Opinion Magazine
Number of visits: 9961717
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાય માટેનો સંઘર્ષ એ સભ્યતાનું મહાકાવ્ય

રમેશ ઓઝા|Opinion - Opinion|30 June 2022

લોકતંત્રમાં એક વાર આપેલો અધિકાર પાછો ખેંચી શકાય? આ લાખ રૂપિયાનો સવાલ છે. કારણ એ છે કે વર્ચસ ધરાવનારા લોકોએ વર્ચસહીન સામાન્ય પ્રજાને કોઈ અધિકાર સખાવતના ભાગરૂપે નથી આપ્યા, તેમણે તે લડીને લીધા છે અને વર્ચસ ધરાવનારા લોકોએ તે મજબૂરીથી આપવા પડ્યા છે. કોઈ બ્રાહ્મણ કે સવર્ણો હરિજનવાસમાં હરિજનોને નોતરું આપવા નહોતા ગયા કે તમારું ગામમાં સ્વાગત છે, ગામમાં પ્રવેશી શકો છો, ચંપલ પહેરીને ઘોડા પર બેસીને ગામમાં ફરી શકો છો, ગામનાં મંદિરમાં આપ પ્રવેશી શકો છો અને ગામને કૂવેથી પાણી ભરી શકો છો. વર્ચસ ધરાવનારા પુરુષે ક્યારે ય સામે ચાલીને પોતાનાં ઘરની સ્ત્રીને કોઈ અધિકાર નહોતા આપ્યા. લગ્ન નહીં કરીને અપરણિત રહેવાનો, લગ્ન પોતે ઈચ્છે ત્યારે જ કરવાનો, ખાસ સ્થિતિમાં લગ્નના ભોગવટાનો ઇન્કાર કરવાનો, ભણવાનો, પોતાના મનપસંદ યુવક સાથે લગ્ન કરવાનો, છૂટાછેડા લેવાનો, પુનર્લગ્ન કરવાનો વગેરે કોઈ પ્રકારના અધિકાર નહોતા આપ્યા. પોતાની સગી દીકરીને નહોતા આપ્યા. જ્યારે અધિકારો આધારિત લોકતંત્ર જગતમાં આકાર પામવા લાગ્યું ત્યારે પણ વર્ચસ ધરાવનારા શાસકવર્ગે સામે ચાલીને સ્ત્રીઓને અને સંપત્તિ નહીં ધરાવનાર ગરીબોને મતદાનનો અધિકાર નહોતો આપ્યો. શ્વેત પ્રજાએ અશ્વેત પ્રજાને દેશના નાગરિક તરીકેનો દરજ્જો આપીને સામે ચાલીને રાજ્યમાં ભાગીદાર નહોતી બનાવી, પછી ભલે અશ્વેતો બહુમતીમાં હોય. તેમને ધરાર બહાર રાખવામાં આવ્યા હતા અને અંદર પ્રવેશવા માટે જે તે પ્રજાએ સંઘર્ષ કર્યો છે. સગી દીકરીને બાપ સામે સંઘર્ષ કરવો પડ્યો છે અને આજે પણ કરે છે એ તમે ક્યાં નથી જાણતા!

જગતમાં અન્યાય કેવા કેવા હતા અને ન્યાય મેળવવા માટે જે તે પ્રજાએ કેવા કેવા સંઘર્ષ કર્યા છે એ એક આખા પુસ્તકનો વિષય છે. એક પુસ્તક નહીં, પુસ્તકોની શ્રેણી થાય અને થઈ પણ છે. ન્યાય માટેનો સંઘર્ષ એ દરેક સભ્યતાનું મહાકાવ્ય છે. વાલી, શંબુક અને એકલવ્ય હાંસિયામાંથી પોકાર કરે છે અને તેનાથી ભાગવા માટે શબરીનાં એઠાં બોર ભગવાન દયાળુ રામે ખાધાં હતાં તેનો આશરો લેવો પડે છે.

તો મુદ્દો એ છે કે સતાધારી વર્ગે અથવા વર્ચસ ધરાવનારા વર્ગે ક્યારે ય સામે ચાલીને પોતાની સત્તા કે વર્ચસ છોડ્યાં નથી. એ છોડાવવાં પડ્યાં છે અને એને માટે સંઘર્ષ કરવો પડ્યો છે. એ સંઘર્ષ કોઈ એક આંદોલન પૂરતો નહોતો, સદીઓ સુધી સંઘર્ષ કરવા પડ્યા છે અને હજુ તેનો અંત આવ્યો નથી. જ્યાં સુધી જગતમાં અન્યાય અને પક્ષપાત છે ત્યાં સુધી સંઘર્ષ થતા રહેશે અને થવા જોઈએ. પણ જેને ફરજિયાત સત્તા કે વર્ચસ છોડવાં પડ્યાં છે એનું અસુખ પણ તેમના માટે અસહ્ય છે. તે બે-ચાર સદી જૂનું છે અને સદીઓ સુધી રહેવાનું છે તે વાતનો તેમને ડર છે. માટે તેઓ બેચેન છે. તેમને એ વાતનો પણ ડર છે કે રહીસહી સત્તા કે વર્ચસ પણ એક દા’ડે જતાં રહેશે. તેમને તે ટકાવી રાખવાં છે. યેનકેન પ્રકારેણ તે ટકાવી રાખવાં છે. બ્રાહ્મણના દીકરાએ દલિતના દીકારાની સાથે લાઈનમાં ઊભા રહેવું પડે અને દલિતનો દીકરો આગળ નીકળી જાય એ તેનાથી ખમાતું નથી. પુરુષને પાછળ રાખીને કોઈ સ્ત્રી આગળ નીકળી જાય એ તેનાથી ખમાતું નથી. કોઈ શ્વેતે અશ્વેત જજને અદાલતમાં માય લોર્ડ કહેવું પડે એ તેનાથી ખમાતું નથી. બહુમતી પ્રજાના ફરજંદને લઘુમતી કોમના ફરજંદને આદર આપવો પડે એ તેનાથી ખમાતું નથી. જ્ઞાતિ કે ધર્મનું અભિમાન ધરાવનારા લોકોને પોતાની દીકરી બીજી જ્ઞાતિના કે ધર્મના યુવક સાથે લગ્ન કરે એ તેનાથી ખમાતું નથી. આમ જેટલો લાંબો ઇતિહાસ ન્યાય માટેના સંઘર્ષનો છે એટલો જ લાંબો ઇતિહાસ આ ન ખમી શકવાનો પણ છે. સક્રિયતા બન્ને પક્ષે છે. છોડાવનારાઓ પણ સક્રિય છે અને નહીં છોડવા માગનારાઓ પણ સક્રિય છે.

પણ એક ફરક છે. જે લોકો ન્યાયના પક્ષે દલીલ કરી રહ્યા છે તેમની પાસે નક્કર દલીલો હોય છે અને જે લોકો ન્યાય નથી કરવા માગતા, પોતાનું વર્ચસ કાયમ જાળવી રાખવા માગે છે તેમની પાસે કોઈ તર્કપૂર્ણ દલીલો નથી હોતી. તમને અન્યાય કરવાનો અમને ઈશ્વરદત્ત અધિકાર છે એમ અત્યારે કહેવું થોડું મુશ્કેલ છે. જો કે એવા ભડવીર પણ મળી આવે છે જે દલિતોને કહે છે કે તમે તમારાં પાછલા જનમના કરમ ભોગવો છો ત્યાં અમે શું કરીએ? સ્ત્રીની જગ્યા ચૂલામાં (રસોડામાં) છે એમ મહારાષ્ટ્રના બી.જે.પી.ના અધ્યક્ષે રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષનાં સંસદસભ્ય સુપ્રિયા સુલેને હજુ મહિના પહેલાં કહ્યું હતું. ગાંધી-ઈરવીન વાટાઘાટો વખતે પાછળથી બ્રિટનના વડા પ્રધાન બનનારા વિન્સ્ટન ચર્ચીલે કહ્યું હતું કે ગુલામ દેશનો અર્ધનગ્ન ફકીર બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ સામે સમકક્ષ આસને બેસીને આંખમાં આંખ પરોવીને વાત કરે એ દૃશ્ય જ અકળાવનારું અને સામ્રાજ્યના અપમાન સમાન છે. જેને ગઈ કાલ સુધી હાંસિયામાં રાખ્યા હતા તેઓ આજે આંખ સામે આંખ મેળવીને વાત કરે એ ઘણા લોકોથી ખમાતું નથી. તેમને એ જગ્યા પાછી જોઈએ છે.

પણ કઠણાઈ એ છે કે તેઓ તર્કપૂર્ણ દલીલો કરી શકતા નથી, જ્યારે ન્યાય માગનારાઓ તર્કપૂર્ણ દલીલો કરે છે. કારણ બહુ સ્પષ્ટ છે. ન્યાય માગનારાઓના પક્ષે માનવીયતા હોય છે જ્યારે અન્યાય કરનારાઓના પક્ષે અમાનવીયતા. સોશ્યલ મીડિયા ઉપર આજકાલ તમે જોતા હશો કે ભક્તો બિચારા ચકલીની ચરકની જેમ એક વાક્યથી વધારે દલીલ કરી શકતા નથી. બહુ અકળાઈ જાય ત્યારે ગાળો દેવા લાગે અથવા બીજાનો અન્યાયનો ઇતિહાસ શોધવા લાગશે. તેમને ભેદભાવયુક્ત અમાનવીય વ્યવસ્થા જાળવી રાખવી છે, પણ બોલી શકતા નથી. તમને ખબર છે? ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણનું આંદોલન શરૂ કર્યું ત્યારે સૌથી વધુ વિરોધ કોણે કર્યો હતો? સનાતની હિંદુઓએ. મુખ્યત્વે બ્રાહ્મણોએ. દલીલો દ્વારા નહીં, પણ ગાળો દઈને અથવા ગંદી ઇશારતો કરીને. નનામા પત્રોનો ટપાલમાં ત્યારે ઢગલો આવતો. પણ ગાંધી તો ગાંધી હતા! નનામા પત્રોનો પણ જવાબ આપે. એક તો એમાં પત્ર લખનારનું સરનામું જ ન હોય ત્યાં જવાબ કોને આપવો એટલે ગાંધીજી તેમના મુખપત્ર દ્વારા જવાબ આપતા. એક ભાઈએ લખ્યું હતું કે, “તું તારા દીકરા(હરિલાલ ગાંધી)ને તો સુધારી શક્યો નથી ત્યાં ગામને સુધારવા ક્યાં નીકળ્યો છે?” ગાંધીજીએ એ પત્ર આખો છાપીને આવી મતલબનો જવાબ આપ્યો હતો કે મારા દીકરાની બાબતમાં હું મારી નિષ્ફળતા સ્વીકારું છું, પણ જો તમે તેમાં મદદરૂપ થઈ શકતા હો તો હું તમારો ઋણી રહીશ. સનાતનીઓ દ્વારા ગાંધીજીની હત્યા કરવાનો પ્રયાસ થયો હતો અને રસ્તા રોકવાનો અને માર મારવાના પ્રયાસ તો અનેકવાર થયા હતા. આખી જિંદગી તેમને સતાવવામાં આવ્યા હતા.

ટૂંકમાં તેઓ પોતાના વર્ચસને કાયમ રાખનારી વ્યવસ્થા જાળવી રાખવા માગે છે અને ગુમાવેલી વ્યવસ્થા પાછી સ્થાપવા માગે છે, પણ તેમની પાસે તર્કપૂર્ણ દલીલો હોતી નથી એ તેમની મોટી સમસ્યા છે. બેએક સદીઓથી તેઓ તરફડી રહ્યા છે અને સદીઓ સુધી તરફડવું પડશે એ ડર તેમનાથી ખમાતો નથી. તેમણે હાર કબૂલી નથી અને કબૂલવા માગતા પણ નથી. તેઓ એટલા જ સક્રિય છે જેટલા ન્યાયની માગણી કરનારા પરિવર્તનવાદીઓ સક્રિય છે. તુલનામાં તેઓ વધારે સક્રિય છે, કારણ કે આધુનિક યુગમાં તેમણે ઘણું બધું છોડવું પડ્યું છે અને વેદના વસમી થતી જાય છે. તેઓ ક્યારે ય નહોતા એટલા આજે સંગઠિત છે અને તેમની સક્રિયતા આક્રમકતામાં ફેરવાઈ રહી છે.

તેમને ગુમાવેલું વર્ચસ પાછું મેળવવાનો માર્ગ પણ જડી ગયો છે. એ કયો માર્ગ છે એની ચર્ચા રવિવારના લેખમાં કરીશું.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2022

Loading

‘મેઘદૂત’ની રજનીકુમાર પંડ્યાએ સર્જેલી આવૃત્તિ : એક પુસ્તક-રત્ન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|30 June 2022

ગયા એકાદ દાયકાથી આજે, અર્થાત્ આષાઢસ્ય પ્રથમ દિવસે, કાલિદાસના ‘મેઘદૂત’ને રજનીકુમાર પંડ્યાના ‘મેઘદૂત’ દ્વારા યાદ કરું છું.

‘આપણા સહુના’ રજનીકુમારે 'મેઘદૂત'ની એક એવી અનન્ય આવૃત્તિ તૈયાર કરી છે કે જે કાલિદાસની કૃતિની જેમ જ સૌંદર્યથી ઓતપ્રોત છે. પાનેપાને ચિત્રોના રંગોત્સવ સાથેના આ પુસ્તકમાં, મેઘદૂતના કિલાભાઈ ઘનશ્યામે 1913માં કરેલાં સમશ્લોકી ગુજરાતી અનુવાદ, વિવરણ અને પૂરક માહિતી છે. પુસ્તક સાથે બે કૉમ્પૅક્ટ ડિસ્ક (સી.ડી) છે. તેમાં અગ્રણી ગાયક પ્રફુલ્લ દવેના આવાજમાં મેઘદૂતનું સંગીત-સ્વરૂપ સાંભળવા મળે છે, જેની સ્વરરચના આશિત દેસાઈએ કરી છે. મન્દાક્રાન્તા છંદના શ્લોકોના વૈવિધ્યપૂર્ણ ઢાળમાં કરેલાં ગાયનની વચ્ચે માધૂર્યસભર સમાલોચના (કૉમન્ટરી) વિદ્યુલ્લતા ભટ્ટે કરી છે.

આંખ, કાન અને મનને એક સાથે અત્યંત આનંદથી તરબતર કરી દેનારું આવું બીજું પુસ્તક ભાગ્યે જ જોવા મળે. આ ગ્રંથરત્ન 26 એપ્રિલ 2010ના રોજ મને ભેટ આપનાર રજનીભાઈનો અત્યંત ઋણી છું.

આ પુસ્તકની માત્ર પરિકલ્પના જ નહીં,પણ તેના સમગ્ર નિર્માણનું દિગ્દર્શન કરનાર રજનીકુમાર  સંપાદકીયમાં જણાવે છે કે તેઓ પહેલેથી જ 'મેઘદૂત'ના  અભ્યાસી ન હતા. તેમનો 'મેઘદૂત' સાથેનો જૂજ  પરિચય તેની પરથી 1945માં બનેલી હિંદી ફિલ્મમાં જગમોહન સૂરસાગરે ગાયેલાં એક ગીત થકી હતો. આ કૃતિના ‘અસલી વિત્તનો ઉઘાડ’ તેમના ચિત્તમાં તેમના વાચક અને શ્રેષ્ઠી નવનીતલાલ શાહને કારણે થયો. બેન્ટોનાઈટ(એક પ્રકારની માટી)નો ધંધો ચલાવનાર મુંબઈના સાહિત્યરસિક નવનીતલાલે એક વખત રજનીભાઈને મેઘદૂતના કિલાભાઈના અનુવાદના  કેટલાક શ્લોકો સંભળાવ્યા અને તેની ભૂરકી હેઠળ રજનીભાઈએ મેઘદૂતનો પ્રકલ્પ હાથમાં લીધો. નવનીતલાલને આ પ્રકલ્પ શી રીતે સૂઝ્યો તે અંગેની તેમના ‘હૃદની વાત’માં તેમની રસિકતાનો નિર્દેશ કરે છે.

નવનીતલાલના હિરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્ડેશનના ઉપક્રમે આ પુસ્તક માર્ચ 2010માં પ્રસિદ્ધ થયું. આ જ ફાઉન્ડેશનના ટેકા હેઠળ રજનીભાઈએ ધીમંત પુરોહિત સાથે ‘વીસમી સદી’ અને ‘પ્રકૃતિ’ નામના,  સીમાચિહ્ન સમાં ગુજરાતી સામયિકોનું ડીજિટાઇજેશન કર્યું.

ત્યાર બાદ બિરેન અને ઉર્વીશ કોઠારીની સાથે નવનીતલાલના મિત્ર શાયર રુસ્વા મઝલૂમી વિશેના ગ્રંથ તેમ જ ગાયિકા જૂથિકા રૉયની આત્મકથાના પ્રકાશન  તેમ જ આ બંને કલાકારો પરની ડૉક્યુમન્ટરી બનાવવાનાં કામ ઉત્તમ રીતે પાર  પાડ્યાં.

રજનીકુમારની 'મેઘદૂત'ની આવૃત્તિ 123 શ્લોકોમાં રચાયેલી આ મહાન કૃતિ માટેનો જાણે એક નાનકડો સર્વસંગ્રહ – compendium છે. તેમાં ભરપૂર પૂરક માહિતીમાં છે, જેમાં સહુથી આકર્ષક રામગિરીથી અલકાપુરી સુધીના મેઘમાર્ગનો ભૂગોળ અને કળાના સંયોજન સાથેનો નકશો. મેઘદૂતમાં ઉલ્લેખાયેલાં સ્થાનો, વનસ્પતિ, પશુપક્ષી ઇત્યાદિની રસપ્રદ યાદી છે.

કાલિદાસ વિશેની કથની અને કિંવદંતીઓ સ્વાભાવિકપણે હોય; સાથે 'મેઘદૂત'ના રચનાસ્થળ રામટેક, 'મેઘદૂત'ની ટપાલટિકિટ અને ઉજ્જૈનની કાલિદાસ સંસ્કૃત અકાદમી વિશેની નોંધ પણ છે. 'મેઘદૂત'ના ગુજરાતીમાં થયેલાં ચાળીસ જેટલા અનુવાદોમાંથી આઠની યાદી અહીં છે. તેમાંથી સૌથી લોકભોગ્ય અને નિવડેલા અનુવાદના કર્તા કિલાભાઈ ઘનશ્યામ (1868 -1913) વિશે સંતોષકારક માહિતી મળે છે.

નોંધપાત્ર છે  કે તમામ પૂરક અભ્યાસપૂર્ણ સામગ્રી સરળ  ભાષામાં અને ટૂંકમાં રજૂ થઈ છે.

'મેઘદૂત' ચિત્રકારો માટે હંમેશાં ખૂબ  આકર્ષણનો વિષય રહ્યો છે. તેવા કલાકારોનાં હજારો ચિત્રોમાંથી  સત્તર ચિત્રો ‘ચિત્રસમૃદ્ધિ’ વિભાગમાં, દરેક ચિત્રને લગતા શ્લોક સાથે જોવા મળે છે. તેમાં છ ચિત્રો કનુ દેસાઈનાં છે. અન્ય ચિત્રકારો આ મુજબ છે : વાસુદેવ સ્માર્ત, રામકુમાર, જૉન ફર્નાન્ડિઝ, એસ. એમ.ફરીદ, કુમાર મંગલસિંહ અને  અજ્ઞાત કલાકારો.

ગુજરાતી અનુવાદનું  વિવરણ સંસ્કૃતના જાણીતા અભ્યાસી ગૌતમ પટેલે તેમ જ મુદ્રણ અને ભાષા પરામર્શન હસમુખ રાવળે કર્યું છે .માહિતી એકત્રીકરણ તેમ જ એકંદર  પરામર્શનની જવાબદારી બિરેન કોઠારીએ નિભાવી છે. સમગ્ર પુસ્તકને લાવણ્યમય બનાવવાનો યશ સંપાદકે પુસ્તક ડિઝાઇનિંગના નિષ્ણાત એસ. એમ. ફરીદને આપ્યો  છે.

ઉત્તમ સાહિત્ય માટેનો લગાવ, તેને બહોળા વાચકવર્ગ સુધી પહોંચાડવાની ધખના, તેના માટેની સૂઝ, ઘણી મહેનત અને ઉત્કૃષ્ટતા માટેનું ઊંચું ધોરણ – રજનીકુમાર પંડ્યાની આવી અનેક ક્વાલિટીઝથી  ‘મેઘદૂત’ની મળતાં મળે તેવી આ આવૃત્તિનું  સર્જન થયું છે.

પુસ્તકના મુખપૃષ્ઠ પર જ ચૂકી ન જવાય તેવી ટૅગ-લાઇન છે : ’પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાનો એક પ્રયાસ’. તેમાં રજનીકુમાર અને તેમનું  નિર્માણજૂથ આહ્લાદક રીતે સફળ થાય છે. 

આ પુસ્તકની હવે જૂજ નકલો રજનીકુમાર પંડ્યા પાસે છે. એટલે સફળતાનો હવે પછીનો તબક્કો આ પુસ્તકની નવી આવૃત્તિ કરી શકે  તેવી સંસ્થાઓ અને પ્રકાશકો પાર પાડી શકે.

(આ લેખમાં મદદરૂપ થવા  માટે બિરેન કોઠારીનો આભાર; કોલાજ સૌજન્ય : કિરણ કાપૂરે)

30 જૂન 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બેઈમાન સમાજમાં મિલીટરીનો ટ્રેઈન્ડ બેરોજગાર જવાન શું કરશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 June 2022

અમેરિકાના ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રમાં, થોડાં વર્ષો પહેલાં એક ચોંકાવનારો લેખ છપાયો હતો. એ લેખની શરૂઆતમાં, ઈરાક યુદ્ધમાં લડાઈ કરીને આવેલા ૨૦ વર્ષના મેથ્યુ સેપી નામના સૈનિકના એક સમાચારનો ઉલ્લેખ હતો. મેથ્યુ જુગારખાનાઓ માટે પ્રસિદ્ધ લાસ વેગાસ શહેરના એક એવા વિસ્તારમાં રહેતો હતો, જ્યાં સવાર પડે સડકો પર દારૂ-બીઅરનાં કેન વિખારાયેલાં પડેલાં હોય, અને રાત પડે ધીંગામસ્તી ચાલતી હોય અને પોલીસની સાઇરનો વાગતી હોય.

મેથ્યુ ક્યારે ય મોડી રાતે બહાર નીકળતો નહોતો, પરંતુ યુદ્ધમાં તેના યુનિટના હાથે ઈરાકી નાગરિકોનો સંહાર જોઇને તેની માનસિક શાંતિ જોખમાઈ ગઈ હતી અને તેને ઊંઘવા માટે શરાબની જરૂર પડતી હતી. તે રાતે ઓવરકોટમાં એ.કે.-47 એસોલ્ટ રાઈફલ ભરાવીને એ બહાર નીકળ્યો. એ મિલીટરીમાં ટ્રેઈન થયેલો હતો, પરતું તેને એ વિસ્તારમાં ડર લાગતો હતો અને ખુદના રક્ષણ માટે હથિયાર જરૂરી હતું.

આજુબાજુમાં રખડતા લુખ્ખાઓઓની હાહાહીહીની ઉપેક્ષા કરીને મેથ્યુ ઓવરકોટમાં માથું નમાવીને 7-ઈલેવન સ્ટોર પર પહોંચ્યો અને તેની રોજની ‘દવા’ તરીકે બીઅરનાં બે મોટાં કેન ખરીદ્યા. ઓવરકોટમાં કેન દબાવીને મેથ્યુ પાછો ઘર તરફ વળ્યો. એક અંધારી સડક પર, બે વિશાળ કદના, સશસ્ત્ર લુખ્ખાઓએ તેને આંતર્યો. પાછળથી એક ઇન્ટરવ્યૂમાં મેથ્યુએ કહ્યું હતું તે મુજબ, તેણે રાઈફલના બટ પર હાથ ફેરવ્યો અને એક ધમાકો થયો. એક લુખ્ખો તત્ક્ષણ મરી ગયો. બીજો ચીસ પાડીને દૂર ઉછળીને પડ્યો. સડક લોહીલુહાણ થઇ ગઈ.

મેથ્યુ ત્યાંથી ભાગી છૂટ્યો. મિલીટરીની ભાષામાં તેને દુશ્મનથી ‘કોન્ટેક્ટ બ્રેક’ કરવાનું કહે છે. એ ઘરમાં ઘુસ્યો અને ૧૮૦ ગોળીઓનો રાઉન્ડ ઉપાડીને કાર લઈને ફરી ભાગ્યો. આ વખતે તેની પાછળ પોલીસની સાઇરનો વાગતી હતી. થોડી દોડાદોડી પછી એને પકડી લેવામાં આવ્યો. પોલીસ સ્ટેશનમાં તેણે મિલીટરીની ભાષામાં કહ્યું, “મારી પર ઘાત લગાવામાં આવી હતી (એમ્બ્યુઝડ) અને સહજ રીતે જ મેં ટાર્ગેટ પર નિશાન સાધ્યું. મારી સામે એક જ પ્રશ્ન હતો; ગોળી ખાવી કે મારવી?” એ રડી પડ્યો.

બીજા દિવસના સમાચારપત્રોમાં હેડલાઇન્સ હતી; ઈરાકના સેવાનિવૃત્ત યોદ્ધાની હત્યા બદલ ધરપકડ. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ લખે છે, આ એકલદોકલ ઘટના નથી. પૂરા દેશમાં અનેક શહેરોમાં લડાઈઓમાંથી નવરા પડેલા જવાનોએ મારામારી-હત્યા કરી હોવાના સમાચારો છે. આમ ભલે તે સ્થાનિક સમય-સંજોગોના અપરાધ હોય, પરંતુ જ્યારે તમે એ દરેક કિસ્સાને એક કડીમાં પરોવીને જુઓ તો ખબર પડે કે આ અમેરિકાએ વહોરેલી અનેક ખુંખાર લડાઈઓનો એ પોસ્ટ-ટ્રૉમેટિક ડિસૉર્ડર છે.

એ લેખનું મથાળું હતું; એક્રોસ ધ અમેરિકા, ડેડલી ઇકો ઓફ ફોરેન બેટલ્સ (ઉછીની લડાઈઓનો અમેરિકામાં ઘાતકી પડઘો). ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સે’ એવા 121 કિસ્સાઓ શોધ્યા હતા, જેમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં બંધૂકો ચલાવીને ઘરે આવેલા સૈનિકો હત્યાઓમાં સંડોવાયા હતા. યુદ્ધોની બર્બરતા, શરાબખોરી અને પારિવારિક-સામાજિક માથાફૂટો નિવૃત્તિ પછી બીજાની અને ખુદની તબાહીનું કારણ બની હતી.

આમાં ખૂન-ખરાબા અને તબાહીમાંથી પસાર થઈને પાછા ફરેલા જવાનોની ખંડિત માનસિકતા અને તેના કારણે પેદા થતો સ્ટ્રેસ તેમ જ ડિપ્રેસન જવાબદાર છે.

આ લેખની વાતને યાદ કરવાનું કારણ ભારતના યુવાનો માટેની ‘અગ્નિપથ’ યોજના છે. આ યોજના સામે દેશના અનેક રાજ્યોમાં યુવાનો વિરોધ કરી રહ્યા છે, તેની પાછળ મૂળ મુદ્દો એ છે કે જે 75 ટકા યુવાનોને 4 વર્ષની નોકરી બાદ સેનામાંથી છૂટા કરાશે (માત્ર 25 ટકા જવાનોને જ કાયમી કરવામાં આવશે) તે બાકી જીવનમાં શું કરશે? આના જવાબ રૂપે સરકારે યોજનામાં જરૂરી સુધારા કર્યા પણ છે, પરંતુ જાણકાર લોકોની બીજી એક ચિંતા છે. સેનામાં દર વર્ષે 50,000 યુવાનોની ભરતી થાય છે. તેમાંથી 4 વર્ષના અનુભવ પછી 40,000 જેટલા જવાનો પાછા આવશે. આવું દર વર્ષે થશે. એટલે કે, આત્મવીર જવાનોની સંખ્યામાં ઉત્તરોત્તર 40,000નો વધારો થતો રહેશે.

એકાદ દાયકા પછી, મિલીટરીમાં ટ્રેઈન્ડ આટલા બધા બેરોજગાર યુવાનો સમાજમાં હશે તો, તેઓ શું કરશે? જમ્મુ-કાશ્મીરમાં ડિરેકટર જનરલ ઓફ પોલીસ અને પાછળથી બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કામ કરી ચુકેલા ગુરુબચ્ચન જગતે એક ન્યૂઝ પોર્ટલને કહ્યું હતું, “કામકાજ અને આર્થિક ભવિષ્યની અનિશ્ચિતતાઓ વચ્ચે આવા અગ્નિવીર અપરાધિક ગેંગ્સ માટે સંભવિત ઉમેદવાર સાબિત થશે. તેમને મિલીટરીમાં મળેલી વ્યૂહાત્મક તાલીમ તેમને આવાં કામો માટે આદર્શ બનાવશે.”

ડિફેન્સ નિષ્ણાત મેજર જનરલ અમૃત પાલ સિંહ (નિવૃત્ત) પણ કહે છે કે, “ચાર વર્ષના કાર્યકાળ પછી આવા અગ્નિવીરમાં, નિયમિત સૈનિકની જેમ, સેના માટે ‘નામ, નમક, નિશાન’ની ભાવના નહીં હોય. સૈનિકગિરી અને તેની ઈજ્જતના આ ત્રણ પાયાના આદર્શ છે. શક્ય છે કે આવી કોઈ નિષ્ઠાની ગેરહાજરીમાં, મિલીટરી સ્કીલવાળા ભૂતપૂર્વ અગ્નિવીર અપરાધિક પરિવેશમાં કામ કરતા થઇ જશે.”

શ્રીલંકામાં ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સમાં કમાન્ડર રહી ચૂકેલા લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અશોક મહેતા એક લેખમાં કહે છે કે આવા અગ્નિવીર ભાડૂતી ગુંડા, વિદ્રોહી ગતિવિધિઓના સભ્ય કે અપરાધિક ગેંગમાં સામેલ થઇ જાય તેવી ચિંતા છે.

છતીસગઢના મુખ્ય મંત્રી બુપેશ બઘેલે પણ આવી આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “23-24 વર્ષના આ યુવાનો બંધૂક ચલાવાની ટ્રેનિંગ લઈને પાછા આવશે અને તેમને નોકરી નહીં મળે તો અપરાધ તરફ વળી જશે. અગાઉ બહુ લોકો સવાલો કરતા હતા કે માઓવાદીઓને કોણ ટ્રેનિંગ આપે છે?” ભા.જ.પ.ના રાષ્ટ્રીય મહા મંત્રી કૈલાશ વિજયવર્ગીએ બઘેલના નિવેદનને ખારીજ કરતાં કહ્યું હતું કે દેશમાં ૩૨ લાખ એક્સ-સર્વિસમેન છે, એમાંથી એક જવાન ગેરકાનૂની ગતિવિધિમાં સંડોવાયો હોય તો બતાવો (આ જ વિજયવર્ગીએ જો કે એમ કહ્યું હતું કે જો મારે ભા.જ.પ.ની ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ રાખવાનો હોય તો હું અગ્નિવીરને જ પ્રાથમિકતા આપીશ).

‘અગ્નિપથ’ યોજનાના વિરોધ અંદોલનમાં, હરિયાણાનો એક વીડિયો વાઈરલ થયો હતો. તેમાં, પાણીપતના ડ્યુટી મેજીસ્ટ્રેટ અમુક અંદોલનકારી યુવાનોને સમજાવાની કોશિશ કરી રહ્યા હતા. તેમાં એક યુવાન તેમને ગળે વળગીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, “અંકલ, પ્લીઝ, ઇસ અગ્નિપથ સ્કીમ કો બંધ કરવા દો, ચાર સાલ કી નોકરી કે બાદ યુવા અપરાધી બનેંગે.”

અલબત્ત, આ માત્ર આશંકા છે, એનો કોઈ તથ્યાત્મક આધાર નથી કે સંભાવના પણ નથી. આવી આશંકાનું કારણ મિલીટરીની ટ્રેનિંગ નથી. તેનું કારણ ભારતીય સમાજ છે. મિલીટરી અત્યંત શિસ્ત અને આદર્શો પર ચાલનારું સંગઠન છે. તેનાથી વિપરીત, આપણો સમાજ નિરંકુશતા અને બેઈમાનીથી ભરેલો છે. ચિંતા એ છે કે 10મું પાસ યુવાન જ્યારે એક શિસ્તબદ્ધ જવાન બનીને પાછો સમાજમાં આવે ત્યારે અહીંની રીતરસમો સાથે એડજસ્ટમેન્ટ કરી શકશે?

1991માં, એક્ટર નાના પાટેકરને આવો પ્રશ્ન થયો હતો, અને તેણે “પ્રહાર” નામની ઘણી વખણાયેલી ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ માટે નાનાને સેના તરફથી માનદ કેપ્ટનની પદવી પણ આપવામાં આવી હતી, અને તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરમણ તરફથી પ્રશંસા પત્ર આપવામાં આવ્યો હતો. એ ફિલ્મમાં એક સૈનિક કેવી રીતે ભ્રષ્ટાચાર, અનૈતિકતા અને અરાજકતાથી ભરેલા સમાજમાં સામંજસ્ય સાધી શકતો નથી તેની કહાની હતી, અને એથી વ્યથિત થઈને સમાજની ‘ગંદકી’ સાફ કરવા કાયદો હાથમાં લે છે.

નાનાનું પાત્ર મેજર ચૌહાણ અમેરિકાના જવાન મેથ્યુ સેપી જેવું જ છે. મેજર ચૌહાણને પણ ગુંડાઓની હત્યા બદલ ગિરફ્તાર કરવામાં આવે છે અને, મેથ્યુ સેપીની જેમ જ, તે પણ કોર્ટમાં તેના કૃત્યને એક સૈનિકની ફરજ ગણાવીને ઉચિત ઠેરવે છે. જો કે સિવિલિયન કોર્ટ તેના તર્કને માન્ય નથી રાખતી અને મેજરને માનસિક રીતે બીમાર ગણાવીને સારવાર માટે પાગલખાને મોકલી આપે છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 જૂન 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,5531,5541,5551,556...1,5601,5701,580...

Search by

Opinion

  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved