Opinion Magazine
Number of visits: 9962063
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીકરીની દૃષ્ટિ અને પિતાનું હૃદય

ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી|Opinion - Opinion|3 April 2022

બોસ્નિયા, ર૧મી સદીના આરે ઊભેલા આલમનો, યુરોપ ખંડનો એક એવો દેશ જ્યાં માણસ માણસ વચ્ચેના વહેવાર-વર્તનમાં ક્રૂરતા અને કાતિલપણાંએ હદ વટાવી દીધી છે. બે’ક વરસ મારી દીકરી દીપિકા એ દેશના અમન, કાયદા અને આર્થિક જીર્ણોદ્ધારનાં કાર્યમાં સક્રિય હતી. એ સમયગાળાનાં બાપ-દીકરીનાં સંવેદનો, સ્પંદનો અને આંતરવ્યથા શબ્દબદ્ધ કરવાનો આ પ્રયાસ છે.

શરૂ કરીએ એક અંગ્રેજ કવિએ વર્ણવેલા આ માવતર-દીકરીના સૂક્ષ્મ-મીઠા સંબંધની એક કવિતાથી. આપણા ગુજરાતી સારસ્વત અને ઋષિકવિ મકરંદ દવેએ તેનો સરસ ભાવાનુવાદ આપ્યો છે :

                        જ્યારે વિધાતાએ દીકરી સરજી :
                        વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
                               કસબ હાથેથી એણે કરી શી કમાલ!
                        રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
                               ખજીનો ખુટાડી કરું ખલકને ન્યાલ.
                        દેવીયું કનેથી માગી લીધો મલકાટ
                               અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર.
                        ચપટીક રજ લીધી ન ખેતર તણી
                               અને દીકરીને આંખે ભર્યા દમકતાં નૂર.
                        સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
                               તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક
                        સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
                               જોઈ કારવીને કીધું, હવે કા’ક ઠીક.
                        વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
                               વારે વારે હસું હસું થાય એનું મુખ,
                        હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
                              હર્યું ભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ

માવતરના જીવનમાં દીકરીના સંબંધની નિતાંતતા વિશે આપણા લેસ્ટરવાસી લેખક વનુ જીવરાજે એક અંગ્રેજી ઉક્તિ ટાંકી છે :

Your son is your son until his wife;
But your daughter is your daughter until your life.

પોર્ટસ્મથ યુનિવર્સિટીમાંથી ભૂગોળ અને અર્થશાસ્ત્રની સ્નાતક થયા પછી, દીપિકાએ બર્મિંગમમાં હોમ ઑફિસમાં કામ કર્યું; લંડનમાં યહૂદી સોની કંપનીમાં થોડો વખત ગાળીને વ્યવસાયી ભરતી કરતી ઍજન્સીમાં જોડાઈ. એ વહીવટીતંત્રમાં કામ કરતાં કરતાં જાતે જ બોસ્નિયા માટે પોતાની ભરતી કરી દીધી! અમેરિકા, બ્રિટન અને બીજા દેશોનું લશ્કર શાંતિ અને સુશાસન સ્થાપવા બોસ્નિયા મોકલવામાં આવ્યું ત્યારે એમના વહીવટ ચલાવનારાઓમાં એક ‘હ્યુમન રિસોર્સીસ મૅનેજર’ તરીકે, દીપિકાએ જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે બાપ તરીકે હું તો થીજી જ ગયો! યુદ્ધગ્રસ્ત, છિન્નભિન્ન અને વેરની આગમાં સબડતા આ દેશમાં પચીસ વર્ષની, એકની એક દીકરીને મોકલવાની, ત્યાં જવાની પરવાનગી અપાય ખરી? આ પ્રસ્તાવે તો બેત્રણ અઠવાડિયાંની મારી ઊંઘ હરામ કરી નાંખી, પણ એ પોતે મક્કમ હતી. કંઈક કલ્યાણકાર્ય, માનવસેવા કરવાની ધગશ અને ઇચ્છા એને રહ્યા કરી છે. યહૂદી કિબૂત્ઝમાં જતાં જતાં માંડ રોકી શક્યો હતો! બે ભાઈઓની અને મારી વીનવણી, સમજાવટ પછી પણ અડગ રહી, ત્યારે ભગવાન ભરોસે અને પ્રાર્થના વચ્ચે, શુભ કામનાઓ સાથે, ફેબ્રુઆરી ૧૯૯૬માં દીપિકા બોસ્નિયા રવાના થઈ.

દીપિકાને નવું નવું શીખવાનો, નવા અનુભવો મેળવવાનો સાહસિક સ્વભાવ. છેલ્લાં પાંચસાત વર્ષોમાં ભારત અને શ્રીલંકાનો લાંબો પ્રવાસ એણે કર્યો હતો. વળી, તૂર્કી, ઇજિપ્ત અને યુરોપના દેશોમાં પણ એ પ્રવાસ ખેડી આવી હતી … અને આ વિધુર બાપ, બંને માવતરની લાગણીનો પિંડ, આવી સાહસિક દીકરીના માર્ગમાં ન આવવું જોઈએ એવી માન્યતા સાથે એની ‘હા’માં ‘હા’ ભેળવી, પરવાનગી આપતો રહ્યો છે. દીકરી એની કદર પણ કરે છે. બોસ્નિયાથી એક પત્રમાં ભાઈઓનો અને મારો આભાર માનતા લખતી હતી : “I still cannot get over lucky how I have been in life to have you as my family. I don’t think any daughter or sister has ever so much love and encouragement given as I have.”

બોસ્નિયાના લગભગ એક દાયકાના સંઘર્ષ, સંહાર અને બરબાદીનાં દૃશ્યો તથા સીતમની વાતો અખબારોને પાને અને ટેલિવિઝનના માધ્યમથી આવતી રહેતી. એ દૃશ્યો અને વાતો દુનિયાના કેટકેટલા ય માણસોનાં હૃદય વિચારતંત્રોને ખળભળાવી મૂક્યાં હતાં.[1] માણસમાંની આસ્થા પણ ડગમગવા માંડી હતી. બ્રિટનની સંસદના એક અપક્ષ સભ્ય અને બી.બી.સી.ના એક વેળાના નામાંકિત પત્રકાર માર્ટિન બેલ એમના સંઘર્ષ વિશેના પુસ્તક In Harm's Wayમાં લખે છે કે યુરોપ ખંડના બીજા વિશ્વયુદ્ધ અને સંહાર પછી પ૦ વર્ષમાં, આ એક બીજો મોટો સંહાર સર્જાયો – એવો ભીષણ સંહાર કે માનવ ઇતિહાસમાં કાળા અક્ષરે એ લખવો પડશે! ‘scenes from hell, written on the darkest pages of human history.’ માર્ટિન બેલ કહે છે કે પત્રકારત્વનાં જૂનાં મૂલ્યો, સાક્ષીભાવે જોઈ વર્ણન કરવાના અને પછી ભૂલી જવાના – ‘traditions of balanced, dispassionate, objective by standard journalism.’ આ બધું અમાનવીય લાગ્યું છે. પત્રકારત્વ અને માનવીય મૂલ્યોની ખેંચતાણીમાં માનવીય મૂલ્યોનો જય છે અને પોતાને લાગવા માંડ્યું કે પત્રકારત્વ આવું હોવું જોઈએ : “a moral enterprise, informed by an idea of right and wrong.” માર્ટિન બેલ આગળ લખે છે : પોતાના વ્યક્તિત્વમાં અને આંતરખોજમાં મોટા ફેરફારની અનુભૂતિ થઈ રહી છે. The genocide in Bosnia changed me, changed my way of doing things and seeing things.

દીપિકા પણ આવા મનોવિગ્રહ અને અશાંતિમાંથી પસાર થતી રહી. કહે છે કે અમેરિકી લશ્કરીતંત્ર પુષ્કળ સુવિધાઓ અને સહુલિયતો આપે છે. સુરક્ષામાં ક્યાંય કચાશ નથી. વેતન ટેલિફોન નંબરના આંકડામાં અપાય છે, પણ … કહે છે કે આવા યુદ્ધગ્રસ્ત જગતમાં બાળકની મા બનવાની ઇચ્છા થતી નથી. એક જાતનો શૂન્યાવકાશ અને ઘોર નિરાશા મનમાં પ્રવર્તે છે. દીપિકાની આ વાતો સાંભળતા, કાગળો વાંચતા બાપની મનોદશા કદાચ સમજાય. હૃદયના ઊંડાણમાંથી નીકળતા દીકરીના શબ્દો આ રહ્યા : “Last week I drove through the zone of separation at Brocko, one of the worst hit towns in Bosnia. I was stunned at the sheer devastation and could not help but cry.”

“I saw children playing in the fields, innocent and happy not realising that they could be playing on the minefield. My heart just wanted together them up and take them away. This was the first time in my life that I considered not having children, certainly not in a world still at war with itself.”

દીપિકાનું નિરીક્ષણ અને તેના અનુભવો કહી રહ્યા હતા કે સામાન્યજન ધાર્મિક ઝનૂન છોડી, વેરભાવ, ભેદભાવ ભૂલી જવા તૈયાર છે. શાંતિભર્યા સામાન્ય જીવન માટે એક મોટો તલસાટ જાગ્યો છે. સામાન્ય જીવન ફરી આવે એની રાહ જોવાઈ રહી છે. એના કૅમ્પમાં કામ કરતા બધી જાતિના ને ત્રણ જુદા જુદા ધર્મોના માણસો પ્રેમભાવથી રહેતા હતા.

બોસ્નિયાનો પ્રમુખ ધર્મ ઇસ્લામ અને પ્રદેશ પુષ્કળ રળિયામણો, સ્વિટ્‌ઝર્લેન્ડની યાદ અપાવે એવો! માણસોનો સ્વભાવ મિલનસાર, ભાષા ગુજરાતી ભાષાને મળતી આવે. આવા બધા અનુભવો એના જ શબ્દોમાં જોઈએ : “The local staff are great and really have grown on me : all of them bend backwards to make me feel comfortable. The country is truly beautiful, in parts dramatic, in others rolling hills and valleys remind you of Switzerland. The Bosnian language is a very easy language to pick up, very similar in parts to ours.”

દીપિકાનાં બીજાં વર્ષનાં કામકાજમાં દસ્તાવેજીકરણ કરવાનો ઉમેરો થયો છે. એના છેલ્લા કાગળમાં એ લખતી હતી : I have taken over historical documentation for this project. Tomorrow I’m going to Glanmoc, a remote artillery site near Dalmatian coast line in an Army Chinook helicopter. Hopefully one day I will be able to bring you to visit Bosina-Herzegovina. Still many buildings are left with signs of heavy sheelings and mortar attacks.

બોસ્નિયા-હર્ઝગોવિના, ક્રોએશિયા, સર્બિયા એટલે એક યુગનું સંયુકત રાષ્ટ્ર, યુગોસ્લાવિયા દેશ. એના ભૂતપૂર્વ પ્રમુખ જોસેફ બ્રોઝ ટીટો. ટીટો પહેલા ભારતીય પ્રધાન મંત્રી જવાહરલાલ નેહરુના ખાસ મિત્ર. વળી, બિનજોડાણવાળા દેશોના જૂથના અગ્રગણ્ય નેતા. નેહરુને પોતાના દેશની સમસ્યાઓ વિશે એક વખતે ટીટોએ કહેલું, ‘અમારું રાષ્ટ્ર એક, અક્ષરમાળા બે, ભાષાઓ ત્રણ, ધર્મો ચાર, પ્રજા પાંચ અને છ રાષ્ટ્રો તેમ જ પડોશી રાજ્યો સાત.’

આજે આ સંયુક્ત રાષ્ટ્ર, ધર્મના નામે, છિન્નભિન્ન થઈ ગયું, આર્થિક બરબાદીમાં ધકેલાઈ ગયું અને આમ પ્રજાનો મોટો સંહાર થઈ ગયો. દેશ એક અંધારિયા યુગમાં જઈને પડ્યો છે. આ ઐતિહાસિક, કરુણ ઘટનામાંથી ભારતીય ઉપખંડના દેશોએ એક પાઠ શીખવવાનો છે અને સફળતાના પંથની દિશા ચોક્કસ કરવાની છે.

અમેરિકા, બ્રિટન અને યુરોપના બીજા દેશોની મદદથી બોસ્નિયા અને યોગોસ્લાવિયાના બીજા દેશોના ટુકડાઓને સાંધી અંધારામાંથી બહાર કાઢવાને ભગીરથ પ્રયાસ થયેલો એમ લાગે છે. આવા મહાભારત કાર્યમાં એક ગુજરાતી યુવતી પોતાનો અલ્પ સમય આપે, સહજતાથી ભાગ ભજવે એનો મને ગર્વ છે. પિતા તરીકે આનંદ છે. કયારેક સ્વાભાવિક ચિંતા ધસી આવે છે, પણ ભગવાન પ્રત્યેની આસ્થાએ દિવસો પસાર થયા છે. આવા આઘાત-પ્રત્યાઘાત, આશા-નિરાશાનું નિરૂપણ આખરે શુભમાં પરિણમે; માનવજાતમાં ફેર આસ્થા પેદા થાય, એવી જ પ્રાર્થના સાથે વિરમું છું.

Category: • બ્રિટન અને યુરોપના અન્ય દેશો • અંગ્રેજી ભાષા-સાહિત્ય-પત્રકારત્વ • ગુજરાતી ભાષા-સાહિત્ય-પત્રકારત્વ • ધર્મ-કોમ-સંપ્રદાય

[પુસ્તકમાંથી, પ્રકરણ-26]

એક ગુજરાતી, દેશ અનેક : લેખક – ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, સંપાદક : કેતન રુપેરા, પરામર્શન : વિપુલ કલ્યાણી, પ્રકાશન : 3S, Publication, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ – 380 009, પ્રથમ આવૃત્તિ, માર્ચ 2021, પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”, પૃ. 352 (16+336), રૂ.500 • £ 15

[1]. દક્ષિણ-પૂર્વ યુરોપનો આ દેશ છે – બોસ્નિયા ઍન્ડ હર્ઝગોવિના. લોકો તેને બોસ્નિયા તરીકે વધુ ઓળખે છે. એક વખતે આ દેશ યુગોસ્લાવિયાનો ભાગ હતો. ૧૯૯૧માં સોવિયેત યુનિયનનું વિઘટન થયું એ સાથે જ યુરોપના કેટલાક દેશોમાં પણ રાજકીય અસ્થિરતા પેદા થઈ. એમાંનો એક દેશ તે યુગોસ્લાવિયા. તેના અલગ અલગ પ્રદેશો જાતે જ પોતાને આઝાદ દેશ તરીકે જાહેર કરવા માંડ્યા, તેમાંનો એક પ્રદેશ બોસ્નિયા પણ ખરો. આઝાદીની આ લહેરે આ પ્રદેશમાં પહેલેથી અસ્તિત્વ ધરાવતા જાતિવાદને વધુ ભડકાવ્યો. બોસ્નિયામાં મુખ્યત્વે ત્રણ સમુદાયના લોકો વસે છે. ક્રોઆટ, મુસ્લિમ અને સર્બિયન. ક્રોઆટ અને મુસ્લિમ પ્રજા આઝાદ થવા માગતી હતી જ્યારે સર્બિયન પ્રજાનો આ અંગે વિરોધ હતો. માર્ચ ૧૯૯રમાં આ મુદ્દે જનમત લેવાયો. જેમાં આઝાદી ઇચ્છતા વર્ગની જીત થઈ. અને તેના આધારે ક્રોઆટ-મુસ્લિમ વર્ગે યુગોસ્લાવિયાથી અલગ હોવાની ઘોષણા કરી. આનાથી નારાજ સર્બિયન સમુદાયે જાહેર કર્યું કે તેમની વસાહતવાળો વિસ્તાર ‘સર્બ રિપબ્લિક’ નામે અલગ દેશ કહેવાશે, અને બસ… આ મુદ્દે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. ત્રણેય સમુદાયોમાં સર્બિયન વધુ શક્તિશાળી હતા. તેનાં કારણોમાં એક મહત્ત્વનું ‘સર્બિયા’ નામે પાડોશી દેશ પણ ખરો. ત્યાં સર્બિયનો જ વસતા હતા. તેમણે આ સર્બ સમુદાયને ખાસ્સી મદદ કરી. સર્બિયનોએ ક્રોઆટ અને મુસ્લિમ વર્ગ પર ઘણી હિંસા આચરી અને ત્રાસ ગુજાર્યો. આખરે સંયુક્ત રાષ્ટ્ર અને નાટોની દરમિયાનગીરી પછી છેક ૧૯૯પમાં આ યુદ્ધનો અંત આવ્યો. જોકે, ત્યાં સુધીમાં એક લાખ ઉપરાંતનાં મોત, રર લાખ લોકોનાં સ્થળાંતર અને અંદાજે ૧રથી પ૦ હજાર સ્ત્રીઓ પર બળાત્કારની ઘટના બની ચૂકી હતી.

– સં. (Courtesy: britanica.com & thelallantop.com)

Loading

પંડિતોના આંસુ પર નફરતની ખેતી

ભરત મહેતા|Opinion - Opinion|2 April 2022

હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગના સાંપ્રદાયિક વલણો સામે કાઁગેસ કે ગાંધીજીનું ન ચાલતા આખરે હિંદનું વિભાજન થયું. જેમાં અંગ્રેજોનો ફાળો મોટો હતો. ધર્મકેન્દ્રી રાષ્ટ્રનો ઠેકો લેનાર પાકિસ્તાન પચ્ચીસ વર્ષ પણ ન ટક્યું અને બાંગલાદેશનો જન્મ થયો! ઉર્દૂ અને બાંગલા ભાષાનો આ સંઘર્ષ હતો. સંસ્કૃતિ, ધર્મ કરતાં મોટી નીવડી. ભારતમાંથી પાકિસ્તાન બનાવવા મુસ્લિમબહુલ વિસ્તારમાં લીગે ખૂબ મથામણ કરેલી. બબ્બે વાર કાશ્મીરની મુલાકાત જિન્નાહે લીધી, છતાં કાશ્મીરે મચક ન આપી અને ભારત સાથે જ જોડાવાનું પસંદ કર્યું હતું. ત્યારે આખો દેશ કોમી આગમાં ભડકે બળતો હતો, પરંતુ ૯૫% મુસ્લિમોની વસતિ ધરાવતા કાશ્મીરમાં નાનું છમકલું ય ન થયું એવી શાંતિ હતી. કોમી એકતાનું આવું વિરલ ઉદાહરણ સાંપ્રદાયિકોને કઠે એ સ્વાભાવિક હતું.

આઝાદી પછી પાકિસ્તાને લશ્કર નહીં પણ તાયફાવાળા જૂથ કે ક્બાલીઓ જેવાં આતંકવાદી જૂથોને મોકલી કાશ્મીરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરેલો, છતાં કાશ્મીર ડગ્યું નહીં. પણ ૩૭૦ની કલમ અન્વયે બફર સ્ટેટ કાશ્મીરને વિકાસ કરવાનું કાઁગેસ વખત જતાં ભૂલી ગઈ. એક તરફ અસહ્ય બેકારી અને બીજી તરફ ભારત તરફી નેતાઓની આતંકવાદીઓને હત્યા શરૂ કરી. ૧૯મી જાન્યુઆરી,૧૯૯૦માં પંડિતોની હત્યા થતાં પૂર્વે ૪૦ મુસ્લિમ નેતાઓની હત્યા થઈ હતી. જે હત્યાઑ રોકવામાં કાઁગેસ નિષ્ફળ ગઈ હતી.

કેન્દ્રમાં કાઁગ્રેસે સત્તા ગુમાવ્યા પછી કાશ્મીરમાં રાજ્યપાલ શાસન મૂકાયું. ભા.જ.પ.-સમર્થિત વી.પી. સરકારે કાશ્મીરમાં જગમોહનની રાજ્યપાલ તરીકે નિમણૂક કરી. એમણે આતંકવાદીઓ અને કાશ્મીરીઓના સંઘર્ષને હિંદુ પંડિત અને કાશ્મીરીનો સંઘર્ષ બનાવ્યો. ગાવકાદલ હત્યાકાંડમાં પણ એમની ભૂમિકા શંકાસ્પદ રહી. પંડિતોને ભારતનાં અન્ય રાજ્યોમાં ચાલ્યા જવા લાલચ અપાઈ. ભયનું વાતાવરણ ઊભું કરાયું.

જેના પરિણામે પાકિસ્તાની તેમ જ પાકિસ્તાન તરફી થયેલ જૂથોએ કાશ્મીર ઘાટી છોડી દેવાનું પંડિતોને આહ્વાન કર્યું. પંડિતોનું વિસ્થાપન થયું. આ પૃષ્ઠભૂમિ પર ‘શિકારા’, I Am જેવી સંતુલિત ફિલ્મો બની છે, પરંતુ હાલમાં આવેલી ‘કાશ્મીર ફાઇલ્સ’ પર વિવાદ થયો. મોદીથી માંડી મોરારિબાપુ આ ફિલ્મ જોવા માટે આગ્રહ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ આ ફિલ્મ વાસ્તવિકતાનું અધૂરું ચિત્ર જ માત્ર નથી, પરંતુ અત્યારની સરકારને આગામી ચૂંટણીમાં મબલખ મતો રળી આપતી ફિલ્મ જણાઈ આવે છે. પંડિતોના  આંસુ  પર નફરતની ખેતી અત્યારે બરાબર ચાલી રહી છે.

હકીકતમાં, અસંખ્ય પંડિતોએ પોતાને બચાવનાર મુસ્લિમોની વાત કરી છે જેની આમાં વાત જ નથી! બીજી બાજુ, આ નિમિત્તે ઘા ભેગો ઘસરકો કરીને કાયદેસર રીતે, જેમાં ભારત સરકારના હાથ હેઠાં પડ્યાં એ જે.એન.યુ. વિશ્વવિદ્યાલયને પણ બદનામ કરવાનું ઘટક ઉમેરી લીધું છે. ’૯૦ જાન્યુઆરીથી આજ લગી પંડિતોને સહાય મળતી રહી છે, પરંતુ મોદી સરકારે સહાયમાં વધારો ન કરતાં એન.સી.પી. સાંસદ સુપ્રિયા લેલેએ ગયા બજેટમાં જ ઊહાપોહ કરેલો! બી.જે.પી.નાં સાંસદ મીનાક્ષી લેખી કહે છે કે જેમ ભારતભરના કામદારો કોરોના પછી પોતપોતાના નોકરી ધંધે વળગી ગયાં છે તેમ પંડિતોએ ચાલ્યા જવું જોઈએ કશ્મીર, સહાય ક્યાં સુધી હોય? ભા.જ.પ.ની આ નીતિ અહીં જરા ય દેખાતી નથી.

બ્રેખ્તે સર્જકનું કામ હથોડી જેવું ગણાવ્યું છે જે વાસ્તવિકતાને ઘાટ આપી પ્રગતિશીલ ચેતના પૂરી પાડે. જ્યારે અહીં કેવળ અધૂરી વાસ્તવિકતાથી ઉન્માદ સર્જાઈ રહ્યો છે. એ દિવસે ૪૦,૦૦૦ પંડિત કુટુંબો; ૬,૫૦૦ શીખ પરિવારો; ૧,૫૦૦ મુસ્લિમ પરિવારો દિલ્હી આવ્યા હતા. જ્યારે ફિલ્મમાં માત્ર હિંદુ પંડિતોની વાત થઈ છે. બીજી વાત, ૨૦૧૪ પછી આ સરકારે કેવળ ૩૭૦ રદ્દ નથી કરી, પરંતુ કાશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો પણ છીનવી લઈ ભારતનું એક રાજ્ય ઘટાડી દીધું છે. કાશ્મીરનો ધ્વજ લાલરંગમાં હળ હતું જે છીનવાઈ ગયું, પરંતુ નાગાલેન્ડને હજુ પોતાનો ધ્વજ જ છે. પંડિતોની આ દુર્દશા થઈ ત્યારે ભા.જ.પ. સમર્થિત સરકાર હતી જે ફિલ્મમાં બતાવવામાં આવી નથી. એ જ બતાવે છે કે આ ફિલ્મને વર્તમાન સરકારની વોટબૅંક મજબૂત કરવામાં રસ છે, પંડિતોની વેદનામાં નહીં.

આતંકવાદ અને સરકારી આતંકવાદ વચ્ચે છેલ્લાં ત્રીસ વર્ષથી કાશ્મીર સ્વર્ગમાંથી નર્ક બની રહ્યું છે. આજે પણ ત્યાં ૬૦૦ પરિવાર પંડિતોના છે જ. જે જાન્યુઆરી ’૯૦માં કાશ્મીરમાંથી આવ્યા ન હતા. આવી કોઈ સંકુલતામાં ફિલ્મ જતી જ નથી. આજે નોંધાયેલા ૫૫,૦૦૦ પંડિતોના પરિવારની યાદી છે. સરકાર પાસે એમનો પુનઃવાસ એ સમયની માંગ છે. આવી ફિલ્મો પુનર્વાસને મુશ્કેલ બનાવે તેવી નફરત ફેલાવી રહી છે. જ્યારે હકીકત જુદી છે. કાશ્મીર પંડિત અવંતિ ભાટીએ ‘કાશ્મીર પંડિત્‌સ, પ્રોબ્લેમ ઍન્ડ પસ્પેર્ક્ટિવ’ નામનું પુસ્તક લખ્યું છે જેમાં ઈ.સ. ૨૦૦૩માં કાશ્મીરી પંડિતોએ એક પ્રેસ કોન્ફોરન્સ બોલાવી જણાવ્યું હતું કે અમે જ્યારે કાશ્મીર છોડ્યું ત્યારે બે વ્યક્તિઓએ વિરોધ કરેલો –ફારુક અબ્દુલ્લા અને મીર વાયઝ. જ્યારે આ ફિલ્મમાં ફારુક અબ્દુલ્લાને આતંકવાદીઓના સમર્થક બતાવ્યાં છે કારણ કે એ ભા.જ.પ.વિરોધી છે.

નેપાળથી યાત્રાળુઓને લઈ જતું વિમાન આતંકવાદીઓએ અપહરણ કર્યું ત્યારે આતંકવાદ સામે લડવાને બદલે આતંકવાદીઓને છોડ્યા હતા અને છોડવા જનાર જશવંતસિંહ આજે ભા.જ.પ.ને જ છોડી ચૂક્યાં છે. કહેવાય છે કે માત્ર આતંકવાદીઓને જ નથી છોડ્યા આતંકવાદીઓને પૈસા પણ અપાયાં છે! આતંકવાદીઓને સમર્થનમાં જણાવી મહેબૂબા મુફ્તીનો વિરોધ કરનાર ભા.જ.પ. પક્ષ એ જ પી.ડી.પી. સાથે સરકાર બનાવતા અચકાયો ન હતો. ભા.જ.પ.ના આ બે ચહેરાને ફિલ્મ સિફતથી સંતાડે છે તેથી એનો હીન આશય સ્પષ્ટ જણાય છે. બાકી, આજે પણ કેન્દ્રમાં ભા.જ.પ. સરકાર હોવા છતાં પુલવામામાં ૪૯ લશ્કરી જવાન મરી જાય, ૩૬૦ કિલો આર.ડી.એક્સ. મળે એની ફાઇલ નથી ખૂલતી! પુલવામામાં ડી.જી.પી. દેવેન્દ્રસિંહને શેર-એ-કાશ્મીર ભારત સરકારની ભા.જ.પ. સરકાર એવોર્ડ આપે એને એ જ દિલ્હી ચૂંટણી વખતે આતંકવાદીઓ સાથે પકડાય! જેની વિરુદ્ધ દેશપ્રેમીઓએ કોઈ દેખાવ કર્યા નથી.

પંડિતોની વ્યથા બતાવી પરંતુ કેટલાંક પંડિતો અને મુસ્લિમો મિત્ર પણ હતા એ શિકારા ફિલ્મમાં બતાવ્યું તેથી શિકારા ફિલ્મનો સંઘ/ભા.જ.પે. વિરોધ કર્યો હતો. જે ફિલ્મની કથા કાશ્મીરના પંડિત રાહુલે લખેલ પુસ્તક Our Moon Has Blood Clouts પર આધારિત હતી. એ ફિલ્મ જોઈને ભૂતપૂર્વ ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણી રોઈ પડ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીનું એ દૃશ્ય અત્યારે ફેકન્યુઝ પેઠે ‘કાશ્મીર ફાઇલ્સ’ સાથે જોડીને બતાવાઈ રહ્યું છે. ‘કાશ્મીર ફાઇલ્સ’માં એક પણ મુસ્લિમ સારું પાત્ર જ નથી એ તે કેવી વાસ્તવિકતા! કાશ્મીરી પંડિતો કણસતા હતા ત્યારે અનુપમ ખેર ‘દિલ હૈ કે માનતા નહીં’ જેવી રીલ લાઈફની રોમેન્ટીક-કોમેડી ફિલ્મોમાં રત હતા અને આજે રીઅલ લાઈફમાં પંડિતોના નામે આંસુ વહાવે છે તે વિચિત્ર લાગે છે! આ ફિલ્મમાં એક જ સંવાદ સારો છે. ‘વાસ્તવિકતા બતાવવા કરતાં ખોટું એ છે કે અધૂરી સચ્ચાઈ બતાવવી.’ શિકારામાં સંવાદ છે કે ‘નેતા કા કામ લોગોં કો લડાના નહીં, ઉનકો એક કરના હૈ.’ આ ફિલ્મ આમ પણ આ પક્ષની સરકારના શાસનમાં દેશમાં જે નફરત વધી રહી છે એમાં આગમાં ઘી હોમવા જેવી સાબિત થશે. ’૯૦માં કાશ્મીરના આઈ.બી. ચીફ એ.એસ. દુલાતે કહ્યું કે આ ફિલ્મ દુષ્પ્રચાર છે. અનેક મુસ્લિમોએ પંડિતોને આરક્ષણ આપ્યું હતું. આતંકવાદીઓથી મારેલાં પંડિતોની સંખ્યા વિવેક અગ્નિહોત્રીના મતે ૪,૦૦૦, કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના મતે ૬૫૦, RSSના મતે ૬૦૦, ગૃહ મંત્રાલયના મતે ૨૯૧. આ સરકારી આંકડાને સરકાર ક્યાં છૂપાવશે? આવી ફિલ્મને કરમુક્ત જાહેર કરતી સરકાર ખુદ નફરતની ખેતીમાં રસ ધરાવે છે તે પુરવાર થાય છે. ‘કાશ્મીર ફાઇલ્સ’ના ઉન્માદમાં રત પ્રજાને રાંધણ ગૅસમાં એક જ ફટકે પચાસ રૂપિયાનો વધારો માથે પડયો છે એ દેખાતો નથી!

Email : bharat.mehta-guj@msubaroda.ac.in

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 04-05 

Loading

મારે મરવું નથી, કારણ કે ..

સોનલ પરીખ|Opinion - Short Stories|2 April 2022

‘મારે મરવું નથી. મને બચાવી લો. કંઈ પણ કરો – મને જીવાડો.’

એ વૃદ્ધ સજ્જનનું ગળું ભરાઈ આવ્યું. ઉપસેલી નસોવાળા સૂકા બરછટ હાથે તેમણે ખુરશીના હાથા એવી રીતે પકડી રાખ્યા હતા કે જો છોડી દેશે તો મૃત્યુ ઊંચકીને તેને લઈ જશે! ફીક્કી ચામડી બેબાકળા ચહેરા પર કંપતી હતી. આંખોમાં ડર અને સ્તબ્ધતા થીજી ગયાં હતાં. તેઓ ખૂબ અસહાય અને હતાશ લાગતા હતા. હવા પણ જાણે તેમની પીડાના વજનથી ભારે ભારે થઈ ગઈ હતી.

‘કેન્સર ઘણું વધી ગયું છે.’ હું શબ્દો ચોર્યા વગર બોલી. તેમ કર્યા વગર બીજો રસ્તો નહોતો.

‘એટલે કે કોઈ આશા નથી ?  પ્લીઝ, એવું ન કહો. કહો કે આશા છે. રિપોર્ટ ફરી વાર જુઓ. તમારા સીનિયરની સલાહ લો. નિદાનમાં કદાચ ભૂલ હોય. તમે તો ડૉક્ટર છો. છેવટે એટલું કહો કે કૅન્સર જીવલેણ નથી.’

‘હું તમને લાંબો સમય વ્યવસ્થિત રાખવાની અને પીડા વગર જીવાડવાની કોશિશ કરીશ.’

‘પણ મારે મરવું જ નથી.’ તેમણે પોતાના ધ્રૂજતા હાથમાં મારી હથેળી જકડી લીધી. તેમના હાથ ઠંડા હતા; મૃત શરીરના હોય તેવા. પણ તેમની હથેળીનો કંપ હું મારી હથેળીમાં અનુભવી રહી. થોડી વારે મેં મારો હાથ હળવેથી સેરવી લીધો.

નીચું જોઈ તેઓ માથું ધુણાવતાં બબડતા હતા : ‘મારે મરવું નથી. મારે મરવું નથી ..’

*

દર વખતે આ જ દૃશ્ય ભજવાય. કોઈના માથા પર મૃત્યુ તોળાતું હોય, તેને મરવું ન હોય, તે બચવા માટે એવા કાલાવાલા કરે; જાણે અમે ડૉક્ટરો તેમને જિન્દગી આપવા સમર્થ હોઈએ! આ બધાની અસર હું ડૉક્ટર છું તો પણ; મને થાય તો ખરી. રોગ અને મૃત્યુ પાસે આખરે માણસ અસહાય છે એ સ્વીકારવું કંઈ સહેલું નથી. તે છતાં અમે છેક સુધી લડ્યે જતા હોઈએ છીએ. આવી રીતે વર્તીને તેઓ મારો આત્મવિશ્વાસ તોડી નાખતા.

હવે વાતો પૂરી થઈ ગઈ હતી. તેઓ આવતા ને આવતાંની સાથે રડવા માંડતા. હું પણ ચૂપચાપ રહેતી. તેમને રડવા દેતી, જોતી રહેતી. મને કરુણા પણ ઉપજતી અને ધીક્કાર પણ જાગતો. એવું વાતાવરણ ઊભું થયું, જાણે આ સ્થિતિમાં મેં એમને મૂક્યા હોય. અસાધ્ય કૅન્સરના મરણોન્મુખ રોગીઓની સારવાર ‘પેલિએટીવ કૅર’ની ખાસ તાલીમ મેં લીધી છે. અંત સમયની પીડા અને મૃત્યુને સહ્ય બનાવવામાં દર્દીઓને મદદ કરવી તે મારું કાર્યક્ષેત્ર છે. એટલે હું છેવટે તેમને આશ્વાસન આપતી, શાંત પાડવાની પૂરેપૂરી કોશિશ કરતી, થોડી આધ્યાત્મિક વાતો પણ કરતી; છતાં તેમનું રડવાનું કેમેય અટકતું નહીં. મારી ધીરજની કસોટી થવા લાગી ને અન્તે ક્ષોભ અને ત્રાસ પામીને હું તેમનો હાથ પકડી હળવેથી ઊભા કરતી અને બહાર મૂકી આવતી. એક રડતો વૃદ્ધ બીમાર પુરુષ અને તેને બહાર મૂકી જતી યુવાન ડૉક્ટર! એવું દૃશ્ય રચાતું કે બહાર બેઠેલાં દર્દીઓ, મારી રિસેપ્શનિસ્ટ અને વૉર્ડબૉય સુધ્ધાં તેમના તરફ સહાનુભૂતિથી અને મારા તરફ તિરસ્કારથી જોતાં. ક્યાં ય સુધી મને કળ ન વળતી.

*

‘તમે અત્યન્ત નિરાશ થઈ ગયા છો’ એક દિવસ મેં કહ્યું.

‘હા.’ તેમની આંખો છલકતી હતી.

‘તમને તકલીફ થાય છે. દુઃખાવો કે બળતરા?’

‘હા … ના … કદાચ. ખબર નથી પડતી.’ અને આંસુ સરવા માંડ્યાં.

ફરી વાર તેઓ હતાશાની અતળ ખાઈમાં ગરક થતા જતા હતા અને મને પણ ખેંચી જતા હતા. હું ખેંચાઈ રહી હતી. મને ગુસ્સો આવતો હતો. આખરે આયુષ્યના નેવુંમા વર્ષે મૃત્યુનો આટલો ડર શા માટે? સુખોદુઃખોથી ભરેલી એક લાંબી જિન્દગી તેમણે જીવી લીધી હતી, પછી આટલી વિહ્વળતા શા માટે? મને તેમના ખભા પકડી હલાવી નાખવાનું ને બૂમ પાડીને પૂછી લેવાનું મન થતું હતું :

‘આખરે, દીકરીથી ય નાની ઉંમરની ડૉક્ટર પાસેથી કેવા પ્રકારનું આશ્વાસન ઈચ્છો છો તમે?’

ખરેખર તો આ ક્ષણે એમની શાન્તિ અને ધૈર્યમાં તમામ અસહાયતા ઓગળી જવી જોઈએ. મૃત્યુને ગરિમાથી સ્વીકારી લેતાં અનેક યુવાનો અને બાળકો પણ મેં જોયાં છે. આ પુરુષ, આ ઉંમરે, આટલો બધો નિર્બળ કેમ બને છે? આટલો બધો કેમ પડી ભાંગે છે કે કેમેય કરીને તેને ઊભો કરી શકાતો નથી?

મારી અકળામણ વધતી હતી. કદાચ બહાર દેખાતી પણ હશે. તેઓ ધ્રૂજતા ધ્રૂજતા ચૂપચાપ બેઠા હતા. આંસુથી ખરડાયેલા ગાલ પર ફરી ફરી આંસુ વહેતાં હતાં.

મેં કહ્યું, ‘કદાચ બીજા કોઈ ડૉક્ટર તમને વધુ મદદ કરી શકશે. હું …’

‘ના, ના, મારે બીજા કોઈ પાસે જવું નથી. તમે મને છોડી ન દેશો.’

‘ભલે, નહીં છોડું.’

‘હું મરવા નથી માગતો મારે જીવવું છે કારણ કે … કારણ કે હું પ્રેમમાં છું.’

હું સ્તબ્ધ! પ્રેમમાં? આ ઉંમરે? કાન પર અથડાયેલા શબ્દો જાણે મનમાં પચતા નહોતા!

તેઓ તો જાણે ક્યાંક બીજે, બીજી દુનિયામાં ચાલ્યા ગયા હતા. મનમાં જાત સાથે વાત કરતા હોય એમ તેઓ બોલવા લાગ્યા, ‘અમારાં લગ્ન થયાં ત્યારે તે સોળ વર્ષની હતી.’ આટલાં ડર, પીડા અને કંપન વચ્ચે પણ તેમના ચહેરા પર એક કોમળ તેજ પથરાયું. થોડા ન સમજાય તેવા શબ્દો … પછી તેઓ ક્યાં ય સુધી મૌન રહ્યા. મારા મનમાં ચિત્ર આવ્યું – સાગરના તળિયે એક મરજીવો છીપ ભેગી કરી રહ્યો છે. મનમાં ઉછળતી ઉત્સુકતા દબાવી હું ધીરજથી તેમને જોતી રહી.

અંતે મૌન તૂટ્યું : ‘મેં વચન આપ્યું હતું કે જીવનભર તેને સંભાળીશ.’

હું પારાવાર ક્ષુદ્રતા અનુભવતી હતી. ‘મને કહ્યું કેમ નહીં?’

‘તમે પૂછ્યું નહોતું.’

‘હવે પૂછું છું. તમારાં પત્ની વિશે મને કહો.’

‘કહું?’ તેમના ચહેરા પર મેઘધનુષ ખીલી ઊઠ્યું.

‘હા. બધું કહો.’

અને તેઓ કહેવા લાગ્યા – ભાગલા વખતે સર્વસ્વ ગુમાવીને થાકેલાં શરીર, વિચ્છીન્ન આત્મા અને ચાર નાનાં બાળકો સાથે આ દેશમાં આવેલાં પતિ–પત્ની વિશે, દિવસે નાનીમોટી નોકરીઓ કરી રોટલો રળતા ને રાત્રે નાઈટ સ્કૂલમાં ભણતા યુવાન વિશે, કરકસરથી ઘર ચલાવતી, બાળકોને કેળવતી ને સંઘર્ષરત પતિના હૃદય પર શાન્તિનો હાથ ફેરવતી પ્રિયતમા વિશે, યુવાનીનાં વીતતાં ગયેલાં વર્ષો, સંઘર્ષનાં ધીરે ધીરે મળતાં ગયેલાં ફળ અને આયુષ્યની સરતી જતી રફતાર વિશે. ‘રોજ રાત્રે અમે છયે જણ ઢૂંબો વળીને જે મળ્યું હોય તે પ્રેમથી ખાઈ લેતાં, એકબીજાને ખવડાવી દેતાં. થાકથી તૂટી પડ્યો હોઉં ત્યારે એ ખભે હાથ મૂકીને કહેતી – ‘આપણે સાથે છીએ તો નવી જિન્દગી જરૂર મળશે ને હું ભાંગેલી કમર સીધી કરી વિશ્વાસપૂર્વક કામે લાગતો.’

આ બધું કહેતી વખતે તેમના અવાજમાં જરા ય કંપ ન હતો. તેમણે કહ્યું, ‘તમને કદાચ મારી વાત જૂના જમાનાની, ચીલાચાલુ લાગશે. પણ સાચું તો એ જ છે કે, અમારા પ્રેમે જ અમને શક્તિ આપી હતી. તેનું મોં જોઈને મારા પગમાં નવું જોમ આવતું ને મને જોઈને તેનામાં પ્રાણ પૂરાતો. આમ જ જીવન વીત્યું, બાળકો મોટાં થયાં, દુઃખો પણ પૂરાં થયાં અને હવે…’

ફરી તેમનો અવાજ તૂટી ગયો. આંખો વહેવા માંડી. પણ હવે હું આ આંસુનું મૂલ્ય જાણવા પામી હતી. પ્રેમનું આ કેવું સ્વરૂપ હતું! જે પ્રેમ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તેમને સ્થિર રાખતો હતો, તે જ પ્રેમ આ વયોવૃદ્ધ અવસ્થાએ તેમને બાળકની જેમ રડાવી રહ્યો છે! હું આમને ડહાપણના, સાંત્વનાના શબ્દો કેવી રીતે કહું? મને સમજાય છે, તેઓ સાચા છે. જેનો થરથરતો હાથ, હાથમાં લઈને જીવનભર સાથ આપવાનો કોલ દીધો હતો, જેને ગર્વથી, પ્રેમથી, અધિકારથી આજ સુધી રક્ષી હતી; તેને આ વૃદ્ધ અવસ્થાએ એકલી મૂકીને જઈ શકાતું નથી. પણ જવું તો પડશે. આ મૃત્યુનો ડર નથી, વિયોગનો પણ નથી; બસ એક જર્જરિત વૃદ્ધ નારીમૂર્તિ સામે આવે છે ને ધૈર્યના બધા બંધ તૂટી જાય છે.

‘ના, તમે ચીલાચાલુ નથી. જૂના જમાનાના નથી. આ પ્રેમ, આ સ્વપ્નો જ તો દરેક પુત્રનું જીવનબળ છે.’

તેમના હાથ પર હાથ મૂકીને હું બોલી, ‘તમારી વાત ખૂબ જ સુંદર અને અત્યંત અદ્ભુત છે.’

તેમણે બે હાથમાં મારી હથેળી પકડી, ‘એવું નથી. તમે આંખ ખોલીને જુઓ તો આવો પ્રેમ ઘણી જગ્યાએ દેખાશે.’

અને પહેલી વાર તેઓ શાન્તિપૂર્વક ગયા. મને શાન્તિ આપીને ગયા. હવે છેક મને સમજાયું કે તેઓ મારી પાસેથી શું ઈચ્છતા હતા. મારે તેમના હૃદય સુધી પહોંચવાનું હતું. તેમની પીડા સમજવાની હતી. દવા કે ઈલાજમાં નહીં; તેમની શાન્તિ પોતાના મનની વાત વહેંચવામાં હતી.

મને મારી અધિરાઈ માટે શરમ આવતી હતી. કેટલી ઉપરછલ્લી હતી મારી યુવાની અને જીવન તો કેટલું ગહન, કેટલું શાન્ત! ધીમા, ડગમગતા, સરખું સાંભળી કે બોલી ન શકતા જીર્ણ શરીરવાળા વૃદ્ધોને જોઈ તેમને નિરુપયોગી, નકામા, અકારણ જીવ્યા કરતા અને સંવેદનવિહોણા ધારી લેતા વાર નથી લાગતી; પણ યુવાનીનો ચળકાટ એક દિવસ ખલાસ થઈ જાય છે. ત્યાર પછી પણ પ્રેમ જીવતો હોય છે; જિન્દગીનો અર્થ જીવતો હોય છે. જો જોવા માગીએ તો દેખાય; અનુભવવા માગીએ તો જોઈ શકાય.

એ મારું છેલ્લું મિલન હતું. ત્યાર પછી તેઓ કદી ન આવ્યા. એક દિવસ સમાચાર મળ્યા કે તેઓ મૃત્યુ પામ્યા છે. મેં ઑફિસમાં કહેવડાવ્યું કે તેમને ત્યાંથી કોઈ પેપર્સ લેવા આવે તો મને મળે.

અઠવાડિયા પછી તેમના પુત્રને મળવાનું થયું. ચાલીસેક વર્ષનો ગંભીર સમજદાર પુરુષ. મેં પૂછ્યું, ‘તેમની છેલ્લી પળો કેવી વીતી?’

‘શારીરિક કષ્ટની ફરિયાદ નહોતા કરતા. પણ જીવ જતા વાર લાગી. વારે વારે મા સામે જોયા કરતા હતા.’

‘અને તમારાં મા?’

‘મારી મા છેલ્લાં વીસ વર્ષથી અંધ છે. તેની સારસંભાળનો બધો જ ભાર છેક સુધી પિતાજીએ ઉપાડ્યો. અમે ઘણું કહ્યું કે નર્સ રાખીએ, કૅરટેકર રાખીએ; પણ ન માન્યા. કહે : ‘મારે બીજું કામે ય શું છે? અત્યાર સુધી એણે મારી કેટલી સેવા કરી છે. થોડું હુંયે કરું ને નાનુંમોટું બધું પોતે જ કરતા. રોજ બહાર લઈ જાય. ઝીણું ઝીણું વર્ણન સતત કરતા જાય ને મા તેમનો હાથ પકડી ચાલતી હોય, રસથી સાંભળતી હોય. વચ્ચે પૂછતી જાય, ‘આ ઘંટડી શાની વાગી?’; ‘બાજુમાંથી શું દોડી ગયું?’; ‘આજે પાંદડાં કેમ બહુ ખખડે છે?’ ઘરમાં પણ બન્ને સાથે ને સાથે જ -’ પછી ગળું ખંખેરી કહે, ‘જોડી તૂટી, ડૉક્ટર.’

‘તમારાં મા બહુ દુઃખી થયાં હશે?’

એ ભાઈ નીચું જોઈ ગયા. થોડી વારે કહે,

‘શાન્ત હતી. આમ તો એક વાર બોલી હતી – ‘સારું થયું, મારા પહેલા તેઓ ગયા. મારે પહેલા જવાનું થાત તો એમને એકલા છોડી કેમેય જઈ ન શકત. તેમની જેમ વલખતી રહેત.’ મેં પૂછ્યું, ‘તને કોણે કહ્યું તેઓ વલખતા હતા? તો બોલી નહીં. છલકતી આંખે નીચું જોઈ ગઈ.’

‘તમે કહ્યું, શાન્ત હતી – ‘હતી’ શબ્દ વાપરેલો ને?’

‘હા.’

‘એટલે – એટલે કે …’

‘પિતાજી ગયા પછી ચાર દિવસે મા પણ મૃત્યુ પામી. ઊંઘમાં જ ચાલી ગઈ. પેલે દિવસે બોલી હતી કે હવે જીવીને શું કામ છે? ભગવાનની માળા કર્યા કરતી હતી આખો દિવસ.’

દર્દીના મૃત્યુ પછી સગાંવહાલાંને મળવાનો પ્રસંગ આવી રીતે ક્યારેક આવે. તેવે વખતે તેઓ વાતો કરવા આતુર હોય છે. તેમની લાગણીઓ ઘવાય નહીં, તેવી રીતે વાત ટૂંકાવવાની અમને તાલીમ અપાય છે. હું પણ આ શીખી છું. સૌજન્ય જાળવીને થોડામાં પતાવવું એ નિયમને અનુસરું છું. પણ તે દિવસે એ નિયમ મેં તોડ્યો. એ ભાઈએ તેમના પિતા વિશે ઘણી બધી વાતો કરી, કે દાદા કેવા ગરમ સ્વભાવના; પણ અત્યન્ત પ્રેમાળ હતા. રેફ્યુજીઓને કેટલી મદદ કરતા, પરિવારને કેટલો ચાહતા. અનેક પ્રસંગો. આ બધી વાતો મેં પૂરી સાંભળી. પણ મારી આંખો સામે એક જ દૃશ્ય રચાતું રહ્યું – ઝૂકી આવેલું આકાશ, સાંકડો રસ્તો, એકબીજાંનો હાથ પકડી ચાલ્યું જતું દમ્પતી અને તેમના પર મંજરીઓ ખેરવતાં ઘટાદાર વૃક્ષો!

*

દર્દીઓ તરફ જોવાની એક નવી દૃષ્ટિ મને મળી છે. વ્હીલચૅરમાં બેઠેલા, અધ્ધર જીવ અને ખોવાયેલી દૃષ્ટિવાળા, જીર્ણ-કંપતા શરીરવાળા વૃદ્ધોને જોઈને હું મારી જાત સાથે એક કમિટમેન્ટ કરું છું કે, તેમના અન્તની ઘોષણા કરવાની ઉતાવળ કરવાના બદલે હું તેમની સફરના મુકામોને, તેમની સાથે માણીશ. તેમની સ્મૃતિની અને મારી સમજની ગ્રંથિઓને ઓગાળીશ.

આખરે, આપણે શું જોઈએ – મુક્તિ, વિમોચન. ખરું ને?

(પ્રસિદ્ધ ‘કુમાર’ માસીકના 2011 એપ્રિલના ‘એક હજાર’મા ‘વાર્તા–વિશેષાંક’ના પાન 479 પરથી સાભાર .. .. ઉ.મ.)

લેખિકા સમ્પર્ક : સોનલ પરીખ, લોકભારતી ગ્રામવીદ્યાપીઠ, સણોસરા- 364 230 તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર

eMail: sonalparikh1000@gmail.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ અગિયારમું – અંકઃ 323 – May 31, 2015

165.Maare_Marvu_Nathi-SONAL_PARIKH-31-SeM-31-05-2015

Mobile_Edition

આ પોસ્ટ મોકલાઈ : 01-04-2022

@@@

Loading

...102030...1,6581,6591,6601,661...1,6701,6801,690...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved