ગુજરાતી પત્રકારત્વને નર્મદ જેવા નીડર અને પ્રખર સમાજ સુધારાવાદી પત્રકાર આપનાર સુરતની ભૂમિ પર પત્રકારત્વમાં વિશ્વસનીયતાની વર્તાતી અછત અને પત્રકારત્વ સામેના પડકારોમાંથી પત્રકારત્વને ઉગારી લેવાના શુભઆશય સાથે ચિંતનાત્મક કહી શકાય એવો જર્નલિઝ્મ નૅશનલ કોન્કલેવ તા. ૧૯ ફેબ્રુઆરીએ યોજાયો હતો. શ્રી પ્રવીણકાંત રેશમવાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝ્મ એન્ડ માસ કમ્યુિનકેશન, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ એક દિવસીય સેમિનારના ઉદ્ઘાટન સમારંભમાં એન.ડી.ટી.વી.ના પત્રકાર અને પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાના મનોરંજન ભારતી, જન્મભૂમિના મૅનેજિંગ ટ્રસ્ટી કુંદન વ્યાસ, વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકર, માહિતી અધિકારી મહેશચંદ્ર કટારા, કાર્યકારી કુલસચિવ અરવિંદ ધડુક, જર્નલિઝ્મ વિભાગના વડા ડૉ. કલ્પના રાવ તેમ જ વિવિધ છાપાંના તંત્રીઓ, વરિષ્ઠ પત્રકારોએ અલગ અલગ વિષય પર વક્તવ્ય આપ્યાં હતાં.
પત્રકાર મનોરંજન ભારતીએ પત્રકાર બનવા ઇચ્છતા યુવાનોને કહ્યું હતું કે તમારી પાસે ઘણા વિકલ્પો છે. ગુગલ, શબ્દકોશ આ બધાં સાધનોનો ઉપયોગ કરો. વાચન વધારો, ભાષા પર પકડ મેળવો, સમાચારને ઓળખી તેની પાછળ ભાગો. સમાજની નસ નહીં પકડો તો તમે પત્રકાર નહીં કહેવાવ. તેમણે કહ્યું હતું કે પત્રકારત્વ પૈસા કમાવવા માટે નથી. કુંદન વ્યાસે કહ્યું હતું કે માધ્યમો સામે રહેલા પડકારો વિશે વિચારીને ખામીઓ કઈ રીતે ઓછી કરી શકાય તે વિચારવું જોઈએ. લોકશાહીના ચોથા સ્તંભસમું પત્રકારત્વ પોતાની મહત્ત્વની ભમિકા નિભાવવાના બદલે નીચું જતું જાય છે. કુલપતિ દક્ષેશ ઠાકરે બદલાતા સમય સાથે બદલાવાની વાત કરી હતી અને વિશ્વસનીયતા ટકાવી રાખવા અખબારી ધર્મ નિભાવવા હાકલ કરીને બ્રેકિંગ ન્યૂઝના વાયરા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પત્રકારત્વની વિશ્વસનીયતા ઉપર બોલતા નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટે કહ્યું હતું કે છાપાંમાં સમાચારોને મૅનેજ કરવામાં આવે છે. જેમાં લોકલ તંત્રીઓનું કંઈ ચાલતું નથી. છાપાંમાં ઉપલા લેવલથી અદૃશ્ય વ્યક્તિઓ આ મૅનેજ કરતી હોય છે. તેમણે કહ્યું હતું કે વિશ્વસનીયતા શોધવાનું કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કપરું છે. સંદેશના સુરતના નિવાસી તંત્રી મનોજ ગાંધીએ કહ્યું કે પત્રકારત્વના મૂળમાં વિશ્વાસ છે. જો એ હશે તો જ પત્રકારત્વમાં ટકી શકાશે. ગુજરાત ગાર્ડિયનના તંત્રી મનોજ મિસ્ત્રીએ પોતાની વાત એ રીતે મૂકી હતી કે પત્રકારત્વનું અસ્તિત્વ જોખમમાં નથી પણ એને તટસ્થ બનવાની જરૂર છે. તેમણે ખૂબ જરૂરી એવી વાત એ કહી હતી કે આપણા માલિકો તટસ્થ નથી. પત્રકાર તો ઝનૂનથી ભરેલો હોય જ છે. સમાચારો કેન્દ્ર (દિલ્હી) અને ગાંધીનગરથી મૅનેજ થતા હોય છે. તેમણે કહ્યું હતું કે જ્યારે પત્રકાર કોઈનો હાથો બની જાય છે ત્યારે એનું જીવન ખૂબ જ ટૂંકું હોય છે. ગુજરાત સમાચારના પત્રકાર ભવેન કચ્છીએ પત્રકારોની સ્વસ્થતા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પત્રકારે પોતાની અંગત લાગણીઓ જાહેર કરવાની નથી હોતી. પત્રકારોએ પોતાની ઓફિસના કામ અને પરિવાર વચ્ચે પણ તાલમેળ રાખવાનો હોવાથી પત્રકારત્વમાં સ્વસ્થતા ખૂબ જ જરૂરી છે. હોટલાઇનના તંત્રી વિક્રમ વકીલે પત્રકારત્વમાં ફોટો એડિટરની કોઈ પોસ્ટ ના હોય એ કમનસીબી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે પત્રકારત્વમાં ગ્રામીણ વિસ્તારના મુદ્દા પર પણ ફોટોગ્રાફી થવી જોઈએ. ઇન્ડિયા ટુડે ગ્રૂપના ફોટોગ્રાફર શૈલેષ રાવલે કહ્યું હતું કે ફોટોગ્રાફીનાં સાધનો વધ્યાં છે પણ સમજ ઘટી છે. ભવિષ્યમાં તસવીર આંતરરાષ્ટ્રીય ભાષા બનવા જઈ રહી છે. તેમણે તસવીરકળાને અમરત્વનું વરદાન ગણાવ્યું હતું. ‘ચિત્રલેખા’ના સહાયક તંત્રી અને કારગિલ યુદ્ધનું રિપોર્ટીંગ કરનાર એક માત્ર ગુજરાતી પત્રકાર હિરેન મહેતાએ યુદ્ધભૂમિના પત્રકારત્વની રોચક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પત્રકારત્વ કરવા માટે વિવેક અને લશ્કરી શિસ્ત અપનાવવી જરૂરી છે. આ સાથે તેમણે કેટલીક આંકડાકીય માહિતી પણ આપી હતી અને સંરક્ષણક્ષેત્ર સાથે પત્રકારને સરકાર દ્વારા મળતી તાલીમ અંગે મહત્ત્વની જાણકારી આપી હતી. દિવ્ય ભાસ્કર-સુરતના તંત્રી અજય નાયકે પત્રકારત્વનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું જણાવી પડકારો સામે અડીખમ ઊભા રહેવાની તાકીદ કરી હતી. પત્રકારત્વના ભવિષ્ય ઉપર વક્તવ્ય આપતા ‘અમદાવાદ મિરર’નાં તંત્રી દીપલ ત્રિવેદીએ ટેક્નોલોજીથી અપડેટ રહેવું, વાચકોને સમજવા, પારદર્શિતા લાવવા અને એક સાથે વધુ કામ કરવાની આવડત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે વાચકને શું આપવું જોઈએ એ નહીં પણ વાચકને શું જોઈએ છે એ આપવું જોઈએ. ન્યુઝ ચેનલ ટીવી-નાઈનના હેડ કલ્પક કેકડેએ હિન્દી ભાષામાં વક્તવ્ય આપતા કહ્યું હતું કે ભાષાના કારણે પ્રેમ હોય છે જેના કારણે પ્રાદેશિક ઇલેક્ટ્રોનિક મીડિયા મજબૂત બની રહ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સહતંત્રી હિમાંશુ ભટ્ટે વાચન પર ભાર મુક્યો હતો. આપણે જે ભાષામાં કામ કરીએ છીએ એ ભાષાનું રોજનું વાચન હોવું જોઈએ. દિવ્યભાસ્કરના રિજિયોનાલ એડિટર કાના બાંટવાએ કહ્યું હતું કે જોડણી પર ધ્યાન નહીં આપી પત્રકારોએ ભાષાની કુસેવા કરી છે. ‘ધબકાર’ના તંત્રી નરેશ વરિયાએ પણ વાચન પર ભાર મુકયો હતો. આ જ દિવસે હસમુખ ગાંધીનો જન્મદિવસ હોવાનું યાદ કરીને તેમણે હસમુખ ગાંધીને ટાંક્યા હતા. હસમુખ ગાંધીએ કહ્યું હતું કે પત્રકાર બન્યા પહેલાં ૧૨થી ૩૨ વર્ષ સુધી રોજ સાડા ત્રણ કલાક વાંચવું જોઈએ. અને બન્યા પછી ઓછામાં ઓછું એક કલાક વાંચવું જોઈએ. તેમણે ભાષા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે સોશિયલ મીડિયાથી ખતરો નથી પણ સોશિયલ મીડિયા બેફામ બનશે તો પત્રકારત્વની જવાબદારી વધશે. ‘ગુજરાતમિત્ર’ના પત્રકાર બકુલ ટેલરે કહ્યું હતું કે પત્રકારત્વે બદલાતા યુગમાં સમય સાથે તાલ મિલાવવો જોઈએ. તેમણે કહ્યું કે પત્રકારત્વના કોઈ ગુજરાતી પુસ્તકો લખાયા નથી બધા અંગ્રેજીમાં છે. ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ રતન રૂસ્તમ માર્શલ પછી કોઈએ લખ્યો નથી. ‘નયા પડકાર’ના તંત્રી જસવંત રાવલે કહ્યું કે ગુજરાતી પત્રકારત્વનો અડધો ઇતિહાસ સુરતમાં પડેલો છે એટલે અહીં બોલવું એ કાશીમાં વેદપાઠ કરવા જેવું છે. તેમણે નર્મદનાં પુસ્તકો વાંચવા જણાવ્યું હતું. તેમણે પત્રકારત્વને વેદનાને સંવેદના સાથે જોડતું માધ્યમ ગણાવ્યું હતું.
હાલના સમયમાં મોટા મોટા નામ ધરાવતા પત્રકારો અને તંત્રીઓને અલગ અલગ વિષય પર એક સાથે સાંભળવાનો મારા માટે આ પહેલો મોકો હતો. હું ખૂબ રાજી થયો કે આ પત્રકારોને પત્રકારત્વની વિશ્વસનીયતા અને ગરિમા જાળવવવાની ખૂબ જ ચિંતા છે. શરીરના કયા ભાગમાં રોગ છે, એ તબીબ જાણતો હોય ત્યારે ઉપચાર બહુ સરળ બની જતો હોય છે. તેમ આ પત્રકારો એ વિશે ખૂબ સજાગ છે અને સમજ ધરાવે છે કે ક્યાં તકલીફ છે. પણ પછી મનમાં પ્રશ્ન થયો કે આટલી બધી ચિંતા અને એમાં ય સમસ્યાના નિવારણ માટે આટલા મોટા ધુરંધરો મેદાનમાં હોય ત્યારે સમસ્યાનું નિરાકરણ ખૂબ જલદીથી મળી જવું જોઈએ પણ એવું થઇ રહ્યું નથી. એમ કેમ? વળી સમસ્યાનું નિવારણ આવવાને બદલે તે વધુ વણસી રહી છે. આ બધાનો વિચાર કરતાં માલુમ પડ્યું કે આખી સમસ્યાના મૂળમાં પત્રકારો ઓછાં પણ છાપાંના માલિકો વધુ જવાબદાર છે. એટલે આ બધા જ્ઞાનની ખરી જરૂર તો છાપાંના માલિકોને છે. પણ અત્યાર સુધી આવા સેમિનારો અને ચિંતનો માત્ર પત્રકારો વચ્ચે જ થયા છે. મારા ધ્યાનમાં નથી કે પત્રકારત્વના ઇતિહાસમાં છાપાંના માલિકો આવા સેમિનારમાં ઉપસ્થિત રહી પત્રકારત્વના સ્તરને સુધારવા ચર્ચા-વિચારણા કરી હોય!
બીજો ઉપાય એ પણ છે કે જો છાપાંના માલિકો આમ કરવામાં રસ ના દાખવતા હોય તો તંત્રી અને પત્રકાર તરીકે લાખોનું વેતન મેળવનાર પત્રકારો પોતાના અધધધ …. વેતનનો અમુક હિસ્સો ખર્ચી પોતાનું અલાયદું, નાનું તો નાનું છાપું પ્રસિદ્ધ કરી પત્રકારત્વનાં મૂલ્યોની સાધના કરે. પણ એવું ય ક્યાં થઈ રહ્યું છે. પત્રકારત્વમાં કામનો મહિમા છે. મગજમાં રહેલી કોઈ પણ સારી સ્ટોરી જયાં સુધી લખાશે નહીં ત્યાં સુધી એ કોઈ કામની નહીં. વાત કરવાની સાથે આપણે એ વાતોને અમલમાં લાવીશું તો જ પત્રકારત્વનું સાચું જતન થઈ શકશે.
ઉપરોક્ત કાર્યક્રમમાં વક્તવ્ય આપનાર તંત્રી-પત્રકારો પૈકી બેત્રણ તંત્રીઓ જ સ્વતંત્રતાપૂર્વક સમાચારો છાપી શકે છે બાકી બીજા તો માલિકે નક્કી કરેલી નીતિઓને અનુસરવાનું કામ કરે છે. તેમના માલિકો સાથે નજીકના સંબંધ હોય છે. શું તેઓ છાપાંનાં માલિકોને પત્રકારત્વનાં સાચાં મૂલ્યો સમજાવવામાં સફળ થઈ શક્યા છે! અજય ઉમટે ખૂબ નિખાલસતાથી કહ્યું કે તંત્રીઓનું કંઈ ચાલતું નથી. બીજા લોકો આવું નિખાલસભાવે કહી પણ નથી શક્યા. ત્યારે આવા પત્રકારો કેમ પોતાનું અલગ છાપું પ્રસિદ્ધ નથી કરતા? હું ચોંકી ગયો ત્યારે, જ્યારે ‘અમદાવાદ મિરર’નાં દીપલબહેન ત્રિવેદીએ કહ્યું કે વાચકોને આપણે શું આપવું છે એ નહીં પણ એમને શું જોઈએ છે એ આપવું જોઈએ એ. તેઓ એ કેવી ભૂલી જાય છે કે પત્રકારત્વનું સાચું કામ તો લોકોને કેળવવાનું છે. વાચકને ખરાબ પસંદ પડે તો એ આપવાનું? આમાં આદર્શ પત્રકારત્વ કે પત્રકારત્વનો આદર્શ ક્યાં સચવાયાં? પત્રકારત્વની વિશ્વસનીયતા અંકિત કરવા માટે એ દિશામાં નક્કર કામ કરવાની જરૂર છે. સર્ક્યુલેશન અને સિદ્ધાંતોની વચ્ચે પત્રકારે સિદ્ધાંતની પડખે ઊભા રહેવાની જરૂર છે. પત્રકારોએ પોતાનાં અંગત સ્વાર્થ, મહત્ત્વાકાંક્ષા છોડીને આ આશયને સિદ્ધ કરવા કઠિન માર્ગ પણ અપનાવવો પડશે ત્યારે જ પત્રકારત્વની વિશ્વસનીયતા ફરીથી ઊભી કરી શકાશે. તો જ કંઈક ફરક પાડી શકાશે. બાકી માત્ર સેમિનારથી પત્રકારત્વની સેવા થઈ શકે એમ માનવું ભૂલ ભરેલું છે.
સેમેસ્ટર-૨, શ્રી અમૃત મોદી કૉલેજ ઑફ જર્નલિઝમ ઍન્ડ માસ કમ્યુિનકેશન, નડિયાદ
e.mail : gautamdodia007@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 16 & 04