Opinion Magazine
Number of visits: 10,223,717
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુવાનો અને ગાંધીની ભાઈબંધી

રમજાન હસણિયા|Gandhiana, Opinion - Opinion|7 October 2023

બે સમર્થ શક્તિઓ, ઉર્જાના બે સમર્થ સ્રોત જો એક થાય તો શું થાય ? પ્રચંડ તાકાત ધરાવતા આ બંને તત્ત્વો જો એકબીજાના પૂરક બને તો શું ચમત્કાર સર્જાય ? એમ વિચારી અનંત શક્યતાઓથી ભરેલા શક્તિપુંજ સમાન યુવાનો અને યુગો સુધી જેમનું જીવન-કાર્ય અખંડપણે તપ્યા કરશે એવા અકાલપુરુષ ગાંધીને એકબીજા સાથે મેળવવાનું ને એકબીજામાં ભેળવવાનું કામ ગ્રામ સ્વરાજ સંઘ નીલપર ખાતે કાર્યરત ચિરંતન ગાંધીવિદ્યા કેન્દ્ર દ્વારા ગત ૪-૫-૬ સપ્ટેમ્બર દરમિયાન ‘યુવાપથ પર ગાંધી’ નામે આયોજિત શિબિરના માધ્યમથી કરવામાં આવ્યું.  રમેશભાઈ સંઘવીની પ્રેરણાથી આયોજિત આ શિબિરનું સંપૂર્ણ સંચાલન મહેન્દ્રસિંહજી પરમારે કર્યું.

(ડાબેથી) રમજાન હસણિયા, કોકિલાબહેન વ્યાસ, રમેશભાઈ સંઘવી અને મહેન્દ્રસિંહજી પરમાર

સોનટેકરી નામે પ્રસિદ્ધ સંસ્થાના પરિસરમાં કેટલાંક મિત્રો આગળના દિવસે આવી જઈ આયોજન ને વ્યવસ્થાઓમાં ભળી ગયાં હતાં. ચોથી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાંથી આવેલા યુવા મિત્રોને સંસ્થાનાં બાળકોએ ભાવથી આવકાર્યા હતા. રજિસ્ટ્રેશન આદિ વિધિ પૂર્ણ કરી સવારની ઉદ્ઘાટન બેઠક માટે સૌ ‘પરમ સમીપે’ એકત્ર થયા.  કોકિલાબહેન વ્યાસના કંઠે મંગળ પ્રાર્થનાનું ગાન કરવામાં આવ્યું. સંસ્થાની થોડી વાત કહી દિનેશભાઈ સંઘવીએ સૌને આવકાર્યા હતા. શિબિરના આરંભે ‘એકવીસમી સદીના ત્રેવીસમાં વર્ષમાં ગાંધી ‘વિષય પર રમેશભાઈ સંઘવીનું બીજભાષણ ગોઠવાયું હતું, જેમાં રમેશભાઈએ ગાંધીને વ્યક્તિ ને બદલે વિચાર તરીકે જોવાની વાત કરી એની વર્તમાન સમયમાં તેની પ્રસ્તુતતા વિશે વાત કરી હતી. ગાંધીને મથામણનો માણસ ગણાવી રમેશભાઈએ તેને વિશ્વપુરુષ ગણાવ્યો હતો. જગતના વર્તમાન સંકટોનો જવાબ પણ ગાંધી આપશે એમ કહી ગાંધીની આચારનિષ્ઠાની વાત ભારપૂર્વક કરી હતી. ગાંધીના વિચારના કેન્દ્રમાં માણસ છે એમ કહી એમને વાંચવા યુવાનોને તેમણે અપીલ કરી હતી. અત્યારની સમસ્યાઓ અને ગાંધી વિચારમાં પડેલા એના ઉપાયોની વાત કરી રમેશભાઈએ વર્તમાન સાથે ગાંધીનું જોડાણ કરી આપ્યું હતું. ગાંધીને એક જીવનશૈલી બનાવી જીવવાની હિમાયત તેમણે કરી હતી.

ત્યારબાદની બેઠકમાં મોટાભાગના શિબિરર્થીઓએ ‘મને કેવા ગાંધી ગમે ?’ એ વિષય પર પોતાના મનોભાવો વ્યક્ત કર્યા હતા. કોઈને ગાંધીની સાદગી સ્પર્શી ગયેલી તો કોઈને એમની પદયાત્રા, કોઈને ‘હિન્દ સ્વરાજ’ અને ‘સત્યના પ્રયોગો’ના ગાંધી ગમ્યા હતા તો કોઈને સત્યનિષ્ઠ ગાંધી ગમ્યા. કોઈને બધા માટે સદાય અવેલેબલ સહજપ્રાપ્ય એવા ગાંધી ગમ્યા તો કોઈને સુખસાહેબી છોડી પોતડીભેર ફરતા ગાંધી ગમ્યા. કોઈને તેમની સરળતા સ્પર્શી ગઈ તો કોઈને ગાંધીની બધામાં ભળી જવાની વૃત્તિ ગમી ગયેલી. કોઈનું આકર્ષણ તેમની પ્રયોગશીલતા બની તો કોઈને હૈયે તેમણે આપેલા રચનાત્મક કાર્યક્રમો વસી ગયેલા. આ યાદી હજુ લાંબી છે, પણ એ એટલે આપી કે યુવાનોને ગાંધી ગમતાં હોય એ ઘટના જ રોમાંચક છે. આ બેઠકની સમીક્ષા કરતા મહેન્દ્રસિંહ પરમારે કહેલું કે, ગાંધી એક ધૂન છે, તરંગ છે. એમણે નોંધ્યું હતું કે જો આપણે મેકિંગ ઓફ મહાત્મા જોવું હોય તો આફ્રિકા જવું પડે. વર્તમાન સમયના અનુસંધાનમાં તેમણે ઉમેરેલું કે, ‘યુવાનો માટે ગાંધી એક ધૂંધળી પ્રતિમા બની ગયા છે. એમને સમજવા એમના અંતરાત્માને સમજવો પડે એમ કહી આ શિબિર એ માટેનો એક નાનકડો યત્ન છે એમ તેમણે જણાવ્યું હતું.

બપોરના ભોજન અને નાનકડા  વિશ્રામ બાદ ‘જોડકણાં’ રચવાની  તાલીમ પાર્થ તારપરાએ આપી હતી. સૌ પ્રથમ કક્કો જુદી રીતે સમજાવી તેમણે સૌને ‘ગાંધીના જોડકણાં’ રચતા કરી દીધાં હતાં. વિષયવસ્તુ તરીકે ગાંધીને વિચારી એના સંદર્ભે જે શબ્દ મનમાં આવે તે નોંધી એમાંથી કોઈ ગમતા ચાર પાંચ શબ્દો પસંદ કરી એના પરથી જોડકણાં બનાવવાની કળા પાર્થભાઈ દ્વારા સૌને શીખવવામાં આવી હતી. બપોરની અલસવેળામાં આ પ્રવૃત્તિએ સૌને ચેતનવંતા કરી દીધા હતા. સૌએ સાથે મળીને કેટલાંક જોડકણાં રચ્યાં હતાં ને પછી પણ દરેકને ઓછામાં ઓછું એક જોડકણું રચવાનું ઘરલેશન અપાયું હતું. 

ત્યારબાદ ગાંઘીના પગલે ચાલીને ધરમપુરના જંગલના આદિવાસીઓ માટે જીવન ખર્ચી દેનારાં કોકિલાબહેન વ્યાસ દ્વારા ગાંધી ગીતોનું ગાન કરવામાં આવ્યું હતું. સુમધુર કંઠે ગવાયેલાં આ ગીતો થકી વાતાવરણ ગાંધીમય બની ગયું હતું. રૂંધાતા શ્વાસે પણ ગાંધીનાં ગીતોને ન છોડતાં કોકિલાબહેનનો જુસ્સો પણ સૌને સ્પર્શી ગયેલો. જેના આંગણે આ શિબિર યોજાયેલી એ સંસ્થા ‘ગ્રામ સ્વરાજ સંઘ’ના વ્યવસ્થાપક અને સંસ્થા માટે જીવન ન્યોછાવર કરી દેનાર વ્યવસ્થાપક નકુલભાઈ ભાવસારે ભાવપૂર્વક સૌને સંસ્થા દર્શન કરાવ્યું હતું. ગાંધીના પગલે ચાલતી આ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી સૌને અવગત કરવામાં આવ્યા હતા. સંસ્થાની પ્રવૃત્તિઓના પ્રત્યક્ષ દર્શન કરી શિબિરાર્થીઓએ ગાંધી વિચારને જીવાતો અનુભવ્યો હતો. ત્યારબાદ સૌએ સાથે મળીને થોડી રમતો રમવાનો આનંદ લીધો હતો. નકુલભાઈ ભાવસાર દ્વારા રમાડાયેલી આ રમતો રમવાની સૌને મજા પડી હતી. સાંજના ભોજન બાદ સૌએ બબલભાઈ મહેતાના નામ સાથે જોડાયેલી ‘બબલ ટેકરી’ પર સમૂહ પ્રાર્થના કરી હતી. તારામઢ્યા આકાશ તળે થતી સર્વધર્મ પ્રાર્થનામાં સહજપણે સાત્ત્વિકતાનો સંચાર થતો સૌએ અનુભવ્યો હતો. પ્રાર્થના બાદ સૌએ રચેલા પોતપોતાનાં ગાંધીનાં જોડકણાં રજૂ કર્યા હતા. હળવી ક્ષણોને માણતા માણતા ને ભીતર ગાંધીને મમળાવતાં મમળાવતાં સૌ શયનની શરણે થયા હતા. 

બીજા દિવસના મંગળ પ્રભાતે સવારે સાડા પાંચ વાગે જાગીને સૌ છ વાગે સમૂહ પ્રાતઃ પ્રાર્થના માટે એકત્રિત થયા હતા. પક્ષીના સુમધુર કલરવના નેપથ્ય સંગીતમાં સૌએ ભાવભેર પ્રાર્થના કરી હતી. પ્રાર્થના બાદ જ્યોતિબહેન મોતાના માર્ગદર્શન હેઠળ સૌએ યોગાભ્યાસ કર્યો હતો. ગાંધીની કેળવણીના પાયારૂપ શ્રમયજ્ઞમાં સૌ થોડી વાર  જોડાયા હતા.  સ્નાનાદિ બાદ સૌ બીજા દિવસની પ્રથમ બેઠક માટે એકત્ર થયા હતા.

આ શિબિરમાં ગાંધી વિચારની ચાર કૃતિઓ પસંદ કરાઈ હતી, જેમાંથી વિદ્યાર્થીઓ પસાર થઈને આવેલા ને પોતાની ગમતી કોઈ એક કૃતિ વિશે વાત કરે એવું ગોઠવેલું. બીજા દિવસની પ્રથમ બેઠકમાં પ્રભુદાસ ગાંધીના પુસ્તક ‘જીવનનું પરોઢ’ વિશે કાગ રામે વિગતે વાત કરી હતી. રામે નોંધ્યું હતું કે આ પુસ્તકમાં મને ત્રણ પરોઢ દેખાયાં છે : લેખકનું બાળપણ, ફિનિક્સ આશ્રમનું પરોઢ એટલે કે આરંભના દિવસો ને ગાંધીનું સત્યાગ્રહી તરીકેનું પરોઢ. બાળક પ્રભુદાસ પર મગનકાકા દ્વારા કરવામાં આવતી સખ્તીની સખેદ નોંધ લેનાર સર્જકે એમનામાં આવેલો બદલાવ પણ નોંધ્યો છે એ વાત એક યુવાન પામી શક્યા એ ઘટના સૌને મોટા આનંદની લાગી હતી. રામે કૃતિમાં છૂટેછૂટે આલેખાયેલાં રેખાચિત્રોની વાત કરી એમાંથી ઉપસતી ગાંધીની છવિની કેટલીક રેખાઓ ઉપસાવી આપી હતી. આ જ કૃતિ વિશે તજજ્ઞ તરીકેનું વક્તવ્ય આપતા મહેન્દ્રસિંહ પરમારે કૃતિને ઘણી બધી રીતે વિશિષ્ટ ગણાવી હતી.  ગાંધીને સમજવા તેમની આસપાસના ગદ્યકારોને ઉકેલવાની આવશ્યકતા પર મહેન્દ્રસિંહે ભાર મુક્યો હતો. જોગાનુજોગ  શિક્ષક દિને  પ્રભુદાસના શિક્ષણ વિશે વાત કરવાની થતાં એ સમયે ને વર્તમાને શિક્ષણ સંદર્ભે બાળક પર થતાં અત્યાચારોની વાતને માર્મિક રીતે વણી લઈ આવા માહોલમાં પણ કેવું પુષ્પ ખીલ્યું છે એની વાત કરી હતી. તેમણે આ કૃતિનો મનોવૈજ્ઞાનિક અભિગમથી અભ્યાસ કરવા હિમાયત કરી હતી. કૃતિના ઉત્તમ અંશોનું પઠન કરીને તેમણે સૌને એના વાચન ભણી અભિમુખ કર્યા હતા.

બપોર પછીની બેઠકમાં કાકાસાહેબ કાલેલકરની યશોદા કૃતિ ‘ઓતરાતી દીવાલો’ વિશે મહત્તમ વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કોળી મૂળજી, કુંભાર અબ્દુલ, જરુ શીતલ, સોલંકી ઈશ્વર અને કરણસિંહ પરમારે પોતપોતાના આગવા અંદાજમાં પોતાને સ્પર્શી ગયેલી ઓતરાતી દીવાલોની વાતો કરી સૌને રોમાંચિત કરી દીધાં હતાં. સર્જક તરીકે કાકાસાહેબની  વિશેષતાઓને આલેખતા આ યુવા વકતાઓએ પોતીકી શૈલીમાં રજૂઆત કરી કૃતિ સમીક્ષાની એક આગવી તરાહ જાણે સૌને આપી હતી. આ બેઠકમાં કૃતિ વિશે રમજાન હસણિયાએ વિસ્તારપૂર્વક વાત કરી કાકાસાહેબને વિધાયકતાના દૂત ગણાવ્યા હતા. એમણે નોંધ્યું હતું કે જે અરાજકતા પશ્ચિમના સર્જકોને નકારાત્મકતા તરફ લઈ ગઈ એવી જ થોડા જુદા પ્રકારની અરાજકતામાં ભારતીય દર્શન ને ગાંધીનાં મૂલ્યોને આત્મસાત કરનાર કાકાસાહેબ જેવા સર્જકોએ વિધાયકતાની ટોચ પર બેસીને જીવનને આનંદથી છલોછલ ભરી દીધું. કાકાસાહેબના જેલજીવનના અનુભવોને આલેખી એમાં છલકાતો સર્જકનો જીવનપ્રેમ, પ્રકૃતિપ્રેમ ને એનું લલિત ગદ્યમાં થતું રૂપાંતર કોઈપણ ભાવકને અભિભૂત કરનાર બની રહે તેવું બન્યું છે એમ નોંધ્યું હતું. આ બેઠકમા સૌએ કાકાસાહેબ પાસેથી  જીવનને આનંદભેર જીવવાની ગુરુ ચાવી મેળવી હતી.

ભોજન અને વિરામ બાદની બપોરની બેઠકમાં ગાંધીના અગિયાર મહાવ્રતો વિશે મહેન્દ્રસિંહ પરમારે થોડી ભૂમિકા બાંધી આપી સૌને ભાગે આવેલા કોઈ એક વ્રત અને પોતાની જાત વિશે એટલે કે ‘સત્ય અને હું’ કે ‘અહિંસા અને હું’, ‘અપરિગ્રહ અને હું’ વગેરે પર સર્જનાત્મક લેખન કરવા પ્રેરિત કર્યા હતા. આપેલા નિર્ધારિત સમયમાં સૌએ પોતાની જાત સાથે વ્રતને જોડી પોતે એ સંદર્ભમાં ક્યાં છે એની વાત લખી હતી. આ સંદર્ભમાં એક પ્રકારે આત્મનિરીક્ષણ કરી સ્વને વ્રત સાથે જોડવાનો ને સર્જનાત્મક શૈલીમાં આલેખન કરવાનો આ પ્રયોગ ઘણે અંશે સફળ રહ્યો હતો. સૌએ પોતપોતાનું લેખન રજૂ કર્યું હતું. રમેશભાઈ સંઘવીએ અગિયાર વ્રતોની વાત વધુ સ્પષ્ટ કરી હતી. રમેશભાઈએ આ વ્રતોને સમજવા ગાંધીજીનું પુસ્તક ‘મંગળ પ્રભાત’ વાંચવાની ભલામણ કરી હતી. મહેન્દ્રસિંહ પરમારે આ વ્રત નમ્રપણે છતાં દ્રઢતાપૂર્વક આચરવાની વાતને હળવી શૈલીમાં સમજાવી હતી.

નાનકડા અલ્પવિરામ બાદ ‘નઘરોળ’ – લેખક સ્વામી આનંદ વિશેની બેઠક યોજાઈ હતી, જેમાં ડાંગર રાધાએ વિસ્તારપૂર્વક કૃતિની સમીક્ષા રજૂ કરી હતી. સર્જકના જીવનમાં આવેલાં ચિત્ર-વિચિત્ર પાત્રોનું સર્જકે કરેલું આલેખન ને એમાંથી પ્રગટતા કરુણ, બીભત્સ આદિ રસની વાત તેમણે કરી હતી. કૃતિના ભિન્ન ભિન્ન પાત્રોને સર્જકે કઈ રીતે તાદૃશ કર્યા છે એનું આબેહૂબ આલેખન રાધાએ કર્યું હતું. આટલા બધા નકારાત્મક અનુભવોમાંથી પસાર થયા પછી પણ સર્જકને એનું દુરીત સ્પર્શયું નથી એ વાત તેમણે ખાસ નોંધી હતી. આ બેઠકના તજજ્ઞ વક્તા  શક્તિસિંહ પરમાર અનિવાર્ય કારણસર હાજર ન્હોતા રહી શક્યા. તેમણે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

કૃતિ-સમીક્ષાની ત્રણ બેઠકો બાદ સૌએ ગાંધી થિયેટર કરવાની મજા લીધી હતી. વિદ્યાર્થીઓએ દાંડીકૂચ કરી મીઠું જ્યારે રમેશભાઈના હાથમાં મૂક્યું ત્યારે રમેશભાઈનું સ્મિત મોનાલીસા કરતાં પણ ચડી જાય એવું થઈ ગયેલું. મહેન્દ્રસિંહભાઈએ સૌના ચેહરે ગાંધીનું સ્મિત આવે તો કેવું લાગે એના પ્રયોગ પણ કરાવ્યા હતા. ગાંધીની લાકડી, ચશ્માં વગેરે લઈને જુદી જુદી ઈન્સ્ટન્ટ ટાસ્ક આપવામાં આવી હતી જે વિદ્યાર્થીઓએ બહુ સરસ રીતે પાર પાડી હતી. મહેન્દ્રસિંહ પરમારે શિબિરાર્થીઓની બે ટુકડી પાડી તેમને અગિયાર મહાવ્રત વહેંચી દીધા હતા. સૌને પોતપોતાના ભાગે આવેલા મહાવ્રતને એક નાનકડી સ્કીટના માધ્યમથી રજૂ કરવાની ટાસ્ક આપવામાં આવી હતી. એ માટે જરૂરી સૂચનો કરી સૌને પૂર્વતૈયારી માટે સમય આપવામાં આવ્યો હતો. દરેકને મળેલા એ મર્યાદિત સમયમાં પોતાની સ્ક્રીપ્ટ જાતે જ લખવાની, ફટાફટ તૈયાર કરી નાટક રજૂ કરવાનું હતું ને તે પણ ટીમમાં રહીને. રાત નાની ને વેશ ઝાઝા જેવી સ્થિતિ થઈ હતી સૌની. પણ આ ટાસ્કની તૈયારી કરતા શિબિરાર્થીઓને જોવાની બહુ મજા પડી હતી.

સાંજનું ભોજન લઈ સૌ ‘પરમ સમીપે’માં ફટાફટ ગોઠવાઈ ગયેલા. આજે તો આખા પરિસરના સૌ કાર્યકર મિત્રો બાળકો સહિત ગાંધી થિયેટરની મજા માણવા હાજર હતા. આટલા ટૂંકા ગાળામાં યુવાન મિત્રોએ અગિયાર સ્કીટ તૈયાર કરી ને અસરકારક રીતે રજૂ કરી. આ ટાસ્ક ઉપરાંત પણ વિશાલ ઈટાલિયા, અક્ષર જાની, ડાંગર રાધા આદિએ મહેન્દ્રસિંહજીની વિશિષ્ટ તાલીમ લઈ લાભશંકર ઠાકરની ગાંધી વિષયક એક વિશિષ્ટ રચના રજૂ કરી હતી. પ્રવીણ, ઈશ્વર, રામ, અબ્દુલ, હરિ, મૂળજી, સંજય, દક્ષેશ વગેરે મિત્રોએ પણ ગાંધી જીવનના પ્રસંગોને આલેખતા નાનાં નાનાં નાટક રજૂ કર્યાં હતાં. ટૂંકા ગાળામાં યુવાન મિત્રોએ તૈયાર કરેલ આ સઘળી પ્રસ્તુતિઓ બધાને ગમી ગઈ હતી.  કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ ગરબા રમવાની મોજ માણી હતી ને એટલું ઓછું હોય તેમ મોડી રાત સુધી અંતાક્ષરી રમી ને ગુજરાતી ગીતોની રમઝટ સૌએ બોલાવી હતી. એમાં વિશાલ, કરણ અને પ્રવીણ સૌના હૈયે વસી ગયા હતા.

દર્શનાબહેન ધોળકિયા

ત્રીજા દિવસની મંગળ પ્રભાતે વહેલા ઊઠી આગળના દિવસની જેમ જ પ્રાર્થના, યોગ, શ્રમ આદિમા સૌ જોડાયા હતા. ત્રીજા દિવસની પહેલી બેઠકમાં ‘સત્યના પ્રયોગો’ વિશે સંજયભાઈ, મોહનભાઈ  માતા, દક્ષેશભાઈ, ધનજીભાઈ અને રમીલાબહેને પોતાના વિચારો રજૂ કર્યા હતા. જગતભરમાં વિસ્તરેલી આત્મકથા વિશે યુવાન મિત્રોએ પોતપોતાને સ્પર્શી ગયેલી વાતો કરી હતી. ગાંધી પ્રત્યેનો સમજણપૂર્વકનો આદર આ બધા મિત્રોની વાતોમાંથી છલકાતો સૌએ અનુભવ્યો હતો. ગાંધીજીની આત્મકથા વિશે તજજ્ઞ તરીકે વક્તવ્ય આપતા ડૉ. દર્શનાબહેન ધોળકિયાએ ‘સત્યના પ્રયોગો’ને ચિકિત્સકની અદાથી લખાયેલી કૃતિ ગણાવી હતી. ગાંધીને સત્યના પ્રતાપે આત્મસાત થયેલી શક્તિ, અભયત્વ અને પારદર્શિતાની સદૃષ્ટાંત છણાવટ કરી દર્શનાબહેને ગાંધીના માતૃપ્રેમને બિરદાવ્યો હતો. ગાંધીજીના લેખનમાં મુખરતા નથી એમ નોંધી તેમણે ગાંધીજીના આત્મસંયમની ભારોભાર પ્રશંસા કરી હતી. આત્મકથામાં આવતી વાતોની વચ્ચે ગાંધીને જે બીટવીન ધ લાઈન કહેવું છે એ પકડી લઈ તેમણે રોચક શૈલીમાં સૌની સમક્ષ મૂક્યું હતું. રામાયણ અને મહાભારતના સંદર્ભોને ટાંકીને દર્શનાબહેને સત્યએ ગાંધીમાં આશ્રય લીધાની વાત ભાવસભર રીતે કરી હતી.

સમાપન બેઠકમાં દરેક શિબિરાર્થીએ પોતપોતાના મનોભાવો નિરાંતે વ્યક્ત કર્યા હતા. બધા મિત્રોએ ઝીણામાં ઝીણી વાતની નોંધ લઈ આવી શિબિર વધુમાં વધુ થાય તેવો ભાવ વહેતો કર્યો હતો. સૌ વડીલોએ પણ પોતપોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. નકુલભાઈની આંખના ઝણઝણિયાં એમનો ભાવ વ્યક્ત કરી જતા હતા. એમણે સંસ્થામાં જ ઊગતું ઓર્ગેનિક શાકભાજી સૌ માટે ભેટ સ્વરૂપે તૈયાર રાખેલું. ત્રણેય દિવસની બધી જ સભાઓના આરંભે એક મધુરું ગીત શિબિરાર્થીઓ સ્વેચ્છાએ ગાઈ બેઠકની મધુરી શરૂઆત કરાવતા હતા તો દરેક બેઠકનું સંચાલન પણ શિબિરાર્થી મિત્રોએ જ કર્યું હતું. ભોજન પછી પોતાનાં વાસણ જાતે ઉટકવાનો આનંદ પણ સૌએ લીધો હતો. ભોજન આદિની વ્યવસ્થાઓની જવાબદારી મુક્તાબહેન ભાવસાર, અમૃતભાઈ પવાર, કુસુમબહેન પવાર, નિયામત હસણિયા આદિએ સંભાળી હતી. સમગ્ર શિબિરની વ્યવસ્થાઓ નકુલભાઈ ભાવસારે સંભાળી હતી. ધારાબહેન તેમાં સહાયક બની રહ્યાં હતાં. રમેશભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં મહેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શિબિરનું સમગ્ર આયોજન થઈ શક્યું હતું.

‘ઓતરાતી દીવાલો’ કૃતિમાં વારંવાર એક શબ્દ આવે છે ને તે છે ‘દોસ્તી’. આ શિબિર વિશે જો એક જ વાક્ય કહેવું હોય તો એટલું કહી શકાય આ શિબિરમાં યુવાન મિત્રો અને ગાંધીજીની પાક્કી ભાઈબંધી થઈ ગઈ. યુવાપથ પર ગાંધી આવ્યા ને દોસ્તીનો હાથ લંબાવ્યો ને યુવાનોને આ દોસ્તી કેવી ગમી ગઈ એની વાતો એમના જ શબ્દોમાં વાંચજો.  યુવાનો અને ગાંધીજીની  આ ભાઈબંધીનો વિસ્તાર થતો રહે એવા મંગળ ભાવ સાથે શિબિરની કથા સંકેલું.

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—217

દીપક મહેતા|Opinion - Opinion|7 October 2023

‘શેઠ, હું ભિખારી નથી, મને કંઈ કામ આપો તો મોટી મહેરબાની’

આમ કહેનાર જીવલો કઈ રીતે બન્યો શેઠ જીવરાજ બાલુ     

સ્થળ : મુંબઈનું બંદર. સમય : ઈ.સ. ૧૭૮૪નો એક દિવસ  

પાત્રો : ચૌદ વરસનો છોકરો નામે જીવો, પારસી મુકાદમ, આપણી ભાષાના મોટા ગજાના ગદ્યકાર સ્વામી આનંદ (૧૮૮૭-૧૯૭૬), રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ.  

જીવો : શેઠ, મને …

પારસી મુકાદમ (એક પાઈનો સિક્કો તેની તરફ ફેંકે છે) ચાલતો થા અહીંથી સા … ભીખારા!

જીવો : (પાઈનો સિક્કો પાછો આપતાં) શેઠ, હું ભિખારી નથી. તમારી આ પાઈ મને ન ખપે. મને કંઈ કામ આપો તો મોટી મહેરબાની. પરદેશી છું. અહીં કોઈ ઓળખતું નથી. 

પારસી મુકાદમ : કામ જોઈએ છ? (જરા વાર વિચારીને) મારા હાથ નીચે સવા સો-ડોર સો મજૂરો કામ કરે છ. ગરમીમાં પરસેવે રેબઝેબ થાય છ. તેમને પાણી પીવડાવવાનું કામ કરીશ?  રોજના બે આના આપીશ. 

જીવો : બહુ સારું. અત્યારથી જ કામ શરૂ કરી દઉં છું. 

પારસી મુકાદમ (સાંજે બે આનાનો સિક્કો આપતાં) : છોકરા, તું ખાય છે સું, રહે છ ક્યાં?

જીવો : આ તમે બે આના આપ્યા તેમાંથી બે પૈસાનો આટો લઈને રોટલો ઘડીને ખાઈ લઈશ. અને રાતે તો ગમે ત્યાં ટૂંટિયું વાળીને પડ્યો રહીશ.

પારસી મુકાદમ : જો, આ બંદરમાં મને બધા ઓળખે છ. તું રાતે અહીં બંદરમાં જ સૂઈ જજે. કોઈ પૂછે તો મારું નામ કહેજે.

(થોડા દિવસ પછી) 

પારસી મુકાદમ (મનોમન) આય જીવલો કામમાં કાબેલ છે, કહ્યાગરો છે, કરકસરિયો છે, ખંતીલો છે, જોતજોતામાં મજૂરોમાં માનીતો થઈ પડ્યો છે. પાણી પાવા કરતાં એની લાયકી વધારે છે. (બૂમ પાડે છે) : અરે જીવલા, અહીં આવ તો!

જીવલો : જી શેઠજી. હુકમ?

પારસી મુકાદમ : આ મજૂરો વહાણમાં માલની ગુણો ચરાવે છે ને, એ ગણવાનું કામ તને આવરશે?

જીવલો : હા જી, શેઠ. ઝાઝું ભણ્યો નથી, પણ મારી ગણતરી પાક્કી છે.

પારસી મુકાદમ : તો કાલથી તારે આ ગુણો ગણવાનું કામ કરવાનું. મહિને પાંચ રૂપિયા પગાર.

જીવલો : (ખુશ થતો) આભાર શેઠ સાહેબ. તમારો આ ઉપકાર કદિ નહિ ભૂલું. 

*

સ્વામી આનંદ

સ્વામી આનંદ : અને પછી તો દિવસના બે આનાના પગારથી શરૂ કરનાર આ જીવો જોતજોતામાં ‘જીવરાજ શેઠ’ બની ગયો. (વાછા શેઠ તરફ જોઇને) : આપ કોણ? ‘મુંબઈનો બાહાર’વાળા રતનજી ફરામજી વાછા તો નહિ?

વાછા શેઠ : આપે તો મને બરાબર ઓળખી કાઢ્યો. પણ આપની ઓળખાણ? 

દી.મ. : તેઓ છે સ્વામી આનંદ. આપણી ભાષાના બહુ મોટા ગદ્ય લેખક. તેમનું એક અદ્ભુત પુસ્તક છે, ‘કુળકથાઓ.’ મુંબઈમાં આવી વસેલા કેટલાક ખ્યાતનામ ગુજરાતી કુટુંબોની અજાણી ને અવનવી વાતો તેમાં તેમણે પોતાની આગવી રીતે કહી છે. પણ સ્વામી દાદા પોતાને વિષે નહિ બોલે કે નહિ બોલવા દે. એટલે વાડીલાલ ડગલી નામના નિબંધકારે તેમને વિષે લખ્યું છે તે વાંચી સંભળાવું છું :

“ગુલાબના ગુચ્છા જેવું મોં, ભીંતની આરપાર જોતી જળાળી આંખો, જિંદગીના વાવાઝોડામાં હિમાલયની ટોચ સુધી ઊછળેલું અને વસઈની ખાડીમાં પછડાયેલું પણ સારી પેઠે સાચવેલું રિટાયર્ડ રાજવી જેવું બાંધી દડીનું સોહામણું શરીર. એક ચાંપ દાબે તો મોંમાંથી ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ દાબે તો જીભમાંથી ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે નહીં. ટીકી ટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા બેઠા હોય તો ય લાગે કે આ તો કયા મલકની માયા! બોલે ત્યારે લોકડિક્ષનરીના શબ્દો ધાણીની જેમ ફટફટ ફૂટવા માંડે. માણસ એકલો; પણ સ્ટેઈજ વિના, લાઇટ વિના, ડ્રેસ વિના અને બીજાં ઍક્ટર ઍક્ટ્રેસો વિના ગાંધી મહાત્માના નાટકનાં દૃશ્યો દેખાડતો જાય. કામ પતાવી વિદાય થાય તે પછી પણ ઓરડામાં બાંયો ચડાવેલી ચેતનાના લિસોટા મેલતો જાય.”

સ્વામી આનંદ : અરે ભલા આદમી! આપણે જીવરાજ બાલુ વિષે વાત કરવા ભેગા થયા છીએ, કે હિંમતલાલ રામચંદ્ર મહાશંકર દવે વિષે?

વાછા શેઠ : આય લાંબા લચક નામ વાલા બાબતમાં હું તો કંઈ બી જાનતો જ ના.

દી.મ. : એ તો આ સ્વામી આનંદનું ‘સ્વામી’ બન્યા પહેલાનું નામ. 

સ્વામી આનંદ : જીવરાજ બાલુ હતા જાતના ભાટિયા. આ ભાટિયાઓ મૂળ જેસલમેરના. ત્યાંથી કચ્છ આવી વસ્યા. શ્રમજીવી કોમ. ખેતી અને ખેતમજૂરી કરનારી ગરીબ કોમ. એ કોમનો ચૌદ વરસનો એક મુફલીસ છોકરો, નામ જીવલો. ઘરમાં કારમી ગરીબી. એ વખતે કચ્છથી કપાસ ભરીને કોટિયા વહાણ મુંબઈ આવે. આવા એક વહાણમાં ઓળખદાવે ચડી મુંબઈ આવ્યો. એ વખતે કંઈ કેટલીયે અંગ્રેજ વેપારી પેઢીઓએ પોતાની શાખા મુંબઈમાં ખોલેલી. ઇંગલન્ડ જોડે આયાત-નિકાસનો ધમધોકાર ધંધો ચાલે. એટલે કોંકણ, ઘાટ, કચ્છ, કાઠિયાવાડનાં કંઠાળનું લોક હમાલી કે મજૂરી રળવાની આશાએ ટોળેટોળે મુંબઈ બંદર પૂગી રહ્યું હતું.

દી.મ. : ભાટિયાઓમાં મુંબઈ આવનાર એ પહેલો આદમી?

સ્વામી આનંદ : હા, એમ કહેવાય છે. પણ તેમના પહેલાં મોનજી ભાણજી મુંબઈ આવેલા. જૂના દસ્તાવેજોમાં એમની સહી પહેલી અને જીવરાજ બાલુની સહી બીજી મળી આવે છે. અને બીજા બે ભાઈઓ, રામજી ચતુર અને કાનજી ચતુર પણ જીવરાજ બાલુ આવ્યા તે જ સાલ, સને ૧૭૭૦માં, મુંબઈ આવેલા.

વાછા શેઠ : અને સામીજી, હાલારથી ધારશી મોરાર અને મૂળજી વૈદ પણ એ જ વરસે મુંબઈ આવેલા. પન તેમના કામ બાબત કશી માહિતી મળતી નથી. અટક પરથી કહી શકાય કે મૂળજીભાઈ અહીં આવીને પણ વૈદકનો ધંધો કરતા હોસે.

શઢવાળાં વહાણોમાં ભરવા તૈયાર રૂની ગાંસડીઓ

સ્વામી આનંદ : આપની એ વાત સાચી. પણ જીવરાજ બાલુ પહેલાં આવનાર કોઈ ભાટિયાના કામ-ધંધાની કે બીજી કોઈ માહિતી મળતી નથી. એ જીવાએ પછી તો પોતે નાના-મોટા પેટા કન્ત્રાટો પણ લેવા માંડ્યા. રળતર, બચત, બધું પેલા પારસી શેઠ કને રાખે. હવે એક વાર પારસી શેઠને કંપનીના ગોરાઓ જોડે કશીક અણબન થઈ. કંપનીએ પારસીની મુકાદમી લઈ લીધી. મજૂરોમાં જીવો ભારે પ્રિય છે એમ જોઈ કંપનીએ તે જીવાને આપી. અને જીવો થયો જીવરાજ! પછી તો મોટાં મોટાં વહાણો ભરવા ઉતારવાના કન્ત્રાટ લેવા માંડ્યા. ૨૧ વરસની ઉંમર થઈ ત્યાં તો ઘરનાં ગાડી ઘોડો, ઘરનો માળો (ચાલ) થયાં. પરણ્યો. માબાપને કચ્છથી બોલાવી લીધાં. જીવરાજ શેઠ લખપતિ થયા.

વાછા શેઠ : વાત સાચી છે કે ખોટી, એ તો ખોદાયજી જાને, પન કેહે છ કે આ જીવો નાનો બાળક હૂતો તે વારે તેનો ટપકો – તમે સું કેહો એને?

સ્વામી આનંદ : જન્માક્ષર કે કુંડળી.

વાછા શેઠ : હા, તો એવનનો ટપકો બનાવવા એક ગોરજીને ઘેરે બોલાવેલા. ટપકો બનાવીને એવને તો કીધું કે આ છોકરો બડો ભાગશાળી છે. દેશાવર ખેડશે, ધન-દોલત કમાશે, અને કોઈ મોટા શહેરમાં પાંચમાં પૂછાતો થશે. આય સમજીને જીવલાનાં માય-બાપને તો એ જ ખબર નહિ પરી કે આય સમજીને હસવું કે રડવું? ઘેરમાં હાલ્લાં કુસ્તી કરતાં હુતાં ને આય પોરિયો દેશાવર તે કેમ કરી જાય, અને ધન-દોલત તે કેમ કરી કમાય? એટલે ઝાઝું કંઈ પૂછ્યા વગર ટપકો બનાવાનો અધેલો આપીને તેને વદાય કરી દીધો. ઘરનાં મોટેરાં પાસેથી આય વાત સાંભળી હોસે તે જીવલાને યાદ રહી ગયેલી. મુંબઈમાં પંદર વરસ રહી સારી એવી પૂંજી એકઠી કરી, ઈ.સ. ૧૭૯૯માં પાછો વતન ગયો તે વારે ખાસ યાદ રાખીને આય ગોરજીને સોધીને બોલાવિયા અને એવનને શાલ, શ્રીફળ અને સારી એવી રોકડ રકમ આપીને નવાજિયા.

દી.મ. : જીવરાજ શેઠ ઝાઝું ભણ્યા તો નહિ હોય?

મુંબઈની ગોદીમાં અંગ્રેજ સાહેબો અને ‘દેશી’ મજૂરો 

સ્વામી આનંદ : ભણેલા નહિ, પણ ગણેલા બહુ. મુંબઈ આવ્યા પછી ભાંગ્યું-તૂટ્યું અંગ્રેજી પણ શીખી લીધેલું. ગોરાઓના માનીતા થઈ પડેલા. એના હાથ નીચે હજારો મજૂરો ગોદીમાં કામ કરે. બહોળી કમાણી. દાન-ધરમ સખાવત પણ મોટી. અને નાતજાતના વહેરાવંચા વગર. છેક ગવન્ડરની ‘લેવી’(દરબાર)માં પણ આમંત્રણ મળે. સમાન શીલ અને વ્યસનવાળાઓ વચ્ચે દોસ્તી જલદી થઈ જાય. મુંબઈના વિખ્યાત સર જમશેદજી જીજીભાઈ સાથે ઘરોબો બંધાયો. બન્ને એકબીજા સાથે તું-તામાં વાતો કરે.

વાછા શેઠ : એ બેઉ માલેતુજાર જણની દોસ્તી કેવી હુતી તેની વાત તમોને કેહું. બંને બેઠા હોય ને અલકમલકની વાતો કરતા હોય તે વારે જમશેદજી કહેતા : અરે, જીવરાજ! તું તો બંદર પર માલની ગુણો ગણતો એ ભૂલી ગિયો?’ ‘ના રે બાવા. પણ તું એક વેલા બાટલીઓ વેચતો હતો તે બી ભૂલ્યો નહિ હોય.’ અને આવી મજાક-મસ્કેરી બીજા દોસ્ત-યારો બેઠા હોય તે વારે બી થયા કરતી.

સ્વામી આનંદ : પણ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની વેપારની મોનોપોલી બંધ થઈ. સાથે જીવરાજ શેઠની મુકાદમી પણ ગઈ. એ વખતે એમની વરસની આવક હતી બે લાખ રૂપિયા જેટલી. ૧૮૪૩માં ૭૩ વરસની ઉંમરે ગુજરી ગયા ત્યારે પાછળ અડધા કરોડની મૂડી મૂકતા ગયેલા. 

દી.મ. : પણ જીવરાજ શેઠ પછી?

સ્વામી આનંદ : પોતાની પાછળ બે દીકરા મૂકતા ગયેલા, મોટા વસનજી અને નાના વલ્લભદાસ. વલ્લભદાસ પાસે કિલિક નિકસન નામની એ જમાનાની ખૂબ જાણીતી કંપનીની જનક નિકસન સીજવિક કંપનીની મુકાદમી હતી. જ્યારે મોટા વસનજીએ પોતાના ફોઈયાત ખટાઉ મકનજીની ભાગીદારીમાં વેપાર ચાલુ રાખ્યો. પણ ધંધો બધો ખટાઉએ જ સંભાળ્યો. વસનજી શેઠ તો ઠાકોરજીની સેવામાં જ જીવ્યા. છેલ્લે ગોકુળ-વનરાવન જઈ વસેલા. ૪૪ની ઉંમરે ગુજર્યા. 

વસનજીના દીકરા દ્વારકાદાસે જીવરાજ બાલુ મિલ કાઢી ખાસું નામ મેળવેલું. કન્યા કેળવણીના જબરા હિમાયતી. સુધારાવાળાઓના ટેકેદાર. દ્વારકાદાસનો દીકરો સુંદરદાસ. પ્રખ્યાત દાની શેઠ ગોકળદાસ તેજપાલે તેને દત્તક લીધો. તે પછી એનું નવું નામ ગોરધનદાસ. બીજા દીકરા નારણજીએ જામ રણજીતને જામનગરની રાજગાદી મેળવવામાં મોટી મદદ કરેલી.

દી.મ. : ઓહો! એક બાજુ જીવરાજ બાલુનો વંશ અને બીજી બાજુ શેઠ ગોકળદાસ તેજપાલનો વંશ! આપ બંને પાસેથી ગોકળદાસ શેઠ અને તેમના કુટુંબ વિશેની વાતો તો જાણવી જ પડશે. પણ એ માટે આવતા શનિવારે ફરી મળવું પડશે.

સ્વામી આનંદ : જુઓ ભાઈ! સાધુ તો ચલતા ભલા. એટલે આવતા શનિવારની વાત અત્યારથી શી કરવી? અવાશે તો આવીશ. નહીંતર ઝાઝા જુહાર તમને બંનેને.

*

નોંધ : સ્વામી આનંદનાં પુસ્તકો કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય હતાં. અમદાવાદના નવજીવન ટ્રસ્ટે એ બધાં ફરી છાપવાનું શરૂ કર્યું છે. તેમનાં જે પાંચ પુસ્તકો હાલમાં પ્રગટ કર્યા તેમાં ‘કુળકથાઓ’નો સમાવેશ થાય છે.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx 

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 07 ઓક્ટોબર 2023)

Loading

ગુજરાત : હિંદુત્વની રાજનીતિનું ઉછેરસ્થાન : ભાગ-1

સ્વાતિ જોશી|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|7 October 2023

પુસ્તક પરિચય :

Gujarat, Cradle and Harbinger of Identity Politics : India’s Injurious Frame of Communalism : લેખકો : Yan Breman and Ghanshyam Shah : પ્રકાશક : Tulika Books, New Delhi : પ્રકાશન વર્ષ : ૨૦૨૨

ગુજરાત એ હિંદુત્વની પ્રયોગશાળા છે, એ વિચાર ઘણી વખત રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયેલાં સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તનોમાં એના અણસાર મળે છે. યાન બ્રેમાન અને ઘનશ્યામ શાહનું પુસ્તક ‘ગુજરાત, ક્રેડલ એન્ડ હારબીન્જર ઑફ આઈડેન્ટિટી પોલિટીક્સ : ઇન્ડિયાઝ ઇંજ્યુરિસ ફ્રેમ ઑફ કોમ્યુનાલીઝમ’ (ગુજરાત, ઓળખની રાજનીતિનું ઉછેરસ્થાન અને અગ્રદૂત : ભારતનું કોમવાદનું હાનિકારક માળખું) આ બંને વિદ્વાન સમાજશાસ્ત્રીઓનાં છેલ્લાં પચાસ વર્ષોમાં લખાયેલા લેખોનો સંગ્રહ છે, જે છેલ્લાં સાઠ વર્ષ દરમ્યાન ગુજરાતમાં પાંગરેલા અને ફેલાયેલા કોમવાદી રાજકારણના બનાવોનો દસ્તાવેજી આલેખ છે. આ સમય દરમ્યાન ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો અને કોમી વિભાજનો; દલિતો તથા આદિવાસી સમૂહોમાં આવેલાં પરિવર્તનો અને બદલાતાં સામાજિક તેમ જ રાજકીય સમીકરણો દ્વારા હિંદુત્વ વિચારધારાએ પોતાનું વર્ચસ્વ મજબૂત કરવા આ સમૂહોની મુસ્લિમની સામે ઊભી કરેલી ‘હિંદુ’ ઓળખ; ૧૯૮૦ના દશકમાં ગુજરાતમાં પાંગરેલું હિંદુત્વની વિચારધારાનું આધિપત્ય; ૧૯૯૦ના દશકમાં રાજકીય સત્તા મેળવ્યા પછી ભારતીય જનતા પક્ષનું ગુજરાતને પરિવર્તનના હિંદુત્વ મોડેલ તરીકે રાષ્ટ્રીય ફલક પર રજૂ કરવાનું તેમ જ બહુમતીવાદી સમાજનું અને છેવટે આદર્શ ‘હિંદુ રાષ્ટ્ર’નું નિર્માણ કરવાનું ધ્યેય, વગેરે પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા છે. ખાસ તો, આ લખાણોને એક વ્યાપક સંદર્ભમાં મૂકવામાં આવ્યાં છે જેથી ગુજરાતમાં હિંદુત્વના વિકાસને દેશના છેલ્લા બે સદીના ઇતિહાસના સંદર્ભમાં જોઈ શકાય.

આ સંચયની આગળ નવા લખાયેલા બે લેખોમાં ઘનશ્યામ શાહે ૧૯મી સદીમાં અંગ્રેજોના ભારતમાં ધાર્મિક ઓળખો ઊભી કરવાના પ્રયાસોથી માંડીને, ગુજરાતમાં ૧૯મી સદીમાં એના આવિર્ભાવો; સ્વતંત્રતાની ચળવળમાં હિંદુ રાષ્ટ્રવાદના વિચારો તેમ જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપના, તેની હિંદુત્વની વિચારધારા અને તેના રાષ્ટ્રીય ચળવળ સાથેના સંબંધ વિશે વિહંગાવલોકન કર્યું છે, જે આ પુસ્તકનું મુખ્ય યોગદાન છે. આજની પરિસ્થિતિ સમજવા માટે આ ઐતિહાસિક સમજની અત્યંત આવશ્યકતા છે. ભારતમાં હિંદુત્વની ઓળખ છેલ્લાં બસો વર્ષમાં ઊભી કરવામાં આવી છે. પશ્ચિમના મૂડીવાદી દેશોએ જ્યારે સામ્રાજ્યવાદી વેપારને અર્થે ભારત જેવા અવિકસિત દેશો અને પ્રજાઓ પર વર્ચસ્વ જમાવ્યું અને એમને સંસ્થાનવાદી વસાહતોમાં ફેરવ્યા ત્યારે એને વાજબી ઠેરવવા પોતે ‘civilizing mission’, સુધારાના કાર્ય અંતર્ગત આ દેશોની કહેવાતી ‘અસંસ્કારી’ અને ‘અભણ’ પ્રજાને સુધારવાની અને પોતાને અનુકૂળ બનાવવાની યોજના કરી જેથી પોતાનું વર્ચસ્વ ટકી રહે.

ભારતમાં પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર મજબૂત રીતે અને નિર્વિઘ્ને ચાલે એ માટે લોકો પર વર્ચસ્વ મેળવવાની જરૂર ઊભી થઈ. બંગાળના ગવર્નર જનરલ વોરેન હેસ્તિંગ્સે મૂળ વતનીઓ સાથે સુલેહની નીતિ અંતર્ગત ધર્મગ્રંથોને આધારે હિંદુ અને ઇસ્લામિક કાયદાઓની અલગ સંહિતાઓ તૈયાર કરાવી. અંગ્રેજી ભાષા અને સાહિત્યનું શિક્ષણ, બ્રિટિશ વિદ્વાનો દ્વારા ભારતના ઇતિહાસનું આલેખન અને પ્રાચ્ય વિદ્યાની શરૂઆત વગેરેની અસર નીચે શિક્ષિત ભારતીયોએ સુધારાની ચળવળો શરૂ કરી, જેની અંતર્ગત હિંદુ ધર્મના પુનરુત્થાન અને હિંદુ ઓળખના વિચારની રજૂઆત થઈ. ૧૯મી સદીમાં ગુજરાતના પુનરુત્થાનવાદીઓ મહારાષ્ટ્ર અને બંગાળના સુધારકો જેટલા ઉગ્રવાદી ન હતા. તેમણે શાસ્ત્રીય હિંદુ ધર્મના આધારે વ્યવસ્થિત રીતે સમાજની રચનાની કલ્પના કરી; તેમ જ નર્મદ અને બીજાઓએ રાષ્ટ્રની કલ્પના પણ હિંદુ રાષ્ટ્ર તરીકે કરી.

૨૦મી સદીમાં રાષ્ટ્રીય ચળવળ દરમ્યાન હિંદુ રાષ્ટ્રની વિભાવના રજૂ થઈ. સદીની શરૂઆતમાં હિંદુ અને મુસ્લિમ રાજકીય સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં જેને લીધે કોમી ઓળખ ઊભી થઈ. ૧૯૨૫માં મહારાષ્ટ્રમાં ચિતપાવન બ્રાહ્મણોએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આર.એસ.એસ.)ની સ્થાપના કરી અને સાવરકરની હિંદુત્વની વિચારધારા રજૂ કરી જે મુજબ ભારતની હિંદુઓના દેશ તરીકે અને મુસ્લિમો અને ખ્રિસ્તી સમૂહોની ‘બીજા’, વિદેશી અને વિધર્મી તરીકે ઓળખ ઊભી કરવામાં આવી. હિંદુ રાજકીય સંગઠન હિંદુ મહાસભાએ પણ સાવરકરના હિંદુત્વના વિચારને પ્રમાણભૂત ગણી સંપૂર્ણપણે સ્વીકાર્યો. ગાંધીજીએ ધર્મ પર આધારિત રાષ્ટ્રના વિચારનો વિરોધ કર્યો; હિંદુ ધર્મ, કે ધર્મ માત્રને અંગત અનુભવ તરીકે ઓળખાવ્યો અને સર્વ ધર્મ સમભાવની વિચારધારાની રજૂઆત કરી. (આજે આ લખતી વખતે અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં સર્વધર્મની પ્રાર્થનાનો વિરોધ થઈ રહ્યો છે જે બતાવે છે કે હિંદુત્વની વિચારધારાનું આજે કેટલું વર્ચસ્વ છે.) આઝાદીની ચળવળ દરમ્યાન દેશમાં કોમી રમખાણો થયાં. ગુજરાતમાં, કદાચ ગાંધીજીની હાજરીને કારણે, એનો વ્યાપ સીમિત હતો.

આ પુસ્તકના લેખોમાં સ્વાતંત્ર્યોત્તર સમયમાં, ખાસ તો ૧૯૬૦ના દશકથી, ગુજરાતમાં થયેલાં કોમી વિભાજનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કેવી વ્યવસ્થિત રીતે પોતાની અસર નાગરિક સમાજમાં પ્રસારી અને ધર્મને નામે ઓળખો ઊભી કરી તેમ જ રાજકીય પક્ષો સાથે ગઠબંધનો દ્વારા કેવી રીતે પોતાનો વ્યાપ ફેલાવ્યો એને વિશે વિસ્તૃત ચર્ચા છે. ૧૯૬૦ના દશકમાં ગુજરાતમાં હિંદુઓમાં કોમવાદી માનસિકતા કેળવવાના આર.એસ.એસ. દ્વારા અનેક પ્રયત્નો થયા. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી કોમવાદી લાગણીઓ હિંસક બની. મુસ્લિમોની પાકિસ્તાનના જાસૂસ અને ‘દુ:શ્મન’ તરીકેની ઓળખ ઊભી કરવામાં આવી અને અફવાઓ દ્વારા તેમના પ્રત્યે નફરત ફેલાવવામાં આવી. ગૌહત્યા અને ઉશ્કેરણીથી હિંદુ અને મુસ્લિમ વધારે અલગ થયા. બહુમતી કોમમાં ભયની માનસિકતા અને અન્યાયની લાગણી ઉશ્કેરવામાં આવી અને સામાન્ય વાતચીતમાં, અફવાઓ અને જાહેર ભાષણો દ્વારા, સંતોની કથા, છાપાં, સામયિકો અને પત્રિકાઓ દ્વારા હિંદુઓને ‘દુ:શ્મન’ સામે શસ્ત્રો ઉગામવાની હાકલ કરવામાં આવી.

હિંદુ ધર્મની રક્ષા કરવા હિંદુ ધર્મ સમિતિનું ગઠન કરવામાં આવ્યું. ૧૯૬૮ના અંતમાં ગોલવાલકરે અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિશાળ રેલીને સંબોધતા ‘હિંદુ રાષ્ટ્ર’ની હિમાયત કરી. બલરાજ મધોકે ૧૯૬૯માં ઉશ્કેરણીભર્યું ભાષણ કર્યું જેમાં પાકિસ્તાનના હુમલાની શક્યતાનો ઉલ્લેખ કર્યો. આ સંજોગોમાં ૧૯૬૯માં સપ્ટેમ્બરમાં અમદાવાદમાં જગન્નાથ મંદિરના મહંતો અને મુસ્લિમ યુવાનો વચ્ચે ઘર્ષણ થયું અને પહેલી વખત મોટાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. ‘ગુજરાતમાં કોમી રમખાણો’ એ ઘનશ્યામ શાહે અમદાવાદમાં કોમી હુલ્લડોના બનાવો પછી તરત જ કરેલી જમીની તપાસનો અહેવાલ છે કે કેવી રીતે સમાચાર માધ્યમોએ મુસ્લિમોના મંદિર પર પૂર્વ યોજિત હુમલાની ખોટી ખબર ફેલાવી લોકોને ઉશ્કેર્યા અને કોમી હિંસા ફાટી નીકળી.

યાન બ્રેમાન

એક ચોક્કસ યોજના આ રમખાણો પાછળ હતી, જેમાં મુસ્લિમોને ઓળખી કાઢીને એમની દુકાનો બાળવામાં આવી; ગરીબ મુસ્લિમ મજૂરોને બાળવામાં કે મારવામાં આવ્યા અને મુસ્લિમ સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો. ૧૯૬૯માં અમદાવાદનાં કોમી રમખાણોમાં એ પછી થનાર કોમી રમખાણોનાં બધાં જ ચિહ્નો છે; પૂર્વ યોજિત હુમલાઓ, મુસ્લિમોને દુ:શ્મન તરીકે ઓળખાવવા, સમાચાર માધ્યમો દ્વારા જૂઠા સમાચારો અને અફવાઓ ફેલાવવાં. મુસ્લિમ સ્ત્રીઓ પર બળાત્કાર, પોલીસની હિંસામાં સામેલગીરી અને હિંદુ મધ્યમ વર્ગમાં મુસ્લિમો પ્રત્યે નફરત – આ યોજના સુરતમાં ડિસેમ્બર ૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંસ પછીના અઠવાડિયે ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં પણ જોવા મળે છે. આ કોમી હિંસા કેવળ લાગણીનો આવેશ ન હતો. ‘સુરતમાં મુસ્લિમ-વિરોધી જનસંહાર’ લેખમાં યાન બ્રેમાન કહે છે કે હિંદુત્વના કટ્ટર ઉગ્રવાદીઓએ આ જનસંહારની પૂર્વ તૈયારી કરી હતી. પહેલી વખત દક્ષિણ ગુજરાતમાં થયેલાં આ કોમી હુલ્લડ બતાવે છે કે કોમવાદી વિભાજનનો સંઘ પરિવારનો એજન્ડા કેટલી હદ સુધી ગુજરાતમાં સફળ થયો હતો. હિંદુત્વના ૧૯૮૦ના દશકમાં થયેલા આવિર્ભાવ પાછળ અર્થવ્યવહારમાં થયેલા પાયાના ફેરફારો પણ ઘણા જવાબદાર છે. બ્રેમાનના મત અનુસાર સુરત શહેર આ જનસંહાર માટે ફળદ્રુપ મેદાન બન્યું કેમ કે ઝડપથી બદલાતી ઉદારીકરણની અર્થવ્યવસ્થામાં અનૌપચારિક અને અસંગઠિત કામદારોને સ્થાનિક અર્થતંત્ર કે રાજ્યનું રક્ષણ ન હતું.

ગુજરાતમાં છેલ્લાં ૬૦ વર્ષમાં આદિવાસીઓ અને દલિતોના જીવનમાં સામાજિક અને આર્થિક પરિવર્તન આવ્યું છે તેનો લાભ જમણેરી તત્ત્વોએ તેમને સંઘ પરિવારમાં સામેલ કરવામાં ખૂબ લીધો છે. ‘ધર્માંતરણ, પુન:ધર્માન્તરણ અને રાજ્ય’માં ઘનશ્યામ શાહ વિગતો અને પુરાવા સાથે, સત્તાવાર રેકોર્ડ ટાંકીને આદિવાસીઓમાં આવેલા આર્થિક પરિવર્તનનો ઉલ્લેખ કરીને જણાવે છે કે સામાજિક અને આર્થિક પરિવર્તનની આ પ્રદેશની સ્થાનિક પ્રજા પર વિપરીત અસર થઈ છે. એમનાં જંગલ અને જમીન છીનવાઈ જતાં એમને જંગલમાં મજૂરી કરવાની અને છેવટે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ખ્રિસ્તી પાદરીઓના અને ગાંધીવાદી રચનાત્મક કાર્યકર્તાઓના તેમને શિક્ષણ આપવાના પ્રયત્નોને લીધે આદિવાસીની ઓળખમાં અમુક ફેરફારો આવ્યા પરંતુ આ પ્રદેશમાં ઉજળિયાત નોકરીઓ ઊભી ન થઈ. આ સાથે આદિવાસીઓની ધાર્મિક ઓળખના પ્રશ્નો પણ ઊભા થયા છે. ૧૯૯૧ના સેન્સસમાં ૯૫ ટકા આદિવાસીઓને હિંદુ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા. આદિવાસીઓની સામાજિક વ્યવસ્થા, રિવાજો વગેરે હિંદુઓથી બિલકુલ જુદાં છે. એ પોતાના ધર્મને ‘આદિવાસી ધર્મ’ કહે છે.

ઘનશ્યામ શાહ

પરંતુ વધારે અગત્યનો મુદ્દો એ છે કે હિંદુ સવર્ણ તેમને પોતાના ગણતા નથી અને તેમને વર્ણ વ્યવસ્થાની બહાર મૂકે છે. ઘનશ્યામ શાહના મત મુજબ આદિવાસીઓને હિંદુ ધર્મની બ્રાહ્મણવાદી વિચારધારામાં સામેલ કરવાના, અને હિંદુ ધર્મમાં ધર્માંતરણ કરવાના બધા પ્રયત્નો એ રાજકીય પ્રયોજન સિવાય બીજું કાંઈ નથી. સંઘ પરિવારે એમને ‘વનવાસી’ નામ આપ્યું. હિંદુ જાગરણ સમિતિએ વનવાસી આશ્રમો અને રહેવાસી શાળાઓ ખોલ્યાં. હિંદુઓએ કલ્યાણ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આ વિસ્તારમાં ધર્માદા સંસ્થાઓ ખોલી. ૧૯૯૧થી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલા આદિવાસીઓને હિંદુ ધર્મમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ થઈ. ખ્રિસ્તીઓને રાષ્ટ્ર વિરોધી ગણાવી જમણેરી તત્ત્વોએ એમના વિરુદ્ધ રેલીઓ કાઢી; એમના પર હુમલાઓ કર્યા, ચર્ચો બાળવામાં આવ્યાં અને પ્રદેશમાં તણાવ ઊભો કર્યો. હિંદુ ધાર્મિક રેલીઓ કાઢીને આદિવાસી અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ ઊભું કર્યું. આમ સંઘ પરિવાર આદિવાસી પ્રદેશમાં આદિવાસીઓ અને ખ્રિસ્તી તેમ જ મુસ્લિમ સમૂહોને વિભાજિત કરવામાં સફળ રહ્યો છે.

પરંતુ સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એ દલિતોની ૨૦૦૨ના જનસંહારની ભાગીદારીનો છે. એક લઘુમતી સમૂહ બીજા લઘુમતી સમૂહનો નાશ કરવા પોતાના જ અત્યાચારીઓ સાથે હાથ કેવી રીતે મેળવી શકે એ સમજવું અને સ્વીકારવું મુશ્કેલ છે. આ પ્રશ્નને વિસ્તારથી સામાજિક અને ઐતિહાસિક સંદર્ભમાં જોવાનો આ પુસ્તકમાં પ્રયાસ છે. ઘનશ્યામ શાહે ‘દલિતો અને હિંદુત્વ : વંચિતો અને કોમી હત્યાકાંડ’ લેખમાં ગુજરાતમાં દલિતોની ‘હિંદુ’ તરીકેની ઓળખ કેવી રીતે ઊભી થઈ એની દલિતોના છેલ્લાં લગભગ ૧૫૦ વર્ષોના ઇતિહાસની મદદથી ચર્ચા કરી છે. ગુજરાતમાં ૧૯મી સદીનાં છેલ્લાં ૨૫ વર્ષોમાં દલિતો, જેઓ ગામડાંમાં ખેતમજૂરો હતા તેમણે શહેર તરફ સ્થળાંતર કર્યું જે જાહેર ક્ષેત્રમાં પોતાની જગ્યા માટેનો દેખીતો મજબૂત સામૂહિક દાવો હતો. જાતિવાદની જંજીરોમાંથી છૂટવા માટે ઔદ્યોગિક ક્ષેત્રમાં એમને માટે નવી તકો હતી. ગાંધીજીએ ૧૯૧૦ના દશકમાં એમને ‘હરિજન’ નામ આપ્યું. ગાંધીજીએ વર્ણવ્યવસ્થાનો વિરોધ ન કર્યો પરંતુ એની અંદર અસ્પૃશ્યતા નિવારણનું કામ શરૂ કર્યું. ૧૯૨૫માં અમદાવાદમાં દલિત હરિજન સમાજની સ્થાપના થઈ.

અમદાવાદના દલિતો પર ગાંધી અને આંબેડકર બંનેની વિચારધારાઓની અસર થઈ. ગાંધી દલિતોના સામાજિક સુધારા માટે, જ્યારે આંબેડકર એમના રાજકીય અધિકારો માટે લડ્યા. જો કે બંને ધર્મ પર આધારિત રાષ્ટ્રવાદની વિરુદ્ધ હતા. ઘનશ્યામ શાહના મત પ્રમાણે અમદાવાદના દલિતો પર ગાંધીની અસર વધારે હતી. દલિત મિલ કામદારોના સંદર્ભમાં આ વાત સાચી છે. પરંતુ દલિતોએ જાહેર જગ્યાઓએ અપમાન અને ભેદભાવ વિરુદ્ધ અને પ્રવેશના અધિકાર અંગે જાહેરમાં આંદોલનો કર્યાં હતાં. ૧૯૪૮માં અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર પ્રવેશનું મોટું આંદોલન કરી જાહેર જગ્યાઓમાં નાગરિક હકોની માંગણી કરી હતી જેને પરિણામે તેમને મંદિર પ્રવેશનો હક મળ્યો હતો. ૧૯૬૦ના દશકમાં રિપબ્લિકન પાર્ટીએ દલિતોના જમીન પરના હક માટે મોટું આંદોલન કર્યું હતું. ૧૯૭૦ પછી દલિતોમાં ગાંધી પ્રત્યે રોષ વધ્યો છે. સ્વાતંત્ર્યોત્તર સમયમાં દલિતોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો પરંતુ જીવન જીવવાની ઢબમાં આવેલા ફેરફારોએ દલિતોને સ્વમાન અને સામાજિક સુરક્ષા આપ્યાં નહીં. મજૂર મહાજન સંઘને લીધે કામની સુરક્ષા, બાળકોનું ભણતર, રેશન કાર્ડ, મતદાર યાદીમાં નામ વગેરેને લીધે એક સામાજિક વર્ગ તરીકે દલિતોનાં સામૂહિક હિતો સચવાયાં. દલિત મિલ કામદારોની બીજી પેઢી શિક્ષિત બની અને દલિતોમાં એક નાનો મધ્યમ વર્ગ – ડોક્ટરો, વકીલો, સરકારી નોકરો વગેરે-નો ઊભો થયો.

હિંદુત્વના પ્રચારકો માટે સૌથી મોટો પડકાર એ રહ્યો છે કે ઉચ્ચ વર્ગ અને જાતિના આધિપત્યને આંચ ન આવે એ રીતે બધા હિંદુઓ વચ્ચે કેવી રીતે એકતા સ્થાપવી. ગુજરાતમાં અનેક સામાજિક-ધાર્મિક સંપ્રદાયો અને સંતો છે જે ગુજરાતના નાગરિક જીવનમાં બહુ લોકપ્રિય છે. જેમ કે સ્વાધ્યાય સંપ્રદાય આદિવાસીઓ અને બીજી વંચિત જાતિઓમાં બહુ લોકપ્રિય છે. આર.એસ.એસ. આ સંપ્રદાયોની સાથે મળીને કામ કરે છે. આ બધી અસરો સામાન્ય જનતાને હિંદુ ધર્મ તરફ વાળવા માટે હિંદુત્વના દાયરામાં લાવવામાં સફળ થઈ છે. આર.એસ.એસ.એ આંબેડકરવાદીઓ અને બીજા દલિતોને આકર્ષવા ‘સામાજિક સમરસતા મંચ’ શરૂ કર્યા છે. આ બધું કરવા છતાં જાતિની ઓળખ મટી નથી. ગુજરાતમાં જ્યારે જ્યારે દલિતો પર અત્યાચાર થાય છે ત્યારે સંઘ પરિવાર ભાગ્યે જ અવાજ ઉઠાવે છે. કેવળ ‘હિંદુઓ એક છે’ એ સૂત્ર વાપરીને દલિતોનું ‘સંસ્કૃતિકરણ’ કરે છે જેને કારણે દલિતોને સામાજિક રીતે આગળ વધવાની તક મળે છે. ઊંચી પદવીની કે રાજકીય આકાંક્ષા સેવતા દલિતોને સંઘ પરિવાર હિંદુત્વના ધ્યેય માટે ગતિશીલ બનાવે છે. આને કારણે ઘણા દલિતો આર.આર.એસ. અને હિંદુ રાષ્ટ્ર વગેરેના સમર્થક બન્યા છે. ઘણા દલિત યુવાનો, મધ્યમવર્ગી હિંદુ યુવાનોની જેમ, માને છે કે સફળ થવું હોય તો મુખ્ય વિચારધારા સાથે જોડાવું જરૂરી છે.

૧૯૭૦ના દશકમાં નક્સલ આંદોલનને પગલે દેશમાં ઉદ્દામવાદી જુવાળમાં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન, તેમ જ મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ૧૯૭૩માં દલિત પેંથરની સ્થાપના થઈ. ૧૯૮૦ની શરૂઆતથી ગુજરાતની દલિત ચળવળ લગભગ સાહિત્યમાં સીમિત થઈ. જો કે દલિત અત્યાચારના બનાવો વખતે એણે પછીથી લડત ચાલુ રાખી, પરંતુ નવી સામાજિક વ્યવસ્થા લાવવામાં આ ચળવળ નિષ્ફળ ગઈ. ગુજરાતમાં ઉદ્દામવાદી સંગઠનો – ડાબેરી, ઉદારમતવાદી, સમાજવાદી વગેરે – શક્તિશાળી નથી. આ કારણે કદાચ અહીં બીજા પ્રદેશની માફક બ્રાહ્મણ વિરોધી વંચિત જાતિઓની મોટી ચળવળો થઈ નથી. આ પ્રશ્ન પોતે જ એક વિસ્તૃત ચર્ચાનો વિષય છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2023; પૃ. 16-18

Loading

...102030...1,0951,0961,0971,098...1,1101,1201,130...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved