Opinion Magazine
Number of visits: 10,223,673
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રીને પોતાનું આકાશ મળવું બાકી છે …

સોનલ પરીખ|Opinion - Opinion|14 October 2023

રૂસો અને કાન્ટ જેવા મહાન ચિંતકો પણ માનતા કે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊતરતું છે અને એ બિલકુલ રિઝનેબલ અને લૉજિકલ છે. સ્ત્રી સુંદર છે, મધુર છે; પણ ગંભીર અને બૌદ્ધિક બાબતોમાં નકામી છે. આ માન્યતા કેટલી ખોટી છે તે તો સાબિત થઈ જ ચૂક્યું છે, પણ 1973થી – 40 વર્ષથી ઊજવાય છે તે વિમેન્સ ઈક્વાલિટી ડે નજીક છે ત્યારે આ ‘સમાનતા’ શબ્દના વાસ્તવને જરા ખોલવાનું મન થાય છે, ખાસ કરીને ભારતના સંદર્ભે …

સોનલ પરીખ

અમેરિકાની સ્ત્રીઓને મતાધિકાર મેળવવા 72 વર્ષ લડવું પડ્યું હતું. 1920ની 26 ઑગસ્ટે અમેરિકાના બંધારણમાં મહિલાઓના મતાધિકારનો સમાવેશ થયો. બહુ મોટું આંદોલન થયું હતું. પશ્ચિમ આધુનિક ગણાય છે, પણ રૂસો અને કાન્ટ જેવા ત્યાંના મહાન ચિંતકો પણ માનતા કે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊતરતું છે અને એ બિલકુલ રિઝનેબલ અને લૉજિકલ છે. સ્ત્રી સુંદર છે, મધુર છે; પણ ગંભીર અને બૌદ્ધિક બાબતોમાં નકામી છે.

આ માન્યતા કેટલી ખોટી છે તે તો સાબિત થઈ જ ચૂક્યું છે, પણ 1973થી – 40 વર્ષથી ઊજવાય છે તે વિમેન્સ ઈક્વાલિટી ડે નજીક છે, ત્યારે આ ‘સમાનતા’ શબ્દના વાસ્તવને જરા ખોલવાનું મન થાય છે, ખાસ કરીને ભારતના સંદર્ભે. પશ્ચિમની સ્ત્રીઓને મતાધિકાર માટે બહુ મોટું આંદોલન કરવું પડ્યું હતું. ભારતે સ્ત્રીઓને રાહ જોવડાવી નથી. સ્ત્રીને સમાનતાનો અને મત આપવાનો અધિકાર બંધારણે દેશ સ્વતંત્ર થયો એ સાથે આપી દીધો છે. આ વાત, વાત નીકળે ત્યારે આપણે બહુ ગૌરવથી કહીએ છીએ અને પછી ગાર્ગી-મૈત્રેયીના સમય સુધી ઊડી આવીએ છીએ.

‘હવે તો સ્ત્રી-સમાનતાનો જમાનો આવ્યો છે’ વાક્ય ચલણી છે, પણ જમાનો બદલાયો છે? જમાનો બદલાવો એટલે શું? સમયની ગતિ અને સમાજની ગતિ વચ્ચે સમતુલા જળવાઈ છે? થોડી સ્ત્રીઓ ભણતી થઈ, થોડી કારકિર્દી બનાવી શકી, થોડી પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ આવી તેથી સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં, તેની ભૂમિકામાં તેના ભવિષ્યમાં પરિવર્તન આવ્યું છે?

વાસ્તવ ચોંકાવનારું છે. સ્ત્રીભ્રૂણહત્યા ચાલુ છે. જન્મેલી બાળકીઓને મારી નાખવાનું ચાલુ છે. દીકરીદીકરા વચ્ચે ભેદભાવ ચાલુ છે. દહેજ ચાલુ છે. સતીનો કિસ્સો એકલદોકલ થાય છે, પણ તેને ધર્મના નામે ટેકો મળે છે એ સૂચક છે. બળાત્કાર અને ઘરેલુ હિંસા પૂરજોશમાં ચાલુ છે. દેવદાસીપ્રથાને રાજ્યોના કાયદા કે 2015ના અનુસુચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદામાં ગુનો ગણી હોવા છતાં દક્ષિણનાં રાજ્યોમાં હજુ ય તે ચાલુ છે. તાજેતરમાં જ સુપ્રિમ કૉર્ટે દેવદાસીપ્રથા હયાત હોવાનો સ્વીકાર કર્યો છે. આઝાદીના એકાદ દાયકા પૂર્વે ગરીબ દલિતોને નાણાં ધીરનારા તેમની સ્ત્રીઓનું ‘ચોટલાખત’ના નામે ભયાનક શોષણ કરતા હતા.

સ્રીપુરુષ વસ્તીપ્રમાણ કન્યાભ્રૂણહત્યાને કારણે ઘટતું રહ્યું છે. તે માટે પુરુષપ્રધાન માનસિકતા જવાબદાર છે, પરંતુ ઓછા સ્ત્રી-પુરુષ પ્રમાણે પણ સ્ત્રીશોષણના નવાં દ્વાર ખોલ્યાં છે. સમગ્ર દેશમાં સ્ત્રીઓનું સહુથી ઓછું પ્રમાણ જાટ બહુમતી ધરાવતા હરિયાણામાં છે. ત્યાં 1,000 પુરુષે માંડ 879 સ્ત્રીઓ જ છે. એટલે પુરુષો પોતાની શારીરિક જરૂરિયાત અને વંશવૃદ્ધિ માટે દેશના અન્ય રાજ્યોની ગરીબ કન્યાઓને 5 હજારથી 40 હજાર રૂપિયે ખરીદી લાવે છે. આવી સ્ત્રીઓને હરિયાણામાં ‘મોલકી’ (ખરીદેલી) કહેવામાં આવે છે. આ સ્ત્રીઓને માંડ એક ટંક રોટલો મળે છે અને જરૂરિયાત પૂરી થઈ જતાં પુરુષ એને બીજાને વેચી દે છે.

આજથી પોણા બસો વરસ પહેલાં દેશનાં પ્રથમ મહિલા શિક્ષિકા એવાં સાવિત્રીબાઈ ફુલેએ પોતાના પતિ જોતીબા ફુલે સાથે મળીને સમાજ સુધારણાનાં અનેક મહત્ત્વનાં કામો કર્યાં. ડો. બાબાસાહેબ આંબેડકર સમાજની પ્રગતિનો માપદંડ તે સમાજની સ્ત્રીઓની પ્રગતિને માનતા હતા. એ દૃષ્ટિએ આપણે હજુ પ્રગતિની લાંબી મજલ કાપવાની છે. ભારતમાં સ્ત્રીઓ અનેક બંધનો, શોષણ અને અત્યાચારમાં જકડાયેલી છે.

જૂના જમાનાનાં રાજાઓ હારેલા રાજાની દીકરીને પોતાના જનાનખાનામાં લઈ આવતા. આધુનિક અને સભ્ય કહેવાતા સમયનાં યુદ્ધોમાં પણ વેઠવાનું સ્ત્રીઓને જ આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં જીતેલા દેશોના સૈનિકોએ હારેલા દેશોની સ્ત્રીઓ પર પુષ્કળ અત્યાચાર કર્યા હતા. જાપાને પોતાના લશ્કર માટે આફ્રિકા, ચીન, સાઉથ કોરિયા અને ફિલિપાઈન્સમાંથી ‘કમ્ફર્ટ વિમેન’ આણી હતી. આજે પણ તોફાનો રાજકીય હોય કે કોમી, સ્ત્રીઓ ભયાનકતાથી તેનો ભોગ બને છે.

ભારતમાં સ્ત્રીમુક્તિ ચળવળ સમાજસુધારા અને ગાધીપ્રેરિત રાષ્ટ્રીય આંદોલનની આડપેદાશ છે. 19મી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં સ્ત્રીઓ બહાર આવી, સ્વાતંત્ર્ય સંગ્રામમાં પુરુષો સાથે ખભેખભા મિલાવીને લડી, બંધારણે સ્ત્રીસમાનતાને માન્ય રાખી, સ્ત્રીસિક્ષણ અને સ્ત્રીસશક્તીકરણના સરકારી-બિનસરકારી કાર્યક્રમો ચાલ્યા, તેને લીધે સ્ત્રીનો દરજ્જો ઊંચો આવ્યો છે એવી હવા બંધાઈ છે, પણ એ આભાસ છે. પરિવર્તનનું ચિત્ર સમગ્ર મહિલા જગતનું નથી. સ્ત્રીશિક્ષણે સ્ત્રીઓને સ્વતંત્ર વ્યક્તિત્વ ખીલવતાં શીખવ્યું નથી. નવી ટૅક્નૉલૉજીના પ્રવેશથી સ્ત્રીઓની ગધ્ધામજૂરી ઓછી થઈ નથી. સ્ત્રી હજી ગૃહિણી અને માતાના ચોકઠામાં કેદ છે.

સ્ત્રીસમાનતાના પ્રશ્ને સૌ વામણા પડ્યા છે – કાયદો, સમાજ, કુટુંબ, શિક્ષણ, ટૅક્નૉલૉજી, પુરુષ અને સ્ત્રી પોતે પણ. ઊલટા નવા પડકારો ઊભા થાય છે. સ્ત્રીને ન્યાય આપવામાં, રક્ષણ આપવામાં બધું જ અધૂરું પુરવાર થયું છે એ હકીકત છે.

આદમે પોતાની પાંસળીમાંથી ઈવને બનાવી એવી કથા છે. પ્લેટો-એરિસ્ટોટલ સ્ત્રીને ‘વિખંડિત પુરુષ’ કહેતા. ભારતમાં વેદકાળ પછી આવી જ માન્યતા હતી. સમાજમાં સ્ત્રીની ભૂમિકા શી છે, એટલે કે સ્ત્રી પાસે કેવી અપેક્ષાઓ હોય છે? બાયૉલૉજિકલ રીતે તે સંતાન-ઉત્પાદનનું સાધન છે, આર્થિક રીતે તે અવેતન મજૂરણ છે. સામાજિક જીવનમાં તેની સામંજસ્ય સાધનારની ભૂમિકા છે. લાગણીના સ્તરે તે ધૈર્યવાન, સહનશીલ, બલિદાન આપનારી જોઈએ. બૌદ્ધિક સ્તરે તેને બાહ્ય ટાપટીપમાંથી ઉપર ન ઊઠી શકનારી ને પૌરાણિક સ્તરે દેવી, માતા કે મોહિની તરીકે વર્ણાવાઈ છે. સ્ત્રી પોતે પણ પોતાને માટે રચાયેલી ઈમેજને અનુકૂળ-અનુરૂપ થવામાં સાર્થકતા જુએ છે. સરવાળે સિમોન-દ-બુઆ કહે છે તેમ સ્ત્રી જન્મતી નથી, બને છે.

શેક્સપિયરનું એક કાવ્ય છે, ‘સેવન એજિસ ઑફ મેન’ સમયનો ક્રમ પુરુષના જીવનમાં કઈ રીતે પાંગરે છે તેનું તેમાં સચોટ ચિત્ર છે. ધ્યાનમાં લેવાની વાત એ છે કે પુરુષના જીવનમાં દરેક તબક્કે શક્તિ, રુચિ, પ્રવૃત્તિ નિર્ણાયક છે. સ્ત્રીના જીવનમાં દરેક તબક્કે તેણે વય મુજબ પુત્રી, પત્ની, માતા – બાલિકા, યુવતી, વૃદ્ધાની સહાયક ભૂમિકા અદા કરવાની હોય છે.

આમ હોવાથી તે પ્રશંસાની ઝંખના, કૃપાદૃષ્ટિની અપેક્ષા, ઓશિયાળાપણું, લાચારી, આત્મછલના, ઈર્ષા, આત્મપીડનવૃત્તિનો શિકાર થાય છે. દરેક સ્થિતિમાં તેણે આજ્ઞાંકિત રહેવાનું છે. પ્રેમ હોય કે લગ્ન, સમર્પણ તેનો આદર્શ છે. પ્રેમ અને સ્વાભિમાનનું મૂલ્ય સરખું જ છે એવું એને સમજાતું નથી, સમજાવાતું નથી. એનું કામ શુદ્ધ હૃદયવાળા, ભલા, પ્રેમાળ બનીને પુરુષના શુભને સક્રિય કરવાનું છે. આત્મનિર્ભરતા વીસરાઈ જાય છે. આધુનિકતાની એની વિભાવના પછી છીછરી થઈ જાય છે. તેની સેક્સ્યુઅલિટીને ઊર્ધ્વીકૃત અથવા વિકૃત રૂપે જ જોવાય છે. એનું પોતાનું શરીર હોય કે સમાજ, દરેક જગ્યાએ બેવડાં ધોરણ. ઘરથી માંડી વ્યવસાય બધે અસમાનતા.

આપણી પરીકથાઓ કેવી છે? નાયિકા સુંદર, નિર્દોષ, ભલી હોય. પોતાના માટે કંઈ ઈચ્છે તે વેમ્પ. પુરાણકથાઓ સ્ત્રીને પુરુષના પડછાયા સમી, સહન કરતી, ત્યાગ કરતી, પતિના ઉત્કર્ષથી ધન્ય થતી, સાગરમાં સરિતાની જેમ પુરુષમાં સમાઈ જતી ચીતરે છે. આગવું સ્વતંત્ર વ્યક્તિત્વ એને માટે ઈચ્છનીય નથી. પુરુષ એનો રક્ષક, એનો આશ્રય મનાય છે, પણ વિકટ સંજોગોમાં પોતાની રક્ષા સ્ત્રીએ જ કરવી પડી છે, પછી એ સીતા હોય કે દ્રૌપદી.

સ્ત્રીને હજુ પોતાનું આકાશ મળવું બાકી છે. પાંખ પસારવાનું વાતાવરણ મળવું બાકી છે. સમાનતા અને સશક્તીકરણ સાચા અર્થમાં સમજાયાં નથી. બધે પહોંચ્યાં પણ નથી. ભારત સ્ત્રી માટે ‘અસલામત’ ગણાય છે. એક કાવ્ય કહે છે કે સ્ત્રી બીજું બધું છે, પણ સ્ત્રી નથી, મનુષ્ય નથી. સ્ત્રી મનુષ્ય નથી – નો અર્થ એ છે કે જીવવાનું, જોખમ ખેડવાનું, ભૂલો કરવાનું સ્વાતંત્ર્ય એને નથી. જરા વિચારો; આજના ડિજિટલ યુગમાં પણ, સ્ત્રીનો પોતાના શરીર પર, પોતાના આર્થિક-સામાજિક જીવન પર પૂરો અધિકાર છે?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 ઑગસ્ટ  2023

Loading

ઋણ

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|14 October 2023

પ્રીતમ લખલાણી

લેઈક પેલેસ હોટેલ પાસેથી અમારી ગાડી જેવી પસાર  થઈ, ત્યાં સ્વાતિની નજર એક રેંકડી પર વેચાતાં ચાંદીનાં ઘરેણાંઓ પર પડી. સ્વાતિએ કારને રેંકડી પાસે થોભાવી મને કહ્યું, ‘કે અહીં એવી ઘણી વસ્તુઓ દેખાય છે કે જે આપણા અમેરિક્ન મિત્રોને આપવા લાયક છે. મુંબઈમાં પણ આ બઘી વસ્તુઓ મળશે, પરંતુ તેના ભાવ આસમાને હશે. અમે સહકુટુંબ કારમાંથી બહાર આવી એક રેંકડીને ઘેરીને વસ્તુઓ ખરીદવા ઊભા રહી ગયાં. મોતીની માળાઓ, કાનનાં લટકણિયાં વગેરે પસંદ કરી સ્વાતિએ રેંકડી પાસે ઊભેલી એક છોકરીને આ બઘાની કિંમત પૂછી. છોકરીએ સ્વાતિને જણાવ્યું કે મારી મા મારા નાના ભાઈને જમાડવા ઘરે ગઈ છે. તમે બે પાંચ મિનિટ થોભો તો આ મારો ભાઈ હડી કાઢતો ઘરે જઈને મારી માને બોલાવી લાવશે. બાળકીને ઘીરજ આપતાં મેં કહ્યું, ‘બેટા, અમને જરા ય ઉતાવળ નથી. તું તારે તારા ભાઈને ઘરે તારી માને બોલાવા મોકલ. અમે ત્યાં સુઘી રેંકડીની બીજી થોડીક વસ્તુઓ પણ જોઈ લઈએ’. છોકરો ખુશ થતો બેપાંચ મિનિટમાં તો એ પોતાની માને બોલાવી લાવ્યો.

તેમની માતા સુંદર અને દેખાવડી હતી. તેની હરણી શી ચંચળ આંખો તેના નેહ નીતરતા ચહેરા પર મલકી રહી હતી. આભમાં છવાયેલા કાળાડિબાંગ વાદળ સમા તેના કાળા ભમ્મર ઘટાદાર વાળ તેની પાતળી ડોક પર શોભી રહ્યા હતા. અમારી સામે ઘીમું હસી હળવેકથી સ્વાતિએ પસંદ કરેલી વસ્તુઓનો ભાવતાલ નક્કી કરવા તેણે સ્વાતિ સાથે વાતો શરૂ કરી. તેણે ભાવતાલમાં સામાન્ય રકઝક કરી. સ્વાતિએ જેમ કહ્યું તે પ્રમાણે તેણે રકમ કબૂલ કરી લીઘી. સ્વાતિ પૈસા આપવા પર્સ ખોલી રહી હતી ત્યાં પેલી સ્ત્રીની નજર મારા પર પડી. તેની ચંચળ આંખોને મારા પર સ્થિર થતી જોઈ. મારી આંખ તેની નજર સાથે મળતાં હું શરમાઈ ગયો. મેં તરત જ સ્વાતિ તરફ ફરીને કહ્યું કે જો તારું કામ પતી ગયું હોય તો આપણે હવે  ઉદયપુર જોવા જઈએ.

સ્વાતિ મારી વાત પર હસી. પેલી સ્ત્રીની તેમ જ મારી આંખો જે રીતે અથડાણી તેનાથી સ્વાતિ અજાણ ન હતી, ‘સાગર, તું ખોટો વહેમમાં ન રહેતો. તું તો સાવ ખોટો રૂપિયો છે. જ્યાં પણ જઈશ ત્યાંથી પાછો જ આવવાનો છે!’ સ્વાતિની વાતનો મર્મ સમજતાં હું હસ્યો, હજી પણ પેલી સ્ત્રીની નજર વારંવાર મારા તરફ જતી હતી. હું કશું પણ બીજું વિચારું ત્યાં જ પેલી સ્ત્રી મને સંબોઘીને બોલી, ‘બાબુજી, તમે મુંબઈમાં ઘાટકોપરમાં આવેલ શ્રેયસ સિનેમાની હરોળના બીજા મકાનમાં રહો છો ને?’ તેની વાત તદ્દન સાચી હતી. અમેરિકા જતા પહેલાં હું ત્યાં રહેતો હતો, એટલે મેં તેને હા ભણી બાળકની જેમ આનંદમાં આવી જઈ તે ફરીથી બોલી, ‘બાબુજી, મારું નામ રેશ્મા છે. હું જ્યારે સાતઆઠ વર્ષની હતી ત્યારે અમે મુંબઈમાં શ્રેયસ સિનેમાની થોડેક છેટે આવેલ પંખા બાબાની દરગા પાસે રહેતાં હતાં. હું રોજ સવારે મારા અબ્બા અને અમ્મી સાથે તમારી શેરીમાં શ્રૃંગારનાં સાઘનો વેચવાં માટે આવતી. મારાં મા-બાપ શેરીમાં ઘંઘો કરવા ચાદર પાથરીને બેસતાં ત્યારે હું તમારા મકાનના ચોકમાં આવીને ગીતો ગાતી, અને ગાતાં ગાતાં નાચ ગાન પણ કરતી. તમારી બા મને વહાલથી ઘરે બોલાવીને હેતથી જમાડતાં હોય, ત્યારે બાબુજી, તમે વરંડામાં ખુરશી પર બેઠા બેઠા કંઈક વાંચવામાં મશગૂલ રહેતા.

આટલું કહ્યાં પછી તેણે મને વઘારે થોડુંક યાદ કરાવતાં કહ્યું, કે તે દિવસોમાં ફિલ્મ પાકીઝાનાં ગીતો રેડિયો પર બહુ જ ગુંજતા હતાં. તેમાંનું એક ગીત, ‘ઈન્હી લોગોંને, ઈન્હી લોગોંને લે લિયા દુ પટ્ટા મેરા’ હું પણ ગાતી ગાતી મીનાકુમારીની નક્કલ કરતી, તેની જેમ નાચતી’. આ પ્રમાણે કહીને તેણે એ ગીતની પંકિતને એ જ હલક સાથે હળવેકથી ગાયને સંભળાવી પણ દીઘી. ગીતના શબ્દો અને તેની હલકે મારી આંખમાં એક આઠ-નવ વરસની પતંગિયા સમી ભોળી ભટાક બાળકી ઊછળતી-કૂદતી, હસતી ગાતી ભમવા માંડી. વીસ વરસ પહેલાં વિતેલ રેશ્માનું બાળપણ અને મારો અતીત મારા સમગ્ર અસ્તિત્વની આસપાસ મને ઘેરી વળ્યાં.

દૂઘની બાટલીઓના રણકારે જાગતો સૂર્ય બગાસાં ખાતો બરાબર કામે ચઢે તે પહેલાં મારી શેરી એક નાનકડા બજારમાં ફેરવાઈ જતી. શેરીની બન્ને ઘારે પાંચ-દસ શાક્ભાજીની રેંકડીઓની આસપાસની જગ્યામાં નાના-મોટ્ટા ફેરિયાઓ પોતાના વેપાર જેટલી ચાદર પાથરી પોતાનો અડ્ડો જમાવીને બેસી જતા, કલાક-દોઢ કલાક પહેલાં સૂનકાર ભાસતી શેરી શોરબકોથીર ગાજી ઊઠતી.

(2)

રસ્તા પર મેલું-ઘેલું પાથરણું પાથરી જાત જાતની રંગ-બે રંગી બંગડીઓ, મોતીની માળાઓ, કંકુ અને નખ રંગવાની શીશીઓ લઈને વેચવાં બેસતું એક મુસ્લિમ કટુંબ પોતાના નાનકડા વેપાર દ્વારા બે પૈસા રળવાની વેતરણમાં હો,ય ત્યારે એમની સાતેક વર્ષની દીકરી આસપાસનાં મકાનોમાં જઈ પોતાની ઢબે હિંદી ફિલ્મોનાં ગીતો ગાઈને થોડું ઘણું પરચૂરણ ભેગું કરી લેતી. 

કુદરતે આ બાળકીને મબલખ રૂપ બક્ષ્યું હતું. મુસ્લિમ માત-પિતાનું સંતાન હોવાથી તેનો પહેર -વેશ પણ મુસ્લિમ રીત રિવાજ મુજબનો રહેતો. વળી અઘૂરામાં પૂરું મા-બાપનો રૂપ શૃંગારનો ઘંઘો એટલે આપણે તેના શૃંગાર વિશે તો વાત જ શી કરવી?

આ દિવસો દરમિયાન હું બી.એ.ના છેલ્લા વર્ષમાં હતો. કયારેક હું મારા વરંડામાં બેસીને વાંચતો હોઉં ત્યારે આ બાળકી અમારા મકાનના ચોકમાં આવીને ગીતો ગાતી. ખાસ કરીને એ વખતે મીનાકુમારીની ભૂમિકાવાળું ‘પાકીઝા’ ચલચિત્ર મુંબઈ તેમ જ ભારતનાં અનેક સિનેમા ઘરોમાં ઘૂમ મચાવી રહ્યું હતું. આ બાળકી જ્યારે ‘ઈન્હી લોંગોને, ઈન્હી લોંગોને લે લિયા દુપટ્ટા મેરા’ ગીત ગાવા સાથે પોતાની આગવી કળાથી નૃત્ય કરવાનું શરૂ કરતી, ત્યારે એને જોવા-સાંભળવા આજુ બાજુનાં મકાનોની ગૅલેરી તેમ જ બારીઓ લોકોથી છલકાઈ જતી. આ નાનકડી મીનાકુમારી ગીતના શબ્દોનો અર્થ સમજ્યા વિના અત્યંત નિખાલસ મને મકાનની ગૅલેરી તેમ જ બારીમાં ઊભેલા લોક સમુદાય સમક્ષ પોતાના ભોળા ચહેરે જે હાવભાવ સાથે ગાતી ત્યારે પ્રેક્ષકોની આંખો અને ચહેરા પર અનેરી ખુશી વ્યાપી જતી.

બેચાર ગીતો બાદ તે ચોક વચ્ચે ઘડી બે ઘડીનો વિશ્રામ લેવા બેસતી, ત્યારે તેના નૃત્યને નિહાળી આનંદ વિભોર બની રહેલો માનવ સમુદાય પૈસાનો વરસાદ વરસાવી મૂકતો. પોતાના નાજુક હાથો વડે ચોકમાંથી પૈસા વીણતી લોકોનો આભાર વ્યકત કરતી મીનાકુમારીની આ નાનકડી પ્રતિકૃતિ મારા વરંડા સામે ઊભી રહેતી. હું વરંડામાંથી રસોડામાં કામ કરતી મારી બાને અવાજ દેતો, ‘બા, તમારી થાળી તૈયાર છે? પેલી નાનકડી મીનાકુમારી તમારા બોલાવવાની રાહ જોઈ રહી છે’. મારો સાદ સાંભળી બા રસોડામાંથી વરંડા તરફ ડોકાતાં. જો રસોઈ તૈયાર હોય તો પેલી બાળકીને સાદ પાડી જમવા માટે ઉપર બોલાવતાં. કોઈ કારણસર બાને રસોઈ બનાવતાં મોડું થયું હોય તો તેઓ કહેતાં, ‘જા દીકરી, બે ચાર મકાનમાં તું આંટો મારીને આવીશ ત્યાં સુઘીમાં મારી રસોઈ અને તારી થાળી તૈયાર થઈ ગઈ હશે.’

બાનો આ નિત્યક્રમ મેં લગભગ બે-ચાર વરસ તો જોયો હશે. પેલી બાળકી બાના બોલાવતાંની સાથે જ હસતી કૂદતી અમારા ઘરે દોડી આવતી. બા તેને ઓરડા બહાર એક ચટાઈ પર બેસાડી તેની થાળીમાં રસોડામાં જે કંઈ ખાવાનું બન્યું હોય તેમાંથી તેની થાળીમાં પીરસે. છોકરી ઘરાઈને જમી લે એટલે બાને પૂછે,’બા, તમારે કંઈ કામ કાજ છે?’ બા હસતાં હસતાં કહે, ‘દીકરા, આજે મારે કંઈ કામ કાજ નથી પણ ક્યારેક હશે તો તને જરૂર કહીશ’.

રેશ્માએ અંદાજે વીસ બાવીસ વર્ષ પહેલાંનાં સસ્મરણોના ઢગલામાંથી જે રીતે મને ઓળખી લીઘો તેથી મને અત્યંત આશ્ચર્ય થાય છે. ‘બાબુજી, હું તમને ઓળખી ગઈ તે પણ ખુદાનો ચમત્કાર છે!’ આટલું કહેતાં તેની હરણી શી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. રોજ તેને હાક મારીને ઘરે ભોજન કરવા બોલાવતાં મારી બાના સમાચાર તેણે મને પૂછ્યા. લગભગ ત્રણેક વર્ષ પહેલાં બાના દેવલોક થયાના સમાચાર મારા મુખે સાંભળતાં જ તેનું હ્રદય ભરાઈ આવ્યું. રેશ્મા અને મારી વાત દરમિયાન સ્વાતિએ પોતાનું પર્સ ખોલી તેમાંથી સો સો રૂપિયાની ત્રણ ચાર નોટ કાઢી પોતે ખરીદેલ વસ્તુઓના દામ ચૂકવવા રેશ્મા સામે ઘર્યા.

રેશ્માએ તરત જ રૂપિયા સ્વાતિના હાથમાં પરત કરી દેતાં, પોતાના બે હાથ આકાશ તરફ ઊંચા કરતા કહ્યું, ‘મારે કયામતના દિને અલ્લાહ સામે ઊભા રહેવાનું છે, એ જ્યારે મને આ બાબત પૂછશે ત્યારે હું શો જવાબ દઈશ!’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

આત્માનો સ્વભાવ વિશાળ આંતરમુક્તિનો છે : મહર્ષિ અરવિંદ

સોનલ પરીખ|Opinion - Opinion|13 October 2023

મેં પાંચ સ્વપ્ન જોયાં છે. પહેલું સ્વપ્ન છે ક્રાંતિ દ્વારા સ્વતંત્ર અને સંગઠિત ભારતનું સર્જન કરવું. બીજું સ્વપ્ન છે કે એશિયાની પ્રજાઓ જાગે, સ્વતંત્ર થાય અને માનવ સંસ્કૃતિના વિકાસમાં મહાન યોગદાન આપતી થાય. ત્રીજું સ્વપ્ન છે એક રાષ્ટ્રસંઘ, જેના દ્વારા માનવજાતિને વધુ સુંદર, વધું ઉજ્જ્વળ અને વધુ ઉત્તમ જીવન જીવવા માટે એક બાહ્ય ભૂમિકા પ્રાપ્ત થાય. ચોથું સ્વપ્ન છે ભારત જગતને આધ્યાત્મિક ભેટ આપવા માટે સક્ષમ બને અને છેલ્લું સ્વપ્ન એ છે કે માનવ એક નવી ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરે, એક વધુ ઉચ્ચ અને વિશાળ ચેતનાની અંદર આરોહણ પામે.

  — મહર્ષિ અરવિંદ

‘મારા જીવન વિશે કોઈ લખી શકે એમ નથી, કારણ કે તે માણસો જોઈ શકે એવું સપાટી પરનું નથી.’ આ શબ્દો છે મહર્ષિ અરવિંદના. એમની હયાતીમાં એમનું જીવનચરિત્ર લખવાના પ્રયત્ન શરૂ થયાનું જાણમાં આવતાં તેમણે આ શબ્દો કહ્યા હતા. એમણે એમ પણ કહ્યું કે ‘માણસના આધ્યાત્મિક જીવનમાં એણે બાહ્ય શું કામ કર્યું એ અગત્યનું નથી. યોગીનું આંતરજીવન ઘણું વિશાળ અને અનેકદેશીય હોય છે, અને એમાં અર્થસભર વસ્તુઓનો સંભાર એટલો વિપુલ હોય છે કે કોઈ ચરિત્રલેખક એને વિશે લખવાની આશા રાખી શકે નહીં.’

વાત સાચી છે. મહર્ષિ અરવિંદ વિશ્વનાં વિચારબળો પર પ્રભાવ પાડનાર રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી અને રવીન્દ્રનાથ ઠાકુરની પરંપરામાં બેસતી વિભૂતિ છે. તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક હતા, ક્રાંતિકારી રાજનેતા હતા, સાહિત્યમર્મજ્ઞ, સર્જક, મીમાંસક, ફિલસૂફ, ભાષ્યકાર અને અનુવાદક પણ હતા. પણ આ સૌ ઉપરાંત તેઓ મહાન યોગી અને દૃષ્ટા હતા. તેમનું સાહિત્ય પણ એ ઊર્ધ્વ ચેતનામાંથી સર્જાયું છે.

મહર્ષિ અરવિંદનો જન્મદિન 15 ઑગસ્ટે આવે છે, આપણો સ્વાતંત્ર્યદિન પણ એ જ દિવસે છે. શ્રીમાતાજીએ કહ્યું છે, ‘૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે મહર્ષિ અરવિંદે આપેલો સંદેશ ફરી ફરીને વંચાતો રહે અને તેનું રહસ્ય તેમના કરોડો દેશબાંધવોને સમજાવાતું રહે એ ખૂબ જરૂરનું છે. ભારતને એમની દૃઢ પ્રતીતિની અને શ્રદ્ધાની ઘણી જ જરૂર છે.’

આ સંદેશનો સાર કંઈક આવો છે :

‘ઑગસ્ટ ૧૫, ૧૯૪૭ એ સ્વતંત્ર ભારતનો જન્મદિવસ છે. ૧૫ ઑગસ્ટ એ મારો પોતાનો જન્મદિવસ છે. એ દિવસ આવું મહાન ગૌરવ ધારણ કરે એ પણ મારા માટે સ્વાભાવિક રીતે ઘણી આનંદમય ઘટના છે. આ સુયોગને હું કેવળ એક અકસ્માત તરીકે જ નથી જોતો. હું જોઉં છું કે મારા જીવનના આરંભકાળથી મેં જે કાર્ય હાથ ધર્યું છે, તેના પર દિવ્ય શક્તિએ આ સુયોગ દ્વારા પોતાની મહોર મારી આપી છે.

‘મેં પાંચ સ્વપ્ન જોયાં છે. પહેલું સ્વપ્ન છે ક્રાંતિકારી આંદોલન દ્વારા સ્વતંત્ર અને સંગઠિત ભારતનું સર્જન કરવું. બીજું સ્વપ્ન છે એશિયાની પ્રજાઓની જાગૃતિનું – તેમની સ્વતંત્રતાનું, માનવ સંસ્કૃતિના વિકાસમાં એશિયાએ જે મહાન ભાગ ભજવવાનો છે તે એ ભજવતું થાય તેનું. ત્રીજું સ્વપ્ન છે એક રાષ્ટ્રસંઘ, જેના દ્વારા માનજાતિને વધુ સુંદર, વધું ઉજ્જ્વળ અને વધુ ઉત્તમ જીવન જીવવા માટે એક બાહ્ય ભૂમિકા પ્રાપ્ત થાય. ચોથું સ્વપ્ન છે ભારત જગતને આધ્યાત્મિક ભેટ અપવા માટે સક્ષમ બને અને છેલ્લું સ્વપ્ન એ છે કે માનવ એક નવી ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરે, એક વધુ ઉચ્ચ અને વિશાળ ચેતનાની અંદર આરોહણ પામે.

‘ભારતની સ્વતંત્રતાના આજના દિવસનું રહસ્ય હું આ રીતે જોઉં છું. આ આશા સફળ થશે કે નહીં અથવા કેટલી સફળ થશે એનો આધાર હવેના સ્વતંત્ર અને નૂતન ભારત પર રહે છે.’

એમના પિતાનું નામ કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા. પિતા સિવિલ સર્જન હતા. 1879માં પિતા ત્રણે પુત્રોને ઈંગ્લૅન્ડ લઈ ગયા, ડ્ર્યુએટ કુટુંબમાં મૂક્યા અને સ્પષ્ટ સૂચના આપી કે તેમનો ઉછેર અંગ્રેજી ઢબે થવો જોઈએ અને તેમના પર કોઈ ધાર્મિક સંસ્કાર પડવા ન જોઈએ. મૅટ્રિક્યુલેશન પછી કેમ્બ્રિજમાં હતા ત્યારે ‘ઇન્ડિયન મજલિસ’ નામના વિદ્યાર્થી-ગ્રૂપમાં જોડાયા અને ભારતને સ્વતંત્ર કરવાની જોરદાર હિમાયત કરતાં ભાષણો કર્યાં. ઇન્ડિયન સિવિલ સર્વિસની છેલ્લી પરીક્ષા પસાર કરી, પણ આઈ.સી.એસ.ની ડિગ્રી લીધી નહીં. વડોદરાના મહારાજા સયાજીરાવ ત્યાં આવેલા. તેમણે ત્યાં જ એમને વડોદરા રાજ્યમાં ગોઠવી દીધા. 1893માં 13 વર્ષના ઇંગ્લેન્ડવાસ પછી ભારતીય ભૂમિ ઉપર પગ મૂક્યો તેવી જ એક વિશાળ શાંતિ તેમના પર ઊતરી આવી. આ આધ્યાત્મિક શાંતિ મહિનાઓ સુધી રહી.

વડોદરા રાજ્યમાં શ્રીઅરવિંદે મહેસૂલ ખાતામાં, મહારાજાના રહસ્યમંત્રી તરીકે, અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક તરીકે એમ વિવિધ કામગીરીઓ સંભાળી. 1901માં મૃણાલિની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. અંગ્રેજીમાં લખેલા કાવ્યોનો એક સંગ્રહ આ ગાળામાં પ્રગટ થયેલો. વિષ્ણુ પ્રભાકર લેલે પાસેથી યોગ શીખ્યા. બંગભંગની લડત વખતે બંગાળના ક્રાન્તિકારીઓ સાથે તેઓ ગાઢ સંપર્કમાં હતા. ‘યુગાન્તર’ અને ‘વન્દે માતરમ્’ના ક્રાન્તિકારી લખાણો પછી સરકારે એમની ધરપકડ કરી. જામીન પર છૂટ્યા પછી બંગાળની નૅશનલ પાર્ટીના નેતા તરીકે મુંબઈ, નાશિક, નાગપુર વગેરે સ્થળોએ જાહેર ભાષણો આપ્યાં. 1908માં તેમના પર અલીપુર બૉમ્બ કેસ થયો અને 1909માં તેમને અલીપુરની જેલમાં મોકલાયા.

આ જેલવાસ ખૂબ મહત્ત્વનો નીવડ્યો. અહીં તેમને પ્રભુએ તેમને પોતાના સાધન તરીકે પસંદ કર્યા છે હવે તેમણે એનું કામ કરવાનું છે એવો આધ્યાત્મિક અનુભવ થયો. તેમણે જેલમાં જ ગીતાનું મનન કર્યું અને ગીતા પર નિબંધો લખ્યાં. રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધાની જાહેરાત કરી. 1914માં ‘આર્ય’ શરૂ કર્યું. તેમનાં ‘ધ લાઇફ ડિવાઇન’, ‘ધ સિન્થેસિસ ઑફ યોગ’, ધ આઇડિયલ ઑફ હ્યૂમન યુનિટી’, ‘ધ હ્યૂમન સાઇકલ’, ‘ધ ફ્યૂચર પોએટ્રી’ વગેરે પુસ્તકોનાં લખાણો સૌ પ્રથમ ‘આર્ય’માં હપ્તાવાર છપાયાં હતાં.

આ જ વર્ષે શ્રીમાતાજી શ્રીઅરવિંદને પ્રથમ વાર પોંડીચેરીમાં મળ્યાં. 1920 પછી શ્રીમાતાજી પોણ્ડિચેરી જ રહ્યાં. 1926માં શ્રીઅરવિંદમાં અધિમનસનું અવતરણ થયું. હવે તેઓ સાધના માટે સંપૂર્ણપણે નિવૃત્ત થયા. વરસમાં ચાર દિવસ જ દર્શન આપતા. આશ્રમનો હવાલો શ્રીમાતાજી સંભાળતાં. 1950ના ડિસેમ્બરની 5મીએ શ્રીઅરવિંદે સમાધિ લીધી.

શ્રીઅરવિંદનું જીવનદર્શન તેમની વિચારણામાં, તેમના યોગમાં અને તેમની કવિતામાં પ્રગટ થયું છે. ‘ધ લાઇફ ડિવાઇન’માં તેઓ કહે છે : ‘અતિમાનવતા એટલે સામાન્ય માનવતાની રેખાને વટાવી ચેતનાનું નવું પ્રસ્થાન સાધવું એમ નહીં, પરંતુ માનવચેતના કાયમ રાખીને એમાં શક્તિની માત્રાનો પ્રચુર વધારો કરવો એ છે.’ શ્રીઅરવિંદનો અતિમાનવ એ સાત્ત્વિક તેજથી ભર્યો ભર્યો લોકહિતકારી અતિમાનવ છે. શ્રીઅરવિંદનો પૂર્ણયોગ એ પ્રકૃતિ સમેત સમગ્ર માનવચેતનાને દિવ્યતામાં પહોંચાડનારી પ્રક્રિયા છે.

તેમના મનસ (માઈન્ડ), અધિમનસ (ઓવરમાઈન્ડ) અને અતિમનસ(સુપરમાઈન્ડ)નાં સોપાનો સમજવા જેવાં છે. તેમનાં આ વચનો યાદ રાખવા જેવાં છે, ‘ભૂતકાળમાં જ્યારે જ્યારે આધ્યાત્મિકતાની કોઈ મોટી ભરતી ચડી આવેલી છે ત્યારે ત્યારે તેના પરિણામ રૂપે સામાન્ય રીતે કોઈ એક ખાસ પ્રકારનો નવો ધર્મ ઉદય પામેલો છે. આવો નવો ધર્મ પછી આખી માનવજાતિ ઉપર પોતાને સ્થાપિત કરવાનો પ્રયત્ન આદરે છે; પરંતુ આધ્યાત્મિક ભરતીઓનું આવું પરિણામ અકાળે આવેલું તેમ જ ખોટું હોય છે અને એવા પરિણામે કોઈ ગહન અને ગંભીર વસ્તુને સિદ્ધ કરવાને બદલે ઊલટી એની સિદ્ધિને અટકાવેલી હોય છે … આત્માનો સ્વભાવ તો એક વિશાળ આંતરમુક્તિનો અને વિશાળ એકતાનો બનેલો છે.’

ગદ્યમાં ‘લાઇફ ડિવાઇન’ અને પદ્યમાં ‘સાવિત્રી’ અરવિંદદર્શનના સર્વોત્તમ આવિષ્કાર ગણાય છે.  ‘સાવિત્રી’નો મુખ્ય વિષય છે મૃત્યુ ઉપરનો વિજય – ‘માણસ મૃત્યુંજયી ત્યારે બને જ્યારે તે બધી જ સીમિત માન્યતાઓ-પરંપરાઓ, ક્ષુદ્રતાઓ, કુસંસ્કારોનો ત્યાગ કરી પોતાને શુદ્ધ, પવિત્ર અને દિવ્ય બનાવે. એમ થશે ત્યારે જ તે પોતાની પ્રાપ્તિ અને અભિવ્યક્તિના શિખરે પહોંચશે.’

તેમનો શિક્ષણવિચાર બાળક-કેન્દ્રી છે. વિષયશિક્ષણ જેટલું જ મહત્ત્વ એમણે કલાઓ અને કૌશલ્યોને આપ્યું છે. કહે છે, ‘વ્યક્તિનો સૃષ્ટિ સાથે નાતો બંધાવો જોઈએ. શિક્ષણ અનુભવ દ્વારા અપાતું અને સ્વતંત્ર વાતાવરણ દ્વારા સ્વપ્રયત્ને શીખવા દેતું હોવું જોઈએ, માતૃભાષામાં જ હોવું જોઈએ અને તેનો ઉદ્દેશ વ્યક્તિ પોતાના આંતરબાહ્યને પ્રકાશિત કરે એ જ હોવો જોઈએ. શિક્ષકની ભૂમિકા સહાયક, માર્ગદર્શક અને મિત્રની છે.’

ગુરુદેવ ટાગોરે શ્રીઅરવિંદને મળ્યા પછી લખ્યું, ‘પાછો વળ્યો ત્યારે અહંકાર રડી પડ્યો, પણ અંતરમાં બેઠેલો કવિ શાંત સ્મિતમાં સમાધિસ્થ હતો.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 ઑગસ્ટ  2023

Loading

...102030...1,0851,0861,0871,088...1,1001,1101,120...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved