ફ્રૅન્ચ ફિલસૂફ ઝાં-ફ્રાન્સ્વા લ્યોતાર એવો દાવો કરે છે કે આધુનિક સમયનાં ઍન્લાઇટન્મૅન્ટ, માર્ક્સિઝમ, અને ક્રિશ્ચ્યાનિટી વગેરે ગ્રાન્ડ નૅરેટિવ્ઝ અથવા મૅટાનૅરેટિવ્ઝ – મહાવૃત્તાન્તો – આ પોસ્ટમૉડર્નિસ્ટ – અનુઆધુનિક – સમયમાં ઝાઝાં વિશ્વસનીય નથી રહ્યાં. એમનું મન્તવ્ય છે કે એ નૅરેટિવ્ઝ અત્રેતત્રે રજૂ ભલે થાય છે, પણ તે અતિ સરળ અને વિભાજનકારી છે તેમ જ માનવઅનુભવના વૈવિધ્યને લક્ષમાં નથી લઈ શકતાં, નિષ્ફળ જાય છે.
એ નિષ્ફળતામાં લ્યોતાર ટૅક્નોલૉજિકલ પ્રોગ્રેસને, અધિકૃત પરમ્પરાઓના પતનને તેમ જ અનેકવચનીય વિચારધારાઓના ઉદયને કારણભૂત ગણે છે.
મને એમની વિચારધારાના બે મુદ્દા અત્રે પ્રસ્તુત જણાયા છે :
એક મુદ્દો ભાષાનો છે. વૃત્તાન્ત, વાર્તા કે કથા, ભાષા દ્વારા કહેવાતાં હોય છે, એથી વિવિધ ભાષા-લીલા સંભવે છે, લૅન્ગ્વેજ ગેમ્સ. એને કારણે પણ મહાવૃત્તાન્તો સફળ નીવડવાની સંભવિતતા વધી જાય છે. જે તે જ્ઞાનક્ષેત્રમાં પ્રવર્તતાં વિધાનો ભાષાના નિયમોને અનુસરવાથી જનમ્યાં હોય છે. મતલબ, વૃત્તાન્તો ભાષાના નિયમન હેઠળ આવી ગયાં હોય છે. ભાષા પ્રયોજવાની અમુક નવી પદ્ધતિને કારણે જ્ઞાનમાં વૃદ્ધિ કરનારાં નવાં વિધાનો જનમે છે બલકે એ વિધાનોની કે તે વડે સૂચવાતાં સત્યની પ્રમાણભૂતતાનો પ્રશ્ન પણ નથી રહેતો.
લ્યોતારનું મન્તવ્ય છે કે અનુઆધુનિક સ્થિતિ-પરિસ્થિતિમાં આવી અનેકવિધ ભાષાલીલા જોવા મળે છે. એથી બે પરિણામો આવે છે, તમે એક સત્યની બીજા સત્ય જોડે તુલના નથી કરી શકતા, કેમ કે બન્ને સરખેસરખાં પૂર્ણ ભાસે છે, અને કોઇપણ સત્યને સાર્વત્રિક ઠેરવવાનું કે નહીં ઠેરવવાનું તમારા માટે કઠિન થઈ પડે છે.
એક મહત્ત્વનો મુદ્દો લ્યોતાર એ રજૂ કરે છે કે મહાવૃત્તાન્તોને સ્થાને સ્મૉલ કે માઇક્રો નૅરેટિવ્ઝની – લઘુ વૃત્તાન્તોની – રચનાઓ કરી શકાય છે, બહુવચનીય રીતની વિચારધારાઓ સરજી શકાય છે.
લઘુ વૃત્તાન્તની વિશેષતા એ છે કે માણસના જીવનની સુવ્યાપ્ત વાત કરવાને સ્થાને એ અવ્યાપ્ત અને મર્યાદિત વાત કરે છે; વિશ્વમાનવનની નહીં પણ માનવની વાર્તા માંડે છે, એ વાર્તા યુનિવર્સલ નહી પણ લોકલ હોય છે. ટૂંકમાં, એ આપણા વડે કહેવાતાં આપણા વિશેનાં આપણાં વૃત્તાન્ત હોય છે. એથી સીધી હેતુસિદ્ધિ થાય છે, એમાં ભાષિક વ્યાપારો ઝાઝા નથી હોતા. લ્યોતાર લઘુ વૃત્તાન્તોનું જરા જેટલું ય ઓછું મૂલ્ય નથી આંકતા.
“The Postmodern Condition : A Report on Knowledge” (Tr. by Geoff Bennington and Brian Massumi) -માં લ્યોતારે ગ્રાન્ડ નૅરેટિવ વિશે કરેલું આ વિધાન સુવિદિત છે :
A grand narrative is a totalizing narrative that provides a comprehensive and unified view of reality, and explains the meaning and purpose of human life.
લ્યોતારનો આ ગ્રન્થ ફ્રૅન્ચમાં ૧૯૭૯-માં અને આ અનુવાદ ૧૯૮૪-માં પ્રકાશિત છે. તે દરમ્યાન, અને તે પછી, ‘એ.આઈ.’ નિરનન્તર વિકસતું રહ્યું છે. એ જોતાં, મને સવાલ થયો છે કે શું આપણે ‘એ.આઈ.’-ને ગ્રાન્ડ નૅરેટિવ ગણી શકીએ -?
‘એ.આઈ.’ મારી દૃષ્ટિએ ગ્રાન્ડ નૅરેટિવનાં ઘણાં લક્ષણો ધરાવે છે. ‘એ.આઈ.’ આપણે જોયું છે કે સર્વગ્રાહીતા અને સમ્પૂર્ણતાની દિશામાં ધપી રહ્યું છે. માનવજીવનની દૃશ્યમાન વાસ્તવિકતામાં એ એક અપૂર્વ અને અપ્રતિમ વાસ્તવિકતા રૂપે ઉમેરાઈ ગયું છે, ખાસ તો એ, વર્ચ્યુઅલ અને ઍકચ્યુલ રીયાલિટીઝ વચ્ચેના ભેદ ભૂંસી રહ્યું છે.
પરિણામે, માણસની ખાણીપીણી, પહેરવેશ, એકબીજા સાથેનો સંદેશાવ્યવહાર, વગેરે જીવનશૈલી ઘણી પ્રભાવિત થઈ રહી છે. જીવનના દરેક સંવિભાગમાં અવનવા સંકેતકો અને સંકેતાર્થો સરજાતા જાય છે, અને એ દિશામાં માણસ ખુશી ખુશી જઈ રહ્યો છે.
‘એ.આઈ.’ આજે વિશ્વને જોવાની નૂતન દૃષ્ટિ અર્પી રહ્યું છે. માણસ સહજોપલબ્ધિ અને સ્વાનુભવે વિશ્વને જોતો-પામતો હતો, પણ એની એ રીઢી ટેવને ડેટા અને ઑલ્ગોરીધમ્સથી ઘડાયેલી દૃષ્ટિમતિએ બદલી નાખી છે. ‘એ.આઈ.’ આપણી શારીરિક અને જ્ઞાનવિષયક મર્યાદાઓથી ઊભી થયેલી જીવનવિષયક રૂઢ સમજને પણ બદલી રહ્યું છે. સમાજની પણ નવરચના થઈ રહી છે. ઉદ્યોગો સાથેની પ્રવર્તમાન સિસ્ટમ્સમાં બદલાવ આવી ગયા છે; એને પરિણામે નૈપુણ્ય અને ઉત્પાદનોમાં વૃદ્ધિ થઈ રહી છે.
વધારે ચૉંકાવી મૂકે એવી હકીકત એ છે કે ‘લાર્જ લૅન્ગવેજ મૉડેલ્સ’ વિશ્વની અનેક ભાષાઓના ડેટા વડે તાલીમ પામી રહ્યાં છે. દાખલા તરીકે, GPT-3 ૧૭૫ બિલિયન શબ્દોના ડેટાસૅટથી તાલીમ પામી રહ્યું છે. એમાં ૨૦૦થી વધુ વિશ્વ ભાષાનાં પુસ્તકો, લેખો, કોડ્સ વગેરેનો સમાવેશ થાય છે. દાખલા તરીકે, LaMDA ૧.૫૬ ટ્રિલિયન શબ્દોના ડેટાસૅટથી તાલીમ પામી રહ્યું છે. એમાં પણ દુનિયાભરની ૨૦૦ ભાષાઓની સામગ્રીનો સમાવેશ થાય છે.
એટલે સંચિત સાહિત્યો, ધર્મપરક વૃત્તાન્તો, પુરાણગાથાઓ, મહાત્માઓ અને મનીષીઓના ગ્રન્થો વગેરે માનવ-સંસ્કૃતિમાં સરજાયેલા તમામ ડેટાના નિર્મર્યાદ જથ્થાથી એ મૉડેલ્સ બળવાન બની રહ્યાં છે, તેના વિવિધ વિનિયોગ માટેનાં વિવિધ ઑલ્ગોરીધમ્સ વિકસી રહ્યા છે.
પરન્તુ, એને પરિણામે, સંસારમાં નવ્ય વિચારધારાઓ નહીં, પણ ટૅક્નોલૉજિઝ અને ટૅક્નોલૉજિઝને કારણે નવ્ય વસ્તુઓનો જ વસ્તુસંસાર વિસ્તરી રહ્યો છે.
વસ્તુઓ પાસે શબ્દાર્થો દેખીતું છે કે ગૌણ ભાસે. અને ‘એ.આઈ.’-ની સત્તાએ કરીને ભાષિક અર્થની ધૂંધળાશ ઘટી રહી છે, મનુષ્યજીવનના અર્થ કે હેતુ વિશેના પ્રશ્નોની તીવ્રતા પણ ઘટી રહી છે; એને સદ્દનસીબ ગણવું કે કમનસીબ એ પ્રશ્ન ઊભો રહે છે, પણ એ જુદી ચર્ચાનો વિષય છે.
આપણે કલ્પના કરીને વિચારવું જોઈશે કે એ સંજોગોમાં સાહિત્ય અને કલાઓનું શું સ્વરૂપ ઘડાયું હશે, ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ કેવુંક ઘડાયું હશે.
આ પછી, ‘ચાલો, હરારી પાસે’ લેખશ્રેણીનો અન્તિમ લેખ રજૂ કરીશ.
= = =
(10/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર