Opinion Magazine
Number of visits: 10,223,576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનોખા સમાજ સુધારક : નારાયણ ગુરુ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 September 2023

ચંદુ મહેરિયા

દેશનું સૌથી વધુ સાક્ષર રાજ્ય કેરળ વિકાસ અને માનવવિકાસમાં પણ અગ્રીમ છે. કેરળમાં જ સ્વતંત્ર ભારતની સૌ પ્રથમ સામ્યવાદી સરકાર ઈ.એમ.એસ. નાંબુદ્રીપાદના નેતૃત્વમાં રચાઈ હતી. પણ હાલનું પ્રગતિશીલ અને આધુનિક કેરળ ઓગણીસમી સદીમાં દેશના બીજા કોઈ પણ રાજ્ય જેવું જ પછાત, અંધશ્રદ્ધાળુ, કુરીતિઓમાં ડૂબેલું અને ભેદભાવનું ભારખાનું હતું. તેમાં કથિત શૂદ્રો અને અતિશૂદ્રોની હાલત ભારે કફોડી હતી. વર્તમાનમાં અનુસૂચિત જાતિ કે દલિતો તરીકે ઓળખાતા પંચમવર્ણી અસ્પૃશ્યો પ્રત્યે અડવાની જ નહીં જોવાની પણ આભડછેટ પળાતી હતી. ગામના સાર્વજનિક સ્થળોએ તેમને પ્રવેશ મળતો નહોતો. મંદિરોમાં તો તે જઈ શકતા નહોતા પણ તેમના અલગ મંદિરો નાના અને ઘાસપાનના બનાવવા પડતા હતા. તેમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિ રાખી શકાતી નહોતી. આ અમાનવીય સ્થિતિથી ક્ષુબ્ધ થઈને જ સ્વામી વિવેકાનંદે તેમના ભારતભ્રમણ દરમિયાન આ પ્રદેશ જેવું અસ્પૃશ્યતાના આચરણનું પાગલપન બીજે ક્યાં ય નહીં જોયાનું નોંધ્યું હતું.

ઓગણીસમી સદીમાં જન્મેલા નારાયણ ગુરુ (૧૮૫૬- ૧૯૨૮) જ આજના આધુનિક કેરળના પાયોનિયર છે. એજવા નામક શૂદ્ર ગણાતી જ્ઞાતિમાં જન્મેલા આ અનોખા સમાજસુધારક, ફિલસૂફ અને આધ્યાત્મિક ગુરુએ સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિગત ભેદભાવો અને ધાર્મિક સંકીર્ણતાઓને પડકારી કેરળને આધુનિકતા તરફ દોર્યું હતું. ૨૦ ઓગસ્ટ ૧૮૫૬માં શિક્ષક પિતાને ત્યાં કેરળના નાનકડા ગામમાં નારાયણ ગુરુનો જન્મ. બાળસહજ જિજ્ઞાસા અને શરારત તેમનામાં હતી. અસ્પૃશ્યનો સ્પર્શ કરવાથી અપવિત્ર થવાય અને સ્નાન કરવું પડે તેવું માનનારાઓ સ્પૃશ્યોને અસ્પૃશ્યને અડીને પછી અડી આવે એવું એમનું શરારતી વર્તન એમના ભવિષ્યના યુગકાર્યનું ધ્યોતક હતું. વિચિત્ર પોષાકધારી સાધુને ચીડવતા અને પથ્થરો મારતા સાથી નિશાળિયાઓને અટકાવી ના શકતો આ બાળ નાણુ રડવા માંડે છે ત્યારે ભાવિમાં તેની કરુણા અને સહાનુભૂતિ કોના તરફ રહેશે તે પણ જણાઈ આવે છે. માતૃભાષા મલયાલમ ઉપરાંત સંસ્કૃત, તેલુગૂ અને તમિળમાં તેમણે મહારત હાંસલ કરી હતી. પણ અંગ્રેજીથી દૂર રહ્યા હતા.

એકાંતમાં ધ્યાન, સાધના અને તપસ્યા, ઉપનિષદો સહિત તમામ ધર્મનાં પુસ્તકોનો અભ્યાસ અને ભ્રમણ તેમણે કર્યા હતા. પરંતુ તે ધર્મ-આધ્યાત્મ કરતાં વધુ તો લોકોને પીડી રહેલી સમસ્યાઓનું  સમાધાન શોધવા માટેના હતાં. સમગ્ર કેરળ ઉપરાંત દેશ આખાના ભ્રમણ દરમિયાન તેઓ અછૂતો, પછાતો, પીડિતો અને દીન – દુખિયાની વચ્ચે સવિશેષ રહ્યા. ત્યારે અને અત્યારે કેરળની વસ્તીમાં જેમનો મોટો હિસ્સો છે તે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સાથે પણ રહ્યા હતા. ઈ.સ. ૧૯૦૪માં વરકલાની એક પહાડી પર પોતાની તમામ પ્રવૃતિઓનું મુખ્ય મથક બનાવ્યું જેને શિવગિરી નામ આપ્યું હતું. તેમણે ઘણા મંદિરોનું નિર્માણ કર્યું પણ તેની સાથે જ શાળા, લાઈબ્રેરી, બગીચો, સભાગૃહ અને રોજગાર માટે કાંતણ-વણાટ કેન્દ્ર હોય તે અનિવાર્ય હતું. જેથી આ પરિસરો નાણાંકીય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ કરતાં સામાજિક ઉત્થાનના ધામ બની રહે. શિવગિરીનું મંદિર બાંધકામમાં જ નહીં પૂજા-વિધિમાં પણ સાવ જૂદું હતું. અષ્ટકોણીય શારદા મંદિરમાં હવા-ઉજાસ માટે બારીઓ રાખી હતી. ફૂલો સિવાય મંદિરમાં કશું જ ચઢાવી શકાતું નહોતું. તેના સઘળા પૂજારી ધાર્મિક મંત્રોના પોપટપાઠ કરતા પૂજારીને બદલે ધર્મના સાચા જ્ઞાતા અસ્પૃશ્યો હતા.

નારાયણ ગુરુ નિર્મિત મંદિરો દલિતો સહિત તમામ માટે ખૂલ્લા રહેતા. તેમની સ્કૂલ્સ અને હોસ્ટેલ્સમાં દલિત વિદ્યાર્થી ભણતા અને રહેતા હતા. અસ્પૃશ્યો માટે કથિત ઉચ્ચ વર્ણના દેવની પૂજા વર્જિત હતી ત્યારે તેમણે સમય-સંજોગોને આધીન રહીને દલિતો માટે અલગ મંદિરો પણ બાંધ્યા હતા. જો કે દલિતોના મંદિરોમાં તેમના માટે પ્રતિબંધિત ઉચ્ચ વર્ણના દેવોને પ્રતિષ્ઠિત કરીને નવો પડકાર ઊભો કર્યો હતો. ૧૯૧૭માં તેમણે મંદિરોને બદલે નિશાળો બાંધવા હાકલ કરી. શાળા જ ખરું મંદિર છે એમ જણાવી તેમણે મંદિરો પાછળ નાણાં ખર્ચવાને બદલે શિક્ષણ પાછળ ખર્ચવા અનુરોધ કર્યો હતો. મંદિરોને કારણે જ્ઞાતિના બંધનો ઢીલા થવાની પોતાની માન્યતા ખોટી ઠરી છે તેમ સ્વીકારીને ગુરુએ લોકો જ્ઞાન પ્રાપ્ત કરે અને શિક્ષિત બને તે માટે શાળાઓ બાંધવા પર સવિશેષ લક્ષ્ય આપ્યું હતું.

જાતભાઈઓ એજવા અને દલિતોના વિકાસ માટે તેમણે શિક્ષણ અને રોજગારને પ્રાધાન્ય આપ્યું હતું. કન્યા શિક્ષણ અને અંગ્રેજી શિક્ષણમાં સમાજના આગેકદમ માટે હંમેશાં પ્રયાસરત રહ્યા. કેરળમાં નારિયેળ અને રેસા પ્રચુર માત્રામાં પેદા થાય છે, જેની નિકાસ કરવામાં આવે છે. તેમાંથી બનેલી વસ્તુઓ ઊંચા ભાવે આયાતથી ખરીદાય છે. તેનું કારણ ઉત્પાદનના જ્ઞાનનો અભાવ હતું. એટલે ગુરુએ તે જ્ઞાન મેળવવા અને કેરળમાં જ તેનું ઉત્પાદન કરવા જણાવ્યું હતું. શિક્ષણ અંગેના જાગ્રતિના તેમના પ્રયાસોને લીધે જ આજે ગુરુની સવિશેષ અસરવાળા દક્ષિણ કેરળમાં ભાગ્યે જ કોઈ એજવા યુવક-યુવતી એવાં હશે જેમણે અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ ના મેળવ્યું હોય !

એક દેશ, એક ધર્મ, એક જ્ઞાતિ અને એક ઈશ્વરનો સંદેશ નારાયણ ગુરુએ આપ્યો હતો. તેઓ તમામ વિવિધતા છતાં જેમ એક દેશ શક્ય છે તેમ એક માત્ર ધર્મ, જ્ઞાતિ અને ઈશ્વર એટલે માનવ એવો ઉપદેશ આપ્યો હતો. ગુરુ નિર્મિત અરુવીપુરમ્‌ના મંદિરના શિલાલેખમાં તેમની કવિતા કોતરાઈ છે. જેમાં લખ્યું છે : આ એક આદર્શ નિવાસ / જ્યાં રહે છે માનવી ભાઈભાઈની જેમ / ધાર્મિક દ્વેષભાવ અને જ્ઞાતિગત સંકીર્ણતાઓથી મુક્ત થઈને. જ્ઞાતિમીમાંસા નામક કવિતામાં તેમણે ઇતિહાસ, તર્ક અને વાસ્તવના આધારે માનવીની એક જ જ્ઞાતિ હોવાનું દર્શાવ્યું છે. વર્ણ વ્યવસ્થાના વિરોધી નારાયણ ગુરુએ આંતરજ્ઞાતિય ભોજન અને લગ્નોને જ્ઞાતિનિર્મૂલનના ઉપાય બતાવ્યા છે.

૪૩ પધ્ય અને ૨ ગધ્ય સાથે નારાયણ ગુરુ ૪૫ પુસ્તકોના રચયિતા છે. મલયાલમ, તમિલ, તેલુગુ અને સંસ્કૃત ભાષામાં તેમની રચનાઓ છે. ત્રણ અનુવાદના પુસ્તકો પણ છે. જો કે સૌથી વધુ પુસ્તકો તેમણે સંસ્કૃતમાં લખ્યા છે. આ રચનાઓ કવિતા, ભજન, નિબંધ અને સંશોધનની છે. કેરળમાં લાખો અનુયાયીઓ ધરાવતા ગુરુની વિદ્વતા એ કક્ષાની હતી કે રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, રાજગોપાલાચારી, રામાસામી નાયકર, વિનોબા ભાવે , સ્વામી શ્રદ્ધાનંદ વગેરેએ પણ તેમની મુલાકાત લીધી હતી. ૧૯૨૫માં ગાંધીજીએ લીધેલી તેમની મુલાકાત અને સંવાદ બહુ જ મહત્ત્વના ગણાય છે.

આજથી પંચાણુ વર્ષ પહેલાં બોંતેર વર્ષની વયે, ૨૦મી સપ્ટેમ્બર ૧૯૨૮ના રોજ, નારાયણ ગુરુનું અવસાન થયું હતું. દેશમાં રાજનીતિના ક્ષેત્રે એક દેશ, એક ચૂંટણીનો મુદ્દો આજકાલ ચર્ચામાં છે ત્યારે આધુનિક કેરળના આ સર્જકના એક ધર્મ, એક જ્ઞાતિ અને એક ઈશ્વરનો મંત્ર યાદ રાખવાનો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 September 2023

રવીન્દ્ર પારેખ

એક ગીતની પંક્તિ છે : ‘તેરે બચપન કો જવાની કી દુઆ દેતી હૂં ….’ મા તેનાં નાનકડા દીકરાને કહે છે કે આજે તો તારું બાળપણ છે, પણ યુવાની સુધી તું પહોંચશે કે કેમ, તે નથી જાણતી, એટલે તારાં બાળપણમાં જ તને યુવાનીની દુઆ આપું છું. એક મા આવું કહે છે, કારણ કે તે ડાકુને પરણી છે. એનો પતિ ગમે ત્યારે પોલીસનો શિકાર થવાનો છે. એ પછી દુનિયા, આ નિર્દોષ ને અજાણ બાળક સાથે કેવી રીતે વર્તશે એની ચિંતા છે. બને કે દુનિયા બાળકને કદાચ મોટો પણ નહીં થવા દે એવી માતાને દહેશત છે. સાહિર લુધિયાનવીનું એ હૃદયસ્પર્શી ગીત છે. જયદેવનું સંગીત છે ને પડદા પર ગવાય છે, વહીદા રહેમાન દ્વારા. દીકરાના ભવિષ્યની જે ફાળ પડે છે ને તેને એ જે રીતે અભિવ્યક્ત કરે છે તેને શબ્દો આપવાનું અઘરું છે. ફિલ્મ હતી ‘મુઝે જીને દો.’ સુનિલ દત્તની ‘અજંતા આર્ટ્સ’ની એ ફિલ્મ !

એ જ પ્રોડક્શન હાઉસની બીજી એક ફિલ્મ તે સુનિલ દત્ત અભિનીત-દિગ્દર્શિત ‘રેશ્મા ઔર શેરા.’ એ ફિલ્મ માટે વહીદા રહેમાનને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. આખી ફિલ્મમાં કુટુંબ કબીલાઓની રાજપૂતી શત્રુતા માટે આન-બાન ને શાન જાળવતી પરિપક્વ પ્રેમિકાની ભૂમિકા વહીદાએ જીવ રેડીને ભજવી હતી. ભાઈના મોતનો બદલો, શત્રુ / પ્રેમીના મોતથી લેવાની વાત આવે છે, ત્યારે અનેક પુરુષોની વચ્ચે એ સંતાપે છે. કબીલાઓ વચ્ચે ચાલતી શત્રુતામાં એ સ્થિતિ આવે છે કે પોતાનાં પ્રેમીને મારીને ભાઈની હત્યાનો બદલો લઈ શકે, પણ એટલી ગૂંચવાય છે કે કહે છે, ’કિસ સે બદલા લૂં? કિસ કિસ સે બદલા લૂં? કૌન મેરા દુ:શ્મન હૈ? કૌન મેરા દુ:શ્મન નહીં હૈ? મૈં સ્ત્રી જાત હૂં. જનમસે મેરા નસીબ હી મેરા દુ:શ્મન હૈ.’ જે રીતે વ્યથાથી ઘૂંટાઈને એ સંવાદો બોલે છે તે તેને શ્રેષ્ઠ અભિનેત્રી પુરવાર કરે છે. એ જ રેશ્મા શત્રુતા સંદર્ભે સરસ વાત કરે છે, ‘વિરોધ સે કભી વિરોધ નહીં મિટ સકતા.’ અભિનય એવી રીતે કરે છે કે એ વહીદા રહેતી જ નથી, રણની રેશ્મા જ થઈ ઊઠે છે.

અસિત સેનની ફિલ્મ ‘ખામોશી’ એક નર્સની વાત લઈને આવે છે. દર્દીને સારો કરવામાં, તેનું દર્દ, નર્સનું પોતાનું દર્દ થઈ ઊઠે ત્યારે પણ તેણે તો ખામોશ જ રહેવું પડે છે એ વાત, વહીદા રહેમાને તંતોતંત પ્રગટ કરી છે. નર્સની ભૂમિકા એટલી અસરકારક છે કે નર્સ જ વહીદા રહેમાન બની હોય એમ લાગે. વહીદા રહેમાનની ખાસિયત એ છે કે એ એક્ટિંગ નથી કરતી. ફિલ્મમાં છેલ્લે કહે પણ છે કે પાગલ દર્દીઓને સારા કરવામાં તેણે એક્ટિંગ જ કરવાની હતી, પણ ન કરી શકી, ‘મૈં એક્ટિંગ નહીં કર સકતી.’ દર્દીઓ જોડે સાચુકલી રીતે વર્તવા જતાં, એમના દુ:ખ વેઠતી થાય છે ને પોતે જ પાગલ થઈ જાય છે. તેણે એક્ટિંગ કરી જ નહીં ને છતાં વર્ષો સુધી વહીદા રહેમાન ગંભીર અને નામી એક્ટ્રેસ ને ડાન્સર તરીકે, હિન્દી ફિલ્મ જગત પર છવાયેલી રહી. આજે 85 વર્ષે પણ તે તેની લોનમાં ‘આજ ફિર જીનેકી તમન્ના હૈ …’ પર પૂરી ભાવ-મુદ્રાઓ સાથે ડાન્સ કરતી દેખાય છે તો ભાગ્યે જ કોઈ અભિભૂત થયા વગર રહે એમ બને.

એવી જ એક ઓછી જાણીતી ફિલ્મ રાજેન્દર સિંહ બેદીની ‘ફાગુન’ હતી. 1973ની આ ફિલ્મમાં પતિના વિરહમાં જિંદગી કાઢી નાખનાર એક સ્ત્રીની બહુ અટપટી ભૂમિકા હતી. પતિ (ધર્મેન્દ્ર) છોડી ગયો છે ને દીકરી(જયા ભાદુરી)ને ઉછેરીને વહીદા મોટી કરે છે. એ પણ પરણે છે ને સાસુ જમાઈમાં દીકરો જુએ છે. તે સાથે જ જે, જે કાળજી પતિની રાખવાની રહી ગયેલી તે જમાઈ માટે રખાય છે ને જમાઈને એવું લાગે છે કે પોતાની પત્નીએ કરવાનાં કામ સાસુ જ અગાઉથી કરી લે છે. સાસુનો હેતુ તો કાળજી લેવાનો, ચિંતા કરવાનો જ હતો, પણ જમાઈ એક દિવસ ખીજવાઈને પત્નીને કહી દે છે, ‘તને પતિની નહીં, પિતાની જરૂર છે.’ જમાઈ, પતિ વગરની વિરહિણી સાસુને સમજી નથી શકતો ને સંઘર્ષ એમાંથી થાય છે. પત્ની અને સાસુની ભૂમિકાને વહીદાએ એટલી સમજદારીથી ભજવેલી કે કુશળ અભિનેત્રી ન હોય તો એ જે તે ભૂમિકાને ન્યાય ન કરી શકે.

વહીદાએ પડકાર જનક ભૂમિકાઓ ઘણી કરી છે. એ ભૂમિકાઓ એ જીવી છે, એટલે એમાં એક્ટિંગ બહુ જણાઈ નથી. ‘ગાઈડ’માં મૂંગી મૂર્તિઓ વચ્ચે, વહીદા પોતાને મૂર્તિ બનાવી રાખનાર પતિનો આક્રોશ સાથે વિરોધ કરે છે, ત્યારે બધી મૂર્તિઓ તેનાં આર્તનાદથી પડઘાઈ ઊઠે છે. ‘ગાઈડ’નાં જ એક ગીત ‘આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર મરને કા ઈરાદા હૈ ..’માં વહીદા, ‘રોઝી’ જ થઈ ઊઠે છે. અહીં ‘ફિર’નો જે અર્થ કિલ્લાની રાંગ પર દોડતાં દોડતાં એ પ્રગટ કરે છે, એ ગીતને એકદમ ધબકતું કરી મૂકે છે. ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’માં અગાઉ જે મૃત્યુ જેવું જીવન હતું, તેને વિકલ્પે આજનો સૂરજ ઉમંગ લઈને આવ્યો છે તો ગાય છે, ‘આજ ફિર જીનેકી તમન્ના હૈ …’ ને આવું ધબકતું જીવન આવતું હોય તો આજે જ ફરી મરી જવાનો ય વાંધો નથી, એટલે જ કહે છે, ‘આજ ફિર મરને કા ઈરાદા હૈ …’ પૂર્વ પતિના ત્રાસમાંથી મુક્ત થયેલી રોઝી, રાજુ ગાઈડને ચાહે છે, પણ કપટ તો અહીં પણ છે. એટલે જ ‘પિયા તો સે નૈના લાગે રે …’ ગાનારી રોઝીએ ‘મોસે છલ કિયે જાય … સૈયાં બેઈમાન …’ની પીડા પણ ગાવાની થાય છે. બંને ગીતોમાં વહીદાને શાસ્ત્રીય નૃત્યની તાલીમ બહુ મદદમાં આવી હતી. આમ પણ તે કુશળ ડાન્સર તો હતી જ. એ કળા પારખીને જ ગુરુદત્તે ‘સી.આઇ.ડી.’ ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. ગાડી બગડવાથી ગુરુદત્તે હૈદરાબાદ રોકાઈ જવું પડ્યું ને અહીં વહીદાનો ડાન્સ જોવાનો થયો ને એમ ‘સી.આઇ.ડી.’ બોલીવુડની પહેલી ફિલ્મ વહીદાને મળી. આમ તો ડેબ્યૂ 1955માં તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મારાઈ’થી થયેલું.

જોવાની ખૂબી એ છે કે ત્યારે કેમેરા ફેસ કરવાની કે ભાવ પરિવર્તનની કોઈ આવડત વહીદામાં ન હતી, પણ દરેક ફ્રેમમાં તે પરફેક્ટ હતી. તે પરિપૂર્ણ અભિનેત્રી હતી. અભિનય તે કરતી ગઈ અને વિકસી એવું ન હતું, તે શરૂથી જ વિકસેલી હતી. આવી જીવનથી છલોછલ અભિનેત્રીને 2021નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ 26 સપ્ટેમ્બર, 2023ને રોજ જાહેર થયો ને યોગાનુયોગ દેવાનંદની એ દિવસે 100મી વર્ષગાંઠ પણ હતી. દેવાનંદની શતાબ્દીની શરૂઆતે જ વહીદાને આ એવોર્ડ મળ્યો ને સોનામાં સુગંધ ભળવા જેવું થયું. દેવાનંદ સાથે જ પહેલી ફિલ્મ ‘સી.આઇ.ડી.’ કરેલી ને તે પછી તો ‘ગાઈડ’ જેવી નોંધપાત્ર ફિલ્મમાં પણ બંને સાથે આવ્યાં. ગુરુદત્ત સાથે પણ ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ ‘સાહબ, બીવી ઔર ગુલામ’, ‘ચૌદહવી કા ચાંદ’ જેવી ફિલ્મો કરી. જાણે શરૂઆત જ ક્લાસિક ફિલ્મોથી થઈ ! પછી તો ચરિત્ર અભિનેત્રી તરીકેના પણ ઘણા રોલ બહુ કુશળતાથી પાર પડ્યા. ‘કભી કભી’, ‘ત્રિશૂલ’, ‘મશાલ’, ‘લમ્હે’, ‘રંગ દે બસંતી’, ‘દિલ્હી 6’ ‘વિશ્વરૂપમ 2’ જેવી ફિલ્મોનો ખાસ ઉલ્લેખ કરવો ઘટે. 2021માં જ છેલ્લે નેટફલિકસની ફિલ્મ ‘સ્કેટર ગર્લ’માં પણ વહીદાએ અભિનય કર્યો છે, એ જોતાં તેની ફિલ્મોની સંખ્યા 90ની થવા જાય છે. દિલીપકુમાર, મનોજકુમાર, રાજકુમાર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના જેવા ઘણા કલાકારો સાથે વહીદાએ જુદી જુદી ભૂમિકાઓ ભજવી છે, પણ ગરિમાથી ઓછું વહીદાને કૈં ખપ્યું નથી તે ખાસ નોંધવું ઘટે. એ જ કારણે કદાચ એ પદ્મશ્રી (1972) અને પદ્મવિભૂષણ (2011) સન્માનને પાત્ર પણ ઠરી છે. 1965માં ‘ગાઈડ’ અને 1968માં ‘નીલકમલ’ માં ફિલ્મફેર એવોર્ડ પણ તેને મળ્યા છે.

વહીદાનો જન્મ 3 ફેબ્રુઆરી, 1938ને રોજ મદ્રાસના ચેંગલપેટ ખાતે થયેલો. તેની જિંદગી વિષે બહુ વિગતો નથી. તેનાં લગ્ન 1974માં શશી રેખી સાથે થયેલાં. તેમણે બંનેએ ફિલ્મ ‘શગૂન’માં સાથે કામ કરેલું. તેનાં બે સંતાનો સોહેલ અને કેશવી લેખન સાથે સંકળાયેલાં છે. 2000માં પતિનું મૃત્યુ થતાં બેંગ્લુરુથી વસવાટ ફરી મુંબઇમાં થયો. આ સિવાય અભિનય અને નૃત્ય જ તેનું જીવન રહ્યું છે. દેખીતું છે કે તે ફિલ્મ ક્ષેત્રનાં સર્વોચ્ચ સન્માનોથી ઉમળકાભેર પોંખાય, એટલે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દાદા સાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત 26મી સપ્ટેમ્બરે કરે એમાં પૂરું ઔચિત્ય છે. અત્યાર સુધીમાં આ એવોર્ડ સાત મહિલાઓને મળ્યો છે. એવોર્ડની શરૂઆત 1969થી થઈ અને પહેલો જ એવોર્ડ દેવિકા રાનીને એનાયત થયો. તે પછી સુલોચના, કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર અને આશા ભોંસલેને એ એનાયત થયો. 2020માં આ એવોર્ડ પીઢ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવ્યો હતો. વહીદા રહેમાનને પણ એવોર્ડમાં સુવર્ણ કમળ, દસ લાખ રૂપિયા, પ્રમાણપત્ર, રેશમી તકતી અને શાલ અર્પણ થશે. વહીદા રહેમાનને અઢળક અભિનંદનો અને વંદનો …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 સપ્ટેમ્બર 2023

Loading

સનાતનને નામે ધ્રુવીકરણનો ઉધમાત : ભારતના આત્મા પર કુઠારાઘાત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 September 2023

 થોડું, ગાંધીજયંતીના પૂર્વસપ્તાહે

હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી, જો એ શાસ્ત્ર સમ્મત હોય તો તે શાસ્ત્રોને સ્થાન નથી, અને એ રીતે અસ્પૃશ્યતાનું સમર્થન કરતાં શાસ્ત્રો જો ધર્મનું અભિન્ન અંગ હોય તો તે ધર્મ પણ સ્વીકાર્ય નથી એવી ગાંધીની ઉત્તરોત્તર ભૂમિકા હતી. 

પ્રકાશ ન. શાહ

ગયે અઠવાડિયે 1974-1977ના આંદોલનકાળના જયપ્રકાશ નારાયણના તરુણ આત્મીય કુમાર પ્રશાંતની પરિકલ્પના પ્રમાણની ગાંધી વાટિકા(મ્યુઝિયમ)નું જયપુરમાં ઉદ્ઘાટન થયું ત્યારે કંઈક વ્યક્ત, કંઈક અવ્યક્ત, કંઈક પરિભાષિત, કંઈક અપરિભાષિત એમ લાગણી જોવા મળી હતી. બુઝુર્ગ ગાંધીજન રામચંદ્ર રાહીએ એને વાચા આપતા હોય તેમ કહ્યું હતું કે, દેશમાં ઠેકઠેકાણે ગાંધી સંસ્થાઓનો કબજો લેવાની સરકારી ચેષ્ટા સામે આ વાટિકા ભલે રાજ્ય સરકારના સમર્થનથી પણ એક વિરલ વળતો યોગ રચે છે. વિધ્વંસના વિકલ્પે નિર્માણનું આ એક નવ્ય કથાનક ઉભરી રહ્યું છે.

વાત એમ છે કે, આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીના કૃપાકટાક્ષથી ગાંધીજીવન અને ગાંધીવિચાર વિશે જે બધું અનાપશનાપ ફેક્ટરી એક્ટની તમા વગર બાગે બહાર માલૂમ પડે છે એની સામે ગાંધીને એમના સમયમાં સમજી એમના ચિરકાલીન અર્પણ પરત્વે દેશજનતાને સભાન ને સહૃદય બનાવવાના ઉજમનું ચોક્કસ મહત્ત્વ છે. એમાં ચાલુ કથાનકમાં સુધારની તેમ એ સુધારા ઓછા પડતા જણાય તે સંજોગોમાં નવીન કથાનકની સંભાવના રહેલી છે.

ચાલુ ચૂંટણીઓમાં, મધ્ય પ્રદેશ વિધાનસભામાં બ્યુગલ બજવા લાગ્યું છે કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં તરતના મહિનાઓમાં જે જંગ જામવાનો છે એમાં ‘એક દેશ, એક ચૂંટણી’ જેવા સૂત્રોથી અગર તો ‘સનાતન ધર્મ ખતરામાં છે’ પ્રકારના નારાથી ઊભા કરાઈ રહેલા માયાવી કથાનક સામે કશીક સભાનતાની જરૂરત નિઃશંક છે. મધ્ય પ્રદેશમાં ભા.જ.પ. કાર્યકરોની જંગી ચૂંટણી તૈયારી રેલીને સંબોધતાં વડા પ્રધાન મોદીએ પોતાના પક્ષની પ્રદેશ સરકારની વાસ્તવિક કામગીરીનો હિસાબ આપવાને બદલે કથિત રાષ્ટ્રીય અને તે પણ ભળતાસળતા મુદ્દાઓ ઉછાળવાનો રાહ લીધો છે. પ્રદેશના વિકાસ વાસ્તેનો વિગત વિશદ ‘ઇન્ડિયા’ના પ્રાસમાં ‘ઘમંડિયા’ની શબ્દલીલાથી માંડી ‘અર્બન નક્સલ’ જેવા જાથુકી વાનાં ઉપરાંત વિપક્ષ ‘સનાતન ધર્મવિરોધી’ હોવાનો મુદ્દોયે ઉછાળ્યો છે. સનાતનીઓ વિ. બીજાઓ એ આપણો 19મી સદીનો દ્વંદ્વ વારસો છે. આ બીજાઓમાં સેક્યુલર લિબરલો હશે તેમ પરમ ધાર્મિક ગાંધી પણ હતા. ગાંધીની ધર્મની સમજ (વિવેકાનંદની અને ઉત્તર શ્રીઅરવિંદની પણ) સાંકડી સાંપ્રદાયિક ને ખાસ તો રૂઢિચુસ્ત નહોતી. હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી, જો એ શાસ્ત્ર સમ્મત હોય તો તે શાસ્ત્રોને સ્થાન નથી, અને એ રીતે અસ્પૃશ્યતાનું સમર્થન કરતાં શાસ્ત્રો જો ધર્મનું અભિન્ન અંગ હોય તો તે ધર્મ પણ સ્વીકાર્ય નથી એવી ગાંધીની ઉત્તરોત્તર ભૂમિકા હતી.

પહેલાં શિરોમણિ અકાલી દળ જેવા એન.ડી.એ.ના આદ્ય સ્થાપક સભ્યે છેડો ફાડ્યો, પછી મહારાષ્ટ્રમાં શિવ સેના ખસી અને હવે તામિલનાડુમાં એ.આઈ.એ.ડી.એમ.કે. ખસ્યાના સમાચાર આવે છે. આ સંજોગોમાં પોતાની તરફે મતોની ગોલબંદ કરવા શું કરવું એની લાયમાં ભા.જ.પે. હમણાં સનાતન ધર્મનો મુદ્દો પકડવા ચાલ્યું છે. 19મી સદીના છેલ્લા ચરણ અને 20મી સદીના બેસતા ચરણનો ખયાલ કરીએ તો, મૂળે તો, દયાનંદ અને આર્ય સમાજની સુધાર હિલચાલની સામે (જેમાં અંત્યજશુદ્ધિનો પણ સમાવેશ થતો હતો, એની સામે) ‘સનાતન’, ‘સનાતન’નો પોકાર ઊઠ્યો હતો. ભા.જ.પ. હિંદુત્વરાજનીતિવશ ચાલુ કે નવા કથાનકની વાયમાં શેને માંજો પાઈ રહ્યો છે તે એને સમજાય છે ?

આરંભ ગાંધીથી કર્યો હતો. કદાચ, વાતનો બંધ પણ ત્યાંથી જ વાળીએ તો ગાંધી જયંતીના પૂર્વસપ્તાહે ઠીક રહેશે. ગાંધીના બે આજીવન જેવા ટીકાકારો, આંબેડકર અને પેરિયારે ગાંધીની ચિરવિદાય પછીના ગાળામાં એમને વિશે પુનર્વિચાર અને આદરભેર જે કહ્યું છે એ જોતાં જે સમજાય છે તે એ કે આ પરમ આસ્તિક, પરમ ધાર્મિક પ્રતિભા ધર્મના હાર્દને પામવાને ધોરણે વિકસિત માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતી. એક તબક્કે આંબેડકરે દલિત ઉત્કર્ષ માટે નિધિ ઊભો કરી એની સાથે ગાંધીનું નામ જોડવા કહ્યું હતું કેમ કે એને સારું દલિતો ‘ડિયરેસ્ટ’ અને ‘નિયરેસ્ટ’ હતા. પેરિયારે વળી હિંદને ‘ગાંધીદેશમ્‌’ કહેવા સૂચવ્યું હતું. હાલ તો ધર્મને નામે ધ્રુવીકરણનો ઉધમાત છોડીએ એ ય ઘણું.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 સપ્ટેમ્બર 2023

Loading

...102030...1,1101,1111,1121,113...1,1201,1301,140...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved