જીવનનું સ્વરૂપ છે ‘सत्य शोधनम्’. મેં એક શ્લોક બનાવ્યો છે –
“वेदवेदान्तगीतानां विनुना सार उद्धृत:
ब्रह्म सत्य जगत् स्फूर्ति: जीवनं सत्य शोधनम्।।”
ગાંધીજીએ ‘એક્સપેરિમેન્ટસ વીથ ટ્રૂથ’ (સત્યના પ્રયોગો) કહ્યું. હું ‘એક્સપેરિમેન્ટસ’ને બદલે ‘શોધ’ શબ્દ પસંદ કરું છું. ‘એક્સપેરિમેન્ટ’ વિજ્ઞાનનો શબ્દ છે. એમાં સત્યનો એકેક અંશ હાથમાં આવે છે, સમૂચું સત્ય એકદમ સાંપડતું નથી ……
ब्रह्म सत्य जगत् स्फूर्ति: जीवनं सत्य शोधनम् –
બ્રહ્મ સત્ય છે અને તે વિશ્વમાં વ્યાપ્ત છે. વિશ્વ તેની સ્ફૂર્તિ છે, પ્રેરણા છે. આ જ્ઞાનની સાથે વિશ્વમાં સત્યની શોધ કરવી, જે જીવનનો કાર્યક્રમ છે.
સમાજનો આધાર શું છે ? સત્ય ! સત્ય છે તો સમાજ છે. સત્ય એટલે અસ્તિત્વ. ચાર માણસને સાથે રહેવું છે તો એમાં સત્ય હશે, તો જ તે શક્ય બનશે. જો એમાં સત્ય નહીં હોય તો એમાં મેળ કેવી રીતે બેસશે ? તેઓ એકસાથે કેવી રીતે રહેશે? આમ, બધા જ વ્યવહારનું મૂળ છે સત્ય.
સત્ય એટલે શું એની ચર્ચા ઘણી વાર મારી પાસે થાય છે. એક વાર વિનોદમાં મેં જવાબ દીધો કે સત્ય એટલે ખજૂર. તો મને કહેવામાં આવ્યું કે તમે વિનોદ કરો છો. ત્યારે મેં કહ્યું કે એનો અર્થ એ છે કે તમે સત્ય એટલે શું તે જાણો છો. તો કહે, ના, હું જાણતો નથી.
સત્ય, અહિંસા જેવાની વ્યાખ્યા કરવા જઈએ તો તે કરમાઈ જાય છે. કોમળ ફૂલોની માળા ગૂંથવા જઈએ તો ફૂલો કરમાઈ જાય તેમ. વળી, સત્યની વ્યાખ્યા કરવાની જરૂર પણ નથી. કારણ કે વ્યાખ્યાના મૂળમાં સદૈવ સત્ય રહે છે. કોઈપણ વ્યાખ્યા સત્યની કસોટી પર ચકાસાય છે. તો સત્યની વ્યાખ્યાને કઈ કસોટી પર ચકાસવી ?
સત્ય એટલે ‘છે’. સંસ્કૃતમાં સત્યનો અર્થ નૈતિક સત્ય (મોરલ ટ્રુથ) કહ્યો છે. કોઈપણ વસ્તુની વ્યાખ્યા કરવી હોય તો સત્યને જ આધારે એ થઈ શકે. અમુક માણસ સત્યવાદી છે તો તે નૈતિક દૃષ્ટિએ સત્યવાદી હોઈ શકે છે. નૈતિક દૃષ્ટિએ સત્યની વ્યાખ્યા કરી શકાય. પરંતુ પરમ સત્ય (સુપ્રીમ ટ્રુથ)ની વ્યાખ્યા ન થઈ શકે. જે થકી અંતરાત્માને આપણે પારખી શકીએ જેથી અંતરાત્માનું સમાધાન થાય. એ જ સત્ય છે. જ્યાં અંતરાત્માને અસમાધાન થાય કે ધક્કો લાગે ત્યાં તે અસત્ય છે. મતલબ, અંતરાત્મા સત્યા-સત્યનો સાક્ષી છે. અનુભૂતિ જુદી જુદી હોઈ શકે, કોઈ ધાડ પાડનારો એમ કહી શકે કે, ‘મેં તો આ કામ મારાં બાળબચ્ચાંને પોષવા કર્તવ્ય-ભાવનાથી કર્યું છે.’
પરંતુ એ બરાબર નથી. કારણ, સત્યમાં સમત્વ હોય છે. આ બીજી ઓળખ છે. સત્યમાં સંતુલન છે. એમાં ચિત્ત ડામાડોળ નથી થતું. સત્યમાં સમદર્શન છે, સમાધાન છે, અંત:સમાધાન છે. તારા અંતરમાં એક અવાજ ઊઠે છે, એની સાથે તું ચાલે છે તો તું સત્ય પર ચાલે છે એમ થશે. સમત્વયુક્ત નિર્ણયમાં સત્ય છે. ‘સત્યાગ્રહ’ શબ્દનો ગાંધીજીએ પ્રયોગ કર્યો એટલે એ પવિત્ર થઈ ગયો. એમની પાછળ બીજાઓએ એનો દુરુપયોગ કર્યો તો તે દૂષિત થઈ ગયો. મૂળત: સત્ય પવિત્ર જ છે અને ‘આગ્રહ’ દૂષિત. સંસ્કૃતમાં ‘આગ્રહ’ શબ્દનો અર્થ બહુ સારો નથી થતો. તેલુગુમાં તો ‘આગ્રહ’ એટલે ક્રોધ. પણ એના પ્રયોગથી એ શબ્દ હવે પાવન થઈ ગયો છે. મેં એક નવો શબ્દ બનાવ્યો છે, ‘સત્યગ્રાહી’. ‘સત્યાગ્રહી’ બનતાં પહેલાં આપણે ‘સત્યગ્રાહી’ થવું જોઈએ. સત્યગ્રાહી થયા સિવાય સત્યાગ્રહી ન થઈ શકાય. સામેના પક્ષના સત્યાંશને ગ્રહણ કર્યા વગર હૃદયપરિવર્તન થઈ જ ન શકે. અને હૃદયપરિવર્તન વગર હૃદયપ્રવેશ શક્ય જ નથી. આ પ્રક્રિયા શાંકર ચિંતનની છે.
હવે સત્ય પ્રાપ્ત કેવી રીતે થાય છે તે સવાલ છે. ગાંધીજીએ કહ્યું હતું કે સત્ય અહિંસાથી પ્રાપ્ત થાય છે. સત્ય નમ્રતા, તટસ્થતા, અને અનાગ્રહથી પ્રાપ્ત થાય છે, એવો મારો મત છે. નમ્રતા અને અનાગ્રહ હોય તો સત્ય હાથમાં આવે છે. વિજ્ઞાનમાં અનાગ્રહ હોય છે. પ્રયોગોમાં જે સાચું હશે, તે જ સાચું નીવડશે.
આજે આ ગામમાં (૧૮ એપ્રિલ ૧૯૫૧ – પોચમપલ્લીમાં) હરિજન લોકો મળવા આવ્યા. એમણે કહ્યું કે જો અમને થોડીક જમીન મળે તો અમે મહેનત કરીશું અને મહેનતનું ભોજન જમીશું. મેં એમને કહ્યું કે તમે લખીને આપો. તમારી અરજી અમે સરકારમાં રજૂ કરીશું. પરંતુ એમને ૧૦૦ એકર પોતાની જમીન આપવા માટે એક ભાઈ તૈયાર થઈ ગયા. એ ભાઈએ અમારી સમક્ષ હરિજન ભાઈઓને વચન આપ્યું કે હું તમને આટલી જમીન દાનમાં આપું છું. એ ભલો દયાળુ માણસ તમારી સામે છે. જો તે જમીન દાનમાં ન આપત, તો ઈશ્વરનો ગુનેગાર બનત. પણ તે જમીન આપશે તો હરિજનો પર જવાબદારી આવશે કે તેઓ બધાં પ્રેમપૂર્વક એકસાથે હળીમળીને ખેતી કરે. જો આ પ્રકારના સજ્જન માણસો દરેક ગામમાંથી નીકળતા હોય તો, કમ્યુનિસ્ટોનો પ્રશ્ન હલ થઈ જાય. તમે આટલું જરૂર સમજી લો કે હિંદુસ્તાનમાં શ્રીમાન લોકો પોતાની પાસે વધારે જમીન ન રાખી શકે. કોઈપણ શ્રીમાન ગરીબોની મદદ કર્યા વગર પોતાની જમીન પોતાની પાસે ન રાખી શકે.
હું વિચારવા લાગ્યો કે જેવી રીતે આ ગામના ભૂમિહીનોએ માંગણી કરેલી, તેવી જ રીતે દરેક ગામેગામથી ભૂમિહીનો તરફથી આવી માંગ થઈ શકે છે. ત્યારે હું સૃષ્ટિ-રચનાનો અથવા તો જેને આપણે ઈશ્વરની યોજના કહીએ છીએ, તેનું ચિંતન કરવા લાગ્યો. હું વિચારવા લાગ્યો કે સૃષ્ટિમાં એકાંગી અથવા અધૂરી યોજના હોઈ ના શકે, બલકે સર્વાંગ પરિપૂર્ણ યોજના જ હોય છે. જન્મ લેતાંની સાથે નવજાતના પેટમાં ભૂખ રહેલી છે, તેમ તેની સાથે માના સ્તનમાં દૂધ રહે છે. ઈશ્વર એકાંગી યોજના નથી કરતો. જ્યારે તે બાળકના પેટમાં ભૂખ રાખે છે, તો માના સ્તનમાં દૂધ રાખે છે અને એ દૂધ પીવડાવનારી પ્રેરણા પણ રાખે છે. આમ હું સમજી ગયો કે વિશ્વશક્તિ એક નવું કામ કરવા ઇચ્છે છે.
મને પાકો નિશ્ચય થઈ ગયો કે અહિંસા ચાલશે. તો એક ઈશારો મને મળી ગયો છે, એને પકડી લેવો જોઈએ. રામાવતારમાં જ્યારે વાનરોથી કામ થયું હતું, તો હું વાનર તો નથી. હું માણસ છું અને અહિંસા પર વિશ્વાસ કરનારો માણસ છું. જેણે એ વાનરો પાસેથી કામ લીધું, તે મારી પાસેથી પણ લેશે. શરત એટલી કે હું અભિમાન છોડીને શૂન્ય થઈ જાઉં, જેવી રીતે એ વાનરોમાં અભિમાન નહોતું.
સત્ય એક પાયાનો વૈકલ્પિક ગુણ છે. સત્ય સૌથી શ્રેષ્ઠ નીતિધર્મ છે. એક બાજુ આખું નીતિશાસ્ત્ર અને બીજી બાજુ કેવળ સત્ય હોય તો બંનેની તુલનામાં સત્યનું પલડું જ નમશે. એટલે બીજા બધા નીતિધર્મ સત્યની તુલનામાં ગૌણ છે. આત્મપ્રાપ્તિ માટે સત્ય અત્યંત મહત્ત્વની વસ્તુ છે. સત્ય એટલે કેવળ વાણીનું સત્ય નહીં, મનસા-વાચા-કર્મણા સત્યનું પાલન થાય. માણસનું જીવન સત્ય પર ઊભું થશે ત્યારે જ એને આત્માનું દર્શન થશે. પરમેશ્વર સુધી પહોંચવાનો રસ્તો સત્યથી બનેલો છે. સત્ય પાયાની વસ્તુ છે. મહાપુરુષોમાં કેટલા ય દોષો હોય છે. ઋષિઓના ક્રોધ અંગે સાંભળીએ છીએ. પણ કોઈ જુઠ્ઠા હોય અને છતાં ય સત્પુરુષ હોય તેવું ન બની શકે. એટલે પ્રાચીનકાળથી આજ સુધી સત્યને પાયાની વાત માનવામાં આવી છે.
સત્ય બે પ્રકારનાં છે. એકને સંસ્કૃતમાં ऋत કહે છે અને બીજાને સત્ય. ऋत શબ્દ આપણી ભાષામાં ચાલતો નથી. એનો વિરોધી શબ્દ છે अनृत. એટલે અસત્ય. સત્યનો વિરોધી શબ્દ અસત્ય અને ऋतનો વિરોધી શબ્દ અનૃત. આપણે આ બંનેમાં કંઈ ફરક નથી કરતા પણ ऋत અલગ છે અને सत्य અલગ છે. સૃષ્ટિના દર્શનમાં જે વાસ્તવિક સત્ય છે તે ઋત છે. અને સત્ય એટલે આપણા જાણવા પ્રમાણે સાચું બોલવું તે, છુપાવીને ન બોલવું તે.
શાસ્ત્રમાં કહે છે કે ‘सत्यमेव जयते नानृतम्’ – સત્યનો જ વિજય થાય છે, ફકત સત્યુગમાં જ નહીં પણ દરેક યુગમાં. દરેક યુગમાં કશ્મ-કશ થાય છે, લડાઈ ઝઘડા ચાલે છે પરંતુ છેવટે જીત તો સત્યની જ થાય છે. હિંદુ-મુસલમાન બધાં ભૂમિદાન આપી રહ્યાં છે. નાનાં નાનાં બાળકો બોલી રહ્યાં છે કે ‘ભૂમિદાન આપો’, ‘ધન અને ધરતી વહેંચાઈને રહેશે.’ સત્યનો, પરોપકારનો, પ્રેમનો વિચાર બળવાન છે અને લૂંટવાનો, હિંસાનો, ઝઘડાનો વિચાર નબળો છે, માટે જ છેવટે તો સત્ય અને પ્રેમના વિચારની જ જીત થવાની છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે, ‘त्यक्तेन भूंजीथा:। આપણી પાસે જે કાંઈ છે, તેનો એક હિસ્સો સમાજને આપીએ. તે આપ્યા વગર આપણને ભોગ કરવાનો અધિકાર જ નથી. ભારતીય મનને ધનદૌલતથી સંતોષ નથી થતો. ભારતનો સૌથી મોટો વૈભવ આધ્યાત્મિક જિજ્ઞાસા છે. લોકોને ભૂદાન એટલા માટે ગમે છે કેમ કે એમાં ત્યાગની વાત આવે છે. આખરે આ બધું શું થઈ રહ્યું છે ? ૨૪ એકરવાળો પોતાની પાસે સાડાત્રણ એકર રાખે છે. અને ભૂમિહીનને ૫ એકર જમીન મળી રહી છે.
‘अशक्य तें तुम्हां, नाहीं नारायणा। निर्जीवा चेतना आणावया ।
અચેતનમાં ચેતન પૂરવું, તમારા માટે અશક્ય છે, પરંતુ ભગવાન માટે અશક્ય નથી.
આસ્તિકતા એટલે મનુષ્યના હૃદય પરની શ્રદ્ધા. આ શ્રદ્ધા ભૂદાન આંદોલનનું અધિષ્ઠાન છે. જનતા કામધેનુ છે. જ્યાંથી જમીન આવે છે, ત્યાંથી અન્ય સાધન પણ આવશે. શુદ્ધ હૃદય અને પૂર્ણ વિશ્વાસની સાથે માંગો, તો બધું કાંઈ મળતું જશે.
ચારેકોર અસત્ય છે તો સત્ય વધારે દીપી ઊઠશે. અંધારું જેટલું વધારે, તેટલું ટોર્ચ અજવાળું વધારે ફેલાવી શકે છે. વેદમાં આવે છે ‘सत्येन उत्तभिता भूमि: सूर्येणोत्तभिता द्यौ:।’ આ ભૂમિનો આધાર કયો ? સત્ય. સ્વર્ગનો આધાર કયો ? સૂર્ય. ઉપર સૂર્ય અને નીચે સત્ય. એટલા માટે સંધ્યા કરતી વખતે કહીએ છીએ – ज्योतिषि जुहोमि स्वाहा । – સૂર્યરૂપી જ્યોતિને આહુતિ આપું છું. પૃથ્વીને મજબૂત કોણ કરે છે ? સત્ય. સત્યપાલન કેવી રીતે કરવું જોઈએ ? સૂરજ ઊગવામાં ક્યારે ય ભૂલ નથી કરતો. કયા દિવસે કયું નક્ષત્ર ઊગશે, સૂર્યોદય ક્યારે થશે – આ બધું પંચાંગમાં લખેલું હોય છે તે પ્રમાણે બરાબર ચાલે છે. તેમાં જરા ય ફેરફાર ન હોય. પંચાંગ પણ ક્યારેક ખોટું નીકળી શકે, પણ સૂરજ તો પોતાના સમયે ઊગશે જ. વેદમાં પ્રાર્થના છે – स्वस्ति पंथामनुचरेम सूर्यचंद्रमसाविव । આપણું જીવન સૂર્યચંદ્રની જેમ નિયમિત રહેવું જોઈએ.
અસત્ય એ સૌથી મોટો અધર્મ છે. તેના પ્રમાણમાં બીજા બધા યે દોષો ગૌણ છે. આ વાત અત્યારે સમાજ સમજતો નથી. અત્યારનો સમાજ અસત્ય બોલીએ તો તેને બહુ નીતિહીન માનતો નથી, પણ વ્યભિચારને અત્યંત નીતિહીન અને ખરાબ સમજે છે. આ મૂલ્યાંકન ખોટું છે. બધા સદ્ગુણોમાં સૌથી શ્રેષ્ઠ સદ્ગુણ સત્ય છે. તેમ હોય કે ન હોય, પણ બધા દુર્ગુણોમાં અસત્ય એ સૌથી વધારે ખરાબ દુર્ગુણ છે એમ હું ચોક્કસ માનું છું. ભૂદાન હૃદયશુદ્ધિનું આંદોલન છે. હૃદયશુદ્ધિ દ્વારા સમાજમાં પરિવર્તન કરવું તે આ આંદોલનનું લક્ષ્ય છે. પોતાની હૃદયશુદ્ધિ કરવી એટલે કે ઉત્તમ બીજ નિર્માણ કરવું, પોતાના જીવનમાં પરિવર્તન લાવવું એટલે કે બીજને વાવવું, અને સમાજનું પરિવર્તન કરવું એટલે તૈયાર પાકની લણણી કરવી.
અમારા આશ્રમમાં એક છોકરો ચોરીથી બીડી પીતો હતો. એ પહેલાં એક છાત્રાલયમાં રહેતો હતો, જ્યાં તેને આ લત લાગી ગયેલી. આશ્રમમાં આ છોકરો બહુ સારું કામ કરતો હતો, પણ તેણે આ વાત છુપાવેલી. ચોરીથી એ બીડી પીતો. આશ્રમના એક ભાઈએ એને જોયો. એને મારી સામે લાવવામાં આવ્યો. મેં જોયું કે બિચારો બહુ ગભરાઈ ગયેલો. મેં એને કહ્યું કે, “ડર નહીં. મોટા મોટા લોકો પણ બીડી પીએ છે. તેં કાંઈ ખરાબ કામ નથી કર્યું. પરંતુ ખરાબ તો એ છે કે તેં આ કામ છુપાઈને કર્યું છે. તેથી આજથી હું તને આ નાનકડી ઓરડીમાં બીડી પીવાની છૂટ આપું છું. અઠવાડિયામાં એટલા બંડલ તને આપીશ.” આશ્રમવાસીઓને આ પદ્ધતિ અજબ લાગી. ત્યારે મારે તેમને સમજાવવું પડ્યું, “નિ:શંક બીડી પીવી તે ખોટું છે, આપણે બીડી નથી પીતા, તે વાત આ છોકરો જાણે છે. એને તેની આદત પડી ગયેલી, એટલે તે પીએ છે. પરંતુ આ છુપાવવાની આદત ખરાબ છે અને ખુલ્લેઆમ પીવું પણ ખોટું છે. એટલા માટે જ એને આ આદત છોડાવવાનો મોકો આપવો જોઈએ. આ અહિંસાનો વિચાર છે. અહિંસામાં સહન કરવાની શક્તિ છે. માટે નાની નાની વાતોમાં આગ્રહ ન હોવો જોઈએ.
ધર્મ અનેક છે, પરંતુ બધા ધર્મોનું મૂળતત્ત્વ એક જ છે. મુક્તિ માટે એક જ માર્ગ છે.
‘असतो मा सद्गमय।
तमसो मा ज्योतिर्गमय ।
मृत्योर्मां अमृतं गमय।’
આપણે અસત્યમાંથી સત્યમાં જવાનું છે. અંધકારમાંથી પ્રકાશમાં જવાનું છે, અને વિકારમાંથી નિર્વિકાર તરફ જવાનું છે. બધા ધર્મોએ આ વાત જુદી જુદી પદ્ધતિથી સમજાવી છે. આપણે બધાં ઋષિઓને માનીએ છીએ, ભલે તેઓ કોઈપણ ધર્મના હોય ! એમની પ્રેરણા અને અશીર્વાદથી આ કામ ચાલે છે.
મુંડક ઉપનિષદમાં એક મંત્ર આવે છે (૩:૧:૫-૬). આ મંત્રમાં આત્માની પ્રાપ્તિ માટે ચાર સાધનો બતાવ્યાં છે. તેમાં સત્ય સૌથી પહેલું મૂક્યું છે. કારણ કે તે બહુ મહત્ત્વનું છે. જેમ બહાર સૂર્યજ્યોતિ છે, તેમ હૃદયમાં સત્યજ્યોતિ છે. આપણા પૂર્વજો આ બંને જ્યોતિની ઉપાસના કરતા હતા. સૂર્યોપાસના દ્વારા સત્યની પ્રાપ્તિ સુલભ થાય.
આત્મલાભ માટે બીજું સાધન તપ કહ્યું છે. સત્યને સમજવા માટે જે મહેનત કરવી પડે તે તપ જ કહેવાય. ખાસ કરીને જો ઇન્દ્રિયો પર કાબૂ મેળવાય તો તેની મારફત સત્ય સુધી પહોંચી શકાય અને તો એ બહુ સરળ થઈ શકે. પણ ઇન્દ્રિયો પર જો કાબૂ ન હોય તો લગામ વગરના ઘોડા જેવી હાલત થાય. એટલે तपस्માં મુખ્યત્વે ઇન્દ્રિય પરનો કાબૂ આવે. તદ્ઉપરાંત સત્યપ્રાપ્તિ માટે જે પ્રયોગો કરવા પડે તે પણ ‘तपस्’માં આવે.
ત્રીજું સાધન સમ્યક્ જ્ઞાનનું છે. આત્માના સ્વરૂપનું યોગ્ય આકલન કરવા માટે યોગ્ય બુદ્ધિ હોવી જોઈએ. યોગ્ય બુદ્ધિ એટલે અનાસક્ત બુદ્ધિ. જેમાં પૂર્વગ્રહો ન હોય એવી બુદ્ધિ. તે સમ્યક્ જ્ઞાન કરાવી શકે. પૂર્વ-ગ્રહરહિત બુદ્ધિથી જ આત્માનું દર્શન થાય.
ચોથું સાધન બ્રહ્મચર્યનું બતાવ્યું છે. અહીં બ્રહ્મચર્ય અને તપ અલગ પાડ્યાં છે. એટલે બ્રહ્મચર્યમાં મુખ્યત્વે અધ્યયન, ચિંતન, મનન વગેરે સમજવાં જોઈએ. કેમ કે જો તપને અલગ ન રાખ્યું હોત તો બ્રહ્મચર્યમાં તપ આવી જ જાત.
આ રીતે सत्य એક નૈતિક મૂળતત્ત્વ થયું. અને तपस् એટલે સત્ય માટે જે પ્રયોગો કરવા પડે તેની તૈયારી થઈ. સમ્યક્ જ્ઞાન એટલે કે બુદ્ધિની સૂક્ષ્મતા અને તટસ્થતા અને બ્રહ્મચર્ય એટલે કે નિરંતર અધ્યયન, મનન, ચિંતન વગેરે. આ બધું જો હોય તો આત્માનું દર્શન થાય.
આપણે સત્યનું આચરણ કરી રહ્યા છીએ કે નહીં તેની ખબર પડે તે માટે હંમેશાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ. મેં વાણીથી કોઈને અસત્ય તો નથી કહ્યું ને ! બીજાના દિલને દુભાવે, બીજાનું અહિત કરે તેવી વાણી બોલી ઈશ્વરે આપેલી અમૂલ્ય વાણીનો દુરુપયોગ તો નથી કર્યો ને ! આપણા હાથે કાંઈ ખરાબ કામ તો નથી કર્યું ને ! આમ, અનેક સવાલો પૂછવાનો નિશ્ચય કરવો અને ઈશ્વરની ક્ષમા માંગવી. તેને પ્રાર્થના કરવી કે ફરીથી આવી ભૂલ ન થવા દે. આમ કરવાથી ધીમે ધીમે સત્યનું ભાન થશે. આવું દરેક વ્રત માટે છે.
મનુષ્યની શક્તિ મર્યાદિત છે કેમ કે તેનું શરીર મર્યાદિત શક્તિવાળું છે. એટલા માટે જ એની સેવાઓ પણ મર્યાદિત જ રહેશે. પરંતુ વૃત્તિ મર્યાદિત નહીં હોવી જોઈએ. કોઈ મારા કાર્યક્ષેત્રની બહાર જાય તેનો વાંધો ન હોવો જોઈએ. પણ સહાનુભૂતિના વિચારના ક્ષેત્રથી બહાર થઈ જાય છે તો હું મારી શક્તિ ગુમાવું છું. મારી શક્તિ મર્યાદિત થઈ જાય છે. માટે ભલે સેવાનું ક્ષેત્ર મર્યાદિત હોય પણ ભાવના અને સહાનુભૂતિનું ક્ષેત્ર અમર્યાદ રહેવું જોઈએ. માણસને માણસની રીતે જોવો જોઈએ, નહીં તો હિંદુધર્મના આત્માને જ આપણે ખોઈ બેસીશું. હિંદુધર્મ કહે છે કે બધાંમાં એક જ આત્મા છે. આ એક એવો વિશાળ ધર્મ છે જેમાં કોઈપણ સંકુચિત ભાવ નથી રહી શકતો. આપણે જો આ વાત ધ્યાનમાં નથી રાખતા તો ધર્મની બુનિયાદ ખોઈ બેસીએ છીએ.
‘एकं सत् विप्रा: बहुधा वदन्ति।’
‘સત્ય એક જ છે, બુદ્ધિમાન લોકો તેને અનેક નામથી બોલાવે છે.’ અહીં ‘विप्रा: बहुधा वदन्ति’ કહ્યું છે, ‘मूर्खा: बहुधा वदन्ति’ કહેવાયું નથી. હિંદુધર્મ કહે છે કે સત્ય તો એક છે. પરંતુ ઉપાસના માટે અલગ અલગ થઈ શકે છે.
સત્ય બધા ગુણોનો આધાર છે. સત્ય નહીં રહે તો બધા ગુણ નિરાધાર થઈ જશે. વ્યવહારનો આધાર સત્ય પર છે. લોકો આનાથી વિપરીત વાત કહે છે. એ કહે છે કે અસત્ય વગર વ્યવહાર ચાલે નહીં. હકીકતમાં તો મોટા વેપારી હશે તે સચ્ચાઈ વગર વેપાર કરશે નહીં, આપેલું વચન તે તોડશે નહીં, અને એ સારી રીતે વર્તશે નહીં તો તેનો વેપાર ચાલશે નહીં. વાણીના તપમાં ગીતા કહે છે કે – ‘अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च।’ જ્ઞાનદેવ મહારાજ કહે છે કે મને ગીતા પર ભાષ્ય કરવાનું જે ભાગ્ય મળ્યું છે અથવા શક્તિ મળી છે તેનું કારણ છે – ‘माज्ञिया सत्यवादाचे तप। वाचा केलें बहुत कल्प’ – મારી વાણીએ એક જન્મ નહીં, ‘અનેક કલ્પ’ સત્ય બોલવાનું તપ કર્યું છે. એના બળથી મારા મુખેથી ભગવદ્ગીતા નીકળી રહી છે. મનુ પણ કહે છે, ‘वाच्यार्था नियता: सर्वे वोडमूला वाग्-विनि:सृत:’ । બધા અર્થ વાણીમાં જ નિયત છે.
હિતાર્થ સત્ય બોલવું. સત્ય બોલવા પાછળ હિતપ્રેરણા હશે તો જ બોલવાનું સાહજિક પ્રેમથી હશે – બીજાને ઘાયલ કરે તેવું નહીં હોય. જે હિતાર્થ નથી, તે બોલવાથી જવાબદારી માણસ પર આવતી નથી.
સત્યની આરાધના માટે જીવન. અને કાર્ય માત્ર સત્ય માટે, શ્વાસ માત્ર સત્ય માટે થાય. સામાન્યત: અસત્યના ત્રણ પ્રકાર છે. હાસ્ય-મજાકમાં જુઠ્ઠું બોલાય છે. આ અસત્યનો પહેલો પ્રકાર છે. આ અસત્ય નિરુપદ્રવી મનાય છે. વ્યવહારમાં સ્વાર્થ માટે અસત્ય બોલાય છે. એ અસત્યનો બીજો પ્રકાર છે. પરાર્થ માટે અથવા દેશહિત માટે અસત્ય બોલાય છે. એ અસત્યનો ત્રીજો પ્રકાર છે. આ અસત્ય કર્તવ્યરૂપ મનાય છે. ધર્મ, અર્થ, અને કામ – આ ત્રણે પુરુષાર્થ અંગે વિપરીત કલ્પના હોવાને લીધે આવા ત્રણ પ્રકારનાં અસત્ય ઉદ્ભવ્યાં છે.
એ બધાંનો ત્યાગ સત્યવ્રતમાં આવે છે. મિતભાષણ સત્યનું કવચ છે. એટલે તેનો પણ સમાવેશ આ વ્રતમાં સમજી લેવો જોઈએ. અને કોઈપણ કારણે કાયા, વાચા, મનસા પણ અસત્યનો આશ્રય ન લેવામાં આવે, તેવી ભાવના બની જવી જોઈએ.
‘વકીલ’ શબ્દ અરબી છે. અને તે ભગવાન માટે છે. – ‘अंतवकील’ – ભગવાન, તું મારો વકીલ છે. વકીલ એટલે રક્ષણકર્તા. જેમ હકીમ, કરીમ, રહીમ છે તેમ વકીલ. કહે છે કે વકીલાતમાં અમે અમારે માટે નહીં, પણ બીજાંને માટે ખોટું બોલીએ છીએ. પ્રાચીનકાળથી સત્ય અંગે એક કલ્પના ચાલી આવી છે કે બીજાંની રક્ષા માટે જુઠ્ઠું બોલીએ તો વાંધો નહીં. સત્યમાં અપવાદ આવે છે. પણ હું તો નિરપવાદ સત્યમાં માનું છું. મનુસ્મૃતિમાં આવે છે – एष धर्म: सनतान: – આ સનાતન ધર્મ છે. કયો ? सत्यं ब्रूयात, प्रियं ब्रूयात्। न ब्रूयात सत्यं अप्रियम्। प्रियं च नानृतं ब्रूयात्। પ્રિય લાગે તેવું સત્ય બોલવું. પ્રિય અસત્ય ન બોલવું અને અપ્રિય સત્ય ન બોલવું. પ્રિય અને સત્ય બંને એકઠાં ન હોય ત્યારે શું કરવું ? “मौनम्” । બાકી આપણી વાણીમાંથી જે કંઈ નીકળે તે સત્ય જ નીકળે.
મેં સત્યાદિ વ્રતોના નિરંતર સ્મરણને ઈશ્વરનું સતત સ્મરણ માન્યું છે. ઈશ્વર અર્થાત્ સત્યાદિની અખંડ મૂર્તિ. સત્ તત્ત્વ માટેની નિષ્ઠા. નૈતિક સત્યની આધ્યાત્મિક બેઠક. બ્રહ્મ સત્ તત્ત્વ છે. એને સત્-ચિત્-આનંદ કહે છે. Morall Truth – નૈતિક સત્યને જ આધ્યાત્મિક આધાર જોઈએ. સત્ય બ્રહ્મ છે, એ જ એનો આધાર છે.
સત્-કાર સ્મરણથી સત્યનિષ્ઠા, સાધુત્વ (સૌજન્ય) પ્રાપ્ત થાય છે, એવી જ રીતે કર્મમાં સુંદરતા (કલાત્મકતા) આવે છે. સત્ય, સાધુત્વ અને સૌંદર્ય – આમ આ રીતે સત્કર્મની ત્રિવિધ કસોટી થઈ ગયા બાદ વસ્તુત: ત્રણેનો સમાવેશ એક સત્યમાં જ થઈ જાય છે અને એ જ સત્ શબ્દનો મુખ્ય અર્થ છે. સત્યથી અલગ થયેલ સાધુત્વ ઔપચારિક અને સૌંદર્યરહિત થશે. સત્ય મૂળભૂત ગુણ હોવાથી એની કસોટી પર સાધુત્વ અને સૌંદર્યને કસવું પડશે. પૂર્ણદૃષ્ટિમાં આ ત્રણેય એકરૂપ રહેશે. અપૂર્ણ અવસ્થામાં સત્યને વળગવું પડશે. સાધુત્વ, સાધુતા, સુંદરતા = સત્યં શિવં સુન્દરમ્. સત્ તત્ત્વની ત્રિવિધ વ્યાખ્યા કરી છે, તેમ છતાં ત્રણેયમાં સત્ય જ મુખ્ય છે. સાધુત્વ એટલે ભલાપણું. સત્યથી અલગ સાધુત્વ ફસાવશે, સૌંદર્ય ભ્રામક નીવડશે. જે સત્ શબ્દનું સ્મરણ કરશે, એને એ નામના મહિમાને કારણે ત્રણેય ગુણ પ્રાપ્ત થશે.
અહિંસા આત્માની શક્તિ છે. ‘नायं हन्ति न हन्यते।’ આત્મા ન તો મારે છે, ન તો મરી જાય છે. આ જ એની શક્તિ છે. શરીરને મારી નાખી શકાય છે. શરીર કરતાં આત્માની શક્તિ વધારે છે. પરંતુ આપણે દેહબુદ્ધિથી જોઈએ છીએ. જે કોઈને પણ જોઈએ છીએ, તેને શરીર જ માનીએ છીએ. એટલા માટે જો શરીર છોડીને મનુષ્યને જોઈશું, શરીરનું આવરણ છોડીને અંદરની વસ્તુ તરફ – જે દેહથી પર છે – જોઈશું કે આપણો આખો વ્યવહાર – બોલવા ચાલવા અને વિચારવાની પદ્ધતિ – બધું જ બદલાઈ જશે. એને આખી દુનિયા એ જ રંગે રંગાયેલી દેખાઈ પડશે. આવું જેની સાથે થશે, તે માણસના સંપર્કમાં જે પણ આવશે, એના પર એ જ રંગ ચઢશે, એના પર બીજો રંગ નહીં ચઢે. આ વાત આપણા ધ્યાનમાં આવશે ત્યારે આપણે જે અહિંસામાં વિશ્વાસ રાખીએ છીએ, તે અહિંસાને આપણા પોતાના જીવનમાં ક્યાં સુધી ઉતારી શક્યા છીએ, એની ઉપાસના ક્યાં સુધી થઈ અને કેટલી એકાગ્રતાથી કરીએ છીએ, તેનો ખ્યાલ આવશે. આપણે અહિંસા શક્તિને પ્રગટ કરવા માટે અંત:શોધન, અંત:શુદ્ધિ અને તપસ્યા કરવી જોઈએ.
જ્યાં લોકો પોતાના પરિવારને વ્યાપક સમજીને પોતાનો એક હિસ્સો સમાજને આપી દે છે અથવા પોતાના જીવનમાંથી વ્યક્તિગત માલિકી મિટાવી દે છે ત્યાં જ મૂલ્ય–પરિવર્તન થાય છે. આ મૂલ્ય પરિવર્તનને ‘શાન્તિમય ક્રાન્તિ’ કહે છે. વાસ્તવમાં ક્રાન્તિ આગળ ‘શાન્તિમય’ વિશેષણ લગાડવાની જરૂર જ નથી. કેમ કે અશાન્તિમય ક્રાન્તિ હોતી જ નથી. જ્યાં વિચાર નથી બદલાતો અને સમાજમાં કાંઈક પરિવર્તન થઈ જાય તો તે ખરેખર ક્રાન્તિ હોતી નથી. ક્રાન્તિમાં બુનિયાદી અંતર હોવું જોઈએ. મૂલ્ય બદલવું જોઈએ. મૂલ્યમાં પરિવર્તન શાન્તિથી થાય છે, વિચારથી જ થાય છે. જો ડરાવી–ધમકાવીને અથવા હિંસાથી પરિવર્તન કરવામાં આવે તો તે વિચાર પરિવર્તન નહીં કહેવાય …. કેટલાક લોકો ‘શીઘ્રવાદ’ને ક્રાન્તિ માને છે પણ આપણને એ મંજૂર નથી. ખાવાનું શીઘ્ર મળે – ભલે રોટલી ન મળે, તો ઝેર જ ખાઈએ પણ શીઘ્ર મળવું જોઈએ. આપણે આ પ્રકારના વિચારોને નથી માનતા.
સચ્ચાઈની રાહ પર ચાલીએ. જો તારું ભલું ઇચ્છતો હો તો સાચને પકડ. દુનિયા અસત્ય પર જ ચાલે છે, આવું તું માનવા લાગ્યો છે, એવું જણાય છે. એ વાત છોડી દે. સૃષ્ટિ પરમેશ્વરની છે અને પરમેશ્વર તો સત્યમૂર્તિ છે, પછી એ દુનિયાને જૂઠી કેવી રીતે બનાવે ? સંસાર કપટી નથી. કે નથી સંસાર અસત્ય પર ઊભો !
હકીકતમાં, તો સત્ય જેવી સરળ ચીજ દુનિયામાં છે જ નહીં. આ વાત તો નાનકડું બાળક પણ જાણે છે. ઊલટું, જૂઠું બોલવું ઘણું અઘરું છે. એક જૂઠને છુપાવવા કોણ જાણે બીજાં કેટલાંક જૂઠ ઊભાં કરવાં પડે છે. દરેક જણ આવું ન કરી શકે. એટલે આવા લોકોનો ખાસ વર્ગ બનાવવામાં આવ્યો છે, જેને ‘કૂટનીતિજ્ઞ’ કહે છે. પાણીનો પ્રવાહ સમથળ ઢાળે સડસડાટ વહેતો જતો હોય ત્યારે પાણી થંભી ગયાં હોય તેવો ભાસ થાય. આ રીતે કૂટનીતિજ્ઞો જૂઠાણાં પર જૂઠાણાં ચલાવીને દુનિયાની આંખો પર પાટા બાંધવાની નિરંતર મથામણ કરતા રહે છે. પરંતુ ક્યારેક ને ક્યારેક તો દુનિયા સામે એમનો ભાંડો ફૂટી જ જાય છે. સાચા માણસને આવો પ્રયત્ન કરવાની કદી જરૂર નથી પડતી, ન એને પોતાની મુઠ્ઠી ઉઘાડી પડી જવાનો ડર રહે છે. કારણ કે એનું તો બધું કામ ખુલ્લંખુલ્લું અને સાફ હોય છે અને ત્રીજી વાત આ પણ છે કે એનું કોઈ કામ વ્યર્થ પણ નથી જતું. ખટપટિયાને સવાયા ખટપટિયા મળી શકે, એટલે એ ક્યારેક તો હાર ખાય જ છે. જ્યારે સચ્ચાઈ કદી હાર નથી ખાતી. કારણ કે સચ્ચાઈમાં સવાયા-દોઢાનો પ્રશ્ન જ ઊભો નથી થતો કારણ કે એના પર ચઢાઈ જ થઈ શકતી નથી.
એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ, કૂટનીતિજ્ઞોની જ બધી ખટપટ કેમ હોય છે ? કારણ કે એમને ટૂંકો રસ્તો જોઈએ છે. પરંતુ તું તો રેખાગણિત જાણે છે ને ? તો પછી તું આ નિયમ કેવી રીતે ભૂલી જાય છે કે બે બિંદુઓને જોડનારી નાનામાં નાની રેખા કેવળ સીધી લીટી જ હોઈ શકે છે. પરંતુ ખટપટિયા લોકો સરળ અને ટૂંકો રસ્તો શોધવા આમ તેમ ભટક્યા કરે છે. હકીકતમાં, ટૂંકો રસ્તો સીધો જ હોય છે. એના માટે મગજ ખપાવવાની જરૂર નથી. માત્ર એના પર ચાલવાનું જ હોય છે. સત્ય સામે શાણપણ નકામું છે અથવા તો સત્ય જ શાણપણ છે એટલે ખટપટિયાઓનો અટપટો રસ્તો છોડી દે. સંતોનો સીધો મારગ પકડ. આ રસ્તો સહેલો છે, સરળ છે, સીધો છે અને વળી સૌથી નજીક છે. તારી મંજિલે એ જ તને પહોંચાડશે.
સત્ય, સંયમ અને સેવાભાવ આ આપણી યત્નત્રયી છે. આ ત્રણેયની નિરંતર રક્ષા કરવાની છે. આનાથી મૂલ્યવાન બીજું કોઈ ધન નથી. તમે આ દરિદ્રનારાયણની પૂજા કરો, જે બોલે છે, જે હરે ફરે છે. અને તેમ છતાં પણ જો ભગવાન દર્શન નથી આપતા, તો મને કહેવા આવજો …..
…. હું ચાર વર્ષથી ફરી રહ્યો છું અને ગરીબોની હાલત જોઈ રહ્યો છું. સર્વત્ર એમનું શોષણ થઈ રહ્યું છે. એમનામાં સહન કરવાની શક્તિ અને શાંતિ અપાર છે.
(સંકલિત)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑક્ટોબર 2023; પૃ. 02-06