Opinion Magazine
Number of visits: 9674452
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાવરકરનું વીરત્વ હકીકતમાં કેવું હતું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 November 2021

વિનાયક દામોદર સાવરકરે પોતાના આત્મચરિત્રમાં લખ્યું કે ૧૭ વરસની ઉંમરે તેમણે નાસિકમાં તરુણોને સંગઠિત કર્યા હતા અને સશસ્ત્રક્રાંતિની એવી મશાલ પ્રગટાવી હતી કે તે જોઇને સરકારી અમલદારો થરથરવા લાગ્યા હતા, પોતાને શહાણા સમજનારાઓ ક્રાંતિકારી તરુણોને હથિયાર હાથમાં નહીં લેવાની શાણી સલાહ આપતા હતા અને તિરસ્કારતા હતા અને સ્વજનો તેમ જ હિતચિંતકો ગળે વળીને રડતા હતા.

સવાલ એ છે કે સાવરકર દાવો કરે છે એમ ૧૯૦૦ની સાલ સુધીમાં તેમના પ્રયત્નોનાં કારણે નાસિકમાં ક્રાંતિની મશાલ પ્રગટી ચૂકી હતી, તો તેને દેશભરમાં ફેલાવવાની જગ્યાએ તેઓ નાસિક છોડીને તરત જ બીજા જ વરસે ૧૯૦૨ની સાલમાં પહેલાં પૂના અને પછી ૧૯૦૬ની સાલમાં લંડન ભણવા માટે કેમ જતા રહ્યા? આવો સાદો અને સ્વાભાવિક સવાલ તેમના હિન્દુત્વવાદી ચરિત્રલેખકોએ કર્યો નથી. એટલે જવાબ આપવાનો તો સવાલ જ નથી. સવાલ તો એ પણ છે કે તેમના જીવન ન્યોચ્છાવર કરવા ઉત્સુક શિષ્ય સમાન તરુણોને તેઓ કોના ભરોસે છોડીને ગયા હતા? કોઈ સાચો ક્રાંતિકારી નેતા સાથીઓને છોડીને આમ ઉચ્ચ શિક્ષણ માટે જાય ખરો?

સાવરકરે પોતે જ તેમના આત્મચરિત્ર(સમગ્ર સાવરકર ભાગ એક, પૃષ્ઠ ૧૭૭)માં લખ્યું છે : ‘બે-પાંચ અંગ્રેજોને મારવાથી તેઓ ડરીને ભાગી જશે એવી ભોળી સમજ તેઓ ધરાવતા નહોતા. પરંતુ ૩૦ કરોડ લોકોના આ દેશમાં જો બે લાખ તરુણો ગુપ્ત સંગઠનો રચે, અચાનક છાપામારી કરે, કાવતરાં રચે, હાર્યા વિના કે નિરાશ થયા વિના અવિરત લડત આપે તો રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય મળે જ મળે. કોઈ તેને મળતું રોકી ન શકે.’ આમ તેઓ જાણતા તો હતા જ કે સશસ્ત્રક્રાંતિ દ્વારા આઝાદી મેળવવા માટે શું કરવું જોઈએ, પરંતુ તેમણે પોતે એ માર્ગ અપનાવવાની જગ્યાએ પહેલાં પુનાનો અને એ પછી લંડનનો માર્ગ અપનાવ્યો હતો.

શા માટે? એક તો એ કે તેઓ દાવો કરે છે એવી કોઈ ક્રાંતિની ચિનગારી નાસિકમાં પેદા નહોતી થઈ. કોઈ સમકાલીન અહેવાલો તેને પુષ્ટિ આપતા નથી. એ માત્ર શૌર્યપરક આત્મગૌરવ છે અને સાવરકરનાં લખાણોમાં તમને એ અવારનવાર જડી આવશે. એ તેમનો સ્થાયીભાવ છે. બીજું મહત્ત્વનું કારણ એ કે તેઓ પોતે કોઈ જોખમ ઉઠાવવા માગતા નહોતા. તેઓ માત્ર લખાણો લખીને અને ભાષણો આપીને યુવકોને ઉત્તેજિત કરતા હતા. તેમણે આખી જિંદગીમાં પિસ્તોલ તો બાજુએ રહી, લાઠી પણ હાથમાં લીધી નહોતી. ત્રીજું એટલું જ મહત્ત્વનું કારણ એ કે શ્યામજી કૃષ્ણવર્માની અને બીજાઓની માફક તેમની પણ એવી સમજ હતી કે જ્યાં સુધી પોતે કાયદો હાથમાં ન લે ત્યાં સુધી બ્રિટનની ભૂમિ ભારત કરતાં વધુ સલામત છે. બ્રિટનમાં સુરક્ષિત વાણીસ્વાતંત્ર્ય છે, એટલે ગમે તે લખી-બોલી શકાય એમ છે. ભારતમાં રાજ્યદ્રોહના કાયદાઓ નડે છે. લંડન જવા પાછળ આ કારણો હતાં. સાવરકરને ઉશ્કેરણીજનક લખવા-બોલવાની અબાધિત આઝાદી જોઈતી હતી, એમાં જ તેમની ફાવટ હતી, તેઓ પોતે શસ્ત્ર હાથમાં લેવા માગતા નહોતા, જ્યાં હિંસક ઘટનાઓ બનતી હતી તેની નજીક પણ તેઓ રહેતા નહોતા એટલે તેમણે વિચાર્યું કે બ્રિટન સૌથી સલામત ભૂમિ છે. લોકમાન્ય તિલક અને શ્યામજી કૃષ્ણવર્માનો હવાલો આપીને તેમણે એ લખ્યું પણ છે.

પણ તેમના દુર્ભાગ્યે આ ગણતરી ખોટી નીવડી. તેમણે લખવા-બોલવામાં અને યુવકોને ઉશ્કેરવામાં થોડી વધારે પડતી છૂટ લીધી જેમાં તેઓ ફસાઈ ગયા.

૧૯૦૬ના જૂન મહિનામાં સાવરકર લંડન ગયા. ત્યાં તેઓ શ્યામજી કૃષ્ણવર્મા દ્વારા સ્થાપિત ઇન્ડિયા હાઉસમાં રહેતા હતા. ત્યાં બીજા પણ કેટલાક ભારતીય યુવકો રહેતા હતા. મદનલાલ ઢીંગરા પણ એ જ વરસમાં મિકેનિકલ એન્જિનિયરીંગ ભણવા માટે આવ્યો હતો. બીજા યુવકોની માફક ઢીંગરા પણ દેશદાઝ ધરાવતો હતો. ઢીંગરાની ભાવનાશીલતા જોઇને સાવરકરે તેને પોતાની પાંખમાં લીધો હતો. ઢીંગરા એટલો બધો સાવરકરથી પ્રભાવિત થયો હતો કે તે સાવરકરના આદેશ મુજબ ગમે તે કરવા તૈયાર હતો અને પહેલી જુલાઈ ૧૯૦૯ના રોજ તેણે કર્ઝન વાઈલી નામના ભારતમાં લશ્કરમાં નોકરી કરી ચુકેલા નિવૃત્ત બ્રિટિશ અધિકારીનું ખૂન કર્યું હતું.

મદનલાલ ઢીંગરાએ કરેલું વાઈલીનું ખૂન સાવરકર દ્વારા કરવામાં આવેલી ઉશ્કેરણીનું પરિણામ હતું એની બ્રિટિશ સરકારને ખાતરી હતી. બ્રિટિશ સરકાર શું, યુરોપમાં, લંડનમાં અને ઇન્ડિયા હાઉસમાં રહેતા ભારતીયોને પણ તેની જાણ હતી. એટલે તો બ્રિટનમાં વસતા ભારતીયોએ સભા કરીને વાઈલીખૂનની નિંદા કરી હતી. વાઈલીનું ખૂન કરવામાં આવ્યું એ પછીના બીજા અઠવાડિયે ગાંધીજી ૧૦મી જુલાઈએ દક્ષિણ આફ્રિકાના કામે લંડન ગયા હતા. તેમણે ૧૬મી જુલાઈ ૧૯૦૯ના રોજ ‘ઇન્ડિયન ઓપીનિયન’ માટે એક લેખ લખ્યો હતો જેમાં ગાંધીજી લખે છે : ‘ … તેણે (ઢીંગરાએ) નકામાં લખાણો ઉપરટપકે વાંચીને આ કામ કર્યું છે. ને બચાવ પણ ગોખી રાખેલો જણાય છે. સજા તો તેને શીખવનારને થવી જોઈએ. તેને તો હું નિર્દોષ ગણું છું. ખૂન તે નશામાં થયેલું કામ છે. નશો કાંઈ માત્ર દારુભાંગનો જ નથી હોતો, અમુક ગાંડા વિચારનો પણ નશો હોઈ શકે છે. …' (ગાંધીજીનો અક્ષરદેહ ભાગ-૯, પૃષ્ઠ ૩૬૧)

‘સજા તો તેને શીખવનારને થવી જોઈએ.’ ગાંધીજીનો આ ઈશારો સાવરકર તરફ હતો અને સાવરકરે એનો ખાર આજીવન રાખ્યો હતો, તે ત્યાં સુધી કે ગાંધીજીની હત્યામાં સાવરકરનો હાથ હતો. અદાલતે સાવરકરને નિર્દોષ ઠરાવ્યા એ જજની ભૂલ હતી એમ સાવરકરના અવસાન પછી રચવામાં આવેલા કપૂર કમિશને પુરાવા સહિત નોંધ્યું છે. આ સ્થિતિમાં રાજનાથ સિંહ કહે છે એમ ગાંધીજીની સલાહને અનુસરીને સાવરકરે બ્રિટિશ સરકારની ઉપરાઉપર માફીઓ માગી હતી એ વાત ગળે ઉતરે એવી નથી. પણ એ વાત અહીં બાજુએ રાખીએ.

શું સાવરકરે મદનલાલ ઢીંગરાને ઉશ્કેર્યો હતો? સાવરકર પોતે શું કહે છે?

સાવરકર એ સમયે તેમના ‘અભિનવ ભારત’ નામના સામયિક માટે ‘લંડનચી બાતમીપત્રે’ એવા શીર્ષક સાથે પત્રો લખતા હતા. એ પત્રો પણ સાવરકર સમગ્ર વાંગ્મયમાં સંગ્રહિત છે. એ પત્રોમાં ઢીંગરા વિષે લખાણ છે, પણ એમાં કોઈ જગ્યાએ સાવરકરે લખ્યું નથી કે ઢીંગરા તેમના પ્રભાવમાં હતો અને તેમણે તેને ખૂન કરવાની સલાહ આપી હતી. આ તો જાણે સ્વાભાવિક છે અને સાવરકર માટે વધુ સ્વાભાવિક છે.

સાવરકરે ઢીંગરાના બચાવનામામાં કરેલા નિવેદનનો એકથી વધુ વાર ઉલ્લેખ કર્યો છે. એ બચાવનામું સાવરકરે લખી આપ્યું હતું જેનો ઉલ્લેખ ઉપર ગાંધીજીએ, ‘ને બચાવ પણ ગોખી રાખેલો જણાય છે.’ એ વાક્યમાં કર્યો છે. ‘લંડનચી બાતમીપત્રે’માં સાવરકરે ત્યારે લખ્યું નહોતું કે ઢીંગરાનું બચાવનામું તેમણે લખીને આપ્યું હતું. પરંતુ બન્યું એવું કે જે દિવસે ઢીંગરાએ પોતાનું બચાવનામું અદાલતમાં પેશ કર્યું એ દિવસે જજે આદેશ આપ્યો હતો કે કોઈ ભારતીયને અદાલતમાં પ્રવેશ આપવામાં ન આવે. સાવરકરે પોતે જ આ લખ્યું છે. બીજું એ બચાવનામાને ખુલ્લી અદાલતમાં જજે રેકર્ડ પર લીધું નહોતું એ પણ સાવરકરે નોંધ્યું છે. તો પછી એ બચાવનામાની સંપૂર્ણ વિગત અક્ષરસઃ એ જ દિવસે અખબારો સુધી પહોંચી કેવી રીતે? કોણે પહોંચાડી હતી? સાવરકરે એ વિગત અખબારો સુધી પહોંચાડી હતી એમ પત્રકારોએ કહ્યું હતું. એ પછી ઢીંગરાનું કૃત્ય એ સાવરકરની ચડામણીનું પરિણામ છે એની બ્રિટિશ સરકારની માન્યતા વધારે દ્રઢ થઈ હતી. ભારતમાં પણ (મુંબઈ પ્રાંતના થાણે, પૂના અને નાસિક જિલ્લાઓમાં) હિંસાની દરેક નાનીમોટી ઘટનાઓના સગડ સાવરકર સુધી જતા હતા એ તો હું ‘વિસાવ્યા શતકાચા મહારાષ્ટ્ર’ નામના પુસ્તકનો હવાલો આપીને કહી ચુક્યો છું. સરકારને એક રીતે પુરાવો મળી ગયો હતો, પરંતુ હજુ એ પૂરતો નહોતો.

હવે આનો પાકો પુરાવો કોણ આપે છે? એક સપ્તાહ માટે શ્વાસ રોકી રાખો. સાવરકરીય નીતિશાસ્ત્ર અનોખું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 નવેમ્બર 2021

Loading

જે દિવસે મા પોતાના બાળકને અંગ્રેજી ભાષામાં પ્રેમ કરવા લાગશે, તે દિવસે માતૃભાષાનું નિધન થશે

અનિલ જોશી|Opinion - Opinion|18 November 2021

‘મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી’ના વાઇસ ચેરમેન તરીકે મેં સેવાઓ આપી છે. અહીં અકાદમીના ઉદ્દેશ ગુજરાતની અકાદમીથી સાવ અલગ છે. મૂળ ઉદ્દેશ પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોની માતૃભાષા સમૃદ્ધ કરવી.

ગુજરાતમાં અઢી લાખ વિદ્યાર્થીને લખતાં -વાંચતાં આવડે નહીં, એ માતૃભાષાની મોટી હોનારત છે. ગુજરાતની સાહિત્ય અકાદમી હોય કે પછી સાહિત્ય પરિષદ હોય એમના સિલેબસમાં ભાષા વિકાસ નથી, પણ સાહિત્ય વિકાસ છે. સાહિત્યકારનો વિકાસ છે. એવોર્ડ વિકાસ છે. અધ્યક્ષ અને પ્રમુખનો વિકાસ છે, પ્રકાશકોનો વિકાસ છે. સરકારી નિશાળોના શિક્ષકોનું કોઈ સાંભળતું નથી. સરકારી ફતવો અપાય છે કે આઠ ધોરણ સુધી વિદ્યાર્થીને નાપાસ કરવાની મનાઈ છે. આવો ફતવો બહાર પાડનાર સરકારને નાપાસ કરી દેવી જોઈએ; અકાદમી અને સાહિત્ય પરિષદને નાપાસ કરી દેવી જોઈએ.

મારી માતૃભાષા ગુજરાતી છે. મુંબઈ મહાપાલિકાના ભાષા પ્રશિક્ષણ ઓફિસર તરીકે મેં સેવાઓ આપી છે. મારા એ અનુભવને આધારે માતૃભાષા વિષે મારાં થોડાંક નિરીક્ષણ આપ સહુ મિત્રો સાથે શેર કરું છું. પહેલી વાત તો એ કે તમારે પ્રાથમિક શાળામાં ભાષા શીખવવી છે કે સાહિત્ય ભણાવવું છે ? એકથી છ ધોરણ સુધી બાળકોને માત્ર ભાષા જ શીખવવી જોઈએ. બાળક સાતમાં ધોરણમાં આવે પછી જ એનો સાહિત્ય પ્રવેશ થાય છે. પહેલી વાત તો એ કે આપણી સરકારી નિશાળોમાં ભાષા શિક્ષણ વિષે કોઈ વિચાર કરતું નથી. સહુ સરકારી સિલેબસનાં ગુલામ છે. ભાષા માટે કોઈ વૈજ્ઞાનિક અભિગમ નથી. ભાષા એક વિજ્ઞાન છે એ વાત કોઈ સ્વીકારતું નથી. શિક્ષકને મન પાઠ્યપુસ્તક એ જ પવિત્ર પુસ્તક છે. આ ભ્રમણા છે.

આપણા વિખ્યાત ભાષા વિજ્ઞાની મરહૂમ પ્રબોધ પંડિતે પોતાના એક પુસ્તકમાં લખ્યું છે કે એક નિશાળમાં શિક્ષકે લોકબોલી બોલતાં બાળકો પાસે વર્ષાઋતુ ઉપર લખવા કહ્યું. એમાં એક બાળકે "ઘરો પડી જ્યો" જેવું વાક્ય લખ્યું. શિક્ષકે લાલ કુંડાળું કરીને એ બાળકને કહ્યું કે "ઘરો પડી જ્યો" નહિ પણ એમ લખ "ઘરો પડી ગયા" પેલા બાળકે સીધો સવાલ કર્યો કે "સાહેબ મારા ગામમાં બધા જ અને મારા ઘરમાં બધા જ ‘ઘરો પડી જ્યો’ બોલે છે એમાં ખોટું શું છે ?" શિક્ષકે જવાબ આપ્યો : વ્યાકરણની દૃષ્ટિએ એ ખોટું છે”. આ સાંભળીને એ બાળક કહે છે : “સાહેબ, અમે જે બોલીએ છીએ એને તમે વ્યાકરણમાં નાખો ને જેથી વ્યાકરણ થોડું પવિત્ર થાય”.

અહીં સમજવાનો મુદ્દો એ છે કે પ્રાથમિક શાળામાં જે બાળક આવે છે તે લોકબોલી લઈને આવે છે. એ બાળકોને લોક્બોલીમાથી પ્રમાણભાષા સુધી લઇ જવા જોઈએ પણ આ દૃષ્ટિ શિક્ષકોમાં હોતી નથી. આનું સીધું પરિણામ એ આવે છે બાળકોને ગુજરાતી વાંચતા જ આવડતું નથી. ગુજરાતમાં જ કેટલા બધા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નાપાસ થાય છે. તમારે જો ભણતાં બાળકને ભાષા શીખવવી હોય તો સહુથી પહેલાં બાળકનું ગુજરાતી શબ્દભંડોળ વિકસાવો. બાળક જે ભાષા બોલે છે એનું સન્માન કરો.

હવે ગુજરાતી વિષયનું પરીક્ષા વખતે જે પેપર કાઢવામાં આવે છે એમાં વર્ષોથી સ્ટુપીડ જેવા પ્રશ્નો પૂછાય છે. દાખલા તરીકે "નિબંધ લખો, પૂર્વાપર સંબંધ લખો, આપેલો પરિચ્છેદ વાંચીને નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો, સંધિ છૂટી પાડો, વગેરે વગેરે. "એક પૂરીની આત્મકથા લખો”. એક વિદ્યાર્થીએ મને પૂછેલું કે "સાહેબ, પૂરીને આત્મા હોય છે ?" હું ચૂપ થઇ ગયો.

આવા પ્રશ્નપત્રો માત્ર સાહિત્યલક્ષી છે, ભાષાલક્ષી નથી. કેળવણીકારો એટલું સમજતા નથી કે બાળકને જો ભાષા આવડશે તો જ સાહિત્ય વાંચશે. ટેક્સ્ટબુકો પણ બહુ રેઢિયાળ હોય છે.નમાતૃભાષા બચાવી લેવી હોય તો ટેક્સ્ટબુકો ને સરકારી ઈજારાશાહીમાંથી મુક્ત કરવી જોઈએ. સરકારી પાઠ્યપુસ્તકો બનાવવાની એક ફોર્મ્યુલા હોય છે. ૫૦૦ ગ્રામ દેશપ્રેમ નાખો ,૧૦૦ ગ્રામ ભાવાત્મક એકતા નાખો, ૫૦ ગ્રામ સાંપ્રદાયિક સદ્દભાવનો તૈયાર મસાલો નાખો, ૧૦૦ ગ્રામ ગ્રામ્યસંસ્કૃતિની કોથમીર છાંટો. જસ્ટ ટુ મિનીટ. સરકારી પાઠ્યપુસ્તક તૈયાર થઇ ગયું.

મારાથી ભાષાના વિખ્યાત લેખક પુ.લ. દેશપાંડેને કોઈએ પૂછ્યું હતું : “સાહેબ, તમારી કોઈ કૃતિ પાઠ્યપુસ્તકમાં છે ? “પુ.લ. દેશપાંડેએ તરત જવાબ આપ્યો : "ભાઈ, સરકારી પાઠ્યપુસ્તકમાં તુકારામનું મૂલ્ય દોઢ માર્કનું હોય એમાં મારો ક્યા ચાન્સ લાગે ?” બીજું પાઠ્યપુસ્તકમાં ‘શેઢો’, ‘પાદર’, ‘ફળિયું’,’કેડી’, ‘ઓસરી', ‘ગમાણ’, ‘ડેલી', ‘આગળિયો’ અને ‘ચોક' જેવા શબ્દો આવે છે, એનો અર્થ મહાનગરમાં ભણતાં બાળકો બિલકુલ સમજી શકતા નથી. મહાનગર કે સ્માર્ટ સિટીનાં બાળકો માટે આ શબ્દોનો સાવ પરદેશી છે.

ટૂંકમાં કહું તો ગામડાંની નિશાળોમાં ભણતાં બાળકો પાસે અમદાવાદ કે મુંબઈ જેવા મહાનગરની ભાષા મૂકવી અને શહેરનાં બાળકો પાસે ગામડાંની વાતો મૂકવી, એ ભેંશ પાસે ભાગવત વાંચવા જેવું છે. એકવીસમી સદી આવી ગઈ તો ય પાઠ્યપુસ્તકમાં પનિહારી કૂવે પાણી ભરવા જાય છે. એન્જીન ગાડી ભખ ભખ કરતી ધુમાડા કાઢે છે, બીજું બાલસાહિત્ય બહુ લખાતું નથી.

સાહિત્યના બધા જ કાર્યક્રમોમાં સફેદ વાળ જ દેખાય છે. સાહિત્ય પરિષદ અને અકાદમી પોતપોતાની રીતે કામ કરે છે, પરંતુ પ્રાથમિક સ્તરે ભાષા શિક્ષણ સાથે એમને કોઈ નિસ્બત નથી. ઇવેન્ટો કરો. અધિવેશનો ભરો; જય જય ગરવી ગુજરાત.

જે  દિવસે મા પોતાના બાળકને અંગ્રેજી ભાષામાં પ્રેમ કરવા લાગશે તે દિવસે માતૃભાષાનું નિધન થશે.

સૌજન્ય : અનિલભાઈ જોશીની ફેઇસબૂક દિવાલેથી સાદર; 17 નવેમ્બર 2021

Loading

આ મુશ્કેલ સમયમાં (64)

સુમન શાહ|Opinion - Opinion|16 November 2021

આ કોરોનાકાળે આપણે એકમેકને રૂ-બ-રૂ મળવાનું નથી કરી શકતા. મળીએ ત્યારે પણ મૉં માસ્ક-મઢ્યું હોય છે. જો કે ત્યારે આંખોથી મળવાનું ઘણું શક્ય હોય છે. પણ આંખોથી મળવાનો કશો અનર્થ થાય એ પહેલાં આપણે કોઇ ને કોઇ બ્હાને થોડી જ વારમાં છૂટા પડી જઈએ છીએ. ઊલટું એ કે કેટલા ય લોકો આંખમાં આંખ મેળવીને વાત નથી કરતા. નજરથી નજર નહીં મેળવીને વાત કરનારા ઘણું બધું છુપાવતા હોય છે. ગોગલ્સ પ્હૅરીને મારી જોડે વાતો કરવા આવેલાને હું તો સાંખી શકતો નથી.

આંખનો પ્રતાપ કદાચ આપણે બરાબર અનુભવતા નથી, મહિમા પૂરો જાણતા નથી. દુ:ખદ એ છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચેના લાઇવ આઇ-ટુ-આઇ કૉન્ટેક્ટની ઘટનાઓ ઘટી રહી છે.

હા, ઇન્સ્ટાગ્રામ કે એનાં સમાં બીજાં ઉપકરણો પર પિક્ચર્સ કે પ્રોફાઇલ્સ વારંવાર અને આંખ થાકી જાય ત્યાંલગી જોઈ શકાય છે. એટલું જ નહીં, આપણી એ વર્ચ્યુઅ્લ દુનિયા આપણને બધી રીતે સુગમ લાગે છે. ઘણા તો એને 'મફત' સમજવાની ભૂલમાં ખુશ ખુશ રહે છે.

મેં ૨૬ વર્ષ પહેલાં, ૧૯૯૫માં, ‘વર્ચ્યુઅ્લિ રીયલ સૂટકેસ’ નામની વાર્તા લખેલી. એમાં સૂટકેસ હોય છે, મારા એ ઘરની સામેનું બે સ્તરે ફેલાયેલું ગ્રાઉણ્ડ – મેઇન તે ઊંડું સ્તર અને એની ઉપરનું ખુલ્લું તે – સૂટકેસનું ઢાંકણું. અને, સૂટકેસધારી તે શામલાલ, જે પાંચેક ડગલાંમાં મુમ્બઇથી પ્રોટેગનિસ્ટના ઘરે, સમજો અમદાવાદના ઘરે, પ્હૉંચી જાય છે …

પણ એવું બધું વર્ચ્યુઅ્લ હવે તો ‘મૅટાવર્સ’-ની દુનિયામાં સૌ કોઈ કરી શકશે. ત્યાં આપણે જ આપણા અવનવા અવતારો સરજવાના છીએ. વાસ્તવિક જીવનમાં ન થઈ શકે તે બધું જ ત્યાં કરવાના છીએ, કરી શકવાના છીએ. ત્યારે આપણે પૂરું જાણતા જ હોઈશું કે કશું પણ એમાં રીયલ નથી, છતાં એ વર્ચ્યુઆલિટીને માણતા રહીશું. ક્રમે ક્રમે એમ પણ બને કે એ વર્ચ્યુઅ્લ દુનિયા જ માણસને રીયલ લાગવા માંડે.

હું ચૉક્કસ માનું છું કે માનવીય સર્જકતા અને વિજ્ઞાનીય શક્તિમત્તાનો એ મહાન વિજય હશે.

પણ ત્યારે આપણી આ યુગોપુરાણી ઍક્ચ્યુઅલ દુનિયા કેવી હશે અને કેટલી બચી હશે એ પ્રશ્નો નજીકના ભવિષ્યમાં આપણી સામે આવીને ખડા થવાના છે. એ વિજયની સામે, મને જે પ્રશ્નો થઈ રહ્યા છે તે આ, કે : સરેરાશ મનુષ્યનું શું થયું હશે – મનુષ્યના ભાવજગતનું શું થયું હશે – અને ખાસ તો, મનુષ્યની આંખોનું શું થયું હશે.

એટલે મને થાય છે કે, ચાલો, જે કંઈ સંચિત છે, માનવજાતના આર્કાઇવમાં સદીઓથી સંભરાયેલું છે, તેમાં ચાલી જઈએ. શબ્દ જન્મ્યો તેટલું પુરાણું કોઈ આર્કાઈવ હોય, તો એ તો લિટરેચર છે. તેના સર્જનહાર શબ્દસાધકો અને તેમાં યે જે માસ્ટર્સ છે અને હતા, તેમની પાસે ચાલી જઈએ.

આંખોથી મળવું એ ઘટના નિરાળી છે. કોઇ પણ મનુષ્યની આંખો જોવી અને તેની આંખોમાં જોવું મને તો ગમે છે. સ્ત્રીની આંખો જેટલું સુન્દર અને સુન્દર સ્ત્રીની આંખો જેટલું સુન્દર શું હોઈ શકે? જોયા જ કરાય, કશું બોલાય નહીં, સ્તબ્ધ રહી જવાય. આ ક્ષણે મને યાદ આવે છે, મારા વાચનમાં આવેલા રવીન્દ્રનાથ કાલિદાસ કે શેક્સપીયર આદિ મહામનાઓ અને તેઓએ આંખો વિશે કહેલું એ બધું. પણ આજે મારે કહેવું છે કે રુમિ શું કહે છે : રુમિ આવું આવું કહે છે :

કહે છે કે :

“સુન્દર, સુઘડ અને મનોરમ બધી જ વસ્તુઓ જોનારની આંખ માટે સરજાઈ છે.”

આ એટલું મોટું સત્ય છે કે એનું ભાનસાન નથી હોતું એ સુન્દરને કે એ સુન્દર વસ્તુના જોનારને. રુમિ એમ સૂચવે છે કે દૃશ્ય દૃષ્ટા માટે હોય છે, અને દૃષ્ટા ન હોય તો દૃશ્ય પણ નથી હોતું.

છતાં, રુમિ એમ પણ કહે છે કે :

“આ દુનિયા તો એક સપનું છે, આંખો ખોલ.”

રુમિની આ વાત તો એમ સૂચવે છે કે વર્ચ્યુઅલ અને રીયલ બન્ને દુનિયાઓ સપનું છે, સપના જેટલી સુન્દર છે, પણ રુમિ જાગી જવા કહે છે. ભ્રાન્તિ હમેશાં રમણીય અને આહ્લાદક હોય છે પણ બધા પ્રબુદ્ધોનું મન્તવ્ય છે કે એથી નિર્ભ્રાન્ત થઇ જવું.

પણ એ જ રુમિ, કવિતાકાર સર્જક ખરો ને, એટલે અવળું પણ સત્ય વદે છે :

“બંધ કર આંખો, પ્રેમમાં પડ, ને એમાં જ ટકી રહે.”

માણસથી ખરેખર થઈ શકે એવી સરળતમ એક જ વસ્તુ છે – પ્રેમ ! હા, સ્ત્રી-પુરુષો પ્રેમમાં પડે તો છે પણ ટકી નથી રહેતાં. નહીં ટકી રહેવાથી શું બચે છે? એ તો એ લોકો જ જાણે – દયાપાત્ર મુડદાલ જીવન …

આજકાલ, આપણે તો ‘હાય’ ને ‘બાય’-માં જીવીએ છીએ. ઘણા તો ‘બાય’ કરી દેવાની ઉતાવળમાં સરખું બોલતા પણ નથી, ખરું કે સાચું લખવાની તો વાત જ શી ! સારું ગુજરાતી લખી શકતા કવિઓ પણ ઇમોજીથી પતાવે છે. આપણને થાય એમને બચારાઓને બહુ કામ હશે. પણ ના, કામ તો શું હોય? એટલું જ કે દરેક જગ્યાએ એ-નું-એ ઇમોજી ચૉંટાડવું ! એ લોકો સોશ્યલ મીડીઆમાં દાખલ થાય ખરા પણ સોશ્યલ નથી થતા, એમની એ જ સંકીર્ણ ઇન્ડીવિજ્યુઆલિટીમાં પડ્યા રહે છે.

હાય-બાયની વાતમાં સમજી શકાય એવું સીધું એ છે કે તમે પ્રેમ કર્યો હોય તો હાય-થી મલકી પડાય, છાતી ફૂલે, અને બાય-થી મૉં પડી જાય, વિરહ થાય. ખરા પ્રેમીને – પ્રિયાને કે પ્રિયને – બાય બાય કરતાં હમેશાં દુ:ખ થાય – ઉમ્બરેથી આંગણે ને આંગણેથી શેરીના નાકે જાય, કેમ કે વિદાય એનાથી વેઠાય નહીં. પણ એવું હાય કે એવું બાય પ્રેમ કર્યો હોય તો થાય, તો જ થાય, બાકી શું …

રુમિ જુદું અને સરસ સૂચવે છે કે ખરાં પ્રેમીઓ સાદુંસીધું બાય નથી કરતાં. કહે છે :

“કેમ કે દિલોજાનથી પ્યાર કરનારાંની જિન્દગીમાં વિદાય નામની વસ્તુ કદી હોતી નથી.” અને જો બાય કરી શકે તો કોણ? રુમિ ઉમેરે છે : ‘’આવજો’ એ જ કહી શકે જે પોતાની આંખોથી તમને પ્યાર કરતું હોય.”

કેમ કે પ્રેમનું માધ્યમ અને સાધન આંખો છે. પ્રેમને હું સર્વોત્તમ વાસ્તવિકતા ગણું છું – સુપ્રીમ રીયાલિટી. અનુભવીઓ જાણે છે કે એ રીયલ રોજ વર્ચ્યુઅલમાં ને એ વર્ચ્યુઅલ રોજ રીયલમાં બદલાતું રહે છે. પ્રેમ સદા ક્રિયમાણ અને ઝલમલતું તત્ત્વ છે.

પ્રેમમાં આંખો અને આંખોમાં પ્રેમ -ની આ રહસ્યમય છતાં સીધી વાતો છે. એ વાતો જેટલી વાર કરાય એટલી વાર નવી લાગશે પણ હરેક વખતે લાગશે કે – હું જાણું છું. મહામનાઓ આપણે જાણીએ છીએ એ જ કહેતા હોય છે, પણ એઓને સાંભળ્યા પછી આપણને ખાતરી થાય છે કે હું જાણું છું એ બરાબર છે, આપણો દિવસ સારો જાય જાય છે, આપણને સારું લાગે છે …

= = =

(November 16, 2021: Amsterdam)

Loading

...102030...1,7311,7321,7331,734...1,7401,7501,760...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved