Opinion Magazine
Number of visits: 10080517
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસ્વસ્થતા એ જ સ્વસ્થતા છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 January 2026

રવીન્દ્ર પારેખ

સર્વ પ્રથમ તો આજના પ્રજાસત્તાક પર્વનાં સૌને હૃદયપૂર્વક અભિનંદનો. આમ તો આ પ્રજાસત્તાક પર્વ છે, પણ ક્યારેક પ્રજા(ને)સટ્ટાક પડતી હોય એવી હાલત પણ છે. આજે પણ દિલ્હીમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે પરેડ યોજાશે અને એમાં ભારતીય વિકાસની વાતો થશે. એ સાચું કે ઘણાં ક્ષેત્રોમાં ભારતે વિકાસની હરણફાળ ભરી છે. AIને મામલે પણ ભારત પાછળ નથી. અહીં ટેકનોલોજીનો જરા જેટલો પણ વાંધો નથી, પણ ટેકનોલોજી જો માણસ/માનસ પર જ જોખમ ઊભું કરતી હોય, તો તેનું આધિપત્ય કેટલું સ્વીકારવું એ અંગે વિચારાવું જોઈએ. વિશ્વના સૌથી ધનિક ટેકનોબોસ એલોન મસ્કે ગૌરવભેર જાહેરાત કરી છે કે આ વર્ષે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માણસથી પણ વધુ બુદ્ધિશાળી બની જશે, તો મસ્કે જ ક્યાંક કહ્યું છે કે આવનારા સમયમાં માણસો કરતાં રોબોટ્સની સંખ્યા વધારે હશે. તો, સવાલ એ થાય કે માણસને આપણે રહેવા દેવો છે કે તેનું નિકંદન કાઢીને મશીનોની દુનિયાથી રાજી રહેવું છે?

AIને હાવી થવા દેવામાં ને માણસથી પણ વધારે સાબિત કરવામાં આર્થિક કે અન્ય લાભો તો થતાં થશે, પણ માણસ AIનો દાસ બને તે કદી પણ તેના હિતમાં નહીં હોય. ચીને AI સાહસો માટે વીજળીનો દર અડધો કરી નાખ્યો છે ને પરિવહન ફ્રી કરી દીધું છે. આ બધું ભલે થાય, પણ એ શુદ્ધ બુદ્ધિથી થતું હોય એમ લાગતું નથી, એમાં રાજકીય સ્પર્ધા વધુ દેખાય છે. એનો અંતિમ હેતુ વિકાસનો ઓછો ને વિનાશનો વધુ છે.

આપણે ભારતીયો હજી પણ અમેરિકાના પ્રભાવમાંથી બહાર આવી શકતા નથી. આખી દુનિયા જાણે છે કે અમેરિકી પ્રમુખ મહમ્મદ તઘલખને સારો કહેવડાવે એવા છે, પણ તેને ફગાવી દેવાને બદલે, આખી દુનિયા તેના તરંગોને પોષવા મથે છે તે ઠીક નથી. એ જ અમેરિકાનું એક તારણ એવું છે કે શિક્ષણમાં ટેકનોલોજીથી બહુ લાભ થયો નથી. અમેરિકાના કેન્સાસમાં આવેલી એક મિડલ સ્કૂલે ડિજિટલ લર્નિંગ પ્રોગ્રામ 2022માં, શીખવામાં સુધારો થાય એ હેતુથી શરૂ કરેલો, પણ વિદ્યાર્થીઓને એ માફક આવ્યો ન હતો. આમ તો લેપટોપ શાળા તરફથી અપાયેલાં, પણ એથી અભ્યાસમાં એમનું ધ્યાન રહેતું ન હતું. ઘણી સાઈટ્સ બ્લોક થઇ હતી છતાં, બાળકો તેને કોઈક રીતે એક્સેસ કરી જ લેતાં હતાં. આ પરિસ્થિતિમાં વાલીઓએ 2025માં આગ્રહ કર્યો કે સ્કૂલ તેનાં લેપટોપ પાછાં લઈ લે.

આ એક જ બનાવ નથી, અમેરિકામાં 90 ટકા હાઇસ્કૂલ અને 84 ટકા પ્રાથમિકના વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી અપાયેલાં લેપટોપ અને અન્ય ડિજિટલ સાધનોનો ઉપયોગ કરે છે, છતાં શિક્ષણમાં તેનો મર્યાદિત લાભ જ મળે છે. આ બધું છતાં આખી દુનિયામાં એડ-ટેક પાછળનો ખર્ચ વધી રહ્યો છે. અમેરિકાએ શૈક્ષણિક ટેકનોલોજી પાછળ 30 અબજ ડોલર ખર્ચ્યા છે ને દુનિયાની વાત કરીએ તો એડ-ટેક ઉદ્યોગનો આંક 165 અબજ ડોલર થવા જાય છે.

ટેકનોલોજીથી અભ્યાસમાં થોડો ઘણો લાભ થતો હશે, પણ કેટલીક આડઅસરો દુનિયા આખીમાં જોવા મળે છે. જેમ કે, વિદ્યાર્થીઓની વાચનક્ષમતા ઘટી છે, લાંબું વાંચવાની ધીરજ રહી નથી. એક કાળે ખૂબ વંચાતી નવલકથાઓ પણ લગભગ વંચાતી નથી. લાઈબ્રેરીનો સંપર્ક ઘટ્યો છે ને તે દૃશ્ય માધ્યમથી સરભર કરવાની યુક્તિઓ વધી છે. વીડિયો, ક્લિપિંગ્સ, શોર્ટ ફિલ્મ્સ આવવાને લીધે અન્ય વિષયો તરફ ધ્યાન ઘટ્યું છે ને તેની અસર પરિણામો પર પડી છે. વારંવાર મેસેજિસ જોવાને લીધે કે ટૂંકા વીડિયોની ભરમારને કારણે બાળકોનું ચિત્ત કોઈ એક વાત પર ઠરતું નથી ને તે એકાગ્ર થઈ શકતું નથી. વીડિયો ગેમ્સે વિદ્યાર્થીઓને આક્રમક અને શોર્ટ ટેમ્પર્ડ બનાવ્યાં છે. બધાનું જ ધ્યાન મોબાઈલમાં હોવાને કારણે વર્ગમાં કે બહાર સીધા સંવાદ પર ચોકડી પડી ગઈ છે. એ સમજી લેવાનું રહે કે બાળકો માટે પ્રત્યક્ષ માનવીય સંપર્ક વગર શિક્ષણ ધારી અસર ઉપજાવી શકતું નથી.

એક તરફ આપણે શિક્ષકોને કામચલાઉ કરી મૂક્યા છે, તો બીજી તરફ બિલ ગેટ્સે 2013માં ચેતવેલા કે શિક્ષણ ટેકનોલોજી ખરેખર કામ કરે છે કે નહીં, તે જાણતા દાયકો લાગી જશે. દાયકા પછી અને સેંકડો કરોડ ડોલરના ખર્ચ પછી પ્રાયશ્ચિત જ કરવાનું આવશે. આ ટેકનોલોજીની તરફેણ કરનારી અને હવે ચિંતિત એક અગ્રણી અમેરિકી સન્નારી એવું કહે છે કે આટલાં પૈસા શિક્ષકો પાછળ ખર્ચ્યા હોત તો ઘણો ફાયદો થયો હોત. ખરેખર તો કામચલાઉ શિક્ષકો રાખનારી ને શિક્ષકોને કાયમી નોકરી ન આપનારી ભારતની રાજ્ય સરકારોના ગાલ પર આ સણસણતો તમાચો છે. પ્રાથમિક શિક્ષણ પ્રત્યક્ષ રૂપે અપાય તે આજના માસ પ્રમોશન ચાખી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય બનવું જોઈએ. ટેકનોલોજી સાથે મૈત્રી થાય, પણ તેને બાળકોનું વાલીપણું સોંપાય નહીં કે માનવ જાત પર હાવી પણ થવા દેવાય નહીં !

આપણી જ વાત કરીએ તો ટેકનોલોજી કેવી હાવી થઈ છે તે જોઈએ. એક માતાએ 14 વર્ષના દીકરાને ગેઈમ રમવા ન દીધી તો તેણે આપઘાત કર્યો. એક પિતાએ 17 વર્ષના દીકરાને મોબાઈલની ના પાડતાં દીકરાએ પિતાની હત્યા કરી. ઓનલાઈન ગેમમાં એક કિશોર 13 લાખ હારી ગયો ને તેણે આત્મહત્યા કરી. 12 વર્ષના એક બાળકને પિતાએ ગેમ રમવાની ના પાડી તો તેણે આપઘાત કર્યો. આવા ઢગલો બનાવો હશે, બધાંમાં કોઈકને કોઈક રીતે મોબાઈલ કેન્દ્રમાં છે. મોબાઈલના અનેક લાભ છે, તે સ્વીકારીએ તો પણ, અનેક ગેરલાભ છે, એ પણ સ્વીકારવું પડે. મોબાઈલ પોતે ખોટો નથી, પણ તેનો ઉપયોગ ખોટો છે, જેવાં ઘણાં બચાવ છતાં, એટલું સ્વીકારીએ કે એનો વધુ ભોગ બાળકો બને છે, તો એમનાં ભોગે મોબાઈલ સંકીર્તન ચાલુ રાખીશું? એક વાત બહુ સ્પષ્ટ છે કે મોબાઈલે ઘરમાં સંવાદનું વાતાવરણ ખતમ કર્યું છે. બાળકો જ આનો ભોગ બને છે, એવું નથી. મોટેરાંઓ તો મોટી બદમાશી કરી શકે છે.

અત્યારે સાઈબર ફ્રોડનો રાફડો ફાટ્યો છે, એમાં બાળકો નથી. એનો ભોગ મોટેરાં બને છે ને મોટેરાં બનાવે છે. મોબાઇલે પ્રાઈવસી આપી છે તો પ્રાઈવસી છીનવી પણ છે. તમે એકાંતમાં કોઈની સાથે સંવાદ કરી શકો એ લાભ ખરો, પણ કોઈનું ખૂન થતું હોય, તો તેને બચાવવાને બદલે તેનો વીડિયો ઉતારનારા કઈ સમાજસેવા કરે છે તે સમજાતું નથી. આ સજ્જનો એટલા બહાદુર હોય છે કે તે વીડિયો, પોલીસને પુરાવા તરીકે નહીં આપે. એ વખતે તેમની માનસિકતા પોલીસના લફરાંમાં કોણ પડે-જેવી હોય છે. એ તો તે વીડિયોને ફોરવર્ડ કરવામાં વાપરે છે.

મોબાઈલ ન હતો, ત્યારે સ્ત્રી-પુરુષની અંગત પળોના કેટલા ફોટા કે વીડિયો બ્લેકમેઈલ કરવા વપરાતા હતા તેની તપાસ કરવા જેવી છે, તે તો ઠીક, અંગત પળોની આવી ફિલ્મો સ્ત્રીઓ પણ ઉતારતી થઈ છે ને તેની મદદથી બ્લેકમેઈલ કરતી પણ થઈ છે. બીજું કંઇ થયું હોય કે નહીં, પણ મોબાઈલે સમાજ અને શિક્ષણ સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે તેની ના પાડી શકાશે નહીં. મોબાઈલનો દુરુપયોગ હવે વૈશ્વિક સ્તરે પણ સ્વીકારાતો થયો છે. ઓસ્ટ્રેલિયાએ મોબાઈલનાં બાળકો દ્વારા થતા ઉપયોગ પર ગયે વર્ષે જ પ્રતિબંધ મૂક્યો છે. બ્રિટન પણ પ્રતિબંધ મૂકવા વિચારી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની વસ્તી 2.7 કરોડની છે ને ઈન્ટરનેટ વાપરનારી પ્રજા 2.5 કરોડ છે. 8-12 વર્ષનાં 65 ટકા બાળકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, તો 12-17 વર્ષનાં બાળકો ચૌદેક કલાક મોબાઈલ પાછળ બગાડે છે. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાને સ્વીકાર્યું છે કે સોશિયલ મીડિયા બાળકોનું બાળપણ છીનવી રહ્યું છે. એક અમેરિકન સાઈકોલોજિસ્ટે પણ સ્વીકાર્યું છે કે સ્માર્ટ ફોન અને ફ્રન્ટ કેમેરા સામાન્ય થયા ત્યારથી બાળકો એન્ગ્ઝાયટી, ડિપ્રેશન કે આત્મહત્યાનો 100 ગણો વધુ શિકાર થયાં છે. ભારતની વાત કરીએ તો સોશિયલ મીડિયા યુઝર્સ 49 કરોડથી વધારે છે. 10 વર્ષનાં 37 ટકા બાળકો ફેસબુક વાપરે છે. પુખ્ત વયની વ્યક્તિઓ પણ રોજના 6થી 7 કલાક મોબાઈલમાં ગાળે છે. ભારતમાં કોર્ટે ને એક બે રાજ્યોએ કેન્દ્ર સરકારને મોબાઈલના ઉપયોગ અંગે વિચારવા સૂચવ્યું છે.

એટલું નક્કી છે કે ટેકનોલોજી માણસે ખપમાં લીધી છે ને તે માણસનો જ શિકાર કરવાની હોય, તો તે કોઈ કાળે ચલાવી શકાય નહીં. તેમાં પણ તેના ઉપયોગ પાછળ રહેલું રાજકીય માનસ વધુ જોખમી છે. ફરી કહેવાનું કે ટેકનોલોજી સામે એટલો વાંધો નથી, જેટલો તેનાં આડેધડ ઉપયોગ સામે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જાન્યુઆરી 2026

Loading

NATOનાં પેચીદાં સમીકરણઃ સલામતી જૂથ તરીકે શરૂ થયેલું ગઠબંધન શક્તિશાળી રાષ્ટ્રનો હાથો બની ગયું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|25 January 2026

કેવી રીતે NATOના વિસ્તરણે યુરોપનો કિલ્લો બનાવ્યો અને યુક્રેનને યુદ્ધના મેદાનમાં ફેરવી દીધું

ચિરંતના ભટ્ટ

જ્યારે માર્ક રટ (Mark Rutte) ગયા અઠવાડિયે દાવોસમાં વૈશ્વિક નેતાઓ સામે ઊભા થયા, ત્યારે તેમના સંદેશમાં NATO(North Atlantic Treaty Organization)ના જનરલ સેક્રેટરી પાસેથી અપેક્ષિત રાજદ્વારી નરમાશ જોવા ન મળી. તેમણે ચેતવણી આપી કે, “આપણે જે ખતરાનો સામનો કરી રહ્યા છીએ તે દેખીતો, વાસ્તવિક અને લાંબા સમય સુધી ટકે તેવો છે.” આ શબ્દોની પાછળ એક એવો પ્રશ્ન છુપાયેલો છે જે બર્લિન વૉલ પડી તે પછી એટલાન્ટિક સંધિને સતાવી રહ્યો છે: શું તમે છત તૂટી પડવાની ચિંતા કર્યા વિના ઘરમાં નવા ઓરડા ઉમેરવાનું ચાલુ રાખી શકો?

અહીં આંકડા જ પુરાવો બને છે. 1949માં 12 સ્થાપક સભ્યો હતા. આજે 32 સભ્યો છે. દરેક નવા સભ્યના ઉમેરાને ઉદાર લોકશાહીની જીત તરીકે વધાવી લેવાયો. છતાં આજના સંજોગો શું છે? રશિયન ટેન્કો યુક્રેનના શહેરોને કચડી રહી છે, NATOના સભ્યો દારૂગોળાના સ્ટૉક માટે ઝઘડી રહ્યા છે, અને ભારત વૉશિંગ્ટન અને મૉસ્કો વચ્ચે સંતુલન જાળવી રહ્યું છે.

તો ભૂલ ક્યાં થઈ? અથવા કદાચ સવાલ એમ થાય કે, અત્યાર સુધી બધું એટલું સાંગોપાંગ ઉતર્યું કે આપણે મૂળ નિયમો જ ભૂલી ગયા?

વ્યૂહાત્મક પ્રલોભનનો અંત અને વિસ્મૃતિની શરૂઆત

NATOના શરૂઆતના વિસ્તરણો (1949-1991) કોઈ આદર્શવાદ નહીં, પરંતુ ઠંડા કલેજે કરેલી ગણતરીઓ હતી. એ વખતે ગ્રીસ, તુર્કી કે જર્મનીને જોડવા પાછળનો હેતુ લોકશાહી ફેલાવવાનો નહોતો, પણ ‘ભૂગોળ’ જીતવાનો હતો. (જુઓ બોક્સ: જ્યારે NATOનું વિસ્તરણ માત્ર ગણતરી હતું).

પરંતુ 1991 પછી વિજયની સાથે વિસ્મૃતિ (Amnesia) પણ આવી. 1990ના દાયકાએ NATOને સંરક્ષણાત્મક ગઠબંધનમાંથી એક એવી સંસ્થામાં ફેરવી દીધું જેને તેના સ્થાપકો ભાગ્યે જ ઓળખી શકે: હવે NATO લશ્કરી તર્કને બદલે રાજકીય ગતિથી ચાલતું ‘વિસ્તરણ મશીન’ બની ગયું હતું.

પોલેન્ડ, હંગેરી અને ચેક રિપબ્લિકથી લઈને બાલ્ટિક દેશો સુધીના ઉમેરા કાગળ પર આકર્ષક હતા; યુવાન લોકશાહીઓ પશ્ચિમી ગેરંટી માટે આતુર હતી. પરંતુ વાસ્તવિકતા જટિલ હતી. નવા જોડાયેલા દેશોની લશ્કરી ક્ષમતાઓ સાધારણ હતી. એસ્ટોનિયા યુદ્ધના મેદાનમાં લગભગ 350 સૈનિકોને જાળવી શકે તેમ હતું. NATOને ઉપયોગી બળ મળ્યું તેના કરતાં વધુ ઝડપથી સભ્યો મળ્યા. અને સૌથી મોટું નુકસાન એ થયું કે ગઠબંધને નિર્ણય લેવાની ઝડપ ગુમાવી દીધી.

રશિયા અને બુખારેસ્ટની ભૂલ

પશ્ચિમી નેતાઓએ આગ્રહ રાખ્યો કે વિસ્તરણ મોસ્કોને નિશાન બનાવીને નથી કરાયું, પણ રશિયાએ એ વાત ન માની. NATOનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેન્ટ પીટર્સબર્ગની અંદર લગભગ 150 કિલોમીટર જેટલે અંતરે ઘૂસી ગયું. 2008માં બુખારેસ્ટ ખાતે નિર્ણાયક ક્ષણ આવી. NATOએ જાહેર કર્યું કે યુક્રેન અને જ્યોર્જિયા “સભ્યો બનશે”, પણ તેમને મેમ્બરશિપ એક્શન પ્લાન (MAP) નહોતા અપાયા. આ બંને માટે સૌથી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ: મોસ્કોને ઉશ્કેરવા માટે પૂરતું મજબૂત વચન, પરંતુ રક્ષણ પૂરું પાડવા માટે સાવ નબળું. પરિણામ? ચાર મહિના પછી રશિયન ટેન્કો જ્યોર્જિયામાં હતી.

યુક્રેનનો હિસાબ: જ્યારે બિલ ચૂકવવાનો સમય આવ્યો

 24 ફેબ્રુઆરી, 2022એ બે દાયકાના વિસ્તરણથી સર્જાયેલા વિરોધાભાસોને ખુલ્લા કરી દીધા. ફિનલેન્ડ અને સ્વીડનના જોડાણે મોટી ક્ષમતાઓ ઉમેરી, પરંતુ રશિયા સાથે NATOની સરહદ 1,300 કિલોમીટર વધી ગઈ.

આર્થિક ખર્ચ પણ તોતિંગ છે. યુરોપ હવે જી.ડી.પી.ના 5% સુધી સંરક્ષણ ખર્ચ લઈ જવા મજબૂર છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે અર્થતંત્રો ફુગાવો અને દેવા હેઠળ દબાયેલા છે. જર્મની ફરીથી સૈન્યીકરણ શીખી રહ્યું છે અને પોલેન્ડ કોરિયન ટેન્કો પર ભવિષ્ય દાવ પર લગાવી રહ્યું છે.

યુક્રેન આ વિરોધાભાસના કેન્દ્રમાં બેઠું છે. મોસ્કોને અકળાવવા પૂરતું પશ્ચિમી, પરંતુ NATOનું રક્ષણ મેળવવા માટે પૂરતું પશ્ચિમી નહીં. ‘ઓપન ડોર’ નીતિએ એક એવું વચન આપ્યું હતું જે ગઠબંધન પરમાણુ યુદ્ધના જોખમ વિના પૂરું કરી શકે તેમ ન હતું. કિવે (Kyiv) તેની કિંમત ચૂકવી.

દિલ્હીથી દેખાતો નજારો: બ્રસેલ્સથી આગળના બોધપાઠ

ભારત માટે, નાટોના વિસ્તરણની વાર્તા કોઈ મોડેલ જેવી ઓછી, અને ચેતવણીરૂપ કથા જેવી વધુ લાગે છે. જ્યારે ભારત હિંદ–પ્રશાંત પ્રદેશમાં પોતાની વ્યૂહરચના ઘડે છે, ત્યારે બ્રસેલ્સની ભૂલોમાંથી શીખવાનું ઘણું છે, ખાસ કરીને આ સવાલ કે સુરક્ષા માળખાં કેવી રીતે વધુ પડતા વિસ્તરી જાય અને પોતાના જ ભારને દબાઈ જાય છે. તત્કાલિન અસરો દેખાય છે, સસ્તા રશિયન તેલનો ફાયદો મળ્યો છે, પણ તે કાયમી નથી.

વધુ વ્યાપક રીતે જોઈએ તો, યુક્રેન યુદ્ધ સાબિત કરે છે કે પર્યાપ્ત ક્ષમતાઓ વિનાનું વિસ્તરણ શૂન્યાવકાશ પેદા કરે છે. જેમ જેમ ભારત ક્વૉડ (Quad) સહયોગને વધુ ગાઢ બનાવે છે, તેમ તેમ આ બોધ મહત્ત્વના બની જાય છે. ક્વૉડની તાકાત આંશિક રીતે એમાં છે કે તે લશ્કરી ગઠબંધન નથી કે એશિયન NATO નથી. જે સુગમતા અમેરિકન એલાયન્સ મેનેજરોને હતાશ કરે છે તે કદાચ એ જ બાબત છે જે તેને બીજું ‘વધુ પડતું વિસ્તરેલું પ્રતિબદ્ધતાનું માળખું’ બનતા અટકાવે છે.

ચીન પણ આ તમાશો જોઈ રહ્યું છે. જો વિશ્વનું સૌથી શક્તિશાળી ગઠબંધન યુક્રેન માટે દારૂગોળાના પુરવઠા પર સંમત થઈ શકતું નથી, તો તે પશ્ચિમી જગતની મર્યાદાઓ છતી કરે છે. બેઇજિંગ માની રહ્યું છે કે અમેરિકન સુરક્ષાના કમિટમેન્ટ તેની ક્ષમતા કરતાં વધી ગયા છે.

એ દરવાજો જે બંધ નહીં થાય

NATO આ હિસાબમાંથી બચી જશે, પણ 1990ના દાયકાનો વિજયી ઉન્માદ હવે ગયો છે. યુક્રેનનું સભ્યપદ યુદ્ધના મેદાનના પરિણામો પર આધારિત છે. દરવાજો હજુ ખુલ્લો છે, પણ કોઈ બારણે આવકારવા નથી ઊભું.

નવી દિલ્હીએ અમુક બાબતો સમજી લેવી પડશે. બહુધ્રુવીય વિશ્વમાં, કઠોરતા કરતાં સુગમતા વધુ સારી છે. પ્રતિબદ્ધતા કરતાં હેજિંગ (બચાવ) વધુ સારો વિકલ્પ છે. NATOનો આગામી અધ્યાય યુક્રેનની ખાઈઓમાં લખાઈ રહ્યો છે. ભારતનો અધ્યાય હજુ અલિખિત છે; અને તે, અત્યાર માટે, તેનો સૌથી મોટો ફાયદો હોઈ શકે છે.

બાય ધી વેઃ 

NATOનું પંચોતેર વર્ષનું વિસ્તરણ છેવટે એ જ બતાવે છે: સુરક્ષાની દુવિધાઓ અદૃશ્ય થતી નથી; તે માત્ર સ્વરૂપ બદલે છે. સોવિયેત સામ્યવાદને હરાવનાર ગઠબંધન હવે રશિયન બદલાની ભાવના (revanchism) સાથે ઝઝૂમી રહ્યું છે. જે વિસ્તરણે પૂર્વ યુરોપને સ્થિર કર્યું તેણે રશિયાની સરહદોને અસ્થિર કરી. જે ખુલ્લા દ્વાર પશ્ચિમી મૂલ્યોનું પ્રતીક હતા તે મહાસત્તા સંઘર્ષનું કારણ બની ગયા છે.

NATOના વિસ્તરણનો ઇતિહાસ: જ્યારે ગણતરી ‘ભૂગોળ‘ હતી, ‘ભાવના‘ નહીં (1949-1991: ધ આર્ટ ઓફ સ્ટ્રેટેજિક સિડક્શન)

NATOના શરૂઆતના દિવસોમાં નવા સભ્યો ઉમેરવા પાછળ કોઈ ઉદારતા નહોતી, પણ પાક્કું લશ્કરી ગણિત હતું: 

·       તુર્કી (1952): તુર્કીને જોડવું એ લોકશાહી માટે નહીં, પણ બોસ્ફોરસ (Bosphorus) પર નિયંત્રણ મેળવવા માટે હતું. તેનાથી કાળા સમુદ્રમાં સોવિયેત નૌકાદળને રોકી શકાયું અને દક્ષિણ રશિયાની નજીક એરબેઝ મળ્યા.

·       પશ્ચિમ જર્મની (1955): જે દેશે બે વિશ્વયુદ્ધો કર્યા હતા તેને ફરીથી સેના અપાઈ કારણ કે ગણતરી સ્પષ્ટ હતી: જર્મન ટુકડીઓ વિના સોવિયેત દળોને રાઈન નદી સુધી પહોંચતા રોકવા અશક્ય હતા.

·       સ્પેન (1982): ફ્રાન્કોના મૃત્યુ પછી સ્પેન જોડાયું, પણ મુખ્ય હેતુ જિબ્રાલ્ટર પર નિયંત્રણ અને એટલાન્ટિક બંદરોનો હતો જેથી સબમરીન યુદ્ધમાં ફાયદો મળે.

આ તમામ નિર્ણયો “ઓપરેશનલ સમસ્યાઓ” ઉકેલવા લેવાયા હતા, વચનો પૂરા કરવા નહીં.

સ્રોત : આ વિશ્લેષણ “નાટો એટ 60: ધ પોસ્ટ–કોલ્ડ વોર એન્લાર્જમેન્ટ એન્ડ ધ એલાયન્સ ફ્યુચર“(IOS પ્રેસ, 2010)ના સંશોધન ડેટા અને વ્યૂહાત્મક સમીક્ષાઓ પર આધારિત છે, ખાસ કરીને ફર્ડિનાન્ડો સાનફેલિસ ડી મોન્ટેફોર્ટે, જસ્ટસ ગ્રેબનર અને બાસ્ટિયન ગિગેરિચના સંશોધનો, તેમ જ વર્તમાન ઘટનાક્રમો પર.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25  જાન્યુઆરી 2026

Loading

 શિયાળો ધ્રૂજાવે

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|25 January 2026

સ્વેટર, મફલરને ટોપી સાથે રખાવે.
શિયાળો સૌના અંગેઅંગને ધ્રૂજાવે.
ઠંડાં પાણી થકી સર્વને એ અકળાવે.
શિયાળો સૌના અંગેઅંગને ધ્રૂજાવે.

મઝા અડદિયાની કેવી એ અપાવે,
ઓળા રોટલા પણ થાળીમાં લાવે.
જલદીથી પ્રભાતે પથારી ના મૂકાવે,
શિયાળો સૌના અંગેઅંગને ધ્રૂજાવે.

આનંદ પતંગોત્સવનો જે અપાવે,
તડકો સૂરજનો તપીતપી ગરમાવે.
કાળઝાળ ગરમી ગ્રીષ્મની ભૂલાવે.
શિયાળો સૌના અંગેઅંગને ધ્રૂજાવે.

વૃદ્ધ વડિલોને ઠંડી ક્વચિત્ ઠંગરાવે
તોયે સ્ફૂર્તિ સૌના શરીરમાં સંચારે.
ચોરે ચૌટે કેવાં તાપણાંઓ પ્રગટાવે,
શિયાળો સહુના અંગેઅંગને ધ્રૂજાવે.

પોરબંદર.
e.mail : haitanyajc555@gmail.com

Loading

...102030...118119120121...130140150...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved