Opinion Magazine
Number of visits: 9456321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધનવાનો યુદ્ધ શરૂ કરે છે, ગરીબો યુદ્ધમાં મરે છે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|27 April 2025

હેમન્તકુમાર શાહ

વિખ્યાત ફ્રેન્ચ દાર્શનિક અને ૧૯૬૪ના સાહિત્ય માટેના નોબેલ ઈનામ વિજેતા જ્યાં પોલ સાર્ત્ર (૧૯૦૫-૮૦) દ્વારા કહેવાયેલું વાક્ય આ લેખનું શીર્ષક છે.

કેટલીક હકીકતો આ સંદર્ભમાં સમજવાની જરૂર છે :

(૧) ભારતમાં જે સૈનિકો, આતંકવાદમાં કે યુદ્ધમાં, લડે છે અને મરે છે કે ઘવાય છે તેમાંના મોટા ભાગના ગામડાંમાંથી આવે છે, ભાગ્યે જ શહેરોમાંથી તેઓ હોય છે. એક ઉદાહરણ : ઉત્તર પ્રદેશનું  સરહદી ગામ છે ગાહમાર. ૨૦૨૩ના નવેમ્બરમાં પ્રસિદ્ધ થયેલા એક આંકડા મુજબ એ ગામમાંથી ૧૨,૦૦૦ જેટલા સૈનિકો અને કર્નલ ભારતના લશ્કરમાં છે. તેમાં ૧૫,૦૦૦ તો નિવૃત્ત સૈનિકો રહે છે! કેમ શહેરોમાંથી લોકો સેનામાં ભરતી થતા નથી? ગામડાંના લોકોની મજબૂરી છે ને, નોકરી મેળવવાની? એટલે? 

(૨) મોદી સરકારે સૈનિકોની ભરતી માટે અગ્નિવીર યોજના જાહેર કરી ત્યારે બિહારમાં જે વિરોધ થયો એ કરનારા ગામડાંના ગરીબ યુવાનો જ હતા. 

(૩) અગ્નિવીર યોજના હેઠળ નોકરી મેળવનાર સૈનિકને દર મહિને પહેલા વર્ષે ₹ ૨૧૦૦૦, બીજા વર્ષે ₹ ૨૩,૧૦૦, ત્રીજા વર્ષે ₹ ૨૫,૫૦૦ અને ચોથા વર્ષે ₹ ૨૮,૦૦૦નો પગાર મળે અને ચોથા વર્ષને અંતે ₹ ૧૦.૦૪ લાખ રોકડા મળે. આટલી રકમમાં કોણ મરવાની તૈયારી સાથે જાય? જેની મજબૂરી હોય તે જ ને? કે પછી એ બધા દેશભક્તિથી પ્રેરાઈને જાય છે સૈનિક થવા? જો દેશભક્તિ જ કરવાની હોય તો એ કેમ માત્ર ગામડાંના લોકોએ જ કરવાની? શહેરોના લોકોએ કેમ નહીં?

(૪) જેઓ સૈનિક તરીકે લડવાની નોકરીમાં જોડાય છે સેનામાં, તેમાંના મોટા ભાગના, અથવા કહો કે બધા જ, ગરીબ પરિવારોમાંથી હોય છે. કારણ એ છે કે એટલી રકમમાં મરવા કોણ તૈયાર થાય? જો કે, અગ્નિવીર મરી જાય તો ₹ ૪૮ લાખ વીમાની રકમ મળે તેના પરિવારને! જીવતો સૈનિક ઓછો મહત્ત્વનો છે એ નક્કી.

(૫) ભારતની સેનામાં ત્રણેય પાંખમાં કોણ કેવા આર્થિક કે સામાજિક દરજ્જામાંથી આવે છે તેની કોઈ માહિતી મળતી નથી. સંરક્ષણ મંત્રાલય કે સેના એની વિગતો બહાર પાડતાં નથી. પણ એ કઈ જાતિઓના હશે એની કલ્પના પણ કરી શકાય છે. શું બ્રાહ્મણો કે વાણિયાઓ યુદ્ધોમાં કે આતંકવાદમાં મરવા માટે પોતાનાં સંતાનોને મોકલે છે ખરા? 

(૬) યુ.કે.ના લશ્કરમાં જે ભરતી થાય છે એને વિશે ત્યાંની સંસદમાં એમ કહેવાયું છે કે ૬૯ ટકા બહુ ઓછું ભણેલા, ૪૦ ટકા તો છેલ્લા આશરા તરીકે અને ૫૦ ટકા ભારે ગરીબ પરિવારના છે. 

(૭) અમેરિકાનો એક ભય એમ કહે છે કે સરેરાશ અમેરિકન કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે નીચો દરજ્જો હોય તેવા લોકો માટે ભાગે લશ્કરમાં જોડાય છે. 

(૮) જે સ્થિતિ યુ.કે. અને અમેરિકામાં છે તે જ ભારતમાં હોય ને? જેઓ યુદ્ધમાં કે આતંકવાદમાં મરે છે તેમનાં શબ કોઈ મુંબઈ, અમદાવાદ, કાનપુર, લખનઉ, ચેન્નાઈ, બેંગલોર, દિલ્હી, હૈદરાબાદ, પુણે જેવાં મોટાં શહેરોમાં ભાગ્યે જ અંતિમ ક્રિયા માટે જતાં જોયાં છે. અને તે પણ મોટે ભાગે તો સાવ સામાન્ય સ્થિતિના ઘરમાં જ જાય છે. એવું કેમ? 

(૯) કેટલા IAS જેવા અધિકારીઓ, રાજકીય નેતાઓ, પ્રોફેસરો, CA, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ વગેરે જેવા ધનવાનોનાં સંતાનો સેનામાં મરવા માટે ભરતી થાય છે? એમણે તો દેશભક્તિ વોટ્સએપ અને fb વગેરે પર કરવી છે, અને મરવા માટે ગરીબોને મોકલવા છે!! 

‘યુદ્ધસ્ય વાર્તા રમ્યા:’ એટલે કે યુદ્ધની વાર્તાઓ રમણીય હોય છે એમ સંસ્કૃતમાં પણ કહેવાયું છે. યુદ્ધ રમણીય નથી હોતું. 

યુદ્ધનાં બણગાં ફૂંકવાનું બંધ કરીને શાંતિની વાત કરવાની જરૂર છે. કોઈ પુતિન કે ઝેલેન્સ્કી કે નેતાન્યાહૂ યુદ્ધમાં મરતા નથી. એવું જ ભારતમાં પણ અને દુનિયામાં બધે જ.  

તા.૨૭-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પહલગામ હુમલોઃ સંજોગો બદલાયા, સવાલો નહીં. ફેલાયેલી દહેશતનો જવાબ ક્યાં?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 April 2025

આપણે એક દેશ તરીકે સમજવું પડશે કે ટાર્ગેટેડ હત્યાઓ પછી આપણા દેશમાં કોઈ પણ કોમવાદી વિરોધ કે તોફાનો ન થાય. આંતરિક હિંસામાં ફસાયા તો આપણે પાકિસ્તાનની ચાલમાં સપડાઇ જઇશું. 

ચિરંતના ભટ્ટ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા. એ તસવીરો, એ વીડિયોઝ, એ ગોળીઓના અવાજો કાળજું કંપાવે એવા છે. મૃત્યુ પામાનારા મોટા ભાગના લોકો પ્રવાસીઓ છે. ધરતી પરનું સ્વર્ગ નિહાળવા ગયેલા લોકોને સ્વપ્ને પણ કલ્પના નહીં હોય કે આ પ્રવાસ તેમની અંતિમ યાત્રાનું કારણ બનશે. ઑગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ આ સૌથી જીવલેણ હુમલો છે. આ હુમલો થયો ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસ પર હતા અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસ ચાર દિવસના ભારત પ્રવાસે હતા. કેટલાક દિવસ પહેલાં પાકિસ્તાનના આર્મી પ્રમુખ જનરલ સૈયદ આસિમ મુનીરે એમ કહ્યું હતું કે વિશ્વની કોઈ તાકાત કાશ્મીરના પાકિસ્તાનથી અલગ નહીં જ કરી શકે. સ્વાભાવિક રીતે જ વડા પ્રધાન પોતાનો પ્રવાસ અધૂરો મૂકીને પાછા ફર્યા છે.  

કાશ્મીરને એક સફળ અને સરસ ટુરિસ્ટ સિઝનની અપેક્ષા હતી પણ પાકિસ્તાન અને તેનું પ્રતિનિધિત્વ કરનારાઓએ કાશ્મીરમાં થોડા ઘણે અંશે આવેલી નોરમલ પરિસ્થિતિના ફુરચા ઉડાડી દીધા. છેલ્લાં 36 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં સાધારણ નાગરિકો પર ઘણા હુમલા થયા છે, પણ આ હુમલામાં વૈમનસ્યનું પ્રમાણ પરાકાષ્ઠા પાર કરી ગયું. જ્યારે મુંબઈમાં કસાબ અને તેના સાથીઓએ 126 લોકોને આતંકી હુમલામાં મારી નાખ્યા, ત્યારે તેમણે લોકોનો ધર્મ શું છે તે નહોતું પૂછ્યું. આ હુમલામાં હિંદુ પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા એવું કહી શકાય પણ એક સત્ય એ પણ છે કે  જે હિંદુ કલમા બોલી શક્યો તે બચી ગયો અને જે માણસ હિંદુ નહોતો, ખ્રિસ્તી હતો અને કલમા ન બોલી શક્યો તેણે પણ જીવ ગુમાવ્યો. આ આતંકવાદીઓ માટે માણસનું મુસલમાન ન હોવું જ તેમને મારી નાખવા માટે પૂરતું હતું.  

પાકિસ્તાન ડીપ સ્ટેટ અને સૈન્યને આ કૃત્ય માટે જવાબદાર ગણી શકાય. એ લોકો સારી પેઠે જાણે છે કે ભારતના કોમી એખલાસને (જે આમ તો પહેલા જેટલો હતો તેના કરતાં ઘણો ઓછો છે) હચમચાવી નાખવા શું કરવાનું છે?  પહલગામના આ હુમલાએ ફરી એકવાર પુરવાર કર્યું છે કે પાકિસ્તાને ભારત સામે આતંકવાદને સતત ટેકો આપ્યો છે. “નૉન સ્ટેટ એક્ટર”ના બોગસ બહાના હવે ગળે નથી ઊતરતા. હિંસા જો પાકિસ્તાનમાંથી થતી હોય તો તેની જવાબદારી પણ પાકિસ્તાનની જ છે. 26/11 પછી ભારતે સામો આકરો જવાબ ન આપ્યો જેને લીધે ભારતને વધારે વેઠવાનું આવ્યું. આતંકવાદીઓ પોતાને વધારે બળૂકા સમજવા લાગ્યા અને ભોગ બનનારાઓને ન્યાયને બદલે નિરાશા સાંપડી. અત્યારે વૈશ્વિક સ્તરે ભારતને માટે વધારે અનુકૂળ સંજોગો છે કારણ કે યુ.એસ.એ.ની વર્તમાન સરકારને ઇસ્લામાબાદ પ્રત્યે સદ્દભાવના નથી એટલે ભારત કોઇ રાજદ્વારી ચૂક થશે તો શું થશેની ચિંતા કર્યા વિના પાકિસ્તાનને જવાબ આપી શકશે. પુલવામા અને બાલાકોટ પછી ભારતે જે પ્રતિસાદ આપ્યો એની પરથી સાબિત થયું છે કે રાષ્ટ્રીય મનોબળ અને ચૂંટણીમાં પણ મજબૂતાઈ માટે સામો જવાબ આપવો અનિવાર્ય છે.  ભારત આવા આતંકી હુમલાને હળવાશથી નહીં જ લે તે પાકિસ્તાનને જેટલી જલદી ખબર પડે એટલું સારું. ભારત સરકારે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા સહિતના આકરા નિર્ણયો તો લઇ જ લીધા છે. જવાબમાં પાકિસ્તાને પણ દ્વિપક્ષી વેપાર સ્થગિત કરવાની તથા ભારતીય એરલાઇન્સ માટે એર સ્પેસ બંધ કરવાની જાહેરાત કરી. ભારતના રાજદ્વારી પગલાં આતંકવાદ માટે અવરોધક સાબિત નથી થતા કારણ કે આતંકવાદીઓ રાજકારણીઓ નથી તેમને વ્યાપાર કે સંધિ સ્થગિત થાય તેનાથી લગીરેક ફરક નથી પડતો. મજબૂત આંતરિક સુરક્ષા, સામુદાયિક સ્તરની બુદ્ધિમત્તા સાથે માનવીય અને રાજકીય સ્તરે વ્યૂહાત્મક બન્ને પ્રકારના માળખાની આ મુદ્દે જરૂરિયાત છે. ભારત સરકાર માટે પણ આ એક સાંધોને તેર તૂટે જેવી હાલત થઇ છે. 

શું આપણે પાકિસ્તાનને સણસણતો જવાબ આપવામાં ક્યાંક કાચા પડીએ છીએ? હજી આકરા થવાની જરૂર છે? કાશ્મીરમાં આતંકવાદનો અંત આવ્યો જ નથી. વર્ષોથી સૈન્યની હાજરી, રાજદ્વારી પ્રયાસો અને ગુપ્તચર માહિતીને મામલે અપગ્રેડ હોવા છતાં પણ આ ચક્ર ચાલતું જ રહે છે. આતંકવાદીઓએ જે કહ્યું તે ગણતરીની ક્ષણોમાં કર્યું અને એ લોકો ગાયબ પણ થઇ ગયા. આ રોકવા માટે ખરેખર ભારત સરકાર શું કરી રહી છે? છીંડું ક્યાં છે જેને લીધે આ દુર્ઘટના ઘટી? પાકિસ્તાનનો વાંક છે, તે આપણને ખબર છે. આપણે કાશ્મીરમાં સરકારી, વહીવટી સ્તરે જે પણ કરીએ તેમાં પાકિસ્તાને તો પોતે જે કરે છે તે કરતા અટકશે એવું તો ક્યારે ય કહ્યું જ નથી. 2019માં 370ની કલમ હટાવ્યા પછી પ્રગતિ થઇ ખરી, કાશ્મીરમાં નક્કર રીતે આર્થિક દિશાઓ ખૂલી તે પણ દેખાયું. એવી પણ ચર્ચા થઇ કે કાશ્મીર હવે પહેલાં જેટલું પાકિસ્તાન તરફી નથી રહ્યું પણ છતાં ય પહલગામ હુમલા પછી એવો વિચાર આવે જ કે સ્થાનિક સહકાર વિના આ હદનો હુમલો કેવી રીતે થયો હશે? ત્યાં હજી પણ અલગાવવાદીઓ પોતાના ષડયંત્રો કરી જ રહ્યા છે. કટ્ટરવાદ અને સાંપ્રદાયિક વિભાજનની સમસ્યાઓને આપણે સરખી રીતે સંબોધી શક્યા છીએ? હવે એવી પરિસ્થિતિ છે કે માત્ર સર્જિકલ સ્ટ્રાઇકથી નહીં ચાલે. હવે એક કાયમી અને આકરો જવાબ આપવાની જરૂર છે જેથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ મળે. એક સત્ય એ પણ છે કે સુરક્ષામાં છીડું ન રહે તેની તકેદારી આપણી સરકારે રાખવી પડશે. સુરક્ષા એજન્સીઓને પોતાની કામગીરી પરનો આત્મવિશ્વાસ ખોટો સાબિત થયો છે. પાકિસ્તાન પોતાનું કૃત્ય નહીં કબૂલે નહીંતર ફરી એકવાર ગ્રે લિસ્ટમાં નખાઈ જશે તેનો ડર પણ તેને સતાવે. આ બાજુ ધી રેઝિસ્ટન્સ ફ્રન્ટને નામે થતા હુમલાઓ પાછળનો એજંડા એ છે કે બહારના લોકો – પ્રવાસીઓ – આવીને જમ્મુ કાશ્મીરમાં વસી રહ્યા છે અને એ અટકાવવા માટે આવું જધન્ય કૃત્ય જ કરવું  પડશે – આ એક ડેમોગ્રાફિક પરિવર્તન સામેનો પ્રચાર છે. 

2019માં 370ની કલમ હટાવ્યા પછી ભારતે જમ્મુ કાશ્મીરની સુરક્ષાને મજબૂત કરવા માટે ભારે ખર્ચો કર્યો છે. સુરક્ષા સંબંધિત ખર્ચો વર્ષે 9,000 કરોડને પાર પહોંચ્યો છે. માત્ર 2021ના અંત સુધીમાં ગૃહ મંત્રાલયે “સિક્યુરિટી રિલેટેડ એક્સપેન્ડિચર (પોલીસ)” યોજના હેઠળ સુરક્ષા જાળવણી માટે ₹9,120 કરોડ ફાળવ્યા હતા. 2024-25ના કેન્દ્રિય બજેટમાં ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર પોલીસ માટે ₹9,789 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે CRPF બટાલિયન અને ભારતીય સેના દ્વારા ચળવળવિરોધી કામગીરી જાળવવાનો ખર્ચ દર વર્ષે લાખો કરોડ સુધી પહોંચે છે, જે રાષ્ટ્રીય સંરક્ષણ ખર્ચ હેઠળ સામેલ થાય છે. સર્વેલન્સ ટેકનોલોજી, બોર્ડર ફેન્સિંગ, સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા કર્મચારીઓ માટે વેલફેર ચૂકવણીમાં પણ વધારાનાં રોકાણ થયાં છે. આટલા તોતિંગ નાણાંકીય પ્રયાસો છતાં, ઘાતક આતંકવાદી હુમલાઓ ચાલુ રહે છે, જે માત્ર સૈન્ય આધારિત દૃષ્ટિની મર્યાદાઓ બતાવે છે. જો બધી વ્યવસ્થાઓ નક્કર હોત તો પુલવામામાં આટલું બધું આર.ડી.એક્સ. કેવી રીતે પહોંચ્યું હતું? ધી રેઝિસ્ટન્સ ફ્રંટ લશ્કર-એ-તોયબાનો જ હિસ્સો છે અને કાશ્મીર પાકિસ્તાનની રાજનીતિના કેન્દ્રમાં છે એ સત્યમાં કોઈ મીનમેખ નથી. 

મોટા પાયે અશાંતિને ઘટાડવા અને પ્રવાસન જેવી આર્થિક પ્રવૃત્તિઓ વધારવા માટે સુરક્ષા ઉપાયો અસરકારક રહ્યા છે, પરંતુ પહલગામ જેવા હુમલાઓ બતાવે છે કે ફક્ત પૈસા ખર્ચવાથી આ ખામીઓ નહીં ભરાઈ શકે. સ્થાનિક અસંતોષ અને હિંદુ-મુસ્લિમ વિભાજન જેવા મુદ્દાઓના સામાજિક અને વિચારધારાત્મક ઉકેલ વિના, હિંસાનું આ ઝેરીલું ચક્ર ચાલુ રહેવાની શક્યતા છે. કાશ્મીરની સુરક્ષા સરહદી સુરક્ષા જેટલી જ જરૂરી છે એ માનસિક ખાતરી કે આવું કશું ત્યાં હવે નહીં થાય પણ એ તબક્કે પહોંચવા માટેની કાર્યવાહી સરકારે વ્યૂહાત્મક અને સંવેદનાત્મક શૈલીએ શોધવી પડશે.

હિંદુ મુસ્લિમ પ્રશ્ન ભારતીય ઉપખંડનો એક ક્યારે ય ન ભરાયેલો ઘા છે. કાશ્મીરમાં થતા આતંકવાદને વિભાજન પછી પ્રસરેલા સાંપ્રદાયિક તણાવથી જૂદો નાણવાની ભૂલ આપણે ન કરવી જોઇએ. 1990ના દસકામાં કાશ્મીરી પંડિતોની હિજરત, પીડિતો પર ખેલાયેલી રાજનીતિ અને કટોકટીના સમયે સ્થાનિક નેતૃત્વનું મૌન બધું જ આતંકીઓના નેરેટિવને બળતણ પૂરું પાડનારું સાબિત થાય છે. પહલગામના હુમલા પર પણ કાશ્મીરી નેતાઓએ હજી સુધી બહુ આકરું નિવેદન નથી આપ્યું. કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરનારાઓનો આક્રોશ ક્યાં ગયો? આ માત્ર કેન્દ્ર સરકારની પ્રતિક્રિયાઓ પર કેન્દ્રિત ઘટના બની રહે એ પણ ખોટું છે. સ્થાનિક રાજકીય વર્ગનો પૂરતો અવાજ ન આવે તો તે નિરાશાજનક નહીં નુકસાનકારક પણ છે. આવો ભેદ રહેશે તો સલામતી કે સામાન્ય જનજીવનની ભાવનાનો રસ્તો પૂરેપૂરી રીતે ખૂલશે ખરો?

વૈશ્વિક સ્તરે ઇસ્લમિક આતંકવાદ સામેના ડર અને ગુસ્સામાં વધારો થઇ રહ્યો છે. ધાર્મિક સચ્ચાઈની આડમાં રાજકીય હિંસા ઢંકાઈ જાય છે અને પછી તે એવી સ્થિતિમાં ખૂલીને બહાર આવે છે જ્યાં ધાર્મિક ઓળખને હથિયાર બનાવાય છે અને કમનસીબે કાશ્મીર આવી સ્થિતિ અને સ્થળ માટે બંધ બેસે છે. તમામ કાશ્મીરી મુસલમાનો આતંકવાદને સમર્થન નથી જ આપતા. છતાં પણ દેશદ્રોહી તરીકે ઓળખાવાનો ડર, ભૂતકાળની હિસાનો આઘાત અને વણઉકેલાયેલી ફરિયાદો આતંકવાદને પોષનારી સાબિત થાય છે. 

ગૃહમંત્રાલયે ઇમેજ બિલ્ડિંગ પર નહીં સુરક્ષા પર ધ્યાન આપવું પડશે. આતંકીઓ પણ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવે છે, આપણો ઇતિહાસ પુરાવો છે કે આપણે આ અભિગમ સામે એક થઇને લડ્યાં છીએ. એ એકતા અત્યારની તાતી જરૂરિયાત છે તે રાજકારણીઓએ સમજવું જ રહ્યું. શું પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાં મૂકી, આર્થિક ફંડિંગ રોકી દઇને રાજદ્વારી રીતે તેને એકલા પાડી દેવાનો વખત નથી પાકી ગયો?

બાય ધી વેઃ 

આ ફક્ત સરહદ, ધર્મ કે કોઇ પ્રદેશનો પ્રશ્ન નથી એ સત્ય સ્વીકારવું રહ્યું. આ એક એવી હિંસક, ઝનૂની અને ઝેરી  વિચારધારા છે જેને વિભાજન અને મૌનમાંથી મોટા થવાનું, ઊગવાનું ખાતર મળે છે. પહલગામ જેવા હુમલા લશ્કરી તાકાતથી નહીં અટકે પણ જવાબાદારી અને સ્પષ્ટતાથી તેને કોઈ ઠોસ નિષ્કર્ષ મળી શકશે. આપણે શું કરી રહ્યા છીએ, આપણે શું નથી અને આપણે શું કરવું જોઇએ જેવા પ્રશ્નો પર આત્મમંથન નહીં થાય ત્યાં સુધી આવા હુમલાઓ ચાલુ રહેશે. કિંમત માત્ર ગુમાવેલા જીવોની નહીં પણ ખોઇ બેઠેલા વિશ્વાસની પણ ચુકવવાની આવશે. આપણે કોમી વિચારથી દૂર રહીને સુરક્ષાને કેન્દ્રમાં રાખવાની જરૂર છે. સોશ્યલ મીડિયા પર કાશ્મીરના બહિષ્કારની ભાવનાઓ ફેલાશે તો એ તો આતંકવાદીઓને ભાવતું તું ને વૈદે કહ્યું જેવો ઘાટ કરશે. આતંકીઓ સામે બંદૂકોથી નહીં પણ મન અને હ્રદય એક કરીને, વિશ્વાસ કેળવીને જ કંઇ મેળવી શકાશે. આપણે એક દેશ તરીકે સમજવું પડશે કે ટાર્ગેટેડ હત્યાઓ પછી આપણા દેશમાં કોઈપણ કોમવાદી વિરોધ કે તોફાનો ન થાય. આંતરિક હિંસામાં ફસાયા તો આપણે પાકિસ્તાનની ચાલમાં સપડાઇ જઇશું. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઍપ્રિલ 2025

Loading

પુણ્યશ્લોક બાપુજી 

જુગતરામ દવે|Gandhiana|27 April 2025

જુગતરામ દવે

પુણ્યશ્લોક બાપુજીના 10મા નિર્વાણદિને આવો, આપણે તે રાષ્ટ્રપિતાનું સ્મૃતિશ્રાદ્ધ કરીએ.

મૃત્યુ સંબંધમાં બાપુએ ત્રણ જુદા જુદા પ્રસંગે ત્રણ જાતની આશાઓ પ્રગટ કરી હતી. એક વાર એવી આશા દર્શાવેલી કે એક હાથમાં પૂણી રહી ગઈ હોય, બીજા હાથમાં રેંટિયાનો હાથો હોય ને પ્રાણપંખીડું ઊડી જાય. બીજી વાર આશા બતાવેલી કે મારાં કર્મ બાકી રહી ગયાં હોય અને ઈશ્વર મને પુનર્જન્મ આપે જ, તો મારે જન્મ કોઇ દલિતને ઘેર થજો. આનો અનુવાદ હું એમ કરું કે મારો પ્રાણ કોઈ હરિજનની સેવા કરતાં કરતાં તેની ઝૂંપડીમાં જજો. ત્રીજી વાર એમણે ઈશ્વરને પ્રાર્થના કરેલી કે મુખ પર રામનામ હોય ને મારી આંખ મીંચાઈ જાય. આ ત્રણમાંથી તેમની છેલ્લી આશા ફળી.

આપણે સૌએ તેમનો સર્વોદયનો મંત્ર પૂર્ણપણે ઝીલ્યો હોત અને રચનાત્મક કામોથી આપણાં ઘરો અને ગામોમાં સર્વોદયનો ગુંજારવ ચાલુ કરી દીધો હોત, તો બાપુજીને એક સુખી સંતોષી પિતા તરીકે કંતાતે રેંટિયે મરણ મળ્યું હોત.

આપણે અસ્પૃશ્યતા સહિતના બધા ભેદભાવો પૂરા દિલથી ટાળ્યા હોત તો બાપુજી પોતાની દત્તક પુત્રી લક્ષ્મીના ખોળામાં છેલ્લો શ્વાસ મૂકી શક્યા હોત.

પરંતુ ઈશ્વરે એવું સરજ્યું હતું કે તેમને ત્રીજું એટલે કે એક રામનામના આધારનું મૃત્યુ વરે. આપણે સૌ પોતપોતાનાં કારણોસર તેમને તજી બેસવામાં આપણું ડહાપણ માનતા થયાં હતાં. રાજદ્વારી ક્ષેત્રે આપણે તેમના વારસોએ તેમને છોડીને રાજદ્વારી સ્વરાજ્ય મેળવી લેવામાં મુત્સદ્દીગીરી માની હતી. અર્થક્ષેત્રે તેમના વારસોએ સ્વાવલંબન, ખાદી, ગ્રામોદ્યોગ, સ્વદેશીને ગૌણ બનાવી પૈસાના મૃગજળ પાછળ દોડવામા વ્યવહારકુશળતા માની હતી. સમાજક્ષેત્રે આપણે મનમાંથી ન્યાત જાત, ધર્મ, ભાષા, પ્રાન્ત આદિના ભેદ અંદરખાનેથી સાચવી રાખ્યા હતા.

આમ આપણે તેમના દેશબંધુઓ ખોટા નીવડ્યા. બાપુએ આખી જિંદગી રામનામના આધારને જાપ કર્યો હતો, એટલે બધા આધારો ખસી જતાં અંતકાળે તે પરમ કૃપાળુએ તેમને આધાર આપ્યો.

બાપુજીમાં રહેલી અનેક વિભૂતિઓને કારણે લોકોએ તેમને મહાત્માનું પદ આપ્યુ હતું.

આ વિભૂતિઓમાં સત્યરત્નની વિભૂતિ બાપુજીને સ્વાભાવિક મળી હતી.

તેમના જીવનમાં પ્રગટેલી બીજી બધી વિભૂતિઓ તેઓએ ટીપે ટીપે અને ઈંચે ઈંચે મહાપ્રયત્ન કરીને મેળવી હતી. તેવી સિદ્ધિઓમાં મુખ્ય આ ગણાવી શકાય –

૧. અહિંસા અથવા પ્રેમ.

૨. બ્રહ્મચર્ય.

૩. વીરતા.

અહિંસા અથવા પ્રેમ પોતાના જીવનમાં કેળવવા માટે બાપુજીએ શું શું કર્યું???

અંગ્રેજ સાથે ક્ષણે ક્ષણે લડવાનું હતું. લડવા છતાં તેમને પ્રેમ કરવાનો હતો. તેથી જેટલા સજ્જન ભલા અંગ્રેજો મળ્યા તેમની સાથે બાપુએ અંગત મૈત્રી બાંધી. દીનબંધુ એન્ડ્રૂઝને બાપુએ સગા ભાઇથી અધિક બનાવ્યા હતા. આફ્રિકાના દિવસોમાં પણ તેમણે હેન્રી પોલાક, રેવરન્ડ ડોક, જનરલ સ્મટ્સ વગેરેની ગાઢ મૈત્રી સાધી હતી. આફ્રિકામાં મિસ સોન્યા શ્લેશીન અને હિંદમાં મિસ મેડેલિન સ્લેડ(મીરાં)ને સગી દીકરીઓ બનાવી હતી. લંડનમાં ગયા ત્યાં ઈસ્ટ એન્ડ એટલે ગરીબોના લત્તામા વસીને તેમ જ માન્ચેસ્ટર-લેન્કેશાયરના મિલમજૂરોમાં ફરી તેમનો પ્રેમ સંપાદન કર્યો હતો. કોઈ વિલિંગ્ડન કે ચર્ચિલ જેવા કાળમીંઢો એ પ્રેમથી પલળ્યા નહીં એ જુદી વાત છે.

આપણી પ્રજાએ હિન્દુ મુસલમાન સંબધો અંગે સારો સ્વભાવ બતાવ્યો નથી. તેથી મુસલમાનોની મિત્રતા મેળવવા બાપુએ ચાહી ચાલીને પ્રયત્નો કર્યા છે. પૂજ્ય ઈમામ સાહેબને આફ્રિકામાં ભાઈ બનાવ્યા અને બન્ને ભાઈઓ સાબરમતી આશ્રમમાં સાથે રહ્યા. પોતાના અન્ય મુસ્લિમ મિત્રોનાં વૃદ્ધ અમ્માજાન, એમનાં બીબીઓ અને બેટાબેટીઓનાં હૃદય સુધી તેમણે પ્રવેશ કર્યો હતો. હકીમ સાહેબ અજમલખાન, ડૉ. અંસારી, મૌલાના આઝાદ, અને બીજા સેંકડો મુસલમાનોને તેમણે માનવંતા મિત્રો બનાવ્યા હતા.  સરહદના ગાંધી બાદશાહ ખાન અને તેમના ભાઈ ડૉ. ખાન સાહેબ સાથે તો તેમણે એવો બધો એકાત્મ ભાવ સાધ્યો હતો કે સરહદ પ્રાંતમાં આશ્રમ કાઢીને વસવાનો પણ મનસૂબો એક વાર બાપુએ કર્યો હતો. મુસ્લિમ નેતાઓની જ નહિ, સામાન્ય માણસોની મહોબત મેળવવા માટે પણ તેમણે છેક નાનપણથી પ્રયત્ન કર્યા છે. દક્ષિણ આફ્રિકામાં ખોજા મેમણ વેપારીઓ સાથે તેમ જ મીર આલમ જેવા પઠાણો સાથે પણ તેમણે ઘરોબાનો નાતો બાંધ્યો હતો. કોઈ ઝીણા જેવાના દિલને પિગળાવામાં તેઓ ફતેહમંદ ન નિવડ્યા, પણ એમાં બાપુના પ્રયત્નની ખામી કાઢી શકાય તેમ નથી.

અસ્પૃશ્યો પ્રત્યે હિન્દુઓએ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પણ બાપુજીએ તનતોડ પ્રયત્ન કર્યો હતો. હરિજન કુટુંબને આશ્રમમાં વસાવ્યું. હરિજન બાળાને પોતાની પુત્રી બનાવી. હરિજનોને શાળા સભામાં એકાકાર કરવા માટે, ખાનપાનમાં એક આરે કરવા માટે, અને છેવટે તેમને માટે દેવમંદિરોના બારણા ખોલાવવા પણ બાપુએ કેટલી બધી મહેનત કરી ? તેમ કરવા જતાં સગી બહેન તેમને ત્યજી ગયાં. આશ્રમને એક વાર આવતા ટંકની પણ ફિકર ઊભી થઈ. લાઠી અને બોમ્બ પણ પડ્યા. અને બ્રિટિશ સરકારે જ્યારે અસ્પૃશ્યોને અલગ પાડવાનું કાવતરું રચ્યું ત્યારે બાપુ આમરણ ઉપવાસ કરી બલિદાન આપવા તૈયાર થયા. આ ક્ષેત્રમાં પણ આંબેડકર જેવાનો પ્રેમ બાપુજી કદાચ પ્રાપ્ત કરી ન શક્યા; પણ તેમાં બાપુના પ્રયત્નની ખામી નહોતી. સવર્ણોના અંતરમાંથી ઝેર પૂરું ગયું નહીં એ જ કારણ હતું.

બચપણમાં મોહનને અંધારાની બીક લાગતી. રંભાબાઈ પાસેથી રામનામનો મંત્ર મળતાં કેટલી ભક્તિપૂર્વક એ મહાન બાળક તેનો જાપ કરતો હતો એની કલ્પના આપણે કરી શકીએ છીએ.

ભણવા માટે ઇંગ્લેન્ડ જતાં માતાએ માંસ, મદિરા અને મદનના ત્યાગની પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી. ગાંધીજીએ ભક્તિપૂર્વક તેનું પાલન કર્યું હતું. પરંતુ અતિ ભારે પ્રયત્ન વડે અને પ્રભુની કૃપા વડે જ તેઓ તેમ કરી શક્યા હતા એ બાપુનાં લખાણો ઉપરથી જાણી શકીએ છીએ.

મોટાભાઈના વિચારો સામે, પત્નીના વિચારો સામે, પોતાના મોટા પુત્રના વિચારો સામે બાપુજીને સત્યાગ્રહનું બળ વખતોવખત બતાવવું પડ્યું છે. જ્ઞાતિ પણ એ જમાનામાં હજુ નબળી પડી ન હતી. તેણે પણ બાપુના સત્યાગ્રહની ઠીક કસોટી કરી હતી.

રાજ્યની સામે લડાઈ માંડવી એ આકરી વસ્તુ ગણાય. તેમાં પણ પરાધીન પ્રજાને વિદેશી રાજ્યસત્તા સામે શિર ઉઠાવવાનું હોય તે તો આકરામાં આકરી લડત નીવડે. દક્ષિણ આફ્રિકામાં અને પાછળથી હિન્દુસ્તાનમાં વિદેશી સરકારોએ બાપુજીના સત્યાગ્રહને કેવી આકરી કસોટી ઉપર ચડાવ્યો હતો તેની કથા સર્વવિદિત છે. જેમ કસોટીનો પારો ચડતો ગયો તેમ તેમ બાપુજીની પ્રભુપ્રાર્થનાની ઉત્કટતા પણ વધતી ગઈ અને દરેક પ્રસંગે એમનું સત્યાગ્રહબળ વધારે ને વધારે તેજ થતું ગયું.

પરંતુ વિદેશી સરકારના કરતાં પણ બાપુજીના સત્યાગ્રહને પડકારનારા તો પોતીકાઓ જ સાબિત થયા છે. ઘરના ક્ષેત્રમાં તેવો પડકાર આપનાર તેમના મોટા પુત્ર હરિલાલ ગાંધી હતા. જાહેર ક્ષેત્રમા તેવો પડકાર આપનારા સનાતનીઓ હતા.

હરિલાલ ગાંધીએ વખતો વખત આશા આપી આપીને છેવટે બાપુના સત્યાગ્રહને સફળ થવા ન જ દીધો. છતા બાપુના પ્રેમના અને આશાવાદના ઝરાને તે સૂકવી ન શકેલા.

સનાતનીપણાની સામે તો બાપુજીને લોહીનું અંતિમ બલિદાન આપવું પડ્યું. બાપુની પોતાની જાત પૂરતો તો એમના સત્યાગ્રહનો વિજય થઈ ગયો. પરંતુ તે સનાતનીપણું જીતાયું નથી. તે કોમવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ આદિ નવા નવા રૂપે દેખા દેતું જ રહ્યું છે.

પરંતુ હું આશા રાખું છું કે આ પરમ પવિત્ર બલિદાન ધીમી ગતિએ પણ અચૂકપણે કામ કરી રહ્યું છે. પ્રજાના અણુ અણુને તે નવું બનાવશે.

રાષ્ટ્રપિતાનો જય! 

સત્ય-અહિંસાનો જય!

 સત્યાગ્રહનો જય!

(સમાપ્ત)
23 − 26 ઍપ્રિલ 2025
[પૂ. બાપુના  દસમા નિર્વાણ દિને વડોદરા આકાશવાણી પર આપેલા વક્તવ્ય પરથી.]
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 293, 294, 295 તેમ જ 296

Loading

...102030...170171172173...180190200...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved