Opinion Magazine
Number of visits: 9743604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીચ … શરમજનક

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|10 May 2023

પુરુષપ્રધાન સમાજમાં સ્વાર્પણ અને અથક મહેનતથી દેશને પ્રતિષ્ઠા અપાવનારી મહિલા કુસ્તી ખેલાડીઓની આપણા દેશમાં અત્યારે જે હાલત થઈ રહી છે તે અત્યંત સંતાપ ઉપજાવનારી છે.

મહિલા કુસ્તીબાજોએ ભારતીય જનતા પક્ષના ઉત્તર પ્રદેશના સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહની વિરુદ્ધ જાતીય સતામણીની ગંભીર ફરિયાદો કરી છે.

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં 6 મે એ હેડલાઇન તરીકે આવેલા સમાચાર મુજબ કુસ્તીબાજોએ 21 એપ્રિલે કનોટ પેલેસ પોલીસમાં કરેલી ફરિયાદો અનુસાર જાતીય સતામણીના અનેક કિસ્સા નોંધવામાં આવ્યા છે.

ફરિયાદી નંબર 1-એ તેની જાતીય સતામણીના કિસ્સા જણાવ્યા તે આ મુજબ છે :

(1) 2016ની એક સ્પર્ધા દરમિયાન એક હૉટલના ડિનર ટેબલ પર બ્રિજભૂષણ તેની છાતી અને પેટને અડ્યો  હતો. તે પછી ખેલાડીની જમવાની ઇચ્છા ખલાસ થઈ ગઈ અને તે ખૂબ જ આઘાત પામી હતી.

(2) 2019ની સ્પર્ધામાં એક વખત બ્રિજભૂષણે તેને બે વખત પોતાના બંગલામાં જ આવેલા ફેડરેશનના કાર્યાલયમાં બોલાવીને શરમજનક સ્પર્શ કર્યો હતો. તેમાંથી પહેલા દિવસે બ્રિજ તેની છાતી અને સાથળોએ અડ્યો હતો.

(3) બીજી વખત તેની શ્વસનક્રિયાની ચકાસણી કરવાને બહાને બ્રિજભૂષણ તેની છાતી અને તેના પેટને અડ્યો હતો.

(4) 2018ની સ્પર્ધામાં બ્રિજભૂષણે તેને ભીંસમાં જોરથી કસી લીધી હતી અને તે (ખેલાડી) તકાત લગાવીને માંડ છૂટી શકી હતી.

ફરિયાદી નંબર 2-એ જણાવ્યું કે

(1) 2018ની એક સ્પર્ધા પહેલાં તે વૉર્મ-અપ કરી રહી હતી ત્યારે બ્રિજભૂષણ તેની પાસે આવીને તેની જર્સી ઊંચી કરીને તેની શ્વસનક્રિયાની ચકાસણી કરવાને બહાને તેની છાતી અને તેના પેટને અડ્યો, જેનાથી ખેલાડીને ભયંકર આઘાત લાગ્યો હતો.

(2) એક વખત બ્રિજભૂષણે તેને ફેડરેશનની ઑફિસે બોલાવી, ત્યાં હજાર સહુને બહાર કાઢ્યા, તેના શરીર પર હાથ ફેરવ્યો અને તેની સાથે ફોન નંબરની આપ-લે કરી.

ખેલાડીઓએ અત્યાર સુધી ચૂપકીદી એટલા માટે સેવી હતી કે બ્રિજ ભૂષણ પોતાની સત્તાના બળે તેમની કરકિર્દીને ખતમ કરી દેશે એવો તેમને ડર હતો. પીડિતા ખેલાડીઓમાં સગીર વયની કિશોરીઓ પણ છે.

આ આરોપો આમ તો મહિલા સતામણીના ગુના દાખલ કરીને ધરપકડ કરવા માટે પૂરતા છે એમ જાણકારો જણાવે છે. વળી, એમ પણ છે કે એકંદર ભારતીય સ્ત્રી તેણે વેઠેલી પીડાનું જેટલું બયાન આપતી હોય  છે તેના કરતાં તેણે હકીકતમાં વધુ વેઠેલું હોય છે.

‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’માં 30 એપ્રિલે સંદીપ દ્વિવેદી લખે છે કે બ્રિજભૂષણને 1990ના દાયકામાં દાઉદ ઇબ્રાહિમના સાગરિતોને આશરો આપવા માટે ‘ટાડા’ હેઠળ ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. તેની આપખુદીની અનેક કથાઓ છે.

તે રાષ્ટ્રીય રમતોત્સવોમાં રાજામહારાજોના ઠાઠથી ઊંચા આસને બિરાજતો, પોતાની રીતે ઇનામો જાહેર કરતો, નિર્ણાયકોના નિર્ણયો બદલી નાખતો. એક વાયરલ યુ-ટ્યૂબ વીડિયોમાં તો તે એક કુસ્તીબાજને જોરદાર લાફો ફટકારતો જોવા મળે છે.

ચન્દ્રક વિજેતા કુસ્તીબાજ વિનેશ ફોગટે ‘એક્સ્પ્રેસ’ને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું : ‘મહાસંઘમાં બ્રિજ મનમાની કરતો. મહાસંઘના અધિકારીઓ અમને નાનામાં નાની વાતે પણ કનડતા.

‘તેઓનું વર્તન ઘૃણાસ્પદ હતું. તેઓ અમને એમ કહીને ધમકાવતા કે અમારી સામે કોઈએ ફરિયાદ કરી છે જે ‘નેતા’ને  કાને પડી છે અને તે ગુસ્સામાં છે. 

‘ત્યાંનો પાણીવાળો છોકરો પણ અમારી સાથે તો ‘સાહેબ તો હું જ છું, તમે વળી કોણ?’ એવો મિજાજ બતાવતો. બ્રિજની ખુશામત રાખનારા કુસ્તીબાજોને નિવૃત્તિ બાદ મલાઈદાર હોદ્દા મળતા’.

‘ધ પ્રિન્ટ’ પોર્ટલમાં 8 મેએ પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબ 1974થી 2007 દરમિયાન બ્રિજની સામે 38 કેસ થયા હતા. તેમાં ચોરી, ખૂન, ખૂનની કોશિશ, ગુનાઈત ધાકધમકી, રાયટિંગ વગેરે ગુનાઓનો સમાવેશ થતો હતો.

એક કેસમાં તેની ઉત્તર પ્રદેશમાં ગુંડા એક્ટ હેઠળ અને ત્રણમાં વધુ કડક એવા ગૅન્ગસ્ટર એન્ડ એન્ટિસોશ્યલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ પણ ધરપકડ કરવામાં આવી હતી.

જો કે બ્રિજના સાગરિતોના કહેવા મુજબ તે તમામ 38 કેસોમાંથી નિર્દોષ મુક્ત થયો છે. તેની સામેનો એક માત્ર કેસ ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ જાહેર કરતા ટ્રાયલ કોર્ટના ચૂકાદાની સામે અલાહબાદ હાઇ કોર્ટમાં કરેલી અપીલનો છે.

બ્રિજ સામે જે  38 ગુનાનો આરોપ છે તેની યાદી આપતું મોટું પોસ્ટર જતર-મંતર ખાતે લાગેલું છે.

આટલો બધો ખરડાયેલો હોદ્દેદાર અને સાંસદ દેશ પર એક કલંક છે. આ ધબ્બો ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનના પ્રમુખ અને ઑલિમપિક ચન્દ્રક વિજેતા દોડવીર પી.ટી. ઉષાને દેખાયો નથી.

પણ તેમને આ ડાઘની વિરુદ્ધ મહિલાઓએ ચલાવેલા આંદોલનમાં દેશની છાપ ખરાબ થતી દેખાય છે !

મહિલાઓનું શોષણ કરનારા દાગી સાંસદની સામે એફ.આઇ.આર. લેવા સર્વોચ્ચ અદાલતના બારણે જવું પડે છે, અને તે પણ એવા દેશમાં કે જ્યાં રાષ્ટ્રપ્રમુખ એક મહિલા હોય, વંચિત આદિવાસી વર્ગના મહિલા હોય !

એક ઇમ્પ્રેશન પીસમાં ‘ધ હિન્દુ’એ (6 મે) લખ્યું છે કે  જંતર મંતર પર ચાલી રહેલું આ આંદોલન કુસ્તીબાજોની ‘એન્ડ્યુરન્સ ટેસ્ટ’ એટલે કે સહનશક્તિની કસોટી છે.

તેઓ ફૂટપાથ પર છે. પહેલાં માવઠું અને હવે પછી દિલ્હીનો તાપ, પોલીસની તેમના ટેકેદારોને કનડગત, આપણા ‘સ્ટાર્સ’ના અને આપણા પોલા ‘સેલિબ્રીટિ’ ખેલાડીઓના ટેકાનો અભાવ જેવા સંજોગો છે (કુસ્તીબાજ યુવતીઓ ખુલ્લામાં  ધરણાં કરી રહી છે તે જ દિવસોમાં ગૉડ ઓફ ક્રિકેટે ભરતરત્નએ તેમની વર્ષગાંઠ ઉજવી !)

હંમેશ મુજબ આંદોલનમાં ફૂટ પડાવવા માટેના પ્રયાસો છે. ખેલાડીઓને કારર્કિર્દીની ચિંતા છે. શાસનનું વલણ નિંભર છે. વિરોધપક્ષો એકંદર નિષ્ક્રિય છે. મોટા મુદ્રિત માધ્યમોના કવરેજ તેમ જ ટેકામાં તથાકથિત તટસ્થતા અને અસાતત્ય જણાય છે. જકે કેટલાંક વિદ્યાર્થી જૂથો ચળવળમાં જોડાયાં છે. કેટલાંક મહિલા સંગઠનો તેમ જ ભારતીય કિસાન સંઘનો ટેકો બહુ દિલાસો આપનારી બાબત છે.

જો કે જગતના તાત ખેડૂત અને વિશ્વની ધાત્રી સ્ત્રી એ દુનિયાને ચલાવનાર બે તત્ત્વો તરફ માટે શાસકો કેટલા અસંવેદનશીલ છે તે આપણે તાજેતરમાં જોયું છે, વારંવાર જોઈએ છીએ.

મહિલાઓ કુસ્તીબાજો પરના અન્યાય અને તેની સામેના આદોલન તરફ બેપરવાઈથી આક્રોશિત નાગરિકો ઘણાં છે. છતાં, વાજબી પણ સાવ મામુલી વિરોધ સામે પણ પોલીસ અને કાનૂની દમનની સરકારી યંત્રણાને કારણે લોકો ડરેલા છે.

આંદોલનના કેટલાંક દૃશ્યોમાં કુસ્તીમાં મજબૂત ખેલાડીઓ હાથ જોડેલી મુદ્રામાં, ટેકા માટે વિનવણી કરતી, ક્યારેક હતાશ અને ક્વચિત આક્રોશથી આંસુ સારતી નજરે પડે છે.

મહેનતુ, સિદ્ધિવંતી તરુણીઓને પોતાની સલામતી અને પોતાના ન્યાય માટે આવી દશામાં મૂકાવું પડે તે જોઈને ખિન્ન થઈ જવાય.

નારી સન્માનની વાતો કરતા, સ્ત્રીને દેવતા ગણતા દેશમાં મહિલાઓની આ હાલતથી એક નાગરિક તરીકે મસ્તક શરમથી ઝૂકી જાય છે … અને આવું લાગવાના કિસ્સા વધતા જ જાય છે.

10 મે 2023
(800 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાઝીઓં મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી તખ્તે લંદન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી

પ્રકાશ એન. શાહ|Opinion - Opinion|10 May 2023

પ્રકાશ ન. શાહ

આજે દસમી મે … પ્રથમ સ્વતંત્રતાસંગ્રામનો યશદિવસ! 1857 યાદ કરીએ એટલે એક રીતે પહેલું જ નામ સામે આવે તે વિનાયક દામોદર સાવરકરનું: આ સ્તો એ યુવા પ્રતિભા હતી જેણે સન સત્તાવનની પહેલી પચાસી ખુદ સામ્રાજ્યધાની લંડનમાં મનાવી હતી. આ કોઈ સિપાહી બળવો નહીં પણ સ્વતંત્રતાસંગ્રામ હતો એવું પ્રતિપાદિત કરતું પહેલું પુસ્તક પણ એમના જ નામે ઇતિહાસદર્જ છે.

અલબત્ત, બીજાં પણ નામો સામે આવે જ – જેમ કે, બહાદુરશાહ ઝફર. મેરઠથી ઝંડો સાહી દિલ્હી પહોંચેલી પહેલી સૈનિક ટુકડીએ એમને દેશના બાદશાહ ઘોષિત કર્યા હતા અને બુઢ્ઢા બહાદુરશાહે ભરએકાસીમે લલકાર્યું હતું કે

‘ગાઝીઓં મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી 

તખ્તે લંદન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી.’

ખલ્ક ખુદા કા, મુલ્ક બાદશાહ કા, હુકુમ રાની કા એ ન્યાયે લક્ષ્મીબાઈને કેમ ભુલાય? પણ આપણી નવજાગ્રત સમતા-સમજને ધોરણે દલિત વીરાંગના ઝલકારીબાઈ કોળીનુંયે સ્મરણ સવિશેષ લાજિમ છે. મૈથિલીશરણ ગુપ્તે ‘ઝાંસીવાલી રાની’ની જોડાજોડ એને પણ સહજ સંભારી હતી : ‘જાકર રણ મેં લલકારી થી / વહ તો ઝાંસી કી ઝલકારી થી.’ મુદ્દે, સત્તાવનનાં ઝલકારી અને ગદરના મંગુરામ સંઘર્ષમાત્રની સામાજિક ઉડ્ડાનની રીતે વિમર્શના વિશેષ હકભાગી હોવા જોઈશે.

તત્કાલીન અંગ્રેજ નિરીક્ષકોએ એક વાતે કૌતુક કીધું છે કે બહાદુરશાહને વડા ઘોષિત કરવાનો ઉપાડો હિંદુ સૈનિકોનો હતો. લંડનબેઠા કાર્લ માર્ક્સ ત્યારે અમેરિકાના ‘ન્યૂયોર્ક ટ્રિબ્યુન’માં નિયમિત લખતા. 15 જુલાઈ 1857ની એમની કોલમ બોલે છે કે બહાદુરશાહ અંગેની ઘોષણા હિંદની એકતાની મજબૂતી દર્શાવે છે. ભાઈ, વાત પણ સાચી કે ત્યારે હિંદુ વિ. મુસ્લિમ કે મુસ્લિમ વિ. હિંદુ એવું કોઈ ખાસ સમીકરણ નહોતું પણ સાંસ્થાનિક સત્તા વિરુદ્ધ સૌ, રિપીટ, સૌ એવું ચિત્ર હતું. ઉત્તર સાવરકરની વાત ઘડીક રહીને, પણ સત્તાવનના સાવરકરે તો આ પુસ્તક ઊઘડતે જ લખ્યું છે કે શિવાજીના કાળમાં મુસ્લિમો સામે ધિક્કાર હતો તો હતો, પણ આજના સંજોગોમાં તે ગેરવાજબી અને મૂર્ખતાપૂર્ણ છે. હિંદુ અને મુસ્લિમ બેઉ હિન્દુસ્તાનની ધરતીનાં સંતાન હોવાને નાતે લોહીભાઈ (બ્રધર્સ બાય બ્લડ) છે, એમ પણ એમણે ઉમેર્યું હતું. જો કે, શિવાજી ઉત્સવ શરૂ કરનાર તિલક એથી આગળ ગયા હતા : 1906માં કોલકાતાના શિવાજી ઉત્સવમાં બોલતાં એમણે કહ્યું હતું કે શિવ છત્રપતિ મુસલમાનો સામે નહીં પણ જુલમી ને અવિચારી રાજ્યકર્તાઓ સામે લડ્યા હતા.

એ એક જુદો જ મિજાજ, જુદો જ માહોલ હતો. સત્તાવનની સભાના પ્રમુખ, આપણા ગુજરાતી, સરદારસિંહ રાણાએ પરદેશ ભણવા ઈચ્છતા હિંદી વિદ્યાર્થી માટે જાહેર કરેલી સ્કોલરશિપો પૈકી એક અકબરને નામે પણ હતી. સાવરકર સ્થાપિત ‘અભિનવ ભારત’ શરૂમાં નાસિક પંથકમાં જે જયંતીઓ મનાવતું એમાં અકબર જયંતીનોયે સમાવેશ થતો.

જરી ઉતાવળે સીધા 2004ની એક વાત કરું? ત્યારે, જાન્યુઆરીમાં, પાકિસ્તાનની ધરતી પર સાર્ક શિખર મિલન મળ્યું હતું. આપણા તત્કાલીન વડા પ્રધાન વાજપેયીએ કહ્યું હતું કે ત્રણ વરસ પછી સન સત્તાવનની સાર્ધ શતાબ્દીનો અવસર હશે. આપણે ત્રણ મુલક – હિંદપાકબાંગલા – સાથે મળીને એ કેમ ન ઊજવીએ? સંસ્થાનવાદી તાકાતો સામે ત્યારે આપણે સાથે જ લડ્યાં હતાં ને … જો કે, પાકિસ્તાને તે ગ્રાહ્ય રાખ્યું નહીં એ જુદી વાત છે.

કમનસીબે, 1923માં રત્નાગીરીના નજરબંધ દિવસોમાં સાવરકર એમનો જે હિંદુત્વ થીસિસ લઈને આવ્યા એમાં સત્તાવનના સંગ્રામ વેળાનો તેમ તેના લેખકનો સ્પિરિટ ગાયબ હતો. હવે લોહીભાઈ હોવાનો કશો મતલબ નહોતો, કેમ કે ધર્મગત તમારી પૂજાભૂમિ ભારત બહાર હતી. તેથી તમે વ્યાખ્યાગત રીતે બહારના હતા, અરાષ્ટ્રીય હતા. દેખીતી રીતે જ, આ ચિત્ર પૂર્વ અને ઉત્તર સાવરકર વચ્ચેનો વિસંવાદ ઉપસાવી આપે છે.

સન સત્તાવનની ઘટનાને પૂર્વ સાવરકરે જે ઇતિહાસઉઠાવ આપ્યો એની પ્રતિષ્ઠા સ્વતંત્ર ભારતમાં થવી જોઈતી હતી અને થઈ પણ છે. નેહરુના પ્રધાનમંત્રીકાળમાં સત્તાવનની શતવર્ષી રંગેચંગે ઊજવાઈ, અને પછી 2007માં મનમોહનસિંહના કાળમાં સાર્ધ શતાબ્દી પણ.

શતવર્ષીના ગાળામાં દેશના શીર્ષ ઇતિહાસવિદોમાં થયેલી ચર્ચા જો કે વિચારણીય છે. કોઈ મૂલ્યાત્મક ધોરણે નહીં પણ સામાન્યપણે વપરાતા પ્રયોગની રીતે જમણેરી (અગર ખાસ તરેહની ‘રાષ્ટ્રવાદી’ સ્કૂલના) મનાતા આર.સી. મઝુમદાર 1857ને પહેલો સ્વતંત્રતાસંગ્રામ કહેવા તૈયાર નહોતા. એમનો એક તર્ક હતો કે 1857 પૂર્વે પણ પ્રતિકારોનો એક સિલસિલો દેશમાં હતો. ભારતીય વિદ્યાભવનની સુપ્રતિષ્ઠ ભારત ઇતિહાસ શ્રેણીના અગ્રસંપાદક તરીકે એમનો અભિપ્રાય અવશ્ય ધ્યાનાર્હ છે. એક ટીકા સળંગ અલગ અલગ સ્રોતમાંથી એ થતી રહી છે કે બહાદુરશાહ હોય કે નાનાસાહેબ અગર લક્ષ્મીબાઈ અને બીજાં, આ બધાંની પહેલી ને સીધી નિસબત કદાચ પોતપોતાનાં દાપાદરમાયા, વારસાઈ અને જમીનજાયદાદ અંગે હશે એટલી માત્રામાં વ્યાપક ખયાલ સાથે તેઓ જોડાયેલ નહોતાં. ગમે તેમ પણ, પોતપોતાની રીતેભાતે અને ઝોકફેરે ઇતિહાસકારો સરવાળે એ મુદ્દે ઠરતા માલૂમ પડ્યા છે કે ભલે એ હતો તો સામંતશાહી ઉઠાવ, પણ એમાં રાષ્ટ્રીય વલણોયે પડેલાં હતાં. બીજું, સત્તાવનનો ખુદનો ઇતિહાસ જે પણ હોય, જનમાનસમાં એની જે મૂરત અંતે ઊઠી છે તે તો જંગે આઝાદીના અરુણ ઉન્મેષ તરીકે જ.

વાત સમેટતાં બે શબ્દો આ ‘સામંતી’ સંજ્ઞાથી પ્રેરાઈને. ભાઈ, ત્યારે રાજ્યપ્રથા જ એ હતી – અને કંપની બહાદુર હસ્તક રાજાઓ, નવાબો ને ભાયાતોની એ દુનિયા હતી. પણ એણે રાષ્ટ્રીય હોઈ શકતાં વલણો આછાંપાતળાં પણ પ્રગટ કર્યાં જે આગળ ચાલતાં વિકસ્યાં. અહીં એક જોગાનુજોગ – બલકે, સૂચક સહોપસ્થિતિ-સાભિપ્રાય નોંધવાજોગ છે. અને તે એ કે આપણે ત્યાં યુનિવર્સિટી શિક્ષણનો સંચાર 1857થી થયો. ઇતિહાસબોજ તો બેઉ ઘટનાઓ પૂંઠે હતો. પણ તે સાથે બંને ઘટના પોતપોતાનો ઇતિહાસબોધ પણ લઈને આવી હતી : એ જૂના જમાના અને નવાં સપનાં વચ્ચેની પરસ્પર શોધનકારી રમઝટ હતી … આવાં પારસ્પર્યે સ્તો પરથમી ટકી છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 મે 2023

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૫) 

સુમન શાહ|Opinion - Literature|8 May 2023

કાવ્યાર્થ –

રાજશેખરે કરેલું કાવ્યાર્થનું નિરૂપણ નૉંધપાત્ર છે.

સુમન શાહ

રાજશેખર આચાર્યોનો મત દર્શાવે છે કે વિવિધ કવિઓની વિવિધ શક્તિમતિને કારણે સેવ્યમાન અર્થો તો નિ:સીમ છે, પાર વગરના; જો કે એઓએ અર્થોને બે વિભાગમાં વ્હૅંચી નાખ્યા છે : વિચારિત-સુસ્થ અને અવિચારિત-રમણીય.

એક અર્થ એવો હોય છે જે વિચારવાથી સ્થિર થતો હોય છે. એ વિશે જેટલો વધુ વિચાર કરો એટલી વધુ નવીનતા સંભવે. એ અર્થ વિશે તર્કવિતર્કભર્યું ચિન્તન કરી શકાય. વિચારિત-સુસ્થ અર્થ દર્શનોમાં અને શાસ્ત્રોમાં સવિશેષે જોવા મળે છે.

પરન્તુ એક અર્થ એવો હોય છે જે વગર વિચાર્યે રમણીય દીસે છે. એ અવિચારિત-રમણીય અર્થ કાવ્યોમાં હોય છે. એનું શ્રવણ કરવાથી અને એને સમજી લેવાથી ચમત્કૃતિ ઉત્પન્ન થાય છે. એને વિશે ક્ષોદક્ષેમ અથવા તર્ક-વિતર્ક ભલે કરીએ, કશું હાથ નહીં આવે.

ઉદ્ભટ્ટ આદિ કાવ્યાચાર્યો એવો સાર રજૂ કરે છે કે શાસ્ત્રોમાં વર્ણિત અર્થ વિચારિત-સુસ્થ છે અને કાવ્યોમાં, સાહિત્યમાં, સરજાયેલો અર્થ અવિચારિત-રમણીય છે, જેને આપાત-રમણીય પણ કહેવાય છે.

એ પાયાનો ભેદ છે. એને સમજવા માટેનું એક ઉદાહરણ આ પ્રમાણે છે :

હનુમાનજી સમુદ્રનું ઉલ્લંઘન કરવા માટે પોતાની કાન્તિથી આકાશને પીળું કરતા કરતા આકાશના નીલા રંગથી નીલ કમલની શોભા ધારણ કરીને ઊડ્યા. 

આકાશના નીલ ગુણનો ત્યાગ છે અને હનુમાનજીના પીત ગુણનો સ્વીકાર છે, તેથી અહીં તદ્ગુણ અલંકાર છે. આ શ્લોકનો અર્થ સમજવાથી અને પરસ્પર રંગ બદલાય તેની કલ્પના કરવાથી આનન્દ અને આકર્ષણ અવશ્ય અનુભવાય છે; પરન્તુ, આકાશ વાસ્તવમાં રૂપરહિત છે, નીરૂપ છે, ન તો એને પોતાનો રંગ છે, ન તો એ બીજા રંગને ગ્રહી શકે છે. વિચાર કરવાથી આ અર્થ સ્થિર નથી થતો, અને તેથી, એ અવિચારિત-રમણીય છે, વિચારિત-સુસ્થ નથી.

આકાશ નીલ થઈ ગયું એ વાતે મને સાર્ત્ર યાદ આવે છે. એમણે કાવ્યસર્જનમાં ઇર્રીયાલાઇઝિન્ગ પ્રિન્સિપલ જોયો છે – અવાસ્તવીકરણનો સિદ્ધાન્ત. જે કંઈ વાસ્તવિક હોય તેને કાવ્યકલા સામાન્યપણે અવાસ્તવમાં રૂપાયિત કરી નાખે છે. (જુઓ મારું પુસ્તક, “સાર્ત્રનો સાહિત્યવિચાર”, ૧૯૮૦, ૨૦૦૭, પાર્શ્વ).

રાજશેખર કહે છે કે સારસ્વત-માર્ગ એટલે, કાવ્યસર્જનની પ્રણાલિકા. (મને તો એ જ જીવન જીવવાનો માર્ગ લાગે છે). કહે છે, એના પ્રથમ પ્રવર્તક “રામાયણ”-ના રચયિતા પ્રાચીન મુનિ વાલ્મીકિ અને “મહાભારત”-ના રચયિતા મહર્ષિ વ્યાસ છે. સારસ્વત માર્ગ અનિન્દનીય છે, વળી, કોના માટે વન્દનીય નથી? સૌ માટે આદરણીય છે. તેમ છતાં, કેટલાક લોકો કાવ્યમાં, સાહિત્યમાં, અશ્લીલ અર્થ હોવાની ફરિયાદ કરતા હોય છે, અસભ્ય ચીજો તરફ અંગુલિનિર્દેશ કરે છે, અને જણાવે છે કે એ કાવ્યોને હેય ગણવાં જોઈએ, ન ગ્રહવાં જોઈએ.

અશ્લીલનું એક ઉદાહરણ આપીને મુદ્દો સમજાવ્યો છે : ઉદાહરણ છે, વિપરીત-સુરત રતિ નું વર્ણન.

વિપરીત રતિ-ક્રિયાને કારણે થતો કનક કાંચીનો કમનીય કલકલ નાદ પતિઓ ઉપરની તરુણ રમણીઓની પ્રગલ્ભતા-ધૃષ્ટતાનો પરિચય આપે છે. અર્થાત્, રતિ-સમયમાં કામાવેશથી ઉન્મત્ત પ્રમદાઓ પતિઓની ઉપર આવી ગઈ હોય છે, તેથી એમના કટિ સંચાલનથી એમની કમરે બાંધેલા સોનાના કંદોરાની નાની ઘુઘરીઓ રણકે છે, જાંઘના સંચાલનથી જનમેલી એ રણઝણ શયાનાગારની બારીઓ બહાર પ્રસરે છે અને નીરવ આકાશમાં ચોતરફ સંભળાય છે. 

વિપરીત રતિનું આ વર્ણન અશ્લીલવાદીઓને અત્યન્ત અશ્લીલ લાગે તે સમજાય એવું છે. તેઓ એને અસભ્ય કાવ્યાર્થનું દૃષ્ટાન્ત ગણે અને તેને તેઓ હેય ગણે તે પણ સમજાય એવું છે.

પરન્તુ યાયાવરીય રાજશેખરનો મત જાણવા જેવો છે. તેઓ દર્શાવે છે કે –

સર્જનમાં પ્રસંગ આવ્યે આવાં વર્ણન કરવાં પડતાં હોય છે અને તેથી તે ઉચિત છે. કહે છે, આવા અશ્લીલ અર્થોના ઉલ્લેખ શાસ્ત્રો અને વેદોમાં પણ છે. 

ઉદાહરણાર્થે, યજુર્વેદમાં આ વર્ણન –

યોનિ-રૂપી ખરલ અને શિશ્ન-રૂપી બત્તો, એ બે શબ્દથી રચાતું નામ છે, મિથુન. મિથુનથી પ્રજનન સંભવે છે.

ઉદાહરણાર્થે, ઋગ્વેદમાં આ વર્ણન –

બૃહસ્પતિની દીકરી રોમશાએ મૈથુન માટે પતિને આહ્વાન કર્યું. ત્યારે એનાં લઘુ અને રોમરહિત અંગો જોઈને પતિ હસી પડ્યો. ત્યારે રોમશાએ એને કહ્યું : હે સ્વામિન્ ! મારી નિકટ આવી મને આલિંગો, એટલે કે મને ભોગ-યોગ્ય સમજો; મારા શરીરનાં રોમને નાનાં ન સમજો, હું સમ્પૂર્ણ શરીરે રોમશા છું, રોમવાળી પૂર્ણાંગી છું. (પછી એ ઉમેરે છે), હું એવી રોમશા છું, જેવી ગાંધાર દેશની ઘેટીઓ હોય છે.

(અહીં, ભાવાર્થ એ છે કે) ‘અજાત-લોમા સ્ત્રીનો સમ્પર્ક ન કરો’ એવી શાસ્ત્રીય આજ્ઞાથી ડરો નહીં, સ્વામિન્ ! હું સર્વાંગે રોમવાળી છું, ભોગ-યોગ્ય છું. 

શાસ્ત્રોમાં અશ્લીલ અર્થનું ઉદાહરણ –

જે સ્ત્રીનાં નેત્ર સ્વચ્છ, ધવલ અને લાંબી પલકોવાળાં હોય છે, એનું સ્મર-મન્દિર એટલે કે એની યોનિ, પ્રજનનેન્દ્રિય, હમણાં જ કાઢેલા માખણ જેવી લિસ્સી અને કોમળ હોય છે.

તાત્પર્ય એ કે પ્રસંગવશ અને આવશ્યકતાવશ આવાં વર્ણન વેદો અને શાસ્ત્રોમાં તેમ જ કાવ્યોમાં મળે છે, તેથી તેને હેય ન ગણવાં.

પાલ્યકીર્તિ નામના જૈન આચાર્ય કહે છે કે વસ્તુનું રૂપ ભલે ને ગમે તેવું હોય, કાવ્યમાં, સર્જનમાં, સરસતાનો આધાર કવિની પ્રકૃતિ છે. કવિની પ્રકૃતિ સરસ હશે તો રચનાને સરસ કરી દેશે. પ્રકૃતિ રુક્ષ – લુખ્ખી – અને નીરસ હશે, તો રચના પણ એવી જ થશે. અનુરક્ત વ્યક્તિ જે વસ્તુની સ્તુતિ કરે તે જ વસ્તુની વિરક્ત વ્યક્તિ નિન્દા કરે ! જો કે મધ્યસ્થ વ્યક્તિ એ પરત્વે ઉદાસીન રહે છે.

ઉદાસીન આવું બોલતો હોય છે –

જે પુરુષોની લાંઆંબી રાત્રિઓ પ્રિયતમા સાથે ક્ષણ પછી ક્ષણની જેમ ક્ષીણ થતી રહે છે, એને માટે ચન્દ્રમા અત્યન્ત શીતળ વસ્તુ છે. પણ જે વિરહી છે એના માટે ચન્દ્રમા બળતા અંગારાની જેમ સન્તાપકારી છે. (એ બોલતો હોય છે), મારે નથી પ્રિયતમા કે નથી મને વિયોગ ! એટલે, એ જ ચન્દ્રમા મારી સામે કાચના ટુકડાની જેમ શોભી રહ્યો છે. એ નથી તો ઉષ્ણ કે નથી શીતળ; એ નથી તો સુખદ, નથી તો દુ:ખદ !

રસપ્રદ માહિતી એ છે કે આ યાયાવરીય રાજશેખરને પત્ની હતી, એ ગૃહિણીનું નામ હતું, અવન્તિસુન્દરી. એ પણ કાવ્યશાસ્ત્રમાં રસ લેતી હશે એટલે કહે છે કે કોઈપણ વસ્તુનું સ્વરૂપ નિશ્ચિત નથી, દરેક વસ્તુ સ્વભાવે અ-નિયત હોય છે. એટલે કે, ન તો એમાં ગુણ હોય છે, ન તો દોષ. સગુણ કે નિર્ગુણ તો કુશળ કવિના ઉક્તિવિશેષનું પરિણામ હોય છે. કાવ્યસંસારમાં કોઈપણ વસ્તુનો સ્વભાવ નિયત નથી હોતો.

અવન્તિસુન્દરીનું વચન સાંભળીને મને આપણા જમાનાના ફિલસૂફ દેરિદાનું મન્તવ્ય યાદ આવ્યું. તેઓએ દર્શાવ્યું છે કે ભાષા તફાવતોની બનેલી છે અને સતત બદલાતી રહે છે. તેથી દરેક વસ્તુપદાર્થ અસ્થાયી અને સંદિગ્ધ રહે છે. એ વાસ્તવિકતા છે.

પાલ્યકીર્તિ અને અવન્તિસુન્દરી બન્નેના મતને રાજશેખર ‘ઠીક’ ગણે છે, યુક્તિસંગત હોવાથી ગ્રાહ્ય ગણે છે. 

= = =

(05 / 08 / 23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1781,1791,1801,181...1,1901,2001,210...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved