ભૂમિકા : આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ આશ્રમ શાળાઓ પર આધારિત હતી. જ્યાં બાળક એકથી પચીસ વર્ષ સુધી ગુરુના સાનિધ્યમાં રહેતું. અને જ્ઞાન સાથે જીવન શિક્ષણ મેળવતું. આ શિક્ષણ પદ્ધતિના કેન્દ્રમાં જ્ઞાન અને બુદ્ધિચાતુર્ય હતા. પરિણામે દેશ વિદેશમાં આપણી શિક્ષણ સંસ્થાઓ પ્રચલિત હતી. નાલંદા, તક્ષશિલા અને વલ્લભવિદ્યાપીઠ તેના આદર્શ નમૂના છે. એ પછી તુર્ક-અફઘાન અને મોઘલ શાસનકાળ દરમિયાન શિક્ષણનું ઇસ્લામિકરણ થયું. પરિણામે આશ્રમ શાળાઓનું સ્થાન મકતબ અને મદ્રેસાઓએ લીધું. એ સાથે જ જ્ઞાન કરતાં માહિતી આધારિત શિક્ષણનો આરંભ થયો. એ પછી અંગ્રેજ શાસનના આરંભ સાથે શિક્ષણના ક્ષેત્રમાં પુનઃ પરિવર્તન આવ્યું. તેનો યશ લોર્ડ મેકોલેને જાય છે. અંગ્રેજી શિક્ષણનો મૂળભૂત હેતુ ન તો જ્ઞાનનો હતો, ન માહિતીનો. પણ અગ્રેજ સરકારના શાસનને ચલાવવા બાબુઓ અર્થાત કારકુનો ઉત્પન કરવાનો હતો. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિએ ભારતીય સમાજ અને સંસ્કૃિત ઉપર ઘાટી અસર કરી. ભારતીય સમાજ અને સંસ્કૃિતનું પશ્ચિમીકરણ થયું. પરિણામે આશ્રમ શાળાઓ અને મકતબ કે મદ્રેસાઓના સ્થાને ચોક અને ટોક આધારિત ક્લાસ રૂમ શિક્ષણ પ્રથાનો આરંભ થયો. જેમાં જ્ઞાનનો અભાવ અને માહિતીનો અતિરેક હતો. કારણ કે તેનો મુખ્ય ઉદેશ માત્ર વહીવટી કાર્યને પાર પાડી શકે તેવા કારકુનો ઉત્પન કરવાનો હતો. અંગ્રેજોની આ શિક્ષણ પદ્ધતિને ડામવા ગાંધીજીએ રાષ્ટ્રીય શાળાઓ અને આશ્રમ શાળાઓને પુનઃ જીવંત કરી. બુનિયાદી શિક્ષણમાં તેમણે શિક્ષણના સ્થાને ‘કેળવણી’ શબ્દ પ્રયોજાયો. ‘માનવીને કેળવે તે જ સાચી કેળવણી’નો વિચાર ગાંધીજીની શિક્ષણ પ્રથાના કેન્દ્રમાં હતો. પણ એ વિચારને રાષ્ટ્રીય શિક્ષણ સાથે જોડી આપણે તેને માર્યાદિત કરી દીધો. પરિણામે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આરંભાયેલી આપણી શિક્ષણ સંસ્થાઓમાં અંગ્રેજી શિક્ષણનો મહિમા દિનપ્રતિદિન વધતો ગયો. જે આજે પણ યથાવત્ છે. આપણી આઝાદીને ૬૬ વર્ષ થયાં, છતાં આજે પણ આપણે શિક્ષણના ક્ષેત્રમાં ગુલામ છીએ. આજનું આપણું આધિનિક શિક્ષણ ચોક અને ટોક પર આધરિત માહિતી કેન્દ્રિત બની ગયુ છે. જ્યાં વિદ્યાર્થીઓના જ્ઞાનની કસોટી નથી થતી. પણ તે વિષયલક્ષી માહિતીથી કેટલો સજ્જ છે તે જ તપાસવામાં આવે છે. પરિણામે શિક્ષણના સમગ્ર માળખામાંથી બુદ્ધિ અને વિચાર સ્વતંત્રનો છેદ ઊડી ગયો છે.
2. શિક્ષણમાં સર્જનાત્મકતાની અનિવાર્યતા : આમ આધુનિક ભારતની શિક્ષણ પ્રથામાં અંગ્રેજોએ શિક્ષણ સંસ્થાઓને જ્ઞાન કરતાં વિશેષ માહિતીનું કેન્દ્ર બનાવી દીધાં. જો કે શિક્ષણમાં માહિતી સાથે જ્ઞાન અતિ આવશ્યક છે. એ વાતનો સ્વીકાર પ્રાચીન યુગમાં સૌ પ્રથમ ભારતે અપનાવ્યો હતો. જ્યારે અર્વાચીન યુગમાં એ વિચાર સાથે સર્જનાત્મકતાને જોડવામાં પશ્ચિમના રાષ્ટ્રો આપણા કરતાં આગળ રહ્યા છે. જો કે જ્ઞાન અને સર્જનાત્મકતા વચ્ચેનો ભેદ ઘણાં પશ્ચિમના રાષ્ટ્રોમાં આરંભમાં ચર્ચાસ્પદ બન્યો હતો. પશ્ચિમના કેટલાક શિક્ષણશાસ્ત્રીઓએ આરંભમાં તેના ભેદને અભિવ્યક્ત કરતા કહ્યું હતું, ‘જ્ઞાની માનવી સર્જનાત્મક હોઈ શકે. પણ દરેક સર્જનાત્મક માનવી જ્ઞાની હોય જ, તે જરૂરી નથી.’
આમ છતાં બંને સ્થિતિમાં સર્જનાત્મકતા જ્ઞાનની ગુણવત્તા અને રજૂઆતમાં અવશ્ય અસરકારક પુરવાર થાય છે, એ વાતનો સ્વીકાર મોટાભાગના શિક્ષણશાસ્ત્રીઓએ કર્યો છે. વળી, સાહિત્યકૃતિ, કળાકૃતિ કે વૈજ્ઞાનિક શોધખોળોની પ્રવૃત્તિમાં જ સર્જનાત્મકતા પ્રગટ થાય છે, એવી પરંપરાગત માન્યતામા પણ પરિવર્તન આવ્યું છે. માનવીને દરેક પ્રવૃત્તિમાં સર્જનાત્મકતાનો આવિષ્કાર સંભિવત છે. ફોસ્ટર (૧૯૭૧) અને લીટન (૧૯૭૧) નોંધે છે, ‘સર્જનાત્મકતા એ ઈશ્વરીય વરદાન પામેલા થોડા જ લોકોનો ગુણ નથી, પણ માત્રાભેદે સર્જનાત્મકતા સમગ્ર માનવજાતમાં સમધારણ રીતે વિતરિત થયેલી છે.’
સર્જનાત્મકતા વિશેના આ વિચારો તથ્યોના પ્રકાશમાં શિક્ષક અને વિદ્યાર્થીમાં રહેલી સર્જનાત્મકતાનો ઉપયોગ શિક્ષણ પદ્ધતિમાં કરવાના વિચાર તરફ દોરતા ૧૯૨૦મા જાણીતા પશ્ચિમી ચિંતક બર્ટૃાડ રસ્સલે (Bertrand Russell) લખ્યું હતું, ‘We are faced with the paradoxical fact that education has become one of the Chief Obstacles to Intelligence and Freedom of thoughts.’
અર્થાત્,
‘આપણે એક એવી વિવાદાસ્પદ હકીકતનો સામનો કરી રહ્યા છીએ કે આપણું શિક્ષણ પોતે જ બુદ્ધિના વિકાસ અને વિચાર સ્વતંત્રનું મુખ્ય અવરોધક પરિબળ બની ગયું છે.’
ઇંગ્લંડની શિક્ષણ પદ્ધતિમાં આ વિચારે મોટી અસર કરી. શિક્ષણમાં બુદ્ધિ વિકાસ અને વિચાર સ્વતંત્રનો અભાવ સમગ્ર શિક્ષણના માળખા અને ઉદ્દેશને બિન ઉપયોગી કરી નાખે છે. પરિણામે એ અંગે ગહન વિચારણાનો આરંભ થયો. સર્જનાત્મક વલણ નામનાં સંશોધન સામાયિકના પ્રથમ અંકમાં (Journal of Creative Behaviour) શિક્ષણવિદ્દ ગુઈલફોર્ડ (Guilford) ઇ.સ. ૧૯૬૭માં લખ્યું હતું, ‘The problems of creativity in the educational setting are endless, and the scope of research in this area is rapidly spreading.’
અર્થાત્
3. ‘શિક્ષણમાં સર્જનાત્મકતાની સમસ્યા અવિરત પણે વિચારાતી રહી છે અને તે ક્ષેત્રમાં ઝડપી સંશોધન થઈ રહ્યા છે.’ : તેના પરિપાક રૂપે છેક ઇ.સ. ૧૯૯૮માં ઇંગ્લંડની સરકારે ‘National Advisory Committee on Creative and Cultural education’(NACCCE)ની રચના કરી. જેનો મૂળભૂત ઉદ્દેશ, ‘To make recommendations to the Secretaries of State on the Creative and Cultural Development of young people through formal and informal education.’
આ વિચારમાંથી જ શિક્ષણ પદ્ધતિમાં સર્જનાત્મકત વિચાર અને સાહિત્યની મહત્તા અંગે ગંભીર વિચારણાનો આરંભ થયો.
4. સર્જનાત્મકતાનો અર્થ અને વ્યાખ્યા : યુનાઇટેડ કિંગ્ડમની નેશનલ એડવાઈઝરી કમિટીએ ૧૯૯૯માં આપેલ સર્જનાત્મકતાની વ્યાખ્યામાં કહ્યું છે, ‘સર્જનાત્મકતા એ માનસિક પ્રક્રિયા છે. જે વિચાર, કલ્પના, ઉદ્દેશ અને મૌલિકતાનું મિશ્રણ છે.’
એ દ્રષ્ટિએ વિચાર અને કલ્પનાનું જોડાણ એટલે સર્જનાત્મકતા. સર્જનાત્મકતાનું ક્ષેત્ર અમાપ છે. એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકામાં સર્જનાત્મકતાની વ્યાખ્યા આપતા લખ્યું છે, ‘The ability to make or otherwise bring into existence something new, whether a new solution to a problem, a new method or device, or a new artistic object or form.’
ઑશૉ કહે છે, ‘બુદ્ધિમતાને પ્રવૃત્તિમય કરવા માટે વધારે માહિતીની નહીં, પણ વધારે ધ્યાનમગ્નતા – એકાગ્રતાની જરૂર છે. સર્જન માટે દિમાગની ઓછી અને દિલની વધારે જરૂર પાસે છે. જો તમારું કામ તમારી પ્રેમની કથા હશે તો તે સર્જન બની રહેશે. સર્જનાત્મકતા એટલે તમે કરી રહ્યા છો તે પ્રવૃત્તિમાં તમારી ગુણવત્તાનું પ્રદાન. તે એક અભિગમ છે, એક આંતરિક દ્રષ્ટિકોણ છે. તમે જે કંઈ પણ કરો તે જો આનંદથી કરો, પ્રેમથી કરો, તો તે નવસર્જન છે.’
એન્સાઇક્લોપીડિયા ઓફ એજ્યુકેશન રિસર્ચમાં સર્જનાત્મકતાની સમાજ આપતા કહ્યું છે, ‘વિચારોનું નાવીન્યકરણ અને તેના વિશિષ્ટ મૂલ્યનું સંયોજન એટલે સર્જનાત્મકતા.’
ટોરેન્સ (૧૯૬૨) સર્જનાત્મકતાની વ્યાખ્યા આપતા કહે છે, ‘સર્જનાત્મકતા એટલે સમસ્યા, ઊણપ, જ્ઞાનમાં રહેલી ખાઈ, જીવનમાં ખૂટતા તત્ત્વો અને બિનસંવાદિતતા વગેરે સમસ્યાઓને સંવેદનશીલ બનાવી પ્રસ્તુત કરવાની પ્રક્રિયા.’
બેરોન(૧૯૬૯)ના અવલોકન પ્રમાણે
‘સર્જનાત્મકતા એવી શક્તિ છે કે જે સામાન્ય કાર્યને રચનાત્મક સૌદર્ય અર્પે છે.’
વોલચ અને કોગન (૧૯૬૫) સર્જનાત્મકતા અંગે જણાવે છે, ‘જે ક્ષમતા દ્વારા વ્યક્તિ વધુને વધુ કલાત્મકતા દર્શાવે છે તે નોંધપાત્ર હોય છે.’
5. ટૂંકમાં સર્જનાત્મકતા એટલે સાહસિક રીતે વિચારવું, સીધો માર્ગ છોડી કૈક જુદા માર્ગે ફંટાવું, પ્રણાલીગત ઢાંચાને તોડવો આ પ્રક્રિયા માટેનું પરિબળ એટલે સર્જનાત્મકતા.’ :
ઉપરોક્ત સર્જનશીલતાની વ્યાખ્યામાંથી નીચેના મહત્ત્વના મુદ્દાઓ ટપકે છે :
સર્જનશીલતા એ વિચારોની પ્રક્રિયા છે.
તે ઉચ્ચ પ્રકારની માનસિક પ્રક્રિયા છે.
તેની નીપજ નવીનતા, મૌલિકતા અને ભિન્નતા છે.
તે વૈચારિક સર્જનાત્મકતા છે.
આપણી શિક્ષણ પદ્ધતિ અને સાહિત્યમાં સર્જનાત્મકતાનો અભાવ: આપણા જાણીતા સર્જક મનુભાઈ પંચોળીએ તેમની જાણીતી ઐતિહાસિક નવલકથા ‘સોક્રેટીસ’ના સર્જનનાં પાયામાં રહેલ ગુજરાતી સાતમાં ધોરણના પાઠ્યપુસ્તકને યાદ કરતા લખ્યું છે, ‘આમ કહું તો છેક બાળપણમાં તેનો (સોક્રેટીસનો) સ્વસ્થ વિષપાનનો પ્રસંગ ગુજરાતી સાતમી ચોપડીમાં વાંચેલો, ત્યારથી અહોભાવ જન્મ્યો હશે તેમ સ્મૃિતના પડ ઉલેખતા દેખાય છે.’
સર્જનાત્મક શૈક્ષણિક સાહિત્યની વિદ્યાર્થી પર થતી હકારાત્મક અસરનું આ ઉત્તમ દ્રષ્ટાંત છે. એ જ રીતે સર્જનાત્મક સાહિત્યની નકરાત્મક અસરનું પ્રખર દ્રષ્ટાંત હિટલર છે. હિટલરે તેની આત્મકથા ‘મેનકાફ્ટ’(મારો સંઘર્ષ)માં લખ્યું છે, ‘મારા સર્જનમાં મારા ઇતિહાસના શિક્ષકનો ફાળો છે. તેણે જર્મન પ્રજાની યાતનાઓની જે અસરકારક રજૂઆત મારા અભ્યાસકાળમાં કરી, તેની ગાઢ અસર મારા બાળ માનસપર થઈ હતી.’
સર્જનાત્મક સાહિત્ય અને સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિના આ ઉદાહરણો આપણને એ તરફ વિચારવા દોરે છે કે શિક્ષણમાં સર્જનાત્મકતા મહત્ત્વની જ નહિ, અનિવાર્ય અને અસરકારક છે. આ દ્રષ્ટાંતો પછીનો શિક્ષણનો ઇતિહાસ ઝડપથી બદલાયો છે. તેની પદ્ધતિ અને સાહિત્યમાં અનેક પરિવર્તનો આવ્યા છે. તેમાંથી સર્જનાત્મકતા ધીમે ધીમે અદ્રશ્ય થતી ગઈ છે. અને તે માત્ર માહિતી અને તથ્યોનો નીરસ સંગ્રહ બની ગઈ છે. બી.એડ.ના અભ્યાસમાં વિષય માંડણી માટેની એક રમૂજ વર્ષોથી પ્રચલિત છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન કરે છે, ‘માનવીને મૃત્યુ પછી કયા દાટવામાં આવે છે ?’
વિદ્યાર્થી ઉવાચ, ‘કબરમાં.’
શિક્ષક : કબરની આગળ ‘અ’ લગાડીએ તો કયો શબ્દ બને છે ?
વિદ્યાર્થી : અકબર
શિક્ષક : આજે આપણે અકબર વિશે ભણીશું.
7. વિષયની માંડણીની આ અરુચિકર પ્રથાનો યશ કોને જાય છે તેને ચર્ચાનો વિષય ન બનાવીએ. પણ તેમાં રહેલી અરુચીકર અને અસર્જનાત્મકતા આપણેને સૌને ખૂંચે છે. આજના આપણા ૧ થી ૧૨નાં પાઠ્યપુસ્તકો પર એક નજર કરીશું તો આવી પદ્ધતિનાં દર્શન અવશ્ય થશે. તેના પરથી આપણા શૈક્ષણિક પદ્ધતિ અને સાહિત્યના પાઠોનાં લક્ષણો નીચે મુજબ જોવા મળે છે :
૧. પાઠના વિષયવસ્તુમાં નાવીન્યતાનો અભાવ
૨. પાઠના વિષયવસ્તુને પ્રસ્તુત કરવા માટે લેવાયેલ બિન ઉપયોગી અઢળક માહિતી
૩. માહિતીના પ્રસ્તુતીકરણમાં ભાસતી નીરસતા
૪. માહિતીની પ્રસ્તુતતામાં સર્જનાત્મકતાનો અભાવ
આ પાઠોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરતાં નીચેનાં કેટલાંક તારણો નીકળે છે :
૧. પાઠના લેખકે તેમાં તેની વિદ્વતા ઠાલવવા અપાર શ્રમ કર્યો છે.
૨. પાઠના લેખનમાં માહિતીનો અતિરેક છે.
૩. પાઠના લેખન સમયે વિદ્યાર્થીની રુચિ કે રસને કેન્દ્રમાં રાખવામાં આવેલ નથી.
૪. પાઠના વિષયવસ્તુને પ્રસ્તુત કરવામા સર્જનાત્મકતાનો અભિગમ ઉપેક્ષિત છે.
આવા પાઠોના સર્જનમાં રચયતા પોતાની વિદ્વતાને અભિવ્યક્ત કરવાની એક પણ તક જતી નથી કરતા. પણ તેમની વિદ્વતા વિદ્યાર્થીઓના ઘડતરમાં ત્યારે જ સહભાગી બની શકે જ્યારે તે અસરકાર અને સર્જનાત્મક રીતે પાઠમા રજૂ થઈ હોય. કારણ કે સર્જનાત્મકતા પાઠમાં વિદ્યાર્થીની રુચિ ઉત્પન કરે છે. રુચિ રસનું મૂળ છે. અને રસ વિષયને બુદ્ધિ કરતાં હૃદયમાં સંગ્રહિત કરવામાં અસરકારક પુરવાર થાય છે. મનુભાઈ પંચોળી અને હિટલરના દ્રષ્ટાંતોમાં આ જ બાબત કેન્દ્રમાં ભાસે છે. જો કે સર્જનાત્મક પાઠનું સર્જન કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. તે સરળ અને ઝડપી પણ નથી. ૧ થી ૧૨ અને સ્નાતક કે અનુસ્નાતક સંદર્ભ પુસ્તકોનાં સર્જનમાં વર્ષોથી સહભાગી બનવાનો અવસર મને સાંપડ્યો છે. ૧ થી ૧૨ના પાઠયપુસ્તકોનાં સર્જન સમયનો પણ હું ઘણીવાર સાક્ષી રહ્યો છું. ત્યારે પાઠોના લેખકો વિષયવસ્તુને માહિતીના અનેક શ્રોત દ્વારા માહિતીસભર રીતે રજૂ કરવાનો વધુ આગ્રહ રાખતા હોય છે. પણ પાઠના સર્જનાત્મકત પાસાં પ્રત્યે તેમનું બિલકુલ ધ્યાન કે વિચાર સુધ્ધા જતો નથી. પરિણામે પાઠ માહિતીસભર તો બને છે, પણ રસમય બનતો નથી. પરિણામે તેના હાર્દને પામ્યા વગર વિદ્યાર્થી તેને પરીક્ષાલક્ષી ઉદ્દેશથી જ યાદ રાખવાની જહેમત લે છે. પણ જો પાઠ સર્જનાત્મક અભિગમ સાથે લખાયો હોય તો તેને યાદ કરવા વિદ્યાર્થીને જહેમત કે શ્રમ લેવાની જરૂર પડતી નથી. તે તેને બુદ્ધિથી નહિ હૃદયથી લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.
8. સર્જનાત્મક પાઠનું દ્રષ્ટાંત : આપણા સમાજ વિજ્ઞાનનાં પાઠોમાં મોટે ભાગે ભાસતી નીરસતાથી આપણે પરિચિત છીએ. એ પાઠોમાં વિષયવસ્તુના ઉદ્દેશને માહિતીની વિપુલતામાં ઢાંકી દે છે. જેમ કે ‘સદ્દભાવ’ના ગુણ કે આદર્શને અભિવ્યક્ત કરવા આપણા પાઠ લેખક સદ્દભાવનાની વ્યાખ્યા, તેના પ્રકારો, તેના લક્ષણો અને તેની સામાજિક-રાજકીય અસરોને સૈધ્ધાંતિક સ્વરૂપે પોતાના પાઠમાં સાકાર કરે છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી અવશ્ય સદ્દભાવનાના સૈધ્ધાંતિક સ્વરૂપને જાણશે. પણ તેમાં રહેલા ધબકારા કે લાગણીની અનુભૂતિથી અલિપ્ત રહેશે. પરિણામે પાઠની દીર્ઘકાલીન અસર વિદ્યાર્થીના માનસ પર રહેશે નહિ. કારણ કે સિદ્ધાંતો અનુભૂતિના વાહક નથી હોતા. અને એટલે જ સદ્દભાવનાની સૈધ્ધાંતિક પરિકલ્પના કરતાં તેની અનુભૂતિને સાકાર કરવા પાઠ લેખકે એક નાનકડા પણ અસરકારક પ્રસંગને સર્જાવો જોઈએ. જે સદ્દભાવનાની અસરકારકતાને શબ્દની અનુભૂતિમાં સાકાર કરી શકે. આ માટેનો નમૂના રૂપે એક પાઠ નીચે મુજબ આપી શકાય.
સદ્દભાવના
હિંદુ સમાજ હંમેશાં ‘મહાશિવ રાત્રી’ ઉજવે છે. આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર ‘માલકોશ’ થવા લાગ્યો. રાગ માલકોશ વિશે જાણીતા સંગીતકાર મિયાં નૌશાદ અલી(૧૯૧૯-૨૦૦૬) કહે છે, ‘માલકોશ ભગવાન શિવ કી કર્ણપ્રિય રચના હૈ.’
આ રાગે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તો અદ્દભુત પ્રદાન કર્યું જ છે. પણ ફિલ્મો માટે મિયાં નૌશાદે ‘માલકોશ’ પર આધારિત અનેક કર્ણપ્રિય ગીતો સર્જયાં છે. જેણે હિન્દી ફિલ્મ સંગીતમાં કોમી એખલાસ અને સદ્દભાવનાના અદ્દભુત દ્રશ્યો સર્જ્યા છે. જૂનાં ગીતોના શોખીનો રાગ માલકોશ પર આધારિત બે ગીતો આજે પણ મન ભરીને માણે છે. એક ફિલ્મ ‘બૈજુબાવરા’નું ‘મન તરપદ હરિ દરશન કો આજ’ અને બીજું ‘નવરંગ’ ફિલ્મનું ‘આધા હૈ ચંદ્રમાં રાત આધી’. પ્રથમ ગીતના સર્જન અને તેમાં ટપકતી કોમી એખલાસની કથા જાણવા જેવી છે. ઇ.સ. ૧૯૫૨માં આપણા ગજરાતી નિર્દેશક વિજય ભટ્ટના નિર્દેશનમાં સર્જાયેલી અત્યંત સફળ ફિલ્મ ‘બૈજુબાવરા’ના કૃષ્ણ ભજન ‘મન તરપદ હરિ દરશન કો આજ’ના સર્જક છે મહંમદ શકીલ બદાયુની(૧૯૧૬-૧૯૭૦) જેને ફિલ્મી દુનિયામાં શકીલ બદાયુની તરીકે સૌ ઓળખે છે. ઉત્તર પ્રદેશના બદાયું ગામના વતની શકીલ મોહંમદ ઇ.સ. ૧૯૪૪માં ફિલ્મોમાં કિસ્મત અજમાવવા આવ્યા હતા. અને સૌ પ્રથમ નૌશાદ અલીને તેઓ મળ્યા. નૌશાદ અલીએ તેમને કંઈ સંભળાવવા કહ્યું. અને શકીલમાંથી શાયરી ફૂટી :
હમ દર્દ કા અફસાના દુનિયા કો સુના દેંગે,
હર દિલ મેં મહોબ્બત કી આગ લગા દેંગે
શકીલની શાયરીમાં રોમાન્સ કરતાં ઈબાદત અને ઝિંદગીની સચ્ચાઈ વધુ ઝલકતી હતી. ‘બૈજુબાવરા’નું ભક્તિ ગીત ‘મન તરપદ હરિ દરશન કો આજ’ તેની સાક્ષી છે. એક મુસ્લિમ શાયર ‘મન તડપત હરિ દરશન કો આજ’ લખે છે, ત્યારે તેની શુદ્ધ ધર્મ ભાવના તેમાં અભિવ્યક્ત થાય છે. જેમાં કયાં ય હિંદુ-મુસ્લિમના ભેદ ભાસતા નથી. એ ગીતમાં હરિને પામવાની તડપ શકીલની દરેક કડીમાં સાકાર થયેલી જોવા મળે છે.
મન તરપત હરિ દરશન કો આજ
મોરે તુમ બિન બિગરે સગરે કાજ
આ, બિનતી કરત હું રખીયો લાજ …. મન તરપત
તુમ રે દવારકા મેં હું જોગી
હમરી ઔર નજર કબ હોગી
સુન મોરે બ્યાકુલ મન કા બાજ …. મન તરપત
બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં
દીજો દાન હરિ ગુણ ગાઉં
સબ ગુની જન પે તુમ્હારા રાજ …. મન તરપત
મુરલી મનોહર આસ ન તોડો
દુઃખ ભંજન મોરે સાથ ન છોડો
મોહે દરશન ભિક્ષા દે દો આજ …. મન તરપત
આ ગીતનાં રેકોર્ડીંગની ઘટના પણ જાણવા જેવી છે. જે દિવસે મિયાં નૌશાદ આ ગીતનું રેકોર્ડીંગ કરવાના હતા, તેના આગલા દિવસે દરેક સાજિંદાને તેમણે ખાસ સૂચના આપી હતી, ‘કલ કૃષ્ણ ભગવાન કી શાન મેં ગાયે જાને વાલે ઈસ ભજન કા રેકોર્ડીંગ હૈ. ઈસ લિયે આપ સબ પાક સાફ હો કર સ્ટુડીઓ પર આયેંગે.’
અને એમ જ થયું. સૌ સાજિંદાઓ પવિત્ર થઈને સ્ટુડીઓ પર આવ્યા. સૌએ પોતાના જુતા સ્ટુડીઓ બહાર જ ઉતાર્યા. ગીતના ગાયક મહંમદ રફી સાહેબ હતા. તેમણે પણ સ્ટુડીઓમાં દાખલ થતા માથે રૂમાલ બાંધ્યો. અને આમ અંત્યંત પવિત્ર વાતાવરણમાં ‘મન તરપત હરિ દરશન કો આજ’ ભજનનું રેકોર્ડીંગ થયું. ભજનનાં રેકોર્ડીંગ દરમિયાન વાતાવરણ એટલું ભક્તિમય બની ગયું કે સાજિંદાઓને ચુકવણું કરવા હંમેશા આવતા લલ્લુભાઈ રીતસર કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની નાચવા લાગ્યા. રેકોર્ડીંગ પૂરું થવા છતાં તે નાચતા જ રહ્યા. એ દ્રશ્યને અભિવ્યક્ત કરતા નૌશાદ મિયાં કહે છે : ‘લલ્લુભાઈ ભક્તીમેં લીન હોકર રકશ (નાચી) કર રહે થે. ઉનકો કો સંભાલના હમારે લીયે મુશ્કેલ હો ગયા થા. બડી મુશ્કિલ સે હમને ઉન્હેં સંભાલા. યે દેખકર મહંમદ રફી સાહેબ કહેને લગે, નૌશાદ સાહબ, યે આપ કે ગીત કા કમાલ હૈ.’
મેને કહા, ‘હુજુર, યે મેરે ગીત કા નહિ રાગ માલકોશ કા કમાલ હૈ. ભગવાન શિવ કી પ્રસાદી સે બના રાગ માલકોશ લોગો કો પાગલ બના દેતા હૈ.’
આજે પણ કૃષ્ણના ભક્તિ રસમાં તરબતર આ ભજન જયારે પણ વાગે છે, ત્યારે મિયાં નૌશાદ, મહંમદ શકીલ અને મહંમદ રફી જેવા મુસ્લિમોની સર્વધર્મ સદ્દભાવની ભક્તિ માટે મસ્તક નમી જાય છે.
ઉપરોક્ત પાઠ શ્રેષ્ટ અને આદર્શ છે તેમ કહેવાનો કે સિદ્ધ કરવાનો અત્રે ભાવ નથી. પણ સદ્દભાવનાના વિચારને સર્જનાત્મકત શૈલીમાં રજૂ કરવાનો એક નમ્ર પ્રયાસ માત્ર છે.
9. દરેક શિક્ષક સર્જક છે : સર્જનશીલતા એ માત્ર કવિ, લેખકો, ચિત્રકારો, કલાકારોનો જ ઈજારો નથી. દરેક વ્યક્તિમાં એક સર્જક પડેલો છે. અલબત્ત તેને ઓળખવાની, જાણવાની અને પામવી જરૂર હોય છે. કેટલાક માનવીઓ પોતાનામાં પડેલી એ કલાને પામીને તેને વિકસાવે છે. જ્યારે કેટલાક માનવીઓ એ કલાને સુષુપ્ત અવસ્થામાં જ રહેવા દે છે. આપણા સમાજમાં શિક્ષક એક જાગૃત અને વિચારશીલ વ્યક્તિ છે. તે અવશ્ય સર્જનાત્મકતાના ઘટકોને પામી પોતાનામાં રહેલી સર્જન કલાને વિકસાવી શકે છે. ગીલ્ફીર્ડ સર્જનાત્મકતાના વિકાસ માટે નીચે મુજબના ૮ ઘટકો આપે છે.
૧. શબ્દ પ્રવાહ ૨. વિચાર પ્રવાહ ૩. સાહચર્ય પ્રવાહ ૪. અભિવ્યક્તિ પ્રવાહ ૫. ઉપમાનું અર્થઘટન ૬. કૃતિનું શીર્ષક ૭. વસ્તુનું સર્જન ૮. સુશોભન
ગીલ્ફીર્ડના આ આઠ ઘટકો દરેક શિક્ષકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. વળી, ગીલ્ફીર્ડએ આપેલ સર્જકની લાક્ષણિકતાઓ પણ દરેક શિક્ષકના સ્વભાવ સાથે સુસંગત લાગે છે.
૧. તેમનું શક્તિ ક્ષેત્ર મૂલ્યાંકન પાત્ર હોય છે.
૨. તેમનામાં સભાનપણે આવેલા વિચારોને જાળવવાની અને તેને અભિવ્યક્ત કરવાની શક્તિ હોય છે.
૩. તેઓ અસામાન્ય હોવા છતાં સમાજમાં ટકી રહેવાની શક્તિ ધરાવતા હોય છે.
૪. તેઓ અતિ લાગણી શીલ હોય છે.
૫. તેઓની જીવનશૈલી અલગ અને સ્વપ્નશીલ હોય છે.
૬, તેઓની નિરીક્ષણ શક્તિ સતેજ હોય છે.
૭. તેમની વિચાર પ્રક્રિયા નિરંતર હોય છે.
૮. તેઓ ઉત્સાહી અને મનમોજી હોય છે.
૯. નવીનતા ભર્યા સંગીત કે વિચાર રચનાથી તેઓ પ્રફુલ્લિત થઈ જાય છે.
૧૦. તેઓ આત્મ વિશ્વાસથી ભરપૂર હોય છે.
૧૧. તેઓની જિજ્ઞાસા વૃત્તિ તીવ્ર હોય છે.
૧૨. તેઓ પોતાના વિચારો કે આચારોમાં મક્કમ હોય છે.
૧૩. તેઓ બુદ્ધિ કરતાં હૃદયના નિર્ણયને વધુ પ્રાધાન્ય આપતા હોય છે.
૧૪. પરંપરા, રૂઢી કે પ્રણાલીગત નિયમોથી અલગ વિચારતા હોય છે.
૧૫. તેઓ સંપૂર્ણ આશાવાદી અને પરિવર્તનશીલ હોય છે.
ટેલર અને હોલેન્ડ(૧૯૬૨)એ પોતાના સંશોધનમા સર્જનશીલ વ્યક્તિનાં જે લક્ષણો આપ્યા છે તે મુજબ ‘સર્જનશીલ વ્યક્તિ બીજા કરતાં વધુ આત્મનિર્ભર, સ્વતંત્ર વિચાર અને વાણી ધરાવનાર, અતાર્કિક બાબતો પ્રત્યે પણ ખુલ્લું વલણ ધરવનાર, ધારેલું કરનાર, સાહસી, પ્રગતિશીલ વિચારક અને અતિ સંવેદનશીલ હોય છે.’
રેંક (૧૯૭૨) સર્જનાત્મક વ્યક્તિનું વર્ણન કરતા લખે છે, ‘એવી વ્યક્તિ જે પોતાની જાત સાથે તાદાત્મ્ય સાધે છે અને પ્રત્યેક કાર્યમાં ઓતપ્રોત બની કાર્ય કરે છે.’
આવો અસાધારણ શક્તિનો માલિક શિક્ષક પોતાની સર્જનાત્મક શક્તિઓને યોગ્ય માર્ગે વળશે, તો તેની સર્જકતા શિક્ષણ અને તેના સાહિત્યમાં અદ્દભુત પરિણામો આણશે.
10. સમાપન : શિક્ષણમાં સર્જનાત્મકતાની આ ચર્ચાને આટોપતાં એટલું જ કહી શકાય કે સર્જનાત્મકતાવિહોણું શિક્ષણ રસ વિનાના જીવન સમાન છે. ભાર વિનાનું ભણતર એ વિધાનને શબ્દોમાં અભિવ્યક્ત કરવો સહેલો છે. પણ તેને શિક્ષણ પદ્ધતિમાં સાકાર કરવો મુશ્કેલ છે. પણ કૌટલ્યનું પેલું વિધાન ‘शिक्षक कभी साधारन नहीં होता, सर्जन और प्रलय उसकी गोद में पलता है।’ સર્જક તરીકેની શિક્ષકની શક્તિ સિદ્ધ કરે છે. અને એટલે જ શિક્ષક શિક્ષણને જ્યારે પણ સર્જનાત્મક બનાવશે, ત્યારે અવશ્ય શિક્ષણ રસમય બનશે. પરિણામે શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવશે, તેમાં બે મત નથી.
•
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શ્રીમતી સી.આર. ગાર્ડી એકેડમિક સ્ટાફ કોલેજ, રાજકોટમા અધ્યાપકોના ઓરિયેન્ટેશન કાર્યક્રમમાં ૧૨.૧૩ માર્ચ ૨૦૧૨ના રોજ આપેલ વ્યખ્યાન.
e.mail : mehboobudesai@gmail.com
("અોપિનિયન", 26 ફેબ્રુઅારી 2013)