ટૂંકા ગાળાનું ભારતનું રાજકીય ચિત્ર બિહામણું છે. એક રીતે મૂલવીએ તો કહી શકાય કે કમળો હોય તો પીળું ભાળે એવું જ અત્યારે બની રહ્યું છે. બધા રાજકીય પક્ષો, બધા ખંધા રાજપુરુષો, આ ઘડીએ જ્યારે ૨૦૧૪ની ચૂંટણીઓને વરસેક બાકી છે, ત્યારે મતનાં ચશ્માંમાંથી બધું જુએ છે. એ પછી ભારતની સરહદે ચીનના લશ્કરની ઘૂસણખોરી હોય કે ૨૨ વરસથી પાકિસ્તાનની જેલમાં સબડતા સરબજિત પર જેલમાં થયેલો હુમલો હોય; ચીજવસ્તુઓમાં વિશ્વભરમાં સટ્ટાખોરીનાં કારણે પૂરો એક દસકો રહેલો ભાવવધારો અને એના કારણે વધેલા ફુગાવાના કારણે દિનપ્રતિદિન વધતી મોંઘવારી હોય કે ભારતમાં સતત કથળતાં જતાં નૈતિક ધોરણનાં કારણે બનતી ‘રેપ’ જેવી કે પોલિસનો ગેરવ્યવહાર જેવી ઘટના હોય; હવે એક વરસ એને મતનાં ચશ્માંમાંથી જ જોવાશે. પણ, મતનાં ચશ્માંમાંથી જોનારા ઘણાને ખબર નથી કે મુશ્કેલ આર્થિક વિકાસ અને દેશ અને રાજ્યોની મોટી અંદાજપત્રકીય ખાધ આડેનાં કાળાં વાદળો હટી રહ્યાંના અણસાર રાષ્ટ્રકક્ષાએ નહીં પણ વિશ્વકક્ષાએ મળી રહ્યાં છે. આને જે સમજશે નહીં, એને સમજીને જે રાષ્ટ્રના ફાયદામાં વિચારશે નહીં તો એ ૨૦૧૩-૧૪થી બદલાતી આર્થિક પરિસ્થિતિમાં મોટી તક ચૂકી જશે.
હમણાં પેટ્રોલના ભાવમાં ઉપરાઉપરી ત્રણ ભાવઘટાડા આવ્યા ત્યારે આ ભાવવધારા અને ઘટાડા પાછળ ક્રૂડતેલનો ભાવ, બેરલે ૧૧૯ની ઊંચી સપાટીમાંથી સાડાબાર ટકા ગબડી સો ડોલર નીચે ગયો છે. એ નહીં સમજે એ આખી ભીંત ભૂલી જશે. કારણ ક્રૂડનો ભાવ બેરલે સો ડોલરથી નીચે જાય એટલે ૨૦૧૪માં ભારતના વિદેશી હૂંડિયામણના ભારમાં રૂ. ૫૦ હજાર કરોડનો ઘટાડો થાય. જે ભૂલવા જેવી વાત નથી કે ભારતે આગલા વરસની તુલનામાં ક્રૂડની આયાતમાં ૨૦૧૨-૨૦૧૩માં ૮૫૦ કરોડ રૂપિયા વધારે ખર્ચવા પડ્યા છે. આના કારણે ખાતર અને રોજ વપરાશના પેટ્રોપદાર્થો પાછળ વધતી જતી સબસિડી ઘટશે એ તો વધારામાં! એકલા ક્રૂડના ભાવમાં ઘટાડો નથી થયો, સોનાના ગબડેલા ભાવે તો આભૂષણ માટે સોનું ખરીદતા પ્રત્યેક ભારતીયને આશ્ચર્યમાં નાખી દીધો છે. ક્રૂડ અને સોનાની જોડે જોડે કેટલાને ખબર છે કે કોપરમાં સાડાબાર ટકાથી વધુ, એલ્યુમિનિયમમાં સાડા અગિયાર ટકાનો, કોલસામાં લગભગ આઠ ટકાનો અને લોખંડમાં સાડા ચાર ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં વિશ્વના કોમોડિટી બજારમાં આ પ્રવાહ ચાલી રહ્યો છે. ક્રિસીલ કંપની તો માને છે કે નિફ્ટી નીચે ગણાતી પચાસ જેટલી ભારતની કંપનીઓની આવક અને ખર્ચમાં ક્રૂડના ઘટેલા ભાવની મોટી અસર પડશે.
ક્રૂડના ભાવઘટાડા પાછળ એના વપરાશના ઘટાડાને આગળ કરાય છે,પણ અમેરિકાને મોટા પ્રમાણમાં મળી આવેલા શેઈલ ગેસના કારણે આ બન્યું છે. આ ગેસ એટલા મોટા જથ્થામાં મળી આવ્યો કે, ૨૦૧૨ના એપ્રિલમાં આ ગેસનો ભાવ દસ લાખ બ્રિટિશ થર્મલ યુનિટે બે ડોલર થઈ ગયો હતો. અલબત્ત, હવે શેઈલ ગેસનો ભાવ વધીને ૩.૪૩ ડોલર થયો છે, પણ આના કારણે, અમેરિકા તેલગેસમાં ૮૮ ટકા સ્વાવલંબી બની ગયું છે. જો ઓબામા શેઈલ ગેસ વાજબી ભાવે નિકાસ કરવા તૈયાર થાય તો સમગ્ર વિશ્વમાં વીજળી માટેના કે બીજા બળતણના ભાવમાં કડાકો બોલે! ક્રૂડ અને સોનાના ભાવ ઘટાડાએ ભારતના શેરબજારને ઊંચકર્યું છે. ભારત માટે, આવા લાભદાયી આર્થિક પ્રવાહો વચ્ચે એક બીજા ખુશખબર આવ્યા છે; તે છે, હવામાનના સમાચાર. ૨૦૧૩-૧૪નું ચોમાસુ વહેલું અને સંતોષજનક રહેવાના અધિકૃત સમાચાર ઓછા આશીર્વાદરૂપ નથી. આમ થાય તો ગ્રામીણ વિસ્તારોની માગમાં સારો એવો વધારો થાય. સારા ચોમાસાના કારણે ગામડાની જરૂરિયાતોની માગ વધશે તેમજ ટ્રેકટર અને ખેતી વિષયક યંત્ર સામગ્રીની માગ વધશે.
હાલમાં વૈશ્વિક અન્ન સહિતની કોમોડિટી બજારમાં અવળી અસર થવાની શક્યતા નથી; કારણ કે, વિશ્વના તમામ ખેતીજન્ય રાષ્ટ્રોમાં પાક વધુ ઊતરવાના અંદાજ મુકાયા છે. ઘઉં અને મકાઈના ઘટેલા વૈશ્વિક ભાવ આની નિશાની છે. સદ્દભાગ્યે ભારત, અન્નનો સંતોષજનક જથ્થો ધરાવે છે. સમગ્ર રીતે વિચારીએ તો, વૈશ્વિક કોમોડિટી બજાર સટ્ટાખોરીથી મુકત થઈ રહ્યું છે. ફુગાવાનો દર નીચે જઈ રહ્યો છે. એવા વાતાવરણમાં જો રિઝર્વ બેંક વ્યાજમાં ઘટાડો કરી ધિરાણ સરળ કરી આપે, તો ૨૦૧૩-૧૪ પછી, નવા વરસમાં આર્થિક વિકાસની શક્યતા વધી જશે. પણ, આવતા દિવસોમાં જ્યારે આર્થિક પ્રવાહો પરનાં કાળાં વાદળો હટી રહ્યાં છે, ત્યારે બાકીનો આધાર ભારતની રાજનીતિ પર છે. વધુ મત લઈ સત્તાનાં સિંહાસન કબજે કરવાની મુરાદ તો દરેક રાજકીય પક્ષ રાખે એ સ્વાભાવિક છે. પણ અમેરિકાએ આણેલી વૈશ્વિકી મંદીમાં ભારત અને વિકાસશીલ દેશો અટવાયા હોય, અને છેલ્લા પાંચેક વરસ બધા પર એના ઓછાયા પથરાયા હોય, અને એના કારણે સામાન્ય માનવીનું જીવન ત્રસ્ત થયું હોય, ત્યારે એમાંથી ઉગારવાની તક સામે આવી હોય તો રાજનીતિ, થોડું સંયમભર્યું અને શીલતાભર્યું વલણ અપનાવી ન શકે ? ગરીબ અને દુ:ખી ભારત પર શાસન કરવાને બદલે તક મળી છે ત્યારે સમૃદ્ધ અને શક્તિશાળી ભારત પર શાસન કરવાનું તો કોઈક આત્મલક્ષી, સંકીર્ણ અને સ્વાર્થી ભારતીયને જ ન ગમે ? આવું વાતાવરણ ન સર્જાય તો સમજવું કે વિકાસની વાત પણ, રાષ્ટ્રના વિકાસ માટે નહીં પણ વ્યક્તિ વિકાસ માટેનું સૂત્ર કે સાધન માત્ર છે.
સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 02 મે 2013