એશિયાઈ રાષ્ટ્રોને ભૂલીશું તો ભીંત ભૂલીશું
વિદેશનીતિ : વિદેશી મૂડીરોકાણ માટે વરસોના સાંસ્કૃિતક સંબંધો ભારતે ભૂલવા ન જોઈએ
ભારત આંતરરાષ્ટ્રીય નજરે કેવું બદલાઈ રહ્યું છે? સ્વરાજના આંદોલન વેળા હજુ અંગ્રેજ હતાં છતાં ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વાર્ષિક અધિવેશન વેળા, આંતરરાષ્ટ્રીય નીતિ અંગેના ઠરાવોમાં શું જોવા મળતું હતું? એ વેળા તો, કોંગ્રેસ જ મુખ્ય રાષ્ટ્રીય પ્રવાહની એક માત્ર પ્રતીક હતી. તો જોવા મળશે કે ભારતીય જનતા એ વેળા પણ પેલેસ્ટાઈનના આરબ પ્રજાના અધિકારને પૂરો ટેકો આપતી હતી. દક્ષિણ એશિયાના રાષ્ટ્રોની સ્વતંત્રતાને સદા ય ટેકો આપતું રહ્યું હતું.
અત્યારનું મ્યાંમાર જે તે સમયે બ્રહ્મદેશ અથવા બર્માના નામે ઓળખાતું હતું. ત્યાં અનેક ભારતીયો વસતા હતા. આગળ જતા ચીન સ્વતંત્ર થયા પછી એણે તિબેટ પર બૂરી નજર નાખી ત્યારથી આજ સુધી ભારત તિબેટની મુકિત અને દલાઈ લામાના સાથમાં ઊભું રહ્યું છે. ગાંધીના સવિનય કાનૂન ભંગ – સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ ગાંધીએ રંગભેદથી રંગાયેલ દક્ષિણ આફ્રિકાથી કર્યો હતો અને ત્યારથી માંડી આજ સુધી ભારત દક્ષિણ આફ્રિકાની રંગભેદ નીતિ સામે લડનારા નેલ્સન મંડેલા અને અમેરિકાના હબસી નેતા માર્ટિન લ્યુથર કિંગના આંદોલનનું ટેકેદાર રહ્યું છે.
ટુંકમાં, કહેવાનું એ છે કે, ભારત પોતાની સ્વતંત્રતા માટે લડતું હતું અને ત્યાર પછી સ્વતંત્ર થયું એ બધા વરસોમાં પોતાના એશિયાઈ ભાઈભાંડુઓની અને દક્ષિણ આફ્રિકાના હબસીઓના રંગભેદની લડાઈમાં સાથે ઊભા રહેવામાં ગૌરવ અનુભવતું રહ્યું છે. પણ જ્યારથી, બજાર આધારિત અર્થતંત્ર અને નવતર મૂડીવાદ વિશ્વમાં પ્રસર્યો છે ત્યારથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાંથી સંસ્કૃિત, સમાનતા, લોકતંત્ર અને પુરાણી સંસ્કૃિતની વિરાસત જેવા મૂલ્યોને બદલે ‘વિદેશી રોકાણ' નામના દેવતાની અસર વધુની વધુ સર્વસ્વ બની જવાની હોય તો આ એશિયાઈ પડોશીની જાણે આપણને બહુ જરૂરત જ ન હોય, એવા આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિદેશનીતિ બની રહ્યા છે.
પરિણામે બૌદ્ધ સંસ્કૃિતનો વિચાર કરતી વખતે આપણને, જપાન અને ચીન, મ્યાંમાર અને ઇન્ડોનેશિયા કે થાઇલેન્ડથી વધુ નજીક અને વધુ વ્હાલા લાગી રહ્યા છે. વિદેશી રોકાણની દોટમાં આમ જ, આપણે વિદેશનીતિમાંથી વરસો જૂની સંસ્કૃિતમાંથી નીતરેલા મૂળભૂત મૂલ્યોની બાદબાકી કરતા રહીશું તો હજારો વરસોનો ઇતિહાસ કહે છે કે, આપણે ભીંત ભૂલ્યા જેવું કરી બેસીશું. કારણ ચીનને એશિયા અને આફ્રિકામાં આવવું છે. તેની પાછળ બહુ જુદી ગણતરી છે, નહીં કે મૂડીરોકાણ કરી ભારતને માલામાલ કરવું છે.
ચીનને એશિયા અને આફ્રિકા તરફ આવવાનું કારણ વિશ્વપર એને યેનકેન પ્રકારેણ પોતાનું વર્ચસ્વ વધારવાનું છે. પણ ભૂલવા જેવું નથી કે, પૂર્વ એશિયાની 1998-99ની નાણાંકીય કટોકટી, 2008ની અમેરિકન પેઢી લેહમેનના દેવાળા પછી આવેલી વિશ્વવ્યાપી આર્થિકમંદી અને છેલ્લે પ્રસરેલી યુરોપિયન દેશોની આર્થિક કટોકટી પછી વિશ્વ બદલાઈ ગયું છે. ટચુકડો વિએટનામ, શહેરી રાજય સિંગાપોર કે દક્ષિણ અમેરિકાનું બ્રાઝિલ કે હોંગકોંગની ઉવેખના ભલભલાને ભારે પડી રહી છે.
આર્થિક દૃષ્ટિએ પણ, નવતર મૂડીવાદના વરસોમાં આવું જ બની રહ્યું છે. એટલે જ ‘GO EAST'ની વાત વિશ્વભરમાં સ્વીકારાઈ રહી છે. એશિયાના જે પડોશી રાજયો તરફ આપણી વિદેશીનીતિ બેધ્યાન છે તે – ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા, વિએટનામ, સિંગાપોર, ફિલિપાઇન્સ સહિતના દસ દેશોએ ‘એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ’ (ASEAN)ની સ્થાપના કરી છે. આ દેશોની કુલ વસતી 6300 લાખની છે. પંદર વરસથી એનો વાર્ષિક વિકાસ દર સતત છ ટકા રહ્યો છે.
એ ‘એસિએન'ના દસ દેશો એક જ રાષ્ટ્ર હોત તો તે વિશ્વનું સાતમાં નંબરનું વિકાસશીલ રાષ્ટ્ર બન્યું હોત અને તે પણ ભારત કરતા આગળ હોત. એનું જીડીપી 2.4 ટ્રિલિયન ડોલર ભારતથી વધુ છે. ખૂબી તો એ છે કે, વિએટનામના ચીન વિરોધી તોફાનો કે થાઇલેન્ડના સૈન્યના બળવાએ એમના રોકાણ પર કશી વિપરીત અસર કરી નથી. ANZ બેંક તો માને છે કે, ‘એસિએન' ચીન અને ભારતની જેમ એશિયાના વિકાસનો ત્રીજો સ્તંભ સાબિત થયો છે.
આપણને મૂડીરોકાણનું ઘેલું લાગ્યું છે અને તાજેતરના વડાપ્રધાનના અમેરિકાના પ્રવાસ પછી આપણે માનીએ છીએ કે, ‘ભારતે અમેરિકાને ગાંડુ કર્યું છે' તો નોંધી લઈએ કે, અમેરિકાનું ત્રીજા ભાગનું રોકાણ ‘એસિએન' રાષ્ટ્રોમાં છે. ચીન, ભારત, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, તાઇવાન અને ન્યૂઝીલેન્ડ એ પ્રત્યેક દેશ કરતાં વધુ રોકાણ છે. આ દેશો નાના છે એટલે ‘એસિએન'ની ઉપેક્ષા વિદેશીનીતિ અને રોકાણ બંને રીતે ગેરવાજબી છે.
છતાં મોદી સરકાર ભારતમાં સ્થપાયા પછી ‘એસિએન'ની વ્યાપારિક સંબંધો અંગેની બેઠકમાં ભારતને નિમંત્રણ હતું પરંતુ ભારતના વ્યાપાર મંત્રી નિર્મળા સેતુરામને વડાપ્રધાનની ‘જનધન યોજના' ઉદ્દઘાટનમાં હાજરી આપવાના કારણે ‘એસિએન'ની મુલાકાત છેક, છેલ્લી ઘડીએ રદ્દ કરી એ શું વાજબી ગણાય ખરું ? ભારત એના વરસો જૂના પડોશી રાષ્ટ્રોને ન ભૂલે એમાં એનું ભલું છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 16 અૉક્ટોબર 2014