Opinion Magazine
Number of visits: 9746059
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વારસા પર દીકરીનો હકઃ પ્રગતિશીલ કાયદાઓ માત્ર કાગળ પર ન રહી જાય તેની જવાબદારી સમાજે નિભાવવી રહી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 January 2022

ભારતમાં હિંસા, ક્રૂરતા અને શોષણના ખદબદતા માહોલ વચ્ચે મહિલાઓએ સમાનતા અને ન્યાય માટે પણ લડતા રહેવું પડે છે

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે એક બહુ જ મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો. આ ચુકાદા અનુસાર પિતાની મિલકતમાં દીકરીનો પણ દીકરા જેટલો જ અધિકાર રહેશે. આ કાયદા અનુસાર અમુક જૂની વિચારધારાઓ અને નિયમોને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધાં. મદ્રાસ હાઇકોર્ટના એક ચુકાદા વિરુદ્ધ એક અપીલ દાખલ કરાયેલી હતી જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપ્યો કે વસિયત વગર મૃત્યુ પામેલા હિન્દુ પુરુષની સ્વ-ઉપાર્જીત તથા અન્ય સંપત્તિ પર દીકરીનો અધિકાર રહેશે.  આ ચુકાદા સાથે મિલકતના વારસામાં દીકરીને અગ્રતા મળશે. આ કાયદાની આંટીઘૂંટી વખત આવ્યે સમજી શકાશે પણ સપાટી પરથી સમજીએ તો દીકરીઓને જે સમાજમાં પારકી ગણાય છે તે હવે પોતાનો હક માંગી શકશે અને તેમાં કાયદો તેમની પડખે રહશે.

ગમે કે ન ગમે પણ વાસ્તવિકતા એ છે કે આપણી પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓને તેમનો અધિકાર આપવાને મામલે સમાજમાં સારો એવો ખચકાટ છે. કુટુંબના પુરુષ સભ્યોએ કોઇને પૂછ્યા-ગાછ્યા વગર મિલકત પર પોતાનો અબાધિત અધિકાર ‘ગ્રાન્ટેડ’ ગણી લે છે. તેમને કોઇ કહે કે ન કહે તેઓ માને છે કે વારસામાં મળેલી સંપત્તિની ચોકીદારી કરવાની જવાબદારી તેઓ ઉપાડી જ લેતા હોય છે. મિલકતને આપણા દેશમાં ધનનો પ્રાથમિક સ્રોત માનવામાં આવે છે અને તે સાહજિક રીતે જ પુરુષ વારસદારોને જાય એવું માની લેવાયેલું છે. આ કારણે સ્ત્રીઓ જેમને લગ્ન પછી કોઇ સમસ્યા હોય, આર્થિક રીતે સદ્ધર થવું હોય પણ એ માટે જે મૂળભૂત આર્થિક ટેકો જોઇએ એ ન હોય અથવા તો પછી પોતાના શિક્ષણ કે નાનકડા વ્યવસાય માટે પણ નાણાંની જરૂર હોય તો તે ક્યાંથી મેળવવા કે કોની પાસેથી માગવા તેની કોઇ સ્પષ્ટતા નથી હોતી. તાજેતરમાં જ બહાર પડેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે – 5 અનુસાર 43 ટકા સ્ત્રીઓએ કબૂલ્યું હતું કે તેઓ કોઇ જમીન કે મિલકતના કાં તો સહિયારા અથવા તો એકાકી માલિક છે. આપણા સમાજમાં જે સ્થિતિ છે તે જોતા આ આંકડો સાંભળીને સારું લાગે પણ આ આખી બાબતની ‘સબ-ટેક્સ્ટ’ જોવી પડે કારણ કે મિલકત સ્ત્રીને નામે હોય એટલે તે એ મિલકતનો ધારે ત્યારે ઉપયોગ કરી શકે અથવા તો તેના ઉપયોગ પર તેનો પૂરેપૂરો કાબૂ હોય તેવું કેટલી હદે છે તેનો સરવે થાય તો આ આંકડો જુદો હોઇ શકે છે. અન્ય એક રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પરિવારો પાસે પોતાની જમીનો છે ત્યાં માંડ 16 ટકા સ્ત્રીઓ પાસે જ જમીનની માલિકી હતી. વળી ખેતીની જમીન પરની માલિકીને મામલે વ્યક્તિગત કાયદા અને રાજ્યના કાયદામાં વિરોધાભાસી વાત છે અને માટે જ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ કે દિલ્હી જેવા વિસ્તારોમાં વારસાને મામલે જે જોગવાઈઓ છે તે ઘણી પછાત છે. હિંદુ સક્સેશન એક્ટ 1956 દ્વારા સ્ત્રીઓને જે અધિકારો અપાયા હતા તેને બદલવાની માથાકૂટ હરિયાણામાં થઇ ચુકી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં 2016થી પરણેલી દીકરીઓને પ્રાથમિક રીતે વારસદારમાં ગણવામાં જ નથી આવતી. આ જ બાબત એની સાબિતી છે કે આપણે ત્યાં પિતૃસત્તાક સમાજને પ્રગતિશીલ કાયદાઓ પચતા નથી. શહેરોમાં જે બાબતો સપાટી પર નથી ગણાતી તેવી દહેજની વાતને પણ મિલકતને મામલે પરિવારો ગણતરીમાં લેતા ખચકાતા નથી. પુરુષ સભ્યો એવી દલીલ કરી જ શકે છે કે દહેજ મળ્યો હોય તો દીકરીએ પિતાની મિલકત પર કોઇ હક ન જતાવવો જોઇએ. 

વળી સુપ્રીમ કોર્ટે હમણાં જે ચુકાદો આપ્યો છે તે આ હિંદુ સક્સેશન એક્ટના 1956 હેઠળ જે મહિલાઓને પિતૃક સંપત્તિમાં ભાગ નથી મળ્યો તેમને પણ દાવો માંડવાની છૂટ આપે છે. આ ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે જૂના પારંપરિક હિંદુ કાયદા અને આ પહેલાં અપાયેલા ન્યાયિક ચુકાદાઓના ઉદાહરણ ટાંકીને સિદ્ધ કર્યું કે હિંદુ સક્સેશન એક્ટ પહેલાં પણ પત્નીઓ અને દીકરીઓને પિતા/પુરુષની સ્વ-ઉપાર્જિત મિલકત પર દીકરાઓને હોય એટલા જ હક હતા. સુપ્રીમ કોર્ટે યાજ્ઞવલક્ય સ્મૃતિ જે એક ધર્મશાસ્ત્ર પરંપરાનો ગ્રંથ છે, તેનો ઉલ્લેખ કર્યો જેમાં વારસાની મિલકત પર મહિલાઓના હકનો ઉલ્લેખ છે. આ ગ્રંથમાં બે કાયદા એવા હતા જે અગત્યના હતા એક હતો વિજ્ઞાનેશ્વરનો મિતાક્ષરા અ જીમૂતવાહનનો દાયભાગ – દાયભાગનો કાયદો બંગાળ અને આસામમાં ચાલતો, જ્યારે દેશના બાકીના રાજ્યોમાં મિતાક્ષરાનો કાયદો લાગુ થતો. આ કાયદાઓમાં પુત્ર-પુત્રીને વારસો આપવાને મામલે અસમાનતા તો હતી જ પણ સમયાંતરે તેમાં ફેરફાર કરાયા હતા. આ ફેરફાર અનુસાર વસિયત લખ્યા વિના ગુજરી ગયેલ પિતાના વારસોમાં દીકરાઓ ઉપરાંત દીકરી, માતા, વિધવા પત્ની વગેરેને ગણતરી થઇ. જો કે હજી આ કાયદામા અમુક ક્ષતિ હતી, જેમાં 2005માં ફેરફાર કરાયા અને મહિલાઓને પૈતૃક સંપત્તિમાં વ્યાપક અધિકારો મળ્યા અને 2020ની સાલમાં દીકરીઓના અધિકારોને વધુ વિસ્તારિત કરાયા. તાજેતરના ચુકાદાએ આ અધિકારોની સૂક્ષ્મ બાબતોને વધુ સ્પષ્ટ કરી જેથી પિતાની સંપત્તિ પર હકની વાત આવે ત્યારે દીકરીઓને હાંસિયામાં ન ધકેલી દેવાય.

આ અગત્યની બાબત છે પણ આપણા દેશમાં જ્યાં જૂનવાણી માનસિકતાનાં મૂળિયાં બહુ ઊંડાં છે ત્યાં આ ફેરફારો સમાજને કેટલા પચે છે તે વખત આવ્યે જ ખબર પડશે. કમનસીબે ભારતમાં હિંસા, ક્રૂરતા અને શોષણના ખદબદતા માહોલ વચ્ચે મહિલાઓએ સમાનતા અને ન્યાય માટે પણ લડતા રહેવું પડે છે. વળી, જેમ ઉપર ચર્ચા કરી તેમ ખેતીની જમીન ધરાવતા રાજ્યો સુપ્રીમ કોર્ટના આ કાયદાને વધાવી લેશે તે જરૂરી નથી, કારણ કે રાજ્યના ન્યાયતંત્રમાં અલગ જોગવાઇઓ હોય છે. કાયદો પ્રગતિશીલ બને તેનાથી સમાજ પ્રગતિશીલ બની જશે એવું માનવાની કોઇ જરૂર નથી.

બાય ધી વેઃ

આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં વાસ્તવિકતા કાયદા અને ડેટાને આધારે નથી બનતી પણ માણસ અને માણસાઇના અનુભવને આધારે ઘડાય છે. વારંવાર એવી ઘટનાઓ સામે આવે છે જ્યાં સાબિત થાય છે બંધારણ કે કાયદામાં જે હોય એ પણ મહિલાઓ સાથે સમાન વહેવાર નથી જ થતો. દસ્તાવેજ પર પ્રગતિશીલ શબ્દો છાપેલા હોવાથી સમાજ નથી બદલાઇ જતો. જે દેશમાં મહિલાઓને સૈન્યની પરીક્ષા આપવા માટે પણ કાયદાની જરૂર પડે જ્યાં મંત્રીઓ મહિલાઓ વિશે મનફાવે એવી ટિપ્પણી કરે, જ્યાં રાજકારણીની દીકરી પોતાના મનગમતા યુવકને પરણે તો પિતાના ગુંડાઓથી બચવા તેણે પિતાને જાહેર અપીલ કરવી પડે, જ્યાં હજી લગ્ન સંબંધમાં થતા બળાત્કારને મામલે કોર્ટમાં પાયા વગરના વિધાનો થઇ શકે ત્યાં આપણે પ્રગતિશીલ કાયદાઓથી ફુલાઇ ન જવું. જે કાયદાઓ કાગળ પર છે તેને સમાજમાં પૂરેપૂરી રીતે સ્વીકારાય તે માટે હજી લાંબી મજલ કાપવાની છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  30 જાન્યુઆરી 2022

Loading

ઝીણા, રતનબાઈ અને દિના : આ પાત્રો ભારતના ઇતિહાસનાં પણ છે …

સોનલ પરીખ|Opinion - Opinion|30 January 2022

દીકરી દિનાએ પસંદ કરેલો યુવાન મુસ્લિમ ન હતો એ જાણી ઝીણા ધૂંધવાયા, ‘દેશમાં આટલા બધા મુસ્લિમ યુવાનો છે, તેમાંથી તને પરણવા લાયક એકે યુવાન ન મળ્યો ?’ દિનાએ રોકડું પરખાવ્યું, ‘દેશમાં આટલી બધી મુસ્લિમ યુવતીઓ હતી, તેમાંથી તમને પણ પરણવા લાયક એકે નહોતી મળી ને, તમે પણ પારસીને પરણ્યા હતા ને ?’ અને 17 વર્ષની દિના નેવિલ વાડિયાને પરણી ગઈ …

‘ખુદા કે લિયે’ નામની પાકિસ્તાની ફિલ્મમાં, બ્રિટનમાં રહેતા મુસ્લિમ પિતા-પુત્રીની વાત છે. વિધુર થયા પછી એક અંગ્રેજ સ્ત્રીને પરણેલો પિતા, છૂટાછેડા પછી બધી રીતે પાયમાલ થઈ એક અંગ્રેજ સ્ત્રી સાથે લગ્ન વગર રહે છે. પણ દીકરી એક અંગ્રેજ યુવકના પ્રેમમાં છે એ જાણી એ ખળભળી ઊઠે છે અને દીકરીને પાકિસ્તાન લઈ આવી, છેતરીને એક મુસ્લિમ યુવાન સાથે પરણાવી દે છે. વાર્તા તો હજી લાંબી છે અને રસપૂર્ણ પણ, પણ અહીં મારે ધ્યાન એ તરફ દોરવું છે કે માણસ કેવાં બેવડાં ધોરણો સાથે જીવે છે – પોતા માટે એક નિયમ, અન્ય માટે બીજા નિયમ – એ ‘અન્ય’ પોતાનાં સંતાન હોય તો પણ ! આ ફિલ્મ હતી, પણ આવું વાસ્તવમાં પણ બને. આ પાકિસ્તાનની વાત હતી, પણ આવું ભારતમાં પણ બને – ગમે ત્યાં બને, કારણ કે બેવડાં ધોરણ કોઈ એક જગ્યાએ હોતા નથી. વેબડાં ધોરણ એ તો આખી દુનિયાના લોકોમાં ફેલાયેલી માનસિકતા છે.

1938ની સાલમાં, બીજા વિશ્વયુદ્ધના આગલા વર્ષે આપણા દેશમાં એક મોટા મુસ્લિમ નેતાની દીકરી, પિતા પાસે પોતાના મિત્રને પરણવાની પરવાનગી લેવા આવી. પિતા વિધુર હતા. એમની સદ્દગત પત્ની પારસી હતી. એટલે દીકરી જન્મથી અડધી પારસી હતી અને નાનાનાની પાસે ઊછરતી એટલે સંસ્કારે પણ પારસી ખરી. એણે પસંદ કરેલો યુવાન ભણેલો અને સફળ બિઝનેસમેન હતો, પણ એ પારસી હતો એ જાણી પિતા ધૂંધવાયા, ‘દેશમાં આટલા બધા મુસ્લિમ યુવાનો છે, તેમાંથી તને પરણવા લાયક એકે યુવાન ન મળ્યો ?’ દીકરીએ રોકડું પરખાવ્યું, ‘દેશમાં આટલી બધી મુસ્લિમ યુવતીઓ હતી, તેમાંથી તમને પણ પરણવા લાયક એકે નહોતી મળી ને, તમે પણ પારસીને પરણ્યા હતા ને ?’ અને સત્તર વર્ષની એ છોકરી તેના પારસી પ્રેમી નેવિલ વાડિયા સાથે પરણી ગઈ. પિતાએ એનો બહિષ્કાર કર્યો.

આ પિતા-પુત્રી એટલે મહમ્મદ અલી ઝીણા અને એની દીકરી દિના. ઝીણાના રાજકીય જીવન વિશે આપણે બધા જાણીએ જ છીએ, આજે એમના પારિવારિક જીવન વિશે થોડી વાત કરીશું, કારણ કે 25 ડિસેમ્બરે ઝીણાનો જન્મદિન હતો, કારણ કે ઝીણા, એમની પારસી પત્ની રતનબાઈ ઉર્ફ રુટી અને એમની પુત્રી દિના આ ત્રણે પાત્રો ભારતીય ઇતિહાસનાં પણ છે.

કાઠિયાવાડના મોટી પાનેલી ગામના ખોજા દંપતી ઝીણા પૂંજા અને મીઠીબાઈને ત્યાં 1876માં જન્મેલા મહમ્મદ અલી સાત બાળકોમાં સૌથી મોટા હતા. મુંબઈ અને લંડનમાં ભણ્યા અને 19મા વર્ષે બેરિસ્ટર થયા. ભારત પાછા આવ્યા બાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા પણ ગાંધીજી સાથે મતભેદ થતાં કૉંગ્રેસ છોડી અને 1913થી મુસ્લિમ લીગનું નેતૃત્વ સંભાળ્યું. 1920થી તેમની કટ્ટરતા વધતી ગઈ, 1937 પછી એમણે ભારતથી અલગ સ્વતંત્ર મુસ્લિમ દેશની માગણી કરવા માંડી. 1947માં વિભાજન થયું. ઝીણા સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ અને વડા બન્યા. 1948 સપ્ટેમ્બરમાં એમનું મૃત્યુ થયું.

ઇંગ્લેન્ડથી પાછા ફર્યા બાદ તેમનો પરિચય મુંબઈમાં પહેલી ટેક્સટાઈલ મિલ શરૂ કરનાર દિનશા પેટિટ સાથે થયો. દિનશા પેટિટ તેમના ક્લાયન્ટ અને મિત્ર બન્ને હતા. રતનબાઈ ઉર્ફ રુટી આ દિનશા પેટિટની દીકરી. ઝીણા લંડનમાં ભણ્યા હતા, દેખાવડા હતા અને મુંબઈમાં વકીલાત કરતા હતા. મુગ્ધ રુટિ એમના તરફ આકર્ષાતી ગઈ. રુટિ ખૂબ દેખાવડી અને પશ્ચિમી ઢબે ટ્રેઈન્ડ આયાઓ પાસે ઉછરેલી આધુનિક કન્યા હતી. ઝીણા પણ આકર્ષાયા. ત્યારે ઝીણા ૪૦ વર્ષના હતા અને રુટિ 16 વર્ષની.

બે વર્ષ પ્રણય પાંગરતો રહ્યો. દિનશા પેટિટે પુત્રીના 18મા જન્મદિનની પાર્ટી તાજ હૉટેલમાં રાખી. મહેમાનો સમક્ષ રુટિએ નાટ્યાત્મક ઢબે જાહેર કર્યું કે તે ઝીણા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી ચૂકી છે. દિનશા સ્તબ્ધ થઈ ગયા. મહેમાનો પણ આઘાત પામ્યા. સમગ્ર પારસી સમાજ ચોંકી ગયો. 1918માં બન્નેએ લગ્ન કરી લીધા. રુટિએ મુસ્લિમ ધર્મ અપનાવી મરિયમ નામ ધારણ કર્યું. લગ્ન વખતે ઝીણા ૪૨ અને રતનબાઈ ૧૮ વર્ષના હતાં.

લગ્નના એક વર્ષ બાદ ૧૫ ઓગસ્ટ ૧૯૧૯ને દિવસે દિનાનો જન્મ થયો. ત્યાં સુધીમાં ઝીણા અને રુટિ એકબીજાથી ત્રાસી ગયા હતા. રુટિ મિત્રો અને મજલિસોમાં વ્યસ્ત રહેતી અને ઝીણા વકીલાત અને રાજકીય કારકિર્દીમાં. દીકરી માટે ટ્રેઈન્ડ મોંઘી આયાઓ રોકી પતિપત્ની પોતપોતાની જિંદગી જીવવા લાગ્યાં. ઝઘડા થઈ જતા તો રુટિ તાજમાં રહેવા ચાલી જતી. તાજના એના સ્યુટનું બિલ ઝીણા ભરી દેતા.

દીકરી પ્રત્યે માબાપની ઉપેક્ષા એટલી બધી હતી કે વર્ષો સુધી એનું નામ પણ પડ્યું નહોતું. થોડા વખત પછી રુટિ બીમાર રહેવા લાગી. ઝીણાના ખાસ મિત્ર કાનજી દ્વારકાદાસે માંદગી દરમિયાન અને છેક સુધી રુટિની સંભાળ રાખી હતી. કાનજી દ્વારકાદાસ 1914થી હોમરૂલ લીગમાં સક્રિય હતા. કાનજી દ્વારકાદાસ ગાંધીજીને 1917માં મળ્યા હતા અને ચંપારણના સત્યાગ્રહ પછી ગાંધીજીને લગભગ રોજ મળતા, પણ ક્યારે ય ગાંધીજીની જાદુઈ અસરમાં ન આવ્યા અને કદી પણ કૉંગ્રેસમાં જોડાવાનું ઉચિત ન માન્યું. તેઓ મજૂરોના કલ્યાણ માટે સતત સક્રિય રહ્યા હતા.

માત્ર 29 વર્ષની વયે રુટિનું મૃત્યુ થયું. દીકરી એના નાની દિનબાઈ પાસે ઉછરવા લાગી અને ‘દિના’ કહેવાઈ. દિનાએ તેના પિતાને ખૂબ જ નજીકથી જીદ્દી, મહત્ત્વાકાંક્ષી અને કટ્ટર માન્યતાના આગ્રહી તરીકે જોયા હતા. એમની વચ્ચેના સંબંધો તંગ જ રહ્યા. ઝીણાના સ્વભાવમાં હઠ અને અહંકારનો અતિરેક હતો તેનું કારણ ભગ્ન લગ્ન અને એકલવાયાપણું હોઈ શકે. અલગ પાકિસ્તાનની ધૂન સવાર થયા પછી ઝીણા મુસ્લિમ રિવાજોમાં માનવા લાગ્યા જો કે ઘણાખરા ચુસ્ત મુસ્લિમો એમને મુસલમાન માનતા નહીં. 

1938માં દિનાનાં લગ્ન થયાં. પાકિસ્તાન બન્યું ત્યારે દિનાએ પિતા સાથે પાકિસ્તાન જવાની ના પાડી ભારતમાં જ રહેવું પસંદ કર્યું હતું. પણ તેણે પિતાને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો. ઝીણાએ તેનો જવાબ આપ્યો નહીં. 1948માં ઝીણાની તબિયત ખૂબ ખરાબ થઈ ત્યારે તેણે દિનાએ પાકિસ્તાન જવાની તૈયારી કરી. ઝીણાએ મરણપથારીએથી પણ દિનાના વિઝા રીજેક્ટ કરવાની સૂચના આપી દીધી. તેમની દફનવિધિમાં દિના પાકિસ્તાન ગયાં હતાં. તે પછી છેક ૨૦૦૪માં દિના સપરિવાર પાકિસ્તાન ગયા હતાં અને ઝીણાની કબર પર ફૂલો મૂકી પ્રાર્થના કરી હતી. દિનાના પુત્રો નેસ અને જહાંગીર વાડિયા બૉમ્બે ડાઇંગના ચૅરમેન અને બહુમતિ માલિકો છે. મુંબઈમાં એમની મોટી મિલકતો છે. વાડિયા ગ્રુપ તીખી કૉર્પોરેટ લડાઈઓ માટે જાણીતું છે. દિના 2017માં 98 વર્ષની ઉંમરે ન્યૂ યૉર્કમાં મૃત્યુ પામ્યાં.

ઝીણાના નિધન બાદ જીવનપર્યંત દિના મુંબઈમાં મલબાર હિલ્સ વિસ્તારમાં આવેલ એમનો બંગલો પોતાની માલિકીનો થાય તે માટે કોર્ટમાં કેસ લડતા રહ્યાં હતાં. આ બંગલો 'ઝીણા હાઉસ' તરીકે ઓળખાય છે. આ બંગલો ૧૯૩૬માં બ્રિટનના જાણીતા સ્થપતિ ક્લોડ બેટલે દ્વારા ડિઝાઈન થયેલો અને ૨.૫ એકરમાં જમીન પર તે જમાનામાં બે લાખ(આજના લગભગ બસો કરોડ)ના ખર્ચે બન્યો હતો.  ઇંગ્લેન્ડના સંગેમરમર અને અખરોટના લાકડાનો ઉપયોગ થયો હતો. આ જ બંગલામાં ગાંધીજી, નહેરુ અને ઝીણા વચ્ચે આઝાદીના સંગ્રામની રણનીતિથી માંડી આગળ જતા અલગ પાકિસ્તાનના ખ્યાલ અંગે બેઠકો થઈ હતી. ભારત છોડતી વખતે ઝીણાએ કહ્યું હતું, ‘આ બંગલો યુરોપીય દૂતાવાસને સોંપી દેજો, ભારતીયો એને લાયક નથી.’

ઝીણા જાહેરમાં બે વખત રડ્યા છે. પહેલી વાર રુટિનું મૃત્યુ થયું ત્યારે અને બીજી વખત પાકિસ્તાન જતા અગાઉ છેલ્લી વખત રુટિની કબર પર ગયા ત્યારે. શીલા રેડ્ડીએ ‘મિ. એન્ડ મિસિસ ઝીણા’માં ઝીણા અને રુટિના દાંપત્યને ‘રોમાન્સની નાની પણ પ્રબળ કહાણી’ તરીકે વર્ણવ્યું છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 ડિસેમ્બર 2021

Loading

શૂન્ય અને અનંતને ગણિતનાં સૂત્રોથી જોડનાર શ્રીનિવાસ રામાનુજન્‌

સોનલ પરીખ|Opinion - Opinion|29 January 2022

એન ઈક્વેશન મિન્સ નથિંગ ટુ મી અનલેસ ઈટ એક્સપ્રેસિઝ થોટ ઑફ ગૉડ

દુનિયામાં ગણિત વગરનું કશું જ નથી. ગણિત વિના કશું થઈ શકે નહીં. તમારી આસપાસનું બધું ગણિત જ છે

— શ્રીનિવાસ રામાનુજન્‌

આજના યુગને ટેકનોલૉજીના યુગ તરીકે ઓળખવામાં આવે છે અને આજની ટેકનોલૉજીનું સૌથી મહત્ત્વનું અંગ ગણાય છે કૉમ્પ્યુટર ! કૉમ્પ્યુટરનો મૂળભૂત પાયો કોઇ યંત્રવિજ્ઞાન ઉપર નહિ – માત્ર ગણિત ઉપર જ રચાયેલો છે. એટલે જ કૉમ્પ્યુટરને ‘સંગણક’ કહેવામાં આવે છે. એની મેમરી, ઈનપુટ-આઉટપુટ, અલ્ગૉરિધમ, કંટ્રોલ યુનિટ, મલ્ટિટાસ્કિંગ અને મલ્ટિપ્રોસેસિંગ કૅપેસિટી, નેટવર્કિંગ, ઈન્ટરનેટ – આ બધાની પાછળ ગણિત જ તો છે. ભારતના અદ્દભુત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન્‌ તો ત્યાં સુધી કહેતા કે ‘દુનિયામાં ગણિત વગરનું કશું જ નથી. ગણિત વિના કશું થઈ શકે નહીં. તમારી આસપાસનું બધું ગણિત જ છે.’ આ શ્રીનિવાસ રામાનુજન્‌નાં જીવન અને કાર્યવિશે જાણવું એ એક રોમાંચક અનુભવ છે. 22 ડિસેમ્બરે એમનો જન્મદિન છે એ નિમિત્તે આજે આ અનુભવમાંથી પસાર થઈએ.

ગણિત એટલે શૂન્યથી નવ સુધીના અંક અને આ આંકડાઓના પરસ્પર સંબંધની અનંત ક્ષમતા. સાવ સરળ અને સામાન્ય લાગતું આંકડાઓનું આ તર્કશાસ્ત્ર ઊંડો વિચાર કરતાં એટલું જ આશ્ચર્યજનક અને રહસ્યભરપૂર પણ બની રહે છે. એટલી જ હેરતજનક છે આપણા મગજની ગણિતક્ષમતા. કોઈને ગણિત ન જ ફાવે અને કોઈને ગણિત સિવાયનું કશું જ ન ફાવે. આપણે બધા આ બે અંતિમોની વચ્ચે ક્યાંક આવીએ, પણ શ્રીનિવાસ રામાનુજન્‌ બાળપણથી જ બીજા પ્રકારમાં આવતા હતા.

શ્રીનિવાસ ઐયંગર રામાનુજન્‌નો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં અત્યારના તમિલનાડુ અને ત્યારના મદ્રાસના ઈરોડ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો. તેઓ ૨૦મી સદીના ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ ગણાય છે. રામાનુજન્‌ની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ ૩,૯૦૦ જેટલાં નવાં સૂત્રો શોધનાર રામાનુજન્‌ ધાર્મિક પણ હતા. કહેતા, ‘એન ઈક્વેશન મિન્સ નથિંગ ટુ મી અનલેસ ઈટ એક્સપ્રેસિઝ થોટ ઑફ ગૉડ.’

બાળપણથી રામાનુજન્‌ ગંભીર હતા. પાંચ વર્ષની ઉંમરે નિશાળે મૂકવામાં આવ્યા ત્યારે શિક્ષકના અચંબાનો પાર ન રહ્યો – રામાનુજન્‌ને એકથી સો સુધીના આંક વગર શીખવ્યે જ લખતાં આવડી ગયા હતા. જો કે તેને બારાખડી લખતાં આવડતી ન હતી. ગણિત સિવાય અન્ય કોઇ વિષયમાં તેને કદી રસ ન પડ્યો. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે જુદા જુદા વિષયોની ચોપડીઓ લઇને ભણતા હોય ત્યારે રામાનુજન્‌ પાટી-પેન લઇને કેવળ આંકડાઓ જ માંડ્યા કરતા. આ ટેવ પછી પણ કાયમ રહી. મોડી રાત સુધી રામાનુજન્‌ પાટી-પેન લઈ લખ-ભૂંસ કર્યા જ કરતા. એના ટક-ટક અવાજથી સૌ પરેશાન થતા.

આખરે તેઓ હાઈસ્કૂલમાં પહોંચ્યા. માતાપિતા ઈચ્છતા કે દીકરો ભણીગણીને સારા પગારની નોકરી મેળવે. એમના ગાણિતિક કૌશલ્યને તેઓ એક પ્રકારની ઘેલછા માનવા લાગ્યા હતા. શિક્ષકો પણ કહેતા કે આ છોકરાને આંકડાઓનાં ચીતરામણ સિવાય બીજું કશું આવડતું નથી. પણ હાઈ સ્કૂલમાં જવાથી રામાનુજન્‌ને એક ફાયદો થયો. તામિલ અને અંગ્રેજી – બેઉ ભાષાઓ પર તેની માસ્ટરી આવી ગઇ. ગણિતને લગતાં જે અઘરાં પુસ્તકો અંગ્રેજીમાં હતાં તે બધાં વાંચી નાખવાની તેને તક મળી, પણ અન્ય વિષયોમાં ‘ઢ’ હોવાથી મહામુસીબતે ૧૯૦૩માં તેઓ મૅટ્રિક પાસ થયા.

1908માં જાનકી સાથે લગ્ન થયાં. રામાનુજન્‌ નોકરીની શોધમાં મદ્રાસ આવ્યા. ત્યાંના ડૅપ્યુટી કલેક્ટર રામાસ્વામી અય્યર ગણિતના વિદ્વાન હતા. રામાનુજની નૉટબુક જોઈ તેઓ તેમની પ્રતિભા જાણી ગયા. તેમણે જિલ્લાધિકારીને કહીને રામાનુજને સ્કૉલરશીપ અપાવી અને રામાનુજને પોતાનો પહેલો શોધપત્ર પ્રગટ કર્યો. આ પત્ર ‘જર્નલ ઑફ ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટી’માં પ્રગટ થયો.

પછીના વર્ષે તેમણે મદ્રાસ પૉર્ટ ટ્રસ્ટમાં ક્લાર્કની નોકરી લીધી. આ નોકરીમાં એમને ગણિત પર ધ્યાન આપવાનો વખત પણ મળતો પણ હવે એમને કોઈ અંગ્રેજ ગણિત-વિશેષજ્ઞની મદદની જરૂર હતી. શુભચિંતક મિત્રોએ રામાનુજન્‌ના કામને લંડનના ગણિતજ્ઞો સુધી પહોંચાડ્યું. તેનાથી રામાનુજન્‌ને ખાસ મદદ મળી નહીં, પણ તેઓ થોડા જાણીતા થયા. પ્રો. શેષુ અય્યરે એમનાં સૂત્રો જોઈ લંડનના પ્રો. હાર્ડીનાં સંશોધનો વાંચવા આપ્યાં. પ્રો. હાર્ડી વિશ્વના ત્યારના મહાન ગણિતજ્ઞોમાંના એક હતા. એ વાંચીને રામાનુજને કહ્યું કે પ્રો. હાર્ડીના અનુત્તરિત પ્રશ્નોના જવાબ પોતાની પાસે છે.

આ પછી રામાનુજન્‌ અને પ્રો. હાર્ડી વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો. રામાનુજન્‌ના જીવનનો જાણે એક નવો યુગ શરૂ થયો. ઝવેરી રત્નને પારખી લે તેમ પ્રો. હાર્ડીએ રામાનુજન્‌ને ઓળખી લીધા. તેઓ આજીવન રામાનુજન્‌ના વ્યક્તિત્વ અને પ્રતિભાના પ્રશંસક બની રહ્યા. બન્ને એકબીજાના પૂરક બની રહ્યા.

પ્રો. હાર્ડીએ રામાનુજન્‌ને ઈંગ્લૅન્ડ આવી વધુ સંશોધન કરવાની પ્રેરણા આપી. અંગત કારણોસર રામાનુજન્‌ એમનો પ્રસ્તાવ સ્વીકારી ન શક્યા. ડૉ. હાર્ડીએ પ્રયત્નો ચાલુ રાખ્યા. થોડા સમય પછી રામાનુજન્‌ સહમત થયા. પ્રો. હાર્ડીએ એમને કૅમ્બ્રિજ આવવાના ખર્ચની સગવડ પણ કરી આપી અને 3,000થી વધારે સૂત્રો લખેલી નોટબુક સાથે રામાનુજને ઈંગ્લૅન્ડની ધરતી પર પગ મૂક્યો. તેઓ શાંત અને સંકોચશીલ હતા. એમની રહેણીકરણી સાદી અને સાત્ત્વિક પ્રકારની હતી. ઈંગ્લૅન્ડવાસ દરમ્યાન હંમેશાં પોતાનું ભોજન જાતે રાંધતા. પ્રો. હાર્ડી સાથે મળીને તેમણે અનેક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા.

પણ તેઓ શ્વેત ન હતા, એમની અસાધારણ પ્રતિભા કેટલાક ગોરા વિદ્વાનોને નડતી. વળી જે ઝડપથી તેમનું મગજ કામ કરતું એ ઝડપથી તેઓ પોતાને મળેલા ગાણિતિક સત્યો વિશે લખી ન શકતા. એમનું રહેઠાણ સારા વિસ્તારમાં ન હતું. લંડનની આબોહવા માફક ન આવતી. પ્રો. હાર્ડીએ એમની કૉમ્યુનિકેશન સ્કીલ અસરકારક બનાવવામાં મદદ કરી. એવામાં રામાનુજન્‌ બીમાર પડ્યા. નિદાન થયું, ટી.બી. – ભારતની પહેલી ડૉક્ટર આનંદી જોશીને પણ લગભગ આ અરસામાં વિદેશની ધરતી પર ટી.બી. થયો હતો. એ માત્ર 21 વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી.

એ સમયે ક્ષય રોગની દવા નહોતી. રામાનુજન્‌ સેનેટોરિયમમાં જઈને રહ્યા. ત્યાં પણ ગણિતનાં સૂત્રો બનાવ્યા કરતા. દરમિયાન તેમને રૉયલ સોસાયટીની ફેલોશીપ મળી. પહેલા વિશ્વયુદ્ધનાં એ વર્ષોમાં, અડધી દુનિયા પર અંગ્રેજોનું શાસન હતું અને રંગભેદનું પ્રભુત્વ હતું એવે વખતે એક ભારતીયને આ ફેલોશીપ મળવી એ બહુ મોટી ઘટના હતી. રૉયલ સોસાયટીના ઇતિહાસમાં રામાનુજન્‌ જેટલી નાની ઉંમરના કોઈ ફેલો ન હતા.

પણ બીમારીને લીધે એમને ભારત પાછા ફરવું પડ્યું. મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકની નોકરી લઈ તેઓ ફરી સંશોધનોમાં ડૂબી ગયા. ગંભીર સ્થિતિમાં પણ એમણે મૉક થીટા ફંકશન પર ઉચ્ચ સ્તરનું રિસર્ચ-પેપર લખ્યું. આ પેપરનો ઉપયોગ મેડિકલ સાયન્સમાં કેન્સરને સમજવામાં પણ થાય છે. 1920ની 26મી એપ્રિલે માત્ર 33 વર્ષના અને ગણિતશાસ્ત્રી તરીકે આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી ચૂકેલા રામાનુજને અંતિમ શ્વાસ લીધા. દેશવિદેશના ગણિતજ્ઞો એમના મૃત્યુની ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા.

રામાનુજન્‌નું સંશોધન આજે પણ એક આશ્ચર્ય બની રહ્યું છે. 1976માં ટ્રિનિટી પુસ્તકાલયમાં એમની એક નોટબુક મળી આવી જેમાં 100 જેટલાં પાનાં ભરીને સૂત્રો લખેલાં હતાં જેને ઉકેલતાં ગણિતજ્ઞો હાંફી ગયા. મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂશન ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચએ એનું પ્રકાશન પણ કર્યું છે. રામાનુજને શૂન્ય અને અનંત વચ્ચેના આંતરસંબંધોને સમજાવવા માટે ગણિતનાં સૂત્રોનો આધાર લીધો હતો.

એમના જીવન પરથી તમિલ અને અંગ્રેજીમાં ‘રામાનુજન્‌’ ફિલ્મ બની અને 2014માં વિશ્વભરમાં રિલિઝ થઈ. બ્રિટિશ ફિલ્મ ‘ધ મેન હુ ન્યુ ઈન્ફિનિટી’ 2015માં બની છે. તેમણે હાઇલી કોમ્પોઝિટ નંબર્સ પર શોધ નિબંધ લખ્યો હતો. તેમની ૧૨૫મી જન્મતિથિ પર ભારતીય ટપાલ વિભાગ દ્વારા રામાનુજન્‌ના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

આપણાં યુવાન માતાપિતાઓ બાળકોને આવી પ્રતિભાઓની વાર્તા કહી ઉછેરે તો કેવું સારું થાય !

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 ડિસેમ્બર 2021 

Loading

...102030...1,6841,6851,6861,687...1,6901,7001,710...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved