Opinion Magazine
Number of visits: 9961784
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પતિ, પત્ની, વો, કુટુંબ અને મોબાઈલ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 June 2022

તમને એવું લાગે છે કે કોઈ છેતરી રહ્યું છે? મને તો લાગે છે. મોટે ભાગે બે પ્રકારના માણસો જોવા મળે છે. એક છેતરે છે ને બીજા છેતરાય છે. છેતરપિંડી એ આજના યુગનો લઘુત્તમ સાધારણ અવયવ છે. એ એક જ ક્ષેત્રમાં છે એવું નથી. કોઈ ક્ષેત્ર એમાંથી બાકાત નથી. જે એમ માનતા હોય કે પોતાને કોઈ છેતરી ન શકે, તો એ ભીંત ભૂલે છે. કોરોનાનો જ દાખલો લઇએ. ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ફતવાઓ બહાર પડી ચૂક્યા છે. એમાં સાચું ખોટું કૈં પરખાય છે? કોરોના હોય અને તેની કાળજી રાખવાની હોય તેની ના નથી, પણ જે રીતે એની લહેર ઊઠે છે તે કૈં લીલાલહેર માટે તો નથી જ ! એ એક પ્રકારનું ટેન્શન ઊભું કરે છે. મોટે ભાગે બે મોઢાંની વાતો ચાલે છે. એક કહે છે એમાં ડરવા જેવું કૈં નથી ને બીજું કહે છે ચિંતા કરવા જેવું તો છે જ ! આ વાતો નિયમિત રીતે થોડે થોડે મહિને આપણા કાન ખોતર્યા કરે છે. જરા સ્કૂલો ચાલવા પર આવે છે કે આ ડર ફેણ પછાડીને બેઠો થાય છે. કોઈ રોગ આટલો નિયમિત જોયો નથી. આ તે રોગ છે કે પ્રીમિયમ લેવા આવતો કોઈ એજન્ટ ! કોરોના આવે છે કે કોઈ લાવે છે તે જ નથી સમજાતું.

કોઈ જાણે નક્કી કરીને બેઠું છે કે ભણતર સરખું ચાલવા ના દેવું. ભણતર હવે માસ પ્રમોશનનું જ બીજું નામ હશે કે શું? આ દેશમાં ધંધાધાપા જરા ગતિ પકડે છે કે કોરોનાની બૂમરાણ મચે છે. લોકો માસ્ક કાઢીને ફરતાં  થાય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગની આલબેલ ફરી પોકારાય છે. આ કુદરતી નથી લાગતું. લોકો ડરેલા જ રહે એવી વ્યવસ્થા તો ઊભી નથી થઈને? આમાં કોનો શું ઇરાદો છે તે નથી સમજાતો, પણ એટલું છે કે ઘરથી માંડીને મહાનગર સુધી કોઈ ઠેકાણે ન પડે એવો રાક્ષસી ખેલ ખેલાઈ રહ્યો હોય એવું લાગે છે.

થોડું લાઉડ થિંકિંગ કરવા જેવું છે.

એક તરફ આપણો દેશ અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. દેશવિદેશમાં ભારત નામ કમાઈ રહ્યું છે ને બીજી તરફ ઘણી બધી બાબતોમાં તેનો નંબર વિશ્વમાં પાછળને પાછળ જઈ રહ્યો છે. અન્નક્ષેત્રે ભારત એટલું સ્વાવલંબી થયું છે કે તે બીજા દેશોનું પેટ ભરવા લાગ્યું છે, તો અહીં ઘરનાં ઘંટી ચાટે … એવું કેમ થાય છે? આ અઠવાડિયામાં જ સરકારે દસ લાખ નોકરી ઊભી કરવાનું આશ્વાસન આપ્યું છે, તો સવાલ એ છે કે નોકરી ન હોવાને કારણે કે નોકરી છૂટી જવાને કારણે એ કયા લોકો છે જે આત્મહત્યા કરે છે? એક તરફ સરકાર અગ્નિપથ સ્કિમમાં યુવાનો માટે ચાર વર્ષની નોકરી સૈન્યમાં લઈને આવે છે ને એને એક દિવસ પણ નથી થતો ને બિહાર, હરિયાણા … જેવાં સાત રાજ્યોમાં ટ્રેન રોકવા – સળગાવવાના, રસ્તા રોકવાના હિંસક વિરોધ શરૂ થઈ જાય છે, રોહતકમાં એક વિદ્યાર્થી આ જ મામલે આત્મહત્યા કરી લે છે. ચાર વર્ષ પછી એમને અર્ધલશ્કરી દળોમાં કે આસામ રાઈફલ્સમાં અગ્રિમતા આપવાની સરકાર ખાતરી આપે છે, પણ કોઈ ટાંપીને બેઠું હોય તેમ સ્કિમ જાહેર થાય છે તે સાથે જ વિરોધ પણ શરૂ થઈ જાય છે.

એક જ દિવસમાં બે સમાચાર એવા આવે છે જેમાં મોંઘવારી વધે છે ને મોંઘવારી ઘટે પણ છે. આપણે ટેકનોલોજીમાં, વિજ્ઞાનમાં, કૃષિમાં, ઉદ્યોગોમાં બધી જ દિશાએ પ્રગતિ કરી છે. આ સાચું હોય તો લોકો પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ ન રહે એટલાં કામ હોય. કોઈ કામધંધા ને નોકરી વગરનું જ ન હોય, પણ હકીકત એ છે કે લોકોને રોજગારી નથી ને શિક્ષિત બેકારો આત્મહત્યા કરે છે. સરકાર લાખોની સંખ્યામાં દર વર્ષે જેટલી નોકરીઓ ઊભી કરે છે, એટલામાં તો કોઈ નોકરી વગરનું જ ન રહે, પણ સૌ જાણે છે કે હાલત શું છે? ચિત્ર તો એવું ઉપસે છે કે આપણે પાયામાંથી જ ભ્રષ્ટ અને અપ્રામાણિક છીએ. અહીં કોઈ સરકારની ટીકા કરવાનો હેતુ નથી. સારું પણ આ દેશમાં થાય જ છે, પણ તંત્રો કે મીડિયા જે રીતે સક્રિય છે તે સાચું ચિત્ર લોકો સુધી પહોંચવા નથી દેતાં.

અને લોકો? શું કહેવું લોકોને ! એ જીવે છે કે કેમ એની જ ખબર જ નથી પડતી. પેટ્રોલના ભાવ વધે છે, તો ચૂપ છે. ઘટે છે તો ચૂપ છે. પેટ્રોલની અછત ઊભી થાય છે તો લાઇન લાગવા માંડે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ વધે છે તો અહીં ભાવ વધારાની ચેતવણી અપાયાં કરે છે. કેમ જાણે ત્યાં ભાવ ઘટે તો અહીં પણ ભાવ ઘટી જવાના હોય ! ભાવ વધે કે ઘટે લોકો નિર્જીવની જેમ એ વેઠી લે છે. આ અવાજ વગરની, વિરોધ વગરની પ્રજા છે. આ પ્રજા ઘરમાં પણ ચૂપ છે, પણ એની શાંતિ ભારેલા અગ્નિ જેવી છે. તમે નહીં માનો મારી વાત, પણ આ સાવ નવરી પ્રજા છે. એ માત્ર ટાઈમપાસ કરે છે. આમ તો સમય કોઇની પાસે નથી ને કામ પણ કોઈની પાસે નથી. એમની પાસે એક જ કામ છે ને તે મોબાઈલ મચડવાનું. કામ હોય કે ન હોય, લોકો પાસે મોબાઇલની નોકરી તો છે જ ! લોકો એમાં જોતરાયેલા રહે છે. મોબાઈલને આ લોકો નવરો પડવા જ દેતા નથી.

આમ તો મોબાઇલની નોકરી નથી, તો ય તેની ઘણી ફરજો લોકો બજાવે છે. પોતે તો બહુ મેસેજ કરી શકતા નથી, પણ આવેલા મેસેજ ફોરવર્ડ કરવાની વણલખી ફરજ લોકો એવી રીતે બજાવે છે કે એમ ન કરે તો ગુજરી જાય. કેટલા બધા વીડિયો ઉતારવાના ને વાયરલ કરવાના હોય છે ! કેટલા બધા વીડિયો, એવા જ નવરા મિત્રો, ગ્રૂપ્સમાં મોકલે તે ફોરવર્ડ નહીં કરવાના? નોકરીધંધો ન થાય તો ચાલે, પણ ફોરવર્ડ ન થાય તો જીવવું ઝેર થઈ જાય ! આખા દેશમાં જાણે મોબાઈલ ઇન્ડસ્ટ્રી ચાલે છે ને ઘણાં એમાં જોડાયેલાં છે. એનું આઉટ પુટ આમ જુઓ તો કૈં નથી, છતાં લાખો લોકો એમાં ગાંઠના ખર્ચીને વ્યસ્ત હોવાની ‘પવિત્ર’ ફરજ બજાવે છે.

કેટલાંક ઘરોમાં મોબાઈલને કારણે મરણ થયું હોય એવી શાંતિ પથરાઈ જાય છે. મિત્રો, મોંમાં મોં નાખવા જેટલા નજીક હોય, છતાં વાત કરવાને બદલે તેઓ એક બીજાને મોબાઈલ ‘મારે’ છે. કાનમાં કહેવાના મેસેજ હવે ફોરવર્ડ થયા વિના રહેતાં નથી. ઘરમાં માબાપ અને દીકરો કે દીકરી જ હોય, એક જ રૂમમાં ટી.વી. જોતાં બેઠાં હોય, પણ તેમની વચ્ચે કોઈ વાત નથી થતી ને એ ત્રણે પાછાં બીજાઓ જોડે મેસેજ, વીડિયોની આપલે કરતાં રહે છે. આ ત્રણે પાસે પાસે છે, પણ નજીક કોઈ નથી. નજીક તો દૂરના લોકો જ છે. ઘરનાં લોકો દૂર થઈ ગયા છે ને દૂરનાં લોકો ઘરમાં આવી ગયા છે.

મોબાઈલે બીજું કૈં કર્યું હોય કે ન કર્યું હોય, પણ લોકોએ એકબીજા પરનો વિશ્વાસ ગુમાવી દીધો છે. દરેક જણ કોઈ કાવતરું કરી રહ્યું હોય એવું જ લાગે છે. એ ખરું કે સોશિયલ મીડિયા પર કોઈ રાખડી બંધાવવા આવતું નથી કે માબાપ કે કાકાકાકી શોધવા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર લોકો ડોકાય છે એવું પણ નથી. જે મૈત્રી થાય છે તેમની વચ્ચે જ્ઞાન વિજ્ઞાનની વાતો થાય છે એવું પણ નથી. મોટે ભાગે તો નામ છુપાવીને એકબીજાનો લાભ લેવાની ગણતરીએ જ લોકો સોશિયલ મીડિયામાં મળતાં હોય છે. એમનો હેતુ આમ તો એકબીજાના ઉપયોગનો જ હોય છે. આ બધું જાહેર થાય એવું હોતું નથી એટલે ઘરથી છુપાવવાની ફરજ પડે છે. પતિ, પત્નીને પણ હવે તો બીજા સ્ત્રી, પુરુષ મિત્રો હોય છે. એમની સાથે ચેટિંગમાં ઘણો સમય જતો હોય છે. એટલો સમય પતિ, પત્ની પર કે પત્ની, પતિ પર ધ્યાન આપી શકતાં નથી. પત્ની સામે બેઠી હોય, પણ વ્યસ્ત એ દૂરના પુરુષ મિત્રમાં હોય છે તો એ જ રીતે પતિ પણ સ્ત્રી મિત્ર સાથે ગપાટતો હોય એમ બને. આ પાછું જાહેર ન થઈ જાય તે સાચવવાનું હોય છે. એ સચવાય છે, પાસવર્ડથી. વાત ગુપ્ત છે ને ગુપ્ત રાખવાની છે એટલે પાસવર્ડ નાખવો જ પડે છે. પતિ, મિત્ર સાથે કેવી વાત કરે છે તે જાણતો હોય છે એટલે એવી જ વાત પત્ની પણ કરતી હશે એવું એ ધારી લે છે. એ જાણવાની તેને ઈચ્છા હોય છે, પણ જાણી શકે એમ નથી, કારણ, પત્નીએ પાસવર્ડ નાખેલો છે. એવું જ પતિ પણ કરી બેઠો હોય છે એટલે પત્ની પણ જાણી શકતી નથી. વારુ, કોઈ, કોઈને પાસવર્ડ આપવા રાજી નથી. આપે તો પોતાની વાત પતિ કે પત્ની જાણી જાય એવી શંકા છે. જેમની વચ્ચે સૌથી વધુ વિશ્વાસ હોવો જોઈએ તે પતિપત્ની એક બીજા પર જ વિશ્વાસ ન મૂકે એવી સ્થિતિ છે ને જે દૂરનાં મિત્રો છે, જેમને કદાચ જોયા પણ નથી, તેના પર વિશ્વાસ મૂકીને અંગતમાં અંગત વાત પણ કહી દેવાતી હોય છે. પછી કૈં વાંકું પડે છે તો આ જ મિત્રો એકબીજાને ઉઘાડા પાડવામાં જરા પણ શરમ રાખતા નથી.

પતિ કે પત્ની મોબાઇલમાં વ્યસ્ત હોય, વીડિયો કે મેસેજ વાયરલ કરવામાં પડ્યાં હોય ને એમાં ઘરમાં ધ્યાન ન અપાતું હોય તો પતિ કે પત્નીને વાંકું પડે જ છે. કેટલી ય પત્નીઓએ તેમના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદો કરી છે તો કેટલાક પતિઓએ પણ પત્નીની મોબાઈલ પરની વ્યસ્તતાને મામલે વાંધો ઉઠાવ્યો છે. ફરિયાદો ન થઈ હોય તો પણ, કુટુંબનાં અન્ય સભ્યો પણ મોબાઇલમાં વ્યસ્ત રહેતાં જ હોય છે. બાળકો મોબાઈલ ગેમ્સમાં એટલાં વ્યસ્ત થઈ ગયાં છે કે કેટલીક જોખમી રમતોમાં જીવ પણ ગુમાવે છે. થોડા દિવસ પર જ એક માએ દીકરાને પબજી ન રમવા દેતાં માને ગોળીએ દેવાના સમાચાર હતા. કાલના જ સમાચાર છે કે એક 16 વર્ષની છોકરી મોબાઈલ રીપેર નહીં થાય એમ જાણતાં ફાંસો ખાઈ લે છે. આમાંનું કોઈ, કૈં પણ ન કરે તો મરી જાય એમ નથી, પણ મોબાઇલના વ્યસને નવરાશ એટલી ઊભી કરી છે કે મહત્ત્વનાં કામો બાજુએ મૂકીને પણ લોકોએ મોબાઈલને શરણે જવામાં જ મોક્ષ જોયો છે.

આ કૈં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવાથી અટકવાનું નથી. મોબાઇલના સારા ઉપયોગો પણ છે જ, પણ વાત એટલા પૂરતી જ મર્યાદિત થાય તો ફેર પડે. એ તો થાય કે નયે થાય. ટૂંકો ને સાચો રસ્તો એ છે કે જરૂર પૂરતા ઉપયોગની વાત જે તે વ્યક્તિ પોતે જ શરૂ કરે. એટલું તો જે તે વ્યક્તિના હાથમાં છે જ. બાકી બધાંને સુધારવાનું શક્ય નથી. દરેક જણ પોતાનો વિવેક જાગ્રત કરે તો ય ઘણું છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જૂન 2022

Loading

સાંસદો-ધારાસભ્યોનાં પેન્શનનું ઔચિત્ય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 June 2022

દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જેના ધારાસભ્યોને પેન્શન મળતું નથી. કારણ કે ગુજરાતમાં હજુ ગાંધીની આણ પ્રવર્તે છે કે ગાંધીનું તપ સાબૂત છે. ગાંધીજી માનતા હતા કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકસેવાને વરેલા હોઈ તે ‘મતદારોની પરિસ્થિતિમાં અને તેમના જ વાતાવરણમાં તેમની સેવા કરશે’. પ્રધાનો કે ધારાસભ્યો ‘સાહેબ લોકોની જેમ ન રહી શકે સરકારી સાધનોનો ઉપયોગ પણ ખાનગી ઘરકામ માટે ન કરી શકે’.

પણ આજે તો સાંસદો અને ધારાસભ્યો તગડા પગાર-ભથ્થાં તો મેળવે જ છે. સાંસદ કે  ધારાસભ્ય મટી ગયા પછી પેન્શન અને તેમના મરણ પછી તેમના વારસદારોને કુટુંબ પેન્શન પણ મળે છે! ગુજરાત તેમાં અપવાદ છે. ગુજરાતના સાંસદોને પેન્શન મળે છે પણ ધારાસભ્યોને મળતું નથી! તે મેળવવાના પ્રયાસો જરૂર થયા છે, પરંતુ ગાંધીમાર્ગી લોક આંદોલનોને કારણે સફળ થઈ શક્યા નથી.

થોડા દિવસો પહેલાં ગુજરાત એક્સ એમ.એલ.એ. કાઉન્સિલે ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની તેમની પુરાણી માંગ દોહરાવી છે. તો ગુજરાતના સરકારી કર્મચારીઓએ નવી પેન્શન સ્કીમને બદલે જૂની પેન્શન સ્કીમ લાગુ પાડવા સંગઠિત તાકાત સાથેનું અસરકારક આંદોલન ઉપાડ્યું છે. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના મુખ્ય મંત્રી ભગવંત માને રાજ્યમાં ‘એક ટર્મ એક પેન્શન’ની નીતિ જાહેર કરી છે તેને કારણે પણ ધારાસભ્યો-સાંસદોના પેન્શનનો પ્રશ્ન ચર્ચામાં છે.

સરકારી કે અન્ય સેવામાં કામ કરતા અધિકારી-કર્મચારીને પાંત્રીસ-ચાલીસ વરસની નોકરી પછી પેન્શન મળે છે. પરંતુ આપણા માનનીય સાંસદો અને ધારાસભ્યોને એક દિવસ (રિપિટ એક દિવસ) માટે પણ જો તે સાંસદ કે ધારાસભ્ય બને તો પેન્શન મળે છે! પેન્શનપાત્ર નોકરી ધરાવતી વ્યક્તિ નિવૃત્તિ કે રાજીનામા પછી એમ.પી., એમ.એલ.એ. બને તો તેને તેની અગાઉની નોકરીનું પેન્શન યથાવત મળતું રહે છે તે ઉપરાંત એમ.પી.એમ.એલ.એ.નું પેન્શન મળે છે. જો કોઈ ધારાસભ્ય, લોકસભા કે રાજ્યસભાનો સભ્ય બને તો તેને  ધારાસભ્યના પેન્શન ઉપરાંત લોકસભા-રાજ્યસભાના સભ્યનું પેન્શન પણ મળે છે. જો ધારાસભામાં કે સંસદમાં એકથી વધુ ટર્મ ચૂંટાયા હોય તો ટર્મદીઠ પેન્શન મળે છે.

ઘણા માનનીય પૂર્વ જનસેવકોને મળતું પેન્શન રાષ્ટ્રપતિના કે ટોચના સનદી અધિકારીઓના પગાર કરતાં પણ વધુ હોય છે. પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી પ્રતાપસિંહ બાદલ શાયદ દેશમાં સર્વાધિક વાર ધારાસભ્ય હોવાનો વિક્રમ ધરાવે છે. જેટલીવાર ચૂંટાવ તેટલીવારના પેન્શનના હિસાબે અગિયાર વારના ધારાસભ્ય બાદલસાહેબને મહિને ૫.૭૬ લાખ રૂપિયાનું પેન્શન મળે છે. પંજાબના બીજા પૂર્વ મુખ્ય મંત્રી રાજિંદર કૌર ભટ્ટલને માસિક રૂ. ૩.૨૫ લાખ પેન્શન મળે છે. હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી ઓમપ્રકાશ ચૌટાલાને ૨ લાખ, પૂર્વ ધારાસભ્ય અજય યાદવને રૂ. ૨.૩૮ લાખ બિહારના રમઈ રામને રૂ.૧.૪૬ લાખ માસિક પેન્શન મળે છે. હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભજનલાલના પત્ની જસમાદેવીને તેમનું ખુદનું પૂર્વ ધારાસભ્યનું માસિક રૂ.૬૧,૮૦૦ અને ભજનલાલના વિધવા તરીકે કુટુંબ પેન્શન રૂ. ૯૯,૬૧૯ મળે છે.

ધારાસભ્યોના પેન્શન રાજ્યેરાજ્યે અલગ અલગ હોય છે. પંજાબમાં મહિને રૂ. ૭૫,૦૦૦; મણિપુરમાં ૭૦,૦૦૦; મહારાષ્ટ્રમાં ૫૦,૦૦૦; ઝારખંડમાં ૪૦,૦૦૦; હિમાચલમાં ૩૬,૦૦૦; રાજસ્થાનમાં ૩૫,૦૦૦; ઉત્ત રપ્રદેશમાં ૩૦,૦૦૦ અને મધ્ય પ્રદેશમાં ૨૫,૦૦૦ પેન્શન મળે છે. જો કે આ તો મૂળભૂત પેન્શનની રકમ છે તેના પર મોંઘવારી અને અન્ય ભથ્થા ઉમેરાય છે. એક અંદાજ મુજબ દેશમાં એક સાંસદને માસિક સરેરાશ રૂ.૨.૬૮ લાખ અને ધારાસભ્યને એકાદ લાખ પેન્શન મળે છે.

દુનિયાના અન્ય દેશોમાં જનપ્રતિનિધિઓના પગાર-ભથ્થા નિર્ધારિત કરવા માટે આયોગ કે સમિતિ જેવી અલગ વ્યવસ્થા હોય છે, પરંતુ ભારતમાં દલા તરવાડીપણું ચાલે છે એટલે સાંસદો કે ધારાસભ્યો પોતે જ પોતાના પગાર અને પેન્શન નિર્ધારિત કરે છે અને વધારે છે. ‘સાંસદોના વેતન, ભથ્થા અને પેન્શન અધિનિયમ, ૧૯૫૪’માં અત્યાર સુધીમાં ત્રીસ કરતાં વધુ સુધારા થયા છે. સત્તાપક્ષ અને વિપક્ષ આ એક બાબતમાં એક મત હોય છે એટલે વગર ચર્ચાએ, સર્વાનુમતે, ભારે નફફટાઈથી પોતાના જ પગાર અને પેન્શનમાં પોતે જ વધારો કરતું બિલ પસાર કરી દે છે. સાંસદોને ૧૯૭૬માં રૂ. ૩૦૦ માસિક પેન્શન મળતું હતું જે ૨૦૧૮માં વધારીને ૨૫,૦૦૦ થયું છે. જો કે દેશના ૨૧ રાજ્યોના ધારાસભ્યો કરતાં સાંસદોને મળતું પેન્શન ઓછું છે. 

ચૂંટાયેલા જનપ્રતિનિધિને આપવામાં આવતું પેન્શન કેટલું ઉચિત છે તે ચર્ચાનો વિષય છે. નબળી આર્થિક સ્થિતિ ધરાવતા જનપ્રતિનિધિનો હવાલો આપીને તેનું ઔચિત્ય સમજાવી શકાય તેમ નથી. કેમ કે દેશમાં ૮૨ ટકા સાંસદો અને ધારાસભ્યો કરોડપતિ છે. વળી તમામને પેન્શન તો જરા ય વાજબી નથી. મોટા રાજનેતા, ઉદ્યોગપતિ, ફિલ્મકાર, ધારાશાસ્ત્રી, અખબાર કે મીડિયા સમૂહના માલિક પણ હાલના માપદંડે પેન્શનને પાત્ર છે કે પેન્શન મેળવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પૂર્વ રાષ્ટ્રપતિ તરીકેનું પેન્શન અને સવલતો ભોગવે છે સાથે ધારાસભ્ય અને સંસદસભ્ય તરીકેનું પેન્શન પણ મેળવે છે. હિંદી ફિલ્મોના એક જમાના સુપરસ્ટાર ધર્મેન્દ્ર, ઉદ્યોગપતિ રાહુલ બજાજ, નવીન જિન્દાલ અને સાવિત્રી જિન્દાલ એવાં કેટલાંક નામ છે જેમને પેન્શન મળતું હતું કે મેળવે છે.

હરદમ રાગ સેવા આલાપતા રહેતા પ્રજાના સેવકો પ્રજાના પૈસે નિવૃત્તિ પછી પણ પેન્શન રૂપી મેવા મેળવતા રહે તે જરા ય ઉચિત નથી. ધારાસભ્યોના પગાર અને પેન્શન પાછળ ૨૦૧૮માં દેશમાં રૂ. ૧૧૦૦ કરોડ અને સાંસદોના પગાર-પેન્શન પાછળ રૂ.૩૦૦ કરોડ ખર્ચાયા હતા. બેવડા કે ત્રેવડા પેન્શન પર પણ જો લગામ મુકાય તો મોટી બચત થઈ શકે તેમ છે. પંજાબમાં વરસે રૂ. ૮૦ કરોડની બચત થવાની છે.

વળી પંજાબના તમામ રાજકીય પક્ષોએ એક કાર્યકાળ માટે એક જ પેન્શનના સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. પ્રકાશસિંહ બાદલે હવેથી પેન્શન નહીં લેવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૮માં જ્યારે સાંસદોના પેન્શનમાં વૃદ્ધિ અંગે તત્કાલીન લોકસભા સભ્ય અને હાલના યુ.પી.ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના વડપણ હેઠળની સંસદીય સમિતિએ પેન્શનની મૂળભૂત રકમ રૂ. ૩૫,૦૦૦ રાખવા ભલામણ કરી હતી. પણ સરકારે તેના બદલે રૂ.૨૫,૦૦૦ જ પેન્શન માન્ય રાખ્યું હતું.

જન સેવકો કર્મચારીઓ જેવી પગાર-ભથ્થાની અપેક્ષા ન રાખી શકે જ્યારે કેન્દ્ર અને રાજ્યોના બજેટમાં સરકારી કર્મચારી-અધિકારીના પગાર કરતાં પેન્શનની રકમ વધુ હોય અને કેન્દ્ર સરકારે ૨૦૦૪થી સરકારી કર્મીઓ માટે પેન્શન યોજના બંધ કરી દીધી હોય ત્યારે તો સાંસદો-ધારાસભ્યોનું પેન્શન જરા ય ઉચિત ઠરતું નથી. વડા પ્રધાનની એક હાકલે હજારો લોકોએ રેલવે અને ગેસની સબસિડી જતી કરી હતી. વડા પ્રધાન ખમતીધર સાંસદો અને ધારાસભ્યોને પણ પેન્શન જતું કરવા અપીલ કરે તો કેવું સારું .                         

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 11 

Loading

પિતૃત્વ દોષિત નથી, પણ માતૃત્વ દોષિત હોઈ શકે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 June 2022

સ્ત્રી-પુરુષના સંયોગથી બાળક જન્મે છે ને સ્ત્રી માતા બને છે ને પુરુષ પિતા બને છે. આમ તો આ સહજ ને સરળ લાગે છે, પણ દરેક કિસ્સામાં એવું નથી. ઘણીવાર બાળક જન્મવાનું સહેલું નથી પણ હોતું. કેટલાક કિસ્સાઓમાં પુરુષની ક્ષમતા પિતા બનવામાં ઓછી પડે છે અથવા તો સ્ત્રી માતા બનવામાં ઓછી પડે છે. ઘણીવાર બધાં પ્રયત્નો છતાં સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી તો તબીબી સલાહ લેવામાં આવે છે. એ સારવાર પછી કેટલાંક યુગલો બાળક મેળવવામાં સફળ થાય છે, તો તબીબી સારવાર પછી પણ એવું બને છે કે બાળક પ્રાપ્ત ન જ થાય. ટૂંકમાં, માતા બનવું દરેક વખતે સહેલું નથી. એટલે જ આપણે માતૃત્વને પવિત્ર વરદાન ગણ્યું છે. કેટલાંકને એમાં કૈં નવું લાગતું નથી. બચ્ચાં તો પશુપંખી પણ પેદાં કરે છે, એમાં પવિત્ર શું ને વરદાન શું? પણ બાળક ન થવાની ચિંતા મનુષ્યોની છે. પશુપંખીમાં બચ્ચું જન્મશે કે નહીં એવી ચિંતા હોય છે કે કેમ તેની આપણને ખબર નથી, પણ મનુષ્યને અભિવ્યક્તિની અનુકૂળતા કુદરતે આપેલી છે એટલે આનંદ કે ચિંતાની ખબર પણ તેને જ વધારે પડે છે.

જો કોઈ સંજોગોમાં ઉપચાર પછી પણ બાળક શક્ય નથી બનતું તો કેટલાંક યુગલો અનાથ બાળકને દત્તક લે છે ને એને પોતાનાં બાળકની જેમ જ મોટું કરે છે. ઘણાં યુગલોનો એવો આગ્રહ હોય છે કે બાળક પોતાનું જ હોય. પોતાનું જ બીજ વિકસે ને એને મોટું કરવાની ઈચ્છા પણ, પતિ-પત્નીની, બાળક માટેની ઝંખના વધારે એમ બને. એના એક ઉપાય તરીકે હવે સરોગસીનો આશરો પણ લેવાય છે. એમ લાગે કે સ્ત્રી બાળકને જન્મ આપી શકે એમ જ નથી, તો ભાવિ માતા-પિતાનું બીજ, બીજી સ્ત્રીની કૂખમાં ઉછેરવામાં આવે છે. એ સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ને પૂરા સમયે બાળકને જન્મ આપે છે. એ પછી મૂળ માતાપિતાને તે બાળક પરત કરે છે. ખરેખર તો મા, કૂખ ભાડે આપનાર સ્ત્રી બને છે, પણ અગાઉથી ઠરાવ્યા મુજબ માબાપ બીજા જ બને છે. એ યુગલ બને છે જેનું બીજ આ ભાડૂતી કૂખે ઉછેર્યું છે. આ સ્ત્રી પણ માતા થઈ છે, ખરેખર તો તે જ થઈ છે, કારણ બાળકને જન્મ તો આ સ્ત્રીએ જ આપ્યો છે, પણ તે ભાડૂતી માતા પણ ગણાતી નથી. ઇન ફેક્ટ તે માતા જ ગણાતી નથી. માતાપિતા તો બીજા જ બને છે. બાળક પર કાનૂની અધિકારો પણ તેમના જ રહે છે. જન્મ આપનાર સ્ત્રી આ કામ આર્થિક વળતરની અપેક્ષાએ કરે છે. આમ તો હમણાં હમણાં આવી સ્ત્રીને રક્ષણ મળે એવા કાયદાઓ બન્યા છે, પણ માતૃત્વનો અધિકાર તેને નથી જ મળતો, કારણ કરાર જ એવો થયો હોય છે, પતિપત્ની અને કૂખ ભાડે આપનાર સ્ત્રી વચ્ચે. એટલે કોઈ વિશેષ અધિકાર એ ભાડૂતી સ્ત્રી આગળ કરી શકતી નથી. હા, આર્થિક વળતર આપવામાં મૂળ માબાપ ગલ્લાંતલ્લાં કરે તો તેની સામે ફરિયાદ થઈ શકે છે અથવા તો બાળક ખામીવાળું જન્મે તો પેલી ભાડૂતી સ્ત્રી દાદ માંગી શકે છે, પણ નાજુક મુદ્દો ક્યારેક સંવેદનાનો ઊઠે છે ને તેનું કોઈ વળતર તેને મળતું નથી. ખરેખર તો એ વાત જ વળતરની હોતી નથી. 

બને છે એવું કે જે સ્ત્રી કૂખ ભાડે આપે છે તે બરાબર જાણે છે કે તેનો હક વળતર પૂરતો જ છે, પણ જે બીજ તે ધારણ કરે છે, તે જો બહાર રહ્યું હોત તો મોટે ભાગે તે વેડફાયું જ હોત. એને ભાડૂતી સ્ત્રી ધારણ કરે છે. તેને લોહીમાંસ સીંચે છે. આકાર આપે છે. એમાં જીવ રેડે છે એટલે જીવ પ્રગટે પણ છે. મહિનાઓ સુધી આ ભાડૂતી સ્ત્રી પોતાની છાયામાં જીવંત, નાજુક શરીર વિકસાવે છે. છોડ પર આવેલાં ગુલાબનું ખેંચાણ થતું હોય તો આ તો પેટમાં ખિલવેલું સંતાન છે, એને માટે લાગણી ન થાય? ન થાય ત્યાં સુધી તો વાંધો જ નથી, પણ થાય તો, શું? આમ તો ભાડૂતી મા બરાબર જાણતી હોય છે કે જે જન્મ્યું છે તે બાળક મૂળ સ્ત્રી પુરુષને સોંપી જ દેવાનું છે, પણ હકીકત તો એ છે કે મૂળ સ્ત્રી કરતાં માતૃત્વનો પહેલો અને સઘન રક્તજીવી અનુભવ તો આ ભાડૂતી માનો છે. તે તેણે થોડા પૈસાની લાલચમાં, લોહીમાંથી કાઢીને બાળક સીધું સોંપી જ દેવાનું? એના પર એનો કોઈ અધિકાર જ નહીં? એ બાળક ફરી ક્યારે ય જોવા ન મળે તો પેલી નોટોની થોકડી પર આંસુ સારીને જ તેણે રહી જવાનું? એ મા છે કે મશીન? એને કૈં થાય જ નહીં એવું તો કેમ બને?

પણ એના વલોપાતનો કોઈ અર્થ રહેતો નથી. કૈં પણ થાય, એણે બાળક તો છોડવું જ પડે છે. આવી ભાડૂતી માતાનું માતૃત્વ પણ સ્વાર્થ ગણાય છે. તે એ કારણે વગોવાય છે કે તેણે પૈસા માટે કૂખ ભાડે આપી છે. એનાં કારણોમાં ગરીબી મુખ્ય હોય, તો પણ તેને માટે તેણે સાંભળવાનું થાય છે. જ્યારે મૂળ પતિ-પત્ની દોષી નથી. એમને સંતાન નથી ને સંતાન વગર તેઓ તો ઝૂરે છે. બાળક માટે કોઈ કૈં પણ કરે તેમ તેઓ પૈસા આપીને જીવતી કૂખ થોડા સમય માટે ખરીદે છે. એ નિસ્વાર્થ ભાવે સંતાન મેળવે છે ને પેલી સ્ત્રી સ્વાર્થી છે, કારણ પૈસા માટે એ પેટ ઉછીનું આપે છે !

સાચું તો એ છે કે આપણે ત્યાં માતૃત્વ બાબતે બેવડાં ધોરણો છે. બેવડી નીતિ છે ને કમાલ એ છે કે  માતૃત્વની પ્રક્રિયા તો કોઈ પણ સ્ત્રી માટે એક જ છે, પણ સંજોગો પ્રમાણે માતૃત્વ વખણાય છે તો વગોવાય પણ છે. દીકરી પરણે ને માતા બને તો તે બાળકને અને તેની માતાને ફૂલડે વધાવાય છે. બાળકનાં જન્મોત્સવો થાય છે, પણ જો તે કુંવારી માતા બનવાની હોય તો? તો, એ પાપ થઈ જાય છે. એ દીકરીને કોઈ સંઘરવા રાજી નથી થતું. તેણે અપમૃત્યુ વહોર્યે જ છૂટકો થાય છે. એ ખરું કે સમાજે નક્કી કરેલાં ધોરણોનો એમાં ભંગ થાય છે એટલે કુંવારું માતૃત્વ સ્વીકાર્ય નથી બનતું, પણ એને માટે જે જવાબદાર છે તે પુરુષનું સમાજ કૈં બગાડી શકતો નથી, તે પણ એટલું જ સાચું કે નહીં? સગીરવયની કન્યાઓ પ્રેમમાં પડે છે કે કોઈ તેનાં પ્રેમમાં પડે છે ને જો પ્રેમીની દાનત માત્ર પ્રેમનાં નાટકની જ હોય તો ભોગવવાનું સગીરાએ થાય છે. કહેવાતા પ્રેમીની એ ચિંતા હોતી નથી કે લગ્ન વગર તે માતા બનવા તરફ ગઈ તો તેની શી વલે થશે?

હવે તો જો કે, સ્ત્રીઓ પણ માતૃત્વથી બચવાના માર્ગો જાણે છે, એટલે પ્રેમી દગો કરે તો તે એવી સ્થિતિથી બચે છે જેમાં બાળકનો સીધો સામનો કરવાનો આવે. તેમ છતાં કેટલાક બનાવો એવા બને છે કે ગર્ભપાત સુધી સ્ત્રીએ જવું પડે કે ગર્ભ ત્યજી દેવો પડે છે. આજની તારીખમાં પણ ભ્રૂણ કે નવજાત શિશુ કચરામાંથી મળી આવે છે એ બતાવે છે કે કોઈ સગીરા કે સ્ત્રીને ન જોઈતું માતૃત્વ માથે પડ્યું છે ને બદનામીના ડરે ગર્ભ કે બાળકથી છુટકારો તેણે મેળવવો પડે છે. આ તો થઈ એવી મહિલાઓની વાત જે ખરી કે ખોટી રીતે થોડી ઘણી જવાબદાર છે ને એણે પરાણે માતૃત્વ સ્વીકારવું પડે છે, પણ જ્યાં મહિલાઓ બળાત્કારનો કે શારીરિક શોષણનો ભોગ બને છે તેમાં તેની સીધી કોઈ ભાગીદારી પણ હોતી નથી ને તેનો પરાણે ભોગ લેવાય છે. અહીં પણ બળાત્કાર કરનાર એ વિચારતો નથી કે ભોગ બનનાર સ્ત્રી ગર્ભવતી થઈ તો તેની સમાજમાં શી દશા થશે? તે તો શિકાર કરીને ચાલતો થાય છે. પછી ભોગ બનનાર ગર્ભ ધારણ કરે તો તેણે તેનાથી છુટકારો મેળવવો પડે કે બાળકને જન્મ આપીને ક્યાંક ત્યજી દેવુ પડે કે અનાથાશ્રમને આંગણે છોડવું પડે છે. બહુ ઓછી સ્ત્રીઓ એ સંજોગોમાં સ્વસ્થ માતૃત્વ ધારણ કરી શકતી હોય છે.

કહેવાનું એ છે કે આ બધાં જ માતૃત્વના પ્રકારો છે. એમાં લગ્નને બાદ કરતાં એક પણ માતૃત્વ એવું નથી જે ઇચ્છિત હોય. એ ખરું કે લગ્નથી મળતાં માતૃત્વમાં જે માન સ્ત્રીને મળે છે તે અન્ય કોઈ રીતે પ્રાપ્ત થતાં માતૃત્વમાં મળતું નથી. માતા તો આ બધી પણ છે. એ પણ એ જ રીતે ગર્ભવતી થઈ છે જે રીતે લગ્ન પછી કોઈ સ્ત્રી થઈ હોય ને છતાં તે અપમાનિત થાય છે કે તેણે જીવન બહુ મુશ્કેલીથી વિતાવવું પડતું હોય છે. આ માતૃત્વ તેણે ઇચ્છયું નથી, તે આવી પડેલું છે, પણ જવાબદાર તો તે સ્ત્રીને એકલીને જ ઠેરવાય છે. આવાં અનિચ્છનીય માતૃત્વની લહાણી કોણ કરે છે? આવું એ સ્ત્રીઓએ ઇચ્છયું નથી, પણ માતૃત્વ સાચી ખોટી રીતે તેનાં પર થોપ્યું છે, પુરુષે. એને માટે જવાબદાર પુરુષ છે, પણ તેને સમાજ કે કાયદો ભાગ્યે જ કોઈ પાઠ ભણાવે છે. તે સહેલાઈથી બીજો શિકાર કરી શકે છે, લગ્ન કરી શકે છે, છૂટો થઈ શકે છે, બીજે ગોઠવાઈ શકે છે. ક્યાં ય તેનું પુરુષત્વ કે પિતૃત્વ ચર્ચામાં નથી આવતું, જ્યારે માતૃત્વ ડગલે ને પગલે દંડાય છે. સીધું પૂછવું એ છે કે આ યોગ્ય છે?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,5641,5651,5661,567...1,5701,5801,590...

Search by

Opinion

  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved