Opinion Magazine
Number of visits: 9745572
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોખા અવાજની વાર્તાઓ

ચૈતાલી ઠક્કર|Opinion - Literature|17 February 2022

ધાર્યું કે આ વાર્તા નથી, એવો વળતો જવાબ આપવાનું પ્રથમ વાર્તાથી જ મન થાય એવો વાર્તાસંગ્રહ એટલે ‘ધારો કે આ વાર્તા નથી’ – લેખક હિમાંશી શેલત. આ વાંચતાં ૨૦૦૮નો સમય મારા સ્મરણપટ ઉપર તાજો થયો. એમ.એ.ના મારા અભ્યાસક્રમમાં દરમિયાન ટૂંકી વાર્તાઓ ચાલે અને આ સ્વરૂપને સમજવા માટે ચાર વાર્તાકારોની વાર્તાઓમાંથી એક વાર્તાનું પુસ્તક આ  ‘હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિ’. આ વાર્તાઓને યાદ કરીને જે વાર્તાસંગ્રહ વિશે લખવા પ્રેરાઈ  છું તે વાર્તાસંગ્રહ એટલે ‘ધારો કે આ વાર્તા નથી’ તે પ્રગટ થાય છે જૂન ૨૦૧૮માં. એમાં કુલ ૧૩ વાર્તાઓ સમાવિષ્ટ છે, અને આ સંગ્રહ અર્પણ થયો છે લેખિકાનો જેની સાથે ખાસ સંબંધ રહ્યો છે તેવી બે સંસ્થાઓને – જીવનભારતી અને એમ.ટી.બી કૉલેજને. પ્રસ્તાવનામાં લેખિકા પુસ્તકનો ઉદ્દેશ પ્રગટ કરતાં કહે છે, “જે કાળખંડમાં જીવવાનું આવ્યું છે તેની ભીંસ અનુભવું છું. આ વાર્તાસંગ્રહની તમામ કૃતિઓમાં એ રાજકીય અને સામાજિક પરિબળોનું દબાણ વર્તાય છે …”

સમાજમાં બનતી કેટલીક ઘટનાઓને વર્ણનવિષય તરીકે પસંદ કરવામાં મોટે ભાગે વાર્તાકારો જે અસ્પૃશ્યતા દાખવે છે, તેવા વિષયોને વાર્તાલેખનના વિષય તરીકે પસંદ કરી લેખિકાએ નવો ચીલો ચાતર્યો છે અને ચાતરતાં રહ્યાં છે. ‘અંતરાલ’, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, ‘એ લોકો’ વાર્તાસંગ્રહોની શૃંખલામાં પ્રસ્તુત વાર્તાસંગ્રહથી એક નવી કડી ઉમેરાય છે. વાર્તાના વિષયનો વૈવિધ્યસભર ધગધગતો થાળ ભાવકને જુદાં જ ભાવજગતમાં લઈ જાય છે. સાંપ્રત સમસ્યાને ઝીલતી આ વાર્તાઓમાં – સર્જકના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિશેની ‘ધારો કે વાર્તા નથી’ કે પછી “કિરાત ભારથી કૃત ‘પ્રશ્નાર્થ’ વિશે” નોંધપાત્ર વાર્તાઓ છે. સ્ત્રીઓની સમસ્યાઓ અને અન્ય સમસ્યાઓ આલેખતી ‘નગર ઢીંઢોરા’, ‘ગોમતીસ્તોત્ર’ વગેરે વાર્તાઓ વેદનાની ટીસ જન્માવે છે. બાળમાનસને પણ કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તા અને એ નિમિત્તે સમાજજીવનના પ્રશ્નો અહીં રજૂ થયા છે.

આ નોખા અવાજની વાર્તાઓને ખરેખર વાર્તા ના ધારીએ તો શું ધારીએ? હકીકત માનીએ તો? તો શું છે આ વાર્તાઓમાં? જાગૃતોને શું કહેવું?

ભુજ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 11

Loading

વિજેતા એક્ટર વિક્ટર બેનરજી

નિલય ભાવસાર|Opinion - Opinion|17 February 2022

પ્રતિભા

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ ભારત સરકાર તરફથી પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. એમાં કળાનાં ક્ષેત્રમાં પોતાના યોગદાન માટે ૭૫ વર્ષીય એક્ટર વિક્ટર બેનરજીને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો છે.

આજે એક્ટર વિક્ટર બેનરજીની ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે તેમણે ફિલ્મજગત માટે જે વિશિષ્ટ કાર્ય કર્યું છે તે ભાગ્યે જ ફિલ્મજગતની સાથે સંકળાયેલા લોકો કરી શકે છે. વિક્ટર બેનરજી તેમની એક્ટિંગ માટે જેટલા પ્રખ્યાત છે, તેટલા જ પ્રખ્યાત તેઓ તેમનાં સામાજિક કાર્યો માટે પણ છે. તેમણે દેશ-વિદેશની જે કોઈ ફિલ્મમાં કામ કર્યું ત્યાં તેમણે સહકર્મીઓના હક માટે અવાજ ઉઠાવ્યો છે. ઍક્ટિંગના કાર્યને સામાજિક જવાબદારી સમજનાર વિક્ટર બેનરજીએ એક સમયે ફિલ્મોમાં કામ કરતા એક્સ્ટ્રા કલાકારોના હક માટે લાંબી લડત ચલાવી હતી.

બંગાળી ફિલ્મોમાં વધુ અભિનય કરી ચૂકેલા એક્ટર વિક્ટર બેનરજી એક ઈન્ટરવ્યુમાં જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં ગરમીના સમયમાં ફિલ્મના સેટ પર એક્સ્ટ્રા કલાકારો પાસે દિવસના ૮થી ૧૦ કલાક કામ કરાવવામાં આવતું હતું, તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા અને તેઓને બાળકો સાથે ગરમીમાં સતત ઊભા રહેવું પડતું હતું. ગરીબ વિસ્તારોમાંથી આવતા એક્સ્ટ્રા કલાકારોને કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવતી નહોતી અને કામના પૈસા આપવાના બદલે એક ટાઈમનું જમવાનું આપીને પરત મોકલવામાં આવતા હતા. વિક્ટર બેનરજીએ આ એક્સ્ટ્રા કલાકારોના હક માટે અવાજ ઉઠાવ્યો, તેમની સાથે પણ માનવીય વ્યવહાર થાય અને કામ પૂરતું વળતર મળે તે માટે લાંબી લડત ચલાવી. આ એક્સ્ટ્રા કલાકારોને આખા દિવસનું કામ કરે ત્યારે માત્ર પાંચ રૂપિયા મળતા હતા, ત્યારે વિક્ટર બેનરજીએ તેમના હક માટે એક યુનિયનની રચના કરી. ત્યાર બાદ ફિલ્મ શૂટિંગના સેટ પર આવતા એક્સ્ટ્રા કલાકારોને ન્યાય મળ્યો અને તેમના દૈનિક વળતરમાં પણ વધારો થયો. એક સમયે ફિલ્મના સેટ પર આ ગરીબ એક્સ્ટ્રા કલાકારોની સાથે પશુ જેવું વર્તન કરવામાં આવતું હતું તેમાં પરિવર્તન જોવા મળ્યું અને તેઓને શોષણમાંથી મુક્તિ મળી.

એક્ટર વિક્ટર બેનરજીએ વધુમાં જણાવ્યું કે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ, વિદેશમાં પણ એક્સ્ટ્રા કલાકારોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. ડેવિડ લીનની હોલિવૂડ ફિલ્મ ‘અ પેસેજ ટૂ ઈન્ડિયા’ના એક અનુભવની વાત કરતા વિક્ટર બેનરજી જણાવે છે કે મેં ત્યાં ફિલ્મના શૂટિંગ પર જોયું કે સેટ પર એક્સ્ટ્રા કલાકારોને અન્ય કલાકારો કરતાં અલગ પ્રકારનું સાવ સામાન્ય ફૂડ આપવામાં આવતું હતું, કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી આ ભવ્ય હોલિવૂડ ફિલ્મના સેટ પર એક્સ્ટ્રા કલાકારોની સાથે થઈ રહેલાં ખરાબ વર્તનને વિક્ટર બેનરજી જોઈ શક્યા નહીં અને તેમના હકમાં અવાજ ઉઠાવ્યો હતો. અહીં વિક્ટર બેનરજીને જીત મળી અને ફિલ્મ ‘અ પેસેજ ટૂ ઈન્ડિયા’ના એક્સ્ટ્રા કલાકારોના વળતરમાં પણ વધારો થયો તેમ જ તેઓનું ફૂડ મેનુ પણ બદલવામાં આવ્યું. માત્ર ભારતમાં જ નહીં પણ ઇંગ્લેન્ડની ફિલ્મોમાં પણ વિક્ટર બેનરજીએ એક્સ્ટ્રા કલાકારોના હક માટે અવાજ ઉઠાવ્યો કે જ્યાં તેઓને રંગભેદની નીતિનો અનુભવ થયો હતો.

વિક્ટર બેનરજી એક માત્ર એવી ભારતીય વ્યક્તિ છે કે જેને ત્રણ અલગ-અલગ કેટેગરીમાં નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વિક્ટર બેનરજીને ‘Where No Journeys End’ નામની ડૉક્યુમેન્ટરી માટે સિનેમેટોગ્રાફર (કેમેરામેન) તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ‘The Splendour of Garhwal’ અને ‘Roopkund’ નામની ડૉક્યુમેન્ટરી માટે તેઓને ડિરેક્ટર તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો છે અને સત્યજીત રાયની ફિલ્મ ‘ઘરે બાઈરે’ માટે તેઓને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ ૨૦૦૩માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘જોગર્સ પાર્ક’માં વિક્ટર બેનરજીના અભિનયની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં વિક્ટર બેનરજીએ જસ્ટિસ જ્યોતિન પ્રસાદ ચેટરજીનું પાત્ર ભજવ્યું હતું કે જેઓ જેની (પેરિઝાદ ઝોરાબિયન) નામની મૉડેલના પ્રેમમાં પડે છે. વિક્ટર બેનરજીએ ભારતના મહાન ફિલ્મમેકર સત્યજીત રાયની બંગાળી શોર્ટ ફિલ્મ ‘પીકૂ’માં અને રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા આધારિત ફિલ્મ ‘ઘરે બાઈરે’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય વિક્ટર બેનરજી ઈન્ટરનેશનલ લેવલે ઈસ્માઈલ મર્ચન્ટ પ્રોડક્શન અને જેમ્સ આઈવરી દિગદર્શિત ફિલ્મ ‘Hullabaloo Over Georgie and Bonnie’s Pictures’માં પણ ઍક્ટિંગ કરી ચૂક્યા છે. 

પહાડ અને પ્રકૃતિને પસંદ કરનારા વિક્ટર બેનરજી હિમાચલ પ્રદેશમાં તેમનાં ઘણાં વર્ષો પસાર કરી ચૂક્યા છે. સાહિત્યપ્રેમી એવા વિક્ટર બેનરજી અનેક ટૂંકી વાર્તાઓ લખી ચૂક્યા છે અને દેશના વિવિધ ન્યૂઝપેપર્સ તેમ જ મેગેઝિન્સમાં તેમના આર્ટિકલ્સ પ્રકાશિત થયેલા છે. ઉત્તરાખંડને અલગ કરવા માટેની જે ચળવળ ચાલી હતી તેમાં પણ વિક્ટર બેનરજી જોડાયા હતા. વિક્ટર બેનરજી લગભગ ૪૦ વર્ષથી આસામમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે “Moran Blind School” નામની શાળા ચલાવે છે કે જ્યાં ચાના બગીચામાં કામ કરતા કામદારો અને ગામના ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. તેઓ “Bird Watchers Association of Uttarakhand”ના બ્રાન્ડ એન્બેસેડર છે. ઍક્ટર વિક્ટર બેનરજીની અન્ય જાણીતી ફિલ્મો 'શતરંજ કે ખિલાડી’, 'કલયુગ’, 'આરોહણ’, 'માય બ્રધર .. .નિખિલ’, 'તહાન’ વગેરે છે. ફિલ્મ સિવાય સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવનાર એક્ટર વિક્ટર બેનરજી ખરા અર્થમાં વિજેતા છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 16

Loading

મહિલા પૂજારી : પુરુષ વર્ચસના ગઢમાં ગાબડું

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 February 2022

મંદિરોમાં મહિલાઓનો પ્રવેશ બાધિત અને સીમિત છે, એટલે તેમના માટે મંદિરના પૂજારી બનવું તો સાવ અશક્ય છે. એ સ્થિતિમાં તમિલનાડુ સરકારે તાજેતરમાં સરકારી નિયંત્રણ હેઠળનાં કેટલાંક મંદિરોમાં મહિલાઓ અને બિનબ્રાહ્મણ પુરુષોની પૂજારી તરીકે નિયુક્તિ કરતાં પુરુષ અને જાતિ વર્ચસના ગઢમાં ગાબડું પડ્યાનું અનુભવાય છે. મંદિરોમાં પૂજા અને લગ્ન કે અન્ય ધાર્મિક પૂજાપાઠ કરાવવાનો અધિકાર લિંગ કે જાતિના ભેદથી પર રાખવાની ચર્ચા પણ ઊઠી છે.

વર્ષ ૨૦૦૪માં તમિલનાડુના મદુરાઈ નજીકના નકલુથેવનપટ્ટી ગામના દુર્ગા મંદિરના બ્રાહ્મણ પૂજારી પન્ના થેવર બીમાર પડ્યા. બીમારી દરમિયાન તેમના એક માત્ર સંતાન એવાં યુવાન પુત્રી પિન્નિપાક્લની મદદથી પૂજા વિધિ ચાલતી રહી, પણ ૨૦૦૬માં તેમનું અવસાન થતાં જ્યારે તેમના પુત્રીએ સ્વતંત્ર રીતે પૂજાવિધિ કરવા માંડી તો ગામ લોકોએ મંદિરના પૂજારી મહિલા ન હોઈ શકે તેમ કહીને વિરોધ કર્યો. તેમના પુત્રીની દલીલ હતી કે તેઓ વંશપરંપરા મુજબ પૂજારી બનવાનો અધિકાર ધરાવે છે, પરંતુ ગામ લોકોને કોઈ કાળે મહિલા પૂજારી સ્વીકાર્ય નહોતા. એક સદી જૂના આ મંદિરના દેવી દુર્ગાની મૂર્તિને પુરુષ પૂજારી નવડાવે, ધોવડાવે, વસ્ત્રો-આભૂષણ પહેરાવે કે શ્રુંગાર કરે તેમાં કોઈને વાંધો નહોતો. પણ કોઈ બ્રાહ્મણ મહિલા પૂજારણ બની આ કામ કરે તે ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા વિરુદ્ધનું લાગતું હતું.

થોડા મહિના પહેલાં ગુજરાતના ડાકોરના રણછોડરાયના મંદિરમાં વંશ પરંપરાગત વારાદારીનો દાવો કરી બે મહિલાઓએ પૂજાનો હક માંગ્યો હતો. મંદિરના સેવક એવા તેમના પિતાના એક માત્ર સંતાન તરીકે આ મહિલાઓ મંદિરમાં પૂજારણ બનવા માંગતાં હતાં. પરંતુ તેમને રણછોડરાય મંદિરના બારસો વરસના ઇતિહાસમાં કોઈ મહિલાને પૂજારી તરીકેની સેવાની પરવાનગી મળી ન હોવાનું જણાવાયું હતું. જો કે કચ્છના માતાના મઢના આશાપુરા મંદિરમાં હજુ ગયા વરસે જ હવાનાષ્ટમીએ પતરી વિધિ કચ્છ રાજવંશનાં મહારાણીએ કરી હતી. કચ્છના મહારાજા પરંપરાથી આ વિધિ કરતા હતા, પણ ગયા વરસે તેમનું અવસાન થયું હતું. તેઓ નિઃસંતાન હોઈ મંદિરના સાડાત્રણસો વરસના ઇતિહાસમાં પ્રથમવાર તેમના પત્નીના હસ્તે વિધિ સંપન્ન થઈ હતી.

આજે મહિલાઓએ જીવનનાં લગભગ સર્વ ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે, પણ હજુ કેરળના સબરીમાલા સહિતનાં ઘણાં મંદિરોમાં તેમને પ્રવેશ મળતો નથી. તે માટે જાતભાતનાં કારણો આગળ ધરાય છે. સ્ત્રીઓ મહિનાના અમુક દિવસ માસિકની પીડા વેઠે છે પણ તેમના આ દિવસોને અપવિત્ર માની તેમનો મંદિર પ્રવેશ રોકવામાં આવે છે. કોઈ મંદિરમાં બ્રહ્મચારી દેવ વિરાજમાન હોવાનું જણાવી મહિલાને અટકાવવામાં આવે છે. ૨૦૧૬માં નાસિકના ત્રયમ્બકેશ્વર મંદિરમાં મહિલા પ્રવેશનું આંદોલન થયું તો ગર્ભગૃહમાં સ્ત્રી-પુરુષ બેઉનો પ્રવેશ બંધ કરી દેવાયો હતો.

માત્ર સામાન્ય વ્યક્તિને જ નહીં અગ્રણી રાજનેતાઓને પણ મંદિરમાં પ્રવેશ ન મળ્યાનું બન્યું છે. વડાપ્રધાન હોવા છતાં ઇન્દિરા ગાંધીને ક્યારેક મહિલા તરીકે તો ક્યારેક પારસી પુરુષ સાથે લગ્ન કર્યાનાં કારણે મંદિરમાં પ્રવેશતાં રોકાયાં હતાં. દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દલિત હોવાથી પુરીના જગન્નાથ મંદિરમાં તેમની સાથે અપવર્તન થયું હતું. સાઠ ટકા કરતાં વધુ દલિત વસ્તીના ઉત્તર પ્રદેશના હમીર જિલ્લાના ગામ મુસ્કરાખુદેના એક મંદિરમાં બી.જે.પી.ના દલિત મહિલા ધારાસભ્ય મનીષા અનુરાગીને હજુ હમણાં જ પ્રવેશ મળ્યો નહોતો. લોકસભાના પૂર્વ સ્પીકર મીરાં કુમારે બંધારણ દિનની ઉજવણીના સમારોહમાં કહ્યું હતું કે, “હું જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું, પૂજારીઓએ હંમેશાં મારું ગોત્ર પૂછ્યું છે.” આ અનુભવ પરથી મીરાં કુમાર કહે છે, “દેશમાં બે પ્રકારના હિંદુઓ છે, એક બેરોકટોક મંદિરમાં જઈ શકે છે, અને બીજા મારા જેવા છે જે જઈ શકતા નથી.”

ડો. બાબાસાહેબ આંબેડકરે ‘એનીહિલેશન ઑફ કાસ્ટ’ ગ્રંથમાં પુરોહિતનું પદ વંશાનુગત રાખવાને બદલે યોગ્યતાના આધારે રાખવા પર ભાર મૂક્યો હતો. ૨૦૦૮માં મદ્રાસ હાઈકોર્ટના જજ કે. ચન્દ્રુએ એક ચુકાદામાં “ઈશ્વરની પૂજા લૈંગિક પૂર્વગ્રહોથી મુક્ત હોવી જોઈએ” તેમ જણાવ્યું હતું. આ દિશામાં ઘણા સરકારી-બિનસરકારી પ્રયાસો દેશમાં થઈ રહ્યા છે. ૨૦૦૭માં તમિલનાડુમાં એમ. કરુણાનિધિ સરકારે એક મહિલાને પૂજારી બનાવ્યાં હતાં. તેથી પણ આગળ વધીને ૨૦૧૩માં કર્ણાટકના મેંગલોરના કુદ્રોલી મંદિરમાં ચાર વિધવા મહિલાઓને પૂજારી બનાવવામાં આવ્યાં હતાં. તમિલનાડુની હાલની ડી.એમ.કે. સરકારે જાતિ કે વંશને બદલે યોગ્યતાના આધારે પૂજારી બનાવવાનું નક્કી કર્યું છે. પૂજાપાઠ અને ધર્મકર્મ સંબંધી અનુષ્ઠાન સંહિતા ‘આગમ શાસ્ત્ર’ ભણાવવાના તાલીમ વર્ગો ખુદ સરકારે શરૂ કર્યા છે.

કોલકાતામાં ૨૦૦૯માં લગ્ન અને ધાર્મિક ક્રિયાકાંડ માટે મહિલા પંડિતો તૈયાર કરવા ‘શુભમસ્તુ’ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. આ મહિલા પંડિતોની માંગ હવે વધી રહી છે. આ વરસે કોલકાતાની સાર્વજનિક દુર્ગા પૂજા આ મહિલા પંડિતોએ કરાવી હતી. મહારાષ્ટ્રમાં અહમદનગર અને પૂણેમાં મહિલા પંડિતો તૈયાર કરાઈ રહ્યાં છે. ૧૯૯૦માં મુંબઈમાં બ્યાસી વરસનાં અંજલિ કાળેએ ‘રુદ્રાલી પુરોહિત મંડળ’ની સ્થાપના કરી હતી. તેમના દ્વારા અઢીસો કરતાં વધુ મહિલા પંડિતો તૈયાર થયાં છે. પુરુષોને મુકાબલે આ મહિલાઓ પાસે લગ્નની વિધિ કરાવનારા યુવાનો વધી રહ્યાં છે.

દક્ષિણ ભારતના એક બે રાજ્યોના સરકારી તાબા હેઠળનાં મંદિરોમાં મહિલા કે બિનબ્રાહ્મણ પૂજારીઓની નિયુક્તિ મહિલા કે દલિત મુક્તિની દિશામાં એક સાવ જ નાનકડું કદમ છે. મહિલાઓ અને દલિતો માટે ધર્મ સંસ્થાઓના દ્વાર હજુ ભીડાયેલાં જ છે; કેમ કે તે સત્તા અને સંપત્તિ પરનું નિયંત્રણ જવા દેવા માંગતા નથી, અને તે માટે કાયમ ધર્મશાસ્ત્રોનો ડારો દે છે.

દેશના લોકશાહી બંધારણ મુજબ ધર્મસ્થળો સહિતનાં સર્વ જાહેર સ્થળોએ નાગરિક માત્રની સમાનતાનો અધિકાર પળાવો જોઈએ. તે રીતે મહિલાઓ અને દલિતોની મંદિર પ્રવેશ અને પૂજા-અર્ચનાની માંગણી વાજબી છે. પરંતુ એક માત્ર તેનાથી જ તેમનો ઉગારો થવાનો નથી. આધુનિકતા અને લોકતંત્ર જ તેમના વાસ્તવિક ઉદ્ધારકો છે. તે વાત જરાયે વિસારે પાડ્યા વિના તેમણે આ લડત અને બિનસરકારી પ્રયાસો જારી રાખવાના છે. ભલે સરકારની સત્તાના ડરે જે આજે તમિલનાડુ અને બીજે શક્ય બન્યું છે તે કાલે શેષ ભારતમાં પણ શક્ય બની શકે છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 14

Loading

...102030...1,6591,6601,6611,662...1,6701,6801,690...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved