે ન ગોઠવતા અભિવ્યક્તિ-આલેખનના પ્રકાર પ્રમાણે વર્ગીકૃત કરીને મુકવામાં આવ્યા છે. આ પ્રકારો પત્ર(૪), નિબંધ(૩), વિચાર-વિમર્શ(૭), ચિંતન-મનન-સંશોધન(૫), વ્યક્તિચિત્ર-સ્નેહસ્મરણ(૨) અને રસાસ્વાદ-વિવરણ-વિવેચન(૧) છે. આમ કરવા પાછળનું મહત્ત્વનું કારણ દરેક વિષયની માગ પ્રમાણે તેને ચર્ચવાની લેખકની અલગ અલગ રીતનો પરિચય કરાવવાની પણ છે. જેમ કે કવિવર રવીન્દ્રનાથ ટાગોરના નોબેલ પારિતોષિક સમેત કેટલીક અમૂલ્ય ચીજવસ્તુઓની ચોરી થઈ ત્યારે લેખકની રૂએ તે બીનાની ચિંતા જતાવીને કે ગંભીર આલેખન કરીને આમ પણ કોઈ રીતે મૂળ તપાસપ્રક્રિયાને મદદરૂપ થઈ શકવાનો અવકાશ નથી જ. તો બહેતર છે કે એવી નુક્તેચીની કરવાને બદલે, ‘કવિ લૂંટાયા, ખમ્મા કવિને!!’ કરતાંક નર્મમર્મ કરી લઈએ. એક શિક્ષક કે લેખકના કર્તવ્યે તો ટાગોર જેવા સર્જકોને જાણે-પિછાણે એવી યુવાપેઢી તૈયાર કરવાની છે, તેને કદાચ આ વાત સ્પર્શી જાય! એ જ રીતે બાળકો પરના અત્યાચાર, ભ્રૂણહત્યા જેવા મુદ્દા ગંભીર આલેખન માગી લે છે, તેની અભિવ્યક્તિ તરાહ એ પ્રકારની છે. આવું જ અન્ય વિભાગો માટે પણ કહી શકાય. 

દાઉદભાઈ જેવા વૈચારિક સ્પષ્ટતા, ભાષાકીય સજ્જતા અને આલેખનમાં પ્રયોગશીલતા ધરાવતા લેખકોનાં લખાણોને સ્વાભાવિક જ, વ્યાપકપણે જેને ‘કૉપી એડિટિંગ’ કહેવાય છે એવા પ્રત-સંપાદનનો ખપ ન જ હોય, પરંતુ જે તે લખાણનું પોતાનું પ્રકાશનનું જે માધ્યમ હોય છે તે બદલાય છે ત્યારે તેને અનુરૂપ એ લખાણનું સંમાર્જન કરવાનું રહે જ. તે આ પુસ્તકના લેખો પણ પામ્યા છે. ક્યાંક કેટલાક શબ્દો કે વાક્યો દૂર કરાયાં છે તો ક્યાંક કેટલાંક શબ્દો-વાક્યો ઉમેરાયા છે. ક્યાંક કોઈક ફકરાના ક્રમ આગળપાછળ કરાયા છે તો ક્યાંક કોઈક ફકરા જે તે લેખનો ભાગ ન બની રહેતાં એ જ લેખમાં પાદટીપનું સ્વરૂપ પામ્યા છે. ક્યાંક સંપાદક તરફથી પણ પાદટીપ ઉમેરવામાં આવી છે. મૂળ લેખની બાંધણીમાં મોણ ઓછુંવત્તું કરવાનું કારણ માત્ર એટલું જ કે સામયિકના લેખો પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે આ બંને માધ્યમ થકી લેખો વાંચવા દરમિયાનની વાચકની મોકળાશ અલગ અલગ હોય છે, એમાંથી મળનારા જ્ઞાન-માહિતી અને તેની અધિકૃતતા અંગે પણ વાચકોની અપેક્ષા અલગ અલગ હોય છે. બંને માધ્યમના લેખો માટે તેના સંપાદક-પ્રકાશકને મન તેનું ઇચ્છવા જોગ આયુષ્ય પણ અલગ અલગ હોય છે – આ પ્રકાશનશાસ્ત્રના વાસ્તવ ઉપરાંત, બંને માધ્યમમાં સંપાદકની રૂએ મળેલા અનુભવનું પણ સત્ય છે. એથી અહીં આ પુસ્તકના વાચકોના દૃષ્ટિકોણ અને એમની પુસ્તક માટેની અપેક્ષાને ધ્યાનમાં રાખી તેને સંતોષવાનો પ્રયત્ન કરાયો છે. માટે જ, દરેક લેખના પ્રારંભે શીર્ષકની ઉપર જમણી બાજુએ ‘મૂળ રૂપે – (અને પછી પ્રકાશિત થયા વર્ષ-માસ)ની નોંધ મૂકવામાં આવી છે.

પુસ્તકમાં કેટલાક લેખોનાં શીર્ષક બદલવામાં આવ્યાં છે. એનું કારણ હરગિજ એ નથી કે તે ઉપયુક્ત ન હતાં, પણ સામયિક અને પુસ્તકમાં એક સમાન લેખો માટે અપાનારાં શીર્ષક પણ અલગ અલગ હોઈ શકે છે, એ શીર્ષક બદલવા પાછળનો વિચાર છે. સામયિકમાં જે તે શીર્ષક પોતે એક લેખનું જ પ્રતિનિધિત્વ કરે છે જ્યારે પુસ્તકમાં સઘળા લેખોને એક મણકે પરોવીને શીર્ષક આપવાનો પુસ્તકના લેખક-સંપાદકનો ઉપક્રમ હોય છે. ઉપરાંત, સામયિકના સંપાદકને લેખના શીર્ષકને વધુ ચોટડૂક બનાવવા માટે એટલો સમય નથી મળી રહેતો જેટલો પુસ્તકના સંપાદકને મળી રહે છે, એ પણ આ બદલાવનું બીજું કારણ છે. આ અંગે એક વાર બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો જેવો અસાધારણ લેખસંગ્રહ અને વિનોબાની વાણી જેવું ઉત્તમ સંપાદન આપનાર, ઉચ્ચ શિક્ષણના સામયિક ‘દૃષ્ટિ’(અત્યારે ‘અભિદૃષ્ટિ’)ના સંપાદક રમેશ બી. શાહને તેમના ‘નિરીક્ષક’ માટેના લેખો શીર્ષક વગર જ આવતા જોઈને વાતવાતમાં પૂછ્યું હતું કે આપના લેખો શીર્ષક વગરનાં કેમ હોય છે? ધીરગંભીર ચહેરા પછીનું હળવું મર્માળું સ્મિત કરતાં તેમનો જવાબ હતો, “પહેલું કારણ તો જાણે કે સ્થળ પરની હાજરીને લઈને કેટલા શબ્દોમાં શીર્ષક આપવું એની સંપાદકને જેટલી સ્પષ્ટતા હોય છે એટલી લેખકને નથી હોતી. બીજું, લેખક પોતે પોતાના લેખને કેન્દ્રમાં રાખીને જ શીર્ષક આપતા હોય છે, જ્યારે સંપાદક અન્ય લેખોમાંથી પણ પસાર થતાં હોઈ એ બધાને નજરમાં રાખીને જે તે લેખનું શીર્ષક આપતા હોય છે. અને ત્રીજું, લેખકે લેખનું શીર્ષક ન જ આપવું જોઈએ, એ કામ સંપાદકે જ કરવું જોઈએ. એની પાસેથી એ અપેક્ષિત પણ છે.”

દાઉદભાઈ જેવા અધ્યયનશીલ અને સિદ્ધહસ્ત લેખકના લેખોમાં આ પ્રકારના ફેરફારને કોઈક વાચક મૂળ લખાણોમાં છેડછાડની દૃષ્ટિથી જોઈ શકે. સંપાદકને પોતાના અનુભવે આવા ફેરફારો અનિવાર્ય જણાવા છતાં એનાં સંપૂર્ણપણે અમલની ઉતાવળ તો નહોતી જ. પણ પુસ્તકના પરામર્શક, ઓપિનિયન-તંત્રી અને દાઉદભાઈના લેખોના પહેલા સંપાદક વિપુલ કલ્યાણીએ મૂકેલો વિશ્વાસ અને એ દરમિયાન જ ‘સંપાદન’ અંગે ગુજરાતી વિશ્વકોશના અણધાર્યા હાથ લાગી ગયેલા અધિકરણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. એમાંની વિગત ટાંકું એ પહેલાં, ગુજરાતી સાહિત્યમાં જ્યોતીન્દ્ર દવેની તરાહના હાસ્યલેખક હોવાની હકીકતપ્રાપ્તિ ઉપરાંત, સંપાદનની પણ સૂક્ષ્મ દૃષ્ટિ ધરાવતા રતિલાલ બોરીસાગર સાથેની એક ગૂફ્તેગો અહીં અસ્થાને નહીં લેખાય.

મોટે ભાગે ૨૦૧૬નું એ વર્ષ હતું. સામયિકો અને પુસ્તકોનું સમાંતરે સંપાદન કરતાં કરતાં લાધેલા અનુભવની એરણ પર, સંપાદનની બારીકાઈ જ્યાંથી પણ જાણવા-સમજવા મળે એ મેળવતા રહેવું એવી દૃષ્ટિ કેળવાઈ રહી હતી. વિદ્વાન કે લોકપ્રિય લેખકોના લેખો પુસ્તક રૂપે સંપાદિત કરવાના થાય ત્યારે કેવું વલણ અપનાવવું એ અંગે જરા વધુ સ્પષ્ટ થવું હતું. એટલે બોરીસાગરસાહેબને સંપાદનના આ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો : “આપ આપની કોલમના લેખોને પુસ્તક રૂપે લઈ જાઓ છો, ત્યારે એ લેખોને કઈ રીતે જુઓ છો, એટલે કે એના પર કેવું ને કેટલું કામ કરો છો?” બોરીસાગર સાહેબનો જવાબ માત્ર બે શબ્દોમાં હતો. એ સાંભળીને આ પ્રશ્નકર્તાનો ઉદ્‌ગાર માત્ર એક અક્ષરમાં હતો. “હેં!” સરી પડ્યું હતું જે સાંભળીને એ જવાબ હતો “કાચી સામગ્રી”, અને પછી થોડી સેકન્ડ્‌સનું મૌન. … જે સાહિત્યકારના કટારલેખનમાં ક્યાં ય કચાશ શોધી ન જડે એ સાહિત્યકાર પોતાના લેખોને પુસ્તકસ્વરૂપમાં લઈ જતાં પહેલાં ’કાચી સામગ્રી’ ગણે, પછી પૂછવું જ શું?! ત્યાર પછીના સંવાદની લંબાઈમાં જવાને બદલે વિશ્વકોશ માટે એમણે લખેલા ‘સંપાદન (સાહિત્ય)’ અંગેના અધિકરણમાંથી—કેમ કે મુદ્રિત હોઈ એ સંપાદિત છે—અહીં ઉતારું છું. “જે તે ગ્રંથની સામગ્રી હસ્તપ્રતના સ્વરૂપમાં હોય તો એના એ જ સ્વરૂપે છાપી શકાતી નથી હોતી; સંપાદન દરમિયાન એમાં જરૂર પડ્યે સુધારાવધારા કે કાપકૂપ કરવાનાં પણ થાય છે.” ‘કાપકૂપ અને સંમાર્જન’ પેટા શીર્ષક હેઠળના એ લખાણમાં આગળ જે કહે છે, એ વિગત પેલા રૂબરૂ પૂછેલા પ્રશ્નનો સરસ રીતે ગોઠવાઈને આવેલો જવાબ છે : “સંપાદન કરનાર કરતાં ગ્રંથકર્તા ઉત્કૃષ્ટ કોટિનો સર્જક હોય તો પણ સંપાદનકર્મમાં જો કાપકૂપની અનિવાર્યતા સંપાદન કરનારને પ્રતીતિ થઈ હોય તો ભાવકોને પણ એની પ્રતીતિ થાય તે ઇચ્છનીય છે. ભાવકોને તો, સંપાદક દ્વારા કાપકૂપ દૃષ્ટિપૂર્વક અને વિવેકપૂર્વક કરવામાં આવી છે એવી પ્રતીતિ થવી જોઈએ.”

આટલી સંપાદન-પ્રતીતિ પછી ય અને કદાચ એટલે જ, કહેવું પડશે કે સંપાદકે-સંપાદકે એ અલગ હોઈ શકે છે. પુસ્તકે-પુસ્તકે અલગ હોઈ શકે છે. એક વખતે કોઈ એક સંપાદનમાં એક જ સંપાદકે લાગુ પાડેલા સિદ્ધાંતો પણ અન્ય સંપાદનમાં બેઠા લાગુ પાડી શકાતા નથી. સંપાદન માટે મળેલા સમયાવકાશ અને લક્ષિત વાચકવર્ગને ધ્યાનમાં લેવા ઉપરાંત, લેખક તરફથી મળેલી છૂટ અને વિશ્વાસ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે, અને કદાચ એ જ સૌથી વધુ ભાગ ભજવે છે. સંપાદનની આ પ્રક્રિયા જણાવવાનો એક હેતુ તો જાણે કે તે જણાવવી જોઈએ માટે. બીજો, લેખક દાઉદભાઈનાં લખાણો વાંચતાં તેની સાથે જે ‘સહૃદયતા’ બંધાઈ તેની સુગંધ વાચકો સુધી પણ પહોંચે એ છે, અને ત્રીજો, વ્યક્તિગત ઓછો, વ્યાપક વધુ તે ગુજરાતી સાહિત્યમાં, વિશેષ કરીને સાંપ્રત ઘટનાઓના સંદર્ભમાં લખાયેલા લેખો જ્યારે પુસ્તકાકારે પ્રકાશિત થાય છે ત્યારે તેને અનુરૂપ સંપાદન પદ્ધતિની યોગ્ય પરિપાટી રજૂ કરવાનો પણ છે.

સ્વાનુભવે મળેલા આ જ્ઞાનમાં વિષયનિષ્ણાતોની શાસ્ત્રોક્ત અભિવ્યક્તિએ ‘વ્યાપક અર્થનું સંપાદન’ કરવા અનિવાર્ય એવો ધક્કો માર્યો એની નોંધ લેતા આનંદ, ગૌરવ અને આભારની ત્રેવડી લાગણી અનુભવાય છે. જે શિક્ષણવિદ્ ‌ડૉ. દાઉદભાઈ એ. ઘાંચીને શ્રોતાગણમાં બેસીને જ સાંભળ્યા હતા ને ઘરબેઠા જ વાંચ્યા હતા, એમના લેખોનું સંપાદન કરવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું એ બદલ વિપુલભાઈ, દાઉદભાઈ અને એમના પુત્ર ફારૂકભાઈ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી પ્રગટ થયા વગર રહેતી નથી.

તો, વાચકો-વડીલો-શિક્ષકો-મિત્રો ને દાઉદભાઈ જેવા આજીવન વિદ્યાર્થી અને શિક્ષક એવા લેખકના સૌ ચાહકો, આપ સૌને જેવું સુબદ્ધ એવું સુંદર, આ પુસ્તક જરૂર પસંદ આવશે. આ દેશના જાગ્રત નાગરિક અને વિશ્વ-નાગરિક બનવાની આપણા સૌની આજીવન મથામણમાં ઉપયોગી નીવડશે એવા વિશ્વાસ સાથે …

સંપાદક

કેતન રુપેરા

Email : ketanrupera@gmail.com

અમે તો પંખી પારાવારનાં : લેખક – દાઉદભાઈ ઘાંચી, સંપાદક – કેતન રુપેરા, પરામર્શન : વિપુલ કલ્યાણી, પ્રકાશન : 3S Publication, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ – 380 009, પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી 2022, પાકું પૂઠું, સાઈઝ : 5.75” x 8.75”, પૃ. 256 , રૂ.400 • £ 5, $ 7.5

Loading

ચલ મન મુંબઈ નગરી—127

દીપક મહેતા|Opinion - Opinion|8 January 2022

મુંબઈમાં ક્રેસન્ટ નામની જગ્યા ક્યાં હતી?

બ્રિટનના રાજકુમારની મુલાકાતની યાદમાં બંધાયું મ્યુઝિયમ

મ્યુઝિયમના મકાનમાં પહેલાં કરવી પડી હોસ્પિટલ

ઓલ ઇન્ડિયા રેડિયોની વાત જરા બાજુએ મૂકીને આજે આપણે ક્રેસન્ટ ફરવા જવાનાં છીએ. તમે કહેશો કે મુંબઈમાં આવું નામ તો સાંભળ્યું નથી. કોઈ બીજા શહેરની વાત હશે. ના, સાહેબ. શનિવારની સવારે મુંબઈની બહાર આપણે પગ જ ક્યાં મૂકીએ છીએ! આજના મુંબઈમાં મકાનોનાં ઝુંડો વચ્ચે ક્યાંક ક્યાંક ખુલ્લી જગ્યા હોય છે. પણ સો-સવાસો વરસ પહેલાં મુંબઈમાં ખુલ્લી જગ્યાઓ વચ્ચે થોડાં થોડાં મકાનો હતાં. આવી એક ખુલ્લી જગ્યા તે ‘ક્રેસન્ટ.’ અંગ્રેજીના આ શબ્દનો અર્થ થાય છે અર્ધચંદ્ર. એટલે અર્ધ ગોળાકાર ખુલ્લી જગ્યાને પણ ક્રેસન્ટ કહેવાય. કોટ કહેતાં ફોર્ટ વિસ્તારમાં આવી હતી આ ક્રેસન્ટ નામની જગ્યા. ક્યાં?

એની વાત જરા પછી. ૧૯૦૫માં પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ આવવાના છે એવી જાહેરાત થઈ. તે પહેલાંથી મુંબઈમાં એક સારા મ્યુઝિયમની જરૂર જણાતી હતી. આ અંગે શું કરી શકાય એ અંગે વિચાર કરવા માટે મુંબઈ સરકારે એક કમિટી બનાવી. તેના સભ્યોમાં સર ફિરોઝશાહ મહેતા, ઈબ્રાહિમ રહીમતુલ્લા, વિઠ્ઠલદાસ દામોદર ઠાકરસી, અને કેટલાક અંગ્રેજ અધિકારીઓનો સમાવેશ થતો હતો. આ સમિતિએ મુંબઈમાં એક નવું મ્યુઝિયમ ઊભું કરવાની ભલામણ કરી. કદાચ આ ભલામણ કાગળ પર જ રહી હોત. પણ લગભગ એ જ વખતે પ્રિન્સ ઓફ વેલ્સની મુલાકાતની જાહેરાત થઈ. તેમના આગમન વખતે શું શું કરી શકાય તે અંગે વિચાર કરવા માટે ટાઉન હોલમાં એક પબ્લિક મિટિંગ મળી. તેમાં હાજર રહેલામાં સર ફિરોઝશાહ મહેતા, જસ્ટિસ ચંદાવરકર, જસ્ટિસ બદરુદ્દીન તૈયબજી, નરોત્તમદાસ ગોકુળદાસ, ડેવિડ સાસુન, સર જમશેદજી જીજીભાઈ, કિકાભાઈ પ્રેમચંદ, વગેરે હાજર રહ્યા હતા. પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ મેરી ઓફ વેલ્સની મુલાકાતની ઉજવણીના ભાગ રૂપે એક કાયમી સ્મારક ઊભું કરવું જોઈએ એવું સૌને લાગ્યું. અને આવા સ્મારક તરીકે મ્યુઝિયમ અને લાઈબ્રેરી કરતાં વધુ સારું બીજું શું હોઈ શકે? સૌને આ વાત પસંદ પડી ગઈ. અને એ કામ માટે એક સમિતિ પણ બની ગઈ. મ્યુઝિયમ બાંધવા માટે ફાળો ઉઘરાવવાનું શરૂ થયું. કરીમભાઈ ઈબ્રાહિમે ત્રણ લાખ રૂપિયા, જૂનાગઢના નવાબે બાર હજાર, સર કાવસજી જહાંગીરે પચાસ હજાર રૂપિયા આપ્યા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ૩ લાખ ૫૮ હજાર રૂપિયાની કિંમતની ગવર્નમેન્ટ સિક્યોરીટીઝ ભેટ આપી. અને મુંબઈ સરકારે ૩ લાખ રૂપિયા આપ્યા. પણ આ મ્યુઝિયમ માટેનું મકાન બાંધવું ક્યાં? સરકારે આ માટે ‘ક્રેસન્ટ’ની જગ્યા ફાળવવાનું નક્કી કર્યું. એટલે કે આજે જ્યાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ – સોરી, છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય – ઊભું છે એ જગ્યા તે જ ક્રેસન્ટ. એ જગ્યા પર બાંધવાના મકાનની ડિઝાઈન માટે સરકારે  જાહેર હરીફાઈ યોજી. તેમાં જી. વિટેટની ડિઝાઈન પાસ થઈ હતી. તેમાં બહુ કુશળતાપૂર્વક સ્થાપત્યની જુદી જુદી શૈલીઓનો સમન્વય થયો છે. આઠ માળના મકાન જેટલી ઊંચાઈ ધરાવતો તેનો મહાકાય ઘુમ્મટ બીજાપુરના ગોળ ગુંબજની પ્રતિકૃતિ જેવો છે. તો અમુક અંશો માઉન્ટ આબુ પરના વિમલસહિ દેરાસર પરથી લેવામાં આવ્યા છે. નાશિકના વાડાઓ(હવેલીઓ)ની અસર પણ અહીં જોવા મળે છે.  

પ્રિન્સ ઓફ વેલ્સ, ૧૯૦૩માં

૧૯૦૫ના ઓક્ટોબરની ૧૯મી તારીખે શાહી કાફલો લંડનથી રવાના થયો. ૨૦મી ઓક્ટોબરે સાંજે પાંચ વાગે જિનોઆથી એચ.એમ.એસ. રિનાઉન નામની સ્ટીમર દ્વારા પ્રવાસ શરૂ થયો. રસ્તામાં જુદી જુદી જગ્યાએ રોકાયા પછી ૨૯ ઓક્ટોબરને રવિવારે બપોરે બાર વાગ્યે શાહી સ્ટીમર સુએઝથી મુંબઈ આવવા નીકળી. ગુરુવાર, ૯મી નવેમ્બરે સ્ટીમર મુંબઈ આવી પહોંચી. બ્રિટિશ નેવીના કમાન્ડર ઇન ચીફ એડમિરલ પો, વાઈસરોય લોર્ડ કર્ઝન, ગવર્નર લોર્ડ લેમિંગટન વગેરેએ સ્ટીમર પર જઈ પ્રિન્સ અને પ્રિન્સેસનું સ્વાગત કર્યું હતું. બપોરે ચાર વાગ્યે શાહી મહેમાનો એપોલો બંદર પર ઊતર્યાં હતાં. બીજાં ઘણાં રોકાણો પછી શનિવાર, ૧૧મી નવેમ્બરે બપોરે સાડા ચાર વાગ્યે મહેમાનોએ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ માટેના મકાનનો પાયો નાખ્યો.

પ્રખ્યાત ફોટોગ્રાફર રાજા દીનદયાળે લીધેલો પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના શિલારોપણ વિધિનો ફોટો

પ્રિન્સ ઓફ વેલ્સ વખત જતાં બન્યા સમ્રાટ પાંચમા જ્યોર્જ. ૧૯૧૧માં દિલ્હી દરબાર માટે આવ્યા ત્યારે એ જ એપોલો બંદર પર ઉતરેલા. પણ એ વખતે હજી મ્યુઝિયમના મકાનનું બાંધકામ ચાલુ હતું. એ બાંધકામ શરૂ થયું છેક ૧૯૦૯માં સરકારે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ એક્ટ પસાર કર્યો તે પછી. બાંધકામ પૂરું થાય એ પહેલાં આલ્બર્ટ ડેવિડ સાસુને કાળા પથ્થરના ઘોડા પર બેઠેલા પ્રિન્સ ઓફ વેલ્સનું પૂતળું ભેટ આપ્યું જે મ્યુઝિયમની બંધાઈ રહેલી ઈમારત સામેના બગીચામાં મૂકવામાં આવ્યું હતું. તેને કારણે આ વિસ્તાર આજે પણ કાળા ઘોડા તરીકે ઓળખાય છે. ૧૯૬૫માં બ્રિટિશ સમયનાં બીજાં પૂતળાં સાથે કાળા ઘોડાને પણ ત્યાંથી દૂર કરીને વિક્ટોરિયા ગાર્ડન મોકલી દેવામાં આવ્યું. ૨૦૧૭માં કાળા ઘોડાનું નવું પૂતળું એ જ જગ્યાએ મૂકવામાં આવ્યું છે, પણ તેના પર કોઈ અસવાર નથી!  મ્યુઝિયમના મકાનનું બાંધકામ શરૂ તે સાથે જ તેમાં મૂકવા માટેની વસ્તુઓ ભેગી કરવાનું કામ પણ શરૂ થયું. એ વખતે એ બધી વસ્તુઓ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના ભંડકિયામાં રખાઈ હતી.

મ્યુઝિયમની બંધાઈ રહેલી ઈમારત

૧૯૧૪માં મકાનનું બાંધકામ તો નવ લાખ રૂપિયાના ખર્ચે પૂરું થયું. પણ એ મકાનમાં મ્યુઝિયમ શરૂ થયું નહિ. કેમ એમ? કારણ પહેલું વિશ્વાયુદ્ધ! એ લડાઈમાં ઘવાયેલા સૈનિકો માટેની લશ્કરી હોસ્પિટલ એ મકાનમાં શરૂ કરવી પડી. એટલું જ નહિ, તાજ મહાલ હોટેલને પણ લશ્કરી હોસ્પિટલ બનાવી દેવામાં આવી. જો કે એ વરસો દરમ્યાન પણ મ્યુઝિયમમાં મૂકવા માટેની વસ્તુઓ ભેગી કરવાનું કામ તો ચાલુ જ હતું. ૧૯૧૫માં શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજીના સંગ્રહનો મોટો ભાગ મ્યુઝિયમ માટે મેળવ્યો. આ સંગ્રહ મૂળ તો નાના ફડણવિસ પાસે હતો. છેવટે ૧૯૨૧ના એપ્રિલમાં સરકારે મ્યુઝિયમના ટ્રસ્ટીઓને મકાન પાછું આપ્યું. નાનું મોટું સમારકામ કરવામાં, એકઠી કરેલી વસ્તુઓ ગોઠવવામાં થોડો સમય ગયો. છેવટે ૧૯૨૨ના જાન્યુઆરીની ૧૦મી તારીખે સાંજે સવા પાંચ વાગ્યે બોમ્બેના ગવર્નર લોર્ડ લોયડનાં પત્ની લેડી લોયડના હાથે મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું. આ સોમવારે, ૧૦મી તારીખે, એ ઘટનાને એક સો વરસ પૂરાં થશે. ૧૯૯૮માં આ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય રાખવામાં આવ્યું. આ મ્યુઝિયમમાં લગભગ પચાસ હજાર વસ્તુઓ આકર્ષક રીતે ગોઠવવામાં આવી છે. તેને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી નાખવામાં આવી છે: આર્ટ, આર્કિયોલોજી, અને નેચરલ હિસ્ટ્રી. આપણા દેશના વહાણવટાનો ઇતિહાસ આલેખતી ‘મેરીટાઈમ હેરિટેજ ગેલેરી’ આપણા દેશમાંની આવી સૌથી પહેલી ગેલેરી છે. ૨૦૦૮માં બે નવી ગેલેરી ખુલ્લી મૂકાઈ. એક, ‘કાર્લ એન્ડ મેહેરબાઈ ખંડાલાવાલા કલેક્શન’, અને બીજી, ‘ધ કોઇન્સ ઓફ ઇન્ડિયા’.

મ્યુઝિયમની સામે આવેલ અસલ કાળા ઘોડા

શતાબ્દીના અવસરને ધ્યાનમાં રાખીને ૨૦૧૯થી આ મ્યુઝિયમની ઈમારતને સમીનમી કરીને જાળવવાનું કામ છેક ૨૦૧૯થી શરૂ થયું. યુનેસ્કો તરફથી એવોર્ડ મેળવનાર કન્ઝર્વેશન આર્ચિટેકટ વિકાસ દિલાવરીને આ કામ સોંપવામાં આવ્યું. નવ લાખમાં બંધાયેલી ઈમારતને સમીનમી કરવાનો ૨૫ કરોડનો ખર્ચ થયો. આ કામ હવે પૂરું થવાને આરે છે. અલબત્ત, હાલના સંજોગોમાં શતાબ્દીની ઉજવણી ધામધૂમથી કરવાનું શક્ય નહિ બને એ દેખીતું છે.    

ક્રેસન્ટની જગ્યાએ બંધાયેલું મ્યુઝિયમ એ મુંબઈનું સૌથી મોટું અને જાણીતું મ્યુઝિયમ ખરું, પણ એ સૌથી જૂનું મ્યુઝિયમ નહિ. એ માન તો મળ્યું છે વિક્ટોરિયા ગાર્ડનની અંદર આવેલા મ્યુઝિયમને. મુંબઈમાં મ્યુઝિયમ બાંધવાનો સૌથી પહેલો વિચાર છેક ૧૮૫૦માં આવ્યો હતો. ૧૮૫૧માં લંડનના ક્રિસ્ટલ પેલેસ ખાતે દુનિયા આખીના ઉદ્યોગ-વ્યવસાયો, કળાકારીગરી અંગેનું પ્રદર્શન ભરવા માટેની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. એ વખતે મુંબઈમાં પણ એક મ્યુઝિયમ હોવું જોઈએ એવો વિચાર આવ્યો. પછી ૧૮૫૫માં પેરિસમાં યુનિવર્સલ એક્ઝીબિશન ભરાયું ત્યારે તેમાં મોકલેલી વસ્તુઓની ‘કોપી’ મુંબઈમાં ‘ટાઉન બેરેકસ’ ખાતે રાખવામાં આવી, અને તેને નામ અપાયું ‘સેન્ટ્રલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, ઈકોનોમી, જિયોલોજી, ઇન્ડસ્ટ્રી, એન્ડ આર્ટ્સ.’ પણ બે જ વરસમાં, ૧૮૫૭માં તે બંધ થયું અને તેમાંની વસ્તુઓને ટાઉન હોલમાં રાખવામાં આવી. સાથોસાથ મ્યુઝિયમ માટે નવું મકાન બાંધવા માટે એક સમિતિ બનાવાઈ. ડો. ભાઉ દાજી લાડ અને જગન્નાથ શંકરશેઠ એ બે અગ્રણી ‘દેશી’ઓ તેના સભ્યો. ૧૮૬૨માં મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરેએ મકાનનો પાયો નાખ્યો, વિક્ટોરિયા ગાર્ડનની નજીક. આ મકાનનું બાંધકામ ૧૮૬૨માં શરૂ થયું અને ૧૮૭૧માં પૂરું થયું. ૧૮૭૨ના મે મહિનાની બીજી તારીખે વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું. વખત જતાં મુંબઈનાં ઘણાં જાહેર સ્થળોનાં નામ બદલાયાં, અંગ્રેજોનાં નામ કાઢીને આપણા દેશના અગ્રણીઓનાં નામ અપાયાં. એ રીતે ૧૯૭૫માં આ મ્યુઝિયમને નવું નામ આપવામાં આવ્યું : ડો. ભાઉ દાજી લાડ મુંબઈ સિટી મ્યુઝિયમ. ૨૦૦૩થી પાંચ વરસ મ્યુઝિયમ લોકો માટે બંધ રહ્યું કારણ તેનું સમારકામ મોટે પાયે કરવાનું અનિવાર્ય બન્યું હતું. ૨૦૧૬માં આ મ્યુઝિયમને ‘ઇન્ટરનેશનલ ક્વોલીટી ક્રાઉન એવોર્ડ ઇન ધ ગોલ્ડ કેટેગરી’ મળ્યો હતો.

ખેર, ઓલ ઇન્ડિયા રેડિયોની વાત અધૂરી મૂકીને શતાબ્દીને કારણે આજે મ્યુઝિયમ જવું પડ્યું. પણ એ જ તો એ જમાનાના રેડિયોની ઓળખ હતી – જ્યાં જરૂર હોય ત્યાં હાજરાહજૂર થઈ જાય. સમાચારો એકઠા કરે. અને પછી ઘરેઘરમાં સંભળાય : “This is All India Radio. Here is the news read by Melville de Mellow.” પણ હવે આવતે શનિવારે ફરી મળીશું ઓલ ઇન્ડિયા રેડિયોની કેટલીક યાદગાર વ્યક્તિઓને.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 08 જાન્યુઆરી 2022

Loading

...102030...1,7561,7571,7581,759...1,7701,7801,790...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved